ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૧૩)

દાદાઈ દ્ષ્ટિએ ચાલો, પતિઓ....

પતિના મૂંઝવતા પ્રશ્શનો આમ,

દાદા ક્લિયર કરે ટ્રાફિક જામ!

પ્રશ્શનકર્તા : આપણને ઘરમાં કોઈ વસ્તુનું ધ્યાન રહેતું ના હોય, ઘરનાં આપણને ધ્યાન રાખો, ધ્યાન રાખો એમ કહેતાં હોય, છતાં ના રહે તો તે વખતે શું કરવું ?

દાદાશ્રી : કશુંય નહીં. ઘરના કહે કે, 'ધ્યાન રાખો, ધ્યાન રાખો.' ત્યારે આપણે કહેવું કે, 'હા, રાખીશું.' આપણે ધ્યાન રાખવાનું નક્કી કરવું. તેમ છતાં ધ્યાન ના રહ્યું ને કૂતરું પેસી ગયું ત્યારે કહીએ કે, 'મને ધ્યાન નથી રહેતું.' એનો ઉકેલ તો લાવવો પડે ને ? અમનેય કોઈએ ધ્યાન રાખવાનું સોંપ્યું હોય તો અમે ધ્યાન રાખીએ, તેમ છતાં ના રહ્યું તો કહી દઈએ કે, 'ભઈ, આ રહ્યું નહીં અમારાથી.'

એવું છે કે, આપણે મોટી ઉંમરના છીએ એવો ખ્યાલ ના રહે તો કામ થાય. બાળક જેવી અવસ્થા હોય તો 'સમભાવે નિકાલ' સરસ થાય. અમે બાળક જેવા હોઈએ. એટલે અમે જેવું હોય તેવું કહી દઈએ, આમેય કહી દઈએ ને તેમેય કહી દઈએ, બહુ મોટાઈ શું કરવાની ?

કસોટી આવે એ પુણ્યશાળી કહેવાય ! માટે ઉકેલ લાવવો, જક ના પકડવી. આપણે આપણી મેળે આપણો દોષ કહી દેવો. નહીં તો એ કહેતાં હોય ત્યારે આપણે ખુશ થવું કે, ઓહોહોહો.... તમે અમારો દોષ જાણી ગયા ! બહુ સારું કર્યું ! તમારી બુદ્ધિ અમે જાણીએ નહીં.

પ્રશ્શનકર્તા : વાઇફ એમ કહે કે તમારાં પેરેન્ટસને આપણી સાથે નથી રાખવાનાં કે નથી બોલાવવાનાં, તો શું કરવું ?

દાદાશ્રી : તો સમજાવીને કામ લેવું. ડેમોક્રેટીક રીતે કામ લેવું. એના પેરેન્ટસને બોલાવવાનાં ખૂબ સેવા કરી આપવી....

પ્રશ્શનકર્તા : મા-બાપ ઘરડાં હોય, મોટી ઉંમરના વડીલ હોય, એક તરફ મા-બાપ છે અને બીજી તરફ વાઇફ છે તો એ બન્ને વચ્ચે પહેલી વાત કોની સાંભળવી ?

દાદાશ્રી : વાઇફની જોડે એવો સરસ સંબંધ કરી દેવો કે વાઇફ આપણને એમ કહે કે તમારાં મા-બાપનું ધ્યાન રાખો ને ! આમ શું કરો છો ? એ વાઇફ પાસે મા-બાપનું જરા અવળું બોલવું. આપણા લોક તો શું કહે ? એ મારી મા જેવી કોઈની મા નથી. તું બોલ બોલ ના કરીશ. પછી પેલી અવળી ફરે તો આપણેય કહીએ માનો સ્વભાવ આજથી એવો જ થઈ ગયો છે. ઇન્ડિયન માઇન્ડ અવળું ફરવાની ટેવ હોય, ઇન્ડિયન માઇન્ડ છે.

વહુને ગુરુ કરે ત્યાંથી ફેર,

વહુ મીઠી ને મા કડવી ઝેર!

તું જાણે છે કે લોકો વાઇફને ગુરુ કરે એવા છે ?

પ્રશ્શનકર્તા : હાજી, જાણું છું.

દાદાશ્રી : તે ગુરુ કરવા જેવું નથી, નહીં તો મા-બાપ ને આખું કુટુંબ મુશ્કેલીમાં મુકાય. અને ગુરુ કર્યા એટલે પોતેય મુશ્કેલીમાં મુકાય. એનેય રમકડું તરીકે રમવું પડેને ? પણ મારી પાસે આવેલાં ને એવું ના બને. મારી પાસે ઓલ રાઈટ ! હિંસક ભાવ જ ઊડી જાય ને ! હિંસા કરવાનો વિચાર જ ના થાય. કેમ કરીને સુખ આપવું એ જ વિચાર થાય.

પ્રશ્શનકર્તા : એની અસર નવી આવનાર પર પણ થાય ને ?

દાદાશ્રી : હા, એને જો સંસ્કાર લાગે તો બધું સુધરી જાય, ફેરફાર થઈ જાય.

તે અમારો એક ભત્રીજો હતોને, તે છત્રીસ વર્ષનો થઈને મારી પાસે આવ્યો અને હું એના કરતાં ૨૦ વર્ષે મોટો ને મને કહે છે, મારી બા અન્યાયી છે. એટલે પછી મેં કહ્યું, તારી માએ તને નવ મહિના પેટમાં રાખ્યો'તો. અને પછી અઢાર વર્ષ પાછળ કુરકુરિયું ફેરવે એમ ફેરવ્યો, એટલે આજ તારી મા ખરાબ છે ને તારી પત્ની સારી છે એમ ? નવ મહિના પેટમાં રાખ્યો બિચારીએ. અને અઢાર વર્ષ પાછળ કુરકુરિયું ફેરવે એમ ફેરવ્યો. મૂઆ, ફેરવ્યો હશે કે નહીં અઢાર વર્ષ ? વહુની વાત સાચી ? પછી દ્ષ્ટિ ફરી ગઈ. આ મારો શબ્દ કડક સાંભળ્યોને, દ્ષ્ટિ ફરી ગઈ પછી. ચાર-પાંચ ફેરે કહ્યું, મારા બા એવા નથી. આ તો ઘેન ચઢ્યો'તો વહુનો. વહુનો ઘેન ચઢે ! અને વહુના ઘેનમાં છે તે તુલના કરવા બેઠા. આ રોગ કાઢવા માટે કહું છું. વહુના ઘેનમાં માને ખરાબ કહે છે. ઘેન ચઢે વહુનું ? કે ના ચઢે ?

એ છોકરાએ પછી ચાર વર્ષે આવીને પછી મને કહે છે, મારી ભૂલ હતી તે દહાડે. હવે મને લાગ્યું કે મારી મધર એવાં નથી. ઘેન ઉતારી દીધું હડહડાટ, મારી ઠોકીને. ૩૬ વર્ષનો ને બી.કોમ. થયેલો મોટો ઑફિસર. અને મારાં પત્ની ઊભાં હતાં ને મેં એને આમ કહ્યું, તે મારાં પત્ની કહે, ના કહેવાય, આવું ના કહેવાય. શું કહેવાય ત્યારે ? એનો રોગ ના કાઢીએ તો પછી હું એનો દાદા ગણાઉં ? દાદો થયેલો છું. તે કેવો પણ શબ્દ બોલ્યો આવું ! કોઈ બોલ્યું હશે, નાગો શબ્દ આવું કોઈ ? કે નવ મહિના તો તારી માએ પેટમાં રાખ્યો એ હું જાણું છું. મેં જોયેલું તારી માનું પેટ. એવુ મોંઢે કહ્યું પાછું. પછી અઢાર વર્ષ પાછળ કુરકુરિયું ફેરવે એમ ફેરવ્યો છે તને. અને હવે મારી મા ખરાબ છે એમ કહે છે ! રોગ નીકળી ગયો, પણ ઘેન ઊતરી જાયને ! ઘેન ઊતારવા માટે અમારા કડક શબ્દો હોય છે ! આ કડકાઈમાં બીજું કશું નહોતું, ઘેન ઊતરવા માટેની આ દવા છે ! નર્યું ઘેન, ઘેન, ઘેન !

આ પહેલેથી જ છે એ જ બોલું છું. અત્યારે સાપેક્ષ બોલું તો લોકો સમજતા નથી, ભાન જ નથી ત્યાં આગળ. એક માણસ તો એની વાઇફ જતી હતીને, તે પાછળથી કહે છે, 'અરે બા, અહીં પાછા આવો, બા પાછા આવો.' મેં કહ્યું, 'અલ્યા આ વહુ છે તારી !' કારણ કે સાડી એવી દીઠી કે એના મનમાં જાણે કે આ મારી બા જ જાય છે, એવું આ જગત છે. સમજવું તો પડશેને ?

બન્ને રિસાય તેમાં શો ભલીવાર,

પૈણ્યો પણ ન વળ્યો શુક્કરવાર !

અમે તો શું કહ્યું આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય તો જોખમદારી અમારી. પણ આ આજ્ઞા પાળવી જોઈએ. આજ્ઞા અઘરીય નથી. તમે પ્રેક્ટિસ કરવા માંડો.

પ્રશ્શનકર્તા : પાડવા માંડી.

દાદાશ્રી : તમે પાડવા માંડી ને ! પ્રેક્ટિસ અત્યારે પાડ પાડ કરો. નહીં તો એ સહજ નથી એ વસ્તુ. કારણ કે નવું ઇન્જીન હોયને, તેય ઘસારો ના પડ્યો હોય તો ચાલે નહીં. તે આપણે હેન્ડલ માર માર કરીને રાગે પાડવું પડે ! નવી વહુ જોડેય રાગે પાડવું પડે. બધું નવું નવું હોય તો રાગે પાડવું પડે. પહેલે દહાડે વહુ રિસાઈ હોય અને આપણેય રિસાઈએ તો ભલીવાર ક્યારે આવે ? જો રિસાઈ હોય તો આપણે ધીમે રહીને કહેવાનું, ગભરાશો નહીં, આપણે એક જ છીએ. આમ તેમ કરીને પટાવી પટાવીને કામ લેવું. એય રિસાય ને આપણે રિસાઈએ તો રહ્યું શું પછી ? કામ લેતાં આવડવું જોઈએને, ના આવડવું જોઈએ ?

જો બધા ખુશ થઈ જાય છેને બધા ! વાત સમજવી પડશે કે નહીં ! હું તો સ્વતંત્ર કરવા આવ્યો છું તમને. કોઈ બોસ નથી, નો બોસ. બોસ તમારી વાઈફ ! એને એકલીને સાચવી રાખજો. કારણ કે એ જલેબી કરી આલે, ભજિયાં કરી આલે, ખુશ રાખો તો સારું કે નાખુશ રાખો તો ?

પ્રશ્શનકર્તા : ખુશી રાખો તો.

દાદાશ્રી : હં.

પ્રશ્શનકર્તા : મારે તો એય નથી કરી આપતી.

દાદાશ્રી : એ મારી પાસે તેડી લાવજે. હું એને સમી કરી આપીશ, રિપેર કરી આપું છું.

પ્રશ્શનકર્તા : વાઇફ ડૉક્ટર છે એટલે દવાખાનું ચલાવે છે. એટલે ટાઈમ ના મલેને એટલે !

દાદાશ્રી : તોય હું રીપેર કરી આપીશ. મને બધું રિપેર કરતાં આવડે. નવાં મશીનો રિપેર કરું. જૂનાંય કરું અને એન્ગેજડ મશીને રિપેર કરું, એન્ગેજડ !

પ્રશ્શનકર્તા : વહુને કેવી રીતે રાખવી એ વાત બહુ ગમી.

દાદાશ્રી : મોંઘી વહુ ને સસ્તી વહુ !

પ્રશ્શનકર્તા : હમણાં કહ્યુંને તમે બધા મોંઘી વાઇફ લઈ આવ્યા છે. તો મોંઘી ને સસ્તીમાં ફરક શું ? ખબર કેવી રીતે પડે કે આ મોંઘી વહુ છે ને આ સસ્તી વહુ છે ?

દાદાશ્રી : આ સસ્તી વહુ એટલે લો ક્વૉલિટી હોયને, એટલે સસ્તી. આ હાઈ ક્વૉલિટીવાળી મોંઘી.

પ્રશ્શનકર્તા : લો ક્વૉલિટી એટલે શું ?

દાદાશ્રી : લો ક્વૉલિટી એટલે એનો સ્વભાવ. ત્યારે કહે ગરીબ વિચાર હોય, ગરીબ સ્વભાવ હોય, વારેઘડીએ જૂઠું બોલતી હોય અને એવું તેવું. ભોળી હોય ! આ તો બધા પાકા, હાઇ ક્વૉલિટી માલ અહીં બધા આવેલા.

પ્રશ્શનકર્તા : અમેરિકામાં હાઇ ક્વૉલિટી માલ આવેલો ?

દાદાશ્રી : હા, સ્ત્રી હાઇ ક્વૉલિટી લાવેલાને. આ કંઈ જેવું તેવું છે ! હં...

થાંભલો અથડાય વારેવારે,

'સ્વજ્ઞાન' વિના ન પુગાય આરે!

પ્રશ્શનકર્તા : હું વાઇફને અથડાવાનું ઓછું તો કરું છું, પ્રયત્નો કરું છું, પણ થાંભલો જ ઉપર પડતો હોય તો શું કરવું ? ચરણવિધિ તો રોજ સવારે કરીએ જ છીએ, નવકારમંત્ર બોલીએ છીએ. એટલે વળી થોડું ઓછું અથડાય છે. વાઇફ સાથે અથડાવાનાં આ કર્મો જ હશેને, ગયા જન્મનાં ?

દાદાશ્રી : બીજું શું ? આ અત્યારે પ્રત્યક્ષ દેખાય છે તે જ કર્મો. ગયા અવતારનાં કર્મોથી તો આ પ્રત્યક્ષ દેખાતાં કર્મો ઊભાં થયાં અને એ જ કર્મો નડે છે.

પ્રશ્શનકર્તા : આ કર્મ કાપવાનો કંઈ માર્ગ ખરો ?

દાદાશ્રી : શુદ્ધાત્મા થઈ જાવ તો, જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાવ તો કામ થઈ જાય.

હિસાબ પાકો છે, પાકો લખેલો. પાછા છો નસીબદાર, પૈસા કંઈ ખૂટતા નથી. ધંધો ચાલુ રહે છેને ?

પ્રશ્શનકર્તા : પણ દાદા, એવા તો આજ સુધીમાં કેટલાને દુઃખ દીધા હશે, એવા અન્યાય તો આપણાથી કેટલા થઈ ગયા હશે મનુષ્યોથી ?

દાદાશ્રી : એવું બધું ગણતરીમાં નહીં પડવાનું શું ? થઈ ગયું એ ગોન.

પ્રશ્શનકર્તા : હવે પછી નહીં કરવાનું ?

દાદાશ્રી : હવે પછી ચેતવાનું. તે એકુય ના થાય. ગયું એને શું કરવાનું, ગયું એને શું રડવાનું ?

પ્રશ્શનકર્તા : કંઈ નહીં.

દાદાશ્રી : અત્યાર સુધીમાં કેટલા અવતારથી, કેટલા ધણી કર્યા હશે ? એને ક્યાં પડવા જઈએ ? આ મને તો કંઈ હીરાબા એક જ વખત મલ્યા હશે કંઈ ! કેટલાય મલ્યા હશે એવા ! આને ક્યાં ગણવા જઈએ આપણે કે એક ફેરો આવા મળ્યા હતા, મને એક ફેરો આવા મલ્યા હતા ને...!! કોઈ ફેરો બચકાં ભરે એવાંય મલ્યા હોય, બધુંય મલે. ઘરમાં પેસીએ તે પહેલાં જ બચકાં ભરવા માંડે, ક્યાં ગયા હતા અત્યાર સુધી ? મેલને પૈણવું, તે પૈણ્યો તે જ ભૂલ કરી, એવું કહીએ પછી આપણે. જંપીને બેસવા ના દે. બહારથી આવ્યા તોય જંપીને ન બેસવા દે !

આખો દહાડો કૈડ, કૈડ ને કૈડ. અંદર પણ કૈડ ને બહાર માકણ, મચ્છર જે હોય તે કૈડે. રસોડામાં બાઇ કૈડે. મેં એક જણને પૂછ્યું, 'કેમ કંટાળી ગયા છો ?' ત્યારે એ કહે કે, 'આ બઇ સાપણની પેઠ કૈડે છે !' એવીય બૈરી કેટલાક લોકોને મળે છે ને ? આખો દહાડો 'તમે આવા ને તમે તેવા' કર્યા કરે, તે જંપીને ખાવાય ના દે બિચારાને !

વહુની અપેક્ષા, ઘરકામમાં,

ટોક ટોક કરે ચલાવવામાં !

પ્રશ્શનકર્તા : આ લેડીઝ કામ કરીને થાકી બહુ જાય. કામ કહીએને તો બહાના બતાવે કે હું થાકી ગઈ, માથું દુઃખે છે, કેડો દુઃખે છે !

દાદાશ્રી : એવું છેને, તે આપણે એને સવારથી જ કહીએ 'જો તારાથી નહીં કામ થાય, તું થાકી ગયેલી છું', ત્યારે એને પાણી ચઢશે કે ના, તમે બેસી રહો છાનામાના, હું કરી લઈશ. એટલે આપણને કળથી કામ લેતાં આવડવું જોઈએ, આ શાક સમારવામાંય કળ ના હોયને તો અહીં લોહી નીકળેલું હોય. અલ્યા મૂઆ, શાક સમારું છું. છરી ને આ શાક, બેઉ જુદું છે તોય આ લોહી કેમ કાઢ્યું ? ત્યારે કહે, આવડતું નથી, શાક સમારતાં આવડતું નથી. લોહી નીકળે કે ના નીકળે ?

પ્રશ્શનકર્તા : નીકળે ને.

દાદાશ્રી : તારે નીકળેલું કોઈ દહાડો.

પ્રશ્શનકર્તા : ઘણીવાર નીકળેલું.

દાદાશ્રી : ત્યાર પછી, આવું છે બધું !

ઘરનો ધણી 'હાફ રાઉન્ડ' ચાલે જ નહીં, એ તો 'ઓલ રાઉન્ડ' જોઈએ. કલમ-કડછી-બરછી, તરવું-તાંતરવું ને તસ્કરવું. આ છ એ છ કળા આવડવી જોઈએ માણસ ને.

પ્રશ્શનકર્તા : ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યા જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો !

દાદાશ્રી : તો એમને હાથમાં આપી દેવું. એમને સોંપી દેવી ગાડી. ભાંજગડ જ નહીં. ડાહ્યો માણસ ! કચકચ કરતો હોયને તો એને કહીએ અલ્યા તું ચલાવ, બા !

પ્રશ્શનકર્તા : ત્યારે એ કહેશે, મારો જીવ ના ચાલે.

દાદાશ્રી : કેમ ? ત્યારે કહીએ, તમને શું થાય પાછો વાંધો ? ત્યારે ત્યાં તને શું ઊંચી બાંધી છે કે તું ટોક ટોક કરે છે, એ તો એને સોંપી દે. આ તો ડ્રાઇવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું.

પ્રશ્શનકર્તા : ડ્રાઇવર જતો રહે.

દાદાશ્રી : ડ્રાઇવર ચલાવતો હોયને તો ટોકું તે પહેલાં ડ્રાઇવર આવડી બોલે. ડોન્ટ સ્પીક ! બોલશો નહીં કહેશે. આ તો ઘરના માણસ. ઘરકી મુરગી દાળ બરાબર કરી નાખી લોકોએ.

તારી જીવન દોરી તો એના હાથમાં સોંપી છે અને પાછું એની જોડે જ લડે છે. હવે પેલાનું મગજ જતું રહે તો શું થઈ જાય ? એટલે અમુક જણ જોડે વઢવાડ ના થાય એ લોક જાણતું નથી. અરે વાળંદ જોડે લડવાડ કરે અને તેય હજામત કરતો હોય ત્યારે. અલ્યા હમણે અસ્ત્રો વાગી જશે.!

ઘર ઝઘડે, લે પત્નીનો પક્ષ,

જે શરણે આપણી તેને રક્ષ !

પ્રશ્શનકર્તા : પત્નીનો પક્ષ ના લઈએ તો ઘરમાં ઝઘડો થાય ને ?

દાદાશ્રી : પત્નીનો જ પક્ષ લેવાનો. પત્નીનો લેજોને, કશો વાંધો નહીં. કારણ કે પત્નીનો પક્ષ લઈએ તો જ રાતે સૂઈ રહેવાયને નિરાંતે. નહીં તો સુવાય શી રીતે ! ત્યાં કાજી-બાજી ના થવું.

પ્રશ્શનકર્તા : પાડોશીનો પક્ષ તો લેવાય જ નહીંને ?

દાદાશ્રી : ના, આપણે હંમેશાં વાદીના જ વકીલ રહેવું, પ્રતિવાદીના વકીલ ના થવું, આપણે જે ઘરનું ખઈએ તેના જ.... અને સામાના ઘરની વકીલાત કરીએ, ખઈએ આ ઘેર. એટલે સામાને ન્યાય તોલીયે નહીં તે ઘડીએ ! અન્યાયમાં આપણી વાઇફ હોય તોય આપણે એના હિસાબે જ ચાલવું. ત્યાં ન્યાય કરવા જેવું નહીં કે આ તારામાં જ અક્કલ નથી તેથી આ... કાલ જમવાનું ત્યાં આગળ છે, તું તારી કંપનીમાં જ તું વકીલાત કરું છું ! એટલે પ્રતિવાદીના વકીલ થઈ જાય.

એવું ઘણા ફેરા બને છે એવા અક્કલવાળા કે પેલાનો ન્યાય તોલવા જાય. મૂઆ એ ન્યાય તોલવાનું હોય નહીં. એ વહુ કહે એ પ્રમાણે હા કબૂલ એક્સેપ્ટેડ. પછી આપણે વહુને ખાનગીમાં કહેવાનું, આવું તેવું કરવું નહીં. તો ભાંજગડ નહીં આપણે. પણ ત્યાં આગળ તો વહુનું કહેલું જ સાચું છે, કહેવું.

પ્રશ્શનકર્તા : પુરુષનો જે અહ્મ છે, એ છે તો સ્ત્રી જોડેનું અથડામણનું કારણ હોય છે, એટલે સ્ત્રી એને વારંવાર કહે છે કે તારો અહમ્ છે આ, તારો અહમ્ છે. હવે આ અહમ્ હતો એટલે તો પુરુષ થયો. હવે અથડામણ ના થાય, એનું શું નિરાકરણ ?

દાદાશ્રી : મમતાને લઈને અથડામણ થાય છે.

પ્રશ્શનકર્તા : અહમ્ને લઈને નહીં ?

દાદાશ્રી : એ મમતા અહમ્ને લઈને જ છેને ! પણ એ મમતા ના હોય તો અથડામણ ઊડી જાય.

પ્રશ્શનકર્તા : આ જે મમતા છે એટલે અથડામણ થાય છે. તો હવે આ મમત્વ, એમાંથી બહાર નીકળવું કેવી રીતે ?

દાદાશ્રી : નીકળી જ ગયા છેને મમતામાંથી ! છે જ ક્યાં હવે મમતા ! તમે શરીર જ પોતાનું નહીં માનતા ત્યાં ! મમતા તો તમે સોંપી દીધી દાદાને.

પ્રશ્શનકર્તા : બરાબર છે, પણ આમ ખબર કે આ મારું નથી એમ. છતાં અથડામણ રહી ને, અહમ્ કે મમત્વ ગમે તે કારણે, દરરોજના વ્યવહારમાં અથડામણ રહીને !

દાદાશ્રી : અથડામણ તો એ કહે કે તમારું આ અહમ્ છે, તો આપણેય જાતને કહેવું, કે ભઈ આ, ચંદુભાઈ આ અહમ્ જ છેને તમારું. આપણે કંઈ ના જાણીએ ?

પ્રશ્શનકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : એય કહેને આપણેય કહેવું. આપણે એમના પક્ષમાં બેસી જવું અને પેલો થર્ડ પાર્ટીને 'ચંદુભાઈને' જુદો કરી નાખવો.

પ્રશ્શનકર્તા : એક જનરલ પ્રશ્શન છે. હસબન્ડ-વાઇફમાં, કે દસ વખત હસબન્ડ કોઈ પોતાનું ડિસિઝન લે, દસ વખત કરેક્ટ હોય એનું, ત્યારે પેલી સ્ત્રી કંઈ વખાણે નહીં, કે કંઈ કહે નહીં. કોઈ દસ કાર્ય કરે, એ એના કરેક્ટ નીકળે, તો એની વાઇફને કશો કોઈ રિસ્પોન્સ ના હોય. પણ કોઈ અગિયારમું કાર્ય એનાથી બગડે તો પેલી એકદમ તરાપ મારે કે તમે ડફોળ છો, તમે આવા છો, તમે કેમ આવું બગાડ્યું, કહે, આવું આવું થયા કરે.

દાદાશ્રી : એમાં એ થયા કરે તો આપણે શું કરવાનું તો ! આપણને ખબર પડેને કે આવું કર્યું છે, તો આપણેય મહીંથી પોતાની જાતને કહેવું કે ચંદુભાઈ તમે આવું શા હારુ કર્યું તે ! કોઈકને કહેવું પડે, એવું તમે આવું શું કરવા કરો છો ! બૈરીનો સમભાવે નિકાલ તો કરવો જ પડે ને !

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : આપણે જાણ્યુંને, કે આવી છે. એવી ના હોય તો કહેવું કે ભઈ એવી નથી, એ તમે જેવું માનો છો એવું નથી, ત્યારે કહે, સમજાવો. પછી કહીએ આ રીતે છે તો એય સમજી જાય. આપણે (શુદ્ધાત્મા) થર્ડ પુરુષ તરીકે છે. થર્ડ પુરુષને વગર કામના ફર્સ્ટ પુરુષ (ચંદુભાઈ) થવાની કંઈ જરૂર ? બચાવ હોય નહીં આપણે !

પ્રશ્શનકર્તા : ના, બચાવ નથી આ.

દાદાશ્રી : અધૂરું કાપશો તો ફરી ફરી નીકળશે. કાચું કાપશો તો ફરી બાફવું પડશે અને એક ફેરો દાળ કાચી ઉતારી અને ફરી ચઢાવા માંડી તો વાર લાગશે. અરે ચઢવા દો ને નિરાંતે પૂરેપૂરું. નહીં તો ઠીંગરઈ જાય દાળ.

કર પતિનો સમભાવે નિકાલ,

કહે, તમે નોબલ છો, કમાલ !

પ્રશ્શનકર્તા : તમે તો એમને પુરુષોને બતાડ્યુ ંકે તમારે નોબેલ થઈને કહેવું કે ભઈ આ મારી ભૂલ છે. ફરી અડધા કલાક પછી પૂછે તોય પાછું એવું કહેવું ! એ લોકોને કેવો સરસ રસ્તો બતાડ્યો. અમને બહેનોને પણ બતાવોને પુરુષાર્થ કરીએ એવો ? અમને તાંતો જ ના રહે એવો રસ્તો બતાડોને ?

દાદાશ્રી : આપણે છે તે પછી કહી દેવાનું કે.... સરસ છે. તમે તો મહાન પુરુષ છો, કે બધું આ તમે એક્સેપ્ટ કરો છો, અમારાથી એક્સેપ્ટ ના થાય, એટલે થઈ ગયું, ધોવાઈ ગયું. અને તમે તો મહાન પુરુષ છો, તમને ચા પાવી જોઈએ મારે. ચા-બા કરી આપવી. એની મહાનતા દેખાડવી જોઈએ.

પ્રશ્શનકર્તા : ધંધામાં, બહાર કે વેપારી જોડે ઘરાક જોડે કંઈ થયું હોય, તો આવું કરીને વાળી લે. પણ અહીંયાં ઘરમાં નથી એવું થતું.

દાદાશ્રી : ઘરમાં થાય કે ? ચીકણી ફાઈલને ! પેલી ધંધામાં મોળી ફાઈલ !

પ્રશ્શનકર્તા : ત્યાં તો લોભ ખરોને, આ જતો રહેશે ઘરાક ! પૈસાનો લોભ, પોતાના ધંધાના મોભાનો લોભ. એ બધું ખરુંને ! એટલે ત્યાં પેચ અપ કરી નાખે.

દાદાશ્રી : એ તો અહીંયાંએ લોભ જ છે ને ! અંદરખાને એમ સમજે કે આપણી કશી કિંમત જ શી રહી ! આ કિંમત કરવા માંડે. અહીં લોભ જ છે બધો.

પ્રશ્શનકર્તા : દાદા, આ બેન કહે છે કે તો પછી હવે અમારે પુરુષોને કંઈ પણ, કશું ટકોર કે કશું કહેવાનું નહીં. અમારે એવો પુરુષાર્થ કરવાનો ને ?

દાદાશ્રી : ના, કહેજોને ! એના સિવાય નિકાલ શી રીતે થાય !

પ્રશ્શનકર્તા : બેન એમ કહે છે કે પુરુષ તો એની નોબિલિટી બતાવી અને છૂટી ગયો, પણ એમાં હવે સ્ત્રી આવી ટકટક કરે, કચકચ કરે, તો એ કેટલાં કર્મ, દોષ બાંધે ?

દાદાશ્રી : કશું દોષ બાંધે નહીં. એને ફરી પાછી આ ચોપડી ઉથામવી પડશે. જે કેસ ચોખ્ખો ના કર્યો હોય, ફરી ચોખ્ખું કરવું પડે ને !

પ્રશ્શનકર્તા : એને કરવું નથી છતાં એના સ્વભાવને લીધે કરે છે સ્ત્રી, તોય એને પાછું ઉથામવું પડવાનું ?

દાદાશ્રી : ઉથામવું એટલે એ ચોખ્ખું તો કરવું જ પડશે ને ?

પ્રશ્શનકર્તા : જે સ્ત્રી લેટ ગો ના કરે, એણે પાછું ફરી આ ધોવું પડશે જ ગમે ત્યારે ?

દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! આ તો ન્યાય છે, ન્યાય રાજાનેય છોડે નહીં ને રાણીનેય છોડે નહીં, ન્યાયાધીશનેય છોડે નહીં ને ગુનેગારનેય છોડે નહીં.

પ્રશ્શનકર્તા : હા, ન્યાયાધીશનેય ના છોડે.

દાદાશ્રી : હા, કોઈને છોડે નહીં.

પ્રશ્શનકર્તા : આપણાથી ધણીને ટોકઈ જવાય કે પછી આપણે એને ટોકવાનું રોકી શકીશું ?

દાદાશ્રી : રોકી શકાય તો સારું, પણ રોકાય નહીં ને ! આપણી ભાવના હોવી જોઈએ કે રોકાય એટલું સારું. નહીં તો પછી તીર છૂટી ગયું તો પછી....

પ્રશ્શનકર્તા : ઘણી વખત સ્ત્રીનું સાચું હોય અને પુરુષનું ખોટું હોય છતાં પુરુષ કહે કે ના, મારું જ સાચું. અને એમ માને કે સ્ત્રીને બુદ્ધિ તો પગની પાનીએ, એમ કરીને એને ઉડાડી મૂકે, એને ચાલવા જ ના દે. એનું શું ?

દાદાશ્રી : ક્યારે ચાલવા ના દે ?

પ્રશ્શનકર્તા : એટલે સ્ત્રીનું સાચું હોય, તોય એને જૂઠું પાડે, એક્સેપ્ટ ના કરે એને.

દાદાશ્રી : આપણું ચાલવા ના દે તો સારું. જોખમદારી નહીંને કોઈ જાતની ! અને તે 'વ્યવસ્થિત'નાં પ્રમાણે કહે છેને, એ તો વધારે કંઈ કહેવાનો છે ! ના ચાલવા દે, એમાં વ્યવસ્થિત છેને ! એ કંઈ ઓછું ગપ્પું છે !

પ્રશ્શનકર્તા : પણ એ સમજણ તે વખતે હોવી જોઈએને ?

દાદાશ્રી : નહીં હોય તો આવશે, માર ખાઈને આવશે. સમજણ તો માર ખાઈનેય આવશે જ ને ! બધું 'વ્યવસ્થિત' છે.

પ્રશ્શનકર્તા : ધણી પોતાનું ધારેલું કરે, પછી એ બગડી જાય, ઉંધું થઈ જાય, સ્ત્રીની સાચી સલાહ હોય પણ એ ના લે અને એ પોતાનું ધાર્યું કરે, પછી બગડી જાય બધું. તો પછી આખા ઘરમાં બધાને ઊંચા-નીચા કરી નાખે, ગુસ્સો કરે ને છોકરાંઓ પર ચીડાય, બૈરી પર ચીડાય, મારે, ભાંગફોડ કરે, થાળીઓ ઉછાળે. તો એ શું કરવું એમ ?

દાદાશ્રી : તે ઘડીએ આપણે સમજી જવું કે મૂડ બગડી ગયો છે, ચા-પાણી પાઈ દેવાં.

પ્રશ્શનકર્તા : બેમાંથી એક ઠંડો ના થાય અને વાળી ન લે, તો ઉકેલ આવે જ નહીં આમાંથી, બરાબર.

દાદાશ્રી : ઉકેલ જ ન આવે ! એ તો ઉકેલ આવે ખરો પણ વેર વધારીને, એ તો મારા લાગમાં આવશે ને ત્યારે.... એ તો લાગમાં લેવાનો તેના કરતાં ઉકેલ લાવવો સારો. લાગમાં નહીં લેવાનો !

પ્રતિક્રમણથી ફાઈલ છૂટી,

નહીં તો એ આવશે થઈ મોટી!

પ્રશ્શનકર્તા : દાદા, આપણે જે વખતે, બે પ્રકૃતિ હોય, હસબન્ડ એન્ડ વાઇફ હોય તો જેને ટોક ટોક કરવાની ટેવ પડી ગઈ છે, તો એ વખતે જેણે દાદાનું જ્ઞાન લીધેલું છે, તો એને ખબર છે કે આ ખોટે રસ્તે ગાડી ચાલી રહી છે, ખોટા પાટા પર, આ વળી જ જવી જોઈએ, પણ દાદા અંદર એટલું બધું આવરણ ગાઢ હોય છે, એ સમજે છે કે તું આ ભૂલ કરે છે, છતાં એ કરે જ છે, એ આવરણ કેવું અને કર્મ પણ કેવાં ? તો એનો કોઈ રોકાટ ખરો, એ વખતે ઇન્સ્ટન્ટ એની પાસે કોઈ એવી ચાવી ખરી કે.... ?

દાદાશ્રી : એ 'વ્યવસ્થિત' ફરે નહીં. ફોટો પડી ગયેલો છે. ફોટો અવળો થઈ ગયેલો છે. અત્યારે આપણને જરૂર એમ લાગે કે આ ફોટો પાડવાની જરૂર નથી પણ, અલ્યા પડી ગયેલાને, તેથી એવું થઈ જાય !

પ્રશ્શનકર્તા : પણ એ વખતે જે ઇમોશનલ થાય, એ બધું બગાડી કાઢે. દાદાનું જ્ઞાન પણ બધું ખોરવી કાઢે, એટલું પાંચ-દસ મિનિટ માટે કે એક કલાક માટે કે એકલા અડધા દિવસ માટે. તો એને એ કેવાં કર્મ પછી બાંધે ?

દાદાશ્રી : ત્યાં બધું 'વ્યવસ્થિત' છે, ફોટો પડી ગયેલો છે, પછી શું ? આપણી ઇચ્છા વિરુદ્ધ.

પ્રશ્શનકર્તા : એ અટકણ કહેવાય ?

દાદાશ્રી : ના. પેલા ફોટા લેતી વખતે કાળજી ન હતી રાખી તે. અત્યારે તો આ જ્ઞાનને લીધે કાળજી છે, બાકી અત્યારેય નાકાળજી હોય.

પ્રશ્શનકર્તા : એટલે પછી એનાં પ્રતિક્રમણ કરીને ધોઈ કાઢવાનું ?

દાદાશ્રી : બસ, બીજું કશું નહીં.

પ્રશ્શનકર્તા : પણ ત્યારે દાદા જરા બહુ દુઃખ લાગે, કે અરરર... કેટલું બધું બગાડી કાઢ્યું ?

દાદાશ્રી : ના, ના, કશું બગાડી નથી કાઢ્યું.

પ્રશ્શનકર્તા : ત્યારે અમે કર્મ બાંધીએ છીએ ? એ કરતી વખતે લોકો કર્મ બાંધે છે ? આજે આ બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એમાં ?

દાદાશ્રી : ના, એમાં તો એને કર્મ કશું ના બંધાય. એ ક્લિયરન્સ ના થયું હોય તો ફરી ક્લિયરન્સ કરવું પડે. ક્લિયરન્સ તો આપણે કરવું જ પડશે !

પ્રશ્શનકર્તા : આ જે ફોટો પહેલા પડી ગયેલો છે. એનો આધાર લઈ અને ભવિષ્યની જિંદગીમાં પણ આખો દિવસ એમ જ કર્યા કરે, કે ફોટો પડી ગયો છે એટલે પાછી બીજી ગાળ દીધે જ જાવ, ઝઘડા કરે જ જાવ.

દાદાશ્રી : ના, એ તો જે કરે તેને કહી દેવાનું કે ભઈ કેમ આવું કર્યું ? પ્રતિક્રમણ કરો હવે. પ્રતિક્રમણ કરો એટલે આપણે છૂટા થઈ ગયા. હવે એ પ્રતિક્રમણ કરે તો છૂટા થાય, નહીં તો ફરી એને ફાઈલ ઉકેલવી પડે.

....જગત બિલકુલ ક્લિયર છે. આપણને ક્લિયર રહેતા નહીં આવડતું એને શું થાય ! જગત શું કરે તે !

પ્રશ્શનકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ?

દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે ? તમે તમારું જ હિત જોઈ શકતા નથી. તે બીજાનું હિત શું જુઓ છો ? સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઈએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઈએ.

પ્રશ્શનકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ?

દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષેય થશે. 'વાઇફ'ના ઋણાનુબંધ બહુ ચીકણા હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણા હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે 'આપણે સમભાવે નિકાલ કરવો છે' એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે. આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઈએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે 'સમભાવે નિકાલ' કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી, બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, હિસાબ ચૂકતે થઈ જ જશે. ને

આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે. હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે, પણ માંગનારો લઈ જ જશે.

પ્રશ્શનકર્તા : બીજું એક મેં જોયું કે આ લોકો જ્યાં ત્યાં બાંધછોડ બહુ કરી નાખે. 'કોમ્પ્રોમાઇઝ' દરેક વાતમાં 'હવે ચાલશે' આ નહીં હોય તો કંઈ વાંધો નહીં, આમ કરશું. એ જ આખી વૃત્તિ આવી ગઈ. પહેલા જે ઇન્સિસ્ટન્સ હતું કે 'નહીં આમ જ થવું જોઈએ. આમ જ કરવાનું છે.' એને બદલે દરેક વાતમાં 'હવે ચાલશે' એ જે આવી મનોવૃત્તિ આવી ગઈ બાંધછોડની એય વૃત્તિ બહુ જ ખરાબ છે. એવું મારું માનવું છે.

દાદાશ્રી : એ તો એવું છેને, બે વસ્તુ છે. એક કોમ્પ્રોમાઇઝ કરે ને બીજો શું કરે ?

પ્રશ્શનકર્તા : વળગી રહે કે નહીં આમ જ કરવું પડશે !

દાદાશ્રી : હા, તે બન્ને ને ભગવાને ખોટા કહ્યા, કે યુઝલેસ ફેલો. શા માટે આમ કરી રહ્યા છો ? ઘેર જઈને બૈરીની જોડે ખઈ પીને મોજ કરો ને ! વળગી રહેનારનેય યુઝલેસ કહ્યા. અને 'ચાલશે' એનેય યુઝલેસ કહ્યા. તમને લાગે છે ભગવાન એ બેઉને કેન્સલ કરે ?

પ્રશ્શનકર્તા : મને લાગે છે ભગવાન એ બેઉને ઇગ્નોર કરતા હશે.

દાદાશ્રી : ના, પણ યુઝલેસ કામના જ નહીં આ. 'મારે ત્યાં તો નોર્માલિટીવાળા આવો પાસે. જ્યારે જરૂર હોય ત્યારે ચલાવી લે અને જરૂર ના હોય ત્યારે એનું એ કરે.'

જેવું 'જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એ !' એવું શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, એવું વ્યવહારમાં હોવું જોઈએ.

ર્ીર્ ીર્ ી

(૧૪)

'મારી'ના આંટા ઉકેલાય આમ !

'મારી મારી' કરી વિંટ્યા આંટા,

'ન હોય મારી' કરી બંધન છૂટા !

એક માણસને એની વાઇફ મરી ગઈ, દસ વર્ષ પહેલાં પૈણ્યો તો. એને પછી વાઇફ મરી ગઈ ત્રણ નાનાં નાનાં છોકરાં મૂકીને એટલે ખૂબ રડતો હતો. અલ્યા, શું કરવા તું રડે છે ? 'મારી વાઇફ મરી ગઈ !' અલ્યા આ ત્રણ છોકરાં છે તે એનાં મોસાળવાળા કહે છે, અમે લઈ જઈશું તમે તમારે શાંતિ રાખોને. ત્યારે કહે, 'છોકરાં લઈ જાય, પણ મારી વાઇફ વગર મને ગમતું નથી ને !' 'અલ્યા, આટલું બધું શું છે તે, તારે ને એને લેવાદેવા ?' પછી એને કહ્યું, 'આટલું બધું રડે છે ? હવે કંઈ પાછી આવવાની છે ?' 'એ પાછી ના આવે પણ મને તો આખો દહાડો સાંભર સાંભર કરે છે. એના સિવાય બીજું કંઈ સાંભરતું જ નથી.' અલ્યા સાંભરે, પણ એ જો પાછી આવવાની હોય તો લે હુંય બીજા લોકોને બોલાવી લાવું, બધા જોડે રડીએ !' ત્યારે કહે, 'ના આવે પાછી.' ત્યારે મેં કહ્યું, 'મેલને પૂળો અહીંથી.' ત્યારે કહે, 'પૂળો શી રીતે મૂકાય ?' 'અલ્યા, કઈ જાતનું માણસ છે તું ? શું આમાં ભૂત પેસી ગયું તે ?' 'લગ્ન કર્યા મેં, પૈણ્યો ને' મેં કહ્યું, 'પૈણ્યો એટલે શું વળી ગયું ? આપણે નથી પૈણ્યા કહીએ.' ત્યારે કહે, 'એમ તો કંઈ ચાલે કે એ તો !' ત્યારે મેં કહ્યું 'જો, કેવી રીતે પૈણ્યો તે હું તને કહી દઉં ?'

પછી મેં એને કહ્યું કે કેટલા વર્ષની તારે આ બાઈ જોડે ઓળખાણ ? ત્યારે કહે, 'કેમ બાવીસ વર્ષનો હું પૈણેલો, નહીં ? મારી વાઇફ એ તો. અમે લગ્ન કર્યું ને !' ત્યારે મેં કહ્યું, હં, તે દહાડે ઓળખાણ થયું. દસ વર્ષ પહેલાં તારી નહોતી. પહેલાં ઓળખાણ તો હતી નહીં ! બાવીસ વર્ષનો થયો ત્યારે તો વહુ જોઈને આને હવે તું કહું છું કે આ મારી વહુ !! તે દસ વર્ષમાં એટલી બધી એકાત્મતા થઈ ગઈ ? કે આટલું બધું તું રડે છે !

પ્રશ્શનકર્તા : પણ વ્યવહારમાં તો રડવું પડે ને ?

દાદાશ્રી : વ્યવહારનું રડવાનું જુદું છે. વ્યવહારનું રડતું હોય તો હું કહું કે થોડો ડાહ્યો છે. હું ખભો થાબડું. ખાલી અહીં પાણી ચોપડી અને પછી મોઢું ધોઈ આવવાનું. એ તો જાણે ઠીક છે. એ તો વ્યવહારમાં સારું કહેવાય પણ પેણે તો એ ખૂબ રડે. દરેક એ રડે જ, કારણ કે વસ્તુ જ એવી છે, દુઃખદાયી થઈ પડે. તે સમજણ નહીં એટલે રડે અને રડવું આવે.

પૈણ્યાના દશ દા'ડા પહેલાં ઓળખતાં નહતાં, ગાડીમાં ભેગી થઈ'તીતે ધક્કો માર્યો'તો, અને તે પછી આણે પાસ કરી એ પછી 'વાઇફ' થઈ લ્યો ! કોની છોડી, કોનો છોકરો ? શું વાત ? નહીં લેવાદેવા ? વાઇફ મરી જાય તે રડે છે પાછા ! શાથી વાઇફ મરી જાય એટલે રડે ? એ ક્યાં આપણી સગી હતી ? માની સગાઈ હતી તે વાત સાચી હતી, ભાઈએય સગાઈ કહેવાય, બેનેય સગાઈ કહેવાય, બાપેય સગાઈ કહેવાય. પણ વાઇફની શી સગઈ કહેવાય ? પારકા ઘરની છોડી, તે ઘડીએ તો આમ ફરો, આમ ફરો કહીએ, પછી વળી મરજીમાં આવે, સહી કરી આલે વળી. સેંક્શન કરે એને અને સેંક્શન કરીને લાવ્યો ઘેર. પછી પાછો મેળ ના પડે તો કહે, ડાઇવોર્સ. ડાઇવોર્સ લે ખરા તમારા ગામમાં કોઈ ?

પ્રશ્શનકર્તા : લેનારા લેતા હશે.

દાદાશ્રી : એમ ?

એટલે કોઈ સંબંધ એની જોડે દસ વર્ષ પહેલાં હતો જ નહીં. અને આ દસ વર્ષમાં એવું તે શું તને ભૂત પેસી ગયું તે આવું આ રડ રડ કર્યા કરે છે ? ત્યારે એ કહે, એ મને ખબર નથી. પણ મને ભૂત પેસી ગયું છે. એ વાત સાચી, ત્યારે મેં કહ્યું. તને ભૂત શી રીતે પેસી ગયું ?

ખરેખર જુઓ તો એક માના પેટે જન્મે છે એટલે સગાઈ એને સાચી લાગે છે, કે આના આધારે કંઈક સાચું છે. પણ તે તો પછી એ જ મા મરી જાય છે, તો જોડે મરતો નથી. એ તો બાળી કરીને ઘેર પાછો આવીને નિરાંતે જમે છે ! માટે આય પોલું છે ! છતાં આમ ભાઈઓ ને બેનો હોય તે તો આપણે જાણીએ કે માના પેટે જન્મ્યા છે માટે મારા છે. એટલે મમતા રહે. પણ સ્ત્રી જોડે શી રીતે મમતા રહે છે ? સ્ત્રી તો આપણી જોડે જન્મી નથી. અઢાર વર્ષ, વીસ વર્ષ સુધી એને ઓળખતા ન હતા. તે ક્યાંથી મમતા પેસી ગઈ ? પણ આ સગાઈ શી રીતે સાચી પેસી ગઈ. તો પૈણ્યો ત્યારથી તારી ? ને તેથી રડવું આવે છે, મૂઆ ?

પૈણતી વખતે ચોરીમાં બેસેને ? ચોરીમાં બેસે એટલે આમ જુએ. હા, આ મારી વાઇફ, એટલે આંટો મારે પહેલો. 'મારી વાઇફ, મારી વાઇફ, મારી વાઇફ' પૈણવા બેઠો ત્યાંથી જ આંટા માર માર કરે તે અત્યાર સુધી આંટા માર માર કરે તે કંઈ કેટલાય આંટા વાગી ગયા હોય. હવે શી રીતે એ આંટા ઉકલે ? મમતાનાં આંટા વાગ્યા !

આ શું કહેશે કે 'આ મારી વહુ, આ મારી વહુ' ને વહુ કહેશે કે 'આ મારા ધણી, આ મારા ધણી આવ્યા.' એ 'મારી વાઇફ'નું ભૂત પેસી ગયું. એ ભૂતેય બહુ જોરદાર નહોતું. એક આંટો માર્યો, મારી વાઇફ એટલે એનો એક આંટો વાગ્યો, એ ભૂત થઈ ગયું. એ આંટો ખોલશો નહીં ત્યાં સુધી તેને ચોંટેલું રહેશે, ભૂતની પેઠ. પછી એ ભૂત સમજ્યો નહીં એટલે પછી બીજો આંટો માર્યો, ત્રીજો.... 'મારી વાઇફ', 'મારી વાઇફ', 'મારી વાઇફ' કેટલા વખત વિચાર આવ્યો દસ વરસમાં ?

પ્રશ્શનકર્તા : કાયમ જ.

દાદાશ્રી : 'મારી વાઇફ, મારી વાઇફ' એ રાતેય 'મારી વાઇફ' માનેને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એ બધા આંટા વાગ્યા. બોલો હવે આ માનસિક આંટા સાયકોલોજિકલ ઇફેક્ટ કેમ તૂટે તે ? તે મને કહે, 'પણ સાયકોલોજિકલ ઇફેક્ટ ખરીને, તે રડવું તો આવેને !' શું થાય આ મમતાના આંટાનું ? આંટા મારેલા, પચાસ લાખ કે એક કરોડ જેટલા આંટા માર્યા ત્યારે એ કહે છે કે 'હવે મેં તો આ ભૂલ કરી હવે એનો ઉપાય શું કરું ?' એટલે આ તો 'મારી' માની કે ભૂત વળગ્યું. અને એ તને રડાવે છે !! એને છોડી નાખને અહીંથી, તો ભાંજગડ મટે ! હવે એકુંય આંટો 'નહોય મારી' એવું બોલ્યો નથી. એટલે ભૂત શી રીતે છૂટે હવે ?

પ્રશ્શનકર્તા : ના છૂટે.

દાદાશ્રી : રડાવ રડાવ કરે. એ જેમ જેમ રડે ને, તેમ તેમ છૂટતું જાય, એ ભૂત જાય ત્યારે એ રડવાનું એનું બંધ થાય. એટલે ભૂલાય એને. નહીં તો ત્યાં સુધી ભૂલાય નહીં.

પછી મેં એને કહ્યું કે હવે 'ન હોય મારી, ન હોય મારી' એવા અજપા જાપ બોલ ! 'આ સ્ત્રી મારી ન હોય, ન હોય મારી' એટલે આંટા ઉકલી જશે. પચાસ હજાર 'મારી મારી' કરીને આંટા માર્યા હોય તે 'ન હોય મારી'ના પચાસ હજાર આંટા મારે તો છૂટું થઈ ગયું ! આ શું ભૂત છે વગર કામનું. તે એણે શું કર્યું. ત્રણ દહાડા સુધી 'ન હોય મારી, ન હોય મારી' બોલ્યા જ કર્યું અને રટણ કર્યા કરે. પેલો રડતો પછી બંધ થઈ ગયો ! આ તો બધા ખાલી આંટા જ વીંટ્યા છે અને તેનો આ ફજેતો થયો છે. એટલે આ બધું કલ્પિત છે બધું. તમને સમજાઈ મારી વાત ? હવે આવો રસ્તો સરળ કોણ બતાવે ?

હવે છોકરાંની સાચવણી કરને ! મૂઆ વહુનું રડ રડ કરીને તું મરી જઈશ, પાછાં છોકરાં બધાં રખડી મરશે. આના કરતાં રોજ શીરો ખઈ અને મજબૂત થઈ જા. લોક કહેશે વહુ મરી ગઈ તે શીરો ખાધો. ત્યારે કહે, હા, છોકરાં તું મોટા કરવાનો છે ? પૈડંુ ભાંગી જાય તો આખું ઘર ભાંગી નાખવું ? એક ભાંગી જાય એ તો. એય શીરો ખઈને મજબૂત થઈને છોકરાને નવડાવીએ ધોવડાવીએ સ્કૂલમાં મોકલીએ. નહીં તો વધારે જોર હોય તો બીજી બીબી લઈ આવવાની. પણ ઓરમાયું સાચવે એવી હોય તો. નહીં તો જોખમ લેવું નહીં એવું. ઓરમાયાંનું જોખમ પહેલું સાચવવું.

અમારો એક ભત્રીજો હતો તે ફરી પૈણવાનું કહેતો હતો, મેં કહ્યું, અલ્યા, જો આગળની છોકરીઓને મારી ના નાખે તો પૈણજે. એટલે પોતાની છોકરીઓ તરીકે ઉછેરે એવી હોય તો પૈણજે, નહીં તો પૈણીશ નહીં કહ્યું ! તોય એ તો પૈણ્યો. બાકી નીકળ્યું સારું એનું, પણ ના નીકળ્યું હોય તો શું થાય ? આવડી અમથી છોડીઓ નાસી જાયને બિચારી. કોણ સાચવી રાખે છોડીઓને ? છોકરા ભાગી જાય તેનો વાંધો નહીં તે છોકરીઓ ભાગી જાય તો મુશ્કેલી ! બધી દવા દાદા પાસે છે. બધા રોગની દવા છે.

'નહોય મારા' કહેવાની મુશ્કેલી,

ક્યાં સુધી જીવીશ આમ વર ઘેલી?

આ તો આપણે મમતા કરી તો બંધાયું. આપણી વસ્તુ કોઈ છે નહીં. દેહ પણ આપણો નથી. જો આપણો હોય તો આપણી જોડે, યારી આપે આપણને. જતી વખતે જુઓને, કેટલી ઉપાધિ કરીને દેહ જાય છે. અને આપણે ઘર ખાલી કરી દેવું પડે છે.

પ્રશ્શનકર્તા : આપણે આ બધી ફાઈલનો બહુ નિકાલ કરી નાખીએ 'ન હોય મારી, ન હોય મારી' કરીને, તો પ્રેમભાવનું શું થાય ?

દાદાશ્રી : ઓહો.... પ્રેમભાવ 'ન હોય મારી' કહે તો ના ઉડી જાય. આસક્તિ ઊડી જાય. આ પ્રેમભાવ હોય જ નહીં ને પણ.

પ્રશ્શનકર્તા : વાઇફ એમ ઉડાડવા ના દે ?

દાદાશ્રી : એ વાઇફને તું જ ઉડાડી મેલને ! સેફ સાઇડ ! આ આટલો વગર કામનો આખા ગામનો બળાપો લઈને સૂઈ ગયો હોય ! પેલાય બળાપો લઈને સૂઈ ગયા હોય ત્યારે પેઠો ક્યાંથી આ ?

પણ જો એવું તે એકદમ ના ઉકેલી નાખશો, હં. એ તો આસ્તે આસ્તે ઉકેલવાના. પેલાને તો એની વાઇફ મરી ગઈ હતી એટલે એણે ઝપાટાબંધ ઉકેલી નાખવાના હતા. મરી ગઈ પછી શું કરવાનું ? એની પાછળ રડ રડ કર્યા કરવાનું ? તે એને ઉકેલ લાવવા ઉપાય બતાવેલો. તમારે તો આસ્તે આસ્તે ચાલવા દેવાનું. તમે એક જ દહાડો બોલો કે 'આ ન હોય મારી' તો અસર થાય છે. તો વધુ ટાઈમ બોલો તો કેટલી અસર થઈ જાય !!

પ્રશ્શનકર્તા : પણ અમે તો આમાં જ રહેવાના હજી. આ માન્યતા અમારી પેલી બંધાઈ ગયેલીને, તે હજુ માન્યામાં નહીં આવે, તમે વાત કરો ખરી પણ માન્યામાં નહીં આવે.

દાદાશ્રી : માન્યામાંય આવે. લોકો કરેય ખરાં એવું. કારણ કે એને રસ્તો જોઈતો હોય, તે રસ્તો દેખાડ્યો મેં, કૂંચી દેખાડી. એ તો કરેય ખરાં. 'ન હોય મારી, ન હોય મારી' કરીને છૂટી જાય એ તો. છોડવું હોય તો છોડી દેજો આવી રીતે.

પ્રશ્શનકર્તા : દાદા, એ કહેવું સહેલું છે, માનવું અઘરું છે.

દાદાશ્રી : શું માનવું અઘરું છે ?

પ્રશ્શનકર્તા : 'ન હોય મારી', એમ.

દાદાશ્રી : જે જાણે તે બોલે ! જાણે એને બોલવામાં શું વાંધો છે ? નહીં તોય ઝઘડો થયાં પછી 'ન હોય મારી', 'ન હોય મારી' થઈને છૂટાં પડી જાય. એની મેળે જ 'ન હોય મારી' થયા કરે. તો આપણે ઝઘડો થયા વગર 'ન હોય મારી' કહીએ તો ? અઘરું કંઈ છે જ નહીં. અઘરું તો બઈ મરી ગઈ પછી જ્યારે થાકીને એ કરવું પડશે કે નહીં કરવું પડે ? આ ઉપાય તો બતાવ્યો, તે એ સુખી થઈ ગયો પણ એ ! યાદ આવે તો 'ન હોય મારી' એણે કર્યું 'ન હોય મારી, ન હોય મારી'.

પ્રશ્શનકર્તા : અનુભવના આધારે બંધાયા હોય, એ કેવી રીતે છૂટે ?

દાદાશ્રી : એય છે તે આ જે 'મારી'ની માન્યતા હતી એ ખોટી હતી. 'ખોટી માન્યતા હતી', એમ કરીને છૂટી જાય. 'આ મારી માન્યતા સાચી છે' તો વધતી જાય. ઓન્લી રોંગ બિલીફ (માત્ર અવળી માન્યતા) છે આ બધી !

આખો દહાડો કામ કરતાં કરતાં ધણીનું પ્રતિક્રમણ કર્યા કરવાનું. એક દહાડામાં છ મહિનાનું વેર કપાઈ જાય અને અર્ધો દહાડો થાય તો માનો ને ત્રણ મહિના તો કપાઈ જાય છે. પરણ્યા પહેલાં ધણી જોડે મમતા હતી ! ના. તો મમતા ક્યારથી બંધાઈ ? લગ્ન વખતે ચોરીમાં સામસામી બેઠા એટલે તેં નક્કી કર્યું કે આ મારા ધણી આવ્યા, જરા જાડા છે ને શામળા છે. આ પછી એમણેય નક્કી કર્યું કે આ અમારાં ધણીયાણી આવ્યાં.' ત્યારથી 'મારા, મારા'ના જે આંટા વાગ્યા તે આંટા વાગ વાગ કરે છે. તે પંદર વર્ષની ફિલ્મ છે તેને 'ન હોય મારા ન હોય મારા' કરીશ ત્યારે એ આંટા ઉકેલાશે ને મમતા તૂટશે. આ તો લગ્ન થયા ત્યારથી અભિપ્રાયો ઊભા થયા, 'પ્રિજ્યુડિસ' ઊભો થયો કે 'આ આવા છે, તેવા છે.' તે પહેલાં કંઈ હતું ? હવે તો આપણે મનમાં નક્કી કરવું કે, 'જે છે તે આ છે.' અને આપણે જાતે પસંદ કરીને લાવ્યા છીએ. હવે કંઈ ધણી બદલાય ?

રંડાપો મંડાપો જીવન ક્રમ,

અસંગ-નિર્લેપ જ્ઞાને અક્રમ.

એમના વાઇફ પાંચ છોડીઓ મૂકીને મરી ગયાં ત્યારે ત્યાં આગળ હું જોવા ગયેલો. તે પછી એક ડૉક્ટરના મનમાં એમ થયું કે આ ભલા આદમી હમણાં તૂટી પડશે. ત્યારે એ પોતે કહે ના એવું કશું નથી. હું દાદાના જ્ઞાનમાં રહ્યો ! ઓફ થઈ ગયાં કે તરત 'વ્યવસ્થિત' સમજીને કમ્પ્લીટ ક્લિયર ! પાંચ નાની નાની છોડીઓ મૂકીને મરી જાય ત્યારે શું થાય ! હા, પણ શું કરવાનું પછી ? માથાં ફોડે, તો ફરી કંઈ આવવાનાં છે ? આપણું 'વિજ્ઞાન' શું કહે છે ? 'વ્યવસ્થિત' થઈ ગયું. એ બે ખોટ અજ્ઞાની ખાય. એક તો ગયું એ ગયું. અને પાછું ઉપરથી માથાંફોડે ને ઉપાધિ. આપણે તો ફક્ત ગયું એટલું જ - લમણે લખેલી ખોટ ગઈ એટલી જ ગઈ. બે નહીંને ! લમણે લખેલી ખોટ એ તો છોડે નહીં ને ! તે એ બે ખોટ નથી ખાતાને ? એકુંય દહાડો નહીં ? એનું નામ વિજ્ઞાન કહેવાય ?

પ્રશ્શનકર્તા : આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ. પણ એ ઘરનાં માણસો એ વસ્તુ સમજી શકતાં નથી. એમના માટે કાયમને માટે આ દુઃખની એક પરંપરા રહી છે.

દાદાશ્રી : ના સમજાય. કારણ કે સ્ત્રી જાતિ બિચારીને સમજાય નહીં. બિચારીને મુશ્કેલી પડે. એટલે એક તો જનાર ગયો અને ઘરનાં માણસોને દુઃખ કરતો ગયો. એવું એક જગ્યાએ નહીં. આવું મારે આ પાંચમો કેસ હશે. તમારે એકલાને ત્યાં બન્યું એવું નથી. અને બૈરાંને બહુ દુઃખ થાય. પુરુષો તો માંડવાળેય કરે ! તમને સમજ પડીને. તેડી લાવજો ને અહીં આગળ, જરા હું એમને સુિખયા કરી આપીશ. બધું દુઃખ ભૂલી જશે બધુંય.

ધણી મરી ગયો તો પછી એને મૂકીને આવવાનું પછી ઘેર આવીને ખાવાનું નહીં ?

પ્રશ્શનકર્તા : એક દહાડો તો એના માનમાં ના ખાઈએ.

દાદાશ્રી : એના માનમાં ના ખાઈએ. તો શું ફાયદો ? ત્યાં એને શું ખબર કે ખાધું કે ના ખાધું ? આ લોક તો નિરાંતે ત્યાં આગળ બિસ્કિટ મંગાવીને ખાય છે, ચા પીવે છે. સ્મશાનમાં બાળવા ગયો હોય તે ઘડીએ. આવું પોલું જગત છે !

લગ્ન પરિણામ મંડાપો રંડાપો,

તત્ત્વ દ્ષ્ટિએ ન મરે કોઈ બાપો!

પૈણતી વખતે વિચાર આવેલો કે આ પૈણીએ છીએ ખરા પણ બેમાંથી એક જણે રાંડવું પડશે તે કાલે છતું થયું. કાલે એ બન્યું, એ જોયું ને ? કો'ક પૂછે કે દાદા ? ત્યારે કહે, રાંડેલા જ છે. ના. કંઈ માંડેલા ઓછા કહેવાય ? હીરાબા બેઠા હતા ત્યાં સુધી માંડેલા. અને ગયા એટલે રાંડેલા ! પછી વિધુર કહેશે પણ દેશી ભાષા એ સાચી. રાંડવું ને માંડવું. ગામઠી ભાષા મોક્ષે લઈ જાય. રાંડવા-માંડવાનું જ્ઞાન હોય તો મોક્ષે જાય બળ્યો.

એ મને રોજ કહેતાં'તાં કે મારે પહેલું જવાય એવું કરો. હું અખંડ સૌભાગ્યવતી થઈને જઉં.

પ્રશ્શનકર્તા : તે એવું જ થયું.

દાદાશ્રી : એટલે પછી આપણાથી બોલાય જ નહીંને.

પ્રશ્શનકર્તા : એમની ઇચ્છા પૂરી થઈ.

દાદાશ્રી : બધી ઇચ્છા પૂરી. બીજી ઇચ્છાઓ કશી રહી નહોતી.

આમાં રડવા જેવી વાત જ ક્યાં છે ? આ તો છૂટા પડ્યા છે અહીંથી. હું અમેરિકા જઉં એવી રીતે આ જાય છે. '૨૬માં પૈણ્યા'તા ને '૮૬માં છૂટાં પડ્યાં. જુઓ સંયોગ વિયોગી સ્વભાવનો ને ? અને તે લગનમાં જ મને તો માંડવામાં જ વિચાર આવ્યો હતો કે બેમાંથી એક જણ રાંડશે ને ?

પોતે સંયોગી તો ચાલ્યા ગયા છે. આ તો બધું સંયોગ સંબંધ છે ને. કોઈ દસ વર્ષ રહે. કોઈ વીસ વર્ષ, કોઈ પાંચ મિનિટ રહે, કોઈ દસ મિનિટ રહે. વિયોગ થયા જ કરે એની મેળે.

એવા સંયોગ સંબંધ કેટલે સુધી પહોંચ્યા છે એ ખબર હતી. અમારા ૧૯મે વર્ષે ફાધરના સંયોગ પૂરા થઈ ગયા. ૨૦મે વર્ષે બ્રધરનો સંયોગ પૂરો થયો. પછી ઝવેરબાનો ૪૮મે વર્ષે અને હીરાબાનો છે તે ૭૯મા વર્ષે ૧૯૮૬માં સંયોગ પૂરો થયો.

અમે વ્યવહારમાં આદર્શ. જુઓને સ્મશાનમાં આવ્યા'તાને.

પ્રશ્શનકર્તા : એ જોયુંને, બધાએ જોયું. ઘણા પૂછે કે દાદા આવ્યા હતા ? મેં કહ્યું દાદા આવ્યા હતા, ઠેઠ આવ્યા હતા.

દાદાશ્રી : સ્મશાનમાં ન આવે તો લોક જાણે કે ફરી પૈણવાના છે. આપણે ત્યાં કહેવત છે. ૩૦-૪૦ વર્ષના હોયને ફરી પૈણવાનો હોય તો સ્મશાનમાં જાય નહીં. એવા લોકો સમજી જાય કે સ્મશાનમાં આવ્યા નથી. ફરી પૈણશે. ખરેખર એમ જ છે. સ્મશાનમાં ગયો એટલે ફરી પૈણાય નહીં. આ જુઓને અમે ઉઘાડું આવીને કહી દીધુંને, ભઈ નથી પૈણવાના.

ભગવાનને ઘેર કોઈ કીંમત નથી. તમે મારો કે જૂડો, બચાવો કે ખૂન કરો, તોય ભગવાનને ઘેર કોઈ જાતની કીંમત નથી, આ બધી સામાજિક દ્ષ્ટિ છે, ભ્રાંતદ્ષ્ટિથી છે. આ જગત રાઈટ દ્ષ્ટિથી આવું કશું છે જ નહીં. જેને રાઈટ દ્ષ્ટિ છે તે ભગવાન. રાઈટ દ્ષ્ટિવાળા છે, તે આય જોયા કરે, મારે તેનેય જોયા કરે ને પૈણાવે તેનેય જોયા કરે, રંડાવે તેનેય જોયા કરે ને મંડાવે તેનેય જોયા કરે. એમને રાંડેલું ને માંડેલું બે સામાજિક વસ્તુ થઈ પડે. આ રંડાપો ને આ મંડાપો કહેવાય. મંડાપા વખતે કૂદાકૂદ ને નાચગાન કરવાના અને રંડાપા વખતે રડવું. એ બેઉ લૌકિક. જ્યારે ભગવાનને ઘેર આની કોઈ જાતની 'વેલ્યુ' નથી. અહીં નાગો ફરે કે મારે કે ઝૂડે કશુંય નહીં. આ બધી દ્ષ્ટિ છે. જેવી દ્ષ્ટિ એને હોય એવું દેખાશે ત્યાં તો કહે છે કે 'દ્ષ્ટિ ફેરવ' !

હીરાબા ગયા ત્યારનો વ્યવહાર,

સ્મશાનેય 'સ્વસ્થ દાદા' ભરથાર!

લોકો એમ જાણે કે દાદાને બહુ દુઃખ થયું હશે. દાદાનો 'તાવ' જુએ ત્યારે ખબર પડે કે હીરાબા ગયાં કે રહ્યાં છે, એ બન્ને સ્થિતિ સરખી જ હોય. રહ્યા તોય સરખી, ગયા તોય સરખી, બન્ને સ્થિતિ સરખી હોય. હજુ પેટમાં પાણીમાં હાલ્યું નથી અમને. પણ વ્યવહારમાં અમે કહીએ કે મહીં થાય તો ખરું જ ને. વ્યવહારમાં કહીએ. તમને બધાને ના કહીએ, પણ બહાર તો અમે કહીએ. એ કહેશે, 'હીરાબાનું તમને થાય ને ?' મેં કહ્યું, 'હા, થાય તો ખરુંને ? ના થાય એવું હોય ?' નહીં તો એને ગણતરી ઊંધી લાગે. કહેશે, 'આ કઈ જાતની ગણતરી. આવું શી રીતે બને ?' તમને કહું તે સાચું લાગે કે અસર જ ના હોય કોઈ જાતની. આ વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે અમને અસર કરે, તમારા દુઃખ જ લઈ લીધાં તો મારી પાસે દુઃખ જ ક્યાંથી હોય ? છે દુઃખ કોઈ જાતનું તમને ? થયું ત્યારે, દાદા મળ્યા ત્યારથી દુઃખ જ નથીને !!

અમને જો દુઃખ થતું હોય તો અમે જ્ઞાની જ ના કહેવાઈએ, અમને કોઈ રીતે દુઃખ જ ન થાય અમને દુઃખ અડે નહીં, કોઈ દહાડોય !

પ્રશ્શનકર્તા : પણ સ્વાભાવિક દુઃખ અડે નહીંને ?

દાદાશ્રી : ગમે તે રીતે, દુઃખ જ થાય નહીં સ્વાભાવિક કે અસ્વાભાવિક એનું નામ જ્ઞાની. આ શરીરમાં જ રહેતા નથી અમે. શરીરમાં રહે તો દુઃખ થાય ને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એટલે અમને દુઃખ જ ના હોય અમે રડીએ તો એ દુઃખ ના હોય. આ અંબાલાલ રડે તોય દુઃખ ના હોય, એટલે આ દશા બહુ જુદી જાતની દશા !

પ્રશ્શનકર્તા : એ હકીકત હું સમજી શકું છું.

દાદાશ્રી : અમને એકલાને નહીં. આ બધાને દુઃખ ના હોય. આ બધાને કહેલું કે એક દુઃખ થાય તો જવાબદારી મારી છે. દુઃખ કેમ થવું જોઈએ માણસને શું ? શું ગુનો કર્યો તે માણસને થાય ? એટલે એમનેય ઘેર મરી જાય તો દુઃખ ના થાય, આમાં આઘાત લાગવાનું અમને હોય નહીં.

હીરાબા મારા વાઇફ છે. એ એક્ઝેક્ટ મારી માન્યતા હોય. નિશ્ચય-વ્યવહારથી, તો મને રડવું આવ્યા વગર રહે નહીંને ? પણ આમાં તો હું હસુંય નહીં અને રડુંય નહીં, લોકોએ ઠેઠ સુધી હીરાબાની પાછળ મને જોયો, સામે જોયું. કશું દેખે નહીંને. એક ક્ષણવાર અમે ચૂકીએ નહીં. નહીં તો અમને ડુસકું ભરાય. અમને મરેલા પર રડવું ના આવે, જીવતા માણસને રડતા દેખીએ ત્યારે મનમાં ડૂસકું ભરાય. એ જોઈ શકાય નહીં અમારાથી. એટલે આમાં અમે જીવતા માણસને રડતાં જોઈએને, પણ કશું અસર ના થાય. એટલું બધું તાળું મારી દઈએ. ઠેઠ સુધી સ્મશાનમાં બેઠા તોય નહીં. અસર જ નહીં, નો ઇફેક્ટ.

આ તો બધું લૌકિક છે. એમાં સાચા માણસ રડી ઊઠે બિચારાં અને તે રડવું આવવું જોઈએ માણસને કારણ કે એ મમતાનું પરિણામ છે. રડવું ના આવે તો મહીં ગભરામણ થઈ જાય. એ પરમાણુ નીકળી જવા જોઈએ.

એટલે મારી આંખમાથીય પાણી નીકળે. કારણ કે અમારું હાર્ટ કૂણું હોય તે કોને પાણી ના નીકળે ? જેનું હાર્ટ મજબૂત થયેલું હોય ને બુદ્ધિ પર લઈ ગયો હોય ત્યારે. અમારું હાર્ટ તો બહુ કૂણું હોય બાળક રડે એવું રડે. પણ આ જ્ઞાન હાજર રહેને. જ્ઞાનને હાજર રાખવું પડે અમારે. એક સેકન્ડનો નાનામાં નાનો ભાગ જો ખસ્યા હોત તો તરત પાણી નીકળી જાય. જેની આંખમાં બહુ પાણી આવતું હોય તેનાથી અમે છેટા બેસીએ.

અને ત્યાં હાસ્ય અમારે બંધ કરવું પડે. જગત વ્યવહાર છે આ તો. અને કાચી બુદ્ધિવાળો તો કહેશે કે જુઓને હ્રદય પથરા જેવું તે હસે છે હજુ તો. એવું કહે ટીકા કરવાની મળે.

પછી અમારા મહાત્માઓની હાજરીમાં અમે હસીએ. બીજાની હાજરીમાં ના થાય એવું.

હવે રડવું એટલે શું કરવાનું ? કે ઉપયોગ છોડી દેવાનો એટલે લોકોને જુએ એટલે આપણને રડવું આવે હડહડાટ. ઉપયોગ તો નિરંતર હોય. આ હીરાબા વખતે તો ઉપયોગ હતો ! એક સેકન્ડ પણ કંઈ પાણી હાલ્યું નથી. જેવો હતો તેવો. હીરાબાની ઇચ્છા નથી કે તમે રડજો. આ તો બોલે ના. મનમાં કહેશે કે પથરા જેવા છે એટલે રડવું પડે, પણ મને એવું કોઈ પથરા જેવો કહે નહીં.

અને હીરાબા ૭૭ વર્ષનાં હતાં. તે હવે ઘૈડું પાન થયું હતું. એટલે મેં તો બધાને કહ્યું કે આજ તો મારે ત્યાં છોડી હોત તો હું વાજાં વગાડાવાત !!! કે આવા ભાંગલા તૂટલા દેહમાંથી આત્મા સારી રીતે નીકળ્યો. તોય આપણા લોકો એને કાણમોકાણ જેવું બનાવી દે.

પ્રશ્શનકર્તા : દીકરો મરી જાય ને તો પેંડો વહેંચો. જન્મે ત્યારે તો વહેંચે પણ મરી જાય ત્યારે વહેંચો. એ વાત તે દહાડે કાઢેલી. અને આજ આ વાત નીકળી કે બેન્ડવાજાં વગાડત.

દાદાશ્રી : મેં તરત કહ્યું હતું, એક-બે જણને કે બેન્ડ હોત તો આજ બેન્ડ વગાડત.

હીરાબાને પૂછ્યું હોત આપણે કે અમે તમારા પછી શોક રાખીએ ? ત્યારે કહેત કે ના, શાંતિથી રહેજો. આ તો લોકોને દેખાડવા માટે કરે છે લોક.

આપણે જીવતા જ છીએને. મરવાના નહોતા ? પણ આજ તો હવે ખબર પડીને ? પહેલાં ખબર નહોતીને ? આ જાત એમ જાણે કે મરી ગયા. જેવી દ્ષ્ટિ છેને, એવું દેખે. જે પોતાને મરી ગયો એમ જાણતો હોય એ બીજાને મરી ગયા જ જાણે.

દુનિયાની દ્ષ્ટિએ સમજદાર હોય, એ વિષાદ રહેવા દે. અને દુનિયાની દ્ષ્ટિએ સમજદાર ના હોય એ વિષાદ કાઢી નાખે. આ બે દ્ષ્ટિઓ છે.

કોઈ પણ વસ્તુ દુનિયામાં બને કે તરત 'આ શું છે ?' એવું જોડે બીજું અમારું બનેે દુનિયામાં બને એ તો વ્યવહારનું બન્યું પણ નિશ્ચયનું અમારે બની જાય કે 'ખરેખર આમ છે' એ એની મેળે જ બની જાય. સ્વાભાવિક રીતે જ !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12