ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૧૫)

પરમાત્મ પ્રેમની પિછાણ

સાચો પ્રેમ શોધ્યો ના ક્યાંય જડે,

જ્યાં ને ત્યાં આસક્તિ, તેથી લડે!

દાદાશ્રી : આ સંસારમાં જો કોઈ કહેશે, 'આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ નહોય ?' ત્યારે હું સમજાવું કે જે પ્રેમ વધે ઘટે એ સાચો પ્રેમ નહોય. તમે હીરાના કાપ લાવી આપો તે દહાડે બહુ પ્રેમ વધી જાય એ પછી કાપ ના લાવો તો પ્રેમ ઘટી જાય એનું નામ પ્રેમ ના કહેવાય.

પ્રશ્શનકર્તા : સાચો પ્રેમ વધઘટ ના હોય તો તેનું સ્વરૂપ કેવું હોય ?

દાદાશ્રી : એ વધઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. આ તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો તમારી જોડે પ્રેમ રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ? એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? મારી તારી ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'જ્ઞાન' હોય ત્યારે મારી તારી ના હોય. 'જ્ઞાન' વગર તો મારી તારી ખરી જ ને ?

પ્રેમ, મારે તોય ન ઘટે કદિ,

સાચો તે, હારતોરે ન વધે કદિ!

પ્રશ્શનકર્તા : માણસ પ્રેમ વગર જીવી શકે ખરો ?

દાદાશ્રી : જેની જોડે પ્રેમ કર્યો એણે લીધો ડાયવોર્સ તો પછી શી રીતે જીવે એ ? કેમ બોલ્યા નહીં ? તમારે બોલવું જોઈએ ને ?

પ્રશ્શનકર્તા : સાચો પ્રેમ હોય તો જીવી શકે. જો મોહ થતો ન હોય તો જીવી શકે.

દાદાશ્રી : ખરું કહ્યું આ. આપણે પ્રેમ કરીએ ત્યારે એ ડાયવોર્સ લે. તો બળ્યો એ પ્રેમ ! એને પ્રેમ કહેવાય કેમ કરીને ? પ્રેમ ક્યારેય ના તૂટે એવો હોવો જોઈએ, ગમે તે થાય તોય પ્રેમ ના તૂટે. એટલે સાચો પ્રેમ હોય તો જીવી શકે.

પ્રશ્શનકર્તા : ફક્ત મોહ હોય તો ન જીવી શકે.

દાદાશ્રી : મોહવાળો પ્રેમ તો નકામોને બધો. ત્યારે આવા પ્રેમમાં ના ફસાશો. વ્યાખ્યાવાળો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર માણસ જીવી શકે નહીં. એ વાત સાચી છે, પણ પ્રેમની ડેફિનેશન સહિત હોવો જોઈએ. ચઢ-ઉતર ના થાય એનું નામ પ્રેમ. એટલે વધઘટ થાય છેને કોઈ જગ્યાએ તે તપાસ કરવી. અમારો પ્રેમ વધે નહીં, ઘટે નહીં. કેમ કે તેમાં આસક્તિ નથી, એનું નામ પ્રેમ કહેવાય. એવો ભગવાનનો પ્રેમ હતો. એવા પ્રેમથી જીવાય. એવા પ્રેમથી 'ખાધા' વગર રહેવાય. એટલે પ્રેમની વ્યાખ્યા તમને ખબર પડી ? એવો પ્રેમ ખોળો. હવે આવો પ્રેમ ન ખોળશો કે કાલે સવારે એ 'ડાયવોર્સ' લઈ લે. આમના શાં ઠેકાણાં ?

પ્રશ્શનકર્તા : પ્રેમ અને મોહ, એમાં મોહમાં ન્યોચ્છાવર થવામાં બદલાની આશા છે અને અહીં પ્રેમમાં બદલાની આશા નથી. તો પ્રેમમાં ન્યોચ્છાવર થાય તો પૂર્ણપદને પ્રાપ્ત કરે ?

દાદાશ્રી : આ દુનિયામાં કોઈ પણ માણસ સત્ય પ્રેમની શરૂઆત કરે તે ભગવાન થાય. સત્ય પ્રેમ નિર્ભેળ હોય. એ સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય, એવો નિર્ભેળ પ્રેમ એ ભગવાન બનાવે, સંપૂર્ણ બનાવે. રસ્તા તો બધા સહેલા છે પણ એવું થવું મુશ્કેલ છેને ?

એ તો ધણી જુએ કે આ બઈની પાસે આટલી બધી સાડીઓ છે અને છતાં લેવા જાય છે, માટે એ મોહ છે. સાડી ના હોય ને લેતા હોય તો ઠીક છે ને ! એટલે આ બધા મોહ જ છેને ! મોહ એટલે ઉઘાડા દગા ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા.

પ્રશ્શનકર્તા : એ વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને ખબર કઈ રીતે પડે ?

દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચીડાઈ જાય એટલે જાણીએ કે આ યુઝલેસ છે. પછી દશા શું થાય ? અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો ! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે.

પ્રશ્શનકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?

દાદાશ્રી : એ ખખડાવે તોય શાંત રહીને પોતે એને નુકસાન ના થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય.

પ્રશ્શનકર્તા : તો હવે એ ખબર કેવી રીતે પડે કે આ સાચો પ્રેમી છે કે આ બદમાશ છે ?

દાદાશ્રી : પછી એના માટે, એ બદમાશને ઓળખવા માટે બીજું હથિયાર ખોળવું પડે પાછું. આપણે સમજી જઈએ કે આ નફ્ફટ છે. પણ બનતા સુધી આટલાથી, હું આ જે ઔષધ કહું છુંને એટલાથી બધું આવી જાય છે. ખખડાવીએ એટલે એને મહીં પહોંચે તરત. તે 'એટેક' કર્યા વગર રહે નહીં. અને જ્યાં એટેક હોય ત્યાં આગળ પ્રેમ જ ના હોય ને ! પ્રેમમાં 'એટેક' ના હોય. શબ્દની જરા લે-મેલ હોય પણ 'એટેક' ના હોય.

પ્રશ્શનકર્તા : બે જણા પ્રેમી હોય ને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે એને કયો પ્રેમ ગણાય ?

દાદાશ્રી : રખડેલ પ્રેમ ! એને પ્રેમ જ કેમ કહેવાય ? ઇમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય અને કહેશે 'આવતા ભવમાં એટલા જ જોડે હોઈશું' તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ગતિ કરે. એ ફરી ભેગા જ ના થાય !!

પ્રશ્શનકર્તા : ભેગા થવાની ઇચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં ?

દાદાશ્રી : ઇચ્છા રાખ્યે કંઈ દહાડો વળે ? આવતો ભવ તો કર્મનું ફળ છે ને ? આ તો ઇમોશનલપણું છે.

પતિ-પત્ની નહીં, 'કમ્પેનિયન,

તો સંસાર સંગ્રામે 'ચેમ્પિયન' !

આ તો બધી 'રૉંગ બિલિફો' છે. 'હું ચંદુભાઈ છું' એ રૉંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ 'આ કોણ છે ?' ત્યારે એ કહે છે, 'ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.' ઓહોહોહો.... ! મોટા ધણી આવ્યા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાત કરે છે ને ? ધણીનો ધણી હોય નહીં ? તો પછી ઉપલા ધણીની વળી ધણિયાણી થઈ ને આપણા ધણિયાણી આ થયા, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા 'કમ્પેનિયન છે' કહીએ પછી શું વાંધો ?

પ્રશ્શનકર્તા : દાદાએ બહુ 'મોડર્ન' ભાષા વાપરી.

દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાયને ! હા, એક રૂમમાં 'કમ્પેનિયન' બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે ત્યારે બીજો એને માટે એનું કામ કરી આપે. એમ કરીને 'કમ્પેનિયન' ચાલુ રહે.

પ્રશ્શનકર્તા : 'કમ્પેનિયન'માં આસક્તિ હોય છે કે નહીં ?

દાદાશ્રી : એમાં આસક્તિ હોય પણ એ આસક્તિ અગ્નિ જેવી નહીં. આ તો શબ્દો જ એવા ગાઢ આસક્તિવાળા છે. 'ધણીપણું અને ધણિયાણી' એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને 'કમ્પેનિયન' કહે તો આસક્તિ ઓછી થઈ જાય.

એક માણસને એમના વાઇફ ૨૦ વર્ષ પર મરી ગયા હતા. તે એક જણ મને કહે કે, આ કાકાને રડાવું ? મેં કહ્યું, 'શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના રડે.' ત્યારે એ કહે છે, 'જુઓ એ કેવા સેન્સિટીવ છે.' પછી પેલા બોલ્યા, 'શું કાકા, કાકીની વાત થાય નહીં ! શું એમનો સ્વભાવ !' આવું એ બોલતા હતા ત્યાં એ કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા શું આ ચક્કરો. સાઠ વર્ષે હજુ વહુનું રડવું આવે છે ! આ તો કઈ જાતના ચક્કરો છે ? આ લોક તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ? એમાં કંઈ મરી ગયું હોય તો જોનાર હઉ રડી ઊઠે.

પ્રશ્શનકર્તા : રડે છે એટલે એમ કે એને પરમ પ્રેમ છે ?

દાદાશ્રી : શાનો પ્રેમ બળ્યો ? રડવું આવે એટલે પ્રેમ વધી ગયો ? વળી એનો ફાયદો શો ? 'લોસ' ને 'પ્રોફિટ' આમાં શું ?

પ્રશ્શનકર્તા : પ્રેમમાં 'લોસ-પ્રોફિટ' ક્યાંથી હોય ?

દાદાશ્રી : અરે, પ્રેમ તો હોતો જ નથી. વર્લ્ડમાં પ્રેમ હોતો હશે ? આ તો બધી આસક્તિ છે. પ્રેમ તો કોઈ માણસને નથી આવતો.

પ્રશ્શનકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ?

દાદાશ્રી : એ તો ના છૂટે. 'મારી, મારી' કરીને કર્યું ને તે હવે 'નહોય મારી, નહોય મારી' એના જપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે જે આંટા વાગેલા હોય તે તે છોડવા જ પડે છે ને ! એટલે આ તો ખાલી આસક્તિ છે. ચેતન જેવું વસ્તુ જ નથી. આ તો બધાં ચાવી આપેલાં પૂતળાં છે.

જુઓને અમને આ છીંક આવે જ છે ને ? આ મશીનરી છે. એમાં સ્ટીમ (વરાળ) વધી પડે ત્યારે ફડફડ છોડે છે ને ! તેમ આપણે મહીં સ્ટીમ વધી પડે ત્યારે છીંક આવે. મશીનરી હોય કે ફર્સ્ટક્લાસ રૂપાળું એન્જિન હોય તો એમ કહેવાય કે તું મને બહુ ગમે છે, તારી વગર મને નહીં ફાવે ! ત્યારે આ લોકો સ્ત્રી જોડે પ્રેમ કરે છે ! અલ્યા, આય મશીનરી જ છે ! મશીનરી જોડે પ્રેમ થતો હશે ? નહીં તો વળી પ્રેમ કરનારો માણસ તે છીંક ખાતો હોય તો આપણને શરમ ના લાગે કે આ છીંક ખાય છે. પણ એ મશીનરી છે ! આ મશીનરીઓય છીંક ખાય છે તે મેં જોયેલું છે. આ તો કેવું છે કે જ્યાં પ્રેમ કરવાનો છે ત્યાં પ્રેમ નથી કરતો અને જ્યાં નથી કરવા જેવો ત્યાં પ્રેમ કરે છે.

ધણી અને બૈરીના પ્રેમમાં ધણી જો કદી કમાઈ ના લાવે તો પ્રેમની ખબર પડી જાય. બીબી શું કહે ? ક્યા ચૂલેમે મેં તુમ્હારા પાંવ રખું ? ધણી કમાતો ના હોય તો બીબી આવું ના બોલે ? તે ઘડીએ એનો પ્રેમ ક્યાં ગયો ? પ્રેમ હોતો હશે આ જગતમાં ? આ તો આસક્તિવાળો છે. જો આ ખાવાપીવાનું બધુંય હોય તો એ પ્રેમ (!) દેખાય અને ધણીય જો ક્યાંક બહાર લપટાયેલો હોય તો એ કહેશે કે, 'તમે આવું કરશો તો હું ચાલી જઈશ.' તે વહુ ઉપરથી ધણીને ટૈડકાવે. તે પેલો બિચારો ગુનેગાર છે એટલે નરમ થઈ જાય ને આમાં શું પ્રેમ કરવા જેવો છે તે ? આ તો જેમ તેમ કરીને ગાડું ધકેલવાનું છે. ખાવાપીવાનું બીબી કરી આપે અને આપણે પૈસા કમાવી લાવીએ. એમ જેમ તેમ કરીને ગાડી આગે ચાલી મિયાં-બીબીકી !

પતિ-પત્નીમાં પ્રેમ કે આસક્તિ?

ન દેખે દોષ, પ્રેમની એ શક્તિ!

મતભેદ થાય છે કે નહીં વહુ જોડે ? 'વાઈફ' જોડે મતભેદ ?

પ્રશ્શનકર્તા : એ મતભેદ વગર તો હસબંડ વાઈફ કહેવાય નહીં ને ?

દાદાશ્રી : હં એમ ? એવું છે, એવો કાયદો હશે ? ચોપડીમાં એવો કાયદો લખ્યો હશે કે મતભેદ પડે તો જ હસબંડ એન્ડ વાઈફ કહેવાય ? ઓછો વધતો મતભેદ થાય ખરો કે નહીં ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો પછી હસબંડ એન્ડ વાઈફ ઓછું થતું જાય, નહીં ?

પ્રશ્શનકર્તા : પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : પ્રેમ વધતો જાય તેમ મતભેદ ઓછા થતા જાય નહીં ?

પ્રશ્શનકર્તા : જેટલા મતભેદ વધતા જાય, જેટલા ઝઘડા વધતા જાય. એટલો પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : હા. એ પ્રેમ નથી વધતો, એ આસકિત વધે છે. પ્રેમ તો જગતે જોયો જ નથી. ક્યારેય પણ પ્રેમ શબ્દ જોયો જ નથી જગતે. આ તો આસકિતઓ છે બધી. પ્રેમનું સ્વરૂપ જ જુદી જાતનું છે. આ તમે મારી જોડે વાત કરી રહ્યા છોને, આ અત્યારે તમે પ્રેમ જોઈ શકો છો, તમે મને ટૈડકાવો તોય તમારી ઉપર પ્રેમ રાખીશ. ત્યારે તમને લાગશે કે ઓહોહો ! પ્રેમ સ્વરૂપ આવા હોય છે.

વાત સાંભળવામાં ફાયદો ખરો કશો આ ?

પ્રશ્શનકર્તા : પૂરેપૂરો ફાયદો છે.

દાદાશ્રી : હા, ચેતી જ્જે. નહીં તો મૂરખ બની ગયા જાણવું. અને પ્રેમ હોતો હશે ? તમારામાં છે પ્રેમ, તે એનામાં હોય ? આપણામાં પ્રેમ હોય તો સામાનામાં હોય. આપણામાં પ્રેમ નથી, અને સામાનો ખોળીએ આપણો પ્રેમ કે 'તમારામાં પ્રેમ નહીં દેખાતો ?' મૂઆ પ્રેમ ખોળું છું ? એ પ્રેમી નહોય ! આ તો પ્રેમ ખોળે છે ? ચેતી જા. અત્યારે પ્રેમ હોતો હશે ? જે જેના લાગમાં આવે તેને ઉડાડે, લૂંટબાજી કરે છે.

પ્રેમમાં લગની ન ભૂલે ક્ષણ;

નભાવે સર્વ ભૂલો બન્ને જણ!

ઘરના જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાંને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષય આસકિત છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસકિત કહેવાય. આસકિત એટલે સંડાસ ! પ્રેમ તો પહેલાં બધો હતો કે ધણી પરદેશ ગયો હોયને તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઈ સાંભરે જ નહીં આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય !

પ્રેમ એટલે લગની લાગે તે. અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઈ વખત આબાદીમાં જાય તો કોઈ વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઊભરાય તે પાછો બેસી જાય. જે ઊભરાય છે તે આસકિત છે. માટે જ્યાં ઊભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઈએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઈ જાય તોય પ્રેમ એટલો ને એટલો જ રહે. આ તો હાથ દઝાયો હોય ને આપણે કહીએ કે 'જરા ધોવડાવો' તો ધણી કહેશે કે, 'ના, મારાથી નથી જોવાતું '! અલ્યા તે દહાડે તો હાથ પંપાળ પંપાળ કરતો હતો, ને આજે કેમ આમ ? આ ઘૃણા કેમ ચાલે ? જ્યાં પ્રેમ છે ત્યાં ઘૃણા નથી ને જ્યાં ઘૃણા છે ત્યાં પ્રેમ નથી. સંસારી પ્રેમ પણ એવો હોવો જોઈએ કે જે એકદમ ઓછો ના થઈ જાય કે એકદમ વધી ના જાય. નોર્માલિટીમાં હોવો જોઈએ. જ્ઞાનીનો પ્રેમ તો ક્યારે પણ વધઘટ ના થાય. એ પ્રેમ તો જુદો જ હોય, એને પરમાત્મા પ્રેમ કહેવાય.

પ્રેમ બધે હોવો જોઈએ. આખા ઘરમાં પ્રેમ જ હોવો જોઈએ. અને જ્યાં પ્રેમ છે ત્યાં ભૂલ ના કાઢે કોઈ. પ્રેમમાં ભૂલ ના દેખાય. આ પ્રેમ નથી, ઈગોઈઝમ છે, હું ધણી છું એવું ભાન છે. પ્રેમ એનું નામ કહેવાય કે ભૂલ ના લાગે. પ્રેમમાં ગમે તેટલી ભૂલ હોય તો નભાવી લે. તમને સમજાય છે ?

પ્રશ્શનકર્તા : હા જી.

દાદાશ્રી : એટલે ભૂલચૂક થાય કે પ્રેમની ખાતર જવા દેવી. આ છોકરા પર તને પ્રેમ હોયને તો ભૂલ ના દેખાય છોકરાની. હશે બા કશો વાંધો નહીં. પ્રેમ નભાવી લે બધું, નભાવી લે ને ?

બાકી આ તો આસકિત બધી ! ઘડીમાં વહુ છે તે આ ગળે હાથ વળગાડે ને ચોંટી પડે અને પછી ઘડીમાં પાછા બોલમ્બોલ કરે. તેં આવું કર્યું તને તંે આમ કર્યું. પ્રેમમાં કોઈ દહાડો ભૂલ ન હોય. પ્રેમમાં ભૂલ દેખાય નહીં. આ તો પ્રેમ જ ક્યાં છે ? ઘરમાં સંતોષ ના જોઈએ, ભઈ ? તમને કેમ લાગે છે ? ઘરમાં સંતોષ જોઈએ કે ના જોઈએ ?

પ્રશ્શનકર્તા : જોઈએ જ.

દાદાશ્રી : ઘરમાં આડખીલી કરવાની હોય ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : આપણને ભૂલ ના દેખાય તો આપણે જાણીએ કે આની જોડે પ્રેમ છે આપણને. ખરેખર પ્રેમ હશે આ લોકોને ?

પ્રશ્શનકર્તા : ડાઉટફૂલ !

દાદાશ્રી : એટલે આને પ્રેમ કેમ કહેવાય ?

રાગમાંથી દ્વેષ ને વળી રાગ,

'પોપટમસ્તી' છે, નથી એ આગ!

પ્રશ્શનકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તોય દ્વેષ થઈ જાય છે એનું શું કારણ ?

દાદાશ્રી : કોની જોડે ?

પ્રશ્શનકર્તા : વખતે ધણી જોડે એવું બને તો ?

દાદાશ્રી : એ દ્વેષ નથી કહેવાતો. હંમેશાં જે આસક્તિનો પ્રેમ છે ને એ રિએક્શનરી છે. એટલે જો ચીડાય ત્યારે આ પાછા અવળા ફરે, અવળા ફર્યા એટલે પાછા થોડોક વખત છેટા રહ્યા કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે એટલે અથડામણ થાય ને એટલે પછી પાછો પ્રેમ વધે. જ્યારે જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય. તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોયને ત્યાં, અંદરખાને પ્રેમ છે આ લોકોને. એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વભવના પ્રેમ છે તો ડખો થાય. વધારે પડતો પ્રેમ છે. નહીં તો ડખો થાય જ નહીંને ! આ ડખાનું સ્વરૂપ જ એ છે.

અને લોકો શું કહે છે ? 'અથડામણથી તો અમારો પ્રેમ થાય છે ?' ત્યારે વાત સાચી છે પણ પ્રેમ એ આસક્તિ જ છે અને એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જે ઘરમાં અથડામણ ઓછી થાય એ ઘરમાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે ?

પ્રશ્શનકર્તા : અને બહુ આસક્તિ હોય ત્યાં અદેખાઈ પણ વધારે હોય ને ?

દાદાશ્રી : એ તો સામસામી આસક્તિમાં જ બધી ભાંજગડ ઊભી થાય છે. જે ઘરમાં બેઉ જણ સામસામી બહુ લડતા હોયને તો આપણે જાણીએ કે અહીં આસક્તિ વધારે છે. એટલું સમજી જવાનું. એટલે પછી આપણે નામ શું પાડીએ છે ? 'વઢે છે' એવું ના કહીએ. તમાચા મારે સામસામી, તોય એને વઢે છે એવું ના કહીએ. અમે એને 'પોપટ મસ્તી' કહીએ. પોપટ આમ ચાંચ મારે પણ છેવટે લોહી ના કાઢે. હા ! એ પોપટ મસ્તી તમે નહીં જોયેલી, પોપટ મસ્તી ?

હવે આવી વાત (સાચી) સાંભળીએ ત્યારે આપણને આપણી ભૂલો ઉપર ને આપણી મૂર્ખાઈ ઉપર હસવું આવે. સાચી વાત સાંભળે ત્યારે માણસને વૈરાગ આવે કે આપણે આવી ભૂલો કરી ? અરે, ભૂલો જ નહીં પણ માર હઉ બહુ ખાધા !

ન દોષ દેખે, ન ચડાવે મોઢાં,

ન ઊંહકારો, પ્રેમથી ઝીલે લોઢાં!

પ્રેમ તો જ્ઞાની પુરુષ પાસે હોય. બીજે બધે તો પ્રેમ ઊતરી જાય ને પછી વઢવાડ થાય પાછી. વઢવાડ થાય કે ના થાય ? એ પ્રેમ ના કહેવાય, એ આસક્તિ બધી. એને આપણા જગતના લોકો પ્રેમ કહે છે. ઊંધું જ બોલવું એ ધંધો ! પ્રેમનું પરિણામ ઝઘડો ના થાય.

પ્રેમમાં દોષ દેખાય જ નહીં. અને આ તો લોકોને કેટલા દોષ દેખાય ? 'તું આવી ને તું તેવી' અલ્યા પ્રેમ કહેતો હતો ને ? ક્યાં ગયો પ્રેમ ? એટલે નહોય પ્રેમ. જગતમાં વળી પ્રેમ હોતો હશે ? પ્રેમનો એક વાળ જગતે નથી જોયો. આ તો આસક્તિ છે.

અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરે ને કે, 'તમે આવા છો ને તમે તેવા છો ? તમે આવા ને તું આવી' એવું ના બોલે, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે ? કે બોલે ? બોલે એ આસક્તિને લીધે.

આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય. આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રિસાઈને બેઠી હોય. ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી મોઢું ચઢાવીને ફરતા હોય તેવા પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : ક્યારેય પણ મોઢું ના બગાડે એવો પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અમારી પાસે મળે. ધણી ટૈડકાવે તોય પ્રેમ વધઘટ ના થાય, એવો પ્રેમ જોઈએ. હીરાના કાપ લાવી આપે તે ઘડીએ પ્રેમ વધી જાય તેય આસક્તિ. એટલે આ જગત આસક્તિથી ચાલી રહ્યું છે. પ્રેમ એ તો જ્ઞાની પુરુષથી હોય તે ઠેઠ ભગવાન સુધી, એ લોકોને પ્રેમનું લાઇસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. એ પ્રેમથી જ બાંધે પાછા, છુટાય નહીં તે ઠેઠ 'જ્ઞાની પુરુષ'ની પાસે, ઠેઠ તીર્થંકર સુધી બધા પ્રેમવાળા. અલૌકિક પ્રેમ ! જેમાં લૌકિક નામ ના હોય !!

સામાને સુખ-દુઃખ વેદે 'સેઈમ',

હોમી દે જાત એછે સાચો પ્રેમ !

પ્રેમ જેવું હતું તેય સતયુગમાં હતું. સત્યુગમાં સારું હતું. કળિયુગમાં આ તો બધા એવા વિચિત્ર છેને, આમ ખોળીને સારો ધણી લઈ આવે, રૂપાળો બમ્ જેવો અને પછી કડવો નીકળે તે આખી જિંદગી બગડે બિચારીની. એક જ દહાડો જો ખાવાનું સારું ના બનાવ્યું હોય તો પ્રેમવાળો ધણી હોય તે કકળાટ કરતો હશે ? પણ ના, આ કકળાટ કરી મૂકે, 'તારામાં અક્કલ નથી ને તું આમ છે ને તું તેમ છે' કહેશે. રોજ સારું બને ત્યારે ઈનામ નથી આપતો અને એક જ દહાડો ખાવાનું બગડે તે દહાડે આવી બને ! એટલે પ્રેમ જેવું નથી. પ્રેમ જ નથી ને, સ્વાર્થ છે બધો !

જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. જેની જોડે પ્રેમ હોયને, માંદા થઈએ ત્યારે તેની જોડે જ કંટાળો આવે. એ ગમે નહીં આપણને. 'તમે જાવ અહીંથી, આઘા બેસો', એવું કહેવું પડે છે અને ધણી જોડે પ્રેમની આશા રાખવી નહીં અને એ આપણી પાસે પ્રેમની આશા રાખે તો એ મૂરખ છે. આ તો આપણે કામ પૂરતું કામ ! હોટલવાળાને ત્યાં ઘર માંડવા જઈએ છીએ આપણે ? ચા પીવા માટે જઈએ તો પૈસા આપીને પાછા ! એવી રીતે કામ પૂરતું કામ કરી લેવાનું આપણે.

અને એ સ્ત્રી જોડે જો કોઈ સારી રીતે વ્યવહાર કરેલો હોય, તોય હું ક્યારે કહું ડાહ્યો માણસ એને ? કે પંદર વર્ષની ઉંમરથી વ્યવહાર થયો છે તે એંસી વર્ષે એવો ને એવો જ વ્યવહાર રહે, એટલો જ પ્રેમ રહે, ઊતરી ના જાય તો હું કહું કે ડાહ્યો છે. આ તો પેલાં ગાતર ઢીલાં દેખાય પછી ચીડાયા કરે. અરે, એક ગૂમડું થયું હોય ત્યારે ? જોડે ફરવા તેડી જાય ? સિનેમા જોવા ના લઈ જાય જોડે ? અહીં દઝાયું હોય કે પરું નીકળ્યું હોય ત્યારે ? એટલે આ બધી જોખમદારી નથી સમજવી અને પ્રેમ કરવો છે. આવ્યા મોટા પ્રેમવાળા ! પ્રેમ તો એનું નામ કહેવાય કે બધી રીતે સાથે હોય. એનો હાથ દઝાયો તો આપણો હાથ દાઝ્યા જેટલું હોય, એવું હોય ત્યારે પ્રેમ કહેવાય. એને ગૂમડું થયું હોયને તો આપણને થયા બરાબર હોય. આપણને ગૂમડું થયું હોય તો આપણે બહાર જઈએ કે ના જઈએ ? તો વહુને ગૂમડું થયું હોય તો જોડે લઈ ના જઈએ ? ત્યારે જે પ્રેમમાં પોતાની જાત જ હોમી દે, જાતને 'સેફસાઈડ' રાખે નહીં ને જાતને હોમી દે એ પ્રેમ ખરો. એ તો અત્યારે મુશ્કેલ વાત છે.

પ્રશ્શનકર્તા : આ પ્રેમને શું કહેવાય ? આને અનન્ય પ્રેમ કહેવાય ?

દાદાશ્રી : આને પ્રેમ કહેવાય સંસારમાં. આ આસક્તિમાં ના ગણાય. અને એનું ફળેય બહુ ઊંચું મળે. પણ એવું પોતાની જાતને હોમવી, એ બને નહીં ને ! આ તો પોતાની જાતને 'સેફસાઈડ' રાખીને કામ કર્યા કરે છે ને 'સેફસાઈડ' ના કરે એવી સ્ત્રીઓ કેટલી ને એવા પુરુષો કેટલા ?

આ તો સિનેમામાં જતી વખતે આસક્તિના તાનમાં ને તાનમાં ને આવતી વખતે 'અક્કલ વગરની છે' કહેશે. ત્યારે પેલી કહેશે, 'તમારામાં ક્યાં વેતા છે ?' એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. આ અક્કલ ખોળે ત્યારે પેલી વેતા જોતી હોય !

પ્રશ્શનકર્તા : આ તો આમ આ બધાને અનુભવ છે. કોઈ બોલે નહીં, પણ દરેક જણ જાણે કે 'દાદા' કહે છે એ વાત સાચી છે.

દાદાશ્રી : હા, હું તો જ્ઞાનથી જોઈને હું છું. મેં કંઈ આવા અનુભવ નથી કર્યા. હું કોઈ દહાડો સિનેમામાં લઈને ગયો જ નથી. મારી જોડે હીરાબા આવતાંય નહોતાં. એ તો 'ના, હું તમારી જોડે નહીં આવું' કહેતા. અને મને તો 'એટ એ ટાઈમ' દેખાય. બોલો, મારું જ્ઞાન કેવું હાજર રહેતું હશે ! આ બધું દેખાય મને. અને તમને દેખાતું થાય એવા અમારા આર્શીવાદ હોય. એટલા હારુ તો રોજ વાતચીતો કરીએ. તમને થોડું ઘણું દેખાતું થયું કે તમે તમારી મેળે પકડી લો.

જ્ઞાનીનો પ્રેમ સુધારે સર્વને,

અપેક્ષા વિણ વિશાળ વિશ્વને!

અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોયને તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ એટલે વસ્તુ બગડે નહીં. અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ તોય એ દૂધનું દહીં થઈ જાય.

એટલે પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છેને તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માંગીએ છીએ ? પ્રેમ સ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે પ્રેમ સ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું 'રફ' દેખાય છે. જુઓને, પ્રેમ સ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધા કરે છે !

બાકી પ્રેમ જોવા નહીં મળે આ કાળમાં. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છે ને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે 'આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે !' મે કહ્યું, 'નહોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.'

પ્રશ્શનકર્તા : આપ જે પ્રેમની વાત કરો છો, એમાં પ્રેમની અપેક્ષાઓ હોય ખરી ?

દાદાશ્રી : અપેક્ષા ? પ્રેમમાં અપેક્ષા ના હોય. દારૂ પીતો હોય તેની પરેય પ્રેમ હોય અને દારૂ ના પીતો હોય તેની પરેય પ્રેમ હોય. પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમ સાપેક્ષ ના હોય.

મારામાં પ્રેમ હશે કે નહીં હોય ? કે તમે એકલા જ પ્રેમવાળા છો ? આ તમે તમારો પ્રેમ સંકુચિત કરેલો છે કે 'આ વાઇફ ને આ છોકરા'. જ્યારે મારો પ્રેમ વિસ્તારપૂર્વક છે.

પ્રશ્શનકર્તા : પ્રેમ એટલો સંકુચિત હોઈ શકે કે એક જ પાત્ર પ્રત્યે સીમિત જ રહે ?

દાદાશ્રી : ના, પ્રેમ એટલે સંકુચિત હોય જ નહીં, એનું નામ પ્રેમ. સંકુચિત થાય તો તો આસક્તિ થઈ જાય. સંકુચિત હોયને કે આટલા 'એરિયા' (હદ) પૂરતું જ, તો તો આસક્તિ કહેવાય. તે સંકુચિત કેવું ? ચાર ભાઈઓ હોય અને ચારેય ને ત્રણ ત્રણ છોકરાં હોય અને ભેગાં રહેતા હોય, તો ત્યાં સુધી બધા ઘરમાં 'અમારું' બોલે. 'અમારા પ્યાલા ફૂટ્યાં', બધા એવું બોલે. પણ ચાર જ્યારે જુદા થાય તેને બીજે દહાડે, આજ બુધવારને દહાડે છૂટા થયા તો ગુરુવારને દહાડે એ જુદું જ બોલે 'એ તમારું ને આ અમારું'. આ સંકુચિતતા આવી જાય. એટલે આખા ઘરમાં જે વિશાળ હતો પ્રેમ તે હવે આ જુદું થયું એટલે સંકુચિત થઈ ગયું. પછી આખી પોળ તરીકે, યુવક મંડળ તરીકે કરવો હોય તો પાછો એનો પ્રેમ ભેગો હોય. બાકી પ્રેમ ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય.

આસક્તિ એટલે વિકૃત પ્રેમ,

લોહચૂંબક લોહને ખેંચે જેમ !

પ્રશ્શનકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો.

દાદાશ્રી : જે વિકૃત પ્રેમ એનું નામ જ આસક્તિ. આ જગતમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.

એટલે આસક્તિમાં જ જગત બધું પડેલું છે. હેય ! અનાસક્ત, મહીં બેઠા છે ને તે અનાસક્ત છે. અને તે અકામી છે પાછા અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના, લોક કહે છે કે, 'હું નિષ્કામ થયો છું' પણ આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ. ઘણા લોક કહે છેને, 'હું નિષ્કામ ભક્તિ કરું છું' મેં કહ્યું, 'કરજે ને, તું અને તારી વહુ બેઉ કરજો (!) પણ આસક્તિ ગઈ નથી ત્યાં સુધી તું શી રીતે આ નિષ્કામ ભક્તિ કરીશ !'

આસક્તિ તો એટલે સુધી ચોંટે તે સારા પ્યાલા-રકાબી હોયને, તો તેમાંય ચોંટી જાય. અલ્યા, અહીં ક્યાં જીવતું છે ? એક વેપારીને ત્યાં હું ગયો હતો. તે દહાડામાં પાંચ વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. હેય ! એવું આમ સુંવાળું રેશમ જેવું ગોળ !! અને આમ હાથ અડાડ અડાડ કરે ત્યારે તો એને સંતોષ થાય. તો કેટલી આ લાકડા ઉપર આસક્તિ છે ! કંઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું કશું નથી, વિકૃત પ્રેમ જ્યાં ચોંટ્યો ત્યાં આસક્તિ.

વિજ્ઞાન પરમાણુઓનું, ખેંચાણ,

માને હું ખેંચાયો, ભ્રાંતિ છે જાણ!

આસક્તિ એ કોના જેવી છે ? આ લોહચૂંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને લોહચૂંબક આમ આમ કરીએ તો ટાંકણી ઊંચીનીચી થાય કે ના થાય ? થાય. લોહચૂંબક નજીક ધરીએ તો ટાંકણી એને ચોંટી જાય એ ટાંકણીમાં આસક્તિ ક્યાંથી આવી ? એવી રીતે આ શરીરમાં લોહચૂંબક નામનો ગુણ છે. કારણ કે મહીં ઇલેક્ટ્રિક બૉડી છે. એટલે એ બૉડીના આધારે ઇલેક્ટ્રિસિટી બધી થયેલી છે. તેથી શરીરમાં લોહચૂંબક નામનો ગુણ ઉત્પન્ન થાય છે. અને પોતાનાં પરમાણુ મળતા આવે ત્યાં આકર્ષણ ને વિકર્ષણ ઊભાં થાય અને બીજાની જોડે પરમાણું ના મળતા આવે ત્યાં કશું નહીં. એ આકર્ષણ ને વિકર્ષણને આપણા લોકો રાગ કહે છે. કહેશે, 'મારો દેહ ખેંચાય છે.' અલ્યા, તારી ઇચ્છા નથી તો દેહ કેમ ખેંચાય છે ? માટે 'તું કોણ છે ત્યાં આગળ ?

આપણે દેહને કહીએ 'તું જઈશ નહીં' તોય ઊઠીને હેંડવા માંડે. કારણ કે પરમાણુનું બંધાયેલું છેને, તે પરમાણુનું ખેંચાણ છે આ. મળતા પરમાણુ આવે ત્યાં આ દેહ ખેંચાઈ જાય. નહીં તો આપણી ઇચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય ? આ દેહ ખેંચાઈ જાય, એને આ જગતનાં લોકો કહે, 'મને આની પર બહુ રાગ છે' આપણે પૂછીએ, 'અલ્યા, તારી ઇચ્છા ખેંચવાની છે ? તો એ કહેશે, 'ના, મારી ઇચ્છા નથી, તોય ખેંચાઈ જવાય છે.' તો પછી આ રાગ નથી આ તો આકર્ષણનો ગુણ છે. પણ જ્ઞાન ના હોય ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ માને કે 'મેં જ આ કર્યું !' અને આ 'જ્ઞાન' હોય તો પોતે ફક્ત જાણે કે દેહ આકર્ષણથી ખેંચાયો અને આ મેં કંઈ કર્યું નથી. એટલે આ દેહ ખેંચાય ને તે દેહ ક્રિયાશીલ બને છે. આ બધું પરમાણુનું જ આકર્ષણ છે.

આ મન-વચન-કાયા આસક્ત સ્વભાવના છે. આત્મા આસક્ત સ્વભાવનો નથી અને આ દેહ આસક્ત થાય છે તે લોહચૂંબક ને ટાંકણીનાં જેવું છે. પોતાની જાતનાં સરખાં પરમાણુ હોય તો જ ખેંચાય. કારણ કે એ ગમે એવું લોહચૂંબક હોય તોય એ તાંબાને નહીં ખેંચે. શેને ખેંચે એ ? હા, લોખંડ એકલાને ખેંચે. પિત્તળ હોય તો ના ખેંચે. એટલે સ્વજાતીયને ખેંચે. એવું આમાં જે પરમાણુ છેને, આપણા બૉડીમાં તે લોહચૂંબકવાળા છે. તે સ્વજાતીયને ખેંચે. સરખા સ્વભાવવાળા પરમાણુ ખેંચાય. ગાંડી વહુ જોડે ફાવે ? કારણ કે પરમાણુ નથી પેલીમાં, પરમાણુ મળતા નથી આવતા.

એટલે આ છોકરા પર પણ આસક્તિ જ છે ખાલી, પરમાણુની ! પરમાણુ મળી આવ્યા ! ત્રણ પરમાણુ આપણા ને ત્રણ પરમાણુ એના, એમ પરમાણુ મળી આવ્યા એટલે આસક્તિ થાય. મારા ત્રણ અને તમારા ચાર હોય તો કશું લેવાદેવા નહીં. એટલે વિજ્ઞાન છે આ બધું તો.

આ તો સોય અને લોહચૂંબક બેને જેવી આસક્તિ છે એવી આ આસક્તિ છે. એમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ હોય જ નહીંને કોઈ જગ્યાએ. આ તો સોય અને લોહચૂંબકના ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ તો જ્ઞાની પુરુષનો પ્રેમ એ પ્રેમ કહેવાય.

પ્રશ્શનકર્તા : તો આ લોકોને એવી ખબર ના પડે કે આપણો પ્રેમ છે કે નહીં ?

દાદાશ્રી : પ્રેમ તો બધાને ખબર પડે. દોઢ વર્ષના બાળકનેય ખબર પડે, એનું નામ પ્રેમ કહેવાય. આને પ્રેમ કહેવાય જ કેમ ? આ તો ભ્રાંતિનો છે. ભ્રાંતિ ભાષાનો શબ્દ છે. ભ્રાંતિ એટલે શું ? ઘનચક્કર. ઘનચક્કર ભાષાનો શબ્દ છે. તે ઘનચક્કરમાં કાયમ રહેવું આપણે ? ભ્રાંતિ એટલે ચક્કરે ચઢેલો ઘનચક્કર. પણ આને ભ્રાંતિ કહે તો સારું લાગે ને ઘનચક્કર કહે તો કડવું લાગે ને કહેશે કે 'આટલું બધું મારું ઘોર અપમાન કરો છો ?' ત્યારે ભ્રાંતિ એકલું જ કહોને ! બાકી બધું એકનું એક જ છે. પેલાએ બાપાની વહુ કહ્યું તો કહેશે, 'એમ કેમ કહ્યું ?'

પ્રશ્શનકર્તા : પણ વ્યવહારમાં તો જે શોભતું હોય તે જ બોલેને ?

દાદાશ્રી : હા, વાત ખરી છે કે શોભતું હોય તો જ બોલે. પણ આ તો જાગૃત કરવા માટે બૂમો પાડવી પડે. ભ્રાંતિ એટલે જેમ છે તેમ નહીં દેખાવું અને ઊંધું જ દેખાવું એનું નામ ભ્રાંતિ. આ તો જાગૃત કરવા માટે આમ બોલવું પડે કે હકીકતમાં આમ છે. નહીં તો માર ખાઈ ખાઈ ને મરી જશો. બાકી આ પ્રેમ જેવી વસ્તુ જ નહોય. આ તો બધી આસક્તિ છે. આસક્તિ એટલે શું કે જડને જડ ખેંચે છે. તેમાં પોતે ભ્રાંતિથી માની બેઠા છે કે 'મને પ્રેમ થયો છે !'

પ્રશ્શનકર્તા : અને આ પ્રેમમાં ભરતી પણ આવે છે ને ઓટ પણ આવે છે ને !

દાદાશ્રી : ના. બાકી આ બધું જગત ભરતી-ઓટ સ્વભાવનું જ છે. આપણે ખાવાનું મહીં નાખીએને, એટલે સંડાસ જવું પડે. અહીં શ્વાસ લેવો પડે ને ભરી આવ્યા, ત્યાં ક્રેડિટ કરી આવ્યા, તો પછી ઓટ થયા કરે. એટલે આ જગત જ ભરતી-ઓટ સ્વભાવનું છે. પ્રેમમાં ભરતી-ઓટ ના હોય.

ટાંકણી ને લોહચૂંબકના ખેંચાણને જગત આશ્ચર્ય સમજે છે અને કહે છે કે આ 'મને પ્રેમ છે'. અલ્યા, પ્રેમ તો હોતો હશે ? પ્રેમ શબ્દ ખરો છે. એને ખોટો ના કહેવાય. પ્રેમ શબ્દ હું જાણતો હતો કે આ દુનિયામાં મોટામાં મોટી ચીજ જ પ્રેમ છે. પણ પછી આ રતન છે તે સાવ ખોટું નીકળ્યું. વેચવા ગયો તે ચાર આનાય ના આવ્યા. વીસ લાખમાં ખરીદેલ રતનના ચાર આનાય ના આવે ત્યારે થાય કે આ શું.... આ તો બધું ટાંકણી ને લોહચૂંબક જેવામાં વગર કામના ફસાયા છે. વસ્તુને સમજતા નથી અને એમાં પોતાનું આત્માપણું ખોઈ નાખ્યું છે. સાચો પ્રેમ બહાર ખોળે પણ એ જો ક્યાંય ના મળે તો આત્મા અનુભવ પ્રગટ થાય અને આ પ્રેમની વ્યાખ્યા ખોળવા માટે તો વીસ વર્ષ મેં કાઢ્યાં છે.

એટલે જગતે બધું જ જોયું હતું, પણ પ્રેમ જોયો નહોતો. અને લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું રહ્યું નથી, વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે, માટે વેર છોડો. સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે, પ્રેમ તો કરશોને, તો એની મેળે જ વેર થઈને ઊભું રહેશે. કારણ કે એ આસક્તિ છે. અને આસક્તિથી શું થાય ? આસક્તિ વેર લાવે. અમારામાં આસક્તિ ના હોય.

શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા,

કષાયની વિદાય સદા નિજાત્મા!

ઘાટ વગરનો પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ કહેવાય. એ શુદ્ધ પ્રેમ ચઢે-ઊતરે નહીં એવો હોય.

પ્રશ્શનકર્તા : પુરુષ-સ્ત્રીનો ભેદ ના રાખો અને શુદ્ધ પ્રેમ થાય એવું કંઈ કરો !

દાદાશ્રી : હા, આ દુનિયામાં શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા છે, એ સિવાય પરમાત્મા બીજો કોઈ દુનિયામાં થયોય નથી, થશેય નહીં. અને ત્યાં દિલ ઠરે ને ત્યારે દિલાવરી કામ થાય. નહીં તો દિલાવરી કામ ના થાય. બે પ્રકારે દિલ ઠરવાનું બને છે. અધોગતિમાં જવું હોય તો કોઈ સ્ત્રી જોડે દિલ ઠારજે. અને ઉર્ધ્વગતિમાં જવું હોય તો જ્ઞાની પુરુષ જોડે દિલ ઠારજે. અને એ તો તને મોક્ષે લઈ જશે. બેઉ જગ્યાએ દિલની જરૂર પડશે. તો દિલાવરી પ્રાપ્ત થાય.

એટલે જે પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશુંય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જે પ્રેમ સમાન એકસરખો રહે છે, એવો શુદ્ધ પ્રેમ જુએ ત્યારે માણસનું દિલ ઠરે.

પ્રશ્શનકર્તા : જ્યાં પ્રેમ હોય છે ત્યાં બધું ઓગળી જાય છે.

દાદાશ્રી : બધું ઓગળી જાય. આ સ્ત્રીઓ છે એ સ્ત્રીપણુંય ભૂલી જાય છે. 'હું સ્ત્રી છું' તેય ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે. મને લોકો કહે છે કે, તમારે ત્યાં બધા ભેગા બેસે છે. મેં કહ્યું, અમારે ત્યાં વિચાર જ ના આવે ને આવો. આપણે ત્યાં પ્રેમનું કારખાનું જ ! બધું જીવન જ પ્રેમમય !

અમારા પ્રેમમાં ડૂબી તો જુઓ,

પરમાત્મા ઊઘાડો અહીં જુઓ!

એટલે અમારું બધું ડ્રામા જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તોય મને કહે છે, 'તમે વહેલા આવજો.' મેં કહ્યું, 'મનેય તમારા વગર ગમતું નથી' ! એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય. 'વહેલા આવજો, વહેલા આવજો' કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમેય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું તે ?

પ્રેમ તો બૈરી-છોકરાં પર જ રહે છેને, અત્યારે તો ? ત્યાંથી પ્રેમ ક્યારે કાઢી મેલશો ? મેં તો કેટલાંય વર્ષથ કાઢી લીધો.

પ્રશ્શનકર્તા : મારાં પત્ની પણ અહીં આવ્યાં છે.

દાદાશ્રી : ના, ગભરાશો નહીં. એવું પ્રેમ કાઢી લેવાનું નથી કહેતો. તમારા મનમાં એમ થાય કે આ પ્રેમ કાઢી લે તો ? ના, હું સંસાર ભાંગવા નથી આવ્યો. સંસાર આદર્શ હોવો જોઈએ. મારું જીવન પણ આદર્શ છે ને ! હજુ મારે હીરાબા છે ઘેર, વાઇફ છે, ૭૩ વર્ષનાં. પણ અમારું જીવન આદર્શ. તમારે તો કોઈક દહાડોય ડખો થઈ જતો હશે ને ? મતભેદ થઈ જાયને ?

હું પ્રેમસ્વરૂપ થઈ ગયેલો છું. એ પ્રેમમાં જ તમે મસ્ત થઈ જશો તો જગત ભૂલી જ જશો, જગત બધું ભૂલાતું જશે. પ્રેમમાં મસ્ત થાય એટલે સંસાર તમારો બહુ સરસ ચાલશે પછી, આદર્શ ચાલશે.

ર્ીર્ ીર્ ી

પતિ-પત્નીનો વ્યવહાર

(ઉત્તરાર્ધ)

(૧૬)

પરણ્યા એટલે 'પ્રોમિસ ટુ પે'

અમે નથી જીવનમાં પસ્તાયા,

જીવતાં આવડ્યું તે પાર તર્યા!

લગ્ન કર્યાં એટલે 'પ્રોમિસ' કર્યું આપણે, લગ્નમાં, એટલે પ્રોમિસ તો બધું પાળવું જ જોઈએ ને ! કોન્ટ્રાક્ટ કર્યો છે આ તે આપણે પાળવો જ પડે ને ! હું હઉ પાળું જ છું ને ! છૂટકો જ નહીં ને !

પ્રશ્શનકર્તા : હું એમની સેવા કરું છું તો એ યોગ્ય કહેવાય ને ?

દાદાશ્રી : ઘણી યોગ્યતા કહેવાય.

અને સ્ત્રી શું દુઃખદાયી છે ? અલ્યા, તારી અક્કલ દુઃખદાયી, તેમાં સ્ત્રી શું કરે તે, તું વાકો છે તેમાં ? જીવન જીવતાં આવડ્યું હોય તો પસ્તાવો જ ના કરવો પડે. મારે જિંદગીમાં પસ્તાવો જ નથી કરવો પડ્યો. આખી જિંદગી કોન્ટ્રેક્ટનો ધંધો કર્યો તોય પસ્તાવો નથી કર્યો. અને ભાગીદાર જોડે ચાલીસ વર્ષથી જોડે રહ્યા પણ મતભેદ નહીં પડ્યો, એક મતભેદ નહીં !

પ્રશ્શનકર્તા : આપને કોઈ વખત પરણવા માટે પસ્તાવો થયેલો ખરો, કે 'ના પૈણ્યા હોત તો સારું' ?

દાદાશ્રી : ના, બા ! હું તો પસ્તાવો કરવાનું શીખ્યો જ નથી કોઈ દહાડોય ! કાર્ય જ પહેલેથી એવું કરું, પસ્તાવો ના કરવો પડે. કારણ કે જગત પસ્તાવો કરે છે, પૈસા આપીને પસ્તાવો થાય કે 'આને મેં ક્યાં આપ્યા ?' એવુ નહીં. આપીને છોડી દેવાના. કારણ કે મને સમજણ પડી જાય કે એ એનો અહંકાર આપણને વેચી ગયો. આપણે તો એ દસ્તાવેજ મૂકી દેવાના અંદર. પાંચસો રૂપિયા લઈ ગયો, તે વેચી ગયો એનો અહંકાર. લઈને પછી પાછા આપી જાય, તો એના દસ્તાવેજ પાછા આપી દેવાના. એટલે બધું ફોડ પડી જાય, પછી મહીં પસ્તાવો શાને માટે કરવો પડે ? આપણું ચીતરેલું ડ્રોઈંગ (ચિતરામણ) ત્યારે તો ભેગા થયા. તો હવે શેને માટે આપણે પસ્તાવો કરીએ ? ડ્રોઈંગ હવે કંઈ ભગવાને કરી આલ્યું'તું ? આ તો આપણું જ ડ્રોઈંગ. રાજીખુશીથી સોદો કરેલો છે ને હવે ફરી જવાય ? ..... સોદો નહીં કરેલો ?

પ્રશ્શનકર્તા : કરેલો ને !

દાદાશ્રી : તે હવે ફરી જવાતું હશે ?

પરણ્યા એટલે પ્રોમિસ ટુ પે,

એક શું, બે આંખ જાય, ન છૂટે!

હીરાબાની એક આંખ '૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું. તે લોકોએ હીરાબાને સમજણ પાડી કે એક લાખ રૂપિયાનો દાવો માંડો, ડૉક્ટર પર. ત્યારે હીરાબા કહે છે, 'આ લોકો આવું બોલે છે. ડૉક્ટર સારામાં સારા માણસ છે. મારું સારું કરવા ગયો એમાં એનો શું ગુનો ? અને લોકો કહે છે, દાવો માંડો.' મેં કહ્યું, એ લોકો કહે. એને ક્યાં વઢવું ? પણ આપણે જે કરવું હોય એ આપણે કરીએ. એનો શો ગુનો બિચારાનો ? એ તો થવાનો યોગ થયો, ટાઈમ થયો એટલે આંખ ગઈ.

એટલે લોકોના મનમાં એમ કે આ 'નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, 'શું છે તમારે ?' ત્યારે એ કહે, 'આવું તમારું થયું ?' હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, 'કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?' ત્યારે એ કહે, 'એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું પ્રજા કશું નથી.' મેં કહ્યું, 'પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.' વળી તેમને મેં કહ્યું, કે 'હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તોય હાથ પકડીને હું દોરવીશ.' એ કહે, 'તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?' મેં કહ્યું, 'કૂવામાં નાખવી છે તમારી છોડીને ? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય ?

મારી આંખ ગઈ ત્યારે આ થયું ને ?' અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, 'હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ !

કોઈ કહેશે કે તમે પૈણ્યા છો ? ત્યારે કહે કે પૈણ્યા નથી, પણ પ્રોમિસ આપેલું છે. પૈણેલા તો મેં બધા બહુ લોકો જોયા, પણ અમે તો પ્રોમિસ આપેલું છે. પૈણતી વખતે પ્રોમિસ, હાથ નથી આપતા ? તે ઘડીએ પ્રોમિસ આપીએ છીએ અને તે ઘડીએ બ્રાહ્મણની વાત સાંભળેલી મેં. પછી બ્રાહ્મણ સમજતો હોય કે ના સમજતો હોય પણ ધ્રુવનો તારો દેખાડે. તે કઈ બાજુ છે, એ તો ઘણા ફેરા પશ્ચિમમાં હઉ દેખાડે, કે તમે જુઓ ધ્રુવનો તારો. તે હું જાણું કે આ બ્રાહ્મણ સમજતો નથી, પણ આપણે આપણી દ્ષ્ટિથી જોઈ લો ને ! આપણે ઉત્તર તરફ જુઓ. એ તો પશ્ચિમમાં દેખાડે, એ તો બિચારાને ખબર જ નથી, એ તો આ કામ કરવા આવેલો છે એ ભાડુતી તરીકે કામ કરે છે, એનું પેટ રળવા માટે કરે છે. એમાં ખોટું નથી. આપણે આપણી મેળે ઉત્તરમાં જોઈ લો ને ! એટલે આપણને સપ્તર્ષિ દેખાશે !

કર પ્રથમ પ્રકૃતિની પીછાણ,

મને સાઠ વર્ષે પડી ઓળખાણ!

પ્રશ્શનકર્તા : મારા લગ્ન થયાં પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બન્નેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય ?

દાદાશ્રી : આ તમે જે કહો છોને, આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામેય ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ જ ના થાય. જરાય ઓળખતા નથી.

મેં તો એક બુદ્ધિના ડિવિઝનથી, બધો મતભેદ બંધ કરી દીધેલો. પણ હીરાબાનું ઓળખાણ મને ક્યારે પડ્યું ? સાઠ વર્ષે હીરાબાનું ઓળખાણ પડ્યું ! ૧૫ વર્ષનો હતો ત્યારે પૈણ્યો, ૪૫ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા ત્યારે ઓળખ્યા મેં આમને કે આવાં છે.

પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયાં ?

દાદાશ્રી : હા. જ્ઞાન થયા પછી ઓળખાયાં. નહીં તો ઓળખાણ જ ના પડે, માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું, એટલે આ વાક્ય 'એકબીજાને ઓળખે છે.' એ બધી વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી.

પ્રશ્શનકર્તા : આ વાત લૌકિકમાં લેવાની છે. અમે તો લૌકિકમાં છીએને ?

દાદાશ્રી : હા, લૌકિકની જ વાત કરું છું પણ એ ઓળખે નહીં ને. ઓળખે તો ભૂલ થાય જ નહીં.

પ્રશ્શનકર્તા : હીરાબાને કઈ રીતે ઓળખ્યા તમે ? એવું શું કર્યું કે જેથી ઓળખાણ પડી ?

દાદાશ્રી : બધી પ્રકૃતિ કેવી છે તે બધું જોઈ લીધું. જોવાનો અભ્યાસ કરવા માંડ્યા, બધી પ્રકૃતિ કેવી છે તે અને મનુષ્ય જીવમાત્ર પ્રકૃતિના આધીન છે, સ્વાધિન નથી.

પ્રશ્શનકર્તા : હીરાબાની ઓળખાણ તમને સાઇઠમે વર્ષે પડી ?

દાદાશ્રી : ઓળખાણ સાઠ વર્ષે પડી મહાપરાણે. તોય મહીં મતભેદ પડી જાય. નહીં તે દહાડે પછી મતભેદ પડી ગયો હતોને ?

આ જ્ઞાન થયું'તું તોય એક દહાડો મતભેદ પડી ગયો'તો. તે પછી બીજે દહાડે જઈને કહી આવ્યો, મેં કહ્યું, 'ભૂલ થઈ મારી હં કાલે.' ત્યારે કહે, 'ના, તમારી શાની ભૂલ ? એમાં ભૂલ શાની ?' ઓળખાણ પડે તો આ ડખલ જ નથી.

મિત્રને ઓળખીએ છીએ સારી રીતે. તેય પૂરું નહીં પણ અમુકનો ઉદય ઓળખીએ છીએ. મિત્રની ઓળખાણ પડવાનો, પ્રયત્ન શાથી કરીએ છીએ ? કે 'આપણે બંધન નથી ને ત્યાં બંધન બાંધવું છે.' રિયલી સ્પીકિંગ બંધન નથી અને પ્રેમથી બાંધવું છેને, એટલે ઝીણવટથી એને ઓળખ ઓળખ ઓળખ કરીએ છીએ અને આ વાઇફને તો 'માર ઊંધું ને કર સીધું' ઓળખવાનો પ્રયત્ન નહીં.

પ્રશ્શનકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું ? ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પતિએ પત્નીને, પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો.

દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે રમવા બેસીને સામાસામી ચોકઠાં, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે ? અમે સરખાપણાનો દાવ આપીએ.

પ્રશ્શનકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ?

દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું હવળું બોલે તોય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેસર ના લાવીએ.

એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે ? મારું કહેલું કરે કે ના કરે બધા ? કરે કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું.

જ્ઞાન ના આપેલું હોય તો બીજી રીતે કામ લઈ શકે નહીં. તમને જ્ઞાન આપેલું છે માટે તમે બીજી રીતે કામ લઈ શકો. તે બીજી રીતે કહો તો બહુ ફેરફાર થાય. જ્ઞાન લીધા પહેલાં જે રીતે કહેતા હતા, એ જ્ઞાન લીધા પછીનામાં ફેરફાર કરવાનું કહું છું. બાકી બીજો, જે જ્ઞાન ના લીધેલું હોય એને ના કહેવાય અમારાથી.

એકને કાઢી ના નાખીએ ત્યાં સુધી બીજું જડે નહીં. એકને ખસેડો તો બીજું જડે. એવું તમને સમજાયું કે ના સમજાયું ?

'તમારા વિના ન ગમે અમને',

પ્રેમે રજા,''વિચરો જગ કલ્યાણે!''

ઘરમાં બેસવાનું ગમે નહીં તોય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે.

પ્રશ્શનકર્તા : તમે હીરાબાને કહો છો ?

દાદાશ્રી : હા. હીરાબાને, હું હજુય કહું છું ને ?

આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને. મને કહે છે. 'હું હઉ તમને સાંભરું ?' મેં કહ્યું, 'સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?' અને ખરેખર સાંભરેય ખરાં, ન સાંભરે એવું નહીં !

આદર્શ હોય અમારી લાઇફ, હીરાબાય કહે, તમે વહેલા આવજો.

પ્રશ્શનકર્તા : આપે હીરાબા પાસે રજા માંગેલી ખરી ? અમે હવે જઈએ ?

દાદાશ્રી : હા. એ આપે. 'વહેલા આવજો' એવુંય કહે અને કહે, બધા લોકોનું ભલું થાય એવું કરો.

પ્રશ્શનકર્તા : એમની એક મોટામાં મોટી મહાનતા એ કે આ ઉંમરે દાદાને જગતકલ્યાણ માટે વિશ્વભરમાં ફરવા જવા દેતાં.

દાદાશ્રી : એ પોતે આશીર્વાદ આપતાં હતાં અને જ્યારે હોય ત્યારે કહેશે, બધું કરીને આવો.

તમે જાણો કે દાદાને કોઈ નથી. એ રહ્યા હીરાબા અમારે ઘેર છે ને. એમની લાગણી મને ના થાય ? તમને તમારાં બૈરી-છોકરાંની થાયને ! તે બે દહાડાથી કહેવડાવ કહેવડાવ કરે છે. 'વહેલા આવજો, વહેલા આવજો.' ગઈ સાલ તો ખંભાતની જન્મજયંતી ઉપર આવ્યા હતા જોડે ને જોડે બેઠા હતા બગીમાં. આ ફેરે ઘણુંય કહ્યું પણ ના આવ્યા. આ ધૂળ ઊડેને. અને હવે એક પગ ફીટ થતો નથી નીચે. પગ જરા લૂઝ થયેલો છે. લૂઝ થયેલો એવો વાંકો થયેલો છે, તે કસરત ચાલુ છે.

આ જુઓને મને ૭૫ વર્ષ થયાં ને એમને ૭૩ વર્ષ થયાં છે. એમને આ વાંકા પગની ઉપાધિઓ જ ને બધી ! પણ જુઓ, આખો દહાડો આનંદમાં રહે છે. આખો દહાડો મસ્તીમાં, કારણ કે બીજો વિચાર જ નહીંને કોઈ જાતનો. એ ખરાબ છે કે સારું છે. એ ભાંજગડ નહીંને. સબ અચ્છા.

પણ હું વડોદરામાં હોઉં ત્યારે મારે હાજરી આપવા જવું પડે. જેમ ઘણા માણસને પોલીસ ગેટ ઉપર હાજર નથી થવું પડતું રોજ ? હાજર થવું પડે. આ તો વિધિ કરી આપ્યા પછી પાછા આવવાની છૂટ. એમને વિધિ કરી આપવાની. એ ત્યાં ના આવી શકે એટલે મારે અહીં વિધિ કરાવવા જવું પડેને ? એમને મોક્ષે લઈ જવાનાં છે ને ?

પ્રશ્શનકર્તા : તમને કફ થઈ ગયો. તે આખી રાત ઊંઘ્યા નથી, એ જ્યારે વાત કરતા હતા, ત્યારે હું એમના મોઢાના ભાવ જોતો હતો. મને કહે છે, ઊંઘ્યા નથી. આટલી બધી શરદી થઈ ગઈ છે.

દાદાશ્રી : પછી મેં ગમ્મત કરી. મેં કહ્યું, 'હીરાબાને કહોને. દાદાને જોવાય ના આવ્યા ? ત્યારે એમણે કહેવડાવ્યું કે 'હું શી રીતે આવું ? મારાથી ચલાતું નથી.' ત્યારે મેં કહ્યું, 'તો હું આવું છું.' તે પછી હું ત્યાં જોવા ગયો. ત્યારે કહે, 'તમે શું કરવા આવ્યા ?' મેં કહ્યું, 'મારે સારું છે.' મેં કહ્યું, 'તમને સારું હોય તો તમે આવો.' ત્યારે કહે છે, 'મારાથી પગથી ચલાતું નથી.' પણ મેં તો કહ્યું, 'અહીં જોવા ન આવ્યા દાદા ભગવાનને ? આવું બધું જોવા આવે ને તમે એકલા જ ના આવ્યા ? જોવા આવવું પડેને ?'

પ્રશ્શનકર્તા : આવવું પડે પણ આ બધાય ભલેને જોવા આવી ગયા. પણ એમનામાં જે ભાવ રહેલો....

દાદાશ્રી : બસ. એટલે ભાવની જ કિંમત છે. બીજી શી કિંમત છે ? કિંમત જ ભાવની છે ને !

એક દહાડો હીરાબા કહેતાં'તાં, 'હું ગબડી પડી તે મને કશુંય ના થયું. વાગ્યું પણ આવું ફ્રેક્ચર કશું ના થયું ને તમે કશું નહોતું કર્યું તોય અત્યારે આ પગે ફ્રેક્ચર થઈ ગયું. તમારી પુણ્યૈ કરતાં મારી પુણ્યૈ ભારે.' ત્યારે મેં કહ્યું, 'પુણ્યૈ તો ભારે જ કહેવાયનેે અમને પૈણ્યા એ તમારી જેવી તેવી પુણ્યૈ છે ?'

હું ગમ્મત કરું કો'ક દહાડો. મેં કહ્યું, 'આ મારે ઘૈડપણ લાવવું નહોતું ઘૈડપણ પેસી ગયું આ મને. ત્યારે એ કહે, 'એ તો બધાને આવે. કોઈને છોડે નહીં.' એમને મોઢે કહેવાવડાવું. અને આપણું કરેલું ભોગવવું પડે. આપણે જ ભોગવવું પડે. એમાં ચાલે નહીં, એવું કહે.

ત્રણ મહિના સાથે રહ્યાં હતાં. જોડે ને જોડે ચોવીસેય કલાક. રાતે વિધિ-બિધિ બધું કરે. પ્રેશર હતું પહેલાં તે માથા પર પગ મૂકીને વિધિ કરતા હતા તે બંધ થઈ ગયેલું બધું. બંધ જ હતું. માથા પર બબ્બે પગ મૂકી અને વિધિ કરતા. ઠેઠ સુધી રોજ કરતાં હતાં. છેલ્લે દહાડે પણ એ જ કરેલું. પહેલું માથા પર બે પગ મૂકી અને અહીં કરવાની પહેલી વખત. પછી માથા પર એમ કરીને દસ મિનિટ કાઢવાની દરરોજની.

બીજું શરીર તો ઊંચકાય નહીં અમારાથી. અને અડવા દેય નહીં કોઈ દહાડો. આટલું વિધિ કરી આપજો. ને પછી જય સચ્ચિદાનંદ બોલે. અમે વિધિ કરીએ કે તરત જય સચ્ચિદાનંદ કહે. જય સચ્ચિદાનંદ બોલે, જેટલો અવાજ નીકળે એટલો પણ મને સંભળાય જ નહીં. પણ આ બીજા બધા કહે કે બોલ્યાં. ના સંભળાય તેથી કંઈ નથી બોલ્યા એવું કેમ કહેવાય આપણાથી ?

કોઈ ચાકરી કરનારું હશે એમને ? છોકરાં નથીને ?

પ્રશ્શનકર્તા : પુણ્યૈ એવી છેને, ચોવીસે કલાક કોઈ હોય છે જ.

દાદાશ્રી : પછી એ પુણ્યૈ ઓછી કહેવાય ?

જુઓને, એમને નથી છોકરું કે છોકરાની વહુ નથી. પણ સેવા કરનારા કેટલા છે. ખડે પગે બધા સેવા કરે. જ્યારે કેટલાકને તો ચાર ચાર છોકરાઓ હોય છતાં પાણી પારકો માણસ આવીને પાય ત્યારે. છોકરાં કંઈ કામ લાગે તે વખતે ? એ ક્યાંયે પરદેશમાં કમાવા ગયો હોય ! આવું જગત છે.

જો ઉપરી બધા પોષાય તને,

વહુ બોસ રાખ, વાંધો શું તને ?

જગત તો બહુ ઊંડું છે, રહસ્યવાળું છે આ જગત. અને આજે લોકોએ ભૂતાં ઘાલ્યાં છે. અંદર તે ખોટાં ભૂતાં ઘાલ્યાં છે અને ભગવાનને ઉપરી બનાવ્યો છે તેથી ગૂંચવાડા વધ્યા છે. એના કરતાં ઉપરી આપણા ઘરની વાઇફ સારી. આપણો ઘરનો બોસ હોયને, તે બહુ સારો. બોસ તે માલપૂડાય કરી આલેને, જલેબી કરી આલે અને વઢેય ખરી કોઈક દહાડો. આ ભગવાનને ઉપરી કરીને શું કામ છે તે ! જગતમાં કોઈ પણ ઉપરી છે એ તમારી ભૂલોનું પરિણામ છે.

અને ભગવાનના ઉપરી થયેલા બધા ફાવેલા અને બૈરીના ઉપરી થયેલા બધા માર ખઈને મરી ગયેલા. ઉપરી થાય તો માર ખાય. પણ ભગવાન શું કહે છે ? મારા ઉપરી થાય તો અમે ખુશ થઈએ. અમે તો બહુ દહાડા ઉપરીપણું ભોગવ્યું, હવે તમે અમારા ઉપરી થાઓ તો સારું.

પ્રશ્શનકર્તા : પત્ની રૂપી બોસ નકામો છે એવો અર્થ થયો ?

દાદાશ્રી : ના, એમ નહીં. નકામા કહેવાય નહીં. નકામો કહેવાય નહીં. તો તો બીજો બોસ કામ નહીં લાગે. આ જ બોસ કામ લાગે.

પ્રશ્શનકર્તા : એ ત્રાસ તો ખરો પણ ઓછામાં ઓછો ત્રાસ એનો, આ બોસનો.

દાદાશ્રી : બાકી તમારો ઉપરી કોઈ છે જ નહીં. ઉપર ખાલી આકાશ છે. જે છે એ તમે જ છો. તમારા સિવાય કશું છે જ નહીં અને તમારો ઉપરી તમારી બ્લંડર્સ અને મિસ્ટેક્સ, બે ઉપરી છે. તમારો ઉપરી કોઈ નથી. અને વ્યવહારમાં તમારી સ્ત્રી ઉપરી, બીજું કોણ ઉપરી છે ?

પ્રશ્શનકર્તા : બહેનો માટે વ્યવહારમાં કોણ ઉપરી ?

દાદાશ્રી : આ કાળ એવો છે કે આ કાળમાં સ્ત્રી ઉપરી જેવી થઈ જાય અને આપણને વાંધોય શું છે ? સારી સારી રસોઈ આપતા હોય, તો આપણને એમનું ઉપરીપણું રાખવામાં વાંધો શો છે ? 'તમારું ઉપરીપણું સ્વીકારીએ, પણ તમે સારું સારું ખાવાનું અમને જમાડો' એમ કહીએ.

કેટલા બધા હસે છે નહીં ! મજા આવે છે ને ! આમ કરતું કરતું જ્ઞાન મૂકેલું હોય તો જ્ઞાન પેસે, નહીં તો.... સમજ્યા કે ! હસે તો પચે આ જ્ઞાન. હસતા જાય, કરતાં જાય. તને હસવું બહુ આવે છે ને !

આ બોધકળા એય મારી નહોય, આ તો લોકોનું પુણ્ય જાગ્યું છે.

પ્રશ્શનકર્તા : જ્ઞાન કરતાં બોધકળા ઊંચી છે.

દાદાશ્રી : ના, પણ આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આવી બોધકળા હોય નહીં. આવી બોધકળા સ્વપ્નમાંય હોય નહીં કોઈ દહાડો, તે આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આ મને ક્યાંથી આવડ્યું ? આવું બધું આવડતું હશે ?

પ્રશ્શનકર્તા : તમે ધારો તો આ હુક્કાને લોટો પણ કહેવડાવી શકો. તમારી પાસે કળા એવી છે કે આને એક વખત તો લોટો પણ કહેવડાવો.

દાદાશ્રી : પણ બધા જોઈને કહે છેને ? એની કંઈ આંખો હું લઈ લઉં છું ?

ધણી તો કોને કહેવાય ?

પત્નીને દેવ જેવો દેખાય!

આટલું જો સ્ત્રીઓનું સન્માન થતુ ંહોય ત્યાં એ દુઃખી કેમ હોય. સ્ત્રીઓનું કંઈક સન્માન હોવું જોઈએ. આમ ધણીપણું થઈને બેસે છે. અને બીજા એક માણસને ત્યાં સરસ બઈ હતી ત્યારે મેં કહ્યું, બઈને સારી રીતે તું રાખ. એને બહુ કડકાઈ ના કરવી એમ ! આવું ના શોભે, કહ્યું ત્યારે મને કહે છે, એ ચઢી બેસે. તે એ કોણે શીખવાડ્યું તને ? તો તું શું કામ ભડકું છું, કહ્યું આ. એ ભડકાટ ખોટો છે બધો. ખોટા ભડકાટથી લોકો ભડક ભડક કરે એમાં દુઃખી થાય ઉલટું. કશું સ્ત્રી એવું ના ચઢી બેસે. પણ એને અણસમજણ પેસી ગઈ, ગોટાળો ! શું થાય હવે !

આ બધા માણસ છે તે કઈ જાતના લોક છે તે ! જરાક તો ધણી થતાં શીખો ! ધણીપણું થવું સહેલી વસ્તુ નથી અને પાછા સ્ત્રીને શું કહે છે, હું તારો ધણી થઉં ! આ મોટા ધણી આવ્યા ! રોજ બાઈ સાહેબ ટૈડકાવતા હોયને આ મોટા ધણી થઈ બેઠાં હોય ! ધણી તો કોનું નામ કહેવાય. પોતાની સ્ત્રી આમ જોતાની સાથે, એને નમ્રતા જાય નહીં કોઈ પણ ટાઈમે, એ ધણી કહેવાય. ત્યાં પ્રેમ હોય ! બાકી આને ધણી કેમ કહેવાય ? જેમ કૂતરી કૂતરા જોડે ઘૂરકિયાં કરેને, એમ ઘૂરકિયાં કરતી હોય. બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય ? કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય ! ધણી તો કેવો હોય ? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરકત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય. બીબીને મનમાં એમ બેસી જાય કે ઓહોહો ! આ દેવ જેવો મણસ છે. ત્યારે ધણી થયો કહેવાય. એનેય મહીં ન્યાય હોય કે ના હોય. એનેય અક્કલ તો ખરી કે નહીં ?

પ્રશ્શનકર્તા : ખરી.

દાદાશ્રી : ધણી કોને કહેવાય ? સંસારને નભાવે તેને. પત્ની કોને કહેવાય ? સંસારને નભાવે તેને. સંસારને તોડી નાખે એને પત્ની કે ધણી કેમ કહેવાય ? એણે તો એના ગુણધર્મ જ ખોઈ નાખ્યા કહેવાયને ? 'વાઇફ' પર રીસ ચઢે તો આ માટલી ઓછી ફેંકી દેવાય ? કેટલાક કપ-રકાબી ફેંકી દે ને પછી નવાં લઈ આવે ! અલ્યા, નવાં લાવવાં હતાં તો ફોડ્યાં શું કામ ? ક્રોધમાં અંધ બની જાય તે હિતાહિતનું ભાન પણ ગુમાવી દે.

ધણી તો એવો હોવો જોઈએ કે બઈ આખો દહાડો ધણીનું મોઢું જોયા કરે.

પ્રશ્શનકર્તા : પરણ્યા પહેલાં બહુ જુએ છે.

દાદાશ્રી : એ તો જાળ નાખે છે. માછલું એમ જાણે કે આ બહુ સારા દયાળુ માણસ છે તે મારું કામ થઈ ગયું. પણ એક વખત ખાઈ તો જો, કાંટો પેસી જશે. આ તો ફસામણવાળું છે બધું !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12