ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૭)

'ગાડી'નો ગરમ મૂડ !

બૉસનો બીબીએ માર્યો મૂડ,

બૉસ વઢે ત્યારે કેવો તું શૂર?

ઑફિસમાં કોઈવાર બૉસ ચિડાયો હોય આપણી પર, એટલે આપણે શું માનીએ કે મેં કશો ગુનો નથી કર્યો અને ખરેખર ન જ કર્યો હોય ને પેલો ચિડાતો હોય, તો આપણે એવું ના સમજવું જોઈએ કે આ ઘેર લડીને આવ્યો હશે ? ઘેરથી કંઈક ઝઘડો કરી નાખ્યો, અગર તો રસ્તામાં કંઈ ઝઘડો થયો, પણ ક્યાંક ઝઘડો કરીને આવ્યો છે, એ મૂડમાં નથી. એટલે આપણે એને ટાઢો પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની જોડે જો આપણે ચિડાઈએ તો શું થાય ? બૉસને ના થાય એની વહુ જોડે ?

પ્રશ્શનકર્તા : થાય ને.

દાદાશ્રી : હં, એટલે આપણે જરા ધીરજ પકડવી જોઈએ કે આ ગાડી ગરમ થઈ ગઈ છે, જરા ઠંડી પડવા દો. પછી વાતચીત ધીમે રહીને કરીએ અને તે વાતેય સુંવાળી કરીએ પાછું, એને જરા ટાઢો કરીએ. સમજીને કામ ના લેવું જોઈએ ? ગાડી જોડે કામ લો છો સરસ, પણ અહીં નથી આવડતું.

ધણી ઊકળે પેસતાં જ ઘરે,

ખેંચી લે લાકડાં તો દૂધ ઠરે!

હવે બહારથી ધણી ઘેર આવ્યો હોય, ઑફિસમાં બોસે ટૈડકાવ્યા હોય ધણીને અને પછી ઘેર પેલું મોઢું બગડી ગયેલું આવે ઘરમાં. ત્યારે બઈ કહે, બળ્યું, તમારું મોઢું જોઈને મને તો એ લાગે છે.... આવું બોલાતું હશે ? સમજી લેવાનું કે આજે ધણી મૂડમાં નથી.

પ્રશ્શનકર્તા : ધણી ઊકળે છે એનું કારણ શું ?

દાદાશ્રી : બધું આડું અવળું કરેલું હોય ને તે તપી ગયેલો હોય અને પછી જરાક સાધન મળ્યું કે ભડકો થાય.

પ્રશ્શનકર્તા : ધણીને પ્રેમથી કેવી રીતના વશ કરાય ?

દાદાશ્રી : ધણી ઘરમાં આવે તો આપણે જાણીએ કે આજે કંઈક મૂંઝાયેલો લાગે છે. એને સાહેબે જરા દબડાવ્યો હોય. તે મનમાં એમ થાય કે આ સાહેબ, નાલાયક ક્યાંથી મળ્યો આવો ને એમ તેમ. આ સાહેબને મારી ઉપર વેર જ છે. કાયમનું ન હોય એનું વેર મૂઆ ! અરે, સાહેબનો શો દોષ છે ! સાહેબને એની બઈએ ટૈડકાવ્યો છે. ક્યાંનો ધક્કો છે એ તો જો ! આ ધક્કો વાગ્યો તે આવ્યો ક્યાંથી એ તો તપાસ કર ! પણ આવું તપાસ ના કરે એટલે પછી મોઢું મોટું ચઢાવીને ઘેર આવે. એ પછી ઘેર આવીને હાંકે. આ તો અકળાયેલું હોય તેને વધારે અકળાવે. એને કો'કનો ધક્કો વાગ્યો ત્યારે પેલાને ધક્કો મારે. આવું બને કે ના બને ?

પ્રશ્શનકર્તા : બનેે

દાદાશ્રી : તેને લીધે ઝઘડે છે. અમે સમજી જઈએ કે આ ધક્કો ક્યાંથી આવ્યો.

પ્રશ્શનકર્તા : સાહેબ એના ઘરનો ધક્કો આપણને મારે, તેનો રસ્તો શું કરવો ?

દાદાશ્રી : બીજો શો રસ્તો કરવાનો ? દૂધપાક કરવો હોય તો તેમાં નીચે લાકડાં સળગાવવા પડે કે ના સળગાવવા પડે ! ત્યારે પાછું દૂધપાક ચિડાય, એ ઊભરાય. ત્યારે લાકડાં કાઢી લેવાં પડે. એ રસ્તો એનો. દૂધપાક ચિડાય નહીં, નહીં ? નહીં તો પછી એ ઊભરાય પાછું. આ આવતાની સાથે કહેશે, 'તમારું મોઢું ચઢેલું છે.' તે ના બોલાય આવું. ધણી મૂડમાં ના હોય તો તે ઘડીએ ના બોલવું. કારણ કે માણસનો મૂડ બદલાઈ જાય છે ઘણી વખત. એટલે ધણી આપણા ઘરમાં આવતાની સાથે જ તમારે સમજી જવાનું કે ભઈ સાહેબ, મૂડમાં દેખાતા નથી. કે ગાડી ગરમ થઈ જાય, એવું આ થઈ ગયું છે. એનો મૂડ જોઈને ના કામ લેવું જોઈએ ? મૂડ તો બદલાઈ જાયને માણસનો, અજ્ઞાની માણસનો મૂડ બદલાતાં કેટલી વાર લાગે ? મૂડ ઓળખે કે ના ઓળખે ? બધી જ સ્ત્રીઓ ધણીનો મૂડ ઓળખે. કે આજે આનું ઠેકાણે નથી. એટલે આપણે જાણીએ કે આને ફર્સ્ટ ક્લાસ ચાની ટેવ છે, પેલી મોંઘા ભાવની ચા રાખી મેલી હોય, કો'ક સારા માણસ આવ્યા હોય તેને માટે તો તે ચા બનાવી આપવી. કશું બોલવા-કરવાનું નહીં. ચા-નાસ્તો-ભાવતી મીઠાઈ જે ઠીક લાગે તે રાખી મેલવી આપણે ને આપવું, તો ટાઢો પડી જાય ને. તો પ્રેમ વધે. તને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : હા એ હા કરવું એ ના ચાલે કંઈ, એવા ઉપાયો કરવા પડે. તને કેમ લાગે છે ? મૂડમાં ના હોય તો મૂડ ટાઢો નહીં કરવો પડે ?

પ્રશ્શનકર્તા : કરવો જ જોઈએ.

દાદાશ્રી : તોય આપણે, એ ચિડાયેલો એટલે આપણે પાછા એને સળી કર કર કર્યા કરીએ. પછી ભડકો થાય કે ના થાય ?

પ્રશ્શનકર્તા : એ ચા નાસ્તો આપીએ તોય ખુશ ના થાય ?

દાદાશ્રી : એ તો ધીમે ધીમે થાય, એકદમ ના થાય. પહેલાંની આપણી ડખલ કરેલી હોયને પણ ધીમ ધીમે બહુ સરસ ખુશ થઈ જાય. એને ખાતરી થાય, ભડકાટ નીકળી જાયને. જેમ ભડકેલું કૂતરું હોયને, એને પટાવ પટાવ કરીએ તોય ના જાય. પછી બે-ચાર દહાડા ખાતરી થાય પછી એ ના આવે.

પ્રશ્શનકર્તા : બરાબર, દાદા.

દાદાશ્રી : તો આમને પણ મૂડમાં લાવ, આ ધણી એય ગાડીઓ જ છે. એમને મૂડમાં ના લાવવી પડે ? હવે મૂડમાં ના લાવે તો પછી ગાડીને માર માર કરે. એના જેવું આપણા લોકો અહીં આગળ કરે છે, શું તારું મોઢું લઈને, આ તારું મોઢું જો તો ખરો ! એવું ના બોલાય. એનું મોઢું શાથી બગડી ગયું છે એ જાણો. એને મૂડમાં લાવીશ ને ? એમને શું ભાવે છે એ જાણી રાખવું આપણે અને જ્યારે મૂડમાં ના હોયને, તો ઝટપટ બનાવીને મૂકી દેવું. એ અકળાતા હોય તો આપણે છોડી દઈએ. કહીએ, તમારી વાત ખરી છે. આજ તો મારું મન જ સારું નથી, એમ તેમ કરીને ઊકેલ લાવીએ. એટલે એ ટાઢા પડી જાય. એ જાણે કે મારો રોફ પડ્યો એટલે ટાઢા પડી જાય. આ રોફવાળા, જો ખરા રોફવાળા !

આ તો રાત્રે કોઈ વખત ધણીને ઘેર આવતાં મોડું થઈ જાય, કોઈક સંજોગોમાં, હં... આટલું બધું મોડું અવાતું હશે ? તો એ નથી જાણતા. એ મોડું થાય છે ? એમને મહીં ચૂન ચૂન થતું હોય, બહું મોડું થયું, બહું મોડું થયું. તેમાં પાછા આ વાઈફ એવું ગાય કે આટલું બધું મોડું અવાતું હશે ! બિચારા ! આ મિનિંગલેસ વાતો બધી આવી કરવી ! તને સમજાય છે એવું ? એટલે આપણે એ આ મોડા આવેને તે દહાડે આપણે જોઈ લેવું કે મૂડ કેમનો છે ! એટલે પછી તરત જ કહેવું કે પહેલી ચા-બા પીને જરા એમને ચા-પાણી કરીને ખુશ કરીએ. જેમ પોલીસવાળો આવ્યો હોય, આપણે મૂડ ના હોય તોય ચા પાણી નથી કરતા ? આ તો પોતાનો એટલે ખુશ નહીં કરવાનો ? પોતાનો એટલે ખુશ કરવો પડે ! ઘણા ખરા તમને ખબર હશે કદાચ ગાડી મૂડમાં નથી હોતી એવું નથી બનતું ? ગરમ થઈ ગયેલી. તો આપણે એને લાકડી માર માર કરીએ તો ! એને મૂડમાં લાવવા માટે ઠંડી મૂકી દેવાની જરા, એ રેડિએટર ફેરવવાનું, પંખો ફેરવવાનો. ના કરાય ?

પ્રશ્શનકર્તા : કરાય.

દાદાશ્રી : મૂડમાં ના લાવવી પડે, ગાડીને ?

પ્રશ્શનકર્તા : લાવવી જ પડે.

દાદાશ્રી : એવું આ ધણી ગરમ થઈ ગયો એટલે જલદી જલદી પાણી રેડવું રેડીએટરમાં. ત્યારે તે ઘડીએ તમે કહેશો, મોડા કેમ આવ્યા ?.. એ ચાલ્યું તોફાન ! આ તો ધણીનો મૂડ ઠીક નથી. અને આ ઉપરથી બંદૂક મારે બળી. આવું જીવન કેમ હોવું જોઈએ. જ્યારે ગાડી ગરમ થઈ જાય ત્યારે રેડીએટર તરત તમે ફેરવી નાખો છો ? મહીં પાણી નથી રેડતા ? કેમ ગાડી ઊભી રાખી, આપણે ઉતાવળ છે, અરે ભઈ, પાણી નાખવા દો ને, ગરમ થઈ ગઈ છે, ગાડી. આ ગાડી ગરમ થઈ જાય છે, તે એને આપણે મૂડમાં ના લાવી તો ગુનો ખરો ? એને મૂડમાં લાવવી કે ના લાવવી જોઈએ ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : આ ગાડી ગરમ થઈ ગઈ હોય, એને કહીએ શેની ગરમ થઈ જઉં છું તું રસ્તામાં ! તારી વાત તું જાણે, એમ કરીને ચલાવ ચલાવ કરીએ તો શું થાય ? રેડીએટર એ ખલાસ થઈ જાય. થોડીવાર બંધ રાખી, પાણી-બાણી રેડી અને ઠંડું ના કરવું જોઈએ ? તે આ ના થઈ જાય બળી. આ મશીનરી છે. આ શરીરમાં બે આત્મા છે. એક મિકેનિકલ આત્મા છે અને એક મૂળ આત્મા છે. તે આ મિકેનિકલ આત્મા તો ગરમેય થઈ જાય, તે એને મુશ્કેલીમાં આવ્યો હોય તે ઘડીએ ના થઈ જાય ?

પ્રશ્શનકર્તા : થઈ જાય.

દાદાશ્રી : એકલી બ્રાન્ડી પીવાથી ગરમ થાય તે જુદો અને બ્રાન્ડી પીધા વગરનું ગરમ થાય તેય જુદો. બ્રાન્ડી પીને ગરમ થાય તેને તો આપણે ડફળાવવો જરા. એમાંય મજા નહીં, ઘરમાં, વન ફેમિલીમાં ડફળાવવામાં મજા નહીં. બ્રાન્ડી ન પીવે એવો તમે પ્રેમ આપોને તો પેલા બ્રાન્ડીએ બંધ કરી દે. ઘરમાં પ્રેમ ના દેખે એટલે પછી બહાર જઈને પી આવે મૂઓ.

પ્રશ્શનકર્તા : બ્રાન્ડી બંધ કરાવવી કેવી રીતના ?

દાદાશ્રી : તમારા ઘરમાં દેખે એટલે બધુંય છોડી દે. પ્રેમની ખાતર દરેક વસ્તુ છોડી દેવા તૈયાર છે. આ પ્રેમ ના દેખે એટલે બ્રાન્ડી જોડે પ્રેમ કરે. ફલાણા જોડે પ્રેમ કરે. નહીં તો બીચ ઉપર ફર્યા કરે. અલ્યા મૂઆ, અહીં શું તારા બાપે દાટ્યું છે, ઘરમાં જાને ! ત્યારે કહે ઘેર તો મને ગમતું જ નથી.

વહુનો થાય મૂડ જ્યારે ઓફ,

પતિએ સંભાળવો ઘરનો સ્ટાફ!

અને પુરુષોએ પણ સ્ત્રીના મૂડને જાણી લેવો જોઈએ. એ મનમાં અકળાયેલી લાગે કે આજ છોકરાઓ જોડે કકળાટ કંઈ... તે, પરમ દહાડે આપણે સિનેમાની ટિકિટ લઈ આવું, કહીએ. પણ જેમ તેમ મૂડ ટાઢો પાડવો. આ સ્ત્રી ગરમ થઈ ગઈ હોય તો ઠોકાઠોક કરવાની ? ગાડી ગરમ થાય એવી રીતે સ્ત્રી ગરમ ના થઈ જાય ? આપણે જાણીએ કે આનો મૂડ બગડી ગયો છે. માટે આ મહીં છે તે પંખો ફેરવો, પાણી રેડો. ગાડીનું થોડું મોઢું ઉઘાડું કરી નાખો. અને તે ઘડીએ માર-માર કરીએ કે મૂડ આવો કેમ કરે છે, ગુસ્સે કેમ થઈ જાઉં છું ? તો શું થાય ? એનો ઉપાય કરીએ. જેનો મૂડ બગડી જાય એ ગાડીઓ. પણ જે તે રસ્તે મૂડમાં લાવવું પડે આપણે. ગાડીને મૂડમાં કેમ લાવીએ છીએ ? કારણ કે આપણે જાણીએ છીએ કે ગાડી છે એટલે નથી ચિડાતા. એ આમને ગાડી નથી જાણતા આપણે.

પ્રશ્શનકર્તા : દાદા, એને લાડી કહેવાય. અહીંયાં લાડી કહીએ આપણે.

દાદાશ્રી : લાડી કહીએ પણ જેટલું ગરમ થાયને, એ બધી ગાડીઓ જ હોય છે. ના, ખરેખર આ તો મશીનરી ગરમ થાય છે. તમે નથી ગરમ થતા. જે મિકેનિકલ પાર્ટ છેને, તે ગરમ થાય છે. અને તમે જાણો કે આ ગરમ થઈ ! આ મિકેનિકલ પાર્ટને તો આવું કરાતું હશે ! આ તો પછી જે આપવા માંડે.... કે તારો બાપ આવો ને તું આવી ને તું આમ. એ એના બાપ સુધી લઈ જાય. પેલી બઈએ કહે, મારા બાપ મરી ગયા. શું કરવા હવે એનું નામ લો છો તે ! એવું કહે. આ તો ઘરમાં તોફાન. એને પહોંચી શી રીતે વળાય તે ! આવી ભૂલો કાઢી નાખવી જોઈએ ને ? આપણે સુધરેલા લોકો, સારા આચાર-વિચારના. મેં મારે ઘેર ભૂલ કાઢી નાખી, ત્યારે મને, ડાહ્યો થયો, કહે. આજ પિસ્તાળીસ વર્ષથી મતભેદ નથી નામેય. હું અત્યારે સંસારી જ છું. જો આ કપડાં બપડાં ઘરનાં, મારા ધંધાનાં, બિઝનેસનાં. કોઈનો એક પૈસોય નહીં લેવાનો. અને કો'કનો પૈસો ખાવામાં આવે તો મારું મન કેવું થઈ જાય ? પછી તો ખલાસ જ થઈ જાય ને મન. આ તો સમજવું જ પડશે ને. ક્યાં સુધી આવું પોલંપોલ ચલાવીશું ! મેંય બહુ દા'ડા પોલંપોલ ચલાવેલું, હં કે ! ત્રીસ-બત્રીસ વર્ષનો થયો ત્યાં સુધી તો હેય... જો ચીઢાઉં, પછી બહુ વિચાર કર્યો. મેં કહ્યું, આ શું છે આની પાછળ, કૉઝીઝ શું છે ને આ કેમ

આમ છે ? સમજવું પડે કે ના સમજવું પડે ?

પ્રશ્શનકર્તા : સમજવું પડે.

દાદાશ્રી : અને આ આપણી ભૂલને, મૂર્ખાઈને ફૂલિશનેસ છે, આ વઢંવઢાને એ બધું તો. હવે આટલું બધું ભણ્યા ને ખાનદાનના છોકરા. કેવા કેવા બધા 'શાહ કહેવાઓ પણ તમે.' તમને વાત કામમાં લાગશે કે આ બધી ?

પ્રશ્શનકર્તા : હા, લાગશે દાદા.

દાદાશ્રી : હં, અકળાવાની જરૂર નહીં કોઈ જગ્યાએ. મિકેનિકલ પાર્ટમાં અકળામણ છે.

પ્રશ્શનકર્તા : ઊલટું પાણી ગરમ વધારે રેડે.

દાદાશ્રી : વધારે રેડે મૂઆ, જેમ ગાડી ટાઢી પાડીએ છેને, ગાડી જોડે કામ લઈએ છીએ એવી રીતે કામ લેવું જોઈએ. આ તો બિચારીને એવા શબ્દ સંભળાવી દે કે આખી રાત ઊંઘ ના આવે એને બિચારીને.

પ્રશ્શનકર્તા : ત્યાં તો પેલું એવુંને કે ગાડી ગરમ થાય, આપણેય ગરમ થઈશું તો પછી ચાલીને જવું પડશે. એની ગરજ છે.

દાદાશ્રી : ના, તે આય છે તે છ મહિના ઘેર જઈને રહે તો શું થાય ? ના, પણ એ કામનું નહીં આ. સાચવીને કામ લઈએ. આય આપણું પોતાનું અંગ છે, ફેમિલી. બહાર શું કહે, માય ફેમિલી. ત્યારે માય ફેમિલી. ત્યાં તો બરાબર આમ (મતભેદ) થાય છે. શરમ આવે છે ? પણ આ તો કહે છે, વાઈફ વાત વાતમાં ગરમ થઈ જાય છે. એ ગરમ થઈ જાય તો એને ટાઢી પાડીએ એવી રીતે વાણી બોલીએ, મૂડમાં આવે ત્યાં સુધી. ના કરવું પડે, ભઈ ?

પ્રશ્શનકર્તા : બહુ ગરમ થઈ જાય તો બીજી લઈ આવવાની ?

દાદાશ્રી : ના, એ બીજી ના લઈ અવાય. એ તો નબળાઈ છે. એ તો જે પૈણેલા હોયને એની જોડે જ નિવેડો કરવાનો હોય. આપણા ઇન્ડિયનો એની જોડે જ નિવેડો લાવે. આ બદલીએ એવા નહોય આપણે લોકો. આ ફોરેનર્સ જો પૈણી લાવેને જો કદી ભાંજગડ ઊભી રહી તો છૂટા કરી નાખે અને ના હોય તો લેડી બદલી જ આવે, એ આપણે ત્યાં ન હોય. આ તો સંસ્કાર છે આપણા. ગમે તેવા ઓલ્ડ થઈ ગયેલા હશે, ખરાબ થઈ ગયા હશે, પણ પાછલા આર્ય સંસ્કાર છે આ. નથી સંસ્કાર આપણા ? ભલે સોનું બહાર કાનમાં લટકાવીને ફરે પણ સંસ્કાર તો ખરા જ ને ! આ તમને એમ લાગે છે કે આ મારી વાઈફ છે. પણ જેનો મૂડ બગડે એ બધી ગાડીઓ. સમજાય છે. તને લાગે છે હેલ્પ કરશે આ વાક્ય મારું ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : જો એનો મૂડ બગડી ગયો હોય, તે ઘડીએ આપણે એમને રાગે પાડવી. પુરુષોને તો મહીં આવડે, મૂડમાં લાવવાની. આમ કરીને હાથ ફેરવે એટલે એ મૂડમાં આવી જાય એક હાથ જ ફેરવે તો. કેવી ચાવી છે ! મૂડમાં આવી જાય.

પ્રશ્શનકર્તા : તો બૈરાંઓને ના આવડે પુરુષોને મૂડમાં લાવતાં ? બૈરાંઓને પુરુષોને મૂડમાં લાવતાં આવડે !

દાદાશ્રી : એ તો એને ખઈબદેલો હોય. બૈરાંને આવડે ખરું પછી, રસ્તો કરે. તે એક ભઈ મૂડમાં નહોતો આવતો, તે રાતની ભાંજગડ થયેલી હશેને તે સવારમાં ચા પીતી વખતે એ પીતો ન હતો. ટાઈમ થયો તે પીવા સારું આવ્યા નહીં. એટલે બઈ સમજી કે આજે મૂડમાં નથી અને મૂડમાં નહીં આવે તો આખો દહાડો બગડશે. એટલે બઈએ શું કર્યું કે બાબો હતો ને, તે એના બાબાને કહે છે, 'જા પપ્પાજીને કહે કે પપ્પાજી, મમ્મી ચા પીવા બોલાવે છે.' એટલે પેલો બાબો 'પપ્પાજી' બોલ્યોને તરત આ ભૂલી ગયો બધી વાત. અને ત્યાં જઈને પહોંચી ગયો. જો ચાવી ફેરવી એની અને એમ ને એમ નહતો આવે એવો. એટલે આ બેનોનેય આવડે બધું. બધું આવડે.

પ્રશ્શનકર્તા : ખઈબદેલો એટલે શું ?

દાદાશ્રી : આ તમને ખઈબદેલા નથી મલ્યા ?

પ્રશ્શનકર્તા : હજી બધાને નથી સમજણ પડી.

દાદાશ્રી : અપ અને ડાઉન બન્ને થતાં આવડે. એ જાણે કે અત્યારે જો અપ કરવા જઈશું તો અથડાશે. એટલે ડાઉન કરી નાખે. ખઈબદેલા હોય. પાકાં હોય, એને લોકો પાકાં કહે અને હું ખઈબદેલો કહું. હોશિયાર માણસ છો બધા આમ તમે.

એટલે માણસે ઘડતર થવું જોઈએ. આવું ના હોવું જોઈએ ઘેર જઈને, કંઈ બગડ્યું તો મૂઆનું મગજ ફરી જાય. અને પછી બઈને બહાર પૂછીએ, શું હતી બૂમાબૂમ ? 'મૂડમાં નથી' કહેશે. આ આપણો મૂડ સ્ત્રી જોઈ જાય ! આપણો મૂડ તો ખરી રીતે કોઈ જોઈ શકવો જ ના જોઈએ. તેને બદલે, પોતાની સ્ત્રી જોઈ જાય, એ આપણી આબરૂ જતી રહે, શું કહે, મૂડમાં નથી, જો તમારા સાહેબ મૂડમાં નથી હોતા ને ત્યારે તમે ઑફિસની ફાઈલો મૂકવા જતા નથી ને ! અત્યારે રહેવા દો મૂડમાં નથી, ટકરાશે મૂઓ ! અમારો મૂડ બગડે નહીં. જ્યારે જુઓ ત્યારે એ જ મૂડમાં હોઈએ. એમનો મૂડ બદલાય છે કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : અરે ઘણો.

દાદાશ્રી : આ બિલાડી છે કે પોપટ છે, તે લોક પાળતા હોય, પછી આ બિલાડી રોજ છે તે આમ હાથ ફેરવીએ તો આમ રોફથી ફરે અને મૂડ બદલાય તો બચકું ભરી લે, તો એને રાખે કોઈ ? બિલાડીનો મૂડ બદલાતો નથી ને, આપણા માણસોનો મૂડ બદલાય કેમ ? પોપટનો મૂડ બદલાતો નથી, પોપટ ચાંચ ના ભરી લે હં. કૂતરુંય પાળેલું હોય ને તે આપણને કૈડી ના ખાય. એમને ત્યાં હતું જ ને ડૉગ પણ આપણને ના કૈડી ખાય. એટલું તો માયા એય રાખે. અને મનુષ્યનો મૂડ બગડે તો કૈડી ખાય છે !! આપણે ત્યાં તો આવું ના હોવું જોઈએ ને ? આ અવિચારુ છે. વિચારેલું પગલું નથી આ. આમાં વિચાર કરીએ તો નીકળી જાય એવું છે ને !

પ્રશ્શનકર્તા : હાજી.

દાદાશ્રી : ખોટું ગાંડપણ જ છે ખાલી.

ર્ીર્ ીર્ ી

(૮)

સુધારવું કે સુધરવું ?

જિંદગી પત્નીને સુધારવા ફરે,

મૂઆ તું સુધર તો જગ સુધરે !

એટલે આ સગાઈ રિલેટિવ છે. એટલે ઘણા માણસો શું કરે છે કે બૈરીને સુધારવા માટે એટલા બધા જક્કે ચઢે છે કે તે પ્રેમની દોર તૂટી જાય ત્યાં સુધી જક્કે ચઢે છે. એ શું જાણે છે કે આ મારે સુધારવી જ જોઈએ આને, અલ્યા મૂઆ તું સુધરને ! તું સુધર એકવાર. અને આ તો રિયલ નથી, રીલેટિવ છે ! છૂટું થઈ જશે. માટે આપણે જૂઠું તો જૂઠું પણ એની ગાડી પાટા પર ચઢાવી દે ને. અહીંથી પાટે ચઢી ગઈ એટલે સ્ટેશને પહોંચી જશે, હડહડાટ. એટલે આ રીલેટિવ છે. અને સાચવીને મનાવીને આમ ઉકેલ લાવી દેવાનો. ત્યાં આગળ આપણે કહીએ, એને સુધારવી જ છે. અલ્યા મૂઆ એને શું કરવા સુધારે છે ઊલટું તે ! આપણે સુધરીએ ને એટલે બીજું સુધરે જ. હું એકલો સુધરેલો હોઉં તો તમે મારી જોડે બેસો તો તમે બધા સુધરો. પણ હું જ બગડેલો હઉં તો તમે શી રીતે સુધરો !

પ્રશ્શનકર્તા : ના સુધરે, બરાબર છે !

દાદાશ્રી : એટલે આ પોતાને સુધરવાની જરૂર છે. લોકોને સુધારવાની જરૂર નથી. કારણ કે લોકો એમને સુધાર સુધાર કરે છે, એ એવો ને એવો રહે. તમને કેમ લાગે છે, ભઈ, સુધરવું જોઈએ કે ના સુધરવું જોઈએ ?

કારણ કે આ જગતમાં રીલેટિવ (સાપેક્ષ) સગાઈઓ છે અને ઓલ ધીસ રીલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ અને યૂ આર પરમેનન્ટ (સાપેક્ષ બધું હંગામી છે અને તું કાયમનો છે) બોલો પરમેનન્ટની જોડે ટેમ્પરરીનો ગુણાકાર થાય ખરો ? એક રકમ પરમનન્ટ હોય ને બીજી ટેમ્પરરી હોય તો ગુણાકાર થાય ખરો ? આપણે ગુણાકાર કરવા જઈએ તો ટેમ્પરરી રકમ ઊડી જાય હડહડાટ. તે એમ એમ કરતાં કરતાં આ ગુણાકાર જ થતો નહીં કોઈનો. એટલે બે રકમ હું તમને પરમેનન્ટ મૂકી આપું એટલે ગુણાકાર થઈ જશે. આ ગુણાકાર કરવો છે પૂરેપૂરો ?

સામો ફાડે ત્યારે તું સાંધ્યા કર,

નહીં તો છૂટા, ન બન કાતર !

એક ચાર્ટડ એકાઉન્ટન્ટ આવેલા તે મને કહે છે કે સાડાત્રણ હજારનો પગાર (૧૯૭૦માં) મળે છે. ત્યારે મેં કહ્યું, બહુ અનુભવ એટલે ? ત્યારે કહે, હા અનુભવ ઘણો જબરજસ્ત. મેં કહ્યું કે એકાદ દહાડો જ્ઞાન લઈ જજે, તે સારું કામ ચાલે ! બાકી સાડાત્રણ હજારનો પગાર એટલે બીજો કશો તારે વાંધો જ નહીં ને. મેં કહ્યું, સાડાત્રણ હજાર એટલા બધા રૂપિયા કરો છો શું પછી ? ત્યારે કહે, અત્યારે તો મોંઘવારીમાં શી રીતે ? ત્યારે મેં કહ્યું પણ શું શું કરો છો ? થોડું ઘણું કહો મને. ત્યારે કહે પંદરસો તો મારી પત્નીને આપું છું ત્યારે મેં જાણ્યું, રસોડા ખાતે આપતા હશે, તે મેં કહ્યું, રસોડામાં તો આપવા જ પડે ને, એમાં વાંધો નહીં, પંદરસો આપો તો. ત્યારે એ પાછો બોલી ઊઠ્યો, ના એવું નહીં, રસોડામાં નથી આપતો. પંદરસો તો મારી વાઈફને આપવામાં જાય છે. પોલ ફૂટ્યું આ ! શી એની અક્કલ નીકળી આ ! હા, હવે તમે સી.એ. ખરા !! સી.એ. જુદો રહે અને વહુ જુદી રહે. તમે આવા સી.એ. થયેલા માણસને સ્ત્રી જુદી રહે, તમારી બહાર આબરૂ કેટલી હશે ? આબરૂ તો જતી રહેને પછી કે ના જતી રહે ? પછી મેં પૂછ્યું, શાથી જુદી રહે છે ? ત્યારે કહે, મને મેળ નથી પડતો. મેં કહ્યું, છોકરું છે ? ત્યારે કહે, એક છોકરું છે તેની સાથે ર

હે છે. એને

પંદરસો આપું છું અને બીજું મારે ખાવાપીવા જોઈએ બધું. મેં કહ્યું, બહુ અક્કલવાળા સી.એ. થયેલા બીજાની ભાંજગડોને તો સુધારી આપે, પણ આ તો પોતાના હિસાબમાં ભૂલ કરી, તમે એક માણસનું સમાધાન ના કરી શકો ? એક બઈ, પોતાની જોડે જેણે શાદી કરેલી છે તે બઈનું સમાધાન ના કરી શકો ? તું ચાર્ટડ એકાઉન્ટન્ટ કહેવાઉં ! તમે તો ભયંકર ગણતરીબાજ. હું વઢ્યો. મેં કહ્યું સી.એ. કોણે કર્યા આ ? શી રીતે પાસ થયેલા ? ચોરીઓ કરીને પાસ થયા'તા ? સી.એ. તો કેટલો બધો અક્કલવાળો હોય ! બીજું આજુબાજુ વાળાને જો કદી ભાંજગડ પડી હોય તો સાંધી આપે એવો હોય. અને તમે ઘરમાં ફ્રૅક્ચર કરી નાખ્યું આ ! છેડો ફાડી નાખ્યો આખો ? ત્યારે કે 'દાદાજી તમે એને ઓળખતા નથી, બહુ જ ખરાબ બૈરી છે આ.' મેં કહ્યું, એ વાતેય ખરી છે પણ હું હમણે એને પૂછી આવીશ કે ધણી કેવા છે, તો શું કહેશે એ ?

પ્રશ્શનકર્તા : એય એવું જ કહે, ખરાબ છે.

દાદાશ્રી : તદ્દન નાલાયક છે, એવું કહે ત્યાર પછી એને વિચાર આવ્યો કે સાલું આ એય મને નાલાયક જ કહે. પછી મેં કહ્યું કે હજી બીજા વિશેષણ છે ? ત્યારે કહે, ના પણ એ વાત જ કરવા જેવી નથી. મેં કહ્યું કે શરમ નથી આવતી ? આ તમે આવડા મોટા ભણેલા ગણેલા થયા અને વહુ જતી રહી. મેં કહ્યું તમે જ ન્યાય કરોને. ત્યારે કહે, એ તો મને વધારે ખરાબ કહે. મેં કહ્યું, તો આનો ન્યાય શો ? ખરાબ કરીને આમ શા હારુ ફર્યા કરો છો ? આ સ્ત્રી જોડે શા હારું તમારે આવું થયું ? તો કહે તેને સુધારવા ગયો હતો. મેં કહ્યું, સુધારવાનું ના હોય કોઈને, આ સુધારવામાં ક્યાં પડ્યો છે તું ? તારું કામ હોય એટલું બતાવને એને. પાછું સુધારવામાં ક્યાં પડ્યો, કહ્યું, ત્યારે કહે છે, સુધારું નહીં તો એ ડાહી ક્યારે થાય ? મેં કહ્યું, જો સુધારવામાં પ્રકૃતિ બદલાય નહીં, તું સુધારવા જાઉં છું ને તે તું સુધરેલો હો તો એ સુધરશે. તું એને સુધારવા જઉં એ કંઈ તારી શિષ્યા થાય એવી નથી, એ ઘરાક. ત્યારે કહે હા, પણ સુધાર્યા વગર ચાલે જ નહીં ને ! સુધારવાની નહીં. માનેય સુધારવાની નહીં. આપણે તો એડજસ્ટ થવાનું. એને સુધારવાની નહોય. આપણે કંઈ સુધારો કરવા આવ્યા નથી આનો. સુધારવા જતા આ સુધરવાની નહોય. કારણ કે સુધારી કોને શ

કાય

? કે ખરેખર આપણી વહુ જ હોય તો. આ તો રીલેટિવ સગઈ છે. કેવી સગઈ છે ? આ સંબંધ તું જાણું છું ? તું સી.એ. છું એટલે તને સમજ પાડું કે આ મધર જોડે જે સંબંધ છેને એ રીલેટિવ સંબંધ છે. રીયલ સંબંધ નથી. મધર જોડે બ્લડ રીલેશન છે. ને પેલો નેબર રીલેશન (પડોશી સંબંધ) છે પણ બેઉ રીલેટિવ સંબંધ છે. રીલેટિવ એટલે તું જેવું રાખું એવું એ રાખશે. આ વાઈફ જોડે રીલેટિવ સંબંધમાં પણ તને આ સાચવતા ના આવડ્યું ? ત્યારે મને કહે કે હું તો એમ જાણું કે આ રિયલ સંબંધ છે. મેં કહ્યું કે સ્ત્રી જોડે રીયલ સંબંધ હોતો હશે ? આ દેહ જોડે જ રિયલ સંબંધ નથી ને. તો દેહના ઓળખાણવાળા જોડે શી રીતે રિયલ સંબંધ હોય ? એટલે આ બધા સંબંધ રીલેટિવ સંબંધ. રીલેટિવનો અર્થ શું કે આપણે એની જો જરૂર હોય, તો એ ફાડવા બેઠી હોય તોય આપણે આખી રાત સાંધ સાંધ કરવું. આપણેય ફાડીએ અને એ ફાડે તો સવારમાં શું થઈ જાય ?

પ્રશ્શનકર્તા : ડાયવોર્સ.

દાદાશ્રી : એટલે એ ફાડ ફાડ કરે ને, આપણે સાંધ સાંધ કરવાનું આખી રાત. નહીં તો સવારમાં કોઈ સંબંધ રહેશે નહીં. રીલેટિવનો અર્થ શો ? કે સાંધો. એક ફાડે તો બીજાએ સાંધ સાંધ કરવું. એટલે બેઉ સાચવે. ત્યારે કહે કે મારે શી રીતે સાંધવું ? મેં કહ્યું કે એ જો આખી રાત તારે માટે બહુ વિચાર કરતી હોય કે બહુ ખરાબ છે, બહુ ખરાબ છે તો તારે આખી રાત એમ કહેવું કે 'એ સારી છે, બહુ સારી છે. આ તો મારી ભૂલ થાય છે, એ તો બહુ સારી છે.' એટલે સવારમાં સંધાઈ જશે. કાલે પાછું એ ફાડવા માંગતી હોય તો તું ફરી સાંધજે. એ કહે ખરાબ છે ને આપણેય ખરાબ કહીએ તો ફાટી જાય. માટે જો તારે એની જોડે મેળ પાડવો હોય તો, તારે એ ફાડ ફાડ કરે, ને આપણે સાંધ સાંધ કરવું. તો સવારમાં આખું રહેશે. એ છોને ફાડતી પણ અડધું રહે છેને ? પાછું સવારમાં જોઈ લઈશું. સુધારવાનું કોને હોય, કે જે રીયલ સગાઈ હોય એને. તેના સારુ સુધારવાનું કે ભલે સો અવતાર જાય તોય ભલે, પણ એને સુધારવી જ રહી મારે. આ રીલેટિવ સગાઈ, પહેલાંનો હિસાબ પતવા માટેની સગાઈ, એ હિસાબ ચૂકતે થઈ જાય એટલે જુદું પડી જાય, ફરી ભેગી થાય નહીં. એને સુધારવાની ક્યાં ભાંજગડો ! તેને સુધારવા નક્કી કરવું આપણે, ના સુધરે તો આપણે આપણી

મર્યાદામં રહેવું, સંસાર બગડતો અટકાવો, સુધારવા માટે જક પકડવી, જકથી બગડી જાય કે ના બગડી જાય ?

પ્રશ્શનકર્તા : બગડી જાયને.

દાદાશ્રી : સુધારવા માટે નહીં આ જે બને તે કરેક્ટ કરીને આગળ ચાલવાનું. સુધારવાની ભાંજગડમાં નહીં પડવાનું. સુધારવાની ભાવના રાખવી, પણ સુધારવાથી શું થાય, વધારે બગડતું હોય. આપણે તો એ તોડ તોડ, ફાડ ફાડ કરે અને આપણે સાંધ સાંધ કરીએ. રીલેટિવ સગાઈ છે. જરૂર હોય તો કરવું આવું અને જરૂર ના હોય તો એય ફાડે ને આપણેય ફાડીએ તો છૂટું, સમજાય એવી વાત છે ?

પ્રશ્શનકર્તા : હં, સમજાય એવી વાત છે.

દાદાશ્રી : સગાઈઓ બધી રીલેટિવ સગાઈઓ છે, આ રીયલ સગાઈ નહીં. રીયલ સગાઈ હોય તો આ મરી ફીટવું જોઈએ, એને સુધારે જ છુટકો છે, પછી જેટલા અવતાર બગડે એટલા. પણ આ તો રીયલ સગાઈ નથી તે પેલા માણસે મને શું કહ્યું, સી.એ.એ, એ સમજદાર માણસને, આ રીલેટિવ હું જાણું નહીં ! હવે એને શી રીતે સુધારવાનું ? ત્યાં જઈને એને કહેવાનું, કે મારું મગજ પહેલાં બહુ ખરાબ રહેતું હતુંને, હવે મગજ જરા ટાઢું પડ્યું છે, હેંડ તું હેંડ ! તારો દોષ નહીં, મારો દોષ, મને દેખાયા હવે, કહીએ, પેલી કંઈ ટેપ કરવાની છે ? ટેપ ના કરે નહીં અને ટેપ કરે તોય આપણને કોણ, એને વેચાતા પૈસા આપવાના કોઈ એ ટેપના ! મારી ટેપના પૈસા આપે, એ ટેપના કોઈ પૈસા આલે ? પણ સુધારી દીધી હતી ! આ સમજદાર માણસો મને મળે છે ને એમનું જલદી કામ થઈ જાય છે, તરત જ પહોંચી શકે કે આ કરેક્ટ વાત છે. તરત અમલમાં લઈ લે.

તમને ગમ્યું કે ? બહુ ?

પ્રશ્શનકર્તા : હા દાદા.

દાદાશ્રી : તે સમજાવીને બેઉનું પછી સાંધી આપ્યું હઉ બિચારાનું ! રાગે પાડી દીધું ! આવું છે આ જગત ! અણસમજણ આ બધી ખોટી ! આ તો રીલેટિવ સગાઈઓ છે. આને સુધારવાનું ના હોય પેલી બાઈનેય કહ્યું, મેં કહ્યું, સુધારવા ફરું છું આ ? સુધારવાનો હોય ? જેવો માલ તેવો માલ, આપણે ચલાવી લેવાનો. એડજસ્ટ એવરીવ્હેર. પાંચમાં આરામાં એડજસ્ટ એવરીવ્હેર હોય અને ડીસએડજસ્ટ થશો તો માર ખાઈ ખાઈને મરી જશો. તે પણ રાગે પાડી દીધું.

પત્નીની છે રીલેટિવ સગાઈ,

સાચું માની લ્યો, તેથી ઠગાઈ!

આ ગુણાકાર ભાગાકાર શેને માટે શીખવાડવામાં આવે છે કે ગુણાકારની રકમ જો બહુ વધી જાય તો એટલી રકમથી ભાગી નાખજે. એટલે શેષ કશું વધે નહીં. ગુણાકારની રકમ વધી જાય અને એનો જો બોજો લાગતો હોય તો તેને ભાગો, એટલી જ રકમથી ભાગો તો બોજો ઓછો થઈ જશે. અને સરવાળા બાદબાકી તો નેચરલ છે ? એમાં કોઈનું કશું ચાલે એવું નથી. આ જગતમાં જે કંઈ પણ થાય છે, એ ખોટ જતી હોય કે નફો આવતો હોય તો એ નેચરના હાથમાં છે ને ગુણાકાર ભાગાકાર એ ઓઢીને ફર્યા કરે છે. સુખનો ગુણાકાર કર્યા કરે છે અને દુઃખનો ભાગાકાર કર્યા કરે છે. આ જગતમાં જે કંઈ પણ સરવાળા બાદબાકી થયા છે એ કોઈ માણસના હાથમાં છે નહીં. આ જગત જ સરવાળા બાદબાકી છે અને ગુણાકાર ભાગાકાર એ ભ્રાંતિની નિશાની છે. આ નેચર બાદબાકી કરે તેને આપણે કહીએ કે સરવાળો કર તો ના ચાલે. એ બાદબાકી કરે તો તું એને જોયા કર કે શું બને છે ? બાકી મૂળ રકમ તો ઊડી જવાની નથી. તો બાદબાકી કરવા દેને જેટલી કરેને એટલી, નિયમ જ છે.

આ રિલેશનમાં તો રિલેશનના આધારે વર્તવું જોઈએ. બહુ સત્ય અસત્યની જક ન પકડવી. બહુ ખેંચવાથી તૂટી જાય. સામો સંબંધ ફાડે તો. આપણે જો સંબંધની જરૂર હોય તો સાંધી લઈએ તો જ સંબંધ જળવાય. કારણ કે આ બધાય સંબંધો રીલેટિવ છે. બૈરી કહે કે આજે પૂનમ છે. તમે કહો કે ચૌદશ છે તો બેઉની રકઝક ચાલે. ને આખી રાત બગડે ને સવારે પેલી ચાનો કપ પછાડીને આપે. તાંતો રહે. એના કરતાં આપણે સમજી જઈએ કે આણે ખેંચવા માડ્યું છે તે તૂટી જશે એટલે ધીરે રહીને પંચાગ આમ તેમ કરીને પછી કહીએ, હા તારું ખરું છે. આજે પૂનમ છે. એમ જરા નાટક કરીને પછી જ પેલીનું ખરું કરાવીએ. નહીં તો શું થાય બહુ દોરી ખેંચેલી હોય ને એકદમ તમે છોડી દો તો પેલી પડી જાય એટલે દોરી ધીમે ધીમે સામો પડે નહીં તેમ જાળવીને છોડવાની, નહીં તો તે પડે તેનો દોષ લાગે.

પોતાનું કશું આ શરીર નથી, આ રીલેટિવ છે. આ પોતાનું કંઈ રિયલ હોય નહીં. રીલેટિવ એટલે સામાને ખુશ કરો તો આપણને આનંદ થાય અને સામાને દુઃખ આપો તો આપણને દુઃખ થાય. આ પોલીસવાળો ચીડાતો હોય તોય ખુશ કરી નાખીએ. ત્યારે શું ધણીને ખુશ નહીં કરવો ? એ કોઈ ફેર જ છે નહીં આ બધું. આ તો રીલેટિવ સગાઈઓ છે. જો 'રિયલ' સગાઈ હોય ને, તો તો આપણે જક્કે ચઢેલા કામના કે તું સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢીશ. પણ આ તો રીલેટિવ ! 'રીલેટિવ' એટલે એક કલાક જો બઈસાહેબ જોડે જામી જાય તો બેઉને 'ડાઇવોર્સ'નો વિચાર આવી જાય, પછી એ વિચાર બીજનું ઝાડ થાય. આપણે જો 'વાઈફ'ની જરૂર હોય તો એ ફાડ ફાડ કરે તો આપણે સાંધ સાંધ કરવું તો જ આ 'રીલેટિવ' સંબંધ ટકે, નહીં તો તૂટી જાય. બાપ જોડેય 'રીલેટિવ' સંબંધ છે. લોક તો 'રિયલ' સગાઈ માનીને બાપ જોડે ચઢે જક્કે. એ સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢવું ? મેર ચક્કર, એમ કરતાં, સુધારતાં તો ડોસો મરી જશે ! એના કરતાં એની સેવા કર ને ! બિચારો વેર બાંધીને જાય એના કરતાં એને નિરાંતે મરવા દે ને ! એનાં શિંગડાં એને ભારે. કોઈને વીસવીસ ફૂટ લાંબાં શિંગડા હોય તેમાં આપણને શું ભાર ? જેનાં હોય તેને ભાર.

ના કદી સીધી થાય વાંકી પૂંછ,

એડજસ્ટ થા, કર નીચી મૂંછ !

દરેક વાતમાં આપણે સામાને 'એડજસ્ટ' થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય. આપણે જોડે શું લઈ જવાનું છે ? માટે તમારે એમને સીધા કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઈની કોઈ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, 'એડજસ્ટ એવરીવ્હેર'.

ટૈડકાવવાની જગ્યાએ તમે ના ટૈડકાવી એનાથી વાઈફ વધારે સીધી રહે. જે ગુસ્સો નથી કરતો, એનો તાપ બહુ સખત હોય. આ અમે કોઈને કોઈ દહાડોય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે.

પ્રશ્શનકર્તા : તો પછી એ સીધી થઈ જાય ?

દાદાશ્રી : સીધા થવાનો માર્ગ જ પહેલેથી આ છે. તે કળિયુગમાં લોકોને પોષાતું નથી. પણ એના વગર છૂટકો નથી.

પ્રશ્શનકર્તા : પણ એ અઘરું બહુ છે.

દાદાશ્રી : ના, ના, એ અઘરું નથી. એ જ સહેલું છે. ગાયનાં શિંગડાં ગાયને ભારે.

પ્રશ્શનકર્તા : આપણને પણ એ મારે ને ?

દાદાશ્રી : કો'ક દહાડો આપણને વાગી જાય. શિંગડું મારવા આવે તો આપણે આમ ખસી જઈએ, તેવું અહીં પણ ખસી જવાનું !

સુધારવું તો ક્યારે કહેવાય કે ગમે તેવી વાઈફ અકડાઈ જાય, પણ આપણે ઠંડક ના મૂકીએ ત્યારે સુધારી કહેવાય.

તમારે સુધારવાનો અધિકાર કેટલો છે ? જેમાં ચૈતન્ય છે તેને સુધારવાનો તમને શો અધિકાર ? આ કપડું મેલું થયું હોય તો એને આપણે સાફ કરવાનો અધિકાર છે. કારણ કે ત્યાં સામેથી કોઈ જાતનું 'રિઍક્શન' નથી. અને જેમાં ચૈતન્ય છે એ તો 'રિઍક્શન'વાળું છે, એને તમે શું સુધારો ? આ પ્રકૃતિ પોતાની જ સુધરતી નથી ત્યાં બીજાની શું સુધરવાની ? પોતે જ ભમરડો છે. આ બધા 'ટોપ્સ' છે. કારણ કે એ પ્રકૃતિને આધીન છે, પુરુષ થયો નથી, પુરુષ થયા પછી જ પુરુષાર્થ ઉત્પન્ન થાય. આ તો પુરુષાર્થ જોયો જ નથી.

સુધારવામાં છકે અહંકાર,

મહાવીર સુધર્યા, જો તેનો પ્રચાર!

પ્રશ્શનકર્તા : 'પોતાની ભૂલ છે' એવું સ્વીકારી લઈને પત્નીને સુધારી ના શકાય ?

દાદાશ્રી : સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઈને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધા અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય. મેં એવાય જોયેલા છે કે જે બહાર બધો સુધારો કરવા નીકળ્યા હોય છે ને ઘરમાં એમની 'વાઈફ' આગળ આબરૂ નથી હોતી, મધર આગળ આબરૂ નથી હોતી. આ કઈ જાતના માણસો છે ? પહેલો તું સુધર. 'હું સુધારું, હું સુધારું' એ ખોટો 'ઇગોઇઝમ' છે. અરે, તારું જ ઠેકાણું નથી, તે તું શું સુધારવાનો છે ? પહેલાં પોતે ડાહ્યા થવાની જરૂર છે. મહાવીર, મહાવીર થવા માટેનો જ પ્રયત્ન કરતા હતા અને તેનો આટલો બધો પ્રભાવ પડ્યો છે ! પચ્ચીસો વર્ષ સુધી તો એમનો પ્રભાવ જતો નથી !!! અમે કોઈને સુધારતા નથી. કોઈનેય સુધારવાનો પ્રયત્ન કરશો નહીં. પણ જાતે સુધરવાનો પ્રયત્ન કરજો. કોઈને સુધારવાનો અહંકાર તો તીર્થંકરોએય નહીં કરેલો. એ તો મોક્ષનું દાન આપવા આવેલા.

પસંદ કરી પછી પૈણી લાવ્યા,

કર નિકાલ, ફાવ્યા કે ન ફાવ્યા!

પ્રશ્શનકર્તા : પતિનો ભય, ભવિષ્યનો ભય, 'એડજસ્ટમેન્ટ' લેવા દેતા નથી. ત્યાં આગળ 'આપણે એને સુધારનાર કોણ ?' એ યાદ રહેતું નથી ને સામાને ચેતવણી રૂપે બોલાઈ જાય છે.

દાદાશ્રી : એ તો 'વ્યવસ્થિત'નો ઉપયોગ કરે, 'વ્યવસ્થિત' ફીટ થઈ જાય તો કશો વાંધો આવે તેમ નથી. પછી કશું પૂછવા જેવું જ ના રહે. ધણી આવે એટલે થાળી-પાટલો મૂકીને કહીએ કે, 'ચાલો જમવા !' એમની પ્રકૃતિ બદલાની નથી. જે પ્રકૃતિ આપણે જોઈને પસંદ કરીને પૈણીને આવ્યા તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની. માટે પહેલે દહાડે શું નહોતાં જાણતાં કે આ પ્રકૃતિ આવી જ છે ? તે જ દહાડે છૂટું થઈ જવું હતું ને ? વટલાયા શું કરવા વધારે ? આ કચકચથી સંસારમાં કશો ફાયદો થતો નથી, નુકશાન જ થાય છે. કચકચ એટલે કકળાટ ! તેથી ભગવાને એને કષાય કહ્યા.

પ્રશ્શનકર્તા : પ્રકૃતિ ના સુધરે, પણ વ્યવહાર તો સુધારવો જોઈએને ?

દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કો'ક દહાડો આવડ્યો હોત, અરે અડધો કલાકેય આવડ્યો હોત તોય ઘણું થઈ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે 'રીલેટિવ' સત્ય. તે અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ 'ત્યાં'ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને અને આપણે 'આપણું' કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઈ કહે કે, 'ભઈ, તમારામાં અક્કલ નથી.' તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ? આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે એનો નિશ્ચય નિશ્ચય છે.

આ તમારો ઉપાય એ નુકસાનકારક છે. આ ન હોય ઉપાય. આ તો એક જાતનો 'ઇગોઇઝમ' છે. હું આને આમ સુધારું, તેમ સુધારું એ 'ઇગોઇઝમ' છે. આપણે શું કહેવા માંગીએ છીએ કે પહેલો તું સુધર. તમે એકલા જ બગડેલા છો, એ તો સુધરેલા જ છે !

જિંદગીભર વહુને સુધારવા ફરે,

મર્યા પછી, સુધારેલાં અન્યને વરે!

કોઈ કહેશે કે, 'ભઈ, એને સીધી કરો.' અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ. માટે 'વાઈફ'ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને 'કરેક્ટ' કહીએ. આપણે એની જોડે કાયમનું સાઢું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બંનેના મરણકાળ જુદા, બંનેનાં કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે !

પ્રશ્શનકર્તા : એની જોડે કર્મ બંધાયા હોય તો બીજા અવતારમાં તો, ભેગાં તો થાયને ?

દાદાશ્રી : ભેગાં થાય, પણ બીજી રીતે ભેગાં થાય. કો'કની ઓરત થઈને આપણે ત્યાં વાતો કરવા આવે. કર્મના નિયમ ખરાને ! એટલે આપણે એને સીધી કરીએ, પણ આ તો ઠામ નહીં ને ઠેકાણુંય નહીં. કો'ક પૂન્યશાળી માણસ એવો હોય કે જે અમુક ભવ જોડે રહે. જુઓને નેમિનાથ ભગવાન, રાજુલ સાથે નવ ભવથી જોડે જ હતા ને ! એવું હોય તો વાત જુદી છે. આ તો બીજા ભવનું જ ઠેકાણું નથી. અરે, આ ભવમાં જ જતાં રહે છે ને ! એને 'ડાયવર્સ' કહે છે ને ? આ ભવમાં જ બે ધણી કરે, ત્રણ ધણી કરે !

આપણે એને સુધારવા માટે પ્રયત્ન ના કરવો. બહુ સુધારવાથી તો બગડે. એ ખુશી હોય તો પ્રયત્ન કરવો. નહીં તો સુધારવા માટે એની ના ખુશી હોય ને આપણે સુધારવા ફરીએ તો એ આવી રીતે સુધારાય નહીં. સુધારવાનું હોય તો આપણે છે તે સુધરેલા જોઈએ. અત્યારે અમારી પાસે બધી છોકરીઓ ડાહી થઈ જાય છે. સ્ત્રીઓ બધી ડાહી થઈ જાય છે. હું પોતે સુધર્યો પછી કેમ ના થાય તે ? મારી પાસે તમે ડાહ્યા થઈ જાવ કે ના થઈ જાવ ?

પ્રશ્શનકર્તા : હા, થઈ જ જઈએ ને.

પતિઓ જ સુધરો ખરેખર,

સ્ત્રીઓ તો તીર્થંકરની મધર!

પ્રશ્શનકર્તા : પુરુષને જ સુધારવાનો ઉપાય છે, બૈરીઓને સુધારવાનો ઉપાય નથી ?

દાદાશ્રી : બૈરાં સુધરી ગયેલાં જ છે. આ પુરુષો જ ડફોળ છે ! આ સ્ત્રીઓના પેટે તો મોટા મહાવીર પાકેલા ! તું સ્ત્રીને પેટે જન્મ્યો છે કે, પુરુષ પેટે જન્મ્યો છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : ત્યાર પછી બૈરાંને કેમ ખોટાં કહેવાય ?

પ્રશ્શનકર્તા : હવે સુધરી ગઈ છે, બહુ સુધરી ગઈ છે !

દાદાશ્રી : સુધરી જાય, સુધરી જાય. હજુ તો હવે સુધરશે, અહીં આવશે ને, દાદા પાસે આવે એટલે આમ... અમે આમ ટપલી મારી મારીને સુધારીએ એને !

પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે, કે ના વશ થાય. ધાકધમકીથી તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે.

સામાને સુધરાવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે.

અંડરહેન્ડને આપ રક્ષણ,

વાઈફ છોકરાનું ના કર ભક્ષણ!

પ્રશ્શનકર્તા : મારી પત્ની સાથે મારે બિલકુલ બને નહીં. ગમે તેટલી નિર્દોષ વાત કરું, મારું સાચું હોય તો પણ એ ઊંધું લે. બાહ્યનું જીવનસંઘર્ષ તો ચાલે છે, પણ આ વ્યક્તિસંઘર્ષ શું હશે ?

દાદાશ્રી : એવું છે, માણસ પોતાના હાથ નીચેવાળા માણસને એટલો બધો કચડે છે, એટલો બધો કચડે છે કે કશું બાકી જ નથી રાખતો.

જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તોય એનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાંય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિયાઉં થઈ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડ કચડ કરે ને ઉપરીને 'સાહેબ, સાહેબ' કરે. હમણાં આ પોલીસવાળો ટૈડકાવે તો 'સાહેબ, સાહેબ' કહે અને ઘેર 'વાઇફ' સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટૈડકાવે. 'મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી ?' એમ કરીને ઘરનાંને ફફડાવે. તેના કરતાં શાંતિથી કીડી કાઢી લે ને. ઘરનાંને ફફડાવે ને પોલીસવાળા આગળ ધ્રૂજે ! હવે આ ઘોર અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય. ભાગીદાર જોડે ક્લેશ ? આ તો ક્લેશ થતો હોય ત્યાં કોઈ રસ્તો કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો ક્લેશ શાને ?

કેરીનો રસ ખાતા હોય, તેનો વાંધો નથી. આપણે રસ ખાવ, ઘી ખાવ, રોટલી ખાવ, પણ આપણને રસ રેડતી વખત બેનનો હાથ જરાક આઘો-પાછો થયો ને રસ થોડો બહાર પડ્યો. ત્યારે આપણે કહીએ કે, 'તું અક્કલ વગરની છે', તો થઈ રહ્યું ! એ તમને અધિકાર જ નથી. તમે અક્કલ વગરની છે કહો તો બાઈ બિચારી શું કરે, પછી એનાથી બોલાય નહીં, કારણ કે એ તો દબાયેલી હોય, નહીં તો બઈ બહુ ચગેલી હોયને, તો તે એમ કહે કે, આ તમે પાછા અક્કલનાં કોથળા આવ્યા, તે ઘડીએ આપણી આબરૂ શું રહે ? એટલે આપણાથી કોઈને અક્કલ વગરની છે એવું કશું કહેવાય નહીં. એ વહુને જ ટૈડકાવે. મૂઆ, વહુ ટૈડકાવે છે કંઈ !

પ્રશ્શનકર્તા : એ એક જ જગ્યા ટૈડકાવાની છે. બીજે તો ક્યાં, કંઈ બોલી શકે ?

દાદાશ્રી : બીજે મારે બધા. પાછો અહીંયાં વાઈફને શું કહેશે ? 'શું સમજે તું તારા મનમાં ! તારે ઘેર તને મોકલી દઈશ ?' કહેશે. પછી છોડીનું તેલ કાઢી નાખે. એ તો હું વઢું ત્યારે વળી ટાઢું પડે, નહીં તો રીંગણું ટાઢું પડે નહીં પોતે. પાછો એવું કહું રીંગણ જેવો છું ને શું બોલ બોલ કરે છે તે ! એટલે પછી ટાઢો થઈ જાય.

હું પચ્ચીસ વર્ષનો હતોને તે સિનેમામાં ગયેલો. પાછો આવું, તે રાતે બાર વાગી ગયા હોય. તે કૂતરાં છે તે પોળમાં હોય, બિચારા સૂઈ ગયેલાં હોય એમ કરીને, એટલે મારા મનમાં એમ થાય કે બિચારાં ભડકીને ઊઠશે આમ, આ ઊભું થઈને જોશે અવાજ થશે એટલે. એટલે હું બૂટ ખખડે ને તે બૂટ કાઢીને જઉં, બૂટ હાથમાં ઝાલીને જઉં તે જરાય અવાજ નહીં, એને ચમકાટ ના થવો જોઈએ. કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ, કોઈને ભય ના પામવા દો. અત્યારે તો ઘરમાં વાઈફ હોય.... આપણા જતાં પહેલાં ભડકતી હોય, એને ભડકાવીને આપણને શું સુખ પડે ?

સમજીને જાતે થા પાંસરો,

નહીં તો માર પડશે સોંસરો!

રાતે બે વાગે જ્યારે ઊંઘવાનો ટાઈમ છે ત્યારે તો સૂઈ જા. રાત્રે બે વાગે કાઢીને ઊભો રહે. શું કાઢે ?

પ્રશ્શનકર્તા : ઑડિટ.

દાદાશ્રી : રાત્રે બે વાગે. અલ્યા, તે આપણે એને સમજણ પાડીએ કે, અત્યારે સૂઈ જા, સવારમાં વાત કરજે. પણ ના, આ કેમ આમ કર્યું, કહેશે, તે પાંસરો ના મરે.

આ તો એક બેનને જ્ઞાન નહોતું મલ્યું, તે મને કહેતાં હતાં, મને તો આવા ધણી મલ્યા છે ને આમ-તેમ. મને કહે, હું જ્ઞાન લઉં તો એ પાંસરો થશે. ત્યારે મેં કહ્યું, એ પાંસરા નહીં, તું પાંસરી થઈ જઈશ કહ્યું, એ તો પાંસરા થાય ક્યાંથી તે ! પછી કહે છે, એને જ્ઞાન મલે તો મારા ધણી પાંસરા થશે ? મેં કહ્યું, તું પાંસરી થઈ જા ને અને જે પાંસરું થયું તે જીત્યું.

હા, મને મારી મારીને લોકોએ પાંસરો કર્યો. કેટલાય અવતારથી માર ખાતો ખાતો આવ્યો, ત્યારે પાંસરો થયો. તે ગમે ત્યાં એડજસ્ટ થઈ શકું છું. એવરીવ્હેર, એની પ્લેસ પર એડજસ્ટ થઈ શકું છું. પાંસરો તો થયે છૂટકો છે ને, તેથી જ અમે પુસ્તકમાં લખ્યું, 'એડજસ્ટ એવરીવ્હેર'.

એને મારી મારીને પાંસરો કરે ! બૈરી મારીને પાંસરો કરે. પાડોશી સગાંવહાલાં બધાં મારીને પાંસરો કરે. પાંસરા કરે કે ના કરે ? તમને કોઈએ પાંસરા નહીં કરેલાં ? પાંસરો તો લોકોએ મને બહુ કરી નાખ્યો છે. પાંસરો થયો ત્યારે જ્ઞાની થયો !!

પ્રશ્શનકર્તા : દાદા, આપ તો જ્ઞાની પુરુષ. અમારા મનમાં તો પ્રગટ પરમાત્મા જેવા, અમને મનમાં વસી ગયા અને આપને મોઢે અમે એવું સાંભળીએ કે અનંતકાળથી માર ખઈ ખઈને હું પાંસરો થયો છું. એવું આપ જ્યારે કહો, ત્યારે અમારો પુરુષાર્થ કેટલો બધો જાગૃત થાય ?

દાદાશ્રી : હા, બરાબર છે. તમે જો નથી થયા તો હજુ થવું પડશે. મારું કહેવાનું કે જ્ઞાન આપ્યા પછી પાંસરું થવું પડશે. માટે થઈ જજો. જ્યાં આગળ કોઈ અવળું આપેને, રસ્તે જતાં તો ઉપકાર માનજો કે આપણને પાંસરા કરે છે આ. ઉપકાર માનજો. કોઈ છે તે ક્લાયન્ટ અવળું બોલીને પાંસરો કરવા માંડે તો આપણે જાણવું ઉપકારી છે આ.

પછી પાંસરો નહીં કરે. સીધાને શું સીધું કરવાનું ! વાંકાને સીધું કરવાનું હોય, ગરમ કરીને ગરમ થયું કે સીધું. હવે ખાવા-પીવાનું બધું સારું છે, પહેલાં જેવું કશું ક્યાં છે ? પહેલાં તો ઘેર ભેંસ હોય તોય મહાપરાણે ચપટી ઘી સાચવી સાચવીને લે. અત્યારે ખાય છે, પીવે છે અને ટેબલ ખુરશીઓ જોઈ હોય તો પંદરસો-પંદરસો રૂપિયાની ટેબલ ખુરશીઓ હોય છે. તોય મૂઆ, ભાતમાં કાંકરા નાખીને ખાય છે. તે આપણને જીવન જીવતાં જ નથી આવડતુંને હવે ! આ જનરેશન કઈ જાતની આવી ! જીવન જીવતાં જ નથી આવડતું.

પાંસરા થવું પડશે એના કરતાં પહેલેથી પાંસરા થઈ જાવને. શું ખોટું છે ! હવે રોફ પાડીને શું કામ છે ? વખત આ રોફ પાડવાનો જમાનો છે આ તો ? કારણ કે છોકરાંઓ નારિયેળ લેવા જાય છેને પેલાં, છેલ્લાં ચાર. તેય પેલાને કહેશે, ભઈ પાણી વગરનું આપજો. કોઈ સસ્તામાંનું. આ અત્યારે રોફ પાડવા જેવો જમાનો છે ? અત્યારે જેમ તેમ કરીને નિકાલ કરવાનો. પાણી વગરનું શા હારું માંગતા હશે, ઊંચકવું પડે નહીં, વધારે વજન પડે નહીં એટલા સારું !

પ્રશ્શનકર્તા : પૈસા ઓછા એટલે.

દાદાશ્રી : હું કહું તો ના ખોટું લાગે કોઈ દિવસ. કોઈનેય ના લાગે. એ સમજી જાય કે આપણા અંતરની વાત કરે છે આ દાદાજી અને તમે ભોળા-ભદ્રિક, આપો ત્યારે આવડું મોટું આપો. પછી એ આપે ત્યારે પાછા હટી જાવ. અને એ તો રીસ રાખશે. અત્યારે તો રોફ મારશે પણ ગાતર નરમ થાય પછી આપીશ કહે છે. એ ત્યાં સુધી સિલ્લક રહેવા દે. પછી પેમેન્ટ કરવા માંડે, ગાતર નરમ થયા પછી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12