ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૫)

ધણી ખપે ધણીપણું નહીં !

કર તું ધણીપણાનો નિકાલ,

ધણીપણું બજાવે તો બેહાલ!

લગ્ન કરતી વખતે જુએ, તેનો વાંધો નથી, જુઓ. પણ તેવી એ રહેવાની હોય આખી જિંદગી, તો જુઓ. એવી રહે ખરી ? જેવી જોઈ એવી ? પણ ફેરફાર થયા વગર રહે ? પછી ફેરફાર થશેને તે સહન નહીં થાય, અકળામણ થઈ પડે. પછી જવું ક્યાં ? આવી ફસાયા ભઈ આવી ફસાયા.

તે પૈણવાનું શાના હારુ ? આપણે બહારથી કમાઈ લાવીએ. એ ઘરનું કામ કરે ને આપણે સંસાર ચાલે ને ધર્મ ચાલે, એટલા હારુ પૈણવાનું. અને તે બઈ કહેતી હોય કે એક-બે બાબાની જરૂર છે. તો એટલો નિવેડો લાવી આલો. પછી રામ તારી માયા ! પણ આ તો પછી ધણી થવા બેસે. મૂઆ ધણી શેનો થવા બેસું છું તે ? તારામાં બરકત નથી ને ધણી થવા બેઠો ! 'હું તો ધણી થઉં' કહેશે, મોટા આવ્યા ધણી ! મોઢાં જુઓ આમના ધણીનાં ! પણ લોકો તો ધણીપણું, બજાવે છેને ?

ગાયનો ધણી થઈ બેસે, ભેંસનો પણ, તે ગાયો એ સ્વીકારતી નથી તમને ધણી તરીકે. એ તો તમે મનમાં માનો છો કે આ મારી ગાય છે ! તમે તો કપાસનેય મારો કહો છો, આ કપાસ મારો છે કહેશે. તે કપાસ જાણતોય નથી બિચારા. તમારો હોય તો તમને દેખતાં વધે અને તમે ઘેર જાઓ તો ના વધે, પણ આ તો રાતે હઉ વધે કપાસ. કપાસ રાતે વધે કે ના વધે ?

પ્રશ્શનકર્તા : વધે, વધે.

દાદાશ્રી : એમને કંઈ તમારી જરૂર નથી. એમને તો વરસાદની જરૂર છે, વરસાદ ના હોય તો સૂકઈ જાય બિચારા...

પ્રશ્શનકર્તા : પણ, એમણે આપણું બધું ધ્યાન કેમ નહીં રાખવું ?

દાદાશ્રી : ઓહોહો ! બૈરી ધ્યાન રાખવા રહ્યા હશે પેલા હારુ ?

પ્રશ્શનકર્તા : એટલા માટે જ બૈરી ઘેર લાવ્યા છીએને !

દાદાશ્રી : એવું છેને, શાસ્ત્રકારોએ કહ્યું છે કે ધણીપણું કરશો નહીં. ખરેખર તમે ધણી નથી, પાર્ટનરશીપ છે. એ તો અહીં વ્યવહારમાં બોલાય છે કે, વહુ ને વર, ધણી ને ધણીયાણી ! બાકી ખરેખર પાર્ટનરશીપ છે. ધણી છો, એટલે તમારો હક્ક-દાવો નથી તમારો, દાવો ના કરાય. સમજાવી સમજાવીને બધું કામ કરીએ.

પ્રશ્શનકર્તા : કન્યાદાન કર્યું, દાનમાં કન્યા આપી, એટલે પછી આપણે એના ધણી જ થઈ ગયા ને ?

દાદાશ્રી : એ સુધરેલા સમાજનું કામ નથી. એ વાઈલ્ડ સમાજનું કામ છે. આપણે સુધરેલા સમાજે, સ્ત્રીઓને સહેજ પણ અડચણ ના પડે એ જોવું જોઈએ. નહીં તો તમે સુખી નહીં થાવ. સ્ત્રીને દુઃખ આપીને કોઈ સુખી નહીં થયેલો. અને જે સ્ત્રીએ પતિને કંઈ પણ દુઃખ આપ્યું હશે, તે સ્ત્રીઓય સુખી નહીં થયેલી !!

આ જો ધણી થઈ બેઠા હતા !! ઓહોહો !!! બહુ મોટા ધણી ! જાણે ફરી પોતાને ધણી ના થવું પડે. ઘણા ફેરા ધણી થયો છે તોય પાછો ધણી થઈ બેસે છે. આ તો નિકાલ કરવાની વાત છે. આ સત્તા વાપરવાની નથી, આ સત્તા ભોગવવાની છે. સત્તા વાપરવા માટે નથી. આ સત્તા જાણીને ભોગવવા માટે છે. આપણા લોક સત્તા વાપરે, નહીં ? 'તું સમજે નહીં, એક તો અક્કલ વગરની. તું તારે ઘેર જતી રહે', કહે છે. આ અક્કલનો કોથળો મૂઓ ! ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બજાવવામાં વાંધો છે.

માલિક નહીં, પણ પાર્ટનર !

પ્રેમાળ પતિ કે મૂઓ જેલર ?

પ્રશ્શનકર્તા : ધણીઓ ધણીપણું કરે છેને, તો હવે ધણીપણું કરે એટલે માલિકીભાવ થયો અને પત્નીનું ગુલામીપણું થયું, તો બન્ને છે તે, એકબીજાને ક્રોસ કરે એવું છે. ભેળસેળ થઈ જાય એવું છે. માલિકપણું અને ગુલામી વાઈફની !

દાદાશ્રી : માલિકપણું જ ગુલામી છેને. કોઈપણ વસ્તુના માલિક આપણે થઈએ ને એટલી જ ગુલામી. જે માલિક થયા એ વળી ગુલામીમાં જ હોય. એ ગુલામીના જ માલિક હોઈએ. આ દુકાનના માલિક હોયને, તે બધા ઉપર આધાર રાખ્યો, નામ જુદાં જુદાં આપણે રાખીએ એ બધા ગુલામ જ કહેવાય. એ ધણીપણાને લઈને તો આ ચગે છે મૂઓ. હવે ધણીપણું એ ભોગવવાનું છે, ભોગવટો છે આ, પાર્ટનરશીપ છે. વાઈફ જોડે પાર્ટનરશીપ છે, માલિકીપણું નથી.

પ્રશ્શનકર્તા : ભારત દેશનો એક એવો ખ્યાલ છે, સ્ત્રીઓ વિશેનો કે એ મિલકત છે, મૂડી છે !

દાદાશ્રી : હા, એવો ખ્યાલ છે. મૂડી છે અને ભોગ્યસ્થાન છે એવું માને છે !

પ્રશ્શનકર્તા : હા, એ મિલકત આવે એટલે ભોગવવાની વસ્તુ આવે. બીજાને એ ભોગવવાનું ન રહે. પોતે જ ભોગવે, બીજો કોઈ નહીં. એટલે એ જાતનો ખ્યાલ છે, જ્યારે પરદેશમાં એ ખ્યાલ ઓછો છે.

દાદાશ્રી : પરદેશમાં એવું નથી, ત્યાં તો માલિકીપણાનો ભાવ દેખે તો લેડી જતી રહે. યૂ, યૂ કરીને જતી રહે. બચકાં ભરીને, નહીં તો બંદૂક બતાડે ! એ કહેશે એમ ના જાણતો કે હું તારું રમકડું છું. તું ને હું બે ફ્રેન્ડલી પ્રેમમાં છીએ. એવું માને છે, પ્રેમથી છીએ.

પતિને ટેવ તેથી મારે રોફ,

બરકત હીન પણ માને ટૉપ!

પ્રશ્શનકર્તા : આ પુરુષો કામ માટે બહાર જાય છે. બહાર જઈને કંઈ ધાડ નથી મારતા અને બૈરી આખો દહાડો ઘરમાં બિચારી કામ કર કર કર કરે અને પુરુષો બહારથી આવે એટલે રોફ મારે કે હું બહાર કમાવા ગયો હતો.

દાદાશ્રી : કારણ કે તાપમાં ફરેલો માણસ રોફ ના મારે તો શું કરે ? તાપમાં માથે તેલ પડતું હોય !

પ્રશ્શનકર્તા : પણ સ્ત્રી આખો દહાડો ઘરમાં કામ કરતી હોય ?

દાદાશ્રી : સ્ત્રીને પરસેવો ક્યાં પડવાનો છે તે ? મહેનત કરે તો પડ ?

પ્રશ્શનકર્તા : ના, લડવાની વાત નથી. પણ રોફ મારે એની વાત છે.

દાદાશ્રી : રોફ તો મારે જ, રોફ તો મારે... પૈણ્યા શું કરવા કહેશે ! નહીં તો પૈણત જ નહીં ! આ તો પૈણે છે રોફ મારવા માટે. વધારે તો રોફ મારવાની ટેવ છે. છતાં આ પુરુષોને શું કહું છું કે ધણીપણું ના કરી બેસીશ. તું તો ધણી જ છું ને ! પણ ધણી થઈ બેઠાં છે ? અલ્યા, ધણી ના થઈ બેસાય. પાછા વહુને વગોવે. અલ્યા મૂઆ વહુનો શો દોષ ? તમારી પાસ કરેલી વહુ. અને વહુએ પાસ કરેલો આ ભાઈ, એણે ધણીપણું ના કરવું જોઈએ. આ કંઈ ગાયો-ભેંસો છે, તે ધણી થઈ બેસે છે ?

ઘરમાં મતભેદ શાના હોય ? આપણે મત ક્યાંથી લાવ્યા ? કઈ કૉલેજમાં પાસ થયા તે મત લાવ્યા આપણે ! મત તો જેમાં એક્સપર્ટ થયેલા હોય ત્યાં હોય ! અહીં ક્યાં એક્સપર્ટ છો ? શેમાં એક્સપર્ટ છો ? અહીં મતભેદ હોતા હશે, ઘરની બાબતમાં ! આ તો મતભેદ નથી, આ તો ધણીપણું છે !! ધણી ! હું ધણી થયોને, તે મારે સાચવવું જ પડે ને, કહેશે ? ત્યાં બૉસ તો ટૈડકાવતાં હોય રોજ... અને અહીં ધણીપણું કરે, 'આ તને આવડતું નથી, હવે તને આવડે ત્યારે ખરું ?!' શું આવડ્યું તમને ? કારણ કે સ્ત્રીઓને જે આવડે, એવું પુરુષને આવડે નહીં. પુરુષ પંદર વર્ષનો હોય અને સ્ત્રી પંદર વર્ષની હોય, પણ સ્ત્રીને પચ્ચીસ વર્ષનું જ્ઞાન હોય. એ પચ્ચીસ વર્ષની હોય એવી બધી સમજણ હોય. એ જરાય કાચું ન પડવા દે. હવે પુરુષો વગર કામના ભોળા બિચારા તે, વચ્ચે મહીં માથું માર માર કરે ! અલ્યા, ચાલવા દેવું ! એમને કહીએ, 'તું કરું છું, એ બધું કરેક્ટ છે. મારે બૂમ પાડવાની જરૂર નથી.' પણ આ તો એનું ધણીપણું બજાવ્યા વગર રહે નહીં ને ! ડખલ કર્યા કરે !

એક્સપર્ટ હોય ત્યાં મતભેદ હોય. આમાં કંઈ મતભેદ હોતો હશે ? આ કંઈ એક્સપર્ટની લાઈન છે ! હું અમારે ઘેર હીરાબા છે, ત્યારે એ આજે છે તે દાળ-ભાત રોટલી કરે, કાલે કઢી કરે, તો એ જે કરે એ ખરું ! આમાં આપણે એક્સપર્ટ નહીં ને વગર કામના બોલ બોલ કરીએ ! આ તો ધણીપણું બજાવે છે, બીજું કશું નહીં, હવે એ તો ના જ બજાવવું જોઈએને ? તમને કેમ લાગે છે ? કે બજાવવું જોઈએ ? ધણીપણું ના બજાવવું જોઈએ ને ?

પ્રશ્શનકર્તા : નહીં બજાવવું જોઈએ.

દાદાશ્રી : 'આપણે' આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાના છે. આ સંયોગોમાં આવી ફસાયા છીએ. તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના, આપણે કંઈ ધણી થવા માટે નથી આવ્યા.

લાઈફ એટલે લાઈફ છે ! આ તો જીવન જીવવાની કળા ના હોય ને વહુ કરવા જાય ! વગર 'સર્ટિફિકેટે' ધણી થવા ગયા, ધણી થવા માટેની લાયકાતનું 'સર્ટિફિકેટ' હોવું જોઈએ. તો જ બાપ થવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ તો વગર અધિકારે બાપ થઈ ગયા ને પાછા દાદાય થાય ! આનો ક્યારે પાર આવશે ? કંઈક સમજવું જોઈએ.

પતિ એટલે વાઈફની વાઈફ,

આ સૂત્ર સમજ્યે સુંદર લાઈફ!

ઓરતને કહીએ કે, બેન કેમનું છે ધણી જોડે ? એ તો એવું જ, એ તો બોલશો જ નહીં, પૂછશો જ નહીં, કહેશે. ત્યારે મેં કહ્યું, 'નહીં પૂછું, બેન.' હું સમજી જ જઉં ને !

'હસબંડ' એટલે 'વાઈફનીય 'વાઈફ'. (પતિ એટલે પત્નીની પત્ની !) આ તો લોક ધણી જ થઈ બેસે છે ! અલ્યા, 'વાઈફ' કંઈ ધણી થઈ બેસવાની છે ? 'હસબંડ' એટલે 'વાઈફ'ની 'વાઈફ'. આપણા ઘરમાં મોટો અવાજ ના થવો જોઈએ. આ કંઈ 'લાઉડ-સ્પિકર' છે ? આ તો અહીં બૂમો પાડે તો પોળના નાકા સુધી સંભળાય !

ધણી જ છો ! તો પણ આપણા લોકો ધણીપણું કર્યા વગર રહેતા નથી. ને ધણીપણું બજાવે છે ! એટલે અમે પુસ્તકમાં લખ્યું છેને, ધણી એ પોતાની સ્ત્રીનો પણ સ્ત્રી છે એવું કહ્યું છે ! જો ધણી થઈ બેઠા !! આવું ક્યાં કર્યું ? તમને સમજ પડી આ ધણી થઈ બેઠા છે, એવું ? એટલે આપણને એવો ભાવ ન હોવો જોઈએ.

ના રાખો ભય બેસશે ચઢી,

મૂછો ક્યાંથી ઊગે ? છે ભમરડી!

આપણે આપણ ફરજ બજાવવી. માટે જક્કે ના ચઢો, તરત વાતનો ઉકેલ લાવી નાખો, તેમ છતાં સામો માણસ બહુ બાઝે તો કહીએ કે, 'હું તો પહેલેથી જ ડફોળ છું, મને તો આવું આવડતું જ નથી. એવું કહી દીધું એટલે પેલો આપણને છોડી દે. જે તે રસ્તે છૂટી જાઓ અને મનમાં એમ નહીં માની બેસવાનું કે 'બધાં ચઢી બેસશે તો શું કરીશું ?' એ શું ચઢી બેસે ? ચઢી બેસવાની કોઈ શક્તિ જ ધરાવતું નથી. 'આ બધાં કર્મના ઉદયથી ભમરડા નાચે છે.' માટે જેમ તેમ કરીને આજનો શુક્રવાર કલેશ વગરનો કાઢી નાખો, કલ કી બાત કલ દેખ લેંગે. બીજે દહાડે કંઈક ટેટો ફૂટવાનો થયો તો ગમે તે રીતે તેને ઢાંકી દેવો, ફિર દેખ લેંગે. આમ દિવસો કાઢવા.

પ્રશ્શનકર્તા : આ વાઈફ છે તો બૉસ થઈ બેસે છે, તેનું શું કરવું ?

દાદાશ્રી : એ વાંધો નહીં. એ તો જલેબી, ભજિયાં કરી આપે વાઈફ. આપણે કહીએ કે ઓહોહો ! તેં તો ભજિયાં-જલેબી કરી ખવડાવ્યા ને ! એમ કરીને ફૂલાય, પછી કાલે ટાઢી પડી જશે, એની મેળે. એની ગભરામણ નહીં રાખવાની. એ ચઢી બેસે ક્યારે ? એને જો મૂછો ઊગે તો ચઢી બેસે. પણ મૂછો ઊગવાની છે ? ગમે એટલાં ડાહ્યાં થાય, તોય મૂછો ઊગે ?

પ્રશ્શનકર્તા : ના ઊગે !

દાદાશ્રી : અને આપણે મૂંડી નાખીએ તો જતી રહે ? ક્લીન સેવ કરીએ, પણ જતી રહે કંઈ ? ના જતી રહે, એટલે આ મૂછો થાય તો તો એ આપણી પર ચઢી બેસે. પણ એ તમે ખાતરી રાખજો. મૂછો નહીં ઊગે ! સરખા થવા ફરે, કશું સરખા થવાય નહીં, એ છોને, સામ્યવાદવાળા કૂદાકૂદ કરે. સરખું થવાય નહીં. તમે મૂછો ના રાખો, તેથી કંઈ સ્ત્રી મૂછો રાખી શકવાની છે ? આપણે મરજીમાં આવે એવું રાખીએ પણ સ્ત્રીઓ કંઈ એની મરજીમાં આવે તો મૂછો રાખી શકે ?

પ્રશ્શનકર્તા : ના. ના.

દાદાશ્રી : માટે હંમેશાંય સ્ત્રી કોઈ દહાડો કંઈ ધણી થઈ બેસવાની નથી. માટે ધણી થવાની તમારે જરૂર જ નથી. ધણી છો જ, વળી થાવ છો શું કરવા તે ? જે છો એમાં થવાનું ક્યાં રહ્યું ? સ્ત્રીઓમાં બહુ શક્તિ હોય છે, પણ એ પુરુષ થઈ શકે નહીં. એટલે તમારી ઉપરી થઈ શકે નહીં. તમે ઘેર પૈણી લાવ્યા, એટલે એ તમારી ઊપરી નહીં થાય. માટે તમારે મનમાં એવું નહીં રાખવું કે એ ઉપરી થઈ જશે. ચઢી બેસશે. આ તો આના ભયમાં ને ભયમાં નકામા ઝઘડા થાય છે.

બાકી એક ભવ તો તમારો હિસાબ છે એટલું જ પતશે. બીજો લાંબો લાંબો હિસાબ થવાનો જ નથી. એક ભવ તો હિસાબ ચોક્કસ જ છે, તો પછી આપણે શા માટે ઠંડા પેટે ના રહેવું ?

એક ભાઈ કહે છે મારી જોડે વાઈફને રોજ કકળાટ થાય છે. હવે વાઈફનો દોષ કે એનો દોષ ? શું કહો છો ?

પ્રશ્શનકર્તા : દોષ તો બન્નેનો જ હોયને ?

દાદાશ્રી : કારણ કે વાઈફ કોઈ દહાડો વઢવા આવે જ નહીં પુરુષ જોડે. એ તો જ્યારે પુરુષનામાં છત ના દેખે ત્યારે વઢવા તૈયાર થાય. છત દેખે કાં તો સંયમી દેખે, તો બોલે નહીં, અક્ષરે બોલે નહીં. વાઈફ તો છત ના દેખે એટલે પછી એવું જ ને ! છત તો હોવી જોઈએને. આ પર્સનાલીટી હોવી જોઈએ, એનામાં સંયમ હોવો જોઈએ.

હા, પછી પોતાનામાં બરકત ના હોય તો તો બધું ચઢી બેસે. સહુ કોઈ ચઢી બેસે. બરકત તો જોઈએને ? પૈણ્યા, પછી બરકત ના હોય, તો કામનું શું ?

ચઢી બેસે, એવું બધું મનમાં શંકાઓ ના કરવી. આ શંકાઓને લીધે ટસલ ઉપર ચઢ્યા જ કરે છેને, નિરંતર દુઃખમાં જ રહ્યા કરે છે, કોલ્ડવૉરમાં. હવે કોલ્ડવૉર કરવાની શી જરૂર છે તમારે ?

ક્યારેક વહુ કરે બડબડ,

કહે વહુને 'હું છું અણઘડ'!

અને ચઢી બેસે ત્યારે આપણે છે તે સમજવાનું, કે આ બોલબોલ કરે તે ઘડીએ આપણે કેટલું ગ્રહણ કરવું ને કેટલું નહીં, એટલે પછી એ પોતે થાકીને શાંત થઈ જાય ને મનમાં સમજી જાય કે આના પેટમાં પાણી હાલતું નથી. મારું બોલેલું નકામું જાય છે. ફરી બોલવાનું બંધ કરી દેશે. આપણે કહેવાથી બંધ નહીં કરાય. પેટમાં પાણી ના હાલે એટલે આખી દુનિયા કબજે થઈ જાય !

પ્રશ્શનકર્તા : વશ થઈ જાય.

દાદાશ્રી : પોલીસવાળાય સજ્જડ થઈ જાય !

એટલે બઈ કો'ક દહાડો જરા ગરમ થઈ હોય તો આપણે એને કહીએ કે, મારામાં બરકત ઓછી છે, એમ કહીએ તો એ શાંત થઈ જાય. એને મનમાં થાય કે, 'ઓહોહો, ધણીએ એમ કબૂલ કર્યું કે બરકત ઓછી છે ?'

પ્રશ્શનકર્તા : અને એવું ના કહીએ તો ?

દાદાશ્રી : એટલે શું થાય એમ ? શું એ ચઢી બેસશે ? એને ગમે એટલી દવા કરીએ તોય મૂછો આવે એને ? તો શી રીતે ચઢી બેસવાની છે ? એને કહીએ કે લે, રેઝરથી દાઢી કર જોઈએ ! અને બહુ રોફ મારતી હોયને, તો એક દા'ડો બન્નેએ અંધારામાં ફરવા નીકળવું, તે ફરતાં જવાનું ને પછી આપણે એને એકલી મૂકીને દોડવું ! 'ઓ મારા બાપ રે ! એ ફરી કોઈ દહાડો નહીં વઢું' એમ કહેશે !!! એટલે કોઈ સ્ત્રી બહુ રોફ મારતી હોય તો એને કહીએ કે રાતે બાર વાગે બહાર ફરવા જઉં છું ? રાતે જરા આઘા-પાછા થાવ જોઈએ ? ફફડી જશે, એ ના જીરવી શકે. એમનું ગજું શું છે તે ? એ કશું કરી શકે નહીં. અને એવું વહુ ચઢી બેસે તો મારી પાસે લાવજો. રીપેર કરી આપું હડહડાટ ! ઘણી બધી રીપેર કરી આપી.

પરદેશમાં રીતો હોય ખાસ,

ફરી પરણે ત્યાં વર્ષે પચાસ!

પ્રશ્શનકર્તા : અહીંયાં, અમેરિકામાં છેને, સેકન્ડ સેરીમની કરતા હોય છે લોકો. અમુક વર્ષ પછી બીજી વખત એ જ સ્ત્રી જોડે લગ્ન કરે પાછો. પાછી પ્રતિજ્ઞા લે, અહીંયાં આગળ.

દાદાશ્રી : એટલે ?

પ્રશ્શનકર્તા : આ તો પહેલાં પ્રતિજ્ઞા લીધી હોય, અણસમજમાં. સ્ત્રીને જાણતો ના હોય, સ્ત્રી છે તે પુરુષને જાણતી ના હોય, પણ પછી પચાસેક વર્ષ પછી થાય કે હવે પાછાં લગ્ન કરીએ જેથી કંઈક પાછું ઐક્ય વધારે થાય, એટલા માટે પછી પ્રતિજ્ઞા લે, કે 'જેવી છે તું તેવી, તારું પાછું પાણિગ્રહણ કરું છું.'

દાદાશ્રી : હા, એ સારી સમજણ કહેવાય.

પ્રશ્શનકર્તા : આ બહુ ઊંચી સમજણથી પાછાં લગ્ન કરતાં હોય છે. અને જેથી કે બીજાં પચ્ચીસેક વર્ષ બીજાં નીકળી જાય તો...

દાદાશ્રી : પણ એમને બીજી ભાંજગડ નથી હોતી.

એટલે આ ધણીપણું એ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. આ એકલા જ બજાવે ધણીપણું, ઈન્ડિયનો એકલા જ. ફોરેનવાળા ધણીપણું બજાવતા નથી. એમને કંઈ ધણીપણું બજાવવાની ટેવ નથી. એમને તો મીઠાશ રહેવી જોઈએ. પેલી 'યુ યુ' કરે ત્યારે આય કહેશે, આવી જા 'યુ યુ'. એ ભસે ત્યારે પેલી ભસે, ભસાભસ-ભસાભસ બધું ને પછી ડિવોર્સ !

પ્રશ્શનકર્તા : આ બધા પુરુષ તો બકરી થઈ ગયેલા છે. (ફોરેનર્સ)

દાદાશ્રી : બકરી નહીં, એ એમને બિચારાને આવું નહીં. આમને ઈન્ડિયનોને ધણીપણું બજાવવા જોઈએ ! અને પેલા ફોરેનવાળાને તો બિચારા એમને બીજું કશું નહીં, ડખલ કોઈ નહીંને ! એને તો જો કદી પ્રેમમાં મહીં ગુસ્સે થઈ ગઈ કે ને પછી એ થઈ જાય, ફરી જાય. અને આપણા તો ગુસ્સાનેય ખઈ જાય. ગમે એટલી ગુસ્સો કરે. સવારમાં પાછા દૂધ પાય, ચા પાય. રાતે છે તે દૂધમાં બેશેર મીઠું નાખે ને પછી સવારમાં ચા થાય. આ ઈન્ડિયનોની વાત જુદી છે. દૂધ ફાટે નહીં.

હિંદુઓ ગાળે જીવન કલેશમાં,

મુસ્લિમો હિંડોળે ઝુલાવે ટેસમાં!

હિન્દુઓ તો મૂળથી જ કલેશી સ્વભાવના. તેથી કહે છેને, હિન્દુઓ ગાળે જીવન કલેશમાં ! પણ મુસલમાનો તો એવા પાકા કે બહાર ઝઘડી આવે, પણ ઘેર બીબી જોડે ઝઘડો ના કરે. હવે તો અમુક મુસ્લિમ લોકોય હિન્દુઓ જોડે રહીને બગડી ગયા છે. પણ હિન્દુઓ કરતાં આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાક મુસલમાનો તો બીબીને હીંચકો હઉ નાખે !

પ્રશ્શનકર્તા : એ હીંચકો નાખતા હતા, મિંયાભાઈ પેલા હીંચકો નાખે એ વાત કરોને.

દાદાશ્રી : હા. એક દહાડો ત્યાં ગયેલા તે મિયાંભાઈએ બીબીને હીંચકો નાખવા માંડ્યો ! તે મેં પૂછ્યું કે, 'તમે આવું કરો છો તે ચઢી બેસતી નથી ?' ત્યારે એ કહે કે 'એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી કશું નથી' મેં કહ્યું કે, 'અમારા હિન્દુને તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.' ત્યારે મિંયાભાઈ કહે કે, 'આ હીંચકો નાખવાનું કારણ તમે જાણો છો ?'

એ તો એવું બનેલું કે ઓગણીસોને તેંતાલીસમાં, ૧૯૪૩-૪૪માં અમે કોન્ટ્રેક્ટ લીધેલો ગવર્મેન્ટનો, તેમાં એક કડિયા કામનો ઉપરી હતો લેબર કોન્ટ્રેક્ટવાળો. તેણે પેટા કોન્ટ્રેક્ટ લઈ લીધેલો. એનું નામ અહમદમિંયા, તે અહમદમિંયા કેટલાય વખતથી કહે કે સાહેબ, મેરે ઘર આપ આવો, મેરે ઘર, ઝૂંપડીમેં આવો. ઝૂંપડી બોલે બિચારો. બહુ સારા ડાહ્યા હોય બોલવામાં, વર્તનમાં હોય જુદી વાત ને ન પણ હોય. પણ બોલવામાં જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં સારું લાગે.

તે અહમદમિંયા એક દહાડો કહે છે, શેઠ આજ અમારે ઘેર આપના પગલાં પાડો. મારે ત્યાં પધારો તો અમારી બીબી-બચ્ચાં બધાંને આનંદ થાય. ત્યારે તો જ્ઞાન-બાન નહીં પણ પેલા વિચારો બહુ સુંદર, લાગણી બહુ સરસ બધાને માટે. આપણે ઘેર કમાતો હોય તો એને સારું, કેમ કરીને કમાય, એવી પણ ભાવના. અને એ દુઃખમાંથી મુક્ત થઈ સુખી થઈ જાય, એવી ભાવના !

આ તો આ જોયેલું મેં, એ કમ્યુનિટીમાં શું શું એના ગુણ કેવા હોય છે તે ! મેં કહ્યું, કેમ ના આવું ? તારે ત્યાં પહેલો આવું, ત્યારે કહે, મારે ત્યાં તો એક જ રૂમ છે, તમને ક્યાં બેસાડું ? ત્યારે મેં કહ્યું, હું ત્યાં બેસી રહીશ. મારે તો એક ખુરશી જ જોઈએ. નહીં તો ખુરશી ના હોય તોય મારે ચાલે, તારે ત્યાં અવશ્ય આવું. તારી ઇચ્છા છે તો હું આવીશ, એટલે હું તો ગયો. અમારે 'કોન્ટ્રાક્ટર'નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએય ખરા ! અમારે કોઈની જોડે જુદાઈ ના હોય.

હવે તે દહાડે જમાનો સારો બહુ, તે દહાડે તો પાંચ રૂમ જોઈતા હોયને તોય છે તે વીસ રૂપિયામાં મકાન મળે. તોય એણે બિચારાએ બે રૂમ રાખેલી. ત્યારે મેં કહ્યું, આ ત્રણ છોકરાને આ તમે બે જણ આ બે રૂમમાં શી રીતે ફાવે છે તમને ? ત્યારે કહે, સાહેબ શું કરું ? પૂરું થવું જોઈએને, કહે છે. એને મેડા ઉપર ત્રીજે માળ બે રૂમ હતા. આ કોન્ટ્રાક્ટ તો મોટા મોટા લઉં છું. તો કેમ આ બે જ રૂમ ? ત્યારે કહે, ખર્ચા બહુ છે. ઘેર દેવું છે, તે વાળવાનું. મધર-ફાધર છે તેને ખર્ચા મોકલવાના છે, બિમાર રહે છે. મેં કહ્યું, અલ્યા, આ ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે. ત્યારે કહે, સાહેબ ક્યા કરે ! હમારે ગરીબ કે લીયે ઇતના બહોત હૈ. મેં કહ્યું તારા વાઈફ ક્યાં સૂઈ જાય છે ? ત્યારે કહે, યે હી જ રૂમમેં. યે બેડરૂમ કહો. યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી. મેં કહ્યું, 'અહમદમિંયા, ઓરત કે સાથ કુછ ઝઘડા બગડા હોતા નહીં હૈ કે ?' 'યે ક્યા બોલા ?' મેં કહ્યું 'શું ?' ત્યારે એ કહે, 'કભી નહીં હોતા હૈ. ઐસા મૂર્ખ આદમી નહીં હમ.' 'અલ્યા મતભેદ ?' ત્યારે કહે, નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.' શું કહે છે, બીબી જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, 'કોઈ દહાડો બીબી ગુસ્સે થઈ જાય ત્ય

ારે ?' તો કહે 'પ્યારી આ

બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે ?' એટલે ચૂપ થઈ જાય !

મેં કહ્યું, 'મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીંને ?' ત્યારે કહે, ના મતભેદ પડે તો, તો એ ક્યાં સૂઈ જાય ? અને હું ક્યાં સૂઈ જાઉં ? અહીં બે-ત્રણ માળ હોય, તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું ! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું, એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં પછી શું મજા આવે ? આખી રાત ઊંઘ ના આવે, પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં ! એટલે આ બીબીને તો કોઈ દહાડો હું દુઃખ આપું નહીં. બીબી મને મારે તોય દુઃખ ન આપું, કહે છે. એટલે હું બહાર બધાની જોડે વઢી આવું, પણ બીબી જોડે 'ક્લિયર' રાખવાનું ! વાઈફને કશું ના કરાય. ચળ આવતી હોય તો બહાર વઢીને આવે, પણ અહીં ઘરમાં નહીં.

બીબી, મેરી હાલત મૈં હી જાનું,

મનાવે મિયાંજી કરી બહાનું !

બીબીએ સલિયાને ગોસ લાવવા કહ્યું હોય કે, હવે સલિયાને પગાર ઓછો મળતો હોય. તે બિચારો ગોસ શી રીતે લાવે ? સલિયાને બીબી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે ગોસ તો લઈ આવો. પછી એક દહાડો બીબી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. મિયાંભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે બીબી કચ કચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે બીબી જાણે કે આજે તો લઈને આવે એટલે પછી રાંધીએ. પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે બીબી બુમાબૂમ કરવા માંડે, સલિયો આમ તો બહુ પાકો હોય એટલે બીબીને સમજાવી દે કે, 'યાર મેરી હાલત મૈં જાનતા હું, તુમ ક્યા સમજે.' એવા એક-બે વાક્ય બોલે પછી બીબી કહેશે સારું, ફરી લાવજો. પણ દશ-પંદર દહાડે ફરી બીબી બૂમો પાડે તો પાછો મેરી હાલત મૈં જાનતા હું, એવું બોલે ને તો બીબી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે.

અને આપણા લોક તો તે ઘડીએ કહેશે કે તું મને દબાય દબાય કરું છું ? અલ્યા આવું સ્ત્રી પાસે ના બોલાય, એનો અર્થ જ ઇટસેલ્ફ બોલે છે, તું દબાયેલો છું. અલ્યા પણ તને શી રીતે દબાવે ? જ્યાં પૈણતી વખતે પણ તારો હાથ ઉપર તો રાખે છે, તો તને એ શી રીતે દબાવે ? હાથ ઉપર રાખીને પરણ્યો છે ને વખતે એ આજ દબાવી જાય તો આપણે શાંત રહેવાનું. જેને નિર્બળતા હોય એ ચીડાઈ જાય, જેનામાં નિર્બળતા હોય એ ચીડિયો હોય. આપણા લોક નથી કહેતાં કે કાકા તમે બહુ ચીડિયા થઈ ગયા છો. ત્યારે પેલા કહેશે કે પહેલાં તો હું ચીડિયો નહોતો, આ ઘૈડપણને લીધે થઈ ગયો છું. એટલે ઘૈડપણમાં નિર્બળતા થાય તે માણસ ચીડિયો થઈ જાય. એટલે જ્યારે પેલી ચીડાઈ જાય ત્યારે આપણે ના સમજીએ કે આનામાં નિર્બળતા છે. તો તે ઘડીએ આપણે મશીનરી બંધ રાખવી. ને ગમતી હોય તો રેકર્ડ સાંભળવી ને ના ગમતી હોય તો રેકર્ડ સાંભળવાની બંધ રાખવી. રેકર્ડ તો વાગ્યા જ કરવાની.

હવે ત્યાં આગળ એવું બોલીએ કે તું મને દબડાય દબડાય કરે છે ? અલ્યા એવું બોલવાનું જ શેને માટે ? જોડે ભેગું ખાવું, ભેગું રહેવું અને એક જ ઓરડીમાં પાછા સૂઈ રહેવાનું. ત્યાં આ શી ભાંજગડ ?! આ સંસારના લોકો કંઈ કાચી માયા છે ? ધણીનો હાથ ઉપર રાખીને પૈણાવે છેને ? એટલે જગત એવું કંઈ ગાંડું નથી ! એટલે ઘરમાં ઝઘડો ના કરે એ ઉત્તમતા કહેવાય. છતાં આ ઘર છે તે ઝઘડો થાય તો ખરોને ! બઈય ચીડાતી હોય કારણ કે બબ્બે મહિના સુધી ગોસ ના લાવ્યા હોય તો ના ચીડાય ? સંસાર છેને, બધો ! કો'ક દહાડો મિયાંભાઈનેય ટેસ્ટ પડ્યો તો એય ચીડાઈ જાય ને બીબીને તું ઐસી હૈ તૈસી હૈ કરે. પણ સામે જો પેલી ચીડાય તો એ બંધ થઈ જાય. એ સમજી જાય કે આમાંથી ભડકો થઈ જશે. અને આપણા લોક તો ભડકો કરે, તે ઘડીયે દીવાસળી ચાંપે. હિન્દુ ને મિયાંમાં આટલો ફેર. એટલે કહ્યું છેને હિન્દુઓ ગાળે જીવન કલેશમાં. પહેલેથી જ આની આ જ ઓલાદ, બધું જુદે જુદું. પાઘડીઓય જુદી, દખણી પાઘડી જુદી, ગુજરાતી પાઘડી જુદી, ગુજરાતીમાં પટેલિયા પાઘડી જુદી, સુવર્ણકારની પાઘડી જુદી, બ્રાહ્મણની પાઘડી જુદી, વાણિયાની પાઘડી જુદી ! અલ્યા આ શું છે તે ? મેળો છે કે શું છે ? પાછો હિન્દુસ્તાનમાં તો ચૂલે ચૂલે ધરમ જુદ

ો ! બધાનાં વ્યૂપોઈન્ટ જુદાં, મેળ જ ના ખાય. છતાં પણ ઘેર ઝઘડો ન કરતા હોય, નિરાંતે ખાતાપીતા હોય તેને સારું કહીએ. એને ઇન્સાનિયત ભરી પડી છે કહેવાય.

ઝઘડો કરને પોલીસ જોડે,

ગરીબડીને શા માટે રગદોળે?

આ મુસલમાનો બહાર મારીને આવે પણ ઘરમાં ના મારે. તમારામાં લોકો બહાર મારે કે ઘરમાં ?

પ્રશ્શનકર્તા : ઘરમાં જ, બહાર તો બધે સારું સારું કહે.

દાદાશ્રી : ઘરમાં જ ? તો તો આવો ને આવો જ રિવાજ છે ? આ વંશ એવી છે. અને મિંયાભાઈ ઘેર બીબી ગાળો દેતી હોય તોય હીંચકા નાખે ને કહેશે, ક્યા કરે હમકો ઇનકી સાથ રહેને કા હૈ ને ! ઘેર તો બીબી વખતે ચઢી જાય તોય બીબીને શાંત પાડે, 'તું માગીશ એ તને આપીશ, તું તારે ઝઘડીશ નહીં. ખુદાની મહેરબાની થશે કે તરત તને બધું આ કરી આપીશ.' પણ શાંત કરે. બહાર લડીને આવે તો સારું. પણ ઘરમાં ના લડવું જોઈએ.

એટલે લોક બાઈડી જોડે વઢવાડ કરતા હોય તોય આપણે ના કરવી. મેં પૂછ્યું, નિકાલ કેમનો થાય છે ? ત્યારે કહે બીબી તો મને સુખ આપે છે. એ કંઈ અકળાયને, તો હું કહું કે, યાર મેરી ભૂલ થઈ હવે જાને દે ને. તે આમ તેમ કરીને નીવેડો લાવે ! નહીં તો એ મારું સુખ જ જતું રહે પછી. 'મેરી હાલત મૈં હી જાનતા હું' બોલે એટલે બીબી ખુશ થઈ જાય. અને આપણા લોક તો હાલત કે કશું કહે નહીં. અલ્યા, તારી હાલત કહે તો ખરો કે 'સારી નથી માટે રાજી રહેજો.' પછી મેં કહ્યું, ઓરત કોઈ દહાડો સામી થઈ જાય ત્યારે ? કડક થઈ જાય તો ? ઉસકો મેં બોલું, બીબી હમારી ક્યા હાલત હૈ, મૈં જાનતા હું, હવે કાયકે લીએ ! તે મનાવી લઈએ અને આ મૂઆ મનાવે કે ?! આ તો આબરૂદાર લડકા. જુદી કરી નાખે, જુદી.

એ તો કહે છે, અમે હીંચકો હઉ નાખીને પણ બીબીને ખુશ રાખીએ. ત્યારે મુસલમાનોય આટલા ડાહ્યા હોય છેને, આપણા તો, ધણી થઈ બેસે. આમ, તું માનતી નથી કે ? લે ! આ ધણી તે મોટા ધણી થઈને એમ જાણે, ગરબા ગાય એવો ! જુઓ તો ખરા ! આવું હોતું હશે ? ત્યારે આપણામાં કહેવત છે, હિન્દુઓ જીવન જ કલેશમાં ગાળે છે. ઘરમાં કલેશ લાવે. બહારનો કલેશ ઘરમાં લાવે. એટલે એ સમજવું જોઈએ ને ? આ આપણે પોતાની જાતને વગોવતા નથી. આપણે સમજવું જોઈએ કે આમ ન હોવું ઘટે. એ તો મુસ્લિમોય લાવે છે, પણ મહીં મહીં કો'ક આવી ડહાપણની વાત આપણે પકડી લેવી જોઈએ કે ના પકડવી જોઈએ ? બધે એ તો મુસ્લિમો-બુસ્લિમો એવું નહીં, પણ આ તો એક કહું છું. મુસલમાન જો પણ આટલો બધો એ, કોન્ટ્રાક્ટર, લેબર કોન્ટ્રાક્ટર જેવાયે શું કહ્યું ? કે હું લડું તો મને રાત્રે, મારે ને એને શાંતિ જ ક્યાં રહે ? એટલે એ જરા આકરી થઈ જાય, હું ઠંડો થઈ જાઉં, કહે છે અને પછી આઇસક્રીમ લાવીને એને ખવડાવી દઉં, કહે છે. બહાર, બજારમાં ક્યાં આઇસક્રીમ નથી મલતો ? જોઈએ એટલો મળે છે, કહ્યું ત્યારે મેં કહ્યું, ક્યાં વઢવાડ કરું ? ત્યારે કહે બહાર પોલીસવાળાને મારીને આવું. મારી સિસ્ટમ એ છે કે હાથ જરાક એ થતા હોય તો બહાર કો'કની જોડે

વઢી આવું. પણ ઘેર આવીને તો હીંચકો બીચકો નાખું, ઘરમાં લડવાનું નહીં. બીબીને ખુશ રાખું એટલે મને બીબી બધું સારું ભોજન-બોજન બધું સરસ આપે.

સુખ આપવા જે સુંદર જમાડે,

ત્યાં લડી ધણી ઇજ્જત બગાડે !

પછી છે તે એક હકીમનો છોકરો આવ્યો હતો, ઔરંગાબાદમાં. એણે જાણ્યું હશે કે આ દાદા પાસે કંઈક અધ્યાત્મજ્ઞાન જાણવા જેવું છે. એટલે એ છોકરો આવ્યો, ૨૫ જ વર્ષની ઉંમરનો, તે મેં તો સત્સંગની બધી વાત કરી આ જગતની, કારણ કે વૈજ્ઞાનિક રીત સારી છે, આપણે સાંભળવા જેવી છે. અત્યાર સુધી ચાલ્યું તે જમાના પ્રમાણે લખાયેલું છે. જેવો જમાનો હતો ને તેવું વર્ણન કરેલું છે. એટલે જમાનો જેમ જેમ ફરતો જાય તેમ વર્ણન વધતું જાય. અને પયંગર સાહેબ એટલે શું ? ખુદાનો પૈગામ અહીં લાવી અને બધાને પહોંચાડે એનું નામ પયગંબર સાહેબ. મેં તો ગમ્મત કરી એની. મેં કહ્યું, અલ્યા શાદીબાદી કરી છે કે એમ ને એમ ફર્યા કરું છું ? શાદી કરી છે, કહે છે. મેં કહ્યું, ક્યારે કરી ? મને બોલાવ્યો નહીં તેં ? 'દાદાજી, હું જાણું નહીં તમને, નહીં તો હું તે દહાડે બોલાવત. છ મહિના જ થયા હજુ, કહે છે શાદી કર્યાને.' ગમ્મત કરી જરા. કેટલા વખત નમાજ પઢું છું ? 'સાહેબ, પાંચે પાંચ વખત' કહે છે. અલ્યા રાત્રે શી રીતે તને નમાજ ફાવે છે ત્રણ વાગે ? કરવાની જ, એમાં ચાલે જ નહીં, કહે છે. ત્રણ વાગે ઊઠીને કરવાની. મારી નાની ઉંમરમાંય કરતો આવ્યો છું. મારા ફાધર હકીમ સાહેબેય કરતા ! હવે પછી મેં કહ્યું, 'હવે તો બીબી આવી, હવ

ે શી રીતે બીબી ક

રવા દે તને ત્રણ વાગે ?' બીબીએય મને કહ્યું છે, તમારી નમાજ પઢી લેવી. ત્યારે મેં કહ્યું, બીબી જોડે ઝઘડો થતો નથી ? 'એ શું બોલ્યા ? એ શું બોલ્યા ?' મેં કહ્યું, કેમ ? ઓહોહો ! બીબી તો મૂંહ કા પાન ! એ મને વઢે તો હું ચલાવી લઉં. સાહેબ, બીબી થકી તો હું જીવું છું બીબી મને ખૂબ સુખ આપે છે. ખૂબ સારું સારું ભોજન બનાવીને જમાડે છે એને દુઃખ કેમ દેવાય ? હવે આટલું સમજે તોય બહુ સારું. બીબી ઉપર જોર ના કરે. ના સમજવું જોઈએ ? બીબીનો કંઈ ગુનો છે ? 'મુંહ કા પાન' ગાલી દે તોય વાંધો નહીં. બીજો કોઈ ગાલી દે તો જોઈ લઉં, લે ત્યારે એ લોકોને કેટલી કિંમત છે ?

હિંસક વિચારો તો મિયાં એકલાના નથી. આપણા હિંદુઓના પાર વગરના છે. મિયાં ઘરમાં બધાને સલામત રાખે છે. છોકરાની વહુ હોય, બીબી હોય પોતાની, એ બધાને સલામત રાખે છે મિયાં અને આપણા લોકો આખો દા'ડો ખાંડ ખાંડ કરે છે ઘરના માણસોને. એટલી બધી હિંસા કરે છે કે ન પૂછો વાત. આખો દા'ડો બૈરીને ગાળો ભાંડે, છોકરાને ગાળો ભાંડે. આખો દા'ડો પૈસાની જ લહાય, પૈસાની જ લ્હાય. હાય-હાય, ને ઘરમાં ઝઘડા થાય છે એવું તમે જોયેલું ? એ લોકોને ના હોય, એવું. બીબી એક ફેરો વાંકું બોલી હોય, એ ગમે એવું બોલે તોય ચલાવી લેવાનું. બહાર મારી આવે પણ ઘરમાં કોઈને મારે નહીં, વઢે નહીં, કશું નહીં. અને આ તો ઘરમાં આખો દા'ડો હિંસા જ કરે છે આ લોકો ઘરમાં !

ર્ીર્ ીર્ ી

(૬)

સામાની ભૂલ કાઢવાની ટેવ !

એક ફેમિલી છતાં કાઢી ભૂલ,

વિચાર, એને ભોંકે છે તું શૂળ !

દાદાશ્રી : કોઈ દહાડો તારી ભૂલ એ કાઢે કે ના કાઢે ?

પ્રશ્શનકર્તા : કાઢે.

દાદાશ્રી : તે ઘડીએ તું એમની ભૂલ કાઢું કે ના કાઢું ?

પ્રશ્શનકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : હા, એ જ હું કહું છું. તો ફેમિલીમાં ભૂલ ના કઢાય.

પ્રશ્શનકર્તા : એવું કંઈ સમજાવોને કેમ ભૂલ ના કઢાય ?

દાદાશ્રી : ભૂલ તો કઢાતી હશે પણ ? ભૂલ કાઢવાથી શું ફાયદો ? ઇમોશનલ માણસ જ ભૂલ કાઢે. ભૂલ કાઢવાનો અધિકાર નથી કોઈને. ભૂલ કાઢવાનું કેટલા વખતથી ચાલે છે ? આ બગડી ગયું એવું બોલે કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : થોડી થોડી ચાલે બધી, નાની નાની ભૂલ કાઢું છું.

દાદાશ્રી : કોઈ દા'ડો ભૂલ કાઢો છો એની કે દરરોજ ?

પ્રશ્શનકર્તા : દરરોજ.

દાદાશ્રી : ના, ભૂલ ના કઢાય. ભૂલ કઢાતી હશે ? કોઈ મિત્ર હોય તેની ભૂલ કાઢીએ તો મિત્રપણું છૂટી જાય.

પ્રશ્શનકર્તા : આ મિત્ર નથીને, આ તો બૈરી છે.

દાદાશ્રી : એટલે ખીલે બાંધેલી છે એટલે અને પેલો ખીલે બાંધેલો નહીં.

પ્રશ્શનકર્તા : એકવાર ભૂલ કરે તો માફ કરી દઉં, પણ બીજીવાર જ્યારે એની એ જ ભૂલ કરે તો પછી નથી ચલાવી લેવાતું, એમાં ગુસ્સો થઈ જાય આપણાથી.

દાદાશ્રી : ગુસ્સે તમે થાવ છોને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : પણ ભૂલ એ કરે અને તમે શું કરવા નબળા થાવ છો ? ભૂલ એ કરે ને નબળા તમે થાવ છો ?

પ્રશ્શનકર્તા : હા, પણ એની ભૂલને લીધે આપણે બધાએ સહન કરવું પડે.

દાદાશ્રી : ના, પણ નબળા શું કરવા થાવ છો તમે ? આપણે ગુસ્સે નહીં ભરાવું ને જોયા કરવાનું. એટલે એને મનમાં ભય લાગે કે આ જુઓને બોલતા નથી. કેવા સારા માણસ છે. આવો ધણી ફરી નહીં મળે. 'હે ભગવાન ! આવા આ ધણી સાત અવતાર સુધી આપજે.' કહે છે.

પ્રશ્શનકર્તા : પણ ભૂલ કાઢું એમાં એને દુઃખ કેમ થાય ?

દાદાશ્રી : પણ એ કહેવાની જરૂર શું હતી. તે એવું છેને આપણા લોકોએ આખું ઘર બધું ખરાબ કરી નાખેલું છે બધું આમ ઝઘડા કરીને.

પ્રશ્શનકર્તા : હા, પણ દુઃખ એ બધું ઘરમાં ના થવું જોઈએ. કોઈ રસ્તે જતા માણસને કહે તો એને દુઃખ થઈ જાય પણ ઘરમાં એવું દુઃખ ના થવું જોઈએ. ભૂલ કાઢો તો ધેર ઈઝ નથિંગ રોંગ ઇન ધેટ ! (એમાં કંઈ ખોટું નથી.)

દાદાશ્રી : ના. ભૂલ કઢાય જ નહીં. દુઃખ તો થાય જ હંમેશાં. ભૂલ કાઢવી એટલે દુઃખ થાય જ. એ કાઢવી જ નહીં. એનું અપમાન કર્યા બરાબર છે એ તો. એ તો એની પર તમને વેર છે એક જાતનું. અગર તો ધણીપણું બજાવો છો. હું છું ! આ મોટા ધણી આવ્યા !

પ્રશ્શનકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને. અને ના કાઢે તોય ખરાબ લાગે.

દાદાશ્રી : ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો એ કહેશે, કઢી ખારી થઈ તોય બોલ્યા નહીં ! ત્યારે કહીએ તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું. પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય, તો મોઢું બગાડે, કઢું ખારું થયું છે. મૂઆ, આ કઈ જાતના માણસો છે. આને ધણી તરીકે કેમ રખાય તે ! કાઢી મેલવો જોઈએ ધણીને તો ! આવા નબળા ધણીઓ ! અલ્યા, એ બઈ નથી સમજતી. તે તું વળી કહું છું ? માથાફોડ કરું છું ? એ તો એમને છાતીએ ઘા ના લાગે બળ્યું ! મનમાં કહેશે, આ કંઈ હું ન હતી સમજતી ? આ તો મને બાણ મારે છે મૂઓ. આ મૂઓ કાળમૂખો રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે. તો આપણા લોકો જાણી જોઈને આ ભૂલો કાઢે છે તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે ?

પ્રશ્શનકર્તા : વિચાર કરતા હોય તો તો વાંધો જ નથીને, નથી કરતા તેની જ આ મોંકાણ છે ને ?

દાદાશ્રી : ના, પણ એમ નહીં. વિચાર કરવામાં એટલો જ વિચાર કરવાનો છે કે જે ભૂલને એ જાણી શકે છે, એ સમજી શકે છે એ ભૂલ આપણે કાઢવાની શી જરૂર ? એમને સમજણ પડે, ખારી ના સમજણ પડે બેન, તમે ખાવ એટલે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એટલે પછી તમારે કહેવાની જરૂર નહીં.

સામો જાણે તે ભૂલ કેમ કઢાય?

ભૂલ કાઢ જે ઉપકાર મનાય !

પ્રશ્શનકર્તા : આવી ભૂલ કાઢીએ તો પછી એનાથી ફરીથી ભૂલ ના થાયને ?

દાદાશ્રી : ઓહોહો ! એટલે ઉપદેશનું કારણ થાય એટલા માટેને ! હં, તે ભૂલ કાઢવાનો વાંધો નથી, હું તમને શું કહું છું, ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો, કે તમે સારું થયું આ મને ભૂલ દેખાડી, મને તો ખબર જ નહીં. તે ઉપકાર માનો છો ? બેન, તું એમનો ઉપકાર માનું છું ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો પછી એનો અર્થ શું કાઢવાનો ? જે ભૂલ એ જાણતી હોય તેને તમારે કાઢવાનો અર્થ શું છે ? એને કાળમુખા કહે છે સ્ત્રીઓ, કે મૂઓ કાળમૂખો જ્યારે ત્યારે બોલીને ઊભો રહે છે. એ જે જાણતી હોય ભૂલ એ આપણાથી કઢાય નહીં. બીજું કંઈ પણ થયું હોય કે કઢી ખારી થઈ હોય પછી શાક બગડી ગયું હોય, તો એ ખાય તો એ જાણે કે ના જાણે ? માટે આપણે કહેવાની જરૂર ના હોય ! પણ ભૂલ એ ના જાણતી હોય, તે આપણે કહીએ તો એ ઉપકાર માને. બાકી એ જાણતી હોય તે ભૂલ કાઢવી એ તો ગુનો છે. આપણા લોકો ઇન્ડિયનો જ કાઢે છે.

પ્રશ્શનકર્તા : એવું હોય કે ભૂલ ખબર ના હોય અને આપણે કાઢીએ અને સામો ઉપકાર ના માને તો શું કરવું આપણે ?

દાદાશ્રી : ઉપકાર ના માને તોય વાંધો નહીં, પણ એને ઉપદેશ થશે ને ! ઉપદેશનું કારણ તો થાય ને. પેલું ઉપદેશનું કારણ નથી, પેલું તો ખાલી તેને છે તે એ થયા કરશે.

પ્રશ્શનકર્તા : એની ભૂલ કાઢે પણ એને એનું ખોટું લાગે તો કાઢવી કે નહીં ?

દાદાશ્રી : ખોટું લાગેને બધું. મનમાં એ રાહ જુએ કે ફરી એમની ક્યારે ભૂલ હું કાઢુ ! એવું ના હોવું જોઈએ. આપણી સુંદર લાઈફ હોવી જોઈએ. તમને કેમ લાગે છે. વાત તમને કંઈ વ્યાજબી લાગે છે ?

પ્રશ્શનકર્તા : ખરીને.

દાદાશ્રી : હવે જે એ ભૂલ જાણતી હોય એ ભૂલો ના કાઢશો હવે.

ચામાં ન ખાંડ, પી લે ચૂપચાપ,

કાં તો પ્રેમે માંગ, ન બન સાપ !

હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે જરા કોઈ દહાડો ખાંડ ભૂલી ગયા હોય તો હું પી જઉં અને તેય દાદાના નામથી. મહીં દાદાને કહું, ચાની મહીં ખાંડ નાખો સાહેબ. તે દાદા નાખી આલે ! એટલે ખાંડ વગરની ચા આવે તો પી જઈએ બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલો ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, ભઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપરકાબી લઈ જા. ત્યારે કહે, તમે ચા મોળી હતી તે ખાંડ માંગી નહીં ! મેં કહ્યું, 'હું શું કરવા કહું ?' તમને સમજણ પડે એવી વાત છે ?

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે ચામાં ખાંડ ના હોય, તો તમારે બૈરીને કશું કહેવું નહીં અને ચા પી લેવી. પણ હવે કોઈ આપણે ઘેર મહેમાન આવ્યું હોય અને એવી ચા બનાવે અને આપણે કશું કહીએ નહીં, તો મહેમાન કહેશે કે આની બૈરીને બનાવતા નથી આવડતું અને આ ધણી એની બૈરીને કહેતોય નથી !

દાદાશ્રી : પણ કહેવું હોય તો કો'કને ઘેર ગયા હોયને આપણે અને એમને કહીએ એવી રીતે કહેવું જોઈએ કે પ્લીઝ (મહેરબાની કરીને) જરા ખાંડ લાવજો, કહીએ. ત્યાં, તારામાં અક્કલ નથી અને ખાંડ નાખી નહીં ને ! એવું કહીએ તો શું થાય ? કહેવામાં વાંધો નથી. એટલે કહેવામાં રીત હોવી જોઈએ.

અને પોતે એકલા હોય તો પી લેવી. કારણ કે એમને પોતાને ખબર પડશેને. પછી આપણને કહે, મહીં ખાંડ ન હતી, ભૂલી ગઈ હતી, તોય તમે બોલ્યા નહીં ! ત્યારે કહે તમને ખબર પડશે ને, કંઈ મારે એકલાને ઓછું પીવાની છે. એ મારે કહેવું તેના કરતાં તમને અનુભવ થાય એ શું ખોટું છે ! એના કરતાં અમે શું કરીએ ? આપણે કહીએ, કે ચા ગળી છે, ચા ગળી છે. એટલે પીએ કે તરત ગળી લાગે. સાયકોલોજીકલ ઇફેક્ટ થાય. નહીં તો ગળી હોય તોય મોળી લાગે.

પણ પેલી ખાંડ વગરની ચા ગળામાંથી ઊતરે નહીં તો ? ના, ના ઊતરે તોય ઉતારી દઈએ. એટલું તપ ના કરીએ તો માણસ શેના આપણે ? એ તમે તપ કરોને, એથી બઈને પસ્તાવો થાય અને પસ્તાવો થાય એટલે બીજી વાર સરસ કરે અને ભૂલ ના કરે. અને જો ભૂલનો ગોદો મારશો તો ભૂલ કરશે. એ કહેશે, જાવ તમારે થાય એ કરજો હું કરવાની જ કહેશે, એવું થશે, અવળી ફરશે. એવું ના કરો. આ જીવન જીવતાં શીખો. આમ આને લાઈફ જ કેમ કહેવાય તે ! મતભેદ કેમ થાય ?

એક ભાઈને પૂછ્યું, ઘરમાં કોઈ દિવસ વાઈફની ભૂલ કાઢું છું ? ત્યારે કહે, એ છે ભૂલવાળી એટલે ભૂલ જ કાઢવી પડે ને ! મેં કહ્યું, અક્કલનો કોથળો આવ્યો આ ! વેચવા જઈએ તો ચાર આના બારદાનના આવે નહીં અને એ માની બેઠો કે આ વહુ ભૂલવાળી, લે ! એવું માની બેસે છે. કેવું ખોટું દેખાય ! આ તો ખોટી ખોટી ભૂલો કાઢીએ ને કહેશે તારામાં અક્કલ નથી ! તે રોજ બૂમો પાડે ! અક્કલ તો કોનું નામ કહેવાય, કે ભૂલ ક્યારે કાઢે, કે ખરેખર એ પોતે સમજતી ના હોય ત્યારે ભૂલ કાઢે, ને પેલી ઉપકાર માને તો એ અક્કલવાળો કહેવાય. એ જ કહેશે, બહુ સારું થયું. આ મને દેખાડી, નહીં તો હું આડે ને આડે રસ્તે ચાલી જાત. તમે સારું થયું મને શીખવાડ્યું. તો એ એડવાન્સ થાય. મૂઆ આ એ કઢીની બાબતમાં એડવાન્સ તું શું કરવાનો છું. તું જ થયો નહીંને, તારામાં બરકત તો છે નહીં !

પ્રેમે નહીં, મારે વહુને ગોદા,

ન તૂટે પ્રેમ, એવા કર સોદા !

બાકી ઘરમાં કોઈની ભૂલ નહીં કાઢવી. તમને કેમ લાગે છે વાત ?

પ્રશ્શનકર્તા : સરસ.

દાદાશ્રી : છતાં એ નથી જાણતા બધા લોકો ?

પ્રશ્શનકર્તા : ઘણા લોકોને ટેવ પડી હોય તો એમાં શું કરવાનું ?

દાદાશ્રી : ટેવ નહીં, આ તો ઉપરીપણું જોઈએ છે એને. એને ભૂલ કાઢવી છે જાણી જોઈને. હવે એ ખોટું કહેવાય. આ ફેમિલી ના કહેવાય. ફેમિલી એટલે પ્રેમમાં રહેવું જોઈએ. ડખો નહીં થવો જોઈએ, બેનને એવું ના થવું જોઈએ કે આ ખોટો ખોટો સુધારવા ફરે છે.

પ્રશ્શનકર્તા : પણ ધણીને થતું હોય તો ?

દાદાશ્રી : એ પછી એ રશિયા ને અમેરિકા જેવું થાય. આ અમેરિકા આમ કરે ત્યારે રશિયા આમ કરે, એટલે પછી સામસામી બેઉ લડે અને ફેમિલી લાઈફ ઊડી જાય આમાં, શોભે નહીં આપણને, થોડો થોડો ફેરફાર થવો જોઈએ. આપણે ઈન્ડિયન છીએ. વિચાર્યા પછી ફેરફાર ન કરીએ તો આપણે ઈન્ડિયન શેના ? ના સમજ પડી બેન તને ?

પ્રશ્શનકર્તા : હા, સમજી.

દાદાશ્રી : એટલે બેનોએ તમારે સમજવું કે જે ભૂલ ધણી સમજી શકતા હોય એ ભૂલ આપણે કાઢવી નહીં. જે ભૂલ બેનો સમજી શકતી હોય તે ધણીએ ભૂલ કાઢવી નહીં.

પ્રશ્શનકર્તા : ઘણા પોતાની ભૂલ સમજતા હોય, છતાં સુધરે નહીં તો ?

દાદાશ્રી : એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઊલટો. એ તો કો'ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે ? સામાસામી વાતચીતો કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજરોજ ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો ? ના ! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે ? આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય, કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે. ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય. તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે, સાચી વાત છે.

દાદાશ્રી : જાણી જોઈને ભૂલો દેખાડાતી હશે. જે એ જાણે છે એને શા માટે દેખાડવાનું. તને દેખાડે છે, બહુ દેખાડે છે કે.... ?

આ તો એને ગોદા મારીએ છીએ અને આપણું ધણીપણું બજાવીએ છીએ ! વહુને સાચવતા આવડી નહીં અને ધણી આવ્યા ! વહુને સાચવી ક્યારે કહેવાય કે વહુના મનમાં સહેજેય પ્રેમ ખૂટે નહીં. આ તો ગોદો મારે એટલે પ્રેમ તૂટે અને કહેશે કો'ક દહાડો મારી ભૂલ થાય તો એ બુમાબૂમ કરે છે, કહેશે. ભૂલ થાય કે ના થાય માણસની ? પણ આપણા લોકોને જાણી જોઈને આવી ધણીપણાની ટેવ પડેલી છે, ધણી થવાની ઇચ્છા છે અંદરખાનેથી તે, ભૂલ કેમ કરીને કાઢવી તે ! હવે આજથી તમને સમજાશે એ વાત ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એ તો ખોટું ગાંડપણ હતું ધણીપણું થવાનું. એટલે ધણીપણું ના બજાવવું જોઈએ. ધણીપણું તો એનું નામ કહેવાય કે સામો પ્રતિકાર ના થાય, ત્યારે જાણવું કે ધણીપણું છે. આ તો તરત પ્રતિકાર !

ભૂલ કાઢી દબાવે એ શો વીર ?

બધાની ભૂલો ઓઢે, અહો શૂર!

ઘરમાં તો સ્ત્રીને તો સહુ કોઈ કટ કટ કરે, એ વીરની નિશાની નથી. વીર તો કોણ કહેવાય કે સ્ત્રીને કે ઘરમાં છોકરાંને કોઈનેય હરકત ન થાય. છોકરું જરા આડુ બોલે પણ મા-બાપ બગડે નહીં ત્યારે ખરું કહેવાય. છોકરું તો બાળક કહેવાય. તમને કેમ લાગે છે, ન્યાય શું કહે છે ?

પ્રશ્શનકર્તા : હા. બરાબર છે. હવેથી એવું કરવું પડશે.

દાદાશ્રી : હા, હવે એવું કરવું.

પ્રશ્શનકર્તા : હું બીજાની ભૂલ કાઢું અને મારા છોકરાની કે વાઈફની કાઢું એમાં ઘણો ડિફરન્સ (ફેર) છે. કારણ કે, હું મારા છોકરાને ને વાઈફને ખૂબ પ્રેમ કરું છું. એટલે મને ગુસ્સો આવી જાય. જે બીજા ઉપર ના આવે, જમાઈ ઉપર ના આવે.

દાદાશ્રી : એ વાત બરાબર છે. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું કે, મા અગર બાપ છોકરા ઉપર ગુસ્સો કરે છે, તો એ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે ! બીજે બધેય ગુસ્સાનું ફળ પાપ હોય. સમજ પડીને ? તે આ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે કારણ કે એ ગુસ્સાનો આશય એ હોય કે એને કેમ કરીને સુધારવો !

કયા ગુણને માટે આપણે ટકોર કરવી પડે કે જેની એને સમજણ ના હોય, તે આપણે એને સમજણ આપવી જોઈએ. એને પોતાની સમજણ છે, તેને આપણે કહીએ એટલે એનો ઈગોઈઝમ ઘવાય પછી. અને પછી એ તમારે માટે લાગ જુએ, કે મારા લાગમાં આવવા દોને એક દહાડો. લાગની રાહ જુએ. તે આવું શા માટે કરવાની જરૂર ? એટલે એ જે જેમાં સમજી શકે એવું છે ત્યાં આગળ આપણે ટકોર મારવાની જરૂર ના હોય.

પેલીને ભૂલ દેખાડવા આમ ગોદો મારે પછી પેલીએ તૈયાર થઈ ગયેલી હોય, કે આ વખત આવે એટલે તમને એવો ગોદો મારીશ, તે ઊંચે-નીચે કરે. નહીં તો પછી એ સ્ત્રીય રાખે મનમાં કે તે દહાડે મને કહી ગયા હતાને આજ લાગમાં આવ્યા છે, પછી એય ઠોકે એટલે તીર મારામાર કરીને, એમાં સુખી ના થઈએ. એ બંધ કરવા જોઈએ. એક પાર્ટીએ બંધ કરવા જોઈએ. તે કઈ પાર્ટી બંધ કરી શકે કે પુરુષ પાસે એ શક્તિ છે, એને બંધ કરી દેવાની, એ પછી બંધ થઈ જશે. મેંય મહીં કૉલ્ડવૉર ચલાવ્યું, હું ત્રીસ વર્ષનો હતો ને ત્યાં સુધી ચલાવ્યું, ત્યાર પછી કૉલ્ડવૉર બંધ થઈ ગયું. કારણ કે સમજી વિચારીને બંધ કર્યું હતું. ત્યાર પછી 'આ' જ્ઞાન ઊભું થયું.

રાખે મોટું મન તે પુરુષ ખરો,

ભૂલ મારી કહી, સ્ત્રીનું મન હરો!

પ્રશ્શનકર્તા : દાદા વ્યવહારમાં મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલો કાઢે, વ્યૂ પોઈન્ટની અથડામણમાં, એ કેમ ?

દાદાશ્રી : આ તો એવું છે કે મોટો નાનાને ખઈ જાય. તે મોટો નાનાની ભૂલ કાઢે એના કરતાં આપણે કહીએ મારી જ ભૂલ. ભૂલ જો માથે લઈ લઈએ તો એનો ઉકેલ આવે. અમે શું કરીએ ? બીજો જો સહન ના કરી શકે તો અમે અમારે જ માથે લઈ લઈએ. બીજાની ભૂલો ના કાઢીએ. તે શા હારુ બીજાને આપીએ ? આપણી પાસે તો સાગર જેવડું પેટ છે. જુઓને, આ મુંબઈની બધી જ ગટરોનું પાણી સાગર સમાવે છેને ? તેમ આપણેય પી લેવાનું. તેથી શું થશે કે આ છોકરાંઓ ઉપર બીજા બધા ઉપર પ્રભાવ પડશે. એય શીખશે, બાળકોય સમજી જાય કે આમનું સાગર જેવું પેટ છે ! જેટલું આવે તેટલું જમે કરી લો. વ્યવહારમાં નિયમ છે કે અપમાન કરનાર પોતાની શક્તિ આપીને જાય. તેથી અપમાન લઈ લઈએ હસતે મુખે ! મન મોટું હોવું જોઈએ. બ્રોડ માઈન્ડેડ થવું જોઈએ.

પ્રશ્શનકર્તા : ચાર વખત બ્રોડ માઈન્ડ રાખું, પણ પછી પાંચમી ફેર ના રહે એવું થઈ જાય.

દાદાશ્રી : ના રહે, એવો કંટ્રોલ (કાબૂ) ના હોવો જોઈએ. કંન્ટ્રોલેબલ વોઈસ હોવો જોઈએ આપણો. કે ના કેમ રહે ? અને ના રહે તો પછી આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ, તો રહે. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગુ છું. હવે ફરી ન થાય એવી મને શક્તિ આપો કહીએ. વખતે આપણા કરતાં ઓછું ભણેલી હોય, અગર તો સ્ત્રી જાતિ છે, કંઈ ભૂલ થાય તો આપણે મોટું મન ના રાખવું જોઈએ ? પુરુષ મોટા મનવાળા હોય કે સ્ત્રી મોટા મનવાળી !

પ્રશ્શનકર્તા : પુરુષ.

દાદાશ્રી : હં, પુરુષે બહુ મોટું મન રાખવું જોઈએ.

વાઈફ તો કહે, તમે છો એવા તે કેરીઓ લાવતા આવડી નથી, ત્યારે કહેવું કે ભઈ ના આવડી ત્યારે તો આ ખાટી નીકળી. જો આવડી હોત તો મીઠી ના લાવત કહીએ ! એમ જરા નરમ બોલવામાં કંઈ આબરૂ ના જાય, શું કહ્યું ? પણ તે ઘડીએ ધણીપણું બજાવવા ફરે. એમાં આ તો રોજનું તોફાન ચાલ્યા કરે છે. એટલે આપણે જ મૂકી દઈએ, કે ભઈ આ ભૂલ તો થઈ, તમે કહી તે વાત સાચી છે પણ ભૂલ આપણી છે. એની નથી, બઈની નથી. બઈ તો કહી છૂટે આપણને કે તમને લાવતા ના આવડી, ત્યારે કે તમને સારું લાવતા આવડે છે. એ હું જાણું છું પણ આ ફેરે તો મને નહીં આવડે કહીએ. એમ કહેવામાં વાંધો શો છે આપણને ? સાહેબ જોડે બોલીએ કે ના બોલીએ, આપણા સાહેબ જોડે ?

પ્રશ્શનકર્તા : ના બોલીએ.

દાદાશ્રી : ત્યાં તો સાહેબ ખરાબ લાવે તોય સાહેબ તમે સારી લાવ્યા એમ કહીએ. તે આ અહીં બઈ પાસે શું વાંધો છે ? શું ? આપણા સાહેબ કરતાંય બઈ ગઈ ? કારણ કે સાહેબ દંડો ઉઠાવે. દંડ કરે કે આમ કેમ કર્યું ? એવો ભય નહીં રાખવો, સાહેબનો ભય નહીં રાખવો. ભય પોતાના ઘરના માણસોનો રાખવો, એમને દુઃખ ના થાય એવો ભય રાખવો જોઈએ. સાહેબનો ભય રાખવાનો શો અર્થ છે તે ! આપણે આપણું સારી રીતે કામ કરીએ, છતાં એ મનમાં કહેતાં હોય, હું ડિસમિસ કરવાનો છું, હું તો એમ કરવાનો છું તો આપણે હસ્યા કરીએ કે ભમરડો કૂદયા કરે છે. આપણો હિસાબ હશે તો જ ને ! આપણે સારી રીતે કામ કરીએ છીએ પછી એ શું છે તે ! અને એનું ડિસમિસનું શું ઠેકાણું ? કાલ સવારે એનો ઓર્ડર આવે કે ભઈ તમને ડિસમિસ કરવામાં આવે છે. એટલે કોઈ ગભરામણ, કોઈ સાહેબ જોડે કોઈ બીજી કોઈ ગભરામણ નહીં. છે તે રાજાથી કે ભગવાનથીય એ ભડકવું નહીં. આપણે સારી રીતે કાર્ય કરે જાવ અહીં કોઈ આપણો ઉપરી નથી બા. આપણો ઉપરી આપણી ભૂલો, આપણે ભૂલો કરીએ તો એ આપણને પકડે. ભૂલ જ ના કરીએ તો ? હવે બેન જોડે આપણે કહીએ, 'આ તને ક્યાં આવડે છે. તું ત્યારે શાક લાવી એટલે શું થયું.' હલદીઘાટ એટલે એ ઊલટું વધું ને વધું કેસ ચીક

ણું થયું. હવે આ વકીલો ખોળે, પછી આપણે વકીલો ખોળીએ. મહીં અંદરના, બહારના નહીં. અંદરના એ જ ઝઘડા વધતા જાયને પછી એ તેથી ઊંઘ ના આવે રાતે. એના કરતાં કહીએ હેં.... તારી વાત બહુ સાચી, આ તારે લીધે તો મને ખબર પડી કે આ સાલું ભૂલ થઈ એટલે પછી આપણે કહીએ, ચા-બાનું ઠેકાણું પડે છે ? હા, હમણે બનાવી આપીશું ખુશ થઈ જાય ને ! તો ચા મલે, દા'ડો સારો થાય, રાત સારી જાય, એમાં શું ખોટ ગઈ ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : અને આ તો તમે વહુ જોડે હઠે ચઢ્યા હોયને, તો સવાર સુધી છોડે નહીં ! વહુએ સમજી જાય અને પાછા પોતેય જાણે, આ હઠ પકડી છે પણ હવે છોડવી નથી. એવું પોતે હઉ જાણે. આપણી આબરૂ જાય કહેશે. મૂઆ આબરૂદાર તે શું આબરૂદાર !

પ્રશ્શનકર્તા : પણ એવું નીચું તો પોતાનું પાડે જ નહીંને પણ ! ધણી કંઈ પોતાની બૈરી આગળ નીચું પડવા દે ?

દાદાશ્રી : પણ નીચું પડવા દે તે જ ડાહ્યો કહેવાય. આ અમે તો કહી દેતા હતા, હીરાબાને કે અમારી ભૂલ થઈ હં... કે... બહુ ભૂલો થાય છે અમારી તો. ત્યારે કહે ના તમારી ભૂલ નથી થતી. ઊલટા આપણે કહીએ કે ભૂલ થઈ તો આ કહે નથી થતી અને આપણે કહીએ નથી ભૂલ થતી તો એ કહે તમારી થઈ છે. એટલે જાણી જોઈને વાઈફની જોડે છે તે સાચી વાત હોય તો પણ એને સાચી ઠરાવવા ફરીએ તો પછી એનું ફળ તો મળે કે ના મળે ? અને વાઈફનામાં આત્મા નથી રહેલો ?

પ્રશ્શનકર્તા : છે.

દાદાશ્રી : એટલે આપણે ન્યાય-નીતિ બધું જોવું પડે અને વખતે વાઈફ થોડો અન્યાય કરે તો આપણે લેટ-ગો કરવું પડે. કારણ કે એની જાગૃતિ ઓછી હોય પુરુષો કરતાં ! આપણે જાગૃતિવાળા માણસ એટલે નભાવી લેવું જોઈએ.

કટું આપે તે પી થા મહાદેવ!

જાતને જ વઢવાની પાડ ટેવ!

વધારે કડવું હોય તો આપણે એકલાએ પી જવું, પણ સ્ત્રીઓને કેમ પીવા દેવાય ? કારણ કે આફ્ટર ઑલ આપણે મહાદેવજી છીએ. ન હોય મહાદેવજી આપણે ? પુરુષો મહાદેવજી જેવા હોય. વધારે પડતું કડવું હોય તો કહીએ, 'તું તારી મેળે સૂઈ જા, હું પી જઈશ.' બેનોય મહીં સંસારમાં સહકાર નથી આપતી બિચારી ? પછી એની જોડે કેમ ડખલ થાય ? એને કંઈક દુઃખ અપાઈ ગયું હોય તો આપણે પશ્ચાતાપ કરવો જોઈએ ખાનગીમાં કે હવે નહીં દુઃખ આપું કહીએ. મારી ભૂલ થઈ આ.

ઘરમાં કયા પ્રકારનાં દુઃખો થાય છે, કયા પ્રકારના ઝઘડા થાય છે, કયા પ્રકારના મતભેદ થાય છે ? ે જો બન્ને જણ લખી લાવતા હોયને તો એને એક કલાકમાં જ બધાનો નીવેડો લાવી આપું. અણસમજણથી જ ઊભા થાય છે ? બીજું કશું નહીં. આ તને કેમ લાગે છે, આપણે ભૂલથી કરીએ છીએને, ખોટું જ કરીએ છીએને ?

પ્રશ્શનકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : તો એટલું આ ફેરફાર ના થાય ? આ મારું કહેવાનું છે. અને તમે લખીને આપો. આ સ્ત્રી કહે છે કે આવી રીતે એમની જોડે મારે ઝઘડા થાય છે, તો એ લખીને આપો તો એમને કહી આપું કે આમાં આ ખોટું છે, આ ખોટું છે.

આ ગ્લાસવૅર તૂટી ગયાં, બઈના હાથે સો ડૉલરનાં અને કકળાટ કરે એણે શો અર્થ છે ? મિનિંગલેસ ! એ બઈ તોડી નાખે ખરી, એક પ્યાલો ? એને જરા વિચારવું જોઈએ કે બઈ તોડી ના નાખે. તો એની પાછળ શું શું કારણો છે ? અમને પૂછો તો અમે તમને બતાવી દઈએ. તેથી આ બઈનોય ગુનો નથી ને તમારો ગુનો નથી. આ એનું કારણ આ પ્રમાણે છે. એટલે પછી તમારે ગુસ્સે થવાનું કંઈ કારણ જ નથી. એવું હરેક બાબત પૂછો તો બધી બાબત અમે તમને કહી દઈએ. તમારી ભૂલને લઈને લૂંટી ગયો એવું અમે તમને સમજાવીએ. એ બધું સમજવું જોઈએ બધું.

જો આજ તમારા ઘરના માણસો અહીં ના આવ્યા હોય તો તમે કહેજો કે દાદા આ પ્રમાણે કહે છે કે મારી ભૂલ મને સમજણ પડતી હોય એ ભૂલ તમે કહેશો નહીં અને તમારી ભૂલ તમને સમજણ પડતી હોય એ હુંય નહીં કહું. આપણે આટલું સમાધાન કરી નાખો કહીએ અને આ ડખલ જોઈએ નહીં હવે, કહીએ. પ્રેમમય જીવન જીવો કે છોકરા બધા ખુશ થઈ જાય, માટે આવું ન હોવું જોઈએ. જીવન તો જીવન હોવું જોઈએ !

હવે ઘેર છે તે ભાંજગડ નહીં થાય ને ? અને એ ભૂલ કાઢતા હોય તમારી, ત્યારે કહે આ તો હું જાણું છું. એ ભૂલ ના કાઢવાની દાદાએ કહી છેને, કહીએ. એવી સમજણ પાડવી. એટલે એને ચેતવવા, આ તો હું જાણું છું. એ ભૂલ ના કાઢશો !

ધણી જોડે એ કશું કરતી હોય ત્યારે કહીએ મહીંથી પોતાની જાતને કહીએ, 'શું કામ આમ કરે છે, આખી જિંદગી આવું ને આવું કર્યું, કહીએ. તારે તારી જાતને ઠપકો આપવાનો છે. સામાને ઠપકો આપીએ ને ત્યારે કલેશ થાય અને તમારે મહીંથી તમારી જાતને કહેવું, આમ શું કામ કરે છે.

બાકી, જુનાં કર્મને જોયા કરવાનાં. જોયા કરવાથી શું થાય, સ્ટડી થાય, કયું કયું ખરાબ ને કેવી રીતે થયું છે, ફરી નવેસરથી એમાં સુધારાય. મોક્ષનું કંઈ જ્ઞાન તો હોતું જ નથી પણ જો સંસારમાં રહેવું હોય, તો જૂનાં કર્મને સુધારવાં જોઈએ કે વાઈફ જોડે વગર કામનો ઉકાળો કર્યો, તે આ જ રસ-રોટલી હતી, તે મને કઢી ભાવી નહીં અને આ બધું બગડ્યું. એટલે એમાંથી અનુભવ શીખીને અને પછી બીજે દહાડે નક્કી કરવું જોઈએ કે ફરી આવું કરવું નથી. ભૂલો તો થયા જ કરવાની, ભૂલ તો બન્નેની થાય ને ! કોની ભૂલ ના થાય ?

પ્રશ્શનકર્તા : ભૂલ તો બધાની થાય.

દાદાશ્રી : ભૂલો કાઢવાની જ ના હોય. ભૂલ હંમેશાં ઘરમાં કોઈની ભૂલ ના કાઢવાની હોય. ભૂલ કાઢવી હોય તો ઓફિસમાં બોસની કાઢવી, જતાં આવતાં અહીં ઊભો રહ્યો હોય તો કહીએ કે આમ કેમ ઉભો રહ્યો છું, શોખ હોય તો. ભૂલ બોસની કાઢે તો શું થાય ? તે આપણા લોક તો ત્યાં સીધા રહે. અહીં પાંસરો રહે નહીં !

ઘરની વાત ઘરમાં જ રહે,

નહીં તો જગ જંગલી કહે?

ફેમિલી એટલે શું ? ફેમિલીમાં જરાય કલેશ ના હોય એનું નામ ફેમિલી કહેવાય અને આપણા હિન્દુઓ તો બધા ફેમિલીમાં જ કચ્ચરઘાણ વાળી દે છે. ફેમિલી એટલે ફેમિલી, એમાં કોઈ માણસ કોઈની કશી ભૂલ ના કાઢે.

આપણા ઘરની વાત ઘરમાં રહે એવું ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા ડૉલર આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા. એટલે આ ઝઘડા બધા ઊભા થાય છે આ ગાંડપણનાં, મેડનેસ છે ખાલી ! થોડું વાઈલ્ડપણું કહેવાય. એ ના હોવું જોઈએ. આપણને શોભે નહીં. કેટલા સંસ્કારી મા-બાપના દીકરાઓ તમે. સંસ્કારી દેશના આર્ય પ્રદેશના. આપણને આ શોભે નહીં. અને જે ભૂલ ના જાણતા હોય તે આપણે કહેવી જોઈએ કે આ રીતે આ ન થવું જોઈએ. એટલે ઘણું ખરું આ ઝઘડા બધા બંધ થઈ જાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12