ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12


(૩)
પતિ-પત્નીમાં મતભેદ !

ક્યારેક દિવાળી ને વળી હોળી,

દરરોજ હોળી એ કેવી ટોળી !

આપણે તો મૂળ ક્રોધ-માન-માયા-લોભ જાય, મતભેદ ઓછાં થાય એવું જોઈએ. આપણે અહીં પૂર્ણતા કરવાની છે. પ્રકાશ કરવાનો છે. અહીં ક્યાં સુધી અંધારામાં રહેવું ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાઓ, મતભેદ જોયેલા તમે ?

પ્રશ્શનકર્તા : ઘણા.

દાદાશ્રી : ક્યાં કોર્ટમાં ?

પ્રશ્શનકર્તા : ઘરે, કોર્ટમાં, બધે ઠેકાણે.

દાદાશ્રી : ઘરમાં તો શું હોય ? ઘરમાં તો તમે ત્રણ જણ, ત્યાં મતભેદ શાના ? નથી બેબીઓ બે-ચાર કે પાંચ, એવું તેવું તો કશું છે નહીં. તમે ત્રણ જણ એમાં મતભેદ શાના ?

પ્રશ્શનકર્તા : ના, પણ ત્રણ જણમાં જ ઘણા મતભેદ છે.

દાદાશ્રી : આ ત્રણમાં જ ? એમ !

પ્રશ્શનકર્તા : જો કોન્ફ્લીક્ટ ના થાય જિંદગીમાં, તો જિંદગીની મજા ના આવે !!

દાદાશ્રી : ઓહોહો ! મજા તેથી આવે છે ? તો તો પછી રોજ જ કરવાનું રાખો ને ! આ કોણે શોધખોળ કરી છે ? કયા ફળદ્રુપ ભેજાએ શોધખોળ કરી છે ? તો પછી રોજ મતભેદ કરવા જોઈએ. કોન્ફ્લીક્ટની મજા લેવી હોય તો.

પ્રશ્શનકર્તા : એ તો ના ગમે.

દાદાશ્રી : આ તો પોતાની જાતનું રક્ષણ કર્યું છે માણસોએ !

મતભેદ સસ્તો થાય કે મોંઘો ? થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં ?

પ્રશ્શનકર્તા : થોડા પ્રમાણમાં થાય અને વધારે પ્રમાણમાંય થાય.

દાદાશ્રી : કોઈક ફેરો દિવાળી અને કોઈ દહાડો હોળી, મજા આવે છે એમાં ? કે મજા મારી જાય છે ?

પ્રશ્શનકર્તા : મજા મારી જાય છે.

દાદાશ્રી : તો આવું મજા મારી જાયને ! ઘરમાં તો ધણી ને સ્ત્રી બન્ને હોયને. પણ મજા મારી જાય તો એ ધણી શેના તે ? ધણી ને સ્ત્રી બેઉ જુદા જુદા ગામમાં રહેતા હોય તો મજા મારી જાય. પણ જોડે રહેતા હોય ને મજા મારી જાય, એ કેવું ?

પ્રશ્શનકર્તા : કોઈક વખત થાય એવું. સંસારી જીવન છે એટલે થાય.

દાદાશ્રી : એટલે આ દિવાળીનો દહાડો એક જ દહાડો આવે છે એવુંને આખા વર્ષમાં ? તો તો ઉજવણી કરવી જોઈએ !

પ્રશ્શનકર્તા : દરેકને ઘેર રોજેય થાય ને એવું ?

દાદાશ્રી : કોને ઘેર નથી થતું, કોઈ આંગળી ઊંચી કરો જોઈએ ! આ બેન ખરું કહે છે, મજા મારી જાય છે. જીવન શાંત અને ડહાપણવાળું જીવન જોઈએ. બેન હાથ ઊંચો નથી કરવા દેતી. તમારે કરવો હોય તોય નથી કરવા દેતી.

પ્રશ્શનકર્તા : ગુના બહુ મોટા એટલે હજી કેસ ચાલ્યા કરે છે.

દાદાશ્રી : તમારે તો કોઈક દહાડેય ડખો થઈ જતો હશેને ? ડખો થઈ જાયને, મતભેદ ?

પ્રશ્શનકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે.

દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. સંસાર ચક્ર એવું છે, એમ બહાનું કાઢે છે. પણ એમ નથી કહેતો કે મારી નબળાઈ છે.

પ્રશ્શનકર્તા : નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છેને.

દાદાશ્રી : હા બસ, એટલે લોકો સંસારનું ચક્ર કહી અને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે ? કે જ્યાં સુધી મને ઓળખશો નહીં. ત્યાં સુધી હું જવાની નથી. સંસાર કશોય અડતો નથી. સંસાર નિરપેક્ષ છે. સાપેક્ષેય છે અને નિરપેક્ષય છે. એ આપણે આમ કરીએ તો આમ. ને આમ નહીં કરે તો કશુંય નહીં, કશું લેવા દેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે.

પ્રશ્શનકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે, એ તો સંસાર છેને ?

દાદાશ્રી : આપણા લોકો તો બસ, રોજ વઢવાડ થાય છેને, તોય કહે છે પણ એ તો ચાલ્યા કરે. અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. શાથી થાય છે ? શાથી થાય છે ? કેમ આવું બોલે છે, શું થાય છે ? તેની તપાસ કરવી પડે.

મતભેદોનું સરવૈયું કાઢ્યું ?

કલેશથી જાનવર ગતિ બાંધ્યું!

ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ?

પ્રશ્શનકર્તા : મતભેદની કોઈ દવા નથી.

દાદાશ્રી : હેં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં. બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા થઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાંય ઘા રૂઝાતો નથી. સવારમાંય ચાનો કપ મુકતી વખતે આમ તણછો મારે. તમેય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે.

પ્રશ્શનકર્તા : બીજી તો શું દવા ? શાંત રહેવાનું !

દાદાશ્રી : ક્યાં સુધી શાંત રહો, એ મતભેદ મટાડે નહીં ત્યાં સુધી?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : એ તો ફરી ઊભો થવાનો પાછો. જ્યાં મતભેદ ઊભા થતા હોય અને જ્યાં ભયવાળી જગ્યા હોય ત્યાં રહેવાય જ કેમ કરીને ?

પ્રશ્શનકર્તા : તો શું કરવાનું ?

દાદાશ્રી : તો જવું ક્યાં ? એટલે મતભેદ રહિત થઈ જવું ત્યારે સિક્યોરિટી (સલામતી) થઈ.

શી બાબતમાં ઘેર મતભેદ પડે ?

પ્રશ્શનકર્તા : બે માણસ જુદા હોય, એટલે કંઈને કંઈ તો મતભેદ પડે જ.

દાદાશ્રી : ના, અમારે મતભેદ નથી પડતા કોઈની સાથે.

પ્રશ્શનકર્તા : પણ અમારે તો મતભેદ જોરદાર પડે છે.

દાદાશ્રી : એવું ના રાખવું જોઈએ, આપણે સમું કરવું જોઈએને. રીપેર કરી નાખવું જોઈએ.

પ્રશ્શનકર્તા : હા, રીપેર પણ દરરોજ થાય છે, થોડું થોડું.

દાદાશ્રી : પણ રોજ રોજ એ ઘા પડેલો રહે બળ્યું. ઘા જાય નહીં ને, ઘા પડેલો તો રહેને ! ગોબા પડેલા હોય, માટે ગોબા જ ના પડવા દેવા. કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોયને, તે આપણું ઘૈડપણ આવે ત્યારે બૈરી પાછી ગોબા પાડે આપણને. અત્યારે તો મનમાં કહે, કે જોરદાર છે ભઈ, એટલે થોડોક વખત ચાલવા દેશે. પછી એનો વારો આવે ત્યારે આપણને સમજાઈ દેશે. એના કરતાં વેપાર એવો રાખવો કે એ આપણને પ્રેમ કરે, આપણે એમને પ્રેમ કરીએ. ભૂલચૂક તો બધાની થાય જ ને. ભૂલચૂક ન થાય ? ભૂલચૂક થાય એમાં મતભેદ કરીને શું કામ છે, મતભેદ પાડવો હોય તો જબરા જોડે જઈને વઢવું એટલે આપણને તરત હાજર જવાબ મલી જાય, અહીંયાં હાજર જવાબ જ ન મલે કોઈ દહાડો. એટલે બેઉ જણા સમજી લેજો. આવા મતભેદ ના પાડશો. જે કોઈ મતભેદ પાડે તેને આપણે કહેવું કે દાદાજી શું કહેતા હતા, આવું શા હારૂ બગાડો છો ?

પ્રશ્શનકર્તા : વિચારોનો મતભેદ મેઈન હોય. આચાર-વિચારમાં ફરક પડી શકે ને ?

દાદાશ્રી : તે મતભેદથી શું પછી ફાયદો નીકળે એનું સરવૈયું ?

પ્રશ્શનકર્તા : બેની સમજણમાં ફેર હોય તો મતભેદ થાય.

દાદાશ્રી : એમ ! પણ ધીમે ધીમે મતભેદ કાઢી નાખવો છેને ? મતભેદો ના થાય એવો કરો છો પ્રયત્ન ?

પ્રશ્શનકર્તા : સમજવાની કોશિશ કરીએ.

દાદાશ્રી : આખી રાત વિચાર્યા કરો, સમજવાનું ?

પ્રશ્શનકર્તા : એટલી વાર ના લાગે.

દાદાશ્રી : ત્યારે કેટલી વાર ? સમજવાની કોશિશ કરી હોય તે ફરી વાર ઘરમાં પડે નહીં મતભેદ ફરી પડતો નથીને પછી ?

પ્રશ્શનકર્તા : એ વસ્તુમાં પછી ફરી મતભેદ ના પડે.

દાદાશ્રી : હા, પણ ફરી પાછું એના માટે પડે જ છે. ફરી એક વખત નહીં, પછી તો પચ્ચીસ વખત પડે છે.

પ્રશ્શનકર્તા : એ મતભેદ પડે છે પછી, પણ એ જ વસ્તુ માટે નહીં.

દાદાશ્રી : ત્યારે ? ફરી એની એ જ વસ્તુ માટે થયા કરે. કપ-રકાબી પડી ગયાં નોકરના હાથથી, એટલે બેન કહેશે કે એનાં હાથથી બિચારાના પડી ગયાં, તમે શું કરવા અકળાવ છો ? ત્યારે તમે કહો કે, ના આટલું બધું નુકસાન થયું અને પછી તમે વિચારીને પાછા મતભેદને કાઢી નાખો. પાછા ફરી પડે ત્યારે પાછું આવું જ થાય. એટલે આમાં કશું વિચારતાં આવડતું જ નથી ને. વિચાર તો એનું નામ કહેવાય કે ફરી મતભેદ પડે નહીં. સોલિડ (નક્કર) કામ થાય. આ તો કોઈ કામ થતું નથીને, અહીં જ ભમ્યા કરો છો. ગોળ ગોળ ફરે એ કેટલા માઈલ ચાલે ? એનો એન્ડ (અંત) આવે ખરો ?

પ્રશ્શનકર્તા : ગોળ ગોળ ફરો તો એનો એન્ડ (અંત) ના આવે.

દાદાશ્રી : ત્યારે એવું જ છે આ બધું, ગોળ ગોળ ફર્યા કરે છે, બિચારા, મનુષ્યમાત્ર બધાય ભટક, ભટક, ભટક, ભટક, ભટક કર્યા કરે છે અને પાછું ફરી મનુષ્યપણું મળશે કે નહીં એનું ઠેકાણું નથી પાછું. માટે મનુષ્યમાં આવે ત્યારે આવું ખાવાપીવા ને મોજ-મજા હોય, પછી પેલા ખરાબ વિચારો થવાથી પાછા જાનવરમાં જાય પાછા.

એટલે સમજવું જોઈએ કે આ શું છે - શું નથી ? આ જગત કેવી રીતે બન્યું ? શી રીતે ચાલે છે ? આપણે કોણ છીએ ? આપણે શા માટે છીએ ? આપણે શું કરવાનું છે ? એ જાણવાનું છે, એ જાણવું જોઈએ બધું.

સહુ સુખ છે છતાં દુઃખ શાનું?

મત જુદો બાંધ્યો ને ઝાલ્યો તેનું.

તારે શાનું દુઃખ છે, પૈસાનું દુઃખ છે કે ધણી સારો નથી કે છોકરાં સારાં નથી ?

પ્રશ્શનકર્તા : બધું સારું છે, મતનું જ દુઃખ છે.

દાદાશ્રી : મતનું દુઃખ છે ને ! એ મત મને સોંપી દે ને, તારા મત મને અહીં સોંપી દે.

પ્રશ્શનકર્તા : આપી દીધા દાદા.

દાદાશ્રી : હં... સોંપી દે ને !

પ્રશ્શનકર્તા : લઈ લો તમે. એટલે મત જ નહીં રાખવો ?

દાદાશ્રી : મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ?

પ્રશ્શનકર્તા : રખાય નહીં, પણ રહે.

દાદાશ્રી : તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી, શાદી કરી તો એક થઈ જાવ.

પ્રશ્શનકર્તા : મત ના રાખીએ તો દુનિયામાં આપણને ગાંડા ગણે. બુદ્ધિ ઓછી છે એવું કહે.

દાદાશ્રી : ભલે ગાંડા કહે, દુનિયા ગમે તે કહે, પણ આપણે ઘેર તો શાંતિ રહે. દુનિયાને તો એમ કરીને ઝગડા કરાવવા છે. મત રખાવડાવા છે. ગાંડા કહે, નહીં ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : બીજા ગાંડા હશે નહીં આ દુનિયામાં ? આખું વર્લ્ડ મેન્ટલ હૉસ્પિટલ જ છે.

મતભેદ પડે એટલે બહુ મજા આવે, નહીં ? તે ઘડીએ ? પછી જાણે નાસ્તો કર્યો હોય એવું લાગે ! કે ના ગમે ? તું કહેતી નથી, બોલતી નથી કંઈ ?

પ્રશ્શનકર્તા : મતભેદ કોઈને ના ગમે.

દાદાશ્રી : તો પછી બંધ કરી દેવા જોઈએ. એવું છે, એમાં સરકારનો અધિકાર નથી, આપણી પર દબાણ નથી. જો સરકારનું દબાણ હોય તો ના જાય, પણ આ તો આપણે આપણી પોતાની મેળે કાઢી નાખવાના છે. એટલે બંધ કરી દેવા એને. ના ગમતા હોય તો બંધ કરી દેવામાં વાંધો શો છે ? ક્યારે બંધ કરી દેશો હવે ?

પ્રશ્શનકર્તા : એમને જ પૂછો.

દાદાશ્રી : હા.

પ્રશ્શનકર્તા : અહીંયાં જ પહેલાં મતભેદ થઈ ગયા. હું કરું કે એ બંધ કરે ?

દાદાશ્રી : હા. એટલે મતભેદ કરીને શું કામ છે, આપણે ભેગું રહેવું, વહેંચવું નથી, વહેંચવું હોય તો વહેંચી નાખો આ ડૉલર કે ભઈ, આટલા ડૉલર તમારા ને આટલા ડૉલર મારા, પણ મતભેદ ના કરવા.

પ્રશ્શનકર્તા : મતભેદ વગર તો જીવન અશક્ય જ હોય.

દાદાશ્રી : એવું આપણે તો અશક્ય કેમ કહેવાય તે ? કોઈને મતભેદ નાય પણ હોય.

પ્રશ્શનકર્તા : અપવાદ નથી માન્યામાં આવતું.

દાદાશ્રી : તમને (મહાત્માઓને) મતભેદ છે ? કોઈ જાતનો નહીં ? આમને મતભેદ નહીં હોય ? મતભેદ નથી કહે છે. વાત ખરી કહે છે. તમને માન્યામાં આવે ?

પ્રશ્શનકર્તા : નિકાલી મતભેદ હોય. નિકાલી.

દાદાશ્રી : પણ એને મતભેદ જ ના કહેવાયને, નિકાલી એ વસ્તુ મતભેદ જ ના કહેવાય. તેં મતભેદ જોયેલો. અહીં સત્સંગમાં આવ્યા ત્યારથી ?

પ્રશ્શનકર્તા : નથી જોયો.

દાદાશ્રી : મેંય નથી જોયો આટલા વર્ષોમાં, કોઈ થોડોકેય મતભેદ પડ્યો હોય એવું ! મતભેદ પડે તો કામનું જ શું લાઈફમાં ?

જે ભાવતાં ભોજન જમાડે,

તેને ટેબલ પર જ રંજાડે (!)

તે પાછા મતભેદ ક્યારે કરે ? એય ટેબલ ઉપર જમવા બેસે તે ઘડીએ ટેબલ ખખડાવે. અલ્યા, મૂઆ, જંપીને ખાધા પછી મતભેદ પાડ. ત્યાં તો પ્યાલો પાડી દે. જમ્યા પહેલાં પાડી દે તો જમવાની મજા આવે, નહીં ? બહુ સરસ મજા આવે ? કેમ બોલતા નથી ?

પ્રશ્શનકર્તા : સાંભળું છું, મને સાંભળવામાં મજા આવે છે.

દાદાશ્રી : બરાબર, એટલે મતભેદ શાને માટે પાડવાના આપણે ? ટેબલ ઉપર જમવાનું બધું બગડે. એના કરતાં આપણે કહીએ કે તમારી વાત કરેક્ટ છે. આપણે એકવાર પીરસી દો, કહીએ. કરેક્ટ કહીએ તો ભાવેય ખરું પણ તોય વાતને ના છોડે. અહંકાર છેને તે ઊંધું બોલે !

એટલે મોજ-બોજ કરજો. તમે જેઠ મહિને આવે તો કેરીઓ ખાઈને, રસ બરોબર પી લઈને સૂઈ જજો. આમ પેટ ના બાળશો ને હૈયું ના બાળશો. શેના હારુ હૈયાં બાળો છો તે ? આપણુંય ના બાળવું ને કોઈનુંય ના બાળવું. આ તો લોકોનાં હૈયાં બાળ્યાં ને પોતાનાંય બાળ્યાં.

બધું જ તૈયાર છે, પણ ભોગવતાં આવડતું નથી, ભોગવવાની રીત આવડતી નથી. મુંબઈના શેઠિયાઓ મોટાં ટેબલ પર જમવા બેસે છે, પણ જમી રહ્યા પછી તમે આમ કર્યું, તમે તેમ કર્યું, મારું હૈયું તું બાળબાળ કરે છે વગર કામની ! અરે વગર કામનું તો કોઈ બાળતું હશે ? કાયદેસર બાળે છે, ગેરકાયદેસર કોઈ બાળતું જ નથી. આ લાકડાંને લોકો બાળે છે, પણ લાકડાના કબાટને કોઈ બાળે છે ? જે બાળવાનું હોય તેને જ બાળે છે. આમ આક્ષેપો આપે છે. આ તો ભાન જ નથી. મનુષ્યપણું બેભાન થઈ ગયું છે, નહીં તો ઘરમાં તે આક્ષેપો અપાતા હશે ? પહેલાંના વખતમાં ઘરમાં માણસો એકબીજાને આક્ષેપો આપે જ નહીં. અરે, આપવાનો થાય તોય ના આપે. મનમાં એમ જાણે કે આક્ષેપ આપીશ તો સામાને દુઃખ થશે અને કળિયુગમાં તો લાગમાં લેવા ફરે. આ કંઈ માણસાઈ કહેવાતી હશે ? ઘર એકલું ચોખ્ખું રાખે તો સારું ને ?

પ્રશ્શનકર્તા : બહારેય પડે છે.

દાદાશ્રી : પણ ઘરમાં ક્લીયર રાખીએ તો શું ખોટું ?

પ્રશ્શનકર્તા : બહારેય પડે ને ઘરમાંય પડે, પણ બહાર તો શું કરે ?

દાદાશ્રી : બહારના લોકો કંઈ જલેબી ખવડાવતા નથી. આ ઘરમાં જ જલેબી ખવડાવે છે. આ ચા પાણી બધું આપે, તે ઘરમાં તો કશું મતભેદ નહીં કરવાનો.

પ્રશ્શનકર્તા : બહાર મતભેદ પડે, તો બહાર કંઈ થોડું ઝઘડાય છે ? આ ઘરે આવીને તો ઝઘડાય ખરું !

દાદાશ્રી : પણ આ જે આપણી ઉપર ઉપકાર કરે ખાવાને માટે તૈયાર બધું કરી આપે. તેની ઉપર ઝઘડવાનું ? અમારે આખી જિંદગી વાઈફ જોડે એક મતભેદ નહીં પડેલો !

એકાગ્રતા તો એવી હોવી જોઈએ કે ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં વઢવાડ કરતાં એકાગ્રતા ના તૂટે. આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ ના હોય. શરીરની મહીં મતભેદ ના હોવા જોઈએ. હિન્દુસ્તાનના મતભેદોને કાઢવા ફરે છે લોકો. પહેલાં આપણે મહીં મતભેદ ના હોવો જોઈએ. અને મહીં મતભેદ થયો એટલે ગોટાળો. પછી ટેન્શન થાય, પછી કોમ્પ્રેશન આવે. કોમ્પ્રેશન આવે ને ?

પ્રશ્શનકર્તા : અંદરનો મતભેદ એટલે શું, દાખલો આપીને સમજાવો.

દાદાશ્રી : હવે તમે કોઈને બોલાવતા હોય, કો'કને દેખ્યા એટલે કહેશે. આવો આવો, તો મહીં કહેશે આ નાલાયકને શું કામ છે તે ! મહીં પાછા એવું બોલે. એ તૃતિયમ્ બોલે. એવું કોઈ વખત બને ખરું ?

પ્રશ્શનકર્તા : કો'ક વખત શું, લગભગ બધી વખત બને.

દાદાશ્રી : રોજ ?

પ્રશ્શનકર્તા : ભૂલમાં બોલાવી દીધા પછી થઈ જાયને કે આમને કંઈ બેસાડ્યા !

દાદાશ્રી : એટલે આ મતભેદ ઠેરઠેર ઘરમાં, મહીં અંદર ઝઘડા મતભેદ હોય. આ તો હમણે આ જ્ઞાન આપ્યા પછી ઓછા થયા. નહીં તો પહેલાં તો આખો દહાડોય ઝઘડા ચાલ્યા કરતાં મહીં તોફાન. એ કહેશે, અલ્યા મેં તારું શું બગાડ્યું છે. તમે ઘરમાં વઢો છો બધાં. ત્યારે બીજો કહે તમે શું બગાડ્યું છે તમે જાણતા નથી ? એટલે આ જીવન જીવતાંય ના આવડ્યું ! અકળામણથી જીવો છો ! એકલો મૂઓ છું ? ત્યારે કહે, ના પૈણેલો છું. ત્યારે મૂઆ વાઈફ છે તોય તારી અકળામણ ના મટી ! અકળામણ ના જવી જોઈએ ? આ બધું મેં વિચારી નાખેલું. લોકોએ ના વિચારવું જોઈએ આવું બધું ? બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમ અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તોય સારું. પણ ત્યાંય 'વાઈફ' જોડે લઠ્ઠાબાજી ઉડાડે !

બે વાસણ ખખડે જ, કહે,

વાસણ છે કે માણસ તું, અરે!

પ્રશ્શનકર્તા : બે તપેલાં હોય તો રણકાર થાય ને પછી શમી જાય.

દાદાશ્રી : રણકાર થાય તો મજા આવે ખરી ? છાંટોય અક્કલ નથી એવું હઉ બોલે.

પ્રશ્શનકર્તા : એ તો પાછું બીજુંય બોલેને કે તમારા સિવાય મને બીજું કોઈ ગમતું જ નથી.

દાદાશ્રી : હા, એવુંય બોલે !

પ્રશ્શનકર્તા : પણ વાસણ ઘરમાં ખખડે જ ને ?

દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાંસૂતાંય સ્પંદનો કર્યા કરે કે 'આ તો આવા છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે !' અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે ! મેર ચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય ? આ 'દાદા'ને કોઈએ એક દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નુંય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઈ કો'કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણ વાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબૂચક થઈને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઈશું ઓફિસે. શું ખોટું ? ચાનોય કંઈ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે 'વ્યવસ્થિત' ! એનો ટાઈમ થશે એટલે ચા મળશે. તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો ચા આવીને ઊભી રહેશે. અને સ્પંદન ઊભાં કરશો તોય એ આવશે. પણ સ્પંદનોથી પાછા વાઈફના ચોપડામાં હિસાબ જમે

થશે કે તમે તે દહાડે ટેબલ ઠોકતા હતા ને !

મતભેદ કરવાની જરૂર નથી, મતભેદથી કંઈ ફાયદો થયો ? મતભેદ ક્યારે કરીએ, કે મતભેદ કરી રહ્યા પછી ફરી મતભેદ ન કરવો પડે તો મતભેદ કરવો જોઈએ. એ ચોથા દહાડે પાછો કકળાટ કરવો હોય તો, કકળાટ, કકળાટ, કકળાટ કર્યા જ કરે છે એટલે કકળાટ કરો છો કે મતભેદ કરો છો ? મતભેદ તો ફરી ના કરવો પડે. એક ફેરો મતભેદ થઈ ગયો, પણ એ સુધારી લે અને આપણેય સુધારી લઈએ. આ તો ત્રીજે દહાડે પાછો હતું તેનું તે ! કંઈ વિચારવા જેવું નથી લાગતું તમને ? આ તો આ વિચારોને, સારા માણસ થઈને કેવું કરો છો ! હજી સુધારી શકાય એવું છે. હજુ કંઈ બગડી ગયું નથી. તદ્દન બગડી ગયું હોત તો તો આપણે કહીએ કે ભઈ, ઉખેડી નાખો હવે બધું, ફરી નવેસરથી વાવો. હજુ ડિમોલિશન કરવા જેવું નથી, હજુ તો સારું છે. રીપેર કરવાની જરૂર છે. ઓવરહોલ કહે છેને ! ઓવરહોલ કરવાની જરૂર છે. બીજું કશું નહીં. કેવા સારા માણસ અને આપણે મતભેદ ક્યાં થાય ? આવતી સાલ હું આવું ત્યારે મતભેદનું ભૂત કાઢી નાખો !

પ્રશ્શનકર્તા : ઝઘડાના મતભેદ નથી.

દાદાશ્રી : મતભેદે નહીં ને કશુંય નહીં રાખવાનું !

પ્રશ્શનકર્તા : આમાં સામાન્ય રીતે ઝઘડાના મતભેદો હોતા નથી.

દાદાશ્રી : ઝઘડા હોય તો સારા, તે એનો નિવેડો આવી જાય. આ તો કાયમ કચ, કચ, કચ, કચ ! ઝઘડાનો મતભેદ સારો કે એકબીજાથી છૂટા પડી ગયા એટલે નિકાલ થઈ ગયો. પણ આ તો કાયમ કચ, કચ તે ઘર બગડી જાય.

પતિ-પત્ની કે' હું તારો - હું તારી,

તરત પાછા ઝઘડે, ઓત્તારી !

ઘરમાં વાઈફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરાં જોડે મતભેદ ઊભો થાય તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગૂંચાયા કરે.

પ્રશ્શનકર્તા : ધણી તો એમ જ કહેને, કે 'વાઈફ' સમાધાન કરે, હું નહીં કરું !

દાદાશ્રી : હંઅ, એટલે 'લિમિટ' પૂરી થઈ ગઈ. 'વાઈફ' સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી 'લિમિટ' થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે 'વાઈફ' રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું.

આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું' પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર 'પ્રોબ્લેમ' વધે તેમ જુદું થતું જાય. 'પ્રોબ્લેમ' 'સોલ્વ' થઈ જાય પછી જુદું ના થાય. જુદાઈથી દુઃખ છે. અને બધાંને 'પ્રોબ્લેમ' ઊભા થવાના, તમારે એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી તેને 'પ્રોબ્લેમ' ઊભા થયા વગર રહે નહીં.

વહુની જોડે મતભેદ પડતો હોય મૂઆ ! જેની જોડે.... ડબલ બેડ હોય છે કે એક પથારી હોય છે ?

પ્રશ્શનકર્તા : ના, માફ કરજો. એક જ હોય છે.

દાદાશ્રી : તો પછી એની જોડે આ ઝઘડા થાય તો રાતે લાત મારે ત્યારે શું કરીએ ?

પ્રશ્શનકર્તા : નીચે.

દાદાશ્રી : તો એની જોડે એકતા રાખવાની. 'વાઈફ' જોડે પણ મતભેદ થાય ત્યાંય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે, એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે તમે ?

પ્રશ્શનકર્તા : આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.

દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા !

વાતચીત કરો, કરોને ! કંઈ ખુલાસા થશે આમાં. આ તો જોગ બેઠો છે તે ભેગા થયા, નહીં તો ભેગા થવાય નહીં, આ તો !! એટલે કશી વાતચીત કરોને ! એમાં વાંધો શો ? આપણે બધા એક જ છીએ. તમને જુદાઈ લાગે છે આ બધી, કારણ કે ભેદબુદ્ધિથી માણસને જુદું લાગે. બાકી બધું છે એક જ. માણસને ભેદબુદ્ધિ હોયને ! વાઈફ જોડે તો ભેદબુદ્ધિ નથી હોતીને ?

પ્રશ્શનકર્તા : હા, એ જ થઈ જાય છે.

દાદાશ્રી : આ વાઈફની જોડે ભેદ કોણ પાડે છે ? બુદ્ધિ જ !

બૈરી ને એનો ધણી બેઉ પાડોશી જોડે લડે ત્યારે કેવાં અભેદ થઈને લડે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવા ને તમે તેવા. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહ્યોમાંહી જ્યારે ઝઘડે ને, 'તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવા.' ...પછી ઘરમાં જામેને, ત્યારે તો કહે, 'તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં, કહેશે ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તૂટી ગયો અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડેય 'મારી તારી' થઈ જાય. 'તું આવી છું ને તું આવી છું !' ત્યારે એ કહેશે, 'તમે ક્યા ંપાંસરા છો ?' એટલે ઘરમાંય હું ને તું થઈ જાય.

'હું ને તું, હું ને તું, હું ને તું', તે પહેલાં. અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું 'હું ને તું' થયા ! હવે હું અને તું થયાં એટલે હુંસાતુસી થાય. એ હુંસાતુસી પછી ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટીની લડાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે થવા ના દેવી.

સંસારમાં કેમ ઊભું રહેવાય, આવાં ફસામણવાળી સંસારમાં, હું ને તું હોય, ત્યાં જીવાય જ કેમ કરીને ? હું ને તું, હું ને તુંમાં મતભેદ ના લાગે બળ્યો ?

પ્રશ્શનકર્તા : 'હું' હોય તો જ તું હોય ?

દાદાશ્રી : હા, પણ 'હું' જતો રહ્યો છે તમારે ? એ તો ગજવું કાપે ત્યારે ખબર પડે.

પ્રશ્શનકર્તા : ગયો નથી પણ એટલી સમજ પડે કે 'હું' જવો જોઈએ.

દાદાશ્રી : હા, 'હું' જાય તો બધો ઉકેલ આવી જાય.

પતિ કહ્યા કરે તું મારી મારી,

ક્યાંથી મતભેદ ને મારા-તારી!

રોજ 'મારી વાઈફ, મારી વાઈફ' કહીએ. અને એક દહાડો વાઈફે છે તે, પોતાનાં કપડાં ધણીની બેગમાં મૂકી દીધાં. બીજે દિવસે ધણી શું કહે ? 'મારી બેગમાં તેં સાડીઓ મૂકી જ કેમ ?' આ આબરૂદારના છોકરા ! એની સાડીઓ આને ખઈ ગઈ ! પણ એનું પોતાનું જુદું અસ્તિત્વ છેને. એટલે વાઈફ અને હસબન્ડ એ તો બિઝનેસને લઈને એક થયા. કોન્ટ્રાક્ટ છે એ. એ જુદું અસ્તિત્વ કંઈ છૂટી જાય ? અસ્તિત્વ જુદું જ રહે છે. 'મારી પેટીમાં સાડીઓ કેમ મૂકે છે', એવું કહે કે ના કહે ?

પ્રશ્શનકર્તા : કહે, કહે.

દાદાશ્રી : તો મારી ને તારી જુદાં તો છે જ ને ઉઘાડાં !

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : મારી-તારી ખુલ્લું નથી ? એ મારી-તારી થઈ જાય એવું ના રાખવું જોઈએ આપણે. એવું બોલવા સુધી ના આવે. આપણી આપણી કર્યા કરીએ ત્યાર સુધી સારું છે, બા.

આ તો અહીં મારી-તારી થઈ ગઈ એટલે આપણે સમજીએ કે આ તો બરકત વગરનો છે, એ બુદ્ધિ દેખાડે, ભેદ પાડે. બુદ્ધિ ના હોય તેને ભાંજગડ નહીં ! નહીં તો કહેને મારી બેગમાં સાડી મૂકી જ કેમ ? તે અક્કલનો કોથળો, મૂઆ સાડી મૂકી એમાં તારા બાપનું શું ગયું ? એમાં ખોટું શું છે તે ? ત્યાં કહેને, સાડી અહીં મૂકી સારું થયું, એવું બોલેને તો એને સારું લાગેને ! બીબીને સારું ના લાગે ?

પ્રશ્શનકર્તા : લાગે.

દાદાશ્રી : આ તો કકળાટ કરે કે મારી બેગમાં તારી સાડી મૂકી જ કેમ ? એટલે બઈ કહેશે, કો'ક દહાડો એની બેગમાં હાથ ઘાલીએ તો આવું ને આવું ગોટાળા વાળે છે. બળ્યો આ ધણી ખોળવામાં મને ભૂલચૂક થઈ ગઈ લાગે છે. આવો ધણી ક્યાંથી મળ્યો ? પણ હવે શું કરે ? ખીલે બંધાયું ! 'મેરી' હોય તો જતી રહે બીજે દહાડે, પણ ઈન્ડિયન શી રીતે જતી રહે ? ખીલે બંધાયેલા !! ઝઘડો કરવાની જગ્યા જ નથી, સ્પેસ જ નથી એવી, ત્યાં ઝઘડો કરે, તો ઝઘડો કરવાની જગ્યા હોય તો મારી જ નાખેને આ લોકો !

અરે, નહીં તો જોડે જોડે બેગો મૂકેલી હોયને તોય કહેશે, 'ઉઠાવી લે તું તારી બેગ અહીંથી'. અલ્યા મૂઆ પૈણેલો છું, આ શાદી કરી છે, એક છો કે નહીં ? અને પાછો લખે શું ? અર્ધાંગિની લખે, મૂઆ કઈ જાતના છો તે આ ! હા, ત્યારે મૂઆ અર્ધાંગિની શું કરવા લખે છે ? એમાં અર્ધો અંગ નહીં આ બેગમાં ! કોની પુરુષોની મશ્કરી કરીએ છીએ કે સ્ત્રીઓની આપણે ? ના, એવું કહેને, અર્ધાંગિની નથી કહેતા ?

પ્રશ્શનકર્તા : કહે ને.

દાદાશ્રી : અને આમ ફરી જાય પાછા. સ્ત્રીઓ ડખલ નહીં કરે. સ્ત્રીઓની બેગમાં જો કદી આપણા ધોતિયાં મૂક્યાં હોયને, તો ડખલ નહીં કરે અને આ તો બહુ એને અહંકાર. આમ આંકડો જ ઊંચો ને ઊંચો, વીંછીની પેઠ જરાક મારે તો ડંખ મારી દે હડહડાટ.

આ તો મારી વીતી બોલું છું હં કે. આ મારી આપવીતી બોલું છું. એટલે તમને બધાને પોતાને સમજણ પડે કે આમને વીતેલી આવી હશે. તમે એમ ને એમ સીધી રીતે કબૂલ કરો નહીં, એ તો હું કબૂલ કરી દઉં.

પ્રશ્શનકર્તા : આપ બોલો એટલે બધાને પોતાનો પાછો ખ્યાલ આવી જાય ને કબૂલ કરે.

દાદાશ્રી : ના, પણ તમે કબૂલ ના કરો પણ હું તો કબૂલ કરી દઉં કે મારી વીતેલી છે, આપવીતી નહીં વીતેલી ? અરે મારે ડંખ તે કેવો ડંખ મારે, તું તારે ઘેર જતી રહેજે, કહે છે. અલ્યા મૂઆ, જતી રહે તો તારી શી દશા થાય ? એ તો આ કર્મથી બંધાયેલી છે. ક્યાં જાય બિચારી ! પણ બોલું છું તે નકામું નહીં જાય, આ એના હાર્ટ ઉપર ડાઘ પડશે, પછી એ ડાઘ તારી ઉપર પડશે મૂઆ. આ કર્મો ભોગવવાં પડશે. એ તો એમ જાણે કે કંઈ જવાની છે હવે ? આવું ના બોલાય. અને એવું બોલતા હોય તો એ ભૂલ જ કહેવાયને ! થોડાઘણા તો ટોણા મારેલા કે નહીં મારેલા બધાએ ?

પ્રશ્શનકર્તા : હા, મારેલા. બધાએ મારેલા એમાં અપવાદ ના હોય. ઓછું વધતું હોય પ્રમાણ, પણ અપવાદ ના હોય.

દાદાશ્રી : એટલે આવું છે બધું. હવે આ બધાને ડાહ્યા બનાવવાના બોલો હવે. આ શી રીતે ડાહ્યા થાય ? જો ફજેતો, ફજેતો ! મોઢાં પર દિવેલ ફરી વળેલાં છે ! સરસ સરસ દૂધપાક ને સારી સારી રસોઈઓ જમે છે તોય મોઢાં પર દિવેલ પીધું હોયને એવાં ને એવાં દેખાય છે. દિવેલ તો મોઘું થયું છે તે ક્યાંથી લાવીને પીવું ? આ તો એમ ને એમ જ મોઢાં પર દિવેલ ફરી વળે છે !

ઘરમાં વાઈફ જોડે 'તમારું ને અમારું' એવી વાણી ના હોવી જોઈએ. વાણી વિભક્ત ના હોવી જોઈએ, વાણી અવિભક્ત હોવી જોઈએ. આપણે અવિભક્ત કુટુંબના ને ?

આ મારું અને આ તમારું, તે ધણી જોડેય આ મારું ઘડિયાળ ને આ તમારું ઘડિયાળ.

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં તો જરૂર પડે એટલું તો રાખવું પડે ને. આ મારું ને આ તમારું. નહીં તો બંધ પડેલું ઘડિયાળ આપણે માટે મૂકી જાય.

દાદાશ્રી : એટલે વ્યવહારમાં બધું રાખવું પડે પણ વ્યવહારની લિમિટ ક્યાં સુધી છે ? વ્યવહારની લિમિટ હોય ને ? આ બધાએ જ્ઞાન લીધેલું છે, એ પણ વ્યવહારમાં રહે છે. પણ આમનો (જ્ઞાન લીધેલાવાળાનો) વ્યવહાર લિમિટવાળો છે ને તમારો વ્યવહાર તો અન્લિમિટેડ એટલે તમારે એ વ્યવહારમાં 'તમારું પોતાનું'ય ઊડી ગયું. અને ઘરમાં લેટ ગો કરવામાં આપણને શું વાંધો છે ? પ્રેમથી લેટ ગો કરવું ! સમજવું તો પડશેને, આ જગત આવું ક્યાં સુધી ચાલશે ? ગપ્પાં ક્યાં સુધી ચાલે ?

ખોળ કારણ તું મતભેદનું?

બન્ને ભેજે ગુમાન અક્કલનું!

પ્રશ્શનકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ?

દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા'ડો એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરા નથી એનો મતભેદ પડે છે ?

પ્રશ્શનકર્તા : ના આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય.

દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઇઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, 'બરોબર છે' એમ કહીએ એટલે પછી કશુંય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લડે એટલે મતભેદ થાય.

પ્રશ્શનકર્તા : 'એ બરાબર છે' એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ ? એ બોલાતું નથી, એ અહમ્ કેવી રીતે દૂર કરવો ?

દાદાશ્રી : એ હવે એ બોલાય નહીં પાછું. ખરું કહે છે. એ થોડા દા'ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છુંને એ ઉપાય કરવા માટે થોડા દા'ડા પ્રેક્ટિસ લો ને, પછી એ ફીટ થઈ જશે, એકદમ નહીં થાય.

પ્રશ્શનકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું ?

દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો એ પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો.... કેવી અક્કલવાળી છે ! તો એય ટાઢી પડી જાય પછી. પણ આપણેય અક્કલવાળા અને એય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય તે ?

અને અક્કલવાળો મેં જોયો નહીં કોઈ જગ્યાએ. એ અક્કલવાળો કોનું નામ કહેવાય કે જે કોઈ દા'ડો કોઈની નકલ ના કરતો હોય એનું નામ અક્કલવાળો. આ તો બધા નકલી લોકો. હું જોઈ જોઈને શીખ્યો કહેશે. આ બેનોએ નકલ કરીને, કઢી કરતાં આવડી, જોઈને શીખી ગયાં. આ સાડી કોઈની જોઈને લાવ્યાં. અને પછી કહેશે, હું અક્કલવાળી.

મેં મારી જિંદગીમાં કદી નકલ નથી કરી, અસલ જ. મને અનુકૂળ આવે એ જ કરું હું. બીજી કોઈની ભાંજગડ નહીં, હું ક્યાં શીખું તમારી પાર્ટીનું ? તમારું ડ્રોઇંગ વાસી હોય ને હું પાછું મારું એ જ ચીતરું તો પાછું મારુંય વાસી થઈ જાય. આ મારે મતભેદ નથી પડતો કોઈની જોડે. કારણ કે મારામાં અક્કલ નહીં ને ! અક્કલના કોથળા બહુ મતભેદ પાડે. અક્કલવાળા વધારે હોયને એ બહુ મતભેદ પાડે. તારામાં અક્કલ ખરી કે નથી ?

પ્રશ્શનકર્તા : ખબર નહીં.

દાદાશ્રી : તમારે મતભેદ પડે છે ખરા ને પણ ? માટે અક્કલવાળા છો. આ તો કો'ક દહાડો એવુંય સંભળાવી દે, 'તારામાં પૈણ્યા ત્યારથી અક્કલ ઓછી છે.' કહેશે. અરે, મેલને પૂળો અહીંથી. અક્કલ ઓછી છે તે જાણે છે, ત્યારે વળી ગા ગા શું કરવા કરે છે વગર કામનો હવે ? શું અક્કલનો કોથળો ! આપણે અક્કલના કોથળા !!

આપણે તો એ અક્કલની વાતો કરતી હોયને, તો આપણે હસવું એટલે એ જાણે કે આ મારી મશ્કરી થવા માંડી એટલે બંધ થઈ જશે પછી. આપણે સામસામી બાઝવું નહીં. આમ ખરું છે, તેમ ખરું છે એ બોલતી હોયને, એટલે આપણે જાણ્યું કે આ અક્કલ ચાલી હવે. એટલે આપણે હસવું જરાક. એટલે એની મેળે બંધ થઈ જશે, ટાઢું ટપ્પ !

બાકી ઘરમાં મતભેદ ના પડાય. મતભેદ પડે એને માણસ જ કેમ કહેવાય ? મતભેદ ટાળતા ના આવડ્યા તો બુદ્ધિ જ ના કહેવાય ને ! મતભેદ પડે એવી વાત કરતા હોય તો આપણે એને ફેરવી શકાય છે. મતભેદ કેમ પડવા જોઈએ ?

મતભેદ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. મતભેદ ટળે એટલી જાગૃતિ તો પ્રકૃતિ ગુણથી પણ આવી શકે છે, મતિ પહોંચતી નથી તેથી મતભેદ થાય છે. મતિ 'ફૂલ' પહોંચે તો મતભેદ ના થાય. પણ આ કાળને લઈને અત્યારે બધા ફ્રેક્ચર થઈ ગયેલા છે. ને ભટક ભટક, ભટક કરે છે. કંઈ હેતુ નથી, કંઈ ભાન નથી, કશું જ નથી. એમાં ઘરમાંય કોઈની જોડે સુખ નથી એને. અને ઘરવાળાનેય કોઈને સુખ નથી એની જોડે. અને મતભેદ ઘટ્યા નથી. તે કહે છે, હું કંઈક પામ્યો. અલ્યા, મતભેદ ઘટવા જોઈએ, શાંતિ વધવી જોઈએ. કંઈક તો કારણ બનવું જોઈએ. કશું બન્યું નથી ને મનમાં શુંયે માની બેઠાં છે ! જાણ્યું તેનું નામ કહેવાય કે કોઈ જોડે મતભેદ ના પડે.

પ્રશ્શનકર્તા : જીવનમાં મતભેદ તો હોયને, કોઈ માણસ સંપૂર્ણ તો છે જ નહીં ને ?

દાદાશ્રી : મતભેદ પડે એનો અર્થ જ શું ? એ સેન્સલેસ ફેલો (મૂરખ માણસ) ! મતભેદ તો એકાદ બે હોય, આ તો આખો દહાડો મતભેદ પડ્યા કરે ! એ તો સેન્સલેસ ફેલો કહેવાય, પછી ! આપને કેમ લાગે છે મારી વાત ? બરાબર લાગતી હોય તો સાંભળજો, ના લાગે તો મને ના કહી દેજો કે મને ઠીક નથી લાગતી તો વાત બંધ કરી દઈશ, બીજી વાત કાઢીશ.

પ્રશ્શનકર્તા : દરેક માણસ કોઈ સંપૂર્ણ હોતો નથી, એટલું જ હું આપની પાસે કહેતો હતો.

દાદાશ્રી : અરે, સંપૂર્ણય ક્યાં છે તે બળ્યો ? સંપૂર્ણ તો ના હોય પણ અપૂર્ણ હોય તોય બહુ સારું કહેવાય.

પ્રશ્શનકર્તા : હું તો આપની પાસે કંઈક જાણવા માટે આવ્યો છું.

દાદાશ્રી : બધું જાણવાનું અહીં મળશે, હું કંઈ તમને જ આ કહેતો નથી, આ તો જનરલ (સામાન્ય) રીતે વાત કરું છું. તમારા મનમાં એવું ના લઈ જશો કે મને કહે કહે કરે છે. આ તો જનરલી વાત છે !

પ્રશ્શનકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : એટલે જનરલી તેમાં આપને ઠીક લાગે એવું સ્વીકાર કરવું અને ના ઠીક લાગે એ બાજુએ મૂકવું જોઈએ. પણ જનરલી આવું છે, એમાંથી આપણે વિચારવંત થવું જોઈએ, એટલે આ વિચારવા જેવું છે. મારી વાતમાં કંઈક રૂપિયે બે આની સત્ય જેવું લાગે છે કે નહીં ?

પ્રશ્શનકર્તા : ચોક્કસ લાગે છે.

ભેદ પાડે તે ક્યાંથી બુદ્ધિશાળી?

દોર તોડી ચલાવે ગાંઠ વાળી!

દાદાશ્રી : તે મારે ભાગ વાળવાનો આવે છે ચાર ચાર ફૂટ ઊંડો પૂંજો (કચરો).

પ્રશ્શનકર્તા : એ ક્યારે વળાઈ જશે દાદા ?

દાદાશ્રી : આ વાળવા બેઠો છું આ બધા મદદ કરે મહીં જોડે વાળવામાં ત્યારે ! ત્યારે ઈન્ડિયામાં લોક કહે છે, 'દાદા, તમે ઝાપટો છો બહુ, વકીલ કે ડૉક્ટર કશું જોતા નથી, ઝાપટી નાખો છો', ત્યારે હું સમજણ પાડું. એ વકીલ કે ડૉક્ટરને જેને ઝાપટું તેને, બોલો, આ કોટ છે તે, વીસ વર્ષથી, આ ગરમ કોટ બહાર પડેલો છે અને પાછો ગરમ, ઊંચી જાતનું ઊન હોય, તો ધૂળ મહીં પેસી ગયેલી હોય. હવે બોલો એ ધૂળ કાઢવી છે, શું થાય ? એને ઝાપટવો પડે. ઝાપટ ઝાપટ કરીએ ત્યારે નીકળે. મેં કહ્યું, 'આ આવી ધૂળ પડી, પછી ઝાપટું છું, મને આ તો સારું લાગતું હશે ?' ત્યારે કહે, પણ ઝાપટીને મને ચોખ્ખો કરી આપજો. પણ મારું મગજ ખરાબ થાય તે મારે પછી ના કહેવું પડે. પહેલાં તો એવું કહેતા'તા 'હું અક્કલવાળો છું' મેં કહ્યું, 'હોવે, અક્કલ છે, તેથીને ઘરમાં મતભેદ નહીં પડતો હોય ?' એ તો બુદ્ધિને લઈ પડે.' મેં કહ્યું, 'બુદ્ધિશાળી ના હોય તો જ પડે. બુદ્ધિશાળી હોય તો કાઢી નાખે, વિચાર વિચાર કરીને, આ તમારી બુદ્ધિ નથી તેથી.' 'હેં' મારે બુદ્ધિ નથી ?' ત્યારે મેં કહ્યું, 'મતભેદ પડે છે ને ?' સંસાર ચલાવતા આવડતું નથી. બુદ્ધિશાળી થઈને બેઠા છે. આખો દહાડો મતભેદ પડ્યા કરે, વહુ જોડે. જો પોતાના હરીફ હોય તો જાણે ઠીક છ

ે. જે શેઠને નોકર

જોડે મતભેદ પડે તો આપણે જાણીએ ને, કે આ શેઠનામાં બરકત નથી ?

પ્રશ્શનકર્તા : હં.

દાદાશ્રી : હરીફ હોય તો વાત જુદી છે. સમાન બુદ્ધિ જોડે મતભેદ પડે તો સમજીએ. આ અસમાન બુદ્ધિ જોડે મતભેદ પડે છે. હવે શું થાય ? ઝાપટી ઝાપટીને પણ, ઝાપટું છું તે પાછાં સમજી જાય કે આ ભલા છે દાદાજી ! ઘરમાં એક દહાડો મતભેદ ન થવો જોઈએ. આ મતભેદ કરે છે એ બુદ્ધિ ઓછી એટલે. બુદ્ધિથી વિચાર કરે, તો મતભેદ કરવાની જરૂર જ નથી. પણ બુદ્ધિ ઓછી હોયને તો એ મતભેદ કરે અને પોતાની જાતને બુદ્ધિશાળી માનતો હોય. બુદ્ધિશાળી એનું નામ કે ઘરમાં સેફસાઈડ કરે, બહાર સેફસાઈડ કરે, સેફસાઈડ વધારે એનું નામ બુદ્ધિશાળી. ઘરમાં આનંદ કરાવડાવે એનું નામ બુદ્ધિશાળી કે ડાચું ચઢેલું હોય એનું નામ બુદ્ધિશાળી ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિશાળી જો વિવેક કરીને કામ કરે એને બુદ્ધિશાળી કહેવાય ?

દાદાશ્રી : હં. વિવેકપૂર્વક બધાંને સુખ વધે એવું ખોળી કાઢે, સુખ ઘટે એવું ના ખોળી કાઢે. આ તો ઘેર આવીને ડખો કરે મૂઆ, આખું ઘર બગાડે. એવી લાઈફ કેમ હોવી જોઈએ ! આપણી લાઈફ ફેરવી શકીએ છીએ આપણે આપણા વિચારો ફેરવી શકીએ છીએ.

આપણે નક્કી કર્યું કે, ઘરમાં મતભેદ નથી પાડવો. એવું નક્કી કરીને બીજા જોડે ભાંજગડ કરેને, તોય મતભેદ પડે નહીં. પણ આપણે એ ચાવી માર્યા વગર જ કરીએ છીએને, તેથી ભાંજગડ થઈ જાય છે. અમે પહેલેથી ચાવી મારીને પછી કરીએ.

મતભેદ એટલે ટગ ઑફ વૉર,

છો'રાં દેખે અનફીટ યુ આર!

તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ?

પ્રશ્શનકર્તા : એમને વધારે પડે છે.

દાદાશ્રી : ઓહોહો ! મતભેદ એટલે શું ? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : બે ચાર જણ આ બાજુ ખેંચે, બે ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય ?

પ્રશ્શનકર્તા : તૂટી જાય.

દાદાશ્રી : અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એના કરતાં આખી રાખીએ, એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું.

પ્રશ્શનકર્તા : પણ બેમાંથી મૂકે કોણ ?

દાદાશ્રી : સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં ! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું. એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમેધીમે, ધીમેધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમેધીમે છોડી દઉં. નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું ? હવે છોડી દેતા આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને ! દોરડું તો પાછું ચલાવવું જ પડે ને ! તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : હા, કરવું જ પડે.

દાદાશ્રી : હં... એટલે છોડી દેવું અને તે પાછા પડી ના જાય એવી રીતે ! પછી એમના મનમાં હિંમત આવશે કે આ આટલી મોટાઈ રાખે છે તો હુંય મોટાઈ રાખું, એવું મન થાય એમને.

પ્રશ્શનકર્તા : કોઈ નથી રાખતું, એકેય નમતું આપતા જ નથી.

દાદાશ્રી : એ તો ડાહ્યો હોય તે છોડી દે. નહીં તો એક ફેરો ગાંઠ પડ્યા પછી ગાંઠ નહીં જાય માટે દોરી ઘરમાં એવી રીતે રાખો, ગાંઠ પાડવી ના પડે. તૂટે નહીં એવી રાખો. તો એ ના સમજવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : સમજવું જોઈએ.

દાદાશ્રી : આખું છે, તેને પાછું શું કામ તોડે છે ? તોડ્યા પછી ગાંઠ વાળવી પડે કે ના વાળવી પડે ? 'પણ એ મને ખબર નહીં કે પછી આ ગાંઠ વાળવી પડશે.' અલ્યા, તૂટતાં પહેલાં, આપણે છોડી દેવું પડે. નહીં તો ગાંઠ પડી જાય. એટલે ફરી એ દોરડું નકામું ગયુંને. એટલે આ હિસાબ આપણે સમજવો જોઈએ, નહીં તો ગાંઠ તો વાળવી જ પડશે ને ?

ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશેય ના થવો જોઈએ !! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ.

પ્રશ્શનકર્તા : પતિ-પત્નીના ઝઘડાથી છોકરાં પર શું અસર થાય ?

દાદાશ્રી : ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. આવડો નાનો બાબો હોયને, તેય એમ જોયા કરે. આ પપ્પો બહુ બોલ બોલ કરે છે મારી મમ્મી જોડે. પપ્પો જ ખરાબ છે. પણ મોઢે બોલે નહીં. એ જાણે કે બોલીશ તો મારશે મને. મનમાં નોંધ કરે આ, નોટેડ ઇટસ કન્ટેન્ટસ્. પણ ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે 'મોટો થઈશ એટલે પપ્પાને આલીશ !' નક્કી કરે આપણા હારુ અત્યારથી. પછી એ મોટો થાય એટલે આલે ! 'એવું મારવા હારુ મેં તમને મોટા કર્યા ?' 'તો તમને કોણે મોટા કર્યા હતા ?' કહેશે. 'અલ્યા, ત્યાં સુધી મારા બાપા સુધી પહોંચ્યો ?' ત્યારે કહે, 'તમારા દાદા સુધી પહોંચીશ.' આપણે સ્કોપ આપ્યો ત્યારે ને ? એવી ગાંઠ વાળવા દઈએ તો આપણી જ ભૂલ છે ને ! ઘરમાં વઢીએ શું કરવા ? એને વઢીએ જ નહીં એટલે બાબો જુએ કે આ કહેવું પડે. પપ્પા કેટલા સારા છે !

પ્રશ્શનકર્તા : અહીંયાં બૈરાં જોડે બહુ કચકચ થાય.

દાદાશ્રી : તો બાબો શું કરે ? બાબો જોયા કરે, હં... આ પપ્પો તો સારો છે, પણ આ મમ્મી જ એવી છે ! મમ્મી જ ખરાબ છે, બહુ જ ખરાબ છે. મનમાં પાછો અભિપ્રાય આપે, બાબો. મનમાં નક્કી કરે કે મોટો થઉં ત્યારે મમ્મીને મારીશ, કહેશે. મારા પપ્પાનું ખરાબ ખરાબ કરે છે. એ છોકરાઓ ન્યાય જાણે ફર્સ્ટ ક્લાસ. આ બેમાં કોની ભૂલ થયેલી છે તે ના સમજે છોકરાં ? છોકરાં ન્યાય કરે આવડા આવડા, કારણ કે એને સમજણ તો એટલી બધી હોય, એ ઈન્ડિયનનું છોકરું છે ને એટલે કહે છે, આ મમ્મી જ ખોટી છે.

આ ન્યાય કરે મૂઆ. હવે આ રીત છે આપણી ? ભવાડો આપણો ન જુએ છોકરાં એવું કરવું જોઈએ ? દરેક બાબતમાં બારણાં વાસતા હો તો આમાં બારણાં વાસવા ના જોઈએ ? છોકરાંની હાજરીમાં કરાતું હશે આવું ! અને છોકરાં સ્કૂલમાં ગયા હોય તે ઘડીએ ઊડાવવી થોડી વખત. જેને ટેવ હોય તેને, હેબીટ પડેલી હોય તેને. એટલે વઢવું હોય તો એ સ્કૂલમાં ગયા પછી વઢવું શોખ હોય તો. નહીં તો વઢાય નહીં. નહીં તો છોકરાં થતાં પહેલાં લડી લેવું. છોકરાં થયા પછી લડાય નહીં. એ તો સ્કૂલ માંડી કહેવાય. સ્કૂલનું મંડન થઈ ગયું. નિશાળિયા પર અસર પડે. એટલે લડાય નહીં.

આ તો છોકરાં ઊભાં હોય તોય મારે છે હઉ સામસામી. બૈરીએ એક જણને માર્યો હતો, એના છોકરાં ઊભાં હતાં ને ! હવે આ તો કોઈ દહાડો સારું દેખાય, શોભે ?

છોકરાં સારાં થઈ જાય, સંસ્કાર પડે, એ આપણો રસ્તો. છોકરાંને જે ના ગમતું હોય એ કાર્ય નહીં કરવાનું. છોકરાંને પૂછવું કે 'અમે બે ઝઘડીએ છીએ તો તમને ગમે ?' ત્યારે કહે, 'ના ગમે.' તો આપણે બંધ કરી દેવું. મોટા ગુરુ ના મળે તો છોકરાઓ ગુરુ મળ્યા ! તો છોકરાં સારાં થાય, આપણા સંસ્કાર સારા પડે. છોકરાં કશું આવું મા-બાપને કશું સારા દેખેને, તો બહુ સારા થઈ જાય. એને શીખવાડવું ના પડે. સંસ્કાર જોઈને સંસ્કાર શીખી જાય છે. નહીં તો 'આ મારે હિતકારી છે' એવું માનીને છોકરાં શીખે કે મારા મા-બાપ ઝઘડો કરે છે તે હિતકારી છે. એવું જાણીને છોકરાંઓ શીખે, પણ પાડોશીનું ના શીખે, ઘરનું શીખે. એવું છોકરાંને, એ ઊંધા સંસ્કાર ન પડવા જોઈએ એવું જીવન જીવવું જોઈએ. છોકરાં કંઈ પણ આપણે ત્યાં ખરાબ દેખે નહીં એવું વર્તન હોવું જોઈએ. સંસ્કારી છોકરા હોવા જોઈએ. આવી લાઈફને લાઈફ કેમ કહેવાય ?

જીવન જીવવાનું કંઈક જોઈએ કે ના જોઈએ, કંઈક કળા-બળા જોઈએ કે નહીં ! ગમે છે તમને આ વાત બધી.

પ્રશ્શનકર્તા : બહુ કામની છે દાદા.

દાદાશ્રી : શું બહુ ગમે ? સ્ત્રીઓ આગળ રોફ શું રહેશે આપણો ? દાદાએ તો આપણો રોફ જ તોડી નાખવા માંડ્યો !

છોરાંઓ કહે ના પૈણવું અમારે,

મા-બાપનું સુખ(!) દેખ્યું રાતદા'ડે!

કારણ કે આમાં શું થાય છે કે મારી પાસે છોકરાઓ બધા આવે છે, ઈન્ડિયામાં, તે કોઈ ડૉક્ટર થયેલા, કોઈ ઇન્જીનિયર થયેલા, બધા છોકરાઓ આવે છે. તે મેં કહ્યું, 'ભઈ તને ઉંમર થઈ, ૨૫-૨૫ વર્ષના, ૨૮-૨૮ વર્ષના થયા. તમે લગ્ન કરી નાખો.' કહ્યું. લોકોને છોકરીઓ બહુ હોય છે તે ઠેકાણે પડી જાય ને. ત્યારે કે, ના, અમારે લગ્ન નથી કરવું.' મેં કહ્યું, ભઈ હું કોઈને લગ્ન ન કરવાનું કહેતો નથી. તો તમે શા માટે લગ્ન નથી કરતા ? તમે આવો મારી પાસે અહીં, સત્સંગ કરો, બધું કરો અને લગ્નેય કરો. મને વાંધો નથી. તમારા પૈણવામાં મને વાંધો નથી. હું કંઈ બ્રહ્મચારીઓ કરવા નથી આવ્યો. હું તો શું કહું છું કે સંસારી જીવન જીવો અને જીવન એવું સુંદર જીવો કે બે ઘડી આપણને ઘરમાં ફૂલ બગીચા જેવું લાગે. તે બહાર બગીચામાં જવું ના પડે. આ તો મૂઓ બહાર બગીચામાં જાય છે તોય મોઢું ચઢેલું હોય છે. એટલે આવું ન શોભે આપણને. આપણું ઘર બગીચા જેવું કરી નાખીએ.

પ્રશ્શનકર્તા : પેલા બ્રહ્મચારીઓ પરણવાની કેમ ના પાડે છે ?

દાદાશ્રી : છોકરાઓ, પરણવાની કેમ ના પાડો છો ? મેં એમને પૂછ્યું કે, શું છે તમને હરકત ? તે મને કહોને ? કે સ્ત્રી તમને ગમતી જ નથી કે સ્ત્રી જોડે, તમે પુરુષ નથી કે શું છે હકીકત, વાસ્તવિકતા ? મને કહો, ત્યારે કહે, 'ના, અમારે લગ્ન નથી કરવું.' મેં કહ્યું, કેમ ? ત્યારે કહે, 'લગ્નમાં સુખ છે નહીં એવું અમે જોઈ લીધું છે.' મેં કહ્યું, હજુ ઉંમરના નથી થયા, પૈણ્યા વગર તને શી રીતે ખબર પડી, અનુભવ થયો ? ત્યારે કહે, 'અમારા મા-બાપનું સુખ(!) અમે જોતા આવ્યા છીએ.' એટલે અમે જાણી ગયા આ લોકોનું સુખ ! આ લોકોને જ સુખ નથી તો આપણે પૈણીશું તો આપણે વધારે દુઃખી થઈશું. એટલે એવું બને ખરું ?

પછી મેં કહ્યું, 'શું તારા મા-બાપનું સુખ જોયું ?' ત્યારે કહે, 'રોજ કકળાટ, રોજ કકળાટ અમે તો આમ જોયા જ કરીએ. અરે, બળ્યું, આ તો જીવન છે, આના કરતાં એકલા પડી રહેવું સારું.' એટલે જવાબદાર તો આપણે જ ને ! પછી છોકરાને પૂછ્યું તારા બાપા ભણેલા નહીં હોય ? અરે એ તો ઇન્જીનિયર છે, મૂઆ તોય આવું ! ત્યારે કહે, 'હા, એવું.' તારી મા ભણેલી નહીં હોય, ત્યારે કહે, એ બી.એસસી. છે. હવે ભણેલો તોય જીવન જીવતાં ના આવડ્યું. જીવન જીવવાનું હોય એ શીખવું જોઈએ.

છોકરાઓ કહે છે, અમારા ફાધર-મધરનું સુખ અમે જોઈ લીધું. એટલે હું સમજી ગયો કે ઓહોહો આ તો ઇન્ડિયન પઝલ આવું છે ? ઘેર ઘેર આવું તોફાન છે કે છોકરા નાખુશ થઈ જાય કે પૈણવું જ નથી એવું થઈ જાય ! આ કલ્ચર (સંસ્કાર) આપણું ના શોભે આપણને. આપણે આર્ય કલ્ચર, હાઈએસ્ટ ટોપ લેવલનું કલ્ચર, (ઊંચામાં ઊંચા સંસ્કારી) આપણે ત્યાં આવું ના હોય. છોકરાઓને એવો પુરાવો ન આપવો કે છોકરા ન પૈણે. કહે કે મારા ફાધર-મધર જેવા કોઈ માણસ જ નથી ! છોકરાઓ બધા બહાર કહી દે એટલે આબરૂ રહે કેટલી !! મને કહી દેને કે અમારા ફાધર-મધરનું સુખ જોયું ત્યારે હું સમજી ગયો કે ઓહોહો ! આટલો ભયંકર વેપાર હશે ? આ બધી પોલ કહી દે કે ના કહી દે, છોકરા ! કેવું જીવન જીવે તે છોકરા પૈણવા એ તૈયાર નથી !

એટલે પછી મારે લખવું પડ્યું છે પુસ્તકમાં અન્ક્વોલિફાઇડ ફાધર્સ એન્ડ અન્ક્વોલિફાઇડ મધર્સ આવા મા-બાપ છે એના ! ક્વોલિફાઇડ (લાયકાતવાળા) હોવું જોઈએ. છોકરા પણ કંટાળી જાય એટલે પૈણવા માટે લાયકાત છોડી દે છે. તમને કેમ લાગે છે, કંઈક હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? આ તો છોકરાઓ કહે છે કે અમારે નથી એ સુખ ભોગવવું કહે છે. અલ્યા, આ તો ખરાબ આબરુ બંધાઈ ગઈ કહેવાય. ફાધર-મધરે એવું જીવન જીવવું જોઈએ કે છોકરાઓ ખુશી થઈને પૈણે. આ તો કહે છે એમનો કકળાટ જોઈને અમે કંટાળી ગયા છીએ. અલ્યા, એટલી બધી આબરુ ગઈ આપણી ? આપણી ફેમિલિની આટલી બધી આબરુ ગઈ છે ! એટલે કંઈક જીવન તો સુધારો, આપણા છોકરા સુધરે એવું તો કંઈક કરો. નિશ્ચય કરો તો થઈ જશે. તમે નિશ્ચય કરો મારે આમ કરવું છે, તો બધું થાય એવું છે.

ન મતભેદ કોઈ સંગ થાય,

'તારું સાચું' કરી જ્ઞાની ચાલી જાય!

મારી પાસે પચાસ હજાર માણસો આવે છે. પણ મારે કોઈની સાથે મતભેદ નથી.

પ્રશ્શનકર્તા : આપ કહો છો કે આટલા બધા પચાસ હજાર માણસો જોડે મારે કોઈ દા'ડો મતભેદ નથી થયો. હવે કોઈ ખોટું કહેતો હોય અને તમે છે તે સાચું કહો, તો પછી એ મતભેદ પડ્યો ના કહેવાય ?

દાદાશ્રી : એવું છેને, અત્યારે હું કહું કે ભઈ, અત્યારે બહાર અંધારું થઈ ગયું છે. ત્યારે આ ભઈ કહે, ના, અજવાળું છે. ત્યારે હું કહું કે ભઈ હું તમને રીકવેસ્ટ (વિનંતી) કરું, વિનંતી કરું છું તમે ફરી જુઓને ત્યારે કહે, ના, અજવાળું છે. એટલે હું જાણું કે આમને જેવું દેખાય છે એવું બોલે છે. માણસની દ્ષ્ટિની બહાર આગળ દ્ષ્ટિ જઈ શકે નહીં. એટલે પછી હું એને કહી દઉં કે તમારા વ્યૂપોઈન્ટથી તમે બરાબર જ છો. હવે બીજું મારું કામ હોય તો કહો. એટલું જ કહું, 'યસ, યુ આર કરેક્ટ બાય યોર વ્યૂપોઈન્ટ !' (હા, તમે તમારા દ્રષ્ટિબિંદુથી સાચા છો.) કહીને, હું આગળ ચાલવા માંડું. આમની જોડે આખી રાત ક્યાં બેસી રહું ? એ તો આવા ને આવા જ રહેવાના છે. આવી રીતે મતભેદનો ઉકેલ લાવી નાખવાનો.

શું કારણથી આવું બોલ્યા ? એ આગળ દેખાતું નથી, એનું કારણ જડતું નથી. એટલે પછી મતભેદ થઈ જાય અને અમે જે જ્ઞાન આપીએ છીએને, તે સર્વ સમાધાની જ્ઞાન છે, એટલે ક્યારેય પણ મતભેદ ના પડે. સમાધાન થઈ જવું જ જોઈએ, ગમે તે ટાઈમે, એટ એની સ્ટેજમાં, (ગમે તે દશામાં) કોઈ પણ જગ્યાએ સમાધાન થઈ જવું જ જોઈએ. મારે આ જગતમાં કોઈની જોડે, કોઈ પણ જગ્યાએ મતભેદ પડે જ નહીં. મને ગાળ ભાંડે કે તમે ચોર છો, તોય મારે મતભેદ ના પડે. કારણ કે એ એની દ્ષ્ટિથી બોલે છે બિચારો, એની કોઈ પણ દ્ષ્ટિ છે. કોઈ ગપ્પું મારી શકે નહીં. ગપ્પું મારવું તેય દ્ષ્ટિ છે. એ એના મનમાં એમ માને છે કે હું ગપ્પું મારું છું. પણ એને કોઈ દ્ષ્ટિનો આધાર છે. એટલે અમને એની જોડે મતભેદ ના પડે. અને મતભેદ પડે એ તો નબળાઈ કહેવાય. વીકનેસ કહેવાય. એ બધી વીકનેસ જવી જોઈએ.

એમ માનોને કે અહીંથી પાંચસો ફૂટ છેટે આપણે એક એકદમ સરસ સફેદ એવો ઘોડો ઊભો રાખ્યો છે અને અહીં આગળ દરેકને આપણે દેખાડીએ કે પેલું શું દેખાય છે ? ત્યારે કોઈ ગાય કહે, તો આપણે એને શું કરવું ? આપણા ઘોડાને કોઈ ગાય કહે તે ઘડીએ આપણે એને મારવો કે શું કરવું ?

પ્રશ્શનકર્તા : મારવાનો નહીં.

દાદાશ્રી : શાથી ?

પ્રશ્શનકર્તા : એની દ્ષ્ટિથી ગાય દેખાઈ.

દાદાશ્રી : હા... એના ચશ્મા એવા છે. આપણે સમજી જવાનું કે આને બિચારાને નંબર લાગેલા છે. એટલે એનો દોષ નથી. એટલે આપણે વઢાય નહીં. કે ભઈ બરાબર છે તમારી વાત. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે કે ઘોડો દેખાય છે, તો આપણે જાણીએ કે આને નંબર નથી. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? તો કે 'મોટો બળદ હોય એવું દેખાય છે', તો આપણે નંબર સમજી જઈએ એના. ના દેખાય એટલે નંબર સમજી લેવા. તમને શું લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એટલે મતભેદનું કારણ શું, આપણે સમજી જવું કે આને નંબર વધી ગયા છે. મતભેદ પાડવા ઇચ્છા જ નથી રાખતા લોકો. પોતાને જેવું દેખાય એવું બોલે બિચારા, એમાં એનો શો ગુનો, કહો ?

દ્ષ્ટિ આગળની બંધ થઈ જાય એટલે પછી મતભેદ થાય અને મતભેદ થાય એને સંસ્કાર જ ના કહેવાય ને ? સંસ્કારીને ત્યાં મતભેદ ના હોય.

મારે જ્ઞાન નહોતું થયું તે વખતે બે-ચાર જણની જોડે મતભેદ પડ્યો હશે, પણ 'આ' જ્ઞાન થયા પછી તો કોઈની જોડે મતભેદ જ નથી પડ્યો. મતભેદ શેને માટે ? આ તો પોતાને આગળ ના દેખાય એટલે મતભેદ ઊભો થાય, મતભેદ શેનાથી થાય છે ? એ દ્ષ્ટિ આગળની બંધ થઈ જાય એટલે. મતભેદ એટલે અથડામણ છે એક જાતની, એવું આપને સમજાયું ?

મારે તો કોઈની જોડે મતભેદ પડ્યો જ નથી અત્યાર સુધી, તો પછી મનભેદ તો હોય જ નહીંને ? મતભેદ ના હોય તો મનભેદ હોય જ નહીં. અમે તો પ્રેમ-સ્વરૂપ ! બધું મારું પોતાનું જ છે, એ પ્રેમથી જ બધું આ છે.

પ્રશ્શનકર્તા : અમારે ઘરમાં પણ મતભેદ તો ઘણા છે !

દાદાશ્રી : હા, ઘણા હોય, પણ તોય વિચારશીલ માણસ ધીમે રહીને વિચારે કરીને મતભેદ કાઢી નાખે. મતભેદથી તો આ જગત બધું ઊભું રહ્યું છે. એટલે મતભેદ એ ફાયદાકારક નથી અને ધીમે ધીમે એ કમી કરવા જેવી ચીજ છે. આપને કેમ લાગે છે ? વિચારશીલ માણસ હંમેશાંય મતભેદ ન પડવા દે.

હીરાબા જોડે ન કો' મતભેદ,

ત્રીસી સુધી જ ધણીપણાનો મેદ!

પિસ્તાળીસ વર્ષથી વર્લ્ડમાં કોઈની જોડે મારે મતભેદ નથી. ઘરમાં તો નહીં તે નહીં પણ કોઈની જોડે બહારેય નહીં.

પ્રશ્શનકર્તા : તમારી પાસે એવું શું સિક્રેટ (રહસ્ય) છે કે મતભેદ ના થાય ?

દાદાશ્રી : એ જ સિક્રેટ (રહસ્ય) આપવા માગું છું તમને. આ તો માઈન્ડ ફ્રેક્ચર થઈ ગયું છે. બૉડી ફ્રેક્ચર થઈ ગઈ છે. બધું ફ્રેક્ચર થઈ ગયેલું છે આ તો. માઈન્ડ કેવું થઈ ગયેલું છે ? કે ડૉલર જતો રહે તો જાણે મરી ગયો પોતે એવું લાગે. ના લાગે એવું ? એ મન ફ્રેક્ચર થઈ ગયું છે.

પ્રશ્શનકર્તા : પણ હવે બારસો ડૉલર ભાડું ભરવાનું હોય તો લાગે જ ને.

દાદાશ્રી : આ લાગવાથી એ ભાડું ભરી દીધું હશે ખરું ? લાગવાથી એ થઈ જતું હશે ખરું ?

પ્રશ્શનકર્તા : ના, પણ નેચરલ ....

દાદાશ્રી : ના, એ નબળાઈ છે, વીકનેસો બધી ! આ માઈન્ડ ફ્રેક્ચર થઈ ગયેલું છે. એ ફ્રેક્ચર ના થવું જોઈએ.

અમારે તો ઘેર મારા વાઈફ છે, હીરાબા છે તે આજ કેટલાંય વર્ષોથી અમારામાં મતભેદ નહીં, કોઈ દહાડો એ નાખી દેતા હોય રૂપિયા તોય હું એમ ના કહું કે....

પ્રશ્શનકર્તા : જ્ઞાન પહેલાં પણ હીરાબા સાથે મતભેદ નહોતા કોઈ દિવસ ?

દાદાશ્રી : હા, પહેલાં થતો. છેલ્લા પિસ્તાળીસ વર્ષથી તે બધા આજુબાજુ વાળાય જાણે કે આમને કશો કોઈ દહાડોય મતભેદ નથી. રોજ જોડે રહેવાનું તોય મતભેદ નહીં, એ લાઈફ કહેવાય. કશો મતભેદ જ નહીં એવા વ્યવહારની લાઈફ કેવી સુંદર કહેવાય !

આજે અમારા ઘરમાં વાઈફ હજુ છે, જીવે છે. એમની જોડે મતભેદ નથી પડ્યો. પાડોશી જોડે મતભેદ નહીં. પાડોશીઓનેય લાગે કે ભગવાન જેવા છે. કંઈ મનુષ્યપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? તમારો શો મત છે ?

પ્રશ્શનકર્તા : એ તો હોવું જ જોઈએ.

દાદાશ્રી : અમારે પૈણ્યે પંચાવન વર્ષ થયાં. તે પચ્ચીસ ત્રીસ વર્ષની ઉંમર સુધી જરા ભૂલચૂક થઈ હશે. જ્ઞાન પહેલાં, નાની ઉંમરમાં અમે હઉ અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા'તા. આબરૂદાર લોકને ! ખાનદાન ! છ ગામના પટેલ ! પછી ખબર પડી કે મારી આ ખાનદાની નીકળી ગઈ. આબરૂનું લિલામ થઈ ગયું. સાણસી મારી ત્યાંથી આબરૂનું લિલામ ના થયું કહેવાય ? સ્ત્રીને સાણસી મારે આપણા લોક ? અણસમજણનો કોથળો ! તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી ! આ તે કંઈ શોભે આપણને ?

પ્રશ્શનકર્તા : સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું. પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બીહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે. એ તો બહુ ભયંકર કહેવાયને ?

દાદાશ્રી : આંતરિક મતભેદોને ? એ તો બહુ ભયંકર !

પણ મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે ? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી, જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત.

હું તો ત્રીસ વર્ષનો હતો ત્યારથી બધું રીપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા. અણસમજણના લોચા. કારણ કે ધણીપણું બજાવવા ગયેલા. મેં તો બહુ રોફ મારેલા.

પ્રશ્શનકર્તા : શું રોફ માર્યા હતા, દાદા તમે ?

દાદાશ્રી : અરે બહુ રોફ, આમ કડક બહુ. પછી સમજણ પડી ગઈ આ તો ભૂલ થઈ રહી છે બધી. એટલે પછી બંધ કરી દીધું. નાનપણમાં તો સમજણ ના પડેને કે આ ભૂલો છે આ, નરી ભૂલો જ છેને બધી !

પ્રશ્શનકર્તા : એટલે હીરાબા કહેતાં હશે કે દાદા તો તીખા ભમરા જેવા.

દાદાશ્રી : તીખા ભમરા જેવા ....

તે દહાડે કડકાઈ બહુ, બહુ કડકાઈ ! આ તો જ્ઞાનને લઈને બધું જતું રહ્યું, બધી કડકાઈ. આજ છવ્વીસ વર્ષથી જતું રહ્યું. પહેલાં હતું પણ તે ઓછું. પણ હીરાબાની જોડે તો બહુ વર્ષથી મેં બંધ કરી દીધેલું.

પ્રશ્શનકર્તા : બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો એમાં ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : ફેર ? શાનો ફેર ! ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ, મેડનેસ કહેવાય. અંધારાના કેટલા ભેદ હોય ?

પ્રશ્શનકર્તા : તોય આપનું જરા જુદી જાતનું હોયને ? આપનું કંઈક નવી જ જાતનું હોય ને !

દાદાશ્રી : થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા. અને પડ્યો હોય તો વાળી લેતાં અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં તોય એને અવળું પડી જાય, પછી એનો ઉપાય શો ? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં ! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધાય રૂપિયા ચાલે. તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને ?

પ્રશ્શનકર્તા : અહીં દાદા પાસે જ ચાલે. બીજે ક્યાંય ચાલતા નથી.

દાદાશ્રી : એમ ! હશે ત્યારે ! આ ઑફિસમાં ચાલે તોય બહુ થઈ ગયું. આ તો દુનિયાની હેડ ઑફિસ કહેવાય.

મારે અમારા ઘરમાં અમારાં વાઈફ જો પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડેલો નથી. એય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો'ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયાં છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટેય મને દુઃખ દીધું છે. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે.

એ ત્યાં રહે છે ને હું અહીં રહું છું. જુદા રહીએ પણ વઢવાડ નથી કોઈ જાતની. રોજ ભેગું થવાનું. મતભેદ જ નહીં ને, ભાંજગડ જ નહીં. ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડ્યો હોય એવું મને ખબર નથી.

હુંય એમના જેવો હોઉં તો પછી એ તો મતભેદ પડી જાય. એ શું કહે છે ને કેવા આશયથી કહે છે, એ શું હેતુથી કહે છે એ તરત સમજી જઉં. એટલે હું એલાઉ કરું કે બરાબર છે.

જ્ઞાનીનો આ અજોડ ઇતિહાસ,

પત્ની અંગૂઠે વિધિ કરે ખાસ !

એક દહાડો હીરાબા મને કહે છે, 'કૃષ્ણનું નામ દઈશ, તમારું નહીં દઉં.' એ પહેલેથી પેસી ગયેલું કે આ જૈન ધર્મ પાળે છે. એટલે બધું જૈન છે આ. પણ અત્યારે તો વિધિ-બિધિ કરે છે. આમ જ્ઞાનેય લીધેલું. પણ એ પાછલું હજું થોડુંક જાય નહીં. 'ચાર વાગે ઊઠીને કૃષ્ણનું નામ દઉં છું.' કહે છે. એમને કહ્યું કે 'આ દાદા ભગવાન ?' તો હીરાબા કહે 'એય ભગવાન, પણ આ અમારા ને !'

પ્રશ્શનકર્તા : એમને કહીએ છીએ કે બા, આ જાતે જ કૃષ્ણ છે, તો હીરાબા કહે, 'ના, એ નહીં. મારા તો પેલા જ.'

દાદાશ્રી : એમની સમજણ પર આપણી સમજણ ઠોકી બેસાડવાની નથી. એમની છે એ કરેક્ટ છે, આ આપણુંય એનું એ જ છે ને. અને પેલુંય એનું એ જ છે. બેઉ કાગળિયાં જ ને ! કોઈ સુંવાળો કાગળ કે કોઈ ગ્રાફ પેપર હોય ને કોઈ પેલો કાગળ હોય. પણ છેવટે કાગળિયાં ફેર જ ને !

પછી, હીરાબા મને કહે છે, 'તમે ભગવાન શાના ?' મેં કહ્યું, 'હા, બરાબર છે. તમારી વાત સાચી છે.' પછી થોડા વખત પછી મેં કહ્યું, 'ભગવાન એ ભગવાન છે. હું કંઈ ભગવાન છું ?' ત્યારે હીરાબા કહે, 'તમે જ ભગવાન છો. નહીં તો આટલું બધું લોક આવતું હશે ? કંઈ અમથા આવે છે બધા ? લોક ગાંડા છે બધા ? કે પાછળ ફરે તે ! તમે જ ભગવાન છો.' એવાં એ આમ કહે તો આમ ને આમ કહે તો આમ.

એક જણે મને પૂછ્યું કે, 'અત્યારે તમારે વાઈફ જોડે તમારો વ્યવહાર કેવો છે ? લ્યો-લાવો કહો છો ? મેં કહ્યું, 'ના. હીરાબા કહું છું. એ આવડા છોતેર વર્ષનાં ને હું અઠ્ઠ્યોતેર વર્ષનો તો લ્યો-લાવો કહેવાતું હશે ? હું હીરાબા કહું છું.' પછી એ મને કહે છે, 'તમારા તરફ પૂજ્યભાવ ખરો કે ?' મેં કહ્યું, હું જ્યારે જઉં છુંને વડોદરા, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાનાં. અહીં ચરણે કપાળ અડાડીને વિધિ કરવાનાં. તે રોજેય વિધિ કરવાનાં. આ બધાએ જોયેલું હોય, તો અમે કેવાં સાચવ્યાં હશે કે એ વિધિ કરે ? કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની વિધિ કરેલી નહીં. ત્યારે અમે કેવાં સાચવ્યાં હશે ? એ પરથી તમને સમજાયું બધું ?

અત્યારેય ત્યાં આગળ જઈએ ને, તે દસ મિનિટ તો પહેલી એમની વિધિ કરાવડાવાની અહીં આગળ (પગે અંગુઠે). માથે પગ મૂકવાનો, તે દસ મિનિટ કરાવડાવે, બસ. એટલે દાદાની આટલી સેવા. અમે શું સેવા કરીએ ? અમારાથી ઊંચકાય નહીં અને હાથપગ છે તે, એક પગ એ થઈ ગયેલો, હાથ એ થઈ ગયેલો ને બેસી રહે. ઊંચકીને સંડાસ લઈ જવા પડે. હવે સંડાસ અહીંયાં કરે નહીં એવા પાછા અક્કલવાળા. ત્યાં લઈ જાવ, કહેશે. તે બધા બહુ સારી સેવા કરે. અમારે પણ આટલી સેવા રોજ કરવાની. તે એમને નીચે નમવાનું નહીં. ચાર છોકરા ખુરશી ઊંચકી રાખે અમારી અને અમારા પગે અહીં માથું અડાડવું. આમ ઊંચે અમારી ખુરશી ધરી રાખી તે પગે માથું અડાડીને બેઠેલાં હોય. અમારે વિધિ કરવાની ને એમને બોલાવું, 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એમ હીરાબા બોલે !

એટલે અમારે વ્યવહાર આદર્શ હોય. બાકી ટોપ ક્લાસ એવો વ્યવહાર ના હોય માણસને ! અત્યારેય જોડે રહીએ છીએ. એ ૭૫ વર્ષના ને હું ૭૮ વર્ષનો. હેય નિરાંતે ડોસા-ડોસી બેઉ જોડે રહે છે. ડોસો ને ડોસી બેઉ !! એમણેય આ મોક્ષે જવાનું જ્ઞાન લીધેલું મારી પાસે. મારેય મોક્ષે જવું છે, કહે છે !!

એટલે આ આદર્શ વ્યવહાર ના જોઈએ ? તે આડોશી-પાડોશીને પૂછવા જઈએ ત્યારે શું કહે ? એમનો તો આદર્શ બધો. આ પ્રધાનોને બધાને અહીં એમને ઘેર પૂછવા જઈએ તો જવા દોને કહેશે ! એની મા જ કહેને કે મૂઓ નઠારો માણસ છે. કહે કે ના કહે ? માથી પણ એવું કેમ કહેવાય ? આદર્શ વ્યવહાર જોઈએ !!

જ્ઞાની વદે વર્તનમાં જેટલું,

અનુભવે તારણ મૂક્યું સહેલું !

હું તો આ બોલું છું ને એ પ્રમાણે જ લાઈફમાં વર્તેલો છું. કારણ કે આ મેં હિસાબ ખોળી કાઢેલો, આમાં ખોટ શું, નફો શું, એમ ખોળી ખોળીને આગળ ચાલેલો છું. એટલે છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી મારા વાઈફ જોડે મતભેદ નથી, એ અત્યારેય છે. હું કંઈ આ લોકોની પાસે... સાધુ કે એવો તેવો નથી, વૈરાગી નથી. હું તો વેપારી છું પણ જ્ઞાની પુરુષ છું, એટલે આ દેહનો માલિક સત્યાવીસ વર્ષથી રહ્યો નથી, કોઈ મિલકતનો માલિક રહ્યો નથી, કોઈ ચીજનો માલિક રહ્યો નથી.

હું તો આ તમને બધાને કહું છુંને, તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે, જ્ઞાન નહોતું તોય મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથાડવું. ભલે લોકોને સમજણ નથી. મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે !

પડ્યો મતભેદ હીરાબા સંગ,

તુર્ત પલ્ટી મારી રાખ્યો 'મેં' રંગ!

તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું હીરાબા કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને બા કહેવાય. અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.

પ્રશ્શનકર્તા : હા, એ વાત કહો ને !

દાદાશ્રી : એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી.

પ્રશ્શનકર્તા : એ તો એમની થઈ ગઈ હશે, પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી.

દાદાશ્રી : હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તોય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ?

પ્રશ્શનકર્તા : તમને.

દાદાશ્રી : તે મારે સમજવું જોઈએ ને !

તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે તેમાં આ પહેલી છોડી પૈણે છે, આપણે લગ્નમાં શું આપીશું ?' તે આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછ્યું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ? પૂછ્યું એટલે મેં શું કહ્યું ? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છેને તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાનાં નાનાં તે આપજોને એકાદ બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યાં કે 'તમારા મામાના દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો, ને !!!' હવે મારા ને તમારા બોલ્યાં તે દહાડે, કાયમ આપણું જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યાં. મેં કહ્યું, આજ આપણે ફસાઈ ગયા ! હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય !

એટલે મારી-તારી થઈ તે દહાડે ! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! મેં કહ્યું, આ ઠોકર વાગવાની થઈ આજ તો ! એટલે હું તરત જ ફરી ગયો ! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખોય. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો.' હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, 'મારી વાત જુદી છે, ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો !' ત્યારે કહે, 'તો શું કહો છો ?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?' એટલે હું સમજી ગયો આપણે જીત્યા ! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !' એટલે ખુશ થઈ ગયાં. 'દેવ જેવા છે' કહે છે !!

જો પટ્ટી મારી દીધીને ! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ?

પ્રશ્શનકર્તા : ના, કંઈ વાંધો નહીં.

દાદાશ્રી : એટલે મેં કહ્યું, આ પાંચસો એક ને બીજું આ આપો. 'તમે બહુ ભોળા, આવું અપાતું હશે, એને તો ચાર છોડીઓ છે.' મેં કહ્યું, હવે જીત્યા આપણે. ભોળા કહ્યું કે તરત હું જીત્યો. પણ જીતી ગયો તે દા'ડે. નહીં તો મતભેદ પડત તો ખરેખરો પડત. મારું ને તમારું અને આંટી હઉ રહેત.

હું જાણું કે પાંચસોય અપાવાના નથી એમનાથી, એ આપે તોય હું તો ખુશી હોઉં ! સાચા દિલથી ઇચ્છા ખરી કે આપે, પણ હાથ છૂટવો મુશ્કેલ છે ને ! એ બાર મહિને બે-ત્રણ વખત છે તે વડોદરાથી મુંબઈ આવે તો એરોપ્લેનમાં આવે એટલી મારી ઇચ્છા ખરી, પણ દસ-પંદર વખત આવે તો ના કહી દઉં. પણ એમને તો હું આજ પંદર વર્ષથી કહે કહે કરું છું. તમારે જ્યારે જ્યાં એરોપ્લેનમાં જવું હોય તો છૂટ. હું જાણુંને જવાનાં નથી તો પછી મારે શું કામ ના કહેવું ? ત્યારે કહે, એ પ્લેનમાં જવાનું તમારે, મારે પ્લેનમાં નથી જવું, તમે જજો ! મને એક ફેરો, ગયે ફેરે અમેરિકા ગયો ત્યારે મૂકવા આવ્યાં હતાં, ફક્ત પ્લેનમાં આવ્યાં એટલું જ અને પાછાં પ્લેનમાં ગયાં હતાં બસ. એ બાકી આમ બેસે નહીં, આપણે કહીએ તોય ના બેસે. પ્રકૃતિ ના ઓળખીએ આપણે ?

એટલે હું તો એ દહાડે છૂટી ગયેલો. નહીં તો તે દહાડે ભૂલમાં સપડાત. તમારા મામાના દીકરા એવું બોલ્યા. એટલે અમારું ને તમારું એવું બોલાય ? આપણે વન ફેમિલિ, અમારું-તમારું, આમચા-તુમચા બોલે પછી રહ્યું જ શું ત્યારે ? એટલે અમારે મતભેદ નહીં પડેલો કોઈ દહાડો પછી !

પ્રશ્શનકર્તા : હં, હવે એ વાત શીખી ગયો છું.

દાદાશ્રી : ના, પણ આવું સમજવું નહીં પડે ભઈ ! જીવન જીવવાની કળા તો સમજવી પડે ને ! એટલે પછી મને કહે છે, 'તમે તો ભોળા છો એવા પાંચસો અપાતા હશે' કહે છે !! મેં કહ્યું, આપણો હિસાબ પતી ગયો બધો. જો આપણું સંધાઈ ગયું. આ લોહી નીકળ્યું ખરું આપણાથી. પણ પાછું પટ્ટી લાગી ગઈ. એવું ના શીખવું જોઈએ ભઈ ?

પ્રશ્શનકર્તા : પણ ત્યાં તો અહંકાર આવેને હું ધણી. મારું કેમનું નીચું પાડવું જોઈએ ?

દાદાશ્રી : મૂઆ તું ધણી ? ધણી તો કેવો નોબલ હોય ! આવા હોતા હશે !

આ તો 'મારા' ભાઈને ત્યાં તમે ઓછું આપો છો. એ વિચારો એમના મનમાં પેસતા હતા. તેને બદલે એમણે એમ કહ્યું કે આટલા બધા ના અપાય.

પ્રશ્શનકર્તા : તમે 'ફરી ગયા' કે તમે ઢીલું મૂક્યું ?

દાદાશ્રી : મેં ઢીલું નથી મૂક્યું. એ મારી ભૂલ જ થઈ. આવું કેમ થાય ? મારી-તારી થતું હશે ? એમણે મને કહ્યું કે 'તમારા મામાના દીકરાને ત્યાં આવડા મોટા તાટ' એવું કહ્યું કે મને થયું, હું એવું કેવું બોલ્યો કે એ મારી-તારી બોલ્યા ? મારી ભૂલ મને સમજાઈ, કે ઓહોહો ! આવડી મોટી ભૂલ કરી મેં ? સંસારમાં નીવડેલો માણસ આવું બોલે ? પણ તે તરત મેં ભૂલ ભાંગી. અમને આવડી જાય તરત. તે ઢીલું મૂકેલું નહીં. મારી ભૂલ જ હતી.

પ્રશ્શનકર્તા : આપે સુધારી લીધું એમ કહેવાય ?

દાદાશ્રી : હા. સુધારી લીધું. આખો ફરી ગયો કે આવું વાસણ આપજો એવું કહેવા ગયો. તેને બદલે આ હું આખો ફરી ગયો. એટલે મેં પાંચસો એક કહ્યા અને એ તો મારા ખ્યાલમાં જ હોય કે હું પાંચસો રૂપિયા કહીશ તો એ મને શું કહેશે. એટલે રૂપિયા ભેલાડવા નથી બેઠો. મારે તો મતભેદ પાડવો નથી ને રૂપિયા ભેલાડવા નથી. આ તો અણસમજણ ઊભી થવા દેવી નથી. બાકી રૂપિયા ભેલાડવા નથી બેઠો.

પ્રશ્શનકર્તા : એટલે સાચવી લીધું.

દાદાશ્રી : હા, આ મારી ભૂલ થઈ એ ખુલ્લી કરી મેં. હું સમજી ગયો કે આ ભૂલ થઈ. કોઈ દહાડો આવું બન્યું નથી ને એક્સિડન્ટ થયો આવો ! મેં જાણ્યું કે આ મારી ને તમારી થઈ, માટે આ ઘરમાં આપણો હવે છૂટકારો થઈ ગયો. તે આપણે એવું કેવું બોલ્યા કે એમને આ બોલવાનો વખત આવ્યો. પણ તે બ્રેઈન અમારું બહુ પાવરફૂલ. બહુ બોધકળા હોય અમારી પાસે, બધી બોધકળા, જ્ઞાનકળા, બધી કળાઓથી સાબૂત હોઈએ. તરત જ બ્રેઈન કહે કે રૂપિયા પાંચસો આપી દેજો. ત્યારે એ કહેશે, 'તમે ભોળા છો !' એટલે આ તો ભૂલ અમારી ને ફસાયા તમે. એવું સમજી જઈએ.

પ્રશ્શનકર્તા : જે તૂટવાની તૈયારીમાં હતું, એ સાંધી લીધું દાદાએ. અને રાજી કરીને પાછું.

દાદાશ્રી : હા. અને રાજી તો કેવાં હોય, તે મને તો પહેલેથી કહેતાં આવ્યાં છે કે તમે ભોળા છો બહુ. શાથી ? કે કોઈક આવે છે અને કહે કે 'મારે આમ થયું તેમ થયું' એટલે કબાટમાંથી આપી દો છો. એટલું જ શીખ્યા છો તમે. એટલે હું સમજી ગયેલો કે ભોળપણ તો છે. વાત સાચી છે. પણ મારું ભોળપણ, હું જાણીને આપતો હતો. પેલા મૂરખ બનાવી દે એવું નહીં. પણ જાણીને આપું કારણ કે એને દુઃખ ઓછું થાય છે. છેતરતો હોઈશ તોય દુઃખ તો ઓછું થશે. એમ જાણીને આપતો હતો. હું કંઈ ભોળો નથી. આખી દુનિયાને ઓટીમાં ઘાલીને બેઠો છું.

એટલે હીરાબાએ મને ભોળો માની લીધેલો પહેલેથી કે આ બહુ ભોળા છે. ત્યારે મેં કહ્યું કે આ એકલું અવલંબન સારું છે આપણા માટે. એ ભોળા કહેશેને, ત્યાં સુધી એમની કોર્ટમાં નિર્દોષ. એમની હાઈકોર્ટમાં આપણે કાયમના નિર્દોષ ! હું હોંશિયાર હોઉં તો દોષિત થાઉંને ? ભોળા જ બસ !

જ્યાં મતભેદ નથી ત્યાં વિજ્ઞાન,

જ્ઞાની સેંટરમાંથી દેખે સમાન !

એટલે મતભેદ કોઈ જગ્યાએ અમે પડવા ના દઈએ. મતભેદ પડતા પહેલાં જ અમે સમજી જઈએ કે આમથી ફેરવી નાખો ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતાં આવડે ! પણ ગાડું રાગે પાડી દઈએ, મતભેદ થવા ના દઈએ. અને મતભેદ પડ્યો તો હું જ્ઞાની શાનો ? તારે પાડવો હોય તોય ના પડવા દઉં. તું આમ ફરું ત્યારે હું આમ ફરું. તું આમ ફરું તો હું આમ કારણ કે અમારી જાગૃતિ, એવર જાગૃતિ હોય. રાત્રે, ચોવીસે કલાક જાગૃતિ. આ ઊઘાડી આંખે ઊંઘ્યા કરે છે આ આખું જગતેય. તમારા બોસ, બોસ બધા ઊઘાડી આંખે ઊંઘે છે. તમે કહેતા હો તો કહી આપું અને પછી કહું એક્સપ્લેનેશન માંગો. પહેલાં કહી આપું, આ પીરસી આપું અને પછી કહું. 'આઈ વૉન્ટ ટુ એક્સપ્લેઈન યુ.' કંઈ ગપ્પું નહીં, નહીં તો આટલા બધા કપડાં ધોવાનાં ક્યારે પાર આવે તે ! એટલે આ મશીનમાં ઘાલ્યા કે પાર !

જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં સર્વાંશ જ્ઞાન છે. 'સેન્ટર'માં બેસે તો જ મતભેદ ના રહે. ત્યારે જ મોક્ષ થાય. પણ ડિગ્રી ઉપર બેસો ને 'અમારું-તમારું' રહે તો એનો મોક્ષ ના થાય. નિષ્પક્ષપાતીનો મોક્ષ થાય.

ક્યારેક ક્યારેક મતભેદ ટાણે,

સાચવી લઉં, હીરાબા ના જાણે!

એક દહાડો એવું બનેલું, હીરાબા કહે છે, 'હું તો અહીં મામાની પોળે જ રહીશ. ત્યાં નવું બંધાયું છે, કોઠી પર, ત્યાં રહેવા નહીં જઉં.' મેં કહ્યું, 'તમને અનુકૂળ આવે ત્યાં રહેવાનું.' હા અમે એમ ના કહીએ કે ત્યાં રહેવા જાવ તમે, તમને અનુકૂળ આવે ત્યાં રહો. ઘરધણી માણસના મનમાં એમ થાયને, સહેજ ખટકો થાયને કે પોતાનું ઘર બંધાયું તોય આ ઘર ખાલી કરતા નથી. તો એનું ઘરધણીને થોડુંક વધારે ભાડું આપી દઈશું. મેં કહેલું, ઘરધણી જે માગે એ ભાડું આપી દેવાનું અને એ ઘરધણીય એવું સમજે છે કે 'મારે એવું કશું કરવું નથી.' પણ છતાંય અમે એને સંતોષ આપીએ. એમાં બિચારાનો શો ગુનો ? આપણું ઘર જુદું થયું એટલે જુદું રહેવું જ જોઈએ ને ? આપણે ઘેર જવું પડે ને ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : પણ હીરાબા તો ખસવાનું ના કહે છે. અમે એડજસ્ટ થઈ જઈએ. પણ મતભેદ પડવા ના દઈએ !

હમણાં એક દહાડો મતભેદ પડી જાય એવું થયું હતું. રાત્રે મેં કહ્યું બેન જમવા બનાવનાર છે તો પછી હવે રસોઈયાની શી જરૂર છે ? ત્યારે કહે, ના, એમના હાથનું હું નહીં જમું ! પછી બીજે દહાડે મેં કહ્યું, 'રસોઈયો તમને જ્યારે જોઈતો હોય ત્યારે બોલાવી લો એકને બદલે બે.'

આવું કેમ બોલ્યો હું ? એમને ઠીક લાગે એ કરે. મારે શી જરૂર આ બધી ? હાથ ઘાલીને શું કામ છે તે આપણે ? તમને શું લાગે છે ? હાથ ઘાલવો જોઈએ ?

પ્રશ્શનકર્તા : ના, ના. એ એના સંજોગો ઉપર આધાર છે.

દાદાશ્રી : સંજોગો જોવા પડે. મને તો અત્યારેય હીરાબા ભોળા જાણે. હજુય હીરાબા તો મને કહે છે, 'તમે ભોળા છો. હું ભોળી નથી.'

પ્રશ્શનકર્તા : હું પાકી, દાદા ભોળા. એવું કહેતા ?

દાદાશ્રી : હા, દાદા ભોળા માણસ છે. મારે એનું જ કામ છે. ભોળા કહે એટલે છોડી દેને ?

પ્રશ્શનકર્તા : હા, છોડી દે.

દાદાશ્રી : પાકા થયા તો છોડે નહીં. ભોળા થવામાં છોડી દે. અને ભૂલચૂક થઈ હોય તો કહેશે કે 'ભોળા છે થઈ ગયું.' ભાંજગડ જ નહીં ને. પહેલેથી ભોળાની છાપ.

હવે ખરી રીતે એ ભોળા છે. હું તો ભોળો જરાય નથી. હું તો જાણીને જવા દેતો હતો બધુંય. અને એ એમનું અજાણ્યામાં જતું રહે.

પ્રશ્શનકર્તા : અજાણ્યામાં જતું રહે એ તો ભોળું કહેવાય.

દાદાશ્રી : એટલે જ એ ભોળા કહેવાયને અને મને તો કોઈ ભોળો કહેને, તો હું કહું કે મને ભોળો કહેનાર ભોળો છે. મને ઓળખતો જ નથી તું. પણ હું જાણીને જવા દઉં. જે માંગો એ આપી દઉં, કશું રહેવા ના દઉં પાસે, એવો સ્વભાવ હતો. કારણ કે એક લોભ નહોતો અમને, બિલકુલેય લોભ જરાય નહીં. કશું જોઈએ જ નહીંને. અને પાસે હોયને, તો આપી દઉં પાછો. મારી પાસે કશું રહે નહીં. એટલે અમારા ભાગીદારે કહેલું કે તમારી પાસે રૂપિયા હાથમાં રાખવા જેવા નથી. મેંય કહી દીધું કે મને આપશો જ નહીં. કારણ કે મારી પાસે રહે નહીં.

એટલે હીરાબાય કહે કે 'તમને તો પૈસા અપાય જ નહીં.' ત્યારે મેં કહ્યું, 'ના આપશો. આપશો જ નહીંને ? બાકી કો'ક આવ્યો. તે ઢીલો થયેલો દેખાય કે કબાટ ઉઘાડીને આપી દેવાનું.'

બાકી સ્ત્રી જાતિને તો, 'હમણે જ હું સ્ટેનલેસ સ્ટીલનું ફલાણું એ લાવી.' એ સાંભર સાંભર કર્યા કરે. ત્યારે આમને તો એમની પાસે હોય તોયે બધાંને આપી દે. એટલે ભાંજગડ જ નહીં ને કશી. કાલની ફિકર નહીં એમને. સારાં માણસ !

ર્ીર્ ીર્ ી

(૪)

ખાતી વખતે ખીટપીટ !

પેટમાં પધરાવવું તે ધર્મ,

વાંધો કાઢ્યે બંધાય કર્મ !

'થાળીમાં જે આવ્યું તે પેટ પડ્યે ધર્મ છે,

દાળમાં મીઠું નથી, જો બોલ્યો તો તે કર્મ છે.' - નવનીત.

એ શું કહેવા માગે છે કે થાળીમાં જે આવે એ પેટમાં પધરાવી દેવું અને વાંધો ઉઠાવવો નહીં.

દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો આપણે ઓછી ખાવી. આ તો એકલું મીઠું જ ઓછું હોયને તો તેના માટે લોકોના ઘેર શું બને છે જાણો છો ? એટલા બધા તોરીવાળા હોય છે તે શું કહેશે ? કે દાળ બગાડી નાખી છે, આમાં કંઈ ભલીવાર નથી, પેલું ઊઘાડું શું કામ પડ્યું છે ? એટલે પેલો બૂમાબૂમ કરે પાછો. અલ્યા, આ તો રોજનું ખાવાનું છે તે બૂમાબૂમ શેની કરે છે ? ત્યારે બૈરીય કહેશે કે 'કો'ક દહાડો ભૂલ થઈ જાયને તોય આ બૂમાબૂમ કરે છે.' અરે કો'ક વાર નહીં, રોજ ભૂલ થતી હોય તો પણ આ તો રોજનું ખાવાનું છે તો કકળાટ શેને માટે ? આ તારે વેપારમાં ભૂલ નથી થતી ? તે એક કકળાટ માંડેને તેમાં તો ભયંકર કર્મો બાંધે છે અને શરીરમાં ખાધેલુંય બધું પોઈઝન થઈ જાય. જ્યાં કકળાટિયો માણસ ખાયને ત્યાં પોઈઝન થઈ જાય છે.

સારું છે આમના ધણી સાઉથ ઈન્ડિયન છે નહીં તો આપણા ગુજરાતી હોયને તો એની વાઈફને કહેશે 'તારામાં અક્કલ નથી' એવું બોલીને ઉભો રહે. આ સાઉથ ઈન્ડિયન આવી રફ ભાષા ના બોલે એ. રફભાષા આપણી ગુજરાતીઓની રફ, પણ સુંદર, હં કે !

બની સરસ મજાની રસોઈ,

'કઢું ખારું' કરી 'એણે' મજા ખોઈ!

દાદાશ્રી : ઘેર વાઈફ છે તે સારું સારું ના ખવડાવે ?

પ્રશ્શનકર્તા : બહુ સારું સારું ખવડાવે છે.

દાદાશ્રી : હા. તો પછી એમની જોડે ડખો ના કરવો જોઈએ આપણે ! પણ તમારું ઇગોઇઝમ છેને, તે ગાંડાં કાઢ્યા વગર રહે નહીંને ! ટેવ પડેલી આ. તે તમે શું કરો ? સરસ રસોઈ બનાવી હોય, રત્નાગિરી હાફુસ લાવ્યા હોય અને રસ કાઢીએ અને બેને સરસ પૂરીઓ બનાવી હોય, શાક બહુ સારાં બનાવ્યાં હોય, બધું કર્યું હોય અને કઢીમાં જરાક સહેજ મીઠું આગળ પડતું વધારે પડી ગયું હોય, તે બધું ખાતા જાય અને કઢી ચાખી એટલે 'આ કઢું ખારું...' મૂઆ, ખાને, પાંસરો બનને. આ કઢીને બાજુએ મૂક, બીજું બધું ખઈ લેને. તે મૂઓ પાંસરો ના મર્યો. તે બધાનું બગાડે પાછું ! એ તો ન ખાય તે ના ખાય, પણ બધાનું મોઢું ઊતરી જાય. બિચારા છોકરા બધાં ભડકી જાય. આ આપણને શોભે કેમ કરીને આવું ? કોઈક દહાડો કઢી ખારી ના થઈ જાય ? તે દહાડે બૂમાબૂમ કરીએ એ સારું કહેવાય ? અલ્યા રોજ તો કઢી સારી થાય છે તો એક દહાડો સારી ના થઈ તો જરા પાંસરો રહેને ! એક દહાડો પાંસરા ના હેવું જોઈએ ? તમને કેમ લાગી ? આ વાત ગમીને ? પણ આપણા લોક શું કરે છે કે, કો'ક દહાડો કઢી ખારી થઈ ગઈ હોય, તેમાં પેલીની આબરુ લઈ નાખે.

પતિ ભૂલ કાઢે વારંવાર,

પછી થાય શરૂ કોલ્ડવૉર!

ઘરમાં શું કરવા આ ડખલ કરું છું ? કંઈ ભૂલ ના થાય માણસની ! કરનારની ભૂલ થાય કે ના કરનારની ?

પ્રશ્શનકર્તા : કરનારની.

દાદાશ્રી : તો 'કઢું ખારું છે' એવી ના ભૂલ કઢાય. એ કઢી બાજુએ મૂકીને આપણે બીજું બધું ખઈ લેવાનું. કારણ કે એને ટેવ છે કે આવું કંઈક એ ભૂલ ખોળી કાઢીને એને દબડાવવું. એ આદત છે એને એટલે. પણ તે આ બહેનેય કંઈ કાચી નથી. આ અમેરિકા આમ કરે, તો રશિયા આમ કરે. એટલે અમેરિકા-રશિયા જેવું થઈ ગયું આ, કુટુંબમાં, ફેમિલીમાં. એટલે કોલ્ડવૉર ચાલ્યા જ કરે નિરંતર મહીં. એવું નહીં, ફેમિલી કરી નાખો. એટલે હું તમને સમજાવીશ કે ફેમિલી તરીકે કેમ રહેવાય. આ તો ઘેરઘેર કકળાટ છે.

પ્રશ્શનકર્તા : અહીંયાં અમેરિકામાં તો ઊંધું છે. આ બોમ્બાર્ડિંગ છે તે અહીંયાંથી નહીં પણ બહેનો તરફથી થાય.

દાદાશ્રી : ના, એ તો કેટલીક જગ્યાએ આય થાય ને કેટલીક જગ્યાએ આય થાય. બેઉ સામા સામી, પણ આ રશિયા ને અમેરિકા જેવી જ વસ્તુ છે. કોલ્ડ વૉર ચાલ્યા જ કરે છે મહીં.

કઢી ખારી થઈ તે આપણે ના બોલીએ તો ના ચાલે ? ઓપીનીયન ના આપીએ તો એ લોકોને ખબર ના પડે કે આપણે જ કહેવું પડે ? આપણે ત્યાં મહેમાન આવ્યા હોયને, મહેમાનોનેય ખાવા ના દે. તે આપણે વળી એવા શું કરવા થઈએ ? એ ખાશે, તો એને ખબર નહીં પડે, તે વળી આપણે ભૂંગળું વગાડવું ?

પ્રશ્શનકર્તા : એ ચાખશે તો ખબર પડશે.

દાદાશ્રી : ચાખશે તો એની મેળે ખબર પડે. નહીં તો જેને ભૂંગળું વગાડવું હોય તે વગાડે. અને પાછું એ તો બનાવનારી, વગાડે જ નહીંને. એની પોતાની આબરૂ જાય એટલે.

પ્રશ્શનકર્તા : બોલે જ નહીં.

દાદાશ્રી : તમે છે તે 'કઢી ખારી થઈ' એવી બૂમ પાડો. એટલે પછી મોઢાં બધાનાં બગડી જાયને, ના થઈ જાય ? 'કઢી ખારી થઈ' એવું બોલાય ખરું, એક ફેમિલીમાં ?

પ્રશ્શનકર્તા : કઢી ખારી હોય તો ખારી કહેવી જ પડે ને.

દાદાશ્રી : પછી જીવન ખારું જ થઈ જાયને. તમે ખારી કહીને સામાને છે તે અપમાન કરો છો. એ ફેમિલી ના કહેવાય !

'કઢી ખારી કરી' એમ બોલીએ,

આપણે શું નોટિસ બોર્ડ છીએ ?

પ્રશ્શનકર્તા : એ અંતરતપને ?

દાદાશ્રી : ત્યારે અંતરતપ એ જ ને. બીજું કયું ? મોક્ષે જવું હોય તેને અંતરનું તપ કરવું પડે. મીઠું વધારે પડ્યું એટલે આપણે અંતરતપ કરી એને ખઈ લેવાનું. પછી પેલા પૂછે... પેલા ખાય ને ત્યારે પૂછે કે તમને મીઠું વધારે પડ્યું હતું તે ખબર ના પડી ? ત્યારે કહીએ, ખબર પડી હતી, પણ તમને ખબર પડે એટલા માટે જ અમે આ ના કહ્યું. તમને ખબર પડશે, તે વળી મારે કહેવાની જરૂર શું છે ? હું કંઈ નોટિસ બોર્ડ છું ? કહીએ !

દાળમાં મીઠું ઓછું છે તે નોટિસ બોર્ડ ઉપર આવી ગયું. પછી, ઘડીવાર શાંતિ ના રહે. આ કાળનો હિસાબ તો જુઓ. આ કેવો કાળ ધમધમતો કાળ છે, સળગતો કાળ છે. અને એમાં પાછા, 'આ મીઠું કેમ વધારે નાખ્યું છે ?' ઓહોહો ! આ મીઠા ના ખાવાવાળા ! સતયુગમાં ખાવું હતુંને નિરાંતે, અત્યારે શું કરવા ખાવા આવ્યો છું મૂઆ ! અત્યારે ખઈ લે ને પાંસરો, નહીં તો હમણે થાળી બહાર મૂકી આવીશ. મીઠું વધારે કેમ નાખ્યું, એનું અહિત કાઢે પાછું ! અત્યારે તો જેમ તેમ કરીને ખઈ લે. પતાવી દેવાનું કામ. રાત બગડે નહીં એટલું હિસાબ ચોખ્ખો કરવો. નહીં તો વધારે ભાંજગડ થાય તો રાત બગડી જાય, તે બેન આમના ફરીને સૂઈ જાય, આપણે આમ ફરીને સૂઈ જઈએ, તે આપણને ઉત્તર દેખાય ને એમને દખ્ખણ દેખાયા કરે. મેળ જ ના પડે આનો ! એટલે જેમ તેમ કરીને પાંસરું કરવું પડે.

ખોડ કાઢવાનું અક્કરમી કરે,

ભૂલ કાઢો ત્યાં એ ભડકી મરે !

પ્રશ્શનકર્તા : પોતાના માણસ હોય તો કહેવાયને, બીજાને થોડું કહેવાય ?

દાદાશ્રી : એટલે પોતાના માણસને ગોદા મારવા !

પ્રશ્શનકર્તા : કહીએ તો બીજીવાર સારું કરેને એમ.

દાદાશ્રી : એ સારું કરે કે ના કરે. એ વાત બધી ગપ્પાં છે. શા આધારે થાય છે ? એ હું જાણું છું. નથી બનાવનારના હાથમાં સત્તા. નથી તમારા કહેનારના હાથમાં સત્તા. આ બધું સત્તા કયા આધારે ચાલે છે ? માટે અક્ષરેય બોલવા જેવો નથી.

પ્રશ્શનકર્તા : એવું શા માટે ?

દાદાશ્રી : હાથમાં સત્તા નથી એ !! બનાવનારના હાથમાં સત્તા નથી. સત્તા જુદી જાતની છે. આ તો બધાં ગપ્પાં હં... વાતો કરીએ અને ઠોકાઠોક કરીએ એમાં કશું વળે નહીં કશુંય...

ઊલટો હું કોઈ દહાડો બોલું નહીં. અને સહજ રીતે ચાલવા દઉં. એ ભૂલ થાય કો'ક દહાડો પણ એ કંઈ સહજ રીતે ભૂલ થયેલી હોય છે.

પ્રશ્શનકર્તા : ના, પણ સારું ખાવાનું ના બનાવે તો એવું કહેવું પડે ને ?

દાદાશ્રી : એ સારું શેના આધારે બનાવ્યું હતું, પહેલા આગળ ખાધેલું તે ? કહેવાથી સારું બનાવે છે ?

એટલે હું કેટલાંય વર્ષથી કહેતો નથી, એની મેળે સહજ રીતે નાખે તે જ બરાબર છે. વઢવાની જરૂર નહીં. સ્ત્રીઓને, ખાવા માટે વઢવાની જરૂર નહીં.

ઘણા ફેરે તો ખાવાનું સરસ હોય છે. બીજાને ખવડાવીએ ને તો સરસ લાગે અને તમને તમારી જીભ ખરાબ હોય છે ઘણા ફેરા, પોતાની જીભ છે તે છેતરતી હોય, એવું મારે ઘણા વખત બનેલું, આપણી જીભ ખરાબ હોય ને આપણને ખરાબ લાગે ખાવાનું.

પ્રશ્શનકર્તા : અને જે ખાવાનું આપણી સામે આવે છે, તે કયા આધારે આવે છે ? દરેકને જે રસોઈ પોતાની સામે આવે છે...

દાદાશ્રી : તે આપણો જ હિસાબ, ભોગવનારનો હિસાબ. ભોગવનાર પુણ્યશાળી હોયને તો બહુ સુંદર ખોરાક આવે સામો અને ભોગવનાર જરા અડધો અકર્મી હોય, ત્યાર પછી અવળું આવે તે. એટલે ભોગવનારની ભૂલ છે એમાં. આપણું પુણ્ય અવળું હોયને તો અવળું આવે અને પુણ્ય સવળું હોય તો બહુ સુંદર આવે. એ બનાવે છે તે એના આધીન છે ? એ કંઈ નાખે છે એ એની અક્કલ નથી એ, આપણું પુણ્ય જોર કરે છે. બધા ખાનારનું પુણ્ય જોર કરે છે.

પ્રશ્શનકર્તા : તો દાદા કોના હાથમાં સત્તા છે એ !

દાદાશ્રી : એ સત્તા જુદા હાથની છે. એ તો મારી પાસે વધુ ટાઈમ આવો ત્યારે ખબર પડે. એ સત્તા જુદા હાથમાં છે. એક પરમાણુ, એક રઈ ખાવાની કોઈનામાં સત્તા નથી. આ વર્લ્ડમાં કોઈ એવો જન્મ્યો નથી કે રઈ પોતે ખઈ શકે. સંડાસ જવાની શક્તિ નહીં ને ! એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. અહીંના ડૉક્ટરો ભેગા કર્યા ફોરેનના, એટલે ઊંચા નીચે થવા માંડ્યા કે ભઈ અટકશે ત્યારે ખબર પડશે. ત્યારે કહે યસ, યસ, યસ !

આ વસ્તુ જુદી છે. આ માટે કશું બોલવાનું નહીં. વહુને તો કશું કહેવું જ ના જોઈએ. એ તો વહુ સારી હોય છે કે આપણો દોષ કાઢી બતાવતી નથી.

પ્રશ્શનકર્તા : અમુક જણને મતભેદ નહીં પડે તો આનંદ ના આવેને !

દાદાશ્રી : બળ્યું કકળાટથી જો આનંદ હોય ત્યારે એને કકળાટ કોઈ કહેય નહીં ને !

પ્રશ્શનકર્તા : મતભેદ એ કકળાટ નથી, મતભેદ એટલે તો બસ. આનંદ આવે એમાં !

દાદાશ્રી : ના, કશુંય આનંદ ના આવે. કંટાળી જાય છે. આનંદ તો સોગટાંબાજી રમતા હોય તે ઘડીએ આવે. પછી શેનો આનંદ ?

મૂંગે મોં બધું જમી લે એવા,

ત્યારે ધણી લાગે દેવ જેવા !

એક મતભેદ નહીં પડવા માટે તો કેટલું બધું વિચારી નાખવું પડે ! કારણ કે પડેલો જ નહીં ને ! ના ગમતું લાવીનેય શાક કરે, તોય મારે ખાવાનું. જો રહેવા દઉં તો એ મનમાં એમ કહે કે, નથી ભાવતું આ એટલે ના ગમતું હોય છતાં હું ખઉં. હા, એમને આનંદ થાય એટલા માટે. એમને ત્યાં નહીં, બધેય પણ. ના ગમતું હોય તે હું ખઉં છું તે એટલાં માટે કે સામા માણસને એમ ના લાગે કે આ ના ભાવ્યું. એ કઢી તો ખારી થઈ જાય કો'ક દા'ડો. ના થઈ જાય એવું નહીં.

પ્રશ્શનકર્તા : થઈ જાય.

દાદાશ્રી : આપણી ભૂલ નહીં થતી ?

પ્રશ્શનકર્તા : થાય, થાય.

દાદાશ્રી : એમ એમની ભૂલ થાય તો આપણે મેળ મેળવી લઈએ, ઓછી લઈને જરા પતાવી દઈએ કામ.

પ્રશ્શનકર્તા : દોરવણી આપવા માટે કહેવું પડે કે નહીં ?

દાદાશ્રી : ઓહોહો ! પછી તમારે દોરવણી કોણ આપે ત્યારે ? ધંધામાં રોજ નુકસાન કરીને આવો તે ! તમારી દોરવણી કોણ આપશે ?

પ્રશ્શનકર્તા : અમારી દોરવણી અમારા વડીલો આપી ગયા.

દાદાશ્રી : એ એમનેય એમના મા આપી ગયાં બધુંય કે આવી રીતે ધણીને ચઢાવજે ચક્કરે !!

અને તે આપણે કહેવાની શી જરૂર ? આપણે કહેવું અને નમાલમુડા દેખાવું એના કરતાં નમારમંુડા જ ના દેખાવું એ શું ખોટું ! કહે એ નમાલમુડો દેખાય, કે મૂઓ નમારમૂંડો બોલ બોલ જ કર્યા કરે છે. બોલનાર સારો દેખાય ?

પ્રશ્શનકર્તા : ના દેખાય.

દાદાશ્રી : આપણે કહીએ કઢી ખારી એટલે આડા ચાલે એટલે એક દા'ડો થઈ તેમાં બૂમાબૂમ કરો છો, હું જોઈ લઈશ હવે, કહે છે. એના કરતાં આપણું રીતસર જ ચાલવા દો ને. ગાડું ધીમે ધીમે.

પ્રશ્શનકર્તા : દાદા, આ વાત બહુ આમ નાની લાગે છે, પણ બહુ અગત્યની છે.

દાદાશ્રી : મેં મારે ઘેર અમારા વાઈફની એક દા'ડો ભૂલ કાઢીને, તો બે-ત્રણ દા'ડા પછી મારી ભૂલ એમણે ખોળી કાઢી ત્યારે છોડી. મેં કહ્યું કે આપણે હવે નામ ના લેવું આ લોકોનું.

અને મને તો દેવ જેવા કહેતા હતા એ, હીરાબા. આ તો ધણી દેવ જેવા છે કહે છે. ત્યારે દેવ થવાનું આપણા હાથમાં છેને ! તમને કેવું લાગે છે.

પ્રશ્શનકર્તા : બરાબર છે.

પોતાના કદી કાઢે ના ખોડ,

તૂટ્યા તાર કેમ કરીને જોડ!

દાદાશ્રી : હવે કઢી ખારી થાય તો બૂમાબૂમ ના કરતા, 'કઢું ખારું થયું છે' કરીને ! કઢી ખારી થાય, ત્યારે લોકો શું કરે ? બૂમાબૂમ કરે કે ? નવા જ જાનવરને ? પોતાની વાઈફે કર્યું હોય તેની મહીં ગુનો કાઢે. તે આ મૂઆ ધણી થતાં ન આવડ્યું ! પોતાની વાઈફે કર્યું છે, એમાંય તેં ખોડ કાઢી ! તે ક્યાં પાંસરો મરીશ કહીએ ! અને કહે 'માય વાઈફ' અલ્યા મૂઆ તારી વાઈફ તો ખોડ શું કરવા કાઢું છું ! આ એક જાતની અંદરખાને લડાઈઓ ચાલ્યા કરે છે પછી. અને જીવન, ... પછી યુઝલેસ કરી નાખ્યું છે જીવન ! આ ઈન્ડિયનો, ઈન્ડયનો એટલા બધા વાંકા થાય છે, કે મને મુંબઈના ડૉક્ટરે કહ્યું કે એ તો ગર્ભમાંય વાંકા થાય છે, આડા થાય છે, તે અમારે કાપીને કાઢવા પડે છે. એટલે આ વાંકા થવાથી દુઃખ આવ્યું છે બધું ! સીધા થવાની જરૂર છે.

ભૂલ કોઈની કાઢવાની ના હોય. વાઈફની ભૂલ કાઢવાની ના હોય. વાઈફે ધણીની ભૂલ ના કાઢવાની હોય. સાધારણ ચેતવણી આપવી, કે ભઈ આજે... તેય જમી રહ્યા પછી. આ તો જમતી વખતે મૂઓ બગડે. એટલે બધું આ જ રસ રોટલી હોયને તો એમાં ખાવામાં મજા ના આવે. તમને સમજાય છે મારી વાત, જાગૃતિમાં તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ ! ઘરમાં શાંતિ બિલકુલ રહેવી જોઈએ, અશાંતિ થવી જ ના જોઈએ. અશાંતિ કરવાથી આવતા ભવને નુકસાન કરો છો, આવતો ભવ બંધાય છે, વેર બંધાય છે સ્ત્રી જોડે. કોઈ દહાડો પજવે કે, ધણી પજવે ! હેં ! ... શું કહે છે ?

બધી સ્ત્રીઓ ભાવે ભરથાર,

ન મળો ફરી કો' અવતાર!

કઢીમાં કો'ક દહાડો મીઠું વધારે પડ્યું હોયને તો, આ ખારું દવ કર્યું છે ? ત્યારે મૂઆ રોજ મીઠું બરોબર હોય તોય બોલતો નથી, ને અત્યારે એક દહાડા હારુ કાળમુખો શું કરવા થઉં છું ? કાળમુખો થઈને ઊભો રહ્યો હોય ! રોજ સારું થાય ત્યારે ઈનામ આલતો નથી. ખરો કાયદો શું ? ભોગવનારનો વાંક હોય ત્યારે કઢી ખારી થઈ જાય. એને તો ખારીની ઇચ્છા નથી. કેમ ખારી થઈ ગઈ ? ત્યારે કહે ભોગવનારના ભાગમાં વાંકું છે આજે. એટલે ભોગવે એની ભૂલ છે. કોની ભૂલ છે ? હવે આ ઊંધું સમજીને બધું બાફબાફ કરે. અને તે કચુંબર રાખવાનું તેને બાફે અને બાફવાને કચુંબર કરે, થોડું ના સમજવું જોઈએ ? તમને કેમ લાગે છે ! આ લોકોનું આપેલુ ંલૌકિક જ્ઞાન ન શીખીએ તો માર ખઈ ખઈને મરી જઈએ. એ તો જ્ઞાની પાસે એક કલાક બેઠા હોયને, તો કેટલાય આંકડા મળી જાય. ચાવીઓ મળી જાય. ડાહ્યા થઈ જઈએ.

તું થોડો ડાહ્યો થયો કે ના થયો ? થોડોઘણો ડાહ્યો થયો કે નથી થયો હજુ ? થઈ જવાશેને ? ડાહ્યો ! સંપૂર્ણ ડાહ્યો થઈ જવાનું. ઘેર 'વાઈફ' કહેશે, 'અરે એવા ધણી ફરી ફરી મળજો.' મને એક જણે અત્યાર સુધીમાં કહ્યું એક બેને, 'દાદા, ધણી મળે તો આનો આ જ મળજો' કહે છે. તું એકલી બેન મળી મને. મોઢે બોલે, પણ પાછળથી તો આવડું ચોપડે. મારે ત્યાં નોંધ છે, એક કહેનારી મળી !

સસરો જો રહ્યો ભારમાં,

તો રહેશે વહુ લાજમાં !

બાકી સ્ત્રીને વારે ઘડીએ આડછેટ આડછેટ ના કરાય. 'શાક ટાઢું કેમ થઈ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો', એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ બોલ્યા હોય તો ઠીક છે. આ તો રોજ ? 'ભાભો ભારમાં તો વહુ લાજમાં' આપણે ભારમાં રહેવું જોઈએ. દાળ સારી ના થઈ હોય, શાક ટાઢું થઈ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઈ વખત કે, 'આ શાક રોજ ગરમ હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે.' આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય. એટલે સહુસહુનાં ધ્યાનમાં રાખે. ભાભો ભારમાં તો વહુ લાજમાં પણ ભાભા જ અમારે ત્યાં શું કરતા હતા ? આમ છે તે પહેલાં અમારે ત્યાં રિવાજ હતો, મોટા માણસોની, નાની સ્ત્રીઓ છે તે લાજ કાઢે. એટલે મોઢું ના દેખાડે. આમ ફરીને જાય. અને પેલા લોકોય કપડું ધરી દે, વચ્ચે જતા હોય ત્યારે. પણ પાછા આ ભાભા શું કરે ? આમ કપડું ખસેડીને કોની વહુ ગઈ હતી ? જુએ. એટલે આપણા લોકોએ કહેવત પાડેલી 'ભાભો ભારમાં તો વહુ લાજમાં' નહીં તો વહુ લાજમાં નહીં રહે. વહુ તો શું કહે 'સાઠે બુદ્ધિ બગડી આ ડોસાની' એટલે વાત સમજે તો ઉકેલ આવે. નહીં તો આ બધો મેળ પડે નહીં.

થાળીમાં કાચો ભાત ખારી દાળ,

કર સર્વેનો સમભાવે નિકાલ !

ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું ત્યાં 'સમભાવે નિકાલ' કરજો. કોઈને છંછેડશો નહીં. જે થાળીમાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તોય અમે મહીંથી બે ચીજ ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડો થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને બીજું ખાવાની ચીજ શું કહે છે કે, 'મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.' હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો આપી જાય તોય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ?

પ્રશ્શનકર્તા : ઘટે.

દાદાશ્રી : ઘટે એ વેપાર તો ના કરોને ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ના જ કરાય ને ? મને તો ઘણા ફેર ના ભાવતું શાક હોય તે ખઈ લઉં ને પાછો કહું કે આજ શાક બહુ સરસ છે.

પ્રશ્શનકર્તા : એ દ્રોહ ના કહેવાય ? ના ભાવતું હોય ને આપણે કહીએ કે ભાવે છે, તો એ ખોટું મનને મનાવવાનું ના થયું ?

દાદાશ્રી : ખોટું મનને મનાવવાનું નહીં. એક તો ભાવે છે એવું કહીએ તો આપણા ગળે ઊતરશે. 'નથી ભાવતું' કહ્યું એટલે શાકને રીસ ચઢશે, બનાવનારને રીસ ચઢશે.

અમારે તો ઘરમાંય કોઈ જાણે નહીં કે 'દાદા'ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના 'વ્યવસ્થિત'ના હિસાબે થાળીમાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ.

પ્રશ્શનકર્તા : એ બરાબર કબૂલ. એ હવે અમને સમજણ પડી ગઈ, બરાબર એડજસ્ટ થઈ ગયું.

દાદાશ્રી : વગર કામનું. નહીં તો આપણે એ કરીએ એમાં તો કઢી બગડી જશે. કારણ કે મગજ એમનું ઠેકાણે ના હોય તે કઢીમાં મીઠું-બીઠું વધારે પડી જાયને તો એ ખાઈ લેવું પડે એના કરતાં કહીએ, ના, બહુ સારી છે. મોઢે કહેવામાં શું વાંધો છે !

પ્રશ્શનકર્તા : મોઢે કહે તો પછી વટ જતો રહે ને !

દાદાશ્રી : વટ તો કાઢી નાખવો જ પડશે, પહેલેથી.

પ્રશ્શનકર્તા : આ પુરુષોએ તો વટ કાઢી જ નાખવાનો.

દાદાશ્રી : હા. નહીં તો વટ જશે. વટની જરૂર હોય કંઈ ! જો આ કઢું કર્યું છે, વાંકું બોલીએ તો શું થાય ? એક તો તપેલો હોય અને કઢું ખારું છે, બોલે એટલે ભડકો થાય. એવું ના કહેવાય ! એની જોડે સમાધાન આપણે કરી લેવું જોઈએ, કે મહીં ભગવાન બેઠા છે, તું વઢવાડ ના કરીશ અને હુંય ના કરું. નહીં તો છોકરાં ઉપર અસર થાય ખોટી, એટલે એ છોકરાં જોઈ લે કે શું કરે છે ? આપણે વાંકું ના બોલીએ તો એય મનમાં સમજી જાય. એય કહેશે, 'નથી બોલવું, મારા ફાધર જ બોલતા નથી, ભૂલ કાઢતા નથી.' અને આપણે કહીએ 'આ કઢી બગાડી' તો કઢી કહેશે, બગાડી એમાં મારો શું ગુનો, મૂઆ તું મને વગોવે છે ? કહે છે. એટલે કઢી રીસાય અને ભઈને રીસ ચઢે. છોકરાંને રીસ ચઢે. હવે સરસ જમવાનું હતું તે બધું બગાડ્યું આખું અને પછી અંદર 'કાળમુખો જ છે, નિરાંતે જમવાય ના દીધા. જમતાં પહેલાં મૂઓ બગડ્યો. પછી સાલાને દઝાડ્યો હોય તો વાંધો ન હતો.' ત્યાં સુધી વિચારે પછી ! અને મને બહુ ગમે છે તારી રસોઈ, કહીએ એટલે આપણે છૂટ્યા.

પ્રશ્શનકર્તા : તો રોજ ખારી બનાવે.

દાદાશ્રી : હેં, છો ને બનાવે. એને હઉ ખાવાની છે ને !

પ્રશ્શનકર્તા : બહુ વખાણીએ એટલે એવી ખારી જ, ગઈ કાલ જેવી જ બનાવે.

દાદાશ્રી : એવો ભય રાખવાનો નથી આ જગતમાં ! કોઈ માણસ ચોરી ગયું, એનો એ માણસ ફરી ચોરી જશે એવો ભય રાખવા જેવું છે નહીં જગત અને હિસાબ હશે તો જ ફરી ચોરી જશે, બાકી ચોરાય નહીં. અડાય નહીં એવું આ જગત છે. એટલે નિર્ભય રહેજો બધી વાતમાં.

પ્રશ્શનકર્તા : અને દાદા એવું જો કીધું હોય કે ખારી છે તો બીજે દિવસે મોળી થઈ જાય. કારણ કે એ ઇમોશનલ થઈ જાય પછી.

દાદાશ્રી : વાત ખરી છે, તેટલા માટે તો હું અહીં કોઈ દહાડો જમતી વખતે બોલતો નથી એનું શું કારણ ? કે હું કહું કે જરા મીઠું વધારે છે તો કાલે બીજે દહાડે ઓછું નાખશે. એના કરતાં બોલવાનું નહીં. એટલે એની મેળે રેગ્યુલર રહેશે. કોઈ દહાડોય બોલ્યો નથી.

પ્રશ્શનકર્તા : પણ દાદા આ તો એવી વાત કીધી કે અમારા જેવા જે સાંભળનાર છે તે દરેકના ઘરની અંદર તો શાંતિ શાંતિ થઈ જાય.

દાદાશ્રી : હા શાંતિ શાંતિ થઈ જાય.

પ્રશ્શનકર્તા : કારણ કે આ સિવાય બીજું કંઈ કર્યું જ નથી. સાંજથી સવાર સુધી તેં આમ ન કર્યું, તેં તેમ ન કર્યું, તે આમ કર્યું, તેં તેમ કર્યું.

દાદાશ્રી : પણ એવું હું ભાણા ઉપર બેઠા પછી કોઈ દહાડો બોલ્યો નથી. કારણ કે મારું પેલું વચન એવું ખરુંને, એટલે પછી બીજે દહાડે હાથ ધ્રુજતો હોય કે ઓછું પડશે કે વધારે પડશે, ઓછું પડશે કે વધારે પડશે, તે પછી ઓછું પડી જાય એટલે મારાથી તો અક્ષરેય બોલાય જ નહીં ! અને તમે ના બોલો તો ઉત્તમ.

પ્રશ્શનકર્તા : પણ બોલવાથી તો ફેર પડતો જ નથીને. જે હથોટી એ હથોટી પ્રમાણે જ થાય.

દાદાશ્રી : ફેર પડે નહીં કશું. તે એ મેં જોઈ લીધેલું પાછું. એમ એનો અનુભવ કાઢી લીધેલો. કે આ બધું નકામું જાય છે બોલવાનું તે. રોજ તમે ખોડો કાઢો છો, તે હવે વેર બંધાય છે તે જુદું !

પ્રશ્શનકર્તા : હું કહું કે આ થોડા વર્ષ જીવવાનું, હવે તો કઢી સહેજ ગળી ખવડાય. પણ ના ખવડાવે.

દાદાશ્રી : તે એનું નામ જ ભ્રાંતિ ને ! ફુલિશનેશ જેને કહેવામાં આવે છે. એટલે કકળાટ કર્યા વગર ખઈ જાવને છાનામાના ? ના ખાઈ લેવાય ? કકળાટ, કકળાટ ! રોજ કકળાટ ! પછી આપણો વખત આવેને ત્યારે સ્ત્રી એય ખોડો કાઢવા માટે તૈયારી થઈ ગયેલી હોય ! એ જ્યારે ગાતર ઢીલાં પડશે, ત્યારે હુંય બેસાડીશ કહે એના કરતાં આપણે બદલો ના માંગીએ, તે શું ખોટું ? આપણે એમને વઢીએ નહીં તો એ આપણને કોઈ દા'ડો વઢે નહીં, તે આપણું ગાડું સીધું સરળ ચાલી જાય, આ તો પરસ્પર છેને ? કંઈ ઓછું આપણે લીધે એ રહે છે ? એને લીધે આપણે છીએ ને આપણે લીધે એ છે. પરસ્પર છે. આ તો લોકો કહે છે, ના મારી બાયડી. અલ્યા મૂઆ, નહોય, એ બાયડી, એવું ના બોલીશ મૂઆ, બાયડી અપમાનજનક શબ્દ છે, અમારા પત્ની છે, એમ બોલ. મૂઆ, બાયડી બોલે છે ? અને આ મોટો ધણી બેઠો ! વ્યવહારિક કૉલેજનું કશું જાણતો નથી ને ધણી થઈ બેઠો ! ના ડફળાવાનાં હોય ત્યારે ડફળાવે અને ડફળાવાનાં હોય ત્યારે સમજણ ના પડે. તમારે ત્યાં ધણી થઈ બેસે છે કોઈ ?

આપણે શું અવલંબન લેવાનું, પ્રાપ્તને ભોગવો. અપ્રાપ્તનો વિચાર નહીં કરવાનો. પ્રાપ્ત જે આવ્યું, જેટલું ઠીક લાગે ને એટલું ખાઈને ઊભું થઈ જવું. કોઈને કષાય ઉત્પન્ન ના થાય એવું વાતાવરણ રાખવું. આપણા નિમિત્તે કોઈને કષાય ના થાય, એવું આપણું નિમિત્ત રહેવું જોઈએ. અને કોઈ માણસ કહેશે ભઈ, તો જગત સુધરે કેમ કરીને ? એ તો જમી રહ્યા પછી ધીમે રહીને કહેવું, કે આજ દાળ છેને, તેમાં જરાક સહેજ મીઠું વધારે પડતું હતું, તમને ગમ્યું ? ત્યારે કહે ના, મનેય લાગ્યું છે. હવે કાલે ફેરફાર સહેજ કરજો કહીએ. પણ મોળી ના થઈ જાય એટલું રાખજો. એ પાછું ચેતવવું જોઈએ. પેલો કિનારો કહેવો પડે. પેલો કિનારો ના કહીએ તો પાછું એ કિનારાની આઉટ ઓફ જતું રહે.

પ્રશ્શનકર્તા : બરાબર છે પણ આ આપે દાદા દ્ષ્ટાંત જે આપ્યું પરમાર્થમાં જો લેવાય તો અમારું તો કલ્યાણ થઈ જાય. આ કંઈ લૌકિકની વાતો આપની પાસે હોતી નથી.

દાદાશ્રી : બરાબર છે. એટલે લૌકિક સમજ જો હોયને તોય બહુ થઈ ગયું, ઘરમાં શાંતિ થઈ જાય. વગર કામની તો અથડામણ એની જ થાય છે બધી !

હીરાબાએ કરી કઢી ખારી,

પાણી રેડીને મેં સુધારી !

એક ફેરો કઢી સારી હતી, પણ જરાક મીઠું વધારે પડેલું એટલે પછી મને લાગ્યું કે આ તો મીઠું વધારે પડ્યું છે, પણ જરાક ખાવી તો પડશે જ ને ! એટલે પછી હીરાબા અંદર ગયાં ત્યાર હોરું મેં પાણી રેડી દીધું જરા, તે એમણે જરા જોઈ લીધું. એ કહે છે, 'આ શું કર્યું ? મેં કહ્યું, 'તમે પાણી સ્ટવ ઉપર મૂકીને રેડો અને હું પાણી નીચે રેડું.' ત્યારે કહે, પણ ઉપર રેડીને અમે ઉકાળી આપીએ. મેં કહ્યું, 'મારે માટે બધું ઉકાળેલું જ છે. મારે કામ સાથે કામ છે ને !' એટલે કઢી ખારી થાય તો આમ આઘાપાછા થાય એટલે જરા પાણી રેડી દઉં ! ત્યારે પછી કોઈક દહાડો ફરી પાછા કહેશે, ફલાણું શાક છે તે ખારું થઈ ગયું હતું તે તમે આજ બોલ્યા જ નહીં ! તે મેં કહ્યું, તમને ખબર ના પડે ! જે એ ખાવાના છે એનું આપણે જણાવીને શું કામ છે તે !

એટલે અમે કશી વાત બોલેલા નહીં, કોઈ જાતનું કશુંય અક્ષરે બોલેલો નહીં. એમની આબરૂ નહીં બગાડવાની કોઈ દા'ડોય. એ મારી ના બગાડે. એટલે બધું આવી રીતે એડજસ્ટમેન્ટ લીધેલા, પહેલેથી. બને એટલો કકળાટ ન થાય. બીજું તો સારી રીતે જીવન ગયેલું.

કોઈ દહાડો બોલ્યા નથી, પચાસ વર્ષથી બોલ્યા નથી કે આ ખારું થઈ ગયું છે. એ તો જે હોય એ ખઈ લેવાનું. ગમે ત્યાં હોય તોય. હમણે થોડું આ નીરુબેનની જોડે વાત કરું કે આ જરા ફેરફાર કરાવો. કારણ કે આ ઉંમરમાં તબિયતની પેલી શરીરની અનુકૂળતા ના હોય ત્યારે કહું કે બેન આનું આમ કરશો. છતાંય જે થઈ ગયું એ તો ચલાવી લેવાનું.

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે પાણી નાખ્યું. એને નથી કહેલું કે આમાં મીઠું વધારે પડ્યું છે, નહીં તો દુઃખ થાય, માટે પાણી રેડ્યું.

દાદાશ્રી : હા, અરે ઘણી ફેરો તો ખીચડી કાચી હોયને, તોય અમે બોલ્યા નથી, ત્યારે લોક કહે છે કે, 'આવું કરશો ને તો ઘરમાં બધું બગડી જશે.' મેં કહ્યું કે, 'તમે કાલે જોજોને.' તે પછી બીજે દહાડે બરોબર આવે.

પ્રશ્શનકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે ક્ષણે ક્ષણે.

દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરું થયું હતું, આ જ્ઞાન એમ ને એમ થયું નથી.

પ્રશ્શનકર્તા : એવા બીજા અનુભવો કહોને આપ.

દાદાશ્રી : બહુ અનુભવો થયેલા કેટલા કહું તમને ?

પ્રશ્શનકર્તા : જેટલા યાદ આવે એ.

દાદાશ્રી : એ તો વાત અહીં નીકળે ત્યારે સાચું. આ તો ટેપરેકર્ડ છે, તે નીકળે ત્યારે નીકળે. નહીં તો ના નીકળે.

પ્રશ્શનકર્તા : નીકળે તો નીકળવા દો. સાંભળીને બધાને બહુ આનંદ થાય છે.

દાદાશ્રી : હા, આનંદ તો થાય ને. પણ આમાં એવું છેને કે આ બધી જાગૃતિ આવવી જોઈએ. આમ પોલંપોલ કેમ ચ

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12