ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૨૩)

વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ

પત્ની સાથે મોક્ષ એક શરતે,

દવા પીવી જો બેને તાવ વર્તે!

પ્રશ્શનકર્તા : શુદ્ધાત્માસ્વરૂપ થાય પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કરવો કે નહીં ? અને તે કેવા ભાવે ? અહીં સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : આ વ્યવહાર તો તમારે પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય, એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને છોકરાં જોડે તમને કહે 'પપ્પાજી' તો કહે, 'હા, બાબા ચાલ તારું...' 'પપ્પાજી' કહે તો એને ના, ના કહી દેશો. આપણે ખુશી થઈને, રાજીખુશીથી કહેવું, 'ચાલ, હું આવું છું.' 'પપ્પાજી' કહેવાનો એનો ધર્મ છે ને એ આપણે 'પપ્પાજી'એ એને એનકરેજ (પ્રોત્સાહન) કરવું જોઈએ. વ્યવહાર છે ને ? અને સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ આપણાથી. તમને કેમ લાગે છે ? કેવો વ્યવહાર કરવાનો ? એને દુઃખ ન થાય તેવો. બની શકે કે ના બની શકે ? હા, સ્ત્રી પૈણેલાં છે તે સંસાર વ્યહાર માટે છે, નહીં કે બાવા થવા માટે. અને સ્ત્રી પાછી મને ગાળો ન દે કે, 'આ દાદાએ મારો સંસાર બગાડ્યો !' સમજ પડીને ? હું એવું નથી કહેવા માંગતો. હું તમને કહું છું કે, આ જે 'દવા' (વિષયસંબંધ) છે એ ગળપણવાળી ગળી દવા છે માટે પ્રમાણથી લેજો. ગળી છે માટે વધુ પડતી પી પી ના કરશો. દવા હંમેશાં જેમ પ્રમાણથી લઈએ છીએ એવી રીતે પ્રમાણથી લેજો.

ગળી લાગે એટલે પી પી કરવી એવું કંઈ કરાય ? જરા તો વિચાર કરો. શું નુકસાન થાય છે ? ત્યારે કહે છે કે, જે ખોરાક બધો ખાય છે એનું બ્લડ થાય છે, બીજું બધું થતાં થતાં છેવટે એનું રજ અને વીર્યરૂપે થઈ ખલાસ થઈ જાય છે. લગ્નજીવન દીપે ક્યારે ? કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન. (આ માત્ર દવા જ છે) મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, એટલે સંયમી પુરુષની જરૂર છે. આ બધા જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જોઈએ ! આ બધા જે આગળ રામ-સીતા ને એ બધા થઈ ગયા, તે બધા પુરુષો સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવા ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં પાંચ પાંચ લાખ જીવ મરી જાય છે, વન ટાઈમમાં, તો નહીં સમજણ હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ? ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?

એટલે અમે કહ્યું કે સ્ત્રીનો વાંધો નથી, પણ એવી શરતે બેઉને સંપ અને સમજપૂર્વક ઊભું કરો. ગળી દવા હોય એટલે રોજ પીવાની ? કે ડૉક્ટરે કહ્યું એટલી જ ? ડૉક્ટરે કહ્યું કે ભઈ, હલાવીને પીજો, તો એ એણે પીધી હોય. એ કહી હોય એટલા વખત પીવાની. એ તો રોજ બે-બે ત્રણ વખત દવા પીએ, એના જેવું આ લોકોએ કરી નાખ્યું છે ને ? અને ખરેખર દવા એ ગળી નથી.

પ્રશ્શનકર્તા : આ પણ આટલી જ દવા પીવી એ કંઈ આપણા કાબૂમાં છે ? એ ડોઝ કાબૂમાં રહેતો ના હોય તો શું કરવું ?

દાદાશ્રી : કાબૂમાં કશું રહેવાનું નહીં. ના કાબૂમાં હોય એવી વસ્તુ જ નથી હોતી આ દુનિયામાં. પણ દવા મીઠી છે માટે પી પી કરીએ એનો શો અર્થ ? એટલે આમાં સ્ત્રીમાં દોષ નથી, તાવમાં દોષ નથી, તાવ ના ચઢ્યો હોય ને દવા પીએ તેનો દોષ છે. એટલે આ બધી જોખમદારી સમજજો. આપણી વાત બાંયધરીપૂર્વકની છે અને તરત અનુભવમાં આવે એવી વાત છે ! અને આવું સહેલું હોય તો પાળવું જોઈએ ને ? કે એમાં કશો વાંધો આવે છે ?

પ્રશ્શનકર્તા : અમારે ઊંચે ચઢવું છે માટે પાળવું જ છે.

દાદાશ્રી : તાવ ચઢે તો પીજો. એ તો ડાહ્યા માણસનું જ કામ હોય ને ? એટલે આ અમારું થર્મોમિટર મળ્યું છે. એટલે અમે કહીએ છીએને, કે સ્ત્રી સાથે મોક્ષ આપ્યો છે ! આવી સરળતા કોઈએ નથી આપી. બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદ્ઉપયોગ કરવો હોય એ કરજો ! અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે. ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે !!

તમને સમજાયું ને, આ ભૂલ ક્યાં છે, કેવી થયેલી છે ? અને ભૂલ તો ભાંગવી પડશે ને ? પ્રારબ્ધમાં હોય તે ભોગવવાનું, પણ ભૂલ તો ભાંગવી જ પડે ને. ભૂલ ભાંગવી ના પડે ?

પ્રશ્શનકર્તા : ભાંગવી પડે, દાદા.

દાદાશ્રી : જો કેવી ડાહી છે ત્યાર પછી.

પ્રશ્શનકર્તા : હા, દાદા. એતો બહુ સારા હતા, મેં કચકચ કરીને બગાડી નાખેલા. હવે બધું પાછું સીધું થાય છે. તમારી કૃપા થઈને એટલે. આ તો બધાની હાજરીમાં કહી દઉં.

દાદાશ્રી : બરોબર !

એટલે આ બધું સમજવું પડે, એમ ને એમ ગપ્પું ચાલતું હશે ? કેવો બાબો ને બેબી છે, હવે શું કામ આપણે.... સારા સંપીને ફ્રેન્ડશીપ જેમ રહીએ ! પ્રારબ્ધમાં ઉદય હોય તો, બેઉ જણને તાવ ચઢ્યો હોય તો દવા પીવો, એવું કહું છું હું. હું ખોટું કહું છું કે તમારો વિરોધી છું હું કંઈ ? બધું વિચારીને લખેલું છે ને મેં.

પ્રશ્શનકર્તા : બરાબર છે. સાચી વાત છે.

દાદાશ્રી : આ અમારું જ્ઞાન કેવું સરસ છે ? એટલે મેં તમને સ્ત્રી સાથે રહેવા દીધા, નહીં તો બીજો હોય તો કહેશે, 'હેંડો ચાલો બાવા થઈ જાવ.'

વિષય માત્ર દાવા કરે કરારી,

જીવતા પરિગ્રહે, વેર લાચારી!

આ ઝઘડાના લીધે બધા દાવો માંડે. પેલાનો પૂરો થાય ત્યાં સુધીમાં પેલી દાવો માંડે, પાછો પેલો દાવો માંડે. પાંચ ડૉલરની આટલી જલેબી વેચાતી લાવ્યા ને એમાંથી પાંચ-દસ કકડા ખાઈને પછી ના ખાધી, તો એ જલેબી તમારા પર દાવો માંડે ખરી ? મને લાવ્યા ને કેમ ના ખાધી, એવું કહે ?

પ્રશ્શનકર્તા : ના કહે.

દાદાશ્રી : સારું સિનેમા જોવા ગયા. પેલું જીભનું હતું તે જીભનો ક્લેમ માંડે નહીં. સિનેમા જોવા ગયા આંખનું અને અધવચ્ચેથી આપણે ઊઠી જઈએ તો એ કંઈ ક્લેમ માંડે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : ના માંડે, નહીં ? તો આપણે કંઈ સાંભળવા ગયા પ્રવચન અને ત્યાં અધવચ્ચે ઊઠી જઈએ તો કોઈ ક્લેમ માંડે ?

પણ આ એક વિષય એવો છે કે જે સ્ત્રીનો અને પુરુષનો જે વિષય છે એમાં આપણે કહીએ કે ના ભઈ, હવે મારે નહીં ઇચ્છા, ત્યારે કહે, ના ચાલે. ત્યાં તો દાવો માંડશે. આ એક જ એવું છે કે સામો દાવો માંડે એવું છે. માટે અહીં સાચવીને કામ કાઢી લેવું. તમને સમજાયું, દાવો માંડે એવું ? એનો જ ગૂંચવાડો ઊભો થયો છે બધો. માટે એ એકલો જ ભોગ એવો છે કે બહુ દુઃખદાયી છે.

આ જીવતો પરિગ્રહ છે. એટલે આમાં દાવો માંડે, વેર હઉ બાંધે. ઘણા પુરુષોએ સ્ત્રીઓને સળગાવી મેલી છે. સ્ત્રીઓ ઘણા પુરુષોને કંઈક ઝેર આપી દે છે. આ બધું વેર બાંધે ત્યારે ને ! અને જલેબી એવું ના કરે બિચારી. આઇસ્ક્રીમ કશું ના કરે. એટલે હું બધાને કહું છું આઇસ્ક્રીમ-જલેબી ખાજો પણ અહીં જરા ઓછું ધ્યાન રાખજો. બહુ સપડાશો નહીં. સ્ત્રીઓને પુરુષો છે તે વાંધાજનક છે. અને પુરુષોને સ્ત્રી, બેઉને વાંધાજનક છે. આ ! જીવતો પરિગ્રહ !

પ્રશ્શનકર્તા : તે જલેબી તો એકલી ખવાય જ, પણ સ્ત્રી તો બધું કામ કરી આપે. એકલી સિનેમા થોડી લઈ જાય. બધું બીજું બી કરે ને ! મોટેલ ચલાવે ને !

દાદાશ્રી : એ તો બીજો માણસ રાખીએ તો ચલાવે ને ! વિષય દુઃખદાયી છે, આ વિષય !

જ્ઞાની પુરુષને બધી જ જાગૃતિ એટ એ ટાઈમ રહે. એટલે વિષય ઉપર વિચાર જ ના આવે. છતાં આટલું બધું જાણ્યા છતાંય વિષય થાય છે. તે પૂર્વપ્રેરિત થાય છે, પૂર્વનો ઉદય છે. પૂર્વના આધારે છે. સમજીને કરવું. બીજું જાણી-બુઝીને કરવાનું ના ગમે તોય શું કરીએ પણ, ક્યાં જઈએ હવે ! સંસાર પોતે જ જેલ છે ને !

વિષયસુખ તો આખું જગત, જીવમાત્ર માની રહ્યા છે. એક ફક્ત અહીં આગળ ત્યાગીઓ છે અને ત્યાં દેવોમાં સમકિત દેવો છે, આ બે જ લોકો છે તે વિષયસુખમાં માનતા નથી. જાનવરોય વિષયને સુખ માને છે. પણ એ જાનવરો તે બિચારાં, એ છે તે કર્મના આધીન ભોગવે છે. એમને એવું કંઈ એ નથી કે અમારે કાયમને માટે આવું જોઈએ જ. અને મનુષ્યો તો કાયમને માટે જ. ધણી પરદેશ ગયો હોય તો વહુને ના ગમે. વહુ છે તે પિયરમાં ગઈ હોય છ-બાર મહિના તો વેષ થઈ પડે. કારણ કે સુખ એણે માન્યું છે એમાં. શેમાં માન્યું છે ? આ ત્યાગીઓને શાથી એમાં દુઃખ લાગ્યું હશે ? શું એમાં સુખ નથી ?

સજે શણગાર વીંધવા નર;

ફ્રેંચ કટ, શૂટ ઉદ્દેશ નાર !

આ જગતમાં બીબીને ઉદ્દેશમાં રાખીને જ આ બધું ફ્રેન્ચ કટ ને ફલાણું કટ ને બધું કર કર કર્યું છે. અને આ સાડીઓ પહેરે છે તે પેલા બીબાના ઉદ્દેશ રાખીને કરે છે. બસ, આ જ વ્યાપાર માંડ્યો છે.

પ્રશ્શનકર્તા : આપે તો આ નગ્ન સત્ય કહી દીધું ?

દાદાશ્રી : હા, તે નગ્ન સત્ય તો બોલવું જ પડશેને એક દહાડો ! ક્યાં સુધી ઢાંક ઢાંક કરવું ? અને એમાં દહાડો ક્યારે વળશે ? કંઈક સાચું તો કહેવું પડશે ને ? ભગવાને કહ્યું છે કે જો નગ્ન સત્ય બોલતાં આવડતું હોય અને એમાંથી કોઈનેય દુઃખ ના થતું હોય તો બોલજો. નહીં તો વ્યવહારમાં નગ્ન સત્ય બોલાય નહીં કારણ કે લોકોને દુઃખ થશે. અમારી વાણીથી કોઈનેય દુઃખ ના થાય. અમારી વાણી પ્રેમાળ હોય. નગ્ન સત્યને બહાર પાડે અને કોઈનેય દુઃખ ના કરે એવી પ્રેમવાળી વાણી હોય. આવું અમે કહીએ તો એ બહેનોને દુઃખ ના થાય. આ બીબી અને આ બીબા અનાદિથી આ જ વ્યવહારમાં ડખો છે ને ? અને તેથી પોતાનું ભગવાનપણું ખોયું છે. પોતાનું પરમાત્મપણું ખોયું છે. અંદર પાર વગરની અનંત શક્તિઓ છે. પણ બધી ખલાસ થઈ ગઈ છે. બાકી આપણું તો પરમાત્મ સ્વરૂપ છે !

વિષય સાથે મોક્ષ શક્ય જ્ઞાને;

અટકે ઋષિ એક પુત્રદાને !

બધા ધર્મોએ ગૂંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. અલ્યા સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉં ? મને ખાવાનું કોણ કરી આલે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ?

પ્રશ્શનકર્તા : એટલે એકબીજાને પૂરક છે.

દાદાશ્રી : હા, પૂરક છે બધું ! 'પરસ્પર દેવો ભવ' એટલે બાયડી છોડી દો તો મોક્ષ મળશે ? એવું કહે તો બાઈડીએ શું ગુનો કર્યો છે ?

પ્રશ્શનકર્તા : અને બાઈડીઓય એમ કહે ને, કે અમારેય મોક્ષ જોઈએ, અમારે તમે નથી જોઈતા.

દાદાશ્રી : હા, એવું જ બોલે ને ! આપણો ને આ બઈનો બેઉનો સહિયારો વેપાર.

લગ્નજીવનને વખાણ્યું છે એ લોકોએ. શાસ્ત્રકારોએ લગ્નજીવનને કંઈ વગોવ્યું નથી. લગ્ન સિવાય બીજું ઈતર જે ભ્રષ્ટાચાર છે તેને વગોવ્યો છે. ભ્રષ્ટાચારને વગોવ્યો છે. અને લગ્નજીવનેય છે તે ક્યાં સુધી કામનું કે જ્યાં સુધી બન્નેનું માન સચવાય ત્યાં સુધી, પ્રેમ સચવાય, મન સચવાય.

સ્ત્રી જોડે તો, ધર્મને માટે આગળ વધવા માટે સ્ત્રી કરવાની છે, બેઉ સાથે રહે, આગળ વધે. પણ એ વિષયરૂપ થઈ ગયું. તે આગળ વધવાનું તો ક્યાં ગયું પણ વઢંવઢા કરે છે. સ્ત્રી હોય અને વિષય ન હોય તો વાંધો જ નથી. હા, આપણા ઋષિ-મુનિઓ પૈણતાને ! એક-બે, એક બાબો ને એક બેબી એટલે બસ. બીજું કંઈ નહીં. પછી ફ્રેન્ડશીપ. આવું જીવન જીવવાનું છે.

પ્રશ્શનકર્તા : વિષય છોકરાની ઉત્પત્તિ પુરતો જ હોવો જોઈએ ? કે પછી બર્થ કંટ્રોલ કરીને વિષય ભોગવાય ?

દાદાશ્રી : ના, ના. એ તો ઋષિ-મુનિઓના વખતમાં, પહેલાં તો પતિ-પત્નીનો વ્યવહાર આવો ન હતો, ઋષિમુનિઓ તો પૈણતા હતા, તે લગ્ન જ કરવાની ના પાડતા હતા. એટલે આ ઋષિપત્નીએ કહ્યું, કે તમે એકલા, તમારે સંસાર સારી રીતે ચાલશે નહીં, પ્રકૃતિ સારી રીતે થશે નહીં, માટે અમારી પાર્ટનરશીપ રાખો સ્ત્રીની, તો તમારી ભક્તિય થશે અને સંસારેય ચાલશે. એટલે એ લોકોએ એકસેપ્ટ કર્યું, પણ કહે છે અમે સંસાર તારી જોડે માંડીશું નહીં. ત્યારે એ લોકોએ કહ્યું, કે ના, અમને એક પુત્રદાન અને એક પુત્રીદાન બે દાન આપજો ફક્ત. તે એ દાન પૂરતો જ સંગ, બીજો કોઈ સંગ નહીં. પછી અમારે તમારી જોડે સંસારમાં પછી ફ્રેન્ડશીપ. એટલે એ લોકોએ એકસેપ્ટ કર્યું અને પછી છે તે ફ્રેન્ડશીપની પેઠ જ રહેતા હતા. પછી પત્ની તરીકે નહીં. એ બધું ઘરનું કામ નભાવી લે, આ બહારનું કામ નભાવી લે, પછી બન્ને ભક્તિ કરવા બેસે સાથે. પણ અત્યારે તો બધું, ધંધો જ બધો આખો એ થઈ ગયો. એટલે બધું બગડી ગયું બધું. ઋષિમુનિઓ તો નિયમવાળા હતા.

અત્યારે એક પુત્ર કે પુત્રી માટે હોય લગ્ન, તો વાંધો નથી. પછી મિત્રચારીની પેઠ રહે. પછી દુઃખદાયી નહીં. આ તો સુખ ખોળે પછી તો એવું જ ને ! દાવા જ માંડે ને ! ઋષિમુનિઓ બહુ જુદી જાતના હતા.

આજે બ્રહ્મચર્ય એક પત્નીવ્રત,

બીજે દ્ષ્ટિ અણીશુદ્ધ એ શર્ત!

પ્રશ્શનકર્તા : આપણા ધર્મમાં એક જ પત્નીનો ફાયદો છે, પણ આપણે ત્યાં કેટલાક રાજાને ત્રણ પત્નીઓ કેમ હતી ?

દાદાશ્રી : એવું છે ને કેટલાક તો ત્રણ પત્ની રાખતા અને ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત અને તે ચક્રવર્તી હતા, એમને તેરસો રાણીઓ હતી. એટલે આપણું ધર્મશાસ્ત્ર શું કહે છે કે લગ્ન કરજો, પણ દ્ષ્ટિ ના બગાડશો. અને એક લગ્નથી તમને સંતોષ ન રહેતો હોય અને બીજી કોઈ સ્ત્રી પર દ્ષ્ટિ જતી હોય તો બીજી પૈણજો. ત્રીજી પર દ્ષ્ટિ જતી હોય તો ત્રીજી પૈણજો. પણ દ્ષ્ટિ ના બગડેલી રાખજો. તે મુસ્લિમોને તેથી કહ્યું, એ કુરાનમાં કે ચાર પૈણજો. પણ કોઈ પર દ્ષ્ટિ ના બગાડીશ. આ દ્ષ્ટિ બગડવાથી ભયંકર રોગો ઊભા થયા છે.

પ્રશ્શનકર્તા : આપણામાં તો એક જ કહ્યું છે અને પહેલાં તો ત્રણ-ત્રણ એવું કેમ છે ?

દાદાશ્રી : તમનેય કહું છું કે, તમારી શક્તિ જોઈએ. એકની જોડે તો વઢંવઢા કરો છો એટલે પછી એક જણ તો હતો તે પછી બીજી પૈણી લાવ્યો. તે મેં એને પૂછ્યું કે, ભઈ હવે શું કરો છો તમે બે વાઇફ અને તું શું કરું છું ? આ તો ચાલીસ વર્ષની વાત કરું છું હું, આજની નહીં. ત્યારે એ કહે, 'નવી કરે રોટલા અને જૂની કરે દાળ, બંદા બેઠા બેઠા કઢી હલાવે, ત્રણેવ હારંહાર ! શક્તિ હોય તો કરોને. નિવેડવાની શક્તિ જોઈએ. એકને ન પહોંચી વળે ને આમ બૂમો પાડે પછી !

એક પત્નીવ્રત પાળશો ને ? ત્યારે કહે 'પાળીશ', તો તમારો મોક્ષ છે ને બીજી સ્ત્રીનો સહેજ વિચાર આવ્યો ત્યાંથી મોક્ષ ગયો. કારણ કે એ અણહક્કનું છે. હક્કનું ત્યાં મોક્ષ અને અણહક્કનું ત્યાં જાનવરપણું.

પાછું વિષયની લિમિટ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષના વિષય ક્યાં સુધી હોવો જોઈએ ? પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ. અને વખતે એનો વિચાર આવે તો એને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જોઈએ. મોટામાં મોટું જોખમ હોય તો આટલું જ, પરસ્ત્રી અને પરપુરુષ ! પોતાની સ્ત્રી એ જોખમ નથી. હવે અમારી આમાં કશી ક્યાં ભૂલ છે ? અમે વઢીએ છીએ કોઈ રીતે ? એમાં કશું ગુનો છે ? આ અમારી સાયન્ટિફિક શોધખોળ છે ! નહીં તો સાધુઓને એટલે સુધી કહ્યું છે કે સ્ત્રીની લાકડાની પૂતળી હોય તેને પણ જોશો નહીં. સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ બેસશો નહીં. પણ મેં એવો તેવો ડખો નથી કર્યો ને ?

આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ !

પ્રશ્શનકર્તા : એક પત્નીવ્રત કહ્યું તે સૂક્ષ્મથી પણ કે એકલું સ્થૂળ ? મન તો જાય એવું છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવા પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત.

હવે આખી જિંદગી બીજે મન ના બગડ્યું, તો તારું ગાડું સારું જશે.

જેમ પોતાની સ્ત્રી હોય, એવી દરેકને પોતાની સ્ત્રી હોય. દરેક છોકરીઓ કો'કની સ્ત્રી થવા માટે જ જન્મેલી હોય છે. એ પારકો માલ કહેવાય. કોઈની સ્ત્રીને બીજી રીતે જોઈ શકાય નહીં, ભૂલથી જોવાઈ જાય પાછલા સંસ્કારને લીધે તો પ્રતિક્રમણ કરવું જોઈએ. આટલું જ સાચવવાની જરૂર છે.

અણહક્કના વિષયે નર્ક મળે;

તુર્ત પ્રતિક્રમણથી બી ન ફળે !

જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે અને તું ત્યાગી હોઉં તો તારી વિષય તરફ દ્રષ્ટિ જ ના જવી જોઈએ ! અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઈચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક એ બે વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન (ભેદરેખા) તો હોવી જોઈએ ને ? અને એ ડિમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં ! તોય પણ લોક ડિમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને ? એને જ પાશવતા કહેવાય. હક્કનું ભોગવવાનો વાંધો નથી.

પ્રશ્શનકર્તા : પણ હક્કનું કોને કહેવું અને અણહક્કનું કોને કહેવું ?

દાદાશ્રી : આપણા પોતાના હક્કની ચીજ તો દરેક માણસ સમજે. આ મારું ને આ પારકું, એ તરત બધા સમજી જાય. મારી પથારી કઈ, મારું ઓશીકું કયું, એ બધું નાનું છોકરુંય સમજી જાય. મારી જમવાની થાળી આવે તો, હું મારી મેળે મહીં જે મૂક્યું હોય તે બધું ખાઉ, તે હક્કનું કહેવાય. તો કોઈ બૂમ ના પાડે, કોઈ વાંધો ના કરે, કોઈ દાવો ના કરે. આપણામાં લગ્ન કરાવે છે, તે લગ્ન કરાવે એટલે આ તમારા બેઉનું હક્કનું છે. એનો ભગવાનને વાંધો નથી, પણ અણહક્કનું હશે તો વાંધો છે. કારણ કે અણહક્કનું એટલે બીજાના હક્કનું એણે લૂંટી લીધું. ચોર તો સારા કે લક્ષ્મી જ લૂંટી જાય, પણ આ તો બીજી જ વસ્તુઓ લૂંટી જાય. પછી કહેશે મારે મોક્ષે જવું છે. અલ્યા મોક્ષે જવાનો આ માર્ગ જ નહોય, આ ઊંઘો જ રસ્તો લીધેલો છે. અણહક્કનું ભોગવી લે છે કે નથી ભોગવતા ? ભોગવે છે. અને પાછા ચોરીછૂપીથી નહીં, રોફથી ભોગવે છે.

પ્રશ્શનકર્તા : જાણે છે છતાંય અણહક્કનું ભોગવવાનો પ્રયત્ન કરે છે !

દાદાશ્રી : તેથી જ આ દુઃખ છે ને ! તેથી જ આ સંસાર ઊભો રહ્યો છે. સંસારમાં સુખ જોઈતું હોય તો અણહક્કનું ભોગવશો નહીં. અણહક્કનું ભોગવે એમાં હું સુખી છું એમ મનથી માને એટલું જ છે. બાકી, એમાં 'સેફ સાઈડ' નથી. અને હું જે વાત કરું છું એ તો કાયમને માટેની 'સેફ સાઈડ' છે.

ઘેર હક્કની સ્ત્રી હોય તો પણ બહાર બીજે દ્ષ્ટિ બગાડે છે પાછી ! હક્કનું ભોગવે ! બીજે અણહક્ક પર દ્ષ્ટિ જ કેમ જાય ? પોતાને જે પરણેલી છે તે સિવાય બીજે બધે આખી જિંદગી દ્ષ્ટિ બગડવી જ ના જોઈએ ! હક્કનું છોડીને બીજી જગ્યાએ 'પ્રસંગ' થાય, તો એ સ્ત્રી જ્યાં જાય ત્યાં આપણે અવતાર લેવો પડે, એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. ક્યાં અવતાર થશે તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કનાં વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય. અણહક્કનું લીધું ત્યારથી જ મનુષ્યપણું જાય. અણહક્કનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. પોતે બીજાનું ભોગવે તો પોતાની છોડીઓ લોકો ભોગવે. આપણે કો'કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો'ક ભોગવે, તેની ચિંતા જ નથી ને ! એનો અર્થ એ જ થયો ને ! અને એવું જ થાય છે ને ? પોતાની છોડીઓ લોકો ભોગવે જ છે ને !! આ બહુ નાલાયકી કહેવાય, 'ટોપમોસ્ટ' નાલાયકી કહેવાય. પોતાને ઘેર છોડીઓ હોય તો પણ બીજાની છોડીઓ જુએ છે ? શરમ નથી આવતી ? મારે ઘેર પણ છોડીઓ છે એવું ભાન રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ

?

આપણે ચોરી કરીએ તો કોઈ બીજો ચોરી કર્યા વગર રહે જ નહીં ને ? જ્યાં અણહક્કના વિષય હોય ત્યાં તે કોઈ રસ્તે સુખી ના થાય. પારકું આપણાથી લેવાય જ કેમ કરીને ?

લોકોએ વિષયની લૂંટબાજી કરી છે. આપણે બધાને નથી કહેતા કારણ કે 'એકસેપ્શન કેસ' બધામાં હોય જ. પણ ઘણો ખરો એવો માલ થઈ ગયો છે કે વિષયોમાં લૂંટબાજી અને અણહક્કના વિષયો ભોગવે છે. હક્કના વિષયની તો ભગવાનેય ના નથી પાડી. ભગવાન ના પાડે તો ભગવાન ગુનેગાર ગણાય. અણહક્કનું તો ના પાડે. જો પસ્તાવો કરે તો પણ છૂટે. પણ આ તો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી ઘોડાગાંઠ મારે, તે કેટલાય અવતાર બગાડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થાય ને છૂટવા માટે અવસર મળે.

પ્રશ્શનકર્તા : આપે એવું કહ્યું છે ને, અણહક્કના વિષયો નર્કે લઈ જાય, એ શાથી ?

દાદાશ્રી : અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય, ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહી લોકોને. એટલે પછી બીતા નથી, ભડકેય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્ય ભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે.

પ્રશ્શનકર્તા : સ્વર્ગ ને નર્ક બે અહીં જ છે ? એ અહીં જ ભોગવવાનું ?

દાદાશ્રી : ના, અહીં નથી. અહીં તો નર્ક જેવી વસ્તુ જ નથી. નર્કનું તો હું વર્ણન કરુંને એ માણસ સાંભળે, તો સાંભળતાં જ મરી જાય એટલાં દુઃખો છે ! ત્યાં તો જેણે ભયંકર ગુના કર્યા હોય તેને પેસવા દે ! અહીં તો ઓછાં પુણ્યવાળાને ઓછું સુખ અને વધુ પુણ્યવાળાને વધારે સુખ, કોઈને પાપ હોય ત્યારે એને દુઃખ હોય.

અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થઈ જાય છે. જૂઠું થઈ જાય છે, ચોરી તો આ અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમું પરિગ્રહ, તે આ મોટામાં મોટો પરિગ્રહ છે. હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી, એમ ભગવાને કહ્યું છે !

આસક્તિથી વિષય પછી વેર,

વિષયનું વેર તો ભારે ઝેર !

જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય ત્યાં તો પોલીસવાળો પકડીને લઈ જાય, તેવો વિષય હોય તોય ગુનો ચોંટે છે. એને જે કર્મ ના ગમે, ત્યાં એને 'ના ગમે' એના કર્મ બંધાય અને અને જે કર્મ ગમે ત્યાં તો 'ગમ્યા'નાં કર્મ બંધાય. ના ગમ્યામાં દ્વેષના કર્મ બંધાય, દ્વેષના પરિણામ થાય. આ 'જ્ઞાન' ના હોય તો તેને શું થાય ?

પ્રશ્શનકર્તા : દ્વેષનાં પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ?

દાદાશ્રી : નર્યું વેર જ બાંધે, એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું હોય તોય કર્મ બંધાય અને ગમતું હોય તોય કર્મ બંધાય અને 'જ્ઞાન' હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં.

પ્રશ્શનકર્તા : એટલે એવું જ થયું ને કે વિષયથી જ આ બધો સંસાર ઊભો થઈ જાય છે ?

દાદાશ્રી : વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના 'ફાઉન્ડેશન' પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી ને બટાકા જોડે વેર નથી. એ બટાકાના જીવો છે, બધા બહુ જીવો છે, પણ વેર રાખતા નથી. એ ફક્ત નુકસાન શું કરે કે તમને મગજનું જરા દેખાતું ઓછું થઈ જાય. આવરણ વધારે. બીજું વેર રાખે નહીં. વેર તો આ મનુષ્યમાં આવેલો જીવ રાખે. આ મનુષ્યજાતિમાં જ વેર બંધાયેલું હોય છે. અહીંથી ત્યાં સાપ થાય ને પછી કરડે. વીંછી થઈને કૈડે. વેર બંધાયા સિવાય કોઈ દહાડો કશું બને નહીં.

પ્રશ્શનકર્તા : અત્યારે દેખીતો વિષય સંબંધ ના હોય, પણ કોઈ એક બીજાને વેર ઊભું થતું હોય, તો એ પૂર્વે કંઈક વિષય થયેલો હોવો જોઈએ ?

દાદાશ્રી : વેરમાત્ર પૂર્વભવના ઉદયથી જ હોય.

પ્રશ્શનકર્તા : પણ એ વિષયને લીધે કે વિષય વગર પણ હોય ?

દાદાશ્રી : હા, વિષય વગર પણ હોય. બીજાં બધાં અનેક કારણો હોય છે. લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે, પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે. બહુ ઝેરીમાં ઝેરી આ વિષયનું વેર છે. પૈસાનું, લક્ષ્મીનું, અહંકારનું વેર બંધાયેલું હોય તેય ઝેરી હોય છે બળ્યું !

પ્રશ્શનકર્તા : કેટલા ભવ સુધી ચાલે ?

દાદાશ્રી : અનંત અવતારથી ભટક્યા કરે. બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે અને એ શેકવાનું જાણે નહીં ને ! શેનાથી શેકાય એવું જાણે નહીં ને !!

પ્રશ્શનકર્તા : જ્યાં સુધી શેકવાનું જાણે નહીં, ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું ?

દાદાશ્રી : હા, બસ બીજ પડ્યા જ કરે.

પ્રશ્શનકર્તા : એવું પણ આપે કહેલું કે ચારિત્રમોહ કેટલાક એવા પ્રકારના હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેલે. તો તે કયા પ્રકારનો ચારિત્રમોહ ?

દાદાશ્રી : એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાને ઉડાડી મેલે. એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિષય જો જતો રહે, તો બધું જતું રહે.

પ્રતિક્રમણથી વિષય ઊડે,

અભિપ્રાય ભિન્ન તેથી દ્વેષ ઝરે!

પ્રશ્શનકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ?

દાદાશ્રી : એ તો આપણું આ પ્રતિક્રમણથી, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી.

પ્રશ્શનકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ?

દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી. તપ કરવાથી તો પુણ્ય બંધાય. અને બીજને શેકવાથી ઉકેલ આવે. આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ. વેરથી મુક્ત થઈ જા.

આપણે અહીં તો એક જ કરવા જેવું છે કે વેર ના વધે અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય !!

પ્રશ્શનકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંતકાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ?

દાદાશ્રી : એવું છેને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનોને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે. ત્યાં વેર બંધાય છે.

પ્રશ્શનકર્તા : તે શાથી બંધાય છે ?

દાદાશ્રી : અભિપ્રાય 'ડિફરન્સ' છે તેથી. તમે કહો કે, 'મારે અત્યારે સિનેમા જોવા જવું છે.' ત્યારે એ કહેશે કે, 'ના, આજ તો મારે નાટક જોવા જવું છે.' એટલા ટાઈમિંગ નહીં મળી રહે. જો એક્ઝેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે.

પ્રશ્શનકર્તા : છતાં કો'ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું.

દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો એની સ્ત્રી નિરંતર એને આધીન રહે. એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે.

એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો સમભાવે નિકાલ કરો કહ્યું છે ! અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે.

તમારે વાઇફ જોડે મતભેદ પડતો હતો તે ઘડીએ રાગ થતો કે દ્વેષ ?

પ્રશ્શનકર્તા : એ તો બન્ને વારાફરતી થાય, આપણને 'સ્યુટેબલ' હોય તો રાગ થાય ને 'ઑપોઝિટ' હોય તો દ્વેષ થાય.

દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે. અભિપ્રાય એકાકાર થાય નહીં ને ! કો'ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે, 'હું તમારે આધીન રહીશ. ગમે ત્યાં જશો, ચિતામાં જશો તોય આધીન રહીશ.' એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ! પણ એવું કો'કને હોય. એટલે આમાં મઝા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો. હવે મોક્ષે જ જવું છે જેમ તેમ કરીને. ખોટ-નફાનાં બધા ખાતાં નિકાલ કરીને, માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે.

ઉછીનું સુખ રી-પે કરવું પડે;

વિષય માટે આજીજી, વેર ફળે !

એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, લોન ઉપર. અને લોન એટલે 'રી-પે' (ચુકવણી) કરવી પડે છે. જ્યારે લોન રી-પે થઈ જાય પછી તમારે કશી ભાંજગડ હોતી નથી. તમને વસ્તુઓ ભેગી થાય છે તે વસ્તુમાંથી સુખ નથી આવતું. તમે એ સુખ લો એટલે એ લોન લીધા બરાબર છે. એ લોન તમારે રી-પે કરવી પડશે.

આત્મા પાસે સુખ નથી ભોગવતા અને પુદ્ગલ પાસે સુખ માંગ્યું તમે. આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પુદ્ગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ લોન છે. જેટલી મીઠાશ પડે છે, એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ પુદ્ગલ પાસે લોન લીધેલી છે. તે એને 'રી-પે' કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદ્ગલ પાસેથી લીધેલું હોય એટલે પુદ્ગલને જ રી-પે કરવાનું.

પ્રશ્શનકર્તા : પણ લોકો પ્રેમથી પાછી નહીં આપતા હોય ?

દાદાશ્રી : જે વસ્તુ જેણે લીધી છે એ છોડવાની તો એને પોતાને ગમે જ નહીં. એટલે દરેક વસ્તુ રી-પે કરવામાં ભયંકર દુઃખ હોય.

પ્રશ્શનકર્તા : આમાં સુખ લીધું એનું પરિણામે પેલા ઝઘડા ને કલેશ ?

દાદાશ્રી : આમાંથી જ ઊભું થયું છે આ બધું. અને સુખ કશુંય નહીં. પાછું સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોઢું હોય. જાણે દિવેલ પીધેલો હોય !! એ તો વિચારતાંય ચીતરી ચઢે !

પ્રશ્શનકર્તા : અને નહીં તોય લોકોનાં દુઃખોનાં પરિણામો એટલાં બધાં વિચિત્ર છે તે એ ક્યારે છૂટે ! આટલાં બધાં દુઃખો સહન કરે છે, આ લોકો આટલા સુખને માટે !

દાદાશ્રી : એ જ લાલચ આની ને કેટલાં દુઃખો ભોગવવાનાં !

પ્રશ્શનકર્તા : આખી લાઈફ ખલાસ કરી નાખે છે એમાં. આખું જીવન રોજ એનું એ જ હેમરિંગ, એની એ જ અથડામણ ?

દાદાશ્રી : અત્યારે તો મને કેટલાય કહી જાય છે. આપણા મહાત્માઓ, કે, 'મને કાલાવાલા કરાવડાવે.' ત્યારે મેં કહ્યું, 'મૂઆ, તારો વક્કર જતો રહ્યો, શું કરાવડાવે ત્યારે ? સમજને હજુ, હજુ યોગી થઈ જા ને !' હવે આને ક્યાંથી પહોંચી વળાય ? આ દુનિયાને કંઈ પહોંચી વળાય ?

વિષય-ભીખ લાચાર બનાવે,

સંયમી નર સંસાર દીપાવે !

એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ? દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો, ભાંજગડ તો નહીં ! આ હારું, ચાર વખત સાષ્ટાંગ !

એક માણસ મને ફરિયાદ કરવા આવ્યો મુંબઈમાં અને કહે છે કે પાંચ વખત ફાઈલ નં. ૨ને પગે લાગ્યો ત્યારે મારો સંતોષ થયેલો. મૂઆ, એના કરતાં... આ કઈ જાતનો માણસ, જાનવર છું કે શું મૂઆ ? શું જોઈને મને કહેવા આવ્યો તું ! વિષયની ભીખ મંગાતી હશે ? તમને કેમ લાગે છે ? અલ્યા મૂઆ, પાંચ વખત ! હવે મને સીધું ડિરેક્ટ કહેવા આવ્યો તો મારે વઢવું પડ્યું. પછી મને કહે છે, હવે રસ્તો દેખાડો. ત્યારે મેં કહ્યું, હવે આ છૂટી જાય તે પછી રસ્તો દેખાડાય ! ધીમે ધીમે એ સીધું થઈ ગયું. ઊંધું ચાલે ત્યાર પછી શું થાય ?

મને એવું કહી ગયો કે મારે વિષયની ભીખ માંગવી પડે છે. અલ્યા મૂઆ, વિષયોની ભીખ માગો છો ! કંઈ જાતના છો જાનવર કરતાંય ભૂંડા છો ! વિષયની ભીખ મંગાતી હશે ?! ખાવાની ભીખ ના મંગાય, ભૂખ્યા થયા હો તો કઈ ભીખ મંગાતી હશે ! કંઈ શૂરવીરપણું જોઈએ કે ના જોઈએ ? હવે આટલું બધું અસંયમપણું કેમ પોષાય તે ? તમે ના સમજ્યા મેં વાત કરી તે ?

પ્રશ્શનકર્તા : હા સમજી ગયો.

દાદાશ્રી : આમ જે'જે' હઉ કરે માંગતી વખતે. બળ્યું તારી માંગ ! પાછો ધણી કહે છે હું ધણી થઉં ! અલ્યા મૂઆ, આવો ધણી હોતો હશે ? અયુક્ત લાગતું નથી તમને ?

પ્રશ્શનકર્તા : લાગે છે, દાદા.

દાદાશ્રી : આ યુક્ત વસ્તુ છે ? શોભે માણસને ? એટલે થોડું ઘણું સંયમ હોવો જોઈએ. બધું હોવું જોઈએ. સંયમી માણસે રહેવું જ જોઈએ. સંયમથી તો માણસની શોભા છે. સંયમના માટે શાસ્ત્રકારોએ નાનામાં નાનો સંયમ એ કહ્યો, કે મહિનામાં દસ દહાડા સુધી એને લેટ ગો કરે કહે છે. અને મોટો સંયમ એ કહ્યો કે મહિનામાં ચાર જ વખત જાય. એનો કંઈક નિયમ તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ ? આ મહિનામાં કેટલા દહાડા રજા મેલે છે ?

પ્રશ્શનકર્તા : આઠ દિવસ.

દાદાશ્રી : હા, તે એવું કંઈક નિયમ હોય કે નહીં ?

પ્રશ્શનકર્તા : પણ સંયમ કેવી રીતે રાખવો ?

દાદાશ્રી : આપણે કો'કને ઘેર ગયા હોય અને બહુ ભૂખ્યા હોય પણ એ કહેશે, અહીં તમને જમવાનું નહીં મલે તો તમે કહો કે ભાઈ સાહેબ આપો જમવાનું ! એ જે થવાનું હશે એ થશે પણ અત્યારે ચાલ્યા જાવ. વટવાળા હોયને ! સાવ કંઈ વટ વગરના કૂતરા જેવા છો કંઈ ? પછી જમવા માટે ઉભો હોય પછી ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : હેં, તે એવું આ બધું કંઈ વટ હોય કે ના હોય બળ્યો ! સ્વમાન ફ્રેક્ચર થવા દેવું કે વિષય ફ્રેક્ચર થવા દેવું ? કયું ફ્રેક્ચર થવા દેવું જોઈએ ? ગમે તેવો વિષય હોય તે પણ સ્વમાનને ફ્રેક્ચર કરે તે કામનો શું તે ? બધે એવું થઈ ગયું છે, તમારા ઉપર નહીં, બધે આનું આજ થઈ ગયું છે. ઊંઘ આવે માણસને સારી રીતે, પોતે પોતાનું સ્વતંત્ર જીવન હોય, જીવન પોતાના કંટ્રોલમાં હોય. જે સંયમી પુરુષો છેને, સ્લીપીંગ રૂમ જુદી હોય. હં. જુદી, પહેલેથી જુદી રાખતા નહીં તો પછી મનોબળ લપટું પડી જાય. પછી પેલાને અપમાન સ્વમાનનું ઠેકાણું રહે નહીં.

શાસ્ત્રકારોએ તો એટલે સુધી કહ્યું કે જો તમારે સંયમ સાચવવો હોય તો આ પુરુષ બેઠો હોય તે જગ્યાએ સ્ત્રીએ બેસવું પણ નહીં. અને સ્ત્રી બેઠી હોય ત્યારે પુરુષે બેસવું નહીં. કંઈક નિયમ તો ખોળી કાઢવો પડશે ને ! જીવન જીવવાની કળા તો જોઈએ કે ના જોઈએ !

પ્રશ્શનકર્તા : જોઈએ દાદા.

દાદાશ્રી : કેટલી સરસ નોકરી કરો છો, કેટલું સરસ ભણ્યા છો, શું બાકી રહી જાય છે ? નથી ચોરી કરતા, નથી લુચ્ચાઈ કરતા, નથી કાળો બજાર કરતા તોય પણ શાંતિ મહીં નહીંને, જીવન જીવન નહીં ને !

પ્રશ્શનકર્તા : શાંતિ નથી, રાઈટ !

દાદાશ્રી : એ જીવન જીવવા માટે નથી. એ તમને અહીં બધું બતાડી દઈશું. આ વખતે તમારું કમ્પ્લીટ પૂરેપૂરું સો ટકા પૂરું કરવું છેને !

પ્રશ્શનકર્તા : હા, સો ટકા પૂરું કરવું છે.

દાદાશ્રી : સ્વમાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : રાખવું જોઈએ.

દાદાશ્રી : સસરાને ત્યાં મિલ હોય કાપડની અને આપણને જોબ છૂટી ગયો હોય, ત્યારે શું સસરાને ત્યાં જઈને આમ આમ કરીન બેસી રહેવું ?

પ્રશ્શનકર્તા : ના, ના બેસી રહેવાય.

દાદાશ્રી : શું કરો ત્યાં આગળ ?

પ્રશ્શનકર્તા : ત્યાં જવાનો અર્થ નહીં ને.

દાદાશ્રી : એ કશું બોલે નહીં ને તમે માંગણી કરો ખરા કે મને જોબ આપો ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : જાણે છે તોય બોલતો નથી સસરો, ત્યારે મેલ તું ને તારી વહુ, પડી રહેજો અહીં આગળ, અમારે ઘેર જઉં છું. કંઈક તો સ્વમાન હોય કે ના હોય બળ્યું ! ક્યાં સુધી આમ જાનવરનું જીવન જીવવું !!

એક ફેરો તમને ઘસી નાખે એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. ઘસી નાખે તો ત્યાં સુધી નહીં જવું. એ શેનાથી ઘસી નાખે છે ? વિષયોની લાલચને લઈને. ત્યારે એ તો બહુ યોગી જેવું રહેવું જોઈએ.

વિષયો વચ્ચે હોય જ્યહાં લગી,

વહુ અથડાય જ ત્યહાં લગી!

પ્રશ્શનકર્તા : બધી ફાઈલો તો જાણે કે દાળમાં નાખીને વઘાર કરીને ખઈ શકીએ એવા છે, પણ બે નંબરની ફાઈલને કંઈ દાળમાં વઘાર કરવો ?

દાદાશ્રી : બે નંબરની ફાઈલને ના ચાલે. બે નંબરની ફાઈલ તો જ્ઞાન લીધેલું માણસ હોય અને તે જ્યારે અથડામણ થાય ત્યારે 'વ્યવસ્થિત' સમજે, કોણ અથડાય તે જાણે, ત્યારે છૂટો થાય.

પ્રશ્શનકર્તા : એ તો એ સમજીએ છીએ, દાદા કે આ કર્મ અથડાય છે.

દાદાશ્રી : હા. તો ?

પ્રશ્શનકર્તા : ગયા જનમમાં એની સાથે અમે અથડાયા હતા. આ જન્મમાં અમારી સાથે એ અથડાય. પણ એનો રસ્તો તો કાઢવો પડે ને ? સોલ્યુશન તો શોધવું પડે ને ?

દાદાશ્રી : એનું સોલ્યુશન તો હોય છે, પણ લોકો છે તે, લોકોનાં મનોબળ કાચાં હોય છેને ! મનોબળ કાચા હોય એટલે શું થાય, બિચારો ? સોલ્યુશન, એને તો તમે અમુક ભાગ છે તે બંધ કરી દો કે તરત છે તે ચૂપ થઈ જાય બધું. પણ મનોબળ કાચાં હોય, તો શું કરે ?

પ્રશ્શનકર્તા : એ બતાડોને દાદા, કયો ભાગ બંધ કરી દેવો ?

દાદાશ્રી : વિકારી ભાગ બંધ કરી દેવાનો. તો એની મેળે જ બધું બંધ થઈ જાય. એને લઈને આ કાયમ ચાલ્યા કરે કકળાટ.

પ્રશ્શનકર્તા : પહેલાં તો અમે એમ સમજતા'તા કે આ ઘરનાં કામકાજ બાબતમાં અથડામણ થતી હશે, તે ઘરનાં કામમાં હેલ્પ કરવા બેસીએ, તોય અથડામણ.

દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જ્યાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામેય ના દે. એનો પ્રભાવ પડે.

પ્રશ્શનકર્તા : હવે કઈ રીતે આ કરવું ? એમ. આ બંધ કઈ રીતે કરવું ?

દાદાશ્રી : વિષય જીતવાનો.

પ્રશ્શનકર્તા : વિષય નથી જીતાતો એટલે તો અમે તમારા શરણે આવ્યા.

દાદાશ્રી : કેટલા વર્ષથી વિષય.... ઘરડા થવા આવ્યા તોય વિષય ? જ્યારે જુઓ ત્યારે વિષય, વિષય ને વિષય !

પ્રશ્શનકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા.

દાદાશ્રી : થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલા જેટલા પુરુષો મજબૂત મનના છે તેને તો બિલકુલ સ્ત્રી તો આમ કહ્યામાં રહે છે.

એક જણ છે તે બિચારો, દાદાનાં જ્ઞાનથી ખુશ થઈ ગયેલો. રોજ દર્શન કરવા. આખો દહાડો અહીં પડી રહેવાનું મન થાય. વહુને કોઈ દહાડો તેડી લાવે નહીં. વહુ આવે નહીં. વહુ કહે છે, 'કેમ દાદાને ત્યાં ગયા ?' રોજ ડફળાય ડફળાય કરે. હવે પેલો કહે છે, 'મારે શું કરવું, આવવા જ નથી દેતી આ. શી રીતે વશ થાય ?' કહે છે. મેં કહ્યું 'બે-ત્રણ મહિના સુધી, વિષયનો વિચાર ના આવવા દઈશ. અને જ્ઞાન તો તેં લીધેલું છે. તો બને કે ના બને ?' 'હા, બને.' મેં કહ્યું, 'કરી જોજે.' પેલી કહે છે, 'તમારે જ્યારે જવું હોય ત્યારે જજો. પણ મને આવું ના કરશો' કહે છે. એ દાખલો બનેલોને, કહ્યો તમને !

પ્રશ્શનકર્તા : હા, એવી બે-ચાર બીજી દવા બતાવી જાવ ને !

દાદાશ્રી : ના, ના, પણ દાખલો જે બન્યો એ કહ્યું મેં તમને. મારે કંઈ નવો બનાવવાનો છે કંઈ ? મને તો આવડતો'તો પહેલેથી આ.

પ્રશ્શનકર્તા : બીજા કંઈ આવડતા હોય, ખરેખર દાદા બે-ચાર બતાવી જાવ. તમે શું શું કરતા'તા, દાદા ?

દાદાશ્રી : બહુ યાદ રહે છે કંઈ ? મને તો યાદ રહે નહીં ને બધું. આ તો દેખાય ત્યારે મહીં બોલી જઉં. પેલો માણસ આવતો થઈ ગયો, રાજીખુશીથી. મેં કહ્યું, જો મારી આ વિદ્યા, દવા કો'ક દહાડો પકડી લે જે પાછો હં ફરી, શોધખોળ કરેલી, દાદાની આગળનું આ શીખેલું પુસ્તકમાં ના લખેલું હોય. પુસ્તકમાં લખનાર તો લોક બાવા હતા, વહુ હતી જ નહીં ત્યાં. આ તો મારે જાતે ટેસ્ટ કરવું પડ્યું.

પ્રશ્શનકર્તા : બીજું શું શોધખોળ કરી, તે બતાવી દો જરા.

દાદાશ્રી : એ તો વખત આવે તેમ બતાવતા જ જઈએ છીએ. જેમ જેમ દહાડો, બધું કંઈ મંગળવારે ના નીકળી જાય.

તમારે ઘરમાં રોજની ડખાડખ ના પસંદ હોય તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો. પાશવતા બંધ કરી દેવી. વિષય તો હડહડતી પાશવતા છે. એનો ફોટો લે તો કેવો દેખાય ? કૂતરાં જેવો દેખાય ને ? માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી સમજણવાળો હોય તેને વિચાર ના આવે ? ફોટો લે તો કેવો દેખાય ? તોય શરમ ના આવે ? મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે ? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની જોડે વિકાર બંધ કરી દીધોને, પછી તો આ એને મારે તોય એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે ! માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધાં દુઃખો છે. વીતરાગો કેવા ડાહ્યા ! ભગવાન મહાવીર તો ત્રીસ વર્ષે છૂટા થઈને હેય મસ્તીમાં ફરતા હતા ! એક બેબીને મૂકીને હેંડ્યા !

એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે, અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર જ બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને ! બાર રૂપિયે ડઝનવાળી કેરીઓ ખાવને, કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે ! તમે એને ના ખાવને તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે 'મારે નથી જોઈતું' ત્યારે એ કહેશે કે, 'ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, 'મારે સિનેમા જોવા જવું છે.' ત્યારે તમે ન જાવ તો કકળાટ ! આવી જ બન્યું જાણે ! કારણ કે સામો મિશ્રચેતન છે અને કરારી છે, એટલે દાવો માંડે !

જેને કલેશ કરવો નથી, જે કલેશનો પક્ષ ખેંચતો નથી એને કલેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો કલેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી કલેશ વધારે થાય. કલેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. કલેશ નથી જ કરવો એવો જેનો નિશ્ચય છે તેને કલેશ ઓછામાં ઓછો આવીને પડે છે. અને જ્યાં કલેશ છે ત્યાં ભગવાન તો ઊભા જ ના રહે ને !

એ આ સંસારમાં જો વિષય ના હોત તો કલેશ જ ના હોત. વિષય છે તેથી કલેશ છે. નહીં તો કલેશ જ હોત નહીં ! વિષયને એકઝેટ ન્યાય બુદ્ધિથી જુએને તો ફરી વિષય કરવાનું માણસને મન જ ના થાય.

પ્રશ્શનકર્તા : પણ વિષય ચીજ જ એવી છે કે તે ન્યાય બુદ્ધિ જોવા ન દે.

દાદાશ્રી : આ વિષય એવી વસ્તુ છે કે એક ફેરો બંધ થયો પછી ના જોવા દે. સૌથી ભારેમાં ભારે અંધ એટલે લોભાંધ અને એનાથી સેકન્ડ નંબર હોય તો વિષયાંધ.

પ્રશ્શનકર્તા : લોભાંધને વધારે ક્યારે કહેવાય ?

દાદાશ્રી : અરે લોભાંધની તો દુનિયામાં વાત જ જુદી છે ને ! લોભાંધ એટલે દુનિયાનો એક નવી જ જાતનો રાજા. વિષયવાળા તો મોક્ષે જવાને માટે પ્રયત્ન કરે. કારણ કે વિષયવાળાને તો કલેશ થાય ને ! એટલે પછી કંટાળે. જ્યારે લોભાંધને તો કલેશ પણ ના થાય. એ તો એની લક્ષ્મીની જ પાછળ પડેલો હોય, લક્ષ્મી કંઈ બગડતી નથી ને એ જ જોયા કરે. અને એમાં જ એ ખુશ. છોકરાંને ઘેર છોકરા હોય તોય એને લક્ષ્મીની જ પડેલી હોય. અને લક્ષ્મીને સાચવવા આવતો ભવ ત્યાં સાપ થઈને બગાડે.

એ સ્ત્રીઓનો સંગ જો પંદર દહાડા મનુષ્ય છોડેને, મનુષ્ય પંદર દહાડા છેટો રહે, તો ભગવાન જેવો થઈ જાય.

પ્રશ્શનકર્તા : પંદર દહાડા બૈરાંથી દૂર જતા રહીએ તો બૈરાઓ પછી વહેમ ખાય અમારા ઉપર.

દાદાશ્રી : એ ગમે તે કહો, એ બધી વકીલાત કહેવાય. એ ગમે એટલી વકીલાત કરો તો ચાલે વકીલાતમાં, જીતો ખરા, સમજ પડીને ? પણ એકઝેક્ટ પુરાવા નથી એ. પંદર જ દહાડા !

પ્રશ્શનકર્તા : વિષય ભોગવતા ના હોઈએ, પણ સાથે બેડમાં સૂઈ જઈએ, તો વાંધો ખરો ?

દાદાશ્રી : એક વરસ દહાડો છૂટા સૂઈ જઈ અને પછી સૂઈ જવામાં વાંધો નહીં.

પ્રશ્શનકર્તા : ભાવ જ ના થાય.

દાદાશ્રી : હા, પણ તેય વરસ દહાડો છે તે એમ ને એમ એકલા સૂઈ રહેવું જોઈએ. પછી વાંધો નહીં, શું ફાયદો થાય, એકલા સૂઈ જવાથી ?

પ્રશ્શનકર્તા : એક તો થાય કે એમના વગર ચાલશે એમ.

દાદાશ્રી : ના, એ તો ભાવ ના હોય તો ચાલે એવું લાગે જ ને !

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : પણ આ તો એકલા જ સૂઈ જવાનું જુદા જુદા રૂમમાં શું સાયન્સ હશે એમાં ? અમે કહીએ છીએ એની પાછળ શું સાયન્સ હશે ?

પ્રશ્શનકર્તા : વૈરાગ આવે, એનાથી વૈરાગ ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : વૈરાગ-બૈરાગની જરૂર જ ક્યાં છે આપણે ?

પ્રશ્શનકર્તા : પરમાણુ એકબીજાના ખેંચાય નહીં, દાદા. એકબીજા તરફ જુદા સૂઈ રહે તો.

દાદાશ્રી : ના, પરમાણુનો સવાલ નથી. ભેગાં રહેવું હોય તો પણ ભાવ નક્કી કર્યો છે પછી પરમાણુ શેના ખેંચાય ? પરમાણુ ખેંચાય તો પણ ભાવ નક્કી કર્યો છે અને વાળ વાળ કરે. સાયંટિફિક કારણ છે આની પાછળ.

વરસ દહાડો છૂટા રહીને પછી તમે એક પથારીમાં સૂઈ જાવને તો જે દહાડે એનો બહારથી બહુ જ આખો દહાડો તપીને આવ્યો હોયને, તે પસીનો સોઢશે તમને. અને આ બઈનેય પસીનો સોઢશે. ગંધ ઉત્પન્ન થશે. પેલી ગંધ ના ખબર પડે. નાક, આ ઇન્દ્રિય ખોવાઈ જાય. ડુંગળી રોજ ખાનારાને, ડુંગળી છે તે આખા ઘરમાં ભરેલી હોય તોય એને ગંધ ના આવે. અને ડુંગળી ના ખાતો હોય, તેને અહીંથી બસો ફૂટ છે તે ડુંગળી હોય તો એને ગંધ આવે. એટલે નાક ઇન્દ્રિય બધી ખલાસ થઈ જાય. એટલે આ સૂઈ જાય, નહીં તો જોડે સૂવાતું હશે !

આ ડુંગળીની વાત સમજણ પડી તમને ?

પ્રશ્શનકર્તા : પડી ગઈ, બરાબર.

દાદાશ્રી : આવું જ્ઞાનેય મારે આપવાનું. બધે તમારે બધાએ જાણવું જોઈએ આવું જ્ઞાન તો ! આ તો મારે કંઈ જણાવી આપવું પડે ?

પ્રશ્શનકર્તા : જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી એ આવરણ ખસે નહીં. ગમે એટલું જાણો તોય. વચનબળથી જ ખસે બધાને.

પ્રશ્શનકર્તા : હું તો મારી વાત કરું છું કે જ્ઞાન લીધા પછી, સતત કેવળ આ ભાવ કરતી હોઉં અને છતાં નથી છૂટતું.

દાદાશ્રી : ના, પણ એ તો પહેલાંનો હિસાબ છેને, એટલે છૂટકો જ ના થાય.

પ્રશ્શનકર્તા : વિષય નથી, પણ હૂંફને માટે. એમ થાય કે ના સાથે સૂવું જ છે.

દાદાશ્રી : ના, એમ નહીં પણ એ તો એ જે આ હિસાબ છે ને, તે હિસાબ બધો ચૂકતે થાય છે. હા, એ ચૂકતે હિસાબ થયો ક્યારે કહેવાય, સાથે સૂઈ જતા હોય અને ના ગમતું હોય એ બધું, અંદર ગમતું ના હોય અને સૂઈ જવું પડતું હોય. ત્યારે હિસાબ ચૂકતે થયા. પણ ગમે છે કે નહીં એટલું તો પૂછી લેવું.

પ્રશ્શનકર્તા : પોતાને ગમે, પણ મહીંથી પ્રજ્ઞાશક્તિ અથવા સમજ ચેતવે છે.

દાદાશ્રી : મનને તો ભલે ગમે, પણ આપણને ગમે ?

પ્રશ્શનકર્તા : એ ચેતવેને કે આ ખોટે રસ્તે તું જઈ રહી છે.

દાદાશ્રી : તો વાંધો નહીં.

ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. આ તો બધા કહેશે, ડબલબેડ બનાવો ડબલ બેડ... પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. કોઈ પણ ક્ષત્રિય નહીં. ક્ષત્રિય તો બહુ કડક હોય પણ વૈશ્યેય નહીં. બ્રાહ્મણોય આવી રીતે નહીં સૂવે, એક પણ માણસ નહીં ! જો કાળ કેવો વિચિત્ર આવ્યો ? આપણે ત્યાં તો ઘરમાં જુદી રૂમ નહોતા આપતા પહેલાં.

પ્રશ્શનકર્તા : હા, હવે તો ડબલ બેડ આપે છે.

દાદાશ્રી : પહેલાં તો કો'ક કો'ક દહાડો વહુ ભેગી થઈ તે થઈ, નહીં તો રામ તારી માયા ! કુટુંબ મોટા હોય એટલે સંયુક્ત કુટુંબ તે અને અત્યારે તો રૂમ જુદી તે જુદી. પણ બેડ પણ સ્વતંત્ર ડબલ બેડ અને પાછું તમે છોકરાને કહો કે ભઈ, પેલી બાજુ તારો બેડ છે લીધેલો, ત્યાં જા, કહે છે. એટલે ઉપરથી દેખાડીએ આપણે. એટલે એ જાણે કે પહેલેથી આદિ-અનાદિથી સુખ આમાં જ છે. એ પેલી ભ્રામક માન્યતા પેસી જાય એને.

આ તો બહુ ઝીણી વાત નીકળે છે.

પ્રશ્શનકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર આટલી ઊંચી કક્ષાના હતા, છતાં પણ એમને આ સંસાર ભોગવવો પડ્યો, એનું શું કારણ ?

દાદાશ્રી : છૂટકો જ નહીં, કોઈને પણ. જેટલો છેને લમણે લખેલો એ સંસાર કોઈને ભોગવ્યા વગર છૂટકો જ નહીં. ડિસ્ચાર્જ છે. એમણે ઘણું તપ કર્યું પણ તપ-બપ કશું વળે નહીં ! એ ચાલે નહીં ત્યાં આગળ. પણ ત્યાં આગળ ડિસ્ચાર્જ કહેવાય નહીં. કારણ કે ક્રમિક માર્ગ ને ! એટલે મહામુશ્કેલી. ગમે નહીં ને થાય નહીં. મહામુશ્કેલી. મહાવીર ભગવાનનેય ત્રીસ વર્ષ સુધી સંસાર હતો. સંસાર કંઈ નડતો નથી. તમારી અણસમજણ નડે છે. જ્ઞાની પાસેથી જ્ઞાન લીધા પછી રહ્યું શું, ત્યારે કે અણસમજણ તમારી.

પ્રશ્શનકર્તા : એ જ કાઢવાની મુશ્કેલ છે.

દાદાશ્રી : નહીં, એક જ વખત સમજવાથી અણસમજણ કાયમ માટે ઉકેલ થી જાય. દુનિયામાં મુશ્કેલી જેવી વસ્તુ જ કશી હોતી નથી ને ! કોઈ વસ્તુ મુશ્કેલ નથી હોતી.

પ્રશ્શનકર્તા : એ મુશ્કેલ છે, એવો ખ્યાલ પાછો આવે. એને લીધે મુશ્કેલી વધી જાય ને ?

દાદાશ્રી : વધી જ જાય ને ! પછી મુશ્કેલીની પરંપરા થાય છે. જેવું બોલે એવો, ચિંતવે એવો તરત થઈ જાય. આ જે એનો સ્વભાવ છે અને આ જ્ઞાન આપ્યા પછી તો રહ્યું શું, કશું જ રહેતું નથી.

આ જગતમાં લડવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. પછી જે જોડી ત્યાં આગળ જુદી થઈને, જુદી થઈને એક રહેવાય પાછું ને ઝઘડા મટી ગયા. ઝઘડા ક્યાં સુધી હોય ? વિષયમાં છે ત્યાં સુધી, પછી 'મારી-તારી' કરવા માંડે, 'આ બેગ તારી ઉઠાવી લે અહીંથી. મારી બેગમાં સાડીઓ કેમ મૂકી ?' એ ઝઘડા શું ? વિષયમાં એક છે ત્યાં સુધી. અને છૂટાં થયા પછી આપણી બેગમાં મૂકે તોય વાંધો નથી. એ ઝઘડા ના થાયને, પછી ? પછી કોઈ ઝઘડો નહીં ને ? કેટલાં વર્ષથી બ્રહ્મચર્ય વ્રત લીધું ?

પ્રશ્શનકર્તા : આમ નવ વર્ષ થયાં.

દાદાશ્રી : એટલે ત્યાર પછી ઝઘડા-બઘડા નહીં ! કશી ભાંજગડ જ નહીં ! અને સંસાર ચાલ્યા કરે !

પ્રશ્શનકર્તા : ચાલે જ છેને, દાદા.

દાદાશ્રી : છોડીઓ પૈણી, છોકરા પૈણાવ્યા, બધું પૈણે....

પ્રશ્શનકર્તા : દાદા, ઘરમાંય નથી થતું હવે કશુંય....

દાદાશ્રી : એમ ? સંસારમાં સરસ રહે. એવું આ વિજ્ઞાન ! હા, છોડીઓ છોકરા પૈણાવે. મહીં અડે નહીં, નિર્લેપ રહે. અને દુઃખ તો જોયું જ નથી. ચિંતા-બિંતા જોયેલી નહીં, નહીં ? બિલકુલ નહીં, નવ વર્ષ ! આઠ વર્ષથી ચિંતા નહીં જોયેલી ? શું વાત કરો છો ?

પ્રશ્શનકર્તા : હા, આવે તો ઘણું પણ અડે નહીં.

દાદાશ્રી : આવે ખરી, એ તો બરોબર, સંસારમાં છે એટલે આવે તો ખરું. અડે નહીં, એટલું જ પાછું નડેય નહીં કંઈ પણ. સેફસાઈડ, કાયમ સેફસાઈડ. અહીં બેઠા જ મોક્ષ થઈ ગયો, પછી હવે રહ્યું શું ?

પ્રશ્શનકર્તા : દાદા, હું તો કહું છું કે અહીં જ મોક્ષનાં સુખ વર્તાવાં જોઈએ. તો જ એની મઝા !

દાદાશ્રી : તો જ, સાચો મોક્ષ અહીં વર્તાવો જોઈએ.

પ્રશ્શનકર્તા : અને અહીંયાં વર્તાય છે એટલે જ કહે છેને ! હવે દેવલોક નહીં જોઈએ, આ સંસાર નહીં જોઈએ, સુખ વર્તાયું પછી બીજી ક્યાં ભાંજગડમાં પડે !

દાદાશ્રી : હા અને ગાડી ત્યાં જ જઈ રહી છે. ભલે સુરત સ્ટેશને થોડીવાર ઊભી રહે વખતે, પણ અમદાવાદ જ જઈ રહી છે !

ચાલો બહુ સારું ! આવું હું પૂછુંને અને પછી એ એમનાં તરફનું કહે મને. તો મને જરા લાગે કે ના, આપણી મહેનત ફળી ! મહેનત ફળી એની તો આશા રાખે ને ?

પવિત્ર ત્યારથી હીરાબા કહ્યાં,

પછી કદી ન મતભેદ થયા !

જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું હીરાબા કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો પોપટમસ્તી થાય થોડી ઘણી. પણ એ પોપટમસ્તી હોય. લોક જાણે કે આ પોપટે એ પોપટીને મારવા માંડ્યું ! પણ હોય પોપટમસ્તી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત-અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકારને. એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધો. અને આ કહેશે, 'એણે મને ભોગવી લીધી.' અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તોય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તેય અમારે નહોતી, એવો મતભેદ નહોતો, કોઈ જાતનો.

વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.

(૨૪)

રહસ્ય ઋણાનુબંધ તણાં....

પોતે પરમાત્મા ને થયો ધણી,

રે દશા કેવી ? ભટકામણ ઘણી!

આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જોડે કે હું કમાઈ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઈ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે ? એમ કરીને બેઉ પરણ્યાં ને સહકારી મંડળી કાઢી. પછી છોકરાંય થવાનાં. એક દૂધીનું બી વાવ્યું, પછી દૂધિયાં બેસ્યા કરે કે ના બેસ્યા કરે ? વેલાને પાંદડે દૂધિયાં બેસે, એવું આ માણસો પણ દૂધિયાંની પેઠ બેસ્યા કરે છે. દૂધી એમ નથી બોલતી કે મારાં દૂધિયાં છે. આ મનુષ્યો એકલા જ બોલે કે આ મારાં દૂધિયાં છે.

જુઓને આ જડ ને ચેતન બે ભેગાં થઈને કેવો સંસાર ઊભો થઈ ગયો ! પછી શાદી કરે, લગ્ન કરે, વેવાઈ થાય, કોઈ વેવાઈ થતું હશે ? તમે હજુ થયા નહીં હોય વેવાઈ, ને ? લોક વેવાઈ થાય, વેવાણો થાય. જમાઈ થાય, કાકા સસરા થાય, મામા સસરા થાય, કેટલી જાતની ડખલો ઊભી કરી છે ! એટલે આ લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ. પેઠા હોય તોય નીકળી જવાય તો વધુ ઉત્તમ. અને નહીં તોય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ. બાકી આત્મા કોઈનો ધણી કે સ્ત્રી, પુરુષ કે કોઈનો છોકરો થઈ શકતો નથી, ફક્ત આ કર્મો બધાં થઈ રહ્યાં છે. આત્મામાં તો કશું આમાં ફેરફાર થતો નથી. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે. તે આપણે માની બેઠા કે આ અમારી સ્ત્રી !

સાઠ વરસની યાત્રા જીવન,

મુસાફર ત્યાં શાને વળગણ!

આ ચકલાં સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શિખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપ મેળે જ આવડે એવું છે. હા, 'સ્વરૂપજ્ઞાન' મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યાં છે. આ પશુ-પક્ષીઓને શું બૈરી-છોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે, મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે, પૈસા ભેગા કરવામાં પડ્યા છે. અલ્યા, આત્મા જાણવા પાછળ મહેનત કરને ! બીજા કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ છોકરાને ચોરી કરતાં કોણ શિખવાડે છે ? બધું બીજમાં જ રહેલું છે. આ લીમડો પાને પાને કડવો શાથી છે ? એના બીજમાં જ કડવાશ રહેલી છે. આ મનુષ્યો એકલાં જ દુઃખી-દુઃખી છે, પણ એમનો દોષ નથી. કારણ કે ચોથા આરા સુધી સુખ હતું અને આ તો પાંચમો આરો, આ આરાનું નામ જ દુષમકાળ ! એટલે મહાદુઃખે કરીને સમતા ઉત્પન્ન ના થાય. કાળનું નામ જ દુષમ ! પછી સુષમ ખોળવું એ ભૂલ છેને ?

આ ગાયો-ભેંસોમાંય પૈણે છે. છોકરાં બધુંય હોય છે. પણ છે ત્યાં ધણી ? એય સસરા થયા હોય છે, સાસુ થઈ હોય છે, પણ એ કંઈ બુદ્ધિશાળીની પેઠ ગોઠવી દે છે કશુંયે ? કોઈ એવું કહે છે કે હું આનો સસરો થઉં ? છતાં આપણા જેવો જ બધો વ્યવહાર છેને, એય ધવડાવે કરે, વાછરડાને ચાટતી હોય છેને ! આપણા અક્કલવાળા ચાટે નહીં.

ત્યારે એ હાથ ફેરવ ફેરવ કરે. પેલી ગાય બિચારી હાથ ક્યાંથી લાવે ? પગ ફેરવે તો પગ વાગી બેસે ને ? એટલે ચાટે પછી. એટલે આય આનો આ જ માલ છે. વગર કામનો ફસાયો છે. અને એનો બધો માર ખાય છે. તોબા તોબા પોકારે એટલો બધો માર ખાય છે.

એક ઝાડ ઉપર બધાં પંખીઓ આવીને બેસેને રાત્રે, એ સગાં દેખાયાં. એ પંખીઓને પેલી બુદ્ધિ નથી એટલે સગાઈ નથી કરતાં. ને આ અહીં પૈણે છે. પહેલું આણું જાય, બીજું આણું જાય. બસ તોફાન તોફાન. આ બધા ચોપડાના હિસાબથી ભેગા થયા છે ને પછી પંખી બધા સવારે ઊડી જાય, તેવું છે. આને તો પૂળો જ મૂકવાનોને જ્યારે ત્યારે !

જેમ આ આપણે ચાર ધામની જાત્રાએ ગયા હોયને, ત્યારે કંઈ બહુ એવું રાખતા નથી. આ ૫૦-૬૦ વર્ષની જાત્રા છે. અને વગર કામના અહીં આગળ, આ મારા માસીસાસુ આવ્યાં, અરે મેલને પૂળો ! માસી આયા, પાછાં માસીસાસુ ? કેટલી જાતની સાસુઓ ? છતાં કહીએ આપણે વ્યવહારથી, પણ ઉપલક બધું. તમારાં માસીસાસુ હતાં કે નહીં ?

પ્રશ્શનકર્તા : છેને !

દાદાશ્રી : હા, જુઓને, અને વળગે માસીસાસુ, 'હું તમારી માસીસાસુ થઉં !' આવું બોલે, અરે મૂઈ છોડને, મને શું કરવા આમ કરે છે ? સંસાર બહુ અઘરો. સાસુ આવે, વડસાસુ આવે, માસીસાસુ આવે, કાકી સાસુ આવે, ફોઈસાસુ આવે. કેટલી સાસુઓ થશે ? ધણી એક ને સાસુઓ બહુ ! હું તમારી કાકીસાસુ થઉં, માસી, મેરને, અહીં શું કામ છે તમારી બધીનું, કહીએ. એક ધણી હારું આટલી બધી ભૂતડીઓ ક્યાં વળગાડીયે !

પતિ-પત્ની માત્ર વ્યવહારમાં,

નિશ્ચયથી આત્મા, નહીં સંસારમાં!

આ તો તમે ખરેખર ધણી-ધણિયાણી છો ? વાઈફ અને હસબન્ડ છો ? તે વ્યવહારથી છો, ખરેખર એ એક્ઝેટલી તમે નથી એવું. આ તો વ્યયહારથી છે આપણે. નામ નામને પૈણ્યું છે અને તમે પોતે અનામી છો. અને ધણી કંઈ આપણા માલિક નથી હોતા. તારો માલિક ધણી નથી. તે 'મંગળાબેન'ના માલિક ધણી છે. 'તમે' જુદા છો. તમને એક દહાડો હું જ્ઞાન આપીશ ત્યારે તમને સમજાશે. પછી કશી અસર નહીં થાય.

પ્રશ્શનકર્તા : આપના કહેવા પ્રમાણે વ્યવહારથી પત્ની, બાકી નહીં ?

દાદાશ્રી : બાકી પત્ની નહીં. વ્યવહારથી પત્ની. બાકી ખરેખર પત્ની હોય તો થઈ જ રહ્યું ને ? પછી આપણી પાસે રહ્યું શું તે ?

આપણે શુદ્ધાત્મા જુદા અને આ મંગળાના ધણી ! મનમાં એટલું સમજી જવાનું. મોઢે બોલવું નહીં. મનમાં સમજી લેવાનું કે આપણે જુદાં ને મંગળા જુદી, એવું દાદાએ મને કહેલું છે. એટલું તમારે રાખવાનું. સમજ પડીને ! આ એડજસ્ટમેન્ટ તો બધા ટેમ્પરરી છે. આ દેહ જ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ કંઈ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ નથી.

એક માણસે મને, એક દહાડો દેખાડ્યા કે આ મારા સસરા છે, પેલા આવ્યા તે, પછી છ મહિના પછી ભેગા થયા, પેલા એના સસરા, ત્યારે મેં કહ્યું, તમે ફલાણા ભાઈના સસરા થાઓને ? તો કહે, 'હું શેનો એમનો સસરો !' ત્યારે હું વિચારમાં પડ્યો કે આ મારી ભૂલ થઈ, સમજવામાં ભૂલ થઈ. ત્યારે મેં કહ્યું કેમ ? તો કહે, 'મારી છોડીએ ડાયવોર્સ લીધા, હવે હું શાનો સસરો !' કહે છે.

હવે આવું ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં ડાયવોર્સ કેમ થાય, ભાઈ ? કારણ કે વન ફેમિલી રહેતાં નથી એટલે ? તમે કોઈ જાત્રાએ ગયા હોય, તો ત્યાં કોઈક વાંકો હોય તો સાચવી સાચવીને વઢંવઢા ના થાય એટલા હારુ સાચવીએ કે નથી સાચવતા ? કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એવું આ પચાસ-સાઠ વર્ષ સાચવવાનું છે.

બાકી આ જગત બધું પોલંપોલ છે. છતાં વ્યવહારથી ના બોલે તો પેલાના મનમાં દુઃખ થાય. સ્મશાનમાં જોડે જઈને ત્યાં ચિતામાં કોઈ પડ્યું નહીં. ઘરના બધાય પાછા આવે, બધા ડાહ્યા ડમરા જેવા છે. એની મા હોય તો એય રડતી રડતી પાછી આવે.

પ્રશ્શનકર્તા : પાછું એનાં નામનું કૂટે કે કશું મૂકી તો ના ગયા. અને બે લાખ રૂપિયા મૂકી ગયા હોય તો કશું બોલે નહીં.

દાદાશ્રી : હા, એવું. આ તો નથી મૂકી ગયો તેનું રડે છે. કે 'મરતો ગયો અને મારતો ગયો' એવું હઉ અંદર બોલે. કશું મેલ્યું નહીં ને અમને મારતો ગયો. હવે પેલાએ ના મૂક્યું એમાં પેલી બઈનું નસીબ કાચું એટલે ના મુકાયું. પણ પેલાને ગાળ ખાવાની લખેલી તે ગાળોય ખાધીને ! આવડી આવડી ચોપડે. વળી પાછાં લોક પણ આવીને પૂછે કે તમારા ધણી કશું મૂકી ગયા નથી ? ત્યારે પાછું એવું બોલે કે ના ના બધુંય મૂકી ગયા છે. એમ તો ખાવા પીવાનું બધું જ છે. હવે બધા આગળ બહાર આવું બોલે ને મનમાં પેલું બોલે ! એટલે શું છે, હકીકત આની પાછળ !

રોંગ બિલિફથી ખડો સંસાર,

પરાર્થે જીવ્યા બન્યા ભરથાર!

જેમ છે તેમ સમજણ નહીં પડવાથી, આ દુનિયામાં ઝઘડા છે. જેમ છે એમ જાણે, ત્યારે પછી ઝઘડો હોતો જ નથી. તેથી ભ્રાંતિ કહીને ! કે મૂઆ, વગર કામનો માર ખાવ છો ને ! વાસ્તવિકતામાં એવું છે જ નહીં. અને સ્ત્રી-પુરુષ છે અને બૈરી-છોકરાં છે, બધું એ નહીં જાણવાથી જ બધું માની બેઠાં છો. લોકો કહે કે તમે આના ધણિયાણી થાવ. ને એ તો બધું વાંધો નહીં, પણ એવું માની નહીં લેવાનું. લોક તો કહે જ. દેખે એવું ના કહે ? કે આ ધણી-ધણિયાણી ! પણ આપણે માની લઈએ તો ઊંધું થાય ને ? માની લઈએ તો માન્યાનું ભૂત આપણને વળગે. ખાલી બિલિફ જ બેસી ગઈ છે. જગતમાં સંયોગો તારણ કાઢવા માટે છે. એક્સ્પીરીયન્સ કરવા માટે છે. પણ લોકો ખાંચામાં પેસી ગયા છે. શાદી કરીને ખોળ કે સુખ શેમાં છે ? બૈરીમાં છે ? બાબામાં છે ? સસરામાં છે ? સાસુમાં છે ? શેમાં સુખ છે ? એનું તારણ કાઢને ! લોકોને દ્વેષ થાય, તિરસ્કાર થાય, પણ તારણ ના કાઢે. આ જગતની સગાઈઓ એ રિલેટિવ સંબંધો છે. રીયલ નથી. માત્ર તારણ કાઢવા માટે સગાઈઓ છે ! તારણ કાઢનારા માણસોને રાગ-દ્વેષ ઓછા થાય છે અને મોક્ષના માર્ગનો શોધક થાય.

ખરો ધણી તે, જે દુઃખ હરણ,

ન સાચો હીરો, આ તો અમેરિકન!

આ સંસાર જ એવો છે કે ખરે ટાઈમે કોઈ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોયને, એક દહાડો વહુના પેટમાં દુખે, તો સાસુ કહેશે કે, અજમો ફાકી લો. આવું તો બધા કહેશે. પણ કંઈ સાસુ વહુનું દુઃખ લઈ લેશે ? અરે ! ધણી કે છોકરાંય કોઈ લઈ લેશે ? આ જગત કેવું છે કે બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જ્યારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઈ લાવતા હોય, કે કામ કરતા હોય તો, બાપા વહાલા લાગે. પણ પછી જો કામ કરતા બંધ થાય, એટલે ઘરના બધા શું કહેશે કે તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી ! એવું છે આ જગત ! આખો સંસાર દગો છે ! જો થોડોય સગો હોત તો આ 'દાદા' તમને ના કહેત કે આટલી સગાઈ સાચી છે ? પણ આ તો સંપૂર્ણ દગો જ છે. ક્યારેય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તોય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.

આ મોહ કોની ઉપર ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે, એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય. એવા સંબંધમાં મોહ શો રાખવો ?

આ સંસાર ઘરના જ માણસોને લીધે ઊભો રહ્યો છે, બીજા કશાથી નહીં. ઘરનો લાભ લેતાં આવડતું નથી. આ તો પાંચ-છ જણાનું એસોસિયેશન છે. ખરી રીતે દુનિયા જીતવાની નથી. ઘર જીતવાનું છે. માટે આપણે ના ચેતીએ ? સબ સબકી સમાલો.

અને છેવટે કંઈ આપણું છે નહીં, છતાં કોઈ પારકુંય નથી પાછું.

પ્રશ્શનકર્તા : આપણું કોઈ છે નહીં ને પારકુંય નથી. બન્ને બાજુ કેમ કહે છે દાદા ?

દાદાશ્રી : પારકું કોને કહીશ ? કોઈ પારકો માણસ દેખાતો નથી મને.

પ્રશ્શનકર્તા : એક બાજુ આપણે કહીએ, 'બધા આપણા છે', બીજી બાજુ કહીએ 'આપણા નથી' એ બન્ને વસ્તુ ?

દાદાશ્રી : ના, ના, બહારેય કોઈ પારકો નથી. મને તો બહારેય કોઈ પારકું લાગતું નથી. મને તો બધું પારકું કશું જ લાગતું નથી. પારકું છે જ નહીં. બધું જે છે તે 'હું' જ છું. તમે બધા 'હું' જ છો. ફક્ત તમારા 'કપડાં' મારે જોવાની જરૂર નથી, કપડાં ગમે તે પહેરો.

પ્રશ્શનકર્તા : 'હું છું' તે તમે છો, એમ નહીં, પણ એ મારા છે કે નહીં, એ કહો ?

દાદાશ્રી : મારા જ છેને !

હા, પણ જગતમાં સબ સબકી સમાલો અને પારકું કોઈ છે નહીં. પારકું કરવા જશો તોય તમારો મોક્ષ જતો રહેશે. અને સબ સબકી નહીં સમાલો તોય મોક્ષ જતો રહેશે. બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ (વ્યવહાર) અને બાય રિયલ વ્યૂપોઈન્ટ (નિશ્ચય) જોડે જ રાખો. અમારા સ્ત્રી ખરાં પણ બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂપોઈન્ટ. અને જેને આવો ભેદ નથી, તે સ્ત્રીને શું કહે ? બસ 'હું ને તું એક જ' કહે છે. 'મને તારા વગર ગમતું જ નથી. અને તું ના હોઉં તો હું મરી જઉં', કહે. અરે આટલું બધું. તે જ પાછો ત્રીજે દહાડે વઢ્યા કરે. 'પોતે નથી' એ થયો, માટે વઢવાડ પેઠી. એટલે એ રિલેટિવ વ્યૂપોઈન્ટથી સ્ત્રી છે, માટે વઢવાડ ના પેસે. એ રિલેટિવ છે અને આપણે રિયલ છીએ. તો એ બધું ચાલ્યા કરે ગાડું. પહેલાં જેવી વઢવાડ થાય હવે ?

પ્રશ્શનકર્તા : ના, પહેલા જેવી વઢવાડ ના થાય.

દાદાશ્રી : રિલેટિવ વ્યૂપોઈન્ટ જેમ છે તેમ આપણે કહ્યું. જેટલી છે તે એટલી જ સગાઈ રાખો. એકનો એક છોકરો હોય. તેને વારે ઘડીએ એમ ઝાલ્યો, કે તરત છોકરું પછી કંટાળે ને બચકું ભરી લે. રિલેટિવમાં રિલેટિવ રીતથી કહોને. રિલેટિવ-રિયલનો તું સાંધો તો સમજ ! આ જગત એ સાંધો સમજતું નથી અને ત્યાં વઢવાડ કરી મૂકે છે.

આ હકીકતમાં શું છે ? કે આ રિલેટિવ વ્યૂપોઈન્ટથી આપણા છે બધા. અને રિયલ વ્યૂપોઈન્ટથી આપણા નથી. આ દેહ પણ રિલેટિવ વ્યૂપોઈન્ટ છે. એને રોજ સાબુ ઘસીને ઘસઘસ કરીને, ત્રણ કલાક ઘસ ઘસ કરવાનું તો એ આપણો કોઈ દહાડો થાય આ ? આ આપણે નહાતી વખતે ગંધ ના આવે શરીરની, તે થોડીવાર નાહી ધોઈને, સાફ કરીને, પાંચ મિનિટમાં નાહી લેવાનું. અને આ તો જાણે કે રિયલ હોયને, એમ ત્રણ ત્રણ કલાક નહાય !

વિકલ્પી સંસાર રહે નાટકિયો,

રાજા નહિ, પણ ચંદુ તરગાળો!

વિકલ્પ કર્યા છે, પણ તેનો વાંધો નહીં. આપણે ડ્રામેટિક રહેવું જોઈએ. જાનવરો કરતાં આપણા સંસ્કાર, આપણી બુદ્ધિ વિશેષ હોવાથી, આપણે આ ગોઠવણી કરી છે, તે ગોઠવણી કરવામાંય વાંધો નથી પણ ડ્રામેટિક રહો. આ ખરેખર ડ્રામા જ છે. તમે એકુય દહાડો ડ્રામેટિક રહેલા ?

પ્રશ્શનકર્તા : આપ કહો છો, એ પ્રમાણે ડ્રામા જ કરીએ છીએ.

દાદાશ્રી : ના, ડ્રામા કર્યો તો ક્યારે કહેવાય ? કે ઇન્કમટેક્સવાળાનો રિફન્ડ ઓર્ડર આવે તોય મહીં પેટમાં પાણી ના હાલે અને દંડ આવે તોય પેટમાં પાણી ના હાલે. કારણ કે ડ્રામામાં તો કોને ખોટ જવાની ? ડ્રામા પૂરો થઈ રહે એટલે ખલાસ થઈ ગયું. ડ્રામામાં તો પેલો ભર્તૃહરી કહેશે કે ભિક્ષા દેને મૈયા પીંગળા, એ બધું બોલે. જાતજાતના અભિનય કરે અને એ નાટકના જોનારા હતા ને અમારા બરોડામાં આ ભર્તૃહરીનો ખેલ થયેલો. તે નાટક જોનારા બે-ચાર જણ નાસી ગયાં છે તે હજીય પાછા નથી આવ્યા. એમને વૈરાગ્ય આવી ગયો કે બઈઓ આવી રીતે જ દગો ફટકો કરે, તો સંસાર કેમ કરીને ચાલે ? અલ્યા એણે દગો ફટકો નથી કર્યો, આ તો નાટક છે. આ નાટકનો દગો ફટકો માનીને પેલાં બિચારા જતાં રહ્યા. એવું છે, આ લોકોનું તો ! એણે તે ઘડીએ એ પાઠ પૂરો થઈ રહે એટલે પૂછ્યું હોતને, એ ભર્તૃહરીને, કે ભઈ, તમને બહુ દુઃખ થતું હતું ? ત્યારે એ કહેશે કે ના, ના મારે શાનું દુઃખ, મારે તો પાઠ બરાબર ના ભજવુંને તો મારો પગાર કાપી લે. બાકી હું તો લક્ષ્મીચંદ છું. હું ખરેખર ભર્તૃહરી નથી. હું તો ભાનમાં ને ભાનમાં જ રહું છું અને સાંજે મારે ઘેર જઈને ખીચડી ખાવાની છે. તેય એને યાદ હોય.

અહીં સિનેમામાં જાય છે ને ત્યાં મારંમાર કરતા હોય, ધાંધલ કરતા હોયને તો જોનારની મહીં કેટલાક લોક એવાં હોય છે કે રડી પડે છે. હવે, ખરેખર રડવા જેવી ચીજ છે ? કોઈ કોઈ સુંવાળા માણસ હોય તે રડી પડે ને ? એવું આ જગત છે. એટલે ડ્રામા છે આ, વાઈફ છે એ ડ્રામાની, ભાઈ છે એ ડ્રામાનો. પણ ડ્રામા ભજવાશે ક્યારે ? એક ફેરો અમારી પાસે આવશો અને તમને સેલ્ફનું રિયલાઇઝ કરી આપીશું, પછી તમારે ડ્રામા જેવું રહેશે. પછી તમને સંસારમાં કોઈ ચીજ દુઃખદાયી થઈ નહીં પડે. અને તમારું સુખ જતું ના રહે. આ તો કોઈક દહાડો સુખ જતું રહે છેને ? આ તો ઇટસેલ્ફ ડ્રામા થયેલું છે. જગત તમને ડ્રામા જેવું લાગતું નથી ?

પ્રશ્શનકર્તા : લાગે છેને.

દાદાશ્રી : તમે પોતે શુદ્ધાત્મા ને બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે 'સુપરફ્લુઅસ' કરવાના છે. પોતે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં રહેવું અને 'ફોરેન'માં 'સુપરફ્લુઅસ' રહેવું. 'સુપરફ્લુઅસ' એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, 'ડ્રામેટિક'. તે ખાલી આ ડ્રામા જ ભજવવાનો છે. 'ડ્રામા'માં ખોટ ગઈ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. 'ડ્રામા'માં દેખાવ પણ કરવો પડે, ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે, મોંઢે બોલીએ ખરા કે બહુ નુકશાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઈએ. આપણે 'લટકતી સલામ' રાખવાની. ઘણા નથી કહેતા કે ભઈ, મારે તો આની જોડે 'લટકતી સલામ' જેવો સંબંધ છે ? એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને 'લટકતી સલામ' આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ 'લટકતી સલામ', અમે નિરંતર બધા જોડે 'લટકતી સલામ' રાખીએ છીએ તોય બધા કહે કે, 'તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.' હું વ્યવહાર બધાય કરું છું પણ આત્મામાં રહીને.

કર્મ પોતાનાં ભોગવે પોતે,

પોષજો પરોણા પ્રેમ ભાવે!

પ્રશ્શનકર્તા : સ્ત્રી અને પુરુષ બન્ને પતિ-પત્ની લગભગ આખો વખત સાથે ને સાથે હોય છે. એમનો વ્યવહાર, એમના બન્નેના કર્મો પણ જોઈન્ટ (જોડે) બંધાય છે. તો એનાં ફળ એમને કેવી રીતે ભોગવવાનાં હોય છે ?

દાદાશ્રી : ફળ તો તમારો ભાવ જેવો હોય એવાં તમે ફળ ભોગવો અને એમને ભાવ હોય એવું એમને ભાવનું ફળ ભોગવવાનું છે.

પ્રશ્શનકર્તા : એવું બને ખરું કે પત્નીના પુણ્યથી પુરુષનું ચાલતું હોય ? કહે છે ને બૈરીના પુણ્યથી આ લક્ષ્મી છે કે બધું સારું છે, એવું બને ખરું ?

દાદાશ્રી : એ તો આપણા લોકોએ એક કોઈક માણસ બૈરીને બહુ મારતો હોયને, તેને સમજણ પાડી કે મૂઆ આ તારી બૈરીનું નસીબ તો જો, કહે છે, શું કરવા બૂમો પાડું છું ? એનું પુણ્ય છે તો તું ખાઉં છું, એમ કરીને ચાલુ થઈ ગયું. બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. તમને સમજાઈ ગયુંને ! એ તો બધું આવું કરવું પડે તો જ રાગે પડેને. સહુસહુના પોતાનાં પુણ્યનું જ બધું ભોગવે છે અને પોતાનું પાપેય પોતે જ ભોગવે છે. કોઈને કશું લેવાદેવાય નથી પછી. એક કિંચિત્ વાળ પૂરતી એય ભાંજગડ નથી.

પ્રશ્શનકર્તા : કોઈ શુભ કર્મ કરે, દાખલા તરીકે પુરુષ દાન કરે, પણ સ્ત્રીનો એમાં સહકાર હોય, તો બન્નેને ફળ મળે ?

દાદાશ્રી : હાસ્તોને, કરનાર અને સહકાર એટલે કરાવનાર, અગર તો કર્તા પ્રત્યે અનુમોદનાર, આ બધાને પુણ્ય મળે. ત્રણેયને કરનાર, કરાવનાર અને કર્તા પ્રત્યે અનુમોદનાર. તમે જેને કહ્યું હોય કે આ કરજો, કરવા જેવું છે, એ કરાવનાર કહેવાય, તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી, વાંધો ના ઉઠાવે એ અનુમોદનાર. બધાને પુણ્ય મળે. પણ કરનારને ભોગે પચાસ ટકા અને પેલા પચાસ ટકા બે જણને વહેંચાઈ જાય.

પ્રશ્શનકર્તા : અમને પચીસ ટકા આપો એ ના ચાલે ?

દાદાશ્રી : તો જાતે કરો. ઘરના માણસો તો ધણીને કહે, હિન્દુસ્તાનમાં ઘણા લોકો, કે તમે આ બધું ઊંધા-છતાં કરીને પૈસા લાવો, તે તમારું પાપ આ તમને લાગે. અમારે કંઈ ભોગવવાનું નથી. અમારે જોઈતું નથી આવું. જે કરે એ ભોગવે. હવે પેલાં કહે કે અમારે નહીં જોઈતું એટલે એ અનુમોદના ના કરી એટલે એનાથી મુક્ત થઈ ગયા. પાર્ટનરશીપ (ભાગીદારી) કરવી હોય તે આપણી મરજીની વાત છે. એમાં કંઈ 'ડીડ' (કરાર) કરવાનું નથી કે સ્ટેમ્પ લાવવો પડતો નથી. વગર સ્ટેમ્પે ચાલે છે.

પ્રશ્શનકર્તા : અમારે ત્યાં મહિનામાં પચ્ચીસ દહાડા રસ્તે જતાનેય બોલાવીને હું જમવા લાવું. તો હવે હું તો ખાલી બોલાવી લાવું પણ મહેનત બધી તો એમણે કરીને જમાડવું પડે. તો આમાં પુણ્ય કોને વધારે મલે ? આપણે તો કરિયાણા, બીજું સામાન લઈ આવીએ, બાકી મહેનત તો એમણે કરીને !

દાદાશ્રી : એટલે તમે આમાં, તમે કરાવનાર કહેવાઓ, એ કરનાર કહેવાય. એની મહીં સાસુ હોય તે કહે, હારુ બા બધાને જમાડજો ! તો એ અનુમોદનાર કહેવાય. આવી રીતે કરનાર, કરાવનાર અને અનુમોદનારથી ચાલે છે. હવે તે વખતે એમના મનમાં એમ થાય કે આવાં લફરાં તેડી લાવ્યા આ શી ભાંજગડ, એટલે કરનારને ભાંજગડ લાગે તો એને ભાગે ગયું બધુંય પાપ. તમારે ભાગે તો પુણ્ય આવ્યું. આ (વાઇફ) બહાર શું બોલે, આવનારાને એમ કહે કે તમે આવ્યા છો તે બહુ સારું થયું બા, આ મને ગમ્યું અને મનમાં શું બોલે કે આ કંઈથી તેડી લાવ્યા વગર કામનાં આ લફરાં ! આનું નામ બધું જ કિન્ડર ગાર્ટન.

ભય તિરસ્કાર દોષથી અંધ,

પ્રતિક્રમણ છોડાવે ઋણબંધ!

પ્રશ્શનકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ ! કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ, કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા ? તો કહે અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા

હોય, ભગવાન હું ક્ષમા માગું છું. આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, કે અંદર તમે માફી માંગ માંગ કરો ભગવાન પાસેથી તો બધું ધોવાઈ જશે.

પરણ્યા પછી ન છોડ સંસાર,

નિકાલ કર કરેલા કરાર!

પ્રશ્શનકર્તા : આપણે ધર્મના માર્ગે જવું હોય તો, ઘર સંસાર છોડવો પડે. એ ધર્મના કામ માટે સારું કહેવાય પણ ઘરના લોકોને દુઃખ થાય પણ પોતાને માટે ઘરસંસાર છોડે એ સારું કહેવાય ?

દાદાશ્રી : ના. ઘરવાળાનો હિસાબ ચૂકવવો જ પડે. એમનો હિસાબ ચૂકવ્યા પછી એ બધા ખુશ થઈને કહે કે 'તમે જાવ' તો વાંધો નથી. પણ એમને દુઃખ થાય એવું કરવાનું નહીં. કારણ કે એ એગ્રીમેન્ટ (કરાર)નો ભંગ કરી શકાય નહીં.

બાકી ધાર્યું કશું થાય નહીં. પુણ્ય કર્યું હોય તો ધાર્યું થાય. અને પાપ કરેલું હોય તો ધાર્યું કોઈ દહાડો થાય જ નહીં તો પછી તમે બીજું શું કરવાના હતા ? અમથા સંડાસ જવાની શક્તિ નહીંને શું કૂદાકૂદ કરો છો ? આપણને એમ છે કે આ આપણું ઘર છે ને કુટુંબ છે. ના, કર્મો ખપાવવાની દુકાન છે. ઘરાક-વેપારી જેવો સંબંધ છે.

પ્રશ્શનકર્તા : ભૌતિક સંસાર છોડી દેવાનું મન થાય છે, તો શું કરવું ?

દાદાશ્રી : ભૌતિક સંસારમાં પેસવાનું મન થતું હતુંને ? એક દહાડો.

પ્રશ્શનકર્તા : એ તો ત્યારે જ્ઞાન નહોતું, હવે તો જ્ઞાન આવ્યું છે એટલે એમાં ફરક પડે છે.

દાદાશ્રી : હા, એમાં ફરક પડે પણ જો એ પેઠા એટલે હવે નીકળવાનો રસ્તો ખોળવો પડે. એમ ને એમ ભાગી ના જવાય. લગ્નનો કેટલાં વર્ષનો કોન્ટ્રાક્ટ (કરાર) કરેલો છે ?

પ્રશ્શનકર્તા : ખબર નથી ?

દાદાશ્રી : એવું છેને કોઈ કરાર લખી આપ્યો હોય તો કરાર પ્રમાણે ચાલવું પડેને ?

પ્રશ્શનકર્તા : એવો કરાર તો કોણ લખી આપે !

દાદાશ્રી : ના, એ તો જન્મ વખતે કરાર લખાઈ જ જાય. આપણે સમજવું હોય તો સહી નહીં કરવી. એટલે નીચે મોઢે સહન કર્યે જ છૂટકો !

પ્રશ્શનકર્તા : પણ કેટલા જન્મો સુધી કરવું પડશે એવું ?

દાદાશ્રી : એ તો ફરી કરાર પાછા કરવાની ભાવના થાય, તો નક્કી કરી રાખવું કે હવે ફરી કરાર કરવો જ નથી, તો નહીં થાય.

પ્રશ્શનકર્તા : હા દાદા, ગાંઠ વાળી દીધી છે, નક્કી જ કરી દીધું છે.

દાદાશ્રી : કરી જ નાખવા જેવું એ ગાંઠ કરારવાળી છે. આ છોકરાંઓ જોડેય કરાર છે અને ધણી જોડેય કરાર, બધા કરારો છે. આ સંસાર કરાર છે એનો વાંધો નહીં, આપણે છૂટા અને આય છૂટા, એવી રીતે ચાલે એવું છે.

પોતે જ છાપી પાઠવી કંકોત્રી,

બાઝે 'ફાઈલો' રચના કુદરતી!

પ્રશ્શનકર્તા : જીવનમાં જે કંઈ બને છે એ કર્મોદયને લીધે છે તો પછી કર્મની કે કોઈ સંબંધની પસંદગી એ આપણી હોઈ જ ના શકેને ?

દાદાશ્રી : એટલે તમારે આમની જોડે સમભાવે નિકાલ, ઉકેલ લાવવો જોઈએ. હા, આ વાઇફ કુદરતે નથી આપ્યા. તમે પોતે જ લાવ્યા છો. જેની જોડે વ્યવહાર મંડાયો તેની જોડેનો જ વ્યવહાર છે આ. જો વ્યવહાર ના મંડાયો હોત તો ના ભેગા થાત.

પ્રશ્શનકર્તા : એ પણ પૂર્વનો મંડાયેલોને, દાદા ?

દાદાશ્રી : હા, પૂર્વેનો મંડાયેલો તે આ ભવમાં ભેગા થયા. હવે ભવિષ્યમાં પાછું આગળ ન બંધાય, એટલા માટે તમે હવે શુદ્ધાત્મા તરીકે જ્ઞાતા-દ્રષ્ટા રહો. એટલે ચાર્જ ન થાય અને જૂનું છે તે ડિસ્ચાર્જ થયા કરે.

પ્રશ્શનકર્તા : એટલે આ સંસાર વ્યવહારમાં કેટલાક લોકો માતા-પિતા પોતાના દીકરાની પત્ની પસંદ કરવા જતાં હોય છે, દીકરીનો જમાઈ પસંદ કરવા જતાં હોય છે, પોતે પોતાની પસંદ કરવા. એમાં કયું ધોરણ આવતું હશે આ સંબંધોમાં ?

દાદાશ્રી : બધા જ કર્મના ઉદય છે આ. કર્મના ઉદયની બહાર કશુંય નથી. એ તો એના મનમાં ખાંડ ખાય છે કે મેં પસંદ કરી ને હું લાવ્યો છું એટલે હવે મારે વાંધો નથી. પણ બે વર્ષ પછી પાછું એય ફ્રેક્ચર થઈ જાય.

તમે બે ભેગા કેવી રીતે થયા, શું કારણથી થયા, કોણે ભેગા કરી આપ્યા ?

પ્રશ્શનકર્તા : ગયા જન્મમાં અમે બન્ને મિત્ર હતા એટલે ભેગા થયા.

દાદાશ્રી : ના. ફ્રેન્ડ (મિત્ર) હોય તોય ના થાય. ફ્રેન્ડ એક અવતારમાં સ્ત્રી ના થઈ જાય, ફ્રેન્ડને ચાર-પાંચ અવતાર જોઈએ ત્યારે સ્ત્રી થાય. એટલે આ બધો હિસાબ છે. બધો પાછલો હિસાબ છે ચૂકતે કરવાના છે.

આ જગત ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો ચૂકતે કરી નાખે છે જ ગમે તે રસ્તે, પછી નવા બાંધ્યા તે જુદા. હવે આપણે નવા બાંધીએ નહીં ને જૂના આ ભવમાં ચૂકતે થઈ જ જવાના. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઈ બઈ ચાલ્યા નનામી લઈને ! જ્યાં કંઈ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું આ દેહના આધારે બધું ચૂકતે જ થઈ જાય. પછી અહીં જેટલી ગૂંચો પડી હોય તે જોડે લઈ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય.

ન મળે આના આ જ ભવોભવ,

રાજુ નેમ જ મળ્યા ભવ નવ!

પ્રશ્શનકર્તા : આપણો હિસાબ હોય અને પૂરો થઈ જાય એટલે પછી પેલી વ્યક્તિ દેહ છોડીને જતી રહે. પછી એનો કંઈ હિસાબ નવો બંધાય તો પછી આપણી જોડે ભેગી થાય ખરી ? એનો હિસાબ પાછો બીજો હોય તો એ વ્યક્તિ પછી બીજા ભવમાં કે ગમે ત્યાં ભેગી થાય ખર્રીીં?

દાદાશ્રી : એની જોડે બાંધ્યો હોય હિસાબ તો થાય. કોઈને દેખીને જગત ભૂલી જવાતું હોય તો હિસાબ બંધાઈ ચૂક્યો છે. 'મારો એકનો એક બાબો, મને ગમતું નથી એના વગર.' ત્યારે સ્મશાનમાં જઈશ ત્યારે શું કરીશ, 'એવું ના બોલશો, ના બોલશો. મારો એકનો એક બાબો છે.' કહે છે. તો ના બોલીએ તો કંઈ આ ગયા વગર રહેવાના છે કંઈ ! ધંધો જ સ્મશાનનો છે ને, આ દુનિયાનો. એ સ્મશાનમાં જવા હારુ આ લોકો જન્મે છે.

પ્રશ્શનકર્તા : દરેક દિવસ ઓછો થતો જાય છે.

દાદાશ્રી : મારું કહીને મરવાનું. મારું છે નહીં પાછું એ વહેલી જાય તો આપણે એકલા બેસી રહેવાનું. સાચું હોય તો બે સાથે જ જવું જોઈએને ? અને વખતે ધણીની પાછળ સતી થાય તોય એ કયે માર્ગે ગઈ અને આ ધણી કયે માર્ગે ગયો હોય ! સહુ સહુના કર્મના હિસાબે ગતિ થવાની, કોઈ જાનવરમાં જાય ને કોઈ મનુષ્યમાં જાય. કોઈ દેવગતિમાં જાય. એમાં સતી કહેશે કે હું તમારી જોડે મરી જાઉં તો તમારી જોડે મારો જન્મ થાય. પણ એવું કશું બને નહીં. આ તો બધી ઘેલછા છે. આ ધણી-બૈરી એવું કશું છે નહીં. આ તો બુદ્ધિશાળી લોકોએ ગોઠવણી કરી છે.

પ્રશ્શનકર્તા : પછી આ ભવમાં એ જ પત્ની જોડે આખી જિંદગી રહ્યા હોય ને ભાવ કર્યા હોય ને 'આ જ ભવોભવ મળો' તો એનું એ જ મળે ખરું ?

દાદાશ્રી : ના, બા.

પ્રશ્શનકર્તા : દાદા, સામે એવો જ ભાવ હોય તો ? સામે એવો ભાવ વાઇફનો હોય તો ?

દાદાશ્રી : તો મળે.

પ્રશ્શનકર્તા : તો મળે ?

દાદાશ્રી : બન્ને, બન્નેનું એગ્રીમેન્ટ બરોબર મળે તો મળી આવે. પણ તેય પાછું બન્નેનું એગ્રીમેન્ટ બરોબર. પણ પાપ તો જુદી જુદી જાતના કરેલાં ને. એટલે તમે માણસમાં આવ્યા હોય ત્યારે એ છે તે ચાર પગવાળી થઈ હોય. બોલો હવે તે આ મેળ પડવો બહુ વસમો છે.

પ્રશ્શનકર્તા : તો આ નેમીનાથ ભગવાન પણ સાત જન્મ સુધી સાથે હતાને ?

દાદાશ્રી : નવ નવ અવતાર સુધી.

પ્રશ્શનકર્તા : એમણે દાદા બન્ને જણે ભાવ કર્યા હશે એવા ?

દાદાશ્રી : હા, બન્ને જણે ભાવ કરેલા. પણ એ તો પાછું એક પત્નીવ્રત કેવું ? અને એક પત્નીવ્રત અને પતિવ્રત હોય. બીજાનો તો વિચાર જ ના કરે. બીજો ધણી ગમે નહીં અને એક જ પતિ. અને એક જ પત્ની. અને આ તો બીજી જગ્યાએ હઉ નાચી આવે. નાચી આવે કે ના નાચી આવે ? નહીં ? કોઈ હાથમાં આવવી જોઈએ નાચવા.

પ્રશ્શનકર્તા : ભઈ કહે છે કે જો કોઈ જાતની તકરાર ના થાય, તો આવતા જન્મે પાછું સાથે રહેવાય ખરું ?

દાદાશ્રી : આ જન્મમાં જ રહેવાનું નહીં, આ જન્મમાં જ ડાયવોર્સ (છૂટાછેડા) થઈ જાય છે તે વળી આવતા ભવની શી વાત કરો છો ! એવો પ્રેમ જ ના હોય ને ! આવતા જન્મના પ્રેમવાળામાં તો કકળાટ જ ના હોય. એ તો ઇઝી લાઇફ (સરળ જિંદગી) હોય. બહુ પ્રેમની જિંદગી હોય. ભૂલ જ ના દેખાય. ભૂલ કરે તોય ના દેખાય, એવો પ્રેમ હોય.

પ્રશ્શનકર્તા : તો એ પ્રેમવાળી જિંદગી હોય તો પછી આવતા ભવમાં પાછા એના એ ભેગા થાય કે ના થાય ?

દાદાશ્રી : હા થાયને, કોઈ એવી જિંદગી હોય તો થાય. આખી જિંદગી કકળાટ ન થયો હોય તો થાય.

પ્રશ્શનકર્તા : અને કકળાટ થાય તો ભેગા ના થાય એવું ?

દાદાશ્રી : ના.

પ્રશ્શનકર્તા : જેમ કે થોડા ઝઘડા, થોડાક પ્રેમ, એવું બધું વારાફરતી હોય તો જિંદગી જીવવાની મજા રહે !

દાદાશ્રી : હા, પણ એ તો લોકોને પછી છૂટકો ના થાય ને આવું પોતે થઈ જાય, બોલે ત્યારે તો આવું તો થઈ જાય છે આવું.

પ્રશ્શનકર્તા : તો ધણી, વાઇફ, મા-બાપ, છોકરાં, ભાઈ-બહેન વગેરેના જે સગાં-સંબંધી મળે છે એ કયા આધારે મળે છે ?

દાદાશ્રી : એ તો આ બધો આપણો હિસાબ. ઋણાનુબંધ રાગ-દ્વેષના કારણે. રાગ-દ્વેષ થયેલા હોયને ! બહુ રાગ હોય ત્યારે છે તે મા થાય, બાપ થાય, વાઇફ થાય, ઓછો રાગ હોય તો કાકા થાય, મામા થાય, ફૂઆ થાય. આ બધું રાગથી જ બધું ઊભું થયું છે. રાગ ને દ્વેષ. દ્વેષ હોય તોય મા થાય. તે બેને મા-દીકરાને મેળ જ પડે નહીંને. આખી જિંદગી મેળ પડે નહીં બિલકુલ.

પ્રશ્શનકર્તા : અમે હવે પાછા હસબન્ડ અને વાઇફ તરીકે જ ભેગાં થવાના ?

દાદાશ્રી : ના. એનો કંઈ નિયમ નહીં પણ ભેગાં થશે. કોઈ પણ રસ્તે હિસાબ છે તે ભેગાં થશે. ત્યાં સુધી ચાલે નહીં, આ તો બધું હિસાબી ખાતું છે બધું. મનમાં માની બેઠો છે કે હું ધણી, મૂઆ શેનો ધણી તું ? જ્યાં સુધી ડાઇવોર્સ નહીં લીધા ત્યાં સુધી ધણી. આ તો કો'કને કહીએ કે આ મારા સસરા. તો ક્યાં સુધી ? પેલી બઈએ ડાઇવોર્સ નહીં લીધો ત્યાં સુધી.

પ્રશ્શનકર્તા : દાદા, આપણામાં તો એવું ના બોલે, એમ કે જનમ જનમ કા સાથ હૈ.

દાદાશ્રી : હા, એવું બોલે. લોકોને એમ કરીને ગાંઠોવાળી લેવી છે, એમાં કશું વળે નહીંને. કુદરતને ઘેર ચાલે નહીંને ! કુદરત તો બહુ ચોક્કસ.

કશી સગાઈ નથી, કશું છે જ નહીં, બધું માનેલું છે, પણ માનેલું કંઈ છૂટે નહીં. માનેલું તો કાયદેસર, તો કાયદેસર રીતે છૂટે.

ગતભવે લીવરની ઘડી ચાવી,

એ જ લીવરનું 'તાળું' મળે આવી!

પ્રશ્શનકર્તા : દાદા, અત્યારે આ વાઇફ જ મળી, તો ગયા ભવમાં આની જોડે જ ભાવ કરેલા એટલે આ જ મળી ?

દાદાશ્રી : ના, ના.

પ્રશ્શનકર્તા : તો કયા આધારે મળી ?

દાદાશ્રી : એવું હોતું હશે ? ચાવીઓ કેટલા લીવરની આવે છે ? તાળા કેટલાં લીવરનાં હોય છે ?

પ્રશ્શનકર્તા : કેટલાં લીવર ? ચાર લીવર, આઠ લીવર.... હોય એવા.

દાદાશ્રી : તે આપણે કહીએ, જો ભઈ, છ લીવરનું તાળું લાવજે, હં, બે-ત્રણ લીવરનું ના લાવીશ કહે છે. તે આપણે ગયા અવતારે ભાવના કરી હોયને કે 'આવા લીવરવાળું તાળું જોઈએ' એટલે મળી આવે. આપણને 'આ જ હતી' એવું નહીં, હિસાબ. થોડું ગમે છેને બધું આ ? બધું પૂછી લો. આ વર્લ્ડ ઓબ્ઝરવેટરી છે.

અને તમે જે તાળું ખરીદ્યું તે જ આ તાળું. હવે બીજાનું તાળું જોઈને, તમને આ તાળું ગમતું નથી, એવું કહો તો એ તમારી ભૂલ છે. પછી આ તમે જે લીધી હતી તે જ ડિઝાઈન પાસ કરીને લીધેલી, ઉપરથી સહી સિક્કા હઉ છે. હવે તમે બીજાનું તાળું જુઓ એટલે કહો 'આવું જોઈએ, મારે ભાગ આ ક્યાંથી આવ્યું ?' તે પછી એ ચાલતું હશે ? પછી એ જ તાળું આખો અવતાર ચલાવી લેવું પડે. તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : પણ એ પૂર્વભવનું કૉઝીઝ હોય ત્યારે જ ભેગા થાયને, અહીં આગળ સગા તરીકે ? વહુ કંઈ એમ ને એમ થતી નથી. અડસટ્ટો નથી આ, ગપ્પું નથી. એ તો પહેલાની ડિઝાઈન આપણી ચીતરેલી, એના ગુણ-બધું ચીતરેલું, તે જ આવીને મળ્યું છે આ.

એટલે આ જન્મ એ બધું છે તે ગપ્પું નથી. પોતાની ઇચ્છાથી પ્રગતિ છે. આ કંઈ કોઈના દબાણથી નહીં, પોતાની ઇચ્છામાં આવે તેવી જગ્યાએ જન્મ-બન્મ બધું જ આ થાય છે. ધણી એ પોતાની ઇચ્છામાં આવે તે લાવ્યા હોય પણ પછી છે તે સામાનું જુએ અને માપે એટલે આ તો આનો સારો છે ને મારો ખરાબ. એ ત્યાં પછી બગડી જાય. બાકી લઈને આવે છે પોતાની ઇચ્છાપૂર્વકનું ટેન્ડર ભર્યું હતું એ. ડિઝાઈન-બિઝાઈન બધું એ લઈને આવે છે. પણ અહીં આવ્યા પછી બુદ્ધિથી ફરી જાય છે. એટલે હું કહું છું ચલાવી લે ને ? મૂઆ. તેં જ કરેલું છે, તેં સહી કરેલી માટે કોન્ટ્રેક્ટ પૂરો કરી નાખ ને ! આપણે સહી કરી આપી પછી.... !

પ્રશ્શનકર્તા : હા, હા.

દાદાશ્રી : એક માણસ મને ફરવા તેડી ગયેલો, ઇન્જિનિયર હતો, ત્રીસ વર્ષનો હતો. મેં કહ્યું 'શું છે ? વહુ જોડે ફાવે છે કે નહીં ?' 'નથી બોલતો એની જોડે' કહે છે. મેં કહ્યું 'અલ્યા, અત્યારથી નહીં બોલતો તે આખી જિંદગી શી રીતે કાઢીશ તું ?' ત્યારે કહે, 'ના, એનો સ્વભાવ બરાબર નથી ને મિલનસાર નથી ને આમ નથી ને તેમ નથી.' મેં કહ્યું, 'ત્યારે જોવા શું ગયો હતો ત્યાં ?' ત્યારે કહે 'અંદરનું કોણે જોયું છે ? મેં તો બહાર જોઈ.' ત્યાર પછી મેં એને સમજણ પાડી. હમણે ચાર-પાંચ જણ બેઠા હોય ને તને એક તાળું લેવા મોકલીએ અને તું બધાં તાળાં જોઈ અને પછી તાળું લઈને આવ્યો પછી એને પાછું આપવા જવાનું થાય તો શરમ આવે કે ના આવે તને ? ત્યારે કહે, ના, એ તો પછી ના અપાય. ત્યારે મેં કહ્યું, આ લઈને આવ્યો મૂઆ તાળું, હવે આખી જિંદગી ચલાવી લે ! તે ચાલ્યું પણ, એનું ગાડું ચાલે છે અત્યારેય ચાલે છે.

આટલી મેં ચાવી વાસી આપી કે તાળું ખુલ્લું થઈ ગયું. અણસમજણ બધી, ગપ્પાં ! તાળું લઈને આવ્યો હોય તો એટલો રોફ મારીએ છીએ કે મારું લાવેલું પાછું કેમ આપવું પડે હવે ! હું જોઈ કરીને લાવ્યો ને... નહીં તો પોતાનો રોફ શું રહ્યો એમાં તે ! અને આ તે કંઈ... આ કંઈ ભોટવા(માટલી) છે તે બદલાય ? માટીના ભોટવા હોય તો બદલી લેવાય. નહોય ભોટવા આ તો. આવું ના થાય. એટલે કેટલા રૂમ જોઈશે બધું એ પોતે લખીને લાવ્યો છે તે એટલું જ એને મળેલું હોય છે. હવે બીજાનું જોઈને એને લોભ જાગે છે અને તે તેનું નામ જ ઇન્વાઇટેડ (બોલાવેલાં) દુઃખ. આ કો'કનું જોઈને લાવીને તેથી દુઃખ આ. તે કોઈનો ધણીય આપણે શું કરવા જોઈએ સારો, તે આપણો ખરાબ દેખાય. બધાંય તડબૂચાં એ કોઈ આવડું તડબૂચું, કોઈ આવડું હોય. ગયા અવતારનું એગ્રીમેન્ટ પછી જ આ બધું તમને મલે છે અને અહીં આવીને કો'કનું જોઈને ચંપે ચઢે તે પછી શું થાય તે ! હું તો કોઈ દહાડો કોઈનું જોઈને નકલ કરું જ નહીં ને ! હું જાણું કે આપણે કરાર કરીને આવ્યા છીએ. જે હોય એ કરેક્ટ(બરાબર). આ કરાર કરીને આવેલા છે. એટલે આમ સમજે નહીં. તો કરાર પ્રમાણે તું તારી મેળે આનો નિવેડો લાવી નાખ આ બાબતમાં.

બીજો સારો કરાર કર નવો, નવો કરું ને તો સારો કર પણ આ જૂનો છે તે કરાર એગ્રીમેન્ટ પર સહી થયા પછી બૂમાબૂમ પાડીએ એ ગુનો છે. આ વાઇફને પાસ કરીને લાવ્યા. અને હવે અહીંયાં આગળ બૂમો પાડે તો શું થાય ? વાઇફ જાય નહીં ને નવું વળે નહીં દહાડો ! આ જ વાઇફ મળવી એ ગપ્પું નથી કે કો'કે ઘાલી દીધી ! આપણા કરાર પ્રમાણે છે. ફલાણા ગામની ને ફલાણા સસરાની દીકરીને, બધું કરાર ! મારી વાત સમજણ પડે તો કામ નીકળી જાય.

પ્રશ્શનકર્તા : બરાબર સમજ પડી.

દાદાશ્રી : એ તો કરાર છે આ.

પ્રશ્શનકર્તા : હવે આ સમજ્યા પછી મુક્તિની ઇચ્છા થાય છે.

દાદાશ્રી : ત્યારે બીજું શું ઇચ્છા થાય તે ? તડબૂચાંનું જોઈને શું કાઢવાનું ? કેટલો સારો એનો ધણી. વળી ધણી કહેશે કે કેટલી દેખાવડી છે ? એટલે એને પૂછું પછી, ધણી અહીંયા આવ. દેખાવડી તને બહુ દેખાય છેને? હવે એક ફેરો દાઝી ગઈ અહીં આગળ. આખું શરીર આટલું પગ-હાથ દાઝી ગયો, ચામડી ઉતરી જાય, પછી પરું નીકળે, તે ઘડીએ કહેશે હાથ ધોવડાવો તો તું શું કરું ? ના ધોવડાવું, ના ધોવડાવું, ત્યારે મેર ચક્કર ! ઘનચક્કર છું કે શું ? કેવી સરસ હતી ! તે હવે હાથ ફેરવને ? પેલી બહુ મોહી હોયને તો પેલી કહે લ્યો હવે ચાટો અહીં આગળ, તો ટાઢો પડી જાય. એ આમાં શું કાઢવાનું છે ! આ તો... આ તો રેશમી ચાદરે બાંધેલું માંસ છે, હાડકાં છે, રેશમી ચાદરે બાંધેલા !

નાચ આધારે મળે નાચનારી,

શાદીના આધારે વેષ સંસારી!

નાચ કરાવવો છે એવું જોઈએ કે નાચનારી લાવવી છે એવું જોઈએ છે ? એ નક્કી કરવું પડે. નાચ કરાવવો છે એવું હોય એટલે નાચનારી તો આવે જ. એનાં તબલાં, ઢોલકાં, વાજાં બધું લશ્કર લઈને આવે. નાચનારીના આધારે નાચ છે કે નાચના આધારે નાચનારી છે ? ઘીના આધારે પાત્ર છે કે પાત્રના આધારે ઘી છે ? ઘી અને પાત્રમાં તો સમજાય કે પાત્રના આધારે ઘી છે ? ઘી ઢળી ગયું તેથી સમજાય.

પ્રશ્શનકર્તા : એકબીજાના આધારે છેને ?

દાદાશ્રી : હા, પણ એ સંસારી વાક્ય કહેવાય. અને આપણને અસંસારી જવાબ જોઈએ છે. આપણે આહાર કરવા આવ્યા ને ખાવાની બધી વસ્તુઓ પડી હોય તો આહારીને લીધે આહાર કે આહારને લીધે આહારી ? આહારને લીધે આહારી છે એવું નાચના લીધે નાચનારી છે. હમણે કો'કને જેઠ હોય તો જેઠ કોના આધારે ? શાદી કરી તો જેઠ થયા, શાદી ના થઈ હોત તો ? જેઠ કે દિયર હોય ? એટલે શાદીના આધારે આ બધું છે ! એટલે આપણે જે યોજના કરી કે નાચ જોવો છે તો એ યોજના ફળે ત્યારે નાચનારી ભેગી થઈ જાય.

એટલે આ ભવમાં જો સ્ત્રી ના જ ગમતી હોય તો આ ભવમાં ભાવથી નક્કી કરો, કે હવે લગ્નેય કરવું નથી ને પૈણવુંય નથી ! એ ભાવ કરો તો પછી એનું પરિણામ આવતા ભવમાં આવે, આ ભવમાં તો ગયા અવતારનાં પરિણામ ભોગવ્યે જ છૂટકો.

ર્ીર્ ીર્ ી

(૨૫)

આદર્શ વ્યવહાર જીવનમાં

દિનચર્યા સાતે દિ'ની સેટિંગ,

આદર્શ જીવન ને મોક્ષે લેંડિંગ!

દાદાશ્રી : જિંદગીને સુધારવાની શી રીતે ?

પ્રશ્શનકર્તા : સાચા માર્ગે જવાથી.

દાદાશ્રી : કેટલા વર્ષ સુધી સુધારવાની ? આખી જિંદગી કેટલા વર્ષ, કેટલા દિવસ, કેટલા કલાક શી રીતે સુધરે એ બધું ?

પ્રશ્શનકર્તા : ખબર નહીં મને.

દાદાશ્રી : હં, તેથી સુધરતું નથી ને. અને ખરી રીતે બે જ દિવસ સુધારવાના છે. એક વર્કિંગ ડે (કામ પર જવાનો દિવસ) અને એક છે તે રજાનો દિવસ, હોલી ડે (રજાનો દિવસ) બે જ દિવસ સુધારવાના સવારથી સાંજ સુધી. બે ફેરફાર કરે એટલે બધાય ફેરફાર થઈ જાય. બેની ગોઠવણી કરી દીધી કે બધા એ પ્રમાણે ચાલે પછી. અને એ પ્રમાણે ચાલીએ એટલે આ બધું રાગે પડી જાય. ફેરફાર લાંબો કરવાનો જ નથી. આ કંઈ બધાએય રોજના ફેરફાર નથી કરતા. આ બેની ગોઠવણી જ કરી દેવાની છે. બે દિવસની ગોઠવણી કરેને એટલે બધા દિવસ આવી ગયા.

પ્રશ્શનકર્તા : એ ગોઠવણી કેવી રીતે કરવાની ?

દાદાશ્રી : કેમ ? સવારમાં ઊઠીએ, એટલે ઊઠ્યા એટલે પહેલાં છે તે ભગવાનનું સ્મરણ જે કરવું હોય તે કરી લેવું. એક તો સવારમાં વહેલું ઊઠવાનો રિવાજ રાખવો જોઈએ. કારણ કે લગભગ પાંચ વાગ્યાથી ઊઠવું જોઈએ માણસે. તે અડધો કલાક છે તે પોતાની એકાગ્રતાનું સેવન કરવું જોઈએ. કોઈ ઇષ્ટદેવ કે ગમે તે હોય એની પણ ભક્તિ કંઈ એકાદ અડધો કલાક એવી ગોઠવણી કરવાની. એવું રોજ ચાલ્યા કરે પછી. પછી છે તે ઊઠીને પછી બ્રશ ને એ બધું કરી લેવાનું. બ્રશમાંય સિસ્ટમ ગોઠવી દેવાની. આપણે જાતે જ બ્રશ લેવું. જાતે એ કરવું ને જાતે બધું. કોઈનેય નહીં કહેવું જોઈએ. પછી માંદા-સાજા હોય ત્યારે જુદી વસ્તુ છે. પછી ચા-પાણી આવે. તો કકળાટ નહીં માંડવાનો ને જે કંઈ આવે એ પી લેવાનું. જરા કાલથી વધારે નાખજો, કહીએ. ચેતવણી આપવી આપણે. કકળાટ ના માંડવો. ચા પીધા પછી નાસ્તો-બાસ્તો જે કરવાનો હોય તે કંઈ કરી લીધો અને પછી જમીને જોબ પર જવાનું થાય તે જમીને જોબ પર ગયા એટલે જોબ પર તો કશું આપણે ત્યાંની ફરજો બજાવવાની.

અહીંથી ઘેર કકળાટ કર્યા વગર નીકળવાનું અને પછી જોબ કરીને પાછા આવ્યા એટલે જોબમાં છે તે બોસ જોડે ભાંજગડ થઈ હોય તે પછી રસ્તામાં શાંત કરી દેવી. આ બ્રેઈનને (મગજની) ચેક નટ દબાવી દેવી. એ રેઈઝ થઈ ગઈ હોય તો. અને શાંત થઈને ઘરમાં પેસી જવું એટલે કકળાટ કશો ઘરમાં નહીં કરવાનો. બોસ જોડે લઢે છે તેમાં બૈરીનો શો દોષ બિચારીનો. તારે બોસ જોડે ઝઘડો થાય કે ના થાય ?

પ્રશ્શનકર્તા : થાય ને.

દાદાશ્રી : તો સ્ત્રીનો શો દોષ ? ત્યાં લડીને આવ્યો હોય તો સ્ત્રી સમજી જાય કે આજ મૂડમાં નથી મૂઓ. મૂડમાં ના હોય ને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એટલે આવી ગોઠવણી એક દિવસની આ કરી હોય, વર્કિંગ ડે ની અને એક હોલીડે ની. બે જ જાતના દિવસ આવે છે. ત્રીજો દહાડો કોઈ આવતો નથીને ? એટલે બે દિવસ ગોઠવણી કરી એ પ્રમાણે ચાલ્યા કરે પછી.

પ્રશ્શનકર્તા : હવે રજાના દહાડે શું કરવાનું ?

દાદાશ્રી : રજાના દિવસે આપણે નક્કી કરવું કે આજ રજાનો દિવસ છે એટલે આજ છોકરાં-બચ્ચાં, વાઇફને, બધાંને કંઈ ફરવાનું ના મલતું હોય તો આપણે ફરવા તેડી જવાં જોઈએ, બધું જમીને પછી. સારું સારું જમવાનું બનાવવું જોઈએ, જમીને પછી ફરવા તેડી જવા જોઈએ. ફરીને પછી બહુ લિમિટ રાખવાની કે ભઈ હોલીડેને દિવસે આટલો જ ખર્ચ ! કોઈ વખતે એક્સ્ટ્રા (વધારે) કરવો પડે તો આપણે બજેટ કરીશું કહીએ પણ બાકી નહીં તો આટલો જ ખર્ચ. એ બધું નક્કી કરવું જોઈએ આપણે. વાઇફ પાસે જ નક્કી કરાવવું આપણે.

પ્રશ્શનકર્તા : એ કહે છે ઘેર વેઢમી ખાવી જોઈએ. પીઝા ખાવા નહીં જવાનું બહાર ?

દાદાશ્રી : ખુશી, ખુશીથી વેઢમી ખાવ, બધું ખાવ, ઢોકળાં ખાવ, જલેબી ખાવ જે ફાવે એ ખાવ.

પ્રશ્શનકર્તા : પણ હૉટલમાં પીઝા ખાવા નહીં જવાનું ?

દાદાશ્રી : પીઝા ખાવા ? તે આપણાથી ખવાય કેમ કરીને ? આપણે તો આર્ય પ્રજા. છતાં શોખ હોય તો બે-ચાર વખત ખવડાવીને પછી ધીમે ધીમે છોડાવી દેવા. ધીમે ધીમે છોડાવી દઈએ. એકદમ આપણે બંધ કરી દઈએ એ ખોટું કહેવાય. આપણે જોડે ખાવા લાગીને પછી છોડાવી દેવું ધીમે ધીમે.

પ્રશ્શનકર્તા : વાઇફને બનાવવાનો શોખ ના હોય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : આપણે બીજો શોખ બદલી નાખવો. બીજી બહુ ચીજો છે આપણે ત્યાં. બીજો શોખ બદલી નાખવાનો. અને રઈ-મેથીના વઘારનું ના ભાવતું હોય તો પછી તજ ને મરિયાનો વઘાર કરી દેવડાવવો. એટલે સારું લાગે. પીઝામાં તો શું ખાવાનું હોય ?

એટલે ગોઠવણી કરે તો બધું જીવન સારું જાય અને સવારમાં કંઈક અડધા કલાક ભગવાનની ભક્તિ કંઈક કરે તો કામ રાગે પડે. તને તો જ્ઞાન મળી ગયું એટલે તું તો થઈ ગયો ડાહ્યો હવે. પણ બીજાને જ્ઞાન ના મળ્યું હોય તેને કંઈ ભક્તિ કરવી જોઈએ ને ! તારું તો રાગે પડી ગયું ને !

પ્રશ્શનકર્તા : હા, દાદા.

દાદાશ્રી : બીજો કંઈ પ્રશ્શન હોય તો પૂછો, જિંદગીના જે જે પ્રશ્શનો હોય, જાત જાતના પ્રશ્શનો, મુંઝામણ થાય એવા પ્રશ્શનો બધા જાતજાતના, નકામા મુંઝાવાની કંઈ જરૂરત શું છે ?

તમારે બહુ સુધારવાનું હોતું નથી. કારણ કે બહુ જણ સાથે તમારે સંયોગો હોતા નથી. તમારા ઘરના માણસો, ઑફિસના માણસો અને કો'ક દા'ડો રજા હોય ત્યારે બીજા બહારના માણસ થોડાક હોય. એ બધા સંયોગો સુધારી લેવાના છે. એટલા સંયોગો સુધારી લીધા એટલે તમે જીતી ગયા. જો આખી દુનિયા જોડે હોયને તો તમારાથી સુધારી ના શકાય. પણ આટલા જોડે સુધારી લેવામાં શું તમને નુકસાન છે !

હવે આ ડૉક્ટર કહે છે, મારે બે હજાર-પાંચ હજાર માણસો હોય, તો આપણે બધા જોડે ભાંજગડ છે એવું નથી. એમાં કો'ક ગરીબ માણસ હોયને તેટલા જ પૂરતું સાચવવાનું હોય. બીજા શ્રીમંતોને જોડે સાચવવાનું હોતું નથી. ગરીબને બિચારાને ચલાવી લેવાનું, નભાવી લેવાનું અને બસો ડૉલર ઓછા આપે તો ? તોય દવા આપવી, ફરી ચાલુ રાખવી, દવાનું હઉ થઈ રહેશે, કહીએ. કંઈ ખોટ આવવાની નથી. આપણે લઈને આવ્યા હતા ક્યાં ? અહીં લઈને આવ્યા હતા ? હવે કશુંય નહીં, મહીં કુદરત બધું અંદર ન્યાય છે જ બધો. કુદરત તમારા હાથે જ અપાવડાવે છે, કુદરત જાતે આપવા આવતી નથી. માટે જશ કેમ ના લેવો !

કોઈને તો બહુ પ્રસંગો હોયને, તો શી રીતે સુધારી શકે ? તોય સુધારે છે, હું એને સમજ પાડું છું ને સુધારે છે. તમારે તો ત્યાં આગળ ઑફિસમાં જઈને ગ્રજ કોઈની જોડે નહીં કરવાનો. એ આપણી જોડે ગ્રજ કરતો હોય તો આપણે જાણીએ કે એનું માઈન્ડ હલકું છે. છતાં એને હલકોય કહેવો નહીં, મનમાં માનવાનું નહીં હલકું. હલકો માનવો એ એક જાતનો દ્વેષ છે એ. એ એનો સ્વભાવ છે, એ કાઢી નાખવું. પણ આપણને એના માટે ખરાબ વિચાર આવે તો પછી ફેરવી નાખવા. ખરાબ વિચાર આવવા એ પ્રકૃતિના ગુણ છે અને ફેરવવા એ પુરુષાર્થ છે.

કંઈ તો પુરુષાર્થ જોઈએ કે ના જોઈએ, પુરુષ થાય પછી ? અને તમારે બહુ સંજોગો નથી. ઑફિસમાં છે તે કોઈની ઉપર આપણને દ્વેષ ન થાય એવી રીતે જોવું. એ આપણી ઉપર કરતો હોય તેનો વાંધો નહીં. લોક આપણને નથી કહેતાં કે બ્રોડ માઈન્ડેડ છે ! મોટા મનનો માણસ નથી કહેતાં લોકો ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એ મોટા મનના થવામાં શું ખોટ જવાની છે ? અને આ ઘરમાં શા માટે ? ઘરમાં કોઈને દુઃખ હોવું જ ન જોઈએ.

આ બધા વ્યવહાર સાચવવા એક મહિનામાં શીખી લે ને પછી બહુ થઈ ગયું ! મહિનામાં મારે શું કરવું એ બધું શીખી લે એટલે આખી જિંદગી એનું એ જ ચાલ્યા કરે !

પ્રશ્શનકર્તા : એ જ રિપિટેશન છે ?

દાદાશ્રી : હા પછી એ જ રિપિટેશન (પુનરાવર્તન) થયા કરે છે ! એમાં મનુષ્યોમાં બીજું શું શીખવાનું છે ? અને ઊંચામાં ઊંચા મનુષ્ય કોને કહેવાય ? કે કોઈનું અપમાન કરતાં પહેલાં તરત જ પોતાને જાગૃતિ આવવી જોઈએ કે 'મને કોઈ અપમાન કરે તો મારી શું સ્થિતિ થાય ?' આટલી જાગૃતિ હોય તેને અતિમાનવતા કહી ! એ માનવતા, તો બહુ ટોપમોસ્ટ (ઊંચામાં ઊંચું) માનવતા કહેવાય. પણ આ તો આપી દેવામાં શૂરા અને લેવામાં રડવાનું, મને આમ કર્યું, તેમ કર્યું ! અરે, પણ તું આપતી વખતે બહુ નોબલ રહું છું અને અહીં લેતી વખતે કેમ આટલી બધી ઇકોનોમી (કરકસર) કરું છું ! એવું નહીં બોલવાનું, એવું નહીં કહેવાનું કે જે વ્યર્થ જાય.

ગૃહસ્થી-ધર્મ ઉત્તમ શાથી?

કસોટી કાળમાં સમતા રાખી!

પ્રશ્શનકર્તા : ગૃહસ્થીધર્મ ઉત્તમ શાથી કહેવાય છે ? ગૃહસ્થી ભોગવતા ભક્તિ સાચી કે ગૃહસ્થમાં પ્રવેશ્યા પછી તેને ત્યાગીને ભક્તિ સાચી છે ?

દાદાશ્રી : ત્યાગ કરવામાં કોઈને દુઃખ ન થયું હોય ઘરમાં કોઈ પણ માણસને, બધા ખુશી ખુશી થઈને કહેતા હોય તો એ ભક્તિ સારી કહેવાય. પણ ત્યાગમાં લોકોને દુઃખ થયું હોય એનાં કરતા તો ગૃહસ્થમાં રહીને ભક્તિ કરવી સારી. બધાંને પોષણ તો કરવું જોઈએને ? જેની જોડે આપણા લગ્ન થયાં, છોકરાં હોય તે બધાં આશ્રય ભાવના રાખે નહીં ? આશ્રય રાખે. તે આશરો તમારે આપવો પડેને. નિરાશ્રિત ન કરાય એને. અહીં ઘરનાં બધાં માણસ રાજીખુશી થઈને કહેતાં હોય, 'ના, ના. તમે ત્યાગ લો તો અમારે વાંધો નથી. અહીં દુઃખ નથી.' તો વાંધો નહીં. અને નહીં તો આપણે ઘરમાં રહીને ભક્તિ કરીએ એ સાચી. તો બહુ સારામાં સારું. એના જેવું નહીં. પણ સાચી ભક્તિ, ધર્મ ક્યારે થયો કહેવાય ? કે ઘરનાં કોઈ માણસને આપણા થકી દુઃખ ના હોય. ઘરનાં માણસ થકી આપણને દુઃખ થાય પણ આપણાથી એને દુઃખ ના હોય, એ સાચી ભક્તિ.

ગૃહસ્થધર્મ તો ઉત્તમ શાથી ગણાય છે ? કે કસોટી ધર્મ છે આ. ત્યાગીને તો કસોટી જ નહીં ને ! ઇન્કમટેક્સ નહીં, સેલટેક્સ નહીં, ભાડું નહીં, નાડું નહીં, કશું જ નહીં ! અને આપણે તો બધાની વચ્ચે રહીને સમતા રાખવાની એટલે ઉત્તમ ગણાય. કસોટી એની હોય. એ તો ટેસ્ટેડ હોવું જોઈએ. આ ત્યાગી હોય ને, તેને કહીએ મહિનો તમે પૈણી જુઓ જોઈએ, કહીએ. પૈણ્યા પછી મહિનોય રહે નહીં. પાછો જતો રહે. કારણ પેલી કહે આજ દાળ લઈ આવો, આજ જરા ખાંડ લઈ આવો. પેલાને સમજણ ના પડે કે એ ક્યાંથી લાવવું, એટલે એ નાસી જાય. આર્થિક પીડા હોય એય ગમે નહીં, તરત ભાગી જાય ! એટલે ગૃહસ્થધર્મ તો ઉત્તમ જ કહેવાય.

આ સત્સંગ થયો નહીં ને આ તો ગમ્મત થઈ બધી.

પ્રશ્શનકર્તા : આમ વ્યવહારિક જ્ઞાન જાણવા મળ્યું ને ?

દાદાશ્રી : વ્યવહાર બહુ જાણવાનો છે. નિશ્ચય તો છે જ પોતાનો. એમાં જાણવાનું કશું નહીં, વ્યવહાર જો ચોક્કસ રહ્યો તો નિશ્ચય ચોક્કસ થાય. વ્યવહાર આદર્શ થયો તો નિશ્ચય આદર્શ. વ્યવહાર ડખો રહી ગયો તો નિશ્ચય ડખો રહી ગયું. નિશ્ચય તો વ્યવહારનો ફોટો છે !

ત્યારે એ લોકોએ શું કહ્યું, 'નિશ્ચય' પર જ ભાર દેવાનો, આ પેણે ભાર ઓછો થઈ જશે, એટલે પહેલું આરાધવાનું. આપણે શું કહ્યું ? જેનાથી બંધાયા છો, તેની જોડે છોડવાની ચિંતા કરવાની. આ 'નિશ્ચયે' તો છોડેલો જ છેને, એ તો આપણું પોતાનું જ સ્વરૂપ છે, અહીં મસ્કા મારવાની જરૂર નથી, ત્યાં મસ્કા મારવાની જરૂર. જેનાથી બંધાયા છો તેને જાણોને. આત્માને મસ્કા મારવાની જરૂર છે ?

જ્ઞાનીની, વ્યવહારની સૂક્ષ્મ શોધ,

ચોખ્ખો ને શુદ્ધનો આપ્યો ભેદ!

અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ ! વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. ક્રમિક માર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઈ શુદ્ધાત્મા થાઓ અને અક્રમ માર્ગ એટલે પહેલાં શુદ્ધાત્મા થઈને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધોય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય.

શુદ્ધ વ્યવહાર સ્પર્શે નહીં તેનું નામ 'નિશ્ચય' ! વ્યવહાર એવી રીતે પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં. પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હોય.

ચોખ્ખો વ્યવહાર ને શુદ્ધ વ્યવહારમાં ફેર છે. વ્યવહાર ચોખ્ખો રાખે તે માનવધર્મ કહેવાય અને શુદ્ધ વ્યવહાર તો મોક્ષે લઈ જાય. બહાર કે ઘરમાં વઢવાડ ના કરે તે ચોખ્ખો વ્યવહાર કહેવાય અને આદર્શ વ્યવહાર કોને કહેવાય ? પોતાની સુગંધી ફેલાવે તે.

પ્રશ્શનકર્તા : વ્યવહાર કોને કહેવાય ?

દાદાશ્રી : જે બધું રિલેટિવ એ બધો વ્યવહાર કહેવાય. વ્યવહાર બધો વિનાશી ચીજોનો છે. ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ (સાપેક્ષ બધું વિનાશી છે), એ બધો વ્યવહાર છે અને રિયલ ઇઝ ધી પરમેનન્ટ (નિરપેક્ષ કાયમનું છે), પરમેનન્ટનો વ્યવહાર કરવાનો નથી. આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટનો વ્યવહાર કરવાનો છે. તમને આ વાત ગમી કે ? કે થોડુંક કાચું છે ?

પ્રશ્શનકર્તા : અમારું કાચું તો ખરું ને ?

દાદાશ્રી : એ તો સ્વાભાવિક હોય અત્યારે છોકરાઓ માસ્તરને શું કહે ? કે સાહેબ અમને આવડતું નથી. એટલે આમાં કાચું હોય એ તો સ્વાભાવિક વસ્તુ છે. આવું તમે બોલો છો એટલું જ સારું છે ને ? નહીં તો લોક તો કહેશે કે તમારા કરતાં મારું પાકું છે ! ત્યારે હું કહુંય ખરો કે ભઈ તારી વાત સાચી છે ! હું જાણું કે આનામાં કંઈક રોગ છે. કયો રોગ છે એ ના કહું, પણ હું સમજી જઉં. અને નિરોગી માણસ તો જેવું હોય તેવું બોલે કે સાહેબ હું હજી કાચો છું.

હવે શુદ્ધ વ્યવહાર ક્યારે કહેવાય ? જ્યારે આડોશી પાડોશી બધા એમ કહે કે ચંદુભાઈ બહુ સારા માણસ છે. ઘરનાને પૂછીએ, ઘૈડા ડોશીમાને પૂછીએ કે કેમ છે ચંદુભાઈ ? તો એય કહેશે કે એનો તો બહુ સારો સ્વભાવ છે.

અમારો વ્યવહાર સુંદર છે. આજુબાજુ પૂછવા જાવ, વાઇફને પૂછવા જાવ તો કહે કે એ તો ભગવાન જ છે ! તોય એક ફેરો કોઈને વ્યવહારમાં મારી કંઈ ભૂલ દેખાઈ. તે મને કહે છે કે 'તમારે આમ કરવું જોઈએને ? આ તમારી ભૂલ કહેવાય'. મેં કહ્યું કે 'ભઈ, તેં તો આજે જાણ્યું, પણ હું તો નાનપણથી જાણું છું કે આ ભૂલવાળો છે !' ત્યારે કહે કે 'ના, નાનપણમાં એવા નહોતા. હમણે થયા છો.' એટલે આ બધું પોતપોતાની સમજણથી છે એટલે અમે અમારું પહેલું જ દેખાડી દઈએ કે અમે જ કાચા છીએ પહેલેથી ! એટલે અથડામણ થાય જ નહીંને. પેલાનેય ટાઈમ બગાડવાનો રહ્યો જ નહીંને ? ને એને દુઃખેય થવાનું રહ્યું નહીં.

આત્મલક્ષે આદરે જે વ્યવહાર,

આદર્શ સ્વ-પર સુખ દાતાર!

વ્યવહાર સુંદર હોવો જોઈએ એટલે આદર્શ હોવો જોઈએ.

પ્રશ્શનકર્તા : જેનો વ્યવહાર આદર્શ હોય તેને પછી આત્માના જ્ઞાન સાથે શું લેવાદેવા ? એટલે શું કરવા પ્રયત્ન જ કરવો જોઈએ ?

દાદાશ્રી : એ જ્ઞાનને લઈને જ વ્યવહાર આદર્શ થયો છે. વ્યવહાર આદર્શ એ પરિણામ છે. આત્માનું જ્ઞાન કૉઝીઝ છે, આત્માનું સેવન કરવાથી એ વ્યવહાર આદર્શ ઉત્પન્ન થયો છે. ક્રોધ-માન-માયા-લોભ ખસી ગયા, અહંકાર ખસી ગયો એટલે જગતને ફાવતું આવ્યું. ભઈ બરોબર છે, સારો માણસ છે. આદર્શ વ્યવહાર થઈ ગયો. તમારે આદર્શ વ્યવહાર છે કહે આજુબાજુ તમારા પડોશીઓ ?

પ્રશ્શનકર્તા : પૂછ્યું નથી.

દાદાશ્રી : ના, પણ તમને કેમ લાગે એમનો પ્રેમ જોઈને તો ખબર પડે ને ? એના પ્રેમ ઉપરથી આપણને ખબર પડે, પૂછવાની જરૂર નહીં. નહીં તો ખોટું તો ના બોલે, નાલાયક છો ને એવું તેવું ના બોલે.

જ્ઞાની સમજાવે સર્વ પોઈન્ટ,

કાર્યરત છતાં સ્વમાં જોઈન્ટ!

ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધારૂપ ના થઈ પડીએ. એટલો વ્યવહાર સાચવજો. કો'ક કહેશે ઊભા રહો, તો આપણે શૂન્યવત્ રહીએ તો શું થાય ?

આ બીજી બધી વાતો સમજી લેવાની છે. આ ઇલેકટ્રિકના પોઈન્ટ બધા ગોઠવેલા હોય તે એક એક પોઈન્ટ આપણે સમજીયે તો પછી વાંધો ના આવે. નહીં તો પંખાને બદલે લાઈટ થાય ને લાઈટને બદલે પંખો થાય એવું થયા કરે.

'જ્ઞાની પુરુષ' જે સમજણ આપે તે સમજણથી છૂટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. આ વ્યવહારની વાતો કોઈએ કહી નથી. વ્યવહાર સુધરે જ નહીં કોઈ દહાડો આવી વાત સમજણ પડ્યા વગર. આ તો વ્યવહાર સુધરે તો તમે મુક્ત થશો, નહીં તો મુક્તેય શી રીતે થવાય તે ? અશાંતિ ના રહેવી જોઈએ, ચિંતા ના થવી જોઈએ.

લગ્નના વ્યવહારના પ્રસંગો પતાવવાના છે તે તમેય પતાવો છો ને હુંય પતાવું છું, હુંય પતાવું છું તે વ્યવહારથી, તમેય પતાવો છો પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી. ભગવાન મહાવીરેય થોડોક કાળ સુધી વ્યવહારમાં રહ્યા હતા. જન્મથી જ જ્ઞાની હતા એ છતાંય વ્યવહારમાં ભાઈ જોડે, મા-બાપ જોડે રહ્યા, સ્ત્રી જોડે પણ રહ્યા, દીકરી પણ થઈ. વ્યવહારમાં રહ્યા છતાં તીર્થંકર ગોત્ર પૂરું કર્યું. અને એટલી શક્તિ તમારામાંય છે પણ એ શક્તિ આવરણ મુક્ત થઈ નથી, એ આવરાયેલી પડી છે.

એટલે લગ્નમાં જઈએ કરીએ પણ એ એમ નથી કહેતા કે તમે તન્મયાકાર રહો. તમારો મોહ તમને તન્મયાકાર કરે છે. નહીં તો તમે તન્મયાકાર ના રહો તેથી કરીને કોઈ વઢે નહીં કે તમે કેમ તન્મયાકાર નથી રહેતા. અમે પણ લગ્નમાં જઈએ છીએ પણ મને કોઈ વઢે નહીં. એ તો જાણે એમ કહે કે તમે મારું કલ્યાણ કરી નાખ્યું. અને તન્મયાકાર રહો તો કંઈક ભૂલ થઈ જાય. તો લોક તમારી જોડે બૂમાબૂમ કરે.

એટલે વધુ ઉપકારી કોણ છે ? તન્મયાકાર નથી રહેતા તે સંસારને વધુ ઉપકારી છે. પોતાને ઉપકારી છે અને પર ને પણ ઉપકારી છે, બધી રીતે ઉપકારી છે. તમને પણ અમે તન્મયાકાર ન રહેવાય એવો રસ્તો કરી આપ્યો છે. પોતાની ભૂમિકામાં રહેવાય, પારકી ભૂમિકામાં ના જવાય એવું આપણું જ્ઞાન છે. પારકી ભૂમિકા એટલે ચંદુભાઈ.

આ 'અક્રમવિજ્ઞાન' વ્યવહારને છંછેડતું નથી. દરેક 'જ્ઞાન' વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની 'રિયાલિટી'માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી ! વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ હોય. સૈદ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ના પામે તેનું નામ સિદ્ધાંત કહેવાય, કોઈ એવો ખૂણો નથી કે અસિદ્ધાંતપણાને પામે. એટલે આ 'રિયલ સાયન્સ' છે. 'કમ્પ્લીટ સાયન્સ' છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે.

જુઓને, અમે મંચ પર બેઠા હતાને અમારે દ્વેષ હોય નહીં. આવા વ્યવહારમાં તો અમારે આવવાનું ના હોય બનતા સુધી, પણ હોય તેને અમે તરછોડીએ નહીં. બધું ત્યાંય એવું નાટક ભજવીએ. અમારે આમ કરવું ને તેમ કરવું એવું નહીં. આપણે વ્યવહારને તરછોડવો નહીં. જે વ્યવહાર બન્યો એમાં 'અંબાલાલ મૂળજીભાઈ' એ વ્યવહાર સત્તાને આધીન છે, અમે નિશ્ચય સત્તાને આધીન છીએ, અમે તો નિશ્ચય સત્તામાં જ છીએ. સ્વ-સત્તાધારી છીએ. અને 'અંબાલાલ મૂળજીભાઈ' એ વ્યવહાર સત્તાને આધીન છે એટલે વ્યવહારને કિંચિત્માત્ર તરછોડ ના વાગવી જોઈએ.

કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી 'લાઈટ' કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને એ એમ તો કહે કે 'ભાઈ આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે' એવું કહે છેવટે ! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. ૩૬૦ ડિગ્રીનો ને ૩૫૬ ડિગ્રીનો પણ વિરોધ હોય છે જ ! એવી રીતે આ બધે વિરોધ તો હોય. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચાર શ્રેણી પર માણસ આવી શકે નહીં. કારણ કે મનુષ્યોની વિચાર શ્રેણીની ચૌદલાખ યોનિઓ છે. બોલો કેટલા 'એડજસ્ટ' થઈ શકે આપણને ? અમુક જ યોનિ 'એડજસ્ટ' થઈ શકે, બધી ના થઈ શકે !

ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. 'વાઇફ'ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઈ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી 'વાઇફ' પણ ક્યારેય ના મળે ! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા !

વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જો વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઈ જવાય. આ સંસાર તો મછવો છે, તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું પણ જાણવાનું છે કે આનાથી કિનારે જવાનું છે. તમને ઠીક લાગતું હોય તો આ પ્રમાણે કરજો, નહીં તો તમને જે ગમતું એ કરજો. મારે કંઈ તમને દબાણ નથી આ. હું તો તમને સમજણ પાડું કે આ રીતે કરશો તો લાઇફ બહુ સારી જશે અને ભગવાન તમારે ઘેર રહેશે અને બરકત આવશે.

પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે.

પ્રશ્શનકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી. પણ વ્યવહારમાંય આપની વાત 'ટોપ'ની વાત છે.

દાદાશ્રી : એવું છેને, કે વ્યવહારમાં 'ટોપ'નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં, ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં ! કારણ કે વ્યવહાર છોડનાર છેને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે 'શુદ્ધાત્મા' છો જ, પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવોને ?

જય સચ્ચિદાનંદ

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12