ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર

(સંક્ષિપ્ત)

(૧) વન ફેમિલી

જીવન જીવવાનું સારું ક્યારે લાગે કે આખો દહાડો ઉપાધિ ના લાગે. જીવન શાંતિમાં જાય, ત્યારે જીવવાનું ગમે. આ તો ઘરમાં ડખાડખ થાય એટલે જીવન જીવવાનું શી રીતે ફાવે તે ?! આ તો પોષાય જ નહીં ને ! ઘરમાં ડખાડખ હોય નહીં. પાડોશી જોડે થાય વખતે, બહારનાં જોડે થાય, પણ ઘરમાં ય ?! ઘરમાં ફેમિલી તરીકે લાઈફ જીવવી જોઈએ. ફેમિલી લાઈફ કેવી હોય ? ઘરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ઊભરાતો હોય. આ તો ફેમિલી લાઈફ જ ક્યાં છે ?! દાળ ખારી થઈ તો કકળાટ કરી મેલે. પાછું 'દાળ ખારી' બોલે ! અંડરડેવલપ્ડ (અર્ધ વિકસિત) પ્રજા ! ડેવલપ્ડ કેવા હોય કે દાળ ખારી થઈ તો બાજુએ મૂકી દે અને બીજું બધું જમી લે. ના થાય એવું ?! દાળ બાજુએ મૂકીને બીજું જમાય નહીં ? ધીસ ઈઝ ફેમિલી લાઈફ. બહાર ભાંજગડ કરોને ! માય ફેમિલીનો અર્થ શું કે અમારામાં ભાંજગડ નહીં કોઈ જાતની. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાના ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ, એડજસ્ટ એવરીવ્હેર.

'ફેમિલી ઓર્ગેનાઇઝેશન'નું જ્ઞાન છે તમારી પાસે ? આપણા હિન્દુસ્તાનને 'હાઉ ટુ ઓર્ગેનાઇઝેશન ફેમિલી' એ જ્ઞાન જ ખૂટે છે. 'ફોરેન'વાળા તો 'ફેમિલી' જેવું સમજતા જ નથી. એ તો જેમ્સ વીસ વરસનો થયો એટલે એનાં માબાપ વિલિયમ ને મેરી, જેમ્સને કહેશે કે, તું તારે જુદો ને અમે બે પોપટ અને પોપટી જુદાં ! એમને 'ફેમિલી ઓર્ગેનાઇઝ' કરવાની બહુ ટેવ જ નથીને ? અને એમની 'ફેમિલી' તો ચોખ્ખું જ બોલે. મેરી જોડે વિલિયમ્સને ના ફાવ્યું એટલે 'ડાઇવોર્સ'ની જ વાત ! અને આપણે તો ક્યાં 'ડાઈવોર્સ'ની વાત ?! આપણે તો જોડે ને જોડે જ રહેવાનું. કકળાટ કરવાનો ને પાછું સૂવાનું ય ત્યાં જ, એની એ જ રૂમમાં ! આ જીવનનો રસ્તો નથી. આ 'ફેમિલી લાઈફ' ના કહેવાય.

અને ત્યાં ઈન્ડિયામાં તો ફેમિલી ડૉક્ટર હઉ રાખે છે લોક. અલ્યા, ફેમિલી થયું નથી હજુ, ત્યાં તું ક્યાં ડૉક્ટર રાખે છે !

આ લોકો ફેમિલી ડૉક્ટર રાખે પણ અહીં વહુ ફેમિલી નહીં ! કહેશે, 'અમારા ફેમિલી ડૉક્ટર આવ્યા !' તો એની જોડે કચકચ નહીં. ડૉક્ટર બિલ મોટું મૂકે તોય કચકચ નહીં. કહેશે, 'અમારા ફેમિલી ડૉક્ટર છે ને !' એના મનમાં એમ કે મારો રોફ પડી ગયો, ફેમિલી ડૉક્ટર રાખ્યા છે એટલે !

ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું. એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું, 'તું ગમે તે વઢું, તોય પણ તારા વગર મને ગમતું નથી.' એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથીને ! તમને બોલવામાં વાંધો શું ? તારા વગર ગમતું નથીને ! મનમાં રાખીએ પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું કરવું.

(૨) ઘરમાં ક્લેશ

કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે ?

પ્રશ્નકર્તા : કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા.

દાદાશ્રી : તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન ના રહે.

પ્રશ્નકર્તા : એ તો પણ કોઈ કોઈવાર તો થવું જોઈએ ને એવું, કકળાટ.

દાદાશ્રી : ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય માણસને ત્યાં ! કકળાટ શેને માટે હોય ? અને ક્લેશ હોય તો ફાવે ? તમને કેટલા મહિના ફાવે, ક્લેશ હોય તો ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : મહિનો ય ના ફાવે, નહીં ?

ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી, એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે ! એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ?

પ્રશ્નકર્તા : વિચારવું જોઈએ. પણ બધાની રીત જુદી જુદી હોય છે.

દાદાશ્રી : ના, એ બધાની રીત જુદી જુદી ના હોય, એક જ જાતની. ડૉલર, ડૉલર. અને જ્યારે હાથમાં આવે ત્યારે હજાર ડૉલર ત્યાં આગળ સ્ટોરમાં જઈને આપી આવે પાછો. પછી ઘેર લાવીને વસાવે. પછી અહીં શું એને કંઈએ વસાવ્યું અને જોજો કરવાનું હોય ? પાછું જૂનું થઈ જાય, પાછું બીજું લઈ આવે. આખો દહાડો ઘડભાંજ, ઘડભાંજ, દુઃખ, દુઃખ ને દુઃખ ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અલ્યા બળ્યું, આ કેમ જીવન જીવાય તે ! મનુષ્યપણું શોભે તે આવું ? ક્લેશ ના થવો જોઈએ, કંકાસ ના થવો જોઈએ. કશું થવું ના જોઈએ.

પ્રશ્નકર્તા : પણ ક્લેશ કોને કહેવાય ?

દાદાશ્રી : ઓહો.... આમ ઘરના જોડે, બહારવાળા જોડે, વાઈફ જોડે ટકરાય એ ક્લેશ કહેવાય. મન ટકરાય અને પછી થોડો વખત છેટો રહે, એનું નામ ક્લેશ. બે-ત્રણ કલાક ટકરાય ને તરત ભેગો થાય તો વાંધો નહીં. પણ ટકરાય ને છેટો રહે એટલે ક્લેશ કહેવાય. બાર કલાક છેટો રહે તો આખી રાત ક્લેશમાં જાય.

પ્રશ્નકર્તા : હં... આ કંકાસની વાત કરી તે પુરુષમાં વધારે છે કે સ્ત્રીમાં વધારે છે ?

દાદાશ્રી : એ તો સ્ત્રીમાં વધારે હોય, કંકાસ.

પ્રશ્નકર્તા : એનું કારણ શું ?

દાદાશ્રી : એવું છેને, કો'ક ફેરો ભાંજગડ થઈ જાય ત્યારે ક્લેશ થઈ જાય. ક્લેશ થવો એટલે શું, ઝટ સળગીને ઓલવાઈ જવું. તે આ પુરુષ ને સ્ત્રી વચ્ચે ક્લેશ થઈ ગયો. પછી પુરુષ છે તે છોડી દે તો ય પેલી એને ઝટ છોડે નહીં એ પાછું કંકાસમાં થઈ ગયું. એ પુરુષો છોડી દે પણ આ સ્ત્રીઓ છોડે નહીં પાછી અને ક્લેશનો કરી દે કંકાસ. અને તે મોઢું ચઢાવીને ફર્યા કરે. જાણે આપણે એને ત્રણ દા'ડા ભૂખી રાખી હોય એવું કર્યા કરે.

પ્રશ્નકર્તા : તો પછી આ કંકાસ દૂર કરવા માટે શું કરવું ?

દાદાશ્રી : કંકાસ તો, આપણે ક્લેશ ના કરવો એટલે કંકાસ નહીં થાય. મૂળ સળગાવીએ છીએ આપણે જ ક્લેશ કરીને, આજ ખાવાનું ભાવતું નથી, આજ મોઢું બગડી ગયું મારું તો, આમતેમ કરીને ક્લેશ ઊભો કરો અને પછી એ કંકાસ કરે.

પ્રશ્નકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.

દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તો ય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાંને કહેવું જોઈએ કે 'ભઈ, આપણે બધાં ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો.' એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણી ય બરોબર બનાવીને આપે, નહીં તો પણ બગાડીને આપે.

આ તો કેટલી ચિંતા-ઊકળાટ ! કશો ય મતભેદ જતો નથી, તો ય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછો ય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, 'ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ?! અલ્યા, શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું, એનું નામ ધર્મ કહેવાય. આ તો ક્લેશ પરિણામ વધારે ને વધારે થયા કરે છે !

વાઈફના હાથે છે તે પંદર-વીસ આવડી આવડી કાચની ડિશો હતી તે અને ગ્લાસવેર હતા તે પડી ગયાં. તે વખતે તમને કશી અસર થાય ખરી ?

દુઃખ થાય એટલે કશું બબડ્યા વગર રહો નહીંને ! આ રેડિયો વગાડ્યા વગર રહે જ નહીં. દુઃખ થયું કે રેડિયો બોલે, એટલે પેલીને દુઃખ થાય પછી. ત્યાર પછી પેલી ય શું કહે, હં... તમારા હાથે કંઈ ફૂટવાનું થતું નહીં હોય પછી. આ સમજવાની વાત છે કે ડિશો પડી જાય છેને ? એને આપણે કહીએ કે તું ફોડી નાખ તો ના ફોડે. ફોડે ખરી ? એ કોણ ફોડતું હશે ? આ વર્લ્ડમાં કોઈ માણસ એક પણ ડિશ ફોડી શકવાની શક્તિ ધરાવતો નથી. આ તો બધા હિસાબ ચૂકવાય છે. એ તૂટી જાય, એટલે આપણે કહેવું કે વાગ્યું નથીને તને ?!

જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ એનો ઝઘડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા મૂઆ, નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવેને એ વસ્તુ બહાર નાખી આવ.

જેટલું મનાય એટલે શ્રધ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે. શ્રધ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એ ય સુખી થાય. અરે, કેવાં કેવાં ભજિયાં ને જલેબી નહીં કરી આપતાં ?!

પ્રશ્નકર્તા : કરી આપે છે.

દાદાશ્રી : હા તો પછી ? એનો ઉપકાર ના માનીએ, કારણ કે એ પાર્ટનર છે, એમાં એનો ઉપકાર શો ? એમાં આપણે પૈસા લાવીએ એવું આપણને એ આ કરી આપે, આમાં બેઉ પાર્ટનરશીપ ચાલે છે. છોકરાં ય પાર્ટનરશીપમાં કંઈ એની એકલીનાં ઓછાં છે ?! સુવાવડ એણે કરી છે માટે એની એકલીના છે ? આપણા બેઉના હોય છોકરાંઓ. બન્નેનાં કે એકલીનાં ?

પ્રશ્નકર્તા : બેઉનાં.

દાદાશ્રી : હં. સુવાવડ કંઈ પુરુષ કરવાના હતા ? એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે. અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે, એમને કશું લેવાદેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે આ ભઈ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય.

કૃષ્ણ ભગવાને કહ્યું છે બે પ્રકારની બુધ્ધિ, અવ્યભિચારિણી અને વ્યભિચારિણી. વ્યભિચારિણી એટલે દુઃખ જ આપે અને અવ્યભિચારિણી બુધ્ધિ સુખ જ આપે, દુઃખમાંથી સુખ ખોળી કાઢે. અને આ તો બાસમતીના ચોખામાં કાંકરા નાંખીને ખાય પછી. અહીં અમેરિકાનું ખાવાનું કેટલું સરસ ને ચોખ્ખા ઘી મળે, દહીં મળે, કેવો સરસ ખોરાક ! જિંદગી સરળ છે છતાં ય જીવન જીવતાં ના આવડે એટલે માર ખઈએ પછી.

આપણને હિતકારી શું છે એટલો તો વિચાર કરવો જોઈએ ને ! પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો હિતકારી કે રાંડ્યા તે દહાડાનો શોક સંભારીએ તો હિતકારી !

અમારે તો પૈણતી વખતે જ રંડાપાનો વિચાર આવેલોને ! તે પૈણતી વખતે નવો સાફો બાંધેલો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએને, તે દહાડે ફેંટો પહેરતા હતા અને પહેરણ પહેરીને ૧૫-૧૬ વર્ષનો છોકરો એ ય રૂપાળા બંબ જેવા દેખાય. અને ક્ષત્રિયપુત્રો એટલે ચોગરદમ ભરેલાં હોય.

પછી પેલો ફેંટો ખસી ગયા પછી મહીં વિચાર આવ્યો કે આ પૈણવા તો માંડ્યું, છે તો સારાં, મંડાયું ખરું, પણ હવે બેમાંથી એક તો રાંડશેને !

પ્રશ્નકર્તા : એટલી ઉંમરે તમને એવા વિચાર આવેલા ?

દાદાશ્રી : હા, ના આવે બળ્યું આ ? એક તો ભાંગેને પૈડું, બળ્યું ? મંડાયું એ રંડાયા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : પણ પૈણતી વખતે તો પૈણ ચઢ્યું હોય, કેટલો બધો મોહ હોય, એમાં આવો વૈરાગ્ય વિચાર ક્યાંથી હોય ?

દાદાશ્રી : પણ તે વખતે વિચાર આવ્યો કે આ મંડાયું ને પછી રંડાપો તો આવશે બળ્યો. બેમાંથી એકને તો રંડાપો આવશે. કાં તો એમને આવશે કાં તો મને આવશે.

બધાંની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે 'સમય વર્તે સાવધાન'. તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. ગોર બોલે છે, 'સમય વર્તે સાવધાન'. તે ગોર સમજે, પરણનારો શું સમજે ?! સાવધાનનો અર્થ શું ? તો કહે, 'બીબી ઉગ્ર થઈ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે.' 'સમય વર્તે સાવધાન'. તે જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર. તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું.

પ્રશ્નકર્તા : ક્લેશ થવાનું મૂળ કારણ શું ?

દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું. દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતાં નથી.

પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભો થવાનું કારણ સ્વભાવ ના મળે તેથી ?

દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ તે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં ! આ 'જ્ઞાન' મળે તો તેને એક જ રસ્તો છે, 'એડજસ્ટ એવરીવ્હેર !'.

જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, 'સાહેબ તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર બંધાવીશું પણ ઘેર આવશો નહીં !!' જ્યાં ક્લેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું 'ગેરન્ટી' આપું છું. ક્લેશ થયો કે ભગવાન જતાં રહે. અને ભગવાન જાય એટલે લોક આપણે શું કહેશે, ધંધામાં કંઈ બરકત નથી આવતી. અલ્યા, ભગવાન ગયા માટે બરકત નથી આવતી. ભગવાન જો હોયને ત્યાં સુધી ધંધામાં બરકત ને બધું આવે. તમને ગમે છે કકળાટ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ય થઈ જાય છે ને ?

પ્રશ્નકર્તા : કો'ક વાર.

દાદાશ્રી : તો એ તો દિવાળી ય કો'ક દા'ડો જ આવે ને, કંઈ રોજ આવે છે એ !

પ્રશ્નકર્તા : પછી પંદર મિનિટમાં ઠંડું પડી જાય, કકળાટ બેસી જાય.

દાદાશ્રી : આપણામાંથી ક્લેશ કાઢી નાખો. જેને ત્યાં ઘરમાં ક્લેશ ત્યાં માણસપણું જતું રહે પછી. તે આમ ઘણાં પુણ્યથી માણસપણું આવે, તે ય હિન્દુસ્તાનનું માણસપણું અને તે પાછાં અહીં (અમેરિકામાં) તમને, એ ત્યાંના લોકો હિન્દુસ્તાનમાં તો ચોખ્ખું ઘી ખોળે છે તો ય જડતું નથી અને તમને રોજ ચોખ્ખું જ મળે છે. મેલું ખોળો તો ય જડે નહીં, કેટલા પુણ્યશાળી છો ! તે પુણ્ય પણ, ખોટું દુરૂપયોગ થાય પછી તો.

આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઈએ, એટલી તો આપણને આવડત આવડવી જોઈએ. બીજું કંઈ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, 'ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતાં રહેશે. માટે તું નક્કી કર કે અમારે ક્લેશ નથી કરવો !' ને આપણે નક્કી કરવું કે ક્લેશ નથી કરવો. નક્કી કર્યા પછી ક્લેશ થઈ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ ક્લેશ કરતો હોય તોય ઓઢીને સૂઈ જવું. એય થોડી વાર પછી સૂઈ જશે. અને આપણે પણ સામું બોલવા લાગીએ તો ?

ક્લેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને ! અખતરો કરવામાં શું વાંધો છે ? ત્રણ દિવસના ઉપવાસ કરે છેને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધાં ભેગાં થઈને નક્કી કરો કે 'દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ !' પછી જુઓ.

પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરેને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.

દાદાશ્રી : પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો ! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે ! ગાડું સારું ચાલેને ? આ ગાડાના બળદ ઢીલાં હોય તો સારું કે પાવરવાળા ?

પ્રશ્નકર્તા : પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતાં હોય તો સારું.

દાદાશ્રી : એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.

પ્રશ્નકર્તા : તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું.

દાદાશ્રી : સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને ?

પ્રશ્નકર્તા : બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતાં હોય ત્યારે.

દાદાશ્રી : ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.

પ્રશ્નકર્તા : હં... નહીં તો વધારે વંઠે.

દાદાશ્રી : આજ વંઠ્યું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે ? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો ? માટે આ બે મિત્રો જ કહેવાય. સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે અને આવી દશા કરી નાખી. આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ગ્રીનકાર્ડવાળાને ?! આવું કરવાં હારુ ? તો પછી આ શોભે આપણને ? તમને કેમ લાગે છે ? ના શોભે આપણને ! સંસ્કારી કોને કહેવાય ? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે ?

ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? એનો અર્થ જ શું ? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએને ? શું વહેંચીને લઈ જવાનું છે. ઘરમાં ભેગું ખાવું-પીવું ને કકળાટ શા કામનો ? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે કે તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએ ય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોયને, તો છોકરાના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાં ય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયા છે !

અમને તો જ્ઞાન થયું ત્યારથી, વીસ વર્ષથી તો ક્લેશ નથી જ પણ એનાં વીસ વર્ષ પહેલાં ય ક્લેશ ન હતો. પહેલાંથી ક્લેશને તો અમે કાઢેલો જ, કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત.

હવે તમે વિચારીને કરજો ને ! અગર દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છું ને બધું. દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું થઈ જશે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12