ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણા...

એટલે આ લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ. પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ. અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ. બાકી આત્મા કોઈનો ધણી કે સ્ત્રી, પુરુષ કે કોઈનો છોકરો થઈ શકતો નથી, ફક્ત આ કર્મો બધાં થઈ રહ્યાં છે. આત્મામાં તો કશું આમાં ફેરફાર થતો નથી. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે. તે આપણે માની બેઠાં કે આ અમારી સ્ત્રી !

આ ચકલા સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શીખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, 'સ્વરૂપજ્ઞાન' મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યા છે. આ પશુ-પક્ષીઓને શું બૈરી-છોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે, મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે.

આ ગાયો-ભેંસોમાં ય પૈણે છે, છોકરાં બધું ય હોય છે પણ છે ત્યાં ધણી ? એ ય સસરા થયા હોય છે, સાસુ થઈ હોય છે, પણ એ કંઈ બુધ્ધિશાળીની પેઠ ગોઠવી દે છે કશુંય ? કોઈ એવું કહે છે કે હું આનો સસરો થઉં ? છતાં આપણા જેવો જ બધો વ્યવહાર છેને, એય ધવડાવે કરે, વાછરડાને ચાટતી હોય છેને ! આપણા અક્કલવાળા ચાટે નહીં.

તમે પોતે શુધ્ધાત્મા ને બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે 'સુપરફ્લુઅસ' કરવાના છે. પોતે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં રહેવું અને 'ફોરેન'માં 'સુપરફ્લુઅસ' રહેવું. 'સુપરફ્લુઅસ' એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, 'ડ્રામેટિક'. તે ખાલી આ ડ્રામા જ ભજવવાનો છે. 'ડ્રામા'માં ખોટ ગઈ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. 'ડ્રામા'માં દેખાવ પણ કરવો પડે, ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે, મોંઢે બોલીએ ખરા કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઈએ. આપણે 'લટકતી સલામ' રાખવાની. ઘણાં નથી કહેતા કે ભઈ, મારે તો આની જોડે 'લટકતી સલામ' જેવો સંબંધ છે ?! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને 'લટકતી સલામ' આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ 'લટકતી સલામ', અમે નિરંતર બધા જોડે 'લટકતી સલામ' રાખીએ છીએ તોય બધા કહે કે, 'તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.' હું વ્યવહાર બધાય કરું છું પણ આત્મામાં રહીને.

પ્રશ્નકર્તા : એવું બને ખરું કે પત્નીના પુણ્યથી પુરુષનું ચાલતું હોય ? કહે છે ને બૈરીના પુણ્યથી આ લક્ષ્મી છે કે બધું સારું છે, એવું બને ખરું ?

દાદાશ્રી : એ તો આપણા લોકોએ કોઈ માણસ બૈરીને બહુ મારતો હોયને, તેને સમજણ પાડી કે મૂઆ, આ તારી બૈરીનું નસીબ તો જો ! શું કરવા બૂમો પાડું છું ! એનું પુણ્ય છે તો તું ખાઉં છું, એમ કરીને ચાલુ થઈ ગયું. બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. તમને સમજાઈ ગયુંને ! એ તો બધું આવું કરવું પડે તો જ રાગે પડેને ! સહુ સહુના પોતાના પુણ્યનું જ બધું ભોગવે છે અને પોતાનું પાપે ય પોતે જ ભોગવે છે. કોઈને કશું લેવા-દેવા ય નથી પછી. એક કિંચિત્ વાળ પૂરતી ય ભાંજગડ નથી.

પ્રશ્નકર્તા : કોઈ શુભ કર્મ કરે, દાખલા તરીકે પુરુષ દાન કરે, પણ સ્ત્રીનો એમાં સહકાર હોય, તો બન્નેને ફળ મળે ?

દાદાશ્રી : હાસ્તોને, કરનાર અને સહકાર એટલે કરાવનાર અગર તો કર્તા પ્રત્યે અનુમોદનાર, આ બધાને પુણ્ય મળે. ત્રણેયને કરનાર, કરાવનાર અને કર્તા પ્રત્યે અનુમોદનાર. તમે જેને કહ્યું હોય કે આ કરજો, કરવા જેવું છે એ કરાવનાર કહેવાય, તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી વાંધો ના ઉઠાવે એ અનુમોદનાર. બધાંને પુણ્ય મળે. પણ કરનારને ભોગે પચાસ ટકા અને પેલા પચાસ ટકા બે જણને વહેંચાઈ જાય.

પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ ! કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા ? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કયા

ર્ હોય, તેની 'હે ભગવાન હું ક્ષમા માગું છું.' આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તેની અંદર તમે માફી માંગ માંગ કરો ભગવાન પાસેથી તો બધું ધોવાઈ જશે.

પ્રશ્નકર્તા : આપણે ધર્મના માર્ગે જવું હોય તો, ઘરસંસાર છોડવો પડે. એ ધર્મના કામ માટે સારું કહેવાય પણ ઘરના લોકોને દુઃખ થાય પણ પોતાને માટે ઘરસંસાર છોડે એ સારું કહેવાય ?

દાદાશ્રી : ના. ઘરવાળાનો હિસાબ ચૂકવવો જ પડે. એમનો હિસાબ ચૂકવ્યા પછી એ બધાં ખુશ થઈને કહે કે 'તમે જાવ' તો વાંધો નથી. પણ એમને દુઃખ થાય એવું કરવાનું નહીં. કારણ કે એ એગ્રીમેન્ટ(કરાર)નો ભંગ કરી શકાય નહીં.

પ્રશ્નકર્તા : ભૌતિક સંસાર છોડી દેવાનું મન થાય છે, તો શું કરવું ?

દાદાશ્રી : ભૌતિક સંસારમાં પેસવાનું મન થતું હતુંને, એક દહાડો !

પ્રશ્નકર્તા : એ તો ત્યારે જ્ઞાન નહોતું, હવે તો જ્ઞાન આવ્યું છે એટલે એમાં ફરક પડે છે.

દાદાશ્રી : હા, એમાં ફરક પડે પણ જો એ પેઠા એટલે હવે નીકળવાનો રસ્તો ખોળવો પડે. એમ ને એમ ભાગી ના જવાય.

પ્રશ્નકર્તા : દરેક દિવસ ઓછો થતો જાય છે.

દાદાશ્રી : મારું કહીને મરવાનું. મારું છે નહીં પાછું એ વહેલી જાય તો આપણે એકલા બેસી રહેવાનું. સાચું હોય તો બે સાથે જ જવું જોઈએને ? અને વખતે ધણીની પાછળ સતી થાય તો ય એ કયે માર્ગે ગઈ અને આ ધણી કયે માર્ગે ગયો હોય ? સહુ સહુના કર્મના હિસાબે ગતિ થવાની. કોઈ જાનવરમાં જાય ને કોઈ મનુષ્યમાં જાય, કોઈ દેવગતિમાં જાય. એમાં સતિ કહેશે કે હું તમારી જોડે મરી જાઉં તો તમારી જોડે મારો જન્મ થાય. પણ એવું કશું બને નહીં. આ તો બધી ઘેલછા છે. આ ધણી-બૈરી એવું કશું છે નહીં. આ તો બુધ્ધિશાળી લોકોએ ગોઠવણી કરી છે.

પ્રશ્નકર્તા : ભઈ કહે છે કે જો કોઈ જાતની તકરાર ના થાય, તો આવતા જન્મે પાછું સાથે રહેવાય ખરું ?

દાદાશ્રી : આ જન્મમાં જ રહેવાનું નહીં. આ જન્મમાં જ ડાયવોર્સ (છૂટાછેડા) થઈ જાય છે તે વળી આવતા ભવની શી વાત કરો છો ? એવો પ્રેમ જ ના હોય ને ! આવતા જન્મના પ્રેમવાળામાં તો કકળાટ જ ના હોય. એ તો ઇઝી લાઇફ (સરળ જિંદગી) હોય. બહુ પ્રેમની જિંદગી હોય. ભૂલ જ ના દેખાય. ભૂલ કરે તો ય ના દેખાય એવો પ્રેમ હોય.

પ્રશ્નકર્તા : તો એ પ્રેમવાળી જિંદગી હોય તો પછી આવતા ભવમાં પાછાં એના એ ભેગા થાય કે ના થાય ?

દાદાશ્રી : હા થાયને, કોઈ એવી જિંદગી હોય તો થાય. આખી જિંદગી કકળાટ ન થયો હોય તો થાય.

(૨૫) આદર્શ વ્યવહાર જીવનમાં

દાદાશ્રી : જિંદગીને સુધારવાની શી રીતે ?

પ્રશ્નકર્તા : સાચા માર્ગે જવાથી.

દાદાશ્રી : કેટલા વર્ષ સુધી સુધારવાની ? આખી જિંદગી કેટલા વર્ષ, કેટલા દિવસ, કેટલા કલાક શી રીતે સુધરે એ બધું ?

પ્રશ્નકર્તા : ખબર નહીં મને.

દાદાશ્રી : હં, તેથી સુધરતું નથી ને ! અને ખરી રીતે બે જ દિવસ સુધારવાના છે. એક વર્કિંગ ડે (કામ પર જવાનો દિવસ) અને એક છે તે રજાનો દિવસ, હોલી ડે (રજાનો દિવસ). બે જ દિવસ સુધારવાના સવારથી સાંજ સુધી. બે ફેરફાર કરે એટલે બધા ય ફેરફાર થઈ જાય. બેની ગોઠવણી કરી દીધી કે બધા એ પ્રમાણે ચાલે પછી. અને એ પ્રમાણે ચાલીએ એટલે આ બધું રાગે પડી જાય. ફેરફાર લાંબો કરવાનો જ નથી. આ બધાય કંઈ રોજના ફેરફાર નથી કરતાં. આ બેની ગોઠવણી જ કરી દેવાની છે. બે દિવસની ગોઠવણી કરેને એટલે બધા દિવસ આવી ગયા.

પ્રશ્નકર્તા : એ ગોઠવણી કેવી રીતે કરવાની ?

દાદાશ્રી : કેમ ? સવારમાં ઊઠીએ, એટલે ઊઠ્યા એટલે પહેલાં છે તે ભગવાનનું સ્મરણ જે કરવું હોય તે કરી લેવું. એક તો સવારમાં વહેલું ઊઠવાનું રિવાજ રાખવો જોઈએ. કારણ કે લગભગ પાંચ વાગ્યાથી ઊઠવું જોઈએ માણસે. તે અડધો કલાક છે તે પોતાની એકાગ્રતાનું સેવન કરવું જોઈએ. કોઈ ઇષ્ટદેવ કે ગમે તે હોય એની પણ ભક્તિ કંઈ એકાદ અડધો કલાક એવી ગોઠવણી કરવાની. એવું રોજ ચાલ્યા કરે પછી. પછી છે તે ઊઠીને પછી બ્રશ ને એ બધું કરી લેવાનું. બ્રશમાં ય સિસ્ટમ ગોઠવી દેવાની. આપણે જાતે જ બ્રશ લેવું ને જાતે એ કરવું. કોઈને એ નહીં કહેવું જોઈએ. પછી માંદા-સાજા હોય ત્યારે જુદી વસ્તુ છે. પછી ચા-પાણી આવે. તો કકળાટ નહીં માંડવાનો ને જે કંઈ આવે એ પી લેવાનું. જરા કાલથી વધારે નાખજો, કહીએ. ચેતવણી આપવી આપણે. કકળાટ ના માંડવો. ચા પીધા પછી નાસ્તો-બાસ્તો જે કરવાનો હોય તે કંઈ કરી લીધો અને પછી જમીને જોબ પર જવાનું થાય તે જમીને જોબ પર ગયા એટલે જોબ પર આપણે ત્યાંની ફરજો બજાવવાની.

અહીં ઘેરથી કકળાટ કર્યા વગર નીકળવાનું અને પછી જોબ કરીને પાછાં આવ્યા એટલે જોબમાં છે તે બોસ જોડે ભાંજગડ થઈ હોય તે પછી રસ્તામાં શાંત કરી દેવી. આ બ્રેઈનને (મગજની) ચેક નટ દબાવી દેવી, એ રેઈઝ થઈ ગઈ હોય તો. અને શાંત થઈને ઘરમાં પેસી જવું, એટલે કકળાટ કશો ઘરમાં નહીં કરવાનો. બોસ જોડે લઢે છે, તેમાં બૈરીનો શો દોષ બિચારીનો ? તારે બોસ જોડે ઝઘડો થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : થાય ને !

દાદાશ્રી : તો સ્ત્રીનો શો દોષ ? ત્યાં લઢીને આવ્યો હોય તો સ્ત્રી સમજી જાય કે આજ મૂડમાં નથી મૂઓ. મૂડમાં ના હોય ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે આવી ગોઠવણી એક દિવસની આ કરી હોય, વર્કિંગ ડે ની અને એક હોલીડે ની. બે જ જાતના દિવસ આવે છે. ત્રીજો દહાડો કોઈ આવતો નથીને ? એટલે બે દિવસ ગોઠવણી કરી એ પ્રમાણે ચાલ્યા કરે પછી.

પ્રશ્નકર્તા : હવે રજાના દહાડે શું કરવાનું ?

દાદાશ્રી : રજાના દિવસે આપણે નક્કી કરવું કે આજ રજાનો દિવસ છે એટલે આજ છોકરાં-બચ્ચાં, વાઇફને, બધાને કંઈ ફરવાનું ના મળતું હોય તો આપણે ફરવા તેડી જવા જોઈએ, બધું જમીને પછી. સારું સારું જમવાનું બનાવવું જોઈએ. પછી જમીને ફરવા તેડી જવા જોઈએ. ફરીને પછી બહુ લિમિટ રાખવાની કે ભઈ, હોલીડેને દિવસે આટલો જ ખર્ચ ! કોઈ વખતે એક્સ્ટ્રા (વધારે) કરવો પડે તો આપણે બજેટ કરીશું કહીએ પણ બાકી નહીં તો આટલો જ ખર્ચ. એ બધું નક્કી કરવું જોઈએ આપણે. વાઇફ પાસે જ નક્કી કરાવવું આપણે.

પ્રશ્નકર્તા : એ કહે છે ઘેર વેઢમી ખાવી જોઈએ, પીઝા ખાવા નહીં જવાનું બહાર.

દાદાશ્રી : ખુશી, ખુશીથી વેઢમી ખાવ, બધું ખાવ. ઢોકળાં ખાવ, જલેબી ખાવ જે ફાવે એ ખાવ.

પ્રશ્નકર્તા : પણ હૉટલમાં પીઝા ખાવા નહીં જવાનું.

દાદાશ્રી : પીઝા ખાવા ?! તે આપણાથી ખવાય કેમ કરીને ? આપણે તો આર્ય પ્રજા. છતાં શોખ હોય તો બે-ચાર વખત ખવડાવીને પછી ધીમે ધીમે છોડાવી દેવા. ધીમે ધીમે છોડાવી દઈએ. એકદમ આપણે બંધ કરી દઈએ એ ખોટું કહેવાય. આપણે જોડે ખાવા લાગીને પછી છોડાવી દેવું ધીમે ધીમે.

પ્રશ્નકર્તા : વાઇફને બનાવવાનો શોખ ના હોય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : આપણે બીજો શોખ બદલી નાખવો. બીજી બહુ ચીજો છે આપણે ત્યાં. બીજો શોખ બદલી નાખવાનો. અને રઈ-મેથીના વઘારનું ના ભાવતું હોય તો પછી તજ ને મરિયાનો વઘાર કરી દેવડાવવો. એટલે સારું લાગે. પીઝામાં તો શું ખાવાનું હોય ?!

એટલે ગોઠવણી કરે તો બધું જીવન સારું જાય અને સવારમાં કંઈક અડધા કલાક ભગવાનની ભક્તિ કંઈક કરે તો કામ રાગે પડે. તને તો જ્ઞાન મળી ગયું એટલે તું તો થઈ ગયો ડાહ્યો હવે. પણ બીજાને જ્ઞાન ના મળ્યું હોય તેને કંઈ ભક્તિ કરવી જોઈએ ને ! તારું તો રાગે પડી ગયું ને !

આ 'અક્રમ વિજ્ઞાન' વ્યવહારને છંછેડતું નથી. દરેક 'જ્ઞાન' વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની 'રિયાલિટી'માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી ! વ્યવહારને તરછોડે નહીં તે જ સૈધ્ધાંતિક વસ્તુ હોય. સૈધ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ અસિધ્ધાંતપણાને ના પામે તેનું નામ સિધ્ધાંત કહેવાય, કોઈ એવો ખૂણો નથી કે અસિધ્ધાંતપણાને પામે. એટલે આ 'રિયલ સાયન્સ' છે, 'કમ્પ્લીટ સાયન્સ' છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે !

કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી 'લાઈટ' કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને એ એમ તો કહે કે 'ભાઈ આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે' એવું કહે છેવટે ! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. ૩૬૦ ડિગ્રીનો ને ૩૫૬ ડિગ્રીનો પણ વિરોધ હોય છે જ ! એવી રીતે આ બધે વિરોધ તો હોય. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચાર શ્રેણી પર માણસ આવી શકે નહીં. કારણ કે મનુષ્યોની વિચાર શ્રેણીની ચૌદલાખ યોનિઓ છે. બોલો, કેટલા 'એડજસ્ટ' થઈ શકે આપણને ? અમુક જ યોનિ 'એડજસ્ટ' થઈ શકે, બધી ના થઈ શકે !

ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. 'વાઇફ'ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઈ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી 'વાઇફ' પણ ક્યારેય ના મળે ! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરાં !!

પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી. પણ વ્યવહારમાં ય આપની વાત 'ટોપ'ની વાત છે.

દાદાશ્રી : એવું છેને, કે વ્યવહારમાં 'ટોપ'નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં ! કારણ કે વ્યવહાર છોડનાર છેને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે 'શુધ્ધાત્મા' છો જ, પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવોને !

- જય સચ્ચિદાનંદ

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12