ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૧૧) શંકા બાળે સોનાની લંકા

ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઊડે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાયને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળા થાય તો પછી ભડકા શી રીતે શમે ? એકને નિઃશંક થયે જ છૂટકો. મા-બાપોની વઢવાડોથી બાળકોના સંસ્કાર બગડે. માટે બાળકના સંસ્કાર ના બગડે એટલા માટે બન્ને જણાએ સમજીને નિકાલ લાવવો જોઈએ. આ શંકા કાઢે કોણ ? આપણું આ 'જ્ઞાન' તો સંપૂર્ણ નિઃશંક બનાવે તેવું છે !

એક ધણીને એની વાઇફ પર શંકા પડેલી. એ બંધ થાય ? ના. એ લાઈફ ટાઈમ શંકા કહેવાય. કામ થઈ ગયુંને, પુણ્યશાળી (!) પુણ્યશાળી માણસને થાય ને ! એવી વાઈફને ય ધણી પર શંકા પડી, તે ય આખી લાઈફ ટાઈમ ના જાય.

પ્રશ્નકર્તા : ન કરવી હોય ને છતાં થાય એ શું ?

દાદાશ્રી : પોતાપણું, માલિકીપણું. મારો ધણી છે. ધણી ભલે હોય, ધણીનો વાંધો નથી. મારો કહેવામાં વાંધો નથી, મમતા રાખવી નહીં. મારો કહેવાનો, મારો ધણી એમ બોલવાનું પણ મમતા નહીં રાખવી.

આ દુનિયામાં બે વસ્તુ રાખવી. ઊપરચોટિયા (ઉપલક) ખાતરી ખોળવી અને ઊપરચોટિયા શંકા કરવી. ઊંડા ઊતરવું નહીં. અને અંતે તો ખાતરી કરનારો પછી મેડ થાય, મેન્ટલ હૉસ્પિટલમાં લોક ઘાલી દે. આ વહુને એક દહાડો કહે, 'તું ચોખ્ખી છું, એની ખાતરી શું ?' ત્યારે વહુ શું કહે, 'જંગલી મૂઓ છે.'

આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તો ય આમ શંકા. 'વાઈફ' ઉપર ય શંકા. એવો બધો દગો ! ઘરમાં ય દગો જ છેને અત્યારે ! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો, કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે ? તે ય ભાન વગર, બેભાનપણે ! નિર્મળ બુધ્ધિશાળીને ત્યાં કપટ ને દગો ના હોય. આ તો 'ફૂલિશ' માણસને ત્યાં અત્યારે દગો ને કપટ હોય. કળિયુગ એટલે 'ફૂલિશ' જે ભેગાં થયા છે ને !

લોકોએ કહ્યું હોય, આ નાલાયક માણસ છે, તો ય આપણે એને લાયક કહેવો. કારણ કે વખતે નાલાયક ના પણ હોય ને એને નાલાયક કહેશો તો બહુ દોષ બેસશે. સતિ હોય ને જો વેશ્યા કહેવાઈ ગઈ તો ભયંકર ગુનો, તેનું કેટલાંય અવતાર સુધી ભોગવ્યા કરવું પડશે. માટે કોઈના ય ચારિત્ર સંબંધમાં બોલશો નહીં. કારણ કે એ ખોટું નીકળે તો ? લોકના કહેવાથી આપણે ય કહેવા લાગીએ, તો એમાં આપણી શી કિંમત રહી ? અમે તો એવું કોઈ દહાડો ય કોઈનું બોલીએ નહીં ને કોઈને ય બોલ્યો નથી. હું તો હાથ જ ના ઘાલું ને ! એ જવાબદારી કોણ લે ? કોઈના ચારિત્ર સંબંધી શંકા ના કરાય. મોટું જોખમ છે. શંકા તો અમે ક્યારેય લાવીએ નહીં. જોખમ આપણે શું કરવા લઈએ ?

એક જણને એની 'વાઇફ' પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તે જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણા લોકો તો પકડાય તેને ચોર કહે, પણ પકડાયો નથી તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનાર પકડાતાં હશે ?

માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય તો તેણે રંગે એકદમ કાળી છુંદણાવાળી બૈરી લાવવી કે જેથી એનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, 'મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.' એટલે એ તમને 'સિન્સિયર' રહે, બહુ 'સિન્સિયર' રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ 'સેફસાઈડ' રહે.

વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ ય ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘૈડિયા તો એવું કહેતા કે 'ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.'

આ લોક તો કેવાં છે કે જ્યાં 'હૉટલ' દેખે ત્યાં 'જમે'. માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે.

અને આ લોક તો 'વાઇફ' સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું પડે ખરું પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી 'વાઇફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું ?

એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગૃત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણને મારી નાખે. સામાનું જે થવાનું હોય તે થાય, પણ આપણને તો એ શંકા જ મારી નાખે. કારણ કે એ શંકા તો માણસ મરી જાય ત્યાં સુધી એને છોડે નહીં. શંકા પડે એટલે માણસનું વજન વધે કે ? માણસ મડદાની જેમ જીવતા હોય તેના જેવું થાય.

(૧૨) ધણીપણાના ગુનાઓ

પ્રશ્નકર્તા : કેટલાક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું ?

દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઈએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરૂર છે ? આપણે એનો 'સમભાવે નિકાલ' કરી નાખવો.

પ્રશ્નકર્તા : નિકાલ કરવો છે તો કઈ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ?

દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એક્સેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.

પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.

પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ?

દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદગલને પણ ધકેલે છે કે 'ભઈ, ફોન આવ્યો તારો.' આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.

પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ?

દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છેને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જન્મ્યા છે, જોડે રહે છે તે કો'ક દહાડો આ મોક્ષમાર્ગ ઉપર આવે.

એક ભઈ મારી પાસે આવેલા. તે મને કહે, 'દાદા, હું પરણ્યો તો ખરો પણ મને મારી બૈરી ગમતી નથી.' મેં કહ્યું, 'કેમ ભાઈ, ના ગમવાનું શું કારણ ?' ત્યારે કહે છે, 'એ જરા પગે લંગડી છે, લંગડાય છે.' 'તે તારી બૈરીને તું ગમે છે કે નહીં ?' ત્યારે કહે કે, 'દાદા, હું તો ગમું તેવો જ છું ને ! રૂપાળો છું, ભણેલો-ગણેલો છું, કમાઉં છું ને ખોડખાંપણ વગરનો છું.' તે એમાં ભૂલ તારી જ. તે એવી તે કેવી ભૂલ કરેલી કે તને લંગડી મળી ને એણે કેવાં સરસ પુણ્ય કરેલાં કે તું આવો સારો તેને મળ્યો ? અલ્યા, આ તો પોતાનાં કરેલાં જ પોતાની આગળ આવે છે, તેમાં સામાનો શો દોષ જુએ છે ? જા, તારી ભૂલ ભોગવી લે ને ફરી નવી ભૂલ ના કરતો. તે ભઈ સમજી ગયો અને તેની ફ્રેક્ચર થતી લાઈફ અટકી ગઈને સુધરી ગઈ !

(૧૩) દાદાઈ દ્રષ્ટિએ ચાલો, પતિઓ...

પ્રશ્નકર્તા : વાઇફ એમ કહે કે તમારાં પેરેન્ટસને આપણી સાથે નથી રાખવાનાં કે નથી બોલાવાના, તો શું કરવું ?

દાદાશ્રી : તો સમજાવીને કામ લેવું, ડેમોક્રેટીક રીતે કામ લેવું. એના પેરેન્ટસને બોલાવાનાં, ખૂબ સેવા કરી આપવી...

પ્રશ્નકર્તા : મા-બાપ ઘરડાં હોય, મોટી ઉંમરના વડીલ હોય, એક તરફ મા-બાપ છે અને બીજી તરફ વાઇફ છે તો એ બન્ને વચ્ચે પહેલી વાત કોની સાંભળવી ?

દાદાશ્રી : વાઇફની જોડે એવો સરસ સંબંધ કરી દેવો કે વાઇફ આપણને એમ કહે કે તમારાં મા-બાપનું ધ્યાન રાખો ને ! આમ શું કરો છો ? એ વાઇફ પાસે મા-બાપનું જરા અવળું બોલવું. આપણા લોક તો શું કહે ? એ મારી મા જેવી કોઈની મા નથી. તું બોલ બોલ ના કરીશ. પછી પેલી અવળી ફરે તો આપણે ય કહીએ, માનો સ્વભાવ આજથી એવો જ થઈ ગયો છે. ઇન્ડિયન માઇન્ડ અવળું ફરવાની ટેવ હોય, ઇન્ડિયન માઇન્ડ છે.

તું જાણે છે કે લોકો વાઇફને ગુરુ કરે એવા છે ?

પ્રશ્નકર્તા : હાજી, જાણું છું.

દાદાશ્રી : તે ગુરુ કરવા જેવું નથી, નહીં તો મા-બાપ ને આખું કુટુંબ મુશ્કેલીમાં મૂકાય. અને ગુરુ કર્યા એટલે પોતે ય મુશ્કેલીમાં મૂકાય. એને ય રમકડું તરીકે રમવું પડેને ?! પણ મારી પાસે આવેલાંને એવું ના બને. મારી પાસે ઓલ રાઈટ ! હિંસક ભાવ જ ઊડી જાય ને ! હિંસા કરવાનો વિચાર જ ના થાય. કેમ કરીને સુખ આપવું એ જ વિચાર થાય !

પ્રશ્નકર્તા : આ લેડીઝ કામ કરીને થાકી બહુ જાય. કામ કહીએને તો બહાના બતાવે કે હું થાકી ગઈ, માથું દુઃખે છે, કેડો દુઃખે છે !

દાદાશ્રી : એવું છેને, તે આપણે એને સવારથી જ કહીએ, 'જો તારાથી કામ નહીં થાય, તું થાકી ગયેલી છું.' ત્યારે એને પાણી ચઢશે કે ના, તમે બેસી રહો છાનામાના, હું કરી લઈશ. એટલે આપણને કળથી કામ લેતાં આવડવું જોઈએ. આ શાક સમારવામાં ય કળ ના હોયને, તો અહીં લોહી નીકળેલું હોય.

પ્રશ્નકર્તા : ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યાં જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો !

દાદાશ્રી : તો એમને હાથમાં આપી દેવું. એમને સોંપી દેવી ગાડી. ભાંજગડ જ નહીં, ડાહ્યો માણસ ! કચકચ કરતો હોયને તો એને કહીએ, 'અલ્યા, તું ચલાવ, બા !'

પ્રશ્નકર્તા : ત્યારે એ કહેશે, 'મારો જીવ ના ચાલે.'

દાદાશ્રી : કેમ ? ત્યારે કહીએ, તમને શું થાય પાછો વાંધો ? ત્યારે ત્યાં તને શું ઊંચી બાંધી છે કે તું ટોક ટોક કરે છે ! એ તો એને સોંપી દે. આ તો ડ્રાઇવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું.

પ્રશ્નકર્તા : પત્નીનો પક્ષ ના લઈએ તો ઘરમાં ઝઘડો થાય ને ?

દાદાશ્રી : પત્નીનો જ પક્ષ લેવાનો. પત્નીનો લેજોને, કશો વાંધો નહીં. કારણ કે પત્નીનો પક્ષ લઈએ તો જ રાતે સૂઈ રહેવાયને નિરાંતે, નહીં તો સૂવાય શી રીતે ? ત્યાં કાજી-બાજી ના થવું.

પ્રશ્નકર્તા : પાડોશીનો પક્ષ તો લેવાય જ નહીંને ?

દાદાશ્રી : ના, આપણે હંમેશાં વાદીના જ વકીલ રહેવું, પ્રતિવાદીના વકીલ ના થવું. આપણે જે ઘરનું ખઈએ તેના જ... અને સામાના ઘરની વકીલાત કરીએ, ખઈએ આ ઘેર. એટલે સામાને ન્યાય તોલીએ નહીં તે ઘડીએ ! અન્યાયમાં આપણી વાઇફ હોય તો ય આપણે એના હિસાબે જ ચાલવું. ત્યાં ન્યાય કરવા જેવું નહીં કે આ તારામાં જ અક્કલ નથી તેથી આ... કાલ જમવાનું ત્યાં આગળ છે, તું તારી કંપનીમાં જ વકીલાત કરું છું ! એટલે પ્રતિવાદીના વકીલ થઈ જાય.

પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ?

દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે ? તમે તમારું જ હિત જોઈ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો ?!! સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઈએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઈએ.

પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ?

દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. 'વાઇફ'ના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે 'આપણે સમભાવે નિકાલ કરવો છે' એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે.

(૧૪) 'મારી'ના આંટા ઉકેલાય આમ !

પૈણતી વખતે ચોરીમાં બેસેને ? ચોરીમાં બેસે એટલે આમ જુએ. હા, આ મારી વાઇફ, એટલે આંટો મારે પહેલો. 'મારી વાઇફ, મારી વાઇફ, મારી વાઇફ' પૈણવા બેઠો ત્યાંથી જ આંટા માર માર કરે, તે અત્યાર સુધી આંટા માર માર કરે તે કંઈ કેટલાય આંટા વાગી ગયા હોય ! હવે શી રીતે એ આંટા ઉકલે ? મમતાનાં આંટા વાગ્યા !

હવે 'ન્હોય મારી, ન્હોય મારી' એવા અજપા જાપ બોલ ! 'આ સ્ત્રી મારી ન હોય, ન હોય મારી' એટલે આંટા ઉકલી જશે. પચાસ હજાર 'મારી મારી' કરીને આંટા માર્યા હોય, તે 'ન્હોય મારી'ના પચાસ હજાર આંટા મારે તો છૂટું થઈ ગયું ! આ શું ભૂત છે વગર કામનું ? તે એણે શું કર્યું ? ત્રણ દહાડા સુધી 'ન્હોય મારી, ન્હોય મારી' બોલ્યા જ કર્યું અને રટણ કર્યા કરે. પેલો રડતો પછી બંધ થઈ ગયો ! આ તો બધા ખાલી આંટા જ વીંટ્યા છે અને તેનો આ ઢેડફજેતો થયો છે. એટલે આ બધું કલ્પિત છે બધું. તમને સમજાઈ મારી વાત ? હવે આવો સરળ રસ્તો કોણ બતાવે ?

આખો દહાડો કામ કરતાં કરતાં ધણીનું પ્રતિક્રમણ કર્યા કરવાનું. એક દહાડામાં છ મહિનાનું વેર કપાઈ જાય અને અર્ધો દહાડો થાય તો માનો ને ત્રણ મહિના તો કપાઈ જાય છે. પરણ્યા પહેલાં ધણી જોડે મમતા હતી ? ના. તો મમતા ક્યારથી બંધાઈ ? લગ્ન વખતે ચોરીમાં સામસામી બેઠા એટલે તેં નક્કી કર્યું કે આ મારા ધણી આવ્યા, જરા જાડા છે ને શામળા છે. આ પછી એમણે ય નક્કી કર્યું કે આ અમારાં ધણીયાણી આવ્યાં.' ત્યારથી 'મારા, મારા'ના જે આંટા વાગ્યા, તે આંટા વાગ વાગ કરે છે. તે પંદર વર્ષની ફિલ્મ છે તેને 'ન્હોય મારા, ન્હોય મારા' કરીશ ત્યારે એ આંટા ઉકેલાશે ને મમતા તૂટશે. આ તો લગ્ન થયા ત્યારથી અભિપ્રાયો ઊભા થયા, 'પ્રિજ્યુડિસ' ઊભો થયો કે 'આ આવા છે, તેવા છે.' તે પહેલાં કંઈ હતું ? હવે તો આપણે મનમાં નક્કી કરવું કે, 'જે છે તે આ છે.' અને આપણે જાતે પસંદ કરીને લાવ્યા છીએ. હવે કંઈ ધણી બદલાય ?

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12