ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૩) પતિ-પત્નીમાં મતભેદ !

આપણે તો મૂળ ક્રોધ-માન-માયા-લોભ જાય, મતભેદ ઓછા થાય એવું જોઈએ. આપણે અહીં પૂર્ણતા કરવાની છે, પ્રકાશ કરવાનો છે. અહીં ક્યાં સુધી અંધારામાં રહેવું ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાઓ, મતભેદ જોયેલા તમે ?

પ્રશ્નકર્તા : ઘણાં.

દાદાશ્રી : ક્યાં ? કોર્ટમાં ?

પ્રશ્નકર્તા : ઘરે, કોર્ટમાં, બધે ઠેકાણે.

દાદાશ્રી : ઘરમાં તો શું હોય ? ઘરમાં તો તમે ત્રણ જણ, ત્યાં મતભેદ શાનાના ? નથી બેબીઓ બે-ચાર કે પાંચ, એવું તેવું તો કશું છે નહીં. તમે ત્રણ જણ એમાં મતભેદ શાના ?

પ્રશ્નકર્તા : ના, પણ ત્રણ જણમાં જ ઘણા મતભેદ છે.

દાદાશ્રી : આ ત્રણમાં જ ?! એમ !

પ્રશ્નકર્તા : જો કોન્ફ્લીક્ટ ના થાય જિંદગીમાં, તો જિંદગીની મજા ના આવે !

દાદાશ્રી : ઓહોહો... મજા તેથી આવે છે ? તો પછી રોજ જ કરવાનું રાખો ને ! આ કોણે શોધખોળ કરી છે ? કયા ફળદ્રુપ ભેજાએ શોધખોળ કરી છે ? તો પછી રોજ મતભેદ કરવા જોઈએ, કોન્ફ્લીક્ટની મજા લેવી હોય તો !

પ્રશ્નકર્તા : એ તો ના ગમે.

દાદાશ્રી : આ તો પોતાની જાતનું રક્ષણ કર્યું છે માણસોએ ! મતભેદ સસ્તો થાય કે મોંઘો ? થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં?

પ્રશ્નકર્તા : થોડા પ્રમાણમાં થાય અને વધારે પ્રમાણમાં ય થાય.

દાદાશ્રી : કોઈક ફેરો દિવાળી અને કોઈ દહાડો હોળી, એમાં મજા આવે છે કે મજા મારી જાય છે ?

પ્રશ્નકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે.

દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. સંસાર ચક્ર એવું છે, એમ બહાનું કાઢે છે. પણ એમ નથી કહેતો કે મારી નબળાઈ છે.

પ્રશ્નકર્તા : નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છેને !

દાદાશ્રી : હા બસ, એટલે લોકો સંસારનું ચક્ર કહી અને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે કે જ્યાં સુધી મને ઓળખશો નહીં, ત્યાં સુધી હું જવાની નથી. સંસાર કશો ય અડતો નથી. સંસાર નિર્પેક્ષ છે. સાપેક્ષે ય છે અને નિર્પેક્ષ ય છે. એ આપણે આમ કરીએ તો આમ ને આમ નહીં કરે તો કશું ય નહીં, કશું લેવા-દેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે.

પ્રશ્નકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે, એ તો સંસાર છેને!

દાદાશ્રી : આપણા લોકો તો બસ, રોજ વઢવાડ થાય છેને, તોય કહે છે પણ એ તો ચાલ્યા કરે. અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. શાથી થાય છે ? શાથી થાય છે ? કેમ આવું બોલે છે, શું થાય છે ? તેની તપાસ કરવી પડે.

ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ?

પ્રશ્નકર્તા : મતભેદની કોઈ દવા નથી.

દાદાશ્રી : હેં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં. બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા થઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાં ય ઘા રૂઝાતો નથી. સવારમાં ય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમે ય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે.

પણ રોજ રોજ એ ઘા પડેલો રહે બળ્યું. ઘા જાય નહીં ને, ઘા પડેલો તો રહેને ! ગોબા પડેલા હોય, માટે ગોબા જ ના પડવા દેવા. કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોયને, તે આપણું ઘૈડપણ આવે ત્યારે બૈરી પાછી ગોબા પાડે આપણને ! અત્યારે તો મનમાં કહે કે જોરદાર છે ભઈ, એટલે થોડાક વખત ચાલવા દેશે. પછી એનો વારો આવે ત્યારે આપણને સમજાઈ દેશે. એના કરતાં વેપાર એવો રાખવો કે એ આપણને પ્રેમ કરે, આપણે એમને પ્રેમ કરીએ. ભૂલચૂક તો બધાની થાય જ ને ! ભૂલચૂક ન થાય ? ભૂલચૂક થાય એમાં મતભેદ કરીને શું કામ છે ? મતભેદ પાડવો હોય તો જબરા જોડે જઈને વઢવું એટલે આપણને તરત હાજર જવાબ મળી જાય. અહીંયા હાજર જવાબ જ ન મળે કોઈ દહાડો. એટલે બેઉ જણા સમજી લેજો. આવાં મતભેદ ના પાડશો. જે કોઈ મતભેદ પાડે કે આપણે કહેવું કે દાદાજી શું કહેતા હતા, આવું શા હારુ બગાડો છો ?!

મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ?

પ્રશ્નકર્તા : રખાય નહીં પણ રહે.

દાદાશ્રી : તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી. શાદી કરી તો એક થઈ જાવ.

એટલે આ જીવન જીવતાં ય ના આવડ્યું ! અકળામણથી જીવો છો ! એકલો મૂઓ છું ? ત્યારે કહે, ના, પૈણેલો છું. ત્યારે મૂઆ વાઈફ છે તોય તારી અકળામણ ના મટી ! અકળામણ ના જવી જોઈએ ? આ બધું મેં વિચારી નાખેલું. લોકોએ ના વિચારવું જોઈએ આવું બધું ? બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમ અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તો ય સારું, પણ ત્યાં ય 'વાઈફ' જોડે લઠ્ઠાબાજી ઉડાડે !

પ્રશ્નકર્તા : બે તપેલાં હોય તો રણકાર થાય ને પછી શમી જાય !

દાદાશ્રી : રણકાર થાય તો મજા આવે ખરી ! છાંટો ય અક્કલ નથી એવું હઉ બોલે.

પ્રશ્નકર્તા : એ તો પાછું બીજું ય બોલેને કે તમારા સિવાય મને બીજું કોઈ ગમતું જ નથી.

દાદાશ્રી : હા, એવું ય બોલે !

પ્રશ્નકર્તા : પણ વાસણ ઘરમાં ખખડે જ ને ?

દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે 'આ તો આવાં છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે !' અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે ! મેરચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય ? આ 'દાદા'ને કોઈએ એક દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નુંય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઈ કો'કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણ વાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબુચક થઈને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઈશું ઓફિસે. શું ખોટું ? ચાનો ય કંઈ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે 'વ્યવસ્થિત' ! એનો ટાઈમ થશે એટલે ચા મળશે. તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો ચા આવીને ઊભી રહેશે અને સ્પંદન ઊભાં કરશો તો ય એ આવશે. પણ સ્પંદનોથી પાછાં વાઈફના ચોપડામાં હિસાબ

જમે થશે કે તમે તે દહાડે ટેબલ ઠોકતા હતા ને !

ઘરમાં વાઈફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરાં જોડે મતભેદ ઊભો થાય તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગૂંચાયા કરે.

પ્રશ્નકર્તા : ધણી તો એમ જ કહેને, કે 'વાઈફ' સમાધાન કરે, હું નહીં કરું !

દાદાશ્રી : હંઅ, એટલે 'લિમિટ' પૂરી થઈ ગઈ. 'વાઈફ' સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી 'લિમિટ' થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે 'વાઈફ' રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું.

આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું' પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર 'પ્રોબ્લેમ' વધે તેમ જુદું થતું જાય. 'પ્રોબ્લેમ' 'સોલ્વ' થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુઃખ છે. અને બધાંને 'પ્રોબ્લેમ' ઊભા થવાના, તમારે એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી, તેને 'પ્રોબ્લેમ' ઊભા થયા વગર રહે નહીં.

વહુની જોડે મતભેદ પડતો હોય મૂઆને ! જેની જોડે... ડબલ બેડ હોય છે કે એક પથારી હોય છે ?

પ્રશ્નકર્તા : ના, માફ કરજો. એક જ હોય છે.

દાદાશ્રી : તો પછી એની જોડે આ ઝઘડા થાય તો રાતે લાત મારે ત્યારે શું કરીએ ?

પ્રશ્નકર્તા : નીચે.

દાદાશ્રી : તો એની જોડે એકતા રાખવાની. 'વાઈફ' જોડે પણ મતભેદ થાય ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે ! આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે, એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે તમે ?

પ્રશ્નકર્તા : આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.

દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા !

વાતચીત કરોને ! કંઈ ખુલાસા થશે આમાં. આ તો જોગ બેઠો છે તે ભેગા થયા, નહીં તો ભેગા થવાય નહીં આ તો !! એટલે કશી વાતચીત કરોને ! એમાં વાંધો શો ? આપણે બધા એક જ છીએ. તમને જુદાઈ લાગે છે આ બધી, કારણ કે ભેદબુધ્ધિથી માણસને જુદું લાગે. બાકી બધું છે એક જ. માણસને ભેદબુધ્ધિ હોયને ! વાઈફ જોડે તો ભેદબુધ્ધિ નથી હોતીને ?

પ્રશ્નકર્તા : હા, એ જ થઈ જાય છે !

દાદાશ્રી : આ વાઈફની જોડે ભેદ કોણ પાડે છે ? બુધ્ધિ જ !

બૈરી ને એનો ધણી બેઉ પાડોશી જોડે લઢે ત્યારે કેવાં અભેદ થઈને લઢે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહ્યોમાંહીં જ્યારે ઝઘડે ને, 'તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવા.' ...પછી ઘરમાં જામેને ! ત્યારે તો કહે, 'તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તૂટી ગયા અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય 'મારી-તારી' થઈ જાય. 'તું આવી છું ને તું આવી છું !' ત્યારે એ કહેશે, 'તમે ક્યાં પાંસરા છો ?' એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય.

'હું ને તું, હું ને તું, હું ને તું', તે પહેલાં. અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું 'હું ને તું' થયા ! હવે હું તને તું થયા એટલે હુંસાતુસી થાય. એ હુંસાતુસી પછી ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટીની લડાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે થવા ના દેવી.(૫૧)

રોજ 'મારી વાઈફ, મારી વાઈફ' કહીએ અને એક દહાડો વાઈફે છે તે, પોતાનાં કપડાં ધણીની બેગમાં મૂકી દીધાં. બીજે દિવસે ધણી શું કહે ? 'મારી બેગમાં તેં સાડીઓ મૂકી જ કેમ ?!' આ આબરૂદારના છોકરા ! એની સાડીઓ આને ખઈ ગઈ ! પણ એનું પોતાનું જુદું અસ્તિત્વ છેને ! એટલે વાઈફ અને હસબન્ડ એ તો બિઝનેસને લઈને એક થયા. કોન્ટ્રાક્ટ છે એ. એ જુદું અસ્તિત્વ કંઈ છૂટી જાય ? અસ્તિત્વ જુદું જ રહે છે. 'મારી પેટીમાં સાડીઓ કેમ મૂકે છે' એવું કહે કે ના કહે ?

પ્રશ્નકર્તા : કહે, કહે.

દાદાશ્રી : આ તો કકળાટ કરે કે મારી બેગમાં તારી સાડીઓ મૂકી જ કેમ ? એટલે બઈ કહેશે, 'કો'ક દહાડો એની બેગમાં હાથ ઘાલીએ તો આવું ને આવું ગોટાળા વાળે છે. બળ્યો, આ ધણી ખોળવામાં મને ભૂલચૂક થઈ ગઈ લાગે છે. આવો ધણી ક્યાંથી મળ્યો ?' પણ હવે શું કરે ? ખીલે બંધાયું ! 'મેરી' હોય તો જતી રહે બીજે દહાડે, પણ ઈન્ડિયન શી રીતે જતી રહે ? ખીલે બંધાયેલા !! ઝઘડો કરવાની જગ્યા જ નથી, સ્પેસ જ નથી એવી ત્યાં ઝઘડો કરે તો ઝઘડો કરવાની જગ્યા હોય તો મારી જ નાખેને આ લોકો !

અરે, નહીં તો જોડે જોડે બેગો મૂકેલી હોયને તોય કહેશે, 'ઉઠાવી લે તું તારી બેગ અહીંથી'. અલ્યા મૂઆ, પૈણેલો છું, આ શાદી કરી છે, એક છો કે નહીં ?! અને પાછો લખે શું ? અર્ધાંગિની લખે. મૂઆ, કઈ જાતના છો તે આ ?! હા, ત્યારે મૂઆ અર્ધાંગિની શું કરવા લખે છે ? એમાં અર્ધો અંગ નહીં આ બેગમાં ! આપણે કોની મશ્કરી કરીએ છીએ પુરુષોની કે સ્ત્રીઓની ? એવું કહેને, અર્ધાંગિની નથી કહેતાં ?!

પ્રશ્નકર્તા : કહે ને !

દાદાશ્રી : અને આમ ફરી જાય પાછાં. સ્ત્રીઓ ડખલ નહીં કરે. સ્ત્રીઓની બેગમાં જો કદી આપણા ધોતિયાં મૂક્યાં હોયને, તો ડખલ નહીં કરે અને આ તો બહુ એને અહંકાર. આમ આંકડો જ ઊંચો ને ઊંચો, વીંછીની પેઠ, જરાક મારે તો ડંખ મારી દે હડહડાટ.

આ તો મારી વીતી બોલું છું હં કે. આ મારી આપવીતી બોલું છું. એટલે તમને બધાને પોતાને સમજણ પડે કે આમને વીતેલી આવી હશે. તમે એમ ને એમ સીધી રીતે કબૂલ કરો નહીં, એ તો હું કબૂલ કરી દઉં.

પ્રશ્નકર્તા : આપ બોલો એટલે બધાને પોતાનો પાછો ખ્યાલ આવી જાય ને કબૂલ કરે.

દાદાશ્રી : ના, પણ તમે કબૂલ ના કરો પણ હું તો કબૂલ કરી દઉં કે મારી વીતેલી છે, આપવીતી નહીં વીતેલી ? અરે, મારે ડંખ તે કેવો ડંખ મારે, તું તારે ઘેર જતી રહેજે, કહે છે. અલ્યા મૂઆ, જતી રહે તો તારી શી દશા થાય ? એ તો આ કર્મથી બંધાયેલી છે. ક્યાં જાય બિચારી ? પણ બોલું છું તે નકામું નહીં જાય, આ એના હાર્ટ ઉપર ડાઘ પડશે, પછી એ ડાઘ તારી ઉપર પડશે મૂઆ. આ કર્મો ભોગવવાં પડશે. એ તો એમ જાણે કે કંઈ જવાની છે હવે ?! આવું ના બોલાય. અને એવું બોલતા હોય તો એ ભૂલ જ કહેવાયને ! થોડા ઘણાં તો ટોણાં મારેલાં કે નહીં મારેલાં બધાએ ?

પ્રશ્નકર્તા : હા, મારેલા, બધાએ મારેલાં. એમાં અપવાદ ના હોય. ઓછું-વધતું હોય પ્રમાણ, પણ અપવાદ ના હોય.

દાદાશ્રી : એટલે આવું છે બધું. હવે આ બધાને ડાહ્યા બનાવવાના બોલો હવે. આ શી રીતે ડાહ્યા થાય ?! જો ઢેડફજેતો, ઢેડફજેતો ! મોઢાં પર દિવેલ ફરી વળેલાં છે ! સરસ સરસ દૂધપાક ને સારી સારી રસોઈઓ જમે છે તો ય મોઢાં પર દિવેલ પીધું હોયને એવાં ને એવાં દેખાય છે. દિવેલ તો મોઘું થયું છે તે ક્યાંથી લાવીને પીવું ? આ તો એમ ને એમ જ મોઢાં પર દિવેલ ફરી વળે છે !

પ્રશ્નકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ?

દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા'ડો એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરા નથી એનો મતભેદ પડે છે ?

પ્રશ્નકર્તા : ના. આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય.

દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઇઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, 'બરોબર છે'. એમ કહીએ એટલે પછી કશુંય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લઢે એટલે મતભેદ થાય.

પ્રશ્નકર્તા : 'એ બરાબર છે' એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ ? એ બોલાતું નથી, એ અહ્મ કેવી રીતે દૂર કરવો ?

દાદાશ્રી : એ હવે બોલાય નહીં પાછું, ખરું કહે છે. એ થોડા દા'ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છુંને એ ઉપાય કરવા માટે થોડા દા'ડા પ્રેક્ટિસ લો ને ! પછી એ ફીટ થઈ જશે, એકદમ નહીં થાય.

પ્રશ્નકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું ?

દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે ! તો એ ય ટાઢી પડી જાય પછી. પણ આપણે ય અક્કલવાળા અને એ ય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય તે ?!

તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ?

પ્રશ્નકર્તા : એમને વધારે પડે છે.

દાદાશ્રી : ઓહોહો ! મતભેદ એટલે શું ? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય ?

પ્રશ્નકર્તા : તૂટી જાય.

દાદાશ્રી : અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એનાં કરતાં આખી રાખીએ એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું.

પ્રશ્નકર્તા : પણ બેમાંથી મૂકે કોણ ?

દાદાશ્રી : સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં ! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું. એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમે ધીમે ધીમે ધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમે ધીમે છોડી દઉં, નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું ? હવે છોડી દેતાં આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને ! દોરડું તો પાછું ચલાવવું જ પડે ને ! તમને કેમ લાગે છે ?

ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશે ય ના થવો જોઈએ !! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ.

પ્રશ્નકર્તા : પતિ-પત્નીના ઝઘડાંથી છોકરાં પર શું અસર થાય ?

દાદાશ્રી : ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. આવડો નાનો બાબો હોયને, તે ય એમ જોયા કરે. આ પપ્પો બહુ બોલ બોલ કરે છે મારી મમ્મી જોડે. પપ્પો જ ખરાબ છે. પણ મોંઢે બોલે નહીં. એ જાણે કે બોલીશ તો મારશે મને. મનમાં નોંધ કરે આ, નોટેડ ઇટસ કન્ટેન્ટસ્. પણ ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે. 'મોટો થઈશ એટલે પપ્પાને આપીશ !' નક્કી કરે આપણા હારુ અત્યારથી. પછી એ મોટો થાય એટલે આપે ! 'એવું મારવા હારુ મેં તમને મોટાં કર્યા ?!' 'તો તમને કોણે મોટાં કર્યા હતા ?' કહેશે. 'અલ્યા, ત્યાં સુધી, મારાં બાપા સુધી પહોંચ્યો ?' ત્યારે કહે, 'તમારાં દાદા સુધી પહોંચીશ.' આપણે સ્કોપ આપ્યો ત્યારે ને ?! એવી ગાંઠ વાળવા દઈએ તો આપણી જ ભૂલ છે ને ! ઘરમાં વઢીએ શું કરવા ? એને વઢીએ જ નહીં એટલે બાબો જુએ કે આ કહેવું પડે, પપ્પા કેટલા સારાં છે !

છોકરાઓ, પરણવાનું કેમ ના પાડો છો ? મેં એમને પૂછયું કે, શું છે તમને હરકત, તે મને કહોને ? કે સ્ત્રી તમને ગમતી જ નથી કે સ્ત્રી જોડે, તમે પુરુષ નથી કે શું છે હકીકત, વાસ્તવિકતા ? મને કહો. ત્યારે કહે, 'ના, અમારે લગ્ન નથી કરવું.' મેં કહ્યું, કેમ ? ત્યારે કહે, 'લગ્નમાં સુખ છે નહીં એવું અમે જોઈ લીધું છે.' મેં કહ્યું, 'હજુ ઉંમરનાં નથી થયા, પૈણ્યા વગર તને શી રીતે ખબર પડી, અનુભવ થયો ?' ત્યારે કહે, 'અમારા મા-બાપનું સુખ(!) અમે જોતાં આવ્યા છીએ.' એટલે અમે જાણી ગયા આ લોકોનું સુખ ! આ લોકોને જ સુખ નથી તો આપણે પૈણીશું તો આપણે વધારે દુઃખી થઈશું. એટલે એવું બને ખરું ?

એવું છે ને, અત્યારે હું કહું કે ભઈ, અત્યારે બહાર અંધારું થઈ ગયું છે. ત્યારે આ ભઈ કહે, ના, અજવાળું છે. ત્યારે હું કહું કે ભઈ, હું તમને રીક્વેસ્ટ (વિનંતી) કરું, વિનંતી કરું છું તમે ફરી જુઓને ! ત્યારે કહે, 'ના, અજવાળું છે.' એટલે હું જાણું કે આમને જેવું દેખાય છે એવું બોલે છે. માણસની દ્રષ્ટિની બહાર આગળ દ્રષ્ટિ જઈ શકે નહીં. એટલે પછી હું એને કહી દઉં કે તમારા વ્યૂપોઈન્ટથી તમે બરાબર જ છો. હવે બીજું મારું કામ હોય તો કહો. એટલું જ કહું, 'યસ, યુ આર કરેક્ટ બાય યોર વ્યૂપોઈન્ટ !' (હા, તમે તમારા દ્રષ્ટિબિંદુથી સાચા છો.) કહીને, હું આગળ ચાલવા માંડું. આમની જોડે આખી રાત ક્યાં બેસી રહું ? એ તો આવા ને આવા જ રહેવાના છે. આવી રીતે મતભેદનો ઉકેલ લાવી નાખવાનો.

એમ માનોને કે અહીંથી પાંચસો ફૂટ છેટે આપણે એક એકદમ સરસ સફેદ એવો ઘોડો ઊભો રાખ્યો છે અને અહીં આગળ દરેકને આપણે દેખાડીએ કે પેલું શું દેખાય છે ? ત્યારે કોઈ ગાય કહે, તો આપણે એને શું કરવું ? આપણા ઘોડાને કોઈ ગાય કહે તે ઘડીએ આપણે એને મારવો કે શું કરવું ?

પ્રશ્નકર્તા : મારવાનો નહીં.

દાદાશ્રી : શાથી ?

પ્રશ્નકર્તા : એની દ્રષ્ટિથી ગાય દેખાઈ.

દાદાશ્રી : હા... એના ચશ્મા એવા છે. આપણે સમજી જવાનું કે આને બિચારાને નંબર લાગેલા છે. એટલે એનો દોષ નથી. એટલે આપણે વઢાય નહીં. કહેવું કે ભઈ, બરાબર છે તમારી વાત. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે કે ઘોડો દેખાય છે, તો આપણે જાણીએ કે આને નંબર નથી. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે, 'મોટો બળદ હોય એવું દેખાય છે.' તો આપણે નંબર સમજી જઈએ એના. ના દેખાય એટલે નંબર સમજી લેવા. તમને શું લાગે છે ?

અમારે પૈણ્યે પંચાવન વર્ષ થયાં. તે પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમર સુધી જરા ભૂલચૂક થઈ હશે જ્ઞાન પહેલાં, નાની ઉંમરમાં અમે હઉ અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા'તા. આબરૂદાર લોકને ! ખાનદાન !! છ ગામના પટેલ !!! પછી ખબર પડી કે મારી આ ખાનદાની નીકળી ગઈ. આબરૂનું લિલામ થઈ ગયું. સાણસી મારી ત્યાંથી આબરૂનું લિલામ ના થયું કહેવાય ? સ્ત્રીને સાણસી મારે આપણા લોક ? અણસમજણનો કોથળો ! તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી ! આ તે કંઈ શોભે આપણને ?

પ્રશ્નકર્તા : સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું. પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બીહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે. એ તો બહુ ભયંકર કહેવાયને ?

દાદાશ્રી : આંતરિક મતભેદોને ? એ તો બહુ ભયંકર !

પણ મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે ? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત.

તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું 'હીરાબા' કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને બા કહેવાય અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.

પ્રશ્નકર્તા : હા, એ વાત કહો ને !

દાદાશ્રી : એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી.

પ્રશ્નકર્તા : એ તો એમની થઈ ગઈ હશે પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી.

દાદાશ્રી : હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તો ય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ?

પ્રશ્નકર્તા : તમને.

દાદાશ્રી : તે મારે સમજવું જોઈએ ને !

તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે, તેમાં આ પહેલી છોડી પૈણે છે તે આપણે લગ્નમાં શું આપીશું ?' તો આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછયું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ? પૂછયું એટલે મેં શું કહ્યું ? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છેને તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાના નાના, તે આપજોને એકાદ-બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યાં કે 'તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને !' હવે મારા ને તમારા બોલ્યા તે દહાડે, કાયમ આપણું જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યા. મેં કહ્યું, આજે આપણે ફસાઈ ગયા ! હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય, એ અમને આવડે !

એટલે મારી-તારી થઈ તે દહાડે ! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! મેં કહ્યું, 'આ ઠોકર વાગવાની થઈ આજ તો !' એટલે હું તરત જ ફરી ગયો ! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખો ય. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો.' હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, 'મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો !' ત્યારે કહે, 'તો શું કહો છો ?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?' એટલે હું સમજી ગયો આપણે જીત્યા ! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !' એટલે ખુશ થઈ ગયા. 'દેવ જેવા છે' કહે છે !

જો પટ્ટી મારી દીધીને ! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ?

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12