ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૧૭) વાઈફ જોડે વઢવાડ !

બે જણા મસ્તી-તોફાન કરતાં હોય એ વઢે-કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો એ એનો ધંધો કરાવી લે અને એ લોક તો એકનાં એક જ પાછાં. બીજે ઘેર રહેવા ના જાય, એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી.

એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું છે. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે 'વહુ મને આમ કેમ કરે છે ?' વહુને એમ થાય કે 'આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?' એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે 'વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !' ત્યારે એ કહે કે, 'હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે, ક્યાં જાય પછી ?

પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?

દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તો 'કેમ છો ? કેમ નહીં ?' એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને ! અમારી કંઈ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોંશિયાર-ભણેલા, તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.

પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?

દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.

પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?

દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.

પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ?

દાદાશ્રી : 'ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ?' ત્યારે એ કહેશે કે, 'જાણી-જોઈને હું કંઈ ફેંકું ? એ તે મારા હાથમાંથી છટકી ગયો ને ફેંકાઈ ગયો ?

પ્રશ્નકર્તા : એ તો, એ ખોટું બોલ્યા ને ?

દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી.

પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?

દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે 'ક્યા હોતા હૈ ?' સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાંનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.

પ્રશ્નકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઈ દહાડો ઝઘડો જ ના કરતાં હોઈએ છતાં ઘરમાં બધાં ઝઘડા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું ?

દાદાશ્રી : આપણે 'ઝઘડાપ્રૂફ' થઈ જવું. 'ઝઘડાપ્રૂફ' થઈએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને 'ઝઘડાપ્રૂફ' કરી આપીશું. ઝઘડો કરનારો ય કંટાળી જાય એવું આપણું સ્વરૂપ હોવું જોઈએ. 'વર્લ્ડ'માંય કોઈ આપણને 'ડિપ્રેસ' ના કરી શકે એવું હોવું જોઈએ. આપણે 'ઝઘડાપ્રૂફ' થઈ ગયા પછી ભાંજગડ જ નહીંને ? લોકોને ઝઘડા કરવાં હોય, ગાળો આપવી હોય તો ય વાંધો નહીં અને છતાં ય નફ્ફટ કહેવાય નહીં, ઉલટી જાગૃતિ ખૂબ વધશે.

પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે ઊગશે.

પ્રશ્નકર્તા : તો એ બીજ કેવી રીતે દૂર થાય ?

દાદાશ્રી : ધીમે ધીમે 'સમભાવે નિકાલ' કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. પ્રતિક્રમણ ખૂબ કરવાં પડે. આપણું કોઈ કશું લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે, કપડાં મળે, પછી શું જોઈએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તો ય કંઈ નહીં, આપણે સૂઈ જઈએ. પૂર્વભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરીને જાય ! વેર અને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઈએ કે આ સમજણવાળું છે, તો ય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે ? એટલે ત્યાં વાતને છોડી દેવી.

હવે વેર બધાં છોડી નાખવાનાં. માટે કો'ક ફેરો અમારી પાસેથી 'સ્વરૂપ જ્ઞાન' મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં. અમે તમને રસ્તો દેખાડીશું.

માકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ હેં.... આ ધણી બૈરીને કૈડે છે ને બૈરી ધણીને કૈડે છે એ બહુ વસમું હોય છે. શું ? કૈડે કે ના કૈડે ?

પ્રશ્નકર્તા : કૈડે.

દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માકણ કૈડે છે એ તો કૈડીને જતાં રહે. બિચારા એ મહીં ધરાઈ ગયો એટલે જતાં રહે. પણ બૈરી તો કાયમ કૈડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કૈડે છે ! ત્યારે મૂઆ પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ?! તે એ સાપ નહીં હોય, મૂઆ ?! એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને !

અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો 'વાઇફ' જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું ? એ વિચાર કરવો પડે ને ?

સહુથી પહેલા ધણીએ માફી માગવી. ધણી મોટા મનનો હોય. બઈ પહેલી ના માંગે.

પ્રશ્નકર્તા : ધણી મોટા મનનો કહ્યું એટલે એ ખુશ થઈ ગયા.

દાદાશ્રી : ના, એ મોટા મનનો જ હોય. એનું વિશાળ મન હોય અને સ્ત્રીઓ સાહજિક હોય. સાહજિક હોય એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે, ના ય માંગે. પણ જો તમે માંગો તો તરત માંગી લેશે. અને તમે ઉદય કર્મના આધીન નહીં રહેવાના. તમે જાગૃતિના આધીન રહેવાના અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ! સ્ત્રી સહજ કહેવાય. તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી હોય.

પ્રશ્નકર્તા : આ અહમ્ ખોટો છે, એવું આપણે કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છે ને સંત પુરુષો કહે છે, છતાં એ અહમ્ જતો કેમ નથી ?

દાદાશ્રી : અહમ્ જાય ક્યારે, એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએ ત્યારે જાય. વાઇફની જોડે કકળાટ થતો હોય, તો આપણે સમજી જવું કે આ આપણો અહમ્ ખોટો છે. એટલે આપણે રોજ એ અહમ્થી જ પછી એની માફી માંગ માંગ કરવી અંદર, એટલે એ અહમ્ જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએને ?

અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે 'એડજસ્ટ' થવાનું. ઘરમાં વાઇફ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી વાઇફને હૉટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.

એટલે 'આ' જ્ઞાન હોય તો પછી એ ભાંજગડ ના રહે. જ્ઞાન હોય તો આપણે સવારનાં પહોરમાં દર્શન જ કરીએ ને ? વાઇફની મહીં ય ભગવાનનાં દર્શન કરવા જ પડે ને ? વહુમાં ય દાદા દેખાય તો કલ્યાણ થઈ ગયું. વહુને જોઉં તો આ 'દાદા' દેખાયને ! એની મહીં શુધ્ધાત્મા દેખાયને ! એટલે કલ્યાણ થઈ ગયું !

માટે જેમ તેમ કરીને 'એડજસ્ટ' થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, ના છૂટકે ય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તો ય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તો ય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવેને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાં ય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમને ય પાછા આપણે ના ગમતા હોઈએ ! એટલે આમાં મઝા કાઢવા જેવું નથી.

'ડૉન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ' (કાયદા ના જોશો, સમાધાન કરો). સામાને 'સેટલમેન્ટ' લેવા કહેવાનું. 'તમે આમ કરો, તેમ કરો' એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તો ય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં 'લૉ' (કાયદાઓ) તો જોવાતા હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે !

પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી લઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ?

દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે લઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડીક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.

ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, 'આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?' તો બઈ જવાબ આપે કે, 'ફલાણી જગ્યાએ મૂકો.' તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, 'તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?' એટલે બઇ કહે કે, 'અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.' આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે !! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટી ય ના લાગે કોઈ !

ઘરનાં બધાંને પત્નીને, નાની બેબીને, કોઈ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ એ બેમાં શું ફેર ?

દાદાશ્રી : તરછોડ અને તિરસ્કારમાં તિરસ્કાર તો વખતે ખબર ના ય પડે. તરછોડ આગળ તિરસ્કાર એ બિલકુલ માઇલ્ડ વસ્તુ છે, જ્યારે તરછોડનું તો બહુ જ ઉગ્ર સ્વરૂપ છે, તરછોડથી તો તરત જ લોહી નીકળે એવું છે. આ દેહનું લોહી ના નીકળે, પણ મનનું લોહી નીકળે એવી તરછોડો ભારે વસ્તુ છે.

એક બેન છે તે મને કહે છે, તમે મારા ફાધર હોય એવું લાગે છે ગયા અવતારના. બેન બહુ સરસ બહુ સંસ્કારી. પછી બેનને કહ્યું કે આ ધણી જોડે શી રીતે મેળ પડે છે ? ત્યારે કહે, 'એ કોઈ દહાડો બોલે નહીં. કશું બોલે નહીં.' ત્યારે મેં કહ્યું, 'કોઈક દહાડો કશુંક તો થતું હશેને ?!' ત્યારે કહે, 'ના, કોઈક દહાડો ટોણો મારે.' હા, એટલે સમજી ગયો. ત્યારે મેં પૂછયું કે એ ટોણો મારે ત્યારે તમે શું કરો ? તમે તે ઘડીએ લાકડી લઈ આવો કે નહીં ? ત્યારે એ કહે કે 'ના, હું એમને કહું કે કર્મના ઉદયે તમે અને હું ભેગા થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શું કરવા કરો છો ?' શેના માટે ટોણા મારવાના અને આ બધું શું છે ? આમાં કોઈનો ય દોષ નથી. એ બધું કર્મના ઉદયનો દોષ છે. માટે ટોણા મારો એના કરતાં કર્મને આપણે ચૂકતે કરી નાખોને ! એ વઢવાડ સારી કહેવાયને ! અત્યાર સુધી તો બધી બહુ બઈઓ જોઈ, પણ આવી ઊંચી સમજવાળી તો આ બઈ એકલી જ જોઈ.

મારો સ્વભાવ મૂળ ક્ષત્રિય સ્વભાવ, તે ક્ષત્રિય બ્લડ અમારું, તે ઉપરીને ટૈડકાવાની ટેવ, અન્ડરહેન્ડને સાચવવાની ટેવ. આ ક્ષત્રિયપણું મૂળ ગુણ, તે અન્ડરહેન્ડને રક્ષણ કરવાની ટેવ. એટલે વાઇફ ને એ બધાં તો અન્ડરહેન્ડ એટલે એમનું રક્ષણ કરવાની ટેવ. એ અવળું-સવળું કરે તો ય પણ રક્ષણ કરવાની ટેવ. નોકરો હોયને તે બધાનું રક્ષણ કરવાનું એની ભૂલ થઈ હોયને, તો ય એને બિચારાને નહીં કહું અને ઉપરી હોય તો માથા તોડી નાખું. અને જગત આખું અંડરહેન્ડની જોડે કચ કચ કરે. અલ્યા મૂઆ, બૈરી જેવો છે તું !બૈરી આવું કરે અન્ડરહેન્ડને ! આ તમને કેમ લાગે છે ?

આપણે ઘરમાં પૈણી લાવ્યા અને બૈરીને વઢ વઢ કર્યા કરીએ, તે શેના જેવું છે ? કે ગાયને ખીલે બાંધીને પછી માર માર કરીએ. ખીલે બાંધીએ ને માર માર કરીએ તો ? આમથી મારીએ તો પેલી બાજુ જાય બિચારી ! આ એક ખીલે બાંધેલી ક્યાં જવાની છે ?! આ સમાજનો ખીલો એવો જબરો છે કે ભાગી ય ના શકે. ખીલે બાંધેલીને મારીએ તો બહુ પાપ લાગે. ખીલે ના બાંધી હોય તો હાથમાં જ ના આવેને ! આ તો સમાજને લઈને દબાયેલી રહી છે, નહીં તો ક્યારની ય ભાગીને જતી રહેત. ડિવોર્સ લીધા પછી માર જોઈએ ? તો શું થાય ?

'મિનિટે' ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય. મિત્રાચારી એટલે મિત્રાચારી. એમને શર્ત કહી દેવાની, 'તું મિત્રાચારીમાં જો આઉટ ઑફ મિત્રાચારી થઈ જાઉં તો ગુનો લાગી જશે. સંપીને મિત્રાચારી રાખ !'

ફ્રેન્ડ જોડે સિન્સિયર રહે છે, એમ કે ફ્રેન્ડ ત્યાં રહ્યો રહ્યો કહે કે મારો ફ્રેન્ડ આવો. મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં. તેમ આના માટે ખરાબ વિચાર ના થાય. ફ્રેન્ડ કરતાં વધારે ના કહેવાય ?

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12