ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !

પ્રશ્નકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને અને ના કાઢે તો ય ખરાબ લાગે.

દાદાશ્રી : ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો એ કહેશે, 'કઢી ખારી થઈ તો ય બોલ્યા નહીં !' ત્યારે કહીએ, 'તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું ?' પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય તો મોઢું બગાડે, કઢું ખારું થયું છે. મૂઆ, આ કઈ જાતના માણસો છે. આને ધણી તરીકે કેમ રખાય તે ?! કાઢી મેલવો જોઈએ ધણીને તો ! આવા નબળા ધણીઓ ! અલ્યા, એ બઈ નથી સમજતી, તે તું વળી કહું છું ? માથાફોડ કરું છું ? એ તો એમને છાતીએ ઘા ના લાગે, બળ્યું ! મનમાં કહેશે, આ કંઈ હું ન હતી સમજતી ?! આ તો મને બાણ મારે છે, મૂઓ. આ મૂઓ કાળમૂખો, રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે. તો આપણા લોકો જાણી જોઈને આ ભૂલો કાઢે છે તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે?

પ્રશ્નકર્તા : આવી ભૂલ કાઢીએ તો પછી એનાથી ફરીથી ભૂલ ના થાયને ?

દાદાશ્રી : ઓહોહો, એટલે ઉપદેશનું કારણ થાય એટલા માટેને ! હં, તે ભૂલ કાઢવાનો વાંધો નથી, હું તમને શું કહું છું, ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો કે તમે સારું થયું આ મને ભૂલ દેખાડી. મને તો ખબર જ નહીં. તે ઉપકાર માનો છો ?! બેન, તું એમનો ઉપકાર માનું છું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી એનો અર્થ શું કાઢવાનો ? જે ભૂલ એ જાણતી હોય, તેને તમારે કાઢવાનો અર્થ શું છે ? એને કાળમુખા કહે છે સ્ત્રીઓ, કે મૂઓ કાળમૂખો જ્યારે ત્યારે બોલીને ઊભો રહે છે. એ જે જાણતી હોય ભૂલ એ આપણાથી કઢાય નહીં. બીજું કંઈ પણ થયું હોય કે કઢી ખારી થઈ હોય પછી શાક બગડી ગયું હોય, તો એ ખાય તો એ જાણે કે ના જાણે ? માટે આપણે કહેવાની જરૂર ના હોય ! પણ ભૂલ એ ના જાણતી હોય, તે આપણે કહીએ તો એ ઉપકાર માને. બાકી એ જાણતી હોય તે ભૂલ કાઢવી એ તો ગુનો છે. આપણા લોકો ઇન્ડિયનો જ કાઢે છે

હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે જરા કોઈ દહાડો ખાંડ ભૂલી ગયા હોય તો હું પી જઉં અને તે ય દાદાના નામથી. મહીં દાદાને કહું, 'ચાની મહીં ખાંડ નાખો, સાહેબ.' તે દાદા નાખી આપે ! એટલે ખાંડ વગરની ચા આવે તો પી જઈએ, બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલાં ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, 'ભઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપ-રકાબી લઈ જા.' ત્યારે કહે, 'તમે ચા મોળી હતી તે ખાંડ માંગી નહીં !' મેં કહ્યું, 'હું શું કરવા કહું ?' તમને સમજણ પડે એવી વાત છે ?

એક ભાઈને પૂછ્યું, 'ઘરમાં કોઈ દિવસ વાઈફની ભૂલ કાઢું છું ?' ત્યારે કહે, 'એ છે ભૂલવાળી એટલે ભૂલ જ કાઢવી પડે ને !' મેં કહ્યું, 'અક્કલનો કોથળો આવ્યો આ ! વેચવા જઈએ તો ચાર આના બારદાનના આવે નહીં અને એ માની બેઠો કે આ વહુ ભૂલવાળી, લે !

પ્રશ્નકર્તા : ઘણાં પોતાની ભૂલ સમજતા હોય, છતાં સુધરે નહીં તો ?

દાદાશ્રી : એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઉલટો. એ તો કો'ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે ? સામાસામી વાતચીતો કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજ રોજ ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો ? ના ! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે ?! આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય, કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય.

એ તો ખોટું ગાંડપણ હતું ધણીપણું થવાનું. એટલે ધણીપણું ના બજાવવું જોઈએ. ધણીપણું તો એનું નામ કહેવાય કે સામો પ્રતિકાર ના થાય, ત્યારે જાણવું કે ધણીપણું છે. આ તો તરત પ્રતિકાર !

ઘરમાં તો સ્ત્રીને તો સહુ કોઈ કટ કટ કરે, એ વીરની નિશાની નથી. વીર તો કોણ કહેવાય કે સ્ત્રીને કે ઘરમાં છોકરાંને કોઈને ય હરકત ન થાય. છોકરું જરા આડું બોલે પણ મા-બાપ બગડે નહીં ત્યારે ખરું કહેવાય. છોકરું તો બાળક કહેવાય. તમને કેમ લાગે છે, ન્યાય શું કહે છે ?

કયા ગુણને માટે આપણે ટકોર કરવી પડે કે જેની એને સમજણ ના હોય ! તે આપણે એને સમજણ આપવી જોઈએ. એને પોતાની સમજણ છે, તેને આપણે કહીએ એટલે એનો ઈગોઈઝમ ઘવાય પછી. અને પછી એ તમારે માટે લાગ જુએ, કે મારા લાગમાં આવવા દોને એક દહાડો. લાગની રાહ જુએ. તે આવું શા માટે કરવાની જરૂર ? એટલે એ જે જેમાં સમજી શકે એવું છે ત્યાં આગળ આપણે ટકોર મારવાની જરૂર ના હોય.

વધારે કડવું હોય તો આપણે એકલાએ પી જવું, પણ સ્ત્રીઓને કેમ પીવા દેવાય ? કારણ કે આફ્ટર ઑલ આપણે મહાદેવજી છીએ. ન હોય મહાદેવજી આપણે ? પુરુષો મહાદેવજી જેવા હોય. વધારે પડતું કડવું હોય તો કહીએ, 'તું તારી મેળે સૂઈ જા, હું પી જઈશ.' બેનો ય મહીં સંસારમાં સહકાર નથી આપતી બિચારી ? પછી એની જોડે કેમ ડખલ થાય ? એને કંઈક દુઃખ અપાઈ ગયું હોય તો આપણે પશ્ચાતાપ કરવો જોઈએ ખાનગીમાં કે હવે નહીં દુઃખ આપું કહીએ. મારી ભૂલ થઈ આ.

ઘરમાં કયા પ્રકારના દુઃખો થાય છે ? કયા પ્રકારના ઝઘડા થાય છે ? કયા પ્રકારના મતભેદ થાય છે ? એ જો બન્ને જણ લખી લાવતા હોયને તો એને એક કલાકમાં જ બધાનો નિવેડો લાવી આપું. અણસમજણથી જ ઊભાં થાય છે ? બીજું કશું નહીં

આપણા ઘરની વાત ઘરમાં રહે એવું ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા ડૉલર આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા.

(૭) 'ગાડી'નો ગરમ મૂડ

આ તો રાત્રે કોઈ વખત ધણીને ઘેર આવતાં મોડું થઈ જાય, કોઈક સંજોગોમાં, હં... આટલું બધું મોડું અવાતું હશે ? તો એ નથી જાણતા. એ મોડું થાય છે ? એમને મહીં ચૂન ચૂન થતું હોય, બહું મોડું થયું, બહુ મોડું થયું. તેમાં પાછાં આ વાઈફ એવું ગાય કે આટલું બધું મોડું અવાતું હશે ! બિચારા ! આ મિનિંગલેસ વાતો બધી આવી કરવી ! તને સમજાય છે એવું ? એટલે આપણે એ આ મોડા આવેને, તે દહાડે આપણે જોઈ લેવું કે મૂડ કેમનો છે ! એટલે પછી તરત જ કહેવું કે પહેલી ચા-બા પીને પછી જમવા બેસો એટલે મૂડમાં આવે પછી. મૂડ અવળો હોય તો આપણે જરા એમને ચા-પાણી કરીને ખુશ કરીએ. જેમ પોલીસવાળો આવ્યો હોય, આપણે મૂડ ના હોય તો ય ચા-પાણી નથી કરતા ? આ તો પોતાનો એટલે ખુશ નહીં કરવાનો ? પોતાનો એટલે ખુશ કરવો પડે ! ઘણાં ખરાં તમને બધાંને ખબર હશે, કદાચ ગાડી મૂડમાં નથી હોતી એવું નથી બનતું ? ગરમ થઈ ગયેલી. તો આપણે એને લાકડી માર માર કરીએ તો ! એને મૂ઼ડમાં લાવવા માટે ઠંડી મૂકી દેવાની જરા, એ રેડિએટર ફેરવવાનું, પંખો ફેરવવાનો. ના કરાય ?

પ્રશ્નકર્તા : બ્રાન્ડી બંધ કરાવવી કેવી રીતના ?

દાદાશ્રી : તમારા ઘરમાં પ્રેમ દેખે એટલે બધું ય છોડી દે. પ્રેમની ખાતર દરેક વસ્તુ છોડી દેવા તૈયાર છે. આ પ્રેમ ના દેખે એટલે બ્રાન્ડી જોડે પ્રેમ કરે, ફલાણા જોડે પ્રેમ કરે, નહીં તો બીચ ઉપર ફર્યા કરે. 'અલ્યા મૂઆ, અહીં શું તારા બાપે દાટ્યું છે, ઘરમાં જાને !' ત્યારે કહે, 'ઘેર તો મને ગમતું જ નથી.'

(૮) સુધારવું કે સુધરવું ?

એટલે આ સગાઈ રિલેટિવ છે. એટલે ઘણા માણસો શું કરે છે કે બૈરીને સુધારવા માટે એટલા બધા જક્કે ચઢે છે કે તે પ્રેમની દોર તૂટી જાય ત્યાં સુધી જક્કે ચઢે છે. એ શું જાણે છે કે આ મારે સુધારવી જ જોઈએ આને, અલ્યા મૂઆ, તું સુધરને ! તું સુધર એકવાર. અને આ તો રિયલ નથી, રિલેટિવ છે ! છૂટું થઈ જશે. માટે આપણે જૂઠું તો જૂઠું પણ એની ગાડી પાટા પર ચઢાવી દે ને ! અહીંથી પાટે ચઢી ગઈ એટલે સ્ટેશને પહોંચી જશે, હડહડાટ. એટલે આ રિલેટિવ છે અને સાચવીને-મનાવીને આમ ઉકેલ લાવી દેવાનો.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ના સુધરે, પણ વ્યવહાર તો સુધારવો જોઈએને ?

દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કો'ક દહાડો આવડ્યો હોત, અરે, અડધો કલાકે ય આવડ્યો હોત તો ય ઘણું થઈ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે 'રિલેટિવ' સત્ય. તે અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ 'ત્યાં'ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને અને આપણે 'આપણું' કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઈ કહે કે, 'ભઈ, તમારામાં અક્કલ નથી.' તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ?! આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે, એનો નિશ્ચય નિશ્ચય છે.

કોઈ કહેશે કે, 'ભઈ, એને સીધી કરો.' અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ. માટે 'વાઈફ'ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને 'કરેક્ટ' કહીએ. આપણે એની જોડે કાયમનું સાઢું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બંનેના મરણકાળ જુદાં, બંનેના કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે !

પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે કે ના વશ થાય. ધાકધમકીથી તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે.

સામાને સુધારવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે.

જે આપણા રક્ષણમાં હોય, તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તો ય એનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાં ય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિંયાઉં થઈ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે.

(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !

કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું એ બે સરખી વસ્તુ છે, એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી, આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ થાય છે, તે પણ નહીં દેખાવાથી ક્રોધ થાય છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે ! તે આમ વાતને સમજવી જોઈએને ! વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો ? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે ખરી-ખોટી કરવા એની જોડે નથી જતાંને ? કે આ મારું ખરું છે એવું લઢવા માટે ભાંજગડ નથી કરતાંને ?

જે અથડાય છેને તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી બારણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાં ય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે ? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળો જોઈએ કે કોઈની અથડામણમાં આવવું નથી.

(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં...

પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો ને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાનાં 'ડિપાર્ટમેન્ટ'માં જ રહેવું.

પ્રશ્નકર્તા : સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ કયું ? શેમાં શેમાં પુરુષોએ હાથ ના ઘાલવો ?

દાદાશ્રી : એવું છે, ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું તે બધું સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે, ક્યાંથી નથી લાવતી તે આપણે જાણવાની શી જરૂર ? એ જો આપણને કહેતા હોય કે ઘઉં લાવવામાં અડચણ પડે છે તો એ વાત જુદી છે. પણ આપણને એ કહેતાં ના હોય, રેશન બતાવતાં ના હોય, તો આપણે 'ડિપાર્ટમેન્ટ'માં હાથ ઘાલવાની જરૂર જ શી? 'આજે દૂધપાક કરજો, આજે જલેબી કરજો', એ ય આપણે કહેવાની જરૂર શી ? ટાઈમ આવશે ત્યારે એ મૂકશે. એમનું 'ડિપાર્ટમેન્ટ' એ એમનું સ્વતંત્ર ! વખતે બહુ ઇચ્છા થઈ હોય તો કહેવું કે, 'આજે લાડુ બનાવજે.' કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી અમથી બૂમાબૂમ કરે કે 'કઢી ખારી થઈ, ખારી થઈ' તે બધું ગમ વગરનું છે.

એટલે ખરો માણસ તો ઘરની બાબતમાં હાથ જ ના ઘાલે, એને પુરુષ કહેવાય ! નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઈને મસાલાનાં ડબ્બામાં જુએ કે, 'આ બે મહિના પર લાવ્યા હતા તે એટલી વારમાં થઈ રહ્યા.' અલ્યા, આવું જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું 'ડિપાર્ટમેન્ટ' હોય, તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ને લેવાયા ય કરે. પણ આ વગર કામનો દોઢ ડાહ્યો થવા જાય !

એમનાં રસોડા ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવો જોઈએ નહીં.

શરૂઆતનાં ત્રીસ વર્ષ સુધી જરા ભાંજગડ થયેલી. પછી વીણી વીણીને બધું કાઢી નાખ્યું ને ડિવિઝન કરી નાખ્યા કે રસોડા ખાતું તમારું અને કમાણી ખાતું અમારું, કમાવવાનું અમારે. તમારા ખાતામાં અમારે હાથ ઘાલવાનો નહીં. અમારા ખાતામાં તમારે હાથ નહીં ઘાલવાનો. શાકભાજી એમણે લઈ આવવાની.

પણ અમારા ઘરનો રિવાજ તમે જોયો હોય તો બહુ સુંદર લાગે. હીરાબા જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી બહાર પોળને નાકે છે તે શાકની દુકાન, ત્યાં જાતે શાક લેવા જાય. તો આપણે બેઠા હોય તો હીરાબા મને પૂછે, 'શું શાક લાવું ?' ત્યારે હું એમને કહું, 'તમને ઠીક લાગે તે.' પછી એ લઈ આવે. પણ એવું ને એવું રોજ ચાલે, એટલે પછી માણસ શું થઈ જાય ? એ પછી પૂછવાનું બંધ રાખે. બળ્યું, આપણને એ શું કહે છે, તમને ઠીક લાગે તે. તે પાંચ-સાત દહાડા ના પૂછે, એટલે પછી એક દહાડો હું કહું કે, 'કેમ આ કારેલા લાવ્યા ?' ત્યારે એ કહે છે, 'હું તો પૂછું છું ત્યારે કહો છો, તમને ઠીક લાગે એ અને હવે શું લાવી ત્યારે તમે ભૂલ કાઢો છો ?' ત્યારે મેં કહ્યું, 'ના, આપણે એવો રિવાજ રાખવાનો. તમારે મને પૂછવું, શું શાક લાવું ? ત્યારે હું તમને કહું કે તમને ઠીક લાગે એ. એ આપણો રિવાજ ચાલુ રાખજો.' તે એમણે ઠેઠ સુધી ચાલુ રાખેલો. આમાં બેસનારને ય શોભા લાગે કે કહેવું પડે, આ ઘરનો રિવાજ ! એટલે આપણો વ્યવહાર બહાર સારો દેખાવો જોઈએ. એકપક્ષી ના થવું જોઈએ. મહાવીર ભગવાન કેવા પાકાં હતા ! વ્યવહાર અને નિશ્ચય બન્ને ય જુદા, એકપક્ષી નહીં. ના જુએ વ્યવહારને ? લોકો જુએ ય ખરા ને રોજેય. 'રોજ એ બાબત તમને પૂછે ?' મેં કહ્યું, 'હા, રોજ પૂછે.' 'તો થાકી ના જાય ?' કહે છે. મેં કહ્યું, 'અલ્યા, શાના થાકવાના બા ! કંઈ મેડા ચઢવાના કે ડુંગર ઉપર ચઢવાના હતા તે ?' આપણા બેનો વ્યવહાર લોકો દેખે એવું કરો.

પ્રશ્નકર્તા : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ?

દાદાશ્રી : પુરુષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. 'દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ?' પેલાને પછી કહેવું પડે કે, 'આજે નવની ગાડી ચૂકી ગયો.' ત્યારે બેન કહેશે કે, 'એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?' એટલે પછી પેલા ચિઢાઈ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેને મારત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખા કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય ! એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી-પુરુષે એકમેકને 'હેલ્પ' કરવી જોઈએ. ધણીને ચિંતા-વરીઝ રહેતી હોય, તો તેને કેમ કરીને વરીઝ ના થાય એવું સ્ત્રી બોલતી હોય. અને ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને ઘેર છોકરાં કેટલાં હેરાન કરતાં હશે ? ઘરમાં તૂટે-ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઈએ. પણ તે ય લોકો બૂમો પાડે કે 'ગયે વખતે સરસમાં સરસ ડઝન કપ-રકાબી લાવ્યો હતો, તે તમે એ બધા કેમ તોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું.' એટલે પેલી બેનને મનમાં લાગે કે, 'મેં તોડી નાખ્યા ? મારે કંઈ એને ખઈ જવા હતાં ? તૂટી ગયા તે તૂટી ગયા, તેમાં હું શું કરું ?' 'મી કાય કરું ?' કહેશે. હવે ત્યાં વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવાય નહીં. જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી ત્યાં ય લઢવાનું ?!

ડિવિઝન તો મેં પહેલેથી, નાનપણમાંથી પાડી દીધેલાં કે ભઈ, આ રસોડા ખાતું એમનું અને ધંધાનું ખાતું મારું. નાનપણમાં મને ધંધામાં હિસાબ પૂછે, ઘરની સ્ત્રી હોય તો મારું મગજ ફરી જાય. કારણ કે તમારી લાઈન નહીં. તમે વિધાઉટ એની કનેક્શન પૂછો છો ? કનેક્શન (અનુસંધાન) સહિત હોવું જોઈએ. એ પૂછે, 'આ સાલ શું કમાયા ?' મેં કહ્યું, 'આવું ના પૂછાય તમારાથી. આ તો અમારી પર્સનલ મેટર થઈ. તમે આવું પૂછો છો ? તો કાલે સવારે પાંચસો રૂપિયા કોઈને આપી આવ્યો હોઉં તો તમે મારું તેલ કાઢી નાખો.' કો'કને આપી આવ્યા તો કહેશે, 'આવું લોકોને આપો છો ને પૈસા જતા રહેશે.' એવું તમે તેલ કાઢી નાખો. એટલે પર્સનલ મેટરમાં તમારે હાથ નહીં ઘાલવાનો.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12