ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ

આ સંસારમાં જો કોઈ કહેશે, 'આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ ન્હોય ?' ત્યારે હું સમજાવું કે જે પ્રેમ વધે-ઘટે એ સાચો પ્રેમ ન્હોય. તમે હીરાના કાપ લાવી આપો તે દહાડે બહુ પ્રેમ વધી જાય અને પછી કાપ ના લાવો તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય.

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ વધ-ઘટ ના હોય તો તેનું સ્વરૂપ કેવું હોય ?

દાદાશ્રી : એ વધ-ઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. આ તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો તમારી જોડે પ્રેમ રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ? એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુધ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? મારી-તારી ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'જ્ઞાન' હોય ત્યારે મારી-તારી ના હોય. 'જ્ઞાન' વગર તો મારી-તારી ખરી જ ને ?

આ તો બધી 'રૉંગ બિલિફો' છે. 'હું ચંદુભાઈ છું' એ રૉંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ, 'આ કોણ છે ?' ત્યારે એ કહે છે, 'ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.' ઓહોહોહો... ! મોટા ધણી આવ્યા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાત કરે છે ને ? ધણીનો ધણી હોય નહીં ? તો પછી ઉપલા ધણીની વળી ધણિયાણી થઈ ને આપણા ધણિયાણી આ થયા, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા 'કમ્પેનિયન છે' કહીએ પછી શું વાંધો ?

પ્રશ્નકર્તા : દાદાએ બહુ 'મોડર્ન' ભાષા વાપરી.

દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાયને ! હા, એક રૂમમાં 'કમ્પેનિયન' બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે ત્યારે બીજો એને માટે એનું કામ કરી આપે. એમ કરીને 'કમ્પેનિયન' ચાલુ રહે.

પ્રશ્નકર્તા : 'કમ્પેનિયન'માં આસક્તિ હોય છે કે નહીં ?

દાદાશ્રી : એમાં આસક્તિ હોય પણ એ આસક્તિ અગ્નિ જેવી નહીં. આ તો શબ્દો જ એવા ગાઢ આસક્તિવાળા છે. 'ધણીપણું અને ધણિયાણી' એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને 'કમ્પેનિયન' કહે તો આસક્તિ ઓછી થઈ જાય.

એક માણસને એમના વાઇફ વીસ વર્ષ પર મરી ગયા હતા. તે એક જણ મને કહે કે, 'આ કાકાને રડાવું ?' મેં કહ્યું, 'શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના રડે.' ત્યારે એ કહે છે, 'જુઓ, એ કેવા સેન્સિટીવ છે ?!' પછી પેલા બોલ્યા, 'શું કાકા, કાકીની વાત થાય નહીં ! શું એમનો સ્વભાવ !' આવું એ બોલતા હતાં ત્યાં એ કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા, શું આ ચક્કરો ! સાઠ વર્ષે હજુ વહુનું રડવું આવે છે ! આ તો કઈ જાતના ચક્કરો છે ? આ લોક તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ? એમાં કંઈ મરી ગયું હોય તો જોનાર હઉ રડી ઊઠે !

પ્રશ્નકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ?

દાદાશ્રી : એ તો ના છૂટે. 'મારી, મારી' કરીને કર્યું ને, તે હવે 'ન્હોય મારી, ન્હોય મારી' એના જપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે જે આંટા વાગેલા હોય તે તે છોડવા જ પડે છે ને ! એટલે આ તો ખાલી આસક્તિ છે. ચેતન જેવી વસ્તુ જ નથી. આ તો બધાં ચાવી આપેલા પૂતળાં છે.

અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરે ને કે, 'તમે આવા છો ને તમે તેવા છો ? તમે આવા ને તું આવી' એવું ના બોલે, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે એ આસક્તિને લીધે.

આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય, એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય. આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રિસાઈને બેઠી હોય. ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી !! મોઢું ચઢાવીને ફરતા હોય તેવા પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ?

જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે.

આ તો સિનેમામાં જતી વખતે આસક્તિના તાનમાં ને તાનમાં ને આવતી વખતે 'અક્કલ વગરની છે' કહેશે. ત્યારે પેલી કહેશે, 'તમારામાં ક્યાં વેતા છે ?!' એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. આ અક્કલ ખોળે ત્યારે પેલી વેતા જોતી હોય !

અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોયને તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ એટલે વસ્તુ બગડે નહીં. અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ તો ય એ દૂધનું દહીં થઈ જાય.

પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો.

દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગતમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.

આ તો સોય અને લોહચૂંબક બેને જેવી આસક્તિ છે એવી આ આસક્તિ છે. એમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ હોય જ નહીંને કોઈ જગ્યાએ. આ તો સોય અને લોહચૂંબકના ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ તો જ્ઞાની પુરુષનો પ્રેમ એ પ્રેમ કહેવાય.

આ દુનિયામાં શુધ્ધ પ્રેમ એ જ પરમાત્મા છે, એ સિવાય પરમાત્મા બીજો કોઈ દુનિયામાં થયો ય નથી, થશે ય નહીં અને ત્યાં દિલ ઠરે ને ત્યારે દિલાવરી કામ થાય. નહીં તો દિલાવરી કામ ના થાય. બે પ્રકારે દિલ ઠરવાનું બને છે. અધોગતિમાં જવું હોય તો કોઈ સ્ત્રી જોડે દિલ ઠારજે અને ઉર્ધ્વગતિમાં જવું હોય તો જ્ઞાની પુરુષ જોડે દિલ ઠારજે. અને એ તો તને મોક્ષે લઈ જશે. બેઉ જગ્યાએ દિલની જરૂર પડશે, તો દિલાવરી પ્રાપ્ત થાય.

એટલે જે પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશુંય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જે પ્રેમ સમાન એકસરખો રહે છે એવો શુધ્ધ પ્રેમ જુએ, ત્યારે માણસનું દિલ ઠરે.

હું પ્રેમસ્વરૂપ થઈ ગયેલો છું. એ પ્રેમમાં જ તમે મસ્ત થઈ જશો તો જગત ભૂલી જ જશો, જગત બધું ભૂલાતું જશે. પ્રેમમાં મસ્ત થાય એટલે સંસાર તમારો બહુ સરસ ચાલશે પછી, આદર્શ ચાલશે.

(૧૬) પરણ્યા એટલે 'પ્રોમિસ ટુ પે'

હીરાબાની એક આંખ ૧૯૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું.

એટલે લોકોના મનમાં એમ કે આ 'નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને ! અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, 'શું છે તમારે ?' ત્યારે એ કહે, 'આવું તમારું થયું ?' હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, 'કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?' ત્યારે એ કહે, 'એક તો હીરાબાની આંખ ગઈ છે, બીજું પ્રજા કશું નથી.' મેં કહ્યું, 'પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલું ય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તે ય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.' વળી તેમને મેં કહ્યું, કે 'હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તો ય હાથ પકડીને હું દોરવીશ.'

પ્રશ્નકર્તા : મારા લગ્ન થયાં પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બન્નેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય ?

દાદાશ્રી : આ તમે જે કહો છોને, આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામે ય ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ જ ના થાય. જરાય ઓળખતા નથી.

મેં તો એક બુધ્ધિના ડિવિઝનથી, બધો મતભેદ બંધ કરી દીધેલો. પણ હીરાબાની ઓળખાણ મને ક્યારે પડી ? સાંઠ વર્ષે હીરાબાની ઓળખાણ પડી ! પંદર વર્ષનો હતો ત્યારે પૈણ્યો, પીસ્તાળીસ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા ત્યારે ઓળખ્યા મેં આમને કે આવાં છે !

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયા ?

દાદાશ્રી : હા. જ્ઞાન થયા પછી ઓળખાયા. નહીં તો ઓળખાણ જ ના પડે, માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું ! એટલે આ વાક્ય 'એકબીજાને ઓળખે છે.' એ બધી વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી.

પ્રશ્નકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું ? પતિએ પત્નીને ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો.

દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે રમવા બેસીને સામાસામી ચોકઠાં, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે ? અમે સરખાપણાનો દાવ આપીએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ?

દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું-હવળું બોલે તો ય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેસર ના લાવીએ.

એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે ? મારું કહેલું કરે કે ના કરે બધા ? કરે. કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું.

ઘરમાં બેસવાનું ગમે નહીં તો ય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એ ય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે.

પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ?

દાદાશ્રી : હા. હીરાબાને, હું હજુ ય કહું છું ને !

આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મને ય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે, 'હું હઉ તમને સાંભરું ?' મેં કહ્યું, 'સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?!' અને ખરેખર સાંભરે ય ખરાં, ન સાંભરે એવું નહીં !

આદર્શ હોય અમારી લાઇફ, હીરાબા ય કહે, 'તમે વહેલાં આવજો.'

બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય ! ધણી તો કેવો હોય ? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરકત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12