ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૨૦) પરિણામો છૂટાછેડાનાં

મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, 'ડિવોર્સ' લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !

પ્રશ્નકર્તા : વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ?

દાદાશ્રી : એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે !

પ્રશ્નકર્તા : મતભેદ ઓછો રહે તો એ સારું ને ?

દાદાશ્રી : માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે 'તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું.

પ્રશ્નકર્તા : અત્યારે તો ઠેઠ મતભેદ સુધી પહોંચી ગયું છે.

દાદાશ્રી : તે જ કહું છુંને એ બધું સારું નહીં. બહાર શોભે નહીં. આનો કંઈ અર્થ નહીં. હજુ સુધારી શકાય છે. આપણે મનુષ્યમાં છીએને, તે સુધારી શકાય. આ શા માટે આવું હોવું જોઈએ ? મૂઆ, ઢેડફજેતો કર્યા કરે છે તે ? થોડું સમજવું તો પડે ને ? આ બધામાં સુપરફ્લુઅસ (ઉપલક) રહેવાનું છે, ત્યારે આ વહુના ધણી થઈ બેઠાં કેટલાંક માણસો તો. અલ્યા મૂઆ, ધણીપણું શું કરવા બજાવે તે ? આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી અને એ કાલે ડાઈવોર્સ ના લે ત્યાં સુધી ધણી. કાલે ડાઈવોર્સ લે તું શાનો ધણી ?

પ્રશ્નકર્તા : આજકાલ બધા ડાઇવોર્સ લે છે, છૂટાછેડા લે છે. તે નાનાં નાનાં છોકરાઓ મૂકીને છૂટાછેડા લે છે, તો એનો નિસાસો ના લાગે ?

દાદાશ્રી : લાગે ને બધું ય, પણ શું કરે તે ? ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો નભાવી લેવું જોઈએ આખું. છોકરાં થતાં પહેલાં લીધા હોત તો વાંધો નહોતો, પણ આ છોકરાઓ થયા પછી લે, તો છોકરાનો નિસાસો લાગેને !

પ્રશ્નકર્તા : છોકરાના બાપનું મગજ જરાય ચાલતું ના હોય, કશું કામકાજ કરતાં ના હોય, મોટલ ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલની વચ્ચે ઘરમાં બેસી રહેતો હોય, તો શું કરવાનું ?

દાદાશ્રી : શું કરવું પણ તે ?! બીજો પાંસરો મળશે કે નહીં એની ખાતરી શું ?

પ્રશ્નકર્તા : એ તો નહીં જ વળી...

દાદાશ્રી : બીજો વળી એથી એના મોઢામાં થૂંકે એવો મળે ત્યારે શું કરવું ? ઘણાં લોકોને મળેલું એવું. પહેલો હતો, તે સારો હતો. પાછું મેરચક્કર ત્યાં પડી રહેવું હતું ને ! મહીંથી એ સમજવું પડે કે ના સમજવું પડે ?!

પ્રશ્નકર્તા : દાદાને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને ?

દાદાશ્રી : સારો મળ્યો અને ત્રણ વર્ષ પછી એને એટેક આવ્યો, તો શું કરશો ? આ નર્યું ભયવાળા જગતમાં શા હારુ આ... ! જે બન્યું એ કરેક્ટ કહીને ચલાવી લો તો સારું.

પહેલો ધણી સારો નીકળે હંમેશાં, પણ બીજો તો રખડેલ જ મૂઓ હોય. કારણ કે એ ય આવું ખોળતો હોય, રખડતો ખોળતો હોય અને એ ય રખડેલ હોય, ત્યારે બે ભેગું થાય ને ! રખડેલ ઢોરો બે ભેગાં થઈ જાય. એનાં કરતાં પહેલો હોય તે સારો ! આપણો જાણેલો તો ખરોને ! મૂઓ આવો તો નથી જ ! એ રાતે ગળું તો નહીં દબાવી દે ને ! એવી તમને ખાતરી હોય ને ! અને પેલો તો ગળું હઉ દબાવી દે !

બચ્ચાઓની ખાતરે ય પોતાને સમજવું જોઈએ. એક કે બે હોય, પણ એ બિચારા નોંધારા જ થઈ જાયને ! નોંધારા ના ગણાય ?

પ્રશ્નકર્તા : નોંધારા જ ગણાય ને !

દાદાશ્રી : મા ક્યાં ગઈ ? પપ્પા ક્યાં ગયા ? એક વાર પોતાને એક આ પગ કપાઈ ગયો હોય, તો એક અવતાર નભાવી નહીં લેતા કે આપઘાત કરવો ?

ધણી ખરાબ લાગતો નથી ! એ લાગશે ત્યારે શું કરીશ ? પછી ધણીનું જરા મગજ આડું-અવળું હોય, પણ આમ પૈણ્યા એટલે આપણો ધણી, એટલે આપણો સારામાં સારો - બેસ્ટ, એમ કહેવું. એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી.

પ્રશ્નકર્તા : બેસ્ટ એવું કહીએ તો ધણી ચગી જાય.

દાદાશ્રી : ના, ચગે જ નહીં. એ આખો દહાડો બિચારા બહાર કામ કર્યા કરે એ શું ચગે ? ધણી તો આપણને જે મળ્યા હોયને એ જ નભાવી લેવાના, કંઈ બીજા લેવા જવાય ? વેચાતા મળે કંઈ ? અને પેલું ઊંધું-ચત્તું કરો, ડિવોર્સ કરવું પડે એ તો ખોટું દેખાય ઊલ્ટું. પેલો ય પૂછે કે ડિવોર્સવાળી છે. ત્યારે બીજે ક્યાં જઈએ ?! એના કરતાં એક કરી પડ્યા એ નિકાલ કરી નાખવાનો ત્યાં આગળ. એટલે બધે એવું હોય અને આપણાથી ના ફાવતું હોય, પણ શું કરે ? જાય ક્યાં હવે ? માટે આ જ નિકાલ કરી નાખવાનો. આપણે ઇન્ડિયનો, કેટલા ધણી બદલીએ ? આ એક જ કર્યો તે... જે મળ્યો એ સાચો. તેને ઊંચું મૂકી દેવાનો, કેસ ! અને પુરુષોને સ્ત્રી જેવી મળી હોય કકળાટ કરતી હોય તો પણ એની જોડે નિકાલ કરી નાખવો સારો. એ કંઈ પેટમાં બચકાં ભરવાની છે ? એ તો બહારથી બૂમાબૂમ કરે કે મોંઢે ગાળો દે, પેટમાં પેસીને બચકાં ભરે ત્યારે આપણે શું કરીએ, એના જેવું છે આ બધું. રેડિયો જ છે. પણ આ તમને આમ ખબર ના પડે કે આ ખરેખર... તમને તો એમ જ લાગે કે આ ખરેખર એ જ કરે છે આ. પછી એને ય પસ્તાવો થાય છે, કે સાલું મારે નહોતું કહેવા જેવું ને કહેવાઈ ગયું. તો તો એ કરે છે કે રેડિયો કરે છે ?

એક જણીનો સંસાર મુંબઈમાં ફ્રેક્ચર થઈ જતો હતો. પેલાએ ખાનગી બીજો સંબંધ રાખ્યો હશે. અને આ બઈ, એ તો જાણી ગઈ એટલે જબરજસ્ત ઝઘડા થવા માંડ્યા. પછી મને બઈએ કહી દીધું, 'આ આવાં છે, મારે શું કરવું ? મને નાસી છૂટવું છે !' મેં કહ્યું, 'એક પત્નીવ્રતનો કાયદો પાળતો હોય એવો મળે તો નાસી છૂટજે, નહીં તો બીજો કયો સારો મળશે ? આમ તો એક જ રાખી છેને ?' ત્યારે કહે, 'હા, એક જ.' ત્યારે મેં કહ્યું, 'બહુ સારું. લેટ ગો (ચલાવી લે) કર. મોટું મન કરી નાખ. તને બીજો આથી સારો ના મળે.'

કળિયુગમાં તો ધણીએ સારો ના મળે અને વહુએ સારી ના મળે. આ બધો માલ જ કચરો હોયને ! માલ પસંદ કરવા જેવો હોય જ નહીં. માટે આ પસંદ કરવાનો નથી, આ તારે તો ઉકેલ લાવવાનો છે. આ હિસાબ કર્મોનો ચૂકતે કરવાનો છે તે ઉકેલ લાવવાનો છે. ત્યારે લોક લહેરથી જાણે ધણી-ધણિયાણી થવા ફરે છે. અલ્યા મૂઆ, ઉકેલ લાવને અહીંથી. જે તે રસ્તે ક્લેશ ઓછો થાય એવી રીતે ઉકેલ લાવવાનો.

પ્રશ્નકર્તા : દાદા, એને એવો સંયોગ થયો હશે, તે હિસાબનો જ થયો હશે ને ?

દાદાશ્રી : હિસાબ વગર તો આ ભેગું જ ના થાયને !

સંસાર છે એટલે ઘા તો પડવાના જ ને ? ને બઈસાહેબ પણ કહેશે ખરાં કે હવે ઘા રૂઝાશે નહીં. પણ સંસારમાં પડે એટલે પાછાં ઘા રૂઝાઈ જાય. મૂર્છિતપણું ખરું ને ! મોહને લઈને મૂર્છિતપણું છે. મોહને લઈને ઘા રૂઝાઈ જાય. જો ઘા ના રૂઝાય તો વૈરાગ્ય જ આવી જાય ને ?! મોહ શેનું નામ કહેવાય ? બધા અનુભવ થયા હોય પણ ભૂલી જાય. 'ડિવોર્સ' લેતી વખતે નક્કી કરે કે હવે કોઈ સ્ત્રીને પરણવું નથી, તો ય ફરી પાછો ઝંપલાવે !

પ્રશ્નકર્તા : હું એમને બોલતો હતો કે આપણા પરિણીત જીવનમાં નવ્વાણું ટકા કજોડાં છે.

દાદાશ્રી : હંમેશાં જેને કજોડું કહેવામાં આવે છેને, કળિયુગમાં જો કજોડું થયેલું હોય તો એ કજોડું છે તો ઊંચે લઈ જાય કે કાં તો સાવ અધોગતિમાં લઈ જાય. બેમાંથી એક કાર્યકારી હોય અને સજોડું કાર્યકારી ના હોય. કજોડું થયું એટલે ઊંચી ગતિમાં લઈ જાય. અને સજોડું તો આમ રઝળપાટ કરાવડાવે જોડે જોડે !

કજોડાંને શું હોવું જોઈએ કે એ બગડે તો આપણે શાંત રહેવું જોઈએ, જો આપણે ભારે છીએ તો. પણ એ બગડે ને આપણે બગડીએ એમાં રહ્યું શું ?

પ્રશ્નકર્તા : ડિવોર્સ એવા કયા સંજોગોમાં થાય કે ડિવોર્સ લેવાય ?

દાદાશ્રી : આ ડિવોર્સ તો હમણાં નીકળ્યું, બળ્યું. પહેલાં ડિવોર્સ હતા જ ક્યાં તે ?

પ્રશ્નકર્તા : અત્યારના તો થાય છે ને ? એટલે કયા સંજોગોમાં એ બધું કરવું ?!

દાદાશ્રી : કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ જ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો એક જ વસ્તુ કહીએ કે 'એડજસ્ટ એવરીવ્હેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને 'આવો છે ને તેવો છે'.

પ્રશ્નકર્તા : આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય કે બનતું ના હોયને એ લોકો ડિવોર્સ લે છે તે ?

દાદાશ્રી : ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે ! આ કંઈ કપ-રકાબીઓ છે ? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો-સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે ?! એ લોકોને અમેરિકનોને માટે ચાલે, પણ તમે તો ઇન્ડિયન કહેવાઓ. જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવાં વિચારો હતા. ત્યાં ડિવોર્સના વિચારો શોભે ? ડિવોર્સ એટલે આ એઠાં વાસણો બદલવા. ખાધેલાં એઠાં વાસણ હોય તો બીજાને આપવાં પાછાં, પછી ત્રીજાને આપવા. નર્યા એઠાં વાસણો બદલ્યા કરવા, એનું નામ ડિવોર્સ. ગમે છે તને ડિવોર્સ ?

કૂતરાં-જાનવરો બધાં ય ડિવોર્સવાળા છે અને આ પાછાં માણસો એમાં પેઠા એટલે પછી ફેર શો રહ્યો ? માણસ બીસ્ટ (જાનવર) તરીકે રહ્યો. આપણા હિન્દુસ્તાનમાં તો એક લગ્ન કર્યા પછી બીજું લગ્ન નહોતા કરતા. એ જો પત્ની મરી જાય તો લગ્ન પણ ના કરે એવા માણસો હતા. કેવા પવિત્ર માણસો જન્મેલા !

અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો ! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું. એટલે પાછાં એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી ભડક અણસમજણની. ઘણાં છૂટા પડી ગયેલા રાગે પડી ગયા આમાં.

આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તો ય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે એંસી વર્ષના કાકીને કહે છે, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.' 'તો ય પણ આવા ધણી ફરી નહીં મળે' કહે છે. એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને....

લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે ઈન્ડિયન છીએ. આપણે અમેરિકન નથી. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે. અને પેલી (ફોરેનર્સ) તો એક કલાક ના નભાવે અને પેલો ય કલાક ના નભાવે.

સહુ સહુની પ્રકૃતિના ફટાકડા ફૂટે છે. આ ફટાકડા ક્યાંથી આવ્યા ?

પ્રશ્નકર્તા : સહુ સહુની પ્રકૃતિના છે.

દાદાશ્રી : અને આપણે જાણીએ કે 'આ જ ફૂટશે' ત્યારે સુરસુરિયું જ થઈ ગયું હોય ! સુરસુર.... સુરસુરિયું થઈ જાય. તે મૂઓ સુરસુરિયો થઈ જાય કે ?

અને મન બૂમ પાડે 'કેટલું બધું બોલી ગયા, કેટલું બધું એ થઈ ગયું.' ત્યારે કહે, 'સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે'. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું ! નહીં ? ઘા પડેલાં તે ?

પ્રશ્નકર્તા : ઝઘડો થાય તો પણ ભરેલો માલ નીકળે ?

દાદાશ્રી : ઝઘડો થાય ત્યારે મહીં નવો માલ પેસે. પણ તે આ આપણું જ્ઞાન આપ્યા પછી ભરેલો માલ નીકળી જાય.

પ્રશ્નકર્તા : આમ તો માણસ ઝઘડો કરતો હોયને તો હું પ્રતિક્રમણ કરતી હોઉં તો ?

દાદાશ્રી : વાંધો નહીં.

પ્રશ્નકર્તા : તો ભરેલો માલ નીકળી જાયને બધો ?

દાદાશ્રી : તો બધો નીકળી જાય. પ્રતિક્રમણ જ્યાં હોય ત્યાં માલ નીકળી જાય. પ્રતિક્રમણ એકલો જ ઉપાય છે આ જગતમાં.

ધણી વઢે તો શું કરું તું હવે ?

પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરી દેવાનો.

દાદાશ્રી : એમ ! જતી ના રહું હવે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એ જતા રહે ત્યારે શું કરું તું હવે ?! મને તારી જોડે નહીં ફાવે તો ?

પ્રશ્નકર્તા : બોલાવી લાવવાના. માફી માંગીને પગે લાગીને બોલાવી લાવવાના.

દાદાશ્રી : હા. બોલાવી લાવવાના. અટાવી-પટાવીને માથે હાથ મૂકે, માથે હાથ ફેરવી.... આમ આમેય કરવું કે ચૂપ પાછું.

અક્કલથી જ કામ થતું હોય તો અક્કલ વાપરવી. પછી બીજે દહાડે આપણને કહે, 'જો મારા પગને અડી હતીને ?' તો એ વાત જુદી હતી કહીએ. તમે કેમ ભાગી જતાં'તા, ગાંડા કાઢતાં હતા, તેથી અડી ! એ જાણે કે આ કાયમને માટે અડી, એ તો તત્ત્પુરતી. ઓન ધી મોમેન્ટ (તત્ક્ષણ) હતી !

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12