ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ

લગ્નજીવન દીપે ક્યારે કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે નહીં. એકને તાવ વગર દવા પીવે એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન (આ માત્ર દવા જ છે). મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, એટલે સંયમી પુરુષની જરૂર છે. આ બધાં જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જોઈએ ! આ બધાં જે આગળ રામ-સીતા ને એ બધાં થઈ ગયા, તે બધાં પુરુષો સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવીગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવાં ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં પાંચ-પાંચ લાખ જીવ મરી જાય છે, વન ટાઈમમાં, તે સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?

બધા ધર્મોએ ગૂંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. અલ્યા, સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉં ? મને ખાવાનું કોણ કરી આપે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ?

લગ્નજીવનને વખાણ્યું છે એ લોકોએ. શાસ્ત્રકારોએ લગ્નજીવનને કંઈ વગોવ્યું નથી. લગ્ન સિવાય બીજું ઈતર જે ભ્રષ્ટાચાર છે, તેને વગોવ્યો છે.

પ્રશ્નકર્તા : વિષય છોકરાની ઉત્પત્તિ પૂરતો જ હોવો જોઈએ કે પછી બર્થ કંટ્રોલ કરીને વિષય ભોગવાય ?

દાદાશ્રી : ના, ના. એ તો ઋષિ-મુનિઓના વખતમાં, પહેલાં તો પતિ-પત્નીનો વ્યવહાર આવો ન હતો. ઋષિમુનિઓ તો પૈણતા હતા, તે લગ્ન જ કરવાની ના પાડતા હતા. એટલે આ ઋષિપત્નીએ કહ્યું, કે તમે એકલાં, તમારે સંસાર સારી રીતે ચાલશે નહીં, પ્રકૃતિ સારી રીતે થશે નહીં, માટે અમારી પાર્ટનરશીપ રાખો સ્ત્રીની, તો તમારી ભક્તિ ય થશે અને સંસારે ય ચાલશે. એટલે એ લોકોએ એક્સેપ્ટ કર્યું, પણ કહે છે અમે સંસાર તારી જોડે માંડીશું નહીં. ત્યારે એ લોકોએ કહ્યું, કે ના, અમને એક પુત્રદાન અને એક પુત્રીદાન - બે દાન આપજો ફક્ત. તે એ દાન પૂરતો જ સંગ, બીજો કોઈ સંગ નહીં. પછી અમારે તમારી જોડે સંસારમાં પછી ફ્રેન્ડશીપ. એટલે એ લોકોએ એક્સેપ્ટ કર્યું અને પછી છે તે ફ્રેન્ડશીપની પેઠ જ રહેતા હતા. પછી પત્ની તરીકે નહીં. એ બધું ઘરનું કામ નભાવી લે, આ બહારનું કામ નભાવી લે, પછી બન્ને ભક્તિ કરવા બેસે સાથે. પણ અત્યારે તો બધું, ધંધો જ બધો આખો એ થઈ ગયો. એટલે બગડી ગયું બધું. ઋષિમુનિઓ તો નિયમવાળા હતા.

અત્યારે એક પુત્ર કે પુત્રી માટે હોય લગ્ન, તો વાંધો નથી. પછી મિત્રાચારીની પેઠ રહે. પછી દુઃખદાયી નહીં. આ તો સુખ ખોળે પછી તો એવું જ ને ! દાવા જ માંડે ને ! ઋષિમુનિઓ બહુ જુદી જાતના હતા.

એક પત્નીવ્રત પાળશો ને ? ત્યારે કહે, 'પાળીશ'. તો તમારો મોક્ષ છે ને બીજી સ્ત્રીનો સહેજ વિચાર આવ્યો ત્યાંથી મોક્ષ ગયો. કારણ કે એ અણહક્કનું છે. હક્કનું ત્યાં મોક્ષ અને અણહક્કનું ત્યાં જાનવરપણું.

પાછું વિષયની લિમિટ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષના વિષય ક્યાં સુધી હોવો જોઈએ ? પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ. અને વખતે એનો વિચાર આવે તો એને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જોઈએ. મોટામાં મોટું જોખમ હોય તો આટલું જ, પરસ્ત્રી અને પરપુરુષ ! પોતાની સ્ત્રી એ જોખમ નથી. હવે અમારી આમાં ક્યાં ભૂલ છે ? અમે વઢીએ છીએ કોઈ રીતે ? એમાં કશું ગુનો છે ? આ અમારી સાયન્ટિફિક શોધખોળ છે ! નહીં તો સાધુઓને એટલે સુધી કહ્યું છે કે સ્ત્રીની લાકડાંની પૂતળી હોય તેને પણ જોશો નહીં. સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ બેસશો નહીં. પણ મેં એવો તેવો ડખો નથી કર્યો ને ?

આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ !

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું તે સૂક્ષ્મથી પણ કે એકલું સ્થૂળ ? મન તો જાય એવું છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત.

જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે.

હક્કનું છોડીને બીજી જગ્યાએ 'પ્રસંગ' થાય, તો એ સ્ત્રી જ્યાં જાય ત્યાં આપણે અવતાર લેવો પડે. એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. ક્યાં અવતાર થશે તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કનાં વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય. અણહક્કનું લીધું ત્યારથી જ મનુષ્યપણું જાય. અણહક્કનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. પોતે બીજાનું ભોગવે તો પોતાની છોડીઓ લોકો ભોગવે. આપણે કો'કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો'ક ભોગવે, તેની ચિંતા જ નથી ને !

અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય, ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહી લોકોને ! એટલે પછી બીતા નથી, ભડકે ય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્યભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે.

વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના 'ફાઉન્ડેશન' પર આ જગત ઊભું રહ્યું છે.

લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે, પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે.

એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાંને ઉડાડી મેલે. એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિષય જો જતો રહે, તો બધું જતું રહે.

પ્રશ્નકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ?

દાદાશ્રી : એ તો આપણું આ પ્રતિક્રમણથી, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી.

પ્રશ્નકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ?

દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી. તપ કરવાથી તો પુણ્ય બંધાય અને બીજને શેકવાથી ઉકેલ આવે. આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ. વેરથી મુક્ત થઈ જા.

પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંતકાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ?

દાદાશ્રી : એવું છેને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનોને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે. ત્યાં વેર બંધાય છે.

પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?

દાદાશ્રી : અભિપ્રાય 'ડિફરન્સ' છે તેથી. તમે કહો કે, 'મારે અત્યારે સિનેમા જોવા જવું છે.' ત્યારે એ કહેશે કે, 'ના, આજ તો મારે નાટક જોવા જવું છે.' એટલા ટાઈમિંગ નહીં મળી રહે. જો એક્ઝેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે.

એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, લોન ઉપર. અને લોન એટલે 'રી પે' (ચૂકવણી) કરવી પડે છે.

આત્મા પાસે સુખ નથી ભોગવતા અને પુદગલ પાસે સુખ માંગ્યું તમે. આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પુદગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ લોન છે. જેટલી મીઠાશ પડે છે, એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ પુદગલ પાસે લોન લીધેલી છે. તે એને 'રી-પે' કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદગલ પાસેથી લીધેલું હોય એટલે પુદગલને જ 'રી પે' કરવાનું.

અત્યારે તો મને કેટલાંય કહી જાય છે આપણા મહાત્માઓ કે, 'મને કાલાવાલા કરાવડાવે.' ત્યારે મેં કહ્યું, 'મૂઆ, તારો વક્કર જતો રહ્યો, શું કરાવડાવે ત્યારે ? સમજને હજુ, હજુ યોગી થઈ જા ને !' હવે આને ક્યાંથી પહોંચી વળાય ? આ દુનિયાને કંઈ પહોંચી વળાય ?!

એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ?! દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો ! ભાંજગડ તો નહીં ! આ હારુ ચાર વખત સાષ્ટાંગ !

પ્રશ્નકર્તા : ગયા જનમમાં એની સાથે અમે અથડાયાં હતા. આ જન્મમાં અમારી સાથે એ અથડાય. પણ એનો રસ્તો તો કાઢવો પડે ને ? સોલ્યુશન તો શોધવું પડે ને ?

દાદાશ્રી : એનું સોલ્યુશન તો હોય છે પણ લોકો છે તે, લોકોનાં મનોબળ કાચાં હોય છેને !

વિકારી ભાગ બંધ કરી દેવાનો. તો એની મેળે જ બધું બંધ થઈ જાય. એને લઈને આ કાયમ ચાલ્યા કરે કકળાટ.

પ્રશ્નકર્તા : હવે કઈ રીતે આ કરવું ? એમ. આ બંધ કઈ રીતે કરવું ?

દાદાશ્રી : વિષય જીતવાનો.

પ્રશ્નકર્તા : વિષય નથી જીતાતો એટલે તો અમે તમારા શરણે આવ્યા.

દાદાશ્રી : કેટલા વર્ષથી વિષય.... ઘરડાં થવા આવ્યા તો ય વિષય ? જ્યારે જુઓ ત્યારે વિષય, વિષય ને વિષય !

પ્રશ્નકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા.

દાદાશ્રી : થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલાં જેટલાં પુરુષો મજબૂત મનનાં છે તેને તો સ્ત્રી તો બિલકુલ આમ કહ્યામાં રહે છે.

એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર જ બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે.

જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. ક્લેશ નથી જ કરવો એવો જેનો નિશ્ચય છે, તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે. અને જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન તો ઊભાં જ ના રહે ને !

ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. આ તો બધા કહેશે, 'ડબલ બેડ બનાવો, ડબલ બેડ...' પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. કોઈ પણ ક્ષત્રિય નહીં. ક્ષત્રિય તો બહુ કડક હોય પણ વૈશ્ય ય નહીં. બ્રાહ્મણો ય આવી રીતે નહીં સૂવે, એક પણ માણસ નહીં ! જો કાળ કેવો વિચિત્ર આવ્યો ?

જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું હીરાબા કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો પોપટમસ્તી થાય થોડી ઘણી. પણ એ પોપટમસ્તી હોય. લોક જાણે કે આ પોપટે એ પોપટીને મારવા માંડ્યું ! પણ હોય પોપટમસ્તી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાતઅનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકારને ! એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધો. અને આ કહેશે, 'એણે મને ભોગવી લીધી.' અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તો ય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તે ય અમારે નહોતી, એવો મતભેદ નહોતો કોઈ જાતનો.

વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12