ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૪) ખાતી વખતે ખીટપીટ !

ઘરમાં શું કરવા આ ડખલ કરું છું ? કંઈ ભૂલ ના થાય માણસની ! કરનારની ભૂલ થાય કે ના કરનારની ?

પ્રશ્નકર્તા : કરનારની.

દાદાશ્રી : તો 'કઢું ખારું છે' એવી ના ભૂલ કઢાય. એ કઢી બાજુએ મૂકીને આપણે બીજું બધું ખઈ લેવાનું. કારણ કે એને ટેવ છે કે આવું કંઈક એ ભૂલ ખોળી કાઢીને એને દબડાવવું. એ આદત છે એને એટલે. પણ તે આ બહેને ય કંઈ કાચી નથી. આ અમેરિકા આમ કરે, તો રશિયા આમ કરે. એટલે અમેરિકા-રશિયા જેવું થઈ ગયું આ, કુટુંબમાં, ફેમિલીમાં. એટલે કોલ્ડવૉર ચાલ્યા જ કરે નિરંતર મહીં. એવું નહીં, ફેમિલી કરી નાખો. એટલે હું તમને સમજાવીશ કે ફેમિલી તરીકે કેમ રહેવાય ! આ તો ઘેર ઘેર કકળાટ છે.

કઢી ખારી થઈ, તે આપણે ના બોલીએ તો ના ચાલે ? ઓપીનીયન ના આપીએ તો એ લોકોને ખબર ના પડે કે આપણે જ કહેવું પડે ? આપણે ત્યાં મહેમાન આવ્યા હોયને, મહેમાનોને ય ખાવા ના દે. તે આપણે વળી એવા શું કરવા થઈએ ? એ ખાશે, તો એને ખબર નહીં પડે, તે વળી આપણે ભૂંગળું વગાડવું ?!

પ્રશ્નકર્તા : કઢી ખારી હોય તો 'ખારી' કહેવી જ પડે ને !

દાદાશ્રી : પછી જીવન ખારું જ થઈ જાયને ! તમે 'ખારી' કહીને સામાને છે તે અપમાન કરો છો. એ ફેમિલી ના કહેવાય !

પ્રશ્નકર્તા : પોતાના માણસ હોય તો કહેવાયને, બીજાને થોડું કહેવાય ?

દાદાશ્રી : એટલે પોતાના માણસને ગોદા મારવા !

પ્રશ્નકર્તા : કહીએ તો બીજીવાર સારું કરેને એમ.

દાદાશ્રી : એ સારું કરે કે ના કરે. એ વાત બધી ગપ્પાં છે. શા આધારે થાય છે ? એ હું જાણું છું. નથી બનાવનારના હાથમાં સત્તા કે નથી તમારા કહેનારના હાથમાં સત્તા. આ બધું સત્તા કયા આધારે ચાલે છે ? માટે અક્ષરે ય બોલવા જેવો નથી.

તું થોડો ડાહ્યો થયો કે ના થયો ? થોડો ગણો ડાહ્યો થયો કે નથી થયો હજુ ? થઈ જવાશેને ? ડાહ્યો ! સંપૂર્ણ ડાહ્યો થઈ જવાનું. ઘેર 'વાઈફ' કહેશે, 'અરે, એવાં ધણી ફરી ફરી મળજો.' મને અત્યાર સુધીમાં એક બેને કહ્યું, 'દાદા, ધણી મળે તો આનો આ જ મળજો'. 'તું એકલી બેન મળી મને.' મોઢે બોલે, પણ પાછળથી તો આવડું ચોપડે. મારે ત્યાં નોંધ છે, એક કહેનારી મળી !

બાકી સ્ત્રીને વારે ઘડીએ આડછેટ આડછેટ ના કરાય. 'શાક ટાઢું કેમ થઈ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો' એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ બોલ્યા હોય તો ઠીક છે, આ તો રોજ ?! 'ભાભો ભારમાં તો વહુ લાજમાં'. આપણે ભારમાં રહેવું જોઈએ. દાળ સારી ના થઈ હોય, શાક ટાઢું થઈ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઈ વખત કે, 'આ શાક રોજ ગરમ હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે.' આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય.

અમારે તો ઘરમાં ય કોઈ જાણે નહીં કે 'દાદા'ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના 'વ્યવસ્થિત'ના હિસાબે થાળીમાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ.

(૫) ધણી ખપે, ધણીપણું નહીં !

લગ્ન કરતી વખતે જુએ, તેનો વાંધો નથી, જુઓ. પણ તેવી એ રહેવાની હોય આખી જિંદગી, તો જુઓ. એવી રહે ખરી ? જેવી જોઈ એવી ? પણ ફેરફાર થયા વગર રહે ? પછી ફેરફાર થશેને તે સહન નહીં થાય, અકળામણ થઈ પડે. પછી જવું ક્યાં ? આવી ફસાયા, ભઈ, આવી ફસાયા !

તે પૈણવાનું શાના હારુ ? આપણે બહારથી કમાઈ લાવીએ. એ ઘરનું કામ કરે ને આપણે સંસાર ચાલે ને ધર્મ ચાલે, એટલા હારુ પૈણવાનું. અને તે બઈ કહેતી હોય કે એક-બે બાબાની જરૂર છે. તો એટલો નિવેડો લાવી આપો. પછી રામ તારી માયા ! પણ આ તો પછી ધણી થવા બેસે. મૂઆ, ધણી શેનો થવા બેસું છું તે ?! તારામાં બરકત નથી ને ધણી થવા બેઠો ! 'હું તો ધણી થઉં' કહેશે. મોટા આવ્યા ધણી ! મોઢાં જુઓ આમના, ધણીનાં ! પણ લોકો તો ધણીપણું બજાવે છેને ?

ગાયનો ધણી થઈ બેસે, ભેંસનો પણ, તે ગાયો ય સ્વીકારતી નથી તમને ધણી તરીકે. એ તો તમે મનમાં માનો છો કે આ મારી ગાય છે ! તમે તો કપાસને ય મારા કહો છો. 'આ કપાસ મારો છે' કહેશે. તે કપાસ જાણતા ય નથી બિચારા. તમારા હોય તો તમને દેખતાં વધે અને તમે ઘેર જાઓ તો ના વધે, પણ આ તો રાતે હઉ વધે કપાસ. કપાસ રાતે વધે કે ના વધે ?

પ્રશ્નકર્તા : વધે, વધે.

દાદાશ્રી : એમને કંઈ તમારી જરૂર નથી. એમને તો વરસાદની જરૂર છે. વરસાદ ના હોય તો સૂકાઈ જાય બિચારા...

પ્રશ્નકર્તા : પણ, એમણે આપણું બધું ધ્યાન કેમ નહીં રાખવું ?

દાદાશ્રી : ઓહોહો ! બૈરી ધ્યાન રાખવા હારુ પેલા લાવ્યા હશે ?!

પ્રશ્નકર્તા : એટલા માટે જ બૈરી ઘેર લાવ્યા છીએને !

દાદાશ્રી : એવું છેને, શાસ્ત્રકારોએ કહ્યું છે કે ધણીપણું કરશો નહીં. ખરેખર તમે ધણી નથી, પાર્ટનરશીપ છે. એ તો અહીં વ્યવહારમાં બોલાય છે કે, વહુ ને વર, ધણી ને ધણીયાણી ! બાકી ખરેખર પાર્ટનરશીપ છે. ધણી છો, એટલે તમારો હક્ક-દાવો નથી તમારો, દાવો ના કરાય. સમજાવી સમજાવીને બધું કામ કરીએ.

પ્રશ્નકર્તા : કન્યાદાન કર્યું, દાનમાં કન્યા આપી, એટલે પછી આપણે એનાં ધણી જ થઈ ગયા ને ?

દાદાશ્રી : એ સુધરેલા સમાજનું કામ નથી, એ વાઈલ્ડ સમાજનું કામ છે. આપણે સુધરેલા સમાજે, સ્ત્રીઓને સહેજ પણ અડચણ ના પડે એ જોવું જોઈએ, નહીં તો તમે સુખી નહીં થાવ. સ્ત્રીને દુઃખ આપીને કોઈ સુખી નહીં થયેલો. અને જે સ્ત્રીએ પતિને કંઈ પણ દુઃખ આપ્યું હશે, તે સ્ત્રીઓ ય સુખી નહીં થયેલી !

એ ધણીપણાને લઈને તો આ ચગે છે મૂઓ. હવે ધણીપણું એ ભોગવવાનું છે, ભોગવટો છે આ, પાર્ટનરશીપ છે. વાઈફ જોડે પાર્ટનરશીપ છે, માલિકીપણું નથી.

પ્રશ્નકર્તા : આ વાઈફ છે તો બૉસ થઈ બેસે છે, તેનું શું કરવું ?

દાદાશ્રી : એ વાંધો નહીં. એ તો જલેબી-ભજિયાં કરી આપે વાઈફ. આપણે કહીએ કે ઓહોહો ! તેં તો ભજિયાં-જલેબી કરી ખવડાવ્યા ને ! એમ કરીને ફૂલાય, પછી કાલે ટાઢી પડી જશે એની મેળે. એની ગભરામણ નહીં રાખવાની. એ ચઢી બેસે ક્યારે ? એને જો મૂછો ઊગે તો ચઢી બેસે. પણ મૂછો ઊગવાની છે ? ગમે એટલાં ડાહ્યાં થાય, તો ય મૂછો ઊગે ?

બાકી એક ભવ તો તમારો હિસાબ છે એટલું જ પતશે. બીજો લાંબો લાંબો હિસાબ થવાનો જ નથી. એક ભવ તો હિસાબ ચોક્કસ જ છે, તો પછી આપણે શા માટે ઠંડા પેટે ના રહેવું ?

હિન્દુઓ તો મૂળથી જ ક્લેશી સ્વભાવના. તેથી કહે છેને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં ! પણ મુસલમાનો તો એવા પાકાં કે બહાર ઝઘડી આવે, પણ ઘેર બીબી જોડે ઝઘડો ના કરે. હવે તો અમુક મુસ્લિમ લોકોય હિન્દુઓ જોડે રહીને બગડી ગયા છે. પણ હિન્દુઓ કરતાં આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાંક મુસલમાનો તો બીબીને હીંચકો હઉ નાખે !

પ્રશ્નકર્તા : એ હીંચકો નાખતા હતા, મિંયાભાઈ પેલા હીંચકો નાખે એ વાત કરોને !

દાદાશ્રી : હા. એક દહાડો ત્યાં ગયેલા, તે મિયાંભાઈએ બીબીને હીંચકો નાખવા માંડ્યો ! તે મેં પૂછ્યું કે, 'તમે આવું કરો છો તે ચઢી બેસતી નથી ?' ત્યારે એ કહે કે 'એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી કશું નથી.' મેં કહ્યું કે, 'અમારા હિન્દુને તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.' ત્યારે મિયાંભાઈ કહે કે, 'આ હીંચકો નાખવાનું કારણ તમે જાણો છો ?'

એ તો એવું બનેલું કે ૧૯૪૩-૪૪માં અમે કોન્ટ્રેક્ટ લીધેલો ગવર્મેન્ટનો, તેમાં એક કડિયા કામનો ઉપરી હતો લેબર કોન્ટ્રેક્ટવાળો. તેણે પેટા કોન્ટ્રેક્ટ લઈ લીધેલો. એનું નામ અહમદમિયાં, તે અહમદમિયાં કેટલાંય વખતથી કહે કે સાહેબ, મેરે ઘર આપ આવો, મેરે ઘર, ઝૂંપડીમેં આવો. ઝૂંપડી બોલે બિચારો. બહુ સારા ડાહ્યા હોય બોલવામાં, વર્તનમાં હોય જુદી વાત ને ન પણ હોય, પણ બોલવામાં જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં સારું લાગે.

તે અહમદમિયાં એક દહાડો કહે છે, શેઠ, આજ અમારે ઘેર આપના પગલાં પાડો. મારે ત્યાં પધારો તો અમારી બીબી-બચ્ચાં બધાંને આનંદ થાય. ત્યારે તો જ્ઞાન-બાન નહીં પણ પેલા વિચારો બહુ સુંદર, લાગણી બહુ સરસ બધાને માટે. આપણે ઘેર કમાતો હોય તો એને સારું, કેમ કરીને કમાય એવી પણ ભાવના ! અને એ દુઃખમાંથી મુક્ત થઈ સુખી થઈ જાય એવી ભાવના !

આ તો આ જોયેલું મેં, એ કમ્યુનિટીમાં શું શું એના ગુણ કેવા હોય છે તે ! મેં કહ્યું, 'કેમ ના આવું ? તારે ત્યાં પહેલો આવું.' ત્યારે કહે, 'મારે ત્યાં તો એક જ રૂમ છે, તમને ક્યાં બેસાડું ?' ત્યારે મેં કહ્યું, 'હું ત્યાં બેસી રહીશ. મારે તો એક ખુરશી જ જોઈએ. નહીં તો ખુરશી ના હોય તો ય મારે ચાલે, તારે ત્યાં અવશ્ય આવું. તારી ઇચ્છા છે તો હું આવીશ.' એટલે હું તો ગયો. અમારે 'કોન્ટ્રાક્ટર'નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએ ય ખરા ! અમારે કોઈની જોડે જુદાઈ ના હોય.

મેં કહ્યું, 'અલ્યા, આ ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે.' ત્યારે કહે, 'સાહેબ ક્યા કરે ! હમારે ગરીબ કે લીયે ઇતના બહોત હૈ.' મેં કહ્યું, 'તારા વાઈફ ક્યાં સૂઈ જાય છે ?' ત્યારે કહે, 'યે હી જ રૂમમેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી.' મેં કહ્યું, 'અહમદમિયાં, ઓરત કે સાથ કુછ ઝઘડા-બઘડા હોતા નહીં હૈ કે ?' 'યે ક્યા બોલા ?' મેં કહ્યું, 'શું ?' ત્યારે એ કહે, 'કભી નહીં હોતા હૈ. ઐસા મૂર્ખ આદમી નહીં હમ.' 'અલ્યા, મતભેદ ?!' ત્યારે કહે, 'નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.' શું કહે છે, બીબી જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, 'કોઈ દહાડો બીબી ગુસ્સે થઈ જાય ત્યારે ?' તો કહે, 'પ્યારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે ?' એટલે ચૂપ થઈ જાય !

મેં કહ્યું, 'મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીંને ?' ત્યારે કહે, 'ના, મતભેદ પડે તો, એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં ? અહીં બે-ત્રણ માળ હોય તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું ! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું. એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં પછી શું મજા આવે ? આખી રાત ઊંઘ ના આવે. પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં ?! એટલે આ બીબીને તો કોઈ દહાડો હું દુઃખ આપું નહીં. બીબી મને મારે તો ય દુઃખ ન આપું. એટલે હું બહાર બધાંની જોડે વઢી આવું, પણ બીબી જોડે 'ક્લિયર' રાખવાનું ! વાઈફને કશું ના કરાય.' ચળ આવતી હોય તો બહાર વઢીને આવે પણ અહીં ઘરમાં નહીં.

બીબીએ સલિયાને ગોસ લાવવા કહ્યું હોય, હવે સલિયાને પગાર ઓછો મળતો હોય, તે બિચારો ગોસ શી રીતે લાવે ? સલિયાને બીબી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે ગોસ તો લઈ આવો. પછી એક દહાડો બીબી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. મિયાંભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે બીબી કચ કચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે બીબી જાણે કે આજે તો લઈને આવે એટલે પછી રાંધીએ. પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે બીબી બૂમાબૂમ કરવા માંડે. સલિયો આમ તો બહુ પાકો હોય એટલે બીબીને સમજાવી દે કે, 'યાર મેરી હાલત મૈં જાનતા હું, તુમ ક્યા સમજે !' એવા એક-બે વાક્ય બોલે પછી બીબી કહેશે, 'સારું, ફરી લાવજો.' પણ દશ-પંદર દહાડે ફરી બીબી બૂમો પાડે તો પાછો 'મેરી હાલત મૈં જાનતા હું' એવું બોલે ને તો બીબી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે.

અને આપણા લોક તો તે ઘડીએ કહેશે કે તું મને દબાય દબાય કરું છું ? અલ્યા, આવું સ્ત્રી પાસે ના બોલાય. એનો અર્થ જ ઇટસેલ્ફ બોલે છે, તું દબાયેલો છું. અલ્યા, પણ તને શી રીતે દબાવે ? જ્યાં પૈણતી વખતે પણ તારો હાથ ઉપર તો રાખે છે, તો તને એ શી રીતે દબાવે ? હાથ ઉપર રાખીને પરણ્યો છે ને વખતે એ આજ દબાવી જાય તો આપણે શાંત રહેવાનું. જેને નિર્બળતા હોય એ ચીઢાઈ જાય.

પછી છે તે એક હકીમનો છોકરો આવ્યો હતો, ઔરંગાબાદમાં. એણે જાણ્યું હશે કે આ દાદા પાસે કંઈક અધ્યાત્મજ્ઞાન જાણવા જેવું છે. એટલે એ છોકરો આવ્યો, પચ્ચીસ જ વર્ષની ઉંમરનો. તે મેં તો સત્સંગની બધી વાત કરી આ જગતની. કારણ કે વૈજ્ઞાનિક રીત સારી છે, આપણે સાંભળવા જેવી છે. અત્યાર સુધી ચાલ્યું તે જમાના પ્રમાણે લખાયેલું છે. જેવો જમાનો હતો ને તેવું વર્ણન કરેલું છે. એટલે જમાનો જેમ જેમ ફરતો જાય તેમ વર્ણન વધતું જાય. અને પયગંબર સાહેબ એટલે શું ? ખુદાનો પૈગામ અહીં લાવી અને બધાંને પહોંચાડે એનું નામ પયગંબર સાહેબ. મેં તો ગમ્મત કરી એની. મેં કહ્યું, 'અલ્યા, શાદી-બાદી કરી છે કે એમ ને એમ ફર્યા કરું છું ?' 'શાદી કરી છે' કહે છે. મેં કહ્યું, 'ક્યારે કરી ? મને બોલાવ્યો નહીં તેં ?' 'દાદાજી, હું જાણું નહીં તમને, નહીં તો હું તે દહાડે બોલાવત. છ મહિના જ થયા હજુ શાદી કર્યાને' કહે છે. ગમ્મત કરી જરા. કેટલા વખત નમાજ પઢું છું ? 'સાહેબ, પાંચે પાંચ વખત' કહે છે. અલ્યા, રાત્રે શી રીતે તને નમાજ ફાવે છે ત્રણ વાગે ? 'કરવાની જ, એમાં ચાલે જ નહીં' કહે છે. ત્રણ વાગે ઊઠીને કરવાની. મારી નાની ઉંમરમાંય કરતો આવ્યો છું. મારા ફાધર હકીમ સાહેબેય કરતા ! હવે પછી મેં કહ્યું, 'હવે તો બીબી આવી, હવે શી રીતે બીબી કરવા દે તને ત્રણ વાગે ?' બીબીએ ય મને કહ્યું છે, 'તમારી નમાજ પઢી લેવી.' ત્યારે મેં કહ્યું, 'બીબી જોડે ઝઘડો થતો નથી ?' 'એ શું બોલ્યા ? એ શું બોલ્યા ?' મેં કહ્યું, 'કેમ ?' ઓહોહો ! બીબી તો મૂંહ કા પાન ! એ મને વઢે તો હું ચલાવી લઉં. સાહેબ, બીબી થકી તો હું જીવું છું. બીબી મને ખૂબ સુખ આપે છે. ખૂબ સારું સારું ભોજન બનાવીને જમાડે છે, એને દુઃખ કેમ દેવાય ? હવે આટલું સમજે તો ય બહુ સારું. બીબી ઉપર જોર ના કરે. ના સમજવું જોઈએ ? બીબીનો કંઈ ગુનો છે ? 'મુંહ કા પાન' ગાલી દે તોય વાંધો નહીં. બીજો કોઈ ગાલી દે તો જોઈ લઉં, લે ત્યારે એ લોકોને કેટલી કિંમત છે ?

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12