ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૨૧) સપ્તપદીનો સાર...

જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઈએને ? વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ? ના સમજાય તો 'દાદા'ને પૂછવું, તો 'દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે. તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે.

પૈણેલા જાણે કે આપણે તો આ ફસાયા, ઉલ્ટાં ! ના પૈણેલા જાણે કે આ લોકો તો ફાવી ગયા ! આ બન્ને વચ્ચેનો ગાળો કોણ કાઢી આપે અને પૈણ્યા વગર ચાલે એવું ય નથી આ જગત ! તો શા માટે પૈણીને દુઃખી થવાનું ? ત્યારે કહે, દુઃખી નથી થતાં, એક્સ્પીરીયન્સ (અનુભવ) લે છે. સંસાર સાચો છે કે ખોટો છે, સુખ છે કે નથી !? એ હિસાબ કાઢવા માટે સંસાર છે. તમે કાઢ્યો થોડોક હિસાબ ચોપડામાં ?

આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! ગોળ ગોળ ફર્યા કરે. તેવું આખો દહાડો આ બહાર કામ કરે. તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઈશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેરના ઠેર !! પછી એ બળદને શું કરે પેલી ઘાંચી ! પછી ખોળનું ઢેફું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ થઈને ફરી ચાલુ થઈ જાય પાછો. તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેફું આપી દે એટલે ભાઈ નિરાંતે ખઈને ચાલુ !

બાકી આ દહાડા શી રીતે કાઢવા એ ય મુશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, 'મારા હાર્ટમાં દુઃખે છે.' છોકરાં આવે ને કહેશે કે, 'હું નાપાસ થયો.' ધણીને હાર્ટમાં દુઃખે છે ત્યારે એને વિચાર આવે કે 'હાર્ટ ફેઈલ' થઈ જશે તો શું થશે, બધા જ વિચારો ફરી વળે. જંપવા ના દે.

પૈણવાની કિંમત ક્યારે હોત ? લાખો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળ્યું હોય તો. આ તો બધા જ પૈણે એમાં શું ? સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછીનો) વ્યવહાર કેમ કરવો, એની તો બહુ મોટી કૉલેજ છે. આ તો ભણ્યા વગર પૈણી જાય છે.

એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનની ય જરૂર નથી ને અપમાનની ય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે એવું લક્ષ તો હોવું જોઈએને ?

બીબી રીસાયેલી હોય ત્યાં સુધી 'યા અલ્લાહ પરવરદિગાર' કરે અને બીબી બોલવા આવી એટલે ભાઈ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ ! એમ કંઈ દુઃખ મટી જવાનાં છે ?

સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તે ય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એ ય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય !

'જ્ઞાની પુરુષ' આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે, મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા !

આને જીવન કેમ કહેવાય ? જીવન કેટલું સુશોભિત હોય ! એક-એક માણસની સુગંધ આવવી જોઈએ. આજુબાજુ કીર્તિ પ્રસરેલી હોય કે કહેવું પડે, આ શેઠ રહે છેને, એ કેવા સુંદર ! એમની વાતો કેવી સુંદર !! એમનું વર્તન કેવું સુંદર !!! એવી કીર્તિ બધે દેખાય છે ? એવી સુગંધ આવે છે લોકોની ?

પ્રશ્નકર્તા : કોઈ કોઈવાર કોઈ કોઈ લોકોની સુગંધ આવે.

દાદાશ્રી : કોઈ કોઈ માણસની, પણ તે ય કેટલી ? તે પાછાં એને ઘેર પૂછોને, તો ગંધાતો હોય, બહાર સુગંધ આવે પણ એને ઘેર પૂછો ત્યારે કહેશે કે, 'એનું નામ જ જવા દો', એની તો વાત જ ના કરશો. એટલે આ સુગંધ ના કહેવાય.

જીવન તો હેલ્પિંગ માટે જ જવું જોઈએ. આ અગરબત્તી સળગે છે, એમાં પોતાની સુગંધ લે છે એ ?

અને આ સંસાર જે છે એ બધું મ્યુઝિયમ છે. તે મ્યુઝિયમમાં શરત શું છે ? પેસતાં જ લખેલી છે કે ભઈ, તમારે જે ખાવું-પીવું હોય, ભોગ કંઈ ભોગવવા હોય તો અંદર ભોગવજો. કશું બહાર લઈને નીકળવાનું નહીં અને વઢવાનું નહીં. કોઈની જોડે રાગ-દ્વેષ નહીં કરવાના. ખાજો-પીજો બધું પણ રાગ-દ્વેષ નહીં. ત્યારે આ તો અંદર જઈને પૈણે છે. અલ્યા મૂઆ, ક્યાં પૈણ્યા ?! આ તો બહાર જતી વખતે વેષ થઈ પડશે ! તે આ પછી કહેશે, 'હું બંધાયો.' તે કાયદા પ્રમાણે મહીં જઈએ ને ખઈએ-પીએ, સ્ત્રી કરીએ તો ય વાંધો નથી. સ્ત્રીને કહી દેવાનું જો સંગ્રહસ્થાન છે, એમાં રાગ-દ્વેષ નહીં કરવાના. જ્યાં સુધી અનુકૂળ આવ્યું તો ફરવું, પણ છેવટે આપણે રાગ-દ્વેષ વગર નીકળી જવાનું. એની પર દ્વેષ નહીં. કાલે સવારે બીજા જોડે ફરતી હોય તો ય એને દ્વેષ નહીં ? આ સંગ્રહસ્થાન આવું છે. પછી આપણે જેટલા જેટલા કીમિયા કરવા હોય એટલા કરો. હવે સંગ્રહસ્થાન ના કાઢી નંખાય. જે બની ગયું એ ખરું હવે તો. આપણે સંસ્કારી દેશમાં જન્મ્યાં ને ! એટલે મેરેજ-બેરેજ બધું પધ્ધતસરનું.

(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો

પ્રશ્નકર્તા : સ્ત્રીઓને આત્મજ્ઞાન થાય કે નહીં ? સમકિત થઈ શકે ?

દાદાશ્રી : ન થાય એ ખરી રીતે, પણ આ અમે કરાવડાવીએ છીએ. કારણ કે એ ધોરણ જ એવું છે પ્રકૃતિનું કે આત્મજ્ઞાન પહોંચે જ નહીં. કારણ કે સ્ત્રીઓમાં એ કપટની ગ્રંથિ એવડી મોટી હોય છે, મોહ અને કપટની- એ બે ગ્રંથિઓ આત્મજ્ઞાનને ના અડવા દે.

પ્રશ્નકર્તા : એટલે અન્યાય થયોને વ્યવસ્થિતનો એ તો ?

દાદાશ્રી : ના, એ છે તે બીજે અવતારે પુરુષ થઈને પછી જાય મોક્ષે. આ બધા કહે છે સ્ત્રીઓ મોક્ષે ના જાય એટલે એકાંતિક વાત નથી એ. પુરુષ થઈને પછી જાય. એવો કોઈ કાયદો નથી કે સ્ત્રીઓ સ્ત્રી જ રહેવાની છે એવું. એ પુરુષ જેવી ક્યારે થાય કે પુરુષની જોડે હરીફાઈમાં રહી હોય અને અહંકાર વધતો જતો હોય અને ક્રોધ વધતો જ હોય તો એ પેલું એ ઊડી જાય. અહંકાર ને ક્રોધની પ્રકૃતિ પુરુષની અને માયા અને લોભની પ્રકૃતિ સ્ત્રીની, એમ કરીને આ ચાલ્યું ગાડું. પણ આ આપણું અક્રમ વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કારણ કે આત્મા જગાડે છે આ. આત્મજ્ઞાન ન થાય તો ય વાંધો નહીં પણ આત્માને જગાડે છે કે કેટલી સ્ત્રીઓ એવી હોય છે કે દાદા નિરંતર ચોવીસેય કલાક યાદ ! હિંદુસ્તાનમાં કેટલીય ને અમેરિકામાં કેટલીય હશે કે દાદા ચોવીસેય કલાક યાદ !

પ્રશ્નકર્તા : એટલે આત્માને તો કઈ જાતિ જ નથી ને !

દાદાશ્રી : આત્માને જાતિ હોય જ નહીં ને ! પ્રકૃતિને જાતિ હોય. ઉજળો માલ ભર્યો હોય તો ઉજળો નીકળે. કાળો ભર્યો હોય તો કાળો નીકળે. પ્રકૃતિ એ પણ ભરેલો માલ. જે માલ ભર્યો એનું નામ પ્રકૃતિ ને આમ પુદગલ કહેવાય. એટલે પુરણ કર્યું એ ગલન થયા કરે. જમવાનું પુરણ કર્યું એટલે સંડાસમાં ગલન થાય. પાણી પીધું એટલે પેશાબમાં, શ્વાસોશ્વાસ બધું આ પુદગલ પરમાણુ.

એ પુરુષ થવું હોયને તો આ બે ગુણ છૂટે તો થાય, મોહ અને કપટ. મોહ અને કપટ બે જાતના પરમાણુ ભેગા થાય એટલે સ્ત્રી થાય અને ક્રોધ- માન બે ભેગા થાય તો પુરુષ થાય. એટલે પરમાણુના આધારે આ બધું થઈ રહ્યું છે.

એક ફેરો મને બહેનોએ કહ્યું કે અમારામાં ખાસ અમુક અમુક દોષો હોય છે, તેમાં ખાસ વધુ દોષ નુકસાનકર્તા કયો ? ત્યારે મેં કહ્યું, ધાર્યા પ્રમાણે કરાવવા ફરે છે તે. બધી બેનોની ઇચ્છા એવી હોય, પોતાના ધાર્યા પ્રમાણે કરાવડાવે. ધણીને હઉ અવળો ફેરવીને પછી એની પાસે ધાર્યું કરાવડાવે. એટલે આ ખોટું, ઊંધો રસ્તો છે. મેં એમને લખાવ્યું છે કે આ રસ્તો ન હોવો જોઈએ. ધાર્યા પ્રમાણે કરાવવાનો અર્થ શું છે ! બહુ નુકસાનકારક !

પ્રશ્નકર્તા : કુટુંબનું ભલું થતું હોય, એવું આપણે કરાવીએ તો એમાં શું ખોટું ?

દાદાશ્રી : નહીં, એ ભલું કરી શકે જ નહીંને ! જે ધાર્યા પ્રમાણે કરતા હોયને, તે કુટુંબનું ભલું ના કરે કોઈ દા'ડોય. કુટુંબનું ભલું કોણ કરે કે બધાનું ધાર્યું થાય એવી રીતે થાય તો સારું. એ કુટુંબનું ભલું કરે. બધાનું, એકેયનું મન ના દુભાય એવી રીતે થાય તો. ધાર્યા પ્રમાણે કરાવવા ફરે, એ તો કુટુંબનું બહુ નુકસાન કરે છે. અને એ વઢંવઢા ને ઝઘડા કરાવવાનું સાધન બધું. પોતાનું ધાર્યું ના થાય ને એટલે ખાય નહીં પાછી. અડધું ડૂમો ચૂમઈને બેસી રહે પાછી. કોને મારવા જાય, ચૂમઈને બેસી રહે પાછી. પછી બીજે દા'ડે કપટ કરે પાછું. એ કંઈ જાત તે ! ધાર્યા પ્રમાણે કરવા જાય પણ ના થાય તો શું થાય ? એવું બધું ના રાખવું જોઈએ. બેનો, હવે મોટા મનનાં થાવ.

પ્રશ્નકર્તા : સ્ત્રીઓ પોતાનાં આંસુ દ્વારા પુરુષોને પીગળાવી દે છે અને પોતાનું ખોટું છે એ સાચું ઠરાવી દે છે, એ બાબતમાં આપનું શું કહેવાનું છે ?

દાદાશ્રી : વાત સાચી છે. એનો ગુનો એને લાગુ થાય છે અને આવું ખેંચ કરેને, એટલે વિશ્વાસ જતો રહે.

કોઈનાં ધણી ભોળા હોય તે આંગળી ઊંચી કરો જોઈએ. આ આંગળી ઊંચી કરી ને, એ ખાનગીમાં કહી દે, 'અમારે ભોળા છે, બધા જ ભોળા છે', એ ઇટસેલ્ફ સૂચવે છે ને આ તો રમકડા રમાડે છે સ્ત્રીઓ. આ તો પછી ઊઘાડું કરતાં ખોટું દેખાય. ના ખોટું દેખાય ?! બધું બહુ ના કહેવાય. ખાનગીમાં સ્ત્રીઓને પૂછીએને કે 'બેન, તમારા ધણી ભોળા ?' 'બહુ ભોળા.' માલ કપટનો તેથી, પણ એ બોલાય નહીં, ખોટું દેખાય. બીજા ગુણો બહુ સુંદર છે.

પ્રશ્નકર્તા : સ્ત્રીને એક બાજુ લક્ષ્મી કહે છે ને બીજી બાજુ કપટવાળી, મોહવાળી...

દાદાશ્રી : લક્ષ્મી કહે. ત્યારે કંઈ એ જેવી તેવી છે, ત્યારે ધણી નારાયણ કહેવાય તો એ શું કહેવાય ? એટલે એ જોડીને લક્ષ્મીનારાયણ કહે છે ! ત્યારે એ કંઈ હલકી છે, સ્ત્રી તે કંઈ ? એ તીર્થંકરની મા છે. જેટલા તીર્થંકરો થયાને ચોવીસ, એમની મા કોણ ?

પ્રશ્નકર્તા : સ્ત્રીઓ.

દાદાશ્રી : ત્યારે એમને કેમ હલકી કહેવાય ? મોહ તો હોય જ હંમેશાં સ્ત્રી થઈ એટલે. પણ જન્મ કોને આપ્યો, મોટા મોટા તીર્થંકરોને બધા.... જન્મ જ મોટા લોકોને તો એ આપે છે, એને કેમ આપણથી વગોવાય ? તે આપણા લોક વગોવે છે.

પ્રશ્નકર્તા : હંમેશાં આપણે સ્ત્રીને જ કહીએ છીએ કે તારે મર્યાદા રાખવી જોઈએ, આપણે પુરુષને નથી કહેતાં.

દાદાશ્રી : એ તો પોતાના મનુષ્યપણાનો ખોટો દુરુપયોગ કર્યો છે. સત્તાનો દુરુપયોગ કર્યો છે. સત્તાના બે ઉપયોગ થઈ શકે. એક સદુપયોગ થઈ શકે અને બીજો દુરુપયોગ. સદુપયોગ કરે તો સુખ વર્તે પણ હજુ દુરુપયોગ કરો છો, તો દુઃખી થાય. જે સત્તાનો દુરુપયોગ કરીએ, તો એ સત્તા હાથમાંથી જાય અને જો એ સત્તા રાખવી હોય કાયમને માટે, પુરુષ જ જો તમારે રહેવું હોય કાયમને માટે, તો સત્તાનો દુરુપયોગ ન કરશો, નહીં તો આવતે ભવ સ્ત્રી થવું પડશે સત્તાધીશોને ! સત્તાનો દુરુપયોગ કરે એટલે સત્તા જાય.

ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તો ય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય પણ ના. 'મને મારો ધણી છે, ધણીવાળી છું' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો'ક ફેરો આવે છે. સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણા લોક !!

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ સતી થવાની ઇચ્છાથી. એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?

પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.

દાદાશ્રી : કયા બજારમાં ? કૉલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે, નહીં ? બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય !

એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે, ફક્ત એકલા જ વિષયથી જ અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, માની શાથી લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે ! એના મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છું, તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે.

પ્રશ્નકર્તા : એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જનમ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે, એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.

દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતી જ નથી બિચારી અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે, ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં. એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એના ધણી એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તોય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય

સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતીએ જન્મથી સતી હોય. એટલે એને કશું પહેલાનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાનાં ડાઘ રહી જાય અને ફરી પાછા પુરુષ થાવ. પણ પુરુષમાં પુરુષ છે તે થયા પછી, બધા પુરુષ સરખા ના હોય. કેટલાંક સ્ત્રી જેવા પણ પુરુષ હોય. એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય અને પછી કપટ જો ઓગળી ગયું. પછી વખતે સતીપણું જો આવે, તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો સતી જેવું ક્લિયર થતું જાય, તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષો ભોળા હોય બિચારા જેમ નચાવે તેમ નાચે બિચારા. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં એક સતી એકલી ના નચાવે. સતી તો પરમેશ્વર (ભગવાન) માને પતિને !

પ્રશ્નકર્તા : આવું જીવન બહુ ઓછાનું જોવા મળે.

દાદાશ્રી : હોય ક્યાંથી આ કળિયુગમાં ? સત્યુગમાં ય કોઈક જ સતીઓ હોય, અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય ?

એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે ! સ્ત્રીઓ અને પુરુષોમાં આત્મા એ તો આત્મા જ છે, ફક્ત ખોખાંનો ફેર છે. 'ડિફરન્સ ઓફ પેકિંગ !' સ્ત્રી એ એક જાતની 'ઇફેક્ટ' છે. તે આત્મા પર સ્ત્રીની 'ઇફેક્ટ' વર્તે. આની 'ઇફેક્ટ' આપણા ઉપર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી કેવી સ્ત્રીઓ રાજનીતિમાં થઈ ગઈ ! અને આ ધર્મક્ષેત્રે સ્ત્રી પડી તે તો કેવી હોય ?! આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગતકલ્યાણની શક્તિ ભરી પડી છે ! તેનામાં પોતાનું કલ્યાણ કરી લઈને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે !

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12