ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

(૧૮) વાઈફ વાળે તોલ સાથે !

હવે રાતે છે તે બેન જોડે ભાંજગડ થઈ હોય તમારે, તો એ તાંતો એને રહે, તે સવારમાં ચા મૂકે તો ટચકારો મારે આમ. હેય.... એ તમે સમજી જાવ કે હં... તાંતો હજુ તો છે, ટાઢા પડ્યા નથી. આમ ટચકારો મારે, એનું નામ તાંતો.

'આ એ શું કરે છે, શાથી આ કરે છે ? એ તમને દબાવા ફરે છે. અને તું ગુસ્સે થઈ જઉં એટલે એ જાણે કે હા, ચાલો હેંડો, નરમ થઈ ગયો. પણ ગુસ્સે ના થઉં, તો એ વધારે કરે પછી....' આવું કકળાટ છતાં ગુસ્સે ના થાય પેલો, તો પછી અંદર જઈ અને બે-ચાર વાસણોને આમ કરીને પાડે. એ ખણણણ.... અવાજ થાય એટલે પાછો પેલો ચિઢાય. જો તો ય ના ચિઢાયો તો બાબાને ચૂંટી ખણી લે એટલે રડાવે. પછી પેલો ચિઢાય, પપ્પો. 'તું બાબાની પાછળ પડી છું. બાબાને શું કરવા વચ્ચે લાવે છે ?' આમ તેમ, એટલે પેલી જાણે કે હં, આ ટાઢો પડી ગયો.

પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા. સ્ત્રીઓ તો બોલી જાય હઉ, કે 'તે દહાડે તમે આવું બોલ્યા હતા, તે મારે કાળજે વાગેલું છે. અલ્યા, વીસ વર્ષ થયા તો ય નોંધ તાજી !! બાબો વીસ વરસનો મોટો થયો, પૈણવા જેવો થયો તો ય હજી પેલી વાત રાખી મેલી ?! બધી ચીજ સડી જાય, પણ આમની ચીજ ના સડે ! સ્ત્રીને આપણે આપ્યું હોય તો તે અસલ જગ્યાએ રાખી મેલે કાળજાની મહીં, માટે આપશો-કરશો નહીં. નથી આપવા જેવી ચીજ આ. ચેતતા રહેવા જેવું છે.

હંમેશાં સ્ત્રીને જેટલું તમે કહો, એની જવાબદારી આવે. કારણ કે એ આપણે જ્યાં સુધી શરીર સારું મજબૂત હોયને, ત્યાં સુધી જ સહન કર્યા કરે અને મનમાં શું કહે ? એ ગાતર (સાંધા) ઢીલાં પડશે એટલે રાગે પાડી દઈશ. આ બધાંનાં ગાતર ઢીલા પડ્યાંને તેને બધાને રાગે પાડી દીધેલાં, મેં જોયેલાં ય ખરા. એટલે હું લોકોને સલાહ આપું, ના કરીશ, મૂઆ. બૈરી જોડે તો વઢવાડ ના કરીશ. બૈરી જોડે વેર ના બાંધીશ, નહીં તો મૂઆ વેષ થઈ પડશે.

આપણી સ્ત્રી જાતિ મૂળ સંસ્કારમાં આવેને, તો એ તો દેવી છે. પણ આ તો બહારના સંસ્કાર અડ્યા છેને, એટલે વિફરી છે હવે. વિફરે !! તેથી શાસ્ત્રકારોએ કહ્યું, રમા રમાડવી સહેલ છે, વિફરી તો મહામુશ્કેલ થઈ જાય અને વિફરે એવું કરે છે આપણાં લોકો. સળી કરીને વિફરાવડાવે અને વિફરે તો પછી વાઘણ જેવી કહેવાય. ત્યાં સુધી ન જવું જોઈએ આપણે. મર્યાદા જોવી જોઈએ અને ત્યાં આપણે સ્ત્રીને છેડ છેડ કરીએ તો ક્યાં જાય એ બિચારી ? એટલે પછી વકરે ! પહેલાં વકરે અને પછી વિફરે અને વિફરી કે પછી થઈ રહ્યું ! માટે એને છંછેડશો નહીં. લેટ ગો કરવું .

અને સ્ત્રી તો વિફરશે, તે તારી બુધ્ધિ નહીં ચાલે, તારી બુધ્ધિ એને બાંધી શકશે નહીં. માટે વિફરે નહીં એવી રીતે તું વાતો કરજે. આંખમાં પ્રેમ જબરજસ્ત રાખજે. વખતે એ અવળું-હવળું બોલેને તો એ તો સ્ત્રી જાતિ છે, માટે લેટ ગો કરજે. એટલે એક આંખમાં સંપૂર્ણ પ્રેમ રાખવાનો, બીજી આંખમાં જરાક કડકાઈ રાખવાની, એવી રીતે રહેવું જોઈએ. જે વખતે જે જરૂર હોય તેવું, બિલકુલ કડકાઈ રોજ કરાય નહીં. એ તો એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી તરીકે માનવું, દેવી તરીકે. સમજ પડીને ?

પ્રશ્નકર્તા : એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી, એ બે એટ એ ટાઈમ કઈ રીતના રહે ?

દાદાશ્રી : એ તો પુરુષને બધું આવડે ! હું ત્રીસ-પાંત્રીસ વર્ષનો હતો ત્યારે ઘેર આવુંને, તે હીરાબા એકલા નહીં, બધી સ્ત્રીઓ મને દેખે તે એક આંખમાં કડકાઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે, તો બધી સ્ત્રીઓ માથે ઓઢીને બેસે અને આમતેમ ટાઈટ થઈ જાય બધી. અને હીરાબા તો મહીં, ઘરમાં પેસતાં પહેલાં ભડકે. બૂટ ખખડ્યો કે ભડકાટ પેસી જાય. એક આંખમાં કડક, એકમાં નરમ. એના વગર સ્ત્રી રહે જ નહીં. તેથી હીરાબા કહેને, 'દાદા કેવા છે ?'

પ્રશ્નકર્તા : તીખા ભમરા જેવા.

દાદાશ્રી : તીખા ભમરા જેવા છે એવું કાયમ રાખીએ. એમ સહેજે થથરાવાનું નહીં. ઘરમાં પેસીએ.... કે ચૂપ, બધું ઠંડુંગાર જેવું થઈ જાય, બૂટ ખખડે કે તરત !

કડકાઈ શાથી કે એ ઠોકર ના ખઈ જાય એટલા માટે કડકાઈ રાખજે. એટલા માટે એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ રાખવો.

પ્રશ્નકર્તા : એટલે સંસ્કૃતમાં મૂક્યું, 'યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા !'

દાદાશ્રી : હા, બસ ! એટલે હું જ્યારે આવું બોલું છુંને, ત્યારે બધાં મને લોકો કહે છે કે દાદા, તમે સ્ત્રીઓનાં તરફી છો, પક્ષપાતી છો ?

હવે હું શું કહું કે, સ્ત્રીઓને પૂજો, એનો અર્થ એવો નહીં કે સવારમાં જઈને આરતી ઉતારજો, એવું કરીશ તો એ તારું તેલ કાઢી નાખશે. એનાં અર્થમાં શું છે ? એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજે.

એટલે પૂજા ના કરીશ, એવી લાયકાત નથી. એટલે મનથી પૂજા કરજે.

એટલે વહુને કહેજો કે, 'તારે જેટલું લઢવું હોય એટલું લઢજે. મને તો દાદાએ લઢવાની ના પાડી છે. દાદાએ મને આજ્ઞા કરી છે. હું આ બેઠો છું, તારે જે કંઈ બોલવું હોય તે બોલ હવે.' એવું એને કહી દેવું.

પ્રશ્નકર્તા : પણ એ બોલે જ નહીં ને પછી.

દાદાશ્રી : દાદાનું નામ આવે કે ચૂપ જ થઈ જાય. બીજાં કોઈ હથિયાર ના વાપરીશ. આ જ હથિયાર વાપરજે.

એક બહેને તો મને કહ્યું હતું, 'પૈણી ત્યારે એ બહુ લોંટ (જબરા) હતા.' મેં કહ્યું, 'હવે ?!' ત્યારે કહે, 'દાદા, તમે બધું સ્ત્રી ચારિત્ર બધું સમજો છો, મારી પાસે શું કહેવડાવો છો !' મારી પાસે કોઈ સુખ જોઈતું હોય એમને, ત્યારે હું એને કહું, ''ભઈસા'બ કહો.'' એટલે ભઈસા'બ કહેવડાવું ત્યારે ! એમાં મારો શું વાંક ? પહેલા એ મને ભઈસા'બ કહેવડાવતા હતા અને હવે હું ભઈસા'બ કહેવડાવું છું. સમજાય છે ?

આ અમલદારો ય ઑફિસેથી અકળાઈને ઘેર આવેને, ત્યારે બઈ સાહેબ શું કહેશે કે 'દોઢ કલાક લેટ થયા ? ક્યાં ગયા હતા ?' લે !! એની બઈ છે તે એક ફેરો એમને ડફળાવતી'તી, ત્યારે આવો સિંહ જેવો માણસ જેનાથી આખું ગુજરાત ભડકે, એને ય ભડકાવે છે, જુઓને ! આખું ગુજરાતમાં કોઈ નામ ના દે, પણ એની બઈ ગાંઠતી જ નથી અને એને હઉ ટૈડકાવી નાખતી હતી ! પછી મેં એને એક દહાડો કહ્યું, 'બેન, આ ધણી છે તે તને એકલી મૂકીને દસ-બાર-પંદર દહાડા બહારગામ જાય તો ? ત્યારે કહે, 'મને તો બીક લાગે.' હવે શેની બીક લાગે ? ત્યારે કહે છે, 'મહીં બીજા રૂમમાં પ્યાલો ખખડેને તો ય મારા મનમાં એમ લાગે કે ભૂત આવ્યું હશે !' એક ઊંદરડી પ્યાલો ખખડાવે તો ય બીક લાગે. અને આ ધણી આટલો ! ધણીને લીધે તને બીક નહીં લાગતી. એ ધણીને પાછો તું ટૈડકાવ ટૈડકાવ કરું છું. વાઘ જેવા ધણીનું તેલ કાઢી નાખે !

એક માણસ ત્રણ હજાર રૂપિયાની ઘોડી લાવ્યો હતો. રોજ તો આમ ઘોડી ઉપર બાપ બેસતો હતો. એને છોકરો ચોવીસ વર્ષનો હતો. એક દહાડો છોકરો ઘોડી ઉપર બેઠો અને તળાવ ઉપર લઈ ગયો. પેલી ઘોડીને જરાક સળી કરી ! હવે ઘોડી ત્રણ હજાર રૂપિયાની, એને સળી કરવા લાયક હોય (!) એને સળી કરાય નહીં, એની ચાલમાં જ ચાલવા દેવી પડે. તે પેલાએ તો સળી કરી, તે ઘોડી હડહડાટ ઊભી થઈ ગઈ. ઘોડી ઊભી થઈ કે પેલો પડી ગયો ! પોટલું નીચે પડ્યું ! એ પોટલું ઘેર આવીને શું બોલવા માંડ્યું કે 'આ ઘોડી વેચી દો, ઘોડી ખરાબ છે.' એને બેસતાં નથી આવડતું ને ઘોડીનું નામ દે છે ?! એનું નામ ધણી ! આ બધાં ધણી !! પછી મેં કહ્યું, 'હોવે, એ ઘોડી ખરાબ હતી (ત્રણ) હજારની ઘોડી ! અલ્યા, તને બેસતા નથી આવડતું, એમાં ઘોડીને શું કરવા વગોવે છે ?' બેસતા ના આવડવું જોઈએ ? ઘોડીને વગોવે છે ?

એક ફેર ધણી જો સ્ત્રીની સામે થાય તો તેનો વક્કર જ ના રહે. આપણું ઘર સારી રીતે ચાલતું હોય, છોકરાં ભણતાં હોય સારી રીતે, કશી ભાંજગડ ના હોય અને આપણને તેમાં અવળું દેખાયું અને વગર કામના સામા થઈએ એટલે આપણી અક્કલનો કીમિયો સ્ત્રી સમજી જાય કે આનામાં બરકત નથી.

તમને સ્ત્રીઓ જોડે 'ડીલિંગ' કરતાં નથી આવડતું. તમને વેપારીઓને ઘરાક જોડે ડીલિંગ કરતાં ના આવડે તો એ તમારી પાસે ના આવે. એટલે આપણા લોક નથી કહેતા કે 'સેલ્સમેન' સારો રાખો ? સારો, દેખાવડો, હોશિયાર 'સેલ્સમેન' હોય તો લોક થોડો ભાવ પણ વધારે આપી દે. એવી રીતે આપણને સ્ત્રી જોડે 'ડીલિંગ' કરતાં આવડવું જોઈએ.

આ તો સ્ત્રી જાતિ છે તો બધું જગતનું નૂર છે, નહીં તો ઘરમાં બાવાં કરતાં ય ભૂંડાં રહો. સવારમાં પૂંજો જ ના વાળ્યો હોય ! ચાનું ઠેકાણું ના પડતું હોય !! એ તો વાઇફ છે તો કહેશે, એટલે તરત વહેલો વહેલો નાહી લે. એને લીધે શોભા છે બધી. અને એમની શોભા આમને લીધે છે.

સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ. એટલે ધણીને પાંચ કરોડની ખોટ ગયેલી હોયને, તો ધણી આખો દહાડો ચિંતા કર્યા કરતો હોય, દુકાન ખોટમાં જતી હોય તો ઘેર ખાતા-પીતા ના હોય પણ સ્ત્રી તો ઘેર આવીને કહેશે, લ્યો, ઊઠો. હવે બહુ હાય-હાય ના કરશો, તમે ચા પીઓ ને ખાવ નિરાંતે. તો અડધી પાર્ટનરશીપ હોય પણ એને કેમ ચિંતા નથી ? ત્યારે કહે સાહજીક છે. એટલે આ સહજની જોડે રહીએ તો જીવાય, નહીં તો જીવાય નહીં. અને બેઉ છે તે પુરુષો રહેતા હોય તો મરી જાય સામાસામી. એટલે સ્ત્રી તો સહજ છે તેથી તો આ ઘરમાં આનંદ રહે છે થોડો ઘણો.

સ્ત્રી તો દૈવી શક્તિ છે પણ જો પુરુષને સમજણ પડતી હોય તો કામ નીકળી જાય. સ્ત્રીનો દોષ નથી, આપણી ઊંધી સમજણનો દોષ છે. સ્ત્રીઓ તો દેવીઓ છે પણ દેવીથી નીચે નહીં ઉતારવાની. દેવી છે, કહીએ. અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ તો 'આવો દેવી' કહે છે. હજી ય કહે છે, 'શારદાદેવી આયા, ફલાણા, મણીદેવી આયા !' અમુક અમુક દેશોમાં નથી કહેતા ?

અને પુરુષો ચાર જણ રહેતા હોયને સામાસામી. એક જણ ખાવાનું કરે, એક જણ.... એ ઘરમાં ભલીવાર ના હોય. એક પુરુષ ને એક સ્ત્રી રહેતી હોયને તો ઘર સુંદર દેખાય. સ્ત્રી સજાવટ બહુ સરસ કરે.

પ્રશ્નકર્તા : તમે સ્ત્રીઓનું જ એકલીનું ના ખેંચ ખેંચ કરશો.

દાદાશ્રી : સ્ત્રીઓનું ખેંચતો નથી. આ પુરુષોનું ખેંચું છું, પણ આમ સ્ત્રીઓને એમ લાગે કે અમારું ખેંચે છે પણ ખેંચું છું પુરુષનું. કારણ કે ફેમિલીના માલિક તમે છો. શી ઈઝ નોટ ધ ઓનર ઓફ ફેમિલી. યુ આર ઓનર. લોકો મુંબઈમાં કહેને, 'કેમ તમે પુરુષોનો પક્ષ નહીં લેતાં ને સ્ત્રીઓનો પક્ષ લો છો ?' મેં કહ્યું, 'એમને પેટે મહાવીર પાક્યા છે, તમારા પેટે કોણ પાકે છે ? વગર કામના તમે લઈ બેઠાં છો !'

પ્રશ્નકર્તા : છતાં તમે સ્ત્રીઓનું બહુ ખેંચો છો, એવું અમારું માનવું છે.

દાદાશ્રી : હા, એ જરાક મારી પર આક્ષેપ છે, બધે ય થઈ જાય છે. એ આક્ષેપ મને લોકોએ બેસાડેલો છે, પણ જોડે જોડે પુરુષોને એટલું બધું આપું છું કે સ્ત્રીઓ માન આપે છે પછી. એવું ગોઠવી આપું છું. આમ દેખાવ દેખાવમાં છે તે સ્ત્રીઓનું ખેચું છું પણ અંદરખાને પુરુષોનું હોય છે. એટલે આ બધું, આ કેમ ગોઠવણી કરવી એના રસ્તા હોવા જોઈએ. બન્નેને સંતોષ થવો જોઈએ.

મારે તો સ્ત્રીઓ જોડે ય બહુ ફાવે, પુરુષો જોડે ય બહુ ફાવે. બાકી અમે તો સ્ત્રીઓના ય પક્ષમાં ના હોઈએ ને પુરુષોના પક્ષમાં ના હોઈએ. બેઉ સરખું ચલાવો ગાડું. પહેલાંના લોકોએ સ્ત્રીઓને હેઠે પાડી દીધી. સ્ત્રીઓ તો હેલ્પિંગ છે. એ ના હોય ને તારું ઘર કેવું ચાલે ?

(૧૯) પત્નીની ફરિયાદો

તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાંખરાં ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમાં આરોપી તું ઠરીશ માટે કોઈની વિરુધ્ધ ફરિયાદ ના કરવી.

પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ? ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે, 'જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે આ બિચારાં સમજતાં નથી, ઝાડ જેવા છે ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.

ધણી અપમાન કરે તો શું કરો છો પછી ? દાવો માંડો ?

પ્રશ્નકર્તા : એવું કંઈ કરાય ? એ તો થતું હશે ?

દાદાશ્રી : ત્યારે શું કરો ? મારા આશીર્વાદ છે, કરીને સૂઈ જવાનું ! તું બેન સૂઈ રહેવાનીને કે મનમાં ગાળો ભાંડભાંડ કરું ? મનમાં જ ભાંડ ભાંડ કરે.

અને પછી ત્રણ હજારની સાડી જોઈ, તે ઘેર આવીને મોઢું બગડી જાય. એ દેખાય તો આપણે કહીએ, 'કેમ આમ થઈ ગયું ?' એ સાડીમાં ખોવાઈ ગયા હોય. જો લાવી આપે ત્યારે છોડે, નહીં તો ત્યાં સુધી કકળાટ ના છોડે. આવું ના હોવું જોઈએ.

વહુ કહેશે કે, 'આ આપણા સોફાની ડિઝાઈન સારી નથી. આ તમારા ભાઈબંધને ત્યાં ગયા હતાને, ત્યાં કેવી સરસ ડિઝાઈન હતી !' અલ્યા, આ સોફા છે, તેમાં તને સુખ પડતું નથી ? ત્યારે કહે કે, 'ના, મેં પેલું જોયું તેમાં સુખ પડે છે.' તે ધણીને પાછો પેલા જેવો સોફો લાવવો પડે ! હવે પેલો નવો લાવે ત્યારે કો'ક ફેર છોકરો બ્લેડ મૂકે ને કંઈ કાપી નાખે કે પાછો મહીં જાણે આત્મા કપાઈ જાય ! છોકરાં સોફાને કાપે ખરાં કે નહીં ? અને એની ઉપર કૂદે ખરા કે ? અને કૂદે તે ઘડીએ જાણે એની છાતી ઉપર કૂદતો હોય એવું લાગે ! એટલે આ મોહ છે. તે મોહ જ તમને કૈડી કૈડીને તેલ કાઢી નાખશે !

આ અમથો ભવ બગડી જાય આમાં તો અને બીજું બેનોને કહું છું કે, શોપિંગ કરશો નહીં. શોપિંગ બંધ કરી દો. આ તો ડૉલર આવ્યા એટલે.... અલ્યા, ના લેવાનું હોય તો શું કરવા લઉં છું, યુઝલેસ. કોઈ સારે માર્ગે પૈસો જવો જોઈએ કે ના જવો જોઈએ ? કોઈની ફેમિલીમાં અડચણ હોય અને એ બિચારાને ના હોય તો, પચાસ-સો ડૉલર આપીએ તો કેવું સરસ લાગશે ! અને શોપિંગમાં ખોટાં નાખી આવો છો અને ઘેર ધમાલ-ધમાલ પડેલું રહે છે બધું ભેગું.

પ્રશ્નકર્તા : પછી ત્રાગાં કરે. સ્ત્રીઓ ત્રાગાં કરે !

દાદાશ્રી : ત્રાગાં તો સ્ત્રીઓ નહીં, પુરુષો મૂઆ કરે છે.

અત્યારે તો ત્રાગાં બહુ નથી કરતાં. ત્રાગાં એટલે શું ? પોતાને કશું ભોગવી લેવું હોય તો સામાને દબડાવીને ભોગવી લે. ધાર્યું કરાવે !

પ્રશ્નકર્તા : બધે કેમ બૈરાંઓનો જ વાંક આવે છે અને પુરુષોને નહીં આવતો ?

દાદાશ્રી : સ્ત્રીઓને તો એવું છેને, પુરુષના હાથમાં કાયદો હતો એટલે સ્ત્રીઓને જ નુકસાન કર્યું છે.

આ તો પુસ્તકો ધણીઓએ લખેલાંને એટલે ધણીને જ એમાં તે આગળ ઘાલ્યો છે. સ્ત્રીઓને ઊડાડી મેલી છે. તેમાં તે એની વેલ્યુ ઊડાડી દીધી છે એ લોકોએ. હવે મારે ય એવો ખાધો છે. નર્કે ય આ જ જાય છે. અહીંથી જ જાય છે નર્કે. સ્ત્રીઓને એવું ના હોય. ભલે સ્ત્રીની પ્રકૃતિ જુદી છે, પણ એની પ્રકૃતિ પ્રમાણે એ ય ફળ આપે છે અને આ ય ફળ આપે છે. એની અજાગૃત પ્રકૃતિ છે. અજાગૃત એટલે સહજ પ્રકૃતિ.

પ્રશ્નકર્તા : કેટલા વખત આમ આપણે સહન કરવું જોઈએ ?

દાદાશ્રી : સહન કરવાથી તો શક્તિ બહુ વધે.

પ્રશ્નકર્તા : એટલે સહન જ કર્યા કરવું એમ ?

દાદાશ્રી : સહન કરવા કરતાં એની ઉપર વિચારવું સારું છે. વિચારથી એનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને તે સ્પ્રીંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાન-મેદાન કરી નાખે. સહનશીલતા તો સ્પ્રીંગ છે. સ્પ્રીંગ ઉપર લોડ નહીં મૂકવો કોઈ દહાડો ય. એ તો ઠીક છે થોડા પૂરતું. હવે રસ્તામાં કો'કની જોડે જતાં-આવતાં એ થયું હોય, ત્યાં જરાક એ સ્પ્રીંગ વાપરવાની છે. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય ? સ્પ્રીંગ કૂદે એ તો.

પ્રશ્નકર્તા : સહનશીલતાની લિમિટ કેટલી રાખવાની ?

દાદાશ્રી : એને અમુક હદ સુધી સહન કરવું. પછી વિચારીને એણે તપાસ કરવી કે શું છે આ હકીકતમાં. વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે ! એકલું સહન કર કર કરશો તો સ્પ્રીંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચારે કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે ! એ બધું એનું સમાધાન કરી આપશે. મહીં અંદર અનંત શક્તિ છે, અનંત શક્તિ. તમે માંગો એ શક્તિ મળે એવી છે. આ તો અંદર શક્તિ ખોળતો નથી ને બહાર શક્તિ ખોળે છે. બહાર શું શક્તિ છે ?

ઘેર ઘેર ભડકા સહન કરવાથી જ થાય છે. હું કેટલું સહન કરું, મનમાં એમ જ માને છે. બાકી વિચારીને રસ્તો કાઢવો જોઈએ. જે સંજોગો બાઝયા છે, જો સંજોગો કુદરતનું નિર્માણ છે અને તું હવે શી રીતે છટકી નાસીશ ? નવા વેર બંધાય નહીં અને જૂનાં વેર છોડી દેવાં હોય તો, એનો રસ્તો કાઢવો જોઈએ. આ અવતાર વેર છોડવા માટે છે. અને વેર છોડવા માટેનો રસ્તો છે, દરેક જોડે સમભાવે નિકાલ ! પછી તમારા છોકરાઓ કેવાં સારા સંસ્કારી થાય !

પ્રશ્નકર્તા : મારી બેનપણીએ પ્રશ્ન પૂછાવ્યો ને ! તેમના પતિ હંમેશાં તેમના ઉપર ગુસ્સે થાય છે તો એનું શું કારણ હશે ?

દાદાશ્રી : તે સારું, લોકો ગુસ્સે થાય, તેના કરતાં પતિ થાય એ સારું. ઘરનાં માણસ છે ને !

એવું છે, આ લુહાર લોકો જાડું લોખંડ હોય અને એને વાળવું હોય તો ગરમ કરે. શું કામ કરે ? આમ ઠંડું ના વળે એવું હોય, તો લોખંડને ગરમ કરીને પછી વાળે. તે પછી બે હથોડીઓ મારે એટલામાં વળી જાય. આપણે જેવું બનાવવું હોય ને એવું બની જાય. દરેક વસ્તુ ગરમ થાય એટલે વળે જ હંમેશાં. જેટલી ગરમી એટલો નબળો અને નબળો એટલે એક-બે હથોડી મારી કે આપણે એ ધણીની જેવી ડિઝાઈન આપણે જોઈતી હોય, એવી ડિઝાઈન કરી નાખવી જોઈએ.

પ્રશ્નકર્તા : કેવી ડિઝાઈન કરવી જોઈએ, દાદા ? હાથમાં આવ્યા પછી શું ?

દાદાશ્રી : આપણે જેવી બનાવી હોય એવી બને ડિઝાઈન. એના ધણીને પોપટ જેવો બનાવી દે. 'આયા રામ' બઈ કહેશે ત્યારે એ ય કહેશે, 'આયા રામ'. 'ગયા રામ' ત્યારે કહે, 'ગયા રામ'. એવો પોપટ જેવો બની જશે, પણ લોકો હથોડી મારવાનું જાણતાં નથી ને ! એ બધું નબળાઈ છે, ગુસ્સો થઈ જવો એ બધું નબળાઈઓ છે બધી.

તમે આવતાં હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ગુસ્સો બહુ કરો ?

પ્રશ્નકર્તા : નહીં, એ તો 'હેપન' (બની ગયું) છે.

દાદાશ્રી : ના, પણ ગુસ્સો કેમ કરતાં નથી ત્યાં આગળ ?! એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ગુસ્સો કેવી રીતે થાય ?

પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને માર્યો નથી.

દાદાશ્રી : એટલે આપણી પાસે કંટ્રોલ છે ક્રોધનો. તો આપણે એમ જાણીએ છીએ કે જાણી-જોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં કંટ્રોલ રાખી શકીએ છીએ. કંટ્રોલ તો છે જ. પછી કહે છે, 'મને ગુસ્સો આવી જાય છે.' મૂઆ, ત્યાં કેમ નથી આવતો ? પોલીસવાળા જોડે, પોલીસવાળા ટૈડકાવે તે ઘડીએ કેમ ગુસ્સો નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ગુસ્સો આવે, પાડોશી પર, 'અન્ડરહેન્ડ' (હાથ નીચેના) જોડે ગુસ્સો આવે ને 'બોસ' (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ગુસ્સો માણસને આવી શકતો નથી. આ તો એ એનું ધાર્યું કરવું છે.

પ્રશ્નકર્તા : ઘરમાં કે બહાર ફ્રેન્ડસ્માં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના થાય, તો પછી આપણને ગુસ્સો કેમ આવે ? ત્યારે શું કરવું ?

દાદાશ્રી : બધા માણસ પોતાના ધાર્યા પ્રમાણે કરવા જાય, તો શું થાય ? આવો વિચાર જ કેમ આવે તે ? તરત જ વિચાર આવવો જોઈએ કે બધાય જો એના ધાર્યા પ્રમાણે કરવા જશે તો અહીં આગળ વાસણો તોડી નાખશે સામસામી અને ખાવાનું નહીં રહે. માટે ધાર્યા પ્રમાણે કોઈ દા'ડો કરવું નહીં. ધારવું જ નહીં, એટલે ખોટું પડે જ નહીં. જેને ગરજ હોય તે ધારશે, એવું રાખવું.

પ્રશ્નકર્તા : આપણે ગમે એટલા શાંત રહીએ, પણ પુરુષો ગુસ્સે થઈ જાય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : એ ગુસ્સે થઈ જાય ને વઢંવઢા કરવી હોય તો આપણે ય ગુસ્સો કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે ? ગમે છે ખરી, ફિલ્મ ?

પ્રશ્નકર્તા : ના, ફિલ્મ નથી ગમતી.

દાદાશ્રી : ગુસ્સે થઈને શું કરવાનું ? એ માણસ પોતે ગુસ્સે થતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ગુસ્સે થાય છે. પોતે ગુસ્સે થતાં નથી. પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ગુસ્સો ના થયો હોત તો સારો.

પ્રશ્નકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ?

દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડીવાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.

પ્રશ્નકર્તા : મને ને મારાં હસબંડને ગુસ્સો ને ચડસાચડસી થઈ જાય છે, જીભાજોડી ને એ બધું. તો શું કરવું મારે ?

દાદાશ્રી : તે ગુસ્સો તું કરું છું કે એ ? ગુસ્સો કોણ કરે છે ?

પ્રશ્નકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે.

દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, 'કેમ તું આવું કરું છું ?' કરેલા તે ભોગવવા જ પડે ને ! પણ આ પ્રતિક્રમણ(પસ્તાવો) કરે તો બધાં દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા તે આપણે પાછા ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.

પ્રશ્નકર્તા : પણ પતિ-પત્ની વચ્ચે થોડું ગુસ્સે તો થવું જ જોઈએ ને ?

દાદાશ્રી : ના. એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. ફ્રેન્ડશીપમાં નથી થતું. સાચી ફ્રેન્ડશીપમાં થતું નથી. તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય ! અહીં ના થાય, આ તો લોકોએ ઠોકી બેસાડેલું. પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું. કાયદો આવો જ છે, કહેશે ! પતિ-પત્નીમાં તો બિલકુલ ના થવું જોઈએ, બીજે બધે થાય.

પ્રશ્નકર્તા : આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે, કે સ્ત્રીએ પતિને જ પરમેશ્વર તરીકે માનવો અને એની આજ્ઞામાં રહીને ચાલવું. તો અત્યારે આ કાળમાં કેવી રીતના એ પાળવું જોઈએ ?

દાદાશ્રી : એ તો પતિ જો રામ જેવા હોય તો આપણે સીતા થવું જોઈએ. પતિ વાંકો થયો તો આપણે વાંકા ના થઈએ તો શી રીતે ચાલે ? સીધું રહેવાય તો ઉત્તમ, પણ સીધું રહેવાય નહીં ને ! માણસ શી રીતે સીધો રહી શકે, ગોદા માર-માર કરે પછી ! પછી પત્ની તે શું કરે બિચારી ? એ તો પતિએ પતિધર્મ પાળવો જોઈએ અને પત્નીએ પત્નીધર્મ પાળવો જોઈએ. અગર પતિની થોડી ભૂલો હોય તો નભાવી લે એ સ્ત્રી કહેવાય. પણ આટલું બધું આવીને ગાળો ભાંડવા માંડે, તો આ પત્ની શું કરે બિચારી ?

પ્રશ્નકર્તા : પતિ એ જ પરમાત્મા છે, એ શું ખોટું છે ?

દાદાશ્રી : આજના પતિઓને પરમાત્મા માને તો એ ગાંડા થઈને ફરે એવાં છે !

પ્રશ્નકર્તા : આ પતિ પરમેશ્વર કહેવાય ? એના રોજ દર્શન કરાય ? એનું ચરણામૃત પીવાય ?

દાદાશ્રી : એ એમને પરમેશ્વર કહે, પણ એ મરી ના જાય તો તે પરમેશ્વર. મરી જવાના તે શેના પરમેશ્વર ?! પતિ શેના પરમેશ્વર તે ?! અત્યારના પતિ પરમેશ્વર હોતાં હશે ?

પ્રશ્નકર્તા : હું તો રોજ પગે લાગું છું, પતિને.

દાદાશ્રી : એ તો છેતરતી હશે એમ કરીને. પતિને છેતરે આમ કરીને, પગે લાગીને. પતિ એટલે પતિ અને પરમેશ્વર એટલે પરમેશ્વર. એ પતિ જ ક્યાં કહે છે, 'હું પરમેશ્વર !' 'હું તો ધણી છું' એવું જ કહે છે ને ?

પ્રશ્નકર્તા : હા, ધણી છું.

દાદાશ્રી : હં. એ તો ગાયનો ય ધણી હોય, બધાના ધણી હોય. આત્મા એકલો જ પરમેશ્વર છે, શુધ્ધાત્મા.

પ્રશ્નકર્તા : ચરણામૃત પીવાય ?

દાદાશ્રી : આજના માણસો, ગંધાતા માણસોના ચરણ કેમ પીવાય તે ? આ માણસ ગંધાય, આમ બેઠો હોય તો ય ગંધાય. એ તો પેલા સુગંધીવાળા માણસ હતા ત્યારની વાત જુદી હતી. આજ તો માણસ બધા ગંધાય છે. આપણું માથું હઉ ચઢી જાય. જેમ તેમ કરીને દેખાવ કરવાનો કે પતિ-પત્ની છીએ અમે.

પ્રશ્નકર્તા : હવે બધાએ છેકી નાખ્યું છે, દાદા. હવે બધી ભણીને એટલે બધાએ ચોકડી મૂકી દીધી.

દાદાશ્રી : પતિ પરમેશ્વર થઈ બેઠા, જુઓને ! એમના હાથમાં ચોપડી લખવાની એટલે કોણ કહેવાનું, એક તરફ કરી નાખ્યું ને ? આવું ના હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : આજકાલના બૈરાં પોતાના ધણીને પહેલાના બૈરાં જેવું માન નથી આપતા.

દાદાશ્રી : હા, પહેલાના ધણી રામ હતા અને અત્યારે મરા છે.

પ્રશ્નકર્તા : આ કહે છે જમરા.

પ્રશ્નકર્તા : પતિની પ્રત્યે સ્ત્રીની ફરજ શું એ સમજાવો.

દાદાશ્રી : સ્ત્રીએ હંમેશાં પતિને સિન્સિયર રહેવું જોઈએ. પતિએ પત્નીને કહેવું જોઈએ કે, 'તમે સિન્સિયર નહીં રહો તો મારું મગજ બગડી જશે.' એને તો ચેતવણી આપવી જોઈએ. 'બીવેર' (ચેતવવાના) કરવાના, પણ દબાણ ના કરાય કે તમે સિન્સિયર રહો. પણ 'બીવેર' કહેવાય. સિન્સિયર રહેવું જોઈએ આખી જિંદગી. રાત-દિવસ સિન્સિયર, એમની જ ચિંતા હોવી જોઈએ. તારે એની ચિંતા રાખવી જોઈએ, તો જ સંસાર સારો ચાલે.

પ્રશ્નકર્તા : પતિદેવ સિન્સિયર ના રહે, પછી પત્નીનું મગજ બગડે. તો પાપ ના લાગે ને ?!

દાદાશ્રી : મગજ બગડે તો સ્વાદ ચાખે ને !! પાછો ધણીએ ચાખે ને પછી ! એવું ના કરવું જોઈએ. 'એઝ ફાર એઝ પોસિબલ' (બનતાં સુધી) અને પતિની ઇચ્છા ના હોય ને ભૂલચૂક થઈ જતી હોય તો એની પતિએ માફી માંગી લેવી જોઈએ કે હું માફી માગું છું. ફરી નહીં થાય આવું. સિન્સિયર તો રહેવું જોઈએને માણસે ?! સિન્સિયર ના રહે એ કેમનું ચાલે?

પ્રશ્નકર્તા : માફી માંગી લે પતિ, વાતવાતમાં માફી માંગી લે, પણ પાછાં એવું જ કરતાં હોય તો ?

દાદાશ્રી : ધણી માફી માંગે તો ના સમજીએ, કે કેટલો બિચારો લાચારી ભોગવે છે ! એટલે લેટ ગો કરવાનું ! એ કંઈ એને 'હેબીટ' (ટેવ) નહીં પડેલી. 'હેબિચ્યુટેડ' (ટેવાઈ) નહીં થઈ ગયેલો. એને ય ના ગમે પણ શું કરે ? પરાણે આવું થઈ જાય. ભૂલચૂક ત્યારે થાય ને !

પ્રશ્નકર્તા : પતિને હેબીટ થઈ ગઈ હોય તો શું કરવું ?

દાદાશ્રી : શું કરવાનું પછી ? કાઢી મેલાય કંઈ એને ! કાઢી મેલે તો ઢેડફજેતો થાય બહાર. ઊલટું ઢાંકી રાખવાનું, બીજું શું થાય તે ?! ગટરને ઢાંકીએ છીએ કે ઊઘાડી કરીએ છીએ ? આ ગટરોને ઢાંકણું મૂકી દેવાનું હોય કે ઊઘાડું રાખવાનું હોય ?

પ્રશ્નકર્તા : બંધ રાખવાનું.

દાદાશ્રી : નહીં તો ઊઘાડીએ તો ગંધાય, આપણું માથું ચઢી જાય.

પ્રશ્નકર્તા : આ ચાંદલો કરવાનું શા માટે, અમેરિકાની ઘણી સ્ત્રીઓ, અમને પૂછે કે તમે લોકો અહીંયા ચાંદલો કેમ કરો છો ?

દાદાશ્રી : હા. ચાંદલો એટલે, અમે છે તે આર્યસ્ત્રીઓ છીએ એટલે. અમે અનાર્ય નથી. આર્ય સ્ત્રીઓ ચાંદલાવાળી હોય. એટલે ધણી જોડે ઝઘડો થાય ગમે તેટલો, તો ય એ જતી ના રહે અને પછી ચાંદલા વગરની તો બીજે જ દહાડે જતી રહે. અને આ તો સ્ટેડી રહે, ચાંદલાવાળી. અહીંયા મનનું સ્થાન છે, તે એક પતિમાં મન એકાગ્ર રહે એટલે.

પ્રશ્નકર્તા : સ્ત્રીઓએ શું કરવું જોઈએ ? પુરુષનું તો તમે કહ્યું, પણ સ્ત્રીઓએ બે આંખમાં શું રાખવાનું ?

દાદાશ્રી : સ્ત્રીઓએ તો, એને ગમે તેવો પતિ મળ્યો હોયને, પતિ જે મળ્યા એ આપણા હિસાબનો છે. પતિ મળવો એ કંઈ ગપ્પું નથી. માટે જે પતિ મળ્યો એના તરફ એક પતિવ્રતા થવાનો પ્રયત્ન કરજો. અને એવું જો ના થાય તો એની પાછા ક્ષમાપના લો. પણ તારી દ્રષ્ટિ આવી હોવી જોઈએ. અને પતિ જોડે પાર્ટનરશીપમાં કેમ આગળ વધાય, ઉર્ધ્વગતિ થાય, કેમ મોક્ષે જવાય એવા વિચારો કર.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12