ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

કર્મનું વિજ્ઞાન

કરીએ છીએ કે કરવું પડે છે ?

દાદાશ્રી : તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાં ય તારે એવું કંઈ કરવું પડે ? એવું કંઈ થાય છે તારે કોઈ દહાડો ય ? એવું બને કે નહીં ?

પ્રશ્નકર્તા : હા. એવું બને છે.

દાદાશ્રી : લોકોને થતું હશે કે નહીં ? એનું શું કારણ ? કે ઈચ્છા ના હોય ને કરવું પડે છે. એ પૂર્વકર્મ કરેલું છે, તેની આ ઈફેક્ટ આવી. પરાણે કરીએ, તેનું શું કારણ ?

જગતના લોકો આ ઈફેક્ટને જ કૉઝ કહે છે અને પેલી ઈફેક્ટ તો સમજતા જ નથી ને ! આ જગતના લોકો આને કૉઝ કહે, તો આપણે કહીએ નહીં કે મારી ઈચ્છા નથી તે શી રીતે આ કાર્ય કર્યું મેં ? હવે જે ઈચ્છા નથી એ કર્મ 'મેં કર્યું,' એ શી રીતે કહો છો ? કારણ કે જગત શાથી કહે છે એને, 'તમે કર્મ કયુર્ં' એમ ? કારણ કે દેખીતી ક્રિયાને જ જગતના લોકો કર્મ કર્યું કહે છે. લોક કહેશે કે આ આણે જ કર્મ બાંધ્યું. જ્યારે જ્ઞાનીઓ એને સમજી જાય કે આ તો પરિણામ આવ્યું.

કોણે મોકલ્યા પૃથ્વી પર ?

પ્રશ્નકર્તા : આપણે આપણી મેળે જન્મ્યા છીએ કે આપણને કોઈ મોકલનાર છે ?

દાદાશ્રી : કોઈ મોકલનાર છે નહીં. તમારા કર્મો જ તમને લઈ જાય છે. ને તરત જ ત્યાં અવતાર મળે છે. સારાં કર્મો હોય તો સારી જ જગ્યાએ જન્મ થાય, ખોટાં કર્મો હોય તો ખોટી જગ્યાએ થાય.

કર્મનો સિધ્ધાંત શું ?

પ્રશ્નકર્તા : કર્મની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ કર્મની વ્યાખ્યા. 'હું કરું છું' એવો આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. 'હું કરતો નથી' અને 'કોણ કરે છે' એ જાણો એટલે આને નિરાધાર કરે ને, તો કર્મ પડી જાય.

પ્રશ્નકર્તા : કર્મનો સિધ્ધાંત એટલે શું ?

દાદાશ્રી : તું વાવમાં અંદર ઉતરી જઈને બોલું કે 'તું ચોર છે.' એટલે વાવ શું બોલે ?

પ્રશ્નકર્તા : 'તું ચોર છે.' એમ આપણે બોલેલાનો પડઘો પાડે છે.

દાદાશ્રી : બસ, બસ. જો તને આ ના ગમતું હોય, તો આપણે કહીએ કે 'તું બાદશાહ છે.' એટલે એ તને 'બાદશાહ' કહે. તને ગમે એ કહે, એ કર્મનો સિધ્ધાંત ! તને વકીલાત ગમે તો વકીલાત કર. ડૉકટરી ગમે તો ડૉક્ટરી કર. કર્મ એટલે એક્શન ! રિએક્શન એટલે શું ? એ પડઘો છે. રિએક્શન પડઘાવાળું છે. એનું ફળ આવ્યા વગર રહે નહીં.

એ વાવ શું કહેશે ? તે આ જગત બધું પ્રોજેક્ટ આપણું જ છે. જે તમે કર્મ કહેતા'તાને, એ પ્રોજેક્ટ છે.

પ્રશ્નકર્તા : કર્મનો સિધ્ધાંત ખરો કે નહીં ?

દાદાશ્રી : આખું જગત કર્મનો સિધ્ધાંત જ છે, બીજું કશું છે જ નહીં. અને તમારી જ જોખમદારીથી બંધન છે. આ બધું પ્રોજેક્શન જ તમારું છે. આ દેહે ય તમે જ ઘડ્યો છે. તમને જે જે ભેગું થાય છે, તે બધું તમારું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી તમારી જ છે આ બધી, અનંત અવતારથી.

આપણું જ 'પ્રોજેક્શન' !

વાવમાં જઈને પ્રોજેક્ટ કરે, એનાં ઉપરથી લોક એમ કહેશે કે બસ, પ્રોજેક્ટ કરવાની જ જરૂર છે. આપણે પૂછીએ કે શાથી આવું કહો છો ? ત્યારે કહેશે કે વાવમાં જઈને હું પહેલાં બોલ્યો હતો કે 'તું ચોર છે.' તો વાવે મને એમ કીધું કે 'તું ચોર છે.' પછી મેં પ્રોજેક્ટ ફેરવ્યો કે 'તું રાજા છું.' તો એણે પણ 'રાજા' કહ્યું. ત્યારે અલ્યા, એ પ્રોજેક્ટ તારા હાથમાં જ ક્યાં છે તે ? પ્રોજેક્ટ ફેરવો એ વાત તો સાચી છે, પણ તે પાછું હાથમાં નથી. હા, સ્વતંત્ર છે ય ખરો અને નથી ય ખરો. 'નથી' વધારે અને 'છે' ઓછું. એવું આ પરસત્તાવાળું જગત છે. સાચું જ્ઞાન જાણ્યા પછી સ્વતંત્ર છે, નહીં તો ત્યાં સુધી સ્વતંત્ર નથી !

પણ હવે પ્રોજેક્ટ બંધ કેમ થાય ? પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જડે નહીં આમાંથી, આ બધા ભાગમાં, 'હું આ છું કે તે છું ?' ત્યાં સુધી ભટકવાનું છે. આ દેહ તે હું ન્હોય. આ આંખો ય હું ન્હોય. અંદર બીજા બધાં બહુ સ્પેરસ્પાર્ટસ્ છે, એ બધામાં 'હું ચંદુભાઈ છું' એવું હજુ ભાન છે. આ સરવૈયું નથી કાઢી શકતા, એટલે એ શું જાણે છે ? આ ત્યાગ કરું છું, તે જ હું છું. એટલે 'હું' તો ક્યાંય ઠેકાણે ના રહ્યો એમને. એ જાણે છે કે આ તપ કરે છે, તે જ 'હું' છું. આ સામાયિક કરે છે, તે જ 'હું' છું. આ વ્યાખ્યાન કરે છે, તે જ 'હું' છું. 'હું કરું છું.' એવું ભાન છે ત્યાં સુધી નવો પ્રોજેક્ટ કર્યા કરે છે. જૂના પ્રોજેક્ટ પ્રમાણે ભોગવ્યા કરે છે. કર્મનો સિધ્ધાંત સમજતા હોય ને, તો મોક્ષનો સિધ્ધાંત જાણી જાય.

રોંગ બિલીફથી કર્મ બંધન !

તમારું નામ શું છે ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો ?

પ્રશ્નકર્તા : એ કેમ કહી શકાય ? બધાને જે લાગે એ જ સાચું.

દાદાશ્રી : તો પછી ખરેખર તો ચંદુભાઈ છો, નહીં ? તમને ખાત્રી નથી ? 'માય નેમ ઈઝ ચંદુભાઈ' બોલો છો તમે તો ?

પ્રશ્નકર્તા : મને તો ખાત્રી જ છે.

દાદાશ્રી : માય નેમ ઈઝ ચંદુભાઈ, નોટ આઈ. તો તમે ખરેખર ચંદુભાઈ છો કે બીજું છો ?

પ્રશ્નકર્તા : એ બરાબર, કંઈક અલગ જ છીએ. એ તો હકીકત છે.

દાદાશ્રી : ના. આ ચંદુભાઈ તો ઓળખવાનું સાધન છે, કે ભઈ, આ દેહવાળા, આ ભઈ, તે ચંદુભાઈ છે. તમે ય એવું જાણો કે આ દેહનું નામ ચંદુભાઈ છે. પણ 'તમે કોણ છો ?' એ જાણવાનું નહીં ?

પ્રશ્નકર્તા : એ જાણવું જોઈએ. જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.

દાદાશ્રી : એટલે શેનાં જેવું થયું કે તમે ચંદુભાઈ નથી છતાં તમે આરોપ કરો છો, ચંદુભાઈના નામથી બધો લાભ ઉઠાવી લો છો. આ બઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં. તે લાભ ઉઠાવો છો ને તેનાં નિરંતર કર્મ બંધાયા જ કરે છે. તમે આરોપિત ભાવમાં છો, ત્યાં સુધી કર્મ બંધાયા કરે. જ્યારે 'હું કોણ છું ?' એ નક્કી થયા પછી તમને કર્મ બંધાય નહીં.

એટલે અત્યારે ય કર્મ બંધાઈ રહ્યા છે ને રાતે ઊંઘમાં ય કર્મ બંધાય છે. કારણ કે 'હું ચંદુભાઈ છું' એવું માનીને ઊંઘે છે. 'હું ચંદુભાઈ છું.' એ તમારી રોંગ બિલીફ છે, એનાંથી કર્મ બંધાય છે.

ભગવાને મોટામાં મોટું કર્મ કયું કહ્યું ? રાત્રે 'હું ચંદુભાઈ છું' કહીને સૂઈ ગયા અને પછી આત્માને કોથળામાં પૂર્યો, તે મોટામાં મોટું કર્મ !

કર્તાપદથી કર્મબંધન !

પ્રશ્નકર્તા : કર્મ શાથી બંધાય છે ? હજુ જરા વધુ સમજાવો.,

દાદાશ્રી : કર્મ શાથી બંધાય છે, એ તમને કહું ? કર્મ તમે કરતાં નથી છતાં ય તમે માનો છો કે 'હું કરું છું.' માટે બંધન તમારું જતું નથી. ભગવાન પણ કર્તા નથી. ભગવાન કર્તા હોત તો એમને બંધન થાત. એટલે ભગવાન કર્તા નથી ને તમે ય કર્તા નથી. પણ તમે માનો છો 'હું કરું છું.' તેથી કર્મ બંધાય છે.

કોલેજમાં પાસ થયા, તે બીજી શક્તિને આધારે થાય છે ને તમે કહો છો કે હું પાસ થયો. એ આરોપિત ભાવ છે. તેનાથી કર્મ બંધાય છે.

વેદાંતે પણ સ્વીકાર્યો નિરીશ્વરવાદ !

પ્રશ્નકર્તા : તો પછી કોઈ શક્તિથી થતું હોય, તો કોઈ ચોરી કરે તો એ ગુનો નહીં અને કોઈ દાન આપે તો એ પણ, બધું સરખું જ કહેવાય ને !

દાદાશ્રી : હા. સરખું જ કહેવાય, પણ તે પાછું સરખું રાખતાં નથી. દાન આપનાર આમ છાતી કાઢીને ફરે છે, એટલે તો બંધાયો અને ચોરી કરનારો કહે છે, 'મને કોઈ પકડે જ નહીં, ભલભલાની ચોરી કરું.' એટલે મૂઓ એ બંધાયો. 'મેં કર્યું' એવું કહે નહીં, તો કશું અડે નહીં.

પ્રશ્નકર્તા : એવી એક માન્યતા છે કે પ્રાથમિક કક્ષામાં આપણે એમ માનીએ છીએ કે ઇશ્વર કર્તા છે. આગળ જતાં નિરીશ્વરવાદ સિવાય, વેદમાં ય કંઈ છે નહીં. ઉપનિષદમાં પણ નિરીશ્વરવાદ જ છે. ઇશ્વર કર્તા નથી, કર્મનાં ફળ દરેકને ભોગવવાં પડે છે. હવે એ કર્મનાં ફળ ભવોભવનાં ચાલ્યા કરતાં હશે ?

દાદાશ્રી : હાસ્તોને, કર્મ એવું છે ને આ કેરીમાંથી આંબો અને આંબામાંથી કેરી, કેરીમાંથી આંબો ને આંબામાંથી કેરી !

પ્રશ્નકર્તા : એ તો ઉત્ક્રાંતિનો નિયમ થયો, એ તો થયાં જ કરવાનું.

દાદાશ્રી : ના, એ જ કર્મફળ. એ કેરી ફળ આવી, તે ફળમાંથી બી પડે ને પાછું ઝાડ થાય ને ઝાડમાં પાછું ફળ થાય ને ! એ ચાલ્યા જ કરવાનું, કર્મમાંથી કર્મબીજ પડયાં જ કરે.

પ્રશ્નકર્તા : તો પછી એ શુભ-અશુભ કર્મ બંધાયા જ કરે, છૂટે જ નહીં.

દાદાશ્રી : હા, ઉપર ગર્ભ ખઈ લે અને ગોટલો પાછો પડે.

પ્રશ્નકર્તા : એ તો ફરી ત્યાં આંબો ઉત્પન્ન થાય.

દાદાશ્રી : છૂટે જ નહીં ને !

જો તમે ઈશ્વરને કર્તા માનો તો પછી તમે તમારી જાતને કર્તા શું કામ માનો છો ? આ તો પાછો પોતે હઉ કર્તા થઈ બેસે છે ! મનુષ્ય એકલો જ એવો છે કે જે 'હું કર્તા છું' એવું ભાન ધરાવે છે, અને જ્યાં કર્તા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે. તેને ભગવાન કહે છે, 'ભઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો.' પછી ભગવાનને ને તમારે શું લેવાદેવા ?

પોતે કર્તા માને છે તેથી કર્મ થાય છે. પોતે જો એ કર્મનો કર્તા ના માને તો કર્મનો વિલય થાય છે.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14