ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

અજાણ્યે કરેલાં કર્મોનું ફળ ખરું ?

પ્રશ્નકર્તા : જાણીને કરેલો ગુનાનો દોષ કેટલો લાગે ? અને અજાણ્યા કરેલી ભૂલોનો કેટલો દોષ લાગતો હશે ? અજાણમાં કરેલી ભૂલોને માફી થતી હશે ને ?

દાદાશ્રી : કોઈ કંઈ એવા ગાંડા નથી કે આવું માફ કરે. તમારા અજાણપણાથી કોઈ માણસ મરી ગયો. કોઈ કંઈ નવરો નથી કે માફ કરવા આવે. હવે અજાણતાથી દેવતામાં હાથ પડે તો શું થાય ?

પ્રશ્નકર્તા : દાઝી જવાય.

દાદાશ્રી : તરત ફળ ! અજાણથી કરો કે જાણીને કરો.

પ્રશ્નકર્તા : અજાણમાં કરેલી ભૂલોને આ રીતે ભોગવવી પડે, તો જાણ્યા પછી કેટલું ભોગવવું પડે ?

દાદાશ્રી : હા, એટલે એ જ હું તમને સમજાવું કે અજાણથી કરેલા કર્મ, એ કેવી રીતે ભોગવવાના ? ત્યારે કહે, એક માણસે બહુ પુણ્યકર્મ કર્યા હોય. રાજા થવાના પુણ્યકર્મ કર્યા પણ અજાણમાં કર્યા હોય, સમજીને નહીં. લોકોને જોઈ જોઈને એવાય કર્મ પોતે કર્યા. તે પછી સમજયા વગર રાજા થાય એવા કર્મો બાંધે છે. હવે એ પાંચ વર્ષની ઉંમરે રાજા ગાદી પર આવ્યો હોય. ફાધર ઓફ થઈ ગયા એટલે અને ૧૧મે વર્ષે એને છે તે છ વર્ષ રાજ કરવાનું હતું, તે ૧૧ વર્ષે છૂટો કર્યો. હવે બીજા માણસને ૨૮ વર્ષે જો રાજા થયો અને ૩૪ વર્ષે છૂટો થયો. એમાં કોણે વધારે સુખ ભોગવ્યું ? છ વર્ષ બેઉને રાજ મળ્યું.

પ્રશ્નકર્તા : ૨૮ વર્ષે આવ્યો ને એ ૩૪ વર્ષે ગયો એ.

દાદાશ્રી : એણે જાણીને પુણ્ય બાંધેલું, તેથી આ જાણીને ભોગવ્યું. પેલાએ અજાણ્યા પુણ્ય કરેલું, તે અજાણે ભોગવ્યું. એવું અજાણ્યા પાપ બાંધો તો અજાણથી ભોગવાઈ જાય અને અજાણ્યે પુણ્ય કરો તો અજાણે ભોગવાઈ જાય. મજા ના આવે. સમજમાં આવે છે ને ?

અજાણે કરેલા પાપ હું તમને સમજાવું. આ બાજુ બે વંદા જતા હતા, મોટા-મોટા વંદા અને આ બાજુ આ બે ભઈબંધો જતા હતા. તે એક ભઈબંધનો પગ છે તે વંદા ઉપર પડ્યો, તે વંદો કચડાઈ ગયો અને બીજા ભઈબંધે વંદો જોયો કે ઘસી ઘસીને માર્યો. બેઉ જણે શું કામ કર્યું ?

પ્રશ્નકર્તા : વંદાને માર્યો.

દાદાશ્રી : બંને ખૂની ગણાય, કુદરતને ત્યાં. તે વંદાના ઘરના માણસોએ કરી ફરિયાદ કે અમારા બંનેના ધણીને આ છોકરાઓએ મારી નાખ્યા છે. બન્નેનો ગુનો સરખો છે. બંને ગુનેગાર ખૂની તરીકે જ પકડાયા. ખૂન કરવાની રીત જુદી જુદી છે. પણ હવે એનું ફળ આપતી વખતે બંનેને શું ફળ મળે છે ? ત્યારે કહે, બંનેને બે ધોલ અને ચાર ગાળો એવી સજા થઈ. હવે પેલો જેણે અજાણથી કરેલું આ બધું, તે માણસ બીજે જન્મે મજૂર તરીકે હતો. તે એને કો'કે બે ધોલ મારી દીધી અને ચાર ગાળો ચોપડી દીધી. તે થોડેક છેટે જઈને કે આમ આમ ખંખેરી દીધું ને પેલો બીજે જન્મે ગામમાં આગેવાન હતો, બહુ મોટો સારામાં સારો માણસ. એને કો'કે બે ધોલ મારી અને ચાર ગાળો દીધી, તે કેટલાંય દહાડા સુધી ઊંઘ્યો નથી એ. કેટલાં દા'ડા ભોગવ્યું ! આ તો જાણીને મારેલું, પેલાએ આ અજાણતા કરેલું. માટે સમજીને કરજો આ બધું. જે કરોને એ જવાબદારી આપણી છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. ગોડ ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ.

પ્રારબ્ધ ભોગવ્યે જ છૂટકો !

પ્રશ્નકર્તા : મુખ્ય તો આપણા જ કર્મ નડે.

દાદાશ્રી : બીજું કોણ ત્યારે ! બીજુ કોઈ કરતું નથી. બહારનું કોઈ કરતું નથી. તમારા જ કર્મ પજવે છે તમને. વાઈફ ડાહી લાવે અને પછી ગાંડી થઈ જાય. તે કંઈ કો'કે કરી ? એ આપણાં જ કર્મના ઉદયે એ ગાંડી થઈ જાય. એટલે આપણે એ મનમાં સમજી જવાનું કે મારા જ ભોગ છે, મારા જ હિસાબ છે ને મારે ચૂકવી દેવા છે જેને તેને. આઈ ફસાયા ભઈ, આઈ ફસાયા.

પોતાને ભોગવ્યા વગર છૂટકો નહીં. પ્રારબ્ધ અમારે ય ભોગવવું પડે, બધાંને, મહાવીર પ્રભુ હઉ ભોગવતા. ભગવાન મહાવીરને તો દેવલોકો હેરાન કરતાં, તે ય ભોગવતા'તા. મોટા મોટા દેવલોકો માંકણ નાખતાં હતાં.

પ્રશ્નકર્તા : એ એમને પ્રારબ્ધ ભોગવવાનું થયું ને ?

દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! એ પોતે સમજતા હતા કે આ દેવલોકો કરે છે ત્યારે કહે, છતાં પ્રારબ્ધ મારું છે.

કયા કર્મોથી દેહને ભોગવટો ?

પ્રશ્નકર્તા : કયા કર્મના આધારે શરીરનાં રોગો થાય ?

દાદાશ્રી : લૂલો-લંગડો થઈ જાય છે ને ! હા, તે બધું શું થયું છે ? એ શેનું ફળ છે ? એ આપણે કાનનો દુરુપયોગ કરીએ તો કાનનું નુકસાન થઈ જાય. આંખનો દુરુપયોગ કરીએ તો આંખ જતી રહે, નાકનો દુરુપયોગ કરે તો નાક જતું રહે, જીભનો દુરુપયોગ કરે તો જીભ ખરાબ થાય, મગજનો દુરુપયોગ કરે તો મગજ ખરાબ થાય, પગનો દુરુપયોગ કરે તો પગ ભાંગી જાય, હાથનો દુરુપયોગ કરે તો હાથ તૂટી જાય. એટલે જેનો દુરુપયોગ કરે તે ફળ ભોગવવું પડે, અહીં આગળ.

નિર્દોષ બાળકોને કેમ ભોગવવાનું ?

પ્રશ્નકર્તા : ઘણી વખત એવું જોવામાં આવે છે કે નાના બાળકો જન્મે છે ત્યાંથી જ અપંગ ને એવાં હોય છે. પાંગળા હોય છે. કેટલાંક નાના છોકરાંઓ કુતુબમિનાર ને હિમાલય દર્શનની દુર્ઘટનાઓમાં મરી જાય છે. તો કહે, આ નાના નાના બાળકોએ શું પાપ કરેલું હશે, તે એમને એવું થાય છે ?

દાદાશ્રી : પાપ કરેલું જ, એનો હિસાબ ચૂકતે થયો. એટલે દોઢ વર્ષનો થયો, મા-બાપ જોડે ને બધાનો હિસાબ પૂરો થયો એટલે જતો રહ્યો. હિસાબ ચૂકતે કરવો જોઈએ. આ હિસાબ ચૂકતે કરવા માટે આવે છે.

પ્રશ્નકર્તા : મા-બાપે કરેલા દુષ્કૃત્યનું ફળ આપવા માટે પેલું બાળક આવેલું હતું ?

દાદાશ્રી : મા-બાપ જોડે જે હિસાબ ગોઠવાયેલો છે. જેટલું દુઃખ આપવાનું હોય તો દુઃખ આપી જાય અને સુખ આપવાનું હોય તો સુખ આપીને જાય અને એક-બે વર્ષનો મરી જાય, તે થોડુંક જ દુઃખ આપીને જાય અને એક બાવીસ વર્ષનો પરણીને મરી જાય તો વધારે દુઃખ આપે. એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : એ તો બને, બરોબર છે.

દાદાશ્રી : એટલે આ દુઃખ આપવા માટે હોય છે ને કેટલાંક છે તે મોટી ઉંમરના થઈને સુખ આપે છે. છેક સુધી આખી જીંદગી સુખ આપે છે. એ દુઃખ ને સુખ આપવા માટે જ બધા સામસામી સંબંધ છે ! આ રિલેટિવ સંબંધ છે.

આજના કુકર્મોનું ફળ આ ભવમાં જ ?

પ્રશ્નકર્તા : આ જે કર્મનું ફળ આવે છે. તો ધારો કે દાખલા તરીકે આપણે કો'કનાં વિવાહમાં ફાચર મારી. તો પછી પાછું એવું જ ફળ આપણને આવતા ભવમાં મળે ? આપણાં વિવાહમાં કોઈ એ જ માણસ ફાચર મારે ? એવી રીતનું બને ખરું, કર્મનું ફળ ? એવાં જ પ્રકારે અને એવી ડીગ્રી ?

દાદાશ્રી : ના, આ ભવમાં મળે. વિવાહમાં ફાચર મારો, એ તો પ્રત્યક્ષ જેવું જ કહેવાય અને પ્રત્યક્ષનાં ફળ અહીં જ મળે.

પ્રશ્નકર્તા : આપણે કોઈનાં વિવાહમાં ફાચર મારી, તે પહેલાં આપણે વિવાહ કરી લીધાં હોય તો ક્યાંથી મળે ?

દાદાશ્રી : ના, એ એવું એ જ જાતનું ફળ મળે, એવું નહીં. એ તમે એનું જે મન દુખાડ્યું એવું તમારું મન દુખવાનો રસ્તો જડશે. એ તો કો'કને છોડીઓ ના હોય, શી રીતે ફળ આપે ? બીજા લોકોની છોડીઓને ફાચર મારે અને પોતાને છોડીઓ હોય નહીં ! અને આ ભવમાં જ કર્મનું ફળ મળે. આ ભવમાં જ ફળ મળ્યા વગર રહે નહીં. એવું છે ને, પરોક્ષ કર્મનું ફળ આવતા ભવમાં મળે અને પ્રત્યક્ષનું ફળ આ ભવમાં મળે.

પ્રશ્નકર્તા : પરોક્ષ શબ્દનો અર્થ શું ?

દાદાશ્રી : જે આપણને જણાતું નથી તે કર્મ.

પ્રશ્નકર્તા : કોઈ માણસનું દસ લાખ રૂપિયાનું નુકસાન કરવાનાં મેં ભાવ કર્યા હોય તો મને એવું જ નુકસાન પાછું મળે ?

દાદાશ્રી : ના, નુકસાન નહીં. એ તો બીજા રૂપમાં, તમારું એટલું જ દુઃખ થાય. જેટલું દુઃખ એને તમે ધર્યું એટલું જ દુઃખ તમને થાય. પછી છોકરો રૂપિયા વાપરી નાખીને દુઃખી કરે કે ગમે તે રસ્તે, પણ એટલું જ દુઃખ થાય તમને. એ બધો આ હિસાબ નહીં, બહારનો હિસાબ નહીં. એટલે આ ભીખારાં બોલે છે ને બધાં અહીં, રસ્તામાં બોલતો'તો એક જણ, 'એ તો અમે ભીખ માંગીએ છીએ, તે અમે આપેલું છે, તે તમે પાછું આપો છો.' નાગું બોલે એ તો, 'તમે આપો છો, તે અમે આપેલું છે તે આપો છો અને નહીં તો અમે તમને આપીશું' કહે છે. બેમાંથી એક તો થાય ! ના, એવું નથી. તમે કોઈની આંતરડી ઠારી, તમારી આંતરડી ઠારશે. તમે એની આંતરડી દુખાડી તો દુખાશે, બસ. આ બધાં કર્મ છેવટે રાગ-દ્વેષમાં જાય છે. રાગ-દ્વેષનું ફળ મળે છે. રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુઃખ મળશે.

પ્રશ્નકર્તા : આ જે આપે કહ્યું ને કે રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુઃખ તો આ છે તો પરોક્ષ ફળની વાત છે કે પ્રત્યક્ષ ફળની ?

દાદાશ્રી : પ્રત્યક્ષ નર્યું ! એવું છે ને, રાગથી પુણ્યૈ બંધાય અને પુણ્યૈથી લક્ષ્મી મળી. હવે લક્ષ્મી મળી, પણ વપરાતી વખતે પાછું દુઃખ આપીને જાય એટલે આ બધાં સુખ જે તમે લો છો, એ લોન ઉપરનાં સુખ છે. માટે જો ફરી પેમેન્ટ કરવાનાં હોય તો જ લેજો આ સુખ. હા, તો જ સુખ ચાખજો, નહીં તો ચાખશો નહીં. હવે આપણે ભરવાની શક્તિ નથી, હવે પાછું પેમેન્ટ કરવાની, તો એ ચાખવાનું બંધ કરી દો. બાકી, આ લોન ઉપરનાં સુખ છે બધાં. કોઈ પણ પ્રકારનું સુખ એ લોન ઉપર લીધેલું છે.

પુણ્યનું ફળ સુખ, પણ સુખે ય લોન ઉપરનું અને પાપનું ફળ દુઃખ, દુઃખે ય લોન ઉપરનું. એટલે બધું લોન ઉપર છે આ બધું. તો સોદો ના કરવો હોય તો ના કરશો. તેથી પુણ્ય ને પાપ હેય (ત્યજવા યોગ્ય) ગણ્યું.

પ્રશ્નકર્તા : આ પહેલાં આપેલું હોય અને અત્યારે પાછું લઈએ, એટલે હિસાબ ચૂકતે થયો. એટલે એને તો લોન પર લીધેલું ના કહેવાય ને ?

દાદાશ્રી : અત્યારે જે સુખો ચાખો છો, એ બધાં પાછાં આવેલાં નથી, પણ ચાખો છો આ બધાં. તે પેમેન્ટ કરવું પડશે. હવે પેમેન્ટ તે કેવી રીતે કરવું પડે ? કેરી સરસ ખાધી, તો તે દહાડે ખુશ થઈ ગયાં અને સુખ ઉત્પન્ન થયું આપણને. આનંદમાં દિવસ ગયો. પણ બીજી વખતે કેરી ખરાબ આવશે, તે એટલું જ દુઃખ આવશે. પણ જો આમાં સુખ ના લો, તો એ દુઃખ નહીં આવે.

પ્રશ્નકર્તા : એમાં મૂર્છા ન હોય તો ?

દાદાશ્રી : તો પછી કેરી ખાવામાં વાંધો નહીં.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14