ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

'વ્યવસ્થિત શક્તિ' અને કર્મ !

પ્રશ્નકર્તા : આપ જે 'વ્યવસ્થિત' કહો છો તે કર્મ પ્રમાણે છે ?

દાદાશ્રી : કર્મથી કંઈ જગત ચાલતું નથી. જગત 'વ્યવસ્થિત શક્તિ' ચલાવે છે. તમને અહીં કોણ તેડી લાવ્યું ? કર્મ ? ના. તમને 'વ્યવસ્થિત' તેડી લાવ્યું. કર્મ તો મહીં પડ્યું જ હતું. તે ગઈ કાલે કેમ ના તેડી લાવ્યું ને આજે લાવ્યું ? 'વ્યવસ્થિત' કાળ ભેગો કરે, ભાવ ભેગો કરે. બધાં જ સંયોગો ભેગા થયા, તે તું અહીં આવ્યો. કર્મ તો 'વ્યવસ્થિત'નો એક અંશ છે. આ તો સંજોગ બાઝે ત્યારે કહે, 'મેં કર્યું' અને સંજોગ ના બાઝે ત્યારે ?!

ફળ મળે ઓટોમેટિક !

પ્રશ્નકર્તા : કર્મનું ફળ બીજો કોઈ આપે તો પાછું એ કર્મ જ થયું ?

દાદાશ્રી : કર્મનું ફળ બીજો કોઈ આપે જ નહીં. કર્મનું ફળ કોઈ આપનારો જન્મ્યો નથી. ફક્ત અહીંયા આગળ માંકણ મારવાની દવા પી જાય એટલે મરી જ જાય, એમાં વચ્ચે ફળ આપનારની કોઈ જરુર નથી.

ફળ આપનાર હોય ને તો તો બહુ મોટી ઓફિસ કરવી પડત. આ તો સાયન્ટિફિક રીતે ચાલે છે. કોઈની જરુર નથી વચ્ચે ! કર્મ એનું પરિપક્વ થાય છે એટલે ફળ આપીને ઊભું જ રહે છે, પોતે પોતાની મેળે જ. જેમ આ કાચી કેરીઓ તો એની મેળે પાકે છે ને ! નથી પાકતી ?

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : આંબા ઉપર નથી પાકતી ? હા. સાખ થાય છે ને, એવી રીતે આ કર્મ પાકે છે, એનો ટાઈમ આવેને ત્યારે પાકીને તૈયાર થઈને ફળ આપવાને માટે લાયક થાય.

પ્રશ્નકર્તા : ગયા ભવમાં જે આપણે કર્મો કર્યા, આ ભવમાં એનું ફળ આવ્યું, તો આ બધા કર્મોનો હિસાબ કોણ રાખે છે ? એનો ચોપડો કોણ રાખે છે ?

દાદાશ્રી : ઠંડી પડે છે, ત્યારે પાઈપની અંદર પાણી હોય છે તે બરફ કોણ કરી નાખે છે ? એ ઠંડું વાતાવરણ થયું એટલે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ બધું કર્મો-બર્મો કરે છે તે. તેનું ફળ આવે છે તે ય એવિડન્સ છે. તને ભૂખ કોણ લગાડે છે ? બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એનાથી બધું ચાલે છે !

કર્મફળમાં 'ઓર્ડર'નો આધાર !

પ્રશ્નકર્તા : કયા ઓર્ડરમાં કર્મોનું ફળ આવે છે ? જેવાં ઓર્ડરમાં એ એનું બંધાયું હોય, એવાં જ ઓર્ડરમાં એનું ફળ આવે ? એટલે પહેલાં આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું. એક નંબરનું કર્મ આ બાંધ્યું, તો એનું ડિસ્ચાર્જ પણ પછી પહેલું એ જ આવે. પછી બે નંબરનું બાંધ્યું, એનું ડિસ્ચાર્જ બીજા નંબરે આવે, એવું છે ?

દાદાશ્રી : ના, એવું નહીં.

પ્રશ્નકર્તા : હં, તો કેવું છે એ જરા સમજાવો.

દાદાશ્રી : ના, એવું નહીં. એ બધા એના સ્વભાવ પ્રમાણે બધું ગોઠવાઈ જાય કે દિવસે ભોગવવાનાં કર્મો, આ રાત્રે ભોગવવાનાં કર્મો, આ બધાં..... એમ ગોઠવાઈ જાય. આ છે તે દુઃખમાં ભોગવવાનાં કર્મો, આ સુખમાં ભોગવવાનાં કર્મ, એ ગોઠવાઈ જાય. એ બધું ગોઠવણી થઈ જાય એની !

પ્રશ્નકર્તા : એ ગોઠવણી કયા આધાર પર થાય ?

દાદાશ્રી : સ્વભાવના આધારે. આપણે બધા ભેગાં થાય, તો બધાં સ્વભાવને મળતાં આવતાં હોય તો જ ભેગું થાય. નહીં તો થાય નહીં.

કેવળજ્ઞાનમાં જ એ દેખાય !

પ્રશ્નકર્તા : આ કર્મ નવું છે કે જૂનું છે, એ શી રીતે દેખાય ?

દાદાશ્રી : કર્મ કર્યું કે ના કર્યું, એ તો કોઈનાથી ના દેખાય. એ તો ભગવાન કે જેમને કેવળજ્ઞાન છે તે જ જાણી શકે. આ જગતમાં જે તમને કર્મો દેખાય છે, તેમાં એક રાઈ જેટલું પણ કર્મ નવું નથી. આ કર્મોના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો નવું કર્મ ના થાય ને તન્મયાકાર રહો તો નવું કર્મ બંધાય. આત્મજ્ઞાની થાય ત્યાર પછી જ કર્મ ના બંધાય.

આ જગતમાં આત્મા દેખાતો નથી, કર્મ ય દેખાતા નથી પણ કર્મફળ દેખાય છે.

લોકોને કર્મફળ આવે તેમાં 'ટેસ્ટ' પડે એટલે તેમાં તન્મયાકાર થઈ જાય, તેનાથી ભોગવવું પડે.

અત્યારે મૂઆ ક્યાંથી ?!

પ્રશ્નકર્તા : ઘણી વખતે એમ થાય કે આપણે અશુભ કર્મ બાંધતા હોઈએ અને તે વખતે ઉદય છે તો બહાર શુભ કર્મોનો હોય !

દાદાશ્રી : હા. એવું બને. અત્યારે તમારે શુભ કર્મનો ઉદય હોય પણ મહીં અશુભ કર્મ બાંધતા હો.

તમે બહારગામથી અહીં સીટીમાં આવ્યા હોય ને રાતે મોડું થઈ ગયું હોય તો મહીં થાય કે આપણે ક્યાં સૂઈ જઈશું ? તે પછી તમે કહો કે અહીંયા મારા એક મિત્ર રહે છે, ત્યાં આપણે જઈએ. એટલે ચાર જણ એ ને તમે પાંચમા, સાડા અગિયારે વાગે પેલાં મિત્રને ત્યાં જઈને બારણું ઠોક્યું. એ કોણ ? ત્યારે કહે, 'હું.' ત્યારે કહે, 'ઉઘાડું.' એ બારણું ઉઘાડે પછી શું કહે આપણને ? પાંચ જણ દેખે. આપણને એકલાંને ના દેખે, ચાર-પાંચ જણને દેખે એટલે આપણને શું કહે ? 'પાછા જાવ' એવું કહે ? શું કહે ?

'આવો, પધારો !' આપણાં તો ખાનદાન લોકો 'આવો, પધારો' કહીને બેસાડે.

પ્રશ્નકર્તા : એ એમે ય કહે, ક્યારે આવ્યા ને ક્યારે જવાનાં ?

દાદાશ્રી : ના. ખાનદાન એવું ના બોલે. તે 'આવો, પધારો' કરીને બેસાડે પણ એનાં મનમાં શું થતું હોય ? કે અત્યારે ક્યાંથી મૂઆ ! એ કર્મ. એ કરવાની જરૂર નથી. એ આવ્યા છે, એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે. પછી જતાં રહેશે. એણે જો આ ડહાપણ કર્યું એ, 'અત્યારે ક્યાંથી મૂઆ' એ કર્મ બાંધ્યું. હવે એ કર્મ બાંધ્યું ત્યારે મને પૂછવું' તું કે આવું થઈ જાય છે મારે, તો શું કરવું ? ત્યારે હું કહું, કે તે ઘડીએ કૃષ્ણ ભગવાનને માનતો હોય, ગમે તેને માનતો હોય તેમનું નામ લઈ 'હે ભગવાન ! મારી ભૂલ થઈ' આવું ફરી નહીં કરું. એવી માફી માંગ એટલે ભૂંસાઈ જાય. બાંધેલું કર્મ તરત ને તરત ભૂંસાઈ જાય. જ્યાં સુધી કાગળ પોસ્ટમાં ના નાખીએ, ફેરફાર થઈ શકે. પોસ્ટમાં પડી ગયો એટલે કે આ દેહ છૂટી ગયો, પછી બંધાઈ ગયું. દેહ છૂટે એ પહેલાં છે તે આપણે બધું ભૂંસી નાખીએ તો ભૂંસાઈ જાય. હવે એક તો પેલાએ કર્મ તો બાંધ્યું ને ?

હવે પછી પાછાં તને શું કહે છે ? 'ચંદુભાઈ આટલી આટલી....' શું બોલ્યા આટલી તે ? તે કોફી કે ચા કંઈ બોલે નહીં, પણ આપણે સમજી જઈએ કે ચાનું કહે છે. પણ એ 'આટલી થોડીક થોડીક.....' એટલે તમે કહો, અત્યારે રહેવા દો ને ચા-બા અત્યારે ખીચડી-કઢી હશે તો ચાલશે. તે મહીં બૈરા પછી કૂદાકૂદ. એ કર્મ બંધાયા બધા. હવે તે ઘડીએ આ કુદરતનો કાયદો છે. તે હિસાબે આવ્યો છે, તો એને માટે ભાવ નહીં બગાડવાનો. આવાં નિયમમાં રહે ને ભલે ખીચડી ને કઢી, જે આપણી પાસે હોય એ આપવું. પેલાં એવું નથી કહેતાં કે તમે બાસુંદી ખવડાવો. ખીચડી-કઢી, શાક જે હોય તે પીરસો. આ તો પાછાં આબરુ જતી રહે એટલાં હારું આ પાછો ખીચડી-કઢી ના મૂકે બીજું શીરો કે કશું મૂકે. પણ અંદર મનમાં પાછી ગાળો ભાંડે. અત્યારે ક્યાંથી મૂઆ ! એ એનું નામ કર્મ. એટલે આવું ના હોવું જોઈએ.

માટે ન બગાડો ભાવ કદિ !

પ્રશ્નકર્તા : પુણ્યકર્મ ને પાપકર્મ કેવી રીતે બંધાય ?

દાદાશ્રી : બીજાને સુખ આપવાનો ભાવ કર્યો, એનાથી પુણ્ય બંધાય અને દુઃખ આપવાનો ભાવ કર્યો, એનાથી પાપ બંધાય. માત્ર ભાવથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયામાં એવું હોય કે ના પણ હોય, પણ ભાવમાં જેવું હોય તેવું કર્મ બંધાય. માટે ભાવને બગાડશો નહીં.

કોઈ પણ કાર્ય સ્વાર્થ ભાવે કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ ભાવે કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્ને ય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને ?

સ્થૂળકર્મ : સૂક્ષ્મકર્મ !

એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યાં. તે તેનાં મિત્રે તેને પૂછયું, 'આટલા બધા રૂપિયા આપી દીધા ?' ત્યારે શેઠ બોલ્યા, 'હું તો એક પૈસો ય આપું તેવો નથી. આ તો આ મેયરનાં દબાણને લઈને આપવા પડ્યાં.' હવે આનું ફળ ત્યાં શું મળે ? પચાસ હજાર દાન કર્યું, તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો 'વાહ વાહ' બોલાવે. કીર્તિ ગાય અને શેઠે મહીં, સૂક્ષ્મકર્મમાં શું ચાર્જ કર્યું ? ત્યારે કહે 'એક પૈસો ય આપું તેવો નથી.' તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ પૈસો ય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય ?

ત્યાં બીજો કોઈ ગરીબ હોય, તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા, ત્યારે એ ગરીબ માણસ શું કહે કે, 'મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધા ય લઈ લો. પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા ય આપી દેત !' આમ દીલથી કહે. હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા, તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું. પણ મહીં સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું ? પાંચ લાખ રૂપિયા આપવાના, તે આવતા ભવે પાંચ લાખ આપી શકશે, ડિસ્ચાર્જ થશે ત્યારે.

એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો ધર્મ કર્યા કરતો હોય, તેને જગતના લોક શું કહે કે આ ધર્મિષ્ઠ છે. હવે એ માણસનાં અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેળું કરું ને કેમ કરીને ભોગવી લઉં ! અંદર તો એને અણહક્કની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય. અણહક્કનાં વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય !

એટલે ભગવાન એનો એક પૈસો ય જમે કરતાં નથી. એનું શું કારણ ? કારણ એ કે દાન-ધર્મ-ક્રિયા એ બધાં સ્થૂળકર્મ છે. એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી. તેનું ફળ આવતા ભવે મળે છે !

આજે કોઈ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમ કે એને અપજશ મળે, પોલીસવાળો મારે વિગેરે તે બધું ફળ, એને અહીનું અહીં મળી જ જવાનું.

એટલે આજે સ્થૂળકર્મ દેખાય છે, સ્થૂળ આચાર દેખાય છે તે 'ત્યાં' કામ લાગે નહીં. 'ત્યાં' તો સૂક્ષ્મ ભાવ શું છે ? સૂક્ષ્મકર્મ શું છે ? એટલું જ 'ત્યાં' કામ લાગે. હવે જગત આખું સ્થૂળકર્મ ઉપર જ એડજસ્ટ થઈ ગયું છે.

આ સાધુ-સન્યાસીઓ બધા ત્યાગ કરે, તપ કરે, જપ કરે, પણ એ તો બધું સ્થૂળકર્મ છે. એમાં સૂક્ષ્મકર્મ કયાં છે ? આ દેખાય છે એમાં આવતા ભવ માટેનું સૂક્ષ્મકર્મ નથી. આ કરે છે એ સ્થૂળકર્મનો, એમને જશ અહીં જ મળી જાય.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14