ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

કરીએ સારું ને ફળ ખરાબ !

પ્રશ્નકર્તા : આપણે સારું કરીએ પણ એનું ફળ સારું ના મળે. એનો અર્થ એવો થયો કે પૂર્વજન્મનાં કંઈક ખરાબ કર્મ હશે. તે એને કેન્સલ કરી નાખે છે.

દાદાશ્રી : હા, કરી નાખે. આપણે છે તે જુવાર તો વાવી અને મોટી થઈ અને પૂર્વભવનું આપણું ખરાબ કર્મ ઉદય થાય, તે છેલ્લો વરસાદ ના પડે, તે સૂકાઈ જાય બધું ય અને પુણ્ય જોર કરે તો થઈ જાય તૈયાર. હાથમાં આવેલું ખૂંચવાઈ જાય. માટે સારા કર્મો કરો. નહીં તો મુક્તિ ખોળો. બેમાંથી એક રસ્તો લો ! આ દુનિયામાંથી છૂટી જવાનું ખોળો, કાં તો સારા કર્મ કરો, કાયમને માટે. પણ કાયમને માટે સારા કર્મ થાય નહીં માણસથી, ઊંધે રસ્તે ચઢી જ જવાનો. કુસંગ મળ્યા જ કરે.

પ્રશ્નકર્તા : શુભ કર્મ ને અશુભ કર્મ ઓળખવાનું થર્મોમીટર ક્યું ?

દાદાશ્રી : શુભ કર્મ આવે ત્યારે આપણને મીઠાશ લાગે, શાંતિ લાગે, વાતાવરણ શાંત લાગે અને અશુભ આવે ત્યારે કડવાટ ઉત્પન્ન થાય, મનને ચેન પડે નહીં. અયુક્ત કર્મ તપાવડાવે અને યુક્ત કર્મ હ્રદયને આનંદ આપે.

મૃત્યુ પછી જોડે શું જાય ?

પ્રશ્નકર્તા : શુભ અને અશુભ જે કર્મો છે, એનું જે પરિણામ છે એ હવે બીજી જે પણ કોઈ યોનિમાં જાય, ત્યાં એને ભોગવવું પડે ને ?

દાદાશ્રી : ત્યાં ભોગવવું જ પડે. એટલે અહીંથી મૃત્યુ થાય એટલે મૂળ શુધ્ધાત્મા જાય છે. જોડે શુભાશુભ જે આખી જિંદગીમાં કર્મો કર્યા તે યોજનારૂપે, એટલે કારણ શરીર કહેવાય છે એને, કૉઝલ બોડી, પછી સૂક્ષ્મ બોડી એટલે ઈલેક્ટ્રિકલ બોડી. આ બધું સાથે જવાનું. બીજું કશું જતું નથી.

પ્રશ્નકર્તા : મનુષ્ય જન્મ જે મળે છે, તે ફરી ફરી મળે છે કે પછી પાછો અમુક વખત મનુષ્યમાં આવીને પાછું બીજી યોનિમાં એને જવું પડે ?

દાદાશ્રી : બધી યોનિઓમાં અહીંથી જવાનું. અત્યારે લગભગ સીત્તેર ટકા માણસો ચાર પગમાં જવાના છે. અહીંથી સીત્તેર ટકા !! અને વસ્તી ઝપાટાબંધ ખલાસ થઈ જશે.

એટલે માણસમાંથી જાનવરે ય થાય, દેવ થાય, નર્કગતિ થાય અને ફરી મનુષ્યે ય થાય. જેવાં જેવાં કર્મ કર્યા હોય તેવાં તેવાં થાય. લોકો પાશવતાને લાયક એવાં કર્મો કરે છે ખરા અત્યારે ?

પ્રશ્નકર્તા : ઘણાં લોકો પાશવતાના જ કર્મો અત્યારે તો કરી રહ્યાં છે ને !

દાદાશ્રી : તો ત્યાંની ટિકીટ આવી ગઈ, રીઝર્વેશન થઈ ગયા. એટલે ભેળસેળ કરતો હોય, અણહક્કનું ખાઈ જતો હોય, ભોગવી લેતો હોય, આ જૂઠું બોલતો હોય, ચોરીઓ કરતો હોય, એ બધાની હવે નિંદા કરવાનો અર્થ જ શું છે ? એ એમની ટિકીટો મળી ગઈ છે એમને !

ચારગતિમાં ભટકણ !

પ્રશ્નકર્તા : આ મનુષ્ય નીચ યોનિમાં જાય ખરો ?

દાદાશ્રી : મનુષ્યમાંથી પછી તો દેવમાં ય, મોટામાં મોટો દેવ થઈને ઊભો રહે, આ દુનિયામાં ટોપમોસ્ટ. અને નીચ યોનિ એટલે કેવી નીચ યોનિ તે ? ઘૃણાજનક યોનિમાં જાય. એનું નામ સાંભળતા જ ઘૃણા થાય.

મનુષ્યભવમાં જ કર્મ બાંધી શકે છે માણસ. બાકી બીજા કોઈ અવતારમાં કર્મ બાંધતો નથી. બીજા બધા અવતારોમાં કર્મ ભોગવે છે. અને આ મનુષ્યમાં કર્મ બાંધે છે ય ખરો ને ભોગવે છે ય ખરો, બેઉ થાય છે. પાછલાં કર્મો ભોગવતા જાય છે ને નવા બાંધે છે. એટલે અહીંથી ચારગતિમાં ભટકવાનું, અહીંથી જવાનું થાય છે અને આ ગાયો-ભેંસો, આ બધા જાનવરો દેખાય છે, આ દેવલોકો, એમને કર્મ ભોગવવાના ખાલી, એને કર્ર્મ કરવાના અધિકાર નથી.

પ્રશ્નકર્તા : પણ લગભગ તો મનુષ્યના કર્મ સારા થતાં જ નથી ને ?

દાદાશ્રી : આ તો કળિયુગ છે ને દુષમકાળ છે, એટલે ઘણાંખરાં કર્મ ખરાબ જ થાય.

પ્રશ્નકર્તા : એટલે કે અહીંયા બીજા નવા કર્મો બંધાવાના જ ને ?

દાદાશ્રી : રાત-દા'ડો બંધાયા જ કરે. જૂના ભોગવતો જાય ને નવા બાંધતો જાય.

પ્રશ્નકર્તા : તો આનાથી હવે બીજો કોઈ સારો ભવ ખરો ?

દાદાશ્રી : કોઈ જગ્યાએ નહીં. આટલો જ સારો છે. બીજા તો બે જાતના ભવો. અહીં જો દેવું થઈ ગયું હોય, એટલે ખરાબ કર્મો બંધાયા હોય, એનું નામ દેવું. તે પછી આ જાનવરોમાં જવું પડે, ડેબિટ ભોગવવા માટે અને નર્કગતિમાં જવાનું તો, ડેબિટ વધારે થઈ ગયું હોય તો તે ત્યાં આગળ દેવું ભોગવીને પાછું આવવાનું, ડેબિટ ભોગવીને. અહીં સારા કર્મ થયા હોય તો મોટા ઊંચી જાતના મનુષ્યો થાય, ત્યાં આખી જિંદગી સુખ હોય. એ ભોગવીને પાછો હતો તેવો ને તેવો અને નહીં તો દેવગતિમાં જાય. ક્રેડિટના સુખો ભોગવવા માટે. પણ ક્રેડિટ પૂરી થઈ ગઈ, લાખ રૂપિયા પૂરા થઈ ગયા, વપરાઈ ગયા એટલે પાછો અહીં મૂઓ !

પ્રશ્નકર્તા : બીજા બધા ભવો કરતાં આ મનુષ્ય ભવનું આયુષ્ય વધારે ને ?

દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. આ દેવલોકોને લાખો વર્ષનું આયુષ્ય.

પ્રશ્નકર્તા : પણ દેવ થવા માટે તો આ બધા કર્મો પૂરા થાય પછી નંબર લાગે ને ?

દાદાશ્રી : ના, એવું કશું નહીં. એ કોઈ સુપરહ્યુમન હોય તો દેવ જ થાય. પોતાનું સુખ પોતે ભોગવે નહીં ને બીજાને આપી દે, એ સુપરહ્યુમન કહેવાય. તે દેવગતિમાં જાય !

પ્રશ્નકર્તા : પોતાને સુખ ના હોય, તો પછી એ બીજાને કેવી રીતના સુખ આપી શકે ?

દાદાશ્રી : એટલે જ ના આપી શકે ને પણ કો'ક એવો માણસ હોય. કરોડોમાં એકાદ માણસ તે પોતાનું સુખ બીજાને આપી દેતો હોય, તે દેવગતિમાં જાય. પહેલાં તો આવાં બહુ માણસો હતા. સેકડે બબ્બે-ત્રણ ટકા, પાંચ-પાંચ ટકા હતા. અત્યારે તો કરોડોમાં બે-ચાર નીકળે વખતે. અત્યારે તો દુઃખ ના આપે તો ય ડાહ્યો કહેવાય. બીજાને કંઈ પણ દુઃખ ના આપે તો ફરી મનુષ્યમાં આવે, મનુષ્યમાં સારી જગ્યાએ કે જ્યાં બંગલો તૈયાર હોય, ગાડીઓ તૈયાર હોય ત્યાં જન્મ થાય અને પાશવતાના કર્મો કરે, આ ભેળસેળ કરે, લુચ્ચાઈઓ કરે, ચોરીઓ કરે તો પશુમાં જવું પડે.

પ્રશ્નકર્તા : તો કાયદો કેવો છે ?

દાદાશ્રી : અધોગતિમાં જવાનો હોય પકડાઈ જતો નથી અને ઉર્ધ્વગતિમાં જે જાય એવાનાં હલકા કર્મ હોય ને, તો એને પોલીસવાળાને પકડાવી જ દે તરત જ. તે આગળ ઊંધું જતાં અટકી જાય ને એના ભાવ ફરી જાય. કુદરત હેલ્પ કોને કરે છે ? કે જે ભારે છે તેને ભારે થવા દે છે. હલકો છે તેને હલકો થવા દે. હલકાવાળા ઉર્ધ્વગતિમાં જાય. ભારેવાળો અધોગતિમાં જાય. એટલે આ કુદરતના નિયમ છે એવા. હમણાં કોઈકે જેમ કોઈ દહાડો ચોરી ના કરી હોય ને એક વખત ચોરી કરેને તો તરત પકડાઈ જાય અને અઠંગ ચોર પકડાય નહીં. કારણ કે એના ભારે કર્મો છે એટલે એમાં પૂરા માર્કસ જોઈએ ને ! માઈનસ માર્ક ય પણ પૂરા જોઈએ ને ! તો જ દુનિયા ચાલે ને ?

મનુષ્યમાં જ બંધાય કર્મ !

પ્રશ્નકર્તા : હું એટલે જ પૂછું છું કે મનુષ્ય ભવ સિવાય બીજો કોઈ એવો ભવ ખરો કે નહીં કે જેમાં ઓછા કર્મો બંધાતા હોય.

દાદાશ્રી : બીજે કર્મ જ બંધાતા નથી. બીજા કોઈ અવતારમાં કર્મ બંધાતા નથી, અહીં એકલા જ બંધાય છે અને જ્યાં નથી બંધાતા એ લોકો શું કહે છે ? કે અહીં ક્યાં આ જેલમાં આયા ? કર્મ બંધાય એવી જગ્યા એ તો મુક્તપણું કહેવાય, આ તો જેલ કહેવાય.

પ્રશ્નકર્તા : મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને ?

દાદાશ્રી : સારા કર્મો પણ અહીં જ બંધાય ને ખોટાં ય અહીં બંધાય.

આ મનુષ્યો કર્મ બાંધે છે. તેમાં જો લોકોને નુકસાન કરનારા, લોકોને દુઃખ દેનારા કર્મ હોય તો છે તે જનાવરમાં જાય ને નર્કગતિમાં જાય. લોકોને સુખ આપનારા કર્મ હોય તો માણસમાં આવે ને દેવગતિમાં જાય. એટલે જેવાં કર્મ એ કરે છે તેના ઉપરથી ગતિ થાય છે. હવે ગતિ થઈ એટલે પછી ભોગવીને પછી પાછું અહીં આવવાનું.

કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી, અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું પડે છે. અને જો કર્મ ના કરે, બિલકુલે ય કર્મ જ ના કરે તો મોક્ષે જાય. મનુષ્યમાંથી મોક્ષે જવાય. બીજી કોઈ જગ્યાએથી મોક્ષે ના જવાય. કર્મ ના કરે એવું તમે જોયેલું ?

પ્રશ્નકર્તા : ના, એવું નથી જોયું.

દાદાશ્રી : તમે જોયેલા કર્મ ના કરે એવાં ? એમણે જોયેલાં છે ને તમે નથી જોયા ?!

આ જાનવરો-બાનવરો બધા છે તે ખાય છે, પીએ છે, મારંમારા કરે છે, લઢમ્લઢા કરે છે તો ય કર્મ બંધાય નહીં એમને. એવું માણસને કર્મ ના બંધાય એવી સ્થિતિ છે. પણ 'પોતે' કર્મનો કર્તા ના થાય તો ને કર્મ ભોગવે એટલું જ ! એટલે અહીં અમારે ત્યાં આવે અને 'સેલ્ફ રિયલાઈઝ'નું જ્ઞાન પ્રાપ્ત થાય તો કર્મનું કર્તાપણું છૂટી જાય, કરવાપણું છૂટી જાય, ભોગવવાનું રહે પછી. અહંકાર હોય ત્યાં સુધી કર્મનો કર્તા.

આઠ અવતાર સુધીની સિલ્લક સાથે !

પ્રશ્નકર્તા : જે જે અવતારમાં કર્મ બંધાતા નથી, ખાલી કર્મ ભોગવવા જ પડે છે, તો તે જીવનો પછીનો ભવ કેવી રીતે થાય ?

દાદાશ્રી : આ એટલું બધું છે કે માણસ અહીંથી ગયો, તે ગાયનો અવતાર આવ્યો. તે ગાયનો અવતાર ભોગવે. પૂરો થઈ જાય, ત્યાર પછી બકરીનો અવતાર આવે, એ બકરીનો જ આવે એવું નહીં, ગમે તે અવતાર એનો હિસાબ હોય એ પ્રમાણે આવે. ડિઝાઈન હોય એ પ્રમાણે આવે. પછી, ગધેડાનો અવતાર આવે. સો-બસો વર્ષ આવું ભટકી આવે. એટલે બધું ભોગવાઈ જાય ડેબીટ. એટલે અહીંયા મનુષ્ય જન્મમાં પાછો આવે. બીજે બધે એક અવતાર પછી બીજો અવતાર થાય, તે એમાં કર્મ કરવાથી નથી થતો. એ કર્મ ભોગવાઈ ગયા તેથી થાય છે. એક આ પડ ગયું ને બીજું પડ આવ્યું, બીજું પડ ગયું ને ત્રીજું પડ આવ્યું, એવું બધા પડ ભોગવાઈ જાય એટલે બધા આઠ અવતાર પૂરા થાય ને અહીં મનુષ્યમાં આવતો રહે. વધુમાં વધુ આઠ અવતાર બીજી ગતિમાં ભટકીને પાછો મનુષ્યમાં આવી જ જાય. એવો કર્મનો નિયમ છે !

મનુષ્યોને લાયકનું કર્મ તો એની પાસે સિલ્લક રહે છે જ. જ્યાં જાય, દેવગતિમાં જાય તો ય. એટલે સિલ્લકના આધારે પાછો ફરે છે. એટલે આ સિલ્લક રાખીને બીજા બધા કર્મ ભોગવાઈ જાય છે.

પ્રશ્નકર્તા : મનુષ્યમાં આવે છે, પછી એનું જીવન કઈ રીતે ચાલે ? એ એનાં ભાવ પર જ ચાલે ને ? એના કયા કર્મના આધારે એનું જીવન ચાલે ?

દાદાશ્રી : એની પાસે મનુષ્યના કર્મ તો સિલ્લક છે જ આ તો. આ સિલ્લક તો આપણી પાસે છે જ, પણ દેવું થઈ ગયું હોય તો દેવું ભોગવી આવો ને પછી પાછા આવો, કહે છે. ક્રેડિટ થઈ ગઈ હોય ત્યારે ક્રેડિટ ભોગવી પાછા અહીં આવો. આ તો સિલ્લક છે જ આપણી પાસે. આ સિલ્લક તો ખૂટે એવી નથી. આ સિલ્લક ક્યારે ખૂટે ? કે જ્યારે કર્તાપદ છૂટે ત્યારે છૂટે. ત્યારે મોક્ષે ચાલ્યો જાય. નહીં તો કર્તાપદ છૂટે જ નહીં ને ! અહંકાર ખલાસ થાય એટલે છૂટે. અહંકાર હોય એટલે પેલાં ભોગવીને પાછો અહીં ને અહીં મૂઓ હોય.

પ્રશ્નકર્તા : બીજી બધી યોનિઓમાંથી પાછો મનુષ્યમાં આવે, તો આવે તો ક્યાં આગળ જન્મ લે ? માછીમારમાં લે કે રાજામાં લે ?

દાદાશ્રી : અહીં મનુષ્યમાં એની પાસે જે સામાન તૈયાર મૂકી ગયો છે ને તે બીજું આ દેવું ઉભું થયું છે તે દેવું વાળી આવે અને પછી ત્યાં નો ત્યાં જ આવે અને એ સામાનમાં (પાછું) ચાલુ કરે. એટલે આપણે જે બજારમાં જઈએ છીએ, તે બધા કામ પતાવીને પાછા ઘેરનાં ઘેર આવીએ છીએ. એવી રીતે આ ઘર છે. અહીંનું અહીં પાછું આવવાનું. અહીં આ ઘર છે. અહીં જ્યારે અહંકાર ખલાસ થઈ જશે ત્યારે અહીં પણ નહીં રહેવાનું. મોક્ષમાં જતું રહેવાનું બસ. હવે બીજા અવતારમાં અહંકાર વપરાતો નથી. જ્યાં ભોગવવાનું છે ત્યાં અહંકાર વપરાતો નથી. એટલે કર્મ જ બંધાતા નથી. આ પાડાને, ગાયને, કોઈને અહંકાર ના હોય. દેખાય ખરાં કે આ ઘોડો અહંકારી છે પણ એ ડિસ્ચાર્જ અહંકાર. સાચો અહંકાર નથી. સાચો અહંકાર હોય તો કર્મ બંધાય. એટલે અહંકારને લઈને પાછો અહીં આવ્યો છે. અહંકાર જો ખલાસ થઈ જાય તો મોક્ષે ચાલ્યો જાય.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14