ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

આ જન્મનું આ જન્મમાં ?

પ્રશ્નકર્તા : આ બધા કર્મોનાં ફળ આપણા આ જીવનમાં જ ભોગવવાના કે પછી આવતા જન્મમાં પણ ભોગવવા પડે છે ?

દાદાશ્રી : ગયા અવતારે જે કર્મ કરેલાં, તે યોજના રૂપે હતા. એટલે કાગળ ઉપર લખેલી યોજના. હવે એ રૂપક રૂપે અત્યારે આવે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે એ પ્રારબ્ધ કહેવાય. કેટલા કાળે પાકે, તે પચાસ, પોણોસો, સો વર્ષે પાકવા આવે, તો ફળ આપવા સન્મુખ થાય.

એટલે ગયા અવતારે કર્મ બાંધ્યા, તે કેટલે વર્ષે પાકે ત્યારે અહીં ફળ આપે અને એ ફળ આપતી વખતે જગતના લોકો શું કહે કે આમણે કર્મ બાંધ્યું. આણે આ માણસને બે ધોલ મારી દીધી, એને જગતના લોક શું કહે ? કર્મ બાંધ્યું એણેે. કયું કર્મ બાંધ્યું ? ત્યારે કહે, બે ધોલ મારી દીધી. એને એનું ફળ ભોગવવું પડશે. તે અહીં પાછું મળે જ. કારણ કે ધોલો મારી, પણ આજે પેલો ઢીલો પડી ગયો, પણ ફરી તાલ આવે એટલે વેર વાળ્યા વગર રહે નહીં ને ! ત્યારે લોકો કહે કે જો કર્મનું ફળ ભોગવ્યુંને છેવટે ! તે આનું નામ અહીં ને અહીં ફળ ભોગવ્યું. પણ આપણે એને કહીએ કે તારી વાત સાચી છે. આનું ફળ ભોગવવાનું, પણ એ બે ધોલો કેમ મારી એણે ? એ શા આધારે ? એ આધાર એને જડે નહીં. એ તો એણે જ મારી કહેશે. એ ઉદયકર્મ એની પાસે નચાવડાવે આ. એટલે આગળ કર્મ કર્યું છે, તે નચાવડાવે છે.

પ્રશ્નકર્તા : એ જે ધોલ મારી એ કર્મનું ફળ છે, કર્મ નથી, એ બરોબર ને ?

દાદાશ્રી : હા, એ કર્મફળ છે. એટલે ઉદયકર્મ આ એને કરાવડાવે છે અને એ બે ધોલ મારી દે છે. પછી પેલો માર ખાનાર શું કહે, કે 'ભઈ, બીજી એક-બે આપને !' ત્યારે કહે 'હું કંઈ અક્કલ વગરનો મૂર્ખો છું !' ઊલ્ટો વઢે. પેલો માર્યો તે, એનું કારણ છે, બેનો હિસાબ હોય ને તે હિસાબની બહાર થાય નહીં કશું ય. એટલે આ જગત એવું છે કે હિસાબ વસ્તુ એક આના પઈ સાથેનો હિસાબ છે. એટલે ભડકવા જેવું આ જગત જ નથી, બિલકુલે ય નિરાંતે સૂઈ જવા જેવું છે. તેમ છતાં બિલકુલ એવું નહીં થઈ જવું જોઈએ નીડર કે મને કશું નહીં થાય !

કર્મફળ - લોકભાષામાં, જ્ઞાનીની ભાષામાં !

પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે એમ કહે છે, તે શું ખોટું છે ?

દાદાશ્રી : ભોગવવાનું અહીંનું અહીં જ છે પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ?

ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતા હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, 'આ કર્મ બાંધે છે, આ આવું માન કરે છે.' જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં તો આ કર્મનું ફળ આવ્યું છે. ફળ એટલે માન ના કરવું હોય તો ય કરવું જ પડે, થઈ જ જાય.

અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય, તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે માન ઓગાળવાની જરૂર છે, એવાં ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેનાં હિસાબે આવતે ભવ પાછું માન ઓછું થાય.

કર્મની થિયરી આવી છે ! ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે 'આવું કરવા જેવું જ છે.' તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો !

આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય છે.

....કે આ જન્મનું આવતા જન્મમાં ?

પ્રશ્નકર્તા : તો આ જન્મમાં કરેલાં કર્મોનું ફળ શું આવતા જન્મમાં મળી શકે ?

દાદાશ્રી : હા, આ ભવમાં ના મળે.

પ્રશ્નકર્તા : તો અત્યારે જે આપણે ભોગવીએ છીએ, એ ગયા જન્મનું ફળ છે ?

દાદાશ્રી : હા. આગલાં અવતારનું છે અને જોડે જોડે નવા કર્મ આવતાં અવતાર માટે બંધાઈ રહ્યા છે. એટલે નવા કર્મ તમારે સારાં કરવાં જોઈએ. આ તો બગડયું છે પણ આવતું ના બગડે, એટલું જોતું રહેવાનું.

પ્રશ્નકર્તા : અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, અત્યારે માણસ સારાં કર્મો તો કરી શકતો નથી, કળિયુગના પ્રભાવથી.

દાદાશ્રી : સારા કર્મોની જરૂર નથી.

પ્રશ્નકર્તા : તો શેની જરૂર છે ?

દાદાશ્રી : મહીં સદ્ભાવનાની જરૂર છે. સારા કર્મો તો પ્રારબ્ધ સારું હોય તો થઈ શકે. નહીં તો થઈ શકે નહીં. પણ સારી ભાવના તો થઈ શકે, પ્રારબ્ધ સારું ના હોય તો ય.

ખોટા કર્મનું ફળ ક્યારે ?

પ્રશ્નકર્તા : સારાં અને ખોટાં કર્મનું ફળ આ જ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું પડે છે, તો તેવાં જીવો મોક્ષગતિને કઈ રીતે પામે ?

દાદાશ્રી : કર્મના ફળ નુકસાન કરતા નથી. કર્મના બીજ નુકસાન કરે છે. મોક્ષે જતાં કર્મબીજ પડતાં બંધ થઈ ગયા તો કર્મફળ એને આંતરે નહીં, કર્મબીજ આંતરે. બીજ શાથી આંતરે ? કે તેં નાખ્યું એટલે હવે એનો સ્વાદ તું લઈને જા, એનું ફળ ચાખીને જા. એ ચાખ્યા વગર જવાય નહીં. એટલે એ આંતરનાર છે, બાકી આ કર્મફળ આંતરતા નથી. ફળ તો કહે છે તું તારી મેળે ખાઈને ચાલ્યો જા.

પ્રશ્નકર્તા : પણ આપશ્રીએ કહ્યું હતું કે એક ટકો પણ કર્મ કર્યું હોય તો તે ભોગવવું જ પડે છે !

દાદાશ્રી : હા, ભોગવે જ છૂટકો, ભોગવ્યા વગર ચાલે નહીં. કર્મનાં ફળ ભોગવતાં ય મોક્ષ થાય એવો રસ્તો હોય છે. પણ કર્મ બાંધતી વખતે મોક્ષ ના થાય. કારણ કે એ કર્મ બાંધતા હોય તો હજુ ફળ ખાવા રહેવું પડે ને !

પ્રશ્નકર્તા : સારાં-ખરાબ કર્મો આપણે કરીએ, તે ભોગવવાનાં આ જન્મમાં જ હોય છે કે પછી આવતાં જન્મમાં ?

દાદાશ્રી : લોકો દેખે કે આણે ખરાબ કર્મ કર્યું, આણે ચોરી કરી, આણે લુચ્ચાઈ કરી, આણે દગો દીધો, એ બધાં અહીં જ ભોગવવાનાં અને એ કર્મથી જ રાગ-દ્વેષ મહીં ઉત્પન્ન થાય છે. એનું આવતાં ભવમાં ભોગવવાનું.

પ્રત્યેક અવતાર પૂર્વ અવતારોનું સરવૈયું !

પ્રશ્નકર્તા : આ કર્મો અત્યારે છે, તે અનંત અવતારના છે ?

દાદાશ્રી : દરેક અવતાર, અનંત અવતારના સરવૈૈયા રૂપે હોય છે. બધા અવતારનું ભેગંુ ના થાય. કારણ કે નિયમ એવો છે કે પરિપાક કાળે ફળ પાકવું જ જોઈએ, નહીં તો કેટલા બધાં કર્મો રહી જાય !

પ્રશ્નકર્તા : આ બધું ગયા જન્મ સાથે સંકળાયેલું છે ને ?

દાદાશ્રી : હા, એવું છે કે એક જન્મમાં બે કામ કરી શકતો નથી, કૉઝીઝ અને ઈફેક્ટ સાથે નથી કરી શકતો. કારણ કે કૉઝીઝ અને ઈફેક્ટ એની મુદત સાથે કેવી રીતે થાય ? પૂર્વે એની મુદત થાય ત્યારે કૉઝીઝ ઈફેક્ટીવ થાય. મુદત વગર ના થાય. જેમ આ આંબો હોય છે ને, તે એને મોર આવ્યા પછી આવડી કેરી બેસે. તે પાકતાંં સુધીની અંદર મુદત ખરી કે નહીં ? આપણે બીજે દા'ડે બાધા રાખીએ કે પાકી જાય, તો પાકે ? એટલે આ કર્મ જે બાંધીએ છીએ, એને પાક કરવા માટે સો વર્ષ જોઈએ ત્યારે ફળ આપવા લાયક સન્મુખ થાય.

પ્રશ્નકર્તા : એટલે આ ભવનાં કર્મો જે છે, તે છેલ્લા અવતારનાં જ આ હોય છે કે આગલા અનંત અવતારનાં હોય ?

દાદાશ્રી : ના, એવું નથી આ કુદરતનું. બહુ ચોખ્ખી કુદરત તો, જેવી વેપારીઓને રીત ના આવડે એવી સરસ રીત ! આજથી દસમા અવતાર પર કર્મ હોયને તેનું સરવૈયું કાઢીને તે નફો-નુકસાન આગળ ખેંચી જાય, નવમા અવતારમાં. હવે એમાં એ બધા કર્મો નહીં આવવાનાં, ફક્ત સરવૈયું કાઢીને કર્મો આવવાનાં. નવમામાંથી આઠમામાં, આઠમામાંથી સાતમામાં. મહીં આમ જેટલા વર્ષનું આયુષ્ય હોય પછી આ એટલા વર્ષના કર્મો હોય. પણ તે તે તેવાં રૂપે મહીં આવે, પણ તે એક અવતારના જ કહેવાય. બે અવતારનાં ભેગા ના કહી શકાય.

કર્મ પાકવાને વાર લાગે એવાં હોય, કેટલાંક લોકોને પાંચસો વર્ષે, હજાર હજાર વર્ષે પાકે. તો ય પણ આમાં ચોપડે નવું જ થાય.

પ્રશ્નકર્તા : કેરી ફોરવર્ડ થઈ જાય.

દાદાશ્રી : હા, ચોપડાની તમને વસ્તુ સમજાઈ ? જૂના ચોપડાનું નવા ચોપડામાં આવી જાય અને હવે ભઈ નવા ચોપડે એમાં આવી જવાનાં. કશું બાકી રહ્યા સિવાય. એટલે આ કૉઝીઝ રૂપે કર્મ બંધાય છે તે ઈફેક્ટિવ ક્યારે થાય છે ? પચાસ-સાઈઠ-પોણોસો વર્ષ થાય ત્યારે ફળ આપવા માટે ઈફેક્ટિવ થાય છે !

આ બધાંનો સંચાલક કોણ ?

પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ?

દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો છો, એનાં પરિણામ એની મેળે કુદરતી રીતે આવે છે.

પ્રશ્નકર્તા : આ કર્મના ફળ આપણને ભોગવવા પડે. એ કોણ નક્કી કરે ? કોણ ભોગાવડાવે ?

દાદાશ્રી : નક્કી કરવાની જરૂરત જ નથી. કર્મ 'ઈટસેલ્ફ' કર્યા કરે. એની મેળે પોતે જ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : તો પછી કર્મના નિયમને કોણ ચલાવે છે ?

દાદાશ્રી : ૨ણ્ ને બ્ ભેગા થઈ જાય એ વરસાદ થઈ જાય, એ કર્મનો નિયમ.

પ્રશ્નકર્તા : પણ કોઈએ એને કર્યો હશેને, એ નિયમ ?

દાદાશ્રી : નિયમ કોઈ કરે નહીં. તો તો પછી માલિક ઠરે પાછો. કોઈને કરવાની જરૂર નથી. ઈટસેલ્ફ પઝલ થયેલું છે અને તે વિજ્ઞાનના નિયમથી થાય છે અને અમે 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' થી જગત ચાલે છે એમ કહીએ છીએ ! એને ગુજરાતીમાં કહ્યું કે 'વ્યવસ્થિત શક્તિ' જગત ચલાવે છે.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14