ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

કર્મબીજના નિયમો !

પ્રશ્નકર્તા : કર્મબીજની એવી કોઈ સમજણ છે કે આ બીજ પડશે ને આ નહીં પડે ?

દાદાશ્રી : હા, તમે કહો કે 'આ નાસ્તો કેવો સરસ થયો છે, તે મેં ખાધું.' તો બીજ પડ્યું. 'મેં ખાધું' બોલવામાં વાંધો નથી. 'કોણ ખાય છે, તે તમારે જાણવું જોઈએ કે હું નથી ખાતો, ખાનારો ખાય છે. પણ આ તો પોતે કર્તા થાય અને કર્તા થાય તો જ બીજ પડે.

ગાળો ભાંડે તો એની પર દ્વેષ નહીં, ફૂલ ચઢાવે કે ઊંચકીને ફરે તો એની પર રાગ નહીં, તો કર્મ ના બંધાય એને.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ થાય અને ખબર ના પડે, એનો ઉપાય શો ?

દાદાશ્રી : આ ઈનામ મળે છે તે, આવતા ભવનું ભટકવાનું ચાલુ જ રહે એનું.

સંબંધ દેહ ને આત્માનો....

પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ વધુ વિગતથી સમજાવો ને ?

દાદાશ્રી : આ દેહ છે તે આત્માની અજ્ઞાનતાથી ઊભું થયેલું પરિણામ છે. જે જે 'કૉઝીઝ' કર્યા, તેની આ 'ઈફેક્ટ' છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ, અને તમને ગાળ દે એટલે તમે ચીઢાઈ જાવ. તે ચીઢાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતર-ભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે ભવે ડિસ્ચાર્જ થાય છે, તે વખતે તે 'ઈફેક્ટિવ' છે. આ મન-વચન-કાયા ત્રણેય 'ઈફેક્ટિવ' છે. 'ઈફેક્ટ' ભોગવતી વખતે બીજા નવાં કૉઝીઝ ઊભાં થાય છે. જે આવતા ભવે પાછાં 'ઈફેક્ટિવ' થાય છે. આમ 'કૉઝીઝ' એન્ડ 'ઈફેક્ટ', 'ઈફેક્ટ' એન્ડ કૉઝીઝ એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે.એટલે ફોરેનના સાયન્ટિસ્ટોને ય સમજાય કે ભઈ આ રીતે પુનર્જન્મ છે ! એટલે બહુ ખુશ થઈ જાય છે કે ઈફેક્ટ એન્ડ કૉઝીઝ છે આ !

તે આ બધી ઈફેક્ટ છે. તમે વકીલાત કરો, એ બધી ઈફેક્ટ છે. ઈફેક્ટમાં અહંકાર ના કરાય કે 'મેં કર્યું !' ઈફેક્ટ તો એની મેળે જ આવે ! આ પાણી નીચે જાય, એ પાણી એમ ના બોલે કે 'હું જઉં છું', તે દરિયા તરફ ચારસો માઈલ આમ તેમ ચાલીને જાય જ છે ને ! અને મનુષ્યો તો કોઈનો કેસ જીતાડી આપે તો 'મેં કેવો જીતાડી આપ્યો', બોલે. હવે એનો પોતે અહંકાર કર્યો, તે કર્મ બંધાયું, કૉઝ થયું. એનું ફળ પાછું ઈફેક્ટમાં આવશે.

કારણ-કાર્ય તણા રહસ્યો !

ઈફેક્ટ તમે સમજી ગયા ? એની મેળે થયા જ કરે તે ઈફેક્ટ. આપણે પરીક્ષા આપીએ ને, એ કૉઝ કહેવાય. પછી પરિણામની ચિંતા આપણે કરવાની ન હોય. એ તો ઈફેક્ટ છે. તે જગત આખું ઈફેક્ટની ચિંતા કરે છે. ખરેખર તો કૉઝ માટે ચિંતા કરાય !

આ વિજ્ઞાન તને સમજાયું ? વિજ્ઞાન સૈધ્ધાંતિક હોય. અવિરોધાભાસ હોય. તેં બીઝનેસ કર્યો ને બે લાખ કમાયો, તે કૉઝ છે કે ઈફેક્ટ ?

પ્રશ્નકર્તા : કૉઝીઝ છે.

દાદાશ્રી : કેવી રીતે કૉઝીઝ તે મને સમજાવ ? ધાર્યા પ્રમાણે કરી શકે ?

પ્રશ્નકર્તા : તમે બીઝનેસ કરો અને જે થવાનું છે એ થવાનું છે, એ ઈફેક્ટ થાય. પણ બીઝનેસ કરવા માટે કૉઝીઝ તો કરવાં પડે ને ? તો બીઝનેસ કરી શકીએને ?

દાદાશ્રી : ના, કૉઝીઝમાં રિલેટિવ વસ્તુ ના વપરાય બીજી. બીઝનેસ તો શરીર સારું હોય, મગજ સારું હોય, બધું હોય ત્યારે થાય ને ! બધાના આધારે જે થતું હોય, એ ઈફેક્ટ અને જે માણસ સૂતો સૂતો 'આનું ખરાબ થશે, આમ થશે.' એ કરે એ બધું કૉઝીઝ. કારણ કે એમાં આધાર કે કોઈ ચીજની જરૂર નથી.

પ્રશ્નકર્તા : આપણે જે બીઝનેસ કરીએ છીએ, તો એ ઈફેક્ટ કહેવાય ?

દાદાશ્રી : ઈફેક્ટ જ કહીએ છીએ ને ! બીઝનેસ એ ઈફેક્ટ જ છે. પરીક્ષાનું પરિણામ આવે, એમાં કશું કરવું પડે ? પરીક્ષામાં કરવું પડે, એ કૉઝીઝ કહેવાય. કંઈ કરવું પડે, તે પણ પરિણામમાં કંઈ કરવું પડે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એમ આમાં કંઈ કરવું ના પડે. એ બધું થયા જ કરે. આપણું શરીર બધું વપરાય અને થયા જ કરે, કૉઝમાં તો પોતાને કરવું પડે. કર્તાભાવ છે એ કૉઝ છે. બીજું બધું ઈફેક્ટ છે. ભોક્તાભાવ એ કૉઝ છે.

પ્રશ્નકર્તા : જે ભાવ એ બધાં કૉઝીઝ, બરાબર.

દાદાશ્રી : હં. જ્યાં બીજા કોઈની હેલ્પની જરૂર નહીં. તમે રસોઈ બનાવો ફર્સ્ટ કલાસ, તે બધી જ ઈફેક્ટ છે. અને એની મહીં તમે ભાવ કરો કે 'કેવી સરસ રસોઈ મેં બનાવી, કેવી સરસ બનાવી.' એ ભાવ તમારો કૉઝ. જો ભાવ ન કરો તો બધું ઈફેક્ટ જ છે. સાંભળી શકાય, દેખી શકાય, એ બધી ઈફેક્ટ. કૉઝીઝ દેખી ના શકાય.

પ્રશ્નકર્તા : તો પાંચ ઈન્દ્રિયથી જે બધું થાય એ ઈફેક્ટ.

દાદાશ્રી : હા, આ બધી ઈફેક્ટ છે. આખી લાઈફ જ ઈફેક્ટ છે. એની મહીં જે ભાવ થાય છે એ ભાવ કૉઝ છે અને ભાવનો કર્તા હોવો જોઈએ. એ તો કર્તા છે જગતના લોકો !

કર્મ બંધાતા અટકી ગયાં એટલે થઈ ગયું. એવું તમને સમજાય ખરું ! તમને કર્મ બંધાતા અટકતાં હશે ? કોઈ દહાડો જોયું છે એ ? શુભમાં પડો તો શુભ બંધાય, નહીં તો અશુભ તો હોય છે જ. કર્મ છોડે જ નહીં ! અને 'પોતે કોણ છે, આ બધું કોણ કરે છે' તે બધું જાણે, પછી કર્મ બંધાય જ નહીં ને !

પહેલું કર્મ કેવી રીતે આવ્યું ?

પ્રશ્નકર્તા : કર્મની થીયરી મુજબ કર્મ બંધાય અને એનો ભોગવટો કરવો પડે. હવે એ રીતે આપણે કૉઝ અને ઈફેક્ટ કહ્યા તો એ પહેલું કૉઝ પછી એની ઈફેક્ટ, તો આપણે તર્કની દ્રષ્ટિએ વિચાર કરીએ અને પાછાં જતાં જઈએ તો સહુ પ્રથમ કૉઝ કેવી રીતે આવ્યું હશે ?

દાદાશ્રી : અનાદિમાં પહેલું ના હોય ને ! આ માળા તમે જોયેલી ગોળ ? આ સૂર્યનારાયણ ફરે તો એની બિગિનિંગ ક્યાંથી કરતાં હશે ?

પ્રશ્નકર્તા : એને બિગિનિંગ હોય જ નહીં.

દાદાશ્રી : એટલે આ દુનિયાની બિગિનિંગ કોઈ જગ્યાએ છે નહીં. બધી જ ગોળ છે, રાઉન્ડ જ છે. આમાં છૂટકારો છે પણ. બિગિનિંગ નથી આનું ! આત્મા છે એટલે છૂટકારો થઈ શકે છે. પણ એની બિગિનિંગ નથી. રાઉન્ડ છે બધું ય, હરેક ચીજ રાઉન્ડ. કોઈ ચીજ ચોરસ નથી. ચોરસ હોય તો આપણે એને કહીએ કે આ ખૂણેથી શરૂં થયું છે અને આ ખૂણે ભેગું થયું. રાઉન્ડમાં ક્યો ખુણો ? આખું જગત જ રાઉન્ડ છે એમાં બુધ્ધિ કામ કરી શકે એમ નથી. માટે બુધ્ધિને કહીએ, બેસ છેટી ! બુધ્ધિ પહોંચી વળે એમ નથી. જ્ઞાનથી સમજાય એવું છે.

ઈંડું પહેલું કે મુરઘી પહેલી. મૂઆ મેલને પૂળો. અહીંથી એ બાજુએ મૂકીને બીજી આગળની વાત કરને ! નહીં તો ઈંડા ને મરઘુ થવું પડશે વારેઘડીએ અને છોડે નહીં મૂઓ. જેનું સમાધાન ના હોય એ બધું ગોળ. તે આપણાં લોક નહીં કહેતાં, ગોળ ગોળ વાત કરે છે આ ભઈ !

પ્રશ્નકર્તા : છતાં આ પ્રશ્ન રહ્યા જ કરે કે જન્મ પહેલા કર્મ ક્યાંથી ? ચોરાસી લાખ ફેરા શરૂ થયા. આ પાપ-પુણ્ય ક્યાંથી ક્યારથી શરૂ થયું ?

દાદાશ્રી : અનાદિથી.

પ્રશ્નકર્તા : એની શરૂઆત તો કંઈક હોય ને ?

દાદાશ્રી : જ્યારથી બુધ્ધિ શરૂ થઈને ત્યાંથી શરૂઆત અને બુધ્ધિ એન્ડ થાય ત્યાં પૂરું થઈ જાય. સમજ પડીને ? બાકી છે અનાદિથી !

પ્રશ્નકર્તા : આ જે બુધ્ધિ છે તે કોણે આપી ?

દાદાશ્રી : આપનારું જ કોણ છે ? કોઈ જ ઉપરી જ નથી ને ! કોઈ છે નહીંને બીજો કોઈ. કોઈ આપનાર હોય તો તો ઉપરી ઠર્યો. ઉપરી ઠર્યો એટલે કાયમ એ આપણે માથે રહ્યો. પછી મોક્ષ હોય જ નહીં, દુનિયામાં. ઉપરી હોય ત્યાં મોક્ષ હોતો હશે ?

પ્રશ્નકર્તા : પણ સૌથી પહેલું કર્મ કયું થયું ? જેને લીધે આ શરીર મળ્યું ?

દાદાશ્રી : આ શરીર તો કોઈએ આપ્યું નથી. આ છ તત્ત્વો બધા ભેગા થવાથી, એ આમ સામસામે જોઈન્ટ થવાથી 'એને' આ બધી અવસ્થા ઉત્પન્ન થઈ છે. તે શરીર મળ્યુ ય નથી. આ તો તમને દેખાય છે તે જ ભૂલ છે. ભ્રાંતિથી દેખાય છે. આ ભ્રાંતિ જાયને, તો કશું ય નહીં હોય. આ તમે જે 'હું ચંદુભાઈ છું' એવું જાણો છો. તેથી આ ઉભું થયું છે બધું !

કર્મો એક કે અનેક ભવના ?

પ્રશ્નકર્તા : આ બધાં કર્મો છે તે આ એક જ જન્મમાં ભોગવાતાં નથી. એટલે અનેક જન્મો લેવાં પડે છેને એને ભોગવવા માટે ? જ્યાં સુધી કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે ?

દાદાશ્રી : મોક્ષની તો વાત ક્યાં ગઈ ! એ ભવનાં કર્મ જયારે પૂરાં થાય ત્યારે દેહ છૂટે. અને ત્યારે મહીં બીજા નવાં કર્મ બંધાઈ જ ગયેલાં હોય. એટલે મોક્ષની તો વાત જ ક્યાં કરવી રહી ? જૂનાં, બીજાં કંઈ પાછલાં કર્મો નથી આવતા. તમે અત્યારે હઉ કર્મો બાંધી રહ્યાં છો. અત્યારે તમે આ વાત કરો છો ને તે ઘડીએ પણ પુણ્યકર્મ બાંધી રહ્યા છો. પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધી રહ્યા છો.

કરે કોણ ને ભોગવે કોણ ?

પ્રશ્નકર્તા : દાદા, ગયા ભવમાં જે કર્મ કર્યા એ આ ભવમાં ભોગવવાં પડે, તો ગયા ભવની અંદર જે દેહે ભોગવેલા એ તો લાકડામાં ગયો, આત્મા તો નિર્વિકાર સ્વરૂપ છે, એ આત્મા બીજો દેહ લઈને આવે છે, પણ આ દેહને ગયા દેહનું કરેલું કર્મ શા માટે ભોગવવાનું ?

દાદાશ્રી : એ દેહના કરેલાં કર્મો તો એ દેહ ભોગવીને જ જાય.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : આ તો ચિતરેલાં, એ માનસિક કર્મ. સૂક્ષ્મ કર્મો. એટલે જેને આપણે કોઝલ બોડી કહીએ છીએને, કૉઝીઝ.

પ્રશ્નકર્તા : બરોબર છે, પણ એ દેહે ભાવ કરેલાં ને ?

દાદાશ્રી : દેહે ભાવ નથી કર્યા.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : દેહે તો એનું પોતે ફળ ભોગવ્યું ને ! બે ધોલો મારી એટલે દેહને ફળ મળી જ જાય. પણ એને યોજનામાં હતું, તે આ રૂપકમાં આવ્યું.

પ્રશ્નકર્તા : હા, પણ યોજના કરી કોણે ? પેલા દેહે યોજના કરીને !

દાદાશ્રી : દેહને તો લેવા-દેવા નહીં ને ! બસ, અહંકાર જ કરે છે આ બધું.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14