ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

ફાંસીની સજાનું જજને શું બંધન ?

એક જજ મને કહે કે, 'સાહેબ, તમે મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાન્તદંડની શિક્ષા કરવી કે નહીં ? ત્યારે મેં એને કહ્યું, 'એને શું કરશો, દેહાન્તદંડની શિક્ષા નહીં આપો તો ?!' એણે કહ્યું, 'પણ આપું તો મારે દોષ બેસે.'

પછી મેં એને રીત બતાવી કે તમારે આ કહેવું કે, 'હે ભગવાન, મારે ભાગે આ કામ ક્યાં આવ્યું તે ?' અને તેનું દિલથી પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટના (સરકારના) કાયદા પ્રમાણે કામ કર્યે જજો.

પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત-ઠેસ લાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ?

દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યા કરીએ, ને એને જેટલાં પ્રમાણમાં દુઃખ થયું હોય, એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે. આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાનાં, બીજી જવાબદારી આપણી નથી.

હંમેશાં કોઈ પણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એનાં જેવું ફળ આવે. તે બળેલી દોરડી આવતે ભવ આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમ ને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું, ખંખેરી કે ઊડી ગઈ.

જપ-તપથી કર્મ બંધાય કે ખપે ?

પ્રશ્નકર્તા : જપ-તપમાં કર્મ બંધાય કે કર્મ ખપે ?

દાદાશ્રી : એમાં કર્મ જ બંધાય ને ! દરેક બાબતમાં કર્મ જ બંધાય. રાત્રે સૂઈ જાય તો ય કર્મ બંધાય અને આ જપ-તપ કરે, એમાં તો મોટા કર્મ બંધાય. પણ એ પુણ્યના બંધાય. તેનાંથી આવતા ભવે ભૌતિક સુખો મળે છે.

પ્રશ્નકર્તા : તો કર્મ ખપાવવા માટે ધર્મની શક્તિ કેટલી ?

દાદાશ્રી : ધર્મ-અધર્મ બેઉ કર્મો ખપાવી આપે, સંસારિક બંધાયેલા કર્મો ને ! વિજ્ઞાન હોય તો તરત કર્મને નાશ કરી દે. વિજ્ઞાન હોય તો કર્મ નાશ થાય. ધર્મથી પુણ્યકર્મ બંધાય અને અધર્મથી પાપકર્મ બંધાય અને આત્મજ્ઞાનથી કર્મો નાશ, ભસ્મિભૂત થઈ જાય.

પ્રશ્નકર્તા : ધર્મ અને અધર્મ, બેઉને ખપાવતો હોય તો એને ધર્મ કેમ કહેવાય ?

દાદાશ્રી : ધર્મથી પુણ્યના કર્મ બંધાય અને અધર્મથી પાપના કર્મ બંધાય. હમણાં ધોલ મારે ત્યારે શું થાય ? કો'ક ધોલ મારે તો શું કરો તમે ? એને બે આપી દો ને ! ડબલ કરીને આપે. ખોટ ખવડાવ્યા વિના આપે છે, એટલું ડબલ કરીને. એ તમારા પાપનો ઉદય આવ્યો, તેથી પેલાને ધોલ મારવાનું મન થયું. તમારો કર્મનો ઉદય તમને બીજા પાસે ધોલ મરાવડાવે છે, પેલો નિમિત્ત બન્યો. હવે એક ધોલ આપે, તો આપણે કહી દેવાનું કે પતી ગયો હિસાબ આપણો. હું જમે કરી દઉં છું ને જમે કરી દેવાનો. પહેલાં આપેલી, તે પાછો આપી ગયો. જમે કરી દેવાનું, નવું ધીરવું નહીં. ગમતું હોય તો ધીરવું. ગમે ખરું ? નહીં ? તો ધીરવું નહીં.

આપણાં પુણ્યનો ઉદયકર્મ હોય તો સામો સારું બોલે ને પાપનો ઉદયકર્મ હોય તો સામો ગાળ આપે છે. એમાં કોનો દોષ ? માટે આપણે કહેલું કે ઉદયકર્મ મારો જ છે અને સામો તો નિમિત્ત. આમ કરવાથી આપણો દોષ નિર્જરી જશે. ને નવો નહીં બંધાય.

કર્મ અકર્મ દશાની સ્થિતિ !

પ્રશ્નકર્તા : કોઈ પણ ખોટું કામ કરીએ એટલે કર્મ તો બંધાય જ એવું હું માનું છું.

દાદાશ્રી : તો સારા કર્મનું બંધન નથી ?

પ્રશ્નકર્તા : સારું ને ખોટું, બેઉથી કર્મ બંધાયને !

દાદાશ્રી : અરે ! અત્યારે હઉ તમે કર્મ બાંધી રહ્યો છો ! અત્યારે તમે બહુ પુણ્યનું કર્મ બાંધી રહ્યા છો ! પણ કર્મ ક્યારે ય બંધાય નહીં એવો દિવસ નથી આવતો ને ? એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : કંઈ પ્રવૃતિ તો કરતા જ હોઈશું ને સારી અગર ખરાબ ?

દાદાશ્રી : હા, પણ કર્મ બંધાય નહીં, એવો રસ્તો નહીં હોય ? ભગવાન મહાવીર શી રીતે કર્મ બાંધ્યા વગર છૂટ્યા હશે ? આ દેહ હોય તો કર્મ તો થયા જ કરવાના ! સંડાસ જવું પડે, બધું ના કરવું પડે ?

પ્રશ્નકર્તા : હા, પણ જે કર્મ બાંધ્યા હોય, એનાં ફળ પાછાં ભોગવવાં પડે ને !

દાદાશ્રી : કર્મ બાંધે તો તો પાછો આવતો ભવ થયા વગર રહે નહીં ! એટલે કર્મ બાંધે તો આવતા ભવમાં જવું પડે ! પણ આ ભવમાં મહાવીરને આવતા ભવમાં જવું નહોતું પડ્યું ! તો કંઈક રસ્તો તો હશે ને ! કર્મ કરીએ છતાં કર્મ ના બંધાય એવો ?

પ્રશ્નકર્તા : હશે.

દાદાશ્રી : તમને એવી ઈચ્છા થાય છે કે કર્મ ના બંધાય ? કર્મ કરવા છતાં કર્મ બંધાય નહીં એવું વિજ્ઞાન હોય છે. એ વિજ્ઞાન જાણો એટલે છૂટો થાય !

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14