ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

આ છે મહાભજનનો મર્મ !

તેથી અખા ભગત બોલ્યા કે,

જો તું જીવ તો કર્તા હરિ;

જો તું શીવ તો વસ્તુ ખરી!

એટલે જો 'તું શુધ્ધાત્મા' તો સાચી વાત છે. અને જો 'જીવ છું', તો ઉપર કર્તા હરિ છે. અને જો 'તું શીવ છું' તો વસ્તુ ખરી છે. ઉપર હરિ નામનું કોઈ છે જ નહીં. એટલે જીવ-શીવનો ભેદ ગયો. એ પરમાત્મા થવાની તૈયારી થઈ. આ બધા ય ભગવાનને ભજે, એ જીવ-શીવનો ભેદ છે અને આપણે અહીં આ જ્ઞાન મળ્યા પછી જીવ-શિવનો ભેદ ગયો.

કર્તા છૂટે તો છૂટે કર્મ;

એ છે મહાભજનનો મર્મ!

ચાર્જ ક્યારે થાય કે 'હું ચંદુભાઈ છું અને આ મેં કર્યું.' એટલે જે ઊંધી માન્યતા છે તેનાથી કર્મ બંધાયું. હવે આત્માનું જ્ઞાન મળે તો 'તમે' ચંદુભાઈ નથી. ચંદુભાઈ તો વ્યવહારથી, નિશ્ચયથી ખરેખર નહીં અને આ 'મેં કર્યું' તે વ્યવહારથી. એટલે કર્તાપણું મટી જાય તો કર્મ પછી છૂટે, કર્મ બંધાય નહીં.

'હું કર્તા નથી' એ ભાન થયું, એ શ્રધ્ધા બેઠી, ત્યારથી કર્મ છૂટયા, કર્મ બંધાતા અટકયા. એટલે ચાર્જ થતાં બંધ થઈ ગયા. એ છે મહાભજનનો મર્મ. મહાભજન શેને કહેવાય ? સર્વશાસ્ત્રોનાં સારને મહાભજન કહેવાય. એ મહાભજનનો ય સાર છે.

કરે તે જ ભોગવે !

પ્રશ્નકર્તા : આપણા શાસ્ત્રો એમ કહે છે કે દરેકને કર્મ પ્રમાણે ફળ મળે છે !

દાદાશ્રી : એ તો પોતે પોતાનો જ જવાબદાર છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો જ નથી. બાકી, આ જગતમાં તમે સ્વતંત્ર જ છો. ઉપરી કોણ છે? તમારે અન્ડરહેન્ડની ટેવ છે એટલે તમારે ઉપરી મળે છે, નહિ તો તમારો કોઈ ઉપરી નથી ને તમારો કોઈ અન્ડરહેન્ડ નથી, એવું આ વર્લ્ડ (જગત) છે ! આ તો સમજવાની જરૂર છે, બીજું કશું છે નહિ.

આખા વર્લ્ડમાં બધે ફરી આવ્યો, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ ઉપરીપણું હોય. ભગવાન નામનો કોઈ તમારો ઉપરી છે નહિ. તમારા જોખમદાર તમે પોતે જ છો. આખા વર્લ્ડના લોકો માને છે કે જગત ભગવાને બનાવ્યું. પણ જે પુનર્જન્મનો સિધ્ધાંત સમજે છે એણે એવું ન માની શકાય કે ભગવાને બનાવ્યું છે. પુનર્જન્મ એટલે શું કે 'હું કરું છું અને હું ભોગવું છું. અને મારાં જ કર્મનાં ફળ ભોગવું છું. આમાં ભગવાનની આડખીલી જ નથી.' પોતે જે કરે છે, પોતાની જવાબદારી પર જ આ બધું કરવામાં આવે છે. કોની જવાબદારી પર છે આ, સમજાયું ને ?

પ્રશ્નકર્તા : આજ સુધી એમ સમજતો હતો કે ભગવાનની જવાબદારી છે.

દાદાશ્રી : ના. પોતાની જ જવાબદારી છે ! હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી પોતાની છે, પણ પેલા માણસને ગોળી કેમ મારી ? એ રિસ્પોન્સીબલ હતા. તેનું આ ફળ મળ્યું અને એ મારનાર રિસ્પોન્સીબલ થશે, ત્યારે એનું ફળ મળશે. એ ટાઈમ થશે ત્યારે પાકશે.

જેમ કેરી આજે થઈ, તે આજ ને આજ કેરી લાવીને પછી એનો રસ ના નીકળે. એ તો ટાઈમ થાય, મોટી થાય, પાકે, ત્યારે એ રસ નીકળે. એવી રીતે આ ગોળી વાગીને, તે પહેલાં પાકીને તૈયાર થાય ત્યારે વાગે. એમ ને એમ ના વાગે. અને પેલાએ ગોળી મારી તેને જ આવડી નાની કેરી થયેલી છે, એ મોટી થયા પછી પાકશે. ત્યાર પછી એનો રસ નીકળશે.

કર્મબંધન, આત્માને કે દેહને ?

પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ?

દાદાશ્રી : દેહ તો એ પોતે જ કર્મ છે. પછી બીજુ બંધન એને હોય ક્યાંથી ? આ તો જેને બંધન લાગતું હોય, જે જેલમાં બેઠો હોય તેને બંધન. જેલને બંધન હોય કે જેલમાં બેઠો હોય એને બંધન ? એટલે આ દેહ તો જેલ છે અને તેની મહીં બેઠો છે ને તેને બંધન છે. 'હું બંધાયો છું, હું દેહ છું, હું ચંદુભાઈ છું.' માને છે, તેને બંધન છે.

પ્રશ્નકર્તા : એટલે આપ કહેવા માંગો છો કે આત્મા દેહ થકી કર્મ બાંધે છે, ને દેહ થકી કર્મ છોડે છે ?

દાદાશ્રી : ના, એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છૂટ્ટો જ છે, સ્વતંત્ર છે. વિશેષભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે. 'તમે છો શુધ્ધાત્મા' પણ બોલો છો કે 'હું ચંદુભાઈ છું.' જ્યાં પોતે નથી, ત્યાં આરોપ કરવો કે 'હું છું.' તે અહંકાર કહેવાય છે. પારકાંના સ્થાનને પોતાનું સ્થાન માને છે, એ ઈગોઈઝમ છે. આ અહંકાર છૂટે એટલે પોતાના સ્થાનમાં અવાય. ત્યાં બંધન છે જ નહીં !

કર્મ અનાદિથી આત્માસંગે !

પ્રશ્નકર્તા : તો કર્મ વગરની આત્માની સ્થિતિ થતી હશે ને ? તે ક્યારે થાય ?

દાદાશ્રી : એક પણ સંજોગોની વળગણાં ના હોય ને, એને કર્મ વળગે જ નહિ કોઈ દહાડો ય ! જેને વળગણાં કોઈ પણ પ્રકારની હોય નહિ, તેને કોઈ પણ પ્રકારનો એવો કર્મોનો હિસાબ નથી કે એને કર્મ વળગે ! અત્યારે સિધ્ધગતિમાં જે સિધ્ધ ભગવંતો છે એમને કોઈ જાતનાં કર્મ વળગે નહિ. વળગણાં ખલાસ થઈ ગઈ કે વળગે નહિ.

આ તો સંસારમાં વળગણાં ઊભી થઈ છે અને તે અનાદિ કાળની કર્મની વળગણાં છે. અને તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે એ બધું. બધાં તત્ત્વો ગતિમાન થયા કરે છે ને તત્ત્વો ગતિમાન થવાથી જ આ બધું ઊભું થયું છે. આ બધી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. એનાથી આ બધાં વિશેષ ભાવ ઉત્પન્ન થયા છે. ભ્રાંતિ એટલે જ વિશેષભાવ. એનો મૂળ જે સ્વભાવ હતો, તેનાં કરતાં વિશેષભાવ ઉત્પન્ન થયો અને તેને લઈને આ બધો ફેરફાર થયો છે. એટલે પહેલાં કંઈ આત્મા કર્મ વગરનો હતો, એવું ક્યારેય બન્યું નથી. એટલે એ જ્યારે જ્ઞાની પુરુષની પાસે આવે છે ત્યારે ઘણો ખરો કર્મનો બોજો હલકો થયો હોય છે અને હળુકર્મી થયેલો હોય છે. હળુકર્મી છે ત્યારે તો જ્ઞાની પુરુષ ભેગા થાય. ભેગા થાય તે ય સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પોતાનાં પ્રયત્નથી જ કરવા જાય તો એવું થાય જ નહિ. સહજ પ્રયત્નો, સહેજાસહેજ મળી જાય, ત્યારે કામ થઈ જાય !

કર્મ એ સંયોગ છે, ને વિયોગી એનો સ્વભાવ છે.

સંબંધ આત્મા ને કર્મ તણાં...

પ્રશ્નકર્તા : તો આત્મા અને કર્મ, એની વચ્ચે સંબંધ શું છે ?

દાદાશ્રી : બેઉની વચ્ચે કર્તારૂપી આંકડો ના હોય તો બેઉ છૂટા પડી જાય. આત્મા, આત્માની જગ્યાએ અને કર્મ, કર્મની જગ્યાએ છૂટાં પડી જાય.

પ્રશ્નકર્તા : સમજાયું નહીં બરોબર.

દાદાશ્રી : કર્તા ના બને, તો કર્મ છે નહિ. કર્તા છે, તો કર્મ છે. કર્તા ના હોય ને, તમે આ કાર્ય કરતાં હોય ને, તો ય તમને કર્મ બંધાય નહીં. આ તો કર્તાપદ છે તમને, 'મેં કર્યું.' તેથી બંધાયું.

પ્રશ્નકર્તા : તો કર્મ જ કર્તા છે ?

દાદાશ્રી : 'કર્તા' એ કર્તા છે. 'કર્મ' એ કર્તા નથી. તમે 'મેં કર્યું' કહો છો કે 'કર્મે કર્યું' કહો છો ?

પ્રશ્નકર્તા : 'હું કરું છું' એવું તો મહીં રહે છે જ ને ! 'મેં કર્યું' એમ જ કહીએ છીએ.

દાદાશ્રી : હા, એ 'કર્તા' 'હું કરું છું' એમ કહે છે. આ તમે કર્તા થાવ છો. બાકી 'કર્મ' કર્તા નથી. 'આત્મા' ય કર્તા નથી.

પ્રશ્નકર્તા : કર્મ એક બાજુ છે ને આત્મા એક બાજુ છે. તો આ બેને જુદાં કઈ રીતે પાડવાં ?

દાદાશ્રી : જુદાં જ છે. આ આંકડો નીકળી જાય ને તો, પણ આ તો કર્તાપદનો આંકડો જ છે. આ આંકડાને લીધે બંધાયેલું લાગે છે. કર્તાપદ ગયું, કર્તાપદ કરનારો ગયો, 'મેં કર્યું' એવું બોલનારો ગયો તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. બે છૂટ્ટા જ છે પછી તો !

કર્મ બંધાય એ તો અંતઃક્રિયા !

પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મ લાગુ પડતાં હશે કે નહીં ?

દાદાશ્રી : નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું કશું કરતા જ નથી. મનુષ્યનો અહંકાર એવો છે કે ખાતો નથી, પીતો નથી, સંસાર કરતો નથી, વેપાર કરતો નથી. તો ય માત્ર અહમ્કાર જ કરે છે કે 'હું કરું છું', તેથી બધા કર્મો બાંધ્યા કરે છે. એ ય અજાયબી છે ને ?! એ પ્રુવ (સાબિત) થઈ શકે એમ છે ! ખાતો નથી, પીતો નથી એ પ્રુવ થઈ શકે એમ છે. છતાં ય કર્મો કરે છે એ પણ પ્રુવ થઈ શકે છે. તે મનુષ્ય એકલાં જ કર્મ બાંધે છે.

પ્રશ્નકર્તા : શરીરને લીધે ખાતાં-પીતાં હોય, પણ છતાં પોતે કર્મ ના પણ કરતાં હોય ને ?

દાદાશ્રી : એવું છે ને, કોઈ માણસ કર્મ કરતો હોય ને તો આંખે દેખાય નહીં. દેખાય છે તમને ? આ જે આંખે દેખાય છે ને, એને આપણાં જગતના લોકો કર્મ કહે છે. આમણે આ કર્યું, આમણે આ કર્યું, આણે આને માર્યો, એવું કર્મ બાંધ્યું. હવે જગતના લોકો એવું જ કહે છે ને ?

પ્રશ્નકર્તા : હા, જેવું દેખાતું હોય તે એવું કહે.

દાદાશ્રી : કર્મ એટલે એમની હિલચાલ શું થઈ, એને ગાળ દીધી તો ય કર્મ બાંધ્યું, એને માર્યો તો ય કર્મ બાંધ્યું. ખાધું તો ય કર્મ બાંધ્યું. સૂઈ ગયો તો ય કર્મ બાંધ્યું, હિલચાલ શું કરે છે, એને આપણાં લોકો કર્મ કહે છે. પણ હકીકતમાં દેખાય છે એ કર્મફળ છે, એ કર્મ નથી.

કર્મ બંધાય ત્યારે અંતરદાહ બળ્યા કરે. નાનાં છોકરાંને કડવી દવા પીવડાવો, ત્યારે શું કરે ? મોઢું બગાડે ને ! અને ગળી ખવડાવીએ તો ? ખુશ થાય. આ જગતમાં જીવમાત્ર રાગ-દ્વેષ કરે છે એ કૉઝ છે બધાં અને તેમાંથી આ કર્મો ઊભાં થયા છે. જે પોતાને ગમે છે એ અને ના ગમતાં, એ બેઉ કર્મ આવે છે. ના ગમતા કૈડીને જાય. એટલે દુઃખ આપીને જાય અને ગમતા સુખ આપીને જાય. એટલે કૉઝીઝ ગયા અવતારે થયેલા છે, તે આ ભવમાં ફળ આપે છે.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14