ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

નડે અજ્ઞાનતા, નહીં કર્મ રે...

પ્રશ્નકર્તા : આપણાં કર્મના ફળને લીધે આ જન્મ મળે છે ને ?

દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મના ફળ ભોગવવાનાં છે ! અને એમાંથી નવા કર્મ ઊભાં થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગ-દ્વેષ ના કરે તો કશું ય નથી.

કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ, પણ રાગ-દ્વેષ કરે તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ !

આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતાં ના હોય તો જવાબદાર નથી !

આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે.

એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને મોક્ષે ચાલ્યા જાવ !

અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને, એટલે 'અમે' સ્વીકારીએ નહીં. 'અમને' અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય !

વીતરાગ એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી, તારી અજ્ઞાનતા નડે છે ! અજ્ઞાનતા શેની ? 'હું કોણ છું' એની. દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાન જાય એટલે કર્મ બંધાતા બંધ થઈ જાય !

કર્મની નિર્જરા ક્યારે થાય ?

પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ?

દાદાશ્રી : 'હું શુધ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું શુધ્ધાત્મા થઉં ત્યાર પછી કર્મબંધ અટકશે, કર્મની નિર્જરા થયા કરે અને કર્મ થતાં અટકે !

એટલે કર્મ ના બંધાય, તેનો રસ્તો શું ? સ્વભાવ ભાવમાં આવવું તે. 'જ્ઞાની પુરુષ' પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે, પછી કર્મ ના બંધાય. પછી નવા કર્મો ચાર્જ ના થાય. જૂના કર્મો ડિસ્ચાર્જ થયા કરે ને બધાં જ કર્મો પૂરા થઈ જાય એટલે અંતે મોક્ષ થાય !

આ કર્મની વાત તમને સમજણ પડી આમાં ! જો કર્તા થાય તો કર્મ બંધાય. હવે કર્તાપણું છૂટી જાય, એટલે પછી કર્મ બાંધે નહીં એટલે તમે આજે કર્મ બાંધો છો, પણ જ્યારે હું તમને કર્તાપણું છોડાવી દઈશ એટલે તમને કર્મ બંધાશે નહીં અને જૂના છે તે ભોગવી લેવાના. જૂનો હિસાબ એટલે ચૂકતે થઈ જાય અને 'કૉઝ' ઊભાં નહીં થાય. 'ઈફેક્ટ' એકલી રહેશે અને પછી ઈફેક્ટ પણ પૂરેપૂરી ભોગવાઈ જાય કે સંપૂર્ણ મોક્ષ થઈ ગયો !

- જય સચ્ચિદાનંદ

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14