ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

ક્રિયા નહીં પણ ધ્યાનથી ચાર્જિંગ !

આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું એ જોવાનું છે. મહીં જે ચાર્જ થાય છે, તે 'ત્યાં' કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે, એ ડિસ્ચાર્જ છે. આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે 'મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું.' તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવાં પોલને ચાલવા દે. બહાર સામાયિક કરતો હોય ને મહીં શું ય કરતો હોય.

એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પુછયું, 'શેઠ ક્યાં ગયા છે ?' ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, 'ઢેડવાડે.' શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઢેડવાડે જ ગયેલા હતા ! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા તે સૂક્ષ્મકર્મ ને બહાર સામાયિક કરતા હતા, તે સ્થૂળકર્મ. ભગવાન આવાં પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું 'ત્યાં' ચાલે. આ બહારના ઠઠારા 'ત્યાં' ચાલે એવાં નથી.

મહીં ફેરવો ભાવ આમ !

સ્થૂળકર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : એ ગુસ્સો આવ્યો, એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે 'જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.' કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળકર્મ છે અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતાં ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતાં ભવ માટે બંધન ના રહ્યું.

આ સ્થૂળકર્મમાં તને ગુસ્સો થયો, તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને બંધન નહીં થાય. કારણ સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપરે ય ગુસ્સે નથી થતો. છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવાં છે. તે આનાથી આવતા ભવે પાછો ગુસ્સાવાળો થઈ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે, તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે, તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મને બિલકુલ બંધન નથી, જો આ સમજે તો ! તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે.

આ જ્ઞાને સંસાર સાથે મોક્ષ !

હવે ઘરમાં સ્ત્રી હોય, પૈણ્યા હોય અને મોક્ષે જવું છે, તે મનમાં થયા કરે કે હું પૈણ્યો છું, તે હવે શી રીતે મોક્ષે જવાય ? અલ્યા, સ્ત્રી નથી નડતી, તારા સૂક્ષ્મકર્મ નડે છે. આ તારા સ્થૂળકર્મ કોઈ નડતા નથી. એ મેં ઓપન કર્યું છે અને આ સાયન્સ ઓપન ના કરું તો મહીં ભડકાટ, ભડકાટ, ભડકાટ રહે. મહીં અજંપો, અજંપો, અજંપો રહે. પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઈશું. અલ્યા, તમે શી રીતે મોક્ષે જવાના છો તે ? શું છોડવાનું છે, તે તો તમે જાણતાં નથી. તમે તો સ્થૂળને છોડયું. આંખે દેખાય, કાને સંભળાય એ છોડ્યું. એનું ફળ તો આ ભવમાં જ મળી જશે. આ સાયન્સ નવી જ જાતનું છે ! આ તો અક્રમ વિજ્ઞાન છે. જેનાથી આ લોકોને બધી રીતે ફેસીલિટી થઈ પડે. કંઈ બૈરી છોડીને નાસી જવાય ? અને બૈરી છોડીને નાસી જઈએ અને આપણો મોક્ષ થાય એ બને ખરું ? કો'કને દુઃખ દઈને આપણો મોક્ષ થાય એ બને ખરું ?

એટલે બૈરી-છોકરાંની ફરજો બધી જ બજાવો અને સ્ત્રી જે 'જમવા'નું આપે, તે નિરાંતે ખાવ એ બધું સ્થૂળ છે. એ સમજી જજો. સ્થૂળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય. એટલા માટે મેં તમને પાંચ વાક્યો આજ્ઞા રૂપે આપ્યાં છે. મહીં અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે આ કરેક્ટ છે, હું જે કરું છું, જે ભોગવું છું, એ કરેક્ટ છે. એવો અભિપ્રાય ના હોવો જોઈએ. બસ આટલો જ તમારો અભિપ્રાય ફર્યો કે બધું ફેરફાર થઈ ગયું.

આ રીતે ફેરવો બાળકોને !

છોકરામાં ખરાબ ગુણો હોય તો મા-બાપ તેને ટૈડકાવે છે અને કહેતા ફરે કે 'મારો છોકરો તો આવો છે, નાલાયક છે, ચોર છે.' અલ્યા, એ એવું કરે છે, તે કરેલાને મેલને પૂળો. પણ અત્યારે એનાં ભાવ ફેરવને ! એનાં મહીંના અભિપ્રાય ફેરવને ! એનાં ભાવ કેમ ફેરવવા, તે મા-બાપને આવડતું નથી. કારણ કે સર્ટિફાઈડ મા-બાપ નથી અને મા-બાપ થઈ ગયા છે ! છોકરાને ચોરીની કુટેવ પડી ગઈ હોય તો મા-બાપ તેને ટૈડકાવ ટૈડકાવ કરે. માર માર કરે. આમ મા-બાપ એક્સેસ બોલે હંમેશા એકસેસ બોલેલું હેલ્પ ના કરે. એટલે છોકરો શું કરે ? મનમાં નક્કી કરે કે 'છો ને બોલ્યાં કરે. આપણે તો એવું કરવાનાં જ.' તે આ છોકરાને મા-બાપ વધારે ચોર બનાવે છે. દ્વાપર ને ત્રેતા ને સત્યુગમાં જે હથિયારો હતાં, તે આજે કળિયુગમાં લોકોએ વાપરવા માંડ્યા. છોકરાને ફેરવવાની રીત જુદી છે. એના ભાવ ફેરવવાના. એના પર પ્રેમથી હાથ ફેરવીને કહેવું કે 'આવ બેટા, છો તારી બા બૂમાબૂમ કરતી. એ બૂમાબૂમ કરે, પણ તે આવી રીતે કોઈની ચોરી કરી તેમ કોઈ તારા ગજવામાંથી ચોરી કરે તો તને સુખ લાગે ? તે વખતે તને મહીં કેવું દુઃખ થાય ? એમ સામાને ય દુઃખ ના થાય ?! તેવી આખી થિયરી છોકરાને સમજાવવી પડે. એક વખત તેને ઠસી જવું જોઈએ કે આ ખોટું છે, તમ

ે એને મારમાર કરો છો, એનાથી તો છોકરા હઠે ચડે છે. ખાલી રીત જ ફેરવવાની. જગત આખું સ્થૂળકર્મને જ સમજ્યું છે. સૂક્ષ્મકર્મને સમજ્યું જ નથી. સૂક્ષ્મને સમજ્યું હોત તો આ દશા ના હોત !

ચાર્જ અને ડિસ્ચાર્જ કર્મ !

પ્રશ્નકર્તા : સ્થૂળકર્મ અને સૂક્ષ્મકર્મના કર્તા જુદા જુદા છે ?

દાદાશ્રી : બંનેનાં કર્તા જુદા છે. આ જે સ્થૂળ કર્મો છે, તે ડિસ્ચાર્જ કર્મો છે. આ બેટરીઓ હોય ને, તેને ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ થયા કરે ને ? આપણે ડિસ્ચાર્જ ના કરવી હોય તો ય તે થયા જ કરે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવું આ સ્થૂળ કર્મો એ ડિસ્ચાર્જ કર્મો છે ને બીજા મહીં નવા ચાર્જ થઈ રહ્યાં છે તે સૂક્ષ્મ કર્મો છે. આ ભવમાં જે ચાર્જ થઈ રહ્યાં છે તે આવતા ભવમાં ડિસ્ચાર્જ થયા કરશે અને આ અવતારમાં ગયા અવતારની બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરે છે, એક મનની બેટરી, એક વાણીની બેટરી અને એક દેહની બેટરી - આ ત્રણેય બેટરીઓ અત્યારે ડિસ્ચાર્જ થયાં જ કરે છે અને મહીં નવી ત્રણ બેટરીઓ ભરાઈ રહી છે. આ બોલું છું, તે તને એમ થાય કે 'હું' જ બોલું છું. પણ ના, આ તો રેકર્ડ બોલી રહી છે. આ તો વાણીની બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે. હું બોલતો જ નથી અને આ બધા જગતનાં લોકો શું કહે કે 'મેં કેવી વાત કરી, કેવું હું બોલ્યો !' એ બધા કલ્પિત ભાવો છે, ઈગોઈઝમ છે. ખાલી એ ઈગોઈઝમ (અહંકાર) જાય તો પછી બીજું કશું રહ્યું ? આ ઈગોઈઝમ એ જ અજ્ઞાનતા છે અને એ જ ભગવાનની માયા છે. કારણ કે કરે છે બીજા ને પોતાને એવું એડજસ્ટમેન્ટ થાય છે કે 'હું જ કરું છું !'

આ સૂક્ષ્મકર્મો જે મહીં ચાર્જ થાય છે, તે પછી કોમ્પ્યુટરમાં જાય છે. એક વ્યષ્ટિ કોમ્પ્યુટર છે ને બીજુ સમષ્ટિ કોમ્પ્યુટર છે. તે વ્યષ્ટિમાં પહેલાં સૂક્ષ્મકર્મો જાય ને ત્યાંથી પછી સમષ્ટિ કોમ્પ્યુટરમાં જાય. પછી સમષ્ટિ કામ કર્યા કરે. 'હું ચંદુભાઈ છું' એમ રિયલી સ્પિકીંગ બોલવું એ જ કર્મ બંધાય છે. 'હું કોણ છું' એટલું જ જો સમજ્યો તો ત્યારથી બધાં જ કર્મોથી છૂટ્યા. એટલે આ વિજ્ઞાન સરળ ને સીધું મૂક્યું છે, નહીં તો કરોડો ઉપાયે એબ્સોલ્યુટ થવાય એવું નથી અને આ તો તદ્દન એબ્સોલ્યુટ થિયરમ છે.

કર્મ - કર્મફળ - કર્મફળ પરિણામ !

પ્રશ્નકર્તા : ગયા ભવનાં કર્મો જે છે ચાર્જ થયેલાં, એ ડિસ્ચાર્જરૂપે આ ભવમાં આવે છે. તો આ ભવનાં જે કર્મો છે, એ આ ભવમાં જ ડિસ્ચાર્જરૂપે આવે કે નહીં ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો ક્યારે આવે ?

દાદાશ્રી : ગયા અવતારનાં કૉઝીઝ છે ને તે આ અવતારની ઈફેક્ટ છે. આ અવતારના કૉઝીઝ આવતા અવતારની ઈફેક્ટ છે.

પ્રશ્નકર્તા : પણ કેટલાંક કર્મો એવાં હોય છે ને કે અહીંયા ને અહીંયા ભોગવી લેવાનાં હોય છે ને, આપે એવું કહ્યું છે, એક વખત.

દાદાશ્રી : એ તો આ જગતનાં લોકોને એવું લાગે. જગતનાં લોકોને શું લાગે 'હં...અ.... જો, હોટલમાં બહુ ખાતો હતો ને તે મરડો થઈ ગયો.' હોટલોમાં ખાતો હતો એ કર્મ બાંધ્યા, તેથી આ મરડો થઈ ગયો કહેશે. ત્યારે જ્ઞાનીઓ શું કહે, એ હોટલમાં શા માટે ખાતો હતો ? એ કોણે શીખવાડ્યું એને હોટલમાં ખાવાનું ? કેવી રીતે બન્યું ? સંજોગો ઊભા થઈ ગયા. પહેલાં જે યોજના કરેલી, તે આ યોજના આવી એટલે એ હોટલમાં ગયો. એ જવાનાં સંજોગો બધાં ભેગા થઈ જાય. એટલે હવે છૂટવું હોય તો છૂટાય નહીં. એનાં મનમાં એમ થાય કે સાલું આવું કેમ થતું હશે ?!

તે અહીંના ભ્રાંતિવાળાને એમ લાગે કે આ કામ કર્યું એટલે આ થયું. ભ્રાંતિવાળા એવું સમજે કે અહીં કર્મ બાંધે છે ને અહીં ભોગવે. એવું સમજે. પણ આ શોધખોળ નહીં કરેલી કે એને નથી જવું તો ય શી રીતે જાય છે ? એને શી રીતે નથી જવું છતાં એ કયા કાયદાથી જાય છે, તે હિસાબ છે.

તે આપણે વધારાનું શીખવાડીએ છીએ કે આ છોકરાને માર-માર ના કરશો વગર કામનું, ફરી ભાવ ના કરે એવું કરો. ફરી યોજના ન કરે એવું કરો. ચોરી એ ખરાબ છે.... હોટલમાં ખાવું એ ખરાબ છે, એવું એને જ્ઞાન ઉત્પન્ન થાય એવું કરો. એટલે ફરીથી આવતે ભવ એવું બને નહીં. આ તો માર-માર કરે ને છોકરાને કહેશે, 'જો નહીં જવાનું તારે', તો એનું મન અવળું ફરે કે, એ છોને કહે, આપણે તો જવાનાં, બસ. ઊલ્ટો હઠે ચઢે ને તેથી જ આ કર્મો ઊંધા થાય છે ને ! મા-બાપ ઊંધા કરાવડાવે છે.

પ્રશ્નકર્તા : જે આગલાં ભાવ કર્યા હતા એટલે હોટલમાં ગયો, હવે હોટલમાં ગયો, પછી ત્યાં ખાધું અને પછી મરડો થયો, આ બધું ડિસ્ચાર્જ છે ?

દાદાશ્રી : એ હોટલમાં ગયો એ ડિસ્ચાર્જ છે અને પેલું મરડો થયો તે ય ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ પોતાનાં તાબામાં ના રહે, કંટ્રોલ ના રહે, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય.

હવે એક્ઝેક્ટ જો કર્મની થિયરી કોને કહેવાય એવું જો સમજે, તો એ માણસ પુરુષાર્થ ધર્મને સમજી શકે. આ જગતના લોકો જેને કર્મ કહે છે, એને કર્મની થિયરી કર્મફળ કહે છે. હોટલમાં ખાવાનો ભાવ થાય છે. પૂર્વભવે કર્મ બાંધ્યું હતું, તેના આધારે ખાય છે. ત્યાં એ કર્મ કહેવાય. એ કર્મના આધારે આ ભવમાં એ હોટલમાં ખા ખા કરે છે. એ કર્મફળ આવ્યું કહેવાય અને આ મરડો થયો, એને જગતના લોકો કર્મફળ આવ્યું એવું માને. ત્યારે કર્મની થિયરી શું કહે છે આ મરડો થયો, એ કર્મફળનું પરિણામ આવ્યું.

વેદાંતની ભાષામાં હોટલમાં ખાવા ખેંચાય છે તે પૂર્વે બાંધેલા સંચિત કર્મને આધારે, અત્યારે મહીં ખૂબ ના છે છતાં ય હોટલમાં જઈને ખાઈ આવે છે તે પ્રારબ્ધ કર્મ અને એનું ફરી પાછું આ ભવમાં જ પરિણામ આવે ને મરડો થઈ જાય એ ક્રિયમાણ કર્મ !

હોટલમાં ખાય ત્યારે મજા આવી તે વખતે ય બીજ નાખે છે અને મરડો થાય ત્યારે ભોગવતી વખતે ય ફરી બીજ નાખે છે. એટલે કર્મફળ વખતે અને કર્મફળ પરિણામ વખતે, બે બીજ નાખે છે.

સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણકર્મ !

પ્રશ્નકર્તા : એ બધું પૂર્વભવના સંચિતકર્મ ઉપર આધારિત છે ?!

દાદાશ્રી : એવું છે ને સંચિતકર્મને એ બધા શબ્દો સમજવાની જરુર છે. એટલે સંચિતકર્મો એ કૉઝીઝ છે અને પ્રારબ્ધકર્મ એ સંચિતકર્મની ઈફેક્ટ છે અને ઈફેક્ટનું ફળ તરત જ મળે એ ક્રિયમાણકર્મ અને સંચિતકર્મનું ફળ પચાસ-સાઠ-સો વર્ષ પછી એનો કાળ પરિપક્વ થાય ત્યારે મળે.

સંચિતકર્મનું આ ફળ છે. સંચિતકર્મ ફળ આપતી વખતે સંચિત ના કહેવાય. ફળ આપતી વખતે પ્રારબ્ધકર્મ કહેવાય. એના એ જ સંચિતકર્મ જ્યારે ફળ આપવા તૈયાર થાય, ત્યારે એ પ્રારબ્ધકર્મ કહેવાય. સંચિત એટલે પેટીમાં મૂકેલી થોકડીઓ. એ જે થોકડી બહાર કાઢીએ એ પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધનો અર્થ શું કે જે ફળ આપવા સન્મુખ થયું તે પ્રારબ્ધ અને ફળ આપવા સન્મુખ નહીં થયું, હજુ તો કેટલાંય કાળ પછી ફળ આપશે ત્યાં સુધી એ સંચિત બધા. સંચિત પડી રહેલા હોય બધા. ધીમે ધીમે ઉકેલ આવતો જાય, તેમ તેમ ફળ આપે.

અને ક્રિયમાણ તે આંખે દેખાય છે. પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે તે ક્રિયમાણ કર્મ. એટલે આ ત્રણ રીતે ઓળખાય કર્મ. લોકો કહે જુઓને, આને બે ધોલ મારી દીધી. ધોલ મારનારને દેખે, ધોલ ખાનારને દેખે, તે આ ક્રિયમાણકર્મ. હવે ક્રિયમાણકર્મ એટલે શું ? ફળ આપવા જે સન્મુખ થયું તે આ ફળ. પેલાને ફળ એવું આવ્યું કે બે ધોલો આપી દીધી. અને પેલાને ફળ એવું આવ્યું તે બે ધોલો ખાધી. હવે એ ક્રિયમાણનું પાછુ ફળ આવે. તો પેલી ધોલ મારી એટલે પછી મનમાં રીસ રાખે કે મારા લાગમાં આવે તે ઘડીએ જોઈ લઈશ. એટલે પછી પાછું એ એનો બદલો આપે ! અને પછી નવા પાછાં બીજ પડતા જ જાય. નવા બીજ તો નાખતો જ જાય મહીં. બાકી સંચિત એકલા તો એમ ને એમ પડી રહેલો, સ્ટોકમાં રહેલો માલ. પુરુષાર્થ એ વસ્તુ જુદી છે. ક્રિયમાણ તો પ્રારબ્ધનું રિઝલ્ટ છે, પ્રારબ્ધનું ફળ છે.

પ્રશ્નકર્તા : આ પુરુષાર્થને આપ કર્મયોગ કહો છો ?

દાદાશ્રી : કર્મયોગ સમજવો જોઈએ. કર્મયોગ જે ભગવાને લખ્યો અને લોકો જેને કર્મયોગ કહે છે એ બેમાં આકાશ-પાતાળ જેટલો ફેર છે.

પુરુષાર્થ એટલે કર્મયોગ ખરો, પણ કર્મયોગ કેવો ? ઓન પેપર. યોજના, એ કર્મયોગ કહેવાય. એ કર્મયોગ જે થયો, એ પછી હિસાબ પડયો એનું ફળ એ સંચિત કહેવાય અને સંચિત એ ય છે તે યોજનામાં જ છે, પણ જ્યારે ફળ આપવા સન્મુખ થાય ત્યારે પ્રારબ્ધ કહેવાય અને પ્રારબ્ધ ફળ આપે ત્યારે ક્રિયમાણ ઊભા થાય. પુણ્ય હોય તો ક્રિયમાણ સારું થાય, પાપ આવે ત્યારે ક્રિયમાણ અવળા થાય.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14