ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

પાપ-પુણ્યનું ન થાય પ્લસ-માઈનસ !

પ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે ભોગવટામાં ?

દાદાશ્રી : ના, પ્લસ-માઈનસ ના થાય. પણ એને ભોગવટામાં ઓછા કરી શકાય. પ્લસ-માઈનસનો તો આ દુનિયા છે ને ત્યારથી કાયદો જ નથી. નહીં તો લોકો અક્કલવાળા જ લાભ ઉઠાવી જાત એમ કરીને. કારણ કે સો પુણ્યના કરે અને દસ પાપ કરે, એ દસ બાદ કરીને મારા નેવું છે, જમે કરજો, કહેશે. તે અક્કલવાળા તો ફાવી જાય બધા. આ તો કહે છે, આ પુણ્ય ભોગવ અને પછી આ દસ પાપ ભોગવ.

પ્રશ્નકર્તા : દાદા, આપણે અહંકાર વગર કોઈ પણ સત્કર્મ થાય અથવા કોઈ સંસ્થાને હોસ્પિટલ કે એને પૈસા આપે તો આપણા કર્મો પ્રમાણે જે ભોગવવું પડે એ ઓછું થાય એ સાચી વાત ?

દાદાશ્રી : ના, ઓછું ના થાય. ઓછું-વધતું ના થાય. એ બીજા કર્મ બંધાય. બીજા પુણ્યૈના કર્મ બંધાય. પણ તે આપણે કો'કને ગોદો મારી આવ્યા એનું ફળ તો ભોગવવું પડે, નહીં તો જાણે બધા વેપારી લોકો પેલા બાદ કરીને પછી નફો એકલો જ રાખે. એ એવું નથી. કાયદા બહુ સુંદર છે. એક ગોદો માર્યો હોય તેનું ફળ આવશે. સો પુણ્યમાંથી બે બાદ નહીં થાય. બે પાપે ખરું અને સો પેલું પુણ્ય પણ ખરું. બન્ને જુદા ભોગવવાના.

પ્રશ્નકર્તા : એટલે આ શુભ કર્મ કરીએ અને અશુભ કર્મ કરીએ, બન્નેનું ફળ જુદું મળે ?

દાદાશ્રી : અશુભનું અશુભ ફળ આપે જ. શુભનું શુભ આપશે. કશું ઓછું-વત્તું થાય નહીં. ભગવાનને ત્યાં કાયદો કેવો છે ? કે તમે આજે શુભકર્મ કર્યું એટલે સો રૂપિયા દાન આપ્યા, તો સો રૂપિયા જમે કરે એ અને પાછા પાંચ રૂપિયા કો'કને ગાળ ભાંડી ઉધાર્યા, તમારે ખાતે ઉધારે એ. એ પંચાણું જમે ના કરે. એ પાંચ ઉધારે ય કરે ને સો જમે ય કરે. બહુ પાકાં છે. નહીં તો આ વેપારી લોકો, ફરી દુઃખ જ ના પડે એવું હોય ને, એ તો જમે-ઉધાર કરીને એમનું જમે જ હોય અને તો પછી કોઈ મોક્ષે જાય જ નહીં. અહીં આગળ આખો દા'ડો પુણ્ય ને પુણ્ય હોય. પછી કોણ જાય મોક્ષે ? આ કાયદો જ એવો છે કે સો જમે કરે ને પાંચ ઉધારે ય કરે. બાદબાકી કરવાની નહીં. એટલે માણસને જમે કર્યું હોય તે પાછું ભોગવવું પડે, તે પુણ્યૈ ગમે નહીં પાછું, બહુ પુણ્ય ભેગું થયેલું હોય ને, દસ દા'ડા, પંદર દા'ડા જમવાનું કરવાનું, બધું લગન-બગન ચાલતાં હોય, ગમે નહીં, કંટાળો આવે. બહુ પુણ્યમાં ય કંટાળો આવે. બહુ પાપમાં ય કંટાળો આવે. પંદર દા'ડા સુધી સેન્ટ ને અત્તરો આમ ઘસઘસ કરતાં હોય, જમાડો ખૂબ, તો ય ખીચડી ખાવા ઘેર નાસી જાય. કારણ કે આ સાચું સુખ નથી. આ કલ્પેલું સુખ છે. સાચું સુખ કોઈ દા'ડો અભાવે ય ના થાય. એ આત્માનું જે સાચું સુખ છે, એનો અભાવ ક્યારે ય પણ ના થાય. આ તો કલ્પિત સુખ છે.

કર્મબંધનમાંથી મુક્તિનો માર્ગ...

પ્રશ્નકર્તા : પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો ? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે સારા કે ખોટા કર્મ બધા કરેલાં જ છે, તો એનાથી ઉકેલ લાવવાનો શો રસ્તો ?

દાદાશ્રી : આ કો'ક તને હેરાન કરતું હોય, તો તું હવે સમજી જઉં કે મેં એમની જોડે પૂર્વભવમાં ખરાબ કર્મ કર્યા છે, તેનું આ ફળ આપે છે. તો તારે શાંતિ અને સમતાથી એનો નિવેડો લાવવાનો. શાંતિ રહે નહીં પોતાથી ને ફરી બીજ નાખું તું. એટલે પૂર્વજન્મનાં બંધન ઉકેલવાનો એક જ રસ્તો, શાંતિ અને સમતા. એના માટે ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ અને મારો જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ, હું જ મારા પાપ ભોગવી રહ્યો છું, એવું લાગવું જોઈએ, તો છૂટકારો થાય. અને ખરેખર તમારા જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે. એ તો નિમિત્ત છે. આખું જગત નિમિત્ત છે, દુઃખ દેનાર ! સો ડોલર રસ્તામાં લઈ લેનારા બધા ય નિમિત્ત છે. તમારો જ હિસાબ છે. તમને આ ઈનામ ક્યાંથી પહેલા નંબરનું લાગ્યું ? આમને કેમ નથી લાગતું ? સો ડોલર લઈ લીધા, એ ઈનામ ના કહેવાય ?

પ્રાર્થનાનું મહત્વ, કર્મ ભોગવટામાં !

પ્રશ્નકર્તા : દાદા, હું પ્રશ્ન એમ પૂછતો હતો કે જે પ્રારબ્ધ તો બની ગયું છે, કોઈને માંદુ પડવાનું છે કે કોઈને કંઈ નુકસાન જવાનું છે, તો પ્રાર્થનાથી એ બદલાય ખરું ?

દાદાશ્રી : એવું છે ને, પ્રારબ્ધનાં ભાગ છે. પ્રારબ્ધના પ્રકાર હોય છે. એક પ્રકાર એવો હોય છે એ પ્રાર્થના કરવાથી ઊડી જાય. બીજો પ્રકાર એવો છે કે તમે સાધારણ પુરુષાર્થ કરો તો ઉડી જાય અને ત્રીજો પ્રકાર એવો છે કે તમે ગમે તેટલો પુરુષાર્થ કરોને ભોગવ્યા વગર છૂટકો જ ના થાય. બહુ ચીકણો હોય. તે કોઈ માણસ આપણી ઉપર, કપડાં ઉપર થૂંક્યો, એને આમ ધોવા જઈએ તો મોળું હોય તો પાણી રેડીએ તો ધોવાઈ જાય. બહુ ચીકણું હોય તો ?

પ્રશ્નકર્તા : ના નીકળે.

દાદાશ્રી : એવી જ રીતે કર્મો ચીકણાં હોય છે. એને નિકાચિત કર્મ કહ્યાં.

પ્રશ્નકર્તા : પણ કર્મ બહુ ચીકણું હોય તો ય પ્રાર્થનાથી કશો ફેર ના પડે ?

દાદાશ્રી : કશું ફેર ના પડે. પણ પ્રાર્થનાથી તે ઘડીએ સુખ થાય.

પ્રશ્નકર્તા : ભોગવવાની શક્તિ મળે ?

દાદાશ્રી : નહીં, એ તમારે જે દુઃખ આવ્યું છે ને ! દુઃખમાં સુખનો ભાગ લાગે, પ્રાર્થનાને લઈને. પણ પ્રાર્થના રહી શકવી, એ મુશ્કેલ છે. આ સંજોગો ખરાબ હોય અને મન જ્યારે બગડેલું હોય તે ઘડીએ પ્રાર્થના રહેવી મુશ્કેલ છે. રહે તો બહુ ઉત્તમતા કહેવાય. તે દાદા ભગવાન જેવાને સંભારીને બોલાવો ત્યારે, કે જે શરીરમાં પોતે રહેતા ના હોય. શરીરના માલિક ના હોય એમને જો સંભારીને બોલાવે તો રહે, નહીંતર ના રહે !

પ્રશ્નકર્તા : નહીં તો તે સંજોગોમાં પ્રાર્થના યાદ જ ના આવે.

દાદાશ્રી : યાદ જ ન આવે. યાદ જ ઉડાડી મેલે, ભાન જ ઊડી જાય બધું.

દેવ-દેવીની બાધાનું બંધન ?

પ્રશ્નકર્તા : કોઈ પણ દેવ-દેવીની બાધા રાખવાથી કર્મબંધન થાય ખરું ?

દાદાશ્રી : બાધા રાખવાથી કર્મબંધન અવશ્ય થાય. બાધા એટલે શું કે એમની પાસેથી આપણે મહેરબાની માંગી. એટલે એ મહેરબાની કરે ય ખરાં, એટલે તમે એમને બદલો આપો. અને તેથી જ કર્મ બંધાય.

પ્રશ્નકર્તા : સંત પુરુષના સહવાસથી કર્મબંધન છૂટે ખરાં ?

દાદાશ્રી : કર્મબંધન ઓછાં થઈ જાય અને પુણ્યના કર્મ બંધાય પણ એ એને નુકસાન ન કરે. પેલા પાપના ના બંધાય.

જાગૃતિ કર્મબંધનની સામે...

પ્રશ્નકર્તા : કર્મ ના બંધાય, એના માટે રસ્તો શું ?

દાદાશ્રી : આ કહ્યું ને, તરત જ ભગવાનને કહી દેવું આ, અરેરે ! મેં આવાં આવાં ખરાબ વિચાર કર્યા. હવે જે આવ્યા છે એ તો એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે પણ મારે તો આ અત્યારે ક્યાંથી મૂઆ ! એ મેં હિસાબ બાંધ્યો. તેની ક્ષમા માંગું છું, ફરી આવું નહીં કરું.

પ્રશ્નકર્તા : કોઈ ખૂન કરે અને પછી પાછો ભગવાનને આવો પસ્તાવો કરીને કહે, તો કેવી રીતના છૂટે કર્મ ?

દાદાશ્રી : હા, છૂટે. ખૂન કરીને રાજી થાય તો કર્મ ખરાબ બંધાય ને ખૂન કરીને આવો પસ્તાવો કરવાથી કર્મ હલકું થાય !

પ્રશ્નકર્તા : ગમે તે કરે તો ય કર્મ તો બંધાયું જ ને ?

દાદાશ્રી : બંધાઈ ને છૂટે ય છે. ખૂન થયું ને એ કર્મ છૂટયું છે. તે વખતે બંધાય ક્યારે ? મનમાં એમ થાય કે આ ખૂન કરવાં જ જોઈએ. તો ફરી નવું બંધાયું. આ કર્મ પૂરું છૂટયું કે છૂટતી વખતે પસ્તાવો કરીએ ને, તો છૂટાશે. માર્યો એ બહુ મોટું નુકસાન કરે. આ માર્યો તેની અપકીર્તિ થશે, શરીરમાં જાત જાતનાં રોગ ઉત્પન્ન થઈ જશે, ભોગવવાં પડશે. અહીંનું અહીં જ ભોગવવાનું. નવું કર્મ ચીકણું નહીં બંધાય. આ કર્મફળ છે, એ ભોગવવાનું. માર્યો તે જ કર્મના ઉદયથી માર્યો અને માર્યો એટલે કર્મફળ ભોગવવાનું પણ સાચા દિલથી પસ્તાવો લે તો નવાં કર્મ ઢીલાં થઈ જાય. મારવાથી નવું કર્મ બંધાય ક્યારે ? કે મારવો જ જોઈએ, એ નવું કર્મ. રાજીખુશીથી મારે તો કર્મ ચીકણું બંધાય અને પસ્તાવાપૂર્વક કરે તો કર્મ ઢીલાં થઈ જાય. ઉલ્હાસે બાંધેલાં કર્મ પશ્ચાત્તાપ કરીને નાશ પામે.

એક મુસલમાનને એનાં બીબી ને છોકરાં પજવતાં હોય કે માંસાહાર તમે ખવડાવતા નથી. ત્યારે કહે, પૈસા નથી, શું ખવડાવું ? તો કહે, હરણ મારી લાવો. તો છાનોમાનો જઈને હરણ મારી લાવ્યો અને ખવડાવ્યું. હવે એને દોષ બેઠો અને એવું ને એવું હરણ એક રાજાનો છોકરો હતો, તે શિકાર કરવા ગયો. તે શિકાર કરીને ખુશ થઈ ગયો. હવે પેલાં હરણ તો બેઉ મર્યા. આ એનાં મોજશોખની માટે મારે છે, પેલો ખાવાં માટે મારે છે. હવે જે ખાય છે, એને આનું ફળ મનુષ્યમાંથી જાનવર થાય, તે મુસલમાન ! અને રાજાનો છોકરો શોખ-મોજ શોખ માટે કરે છે, ખાતો નથી, સામાને મારી નાખે છે. પોતાનાં કંઈ પણ લાભ વગર, પોતાને કંઈ લાભ બીજો થતો નથી અને નકામો શિકાર કરીને મારી નાખે છે. માટે એનું ફળ નર્કગતિ આવે છે. કર્મ એક જ પ્રકારનું પણ ભાવ જુદા જુદા. પેલો તો એના છોકરા માથાકૂટ કરે એટલાં હારું બિચારો અને આ તો મોજશોખની માટે જીવો મારે, શિકારનો શોખ હોય છે ને ! પછી ત્યાંનું ત્યાં હરણું પડી રહે, એની કંઈ પડેલી નહીં. પણ શું કહે પાછો ? જો એક્ઝેક્ટ ધાર્યુ ને આવું પાડયું એને. આ ટ્રાફિકના લૉઝ આપણે ના સમજીએ, તો પછી ટ્રાફિકમાં મારી જ નાખેને, સામસામી ! પણ એ તો આવડે બધાને ! 'આ' આવડે એવાં નથી, એટલે અમારા જેવા શીખવાડનારા જોઈએ.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14