ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

સાધો સાસુ સાથે સુમેળ !

પ્રશ્નકર્તા : સાસુ સાથે મારે ખૂબ અથડામણો થાય છે, તેનાથી શી રીતે છૂટવું ?

દાદાશ્રી : એકે એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ, કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યા છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં, પછી એને તો કોઈ શું કરે ? સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે !

આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગાં થયેલા છે. આ આપણાં ઘરે ભેગાં કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધા ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો ય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર ! બધા પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ?

પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !

દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો છું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છૂટકારો થઈ જશે. બાકી, છૂટકારો થાય નહીં.

અમે કોઈના દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકુ સમજી જાવને, તો ય બધું બહુ કામ લાગે.

જ્યાં આપણું ચીકણું હોય ત્યાં આપણને ચીકણાં કર્મોનો ઉદય આવે અને તે આપણી ચીકાશ છોડાવવા આવે છે. બધો જ આપણો હિસાબ છે. કોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે. 'જ્ઞાની' તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી મુક્ત થયા, જ્યારે અજ્ઞાની ધક્કા મારે ને નવા કર્મ બાંધે. સામો ગાળો ભાંડે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્તમાત્ર છે. એવી જાગૃતિ રહે તો નવું કર્મ ના બંધાય. દરેક કર્મ એના નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે. કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી હોય છે. ઉદયકર્મમાં રાગ-દ્વેષ ના કરવા, એનું નામ ધર્મ.

પોતે જ પાડ્યાં અંતરાયો ?

પ્રશ્નકર્તા : આપણે સત્સંગમાં આવીએ છીએ તો ત્યાં કોઈ માણસ અવરોધ કરે છે. તે અવરોધ આપણા કર્મને લીધે છે ?

દાદાશ્રી : હા. તમારી ભૂલ ના હોય તો કોઈ નામ ના લે. તમારી ભૂલના જ પરિણામ છે. પોતાનાં જ બાંધેલા અંતરાય કર્મ છે. કરેલાં કર્મના હિસાબ બધાં ભોગવવાના છે.

પ્રશ્નકર્તા : એ ભૂલ આપણે ગયા જનમમાં કરેલી ?

દાદાશ્રી : હા, ગયા જનમમાં.

પ્રશ્નકર્તા : અત્યારનું મારું વર્તન એમની પ્રત્યે સારું છે. છતાં ય પેલાં બોલે, ખરાબ વર્તન કરે છે, તો ગયા જનમનું છે ?

દાદાશ્રી : ગયા અવતારના કર્મ એટલે શું ? યોજના રૂપે કરેલા હોય. એટલે મનના વિચારથી કર્મ કરેલાં હોય, તે અત્યારે રૂપકમાં આવે અને તે આપણે કાર્ય કરવું પડે. ન કરવું હોય તો ય કરવું જ પડે. આપણે છૂટકો જ ના થાય. એવાં કાર્ય કરીએ છીએ. તે પાછલાં યોજનારૂપના આધારે કરીએ છીએ અને પછી તેનુ ફળ પાછું ભોગવવું પડે.

પતિ-પત્નીની અથડામણો....

માકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ આ ધણી બૈરીને કૈડે છે, બૈરી ધણીને કૈડે છે એ બહુ વસમું હોય છે. કૈડે કે ના કૈડે ?

પ્રશ્નકર્તા : કૈડે.

દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માકણ કૈડે છે, એ તો કૈડીને જતાં રહે. બિચારો એ મહીં ધરાઈ ગયો એટલે જતો રહે. પણ બૈરી તો કાયમ કૈડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કૈડે છે ! ત્યારે મૂઆ, પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ?! તે એ સાપ નહીં હોય મૂઓ ?! એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને !

પ્રશ્નકર્તા : એનાં કર્મમાં લખ્યું હશે એટલે એને ભોગવવું જ રહ્યું, એટલે એ કરડે છે, એમાં વાઈફનો વાંક નથી !

દાદાશ્રી : બસ. એટલે આ કર્મના ભોગવટા છે બધા. તેથી એવી વાઈફ મળી આવે, એવો ધણી મળી આવે. સાસુ એવાં મળી આવે. નહીં તો આ દુનિયામાં કેવી કેવી સારી સાસુઓ હોય છે ! ધણી કેવા કેવા સારા હોય છે ! બૈરી કેવી કેવી સારી હોય છે ! ને આપણને જ આવાં વાંકા કેમ ભેગા થયા ?!

આ તો બૈરી જોડે લઢવાડ કર્યા કરે. અલ્યા, તારા કર્મનો દોષ. એટલે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે. બૈરી, તે નિમિત્ત છે. નિમિત્તને શું કરવા બચકાં ભરે છે ? નિમિત્તને બચકાં ભરે, તેમાં ભલીવાર આવે કોઈ દહાડો ? અવળી ગતિઓ થાય બધી. આ તો લોકોની શું ગતિ થવાની છે, એ કહેતાં નથી એટલે ભડકતાં નથી. જો કહી દે ને કે ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે, તો હમણા ડાહ્યા થઈ જાય.

પ્રશ્નકર્તા : એમાં કોનું કર્મ ખરાબ સમજવું ? બન્ને ધણી-ધણીયાણી લઢતા હોય તેમાં ?

દાદાશ્રી : બેમાંથી જે કંટાળે એનું ?

પ્રશ્નકર્તા : તે એમાં તો કોઈ કંટાળે જ નહીં, એ તો લડ્યા જ કરે.

દાદાશ્રી : તો બન્નેનું ભેગું. અણસમજણથી બધું થાય છે.

પ્રશ્નકર્તા : અને એ સમજ આવી જાય તો દુઃખ જ નથીને કંઈ !

દાદાશ્રી : એ સમજે તો કશું દુઃખ જ નથી. આ તો એવું છે, એક છોકરો કાંકરો મારે, તો પછી એને મારવા ફરી વળે અને ગુસ્સે થઈ જાય એકદમ. ગુસ્સે થાય કે ના થાય ? અને ડુંગર ઉપરથી કાંકરો માથે પડે ને લોહી નીકળે તો ? કોની જોડે ગુસ્સો કરે ?

પ્રશ્નકર્તા : કોઈ ઉપર નહીં.

દાદાશ્રી : એવી રીતે આ છે. હંમેશાં જે મારનાર છેને એ નિમિત્ત જ છે, એ તો ભાન નથી તેથી આ ગુસ્સો કરે છે ! આવું નિમિત્ત, સમજે તો દુઃખ જ નથી !

સુખ આપી સુખ લો !

જેમ આપણે બાવળીયા વાવીએ અને પછી એમાં આંબાની આશા રાખીએ તો ચાલે નહીં ને ? જેવું વાવીએ એવું ફળ મળે. જેવાં જેવાં કર્મ કર્યા છે એવું ફળ આપણે ભોગવવાનું છે. અત્યારે કો'કને ગાળ ભાંડી, તે દહાડાનું પેલાનાં ગાંઠમાં જ હોય કે ક્યારે ભેગો થાય ને આપી દઉં. લોક બદલા વાળે, માટે આવાં કર્મ ના કરવા કે લોકો દુઃખી થાય. આપણે જો સુખ જોઈતું હોય તો સુખ આપો.

કોઈ બે ગાળો ભાંડી જાય તો શું કરવું જોઈએ ? જમે કરી દેવાનું. પૂર્વે આપેલી છે તે પાછી આપી ગયો છે અને જો ગમતી હોય તો બીજી બે-પાંચ ગાળો ધીરવી અને ના ગમતી હોય તો ધીરવી-કરવી નહીં, નહીં તો એ પાછી આપે ત્યારે સહન નહીં થાય. માટે જે જે ધીરે એ જમે કરવું.

આ દુનિયામાં અન્યાય નથી. બિલકુલ એક સેકન્ડ પણ ન્યાયની બહાર ગઈ નથી આ દુનિયા. માટે એ તમે જો પધ્ધતિસર હશો તો તમારું કોઈ નામ દેનાર નથી. હા, બે ગાળો આપવા આવે તો લઈ લો. લઈને જમે કરી લેવાની અને કહી દેવાનું કે આ હિસાબ પતી ગયો.

ક્લેશ, એ નથી ઉદયકર્મ !

જાણ્યું તો કોનું નામ કહેવાય, ઘરમાં મતભેદ ના હોય, મનભેદ ના હોય, ક્લેશ-કંકાસ ના હોય. આ તો મહિનામાં એકાદ દહાડો ક્લેશ થઈ જાય કે ના થઈ જાય ઘરમાં ? પછી એ જીવન કેમ કહેવાય ? આથી તો આદિવાસીઓ સારી રીતે જીવે છે.

પ્રશ્નકર્તા : પણ ઉદયકર્મને આધીન હશે, તો ક્લેશ-કંકાસ થવાનો જ ?

દાદાશ્રી : ના ક્લેશ ઉદયકર્મના આધીન નથી પણ અજ્ઞાનથી ઊભા થાય છે. ક્લેશ ઊભા થાય છે ને, તે નવા કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લેશવાળું હોતું નથી. અજ્ઞાનતાથી પોતે અહીં કેમ વર્તવું, તે જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય.

અત્યારે મારા એક ખાસ ફ્રેન્ડ હોય, તે ઓફ થઈ ગયા એવી ખબર અહીં લાવીને મને આપે, એટલે તરત જ આ શું થયું, જ્ઞાનથી મને એનું પૃથ્થકરણ થઈ જાય, એટલે પછી મને ક્લેશ થવાનું કોઈ કારણ જ નથી ને ! આ તો અજ્ઞાન મૂંઝાવી નાખે કે મારો ભઈબંધ મરી ગયો ને, એ બધું ક્લેશ કરાવે !

એટલે ક્લેશ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી ક્લેશ બધા ઊભા થાય છે. અજ્ઞાનતા જાય તો ક્લેશ દૂર થઈ જાય !

બધું શું છે, એ જાણી લેવું જોઈએ. સાધારણ રીતે આપણે ઘરમાં એક માટલી હોય, તે છોકરો ફોડી નાખે તો કોઈ ક્લેશ કરતું નથી અને કાચનું આવડું વાસણ હોય એ ફોડી નાખે તો ? ધણી શું કહે બઈને ? તું સાચવતી નથી આ બાબાને, તો મૂઆ માટલીમાં કેમ ના બોલ્યા ? ત્યારે કહે, એ તો ડીવેલ્યુ હતી. એની કિંમત જ ન્હોતી. કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતાં અને કિંમતવાળામાં ક્લેશ કરીએ છીએને ! વસ્તુ તો બેઉ ઉદયકર્મને આધીન ફૂટે છે ને ! પણ જો આપણે માટલી ઉપર ક્લેશ નથી કરતાં !

એક માણસના બે હજાર રૂપિયા ખોવાઈ જાય, તે એને માનસિક ચિંતા-ઉપાધિ થાય. બીજા એક માણસને ખોવાઈ જાય તો એ કહેશે, 'આ કર્મના ઉદય હશે તે થયું હવે.' એટલે આમ સમજણ હોય તો નિવેડો લાવે, નહીં તો ક્લેશ થઈ જાય. પૂર્વજન્મના કર્મમાં ક્લેશ નથી હોતો. ક્લેશ તો અત્યારની અજ્ઞાનતાનું ફળ છે.

કેટલાંક માણસો બે હજાર જતાં રહે તો કશું અસર ના થાય. એવું બને કે ના બને ? કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધા દુઃખો એ આપણી અજ્ઞાનતાના છે.

કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાંક લોકો તો, અંદર દુઃખે ને બાહ્ય પણ દુઃખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથા ફોડીને મરી જઉં તો ય એનો ફેરફાર થવાનો નથી.

પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ.

દાદાશ્રી : હા, પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ લે. નહીં તો પછી બુધ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય તે ? સમજવાની જરૂર છે, જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. કંઈ બધાનો મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા એ તો હોવી જોઈએ ને !

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14