ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

રીર્ટન ટિકિટ લીધેલી, જાનવરમાંથી !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે કર્મોનું ફળ મળે છે, તો આ જે જાનવરો છે તે પછી મનુષ્યમાં આવી શકે ખરાં ?

દાદાશ્રી : એ જ આવે છે. એ જ અત્યારે આવ્યા છે, તેની વસ્તી વધી છે ને ! અને તે જ ભેળસેળ કરે છે આ બધા.

પ્રશ્નકર્તા : એમણે પેલા જાનવરોએ કયા સત્કર્મ કર્યા હશે કે એ માનવ થયા ?

દાદાશ્રી : એને સત્કર્મ કરવાનું ના હોય. હું તમને સમજાવું. એક માણસ દેવાદાર થયો. દેવાદાર થયો એટલે નાદાર કહેવાય. લોકો નાદાર કહે એને, તો પછી એણે દેવું આપી દીધું એટલે એને ફરી નાદાર કહે ખરાં ?

પ્રશ્નકર્તા : ના, પછી ના કહે.

દાદાશ્રી : તેવી રીતે અહીંથી જાનવરમાં જાયને, દેવું પતાવવા પૂરતું જ. દેવું ભોગવીને અહીં પાછો આવતો રહે અને દેવગતિમાં જાય તો ક્રેડિટ (લેણું) ભોગવીને પાછો અહીં જ આવે.

આમ નોંતરે અધોગતિ !

પ્રશ્નકર્તા : મનુષ્યને જાનવરનો જ અવતાર મળે, એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : બધાં લક્ષણ જ કહી આપે એનાં. અત્યારે એનાં વિચાર છેને, તે વિચારો જ પાશવતાનાં આવે. કેવાં આવે ? કોનું ભોગવી લઉં, કોનું ખઈ જઉં, કોનું એ કરું ? મરણ થતી વખતે ફોટો પણ જાનવરનો પડે.

પ્રશ્નકર્તા : આંબાની ગોટલી આપણે વાવીએ તો આંબો જ થાય, એવું મનુષ્ય મરે તો મનુષ્યમાંથી પછી મનુષ્ય જ થાય ?

દાદાશ્રી : હા, મનુષ્યમાંથી પછી એટલે આ મેટરનિટી વોર્ડમાં મનુષ્યની સ્ત્રીનાં પેટે કૂતરું ના આવે. સમજાય છે ને ! પણ મનુષ્યમાં જેને સજ્જનતાનાં વિચાર હોય એટલે માનવતાનાં ગુણો હોય તો ફરી મનુષ્યમાં આવે અને પોતાનાં હક્કનું ભોગવવાં લોકોને આપી દે તો દેવગતિમાં જાય, સુપર હ્યુમન કહેવાય. અને પોતાની સ્ત્રી ભોગવવા માટે વાંધો નથી, એ હક્કનું કહેવાય, પણ અણહક્કનું ના ભોગવાય. એ ભોગવવાનાં વિચાર છે એ જ મનુષ્યમાંથી બીજે ભવે જાનવરમાં જવાની નિશાની છે એની. એ વિઝા છે, આપણે એનો વિઝા જોઈ લઈએ ને, તે ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : કર્મનો સિધ્ધાંત એવો છે કે મનુષ્યને એનાં કર્મો મનુષ્યયોનિમાં જ ભોગવવાં પડે છે.

દાદાશ્રી : ના. કર્મો તો અહીં ને અહીં જ ભોગવવાનાં. પણ જે વિચારો કરેલાં હોય કે કોનું ભોગવી લઉં ને કોનું લઈ લઉં ને કોનું એ કરી લઉં, એવાં સંકલ્પ-વિકલ્પ કર્યા હોય, તે એને લઈ જાય ત્યાં. પેલાં તો અહીં ને અહીં જ ભોગવી લે. પાશવતાનું કર્મ કર્યું હોય, તે તો અહીંનું અહીં ભોગવી લે. એનો વાંધો નહીં. આંખે દેખાય એવા પાશવતાના કર્મ કર્યા હોય તે અહીંનાં અહીં જ ભોગવવાં પડે. એ ભોગવે કેવી રીતે ? લોકોમાં નિંદા થાય, લોકોમાં હડધૂત થાય. પણ જે પાશવતાનાં વિચારો કર્યા, સંકલ્પ-વિકલ્પ ખરાબ કર્યા કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ભોગવવું જોઈએ. યોજનાઓ કરી. એ યોજના એને જાનવરગતિમાં લઈ જાય. યોજના ઘડે છેને મહીં ? નથી ઘડતાં ? એ જાનવરગતિમાં લઈ જાય.

આમાં ભોગવનારો કોણ ?

પ્રશ્નકર્તા : સારા કર્મ કરે તો પુણ્ય બંધાય અને ખોટા કર્મ કરે તો પાપ. આ પાપ-પુણ્ય કોણ ભોગવે શરીર કે આત્મા ?

દાદાશ્રી : આ પાપ-પુણ્ય જે કરે છે એ ભોગવે છે. કોણ ભોગવે છે ? અહંકાર કરે છે ને અહંકાર ભોગવે છે. શરીર ભોગવતું નથી ને આત્મા ય ભોગવતો નથી. એ અહંકાર ભોગવે છે. શરીર સાથેનો અહંકાર હોય તો શરીર સાથે ભોગવે. શરીર વગરનો અહંકાર શરીર વગર ભોગવે. માનસિક ખાલી ભોગવે.

પ્રશ્નકર્તા : મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક જેવું છે ખરું ?

દાદાશ્રી : મૃત્યુ પછી સ્વર્ગ ને નર્ક બન્ને ય છે.

પ્રશ્નકર્તા : એટલે ખરાબ કર્મ કર્યા હોય તો નર્કમાં કોણ જાય ? આત્મા જાય ?

દાદાશ્રી : વળી આત્મા ને શરીર બે ભેગું જ હોય ને !

પ્રશ્નકર્તા : મરી જાય ત્યારે શરીર તો અહીંયા છૂટી ગયું હોય ને ?

દાદાશ્રી : ત્યાં શરીર પછી નવું બંધાય. નર્કનું શરીર જુદું બંધાય, ત્યાં પારા જેવું શરીર હોય.

પ્રશ્નકર્તા : ત્યાં શરીર ભોગવે કે આત્મા ભોગવે ?

દાદાશ્રી : અહંકાર ભોગવે. જેણે કરેલાં હોય ને ! નર્કના કામ કર્યા એ ભોગવે.

હિટલરે બાંધ્યાં કેવાં કર્મ ?!

હિટલરે આ લોકોને માર્યા, તેનું ફળ કેમ ના મળ્યું ? એણે માર્યા, એ બધાં ભેગાં ક્યાંથી થયા ? એને આ પ્લેન ક્યાંથી ભેગા થયા ? આ બધું ભેગું ક્યાંથી થયું ? ભેગું થયું તો માર્યા એટલે આ કર્મફળ હતું એનું બિચારાનું ? આનું ય ફળ પાછું નર્કગતિ આવશે. શાસ્ત્રકારોએ પાછું કહ્યું, અહીં જે મરી ગયા અને જગતમાં નિંદનીય થઈ પડ્યા તો નર્કગતિ કે જાનવરમાં આવશે. જગતમાં જો કદી વખાણવા રૂપ થયાં અને ખ્યાતિ એની ફેલાય તો દેવગતિ અગર મનુષ્યમાં મૂકાય બહુ તો ! એટલે આનું પાછું ફળ તો આવે. એટલે આ લોકોને તોલે જોઈ લેવું.

ખોમેનીનાં હિસાબો પ્રજાસંગ !

પ્રશ્નકર્તા : આ ઇરાનનાં ખોમેની છે ને, ખોમેની, ત્યાંના ધર્મગુરુ કહો કે અત્યારે સત્તા બધી એના હાથમાં છે. ઈરાનના મેઈન કહેવાય અત્યારે એ. અત્યારે લાખો માણસો મરે છે. દુનિયાના બધાં દેશોએ એને વિનંતી કરી કે તમે સમાધાન કરો. પણ એ સમાધાન કરવા તૈયાર નથી અને લાખો માણસોનું નિકંદન થાય જ છે. એ કેવું કર્મ ? એની સાથે ઋણાનુબંધ, લાખો માણસો સાથેનો ઋણાનુબંધ શો ?

દાદાશ્રી : માણસો તો એ એનાં કર્મ ભોગવી રહ્યા છે અને એ બાંધી રહ્યા નથી. એ ભોગવી રહ્યા છે.

પ્રશ્નકર્તા : અને પેલો જે મારી રહ્યો છે તેનું ?

દાદાશ્રી : એ છે તો કર્મ બાંધી રહ્યો છે. એ નર્કગતિમાં જશે.

પ્રશ્નકર્તા : આ બધાં મરી જાય છે. એનો નિમિત્ત તો આ મારનાર બને છે ને ? એ કયા કારણે ?

દાદાશ્રી : નિમિત્ત બને છે અને તેથી એ નર્કે જશે.

પ્રશ્નકર્તા : નર્કે જશે બરોબર છે. પણ આ બન્યું કેવી રીતે ? કયા હિસાબે બન્યું હોય ?

દાદાશ્રી : લોકોનો હિસાબ ! પેલા જોડેનો હિસાબ નહીં, લોકોએ ગુના કરેલા તેથી એવો નિમિત્ત મળી આવ્યો.

લોકોએ ગુના કરેલાં, એ કોઈ પણ નિમિત્ત મળી આવ્યું તે એમણે ખલાસ કરી નાખ્યા. આ બધાનું કર્મ એ વ્યક્તિગત નહીં. આ વ્યક્તિગત તો ક્યારે કહેવાય ? આમ તમે અમથાં વાતચીત ના કરો અને તમને જોઉં અને મને મહીં ઉકળાટ થાય એ વ્યક્તિગત. છેટાં રહીને કામ થાય એ વ્યક્તિગત ના કહેવાય.

એ કહેવાય સામુહિક કર્મોદય !

પ્રશ્નકર્તા : હવે આ જગતમાં જે ધરતીકંપ થાય અને જ્વાળામુખી ફાટે, એ બધું કઈ શક્તિ કરે છે ?

દાદાશ્રી : બધું વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ દરેક ચીજ કરે. એવિડન્સ ઊભો થવો જોઈએ. બધી ભેગી થઈ કે જરાક કંઈ કાચું રહ્યું હોયને થોડુંક ભેગું થયું કે ફૂટ્યું હડહડાટ.

પ્રશ્નકર્તા : આ વાવાઝોડું વ્યવસ્થિત મોકલે ?

દાદાશ્રી : તો બીજું કોણ મોકલે ? એ તો વાવાઝોડું આખા મુંબઈ પર હોય, પણ કેટલાંય માણસને, વાવાઝોડું આવ્યું છે કે નહીં ? એમ કરીને પૂછે. 'અલ્યા મૂઆ, પૂછો છો ?' ત્યારે કહે, 'અમે જોયેલું નથી હજુ તો ! અહીં આવ્યું નથી અમારે ત્યાં.' એવું બધું આ તો. વાવાઝોડું મુંબઈમાં બધાને ના સ્પર્શે. કોઈને અમુક જાતનું સ્પર્શે, કોઈને આખું મકાન ઊડાડી દે હડહડાટ અને કોઈની સાદડીઓ પડી રહેલી નામ ના દે. બધું પધ્ધતિસર કામ કરી રહ્યું છે. વાવાઝોડું આવે તેથી ભો રાખવાનો નથી. બધું વ્યવસ્થિત મોકલે છે.

પ્રશ્નકર્તા : આ બધા ધરતીકંપ થાય, સાયક્લોન (વાવાઝોડા) થાય, લડાઈ થાય, એ બધું હાનિ-વૃધ્ધિના આધારે નહીં ?

દાદાશ્રી : ના. કર્મના ઉદયને આધારે એ બધાં. બધાં ઉદય ભોગવી રહ્યાં છે. મનુષ્યોની વૃધ્ધિ થતી હોય ને તો ય ધરતીકંપ થયા કરે. જો હાનિ-વૃધ્ધિનાં આધીન હોય તો ના થાયને ?

પ્રશ્નકર્તા : જેને ભોગવવાનો છે એનો ઉદય ?

દાદાશ્રી : મનુષ્યોનો ઉદય, જાનવરો ને બધાને. હા, સામુહિક ઉદય આવે. જુઓને, આ હીરોશીમા ને નાગાસાકીને ઉદય આવ્યો હતો ને !

પ્રશ્નકર્તા : જેવી રીતે એક જણે પાપ કર્યું, એવી રીતે સામુહિક પાપ કરે, એનો બદલો સામુહિક રીતે મળે ? એક જણ એ પોતે ચોરી કરવા ગયો અને દસ જણાં સાથે ધાડ પાડવા ગયા. તો એનો દંડ સામુહિક મળતો હશે ?

દાદાશ્રી : હા. ફળ સંપૂર્ણ ય મળવાનું, પણ દસેયને ઓછું-વધતું. એના કેવાં ભાવ છે તે ઉપર. કોઈક માણસ તો એમ કહેતો હોય કે આ મારા કાકાની જગ્યાએ મારે પરાણે જવું પડ્યું, એવાં ભાવ હોય. એટલે જેવો સ્ટ્રોંગ ભાવ છે, એ ઉપર હિસાબ બધા ચૂકવવાના. બિલકુલ કરેક્ટ. ધર્મના કાંટા જેવું.

પ્રશ્નકર્તા : પણ જે આ કુદરતી કોપ થતાં હશે, આ કોઈ જગ્યાએ પ્લેન પડ્યું ને આટલાં મરી ગયા ને કોઈ જગ્યાએ કોઈ પેલો જ્વાળામુખી ફાટ્યો ને બે હજાર જણ મરી ગયા, એ બધા એક સાથેના એ સામુહિક દંડનું પરિણામ હશે એ ?

દાદાશ્રી : એ બધાનો હિસાબ બધો. એટલાં હિસાબવાળા જ પકડાઈ જાય એમાં, કોઈ બીજો પકડાય નહીં. આજ મુંબઈ ગયો હોયને ત્યાર પછી કાલે ધરતીકંપ અહીં થાય અને મુંબઈવાળા અહીં આવ્યા હોય. તે મુંબઈવાળા અહીં મૂઆ હોય, એટલે બધો હિસાબ.

પ્રશ્નકર્તા : એટલે અત્યારે જે આટલું બધું જ્યાં ત્યાં બધા મરે છે, તે કોઈ પાંચસો-બસો ને બધી સંખ્યાઓ. જે પહેલાં કોઈ દહાડો આટલાં બધાં, સમૂહમાં મરતા જોવામાં ન્હોતા આવતાં. તો આટલું બધું સમૂહ પાપ થતું હશે ?

દાદાશ્રી : પહેલાં સમૂહ હતાં ય નહીં ને ! અત્યારે તો લાલ વાવટાવાળા નીકળ્યા હોય તો કેટલાં હોય ? એ ધોળા વાવટાવાળા કેટલાં હોય ? અત્યારે સમૂહ છે તે સમૂહના કામ. પહેલાં સમૂહ હતાં ય નહીં ને !

પ્રશ્નકર્તા : હં.... એટલે કુદરતી કોપ એ સમૂહનું જ પરિણામ ને ! આ અનાવૃષ્ટિ થવી, આ કોઈ જગ્યાએ ખૂબ પૂર આવી જવા, કોઈ જગ્યાએ ધરતીકંપ થઈને લાખો મરી જવા.

દાદાશ્રી : બધું આ લોકોનું પરિણામ.

પ્રશ્નકર્તા : એટલે જે વખતે દંડમાં આવવાનો હોય, ત્યારે ગમે ત્યાંથી ખેંચાઈને અહીં આવી જ ગયો હોય.

દાદાશ્રી : એ કુદરત જ લાવી નાખે ત્યાં અને બાફી નાખે, શેકી નાખે. એને પ્લેનમાં લાવીને પ્લેન પાડે.

પ્રશ્નકર્તા : હા દાદા. એવાં દાખલા જોવામાં આવે છે કે જે જનારો હોય, તે કોઈ કારણસર રહી જાય અને કોઈ દહાડો ના જનારો હોય, તે પેલાની ટિકિટ લઈને મહીં બેસી ગયો હોય. પછી પ્લેન પડી ભાંગે.

દાદાશ્રી : હિસાબ બધો. પધ્ધતસર ન્યાય. બિલકુલ ધર્મના કાંટા જેવું. કારણ કે એનો માલિક નથી, માલિક હોય તો તો અન્યાય થાય.

પ્રશ્નકર્તા : એર ઇન્ડિયાનું પ્લેન તૂટી ગયું. એ બધાનું નિમિત્ત હતું, આ વ્યવસ્થિત હતું ?

દાદાશ્રી : હિસાબ જ. હિસાબ વગર કશું બને નહીં.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14