ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

અમંગલ પત્ર, પોસ્ટમેનનો શું ગુનો ?

દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી ! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા ? ત્યારે કહે, 'ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાઝું ?' એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું.

પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ?

દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુઃખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. બાપ મરી ગયા ને કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ?

પૂર્વભવના ઋણાનુબંધીઓ...

પ્રશ્નકર્તા : આપણા જે સગાવહાલાં હોય અથવા તો વાઈફ હોય, છોકરાં હોય, આજે આપણાં જે સગા ઋણાનુબંધી હોય છે, એમની જોડે આપણે કંઈ પૂર્વભવનું કંઈ સંબંધ હોય છે માટે ભેગા થાય છે ?

દાદાશ્રી : ખરું. ઋણાનુબંધ વગર તો કશું હોય જ નહીં ને ! બધા હિસાબ છે. આપણે કાં તો એમને ગોદા માર્યા છે અગર ગોદા એમણે આપણને માર્યા છે. ઉપકાર કર્યા હશે, તો એનું ફળ અત્યારે મીઠું આવશે. ગોદા માર્યા હશે, તેનું કડવું આવશે.

પ્રશ્નકર્તા : ધારો કે અત્યારે મને કોઈ ભાઈ કંઈ ગોદો મારે છે અને મને દુઃખ થાય છે, તો એ દુઃખ મને થાય છે એ તો મારા જ કર્મનાં ફળ છે. પણ એ ભાઈ જ મને ગોદો મારે છે, માટે એમને ગયા ભવમાં કંઈ મારી જોડે કંઈ એવો હિસાબ બંધાયો હશે, માટે એ જ મને ગોદો મારે છે, એવું કંઈ ખરું ?

દાદાશ્રી : ખરુંને. બધો હિસાબ. જેટલો હિસાબ હોય એટલાં વખત મારે. બેનો હિસાબ હોય તો બે ગોદા મારે, ત્રણનો હિસાબ હોય તો ત્રણ મારે. આ મરચું ગોદો ના મારે ?

પ્રશ્નકર્તા : મારે.

દાદાશ્રી : મોઢે લ્હાય બળે, નહીં ? એવું આ બધું. પોતે નહીં મારતા, પુદગલ ગોદા મારે છે અને આપણે જાણીએ કે આ એ મારે છે. એ ગુનો છે પાછો. પુદગલ ગોદા મારે છે. મરચું ગોદા મારે છે તો પાછું ક્યાં નાખે છે એને ?!

મરચું કોઈ દી ગોદો મારે તેથી આપણે સમજી જવું કે ભઈ એમાં ગોદો ખાનારનો દોષ છે. મરચું એના સ્વભાવમાં જ છે.

પ્રશ્નકર્તા : આપણે પણ કોઈને ગોદો મારીએ અને એને દુઃખ થાય, તો શું કરવું ?

દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવું પડે. કપડાં તો ચોખ્ખાં રાખવા પડે ને ! મેલાં કેમ કરાય તે !

છેલ્લાંમાં છેલ્લું વર્તન, કોઈને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાય એવું હોવું જોઈએ. તો અત્યારે દુઃખ થાય, તેનું પ્રતિક્રમણ કરીએ તો છેલ્લી દશા આવે.

કોઈ કોઈનું દુઃખ લઈ શકે ?

પ્રશ્નકર્તા : એક મહાન સંત બે વર્ષ પહેેલાં એક હોસ્પિટલમાં ખૂબ પીડાતા હતા. ત્યાં મેં પ્રશ્ન એમને પૂછેલો કે કેમ તમને આવું થાય છે ? તો એમ કહે કે મેં ઘણાં માણસોનાં દુઃખો લઈ લીધાં છે. એટલે આ બધું મને થાય છે. એવું કોઈ કરી શકે ?

દાદાશ્રી : કોઈનું દુઃખ કોઈ લઈ શકે નહીં. આ તો બહાના કાઢ્યા સંત તરીકે પૂજાઈને ! પોતાના જ કૉઝીઝના આ પરિણામ છે. આ તો બહાનું કાઢે છે, પોતાની આબરુ રહે એટલા માટે. મોટા દુઃખ લેનારા પાક્યા ! સંડાસ જવાની શક્તિ નથી. એ શું દુઃખ લેવાના હતા તે ! કોઈ કોઈનું લઈ શી રીતે શકે ?

પ્રશ્નકર્તા : હું ય નથી માનતો. દુઃખ લઈ શકાય જ નહીં.

દાદાશ્રી : ના, ના ! આ તો લોકોને મૂરખ બનાવે છે. કોઈ લઈ શકે જ નહીં. એટલે આ તો બધું એ બહાના કાઢવાના ! પછી પૂજાય ! હું તો મોઢા ઉપર કહી દઉં કે તમારા દુઃખ તમે ભોગવી રહ્યા છો. શું જોઈને આવું બોલો છો ? મોટા દુઃખ લેવાવાળા આવ્યા.

પ્રશ્નકર્તા : દુઃખ આપી તો શકાય ને ?

દાદાશ્રી : એ દુઃખ લઈ શકતો નથી અને જે કોઈ આપણને દુઃખ આપી શકે, એ તો આપણું ઈફેક્ટ છે. આપી શકે તે ય ઈફેક્ટ છે ને લઈ શકે તે ય ઈફેક્ટ છે. ઈફેક્ટ એટલે ઈટ હેપન્સ, કોઈ કર્તા નહીં !

ભયાનક દર્દો, પાપકર્મે !

પ્રશ્નકર્તા : કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મનાં કોઈ પાપ નડે છે. એ સાચી વાત છે ?

દાદાશ્રી : હા. પાપથી રોગ થાય અને પાપ ના હોય તો રોગ ના થાય. તેં કોઈ રોગવાળાને જોયેલાં ?

પ્રશ્નકર્તા : મારા માતૃશ્રી હમણાં જ બે મહિના ઉપર કેન્સરથી ગયા.

દાદાશ્રી : એ તો બધા પાપકર્મના ઉદયથી બને. પાપકર્મનો ઉદય હોય ત્યારે કેન્સર થાય. આ બધું હાર્ટએટેક ને એ પેલા પાપકર્મથી બધું થાય છે. નર્યા પાપો જ બાંધ્યા છે, આ કાળના જીવોએ, ધંધા જ એ, આખો દહાડો પાપકર્મ જ કર્યા કરે છે. ભાન નથી એટલે. જો ભાન હોત તો આવું ના કરત !

પ્રશ્નકર્તા : એમણે આખી જિંદગી ભક્તિ કરેલી, તો એમને કેમ કેન્સર થયું ?

દાદાશ્રી : ભક્તિ કરી, એનું ફળ તો હજુ હવે આવશે. આવતાં જનમમાં મળશે. આ પાછલાં જન્મનું ફળ અત્યારે મળ્યું અને અત્યારે તમે સારા ઘઉં વાવી રહ્યા છો, તો આવતા ભવમાં તમને ઘઉં મળશે.

પ્રશ્નકર્તા : કર્મને લીધે રોગ થાય, તો દવાથી કેમ મટે છે ?

દાદાશ્રી : હા. એ રોગમાં એ જ પાપ કરેલાંને, તે પાપ અણસમજણથી કરેલા એટલે આ દવાથી મદદ મળી આવે અને હેલ્પ થઈ જાય. સમજણપૂર્વક કર્યા હોય તેની દવા-બવા કોઈ મળે નહીં, દવા ભેગી જ ના થાય. અણસમજણથી કરનારાં છે, બિચારા ! અણસમજણથી પાપ કરેલાં છોડે નહીં અને સમજણવાળાને ય છોડે નહીં. પણ અણસમજણવાળાને કંઈક મદદ મળી આવે અને સમજણવાળાને ના મળે.

એ છે પારકાંને પજવ્યાનું પરિણામ !

પ્રશ્નકર્તા : શરીરના સુખ-દુઃખ આપણે ભોગવીએ છીએ એ વ્યાધિ હોય કે ગમે તે આવતું હોય, તે પૂર્વેના ક્યા પ્રકારના કર્મોના પરિણામો હોય ?

દાદાશ્રી : આમાં તો એવું છે, કેટલાંય લોકો અણસમજણમાં બિલાડીને મારી નાખે. કૂતરાંને મારી નાખે, ખૂબ દુઃખ દે છે, હેરાન કરે છે. એ તો દુઃખ દે છે, એ ઘડીએ પોતાને ભાન નથી હોતું કે જવાબદારી શું આવશે ? નાની ઉંમરમાં બિલાડીનાં બચ્ચાં મારી નાખે. કૂતરાના બચ્ચાં મારી નાખે અને બીજું આ દાકતરો દેડકાં કાપે છે, એ એનો પડઘો એના શરીર પર પડવાનો. જે તમે કરી રહ્યા છો, તેનો જ પડઘો પડશે. પડઘા છે આ બધા.

પ્રશ્નકર્તા : એટલે અન્યના શરીર સાથે કરેલા ચેડાંના પડઘા પડે છે ?

દાદાશ્રી : હા. એ જ. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવું, એ તમારા જ શરીર પર આવશે.

પ્રશ્નકર્તા : એટલે એણે જ્યારે આ બધું કર્યું હોય, જીવોને ચીર્યા હોય તો તે વખતે તે અજ્ઞાન દશામાં હોય ને ! એને એવો વેરભાવ પણ ના હોય, તો ય એને ભોગવવું પડે ?

દાદાશ્રી : ભૂલથી, અજ્ઞાન દશામાં હાથ દેવતામાં પડે ને, તે દેવતા ફળ આપે જ. એટલે કોઈ છોડે નહીં. અજ્ઞાન કે સજ્ઞાન, અભાનતા કે સભાનતા, ભોગવવાની રીત જુદી હોય છે. પણ બાકી કશું છોડે નહીં ! આ બધા લોકો દુઃખ ભોગવી રહ્યા છે એ પોતાનો જ હિસાબ છે બધો. તેથી ભગવાને કહ્યું કે મન-વચન-કાયાથી અહિંસા પાળ. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું કર, જો તમારે સુખી થવું હોય તો !

પ્રશ્નકર્તા : કોઈ મહાત્મા હોય તેણે ડૉકટર ના બનવું જોઈએ ?

દાદાશ્રી : થવું ના જોઈએ કે થવું જોઈએ, એ ડિફરન્ટ મેટર છે. એ તો એની પ્રકૃતિ પ્રમાણે થયા જ કરવાનું. બાકી, મનમાં ભાવ આવો હોવો જોઈએ. એટલે એ દાકતરની લાઈનમાં જવાય જ નહીં પછી. કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો ભાવ જેનો છે, એ ત્યાં આગળ કેમ દેડકાં મારે ?

પ્રશ્નકર્તા : બીજી બાજુ ડૉકટરી શીખીને હજારો લોકોના દર્દ મટાડીને ફાયદો પણ કરે છે ને ?

દાદાશ્રી : એ દુનિયાનો વ્યવહાર છે. એ ફાયદો ના કહેવાય.

મંદ મગજનાંને કર્મ બંધન કેવું ?

પ્રશ્નકર્તા : જે સારો માણસ હોય તો એને જાતજાતના વિચારો આવે, મિનિટમાં કેટલાંય વિચાર કરી નાખે. કર્મ બાંધી નાખે અને મંદ મગજનાંને તો સમજણ જ ના હોય કશી ! એટલે એને તો કશું હોય જ નહીં, નિર્દોષ હોય ને !

દાદાશ્રી : એ સમજણવાળા સમજણના કર્મ બાંધે ને ના સમજણવાળા ના સમજણના કર્મ બાંધે. પણ ના સમજણવાળાના કર્મ બહુ જાડા હોય અને સમજણવાળા તો વિવેક સહિત આમ બાંધે. એટલે પેલો છે એનાં કર્મ બધા જંગલી જેવાં હોય, જાનવર જેવાં, એને સમજણ જ નથી, ભાન જ નહીં પછી ! એ તો કો'ક દેખે ને ઢેખાળો મારવા તૈયાર થઈ જાય.

પ્રશ્નકર્તા : આપણે એવાં માણસની દયા ન કરવી જોઈએ ?

દાદાશ્રી : રાખવી જ જોઈએ. જેને સમજણ ના હોય, તેનાં તરફ દયાભાવ રાખવો જોઈએ. એને હેલ્પ કરવી જોઈએ કંઈક. મગજની ખરાબી, એને લઈને બિચારો આવો હોય, તેમાં પછી એનો શો દોષ ?! એ ઢેખાળો મારી જાય તો ય આપણે એની સાથે વેર નહીં રાખતા, એની પર કરુણા રાખવી જોઈએ !

ગરીબ-અમીર કયા કર્મે ?

જે બને છે તે જ ન્યાય માનવામાં આવે તો કલ્યાણ થઈ જાય.

પ્રશ્નકર્તા : તો દાદા, તમને નથી લાગતું કે, બે માણસ હોય, એક માણસ જોતો હોય કે આ માણસ આટલો બધો ખરાબ, છતાં પણ આટલી સારી સ્થિતિમાં છે અને હું આટલો ધર્મપારાયણ છું તો આવો દુઃખી છું. તો એનું મન ધર્મમાંથી નહીં ફરી જાય ?

દાદાશ્રી : એવું છે ને આ જે દુઃખી છે એ કંઈ બધાંય ધર્મ પારાયણવાળા દુઃખી હોતા નથી. સેકડે પાંચ ટકા સુખી ય હોય છે.

આજે જે દુઃખ આવ્યું છે, તે આપણા જ કર્મનું પરિણામ છે. આજે એ જે સુખી થયેલો છે, આજે એની પાસે પૈસા છે ને એ સુખ ભોગવી રહ્યો છે, એ એના કર્મનું પરિણામ છે. અને હવે જે ખરાબ કરી રહ્યો છે એનું પરિણામ આવશે, ત્યારે એ ભોગવશે. આપણે જે હવે સારા કરી રહ્યા છે, તેનું પરિણામ આપણે આવશે ત્યારે ભોગવીશું.

પ્રશ્નકર્તા : દાદા, આ તમારી વાત સાચી છે. પણ એક વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ કે એક માણસ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય. સામે મહેલમાં એક માણસ રહેતો હોય. ઝૂંપડીવાળો જુએ છે કે મારી આમ દશા કેવી છે. હું તો આટલો બધો પ્રમાણિક છું. નોકરી કરું છું. તો મારા છોકરાંને ખાવા નથી મળતું. ત્યારે આ માણસ તો આટલું બધું ઊંધું કરે છે છતાં એ મહેલમાં રહે છે. તો એને ગુસ્સો ના થાય ? એ કેમ સ્થિરતા રાખી શકે ?

દાદાશ્રી : અત્યારે જે દુઃખ ભોગવી રહ્યો છે, તે પહેલાંની પરીક્ષા આપી છે તેનું પરિણામ આવી રહ્યું છે અને પેલાં એણે ય પરીક્ષા આપી છે, તેનું આ પરિણામ આવ્યું છે. પાસ થયો છે ને હવે ફરી નાપાસ થવાનાં પાછાં લક્ષણો ઊભા થયા છે એને. અને આને પાસ થવાના લક્ષણો ઊભા થયા છે.

પ્રશ્નકર્તા : પણ પેલો ગરીબ માણસ, એની પોતાની માનસિક સ્થિતિ જ્યાં સુધી પરિપક્વ ન હોય ત્યાં સુધી ક્યાંથી સમજે એ ?

દાદાશ્રી : એ આવે જ નહીં માન્યામાં. એટલે આમાં ઉલટું છે તે વધારે પાપ બાંધે. એણે એે જાણવું જ જોઈએ કે મારા જ કર્મનું પરિણામ છે.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14