ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

તિરસ્કાર વૃત્તિએ નોતર્યું પતન !

પ્રશ્નકર્તા : મારી માતાને જોઉં છું ને મારી પૌત્રીને જોઉં છું તો મને એટલો બધો ફેરફાર લાગે છે કે ના પૂછો વાત ! અત્યારની પ્રજા બગડેલી લાગે છે.

દાદાશ્રી : અને તમારા દાદાના વખતે, દાદા તમારા માટે શું કહેતા હતા ?

પ્રશ્નકર્તા : હમણાં મેં કહ્યું એવું જ કહેતા હતા.

દાદાશ્રી : આપણે બજારમાંથી રૂપાળી મજાની દૂધી લાવ્યા હોઇએ ને શાક તો કરવાનું જ છે, એટલે કાપવી તો પડે જ ને ? અને કાપીએ ત્યારે કહેશે કે, 'ના કાપશો એનો રૂપાળો દેખાવ બગડી જશે.' અને શાક ખાવું હોય તો પેલો દેખાવ છોડવો જ પડશે. ભારત જો ડેવલપ થયું હોય, તો કોઇ કાળમાં નથી થયું એવું આ ભારત ડેવલપ થવા માંડયું છે. આ તો બધા સાવ અનાચારી ને દુરાચારી હતા, સેકડે પાંચ ટકા કે બે ટકા લોક સારા નીકળે. બાકી, બધા વહેમમાં ને આખો દા'ડો કલેશ, કંકાસ ને તિરસ્કારમાં જ ગાળતા. આખો દા'ડો તિરસ્કાર કરે; હરિજનો ઉપર તિરસ્કાર કરે, બીજા ઉપર તિરસ્કાર કરે પોતાના ભાઇનો જો કદી જરાક આચાર ઓછો દેખાયને તો તેની ઉપર તિરસ્કાર કરે, શિષ્યનો આચાર ઓછો દેખાય તો તેની ઉપર તિરસ્કાર કરે; જયાં ને ત્યાં તિરસ્કાર કરે. બહુ જંગલી થઇ ગયો હતો આ દેશ. અત્યારની પ્રજામાં જે સુધારો થતો દેખાય છે તેનાથી પાછલા લોકોના જેવું જંગલીપણું ઓછું થવા માંડયું છે. એમનામાં જે જંગલીપણું હતું એ ગયું ને બીજું જંગલીપણું ઉત્પન્ન થયું. પાછલા લોકોને આ ના ગમ્યું. જૂના જમાનામાં તો નર્યો તિરસ્કાર હતો. વાઇલ્ડ બિલકુલ જંગલી જેવી થઇ ગઇ હતી હિન્દુસ્તાનની દશા, જેને ધર્મિષ્ઠ જ ના કહેવાય. કારણ કે વિચાર્યા વગરની વાત હતી. આખો લોટ 'કેળવાયેલો' જ નહોતો, એમ ને એમ ભૈડીને લાડુ બનાવી દીધા ! બસ, એમ ને એમ કેળવ્યા વગર; આ કેળવાય છે અત્યારે.

અત્યારના છોકરામાં 'આવું' દેખાય છે, પણ તે કેળવાય છે. હંમેશા ય જયારે ખરી કેળવણી ઉત્પન્ન થાય ને ત્યારે આવું થાય. અત્યારે તમારો છોકરો હોટલમાંથી બહાર નીકળેને તો ય તેની ઉપર તમને બહુ તિરસ્કાર ના થાય. અને પહેલાં તો તમે ઘેર જઇને પોઇઝન લેવા માંડો, અગર તો પોઇઝન આપી દો ! અલ્યા, હોટલ જોડે તારે શો ઝઘડો છે? કઇ જાતના લોક છો ? આવું ડીપ્રેશન કરવા માટે મહાવીર કહી ગયા છે? વીતરાગ શાને માટે કહી ગયા છે ? એબોવ નોર્મલ ઇઝ ધ પોઇઝન અને બીલો નોર્મલ ઇઝ ધ પોઇઝન. બધી બાબતમાં એબોવ નોર્મલ થઇ ગયા હતા. નર્યો દ્વેષ, દ્વેષ ને દ્વેષ અને દુરાચારનો ય પાર નહોતો. દુરાચાર એટલો બધો એકસેસ વધી ગયો હતો કે પાર વગરનો દુરાચાર થઇ ગયો હતો. એના કરતાં આજનો આ દુરાચાર સારો, આ ખુલ્લા દુરાચાર કહેવાય. આ લોકોએ ખુલ્લા, નાગા નાચ નચાવડાવ્યા. નાગા કરીને નાચ કરે તેને જોવા જાય છે આ લોકો. પેલા ઢાંકયા કરતા આ ખુલ્લું સારું. દેશ જ આખો જંગલી થઇ ગયો હતો અને તેનાં આ કષ્ટ પડેલાં છે, દેશને ભયંકર કષ્ટો પડયાં છે.

કોઇ સ્ત્રી વિધવા થઇ એટલે એના તરફ તિરસ્કાર, તિરસ્કાર ને તિરસ્કાર. વિધવા પર તો જંગલી માણસે ય તિરસ્કાર ના કરે, કે બિચારી વિધવા થઇ એટલે એની આજુબાજુના અવલંબન તૂટી ગયાં. અવલંબન તૂટી ગયાં એટલે આ બિચારી બધી રીતે દુઃખી છે. મૂળ ધણીના આધારે સુખ હતું તે ય પણ જતું રહ્યું છે, તો તેની ઉપર બધાએ કરૂણા રાખવી જોઇએ. પણ તેની ઉપરે ય ભયંકર તિરસ્કાર આ લોકોએ વરસાવ્યો. વળી, વર્લ્ડમાં ક્યાં ય ના હોય એવો હરિજનો ઉપર તિરસ્કાર કર્યો. બીજે બધે તિરસ્કાર, સગો ભાઇ હોય તો તેની ઉપર તિરસ્કાર - ભયંકર તિરસ્કાર કર્યો. હવે, આને સુધરેલો દેશ જ કેમ કહેવાય ?

અમે જયારે નાની ઉમરના હતા ત્યારે બધા ઓલ્ડ લોકો, શું કહે, 'એ ય બગડી ગયાં, બગડી ગયાં.' હું પૂછું પાછો તેમને કે, 'તમને તમારા દાદા શું કહેતા હતા ?' આ તો જંગલીપણું છે, આવું અનાદિકાળથી જંગલીપણું ચાલ્યું છે. પોતે કર્યું એવું કરો, એવું એ કહે છે, હું જે કૂવામાં પડું એ કૂવામાં તમે પડો. અલ્યા, હવે એ કૂવામાં નથી પાણી, મોટા મોટા પથરા છે, સાપ છે. હવે પડું તો મરી જાઉં. પહેલાં તો પાણી હતું, હવે એને એ જ કૂવામાં પડો એમ કહે છે. વૈષ્ણવના ને જૈનના ને ફલાણા જ કૂવામાં પડો, હવે કયાં સુધી આ કૂવામાં પડયા કરીએ ? કહેશે કે, 'અમે કર્યું, એ કરો !' અલ્યા, તમારા ડાચાં ઉપરે ય નૂર નથી દેખાતું. આખો દા'ડો કષાય, કષાય ને કષાય જ કરે અને જમવા જાયને તો એમ જ જાણે કે આજે કો'કને ત્યાં આપણે મફત જમ્યા છીએ, આજે મફતનું મળ્યું છે. ભારતના ડેવલપ માણસો કો'કને ત્યાં જમવા જાય ત્યારે એમને જ્ઞાન હાજર થઇ જાય કે, 'આજે ફ્રી જમવાનું છે ! તે બરોબર સારી રીતે જમજો !!' આ આપણા ડેવલપ ઘૈડિયા બધાં !!! આ લોકો બધા ડેવલપ હતા, તે ય કેટલાક તો જમવા બોલાવ્યા હોયને તો દોઢ-બે દિવસ અગાઉથી તો ભૂખ્યા રહે, ઘરનું બગડે નહીં એટલા માટે અને જમવા બેસે તો બે દિવસ સુધી જમવું ના પડે એટલ

ું બધું ફુલ જમી લે. એટલે એમ જ સમજે કે હું મફતનું ખાઉં છું, ફ્રી ઓફ કોસ્ટ, એટલે દાનત કેટલી ચોર છે ? અને એનાં દુઃખ ભોગવ્યા છે અને રાંડેલીઓને જે હેરાન કરી હતી તે આજે તે બધાંને ઘેર છોકરીઓ ઉત્પન્ન થઇ ને એ છોકરીઓએ ડાયવોર્સ લઇને જે ધૂળધાણી તોફાન માંડયાં છે, તે એના બાપને માર માર્યો છે, એ રાંડેલીઓએ જ આ બધાને પજવ્યા છે ! મારે ત્યાં કેમ આવીને પજવતી નહીં ? હું હતો નહીં એવો.

રાંડેલી એ તો ગંગાસ્વરૂપ કહેવાય, એનું નામ કેમ દેવાય ? પાછા કહે શું ? ગંગાસ્વરૂપ. અને રાંડેલી સામે મળે તો કહે કે, 'મને અપશુકન થયાં, સારું કામ કરવા જતો હતો ને મને અપશુકન થયાં !' આવા જંગલી ! આવા જંગલીને તો ફાંસીએ ચઢાવવા જોઇએ. પણ ભગવાને શું કહ્યું કે, 'તમે ફાંસીએ ના ચઢાવશો, આ અધિકાર તમારા હાથમાં લેશો નહીં.' ભગવાન મનુષ્યને કહે છે કે, 'આ અધિકાર તમે તમારા હાથમાં લેશો નહીં.' નેચરલ નિયમ જ છે. નેચર કહે છે કે, 'એવાંને અમે ફાંસીએ લઇ લઇએ છીએ જ, અમારો નિયમ જ છે, એ અધિકાર તમે લેશો નહીં.' અને આજે બહુ કષ્ટો સેવી રહ્યાં છે ! આ બધાં જે સેવી રહ્યાં છે એ પોતાનાં જ કષ્ટો સેવી રહ્યાં છે. અને આ તો ડેવલપ થઇ રહેલ છે, અંડર ડેવલપ નથી. છતાં આપણે વાત આચારની કરવી જોઇએ કે, 'બહેન, ઉંમરલાયક થયાં, આ જગત ફસામણવાળું છે. જો તમને સુખ જ જોઇતું હોય તો વિચારીને પગલાં મૂકજો ને પગલાં મૂકો તો અમને પૂછજો. પૂછવામાં વાંધો નહીં ઉઠાવું, પૂછજો અને સલાહ તરીકે.' આ વકીલની સલાહ લઇએ છીએ તો શું વકીલ કરતાં બાપ ગયો ? વકીલ કરતાં તો બાપ ઉપર વધારે વિશ્વાસ હોય ને ?

હિન્દુસ્તાન સુધરેલું નહોતું, મનમાંથી કાઢી નાખવા જેવું હતું, પોઇઝનસ હતુ બધું, ઝેરી હતું બધું. આ દેશની દશા તો જુઓ કેવી થઇ ગઇ ? પણ તેમાં કોઇનો દોષ નહોતો. માણસ કોઇ દોષિત હોતું નથી. એવિડન્સ ઊભા થાય છે, એમાં સરકમસ્ટંસીસ ઊભા થાય છે. હવે આ ફેરફાર થવા માંડયો છે.

હવે આ ઊંચી જાતનું રહ્યું છે, અજાયબ સ્થળે જઇ રહ્યું છે વર્લ્ડમાં આજે ! હિન્દુસ્તાન વર્લ્ડમાં અજાયબ સ્થળે જઇને ઊભું રહ્યું છે! નહીં તો મોક્ષની વાત કરવાની હોય ? મોક્ષ તો લખવા માટે નહોતો, કોઇને મોક્ષ લખવાનો ય અધિકાર નહોતો. આ બધા આચાર્યો, મહારાજો, સાધુઓ હતાને તે બધા ઓવરવાઇઝ થઇ ગયેલા હતા; તેમાં બે-પાંચ એકસેપ્શન કેસ હોઇ શકે ખરા. બાકી તો ઓવરવાઇઝ એટલે ચણતરના ય કામમાં ઇંટ કામ ના લાગે તેવી, ડીફોર્મ થઇ ગઇ હોય તેવી ખેંગાર ઇંટ જેવા ! ઓવરવાઇઝ છે તેને ખેંગાર કહેવાય. ઇંટ કાચી હોય, અંડરવાઇઝ તેને આમરસ કહેવાય.

ભગવાનને ત્યાં તો ડહાપણ સુધીની જરૂર, તે બધું ઓવરવાઇઝ થઇ ગયું હતું અને જાનવર કરતાં ય ભૂંડા આચાર થઇ ગયા છે. કારણ કે જાનવરમાં દુરાગ્રહ ના હોય, કદાગ્રહ ના હોય, હઠાગ્રહ ના હોય, તે મનુષ્યમાં તો હોવાં જ ના જોઇએ. અને હોય તો અમુક પ્રમાણ હોય ત્યાં સુધી મનુષ્યપણું છે, કારણ કે ડેવલપ છે. એટલે જાનવરો કરતાં આમનામાં આગ્રહ વિશેષ હોય, તેનું પ્રમાણ જળવાય ત્યાં સુધી બરોબર છે, નહીં તો પછી જાનવર કરતાં ય ભૂંડા કહેવાય. આને મનુષ્યપણું કેમ કહેવાય ? ખોટી પકડો પકડવી, ખોટા દુરાગ્રહ, ખોટા કદાગ્રહ, પોતાના જ વિચારોથી ધર્મને માનવો અને મૂલવવો. ધર્મ તો કેવો હોવો જોઇએ? કે નાના બાળક પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ, જાનવરો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન જોઇએ કે આનામાં કેવા કેવા ગુણ છે ?

આ કૂતરાને એક જ દા'ડો પૂરી આપી હોય, તે ત્રણ દા'ડા સુધી આપણને જયારે દેખે ત્યારે પૂંછડી હલાવ હલાવ કર્યા કરે. એમાં હેતુ લાલચનો કે ફરી આપે તો સારું - પણ એ ઉપકાર તો ભૂલતો નથી ને! એ ઉપકારને લક્ષમાં રાખીને લાલચ રાખે છે, ને મનુષ્યો ?! ગમે તે હો પણ આજે તો આ ભારત ડેવલપ થયું છે, નહીં તો મોક્ષની તો વાત સાંભળવાની હોય ? અરે, સમકિતનું જ ઠેકાણું નહોતું ને ! આજે બબ્બે હજાર વર્ષથી ઠેકાણું નહોતું, મહાવીર ગયા પછી અને તેમના પહેલાં ય નહોતું. ભગવાન જન્મ્યા ત્યારે ૨૫૦ વર્ષના કાળમાં બે વખત લાઇટ ઝબકી ગઇ, પાર્શ્વનાથ ને મહાવીર - બે. તે વખતે અમુક માણસનું બસ કામ નીકળ્યું, બીજા કોઇને લાભ-બાભ મળેલો નહીં. ભગવાનનો લોકોએ પ્રભાવ તોડવા બહુ બહુ ઉપાય કર્યા, ભગવાન ચાલે ત્યાં આગળ કાંટા આમ ઊભા રસ્તામાં વેર્યા, તે બાવળિયાના કાંટા આમ ઊભા મૂકયા હોય ને ભગવાન ચાલે તો કાંટા આમ વાંકા થઇ જાય, પ્રત્યક્ષ દેખાય છતાં પણ હિન્દુસ્તાનના બીજા ધર્મના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં, કહેશે, 'આ તો જાદુ છે, આ વિદ્યા છે' એવો સ્વીકાર કર્યો. પણ સત્યનો સ્વીકાર ના કર્યો, આવો ગજબનો સાયન્ટિસ્ટ તેનો સ્વીકાર ના કર્યો ! બહુ જ જંગલીપણું. પ્રપંચ ! પ્રપંચ ! પ્રપંચ ! ધર્મમાં જ વેપાર કરેલા! વેપાર કયાં શરૂ કરી દીધેલા ? ધર્મની અંદર જ વેપાર! એટલે આવું જે જૂનું ડેવલપમેન્ટ હતું, તે કાઢી નાખવા જેવું હતું. તે બિલકુલ ખલાસ થઇ ગયેલું સ્ટ્રક્ચર છે, એને પડી જવા દો, નવું ઊભું થઇ રહ્યું છે ! નહીં તો મોક્ષની વાત તો સાંભળવા જ ના મળે !

જેમ જેમ આ કલ્ચર્ડ થતું જશે તેમ તેમ એ પુસ્તકો ઊંચે મૂકી દેશે, પસ્તીમાં જતાં રહેશે. કારણ કે જયાં સુધી ડેવલપ ના હોય ત્યાં સુધી એની કિંમત. ગીતાને સમજવાવાળા અને વેદાંતને સમજવાવાળા નીકળશે હવે! હવે ડેવલપ થઇ રહેલ છે, આમાં નિમિત્ત બન્યા છે અંગ્રેજો. આ સારી બાબતમાં અંગ્રેજો નિમિત્ત બન્યા છે.

પ્રશ્નકર્તા : તેમણે જ્ઞાનનો ઉઘાડ કર્યો ?

દાદાશ્રી : ના, જ્ઞાનનો નહીં. પણ લોકો જે એબ્નોર્મલ થઇ ગયા હતા તેમાં બેકિંગ લેવડાવ્યું, તે નોર્માલિટી ભણી લાવ્યા! આપણા લોકોએ શું કહ્યું કે, 'આ લોકો આપણો ધર્મ ને આપણા આચાર નષ્ટ કરવા આવ્યા.' તે એમણે એટલો નષ્ટ કર્યો તેથી તો આ નોર્માલિટી પર આવી રહ્યા છે. આપણા લોકો શી બૂમો પાડતા હતા ? કે આ લોકો ધર્મ ને આચાર બધો તોડી નાખશે ને આપણું બધું ખલાસ કરી નાખશે ! ના, એટલું બાદ કર્યું. ૮૫ ડિગ્રી એબ્નોર્મલ પ્રમાણ થઇ ગયું હતું ને આપણને નોર્માલિટી માટે ૫૦ ડિગ્રી જોઇએ, તે આ લોકોએ આવીને ૩૦-૩૫ ડિગ્રી કાઢી નખાવ્યા, જડ બનાવ્યા, જડ એટલે દારૂ પીતાં શીખવ્યા, માંસાહાર કપડાં-લત્તાં બધું મોહનીય બનાવ્યું, એટલે 'પેલા' દુર્ગુણો જતા રહ્યા ! જે તિરસ્કારના દુર્ગુણો હતાને તે ખલાસ થઇ ગયા, ફ્રેક્ચર થઇ ગયા. એ બહુ સારામાં સારું કામ કર્યું આ લોકોએ.

અંગ્રેજોનો એક ઉપકાર !

અંગ્રેજો આવ્યા ને એમની ભાષા લાવ્યા, તે એમના પરમાણુ સાથે આવે. હંમેશા દરેક ભાષા પોતાનાં પરમાણુ લઇને આવે એટલે એમના જે ગુણો હતા ને સાહજિક ગુણો, ટાઇમ-બાઇમ બધું એક્ઝેક્ટ જોઇએ, તે સાહજિક ગુણો નવેસરથી ચાલુ થઇ ગયા. આ તો બધા સ્વાર્થી થઇ ગયેલા. પોતાના ઘર પૂરતી જ ભાંજગડ, બીજા બધાનાં ઘર બળતાં હોય તો સૂઇ રહે મઝાના. પ્રપંચી, સ્વાર્થી ! બધી રીતે તિરસ્કારવાળાં, યુઝલેસ થઇ ગયાં હતાં.

બ્રાહ્મણો દેશને આખા ખાઇ જવા ફરતા હતા. બ્રાહ્મણો કહેતા હતા કે, 'ભગવાનનું મુખ અમે છીએ ને આ ક્ષત્રિયો છાતી સુધી છે અને આ બધા વૈશ્યો ને આ બધા શૂદ્રો છે, તે નીચલા છે !' દુરૂપયોગ ને દુરૂપયોગ જ કર્યો ! જેનો સદુપયોગ કરવાનો હતો, તેનો જ દુરૂપયોગ કર્યો. અમે બ્રાહ્મણો એટલે મુખારવિંદ, એટલે અમે જે કહીએ એનો વાંધો તમારે ગણવાનો નહીં. તે એમણે એ પાવર-વીટો પાવર વાપર્યો તેને લઇને તેઓ ભયંકર યાતનામાં સપડાઇ ગયા. આ પ્રજાનું તો જે થવાનું હશે તે થશે, પણ એ વીટો વાપર્યો તેને લઇને આજે તેમના પગમાં ચંપલ નથી મળતાં, ચંપલ પણ જતાં રહ્યાં ! એમની વેલ્યુ પણ જતી રહી ને ચંપલ પણ જતાં રહ્યાં ! બેઉ સાથે જતાં રહ્યાં !! એમની વેલ્યુ હોત ને ચંપલ ના હોત તો ચાલત, અગર તો ચંપલ રહ્યા હોય ને વેલ્યુ ગઇ હોત તો ય ચાલત! આ તો ચંપલે ય ગયાં ને વેલ્યુ પણ ગઇ. દુરાચારોને લઇને તેમની દશા તો જુઓ ?

લાલચુ છે એનો માર ખાય છે આ જગત. લાલચ શી હોવી જોઇએ માણસને ? લાલચ દીનતા કરાવરાવે ને દીનતા પેઠી કે મનુષ્યપણું ગયું.

જૂના જમાનાની પ્રજાએ હરિજન ઉપર ભયંકર અત્યાચારો કર્યા. હરિજનને રસ્તા પરથી જવું હોય તો એણે છાતીએ કોડિયું અને પાછળ ઝાડુ બાંધવું ! કોડિયું એટલા માટે કે થૂંકવું હોય તો રસ્તા ઉપર ના થૂંકાય, કોડિયામાં થૂંકવાનું !! અને પાછળ ઝાડુ એટલા માટે કે રસ્તા પરનાં એનાં પગલાં ભૂંસાઇ જાય !!! આ તો 'કરપ' કરાવે ! મારા જેવા હાજરજવાબી હોયને તો તે માથું ફોડી નાખે એવો જવાબ આપે કે આ કૂતરાંને થૂંકવાની ને બીજી બધી છૂટ, એનાં પગલાં ચાલે અને આ માણસના ના ચાલે ? આ કઇ જાતના મેન્ટલ થઇ ગયા છો ? આ તો એકસેસમાં ગયું હતું.

છોકરીઓ જન્મે ને તરત જ દૂધ પીતી કરતાં, મારી નાખતા. રજપૂત પ્રજામાં કેવું ? કે છોડીને પૈણાવતી વખતે દહેજ આપવો પડતો, એ ગમે નહીં ને મૂળમાં ભણેલા નહીં, અનપઢ -બાઇઓ ય અનપઢ ને ભાઇઓ ય અનપઢ, અને પોતાની જાતને શું ય માને ? આ તો બીજા પર બહુ કરપ કર્યા.

બિલાડા તમારા દૂધમાં મોઢું નાખી જાય છે તે દૂધ ચલાવો છો, તો અહીં પણ ચલાવવું જોઇએ કે નહીં ? ચલાવવાની હદ હોય !

ગામમાં ઠાકોર હોય ને એનો પીતરાઇ હોય તો એણે ઘોડા પરથી જવાનું નહીં, ઊતરીને ચાલતા ગામમાં જવું પડે ! એમાં ઘોડો ને બેઉ સાથે જાય તો એમાં તારું શું જાય છે ? આ તો કયો મોટો તમારો અહંકાર ઘવાયો ? જો ઘોડા પર જાય તો મારામારી ને ખૂન સુધી આવી જતા !

આમને આર્યપુત્ર કેમ કહેવાય ? છાસિયું સોનું ને સાચું સોનું બે હોય, એમાં છાસિયા સોનામાં સોનાના ગુણ ના જણાય તો એની કિંમત શી ? આ તો એક હિન્દુસ્તાનીમાં અનંત શક્તિ છે, પણ બધી અવળી વેડફાઇ રહી છે. એ તો 'જ્ઞાની પુરુષ'ને ભેગા થાય તો શક્તિ સવળિયે વળે ને કામમાં લાગે. આ શક્તિ વેડફી કેવી રીતે? આ ભાઇ આઇ.એ.એસ. કરે છે તો હું ય નક્કી કરું કે મારે આઇ.એ.એસ. થવું છે, એમ નકલો કરી કરીને શક્તિ વેડફી. એક મેઇન્ટેનન્સ માટે અથાગ શક્તિ વેડફી ! અને એ ય કલુષિત ભાવે ભયંકર શક્તિ વેડફી ! આ નકલ કરવાથી તો અંદરની સિલક હતી તે ય જતી રહી. અંતરસુખનું બેલેન્સ ના તોડશો. આ તો જેમ ફાવે તેમ સિલક વાપરી નાખી, તો પછી અંતરસુખનું બેલેન્સ શી રીતે રહે ? નકલ કરીને જીવવું સારું કે અસલ? અસલ. અને આ તો છોકરાં એકબીજાંની નકલ કરે છે. હિન્દુસ્તાનના લોકોએ તો કો'ક અસલ લખી આવેને તો આપણે તેની નકલ ના કરવી જોઇએ. આપણને નકલનું ના હોય, પણ આ તો ફોરેનવાળા આપણી નકલ કરી જાય એવું હોવું જોઇએ. પણ આ તો ફોરેનવાળાએ અહીં થોડા હિપ્પી મૂકયા તે અહીંના લોકોએ એની નકલ કરી નાખી ! તો પણ તેથી કંઇ હિન્દુસ્તાનનું બગડવાનું નથી, સુધરવાનું જ છે.

આ મોહી છોકરીઓ ખરીને આજની, તે તેમને જોઇને લોકોને એમ લાગે છે કે આ છોકરીઓ મોહી છે, મૂર્છિત છે, પણ આમને પેટે બાબા સારા પાકવાનાં.

પ્રશ્નકર્તા : એનું શું કારણ દાદા ?

દાદાશ્રી : પેલો તિરસ્કાર ભાગ જતો રહ્યોને, ડાઉન થઇ ગયોને, એટલે હવે તિરસ્કાર ભાગ ઉત્પન્ન ના થાય. તિરસ્કાર ગયા કે આપણે નોર્મલમાં આવી ગયા. સુધરેલા તો હતા જ પણ તિરસ્કારને લઇને આપણે બિલકુલ ખલાસ થઇ ગયા હતા, યુઝલેસ થઇ ગયા હતા. તિરસ્કાર ગયો કે આપણી નોર્માલિટી આવી ગઇ, ઓલરાઇટ થઇ ગયા.

બુદ્ધિનો ઉપયોગ જ એ લોકોએ તિરસ્કાર અને પ્રપંચ કરવામાં વાપર્યો. બુદ્ધિનો દુરૂપયોગ કર્યો, જ્ઞાન તો હતું નહીં. બુદ્ધિ હતી, તે બુદ્ધિનો દુરૂપયોગ કર્યો. બુદ્ધિ શાથી વધી ? કે મહાવીર બ્રેઇન ટોનિક પીધાં, ને કૃષ્ણ બ્રેઇન ટોનિક પીધાં ! જીવડાં મારે નહીં ને બીજું મારે નહીં એટલે પછી બુદ્ધિ વધે, પછી જીવડાં બાજુએ મૂકી મનુષ્યો ઉપર એટેક લઇ જાય !

હવે હિન્દુસ્તાન તો બહુ સુંદર દશા ઉપર જઇ રહ્યું છે. આ સંસ્કૃતિનો પ્રલયકાળ છે, કઇ સંસ્કૃતિ ? આદર્શ સંસ્કૃતિ ? ના, વિકૃત સંસ્કૃતિનો પ્રલયકાળ છે. આપણી સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષા હતી, તે બહુ લો થાય, ઊતરી જાય, તો બહુ પ્રાકૃત સુધી ચલાવી શકાય, પણ વિકૃત ના ચલાવી લેવાય. આમાંથી ફાયદો શો થયો ? કે આવા તેવા જે વિકૃત સંસ્કાર હતા ને તે વોશ આઉટ થઇ ગયા અને હવે નવેસરથી નવી વાત! નવી ચીજ ને બધું નવું જ ચાલશે અને ઓર જ જાતની અજાયબી, ભગવાન મહાવીરના વખતમાં હતી તેવી શાંતિ વર્તશે ! અને આજના આ વાળ વધારનારા ગાંડા, તે જ ડાહ્યા કહેવાશે. જેને ઘનચક્કર કહેવામાં આવે છે તે જ ડાહ્યા થઇને ફરશે અને વાળ કપાવનારા તો મેન્ટલ હોસ્પિટલના લોકો ! એમણે બે ભાગ જુદા પાડયા. મેન્ટલ હોસ્પિટલમાંનો કયો ભાગ અને મેન્ટલ હોસ્પિટલમાં કોણ નહીં ? તેવા બે ભાગ આ વાળ વધારનારાઓએ જુદા પાડયા !

આજનાં છોકરાંઓએ તો ઊલટા વાળ વધારીને ઓપન કર્યું કે, વાળ જે કપાવે છે તે મેન્ટલ હોસ્પિટલના લોક છે અને અમે મેન્ટલ હોસ્પિટલની બહારના છીએ અને મેન્ટલ હોસ્પિટલના લોકો આમને કહે પાછા કે, 'આ મેન્ટલ છે !' માટે હિન્દુસ્તાનને કોઇ ખોટ જવાની નથી. આ 'જ્ઞાની પુરુષ'ના આશીર્વાદ છે.

કુદરતમાં બુદ્ધિ ના નાખો !

ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટસેલ્ફ પઝલ થયેલું છે. તેમાં આ લોકો શું એનું માપ કાઢી શકવાના હતા ? આ લોકો આ પઝલનું માપ કાઢ કાઢ કરે છે. કહે છે કે, '૧૯૭૪માં વસતિ આટલી છે તો ૨૦૦૦માં આટલી થઇ જશે !' અરે ! ચક્કર, ઘનચક્કર ! પહેલી સાલ એક છોકરું હતું, ત્રીજી સાલ બીજું થયું એટલે ૮૦ વર્ષની ઊંમરે તો ૩૦-૪૦ થઇ જશે ?! શું કાઢે છે હિસાબ ? મેર ગાંડીઆ ચક્કર છો કે શું ? ઘનચક્કરો! કેલ્ક્યુલેશન ના કઢાય, મનુષ્યોના અને આ બધા ગણિત કાઢવા બેઠા છે, એ બધા ઘનચક્કરો છે. છોકરો પાંચ વર્ષનો હતો ત્યારે સવા બે ફૂટનો હતો ને સોળ વર્ષે પોણા પાંચ ફૂટનો ઊંચો છે, માટે ૮૦ વર્ષે આટલો ઊંચો થઇ જશે ! હે ઘનચક્કરો, હિન્દુસ્તાનના મનુષ્યોનું શું કરવા તોલ તોલ કરો છો ? બે હજારમાં આમ થઇ જશે ને ત્રણ હજારમાં આટલા થઇ જશે. જો તમે ૨૦૦૦માં આટલા થઇ જશે એમ કહો છો તો આજથી પાંચ હજાર વર્ષ ઉપર કેટલા હતા એ કહી આપો ને ! જો તમને આ ગણતરી કાઢતાં આવડતી હોય તો કહી આપો કે ત્યારે કેટલા માણસ હતા. ત્યારે એ કહેશે કે, 'એ અમને ખબર નથી.' ત્યારે મેર ગાંડીઆ તને વહુના ધણી થતાં નથી આવડતું, તે વહુને બા કહે જઇને! ઘનચક્કરો, કેવા પાકયા છો તે ! તારી વહુને બા કહેજે એટલે તારે ચાલ્યુંં! છોકરો બા કહે ને તું ય બાકહેજે,એટલે ધણી બૈરી ના જોઇએ રસ્તામાં ! ઘનચક્કરો ! વસતિ કાઢવા નીકળ્યા છે, કેલ્ક્યુલેશન કરવા બેઠા છે કે ૧૯૮૦માં આટલું ને ૧૯૯૦માં આટલું થઇ જશે ને ૨૦૦૦માં આટલું થઇ જશે ! તે એમને કોઇ પકડનારે ય નથી નીકળતા!! સરકારે ય એક્સેપ્ટ કરે છે. આવી વાત જે કરે ને, જે વાત નોન-સેન્સ લાગતી હોય એવાને તો પકડવા જોઇએ અને જેલમાં ઘાલી દેવા જોઇએ. કેમ વાત આવી મૂકે છે ? તો તો પબ્લિક ખરાબ થઇ જાય.

હિન્દુસ્તાનનું બગડવાનું નથી અને જે દેશમાં સંત પુરુષો છે, સત્ પુરુષો છે અને પ્રગટ 'જ્ઞાની પુરુષ' છે ત્યાં આગળ શું બગડવાનું છે ? આ ત્રણની હયાતી હોય ત્યાં કશું બગડે નહીં, ઊલટું બગડેલું સુધરવા માંડયું છે. ભયંકર બગડી ગયેલું, હિન્દુસ્તાન જેવો બીજો કોઇ દેશ આ દુનિયામાં આટલી અધોગતિમાં ગયો નહોતો, ભયંકર બગડી ગયો હતો. અનાચારને જ સદાચાર માન્યા હતા ને સદાચારને તો દેશવટો જ દીધો હતો, એક્સ્પોર્ટ !! તે હવે એક્સ્પોર્ટ થયેલો ઇમ્પોર્ટ થઇ રહ્યો છે. આ વાળ વધારે છેને તેથી ! આ વાળ વધારે છેને તે ઇમ્પોર્ટ કરી રહ્યા છે! આ વાળ કાપીને એક્સ્પોર્ટ કરી નાખ્યું હતું.

આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું છે, તે છોકરા અત્યારે મેન્ટલ જ કહેવાય છે ને ? ત્યારે શું થાય ? આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યાં આગળ 'જ્ઞાની પુરુષ' પણ 'બહારમાં' તો મેન્ટલ જ કહેવાય ને ? આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યારે 'જ્ઞાની પુરુષ' મહીં આવ્યા ને ? કારણ કે 'જ્ઞાની પુરુષ'નો દેહે ય મેન્ટલના જમાનામાં જન્મ્યો, માટે મેન્ટલ તો ખરો જ ને ? બધું મેન્ટલ કહેવાય, મેન્ટલ હોસ્પિટલ જ છે આ તો ! તે હવે આ પરિવર્તન આવી રહ્યું છે.

હિન્દુસ્તાન ૨૦૦૫માં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! હવે ૩૧ વર્ષ રહ્યાં બાકી. ત્યારે આ છોકરાં ૫૬-૬૦ વર્ષનાં થશે, ત્યારે એમનામાં મેન્ટલપણું રહેવાનું નહીં. એમના આ લાંબા વાળ હતા ને તેનાથી એક દા'ડો મેન્ટલપણું નીકળી જશે એટલે એક દા'ડો કપાવી નાખશે. એક છોકરો લાંબા વાળવાળો મોટરમાં મારી આગળ બેઠો હતો. તે મેં એને કહ્યું કે, 'ભઇ, તે એટલા બધા વાળ કેમ વધાર્યા કે જેથી કરીને ઊડીને પાછળવાળાને હરકત થાય ?' જો કે તેના વાળ મને હરકત નહોતા કરતા, પણ મેં સહેજમાં કહ્યું. તે એ છોકરો તરત ને તરત જ વાળ કપાવીને આવ્યો ને મને નમસ્કાર કરી ગયો, ને પાછો એણે દ્રઢ નિશ્ચય કર્યો કે ફરી નહીં વધારું !

આજનાં આ જ છોકરાં ડાહ્યા ને સમજુ થઇ એક દા'ડો વાળ કપાવી નાખશે, પછી મેન્ટલપણુ ગયું અને આ જે વાળ કપાવીને ડાહ્યાડમરા થઇ ને ફરે છે અને અનાચારને સદાચાર માને છે ! કેવા ? અનાચારને સદાચાર, ભાષા જ ફેરવી નાખેલી આ લોકોએ ! મેન્ટલ ! અને આખો દા'ડો ઝઘડા, ઝઘડા ને ઝઘડા વગરનું એકુય ઘર નથી. કંઇ ને કંઇ ડખો થયો જ હોય, ત્રણ માણસોમાં તેત્રીસ મતભેદ પડયા હોય સાંજે ! ૧૧, ૧૧ ભાગે આવે ને !

મતભેદ, મનભેદ ને તનભેદ !

દાદાશ્રી : મતભેદ થાય ત્યારે ગમે છે ? તો કશું થાય છે તને ?

પ્રશ્નકર્તા : હા. વરીઝ થાય.

દાદાશ્રી : મતભેદમાં આટલું બધું થાય છે, ત્યારે મનભેદ થાય ત્યારે શું નું શું થાય ? મતભેદ થાય ત્યારે ઝઘડો થાય ને મનભેદ થાય એટલે ડાઇવોર્સ લઇ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! એવું આ ભેદ, ભેદ ને ભેદવાળું જગત છે.

કંટાળાવાળું જીવન તને ગમે ખરું ?

પ્રશ્નકર્તા : જીવન આપ્યું એટલે જીવવું તો પડે જ ને ? પછી ભલે ગમે તેવું જીવન હોય.

દાદાશ્રી : જીવન આપનારો કોણ છે ? આવો કોણ હશે મૂરખ માણસ કે આવું આ બધા લોકોને બળતરામાં જીવન જીવાડતો હશે ? એવો કોણ હશે ? કોઇ હશે એવો ? કારણ કે માલિક-બાલિક ગાંડો-બાંડો થઇ ગયો છે કે એ ય મેન્ટલ થઇ ગયો છે ? ૫૦ ટકા મેન્ટલ હોય તો વળી ચલાવી લેવાય, પણ આ તો બધાં જ મેન્ટલ તે શું માલિક મેન્ટલ બની ગયો છે ? કોણ આનો ચલાવનારો હશે ?

પ્રશ્નકર્તા : ભગવાન.

દાદાશ્રી : તેનું તું નામ દે છે કોઇ વખત ?

પ્રશ્નકર્તા : કોઇક વખત દઉં છું.

દાદાશ્રી : શું નામથી બોલાવે છે ?

પ્રશ્નકર્તા : ભગવાનના તો નામ હજાર છે, કોઇ પણ એક નામથી બોલાવું છું.

દાદાશ્રી : તને કયું નામ ગમે છે ?

પ્રશ્નકર્તા : શ્રીકૃષ્ણ.

દાદાશ્રી : એમને કહેને કે તમે દુનિયા બનાવી તો આવી શું કરવા બનાવી ? તમારે કંઇ રાણીઓ-બાણીઓ નાસી ગઇ ? કે પછી બધી છે? એમને કહેને કે શું કરવા અમને પજવો છો ? આપણે એમને વઢવું પડે, તે એમને આપણે વઢીએ નહીં ને પરસાદ ધરાવ ધરાવ કરીએ, એટલે એ જાણે કે આ બધા જ સુખી છે ! કે પછી એમને બહેરે કાને સંભળાતું નથી કે આપણે શું કહેવા માગીએ છીએ? તે આપણે તેમને વઢવું પડે કે રાણીઓ-બાણીઓ નાસી ગઇ છે ? તમારા બાબા-બેબી રખડી મર્યા છે કે શું ? એમ કહીએ ત્યારે એ કહેશે કે, 'ના રાણીઓ છે.' તો આપણે કહીએ કે, 'ત્યારે આ કેમ બળી હેંડયું છે ? આખું જગત બળે છે, ને તમે એકલા નમારમૂડા હો એમ ભટકયા કરો છો ? રાણીઓ લઇને આવો અહીં આગળ,' એમ એમને કહેવું પડે. એમ ના કહીએ તો શી રીતે એમને બહેરા કાનમાં સંભળાય ?

આમ ભગવાનને વઢવું પડે. જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાનને કેમ ના વઢાય ? અને તો જ ભગવાન તમારું સાંભળે. પણ કોઇ વઢતું જ નથી ને ભગવાનને ? બધા પરસાદ ધરાવ ધરાવ કરે છે!

 

સંયોગ વિજ્ઞાન

જગતમાં 'શુદ્ધાત્મા' અને 'સંયોગ' બે જ વસ્તુ છે. બહાર ભેગા થાય તે સંયોગ, હવા ઠંડી લાગે. વિચારો આવે એ સંયોગ, પણ બુદ્ધિથી આ ખરાબ છે અને આ સારું છે તેમ દેખાય, અને તેનાથી રાગદ્વેષ કર્યા કરે છે. જ્ઞાન શું કહે છે કે, 'બંને સંયોગ સરખા જ છે. સંયોગથી તું પોતે મુક્ત જ છે, તો પછી ડખો શું કામ કરે છે ? આ સંયોગ, તને પોતાને શું કરવાનો છે ?' આ તો સંયોગ છે તે કશું જ કરનાર નથી, પણ બુદ્ધિ ડખો કરાવે છે. બુદ્ધિ તો સંસારનું કામ કરી આપે. બુદ્ધિ મોક્ષે ના જવા દે, જ્યારે જ્ઞાન મોક્ષે લઇ જાય. દુનિયામાં વપરાય છે એ બુદ્ધિ સમ્યક્ નથી, એ તો વિપરીત બુદ્ધિનું ચલણ છે. પોતાના હિતાહિતનું ભાન નથી તેથી બધે ઠોકાઠોક ચાલે છે ને ? અને સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયા પછી બુદ્ધિ સમ્યક્ થાય, હિતાહિતનું ભાન રહે. સમ્યક્ બુદ્ધિ શું કહે કે, આ સંયોગ આવ્યો તે આપણે ચૂપ રહો, નહીં તો માર પડશે, અને વિપરીત બુદ્ધિ તો શું કરે કે એવે વખતે ચૂપ તો ના રાખે, પણ ઉપરથી માર ખવડાવે. વિપરીત બુદ્ધિની શેવાળ જામી ગઇ છે, તે તેને જરા દેખાડવું પડે તો જરા અજવાળું થાય ! અમારે તો આ વિપરીત બુદ્ધિની બધી જ શેવાળ નીકળી ગઇ છે !

આ બુદ્ધિએ તો જાતજાતના સંયોગના ભેદ પાડયા. કોઇ કહે કે, આ સારું, ત્યારે કોઇ કહેશે કે, 'આ ખરાબ !' એકને જલેબીનો સંયોગ ગમે તો તેને એ સારું કહે ને બીજાને એ ના ગમે તો એને એ ખરાબ કહે. એમાં પાછો અભિપ્રાય આપે કે, આ સારું ને આ ખરાબ, તે પછી રાગદ્વેષ ઊભા થઇ જાય, એથી તો સંસાર ઊભો છે. આ નાના છોકરાને હીરો અને કાચ આપ્યો હોય તો એ કાચ રાખે અને બાપ હીરો લઇ લે, કારણકે બુદ્ધિથી બાપ હીરો લે. બુદ્ધિથી તો સંસારફળ મળે એવું છે.

ખરી રીતે સંસારમાં બુદ્ધિનો વપરાશ હિતાહિત પૂરતો હોવો જોઇએ. નોકરીમાં કયાં કયાં જમા કરવાનું, કયાં ક્યાં ઉધાર કરવાના, શેઠનો ઠપકો ના મળે એવું કરવાનું; આ જમવાની થાળીમાં જીવડું પડી ગયું હોય તો તે કાઢવાનું, એવું બુદ્ધિ બતાવે. આટલા પૂરતો જ બુદ્ધિનો વપરાશ હોવો ઘટે, અને તે ય જરૂર પડે ત્યારે બુદ્ધિની લાઇટ સહજ રીતે થઇ જ જાય ને સંસારનું કામ થઇ જાય. પણ આ તો બુદ્ધિનો ડખો રાતદા'ડો થાય તો શું થાય ? અમને કોઇ કહે કે, 'દાદા, તમારામાં અક્કલ નથી. અને કોઇ બીજો કહે કે, 'દાદા તો જ્ઞાની પુરુષ છે' તો અમને એ બેઉ સંયોગ સરખા જ લાગે. અમે તો 'અબુધ' છીએ માટે એ બન્ને સંયોગ અમને સરખા લાગે છે. અને બુદ્ધિ શું કહે ? દાદા તો જ્ઞાની પુરુષ છે, એ સંયોગ ગમે, અને દાદામાં અક્કલ નથી, એ ના ગમે. માટે અમે તો પહેલેથી જ અબુધ થઇ ગયેલા. આ તો સંયોગ માત્ર છે. તે કોઇ વખત બોલશે કે, 'દાદા જ્ઞાની છે' ને કોઇ વખતે બોલશે કે, 'દાદામાં અક્કલ નથી' અને તે ય પાછું છે 'વ્યવસ્થિત' ! 'વ્યવસ્થિત' તને કોઇ પણ સંયોગમાંથી છોડશે નહીં. એમાં બુદ્ધિ વાપરીશ તો ગમતું અને ના ગમતું બન્ને વાગ્યા વગર રહેશે જ નહીં. માટે ભલેને બોલે આપણે શું છે ? આવું કોઇ બોલે ત્યારે આપણે કહીએ કે, ''બોલો રેકર્ડ,

આ 'અમે' તમને સાંભળી

એ છીએ !'' આ બોલે છે એ તો રેકર્ડ ઊતરેલી, તે કોઇ રીતે ફરે નહીં. મૂળ પોતે ધણી બોલતો નથી, આ તો ટેઇપ થઇ ગઇ છે તે રેકર્ડ બોલે છે, તે કંઇ ફરે નહીં.

લોકોને ભાવતું નથી ગમતું અને ભાવતું ગમે છે, પણ વસ્તુ એક જ છે, બેઉ સંયોગો જ છે. પણ આ તો એકને ફાવતું, ઇષ્ટ સંયોગ અને બીજાને ના ફાવતું-અનિષ્ટ સંયોગ કર્યા; તે કોઇ અનિષ્ટ સંયોગ આવ્યો હોય તો કહે, 'આ ક્યાં ચા પીવા આવ્યો ?' અને ઇષ્ટ સંયોગ આવ્યો હોય તો ના પીવી હોય તો ય પરાણે એને ચા પીવડાવે. આની પાછળ રૂટ કોઝ શું છે ? 'આ સારું અને આ ખોટું' એમ કહે છે તે ? ના, પણ પેલી મિથ્યાત્વ દ્રષ્ટિ છે તેથી આમ કરે છે. મિથ્યાત્વ દ્ષ્ટિને લીધે ખરું શું ને ખોટું શું એનું ભાન જ નથી.

આત્મા અને સંયોગ બે જ છે અને તેમાં સંયોગો અનંત છે, તે સંયોગો આત્માને ભળાવે છે. તે કેવી રીતે, તે હું તમને સમજાવું. આ એક હીરો હોય તે સફેદ અજવાળું આપે, પ્રકાશમાં તેમાથી કિરણો સફેદ નીકળે. હવે એની નીચે લાલ કપડું મૂકયું હોય તો આખો હીરો લાલ દેખાય અને લીલું કપડું મૂકયું હોય તો હીરો લીલો દેખાય અને પ્રકાશ ય લીલો નીકળે. આત્મા એવો જ છે, પણ સંયોગો આવે છે તેવો થઇ જાય છે. આ ક્રોધ આવે ત્યારે ગરમ ગરમ થઇ જાય છે, ખરી રીતે તો પોતે 'શુદ્ધાત્મા' તો ક્યારે પણ બગડયો જ નથી. તેલ ને પાણીને ભેગું કરીને ગમે તેટલું હલાવ હલાવ કરે તો ય તેલ ને પાણી કયારે ય પણ એક થતાં નથી, તેમ આત્મા કયારે ય પણ બગડયો જ નથી. અનંત અવતારમાં આત્મા કપાયો નથી, છુંદાયો નથી, સાપમાં ગયો કે બિલાડીમાં ગયો કે ગમે તે યોનિમાં ગયો પણ પોતે અંશ માત્ર બગડયો નથી, માત્ર ઘાટ ઘડામણ ગઇ છે !

કેટલાકને દિવસ ફાવે ને રાત ના ફાવે, પણ આ બંને સંયોગો રીલેટિવ છે. રાત છે તો દિવસની કિંમત છે અને દિવસ છે તો રાતની કિંમત છે !

વીતરાગ ભગવાન શું કહે છે કે, 'આ બધાં સંયોગો જ છે, બીજો આત્મા છે, એ સિવાય ત્રીજું કશું જ નથી.' એમને ખરું-ખોટું, સારું-નરસું કશું જ ના હોય. 'વ્યવસ્થિત' શું કહે છે કે, 'આ સંયોગોમાં તો કોઇનું કિંચિત્ માત્ર પણ વળે નહીં, બધો જ પાછલા ચોપડાનો હિસાબ જ માત્ર છે.' વીતરાગોએ શું કહ્યું કે બધા સંયોગો એક સરખા જ છે. આપવા આવ્યો કે લેવા આવ્યો, બધું એક જ છે, પણ અહીં બુદ્ધિ ડખો કરે છે. સંયોગોના માત્ર 'જ્ઞાતા-દ્રષ્ટા' જ રહેવા જેવું છે. આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. ભેળા થવાના સંયોગ પૂરા થાય એટલે વિખરાય ત્યારે જે મણનું હતું તે પછી ૩૮ શેર થાય, ૩૬ શેર થાય, પછી ક્રમશઃ તે પૂરું થાય.

સંયોગો કમ્પ્લીટ વિયોગી સ્વભાવના છે. એ તો એક આવે ને અગિયાર ને પાંચ મિનિટ થાય તો હેંડતો થાય ! એને કહીએ કે 'લે, ઊભો રહે, જમીને જા.' તો ય એ ના ઊભો રહે. એનો કાળ પાકે એટલે ચાલતો જ થાય. પણ આ તો કેવું છે કે બે મિનિટ પછી વિયોગ થવાનો હોય ત્યાં તે રાહ જુએ કે 'હજી નથી ગયો, હજી નથી ગયો, કયારે જશે?' તે બે મિનિટની એને દસ મિનિટ લાગે ! આ રાહ જોવાથી તો કાળ લાંબો લાગે છે ! બાકી સંયોગ તો વિયોગી સ્વભાવના જ છે.

દરેક સંયોગોમાં આપણે પોતે ભળવા જેવું નથી, એના તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા માત્ર છીએ. સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાની ય જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાની ય જરૂર નથી. કોઇ પણ સંયોગ આવે તો કહી દઇએ કે, 'ગો ટુ દાદા.' દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના અને આપણે તેનાથી ભિન્ન છીએ. વિચાર આવ્યો એ સંયોગ અને તેમાં ભળીને હાલી જાય તે ભ્રાંતિ છે, તેને તો માત્ર જોવા ને જાણવા જોઇએ.

સંસારમાં રીલેટિવમાં ભય માથે આવે ત્યારે આખો આત્મામાં પેસી જાય ને આત્માનો અનુભવ થઇ જાય ! આ નાનો બાબો હોય તે આમ તો પોતાનું રમકડું છોડે નહીં, ખસેડવા જાય તો હઠે ભરાય ! ને એટલામાં બિલાડી આવે તો બીને બધું છોડીને નાસી જાય ! જેને સ્વરૂપ જ્ઞાન મળ્યું હોય તેને જો કદી મોટો ભય આવે ને, તો તો એને સંપૂર્ણ આત્મ અનુભવ કેવળ જ થઇ જાય ! આપણને પણ સંયોગ આવે છે; છતાં આપણે કયાં સંયોગ પસંદ કરવાના કે જે રીયલમાં હેલ્પ કરે તે, રીયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના, રીલેટિવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના. જગતના લોકો સંયોગોના બે ભાગ પાડે : એક નફાના ને બીજા ખોટના; પણ આપણે તો જાણીએ કે નફો-ખોટ એ કોની સત્તા છે ? એ ના હોય આપણી સત્તા ! આપણે તો સત્સંગ મળે એ સંયોગ પસંદ કરવા યોગ્ય ! બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે. અરે, મોટામાં મોટા રાત-દા'ડો જોડે જ સૂઇ રહેનારા સંયોગ-મન, વચન, કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઇ પડયા છે, તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે ? આપણને તો આ સંયોગ છોડે તેમ નથી, પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે ! આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે ! છતાં, અવળા સંયોગ વેચાતા લાવવા જેવું નથી, જે છે તેનો નિકાલ કરી નાખવાનો છે!

સંજોગ સુધારીને મોકલો !

દાદાશ્રી : કેમ છે તમારાં બાની તબિયત ?

પ્રશ્નકર્તા : આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયાં, ઘૈડપણ ખરું ને !

દાદાશ્રી : સંયોગોનો નિયમ એવો છે, કે નબળા સંયોગ આવે એટલે બીજા નબળા સંયોગ દોડતા આવે અને જો સબળો સંજોગ ભેગો થાય તો બીજા સબળા સંજોગ ભેગા દોડતા આવે. આ ઘૈડપણ એ નબળો સંયોગ છે તેથી તેમને બીજા નબળા સંયોગ ભેગા થાય; જરાક ધક્કો વાગે તો ય પડી જવાય, હાડકાં તૂટી જાય. નબળા પાછળ નબળા સંયોગ આવે. આ તો જયાંથી ત્યાંથી ઉકેલ લાવવાનો છે ! દુનિયાના માણસો કેવા હોય ? જે દબાયેલો ભેગો થાય તેને ટૈડકાવ ટૈડકાવ કરે. ભગવાને કહ્યું કે અલ્યા, તું જેટલા બીજાના સંયોગ બગાડે છે તે તું તારા પોતાના જ બગાડે છે, તે તને જ એવા સંયોગ ભેગા થશે.

સંયોગો એ તો ફાઇલ છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે. આ તો અનંત અવતારથી સંયોગો ને તરછોડ માર માર કરેલા તેથી અત્યારે આ કાળમાં લોકોને જયાં ત્યાં તરછોડ મળે એવા જ સંયોગ ભેગા થાય છે ! સંયોગો તો વ્યવસ્થિતના હિસાબી પરમાણુથી જ ભેગા થાય. કડવા લાગે તેવા સંયોગોને લોક કાઢ કાઢ કરે ને તેને ગાળો આપે. સંયોગ શું કહે છે કે, 'અમને વ્યવસ્થિતે મોકલ્યા છે. તું અમને ગાળો દે છે પણ પછી તને વ્યવસ્થિત પકડશે.' અને જયારે મીઠો સંયોગ આવે છે ત્યારે લોક 'આવ બા ! આવ બા !' એમ કરે. આ કેવું છે કે જો તું સંયોગો સાથે રહીશ તો સંયોગો તો વિનાશી છે, તે તું પણ વિનાશી થઇ જઇશ અને સંયોગોથી છૂટો 'સ્વ'માં રહીશ તો તું અવિનાશી જ રહીશ.

આ તો કેવું છે કે, કડવા સંયોગને 'ના' કહીએ તો ય એ આવે ને મીઠાને 'આવ, આવ' કહીએ તો ય એ ચાલ્યા જાય ! આમ કરી કરીને તો અનંત અવતાર બગાડયા, કુધ્યાન કર્યા. મોક્ષ જોઇતો હોય તો 'શુકલધ્યાન'માં રહેજે અને સંસાર જોઇતો હોય તો 'ધર્મધ્યાન' રાખજે, કે કેમ કરીને બધાંનું ભલું કરું. 'ધર્મધ્યાન' તો, ક્યારેક કોઇ માણસ અવળું બોલે તો એને પોતે માને કે મારો હિસાબ કંઇ બાકી હશે, એથી આવો કડવો સંયોગ મળ્યો ! ને તે પછી તે કડવા સંયોગને મીઠો કરે, સંયોગ સીધો કરે. કોઇ માણસ લઢતો આવે કે, 'તમે મને ૨૫ રૂ. ઓછા આપ્યા, તો તેને ૨૫ વત્તા ૫ બીજા આપીને રાજી કરીને જે તે રસ્તે એ સંયોગ સુધારીને મોકલવો. સંયોગને અજવાળીને મોકલે તો આવતે ભવે સવળા સંયોગ મળે. જયાં જયાં ગૂંચો પડી છે ત્યાં ત્યાં તે સંયોગ ગૂંચોવાળો આવે, એ જ નડે છે. માટે અવળા સંયોગને અવળા ના જોઇશ, પણ એને સવળા અને મીઠા કરીને મોકલ કે જેથી તે આવતે ભવે ગૂંચ વગરના સંયોગ મળે.

આ લોકોએ કહ્યું કે, 'તમે શાન્તાબહેન, આના વેવાણ, આની મા' અને બધું તમે માની લીધું અને પાછાં તેવા થઇ ગયાં ! માણસ બહુ વિચાર કરતો હોય તો ય પોતાનું નામ ભૂલી જાય તેવું છે, તેમ આ સંયોગોથી ઘેરાયો ને 'પોતાને' ભૂલી ગયો; આનું નામ સંસાર ! આમાં અજ્ઞાનતાનું જ એગ્રીમેન્ટ અને અજ્ઞાનતાની જ પુષ્ટિ કરી !

તે કહે કે, 'આનો જમાઇ ને આનો સસરો !' અલ્યા, તું જમાઇ શાનો ? તો કહે કે, 'મે શાદી કરી ને !' આ તો માર ખાઇને ભોગવે તે શાદી. એવું છે, આ શાદી એ તો એક ભવ માટેનું એગ્રીમેન્ટ, પણ આને તો કાયમનું માની બેઠો ! અને ઉપરથી ઇનામમાં એક જ ભવમાં પાર વગરના માર ખાવાના ! આ તો ભગવાન પોતાનું ભાન ભૂલ્યા તેનાથી સંસાર ઊભો થઇ ગયો !

'આ સંયોગો સારા અને આ ખરાબ' તેથી સંસાર ઊભો છે, પણ જો 'આ બધા જ સંયોગો દુઃખદાયી છે' એમ કહ્યું તો પછી થઇ ગયો મોક્ષમાર્ગી ! આ જ વીતરાગ ભગવાનનું સાયન્સ છે, ભગવાન મહાવીર કેવા સાયન્ટિસ્ટ હતા ! વીતરાગો તો જાણતા હતા કે જગત માત્ર સંયોગોથી ઊભું થયું છે ! લોકોએ સંયોગોને ફાવતા અને ના ફાવતા કર્યા અને એની ઉપર રાગદ્વેષ કર્યા, જયારે ભગવાને તો બંનેને ય ના ફાવતા કર્યા ને તે છૂટયા !

'એગો મે શાષઓ અપ્પા, નાણ દંશ્શણ સંજ્જૂઓ.'

હું એક શાશ્વત આત્મા છું, જ્ઞાનદર્શનવાળો એવો શાશ્વત શુદ્ધાત્મા છું, હું સનાતન છું, સત્ એકલો જ છું.

'શેષા મે બાહિરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા,'

આ શેષ રહ્યા તે બધા બહારના ભાવો છે. એ ભાવોનાં લક્ષણ શાં છે ? એ સંયોગ લક્ષણવાળા છે. 'બાહિરાભાવા' કયા ? સંયોગ લક્ષણ, એટલે કે, આડો વિચાર એ સંયોગ, પૈણવાના વિચાર આવે એ સંયોગ, રાંડવાનો વિચાર એ સંયોગ. એ બધા બાહિરાભાવ કહેવાય અને એ બધા સંયોગ લક્ષણવાળા છે. આ બધાના લક્ષણો સંયોગ સ્વરૂપે છે. જેનો વિયોગ થવાનો એ બધા સંયોગ, તે ભૂલથી બોલાવેલા તે આવેલા.

' સંજોગમૂલા જીવેણ પત્તા દુખમ્ પરંપરા,

તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તીવીહેણ વોસરિયામી.'

તે બધા સંયોગ જીવનાં દુઃખોની પરંપરાના મૂળમાં છે. તે બધા સંયોગો 'દાદા ભગવાન'ને - વીતરાગને વોસરાવું છું : એટલે કે સમર્પણ કરું છુ, અને એટલે આપણે એના માલિક નહી. આ સંયોગો કેટલા બધા છે ? અનંતા છે. એ અનંતા સંયોગોને એક પછી એક કયારે છોડી રહીએ? એના કરતાં એ બધા જ સંયોગોને 'દાદા'ને વોસરાવી દીધા એટલે આપણે છૂટયા !

આત્માની અનંત શક્તિ છે, એ એટલી બધી છે કે એક કલાકમાં જ કરોડ સંયોગો કમાઇ જાય તેમ એક જ કલાકમાં કરોડો સંયોગો કાઢી શકે ! પણ કાઢવાનો અધિકાર કોને ? 'જ્ઞાની પુરુષ'ને !

સંયોગો અને સંયોગી એમ બે જ છે. જેટલા પ્રમાણમાં સંયોગી સીધો એટલા પ્રમાણમાં સંયોગ સીધા અને જો સંયોગ વાંકો આવ્યો તો આપણે તરત જ સમજી લેવાનું કે, આપણે વાંકા હતા તેથી એ વાંકો આવ્યો. સંયોગોને સીધા કરવાની જરૂર નથી પણ આપણે સીધા થવાની જરૂર છે. સંયોગો તો અનંત છે, તે કયારે સીધા થાય ? જગતના લોકો સંયોગોને સીધા કરવા જાય છે, પણ પોતે સીધો થાય એટલે સંયોગ એની મેળે સીધા થવાના, પોતે સીધા થયા છતાં થોડો વખત સંયોગ વાંકા દેખાય, પણ પછી એ સીધા જ આવવાના. કોઇ ઉપરી છે નહીં, ત્યાં સંયોગ કેમ વાંકો આવે ? આ તો પોતે વાંકો થયેલો તેથી સંયોગ વાંકા આવે છે. આ મરડો થાય ત્યારે કંઇ એના તરતનાં જ બીજ હોય ? ના, એ તો બાર વર્ષ પહેલાં બીજ પડેલાં હોય તેનો અત્યારે મરડો થાય ને મરડો થયો એટલે બાર વર્ષની ભૂલ તો ભાંગે ને ? પછી ફરી ભૂલ ના કરી એટલે પછી ફરી મરડો ના થાય. આ ગાડીમાં ચઢયા પછી ભીડવાળી જગ્યા મળે, કારણ કે પોતે જ ભીડવાળો છે. પોતે જો ભીડ વગરનો થયો હોય તો જગ્યા પણ ભીડ વગરની મળે. પોતાની ભૂલો જ ઉપરી છે, એ આપણને સમજાઇ ગયું પછી છે કશો ભો ? આ અમને દેખીને કોઇ પણ ખુશ થઇ જાય છે. અમે જ ખુશ થઇ જઇએ એથી એની મેળે સામેવાળો ખુશ થઇ જાય. આ તો સામેવાળો અમને દે

ખીને ખુશ તો શું, પણ આફ્રીન થઇ જાય. આપણો જ ફોટો છે સામાવાળો !

સંયોગોમાં પોતે કોણ ?

પોતાની પુણ્યૈ હોય તો બધા સંયોગ, જે આવે તે બધા મદદ કરતા જાય, ને પાપનો ઉદય હોય તો સંયોગ આવે તે વાંકા આવે ને સાથે આવે તે ઉપરથી ડફણાં મારતા જાય ! આ કેટલાક લોકો બોલે છે ને કે 'મારા સંયોગ સારા નથી.' એ તો જ્ઞાનીનું વાક્ય કહેવાય; પણ એમાં તું કોણ અને આ બધું શું ?

બીજા બધા સંયોગ.

તો પછી તું કોણ ? તેની તપાસ કર !?

આ માંદો પડે ત્યારે એને મટાડનાર સંયોગ અને એને વધારે માંદો પાડે એ ય સંયોગ. મટાડનાર દવા પણ એને વધારે માંદા પાડે, જો વધારે માંદા પડવાના સંયોગ હોય તો. એક નબળો સંયોગ ભેગો થાય એટલે બધા સંયોગ નબળા ભેગા થતા જાય. દુકાળનો સંયોગ આવે, તો સાથે ભેંસ મરી જાય, તે ફરી નબળા ઉપર નબળો સંયોગ આવે. જો આ બધા સંયોગ, તો તું કોણ ?

આ સંયોગો નિરંતર સમસરણ થયા જ કરે છે, એનો તમને એક દાખલો આપું : સાંજના પાંચ વાગ્યે તમે જતા હો, તો સામે વાદળ આવ્યું હોય તો તે દેખાય. પણ પછી થોડીક જ વારમાં એક વાદળમાં મેઘધનુષ્ય દેખાય, તો એ કોણે બનાવ્યું ? પહેલાં એ કેમ નહોતું ? કારણ કે વાદળ છે, અમુક જગ્યાએ સૂર્ય છે, તે એ એવી રીતે બધા સંયોગ ભેગા થઇ જાય અને પાછા આપણે અમુક જગ્યાએ હોઇએ તો જ એ મેઘધનુષ્ય દેખાય !

આત્મા ને સંયોગ બે જ છે, પણ એ સંયોગોમાં આત્મા મૂંઝાયો છે. મૂંઝવણ એ પણ આત્માનો સ્વભાવિક ગુણ નથી, પણ ઉપાધિ ભાવથી છે. હવે સંયોગો આત્માને નિરંતર ઘસાયા કરે છે, અને તે પછી સ્પર્શથી ચાર્જ થઇ જાય છે, અને એ જ આવતે ભવ ડીસ્ચાર્જ થાય છે. 'જ્ઞાની પુરુષ' જો મળી જાય તો તે જે ચાર્જ થનારી તમારી બેટરી છે તેને આઠ ફીટ છેટે મૂકી દે એટલે ચાર્જ બંધ થઇ જાય અને પછી સંસાર બંધ થઇ જાય !

અનુકુળ સંયોગો એ ફૂડ છે અને પ્રતિકૂળ સંયોગો એ વિટામિન છે. માટે અમે કહીએ છીએ કે, વિટામિનને જ નકામું ઢોળાઇ જવા ના દેશો.

સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે.

 

તપ

ભગવાને 'જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ - એ ચાર મોક્ષના પાયા છે' એમ કહ્યું, પણ લોકો પોતાની ભાષામાં લઇ ગયા. 'હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન, 'હું શુદ્ધાત્મા છું' એવી પ્રતીતિ એ દર્શન અને જ્ઞાતા-દ્રષ્ટા રહે એ ચારિત્ર્ય. અને બહાર કશું થાય ત્યારે હ્રદય તપે ત્યારે એને જોવું અને જાણવું એ તપ; એને આંતરતપ, અદીઠ તપ કહ્યું. મોક્ષે જવા માટે અંતરતપ જોઇશે, બાહ્ય તપની જરૂર મોક્ષે જવા નથી. બાહ્ય તપથી સારી ગતિ મળે, પણ મોક્ષ ના મળે. અદીઠ તપ દેખી ના શકાય એવું હોય. ફોરેનમાં પ્રવેશ ન કરવો અને હોમમાં જ રહેવું એને જ ભગવાને ખરું તપ કહ્યું. આત્મા અને અનાત્માના સાંધાને એક થવા ના દે તે ખરું તપ. અને આ તપ પણ શાને માટે કરવાનું ? કારણકે અનાદિથી ફોરેનનો અધ્યાસ છે તેથી તપ કરવું પડે, છતાં આ તપથી તપવાનું ના હોય.

મોક્ષમાર્ગ એટલે બિલકુલ સહજ માર્ગ, એટલે ક્રિયાકાંડ ના હોય, મહેનત ના હોય. તપ, ત્યાગ, જપ એ બધી ક્રિયાઓ ફળવાળી છે. ફળ મળે ત્યાં સુધી રહેવું હોય તો મુકામ કરો અને પછી ફળ ચાખશો, પણ ફળ આવે ત્યારે કઇ જાતના વિચાર હોય તે શું કહેવાય ? બી વાવ્યું ત્યારે ત્યાગી દશામાં હોય ને ફળ આવ્યું ત્યારે ગૃહસ્થી દશામાં હોય, પંચેન્દ્રિયના વિચારોમાં પડયો હોય. તપ, ત્યાગથી દેવગતિ મળે, મોક્ષ ના મળે. મોક્ષ તો સહજ થાય ત્યારે જ થાય. આ તપ, ત્યાગની મહેનત કરે એ હેન્ડલ મારવા પડે છે.

આપણે પૂછીએ કે 'તબિયત બગડી તેથી ભૂખ્યાં રહો છો ?' તો તે કહેશે, 'હું તપ કરું છું.' 'કેટલા દિવસ ભૂખ્યા રહેશો ?' તો તે કહે, 'ચાર દિવસ.' તો તમે તપ કરીને તપેલા હશો કે ઠંડા ? પણ તે તપેલો જ રહે. એવા તપેલાને છોકરાએ કંઇ કહ્યું હોય તો એવી અગ્નિ કાઢે કે છોકરો વિચારે કે, આના કરતાં બાપ ના હોય તો સારું ! ભગવાને કહેલું કે, 'પેટમાં દુઃખતું હોય, અજીર્ણ થયું હોય તો એકાદ ટંક ખાજે.' વધારે ખાઇશ એ ય પોઇઝન છે અને નહીં ખાઉં તો એ ય પોઇઝન છે. તેથી ભગવાને ઊણોદરી તપ કરવાનું કહેલું તે કેવું કે રોજ ચાર રોટલી ખાતો હોંઉ તો ત્રણ રોટલી ખાઇને શરૂઆત કરવી અને ભાત અર્ધો ખાજે, તો તારે તપ કરવાની જરૂર નથી. પેટને ખોરાક જીવવા પૂરતો આપવો. આફરો ચઢે એ ગુનો છે. દૂધપાક પીધો હોય ને સત્સંગમાં કહ્યું હોય કે, 'આટલો પાઠ કરજો.' તે સૂતાં સૂતાં પાઠ કરવા જાય તો ઘેન ચઢે. ઘેન ચઢે એટલું ખવાય જ નહીં.

આ બહુ દિવસો સુધી ભૂખ્યા રહે છે તેને તો ભગવાને ઢોર લાંધણ કહ્યું છે, પણ એ કષ્ટનું સેવન છે તે ફળ વગર જાય નહીં, દેવગતિ મળશે. વિલાસ કરો તો ય ફળ મળશે. ભગવાને નોર્મલ રહેવા કહ્યું, 'સહજ માર્ગે ચાલ્યો જા' એમ કહ્યું. પણ ભગવાનની વાત કોઇ સમજયું જ નહીં ને લોકો અણસમજણથી તપ કરવા જાય છે.

પ્રાપ્ત તપ જ કરવા જેવું !

આ તપ કોઇનું શીખી લાવીને કરવા જેવું નથી. તારું મન જ રાત દહાડો તપેલું છે ને ! તારું મન, વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર, એ જ ખરું તપ છે ! જયારે મન, વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય, અને જયારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે, પણ પછી તે વખતે શા કામનું ? તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને ? જયારે બધાં ઝેર આલનારાં આવે તે વખતે મહીં અંતર તપે તો ય સહન કરી લેવું; લાલ, લાલ હ્રદય થઇ જાય તો ય શાંત ભાવે સહી લેવું. તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી, આવી પડેલાં તપને હસતે મોઢે વધાવી લેવાનું કહ્યું છે. ત્યારે આ લોકો તો આવી પડેલા તપને આઘા પાછા કરે, મોં મચકોડે એટલે તે જ તપ જે આલવા આવ્યું હોય તેને અનેક ગણું કરીને પાછું આલી દે, અને ના આવેલાં તપને બોલાવવા જાય, ના હોય ત્યાંથી, કોઇનું જોઇને શીખી લાવીને તપ કરવા બેસે ! અલ્યા, તપ તે કોઇનું શીખી લાવીને કરાતું હશે ? તારું તપ જુદું, પેલાનું તપ જુદું, દરેકનું તપ જુદું જુદું હોય. દરેકના કોઝીઝ જુદાં જુદાં હોય અને આજના કાળમાં તો, તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે.

ભગવાન મહાવીરે કહ્યું હતું કે, 'કળિયુગમાં ચેતીને ચાલજે, તને જે પ્રાપ્ત તપ હોય તે ભોગવજે અને અપ્રાપ્ત તપને ઊભું ના કરીશ.' સામો માણસ અથડાઇ પડયો અને તને અહીં વાગ્યું તો એ શાંતિથી તપ તપજે, ત્યારે ત્યાં ઝઘડો કરે અને ઘેર આવીને કહેશે કે 'કાલે તો મારે અપવાસ કરવો છે.' 'અલ્યા, આમ શું કરવા કરે છે ? તને જો શરીરને અનુકૂળતા ના હોય તો એકાદ ટંક કે બે ટંક ઉપવાસ કરી નાખ, તેનો વાંધો નથી, એ સહજ સ્વભાવ છે. એવું જાનવરોમાં પણ હોય છે, પણ આવું તોફાન કરવાની જરૂર જ નથી.' ભગવાને કહેલું કે, 'ત્રણ કાળમાં, દ્વાપર, ત્રેતા અને સત્યુગમાં ત્યાગ કરજે, તપ કરજે, પણ ચોથા કાળમાં કળિયુગમાં તો તપ-ત્યાગ તારે ખોળવા નહીં જવું પડે, વેચાતાં લેવાં નહીં જવું પડે.' એ તો જે કાળમાં વેચાતાં લેવા જવું પડતું હતું તે કાળમાં આ તપ હતાં. કારણ કે આખો દહાડો ખોળે તો ય તપ જડે જ નહીંને! એ કાળ ગયા બધા. અત્યારે તો તપ કેટલાં બધાં મળે ?

મહાવીર ભગવાનને તપ ખોળવા જવું પડતું હતું તે કાળમાં ય ! લોકો તો તપવાળા હતા, પણ ભગવાનને તપ ના આવે ને ? ભગવાનને તપ આવે નહીં તે એમના મનમાં વિચાર થયો કે, 'આ બધા વહોરાવે છે તે મારે માટે ધ્યાન રાખીને રસોઇ બનાવે છે અને પછી વહોરાવે છે. એટલે મને કોઇ ગાળ ભાંડતું નથી, કશું ય મને કોઇ કરતું નથી. હજી મારે મહીં કર્મના ઉદય બાકી છે,' એનું એમને પોતાને માલમ પડી જાય. જેમ વોમિટ થવાની હોય તેની માણસને ખબર પડે, તેમ જ્ઞાનીઓને ઘણા કાળ પછી કર્મની વોમિટ થવાની હોય તે ય ખબર પડી જાય. એવાં કર્મની 'જ્ઞાની'ઓ ઉદીરણા કરે મનુષ્યમાં ઉદીરણાની સત્તા છે. એટલે મહાવીર ભગવાને વિચાર કર્યો કે, 'લાવ, આર્યદેશમાંથી અનાર્યદેશમાં જઉં તો મારાં આ કર્મો ખરી પડે. કર્મનો હિસાબ છે.' આ આર્યદેશના લોકો તો 'પધારો, પધારો' કરે છે અને ભગવાન ઉપર પુષ્પો વરસાવે, એટલે ભગવાનને થયું કે અનાર્યદેશમાં જવું. હવે અનાર્ય દેશ ૬૦ માઇલ છેટે હતો, તે ધોરી રસ્તા પરથી જવા ના મળ્યું. આખા ગામના લોકો જોડે વળાવવા આવેલા. લોકોએ ભગવાનને વિનંતી કરી કે, 'ભગવાન, તમે આ સાંકડા રસ્તે ના જાવ. એ રસ્તે તો ચંડકોશિયો નાગ રહે છે, આ જંગલમાં એ નાગ કોઇને પેસવા જ દેતો નથી, જે જાય તેને જીવતો જવા ના દે. ભગવાન, તે તમનેઉપસર્ગ કરશે.' પણ ભગવાને કહ્યું કે, 'તમે બધા ના કહો છો, પણ મારે તો અહીં રહીને જ જવાની જરૂર છે. મને મારા જ્ઞાનમાં આવું દેખાય છે. હું આગ્રહી નથી, પણ મારા જ્ઞાનમાં દેખાય છે માટે તમે બધા શાંતિપૂર્વક રહો અને મને જવા દો.' એટલે બધા ગામના લોક ત્યાં જ ઊભા રહ્યા. કોઇ જંગલમાં પેસે જ નહીં ને ! ચંડકોશિયાનું નામ જાણે એટલે કોણ પેસે ? ભગવાનને જવું હોય તો જાય કહેશે ! ચંડકોશિયાની વાત આવી એટલે ભગવાન-બગવાન બધું છોડી દે ! છોડી દે કે ના છોડી દે આ લોક ? !

ભગવાન તો જંગલના રસ્તે ગયા. ત્યાં ચંડકોશિયાને સુગંધ આવી, એટલે પછી એ વિફરે ને ? એ તો કોઇ જાનવરને જંગલમાં નહોતો આવવા દેતો, તે વિફરતો વિફરતો ભગવાનની સામે આવ્યો ને ભગવાનને પગે ડંખ માર્યો. તે ડંખ મારતાંની સાથે જ સહેજ લોહી તેના મોઢામાં પેસી ગયું. એ લોહી પેસવાથી એને પોતાને પાછલા ભવનું ભાન થયું. એટલે ભગવાને ત્યાં એને ઉપદેશ આપ્યો, 'હે ચંડકોશિયા ! બૂઝ, બૂઝ, ને ક્રોધને શાંત કર.' ગયા અવતારમાં ચંડકોશિયો સાધુ હતો ને શિષ્ય ઉપર ક્રોધ કર્યો તેથી તેની આ દશા થઇ ! 'માટે હવે શાંત થા. તને જ્ઞાન આવ્યું છે એવો તું શુદ્ધાત્મા છું.' ચંડકોશિયો ભાનમાં આવી ગયો, પૂર્વભવનું એને જ્ઞાન આવી ગયું. ગયા ભવમાં એને સાધુપણું હતું. તેણે શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો, કેવો ભયંકર ક્રોધ ? જેવો તેવો નહીં. આ લોકો બૈરીઓ ઉપર કરે છે એવો નહીં. શિષ્ય તો ફસાયો એટલે પછી ગુરૂ કંઇ એને છોડે ? પછી એ ફસાઇ ગયેલાને ગુરૂ માર આપ્યા જ કરે! તે પછી સાપ ત્યાં આગળ પછાડા ખાઇને મરી ગયો. એના ઉપર કીડીઓ ખૂબ ચઢી ગઇ હતી, કારણ કે પછાડા ખાય એટલે લોહી નીકળે ને લોહી નીકળે એટલે કીડી ચઢે, ને કીડી તો ખેંચાખેંચ કરવા માંડી ! ચંડકોશિયાને ખૂબ બળતરા ઊભી થઇ, પણ તેણે શાંતિથી તપ સેવ્યું અને તે સારી ગતિમાં પહોંચી ગયો.

ભગવાન ત્યાંથી અનાર્ય, અનાડી દેશમાં વિચર્યા. ત્યાં લોકોએ એમને, 'એ ય આ બાવો આવ્યો છે, એને ઢેખાળા મારો. આ કેવો બાવો છે ? લૂગડાં-બૂગડાં પહેરતો નથી. મારો એને.' તે ભગવાનને તો મહીં પેસતાં પહેલાં જ પ્રસાદી મળવા માંડી ! ભગવાન તો જાણતા હતા કે 'હું કયાં પ્રસાદી ખાઉં છું ?' તે તેમને તો 'ખરેખરી પ્રસાદી' મળવા માંડી! કો'ક જગ્યાએ દયાળુ માણસ હોય તે કકડો રોટલો આપે. આર્યદેશમાં પેલી મીઠાઇઓ મળતી હતી તે અહીં કયાંથી લાવે ? ભગવાને અમુક કાળ અનાડી દેશમાં વિતાવી, કર્મ ક્ષય થયાં ત્યારે પાછા ફર્યાં. અત્યારે તો બધાંને ઘેર બેઠાં અનાડી દેશ છે તો ય લોક ભાંજગડ કરે છે ! અલ્યા, મહાવીર ભગવાનને ૬૦ માઇલ ચાલીને જવું પડયું હતું ને !

તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠાં જ અનાડી દેશ છે ! આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ ! જમીએ ત્યાં જ, ખાઇએ-પીએ ત્યાં જ, અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા ૬૦ માઇલ વિચરવું પડયું હતું, અનાડી દેશ ખોળવા માટે ! જયારે આજે તો ઘેર બેઠાં જ અનાડીપણું લોકોનું નથી લાગતું ? તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને ! આ કાળના લોકો ય કેટલા પુણ્યશાળી છે ! આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી પડોશીઓ, ભાગિયા, ભાઇઓ, વહુ, છોકરાં બધાં ય તપ કરાવે એવું છે ! આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી. આ પ્રતિકૂળ કાળ આવ્યો છે, ઘેર બેઠાં જ પ્રતિકૂળતા હોય, બહાર ખોળવા જવું ના પડે. આ કાળ જ એવો છે કે કયાં ય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં, બહાર, પાડોશીઓ બધેથી જ ડીસ્એડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું સહન કર અને એડજસ્ટ થઇ જા.

પ્રાપ્ત તપ એટલે આવી પડેલું તપ, એને શાંતિપૂર્વક નિરાંતે ભોગવે, સામાને સહેજ પણ દુઃખ ના થાય. સામાને આપણા નિમિત્તે દુઃખ તો ના થાય પણ આપણું મન સામાને માટે જ સહેજ પણ ના બગડે, એનું નામ પ્રાપ્ત તપ. બીજાં તપ કરવાની ભગવાને અત્યારે ના પાડી છે, તો ય જુઓને લોક જાતજાતનાં તપ લઇને બેઠા છે ! અલ્યા, સમજને! શિષ્ય જોડે આખો દહાડો ક્રોધ કરતો હોય ને બીજે દહાડે અપવાસ કરે, હવે આનો અર્થ શો ? મીનિંગલેસ આ બધી વસ્તુઓ ! આ મીનિંગલેસ નથી લાગતું તમને ? કહેશે કે, 'મારે બે અપવાસ કરવા છે.' અલ્યા ભાઇ, અત્યારે તો એવું છેને કે, કો'ક દહાડો રેશનનું ઠેકાણું ના પડયું હોય ત્યારે થોડા ચોખાથી ચલાવી લેવાનું હોય, એ દહાડે મહારાજ આટલાં જ ચોખા મળ્યા તે તેટલો જ ખોરાક, ત્યાં એ કરોને! પ્લસ, માઇનસ કરી નાખોને ! એક દહાડો સામટું જ ના ખાવું, તેનાં કરતાં રોજ થોડું થોડું પ્લસ, માઇનસ કરીને આપણે એડ઼જસ્ટ થઇ જાઓને ! કો'ક દહાડો જમવાનું ઠેકાણું બે વાગ્યા સુધી ના પડયું તો ત્યાં શાંત ભાવે સહન કરી લે ને ! અથવા જમવાનું બિલકુલ ઠેકાણું ના પડયું ત્યાં તું શાંત રહે. આ પેટ તો મહીં ગયા પછી બૂમ પાડશે નહીં. આ રાત્રે આટલી ખીચડી ને શાક આપ્યું હોય તો પછી બૂમ પાડે ? ના પાડે. પછી તમારે જેવુંધ્યાનમાં રહેવું હોય તેવું રહેવા દે. પેટને તો વાંધો નથી, આ વાંક પોતાનો છે, મન પણ એવું નથી, પોતે અનાડી છે. પોતે અનાડી, તે પોતે તો દુઃખ ભોગવે, પણ બીજાને પણ દુઃખ ભોગવડાવે. અનાડીપણું!

લોક સામસામા કહે છેને કે આ અનાડી છે ? અલ્યા, મુંબઇમાં વળી અનાડી કોને ના કહેવું તે ખોળી કાઢવું મુશ્કેલ છે, એટલે સામસામા અનાડી બોલે છે. અલ્યા, ના બોલાય, એ તો ભગવાન જેને ખોળતા હતા તે તો તમારે અનાડીપણું ઘેર બેઠા મળે છે. તેથી આ 'દાદા'એ તમને કહ્યું કે ખાવ, પીઓ મઝા કરો ને તપ આવી પડે તે શાંતિથી ભોગવજો. તપને તો બોલાવવા જવું પડે એવું છે જ નહીં. નર્યા તપમાં જ તપે છેને આ લોક ! અને પેલા તપવાળા તો કેવા હોય કે આવી પડેલું તપ ભોગવે નહીં અને ના આવેલું તેને બોલાવ બોલાવ કરે, બોલાવીને તપ કરે. પછી આપણે તેને કશુંક કહેવા જઇએ તો તે એટલો બધો તપી ગયેલો હોય કે જો જરાક ભૂલ થઇ તો તે ફાટી જાય ! તપવાળા કેવા હોય ? તપીઆ હોય. તપીઆ એટલે સળગતો-ભારેલો અગ્નિ, જે જરાક કંઇ આપણી બીડી અડી તો તરત ભડકો થઇ જાય. એટલે ભૂલેચૂકે ત્યાં આગળ કંઇ ના કરાય. ભગવાન આવા નહોતા, ભગવાન તો બહુ ડાહ્યા હતા.

પ્રાપ્ત તપની અત્યારે કંઇ ખોટ છે ? છેવટે દાંત દુઃખે ને દમ નીકળી જાય એવો દુઃખે. દાઢ દુઃખે, પેટ દુઃખે, માથું દુઃખે, ફલાણું દુઃખે, સામો અથડાય એ બધા પ્રાપ્ત તપ ! નહીં તો કો'ક દહોડો સત્સંગમાંથી આવતાં મોડું થઇ જાય તો વાઇફ કહેશે, 'તમારામાં ઠેકાણું નથી. અત્યાર સુધી તે બહાર રખડાતું હશે ? ક્યાં રઝળતા હતા ?' હવે બૈરી શું જાણે કે આપણે સત્સંગમાં બેઠા હતા કે રઝળતા હતા ? હવે વાઇફ આવું બોલે ત્યારે આપણે પાંસરા ના રહીએ તો આપણી મૂર્ખાઇ જ ને ? આપણે જાણીએ કે તપ તપવાનું આજે આવ્યું છે ! હવે ત્યાં જો તપ ના તપો ને બૈરીને કહો, 'ચૂપ, અક્ષર બોલવાનો નથી,' એટલે પછી ધણિયાણી એક બાજુ કારતૂસો ભરભર કર્યા કરે ! 'બહેન, શું કરવા કારતૂસો ભર્યા કરો છો ?' તે કહે, 'એ તો હમણાં ફોડીશ.' આ જમી રહ્યા પછી બહેન કારતૂસો ફોડ ફોડ કરે અને રાત્રે પાછાં બંને ત્યાંના ત્યાં જ, એ જ ઓરડીમાં સૂઇ જવાનું પાછું ! જો બીજી કોઇ ઓરડીમાં સૂઇ જવાનું હોય તો આપણે જાણીએ કે આ લપથી છૂટયા, પણ લપની જોડે ને જોડે સૂઇ રહેવાનું પાછું ! અલ્યા, જયાં સૂઇ રહેવાનું ત્યાં ટેટા ના ફોડાય, કોઇ ટેટો ફોડેને તે આપણા પગ ઉપર પડે તો આપણે તેને ઓલવી નાખવાનો, બહાર જે કરવું હોય તે કરીએ, પણ ઘરમાં જયાં રાતદિવસ રહેવાનું હોય ત્યાં આવું ના કરીએ. જ્ઞાનીઓ બહુ ડાહ્યા હોય, પોતાનું હિત શેમાં છે તે તરત જ સમજી જાય કે આણે તો ટેટો ફોડયો. એ તો અકળાઇ એટલે ફોડયો ને મારા પગ ઉપર નાખ્યો, પણ હવે એના પગ ઉપર પાછો હું નાખીશ તો એ મારા માથા ઉપર નાખશે ! હવે મેલોને આ પૈડ ! આપણે આ કેસને ઊંચો જ મૂકી દોને!

આ તપ કરેને તે કોઇને ય જાણવા ના દે એ ખરું તપ ! તપમાં કોઇને કહીએ તે સાંભળે, ને પછી તે આપણને આશ્વાસન આપી જાય એટલે આપણી પાસેથી બે આના ભાગ પડાવી જાય અને ઉપરથી ખોટા રસ્તે ચઢાવી દે. માટે તપ કરેલું તે કોઇને કહેવાય કેમ ? વગર કામનું કમિશન કોણ આપે ? પ્રાપ્ત તપમાં જેટલું આશ્વાસન લે એટલું તપ વધારે કરવું પડે. અમે તો કોઇ દહાડો કોઇનું ય આશ્વાસન લીધું નથી. આશ્વાસન લે તો તપ કરવું પડે, નહીં તો મહીં તપ્યા કરે અને તપને જ મહીં સમાવ સમાવ કરવાનું. એનો ઊભરો આવે પછી એ શમી જાય, એનો ટાઇમ થાય એટલે ઊભરો આવવાનો. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ કહ્યું, એટલે તપમાં આપણે આવી પડેલા તપનું તપ કરવું. બટાટાવડાનો ભાવ થાય ને ના મળે તો તે દહાડે તપ કરવાનું !

પ્રશ્નકર્તા : દાદા, આ તમારા પગમાં કણીઓ શાથી પડી ગઇ છે?

દાદાશ્રી : એ તો અમે આત્મા પ્રાપ્ત કરવા તપ કરેલું. તે કેવું તપ કે બૂટમાં ખીલો ઊંચો આવે તો તેને ઠોકવાનો નહીં, એમ જ ચલાવ્યે રાખવાનું. ત્યાર પછી અમને ખબર પડી કે આ તો અમે અવળે માર્ગે છીએ. આ જૈનોનું અમે તપ કરેલું. બૂટની ખીલી બહાર નીકળે ને ચૂંક વાગે તે વખતે જો આત્મા હાલી જાય તો એ આત્મા જ પ્રાપ્ત થયો નથી એવું હું માનતો હતો. એટલે એ તપ થવા દઇએ. પણ એ તપનો ડાઘ હજી ય નથી ગયો ! તપનો ડાઘ આખી જિંદગી ના જાય. આ અવળો માર્ગ છે એમ અમને સમજાયેલું. તપ તો અંદરનું જોઇએ.

તપ, ક્રિયા ને મુક્તિ !

પ્રશ્નકર્તા : તપ અને ક્રિયાથી મુક્તિ મળે ખરી ?

દાદાશ્રી : તપ અને ક્રિયાથી ફળ મળે, મુક્તિ ના મળે. લીમડો વાવીએ તો કડવાં ફળ મળે અને આંબો વાવીએ તો મીઠાં ફળ મળે. તારે જે ફળ જોઇતું હોય તેવું બી વાવ. મોક્ષ માટેનું તપ તો જુદું જ હોય, આંતરતપ હોય.

મોક્ષના ચાર પાયા - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સમજયા વગર કેટલાક તેમાંનો એક તપનો જ પાયો ઝાલી પડયા. આ ખાટલાના ૧૧૧ચાર પાયામાંથી એક પાયો ઝાલે એવું આ તપને ઝાલી પડયા. દેહને તપાવવાનો નથી, મનને તપાવવાનું છે અને એ પણ એવી રીતે કે બહાર કોઇ જાણે નહીં. પણ આજે તો બાહ્ય તપ જ કરે છે, તે જે સ્ટેશન આવ્યું તે પકડયું. બાહ્ય તપથી બાપજીને ફળ શું મળ્યું ? દેહ તેજવાળો થયો. દેહને તપવ્યો તે દેહ અજવાળાવાળો થાય, પણ દેહ જોડે આવવાનો છે? એ તો બાળી મેલવાનો છે. આ દેહ છે ત્યાં સુધી પોતાનું જ કામ કાઢી લેવાનું છે. ત્યાગવાળાઓએ ત્યાગની કસરત કરી, આ બધી કસરતશાળાઓ છે. એમાં આત્મા માટે કંઇ જ થતું નથી, કંઇ જ ઉપકાર થતો નથી. બૈરી વગર જિવાય કે નહીં તેની કસરત કરી, તે બૈરી મૂકી નાસી જાય. બૈરી બાર મહિના પિયર નથી જતી ? માટે ઘેર પણ જિવાય છે, શું કામ નાસી જાય છે ? બા, દીકરાના બાપા જોડે રોજ વઢવાડ કરતી હોય, તો દીકરો ગાંઠ વાળે કે, 'હવે આ ન હો, બૈરી ન હો,' એવી મજબૂત વાળેલી ગાંઠ પછી ઉદયમાં આવે, તે પછી નાસી જાય. એના કરતાં આ સહન કરને! આ પ્રાપ્ત તપને સહન કરતાં કરતાં મોક્ષે જવાશે. પ્રાપ્ત દુઃખ એને તો ઇનામ કહેવાય. ભલે પછી એ સહન કરવું પડે, પણ કશું ગયું તો નથી ને ?

આપણને કશુંક મળ્યું એ ઇનામ જ કહેવાય ને ?

તપ અને ત્યાગ કરે છે એ તો વિષય છે, સબ્જેક્ટ્સ છે; એનાથી માત્ર હિંમત કેળવવાની હોય. તપથી શરીરને શક્તિ છે એમ જણાય, પણ 'ત્યાગે ઉસકો આગે', તે અનંતગણું થઇને સામે આવે અને મોક્ષ ના મળે. પણ જ્યાં સુધી 'જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી શુભમાં પડી રહેજો.

ત્યાગ શેનો કરવાનો ?

ભગવાને આવો તપ-ત્યાગ કરવાનું નહોતું કહ્યું, એમણે તો વસ્તુની મૂર્ચ્છાનો ત્યાગ કરવાનું કહ્યું હતું. એને જ્ઞાનમંદિરનો ત્યાગ કહ્યો અને લોકો જે માને છે તે બાલમંદિરનો ત્યાગ છે. આ પાકીટ હોય, એ ખોવાયું છતાં કશું જ ના થાય, એ મૂર્ચ્છાનો ત્યાગ કહેવાય. બાલમંદિરના ત્યાગમાં તો ગમે તે છોડવું એ જ ધ્યેય હોય, પણ એનું કાંઇક ફળ મળશે. બૈરી-છોકરાં છોડયાં તે લોક 'બાપજી, બાપજી' કરીને પૂજશે. વસ્તુની મૂર્ચ્છાનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે, બાકી બૈરી- છોકરાં ત્યાગ્યાં એ તો બીજા કાયદાને આધારે ત્યાગ્યાં છે. ઉદયકર્મના આધારે પ્રકૃતિ ત્યાગ કરાવે છે. પણ જો લોટા પર મૂર્ચ્છા છે ને ! શિષ્ય પર દ્વેષ થઇ જાય તો આને ત્યાગ કેમ કહેવાય ?

સાચો માર્ગ મળ્યો નથી તેથી આ બધાં ગોથાં ખાય છે, એમાં એમનો વાંક નથી. છતાં, આ ઠપકો આપવાનું કોને છે ? કે જે અહંકાર કરે છે તેને કે આ કશું સમજ્યો નહીં અને બૈરી છોકરાંનો ત્યાગ કર્યો, તે ઘેરથી ત્રણ ઘંટ છોડયા ને અહીં ૧૦૮ ઘંટ શિષ્યોના કોટે બાંધ્યા, તેથી કહેવું પડે છે !

ભગવાને કહ્યું કે, બંગલામાં રહે છતાં બંગલાની મૂર્ચ્છા નથી એવા મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ કહ્યો. ગજવું કપાય છતાં કશી મૂર્ચ્છા આવતી નથી માટે એ ત્યાગી છે. જો એમ મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ ના કહ્યો હોત તો સંસારીને કેવળ જ્ઞાન થાત જ નહીં, ભગવાને શું કહેલું કે વસ્તુનો ત્યાગ કોઇ કરી જ ના શકે. વસ્તુઓ અનંત છે, તે ત્યાગ શી રીતે કરી શકાય? વસ્તુને હૂડ હૂડ કરવાથી તે જાય ખરી ? ના. પણ જો અનંત વસ્તુમાં મૂર્ચ્છાનો ત્યાગ થઇ જાય તો તે વસ્તુનો ત્યાગ કર્યો બરાબર છે.

આ ત્યાગ કરે એ તો અહંકાર કરીને જ ત્યાગ કરે, પણ ગ્રહણ ત્યાગમાં મૂર્ચ્છા નહીં તેને ભગવાને ખરો ત્યાગ કહ્યો, સહેજે વર્તે તેવા ત્યાગને ત્યાગ કહ્યો.

ત્યાગમાં વિષમતા !

ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો ભૂલ દેખાય. મહારાજ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય ! તો ભૂલ શી રીતે દેખાય ? ત્યાગમાં સમતા રહેવી જોઇએ.

પ્રશ્નકર્તા : ત્યાગમાં વિષમતા એટલે શું ?

દાદાશ્રી : કોઇ માણસે કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય કે મારે લસણ-કાંદા નથી ખાવા, છતાં કાંદાનો ટુકડો ભૂલથી ઊડીને પડયો હોય ને ખાતી વખતે હાથમાં આવ્યો તો મગજનો પારો ચઢી જાય, બૂમો પાડે. કેટલાક તો કાંદા જોવા જ રાજી ના હોય, જુએ તો ય ગમે નહીં, ત્યારે એની સ્થિતિ કઇ ? ત્યારે શું એને સમતા રહે?

પ્રશ્નકર્તા : ના, વિષમતા રહે.

દાદાશ્રી : આ ત્યાગનું ફળ વિષમતા આવ્યું, એના કરતાં તો ત્યાગ ના કર્યો હોત તો સારું. ભગવાને શું કહ્યું કે એક બટાકાનું ફોડવું ભૂલથી આવી ગયું તો તને શી ખોટ ગઇ ? આ બધા બટાકા જ છે ને? જે ભોગવાઇ જાય એ બધા બટાકા જ છે ને ! આ તો ભાન જ નથી તે બુદ્ધિથી ભેદ પાડયા. ભૂલથી આવી ગયું તો આપણે એનો ઉકેલ લાવવો. એ તો આવડવું જોઇએ ને ?! સમતા કયારે ય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો 'એ' મોક્ષે લઇ જનાર છે. આ ત્યાગ સમતા વધારવા માટે કર્યો કે વિષમતા માટે ? ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ બૂડથલ છે. માટે જ્ઞાનીની પાસે સમજીને ત્યાગ કર, નહી તો ત્યાગ ના કરીશ. આ તો બહુ મોટું દવાખાનું છે, માટે જ્ઞાનીને પૂછ કે શું કરું ? ત્યારે પેલો કહેશે કે, 'ના 'આ' તો સંસારી છે.' તો તું તારી મેળે દવા બનાવીને પી ને ! કોણે ના પાડી છે? આ તો તારે મોક્ષ જવું હોય, ત્યાગમાં સમતા લાવવી હોય તો 'જ્ઞાની'ને પૂછ નહીં તો તારી જાતે દવા બનાવવાની સોદાબાજી ચાલુ રાખ. વીતરાગો પણ કોઇને વઢયા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણો પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરોમાલ મૂકી ગયા કે જાવ પાછળ 'દાદા' થવાના છે ત્યાં જાવ, તે ' અમારા' ભાગે આવ્યું છે. 'અમારો' ઠપકો તો 'કરૂણા'નો ઠપકો છે. 'અમારો' સ્વભાવ તો વીતરાગ છે.પણ 'જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે' જેવો સામે રોગ હોય તેવી આ નૈમિત્તિક વાણી નીકળે.

અમારી કારૂણ્યબુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળે ય એવો છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય ? પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચઢે, તે અમારે સોડા બધું નાખવું પડે છે ! અમને તે આવું ગમતું હશે ? !

આટલી બધી જંજાળોમાં ય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ જાય છે. બટાકાનું ફોડવું તો આવે, પણ એને ધીમે રહીને કોઇ ના જાણે તેમ નાખી દેવાનું, સમતાથી. પણ જેને વિષમ સ્થિતિ થઇ જાય એ શું કહે ? 'કંઇંથી લઇ આવ્યો આ ? જા નાખી દે.' અમારી દાળમાં માંસનો ટુકડો આવી જાય, તો અમે તરત જ તે કાઢીને ધીમે રહીને ઓટીમાં ઘાલી દઇએ. ભલે લૂગડું બગડે, પણ અમે બીજાને હલાવીએ નહીં, હલાવીએ તો એ દાળ જે ખાય તે રોગિષ્ઠ થઇ જાય. આ લોક તો આવા કેટલાય વાંદા ને કેટલીય ગિલોડીઓ ખાઇ ગયા છે; તેના પછી રોગ થાય, કોઢ થાય, બીજું થાય. બહારનું જે બધું ખાય છે એમાં બાપો ય તપાસ રાખતો નથી, તે મહીં જીવડાં પડે ને લોક ટેસ્ટથી ખાય. અમે તો માંસનો ટુકડો સંતાડી દઇને 'વ્યવસ્થિત' ઉપર છોડી દઇએ, જાણે કશું જ બન્યું ના હોય તેમ વર્તીએ અને શેઠનું તો લોહી બળી જાય, બૂમાબૂમ કરી મૂકે તે ઘરનાં બૈરાં-છોકરાં સ્થંભિત થઇ જાય, અમે તો સમજીએ કે આ બઇએ કંઇ જાણી જોઇને માંસનો ટુકડો નાખ્યો હશે ? ના. એ તો કશુંક લેવા ગઇ હશે ને ઉપરથી કાગડો રોટલીનો ટુકડો લેવા આવ્યો હોય ને તેના મોઢામાં માંસનો ટુકડો હોય તો તે દાળમાં પડયો. એવિડન્સ કેવા કેવા બને છે ?! માટે માણસે બધી તૈયારી રાખવી જોઇએ, શું શું બનેએ બધું જ લક્ષમાં રાખવું જોઇએ ને?

જેટલો ત્યાગ કર્યો એટલો અહંકાર વધે ને એટલો ક્રોધ જબરજસ્ત વધે. 'મૈં, મૈં' કરે એનાં કરતાં તો વિલાસી સારો, તે કહે કે, 'મને તો આમાં કંઇ સમજણ પડતી નથી.' દરેક માણસ જાતિભેદ જુએ કે, 'આ તો ત્યાગી છે. તે બધું કરી શકે છે ને આપણે તો સંસારી.' એ લિંગભેદ રહે, ને લિંગભેદમાં તો સંસારી કામ શી રીતે કાઢે ? તે એના માટે ય દાખલો લેવા અમે છીએ. અમે પણ ગૃહસ્થલિંગ છીએ. ઇન્કમટેક્ષ ભરીએ છીએ. એટલે તમને લિંગભેદ ના રહે ને હિંમત આવે !!

ભગવાને ત્યાગીઓનો ય મોક્ષ ના કહ્યો ને ગૃહસ્થીઓનો ય મોક્ષ ના કહ્યો. એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે, તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. જયારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી, તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે. આ બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ નથી. છતાં, પેલા માર્ગે, ક્રમિક માર્ગે અહંકારથી અહંકાર ધોવાનો છે. સાબુ પોતાનો મેલ રાખે ને કપડું ધોવાય, પણ સાબુનો મેલ કાઢવા ટિનોપોલ નાખવો પડે; ત્યારે ટિનોપોલ પોતાનો મેલ રાખે ને સાબુનો મેલ કાઢે, એમ ઠેઠ સુધી ચાલે. ગુરૂ પોતાનો મેલ શિષ્ય પર રાખતો જાય, એ તો ગુરૂનો મેલ પોતાને ચઢયો હોય તેથી મેલથી મેલ કાઢવો જ પડે ને ! કારણ કે ગુરૂ એ ય મેલા જ ને ! જયારે 'જ્ઞાની પુરુષ' એ સંપૂર્ણ શુદ્ધ હોય, એટલે કોઇ મેલ ચઢે નહીં. ક્રમિક માર્ગમાં ગુરૂ હોય તો શિષ્ય પર મેલ ચઢાવતા જાય અને અહીં 'અક્રમ માર્ગ'માં સીધું શુદ્ધ જ પ્રાપ્ત થઇ જાય છે. જેનો સંગ કર્યો તે તેનો મેલ તો ચઢાવે જ. પણ 'જ્ઞાની પુરુષ' એકલા જ સંપૂર્ણ શુદ્ધ હોય એટલે મેલ ના ચઢે.

સાચો ત્યાગી !

સંસારીઓનાં દુઃખો પોતાને હો અને પોતાનાં સુખો સંસારીઓને હો- એવી ભાવના રહેતી હોય તે ત્યાગી કહેવાય. જો પોતે જ અશાતામાં રહેતો હોય તો તે બીજાને સુખ શી રીતે આપે ? આ ધર્મમાર્ગ હોય તો ય શાંતિ રહે.

જગત ભોગવવા માટે છે તે ભોગવો, પણ કોઇને દુઃખ ના દેશો અને જેને ત્યાગી થવું હોય તો થાવ પણ કોઇને દુઃખી ના કરીશ. બૈરી પાસેથી સાઇન કરાવી લે કે, 'મારી સંપૂર્ણ રાજીખુશીથી ભાઇ જાય છે,' પણ આ તો મારી ઠોકીને સાઇન કરાવી લે. બધાંને રાજી કરીને જ ત્યાગ લેવાય.

ભગવાને શું કહ્યું કે ખરો ત્યાગી પુરુષ કેવો હોય ? કે જેનું મોઢું જોતાં જ આનંદ થાય આપણને, તેમને પગે લાગવાનું મન થયા કરે, એમને જોતાંની સાથે જ ઇન્કમટેક્ષની ચિંતા હોય તો ય ભૂલી જઇ આનંદ આવે, દિલ ઠરી જાય.

આત્મા એક ક્ષણવાર અનાત્મા થયો નથી, એને એક ક્ષણવાર પણ અનાત્માની ઇચ્છા થઇ નથી. આત્માને ત્યાગ નથી, જપ નથી, તપ નથી. ત્યાગીને આત્માના ત્યાગની ભ્રાંતિ છે અને સંસારીને આત્માના સંસારની ભ્રાંતિ છે.

જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને તપ !

મોક્ષના માર્ગમાં કંઇ ખર્ચવાની જરૂર નથી, તપ, ત્યાગ કશું કરવાનું હોય નહીં; માત્ર જો 'જ્ઞાની પુરુષ' મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ તપ અને એ જ ધર્મ. 'જ્ઞાની' મળ્યા પછી નવું તપ ઊભું થાય- આંતરિક તપ. આંતરિક તપથી મોક્ષ થાય અને બાહ્ય તપથી સંસાર મળે! કોઇ ગાળ આપે તો મહીં તરત જ રોકડું પ્રતિક્રમણ કરો, એ આંતરિક તપ કહેવાય.

જન્મ્યો ત્યારથી મન, વચન, કાયા લાવ્યો છે. મુખ્ય મોહ અને મુખ્ય પરિગ્રહ આ છે. આ ત્રણથી જ બીજાં અનેક મોહ ને પરિગ્રહો ઉત્પન્ન થાય છે. માટે બધાંને ત્યાગી ના શકાય. જગત ક્રમવાર છે, કોઇ દહાડો ક્રમ તૂટતો નથી. કોઇ માણસને ક્રમમાં ત્યાગ મળ્યો તો એ ત્યાગ કરે અને આગળ ઉપર એ જ વટાવીને સંસાર મળે. પરિગ્રહ તો અનેક છે. તું લાખ પરિગ્રહ લઇને આવે, અમે તો ય તને આમ હાથ માથે મૂકીને અપરિગ્રહી બનાવી દઇએ ! અપરિગ્રહી એ તો સમજણ ભેદથી છે. આ અક્રમ માર્ગ છે ને પેલો ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગમાં લાખ બધું છોડીને જંગલમાં જાય પણ મન, વચન, કાયા જોડે છે, તે પરિગ્રહ જોડે જ હોય, તેથી નવો સંસાર ઊભો કરી દે; જયારે અક્રમ માર્ગમાં પરિગ્રહોમાં અપરિગ્રહી રહીને મોક્ષ છે. ભરત રાજાને કેવું હતું ? મહેલો, રાજપાટ ને તેરસો તેરસો તો રાણી હતી, છતાં ય ઋષભદેવ ભગવાને તેમને 'અક્રમ' જ્ઞાન આપ્યું, તેનાથી આ બધા જ વૈભવ સાથે રહેવા છતાં તેઓ મોક્ષે ગયા !

કેટલાક લૂગડાંને પરિગ્રહ માને છે અને શિષ્યો ૧૦૮ કરે છે ! આ લૂગડાં તે કંઇ કૈડે છે ? ખરો તો આ જ જીવતો પરિગ્રહ છે.

અમારે કેવું હોય ? કે આ મકાન બળતું હોય તો ય તેનો પરિગ્રહ ના હોય ! સહજ હોય. આ અમારી સામે ખાવાની થાળી મૂકી હોય અને કોઇ ઉપાડીને લઇ જાય તો અમે તેને વિનંતિ કરીએ કે, 'ભાઇ, સવારનો ભૂખ્યો છું'. જો ભૂખ્યા હોય તો વિનંતિ કરીને માગીએ, ને છતાં ય ઉપાડીને લઇ જ જાય તો અમને વાંધો નથી. માગવું એને પરિગ્રહ ના ગણાય. ભલે 'જ્ઞાની' હોઇએ, પણ માગવું પડે. અમને જમવાની થાળીની મૂર્ચ્છા ના હોય. આ બધા જ પરિગ્રહો છે, એમાં અપરિગ્રહી થાય તો અંત આવે, 'સત્સુખ'ને પામે. પણ આજે આ લોકો આડી ગલીમાં પેસી ગયા છે, પણ એમાં એમનો દોષ નથી, આ તો કાળચક્રને આધીન છે. અમને કોઇ દોષિત દેખાતા નથી. મહીં જે છે એ સંપૂર્ણ દરઅસલ વીતરાગ છે ! આ તો અજાયબી ઊભી થઇ ગઇ છે ! આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે 'વિક્રમ' ટોચ પર છે !!!

આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઇ માણસ તમારી પાસે આવે અને તે તમને કડવું પાય, તો તે વખતે મહીં હાર્ટ લાલ થઇ જાય, તે વખતે તમે જ્ઞાનમાં સ્થિર થઇ જાવ અને હાર્ટને જોયા કરો કે કેટલું તપે છે, આને જ ભગવાને 'જ્ઞાન-તપ' કહ્યું છે. સંસાર અવસ્થા એ કુદરતી રચના છે, તેમાં અસ્થિર શું થવાનું ?

ભગવાને તો કહ્યું કે જ્ઞાન નહીં હોય પણ ભાન હશે તો ય ચાલશે. ભગવાને ભાન નહીં હોય તો ચાલશે એમ નથી કહ્યું. ભાન થયા પછી જ જ્ઞાન-તપ ચાલુ થાય. ભગવાને પ્રયત્નદશામાં એબ્નોર્મલ થવાનું ના કહ્યું અને અપ્રયત્ન દશામાં ય એબ્નોર્મલ થવાનું ના કહ્યું છે. ભગવાન કહે છે કે નોર્માલિટીમાં બધેથી જ આવો! ભગવાને એબ્નોર્મલમાં તું જે કંઇ કરે તેને વિષય કહ્યો છે.

આ તપ-ત્યાગ જે કરો છો તે તમને સમષ્ટિ કરાવડાવે છે અને તેને તમે માનો છો કે, 'હું તપ કરું છું.' આ રીલેટિવ વસ્તુ છે, રીલેટિવમાં કોઇ કંઇ કરી શકે જ નહીં. અમે તો છેવટનું કહી દીધું છે કે, 'તું તપ કરે કે જપ કરે, ત્યાગ કરે કે વેશ બદલે, જે કરે તે બધું જ તારું ભમરડા સ્વરૂપ છે ! જયાં સુધી શુદ્ધાત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બધું જ પ્રકૃતિ કરાવે છે, તેથી તું ભમરડો જ છું.'

 

ત્યાગ

ત્યાગ બે પ્રકારના, (૧) અહંકારે કરીને ત્યાગ (૨) સહજ વર્તનમાં વર્તાયેલો ત્યાગ.

ખરી રીતે ત્યાગ શબ્દમાં જ અહંકાર સમાયેલો છે. અહંકાર સિવાય ત્યાગ થઇ જ ના શકે અને તેથી તે લક્ષમાં રહ્યા કરે કે મેં ત્યાગ્યું; જયારે વર્તેલો ત્યાગ તે લક્ષમાં જ ના રહે. ત્યાગ કરવાની વસ્તુઓ યાદ ના આવે એટલે ત્યાગને જીત્યો કહેવાય અને અત્યાગ કરવાની વસ્તુઓ પણ યાદ ના આવે એટલે અત્યાગ જીત્યો કહેવાય. ત્યાગ વર્ત્યો કોને કહેવાય ? જેને ત્યાગ કરવાનો વિચારે ય નથી આવતો તેને અને અત્યાગ વર્ત્યો કોને કહેવાય ? કે પરિગ્રહ જેની સ્મૃતિમાં-સ્મરણમાં ય ના હોય! મોક્ષ માર્ગમાં ત્યાગની ય શરત નથી અને અત્યાગની ય કન્ડિશન નથી!

આ જગતમાં બે જ વસ્તુઓનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે, (૧) અહંકાર અને (૨) મમતા, અર્થાત્ હું અને મારું - આ બે ત્યાગ્યા પછી સંસારમાં તારે ત્યાગ કરવાનું રહ્યું જ નહીં ને !

ભગવાને કહેલું કે એક પ્રકારનો ત્યાગ તે કહેવાય કે જે ઉદય કર્મ કરાવે, તે ત્યાગ વીતરાગતાનો નહીં. ઉદયકર્મ ઉપવાસ કરાવે, સામાયિક કરાવે, તો કહે કે, મેં કર્યું. પ્રકૃતિ જે જે પરાણે કરાવે તે બધું જ ઉદયકર્મ આધીન છે. પ્રકૃતિ જે ત્યાગ કરાવે, તેનાથી આત્મા ઉપર શો ઉપકાર ? તેને વીતરાગતાથી ત્યાગ્યું ના કહેવાય. વીતરાગતાનો ત્યાગ તે અંતર-ત્યાગ છે, એમાં કેફ ના હોય; જયારે ઉદયકર્મને આધીન ત્યાગ થાય ને કહે કે, 'મેં ત્યાગ્યું.' તે તો નર્યો અહંકાર જ કહેવાય. આવા ત્યાગથી તો નર્યો કેફ ચઢે. ત્યાગનો જે કેફ ચઢે તે તો ભારે સૂક્ષ્મ કેફ. એ કેફ તો અત્યંત કષ્ટથી પણ ના ઊતરે, તો પછી મોક્ષ તો કયારે થાય? નિષ્કેફીનો મોક્ષ થાય, કેફીનો નહીં. એના કરતાં દારૂડિયાનો સ્થૂળ કેફ સારો કે પાણી છાંટીએ એટલે તરત જ ઊતરી જાય. લોકો ત્યાગ-વૈરાગ્ય કરીને ય રઝળપાટ કરે છે, મોક્ષ તેમ મળવો સહેલો નથી.

ત્યાગ તો એને કહેવાય કે મોહ ઉત્પન્ન ના થાય. આ ત્યાગી તો ત્યાગ કર્યાના મોહમાં જ રહે છે, તેને ત્યાગ કહેવાય જ કેમ ? ત્યાગ તો શૂરાતનીનું કામ છે. ત્યાગ તો સહેજે વર્તે, કરવો ના પડે. ત્યાગા-ત્યાગની મૂર્ચ્છા સંપૂર્ણ ઊડી જાય તે જ ખરો ત્યાગ. તાદાત્મ્ય અધ્યાસ એ જ રાગ અને તાદાત્મ્ય અધ્યાસ નહી તે ત્યાગ. ચાલુ ભાષામાં કહેવાતા ત્યાગને ત્યાગ કહેવાય છે ખરો, પણ તે અંતરંગ ત્યાગના હેતુ સ્વરૂપ છે, છતાં અસલ ત્યાગ નથી.

એક સાધુ રોજ ગાતા : 'ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના.' તે મેં તેમને પૂછયું કે, 'મહારાજ, પણ વૈરાગ્ય શેના વિના ના ટકે ?' ત્યારે મહારાજ કહે,'એ તો ખબર નથી.' ત્યારે મેં તેમને કહ્યું, 'વૈરાગ્ય ટકે નહીં વિચાર વિના.' આ તો ક્રમિક માર્ગની વાત થઇ. ક્રમિક માર્ગ તો બહુ કઠણ, અનંત અવતારથી 'ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી ઓલામાં પડયા જ કરવાનું.' ત્યાગ માત્રથી જ આત્મા ના મળે. ત્યાગ એ તો કષ્ટસાધ્ય છે. જો ત્યાગથી મોક્ષ મળતો હોય તો મોક્ષ પણ કષ્ટસાધ્ય હોય. ભગવાને તો મોક્ષને સહજ સાધ્ય કહ્યો છે.

ક્રમિક માર્ગમાં ય જો ત્યાગ કરો તો તે ક્રોધ, માન, માયા, લોભ નિવૃત કરવા માટે હોય તો જ કરજો. જે ત્યાગથી ક્રોધ, માન, માયા, લોભ વધે તે ત્યાગ ન હોઇ શકે.

ભગવાને શું કહ્યું છે કે, 'શુદ્ધ ઉપયોગમાં જ રહો.' છતાં સંસારનો લોભ હોય, ભૌતિક સુખો જોઇતાં હોય તો લોકોને ના ગમે તે ના કરીશ અને લોકોને સુખ ઊપજે તેવું કરજે, તેવું ગ્રહણ કરજે અને લોકોને દુઃખ થાય તેવું કરવાનો ત્યાગ કરજે; પણ મોક્ષ જોઇતો હોય તો શુદ્ધ ઉપયોગમાં જ રહેજે.

આપણે જરૂરિયાત પૂરતું જ રાખીએ તેને ત્યાગ કહેવાય. ચાર ખમીસની જરૂર હોય અને બાર રાખે નહીં તેને ત્યાગ કહેવાય. નભાવી લે તેનું નામ ત્યાગી કહેવાય. ત્યાગ તો કોણ કરી શકે ? જેને માથે 'જ્ઞાની પુરુષ' હોય તે જ ત્યાગ કરી શકે, એ સિવાય જે કંઇ ત્યાગ કરવા જાય તેનો તેને તો કેફ ચઢતો જાય.

ત્યાગીલિંગ અને ગૃહસ્થલિંગ એમ બે લિંગો કહ્યા, જયારે ત્યાગી લિંગમાં કેફ વધી જાય ત્યારે ગૃહસ્થલિંગમાં (જ્ઞાન) પ્રકાશ થઇ જાય અને ગૃહસ્થલિંગમાં કેફ વધી જાય ત્યારે ત્યાગીલિંગમાં પ્રકાશ વધી જાય. ભગવાને શું કહ્યું છે કે, 'ગમે તે દશામાં વીતરાગ થઇ શકે છે, ગમે તે લિંગમાં વીતરાગ થઇ શકે છે. અરે ! સ્ત્રી પણ સંપૂર્ણ વીતરાગ થઇ શકે છે, ફક્ત મનુષ્યપણું હોવું જોઇએ, એમાં કોઇ લિંગનો કે દશાનો ઇજારો નથી હોતો.'

મોક્ષને માટે ત્યાગ કરવાની જરૂર નથી, ત્યાગ તો વર્તવો જોઇએ. પછી બીજા ત્યાગની જરૂર નથી, બીજો ત્યાગ તો ભ્રાંતિ ભાષાનો ત્યાગ છે. ભગવાનનો શુદ્ધ ભાષાનો ત્યાગ હતો. આ ભ્રાંતિ ભાષાનો ત્યાગ શું? બીડી પીવાવાળો સમજે કે મેં બીડીનો ત્યાગ કર્યો અને બાધા આપનાર સમજે કે મેં એને ત્યાગ કરાવડાવ્યો. આ ભ્રાંતિનો ત્યાગ તો નાનું છોકરું ય સમજે કે આજથી કાકાએ બીડી છોડી દીધી છે.

આ તે કેવો ત્યાગ ? !

એક સ્થાનકવાસી શેઠ હતા. તે મને કહે કે, 'તમે રોજ ફરવા નીકળો છો ત્યારે અડધો કલાક, કલાક આવવું, આપણે સાથે બેસીશું.' શેઠ સારા માણસ હતા, તે અમે પા કલાક, અડધો કલાક, તેમની સાથે બેસતા. એક દહાડો શેઠે આવડી મોટી (બાર ઇંચની) બીડી જાતે બનાવી. રોજની તો બીડી આવડી નાની હોય, પણ એક દહાડો આવડો મોટો બીડો બનાવી પીવા લાગ્યા ! ત્યારે મેં શેઠને કહ્યું, 'કેમ આવડો મોટો બીડો પીઓ છો ?' ત્યારે શેઠ કહે, 'મહારાજે મને એમ કહ્યું છે કે ચાર જ બીડી રોજની પીવી.' મેં કહ્યું કે, 'મહારાજ મારાથી નહીં રહેવાય.' ત્યારે મહારાજે મને કહ્યું કે, 'ના, તમારે અમારી આજ્ઞા પાળવી જ પડશે.'

'હં... તેથી આ તમે આજ્ઞા પાળો છો ? (!)' તે જોઇને મને આશ્ચર્ય થયું કે ધન્ય છે આ કાળને (!) થોડી વાર થઇ એટલે બીડી પીતા હતા તે અડધી થઇ ગઇ. તે શેઠે પછી શું કર્યું ? કે બે પાંદડાં લઇને નીચેથી ચઢાવવા માંડયા ! મેં કહ્યું, 'શેઠ, આ શું કરો છો ?' ત્યારે શેઠ કહે, 'ચારે પૂરું ના થાય એટલે.'

ધન્યભાગ છે આ ! આવું તો ભગવાન મહાવીર પણ નહોતા જાણતા ! ભગવાન મહાવીરને જે જ્ઞાન કેવળજ્ઞાનમાં ના આવ્યું તે જ્ઞાન તમને છે ! ધન્ય છે, ધન્ય છે ! આવું મન હશે એ તો મેં આજે જ જાણ્યું. ધન્યભાગ છે તમારી વૈશ્યબુદ્ધિને ! નહીં તો ચાર બીડી જ પીશ એવું બોલ્યા એટલે બસ બોલ્યા, નહીં તો નહીં બોલવાનું. મહારાજને ચોખ્ખું કહી દેવાનું કે મારાથી તમારી આજ્ઞા નહીં પળાય અને બોલ્યા એટલે ક્ષત્રિય. પછી જોને આવડા મોટા ટેટા કરેલા ! અને ઉપરથી પહેલાં મોટો બીડો જોઇને તો લાગ્યું કે વાણિયા તો આવા જ હોય, પણ જયારે નીચેથી બે પાંદડાં ઘાલવા માંડયાં ત્યારે મને આશ્ચર્ય થયું કે આવું જ્ઞાન તો ભગવાન મહાવીરને ય કેવળજ્ઞાનમાં ના આવ્યું, એવું જ્ઞાન તમને છે!!! તમે તો કઇ જાતના છો ? હવે આશ્ચર્ય ના થાય મને ? પાછો મને નાસ્તો કરાવડાવે ! આવું લોક છે !

બહુ જાતના લોક મેં જોયા, પણ ભગવાનના કેવળજ્ઞાનમાં ના આવ્યું હોય એવું તો મેં આ શેઠને ત્યાં જ જોયું ! કહેવું પડે શેઠ !! એ શેઠ હજી યાદ આવે છે !!! પાછા શેઠ મને શું કહે છે કે, 'તમારી સમતાધારી વાત સાંભળીએ છીએ એટલે અમને એમ જ થાય છે કે અંબાલાલભાઇની પાસે જ બેસી રહેવું.' ધન્ય છે એ શેઠને ધન્ય છે એ મહારાજને ય ! પછી શેઠ મને કહે કે, 'મહારાજ મારી પાછળ આદુ ખાઇને પડયા છે.' મહારાજને એમ કે આ તો એમને કંઇક સંયમ પમાડું એવું રહે. સંયમનો અર્થ સમજયા નથી.

ત્યાગ તો કોનું નામ કે જે વર્તે એ, યાદ જ ના આવે એને ત્યાગ કહેવાય. ભગવાને ત્યાગ કોને કહ્યો ? કે મનમાં જે જે વિચારો ઉત્પન્ન થાય, વાણીના જે જે પરમાણુ ઊડે તેમાં પોતે તન્મયાકાર ના થાય તેને શુદ્ધ ત્યાગ કહ્યો. મનમાં જે જે વિચારો આવે, પછી ગમે તેવા સારા હોય, ગમતા હોય કે ના ગમતા હોય, પણ તેમાં છૂટો રહે અને તન્મયાકાર ના થાય તેને ભગવાને ત્યાગ કહ્યો. પછી, વાણીના જે જે પરમાણુ ઊડે તે દરેકમાં પોતે તન્મયાકાર ના થાય તેને સર્વસ્વ ત્યાગ ભગવાને કહ્યો, એ જ મોક્ષ આપે એવો છે. ભ્રાંત ભાષામાં બાહ્ય ત્યાગ માટે પણ ત્યાગનો અર્થ જુદો જ છે, પણ રીયલ ભાષામાં એને ત્યાગ નથી કહ્યો. 'અહીં'નો એક આનો પણ 'ત્યાં' કામ નહીં આવે. આ તન્મયાકાર ના થવું એ કયારે બને ? કે જયારે પોતે શુદ્ધ થાય તો, પોતે જે અશુદ્ધ છે તેમાંથી 'જ્ઞાની પુરુષ' શુદ્ધપદ આપે ત્યારે ભગવાનની ભાષાનો ત્યાગ વર્તે. 'જ્ઞાની પુરુષ' શુદ્ધપદમાં બેસાડે તે પછી મોક્ષ થઇ જાય. આ તો કેટલું સરળ છે ! નહીં તો અનંત અવતારે ય ઠેકાણું ના પડે એવું છે !

બાહ્ય ત્યાગનો અર્થે ય જો સમજે તો ય એ કેટલું સાર્થક થાય ! એક બાજુ બૈરી-છોકરાંને તરછોડ મારે ને બીજી બાજુ મોક્ષ ખોળે તેનો વાંધો છે. આ તો કહેશે કે, 'મારે ઉદયકર્મ છે.' અલ્યા, તરછોડ મારી એને ઉદયકર્મ ના કહેવાય. આજુબાજુના, ઘેર બૈરી-છોકરાં, મા-બાપ બધાંને રાજીખુશી રાખીને જાય એને ખરો ઉદયકર્મ કહેવાય. પેલો ય ઉદયકર્મ ખરો, પણ એ રાજીખુશીથી નથી માટે ખરો ઉદયકર્મ ના કહેવાય. ભગવાન મહાવીરને ય ભાઇએ રજા આપી ત્યારે જ તેમણે દીક્ષા લીધી. ઘરનાં બધાંને - પત્નીને, નાની બેબીને, કોઇ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16