ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

ભાવહિંસા

જગત ગપ્પું નથી, પણ લોક અવળું માની બેઠા છે. ઘણાં ખરા લોકો કહે છે કે ભગવાન ઉપર છે, પણ તે સાચું નથી, લોકોની અવળી સમજ છે. તેથી જ અમારે ખુલ્લું કહેવું પડે છે કે આ વર્લ્ડમાં કોઇ એવું પરમાણુ બાકી નથી જયાં હું ફર્યો ન હોઉં. બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને હું 'જેમ છે તેમ' જોઇને કહું છું અને ગેરેન્ટી આપું છું કે ઉપર કોઇ બાપો ય નથી. આ તો ઉપરવાળો, ઉપરવાળો કરીને વગર કામનો ડખો કર્યો, તે તમારો કાગળ ભગવાનને નહીં પહોંચે અને કાગળના પૈસા નકામા જાય અને ભાવના ય નકામી જાય. જયાં છે ત્યાં વાત કરોને કે જયાં બાપો મહીં બેઠો છે, તો કો'ક દહાડો તારી અરજી પહોંચશે. અગર તો મૂર્તિમાં પૂજ, કારણ કે એ પ્રત્યક્ષ આંખે દેખાય છે, પછી ભલેને એ પથ્થરની છે, પણ લોકોએ માન્ય કરી છે. ભલે તને માન્ય ના હોય, પણ લોકોને માન્ય છે, લોકોનો આરોપિત ભાવ છે, ત્યાં આગળ ચૈતન્યવાળાનો આરોપિત ભાવ છે. પેલી માન્યતા ય રોંગ માન્યતા છે કે ઉપર ભગવાન છે, એ રોંગ એડ્રેસ છે. એડ્રેસ વગરનો કાગળ નાખીએ તો કોને પહોંચે ? મહીંવાળાને દેખને ! ભગવાન મહીં જ બેઠો છે, બીજે કયાં ય નથી. એ ભગવાનનું સાચું એડ્રેસ તને આપું - ગોડ ઇઝ ઇન એવરી ક્રીએચર, વેધર વિઝિબલ ઓર ઇન્વિઝિબલ.

એવરી ક્રીએચરની અંદર ભગવાન જોને તો તને ક્રીએચર મારવાનો ભાવ પણ ઉત્પન્ન નહીં થાય, અને તો તું ભાવહિંસાથી બચીશ. નિરંતર ભાવહિંસા જ કરી રહ્યો છે. ક્રોધ, માન, માયા, લોભ એટલે શું? કે ભાવહિંસા; તેમાં જ અહિંસક થવાનું કહ્યું છે ભગવાને. ત્યારે આ લોકો તો ઠેઠ ગાયોને-બાયોને, હાથી બચાવવાને નીકળી પડયા ! હાથીને બચાવનારો તું કોણ પાકયો છે ? ત્યારે આનો જન્મદાતા કોણ હશે ? મોટો બચાવવાવાળો આવ્યો છે ! કોઇએ મોઢે એમ ના કહેવું જોઇએ કે 'આ માકણોને હું મારવાનો છું.' 'માકણને હું મારીશ' એવો ભાવ કાઢી નાખજે, નહીં તો તારા આત્માની જ હિંસા તું કરી રહ્યો છું. માકણ તો મરવાનો હશે ત્યારે મરશે, અને મારવાનો અધિકાર કોને છે ? કે જે એક માકણ બનાવી શકે તેને. ભગવાને શું કહેલું, 'જેટલું તું કન્સ્ટ્રક્ટ કરે તેટલું તું ડિસ્ટ્રક્ટ કરી શકે. કન્સટ્રકશન તારું જેટલું હોય તેટલાના ડિસ્ટ્રક્ષનમાં અમે હાથ ઘાલતા નથી, એથી તું માકણને ડિસ્ટ્રક્ટ ના કરીશ.' આવી તો સાદી ભાષા સમજાય એવી છે ને ? એક માકણ બનાવવો હોય તો તે બની શકે તેવી વસ્તુ નથી. એમાં આ ડફોળો ફાવે તેમ કરે છે, કેટલાંય જીવડાં મારી નાખે છે ! નરી જીવાત મારી નાખે છે.

જેવો ભાવ-તેવું નિમિત્ત બનાય !

આ ભવમાં તો ભાવ કરવા સિવાય બીજું કશું નવું બનતું નથી. પણ ભવોભવ ભાવ કરવાથી હવે જે જીવાત મરવાની હોય છે ને, તે આને ભાગે આવે છે ! બીજું કશું બનતું નથી. જીવાતનો મરવાનો ટાઇમિંગ થાય, ત્યારે ભાગે કોને આવે ? જેણે મારવાનો ભાવ કર્યો હોય તેને ભાગે આવે. કોઇને મારવાની સત્તા છે જ નહીં, પણ દરેક જીવોને મરવાનો તો ટાઇમ હોય ને ? કેટલાક માકણ સત્તર દહાડા જીવે છે, કેટલાક ત્રણ મહિના માટે જીવે છે ને કેટલાક પાંચ વર્ષ માટે ય જીવે છે. એ બધાંના મરણનો ટાઇમિંગ ખરો ને ? તે એ મરવાનો થાય એટલે ચંદુલાલને ભાગે આવીને ઊભો રહે, કારણ કે ચંદુલાલે નક્કી કરેલું, દુકાન માંડેલી કે 'આપણે મારવા જ સારું છે' અને જૈનોએ 'નહીં મારવા' એવું નક્કી કર્યું તો એને ભાગે ના આવે - એટલું જ છે. એનો અહંકાર કરવા જેવો નથી. એ તો ભાવ જ કરેલો 'નહીં મારવાનો' તે જ અત્યારે કામ કરે છે.

જીવડાં કોઇ બચાવતું જ નથી, તેમ જીવડાંને કોઇ મારતું જ નથી. એ તો જીવડાંને મારવાનો ભાવ છે તે યોગ જ એને ભેગો થઇ જાય, કારણ કે ટાઇમિંગ હોય છે. દરેક જીવમાત્રનું ટાઇમિંગ આવ્યું હોય છે, એના મરણકાળ પહેલાં કોઇ જીવ મરી શકે એમ છે જ નહીં. જીવના મરણકાળ પહેલાં જો કોઇ તેમને મારી શકતું હોય તો તેને મારે છે એમ કહી શકાય. પણ ના, મરણકાળ પહેલાં કોઇ મારી શકે જ નહીં. એ તો એનો કાળ પાકે ત્યારે ચંદુલાલને ભાગે આવે. અક્કરમીને 'અક્કરમી ભાવવાળું' ભાગે આવે અને સત્કર્મીને 'સત્કર્મી ભાવવાળું' ભાગે આવે.

પ્રશ્નકર્તા : ચંદુલાલ નિમિત્ત બન્યાને પણ ?

દાદાશ્રી : હા, ચંદુલાલ નિમિત્ત બને, ફક્ત નિમિત્ત બને. મારવાના ભાવ કર્યા હતા એટલે પેલો નિમિત્ત બને. બાકી જીવડાના જન્મ પહેલાં મરણ કયારે થશે તેનો હિસાબ છે-તમામ જીવમાત્રનો. આ તો ખોટો અહંકાર કરે છે.

ભગવાન શું કહે છે કે, 'કોઇ માણસ કોઇ જીવને મારી શકતો જ નથી, ભાવ-મરણ કરે છે એટલું જ છે.' જેટલાં જીવડાં હોય એટલાં જીવડાં મારવાં છે એમ નક્કી કરે એ ભાવ-મરણ છે. ખેતરમાં ચાર સાપ છે એ મારવા છે; મારવાના થાય કે ના ય થાય, એનું કંઇ ઠેકાણું નહીં. એ ઘાટમાં આવે કે ના ય આવે, પણ પોતે ભાવ કર્યા ત્યાંથી પોતાના આત્માનું જ મરણ થઇ રહ્યું છે, પછી પેલા તો મરવાના હશે ત્યારે મરશે, એનો ટાઇમિંગ હશે તો મરશે. માટે જ અમે એક જ વાક્ય કહીએ છીએ કે જીવ બધા જન્મતાં પહેલાં કયારે મરવાના છે એ નક્કી છે. હવે આટલી વાત જો સમજે તો તો કામ જ નીકળી જાય ને ! જન્મતાં પહેલાં જ જેનું મરણ નક્કી થઇ ગયેલું છે એને આપણે કોણ મારનારા ? એ તો જેણે જેણે મારવાના ભાવ કરેલા હોય, 'સાપ મારવા જ જોઇએ' એવા ભાવ નક્કી કરેલા હોય, તે ગામમાં સાપ નીકળે તો એવા બે કે ત્રણ જણ સાપ મારનારા ગામમાં જન્મેલા હોય જ. એટલે તમારે તો બૂમ જ પાડવાની છે કે, 'મારે ઘેર સાપ નીકળ્યો છે'; એટલે પેલા દોડતા આવે, કારણ કે દુકાન માંડેલી જ હોય !

અહિંસક ભાવવાળો તીર મારે તો જરા ય લોહી ના નીકળે અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તો ય પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલાં ઇફેક્ટિવ નથી, જેટલી ઇફેક્ટિવ ભાવના છે ! એટલે અમારા એક એક શબ્દમાં 'કોઇને દુઃખ ન થાવ, કોઇ જીવમાત્રને દુઃખ ન થાવ' એવો નિરંતર અમને ભાવ રહ્યા કરે છે. જગતના જીવમાત્રને આ મન, વચન, કાયા થકી કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, એ ભાવનામાં જ 'અમારી' વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી, તીર કામ નથી કરતાં, ફૂલાં કામ નથી કરતાં, પણ ભાવ કામ કરે છે. માટે આપણે બધાએ ભાવ કેવા રાખવા જોઇએ કે, સવારના પહોરમાં નક્કી કરવું કે, 'જીવમાત્રને આ મન, વચન, કાયાથી કિંચિત્ માત્ર દુઃખ ન હો' - એવું પાંચ વખત બોલીને, જો સાચા ભાવથી બોલીને નીકળ્યા અને પછી જો તમારાથી ગુનો થઇ ગયો તો યુ આર નોટ એટ ઓલ રીસ્પોન્સિબલ, એવું ભગવાને કહ્યું છે. કેમ એવું કહ્યું ? તો કે, 'સાહેબ, મારી તો આવી ભાવના નહોતી.' તો ભગવાન કહે કે, 'યસ, યુ આર રાઇટ !' આવું જગત છે! ને તમે છે તે કશું ય, એક જીવડું ય માર્યું ના હોય અને તમે એમ કહો કે 'જેટલાં જીવડાં આવે એટલાં મારવાં જ જોઇએ' તે આખા દહાડાના જીવહિંસાના એ ભાગી થયા કરે. એટલે આવું છે જગત !

દયા, આત્મભાવની રાખો !

જગત તો સમજવા જેવું છે. ભગવાન કહે છે કે 'જીવડાં મારવાં, ના મારવાં એ તારા હાથમાં સત્તા નથી, 'ઝાડે' ફરવાની ય તારી પોતાની સ્વતંત્ર સત્તા નથી,' એ તો અટકે ત્યારે ખબર પડે કે એ સત્તા મારી ન હોય. એક વાર તું તારી સત્તા જાણી લે. ભગવાન કહે છે કે, 'એક જીવ મારવો એટલે કેટલાં બધાં કારણો ભેગાં થાય ત્યારે એ કાર્ય થાય છે.' મારનાર એકલો ભાવ જ નક્કી કરે કે, 'મારે મારવું છે.' તે એકલા તારા બાપની કાંઇ આ દુનિયા નથી. તારા બાપની દુનિયા હોય તો કયારનો ય ખાલી ના કરાવડાવત? આ તો કયારે 'ટપ' થઇ જશે એનું શું ઠેકાણું? અમથો આ અહંકાર ગવાય છે એટલું જ, અમથો અહંકાર ઉઘાડો પડી જાય છે એટલું જ. ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે 'તમારે ભાવદયા રાખવાની છે.' ભાવદયા એટલે પેલા જીવડાને બચાવવાની નહીં, એ જીવને મારવાનો જે ભાવ આવે છે ને એ તમારા આત્મભાવનું મરણ થાય છે. આપણા આત્મભાવનું મરણ થયું માટે કહે છે કે તું તારા ભાવમરણ માટે દયા રાખજે, એને ભાવદયા કહી. તું તારી ભાવદયા સાચવ, એનું તો એ લઇને આવેલો છે. જીવમાત્ર બધું પોતપોતાનું લઇને જ આવેલો છે, સ્વતંત્ર છે. નહીં તો અમેરિકાવાળા આટલાં વર્ષ ઠંડુ યુદ્ધ રહેવા દે કે ? એ કહેશે, એક કલાકમાં જ અમે આખું રશિયા ખાલી કરી નાખીએ એવું છે !

બચાવે છે - એ ય અહંકાર !

આમાં પોતાની કંઇ જ સત્તા નથી, માટે તું તારી મેળે ચેતજે કે તારું આત્મભાવનું મરણ ના થાય. તું બીજાને મારવાની ભાવના કરીશ એટલે તારા આત્મભાવનું મરણ થશે અને તેથી જ ભાવદયા રાખજે. સામાની દયા ખાવાની નથી કહી, ત્યારે આ તો સામાની દયા ખાવામાં પડયા ! મેર ગાંડિયા, તારું ઠેકાણું નહીં, તો તું સામાની શી રીતે દયા ખાઇશ ? તેમાં તો પાછા અહંકારી થઈ ગયા હોય છે ! 'મને બહુ દયા આવે છે, મને બહુ દયા આવે છે !' મેર અક્કરમી, તું તારી જ દયા ખાને! કઇ જાતનું જીવડું છે તે ? !

ભગવાન પાસે એક કસાઇ ગયો અને અહીંના એક સંઘપતિ ગયા. કસાઇ પાસેથી ગાયો છોડાવી લાવનારા તે કહે, 'સાહેબ, દસ ગાયો મેં છોડાવડાવી.' ત્યારે ભગવાન કહે છે, 'તમારી વાત સાચી કે તમે દસ ગાયો છોડાવડાવી.' ત્યારે પેલો કસાઇ કહે છે, 'સાહેબ, મેં દસ ગાયો મારી. હવે અમારા બેમાંથી મોક્ષ કોનો પહેલો થશે ?' ત્યારે ભગવાને કહ્યું, મોક્ષની વાત કોઇએ કરવી નહીં. તમે બેઉ અહંકારી છો, મોક્ષને માટે તમે લાયક નથી. આ મારવાનો અહંકાર કરે છે ને તમે બચાવવાનો અહંકાર કરો છો. તારા બાપા ઘૈડા થયા તેમને બચાવને ! આને શું કરવા બચાવે છે ? બાપો એંસી વરસનો ઘૈડો થયો તેને મરવા દે છે, તે બાપાને શું કરવા મરવા દે છે ? તું બચાવવાનો, કાયમ માટે બચાવવાનો, તો બાપને બચાવને ! આ તો દોઢડહાપણ છે, આને ઓવરવાઇઝ-મેડનેસ કહ્યું છે. આ જગતની જંજાળમાં હાથ ના ઘાલીશ, એમાં અમુક લિમિટ સુધી રહેજે. આ તો ઓવરવાઇઝ થયેલા છે, આ તો કીર્તિ પાછળ બધા પડયા છે. શું જોઇએ છે એમને ? કીર્તિ. અહીં વખતે મળશે, પણ ત્યાં એમનો બાપો રેવડી દાણાદાણ કરી નાખશે, ત્યાં દર અસલ ન્યાય થઇ રહ્યો છે, ત્યાં કોઇનું ચાલે એવું નથી. ભગવાને શું કહ્યું કે 'તેં દસ ગાયો બચાવી તેનો અહંકાર કરે છે અને પેલો દસ ગાયો માર્યાનો અહંકાર કરે છે, એટલે તમારે બંનેએ અહીં મોક્ષ માટે વાત સાંભળવા-કરવા આવવું નહીં. તને બચાવવાનું ફળ મળશે અને તને માર્યાનું ફળ મળશે. એ જીવો ને તેં બચાવ્યા છે તે તારી ઉપર ઉપકાર કરીને વાળી આપશે. આ જેણે જીવો માર્યા છે એ જ લોકો તને દુઃખ દેશે. આ બસ આટલો હિસાબ છે. અમે વચ્ચે હાથ ઘાલતા નથી અને મોક્ષને ને આને કંઇ જ લાગતું-વળગતું નથી.'

હવે તે જે કોલેજમાં બે છોકરાંને પાસ કર્યાં હોય એ છોકરાં મોટા થાય તો કહેશે કે, 'આમણે મને પાસ કરેલો;' તે તેનો લાભ તમને આપે. સ્વભાવિક રીતે તેવું આ જીવો બચાવો તે માટે છે. તમે જીવો બચાવો કે ના બચાવો તેની ભગવાને મોક્ષ માટે જરૂર નથી કહી. આ તો દોઢડાહ્યા થઇ ગયા છે, એટલે સુધી દોઢડાહ્યા કે ગાયો બચાવવા સારુ કસાઇને ત્યાંથી ચારસો-ચારસો રૂપિયા આપી ગાયો છોડાવી લાવે; અને પાછા કંઇ તેને અપાસરામાં કે મંદિરમાં ઓછા બાંધી રાખવાના છે ! પછી તો કોઇ બ્રાહ્મણને મફત આપી દે કે 'ભઇ, લે, તું લઇ જા.' પછી પેલો કસાઇ જોયા જ કરતો હોય કે આ કોને ત્યાં ગાયો બાંધે છે ! આ બ્રાહ્મણને ગાયો આપેને એટલે તે ત્યાંથી પાછો બ્રાહ્મણની પાસે જાય, અને કહે, 'અલ્યા, કંઇ દેવું-બેવું થઇ ગયું છે કે ?' તો પેલો કહેશે, 'હા ભાઇ, સો-દોઢસોનું દેવું થઇ ગયું છે.' ત્યારે પેલો કસાઇ કહેશે, 'પચાસ આપું. ત્યારે બ્રાહ્મણ કહે, 'દોઢસો આપો તો ગાય આપું તને.' તે દોઢસો રૂપિયા આપીને કસાઇ ગાય પાછી લઇ આવે. આ ચારસોમાં આપી અને દોઢસોમાં છોડાવી લાવે પાછો, આ લોકોને મૂરખ બનાવી જાય ! આ કીર્તિ માટે પડયા છે, ઓવરવાઇઝ થયા કે !

અલ્યા, શી રીતે જન્મે છે ને શી રીતે મરે છે એમાં તું ના પડીશ, તું તારું ભાવમરણ બચાવ. સબ સબકી સમાલો. તું તારું ભાવમરણ ઉત્પન્ન ના થાય, ભાવહિંસા ના થાય એ જો. તમે કોઇની ઉપર ક્રોધ કરો તો પેલાને તો દુઃખ થતું થશે, પણ તમારી તો એક વાર હિંસા થઇ ગઇ, ભાવહિંસા ! માટે ભાવહિંસા બચાવો એમ ભગવાને કહ્યું. આટલે સુધી જ કહ્યું છે, આથી વધારે લાંબુ કહ્યું નથી. હું શું કહું છું, એ વ્યુ પોઇન્ટ સમજાય છે તમને ? આ બહાર કેટલો બધો કેસ બફાઇ ગયો છે ? ! હવે આ કયારે ઊજળું થાય ? 'કભોટે' પડી ગયેલાં વાસણને એને કઇ જાતનો અસિડ વાપરવો એ જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં ૫૦૦ વર્ષ સુધી તો સારું રહેલું ને ૨૦૦૦ વર્ષમાં આટલો બધો કાટ ? ! કૃષ્ણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ?! આ અમારે કઠણ શા માટે બોલવું પડે છે ? અમારે 'જ્ઞાની પુરુષ'ને આવી કઠણ વાણી ના હોય; પણ અત્યંત કરુણા હોવાથી સામાના રોગ કાઢવા આવી કરુણાભરી વાણી નીકળે છે.

મરણકાળ જ મારે !!

તમને સમજાયું, હું શું કહેવા માગું છું તે ? આ સૂક્ષ્મ વાત છે, એવી બજારું વાત નથી. આમાં બધાં શાસ્ત્રોનો તોલ કરીને એક બાજુ બેસાડે એવી વાત છે. કારણ કે ટાઇમિંગ વગર કોઇ મારી શકે એમ છે નહીં, એટલે ભગવાન શું કહેવા માગે છે કે તમે આ ભાવબીજ પડવા ના દેશો. જો બીજ પડવા ના દીધું તો પછી તમે બંધ આંખોએ ચાલશો તો ય તમારું કોઇ નામ દેનાર નથી અને ઉઘાડી આંખે ચાલશો ને અહીં પગ નીચે આવી ગયું હશે તો મરવા આવીને ય નહીં મરે, ચગદાયો હોય તમારાથી પણ તમારાથી મરે નહીં ને પેલાને ભાગે મરે. આટલું બધું ઝીણું સાયન્સ છે. આ બધું ટાઇમિંગ વગર કોઇ જ ના થાય એવું આ જગતમાં છે ! જયારે ત્યારે તો આ સાચી વાત સમજવી જ પડશે ને !

 

જ્ઞાનયોગ : અજ્ઞાનયોગ

પ્રશ્નકર્તા : યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને ?

દાદાશ્રી : પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના કરીને આપણે શું પ્રાપ્ત કરવું છે, શેની પ્રાપ્તિ માટે આપણે યોગસાધના કરીએ છીએ, પૈસા કમાવા માટે કે ભણવા માટે ?

પ્રશ્નકર્તા : બધી જાતના દૈહિક વિકાસ માટે.

દાદાશ્રી : આ બધી સાધના કરે છે એ તો મનની કે દેહની સાધના કરી રહ્યા છે ને ?

પ્રશ્નકર્તા : આચાર્ય જોડે રહીને કરીએ તો પણ ?

દાદાશ્રી : માર્ગદર્શન બે જાતનું છે - એક રીલેટિવ અને એક રીયલ. રીલેટિવ માટે તો બહાર ઘણાં માર્ગદર્શકો છે. માટે આપણે નક્કી કરવું જોઇએ કે કયું જોઇએ છે ? જો સર્વ દુઃખોથી મુક્ત થવું હોય તો આ રીયલ માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઇએ. માટે તમારે કયું જોઇએ છે? આ પૈસો-બૈસો તો બહાર રીલેટિવમાં મળી રહેશે, કારણ કે એ મહેનતથી ફળ તો મળશે ને ? પણ આ અહીં તો આત્માની યોગસાધના કરવામાં આવે છે, એટલે સર્વ પ્રકારે કામ પૂરું થાય !

પ્રશ્નકર્તા : ધ્યાન અને યોગ એમાં ફેર શો છે ?

દાદાશ્રી : ચાર પ્રકારના યોગ. એક દેહયોગ, દેહમાં પાછળ ચક્રો હોય છે ત્યાં આગળ એકાગ્રતા કરવી એને દેહયોગ કહે છે. એ યોગની કિંમત કેટલી ? તો કે' વ્યગ્રતાનો રોગ છે એટલે એકાગ્રતાની દવા ચોપડે છે. એકાગ્રતાની જરૂર તો જેને વ્યગ્રતાનો રોગ છે તેને છે. જેને જે જે રોગ હોય તેને તેવી દવાની જરૂર છે. એ તો માત્ર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એનાથી તો માત્ર ટેમ્પરરી રીલીફ મળે છે. આ રીલીફને જો છેલ્લું સ્ટેશન માને તો એનો કયારે ઉકેલ આવે ? જો આ એકાગ્રતાની દવાથી ક્રોધ, માન, માયા, લોભ જતાં હોય તો એ કામનું. આ તો પચીસ વર્ષ સુધી એકાગ્રતા કરે, યોગસાધના કરે ને જો ક્રોધ, માન, માયા અને લોભ ના જાય તો શું કામનું ? જે દવાથી ક્રોધ, માન, માયા, અને લોભ જાય એ દવા સાચી. આ યોગસાધના તું કરે છે તે કોની કરે છે ? જાણેલાની કે અજાણ્યાની ? આત્માનો તો અજાણ્યો છે, તે તેની સાધના શી રીતે થાય? દેહને જ જાણે છે અને દેહની જ યોગસાધના તું કરે છે, તેનાથી તે આત્મા ઉપર શો ઉપકાર કર્યો ? અને તેથી તું મોક્ષને કયારે પામી શકીશ ?

બીજો યોગ તે વાણીનો યોગ, તે જપયોગ; એમાં આખો દહાડો જપ જપ્યા કરે. આ વકીલો વકીલાત કરે છે તે ય વાણીનો યોગ કહેવાય!

ત્રીજો યોગ તે મનોયોગ, કોઇપણ પ્રકારનું માનસિક ધ્યાન કરે તે. પણ ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કરે તેનાથી કશું વળતું નથી. ગાડીએ જઇએ ને સ્ટેશન માસ્તરને કહેવું પડે છે ને કે મને આ સ્ટેશનની ટિકિટ આપો, સ્ટેશનનું નામ તો કહેવું પડે ને ? આ તો 'ધ્યાન કરો, ધ્યાન કરો,' પણ શાનું એ તો કહે ! પણ આ બધું ઠોકાઠોક ચાલ્યું છે. ધ્યેય વગરનું ધ્યાન એ તો ઠોકાઠોક કહેવાય ! એવા ધ્યાનમાં તો આકાશમાં પાડો દેખાય અને એને લાંબું પૂંછડું દેખાય, એવું ધ્યાન શું કામનું ? નહીં તો અડસટ્ટે ગાડી ચાલી તે કયા સ્ટેશને રોકાશે એનું ય નક્કી નહીં ! ધ્યેય તો એક 'જ્ઞાની પુરુષ' પાસે જ છે, ત્યાં જીવતો ધ્યેય પ્રાપ્ત થાય, તે સિવાય 'હું આત્મા છું' બોલે તો કામ થાય નહીં. એ તો 'જ્ઞાની પુરુષ' પાપ બાળે, જ્ઞાન આપે ત્યારે ધ્યેય નક્કી થાય. સ્વરૂપ જ્ઞાન આપે તો ધ્યેય પ્રાપ્ત થાય, એ સિવાય 'હું શુદ્ધાત્મા છું' બોલે તો કશું વળે નહીં. એ કોના જેવું છે ? ઊંઘમાં 'હું વડો પ્રધાન છું' એવું બોલે તે કશું ફળે ? મનના યોગમાં ધ્યાન, ધર્મ કરે પણ એ બધા રીલીફ રોડ છે. છેલ્લો આત્મયોગ, એ થયા સિવાય કંઇ જ વળે તેમ નથી. આત્મયોગ પ્રાપ્ત થયો નથી તેથી જ સ્તો આ બધા પઝલમાં ડિઝોલ્વ થઇ ગયા છે ને !

આપણે અહીં 'શુદ્ધાત્મા'માં રહીએ એ આત્મયોગ છે. સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે, બાકી બીજા બધા દેહયોગ છે. ઉપવાસ, તપ, ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે ! એ ત્રણે ય યોગ (મન, વચન, કાયા) ફીઝીકલ છે. આ ફીઝીકલ યોગને આખું જગત છેલ્લો યોગ માને છે. આ બધા યોગ માત્ર ફીઝીકલ પ્રાપ્ત કરવા માટે છે છતાં, આ ફીઝીકલ યોગને સારો કહ્યો છે. આવું આવું કંઇકે ય નહીં કરે તો દારૂ પીને સટ્ટો રમશે, એના કરતાં આ કરે છે એ સારું છે. અને આનો ફાયદો શો છે ? કે બહારનો કચરો મહીં ના પેસે ને રીલીફ મળે અને મનોબળ મજબૂત થાય, બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી.

યોગથી આયુષ્યનું એકસ્ટેન્શન ?!

પ્રશ્નકર્તા : હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે ખરો ?

દાદાશ્રી : લાખો તો નહીં, પણ હજાર-બે હજાર વર્ષ માટે જીવી શકે ખરો. એ યોગ કેવો હોય છે ? આમ તો આત્મા આખા શરીરમાં વ્યાપેલો હોય છે, પણ યોગથી આત્મતત્વ ઉપર ખેંચાય છે, તે ઠેઠ ઉપર બ્રહ્મરંધ્રમાં ખેંચી લે છે ત્યારે હાર્ટ, નાડી બધું બંધ થઇ જાય છે. આત્મા કમર સુધી હોય તો જ હ્રદય, નાડી બધું ચાલે, પણ એનાથી ઉપર ગયો તો પછી બધી મશીનરી બંધ થઇ જાય અને કોઇએ આ યોગ ૧૫ વર્ષ, ૩ મહિના, ૩ દિવસ, ૩ કલાક ને ૩ મિનિટની ઉંમરે શરૂ કર્યો હોય અને હજાર વર્ષ પછી પૂરો થાય તો એનું આયુષ્ય ફરી ૧૫ વર્ષ, ૩ મહિના, ૩ દિવસ, ૩ કલાક ને ૩ મિનિટ પછી પાછું શરૂ થાય ! અહીં ધબકારા થયા એટલું આયુષ્ય ખર્ચાયું અને ધબકારા અનામત તો એટલું આયુષ્ય અનામત. આ તમારાથી આયુષ્ય અનામત ના કરી શકાય, યોગવાળા કરી શકે. અને જયાં સુધી આત્માની હાજરી દેહમાં છે ત્યાં સુધી શરીર કહોવાય નહીં, ચીમળાય નહીં, ગંધાય નહીં, દેહ એવો ને એવો જ રહે! પછી ભલેને યોગથી હજાર વર્ષ સુધી પથ્થરા જેવો થઇ ગયો હોય !

પ્રશ્નકર્તા : એમાં આત્માની શી દશા ?

દાદાશ્રી : કોથળામાં પૂરી રાખે એવું. એમાં આત્મા ઉપર શો ઉપકાર થયો ? આ તો એટલું જ કે હું હજાર વર્ષ યોગમાં રહ્યો એવો ખાલી અહંકાર રહે. છતાં, સાંસારિક દુઃખો બંધ રહે; પણ સુખ તો ઉત્પન્ન ના જ થાય. સુખ તો આત્માનો ઉપયોગ કરે તો જ ઉત્પન્ન થાય, અને આત્માનો ઉપયોગ કયારે થાય ? હાર્ટ ચાલે તો થાય. તે વગર આ તો કશું વળે નહીં.

કેટલાક યોગીઓ એમના શિષ્યને કહી રાખે છે કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢાવ્યા પછી તાળવામાં નાળિયેર ફોડજે, એમ તે મોક્ષે જવાતું હશે ? આ તો એવું માને કે તાળવેથી જીવ જાય તો મોક્ષે જાય, એટલા માટે આવો પ્રયોગ કરે ! પણ એવું માનીને કંઇ થાય તેમ નથી, એ તો તાળવેથી જીવ નેચરલી જવો જોઇએ. આ કોઇ કહેશે કે આંખેથી જીવ જાય તો આમ થાય, તો શું આંખોમાં મરચાં નાંખીને જીવ આંખેથી મોકલવો ? ના, નેચરલી થવા દે ને !

પ્રશ્નકર્તા : જયાંથી દ્વાર ખૂલે છે, આંખ, નાક વગેરે એમાંથી જીવ જાય ?

દાદાશ્રી : હા. એ લક્ષણ કહેવાય છે. પાંચ લક્ષણ અને લક્ષિત અનંત છે, એમાં કયાં ઠેકાણું પડે ? મોઢેથી જીવ જાય તો અનંત જગ્યાએ જવાય એવું છે. એ તો બધી અદબદ વાતો કહેવાય, એમાં 'ફોડ' ના પડે.

કુંડલિની શું છે ?

પ્રશ્નકર્તા : 'કુંડલિની' જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે ?

દાદાશ્રી : એ પ્રકાશને જોનાર શુદ્ધાત્મા, એ પ્રકાશ જોડે તન્મયાકાર થઇ જાય તે પ્રતિષ્ઠિત આત્મા. એમાં બે-ચાર કલાક તન્મયાકાર રહે તેથી આનંદ રહે, પણ પછી એની ગેરહાજરી થાય એટલે હતા ત્યાં ના ત્યાં. કેવા રંગનો પ્રકાશ દેખાય છે ?

પ્રશ્નકર્તા : કોઇ દિવસ ના દેખ્યો હોય એવો સફેદ હોય છે.

દાદાશ્રી : જેમાં તન્મયાકાર થયો તેમાં આનંદ થાય. બહારવટિયાની ચોપડી વાંચે તો ય આનંદ થાય, પણ એનાથી કર્મ ખોટાં બંધાય. જયારે આ એકાગ્રતાથી સારા કર્મ બંધાય. આ કુંડલિની જાગ્રત કરે છે તે કરતાં આત્માને કંઇક જગાડને ! આ તો માત્ર કુંડલિનીના જ સ્ટેશન ઉપર ફરફર કરે છે. આમને ગુરૂ મહારાજ કાળી ભોંય ઉપર વરસાદ પડે એવા સ્ટેશને ઉતારે એ શું કામનું ? આપણને તો અહીં છેલ્લું સ્ટેશન મળી ગયું. અનંત પ્રકારનાં સ્ટેશનો છે, એમાં ગુરૂ કયાં ય ગૂંચવી મૂકે. છતાં, એનાથી સ્થિરતા રહે; પણ મોક્ષ માટે એ શું કામનું ?

કુંડલિની જાગ્રત કરે પણ એનાથી દ્શ્ય દેખાય, પણ એ તો હતું જ ને પહેલેથી ! દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે તો જ નિર્વિકલ્પ થાય !

પ્રશ્નકર્તા : દાદા, મને કુંડલિનીનું લાઇટ ઊભું થઇ જાય છે.

દાદાશ્રી : એકાગ્રતાનું સાધન છે તેથી લાઇટ ઊભું થાય ને આનંદ આવે. લોકો એ લાઇટને આત્મા માને છે, પણ લાઇટ એ આત્મા નથી; એ લાઇટને, જે જુએ છે તે આત્મા છે. આ લાઇટ એ તો દ્શ્ય છે અને એનો જોનારો, દ્રષ્ટા તે આત્મા છે. તમને અહીં જે યથાર્થ આત્મા આપ્યો છે તે આ લાઇટનો દ્રષ્ટા છે !

પ્રશ્નકર્તા : આ એકાગ્રતા કરે તેથી લાઇટ જેવું દેખાય ને તેથી આનંદ આવે !

દાદાશ્રી : પણ એ આનંદ બધો રીલેટિવ આનંદ, એ કોના જેવું? બરફી ખાય ને આનંદ આવે તેવું. છતાં, આ સારું છે. આ સંસારની પાર વગરની બળતરામાં તે કંઇક સાધન તો ઠંડક માટે જોઇએ ને ? અને જયાં સુધી સાચો માર્ગ ના મળ્યો હોય ત્યાં સુધી એ બરોબર છે.

અનાહત નાદ

પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું ?

દાદાશ્રી : શરીરના કોઇપણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી પાસે, કાંડા પાસે નાદ આવે, એ નાદના આધારે એકાગ્રતા થાય અને એમાંથી આગળ વધે. તે કઇ જાતનું સ્ટેશન છે એ ય નથી સમજાતું. બહુ જાતનાં સ્ટેશનો છે, પણ એનાથી આત્મા કંઇ જડે નહીં. એ આત્માપ્રાપ્તિ માટેનો મોક્ષમાર્ગ ન હોય, એ ધ્યેય નથી, પણ રસ્તે જતાં સ્ટેશનો છે, કેન્ટિનો છે. જો આત્મા થયો, બ્રહ્મ થયો તો બ્રહ્મનિષ્ઠ થાય અને તો કામ પૂરું થાય, નહીં તો મહારાજ પોતે જ બ્રહ્મનિષ્ઠ થયા ના હોય, એ જ જગત-નિષ્ઠામાં હોય તો ત્યાં આપણો શો શક્કરવાર વળે?

બ્રહ્મ તો છે જ બધામાં, પણ તેમને જગતનિષ્ઠા છે. અત્યારે જગતના મનુષ્યોની નિષ્ઠા જગતમાં છે. જગતનાં બધાં સુખો ભોગવવા માટે નિષ્ઠા છે. પણ 'જ્ઞાની પુરુષ' એ આખી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે તેથી જગતનિષ્ઠા ફ્રેકચર થઇ જાય અને ત્યારે જ છેલ્લું સ્ટેશન આવે ને પછી બધે નિરાંતે ફરે. આ વચલા સ્ટેશને બેસવાથી કશું વળે નહીં, એનાથી તો એક પણ અવગુણ ખસે નહીં. અવગુણ શી રીતે ખસે? એમાં હું જ છું, એમ રહે ને ! વેદાંતે પણ કહ્યું કે, 'આત્મજ્ઞાન સિવાય કશું વળે નહીં.'

આ અનાહત નાદ શું સૂચવે છે ? એ તો પૌદ્ગલિક છે. એમાં આત્માનું શું વળે ? એ ન હોય આત્મા. આત્માનો અનાહત નાદ હશે કે આત્માનાં આનુષંગિક હશે તો કોઇ પજવશે નહીં, પણ જો પૂરણ-ગલનનાં છોકરાં હશે તો પજવશે ! આત્મા અને આત્માના આનુષંગિકમાં કોઇ ખલેલ કરી શકે એમ છે નહીં અને પૂરણ-ગલનનાં છોકરાં હશે તો ખલેલ પાડયા વગર રહે જ નહીં, માટે કોની વંશાવલિ છે એ ના ઓળખી લેવી પડે ?

છતાં, જેને આમાં પડવું હોય તેને અમે હલાવીએ નહીં, એને જે સ્ટેશન છે એ બરોબર છે. એને આ આત્મજ્ઞાન મળે નહીં ત્યાં સુધી એ અવલંબન બરોબર છે.

 

ધ્યાન

યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યોગનાં બધાં અષ્ટાંગ, અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરાં થઇ ગયાં. તેથી આગળ આત્માનું લક્ષ પણ તમને બેસી ગયું છે. આપણે અહીંયાં તો દેહને ય સહજ રાખવાનો ને આત્માને સહજ રાખવાનો. તમને આત્માનો અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહ્યા કરે. પ્રતીતિ થી નીચેના સ્ટેજમાં તમે કયારે ય ઊતરો નહીં.

જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું ? ધ્યેયનો ફોટો જોઇ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે ? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ- આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું. ધ્યાન તો કોને કહેવાય ? આત્માના બધા જ ગુણો એટ એ ટાઇમ ધ્યાનમાં લે, તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય તો એ તારું ધ્યાન કહેવાય. આ બધું એટ એ ટાઇમ કંઇ રહેતું હશે? આ લોકને સમાધિની શી જરૂર છે ? દહાડે આધિમાં, રાત્રે વ્યાધિમાં અને લગન્માં ઉપાધિમાં રહે તે એ શું જોઇ ને સમાધિ માગે છે ?

પ્રશ્નકર્તા : આ શ્વાસોચ્છ્વાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે, એનાથી શું થાય ?

દાદાશ્રી : આમાં ધ્યાન કરો કહે છે તે શું છે ? નાકમાંથી શ્વાસ નીકળે એની ઉપર ધ્યાન રાખો, શ્વાસ પેસે એની પર ધ્યાન રાખો ! શ્વાસ તો પેસે છે ને નીકળે છે, એના ધ્યાનને શું તોપને બારે ચઢાવવું છે ? એ નાકનાં ભૂંગળાંને શું તોપને બારે ચઢાવવાં છે. મેલને પૂળો. આ દમનો શ્વાસ ઊપડે છે ત્યારે કરને ધ્યાન ! ત્યારે તો એ શી રીતે કરે ? આ તો કહેશે કે શ્વાસ લીધો તે 'સો' અને શ્વાસ નીકળ્યો એ 'હમ', એટલે 'હમસો', 'હમસો' 'સોહમ' થાય; એનું ધ્યાન કરો એમ કહેશે. પણ આત્મા સોહમે ય નથી ને હમસો ય નથી. આત્મા એ શબ્દમાં આત્મા નથી, એ તો વીતરાગોએ 'આત્મા' એમ શબ્દથી સંજ્ઞા કરી છે. આત્મા પુસ્તકમાં ના હોય ને શાસ્ત્રમાં ય ના હોય, એ બધામાં તો શબ્દ આત્મા છે. રીયલ આત્મા તો જ્ઞાનીની પાસે હોય. આ શ્વાસોચ્છવાસ જોયા કરે, તે શું એનાથી સમાધિ રહે ? ના. આનાથી શું થાય ? કે મન ભાંગી જાય. મન તો નાવડું છે. સંસાર સાગરમાંથી કિનારે જવા મનના નાવડાની જરૂર છે.

પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય. બીજું, ખીચડીનું ધ્યાન રાખીએ તો ખીચડી થાય. આ બે જ ધ્યાન રાખવાં, બીજાં બધાં તો ગાંડાં ધ્યાન કહેવાય. આ 'દાદા'ના ધ્યાનમાં રહે તો ભલે રહે; એને બીજી કોઇ સમજણ ના હોય, પણ પોતે 'તે' રૂપ થયા કરે. 'જ્ઞાની પુરુષ' એ પોતાનો જ આત્મા છે અને એટલે પછી પોતે 'તે' રૂપ થયા કરે.

આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. લોકો બધા જે ધ્યાન શીખવાડે છે તે તો ઊલટાં બોજારૂપ થઇ પડે છે. એ તો જેને વ્યગ્રતાનો રોગ હોય એને એકાગ્રતાનું ધ્યાન શીખવાડાય, પણ બીજાને એની શી જરૂર ? એ ધ્યાન એને કયે ગામ લઇ જશે એનું શું ઠેકાણું ?

ભગવાને શું કહ્યું કે આટલું ધ્યાન રાખજે; ખીચડીનું ધ્યાન રાખજે ને ધણીનું ધ્યાન રાખજે, નહીં તો સ્વરૂપનું ધ્યાન રાખ. એ સિવાય બીજા ધ્યાનને શું તોપને બારે ચઢાવવાં છે ? આ સમાધિ માટે બીજાં ધ્યાન શું કરવાં છે ? આ બીજાં તો પરભાર્યા પરધ્યાન છે. માત્ર કાનને જે પ્રિય લાગે કે બહુ સરસ છે, બહુ સરસ અવાજ છે. કેટલાકને મનને પ્રિય લાગે તો કેટલાકને બુદ્ધિને પ્રિય લાગે, એ સૌની મતિ પ્રમાણે લાગે. ભગવાન મહાવીરની સભામાં ય શેઠીયાઓ ભગવાનની વાણી સાંભળવા આવતા. એમની (સર્વજ્ઞની) વાણી એટલી મીઠી ને મધુરી હોય કે તે કાનને ય અત્યંત પ્રિય લાગે. તે શેઠીયાઓ સાંભળવાને બેસી રહેતા અને સભામાં જ રોટલી ને શાક મંગાવી ખાઇ લેતા, ઘેર જ જતા નહીં અને તે બસ તેમને કાનને જ પ્રિય થઇ રહે. તે શેઠીયાઓને આજે ય હું ઓળખું છું, દુકાનમાં એ ય કાપડ ખેંચી ખેંચીને આપે છે ! તે કોઇને પૂછ તો ખરો કે આ કયું ધ્યાન વર્તે છે ? આ તો રૌદ્રધ્યાન છે. તે શેઠ કહેશે કે, 'પણ પેલો બીજો કાપડ ખેંચીને વેચે છે ને ?' 'અલ્યા, બીજો તો કૂવામાં પડે, તું શું કામ પડે છે ?'

ચિત્ત શુદ્ધિની દવા !

અમારી વાણી તો કોઇ કાળે સાંભળી ના હોય તેવી ગજબની અપૂર્વ છે. આ વાણી સાંભળી સાંભળીને મહીં ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે અને ધારણ રહે એ ટાઇમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે ! શુદ્ધ ચિત્ત તો શુદ્ધ જ છે, પણ વ્યવહારિક ચિત્ત છે તે આ ધારણ થવાથી તત્ક્ષણ શુદ્ધ થઇ જાય છે. સિનેમાનાં ગીતો સાંભળવાથી તેટલો ટાઇમ ચિત્ત અશુદ્ધ થયા કરે છે, મૂળથી અશુદ્ધ તો હતું અને તે વધારે અશુદ્ધ થાય ! અને બીજું, કવિનાં પદો ગાતી વખતે તે ધારણ થાય તેટલી ક્ષણ ચિત્ત શુદ્ધ થાય ! વગર સમજયે આ નાનો બાબો પણ ધારણ કરીને બોલે, છતાં બહુ કામ કાઢી જાય. ધારણ થયા વગર બોલાય ? ધારણ કરી બોલે તેટલો વખત મહીં પાપ બધાં ધોવાઇ જાય ! બહાર લૂગડાં ધોતાં તો આવડે, પણ મહીનું શી રીતે ધૂએ ? આ જગતમાં ચિત્ત શુદ્ધિની દવા બહુ ઓછી છે. બહાર ૨૦ વર્ષ સુધી ગાય ને તેમાં જેટલી શુદ્ધિ ના થાય તેટલી શુદ્ધિ આ અહીં અમારી હાજરીમાં એક વખત આ પદ ગાય તેટલામાં ચિત્ત શુદ્ધ થઇ જાય છે ! પોતે બોલે અને પછી ધારણ કરે અને એવું જ ફરી બોલેને તો એનાથી ગજબની ચિત્તશુદ્ધિ થાય !

ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રણે એકરૂપ થાય ત્યારે પછી જ 'લક્ષ' બેસે. એટલે અહીં અમારી હાજરીમાં તમારે તો ધ્યાન કરવાની જરૂર નહીં. લક્ષ વધારે રહે એ અનુભવ કહેવાય. શુદ્ધાત્માના ધ્યાનમાં રહ્યા તે શુક્લધ્યાન. આપણે શુદ્ધાત્માના ધ્યાનમાં હોઇએ ને 'ફાઇલ' આવે તો એનો 'સમભાવે નિકાલ' કરીએ એ ધર્મધ્યાન. સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઇ ગયા પછી સાધનની શી જરૂર ? ધ્યેય પ્રાપ્ત થઇ ગયા પછી ધ્યાતા ને ધ્યાનની શી જરૂર ?

જગતના બધા માર્ગો તે સાધન માર્ગ છે ને આપણો આ સાધ્ય માર્ગ છે ! ધ્યાતા છે નહીં ને ધ્યેય નક્કી કરવા જાય છે ! ધ્યાતા કયારે થવાય ? જયારે જગત વિસ્મૃત થાય ત્યારે ધ્યાતા થવાય. આ તો ધ્યાનમાં બેઠો હોય ને પૂછીએ કે, 'તમે કોણ છો ?' તો એ કહેશે કે, 'હું મેજિસ્ટ્રેટ છું'. તે તેનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે, તો તે ધ્યાતા ક્યાંથી નક્કી થાય ?

છતાં, પણ જગતના લોકોને જયાં સુધી 'જ્ઞાની પુરુષ' ના મળે અને તેમની પાસેથી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી મનની શાંતિ માટે કંઇક સાધનની જરૂર ખરી. કોઇ ગુરૂજી હોય, તેમને ભલે આત્મજ્ઞાન ના હોય, પણ ચોખ્ખા હોય, વિષય અને લક્ષ્મીની ભૂખ ના હોય તો એમના ફોટાનું ધ્યાન ભલે કરે, પછી ભલે તેઓ અહંકારી હોય છતાં એમનું ધ્યાન શાંતિ આપશે. આ રીલેટિવ ધ્યાન કહેવાય, સગડી ધ્યાન કહેવાય અને બીજું, રીયલ ધ્યાન 'જ્ઞાની પુરુષ' મળે તો પ્રાપ્ત થાય અને પછી તો પરમેનન્ટ શાંતિ મળી જાય. આ રીલેટિવ ધ્યાનમાં જે શાંતિ મેળવો છો, તે તો સાસુ બોલે કે 'તમારામાં અક્કલ નથી' તો તે ધ્યાન તૂટી જાય ને ઉપાધિ ઊભી થઇ જાય ! સગડી ધ્યાન કામ ના આપે. 'જ્ઞાની પુરુષ' શું કરે ? કે કાયમની સમાધિ રહે એવું નિર્લેપ જ્ઞાન આપે. જ્ઞાની મળે તો શું કરવાનું ? ક્રિયાકાંડ એ કશું ય નહીં કરવાના, માત્ર આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ !

નાભિપ્રદેશમાં આત્મા ખુલ્લો છે. અમે આવરણ તોડી આપીએ ત્યારે ભગવાન દેખાય. નાભિપ્રદેશના શુદ્ધ ભગવાન પ્રગટ થઇ જાય તો પોતે નિર્લેપ થઇ જાય છે. જેમ પીપળાને લાખ વળગે તેમ આત્માને કર્મ વળગ્યાં છે, તેથી પ્રકાશ દેખાતો નથી. પાંચ બાખાં છે તેનાથી પણ સાચું દેખાતું નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન સાચું હોય નહીં. જ્ઞાનીઓ અતીન્દ્રિય સુખ-શાશ્વતસુખમાં હોય. આત્માને જગાડવા તો 'જ્ઞાની પુરુષ' જ જોઇએ, એમાં બીજાનું કામ નહીં.

હેન્ડલ સમાધિ

પ્રશ્નકર્તા : દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે.

દાદાશ્રી : સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર છે, પણ પછી એ થોડીઘણી જતી રહે છે ?

પ્રશ્નકર્તા : એ તો જતી જ રહે ને !

દાદાશ્રી : તો એ ટેમ્પરરી સમાધિ કહેવાય કે પરમેનન્ટ ?

પ્રશ્નકર્તા : એ તો ટેમ્પરરી જ કહેવાય ને !

દાદાશ્રી : આ જગતમાં ચાલે છે તે બધી ટેમ્પરરી સમાધિ છે, જડ સમાધિ છે. સમાધિ તો નિઃકલેશ અને નિરંતર રહેવી જોઇએ. આ તો બધી ટેમ્પરરી સમાધિ કરે છે. તમે સમાધિ એટલે શું સમજયા છો ?

પ્રશ્નકર્તા : એમાં મન એક જગ્યાએ અમુક કાળ સુધી ટકાવી રાખવું હોય તો તે રાખી શકાય.

દાદાશ્રી : પણ એમાં લાભ શો ? પ્રાણોને કંટ્રોલ કર્યો તો લાભ થાય, પણ કાયમની ઠંડક થાય ? આ તો સગડી પાસે બેસે તેટલો વખત ઠંડી ઊડે, પછી એની એ જ ટાઢ ! સગડી તો કાયમની જોઇએ કે જેથી કાયમ ટાઢ ના લાગે. સમાધિ તો જુદી જ વસ્તુ છે. હાથે જો પંખો નાખવાનો હોય તો હાથ દુઃખે ને ઠંડક થાય, એવી હેન્ડલ સમાધિ શા કામની ? નાક દબાવવાથી સમાધિ થતી હોય તો બાબાને પણ નાક દબાવવાથી સમાધિ થાય. તો જરા નાના બાબાનું નાક દબાવી જોજો, એ શું કરશે ? તરત જ ચિઢાઇને બચકું ભરી લેશે. આ શું બતાવે છે કે આનાથી તો કષ્ટ થાય છે, એવી કષ્ટ-સાધ્ય સમાધિ શા કામની ? સમાધિ તો સહજ હોવી જોઇએ. ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં સમાધિ રહે તે સહજ સમાધિ. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને નાક તો દબાવ્યું નથી તો સમાધિ હશે ને ? હું નિરંતર સમાધિમાં જ છું અને કોઇ ગાળ ભાંડે તો ય અમારી સમાધિ ના જાય. આ નાક દબાવીને સમાધિ કરવા જાય એ તો હઠયોગ કહેવાય. હઠયોગથી તો સમાધિ થતી હશે ? આ ગુરૂનો ફોટો જો કો'કે ઉઠાવી લીધો હોય તો ય તેને મહીં કલેશ થઇ જાય! સમાધિ તો નિઃકલેશ હોવી જોઇએ અને તે ય પાછી નિરંતરની; ઊતરે નહીં એનું નામ સમાધિ ને ઊતરી જાય એનું નામ ઉપાધિ ! છાંયડામાં બેઠા પછી તડકામાં આવે એટલે અકળામણ થાય એવું ! આધિ, વ્યાધિ ને ઉપાધિમાં ય સમાધિ રહે એનું નામ સમાધિ ! સમાધિ તો પરમેનન્ટ જ હોવી જોઇએ.

સાચી સમાધિ !

પ્રશ્નકર્તા : સમાધિ પરમેનન્ટ હોઇ શકે એ તો હું જાણતો જ નહોતો!

દાદાશ્રી : આખા જગતને બંધ આંખે સમાધિ રહે છે; એ પણ બધાંને રહે કે ના પણ રહે; જયારે અહીં આપણને ઉઘાડી આંખે સમાધિ રહે છે ! ખાતાં, પીતાં, ગાતાં, જોતાં સહજ સમાધિ રહ્યા કરે !! આ દાબડા બાંધીને તો બળદને ય સમાધિ રહે છે, એ તો કૃત્રિમ કહેવાય અને આપણને તો ઉઘાડી આંખે ભગવાન દેખાય, રસ્તે ચાલતાં, ફરતાં ભગવાન દેખાય. બંધ આંખે તો બધા સમાધિ કરે, પણ ખરી સમાધિ તો ઉઘાડી આંખે રહેવી જોઇએ. આંખો બંધ કરવા માટે નથી, આંખો તો બધું જોવા માટે છે, ભગવાન જેમાં છે એમાં જો જોતાં આવડે તો ! ખરેખર તો 'જેમ છે તેમ' જો, 'જેમ છે તેમ' સાંભળ, 'જેમ છે તેમ' ચાલ. અને છતાં ય સમાધિ રહે એવી 'દાદા'ની સમાધિ છે ! અને પેલાને તો જગ્યા ખોળવી પડે. અહીં એકાંત નથી, તો જગતમાં કયાં જઇશ ? અહીં તો પાર વગરની વસતિ છે. ભીડમાં એકાંત ખોળી કાઢતાં આવડે એનું નામ જ્ઞાન. આ ગાડીમાં ચોગરદમથી ભીડમાં દબાય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચૂપ રહેશે, ત્યારે જેટલું જોઇએ તેટલું એકાંત લો. ખરું એકાંત તો ખરી ભીડમાં જ મળે તેમ છે ! ભીડમાં એકાંત એ જ ખરું એકાંત !

સાધુઓ સમાધિ કરે છે, હિમાલયમાં જઇને પૂર્વાશ્રમ છોડે ને કહેશે કે, 'હું ફલાણો નહીં, હું સાધુ નહીં, હું આ નહીં,' તેથી થોડું સુખ વર્તે, પણ તે નિર્વિકલ્પ સમાધિ ના કહેવાય, કારણ કે તે સમજણપૂર્વક અંદર નથી ગયો.

પ્રશ્નકર્તા : એક જણને ઊભાં ઊભાં સમાધિ થઇ જાય છે તે મેં જોયું છે, આપણે બૂમ પાડીએ તો ય એ સાંભળે નહીં.

દાદાશ્રી : એને સમાધિ ના કહેવાય, એ તો બેભાનપણું કહેવાય. સમાધિ કોને કહેવાય ? સહજ સમાધિને, એમાં પાંચે ય ઇન્દ્રિયો બધી જાગ્રત હોય, દેહને સ્પર્શ થાય તો ય ખબર પડે. આ દેહનું ભાન નથી રહેતું એ સમાધિ ના કહેવાય, એ તો કષ્ટ કહેવાય. કષ્ટ કરીને સમાધિ કરે એ સમાધિ ના કહેવાય. સમાધિવાળો તો સંપૂર્ણ જાગ્રત હોય !

નિર્વિકલ્પ સમાધિ !

જગતના મહાત્માઓએ નિર્વિકલ્પ સમાધિ શેને માનેલી ? ચિત્તના ચમત્કારને. દેહથી બેભાન થાય અને માને કે મારું ઇન્દ્રિયજ્ઞાન ખલાસ થઇ ગયું ને અતીન્દ્રિય જ્ઞાન ઊભું થયું નથી. એટલે વચ્ચે નિરિન્દ્રિય ચમત્કારમાં ભટકે ! કોઇને ચિત્ત ચમત્કાર દેખાય, કોઇને અજવાળાં દેખાય, પણ એ ન હોય સાચી સમાધિ. એ તો નિરિન્દ્રિય સમાધિ છે ! દેહનું ભાન જાય તો એ સમાધિ ના હોય. નિર્વિકલ્પ સમાધિમાં તો દેહનું વધારે ચોક્કસ ભાન હોય. દેહનું જ ભાન જતું રહે તો એને નિર્વિકલ્પ સમાધિ કેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિ એટલે શું ?

દાદાશ્રી : હું ચંદુલાલ એ વિકલ્પ સમાધિ. આ બધું જુએ તે ય વિકલ્પ સમાધિ, આ બાળક કશું ફોડી નાખે તે મહીં વિકલ્પ સમાધિ તૂટી જાય.

પ્રશ્નકર્તા : સંકલ્પ-વિકલ્પ એટલે શું ?

દાદાશ્રી : વિકલ્પ એટલે 'હું' અને સંકલ્પ એટલે 'મારું.' પોતે કલ્પતરૂ છે, કલ્પે તેવો થાય. વિકલ્પ કરે એટલે વિકલ્પી થાય. હું અને મારું કર્યા કરે એ વિકલ્પ ને સંકલ્પ છે. જયાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં અને નિર્વિકલ્પ થવાય નહીં. 'મેં આ ત્યાગ્યું, મેં આટલાં શાસ્ત્રો વાંચ્યા, આ વાંચ્યું, ભક્તિ કરી, પેલું કર્યું,' એ બધા વિકલ્પો છે, તે ઠેઠ સુધી વિકલ્પો ઊભા જ રહે ને 'હું શુદ્ધાત્મા છું,' એમ બોલાય નહીં, 'હું ચંદુલાલ છું, હું મહારાજ છું, હું સાધુ છું' એ ભાન વર્તે છે ને 'હું શુદ્ધાત્મા છું' એ ભાન નથી થયું તો 'હું શુદ્ધાત્મા છું,' શી રીતે બોલાય ? અને ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ શી રીતે ઉત્પન્ન થાય ? આ તો શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે એટલું જ ! એકલા વીતરાગ અને તેમના અનુયાયીઓ જ નિર્વિકલ્પ સમાધિમાં હતા અને એ તો બધું જ જાણે, સીધું જાણે ને આડું ય જાણે ! ફૂલો ચઢે તે ય જાણે ને પથ્થર ચઢે તે ય જાણે, જાણે નહીં તો વીતરાગ કેમ કહેવાય ? પણ આ તો દેહનું ભાન ગયું એને 'અમે નિર્વિકલ્પ સમાધિમાં છીએ' એમ લઇ બેઠાં છે ! આ ઊંઘે છે ત્યારે ય દેહનું ભાન જતું રહે છે, તો પછી એને ય નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય ને ? પેલાને જાગતા દેહનું ભાન જાય ને ચિત્તના ચમત્કાર દેખાય, અજવાળાં દેખાય એટલું જ. પણ આ ન હોય છેલ્લી દશા, એને છેલ્લી દશા માને એ ભયંકર ગુનો છે ! પેલું ભાન તો રહેવું જ જોઇએ અને આ પણ સંપૂર્ણ ભાન રહેવું જોઇએ, તેને નિર્વિકલ્પ-સમાધિ કહી, નહીં તો વીતરાગોને કેવળજ્ઞાનમાં કશું જ દેખાત જ નહીં ને ?

નિર્વિકલ્પ સમાધિ કોઇ સમજતું જ નથી ને સહુ પોતપોતાની ભાષામાં લઇ ગયા. આત્મા પણ પોતાની ભાષામાં લઇ ગયા ને છતાં કહે છે કે, 'મારે આત્મજ્ઞાન જાણવું છે.'

સંત પુરુષો થયેલા હોય તે તેમની ચિત્તની મલિનતા ઓછી થયેલી હોય. તેમને જયારે સંસારની ઇચ્છા થાય ત્યારે શરીરને ગોદા માર માર કરે કે આવી ઇચ્છા કરે છે ! આંખમાં મરચાં પણ નાખે. હવે આવા જ્ઞાનને ફોરેનવાળા શું કહે કે, 'આ તો જંગલી લાગે છે.' મુસ્લિમોને ય આવા લોક જંગલી લાગે, પણ અહીંના લોકને આવા ડાહ્યા લાગે ! આ તો આંખની ભૂલને લીધે આંખમાં મરચાં નાખે છે. તે એમાં આંખનો શો દોષ ? અહીં જોનારાનો દોષ છે.

હિન્દુસ્તાનમાં તો લોક મોઢાંને ય તાળાં મારે એવાં છે ! આ લોકો તો શરીરનું ભાન જતું રહે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે, કારણ કે ઇન્દ્રિયનું ભાન ગયું ને માનશે કે અતીન્દ્રિયમાં પેઠો. ના, અતીન્દ્રિય તો બહુ છેટે છે. ઇન્દ્રિયનું ભાન જતુ કર્યું, અતીન્દ્રિયમાં પેઠા નથી તો શામાં છો ? નિરિન્દ્રિયમાં, તે નિરિન્દ્રિયમાં જ 'હમ હમ' કરે ને એને નિર્વિકલ્પ સમાધિ માને છે !છતાં, આ લોકોની દાનત સાચી રહેલી છે. આંખમાં મરચાં નાખે છે એમાં એમની દાનત સારી છે, માટે કો'ક દહાડો મોક્ષને પામશે.

ક્રમિક માર્ગમાં નિર્વિકલ્પ સમાધિ તો ઠેઠ મોક્ષે જવાનો થાય ત્યારે તેની શરૂઆત થાય; જયારે અહીં અક્રમ માર્ગમાં તમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ ગઇ છે ! ક્રમિકમાં તો ઠેઠ સુધી લોચ કરવાનો, બીજા જે ત્યાગ લખ્યા હોય તે કરવાના; 'આ વિધિ કરવાની છે, આ ત્યાગ કરવાનો છે, પેલું કરવાનું છે,' એ બધું રહે. ત્યાં કર્તા જુદો, કર્મ જુદું, જ્ઞાતા જુદો ને જોડે જોડે, પાછો કહેશે કે, 'મારે હજી ધ્યાન કરવાનું છે.' ત્યાં કર્તા જુદો, ધ્યેય જુદું ને ધ્યાને ય જુદું. એમાં તો ત્રણે ય જયારે એક થાય ત્યારે કાંઇક નિર્વિકલ્પનો સ્વાદ ચાખવા મળે, પણ ક્રમિકમાં ઠેઠ સુધી કર્તાપણું રહે; તેથી ધ્યાનનો હું કર્તા છું' એમ કહેશે.

ધ્યેય નિર્વિકલ્પી અને ધ્યાતા વિકલ્પી; તે ધ્યાન કેવું કરે? છતાં, નિર્વિકલ્પીનું ધ્યાન વિકલ્પી કરે છે માટે નિર્વિકલ્પી થશે એમ શાસ્ત્રો કહે છે. પણ આ નિર્વિકલ્પી ના થવા દે ને કહેશે, 'મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે.' જરા ઊંઘ આવી જાય તો ખાવાનું ઓછું કરવું છે, તે ખાવાનું ત્યાગ કરવાનું રહ્યું ! તે વિકલ્પના ખાડામાંથી નીકળવા નિર્વિકલ્પીનું ધ્યાન કરે છે !

અમે તમને અહીં એકલો નિર્લેપ આત્મા જ નથી આપ્યો, નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સર્વાંગ શુદ્ધ આત્મા થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. જયાં કંઇ પણ ત્યાગ-ગ્રહણ કરવાનું છે ત્યાં વિકલ્પ છે. મોટી વસ્તુ ગ્રહણ કરે ને નાની વસ્તુ ત્યાગ કરે એટલે વિકલ્પ થયા વગર રહે નહીં, વિકલ્પ એક ના હોય પણ પાર વગરના હોય. શિષ્યો જોડે કડક થાય તે ય વિકલ્પ.

જેને જોતાં જ સમાધિ થાય એ દર્શનને 'દર્શન' કહેવાય, જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચાં. કેટલાકને તો જોતાં જ ઊલટી થાય, માલ જ એવો ! પણ જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચાં દર્શન કહેવાય. આ અમારા બધાં દર્શન શાથી કર્યા કરે છે ? આ દેખાય છે એ જ બધાને સમાધિ કરાવ્યા કરે, એ સમાધિ તો કેવી છે ? એને તમે કાઢો તો ય જાય નહીં ! એ સમાધિને કહીએ કે, 'હે સમાધિ, થોડા દિવસ પિયર તો જઇ આવ.' તો એ કહેશે, 'ના, આ સાસરી વગર મને નહીં ફાવે.' સમાધિને કહીએ કે, 'આ દેહને જરા ડખો કરાવવો છે, માટે તું જાને!' તો એ કહેશે કે, 'પહેલાં કહેવું હતું ને ! હવે એ ના બને.' હવે તો સહજ સમાધિ કાઢે તો ય ના જાય, હવે તો 'ખાય પીએ, ઊઠે બેસે, તેને જુએ જ્ઞાનાકાર.'

ભગવાને કહ્યું, 'જો તું કલ્પનામાં છે તો વિચાર ના કરે તો ગુનેગાર છે ને જો તું નિર્વિકલ્પ છે ને વિચાર કરે તો ગુનેગાર છે.

આઠ મિનિટ મન, વચન, કાયા જેને બંધ થઇ જાય તેને ભગવાને સામાયિકની શરૂઆત કહ્યું ને આઠથી અડતાલીસ મિનિટ રહે તેને સામાયિક કહી. અડતાળીસ મિનિટથી તો વધારે કોઇને પણ ના રહે. આત્મામાં જ રહેવું એ સામાયિક છે.

''ભગવાન અંગે ભાષીઓ, સામાયિક અર્થ,

સામાયિક પણ આતમા, ધરે સીધો અર્થ.''

સામાયિકનો અર્થ તો ભગવાને કહ્યો છે. 'સામાયિક એ જ આત્મા ને આત્મા એ જ સામાયિક.'

 

મન

પ્રશ્નકર્તા : મન એકેન્દ્રિય જીવમાં હોય ?

દાદાશ્રી : 'એકેન્દ્રિયને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કશું ય ના હોય. જેને પાંચ ઇન્દ્રિયો હોય, પાંચ ઇન્દ્રિયોનું પુણ્ય ભેગું થાય, તેને મન ઉત્પન્ન થાય. આ પાંચ ઇન્દ્રિયોમાં પાછાં આ ગાય, ભેંસ, આકાશમાં ઊડનારાં ખેચર, એમને મન સીમિત હોય, લિમિટમાં હોય, લિમિટની બહાર જાયને તો તો વાંદરા ઘરમાં રહેતા હોત ને પોલીસ-બોલીસ બધાંને બચકાં ભરી ખાત, પણ તેમને મન લિમિટમાં હોય.

પ્રશ્નકર્તા : એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં મનનું કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે ?

દાદાશ્રી : જેમ જેમ ડેવલપમેન્ટમાં આગળ વધે છે તેમ તેમ આવરણો ઘટે છે ને પ્રકાશ વધતો જાય અને તેમ વધારે જોતો જાય છે.

જેને નાકની તીવ્રતા હોય તે ત્રણ ઇન્દ્રિયમાં છે, આંખનો ચસ્કો લાગ્યો હોય તે ચાર ઇન્દ્રિયમાં ને કાનનો ચસ્કો લાગ્યો હોય તે પાંચ ઇન્દ્રિયમાં છે. આ કીડી છે તે છત ઉપર ઘી લટકાવ્યું હોય તો ય એને કયાં, કેટલાં અંતરે ઘી છે એની સમજણ પડે, અને એને કયા માર્ગે અને એ પણ ટૂંકે માર્ગે જઇને લઇ આવે એવી સમજણ હોય.

મનનું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : મન શું હશે ?

દાદાશ્રી : આ 'ચંદુલાલ' છે એ આરોપિત ભાન છે, પણ રીયલી 'આપણે' કોણ છીએ એ જાણવાની જરૂર છે. આ 'ચંદુલાલ' એ રીલેટિવ આત્મા છે. એ જે જે જુએ છે, જે જે કરે છે, એનાથી મનની ગાંઠો બંધાતી જાય છે. મનમાં વિચારો આવે છે એ ગાંઠોમાંથી જ આવે છે, પણ પાછું આરોપિત ભાવથી એને પુષ્ટિ મળે છે ને ગાંઠો મજબૂત થતી જાય છે. મન એ તો જાતજાતના પેમ્ફલેટ્સ બતાવે, ઘડીમાં કહે, 'બસમાં જઇશું,' ઘડીમાં કહે, 'ટેક્સીમાં જઇશું' મનનો શો સ્વભાવ છે ? પેમ્ફલેટ દેખાડવું અને તેનું ચિંતવન કર્યા કરવું. તે ટાઇમિંગ થાય એટલે પેમ્ફલેટ દેખાડે; પછી એનું એ જ ચિંતવન કર્યા કરે કે, 'નહીં, બસમાં જ જવું છે.' પછી બુદ્ધિ એની મેળે ડીસીઝન આપે અને પછી અહંકાર એમાં ભળે, આ તો મહીં પાર્લામેન્ટની માફક કામ થાય છે. આ બધાંને ઓળખવું મહામુશ્કેલ વસ્તુ છે, આ તો મહીં પાર વગરની વંશાવલિ છે. એક કહેશે, 'આની જોડે ડાયવોર્સ લેવા છે' અને બીજો દેખાડશે, 'ના, ડાયવોર્સ નથી લેવા.' આ તો બંને દાઢી વગરનાં, તે શી રીતે ઓળખવાં?! એકાદને દાઢી હોત તો ય આપણને ઓળખાણ પડત !

મનોલયનો માર્ગ

પ્રશ્નકર્તા : મન રોજ નવું નવું માગે છે તે શું કરવું ?

દાદાશ્રી : તારે મનને મારી નાખવું છે કે જીવતું રાખવું છે ?

પ્રશ્નકર્તા : દાદા મારું મન કાઢી લો.

દાદાશ્રી : ના અલ્યા, મન કાઢી ના લેવાય. આ શરીરમાંથી જો મન કાઢી લેવામાં આવે તો એબ્સન્ટ-માઇન્ડેડ થઇ જવાય અને એબસન્ટ-માઇન્ડેડને તો ગાંડાની હોસ્પિટલમાં ય ના લે. કારણ કે ગાંડાઓને ય માઇન્ડ તો હોય છે જ ને ? નવું નવું માગવું એ તો મનનો ખોરાક છે. ઘડીમાં કહે, 'મિયાંને પૈણ'ને ઘડીમાં કહે, 'હિન્દુને પૈણ.' 'આપણે' આવાને પૂછીએ કે, 'ક્યાં રહો છો ?' એની તપાસ કરવી પડે કે કઇ પોળમાં રહે છે ?

પ્રશ્નકર્તા : આ મનની તપાસ કોણ કરી શકે ?

દાદાશ્રી : આ સંસારમાં મનોયોગી પુરુષો હોય તે મનની તપાસ કરી શકે, પણ એનાથી મનનો વિલય ના થાય, એ મન વધતું અટકાવી શકે. છતાં, એ લોકોને જેમાં ગમતું હોય તે ગાંઠો તો મોટી થતી જાય. મનનો વિલય કરવાની યથાર્થ દવા જોઇએ તો વિલય થાય.

એક બાજુ મન ડિસ્ચાર્જ થાય છે ને બીજી બાજુ ભ્રાંતિએ કરીને ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ મનને આંતરી ના શકાય. 'જ્ઞાની પુરુષ' ચાર્જ થતા મનને સીલ મારી દે, પછી ડિસ્ચાર્જ મન ક્રમેક્રમે ઓગાળી શકાય, અને તે પણ માત્ર 'જ્ઞાની પુરુષ'ના જ્ઞાનશસ્ત્રથી ! મન તો જ્ઞાનીઓને પણ હોય અને મહાવીર ભગવાનને પણ હતું, પણ તેમને ને મનને કેવું રહે ? આ લગન્માં માણસ દરવાજે ઊભો હોય, તો તેની પાસેથી એક એક માણસ જે' જે' કરતો જાય, તેમ જ્ઞાનીઓને મનની ગાંઠ ફૂટે ને વિચાર સ્વરૂપે એક એક વિચાર આવે ને સલામ કરીને જાય, અને બીજો આવે. જ્ઞાનીઓને વિચાર જોડે જ્ઞાતા-જ્ઞેય સંબંધ હોય, વિચારમાં પોતે તન્મય ના થઇ જાય, શાદી સંબંધ ના હોય. 'જ્ઞાની પુરુષ' નહીં મળવાથી ફાવે એવા વિચારો આવવા માંડયા અને એ જ વિચારોમાં તન્મય થવાથી ગાંઠો બંધાઇ ગઇ; તેના પાછા વિચારો આવ્યા જ કરે છે, અને એ જ પોતાને હેરાન કરે છે. પણ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો ગાંઠો શી રીતે ઓગાળવી તે બતાવે, એટલે ઓગળી જાય.

મન પર કાબૂ !

પ્રશ્નકર્તા : મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય ?

દાદાશ્રી : મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો કમ્પલીટ ફીઝિકલ છે, મશીનરીની જેમ. આ તો લાગે કે કન્ટ્રોલ થયું છે, પણ એ તો પૂર્વના હિસાબે. જો પૂર્વે એવું ગોઠાવાયું હોય, પૂર્વે ભાવમાં હોય તો આ ભવમાં દ્રવ્યમાં આવે, બાકી આ ભવે તો મન કન્ટ્રોલમાં લાવી શકે જ નહીં. મન એમ કશાથી ય બંધાય તેવું નથી. જેમ પાણીને બાંધવા વાસણ જોઇએ, તેમ મનને બાંધવા જ્ઞાન જોઇએ. મન તો જ્ઞાનીને જ વશ રહે ! મનને ફ્રેક્ચર નથી કરવાનું, પણ મનનો વિલય કરવાનો છે. મન એ તો સંસારસમુદ્રનું નાવડું છે, સંસારસમુદ્રને કિનારે જવા માટે નાવડાથી જવાય. આ જગત આખું સંસારસાગરમાં ડૂબકાં ખાય છે; તરે છે ને પાછાં ડૂબકાં ખાય છે ને એનાથી કંટાળો આવે છે. તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઇચ્છા તો હોય જ, પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે. મનની તો જરૂર છે. મન એ તો જ્ઞેય છે ને આપણે 'પોતે' જ્ઞાતા-દ્રષ્ટા છીએ. એ મનરૂપી ફિલમ વગર આપણે કરીએ શું ? મન એ તો ફિલમ છે. પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઇ જાય છે કે, 'મને સરસ વિચાર આવે છે' અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી ! સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે ને ખરાબ વિચાર છે ત્યારે દ્વેષનું બીજ પડે છે. આમ, સંસાર ઊભો રહે છે! 'જ્ઞાની પુરુષ' 'પોતે કોણ છે?' એ રીયલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય, પછી મનની ગાંઠો ઓળખાય ને પછી મનની ગાંઠો જો જો કરીએ પછી તે ઓગળતી જાય.

પ્રશ્નકર્તા : સંસારમાં બહુ નીરસતા લાગે છે. કયાં ય રૂચતું નથી, તો શું કરવું ?

દાદાશ્રી : કોઇ માણસને પાંચ-સાત દહાડા તાવ આવે ને, તો કહેશે, 'મને કશું ભાવતું નથી.' ને લખી આપે કે, 'મને કશું ભાવતું નથી.' આવો કરાર કોઇ કરાવી લે તો શું આ કરાર કાયમનો રાખે ? ના. એ તો કહે, 'આ કરાર ફાડી નાખો, ત્યારે તો મને તાવ આવેલો તેથી આવી સાઇન કરી આપેલી, પણ હવે તો તાવ નથી !' આ મનની ગતિ સમયે સમયે પલટાતી રહે. આ તો રસ પાછો આવશે ય ખરો. આ તો એવી કન્ડિશન આવે, ત્યારે કહે, 'મને સંસાર હવે ગમતો નથી.' ત્યારે આવી સાઇન કરી આપે, પણ આ કન્ડિશન તો પાછી પલટાવાની.

સંસારનો કંટાળો એ જ રાગ !

દાદાશ્રી : આ સંસાર પર કંટાળો આવે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો એ રાગ છે. જયાં રાગ હોય ત્યાં જ કંટાળો આવે છે, એ સંયોગ અનુસાર હોય છે. આ કંટાળો એ બધા મનના વિચાર છે. આપણે તો વિચારોને કહીએ કે, 'આવો, તમારે જેટલા આવવું હોય તેટલા આવો.' આ મનમાંથી વિચારો આવે છે એ તો મહીં સ્ટોક ભરેલો હતો તે નીકળે છે અને એ નીકળે છે તે નિર્જરા થાય છે. પણ નિર્જરા કયારે થાય છે ? કે આપણે શુદ્ધાત્મામાં રહીએ તો. તન્મયાકાર થાય તો તે કર્મો ચીકણાં થાય. આ તો મન જાતજાતનું બતાવે પણ આપણે તન્મયાકાર નહીં થવાનું; જોયા કરવાનું કે આવું બન્યું, તેવું બન્યું.

એક બાજુ વૈરાગ આવે અને બીજી બાજુ રાગ થાય જ, તો કઇ બાજુ રાગ છે તે તપાસ કર. માણસ ઘૈડો થાય ત્યારે વિચાર થાય કે હજી જિવાય તો સારું. આ કંઇ એના હાથમાં સત્તા છે ? એ તો જાતજાતના વિચારો આવે તે જોયા કરવાના ને જાણ્યા કરવાના. આ તો પોતાનું મૃત્યુ પોતે સ્વપ્નમાં જુએ ! જગત બહુ જુદી જાતનું છે !

આ બધે વૈરાગ્ય આવે અને 'જ્ઞાની પુરુષ' પર રાગ આવે તો તો એના જેવું ઉત્તમ એકું ય નહીં ! એ તો બધા ય રોગોને ટાળનારું છે. આ મનુષ્ય અવતાર તો કેવો છે ? દેવોને ય દર્શન કરવા યોગ્ય ! દેવોને ય દુર્લભ !! પણ ફુલ પ્રકાશ થાય તો ! મનના રોગ જાય તો પ્રકાશ થાય. મનના રોગ લોકોને ના સમજાય કે આ બાજુનું મન રોગી છે અને બાજુનું મન તંદુરસ્ત છે. આ મન તંદુરસ્ત થાય તો વાણી તંદુરસ્ત થાય, દેહ તંદુરસ્ત થાય.

માઇન્ડ વ્યગ્ર થઇ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે, પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં. આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે, ત્યારે રોગ મટયો કહેવાય. નિરંતર વશ, એટલે આઘુંપાછું થાય નહીં. મન તો જ્ઞાને કરીને જ બંધાય એવું છે, તે 'જ્ઞાની પુરુષ' કરી શકે ! જ્ઞાન ના હોય તો જયાં મન જાય ત્યાં સંસાર ઊભો થઇ જાય. હિમાલયમાં જાય તો ય નાનો ગુલાબનો છોડ ઊભો કરે, બકરી પાળે ને આમ સંસાર ઊભો કરે. એ તો એકાંતમાં ય પછી ભીડ ઊભી કરે.

મનનો સ્વભાવ !

મનનો સ્વભાવ કેવો છે ? કે, 'મને ડીપ્રેશન આવ્યું' કહે તો એક રતલને બદલે દસ રતલ બોજો થઇ જાય, ને 'મને ડીપ્રેશન નથી જ' કહે તો બોજો દસ રતલને બદલે એક રતલ થઇ જાય. અહીં રેડિયો વાગતો હોય ને લાગે, મહીં થાય કે 'અવાજથી ઊંઘ નહીં આવે' તો ઊંઘ ના જ આવે; જો થાય કે 'અવાજમાં ય ઊંઘ આવી જશે' તો આરામથી ઊંઘ આવે. આવું છે જગત ! આપણે મનથી જુદા છીએ, દેહથી જુદા છીએ અને વાણીથી પણ જુદા છીએ. પાડોશી વાસણ ખખડાવે તો એને કોણ કહેવા જાય ? પોતે એક જ હોત તો કહેવું પડે, આપણે તો એની ક્રિયાને જાણનારા.

આ મન મનના ધર્મમાં છે. આપણને કાનમાં શબ્દ પેસે નહીં તો મનને અસર થતી હશે ? કશી અસર ના થાય, અને કાનમાં શબ્દ પેસે તો ? એ ચાળાચાળ કરવી એ મનનો ધર્મ છે. તારણ કાઢવું એ બુદ્ધિનો ધર્મ છે. મન, બુદ્ધિ એ બધા એના પોતાના ગુણધર્મમાં છે અને એમાં આપણે શું પેસવાનું ? આપણે આપણા સ્વધર્મમાં રહેવાનું.

પ્રશ્નકર્તા : હું પ્રયત્ન તો ઘણો કરું છું મનની શાંતિ માટે, પણ સ્થિરતા જ નથી આવતી.

દાદાશ્રી : કયો ધર્મ પાળો છો ?

પ્રશ્નકર્તા : વૈષ્ણવ ધર્મ.

દાદાશ્રી : તો એ વૈષ્ણવ ધર્મ ખોટો હશે ? નહીં, કૃષ્ણ ભગવાન ખોટા હશે ?

પ્રશ્નકર્તા : ના, ભૂલ આપણી.....

દાદાશ્રી : શી ભૂલ હશે ?

પ્રશ્નકર્તા : એ તો આપને ખબર, દાદા.

દાદાશ્રી : આપનું નામ શું ?

પ્રશ્નકર્તા : ચંદુલાલ.

દાદાશ્રી : રોજ તો ગજવામાં પાંચ-પચીસ હોય તો મુંબઇના બજારમાં મન સ્થિર રહે અને દસ-વીસ હજાર હોય તો ? મન સ્થિર ના રહે ? એ તો સ્થિર રહે એવું છે, પણ એને આપણે ફટવીએ છીએ. રોજ રોજ છોકરાંને ફટવીએ અને એને કહીએ કે સ્થિર થા તો થાય નહીં, તેમ મનને ફટવ્યા પછી સ્થિરતા માગે તો સ્થિર રહે ? એ તો મનને પાન કે બીડી એ જ હોય, પણ આ તો ફટવીએ રેડિયો લો, ફ્રીઝ લો અને પેલું ટેલિવિઝન પણ લો. મનને ફટવ્યા પછી પાંસરું ના થાય. મનને ના ફટવશો, બીજા બધાને ફટવજો. બૈરીને ફટવી હશેને તો આ જ્ઞાની કલાકમાં સીધી કરી આપશે. સ્ત્રી ફાટી હોય તો બીજી રૂમમાં રાખે તો બાર કલાક છૂટા રહે, પણ મન તો રાતદહાડો જોડે જ રહે. ફટવેલું મન રાગે ન પડે, પણ જ્ઞાની મળે ને જ્ઞાન આપે તો ફટવેલું મન રાગે પડે.

પ્રશ્નકર્તા : આ માટે દસ વરસ મહેનત કરેલી.

દાદાશ્રી : તો ગયે અવતારે કરી નહોતી ? અનંત અવતાર આનું આ જ કર્યું છે. મન શું છે ? એને જાણવું તો પડે ને ! એનાં માબાપ કોણ છે ? એનું રહેઠાણ કયાં છે ? એનાં જન્મદાતા કોણ છે ? એનો વિલય કેવી રીતે થાય ? એ બધું પણ જાણવું તો પડે ને! એ મન કોણે મૂકયું ?

પ્રશ્નકર્તા : પ્રભુએ.

દાદાશ્રી : શા માટે ? દુઃખ માટે કે સુખ માટે ? ભગવાને શા માટે એવું કર્યું ? બધાંને દિવેલ ચોપડવા માટે કર્યું હશે ? ભગવાન આમાં હાથ જ ઘાલતા નથી, આ પ્રોડક્શનમાં ભગવાન હાથ ઘાલતા નથી. એ તો બટ નેચરલ છે અને ભગવાન આ વાત મહીં બેઠા સાંભળે છે ને હસે ય છે ખરા, કે, 'ચંદુલાલ, આ શું ગાંડાં કાઢે છે !' આપણે સમસરણ માર્ગમાં છીએ ને ! સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન થયા કરે તે. એમાં છેલ્લામાં છેલ્લું સ્ટેશન મન. અત્યારે તમારું આ સ્ટેશન છેને એ આવતા ભવનું મન થશે. એ તો 'જ્ઞાની પુરુષ' જાણે કે મન શું છે? મન ઠેકાણે શી રીતે આવશે ? મન ઠેકાણે રાખવા તમે પોતે પ્રયત્ન નથી કરતા ?

પ્રશ્નકર્તા : એ પ્રયત્ન તો રોજ કરું છું.

દાદાશ્રી : તમે કરો છો કે ચંદુલાલ કરે છે ? કન્ટ્રોલ માટે પ્રયત્ન તમે પોતે કરતા નથી, એ તો ચંદુલાલ કરે છે. તમે પોતે કન્ટ્રોલ કરો તો કન્ટ્રોલ થાય એવું છે, પણ તમે 'પોતે કોણ છો' એ નક્કી કરવું જ પડશે ને ? એ નક્કી થઇ જાય તો કામ થઇ ગયું. અત્યારે માઇન્ડ કેવું છે ? બરાબર છે ને ?

મન તો મોક્ષનું નાવડું !

પ્રશ્નકર્તા : અત્યારે તો અપાર શાંતિ છે.

દાદાશ્રી : મન તો નાવડું છે, મોક્ષે લઇ જાય ને સંસારમાં રઝળપાટ પણ કરાવે એવું છે. મોક્ષે કયારે લઇ જાય ? 'જ્ઞાની પુરુષ' મળી જાય તો મોક્ષમાર્ગે એ નાવડું ચાલે, કારણ કે અત્યારે હોકાયંત્ર નથી મળ્યું. 'જ્ઞાની પુરુષ'ની હાજરીમાં તમારું મન આવું રહે છે તો એમનું મન કેવું સુંદર હશે ! એમનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર-બધું ય સુંદર હોય. એમનો અહંકાર હોય પણ એ ય સુંદર હોય, પણ ગાંડો ન હોય, અહંકારે ય મનોહર હોય. એક મનુષ્યમાં આટલી શક્તિ છે, તો બીજામાં કેટલી હોય ! એટલી જ હોય, પણ પ્રગટ થઇ નથી. પ્રગટ કયારે થાય ? કોઇ તરણ-તારણ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો.

વડોદરામાં એક બહેને પૂછયું, 'દાદા, બધું સારું સારું જ કર્યું. આખી જિંદગી બીજાનું ભલું જ કરીએ છીએ, છતાં મનની શાંતિ કેમ થતી નથી ? ભગવાન જોડે ગમે તેટલો તાર જોડીએ છીએ છતાં જીવ કેમ બળે છે ?' આ તો 'અમારા' હાથની વાત, અધિકાર 'અમારો', આ તો ટોપ વાત પૂછી બહેને. બધે બધા લોકો ફરી વળે, છતાં આ બે જ ગલીમાં ગૂંચાય. બહેને તો સુંદર તારણ કાઢયું કહેવાય !

જગતના દરેક ધર્મ છે ત્યાં મનોરંજન થાય, જયારે અહીં 'જ્ઞાની પુરુષ' પાસે આત્મરંજન થાય. મનોરંજન ઉશ્કેરાટ અનુભવે, સ્થિરતા ના અનુભવે. જયાં મન ઠરે ત્યા એ ધર્મ સાંભળવો, પણ જયાં મન ઉછાળે ચઢે, મનોરંજન થાય એ ધર્મ સાંભળવાનો શા કામનો ? કિંચિત્ માત્ર મહીં ફેરફાર થાય તો કામનું. આ તો એંસી વરસ સુધી અપાસરે વ્યાખ્યાન સાંભળે, પ્રવચન સાંભળે તો ય કિંચિત્ ફેરફાર ના થાય, તો એ કામનું જ નહીં ને ! એ તો મનોરંજન કર્યું કહેવાય, એમાં સ્થિરતા ના થાય. આત્મરંજનમાં આઇસ્ક્રીમની પેઠે આત્મા ઠરે ને પેલામાં ઊકળે. મનોરંજનમાં મન ઉછાળે ચઢે, બહાર આત્મરંજન તો થાય જ શી રીતે? અહીં આવો તો આત્મરંજન થાય. અહીં તો આવ્યો ત્યારથી જ આત્મા કબૂલ કરે કે, 'હવે છૂટવાનું થયું.' તેથી ઉલ્લાસ આવે. આ કેદીને કહીએ કે 'થોડા દિવસ પછી છૂટવાનો છે' તો કેદીને છોડયો ન હોય છતાં આનંદ આવે, એમ અહીં આત્મરંજન થાય. અહીંનો એક એક શબ્દ બહુ જ ઝીણવટથી સાંભળવા જેવો. જ્ઞાનીનો એક જ શબ્દ મોક્ષે લઇ જનારો છે!

મન, જગત - સ્વરૂપ !

આ દેહને આત્મા જોડે કંઇ રીયલ સંબંધ નથી. આ મન એ આખું જગત છે, એથી જો બીજાને સળી કરીએ તો મનમાં દુઃખ ઊભું થાય અને બીજાને સુખ આપીએ તો સુખ મળે. મન એ જગત છે. જગતને સુખ આપીશ તો મનને સુખ થશે. તું બીજાને સુખ આપીને દુઃખ માગે તો એ ના મળે. મન તો દુનિયા છે, જેવું હલાવીશ તેવું મળશે. કવિ કહે છે ને, 'મનમંદિરના આંગણિયામાં કલ્પતરૂવર ઊગિયાં રે.' માટે જો તારે સાંસારિક સુખ જોઇતું હોય તો તને જે જે ન ગમતું હોય તે બીજાને ના આપીશ; માત્ર પોતાની પાસે જે સમજણ છે કે મને આ નથી ગમતું, પોતાને જે દુઃખ લાગે તે બીજાને તું ના આપીશ. તું દુઃખ માને છે એની આગળ તો બીજાં બહુ દુઃખો છે, પણ તું જેને દુઃખ માને છે એ બીજાને આપે તો તારા જેવો બીજો મૂર્ખ કોણ ? તો તને પછી સુખ મળે શી રીતે? જાણીને આપવું અને અજાણ્યે આપવું એમાં ફેર નહીં ?

આ બાબો કાચનો પ્યાલો ફોડે તો એને દુઃખ થાય ? અને બાપા ફોડે તો ? બાપાને તો બહુ દુઃખ થાય. તું જેને દુઃખ માને છે તે બીજાને ના આપીશ તો તું સુખી થઇશ. સુખી થવા બીજાં શાસ્ત્રો પણ વાંચવાની જરૂર નથી.

આ વાત તો જેને જ્ઞાન ના મળે તો ય તે સમજે. એથી શું થાય? કે દુઃખ આવવાનું બંધ થાય અને સુખ આવવાનું ચાલુ થાય. આ તો ધર્મ પોતાની પાસે જ છે. એના માટે શાસ્ત્રોની જરૂર નથી, આટલું કરે એટલે સુખી થાય જ. પોતાને જે ઇફેક્ટ થાય તે સામાને પણ અવશ્ય થાય જ ને ? તારી પ્રત્યે મારી આંખોમાં તને ભાવ ના લાગે તો તારી આંખમાં એવા ભાવ ના લાવીશ કે જેથી સામાને દુઃખ થાય. જેનાથી આપણને દુઃખ થાય તેનાથી બીજાને દુઃખ કેમ અપાય ?

વિચાર

વિચાર કોને કહેવાય ? મનની ગાંઠ ફૂટે ને જે ફૂટે તે વિચાર સ્વરૂપ છે. વિચારને પોતે વાંચી શકે છે. વિચાર તો ઉઠાડે, બેસાડે આમ લઇ જાય તેમ લઇ જાય, દોડાવે એને વિચાર કહેવાય, ને આ ઉઠાડે નહીં, બેસાડે નહીં, દોડાદોડ ના કરાવે તો પેટ (પાળેલા) વિચારો કહેવાય, અને આપણને ઉઠબેસ કરાવે એ પાળેલા વિચારો ના કહેવાય.

આ મહીં બૂમાબૂમ કરે છે તે મન બોલે છે, વિચાર બોલે છે અને એ ય પણ પોતે એમને વસાવેલા. કેટલાક વિચારો નથી આવતા કારણ કે એ માલ નથી વસાવ્યો તેથી. જે માલ ભર્યો હોય તે જ વિચાર આવે. એટલે જેટલા તમે વસાવ્યા તેટલા જ બૂમો પાડશે. જેટલા વસાવ્યા તે જ વસવાયાં ને વસવાયાં તો બૂમો પાડે જ ને ? !

જો વિચાર બગડયો તો ડાઘ પડશે, માટે વિચાર ના બગાડશો, એ સમજવાનું છે. આપણા સત્સંગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે. વિચાર બગડે તો બધું બગડે. વિચાર આવ્યો કે હું પડી જઇશ એટલે પડયો. માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો, આત્માસ્વરૂપ થઇ જાવ. આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે 'આ ચાદર મેલી છે,' પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિય જ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.

કોઇ મિત્ર માંદો હોય તો એના ઘેર કહેવું પડે કે, 'આની દવા કરો.' મહીં વિચારો એવા ય આવે કે આ બચે એવું લાગતું નથી, આવા અવળા વિચાર વધારે ઢીલા બનાવી દે. આ વિચાર એ કામના જ નથી હોતા. આ વિચાર એ જ સંસાર છે, એ પોતે જ વિચાર છે, એનો સ્વભાવ જ ચંચળ છે, પણ આપણે એમાં ચંચળ નહીં થવાનું. એ તો આવ્યા કરે, આપણે તો આવે ત્યારે જોયા કરીએ ને જાણ્યા કરીએ. એને જાણ્યા એટલે 'શુદ્ધાત્મા' હાજર જ છે. એ તો જાણીએ કે પહેલા ચંદુલાલ ગયા, પછી ચતુરલાલ ગયા.

પ્રશ્નકર્તા : વિચારો ઘણા આવી ગયા, પણ પાછળથી ખબર પડે કે આ તો વિચારો આવી ગયા. એટલે એ તન્મયાકાર થયો કહેવાય ?

દાદાશ્રી : વિચારોમાં પેઠા નહીં તો છૂટા જ છે. આ વિચારોમાં વળગ્યા નહીં તો આત્મા આત્મા જ રહ્યો. ઘણી વાર એવું બને કે સામટા વિચારો ફૂટે તો જાગૃતિ ના હોય, પણ પાછળથી આ વિચારો વળગણ છે એ જાણ્યું, એ જ બતાવે છે કે આત્મા હાજર છે.

સ્વરૂપપ્રાપ્તિ પછી વિચારોનો ફોર્સ આવી જાય એટલે બીજો કશો વાંધો નહીં, પણ આપણું સુખ અંતરાયું એ જ નુકસાન છે.

આ છોકરાંની નિશાળ છૂટે છે તો કેટલાં છોકરાં સાથે નીકળે છે? ઘંટ પડે કે શરૂઆતમાં ઢગલાબંધ છોકરાં નીકળે ને પછી તો એક-બે, એક-બે જ છોકરાં નીકળે. એવું છે આ વિચારોમાં પણ ! પણ આત્મા આમાં ય પોતાનું જ્ઞાતા-દ્રષ્ટાપણું છોડતો નથી, માત્ર સુખ અંતરાય છે. આત્મા કયારે ય પણ પોતાનો સ્વભાવ છોડતો નથી અને વિભાવમાં આવતો જ નથી. 'જ્ઞાની પુરુષ' પાસે આ બધું વિગતવાર સમજી લેવાનું એટલે વાંધો ના આવે.

વિચારોની - આશ્રવ, નિર્જરા !

મહીં બહુ વિચાર આવે, તેમાં તન્મયાકાર રહે તો આશ્રવ કરે અને બંધ પડે. વિચારોનાં જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા તો નિર્જરા થાય અને સંવર રહે, કર્મને દાટો લાગી જાય. વિચાર તો બધાને આવે. ગાંઠો ફૂટે, વધારે ઇન્ટરેસ્ટેડ ગાંઠો ફૂટે, એ પણ અનટાઇમલી બોમ્બની જેમ. તે રાતે, ત્રણ વાગ્યે પણ ગાંઠ ફૂટે, પણ ફુટે તે પહેલાં જાગતાં કરે. સ્વપ્નું આવે કે ગમે તેમ પણ જગાડીને ફૂટે, એ ય લીંકમાં ફુટે. આ તો પોતાને ગમતી ગાંઠો હોય તે સંયોગ મળે ત્યારે ફુટે અને જો વંચાય અને તન્મયાકાર થયા તો કર્મ ચોંટે અને વાંચીને જવા દઇએ એટલે પછી પાછી એ ગાંઠ ના આવે. આ વિચારો આવે છે એ મનમાંથી આવે છે, એ આપણાથી તદ્ન જુદા છે, પણ ત્યાં તન્મયાકાર થઇ જાય છે. તન્મયાકાર ના થાય ત્યાં આત્મ ધર્મ ઊભો છે. સંયોગ ભેગો થાય તો મનની ગાંઠો ફુટે. આ ગાંઠો લોભની પણ હોય અને વિષયોની પણ હોય. તે ગાંઠો પ્રમાણમાં નાનીમોટી જાતજાતની હોય. જેનો બહુ જ ઇન્ટરેસ્ટ હોય એ ગાંઠો મોટી હોય, તેના બહુ વિચાર આવે. એ વિચારોને છેદવા માટે તેમને 'જો જો' કરવું પડે. આ વિચારો વાંચી શકાય એવા છે. ગમતા વિચારો આવે એમાં તન્મયાકાર રહે અને ના ગમતા વિચારો આવે તો તરત જ પોતાથી તે છૂટા છે એમ લાગે.

ના ગમતામાં ચોખ્ખું મન !

ના ગમતું ચોખ્ખા મને સહેવાઇ જશે ત્યારે વીતરાગ થવાશે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ?

દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે, અને તેને ધોઇ નાખે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઇ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ?

દાદાશ્રી : હા, એ ખરું; પણ અમુક બાબતમાં ચોખ્ખું થઇ ગયું હોય, અને અમુક બાબતમાં ના થયું હોય એ બધાં સ્ટેપિંગ છે. જયાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

અમને તો પહેલીથી જ જગતના શબ્દેશબ્દનો વિચાર આવે. પહેલાં ભલે જ્ઞાન નહોતું, પણ વિપુલમતિ એટલે બોલતાંની સાથે જ ફોડ પડે, ચોગરદમના તોલ થાય. વાત નિકળે તો તરત જ તારણ નીકળી જાય, આને 'વિપુલમતિ' કહેવાય. વિપુલમતિ હોય જ નહીં કોઇને. 'આ' તો એક્સેપ્શન કેસ બની ગયો છે ! જગતમાં વિપુલમતિ કયારે કહેવાય? એવરીવ્હેર એડજસ્ટ કરી આપે એવી મતિ હોય. આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને કાચું કાપી નાખે તો કયાંથી એડજસ્ટ થાય ? પણ એવરીવ્હેર એડજસ્ટ થવું જોઇએ.

કાર્યનો પ્રેરક કોણ ?

પ્રશ્નકર્તા : કાર્ય કરવા પ્રેરણા કોણ આપે છે ?

દાદાશ્રી : એ પ્રેરણા તો ગયા અવતારનાં કોઝીઝ છે તેની ઇફેક્ટ માત્ર છે. મનના વિચારથી પ્રેરણા થાય છે. કંઇ પણ કાર્ય થાય, તે શુદ્ધાત્મા કરતો નથી, પ્રતિષ્ઠિત આત્મા કરે છે.

મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણનાં અંગ છે. વિચારે ચઢે તે મન; અહીં બેઠા હોય ને બહાર ભટકે તે ચિત્ત, મન જે દેખાડે તે પેમ્ફલેટ અને નક્કી કરે તે બુદ્ધિ અને સહી કરી આપે તે અહંકાર. અંતઃકરણ પ્રમાણે બાહ્યકરણ થાય, કોઇ પ્રેરક છે જ નહીં. જે જે પરમાણુ ભેગાં કર્યાં છે તેવા વિચાર છપાઇ જાય છે, અને તે જ પરમાણુ ઉદયમાં આવે છે. જે પોતે જ વિચારતા હોઇએ તો ગમતા જ વિચાર આવે, પણ જેવાં પરમાણુ ભર્યાં છે તે નીકળે છે. વિચારો સંયોગોને આધીન છે. માલ ભરતી વખતે જ વિચાર કરવો, સુવિચારો જે હિતકારી છે તે ભરવા. મહીં કોઇ અવળો વિચાર આવે તો તેને પેસવા જ ના દેવો, નહીં તો ઘર કરી જાય. આ ઓફિસમાં ચોર જેવો કોઇ આવે, તે એને પૂછીએ કે, 'તું કોણ છે ? તારો વ્યવસાય શો છે ?' આ તો એને પેસવા જ ના દેવાય. આ તો કોઇ ને લકવો થયો હોય તો તેને જોઇ આવીએ ને પછી વિચાર આવે કે આપણને આમ લકવો થશે તો ? એ અવળા વિચાર કહેવાય. એને પેસવા જ ના દેવાય. આ 'આપણી' સ્વતંત્ર રૂમમાં કોઇને પેસવા ના દેવાય. પેસવા દેવું એ જોખમકારી છે, એનાથી તો સંસાર ઊભો છે, અનંત પ્રકારના વિચાર આવે તો કહી દઇએ કે, 'ગેટ આઉટ.' 'દાદા'નું નામ દેવાનું તે અટકી જાય. આ બહારવટિયા રાત્રે બૂમ પાડે તો શું રાત જતી નથી રહેવાની ? આ તો ટેમ્પરરી છે, રાત વીતી જવાની છે. આપણે તો અનંત શક્તિવાળા છીએ.

મનનો સ્વભાવ કેવો છે ? સીધું વળે નહીં ને જો પટાવી-સમજાવીને વાળે તો વળ્યા પછી ત્યાંથી ખસે નહીં, પાછું ફરે નહીં. તેથી આ નાનાં બાબા-બેબીને સારા સંસ્કાર પાડવાં, તો પછી એ સારા સંસ્કાર જાય નહીં.

છોકરાંઓને વિચારો આવે એ કાર્યકારણ વિચારો આવે, તે વિચાર આવે છે કે તરત જ કાર્યમાં આવી જાય. મોટો થાય એટલે ક્રિકેટના વિચારો આવે, છતાં વાંચતો હોય.

મનઃપર્યાય જ્ઞાન !

બધા મનુષ્યનો સ્વભાવ કેવો છે કે વિચાર આવે તેને કહે, 'મને વિચાર આવ્યો.' અલ્યા, તું પોતે અને વિચાર બંને જુદા છે. 'મને વિચાર આવ્યો' એ વાક્ય જ ઇટસેલ્ફ બોલે છે કે 'હું' અને 'વિચાર' બંને જુદાં છે. 'હું વિચારું છું' એમ નથી બોલતો, 'મને વિચાર આવે છે કે મારા આવા વિચાર છે' એમ કહે છે. માટે વિચાર સેલ્ફથી કમ્પ્લીટ છૂટા જ છે. આ તો અલૌકિક જ્ઞાન છે ! આ તો મનઃપર્યાય જ્ઞાન ઊભું થયું છે, વિચાર આવે ને પોતે જ્ઞાતાદ્રષ્ટા રહે. આ જ્ઞાનથી તો બુદ્ધિના પર્યાયો પણ જોઇ શકાય તેમ છે !

આ મનના વિચાર અજ્ઞાનીને ય દેખાય, છતાં ય તે પર્યાય જાણવાનું, આત્મા થયા વગર મનઃપર્યાય જ્ઞાનમાં ના ગણાય. આ મનના પર્યાયો નિરંતર બદલાય, તેના જ્ઞાતાદ્રષ્ટા રહે તે જ મનઃપર્યાય જ્ઞાન.

મનની અવસ્થા જોઇ શકે તેને જ્ઞાની કહ્યો છે. મનનાં કોમ્પ્રેશન કે ટેન્શન, કેટલું ઊંચું ગયું, કેટલું નીચું ગયું, કેવો ઉલ્લાસ આવ્યો, કેવું ડીપ્રેશન આવ્યું, એ બધા જ પર્યાયો જોવા એ જ મનઃપર્યાય જ્ઞાન. 'સ્વરૂપ જ્ઞાન' વગર તો મન જરા બતાવે તો ચોંટી પડે-'મને મને' કરીને! મનઃપર્યાય જ્ઞાન પ્રાપ્ત કરવા લાખ અવતાર શિષ્ય થવા તૈયાર થઇ જાય ! ક્રમિક માર્ગમાં સાધારણ મનઃપર્યાય જ્ઞાન હોય અને આ આપણા અક્રમ માર્ગમાં સજ્જડ મનઃપર્યાય જ્ઞાન થાય, આ તો બુદ્ધિના પર્યાયો પણ જોઇ શકે, તે પણ જ્ઞાન જ કહેવાય. ચિત્તને તો અજ્ઞાની પણ જોઇ શકે. તે તો અશુદ્ધ ચિત્ત કહેવાય, તે જ્ઞાનમાં ના ગણાય, કારણ કે એને અહંકાર પણ જોઇ શકે.

આ અક્રમ માર્ગ તેથી મનઃપર્યાય જ્ઞાન ઊભું થઇ ગયું છે ! તેથી જ કોઇ માટે દ્વેષ થતો હોય તો મનઃપર્યાય જ્ઞાનથી મનની ખબર પડી જાય ને ત્યાં સીલ-દાટો મારી દેવાય, જયારે એ માણસ ફરી ભેગો થાય ત્યારે ભડકો થતો એની મેળે અટકી જાય. એ મનઃ પર્યાય જ્ઞાન ના હોય તો તો ભડકો થઇ જાય. આ તો મનઃપર્યાય જ્ઞાન, તે આપણે દુકાને બેઠા હોઇએ તો ય આપણે જાણીએ કે ચંદુભાઇ માટે આવા પર્યાય અને લલ્લુભાઇ માટે આવા પર્યાય બતાવે છે, તે ત્યાં આગળ ચેતીને ચાલીએ. ભલભલા સાધુઓને, આચાર્યોને પણ મનઃપર્યાય જ્ઞાન ના હોય, શ્રુતજ્ઞાનમાં જ હોય તેઓ.

આ તો તમને કલાકમાં જ સ્વરૂપનું ભાન 'અમે' કરાવી આપીએ છીએ, તેથી આ બધું સહજ પ્રાપ્ત થઇ જાય છે; બાકી લાખ અવતારે ય ઠેકાણું પડે તેમ નથી !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16