ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16

આપ્તવાણી - 2

નિયાણાં ને શલ્ય !

અનંત અવતારથી મોક્ષની ઇચ્છા છે ને જયારે મોક્ષ આપનારા મળ્યા ક્રમિક માર્ગમાં ત્યારે નિયાણાં કર્યા, અને તેથી રખડયા ! અને અત્યારે 'આ' જ્ઞાન જેને મળ્યું છે એનાથી તો નિયાણાં કરવાં હોય તો ય ના થાય, કારણ કે આ અક્રમ માર્ગ છે ! નિયાણાં કોને ઊભાં થાય? શલ્યવાળાને ઊભાં થાય. નિઃશલ્ય થયા પછી નિયાણું કેમનું બંધાય ? શલ્ય એટલે મહીં ખૂંચ્યા કરે. આ ગાદી ખૂંચે તો કહે કે, 'બીજી સારી ગાદી લાવવી છે' તે તેનું નિયાણું કરે. આ નિયાણું કરે એટલે પોતાની પાસે જેટલી પુણ્યૈની મિલકત હોય તે નિયાણામાં હોડમાં મૂકી દે ! તે પછી જેનું નિયાણું કર્યું હોય તે પ્રાપ્ત થાય.

ભગવાને ત્રણ પ્રકારના શલ્ય કહ્યાં : મિથ્યાત્વ શલ્ય, નિદાન શલ્ય અને માયા શલ્ય; તેના આધારે આ નિયાણાં કરે છે. શલ્ય બધાનામાં હોય, નિઃશલ્ય થાય નહીં. આ 'અક્રમ માર્ગ' છે તેથી શલ્ય રહિત થાય!

આ બંધનમાંથી મુક્તિ થઇ શકે છે, વીતરાગો મોક્ષ આપી શકે છે, વીતરાગોનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે, એવી જેને સૂઝ પડી છે એને તો મિથ્યાત્વ દર્શન, બહુ ઊંચામાં ઊંચું દર્શન કહ્યું છે ! આ તો બીજાને વગોવે છે કે, 'તું મિથ્યાત્વી છે.' અલ્યા તું સમકિતી છે તે બીજાને મિથ્યાત્વી કહે છે ? અને પોતે જો સમકિતી હોય તો તે બીજાનો તિરસ્કાર ના કરે અને મિથ્યાત્વી હોય તો ય પોતા જેવા મિથ્યાત્વીનો તિરસ્કાર ના કરે. 'આ તો મિથ્યાત્વી છે' એમ કહીને જે તિરસ્કાર કરે છે, એ તો 'ડબલ મિથ્યાત્વી' છે ! મિથ્યાત્વ દર્શન થયું એ તો વખાણવા લાયક દર્શન છે. આ દર્શનમાં આવ્યા પછી એને 'મોક્ષમાં સુખ છે અને સંસારમાં સુખ નથી' એવું ભાન થાય છે, મોક્ષની ઇચ્છા થાય છે. એની ઇચ્છા તો સમ્યક્ દર્શનની જ છે, પણ મિથ્યા દર્શનમાંથી છૂટયો નથી તેથી રઝળપાટ થાય છે. છતાં એનો વિલ પાવર મોક્ષ માટેનો છે અને પુદ્ગલનું જોર સંસાર તરફ ખેંચાવાનું હોય તો ય એ બન્નેને જુદા પાડે. આ મુસ્લિમને બન્ને જુદા ના પડે. એ તો કહે, 'માલિક ઉપર લે જાયેગા!' અલ્લા જન્નતમાં લઇ જશે કે જહન્નમમાં લઇ જશે !! તેથી તો અલ્લા ફસાઇ પડયા છે કે આ તો માથે પડયા !

સંપૂર્ણ મોક્ષમાર્ગ કયાં હોય ? વ્યવહારને સહેજે ય ખસેડયા વગર હોય તે સંપૂર્ણ મોક્ષમાર્ગ. આ વ્યવહાર ખસેડો તો તો સામાને અડચણ આવે, સામાને દુઃખ થાય; ત્યાં મોક્ષમાર્ગ ના હોય. જયાં ફુલ વ્યવહાર અને ફુલ નિશ્ચય હોય ત્યાં મોક્ષમાર્ગ છે ! આપણે અહીં તો વ્યવહાર-નિશ્ચય બન્ને ય ફુલ છે.

મોક્ષમાર્ગ કયાં છે ? બધી નાતનાં જયાં બેઠા હોય છતાં કોઇને વાણીનો વાંધો ના આવે ત્યાં. વાઘરી બેઠા હોય, ચોર બેઠા હોય કે પછી કોઇ યુરોપિયન હોય કે મુસ્લિમ હોય, છતાં કોઇને અહીં વાણીનો વાંધો ના આવે ! સહુ કોઇ સાંભળે. આવું તો ક્યાંય બનેલું જ નહીં ! એક મહાવીર ભગવાન પાસે આવું બનેલું અને અહીં બની રહ્યું છે !! ભગવાન નિરાગ્રહી હતા !!!

મોક્ષ પછી આત્માની સ્થિતિ !

પ્રશ્નકર્તા : મોક્ષ થયા પછી આત્માની શી ગતિ થાય ?

દાદાશ્રી : મુક્તભાવ ! સિદ્ધગતિ !! આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહે છે. આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય, પણ તેમાં તે જ્ઞેયાકાર ના થાય, જ્ઞાનાકાર જ રહે ! તેમને બંધન ના થાય. આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે ? એ વેદના તો ભગવાન જાણે! આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે. માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુઃખ ભોગવી શકે, એનાથી વધારે જો દુઃખ પડે, તેની સહનશક્તિથી બહાર દુઃખ જાય તો તે બેભાન થઇ જાય.

પ્રશ્નકર્તા : જે માણસ ભગવાનનું નામ લઇને મરે, તેનું શું થાય?

દાદાશ્રી : જે માણસ ભાનમાં મરે તે મનુષ્યમાં ફરી આવે ને મરતી વખતે બેભાન હોય તે તો જાનવરમાં જાય, એનું મનુષ્યપણું જાય અને આ મનુષ્ય કયાં જશે એ તો મરતી ઘડીએ ખબર પડે. અને બીજું, ઠાઠડી બાંધીને જતા હોય ત્યારે સજ્જન ને તટસ્થ માણસ વાત કરે કે, 'ભાઇ તો ભલા હતા.' તો જાણવું કે ફરી મનુષ્યમાં આવશે, ને કહે કે, 'જવા દોને એની વાત.' તો જાણવું કે એ ભાઇ ફરી મનુષ્યમાંથી ગયો! આ તો અહીંનું અહીં જ બધું સમજાય એવું છે.

પ્રશ્નકર્તા : માણસ મરી ગયા પછી ફરી જીવ આવે છે, એ શું ?

દાદાશ્રી : ના. આત્મા દેહમાંથી જાય તે પછી ફરી દેહમાં ના આવે. કદાચ એવું બને કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢી ગયો હોય તો નાડી-બાડી બંધ થાય ને તાળવેથી આત્મા ઊતરે ત્યારે ફરી જીવ આવ્યો એવું લાગે.

પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ ના થાય ?

દાદાશ્રી : ના. ૨૫૦૦ વર્ષ પહેલાં મોક્ષ થઇ શકતો હતો. આ કાળમાં મોક્ષ શાથી બંધ છે ? કર્મો એટલાં બધાં લઇને આવેલા છે કે સાઇકલ, મોટર, બસ, પ્લેન, ટ્રેનમાં ફરે છે, છતાં કામ પૂરાં થતાં નથી. તે કર્મો કોમ્પલેક્સ થઇને આવેલાં છે તેથી આ કાળમાં અહીંથી મોક્ષ થતો નથી. કોઇ કાળે મનુષ્યોનું આવું પૂરણ નહોતું થયું, તે આ કાળમાં મનુષ્યોનું પૂરણ એવું થયું છે તે હવે ગલન થઇ રહ્યું છે. આ બધા મનુષ્યો વધારે કયાંથી આવ્યા ? તો કે' તિર્યંચની રીટર્ન ટિકિટ લઇને મોટા ભાગના ઘૂસી ગયા છે ! ૩૨ માર્કે ગધેડો થાય ને ૩૩ માર્કે માણસ થાય, તો એમાં એક માર્ક તો દેહમાં વપરાઇ ગયો. માત્ર મનુષ્યનો ફોટો પડે, પણ મહીં ગુણ તો પશુના જ રહે ! એવું વિચિત્ર આ કાળમાં થઇ ગયું છે.

મોક્ષની કેડી એટલી બધી સાંકડી છે કે એક જીવ મહાપરાણે મોક્ષે જાય. છતાં પણ નિયમના હિસાબથી એક સમયમાં ૧૦૮ જીવ જાય છે, પણ આખા બ્રહ્માંડના પ્રમાણમાં આનો તો હિસાબ જ નહીને ! અને આ ભરતક્ષેત્રમાંથી તો ત્રણ કે ચાર જ જણ મોક્ષે જાય, પણ તે ય અત્યારે આ કાળમાં બંધ થઇ ગયું છે અને આવા ચાર આરા કાળના બંધ રહેશે!

જ્ઞાની, મોક્ષમાર્ગે નેતા !

દાદાશ્રી : તમારે મોક્ષે જવું છે કે ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવાના વિચારો આવે છે, પણ માર્ગ જડતો નથી.

દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' અત્યારે આપની સમક્ષ પ્રત્યક્ષ છે તો માર્ગ પણ મળે; નહીં તો આ લોકો ય ઘણા વિચારો કરે છે, પણ માર્ગ જડે નહીં ને અવળે રસ્તે જાય. 'જ્ઞાની પુરુષ' તો કો'ક ફેરો એકાદ હોય અને એની પાસે જ્ઞાન મળે ને આત્માનુભવ થાય. મોક્ષ તો અહીં રોકડો થવો જોઇએ. કોઇ કહે કે, 'તમારો દેહ છૂટશે ને ત્યાં તમારો મોક્ષ થશે.' તો આપણે કહીએ કે, 'ના, એવો ઉધાર મોક્ષ મને ના જોઇએ.' મોક્ષ તો રોકડો જોઇએ, અહીં જ સદેહે મોક્ષ વર્તાવો જોઇએ. તે આ અક્રમ જ્ઞાનથી રોકડો મોક્ષ મળી જાય ને અનુભવ પણ થાય એવું છે !!!

ભગવાને કહેલું કે, 'મોક્ષનો માર્ગ ના જડે તો અશુભમાં ના પડીશ, શુભ રાખજે, મોક્ષમાર્ગ મળે તો પછી શુભાશુભની જરૂર નથી.' ભગવાનનો માર્ગ તો શુદ્ધ માર્ગ છે, ત્યાં શુભાશુભ નથી, ત્યાં પાપ-પુણ્ય નથી. પાપ-પુણ્ય એ બન્ને ય બેડી છે. જો મોક્ષનો માર્ગ ના મળે તો શુભમાં પડયો રહેજે, અશુભમાં પડીશ તો તું અશુભનું ફળ સહન નહીં કરી શકે. તું તો હિન્દુસ્તાનમાં ઊંચી નાતમાં જન્મેલો છે, માટે સાધુ-સંતની સેવા, દેવદર્શન કરીને, પ્રતિક્રમણ સામાયિક, ઉપવાસ એ બધું કરીને ય શુભમાં પડયો રહેજે. શુભ એ ક્રિયામાર્ગ છે અને શુભ ક્રિયાનું ફળ પુણ્યૈ મળશે. અશુભ ક્રિયાનું ફળ પાપ મળશે, પુણ્યૈથી ક્યારેક 'જ્ઞાની પુરુષ' મળી શકે અને 'જ્ઞાની પુરુષ' તો ચાહે સો કરી શકે, તને રોકડો મોક્ષ આપી શકે, કારણ કે પોતે સંપૂર્ણ અકર્તા છે !

જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ !

માત્ર શુભ ક્રિયા કરવાથી મોક્ષ ના મળે. એનાથી પુણ્યૈ બંધાય ખરી, તે પછી આવતા ભવમાં મોટર, બંગલા, વૈભવ મળે; પણ તારે જો મોક્ષ જોઇતો હોય તો ભગવાન કહે છે, તેમ કર. ભગવાન શું કહે છે? 'જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ !' આ પ્રતિક્રમણ, સામાયિક કરે છે તે અજ્ઞાન ક્રિયા છે. મોક્ષ આ બાહ્ય ક્રિયાઓથી ના થાય. મોક્ષ તો જ્ઞાનક્રિયાથી હોય. જ્ઞાનક્રિયા એટલે જ્ઞાતા-દ્રષ્ટારૂપ ઉપયોગ રાખવો અને તેનું નામ જ મોક્ષ! જ્ઞેયને જાણવું તેનું નામ જ્ઞાનક્રિયા અને જ્ઞેયને સમજવું તેનું નામ દર્શનક્રિયા.

બંધન શાનાથી ?

આ બંધાયા છો શાનાથી ? ક્રિયાથી ? સ્ત્રીથી ? તપથી ? એ તો તપાસ કરવી પડે ને ? એ તપાસ કરીએ તો કંઇક માર્ગ જડે કે શી રીતે છૂટવું ! આ તો માત્ર પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે તેનાથી બંધાયા છો, તે અજ્ઞાનથી બંધાયેલો આ બાહ્ય ક્રિયાઓથી છૂટે ? બૈરાંથી છૂટે ? ઘરવાળી છોડે તો ઘરથી છૂટે ? અને પરિગ્રહો બાળે તો પોતે છૂટે ? 'અજ્ઞાનથી બંધાયેલો માત્ર જ્ઞાનથી જ છૂટે.' જયાં સુધી મન 'તારું' છે, ત્યાં સુધી તું પરિગ્રહી છે, ને જો મનનો તું જ્ઞાતા-દ્રષ્ટા છે, એવું થાય તો તું અપરિગ્રહી છે. અમે પરિગ્રહોના સાગરમાં ય અપરિગ્રહી છીએ!

રાગદ્વેષથી બંધાયા છો ? ના. અજ્ઞાન માત્રથી બંધાયા છો. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે. વેદાંતમાં કહે છે કે મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢ. જૈનોમાં કહે છે કે રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢ. અજ્ઞાન બન્નેયમાં કૉમન છે. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે અને રાગદ્વેષ કે મળ, વિક્ષેપ એ તો કૉઝીઝ છે. રૂટ કૉઝ જાય એટલે બીજાં કૉઝીઝ એની મેળે જ તૂટતાં જાય. રૂટ કૉઝ તૂટે, અજ્ઞાન જાય, એટલે આવતા ભવનાં બીજ પડતાં બંધ થઇ જાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બંધ પડવાના જ. જિંદગી એક નકામી જાય તેનો વાંધો નથી, કે ચાલો ભઇ, એક નકામી ગઇ; પણ એ તો બીજી ૧૦૦ જિંદગીનાં બંધ પાડી દે છે તેનો વાંધો છે.

બંધન તો કોને ગમે ? આ સમસરણ માર્ગ આખો જેલસ્વરૂપ છે. શરૂથી તે છેલ્લે સુધી જેલ છે અને જયારે 'હું છૂટો છું' એવું ભાન થાય તો જેલમાંથી છૂટે. મિથ્યા દર્શન જાય અને સમ્યક્ દર્શનમાં આવે તો છૂટકો થાય ! અને 'જ્ઞાની પુરુષ' જ 'હું છૂટો છું' એનું ભાન કરાવે. 'જ્ઞાની પુરષ' કયારે ય દેહમાં રહેતા નથી.

આ સાધનો જ બંધન થઇ ગયાં છે. આ ઇલેક્ટ્રિકસિટી લિફ્ટ એ બધાં સાધનો જે ઊભાં કર્યાં છે તે જ બંધનરૂપ થઇ ગયાં છે. સાધનો તો સ્વતંત્ર હોવાં જોઇએ. દરેકને પોતાનો જોગ સ્વતંત્ર હોવાં જોઇએ, આણે (સાધનોએ) તો પરતંત્ર કરી દીધાં છે. તે હવે એ સાધનો જ એની મેળે જ ઓછાં થઇ જશે અને એની ઓછાં થવાની જ જરૂર છે. છૂટવાની ઇચ્છાવાળાને જો સાચો માર્ગ ના મળેને તો એ છૂટવાનાં સાધનો જ બંધનરૂપ થઇ જાય છે. આ લોક છૂટવા માટે જેટલાં સાધનો કરી રહ્યાં છે એ જ એને બાંધશે; કારણ કે સત્ સાધન નથી. સાચાં સાધન હોત તો બંધનરૂપ ના થાય, નહીં તો આર્ત ને રૌદ્રધ્યાન ચાલુ જ રહે.

આ બંધન તો જનાવરને ય પસંદ નથી હોતું. આજે અમે આવતા હતા ત્યારે રસ્તામાં એક બળદને ટ્રકમાં કેટલાક લોક ચઢાવતા હતા, તે બળદ તો એની ભાષામાં સમજે કે, 'મને શું કરતા હશે ? મને કયાં લઇ જશે ?' તે બળદ આડાઇ કરે, એ ના ચઢવાનાં ફાંફાં મારતો હતો, તે પાંચસો માણસ રસ્તામાં ભેગું થઇ ગયું ! જાણે મુક્તિ-સુખ ના વહેંચાતું હોય ! બંધનની તો ભયંકર વેદના છે. હકીકત-સ્વરૂપ જાણવા ના મળ્યું તેનો આજે આપણે પોતે અહીં છીએ એ પ્રત્યક્ષ પુરાવો છે ! જો હકીકત-સ્વરૂપ જાણવા મળ્યું હોત તો ઉપર મોક્ષે પહોંચી ના ગયા હોત? !

આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. આ અવતારમાં ચારે ય ગતિમાં જઇ શકે છે, અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે. જે મોક્ષ આપે, મુક્તિ આપે તે ધર્મ સાચો, બાકી બીજા તો અધર્મ જ છે.

ભગવાને કહ્યું કે 'આ કાળમાં, મોક્ષ બંધ છે પણ મોક્ષમાર્ગ બંધ નથી થયો, મોક્ષમાર્ગ ચાલુ છે.' લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઇ ગયો, એટલે આડા માર્ગે ચાલવા માંડયું છે. એકવીસ હજાર વર્ષ જેનું શાસન છે, તો મોક્ષમાર્ગ બંધ થઇ ગયો હોત તો તે શાસનની જરૂર જ શી છે?! તે સમજયા નહીં. અહીં 'કારણ-મોક્ષ' થઇ જાય છે. મોક્ષમાર્ગથી 'કાર્ય-મોક્ષ' નથી થતો, તે મોક્ષ ૯૯,૯૯૯ સુધી પહોંચે છે, લાખ પૂરા થતા નથી. મોક્ષ બે પ્રકારના છે : (૧) કાર્ય-મોક્ષ (૨) કારણ-મોક્ષ. આ કાળમાં 'કારણ-મોક્ષ' ચાલુ છે અને 'કાર્ય-મોક્ષ' બંધ છે. 'કારણ-મોક્ષ' થયા પછી એક અવતાર કરવો પડે. અમે કલાકમાં 'કારણ-મોક્ષ' આપીએ છીએ. અત્યારે તો ગજબનો મોક્ષમાર્ગ ચાલુ છે. 'અમે' શાસનના શણગાર છીએ !

સમકિતનો દરવાજો આવે ત્યાં બધા ધર્મો એક થઇ જાય છે. પછી મોક્ષનો મોટો દરવાજો આવે. મતભેદ મટે તો સમકિત થાય. મતભેદને લઇને સમકિત નહીં થાય, એમ ભગવાને કહ્યું છે. સાધુઓએ વિષયો જીત્યા છે, પણ વિષયો તો સ્વતંત્ર છે. અનંત અવતારથી મતનો મોહ કે જેના આધારે લટકયો છે તે તો જીવતો છે ! મતિયો થઇ ગયો છે ! નથી જીતવાનો તેને જીતે છે અને જીતવાનો છે તેને જાણતા નથી. આ બધાએ મોહ પણ જીત્યા છે, પણ એક પોતાના મતનો મોહ જીત્યો નથી !!! મતાભિનિવેષ થઇ ગયા છે ! મતાભિનિવેષથી સંસારમાં પાપ ઊભાં રહ્યાં છે. 'જ્ઞાની પુરુષ' અને તેમના મહાત્માઓ ન હોય ત્યાં મતાભિનિવેષ અવશ્ય હોય જ અને મતાભિનિવેષ હોય ત્યાં આત્મા શોધ્યો ય ના જડે. આત્મા પોતે જ મતાભિનિવેષથી ઢંકાઇ ગયેલો છે. કોઇ મતના આગ્રહથી છૂટતા નથી. ભગવાને વિષયોને મોહ નથી કહ્યો, મતને મોહ કહ્યો છે.

વીતરાગ માર્ગ વિરોધ વિહીન !

વીતરાગનો માર્ગ હોય ત્યાં વિરોધ ના હોય.

પ્રશ્નકર્તા : આ મહાવીર જયંતી ઉજવાય છે તેમાં કેટલાક વિરોધ કેમ કરે છે ?

દાદાશ્રી : જ્ઞાનીઓ કશાનો વિરોધ ના કરે, ચાલતી ગાડીને અટકાવે નહીં. આ કંઇ બધા જ્ઞાનીઓ છે ? એ તો બધા મતાંધો છે, મતનું પૂંછડું પકડી રાખે, પોતાનો અહંકાર પોષવા માટે ! આ તો ખોટી મમત છે, તેથી કાગનો વાઘ કરી મૂકે છે ! વીતરાગ માર્ગ ઉપર આચાર્ય કેવા હોય તેની વ્યાખ્યા કહું. ગમે તેની, ગમે તેવી વાત હોય તો તે સાંભળવા તૈયાર થાય, કોઇ કંઇ સંભળાવવા આવે તો શાંત ભાવે કહેશે કે, 'હા, વાત કરો. આ અમારી વાત જરા કઠણ પડશે, પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે; અને જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઇએ તે પસંદ કરજો.

તમારી આડાઇ જ મોક્ષે જતાં નડે છે. પોતાની જાતની આડાઇ જ નડે છે, બીજું કશું જ આ જગતમાં નડતું નથી, વિષયો નડતા નથી. માટે પાંસરો થઇ જા. સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. મોક્ષની ગલી એટલી બધી સાંકડી છે કે ત્યાં તું આડો ચાલીશ તો નહીં નીકળાય, સીધા સરળ થવું જ પડશે ત્યાં તો ! તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંતકાળનો રોગ તે ડૂંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઇ ગયો છે, હવે મારે ઓપરેશન કરીને, મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહી મુકાય, પછી 'ઓ ઓ' કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઇએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ? જે જોઇએ તે અમે આપવા તૈયાર છીએ.

પ્રશ્નકર્તા : અમારે તો મોક્ષ જ જોઇએ છે.

દાદાશ્રી : તો આ અમારા શબ્દો પચાવવા પડશે, સમજવા પડશે. આ વીતરાગના સાધુઓ તો કેવા હોય ? બધા મતભેદમાં પડયા હોય તો તે મતભેદ દૂર કરે. સંઘપતિ, સાધુ, સંન્યાસી, જૈનો બધા ભેગા મળીને ચર્ચાવિચારણા કરે. ઘરડા સાધુ હોય તેને ખુરશી આપે અને જવાન સાધુ ભલે નીચે બેસે, એટલું તો કરવું જોઇએ ને ! બધાએ ચર્ચાવિચારણા જોડે બેસીને કરવાની હોય. વીતરાગ ધર્મ કોને કહેવામાં આવે છે ? કોઇ મહામુનિ હોય ને ત્યાં નાનો, નવો શિષ્ય પૂછવા જાય ને મહામુનિ તેનો જવાબ ના આપે તો એ મુનિ ન હોય, મહામુનિ ન હોય ને કશામાં ય ન હોય ! ભલે સામો ગમે તેટલું ખોટું બોલતો હોય, પણ તેનું એક વખત તો સાંભળે અને પછી ચર્ચાવિચારણા કરે, ચર્ચાવિચારણાથી એ કંઇક પામશે. એટલે ભગવાને કહ્યું કે, આગ્રહ કદાગ્રહ ના કરશો, ચર્ચાવિચારણા કરજો કે આપણી ભૂલ શી થાય છે ? આ દુષમ કાળના તમે સાધુઓ છો માટે તમે એકલા બેસશો નહીં, જોડે સંઘપતિ ને સંઘને રાખજો, કારણ કે ભગવાને સંઘ એ પચ્ચીસમો તીર્થંકર છે એમ કહ્યું છે. ખરા-ખોટાનો ન્યાય એ કમિટિ કરી આપે. જયાં ભૂલ વગરનું હોય ત્યાં સંઘપતિ કહી આપે કે આ સત્ય છે, કારણ કે મહીં આત્મા છે ને એટલે આ સાચું છે એની એને તરત ખબર પડી જાય, પણ સત્ય નીકળવું જોઇએ અને અસ

ત્ય નીકળે તો ય સમજાઇ જાય કે આ અસત્ય છે. બધા ભેગા બેસવામાં વાંધો શો છે ? સ્થાનકવાસી, દેરાવાસી, તપોગચ્છ, તેરાપંથી, દિગંબરી કયારે ય પણ ચર્ચાવિચારણા માટે, સત્ય જાણવા માટે ભેગા થયા ? બધા ભેગા થાય, નહીં તો એ મહાવીરના વિરોધી છે, એવું જ ડીસિઝન આવી ગયું !

વીતરાગ માર્ગમાં સહેજે પણ આગ્રહ ના હોય. આ તો દુરાગ્રહે ને હઠાગ્રહે ચઢયા છે ! જે સાધુઓ સત્ય, અસત્યની ચર્ચાવિચારણા સાથે બેસીને ના કરી શકે એ મહાવીરના સાધુ ન હોય. મહાવીરનો શિષ્ય તો એક ગમે તેવો હોય, ૪૫ આગમ ભણીને બેઠો હોય અને બીજો બે જ આગમ વાંચીને બેઠો હોય તો ય બન્ને ય જોડે બેસીને ચર્ચાવિચારણા કરે અને કોઇ ગમે તેટલી ભૂલ કરે, પણ તે કષાય ના કરે. ઝઘડા ના કરે અને જોડે બેસીને ચર્ચાવિચારણા કરીને સત્યનું દોહન કરે તે કામનું!

અમને કહે કે, 'પટેલ, તમે અહીં અમને સાચી વાત સમજાવવા માટે પધારશો ?' તો અમે જઇએ અને કહીએ કે, 'મહાવીર શું કહેવા માગતા હતા !' 'અમે' તેના તે જ મહાવીરના શબ્દો તમને કહીશું, પણ જો પાંસરા બેસો તો ! 'હું આચાર્ય', 'હું સુરિ' એમ રાખીને ના બેસે તો! જુદાઇ ના લાગે એ મહાવીરનો માર્ગ. આ તો પાંચ જણા ભેગા ના રહે, મહીં ને મહીં વઢયા કરે. બહાર લઢો છો તે તો અમે જાણતા હતા, પણ આ તો મહીંના મહીં પણ લઢે છે !

નિષ્કેફ ત્યાં મોક્ષ !

અમે અમદાવાદ ગયેલા, ત્યારે એક સ્થાનકવાસી આચાર્ય મહારાજ ભેગા થયેલા. પર્યુષણના દિવસો હતા. હજારો લોકો આચાર્ય મહારાજને વંદવા આવતા હતા એમને અમારું ઓળખાણ કરાવ્યું કે, આ 'જ્ઞાની પુરુષ' છે. તો તરત જ એમણે અમારાં દર્શન કર્યાં અને પાટ ઉપરથી નીચે ઊતરીને બેસી ગયા ! અમે કહ્યું, 'આ તો તમારું કામ કાઢી નાખશે,' આવો સુંદર વિનય તો કામ કાઢી નાખે, ત્યારે તેમણે કહ્યું, 'મને અંદરથી થયું તેથી નીચે બેસી ગયો.' પછી તેમને અમે પૂછયું કે, 'શાસ્ત્રો વાંચો છો ?' તેમણે, 'શાસ્ત્રો તો બહુ વાંચ્યાં.' અમે કહ્યું, 'શાસ્ત્રો તો આપે બહુ વાંચ્યાં, પણ એ શાસ્ત્રો ભગવાનની આજ્ઞાપૂર્વક વાંચ્યા કે પછી એમને એમ વાંચ્યાં ?!' ભગવાન શું કહે છે કે, 'જે શાસ્ત્ર વાંચે છે એનાથી કેફ વધે તો ના વાંચીશ ને કેફ છૂટતો હોય તો વાંચજે.' જો કેફ વધતો હોય તો નાખી દેજે એ પુસ્તક. શું પુસ્તકનો ગુણ કેફ વધારવાનો છે ? ના. એ તો પોતાની મહીંના બીજનો ગુણ છે ! આ બાવળિયાને શૂળો ચીતરવી પડે ? ના, એ તો બીજગુણથી ડાળે ડાળે શૂળો આવે. પછી આચાર્ય મહારાજને કહ્યું કે, 'એ કેફ ઉતારશો કેવી રીતે ?' ત્યારે તેમણે પૂછયું, 'આ ક્રિયાઓ તો કરીએ છીએ ને !' ત્યારે મેં કહ્યું, 'જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્ર

િયા છે, ભગવાનની

કહેલી ક્રિયા નથી. ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે, એનાથી કેફ ચડે નહીં !' આ બધું કરવાથી કોઇ દી' શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં! લીંબોળી વાવી છે તે ફળ આપશે.

વીતરાગનો માર્ગ સહેલો છે, સરળ છે ને સહજ છે, પણ લોકોએ કષ્ટસાધ્ય કરી નાખ્યો છે. આ ચાલુ માર્ગમાં જે વીતરાગ ધર્મ છે ત્યાં કાંઇ તથ્ય હોત તો જગત આફ્રિન થઇ જાત; પણ લોકો જુએ છે કે, ત્યાગના ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડયો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે ! બધા ય ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે !

નિર્મમત ત્યાં મોક્ષ !

કવિરાજ શું ગાય છે :

'ક્યાં ય ન હોજો મમત લગારે' -નવનીત

મમત કેટલી જગ્યાએ હોય ? આ પ્યાલો કોઇ લઇ જતો હોય તો શું મમત નહીં રાખવાની ? એવું છે, કે એ લઇ જનારને કહીએ કે, 'જો ભાઇ, તું લઇ જાય છે, પણ આ ના મળે, આમાં તો મારું નામ છે.' અને પછી એ વાંચે અને કહે કે, 'હા આપનું જ નામ છે ને લઇ લો.' તો જો તે આમ આપે તો ઠીક, અને એ નામ વાંચીને પણ કહે કે, 'ના, હું નહીં આપું' તો ત્યાં મમત નહીં કરવાની. મમત એટલે શું ? આગ્રહ કરે તે. નાટકી ભાષામાં કહેવાનું હોય કે, 'ભાઇ, મારું નામ પ્યાલા ઉપર છે' ને નામ વાંચીને તે આપે તો ઠીક, પણ જો સામો ખેંચ રાખે તો આપણે તે આપી દેવું, ત્યાં મમત નહીં રાખવાની. પણ આ લઇ જતો હોય તો ચૂપચાપ તેને લઇ જવા દે એવા વીતરાગ ન હોય. ચૂપચાપ ના લઇ જવા દે, એને 'વીતરાગ નથી' એમ નથી કહ્યું. નહીં તો આ તો પોતાની છોડીને ઉઠાવી જાય, પણ ત્યાં કહે, 'મારી છોડી છે, મારે એને સારે ઠેકાણે પૈણાવાની છે.' બધું કહે; પણ તે કમ્પલીટ ડ્રામેટિક હોય તે વીતરાગ છે. પણ આ નથી કહેતા કે મમતે ચઢયા છે ? ! મમત એટલે આગ્રહે ચઢે તે. વીતરાગ માર્ગમાં મમત ના હોય, બીજા માર્ગમાં મમત હોય. એક જ ફેર ડ્રામેટિક રીતે કહે કે, 'બહાર અંધારું છે' ને તમે કહો કે, 'ના અજવાળું છે !' હું ફરી કહું કે, 'જુઓને ભાઇ, હજી અંધારું છે.' એમ વિનંતી કરી જોઉં; છતાં પણ તમે ના માનો તો હું પછી મમત ના પકડું. જો કોઇ કોઇનો ઉપરી હોત તો હું મારી ઠોકીને મનાવું, પણ કોઇ કોઇનો ઉપરી નથી !

ભગવાને વ્યવહારધર્મને શું કહ્યો છે ? બહાર તો બધે નિશ્ચયધર્મ ચાલતો નથી. એ તો એકલો જ અહીં છે. વ્યવહારધર્મ એટલે શું ? કે, લોકમત. લોકમતના વિરૂદ્ધ જાય એ મમત કહેવાય. આ તો દરેક માણસ કહેશે કે, 'આ તો સંકુચિત ધર્મ છે.' આ તો એક મહારાજ કહે કે, 'આજે સાતમ છે' ને બીજા કહે કે, 'આઠમ છે'; તો બેઉને કાઢી નાખવા જોઇએ. આ તો મમતે ચઢે ને તેની વઢવાડ ? ! આ સાતમ-આઠમનો પ્રકાશ કરે છે એવો ચન્દ્રમા, તે એને કોઇ વઢવાડ નથી અને આ લોકોને વઢવાડ છે !

દ્રષ્ટિવાદી, કદાગ્રહી, દુરાગ્રહી, અભિનિવેશી એ બધા શું આપણું ધોળવાના છે ? એમનું પોતાનું જ ધોળી રહ્યા નથી ને ! આ તો એમને સંજોગ બાઝયો નથી એટલે, એમાં એમનો દોષ નથી. અહીં બધા ખુલાસા મેળવી લેવા તો ઉકેલ આવે એમ છે. આ તો બધા પઝલ છે!

વીતરાગોએ શું કહ્યું કે બીજા ગમે તે કરતા હોય તે તું ના કરીશ, માત્ર તારાં હિતનું જ કરજે. આ બીજા લોકો ગુનો કરે, એ તો ના જાણતો હોય પણ તું તો જૈન છે. વકીલ થઇને ચારસોવીસીનો ગુનો કરે છે ? વકીલ ચારસોવીસી કરે તો શું થાય ? જો રોગ પેઠા છે ! જૈનમાં આવ્યા તે તો વકીલ કહેવાય, કાયદા જાણતો હોય તે જ કાપડ ખેંચે તો શું થાય?!

આ અમારે ભાગે પૂંજો વાળવાનો છે ! અમને તે વળી 'આવડી આવડી' આપવાની ગમતી હશે ? આવા શબ્દો અમને શોભે ? જેની વાણી 'પ્રત્યક્ષ સરસ્વતી' છે એવા 'જ્ઞાની પુરુષ'ને ભાગે આ કાળમાં પૂંજો વાળવાનો આવ્યો છે અને તે નીકળશે ય ખરો. આ કાળમાં બધો સડી ગયેલો માલ ! આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨૦૦૫ની સાલમાં તો બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળે ય નહીં હોય અને કોઇ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઇ પણ તીર્થંકરોનું શાસન આવું અજોડ નહીં હોય !

સાચી દીક્ષા !

પ્રશ્નકર્તા : મહારાજ કહે છે કે દીક્ષા વગર મોક્ષ નથી એ વાત ખરી?

દાદાશ્રી : વાત સાચી છે, દીક્ષા વગર મોક્ષ નથી; પણ દીક્ષા કોને કહેવી ? દીક્ષાની વ્યાખ્યા તો હોવી જોઇએ ને ? કઇ દીક્ષાથી મોક્ષ થાય? આપણે એ કબૂલ કરીએ છીએ કે દીક્ષા વગર મોક્ષ નથી, પણ ખરી દીક્ષાને એ સમજયા નથી. મહાવીર ભગવાને કહેલી દીક્ષા અમે જ આપી શકીએ છીએ.

પ્રશ્નકર્તા : દીક્ષા એટલે શું ?

દાદાશ્રી : 'જ્ઞાન'ને 'જ્ઞાન'માં બેસાડવું અને 'અજ્ઞાન'ને 'અજ્ઞાન'માં બેસાડવું એનું નામ દીક્ષા. તે 'દાદા' એકલા જ સાચી દીક્ષા આપી શકે. પોતે દીક્ષિત થયો નથી, તે કયાંથી દીક્ષા આપી શકે ? અને કહેશે કે, 'મેં દીક્ષા લીધી.' બે જાતનાં મોતી હોય, એક સાચા ને બીજાં કલ્ચર્ડ. અત્યારે તો બનાવટી મોતી ચાલે છે ને ! માટે, જન્મ પહેલાં કોનો થયો?

પ્રશ્નકર્તા : સાચાનો.

દાદાશ્રી : માટે સાચા મોતી હતાં તો બનાવટીનો જન્મ થયો, તેમ પહેલાં દીક્ષા સાચી હતી ત્યારે જ આ કલ્ચર્ડ દીક્ષાનો જન્મ થયો છે ને! આ અક્રમ માર્ગ છે, એટલે કોઇને તરછોડ નહીં મારવાની, વહુ છોકરાંને ય તરછોડ નહીં મારવાની; ઊલટું રોજ બૈરી જોડે ઝઘડતો તો એ ય બંધ થઇ જાય !

ભગવાને દીક્ષા શબ્દ ખોટો નથી મૂકયો, પણ દીક્ષા કોને કહેવી એ જાણવું પડે ને ? ભગવાનના વખતમાં દીક્ષા આપતા હતા ત્યારે 'આ' બોલાવતા હતા. શબ્દો એના એ જ રહ્યા છે પણ દીક્ષા બનાવટી થઇ ગઇ છે.

''એગો મે શાષઓ અપ્પા, નાણ દંસ્સણ સંજ્જૂઓ,

શેષામે બાહીરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા,

સંજોગ મૂલા જીવેણ, પત્તા દુઃખમ્ પરંપરા,

તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તિવીહેણ વોસરીયામિ.''

અત્યારે તો દીક્ષા લીધી અને કલાક પછી ચિઢાયા કરે. સવ્વમ્ તિવીહેણ વોસરીયામિ કર્યું પછી શું કામ ચિઢાયા કરે છે ? બધો કલ્ચર્ડ માલ !

આ દીક્ષા તો પાછી બંધનમાં બાંધે. અહીં 'અમે' દીક્ષા આપી દઇ એ છીએ એટલે સંસાર રોગ બધો ય મટી જાય ! અમે તમને આત્મા હાથમાં રોકડો આપીએ છીએ, તે દહાડે જ દીક્ષા આપીએ છીએ; દીક્ષિત કરીએ છીએ. લોક દીક્ષાને એમની લોકભાષામાં સમજે છે, પણ એ તો દીક્ષા કહેવાય નહીં. તમે આવું કહો તો કોઇ માને નહીં, કારણ કે જયાં ભાષાનો અર્થ જ એ જ થઇ ગયો અને જયાં જે ભાષા ચાલતી હોય તો ત્યાં તે ભાષા ચલાવવી પડે !

અત્યારે તો આઠ આની ઘઉં અને આઠ આની કાંકરાવાળું થઇ ગયું છે. આ આખી નહીં પણ ટુકડાવાળી સોપારી આવે છે ને, ઉપર કશુંક ચોપડે ને મીઠી લાગે પણ એ તો બગડેલી સડેલી સોપારી હોય, તેને ભેગી ગળ્યા પાણીમાં નાખે. ભાન જ નથી લોકોને કે સોપારી ખાવી છે કે સ્વાદ ખાવો છે ? સ્વાદ જોઇતો હોય તો મીઠાઇ ખાને. અલ્યા, સ્વાદ માટે સોપારી ખાઉં છું ? માણસના ય ભાનમાં નથી, સોપારીનો સ્વાદ ચાખવો હોય તો સોપારીને જ ખા. સાચી ચીજ આપણા હાથમાં જ ના આવવા દે ને ! આ તો ડફોળો છે, તેનાથી ડફોળાઇવાળી ચીજ ડફોળને ખાવા મળે અને સારી ચીજ સારાને મળે. એટલે અમે કહ્યું કે આ ડફોળોનો ઉપકાર માનજો કે એમને લીધે આપણને સારી વસ્તુ મળે છે. ડફોળ શાથી કહ્યા ? કે પૈસા આપીને ઉપરથી ડફોળાઇવાળો માલ લઇ આવ્યા !

વીતરાગોની ઝીણી વાત !!

અત્યારે તો દીક્ષાએ નથી રહી ને મહાવ્રતે ય રહ્યાં નથી. અરે, અણુવ્રતે ય રહ્યા નથી; એના બદલે બધું કલ્ચર્ડ પેઠું ને સાચું ગયું. વ્રત કોને કહેવાય ? વર્તે તેને વ્રત કહેવાય. એમાં કોઇ વસ્તુ યાદ જ ના આવે, 'શું છોડવું છે ને શું છુટયું છે' તે યાદ જ ના રહે. 'આ છોડયું ને તે છોડયું' એ યાદ રહ્યું તો તેનાથી તો જોખમ આવે.

કયાં ભગવાન મહાવીરનું એક વાક્ય ! તે સમજયા નહીં, છેવટે મુહપત્તિ બાંધી ! એકડા પછી બગડો હોય તો તે બરોબર છે, એમ આપણે કહીએ, પણ આ મુહપત્તિ તો છેલ્લી દશામાં માણસ વિચરતો હોય તો હાથમાં એક કપડું રાખવાનું કે જયાં બહુ જીવ ઊડતાં હોય તો મોઢા પાસે કપડું ઢાંકવાનું. એ કપડું રાખવાનું તે જીવને બચાવવા માટે નહીં, કારણ કે કોઇ જીવ બીજા જીવને બચાવી શકે જ નહીં; પણ આ તો જીવડાં મોઢામાં કે નાકમાં પેસી ના જાય ને પ્રકૃતિને નુકસાન ના કરે એટલા માટે મુહપતિ રાખવાની.

આ મુહપત્તિ એ તો છેલ્લું કારણ છે. એની આગળ 'કેવળ- જ્ઞાન'નાં અને એવાં બધાં બીજાં ઘણાં કારણ સેવવાં જોઇએ. આ તો છેલ્લું કારણ પહેલું સેવવામાં આવે તો શા કામનું ? 'સ્થાનકવાસી છે અને મુહપત્તિ રાખું છે' એ તો વિરાધાભાસ કહેવાય, મહાવીરના ચાળા પાડયા કહેવાય ! તમે 'શુદ્ધાત્મા' થયા છો અને મુહપત્તિ રાખો તો વાત બરોબર છે, છતાં એ ૪૫ પછી સીધું ૯૯ની વાત છે ! અને આ 'હું સ્થાનકવાસી છું' એમ કહેવું એ તો ૮ પછીના ૯૯ની વાત છે ! ૯૮ પછી ૯૯ની વાત હોય તો તે બરોબર છે. આ સ્થાનકવાસી તો જ્ઞાન જાણવાની ભારે ઇચ્છાવાળા, જિજ્ઞાસાવાળા અને કોઇ કામ કરવાની ધગશવાળા હોય છે. આ તો ભયંકર ભૂલો થઇ રહી છે ને કહેશે, 'મહાવીરનો ધર્મ પાળીએ છીએ.' આ તો મહાવીરને વગોવે છે ! આપણા ફાધર વગોવાય એવું કાર્ય કરાય ? કોઇ ના કરે. આ તો ભગવાનને વગોવે છે !

એક ક્ષણ વાર પણ ગાફેલ રહેવું ના જોઇએ. ગાડીમાં ગાફેલ નથી રહેતો ને જયાં અનંત અવતારની ભટકામણમાં છે ત્યાં ગાફેલ રહે છે ?!

ભગવાને કહ્યું, 'હે જીવો બુઝો, બુઝો. સમ્યક્ પ્રકારે બુઝો.' ભગવાનની કહેલી વાતોની વિરોધી વાતોથી મુક્ત થાય તો જ મોક્ષ છે.

સાચો માર્ગ જડે તો ઉકેલ !

પ્રશ્નકર્તા : મારે હંમેશાં વ્યાખ્યાનમાં જવાનું એવો નિયમ છે.

દાદાશ્રી : રોજ નાહીએ ને શરીરનો મેલ ના જાય તો શા કામનું? આ તો રોજ વ્યાખ્યાનમાં જાય; પણ મનનો, વાણીનો, બુદ્ધિનો મેલ ના જાય તે શું કામનું ? આપણું દળદર ના ફીટે તો શું કામનું ? વ્યાખ્યાન આપનાર ગમે તેટલું જાણતા હોય, પણ આપણું દુઃખ ના ઘટે તો નકામું જ ને ! આપણાં દુઃખ ગયાં એ દર્શન કરેલાં કામનાં, નહીં તો દર્શન કરેલાં કામનાં નહીં. સામને ઘેર પચાસ બંગલા હોય, પણ એનાં દર્શનથી આપણને ઝૂંપડું ય ના મળે તો એ દર્શન નકામાં જ ને ? જે મહારાજનાં દર્શન કરે ને દુઃખ ના જાય તો એ પોતે કેટલા દુઃખી હશે ? !

આ ઘાંચીનો બળદ જોયો છે ને ? એ દાબડો પહેરીને મનમાં માને કે, 'હું ચાલ્યો છું' ને દાબડા ખોલે તો એની એ જ જગ્યા ! એવું આ જગત ઘાંચીના બળદ માફક ચાલ્યા કરે છે અને મહેનત નકામી જાય છે. જયાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત બધી નકામી જાય છે. આ સ્ટેશનનો રસ્તો હું જાણતો ના હોઉં તો ભૂલો પડું, ને ચારગણો રસ્તો થાય તો ય ઠેકાણું ના પડે. આ તો સ્ટેશનના રસ્તામાં ભૂલા પડાય છે, તો આ સાચો રસ્તો જડવા માટે એવી કેટલી બધી ભૂલો થાય ? માટે તપાસ તો કરવી જોઇએ ને ? પોતાને સંતોષ ના થાય તો એ રસ્તો બંધ કરી બીજો રસ્તો ખોળી કાઢવો પડે ! મોક્ષની એક જ કેડી છે, ને તે ય પાછી ભુલભુલામણીવાળી છે ! અન્ય માર્ગ અનેક છે, ને પાછા ઓર્નામેન્ટલ છે ! કોઇ સાચા ભોમિયા હોય તેને જ મોક્ષનો માર્ગ પુછાય અને એ ય પાછા નિઃસ્વાર્થી ભોમિયા હોવા જોઇએ.

ધર્મમાં વેપાર ન ઘટે !

પોતે કંઇ પણ ત્યાગ કરે છે અને બીજા પાસે કરાવડાવે છે એ બધા અભ્યાસી કહેવાય. ગુરુ ય ત્યાગે કરે ને શિષ્ય પાસે ય ત્યાગ કરાવડાવે એટલે આપણે ના સમજીએ કે આ સ્ટાન્ડર્ડમાં છે ? ! આ માળા ફેરવતા હોય તો આપણે ના સમજીએ કે આ ધોરણમાં ભણે છે? એમને આપણે પૂછીએ કે, 'સાહેબ, ભણી રહ્યા કે ?' તો એ કહે, 'ભણી તો રહ્યો છું, પણ માળા તો ફેરવવી જ પડે ને ? !' ના, મોક્ષે જવું છે, ને લાકડાની માળાને ને મોક્ષને વેર છે. મોક્ષ માટે તો સ્વરૂપની રમણતા જોઇશે. આ તો લાકડાની રમણતા થાય છે, એથી મોક્ષ ના થાય. આ તો વેપાર માંડી બેઠા છે, એને ચેતવવા કહેવું પડે છે. ધર્મમાં વેપાર ના હોવો ઘટે, વેપારમાં ધર્મ હોવો જ જોઇએ. જયાં ધર્મમાં વેપાર પેઠો, પૈસા-વ્યવહાર પેઠો તો સમજી જવું કે આ રીયલ ધર્મ ન હોય, સાચો ધર્મ ન હોય.

કો'કના કહ્યો પ્રમાણે ચાલે તો ય મોક્ષે જવાય પણ તે ય ચાલતો નથી, પોતાના ડહાપણથી જ ચાલ્યો છે. તેથી ગુરુ રાખવાનું કહેલું, પણ ગુરુ ઠામ-ઠેકાણા વગરના મળે-માર્કેટ મટેરીઅલ તે શું થાય ? આ તો ગુરુ જોડે કરાર નથી કર્યો એટલું સારું છે, નહીં તો કહે, 'કેમ, પાંચ વર્ષના કરાર હતા ને બે વર્ષમાં ચાલ્યા જાવ છો ?' વીતરાગ માર્ગ આવો ના હોય.

ગુરૂકિલ્લી વીણ ગુરૂ કેવા !

આ જગતમાં સાચો ગુરુ મળવો મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં નિરંતર રહે, તે બેઉ ડૂબવાના. ગુરુનો અર્થ શો? ગુરુ એટલે ભારે, તે પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે ! માટે એમ ને એમ જે ગુરુ થઇ બેઠા છે તે પોતે તો ડૂબે ને બીજાને પણ ડૂબાડશે. ગુરુકિલ્લી વગર ગુરુ થવાય તેમ નથી.

પ્રશ્નકર્તા : ગુરુકિલ્લી એટલે શું ? શુદ્ધાત્માનું લક્ષ ?

દાદાશ્રી : ના, તો તો મોક્ષ થઇ જાય. ભગવાનના વખતમાં ગુરુકિલ્લી અપાતી હતી. આ ગુરુ તો કોઇ પણ થાય, પણ તે વિષયોમાં નિસ્પૃહ હોવો જોઇએ. આ જગત તો રોગિષ્ટો ને રોગીઓનું છે, ત્યાં તો ગુરુ થતાં પહેલાં ગુરુકિલ્લી હાથમાં હોવી જોઇએ. આ તો ગુરુ થાય તેને બે-પાંચ શિષ્યો હોય, ને એ એને બાપજી, બાપજી કરે એટલે કેફ વધી જાય, પણ ગુરુકિલ્લીથી નોર્મલમાં રહે.

ગુરુકિલ્લી વગર શું જોઇને ગુરુ થઇ બેઠા છે ? જયાં સુધી 'જ્ઞાની પુરુષ' ગુરુકિલ્લી ના આપે ત્યાં સુધી ગુરુ કેમ થવાય ? 'જ્ઞાની પુરુષ' 'ગુરુતમ' હોય, એનાથી કોઇ મોટો ના હોય અને પોતે 'લઘુતમ' પુરુષ પણ છે, એમનાથી નાનું કોઇ ના હોય ! તમે કહો કે, 'તમે આચાર્ય છો.' તો અમે કહીએ કે, 'એથી પણ ગુરુતમ છીએ.' ભગવાન કહો તો અમે કહીએ, 'એથી અમે પણ ગુરુતમ છીએ.' અને તમે અમને કહો કે, 'તમે ગધેડા છો.' તો અમે કહીએ કે, 'અમે એથી પણ લઘુતમ છીએ.' આવા 'લઘુતમ' 'ગુરુતમ' પુરુષની શી રીતે ઓળખાણ પડે ? ને ઓળખાણ પડે તો કામ નીકળી જાય તેમ છે !

સ્વચ્છંદે રોકાયો મોક્ષ !

મોક્ષે જવું હોય તો સ્વચ્છંદ નામનો અનંતકાળનો રોગ કાઢવો જ પડશે. 'જ્ઞાની પુરુષ' વીતરાગી શબ્દો બોલે તેનાથી સામાનો રોગ જાય. માટે અમારે કહેવું પડે છે કે કઇ જાતના છો ? એક વખત તો પાંસરા થાવ. 'હું છું. હું છું,' તે શેમાં છે તું ? કો'કના આધીન રહોને ! ગમે તેના આધીન રહે તો પોતાને સ્વછંદ તો ના રહેને ! તેથી જ તો કૃપાળુ દેવે કહ્યું કે :

'રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ.' - શ્રીમદ્ રાજચંદ્ર

અને આગળ પાછો સ્વછંદ કાઢવાનો ઉપાય બતાવ્યો કે,

'પ્રત્યક્ષ સદ્ગુરૂ યોગથી સ્વચ્છંદ તે રોકાય,

અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.' - શ્રીમદ્ રાજચંદ્ર

સાચો ગુરુ - સાચો શિષ્ય !

આ સાધુ-સંન્યાસીઓને શું છે કે કોઇને આધીન જ નથી. જો કોઇને આધીન હોય તો બન્ને વચ્ચે કલેશ ના થાય. ગુરુ શિષ્યને આધીન રહે કાં તો શિષ્ય ગુરુને આધીન રહે તો ઉકેલ આવે. ગુરુ શિષ્યને આધીન રહે તો શો વાંધો છે ? આંખો ના હોય ત્યારે ગુરુ શિષ્યને આધીન રહે છે જ ને ? તે એક અવતાર છતી આંખે શિષ્યને આધીન રહો ને, તો ઉકેલ આવે ! મનમાં ગુરુને થાય કે શિષ્ય દુરૂપયોગ કરશે. એ શો દુરૂપયોગ તારો કરવાનો છે ? એના હાથમાં શી સત્તા છે ? એ જ પ્રકૃતિનો નચાવ્યો નાચે છે ને ! એ જ ભમરડો છે ને ! પણ આજે તો સાચા નિસ્પૃહી ગુરુ જ મળવા મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં, તે ઘાટમાં ને ઘાટમાં જ રહે. કોઇને મોક્ષની પડી જ નથી. મોક્ષની પડી હોય તો તેના બાપના સમ ! શિષ્યો વધારવાના ને પૂજાવાના જ કામી થઇ ગયા છે ! એમાં સેંકડે બે-પાંચ એકસેપ્શન કેસ હોય પણ ખરા. ભગવાને શું કહ્યું કે, 'સંસારમાં બધું કરજે, જૂઠું બોલજે, પણ ધર્મમાં અવળી 'પ્રરૂપણા' ના કરીશ.' એની બહુ મોટી જવાબદારી છે. ભગવાને કહેલાં આવાં વાક્યોને દાબી દીધાં છે, કારણ કે જાણે કે લોકો જાણી જશે તો શું થશે ? ભગવાને તો ઘણું કહ્યું છે!

વીતરાગોના વખતના આચાર્યો, મહારાજો કેવા ડાહ્યા હોય ? ૮૦ વરસના આચાર્ય મહારાજ હોય અને ૧૮ વરસનો નવો દીક્ષિત સાધુ હોય તે મોટા આચાર્યને કહે કે, 'મહારાજ, મારું જરા સાંભળશો ?' ત્યારે મહારાજને મહીં એટલું બધું લાગી આવે કે મારી આટલી બધી અજાગૃતિ કે સામાને, નાનાને, આવું કહેવાનો વારો આવ્યો ! જૈનના આચાર્ય તો સામાનું સાંભળે. અરે, વિધર્મીનું ય ઠંડે કલેજે, જરાય કષાય કર્યા વગર સાંભળે. આજે તો કોઇ કોઇનું સાંભળવા જ તૈયાર નથી !

આચાર્યો તો કેવા હોય ? એક આંખ કાઢે તો સો શિષ્યોને પરસેવો છૂટી જાય. તેમને વઢવું ના પડે, ખાલી આંખથી જ કામ થાય. શીલ જ કામ કરે, આચાર્ય તો શીલવાન હોય. આ શિષ્યોને માથે તો ભય જોઇએ. પોલીસવાળાનો ભય ના જોઇએ, પણ શીલનો ભય જોઇએ. ખાલી હવાથી જ ભય રહે. આ અમારી પાસે કોઇ કાયદો નથી. છતાં, બધાં શેનાથી કાયદામાં રહે છે ? અમારા શીલથી. વીતરાગને ત્યાં કાયદો ના હોય, એ તો પક્ષાપક્ષીથી દૂર હોય. તમને બે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તો મહારાજ આશીર્વાદ આપે કે 'બે ઉપવાસ કર.' તો પેલાને મહીં રહ્યા જ કરે અને ગપોલિયું ના મારે, તેને વચનબળ કહેવાય. આ તો શિષ્ય મહીં બબડતા મહારાજની આજ્ઞા પાળે. સાચા ગુરુ અને સાચા શિષ્ય વચ્ચે પ્રેમનો એવો આંકડો હોય કે ગુરુ ગમે તે બોલે પરંતુ શિષ્યને બહુ ગમે.

જયાં જૈન ત્યાં કષાય નહીં ને જયાં કષાય ત્યાં જૈન નહીં. વીતરાગોનો માર્ગ તો કષાય રહિત થવું તે. છેલ્લા પંદર અવતાર રહ્યા ત્યારથી જ વીતરાગ ધર્મ પામ્યા કહેવાય. જિનનું સાંભળે તે જૈન. જૈનને તો કરારપત્ર ના હોય, એને તો વચનથી જ કામ થાય. આ લશ્કર, પોલીસ એ બધું જૈનો માટે ના હોવું જોઇએ, વેરો જ એકલો જૈનો માટે હોવો જોઇએ. હવે આ બધાંનો અંત આવી જશે. આ દુષમકાળનો અંત આવી રહ્યો છે. સત્તા દુષમકાળની રહેશે, પણ એનો અંત આવી રહ્યો છે! હજી આ બફારો સાત વરસ સુધી થશે.

બફારા પછી ધર્મોન્નતિ !

કેટલાક મને પૂછે છે કે, 'દાદા, આ હિન્દુસ્તાનનું શું થઇ રહ્યું છે? આ ભ્રષ્ટાચાર વિરોધની ક્રાંતિ, આ રેલવે હડતાળ, આ બધું શું થઇ રહ્યું છે ? આ ક્યારે પૂરું થશે ?' ત્યારે એમને હું સમજ પાડું છું કે, 'આ તો બટાકા બફાવા મૂકયા છે તે પાંચ જ મિનિટ થઇ છે. હજી તો માંડ છોતરું જ બફાયું છે. હવે એવા બટાકાને કાઢી લો તો શું થાય ? એ કશા ય કામમાં ના આવે. એના કરતાં નિરાંતે બટાકા બફાવા દો, પછી મજાનાં બટાકાવડાં થશે, તે ખાજો. હજી તો આ હિન્દુસ્તાન કંઇક બફાવાનું છે, પણ પરિણામ સુંદર આવવાનું છે, જયાં 'જ્ઞાની પુરુષ' અને તેમના હાથે ૨૧૦૩ જ્ઞાનીઓ થયા, ને બીજી પણ કેટલીક 'ટિકિટો' આવેલ છે, જે કોઇ કાળે ઉત્પન્ન ન હોતા થયા તે આજે થયા છે ! આ બધાં ધર્મોને ઉપર લાવશે. આ બધા ધર્મો અપસેટ થઇ ગયા છે તેને અમે ફરીથી અપસેટ કરી નાખીશું ! એટલે શું થઇ જશે ? સેટ અપ થઇ જશે !

અસંસારી કોણ ?

કેટલાક સાધુઓ ગૃહસ્થીઓને, 'સંસારી છો, સંસારી છો' - એમ કહીને તિરસ્કાર કરે. પણ હે સાધુઓ, તમે પણ સંસારી જ છો. તમને અસંસારી કોણે કહ્યા ? તમે ત્યાગી ખરા, એને માટે આપણે કંઇ ના કહીએ છીએ ? એમણે સ્ત્રી ત્યાગી છે, કપડાં-બપડાં, વેશ ત્યાગ્યો છે. એ બધું જાણીએ ખરા, પણ મહારાજ સંસારી તો ખરા જ ને ! ભગવાને જીવ રાશીના બે ભાગ પાડયા; એક સંસારી અને બીજા સિદ્ધ. સિદ્ધ સિવાય બીજા બધા સંસારી. એમાંથી ભગવાને કહ્યું કે, 'કારણ-સિદ્ધ થયેલા હોય એટલાને અમે એકસેપ્ટ કરીએ છીએ, ને એમને અસંસારી કહીએ છીએ.' હે ભગવાન ! પેલા ઉપર ગયા તે અસંસારી અને અહીં આગળ મનુષ્યોમાં પણ હોય છે તે ય અસંસારી ?' તો એ કહે, 'હા. જે કારણ-સિદ્ધ છે તેમને અમે આ પદ આપીએ છીએ,' ત્યારે તમે કહો કે, 'હે, ભગવાન, કારણ સિદ્ધવાળાને આ પદ આપો છો, તો બીજાઓએ શો ગુનો કર્યો ?' ત્યારે એ સમજ પાડે છે કે, 'કારણ-સિદ્ધ' એટલે તો એ સિદ્ધ થવાના છે, થોડાક જ વખતમાં, માટે એમને અત્યારથી જ આ 'સીટનું રીઝર્વેશન' આપી દઇએ છીએ !' 'ભગવાન, આ બધામાં ભેદ કેમ પાડયો ?' ત્યારે ભગવાન કહે, 'ભેદમાં તો એને અંદર ભેદ વર્તે છે માટે. કારણ-સિદ્ધને ભેદ ના વર્તે, કારણ-સિદ્ધને તો અંદર મોક્ષ જ વર્તે છે. માટે જેને મોક્ષ વર્તે

તેને સંસારી કેમ કહેવાય ?'

ભગવાન મહાવીર નાની ઉંમરમાં પણ બહુ ડાહ્યા હતા !! ૭૨ વર્ષે ગયા, પણ બહુ ડાહ્યા હતા. કેવા ડાહ્યા હતા ! ૩૦ વર્ષે તો ભગવાનનું ડહાપણ આપણને આનંદ પમાડે તેવું હતું ! જયારે ઘર છોડીને નીકળ્યા- છોડયું નહોતું એમણે; એ તો સંયોગી પુરાવા હતા, જેમ હું સાન્તાક્રુઝથી અહીં દાદર આવ્યો, તે એમાં મેં કંઇ સાન્તાક્રુઝ છોડી દીધું ? નહીં, એવું એ તો સંયોગી પુરાવા હતા. મહીં 'વ્યવસ્થિત' દોરાવે છે તેમ દોરવાય છે, એમને પોતાને કશું કરવાનું રહ્યું નથી, કરવાપણું રહ્યું નથી. જેને કરવાપણું રહ્યું નથી તેને ભોગવવાપણું ના રહ્યું ! કરવાપણું જેને બાકી ના રહે એને ભોગવવાપણું ય ના રહે.

ભગવાને કહ્યું તે આ મહારાજોએ પકડી લીધું કે અમે જૈનના સાધુ છીએ ને ? ભગવાને કારણ-સિદ્ધ કોને કોને કહ્યા ? સાધુને, ઉપાધ્યાયને, આચાર્યને અને તીર્થંકર ભગવાનોને, આ ચારને કારણ- સિદ્ધ કહ્યા. એ સંસારી દેખાય છે ખરા, દેખાવમાં સંસારી જેવા જ છે, પણ ભોગવટામાં ફેર છે. આ ચાર સિદ્ધપણાનાં સુખ ભોગવે છે ને તમે સંસારીપણાના સુખ-દુઃખ વેદો છો ! આ આચાર્ય મહારાજો બધા કહે, 'અમે સંસારી ના કહેવાઇએ.' 'મહારાજ, શા આધારે સંસારી ના કહેવાઓ ? અમને પુરાવો દેખાડો તો અમને કબૂલ છે. કસોટીમાં જો સોનું ઊતરે, ૨૫ ટકા સોનું ઊતરે તો પણ અમે ૧૦૦ ટકા સોનું માનીશું !' પછી અમે એમ કેટલીક છૂટ આપીએ, ૨૫ ટકાના ૯૯ ટકા માનીએ ત્યાં સુધી ચલાવી લેવાય, પણ પછી અમે સમજણ પાડીએ તો એ જ કહેશે કે અમે કારણ-સિદ્ધ ના કહેવાઇએ.' તમે સિદ્ધને ભોગવો છો કયાં ? કષાય તો ઊભા રહેલા છે. પૂછો કે, 'મહારાજ, તમારામાં કષાય ખરા ને ?' તો કહેશે, 'હા, કષાય તો ખરા જ ને.' ત્યારે આપણે કહીએ કે તો, 'મહારાજ કારણ-સિદ્ધ તમે નહીં !' ત્યારે મહારાજ જ કહેશે, 'ના, અમે સંસારી, સંપૂર્ણ સંસારી !' આપણે બધાને પૂછીએ તો બધા કહે કે ના કહે ? કહે જ ને ! ના કહે તો આપણે સળી કરીએ તો તરત જ ખબર પડે. પણ સળી કરતાં

પહેલાં જ ચિઢાતા હોય, વાત કરતાં જ ચિઢાતા હોય ! કારણ કે રઘવાટિયા માણસ તો વાત કરતાં કરતાં પણ ચિઢાઇ જાય !

રઘવાટ અને પ્રમાદ

ગમે તેવા સંજોગ આવે, પણ રઘવાટિયો ના થઇશ. આત્મા રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, ત્યાં રઘવાટની જરૂર હોય ? ચા પીઓ, નાસ્તો કરો, વાજાં વગાડો, બધું ય કરો, પણ આ તો રઘવાટ, રઘવાટ ને રઘવાટ ને આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો પાણી ય ના પીવા દે, ગળે ઊતરવા ના દે. આપણે જો પાણી પીતા હોઇએ ને થોડી વાર કરીને તો કહેશે, 'ખસ ખસ અહીંથી જા, પ્રમાદ કરે છે ?' મેલ તારો પ્રમાદ ! પ્રમાદ તારે ઘેર લઇ જા, નથી જવું એવું મોક્ષમાં ! એવું મોક્ષમાં જવાતું હશે ? મહારાજ પાણી પીવા ના દે, ગળે ઊતરવા ના દે, એવું તે મોક્ષમાં જવાય ? તમે એવું જોયેલું ? રઘવાટ નહીં જોયેલો ?

પ્રશ્નકર્તા : જોયેલો ને; હું તો બે વર્ષ સાધુઓમાં રહી આવ્યો છું, દાદા.

દાદાશ્રી : ત્યાં પ્રમાદ નામનો શબ્દ હોય છે ને તે બધાને રઘવાટ રઘવાટ કરાવે છે. એના કરતાં તો પ્રમાદ કરને, તો રઘવાટ મટી જાય! કેટલો વિરોધાભાસ છે ? આ તો 'આ' સાયન્સ, અજાયબ સાયન્સ ઊભું થયું છે ! આ સાયન્સ ! આખું જગત મોંમા આંગળાં ઘાલશે એવું સાયન્સ પ્રગટ થયું છે, 'જેમ છે તેમ' ખુલ્લું થયું છે, નહીં તો અહી ય રઘવાટ હોય ને, તો દાદા તમને ચા-બા પીવા ના દે, 'અલ્યા, ચા પી રહ્યા કે નહીં? ઊઠો, હેંડો, હેંડો ગાવ, ચાલો થબાકો પાડો' એમ કરે; પણ અહીં રઘવાટ-બઘવાટ નહીં ને ! આત્મા તેવો રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, એવો કંઇ ગાંડો હશે, આવો ? આપણે આત્મા જેવા થઇએ, તો આત્મા પ્રાપ્ત થાય.

હવે મારી આ વાતનો બધાને શી રીતે મેળ ખાય ?! હું પ્રમાદ શબ્દ જ કાઢી નખાવા ફરું છું. આ તો તે પ્રમાદી આત્મા છોડયો અને હવે રઘવાટિયો આત્મા ઊભો કર્યો ! તે અલ્યા મૂળ આત્મા ક્યારે તું પામીશ ? પ્રમાદી આત્મા હતો તે પાછો રઘવાટિયો આત્મા ઊભો કર્યો, એના કરતાં તો પ્રમાદી આત્મા સારો હતો કે કોઇને ઢેખાળો તો ના મારે. આ રઘવાટિયાથી તો કોઇકને ધક્કો હઉ વાગી જાય. પ્રમાદિયાને કશું ય નહીં, બિચારો આસ્તે ચાલે. તેથી કરીને પ્રમાદને આપણે પસંદ કરીએ છીએ એવું નથી, પણ પ્રમાદ ઉપર તમે દ્વેષ કેમ કર્યો છે આટલો બધો? અને રઘવાટ ઉપર રાગ કેમ કર્યો છે ? હવે આ રાગદ્વેષ છોડવા હોય ને રાગદ્વેષ કરો, તે કેમ ચાલે ? અત્યારે ચા પીતા હો તો ના પીવા દે, દૂધ રેડતાં પહેલાં ધક્કો મારે, હવે આમને કયાં પહોંચી વળાય ? ક્રમિક માર્ગ જ એવો કઠણ છે, બહુ કઠણ માર્ગ. કૃપાળુદેવે પ્રભુશ્રીને કહ્યું કે, 'સંસ્કૃત શીખી લાવો.' તે પ્રભુશ્રી કહે કે, 'હવે ૪૬ વરસ થયાં, હવે હું ક્યારે આ ઉંમરે શીખું ને મને આવડે ? એના કરતાં મને બીજો રસ્તો દેખાડો ને !' ત્યારે કૃપાળુદેવે કહ્યું કે, 'વિક્ટોરિયા રાણી બધી ભાષા શીખે છે; આટલી ૭૬ વર્ષની છે તો ય તે ૭૬ વરસે આપણી ભાષાઓ શીખે છે ને તમને આપણી પોતાની માતૃભાષા

કંઇ નહીં આવડે ? શીખી લાવો.

' તે આજ્ઞા થઇ એટલે શીખવું પડયું. તે પ્રભુશ્રી કહેતા હતા કે, 'હું થાંભલો ઝાલીને, ગમ ગચ્છતિ ટુ ગો, ગમ ગચ્છતિ ટુ ગો' એમ બોલતો, કે જેથી કરીને ઊંઘ ના આવી જાય, પ્રમાદ ના થાય. હવે કયારે પાર આવે ? અને તેમને બાવીસ પુસ્તક લખી આપેલાં આવડાં જાડાં અને કહેલું કે, 'એને જોડે ને જોડે રાખજો ને મહીં વિચાર આવે કે તરત જ મહીં જોઇ લેજો !' આ ક્રમિક માર્ગ ! કૃપાળુદેવ 'જ્ઞાની પુરુષ' હતા અને એમનો માર્ગ પણ સાચો છે, દુષમકાળના સાચા જ્ઞાની થઇ ગયા. પણ વસ્તુ સ્થિતિમાં ક્રમિક માર્ગ કેટલો બધો કષ્ટદાયી છે ! અને આ આપણો તો અક્રમ માર્ગ, સરળ માર્ગ પ્રાપ્ત થયો ત્યારે લોક આને અલેખે કરી નાખે છે, એટલે ખરો ટાઇમ આવ્યો છે. એક મિનિટ તો એક મિનિટ, પણ અહીં તો એક મિનિટની વધુ કિંમત છે. ફરી આ 'દાદા' એક મિનિટ પણ દર્શન કરવા નહીં મળે ! એક દહાડો એવો આવશે કે દહાડામાં એક મિનિટ પણ દર્શન કરવા આ 'દાદા' નહીં મળે ! 'આ' પ્રગટ સાયન્સ જે ઘડીએ બહાર જગતમાં પ્રગટ થયું તે ઘડીએ જગત ઝાલ્યું રહેશે ?!

બે જાતના મોક્ષમાર્ગ : એક ચાલાક માણસને મળેલો મોક્ષમાર્ગ ને બીજો આળસુ માણસને મળેલો એશઆરામવાળો મોક્ષમાર્ગ. સંસારમાં ચાલાક વધારે હોય છે, એશઆરામી જરા ઓછા હોય છે. આ લોકો એશઆરામી ના કહેવાય, પણ લોકો સમજયા વગર આ શબ્દ વાપરે છે. 'આ' તે જુદું જ કહેવાય, આમાં સંસારી મોહ ના હોય, એશઆરામ ખરો, પણ સંસારી મોહ નહીં. એટલે આ આપણો એશઆરામવાળાનો મોક્ષમાર્ગ છે અને બીજો ચાલાકનો મોક્ષમાર્ગ, એ બેનો જુદો રસ્તો ! એશઆરામવાળો મોડો નીકળે પછી રસ્તો ટૂંકો ખોળી કાઢે ! સૂતો સૂતો બહુ કામ કાઢી નાખે એ તો. એટલે આપણો લિફ્ટ માર્ગ જુદી જાતનો છે, તે બધી રીતે ખીલ્યો છે. તેથી કવિ લખે છે ને કે,

'જ્ઞાની વિક્રમ ટોચ, ઐશ્વર્ય હાહાકાર' - નવનીત

અક્રમ જ્ઞાની છે અને વિક્રમ ટોચ પર બેઠા છે ને હાહાકાર વર્તાવી દીધો છે ! ભલે એશઆરામ કર્યા હશે, પણ માર્ગે ય એશઆરામી મળ્યો છે ને ! ત્યાં 'પ્રમાદ ના કરો, પ્રમાદ ના કરો' કહે તો શી દશા થાય ? રઘવાટ, રઘવાટ ને રઘવાટ, ખાવાપીવામાં ય રઘવાટ. શાના હારું એ રઘવાટ કરે છે ? પ્રમાદ કાઢવા ? પ્રમાદ ગયો ને રઘવાટ પેઠો, એકનું એક ભૂત છે. ઊલટું, આ રઘવાટનું ભૂત ખોટું છે. આ વૈષ્ણવોના સાધુઓને કો'કને ત્યાં જમવા બોલાવ્યા હોય, લાડવા ખાવા, તો તે આરામથી જાય; રઘવાટ-બઘવાટ એમનામાં ના હોય ! અને આ જૈનના આચાર્યો રસ્તે હેંડતા હોય ને આપણે કહીએ કે, 'હમણે હું આવું, આ સૂર્યનારાયણનાં દર્શન કરીને.' તે, આમ દર્શન કરીને આમ જોઇએ ત્યાર સુધીમાં તો કયાં ય દૂર પહોંચી ગયા હોય ! એનું શું કારણ ? રઘવાટ, રઘવાટ. સંડાસ જતાં રઘવાટ ને પેશાબ કરતાં ય રઘવાટ, ચાલતાં રઘવાટ, ખાતાંપીતાં રઘવાટ; બધે રઘવાટ, રઘવાટ, રઘવાટ, રઘવાટ ! એના કરતાં તો આ લાડવા ખાઇને રહે, પેટ ઉપર હાથ-બાથ ફેરવે શાંતિથી, તો આપણને એમ લાગે કે આમનાં દર્શન કરો બિચારાનાં, ને આ રઘવાટિયાનાં તો દર્શન કરવાનું ય મન ના થાય. આ પ્રમાદ કાઢતાં રઘવાટ પેઠો, એના કરતાં પ્રમાદ સારો હતો. જે ભૂત પહેલાંનું હતું ત

ે સારું હતું, આપણા પરિચયવાળું તો ખરું ! આ રઘવાટનું તો અપરિચયવાળું ભૂત પેઠું ! હવે પ્રમાદને સમજતાં નથી ને ઠોકાઠોક બધું કરે છે.

રઘવાટનું કારણ શું ? તો કે' પ્રમાદ છોડયો છે એમણે. અલ્યા, દેહનો પ્રમાદ નથી છોડવાનો, દેહનો પ્રમાદ તો રાખવાનો છે. નિરાંતે પલંગમાં બેસવાનું છે, પલંગ કચકચ કરે તો ય બેસવાનું. છો ને કચકચ કરે, એ પલંગ છે, કંઇ જીવ છે એ ? કોઇ જીવ દબાયો હોય તો આપણે ઊભા થઇ જઇએ, પણ પલંગ છો ને કચકચાટ કરે. બેસી જશે તો આપણે બીજો લાવીશું. પણ કહેશે, 'ના, પ્રમાદ થઇ જાય એટલે બેસે તો ય નિરાંત વાળીને ના બેસે; રઘવાટિયો રઘવાટિયો રહ્યા કરે ! અને તમે કશી વાત પૂછવા જાવને તો તે ય રઘવાટમાં ને રઘવાટમાં ચિઢાઇ જાય, એ 'છીટ, છીટ' કરે. આવું શોભે ?! ભગવાને આવું નથી કહ્યું. ભગવાન વીતરાગો આવા હશે ? આ લોકો ઘડીવારમાં કયાંના કયાં જતા રહે છે, તે મહાવીર આવું ચાલતા હશે ? એ તો એ ય.... આરામથી, આરામ કરતાં કરતાં ચાલે, આ તો મહીં જો આકુળ-વ્યાકુળ થઇ જાયને તો બહારે ય આકુળ-વ્યાકુળ થઇ જાય, મહીં રઘવાટ થયો કે બહાર રઘવાટ, પછી આ ઝાડો-બાડો બધું એને હાલતું દેખાય, ના હાલતા હોય તો ય દેખાય; કારણ કે રઘવાટિયો પોતે છે!

આ મુસ્લિમોના ઓલિયા હોય છે એમને રઘવાટ-બઘવાટ કંઇ નહીં, નિરાંત હોય. આપણે કહીએ કે, 'અલ્યા, આકાશ ગિરનેવાલા નહીં?' તો કહેશે કે, 'નહીં સા'બ, ગિરનેવાલા નહીં. અલ્લાને બનાયા હે ને ! વો તો અલ્લાને બનાયા હૈ, કૈસે ગિરેગા ?' અને આ લોકો તો 'મારું જ કરેલું ને મારે જ ભોગવવાનું.' એટલે આકાશ પડે તો શું થાય? આ સવળી સમજણ અવળી થઇ ગઇ ને તેનાં ફળ કડવાં આવ્યાં, નહીં તો આવું તે હોતું હશે ?

હંમેશાં રઘવાટી માણસ જ્ઞાન પામે, તો ય ઉપયોગ શુદ્ધ એને રહે નહીં, 'શુદ્ધ ઉપયોગ' આપીએ તો ય રઘવાટિયા પાસે રહે નહીં, કારણ કે રઘવાટિયો છે ને ! તમે આ ખાવ, પીઓ, હરો-ફરો પણ ઉપયોગપૂર્વક કરો. આ રઘવાટિયો જાણે કે, 'આમાં તો શુદ્ધ ઉપયોગ જતો રહે જ.' ના, એ તો શુદ્ધ ઉપયોગ રહે જ. ચા સારી છે કે ખોટી છે, કડક છે કે મીઠી છે, તેમાં આપણો શુદ્ધ ઉપયોગ જ રહે.

પ્રમાદ શબ્દે મારી નાખ્યા છે. આ પ્રમાદ શબ્દને સમજયા જ નથી. આટલો રઘવાટ કરે છે, ચાર વાગ્યે ઊઠે છે તો ય જો કદી મહાવીરને પૂછે તો કહેશે, 'આ બધા પ્રમાદી છે, સંપૂર્ણ પ્રમાદી છે, એક અંશ પણ પ્રમાદ ગયો નથી.'

પ્રમાદ શું છે ? આ જગતમાં કોણ પ્રમાદમાં છે ? આખું જગત જ પ્રમાદમાં છે. એ પ્રમાદ કયારે જાય ? આરોપિત ભાવ જાય ત્યારે પ્રમાદ જાય. મદ તો ચઢયો છે ને આ પાછો પ્રમાદ. એક તો આરોપિત ભાવ છે, 'હું ચંદુલાલ છું' માને છે એ મદ છે ને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ. જે અવસ્થા હોય એ સારી હોય તે ઠંડક ભોગવતો હોય ને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ. આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ અને આરોપિત ભાવમાં રંજન કરે એને પ્રમાદ કહ્યો.

હવે આ લોકો, વહેલો ઊઠતો નથી તેને પ્રમાદ કહે છે, પણ એ તો આળસ કહેવાય. વહેલો ઊઠતો નથી એ તો આળસુ માણસનું વિટામિન છે. એક તો ઊઠે મોડો અને છેલ્લી ઘડીએ ગાડી આવે ત્યારે એવો દોડે ! એટલે એ આળસુ માણસનું વિટામિન છે.

હવે સાધુઓ એમની ભાષામાં પ્રમાદનો અર્થ લઇ ગયા અને ભગવાને જુદું કહ્યું, ભગવાનની ભાષા આપણને કામની. જ્ઞાનીની સંજ્ઞાએ ચાલવું, એ ધ્રુવકાંટો બરોબર છે, એમનું જ્ઞાન ખરી ઉત્તર દિશા બતાવે. બીજા તો ઉત્તરને બદલે દક્ષિણમાં લઇ જાય, કાંટો ઉત્તરનો દેખાડે ને લઇ જાય દક્ષિણમાં. જ્ઞાનીને વિશે યથાર્થ જ કહેવાયું છે કે,

'મોક્ષ માર્ગનેત્તારંય ભેત્તારં કર્મભુભૃતામ્

જ્ઞાતારં સર્વ તત્વાનામ્, વંદે તદ્ગુણ લબ્ધયે.'

રુરુરુરુરુ

સ્વરમણતા : પરરમણતા

જેણે લગ્ન નાઇલાજ થઇને કર્યું હોય તેને માટે વીતરાગોનું જ્ઞાન છે અને રાજીખુશીથી સહીઓ કરીને, ત્રણ ત્રણ સહીઓ કરીને લગ્ન કરી નાખ્યું તે વીતરાગોના જ્ઞાનને કેમ પામે ? નાછૂટકે જેણે શાદી કરી છે, નાછૂટકે જે ખાય છે, નાછૂટકે જે પીએ છે તેને માટે વીતરાગોનું જ્ઞાન છે ! 'નાછૂટકો' આ એક પદ છે, સ્ટેજ છે; નથી જ ગમતું છતાં કરવું પડે છે. તમને એકાદ ચીજ ગમતી તો હશે ને ? એવી તમને ખબર હશે ને ?

પ્રશ્નકર્તા : ગમતી છે ખરી, પણ આ જ છે એવું આંગળી ચીંધીને હું બતાવી શકું નહીં.

દાદાશ્રી : 'છે' ખરું ને ? એ 'છે' ના આધારે જીવે છે. આ જીવે છે શાના આધારે ? 'છે'ના આધારે અને 'છે'ના આધારે ના જીવે તો આત્મા પ્રાપ્ત થઇ જાય ! અત્યારે આત્માની રમણતા 'છે' એમાં છે. જો 'છે'વાળી રમણતા ના ગમતી થઇ જાય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો, નહીં તો દેહ રહે જ નહીં ! પણ 'છે' એમાં રમણતા છે, ત્યારે આત્મા કહે છે, 'તમારું બરોબર છે. તમે તમારા ગામમાં બરોબર છો ને હું મારા ગામમાં બરોબર છું !' કોઇક જગ્યાએ રમણતા વર્ત્યા કરે, આ બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે. જો રમણતા કોઇ પણ જગ્યાએ-એક પરમાણુ માત્રમાં, પુદ્ગલમાં પૌદ્ગલિક રમણતા ના હોય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો ! અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક રમણતા નથી ! આત્મ-રમણતા સિવાય એક ક્ષણ પણ અમે રહ્યા નથી ! આ દેહ 'મારો છે' એવું અમને ભાન રહેતું નથી, પાડોશી તરીકેનું ભાન રહે છે, આ દેહ નેબરર છે, ફર્સ્ટ નેબર છે.

પૌદ્ગલિક રમણતા જો કિંચિત્ માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી. આત્માના અણસાર દેખાય છે, પણ તથારૂપ ના થાય. તથારૂપ એટલે ભગવાને જેવો આત્મા કહ્યો છે, તેવો ના થાય. તથારૂપ આત્મા એ તો અચળ આત્મા છે ! આ બધા ચંચળ આત્મા છે ! જયાં સુધી પૌદ્ગલિક રમણતા છે ત્યા સુધી ચંચળ આત્મા છે. ભગવાને કહ્યું કે બે જાતની રમણતા હોય. એક 'શુદ્ધ ચેતન'ની રમણતા, એ પરમાત્મ રમણતા કહેવાય છે; અને નહીં તો બીજી પુદ્ગલની રમણતા, એ રમકડાંની રમણતા કહેવાય છે, રમકડાં રમાડે છે એમ કહેવાય છે.

બધી યે રમકડાંની રમણતા !

હા, બાળકો ય રમકડાં જ રમાડે છે ને ? બે વર્ષના બાળકનાં રમકડાં પાંચ વર્ષના બાળકને આપે તો તે લે ખરો ? ના લે. એ તો કહેશે, 'આ તો નાના બાબાનાં છે, મારાં ન હોય !' એટલે નાના બાબાનાં રમકડાં મોટો બાબો ના વાપરે ને મોટાનાં રમકંડા નાનો ના વાપરે. પછી પાંચ વરસના બાબાનાં રમકડાં હોય તે મોટો અગિયાર વર્ષનો ના લે, કહેશે, 'અમે તો ક્રિકેટ રમવા જઇશું' પછી છે તે ચૌદ વર્ષનો થાય ત્યાં સુધી ક્રિકેટ ને ફૂટબોલ ને વોલીબોલ ને ફલાણા બોલ ને આમતેમ, બધાં રમકડાં રમાડયા કરે. પછી અઢાર વર્ષનો થાય તે ય ભણતાં ભણતાં ચોપડીઓ રમાડે. ચોપડીઓ એ ય રમકડાં કહેવાય. જે ચોપડીઓ ઉપર રૂચિ છે એ શું કહેવાય ? જયાં રુચિ છે ત્યાં રમણતા કહેવાય. એટલે ચોપડીઓ રમકડાં, ફૂટબોલ રમકડાં, ઢીંગલા-ઢીંગલી એ બધાં ય રમકડાં જ કહેવાય ! પછી વીસ-બાવીસ વર્ષનો થાય ત્યારે કહેશે કે, 'હવે મારે ઢીંગલી નહીં ચાલે, મારે મોટી જીવતી ઢીંગલી જોઇશે.' 'મેર ગાંડિયા, પેલી ઢીંગલી શી ખોટી છે ? લાવી આપવા દેને તને, અહીં આગળથી જાપાનીઝ આવે છે તે, મોટી, સાડી પહેરેલી આવે છે તે ?' તો તે કહેશે, 'ના, મારે જીવતી જોઇએ.' તે પાછો જીવતી ઢીંગલી લઇ આવે ! હવે આપણે તેને કહીએ કે, 'હવે તો સંતોષ થઇ ગયો ને ? રમકડાંને કંઇ બંધ કરીશ

હવ

ે ?' તો એ કહેશે કે, 'હવે મારે વાંધો નથી.' ત્યાર પછી હોંશે હોંશે બે-ચાર વરસ થાય, એટલે લોક પૂછ પૂછ કરે કે, 'ભાઇ ચાર વરસ થયાં પૈણ્યે, શું છે ? બેબી છે કે બાબો ? નથી, કંઇ કશું ?' એટલે પાછું મનમાં થાય કે આ રમકડું ખૂટે છે, એટલે પાછો એ રમકડાંમાં પડયો.

ત્યારે બીજો એક છોકરો બાવીસ વર્ષનો થાય, ત્યારે કહેશે, 'ના, મારે તો દીક્ષા લેવી છે !' 'તને આ જીવતી ઢીંગલી નહી ફાવે ?' તો તે કહેશે, 'ના, મને એ રમકડું નહીં ફાવે, હું તો ત્યાગી રમકડાં ખોળીશ. જે આવી જીવતી ઢીંગલી ના વાપરતા હોય તે રમકડાં અમારાં !'

કેટલાક લગ્ન થાય, છોકરાં થાય, પછી એમને ઉદય એવા આવ્યા, કે બૈરી જોડે ઝઘડા થવા લાગ્યા. એટલે એને ઉદય ત્યાગનો આવ્યો, એટલે પાછો એ શું કરે કે બૈરી પાસે મારી-ઠોકીને લખાવી લે કે 'હું રાજીખુશીથી મારા ધણીને મોક્ષનું કામ કાઢી લેવા જવા દઉં છું,' આમ બૈરી-છોકરાંને રડાવીને લખાવી લે ! આ બધા બૈરી-છોકરાંને રડાવી રડાવીને આવ્યા છે. થોડા ઘણા હશે કે જે પૈણ્યા જ ના હોય અને બીજા કેટલાક હશે કે જેમને પૈણવાનું મળતું જ ના હોય ! બીજા થોડા ઘણા છે કે જેને ઘેર ખાવાનું જ હતું નહીં. બીજા થોડા ઘણા છે તે ડફોળ, ભણવામાં ડફોળ, બીજા બધામાં ડફોળ, પણ આટલી આ અક્કલમાં પહોંચેલા કે અહીં આ સંસારમાં રોજ રેશન લેવા જવું પડે, નોકરી કરવા જવી પડે, તે આ ઉપાધિ તેમને ગમે નહીં, એટલે કહેશે કે, 'આ ત્યાં સાધુપણામાં તો ખાલી ઉઘાડે પગે ફરવાનું એટલું જ દુઃખને ! ને લોક બાપજી બાપજી તો કરશે ! આવડયું, ના આવડયું કોણ પૂછે છે ? એટલે આ કેટલાક તો એવી રીતે પેસી ગયા છે ! અને એમાં સાચા ય સાધુઓ ખરાં, પાંચ-દશ ટકા ! કેટલાક કરોડો રૂપિયા મૂકીને પણ આવે છે. તેમને પૂછીએ કે, 'તમને રૂપિયા રમાડવાના ના ગમ્યા, સાહ્યબી રમાડવાની ના ગમી, બાઇ રમાડવાની ના ગમી ? અહીં શું કરવા, શાં રમકડાં

રમાડવા આવ્યા છો ?' ત્યારે એ કહેશે કે, ' સમાજકલ્યાણ કરવું છે.' 'અલ્યા, કયા અવતારમાં સમાજનું કલ્યાણ કર્યા વગર તું રહ્યો છે ? તું તારું જ કલ્યાણ કરને ! તારા પોતાનું કલ્યાણ કર્યા વગર સમાજનું શી રીતે કલ્યાણ થશે, અલ્યા ?'

હવે આવી બધી અવળી સમજ કયાં સુધી ચાલશે ? વીતરાગોની સાચી સમજથી તો ચાલવું પડશે ને ? અને પાછા ગાય પણ ખરા, 'પરરમણતા દૂર કરે, પરરમણતા દૂર કરે.' અલ્યા, પરરમણતા એટલે તું શું સમજયો ? તું આ રમાડે છે તે જ પરરમણતા છે ! તે તો શી રીતે તું દૂર કરે કેટલાક કહે કે, 'સમાજકલ્યાણ કરીએ છીએ, જૈનોને વધારીએ છીએ.' અલ્યા, જૈન વધે કે ઘટે એમાં તારે શી પીડા ? મહાવીર ભગવાનને આવી ચિંતા નહોતી તો તને તો કયાંથી પેઠી ? તારા ગુરુના ગુરુ, એના ગુરુ અને આખી દુનિયાના ગુરુ એવા મહાવીર, તેમણે ચિંતા નથી કરી કે જૈનો વધે, તો તું આવો કયાંથી પાકયો છે કે જૈનો વધારવા પડયો છે તે ? તારું ચિત્ત ચગડોળે ચઢયું છે કે શું ? એના કરતાં ઘેર છોકરા વધાર્યાં હોય તો ડઝન કે પાંચ, વધત ને ? પણ આ તો છોકરાંને નિર્વંશ કર્યાં ! આને જૈન કેમ કહેવાય ? સમજવું તો પડશે જ ને સાચું? કયાં સુધી આવું ઠોકાઠોક ચાલશે ? સાચું સમજવું પડશે. સાચું જાણવું પડશે તો આત્મા જાણવાને મળે. પરરમણતા જાય તો સ્વરમણતા ઉત્પન્ન થાય.

તમને રમણતા શાને કહેવાય એ સમજ પડી ને ? ઠેઠ સુધી શાસ્ત્રો રમાડે. ગુરુઓ શિષ્યોને રમાડે ને શિષ્યો ગુરુઓને રમાડે ને કહે શું કે, 'આ મોક્ષનો રસ્તો છે.' અલ્યા, ના હોય એ મોક્ષનો રસ્તો ! ગુરુઓને રમાડે અને શાસ્ત્રોને રમાડ રમાડ કરે રોજ ! સાધુ. મહારાજો, આચાર્યો બધા શાસ્ત્રોને રમાડ રમાડ કરે. ભગવાને કહ્યું કે, તું ઠેઠ સુધી રમકડાં જ રમાડે છે, તેમાં તારો શો શુક્કરવાર વળ્યો ? તે રમકડાં રમાડયાં છે, માટે મોક્ષ માટે ગેટ આઉટ. ત્યારે પેલો કહેશે, 'ભગવાન આ તમારાં શાસ્ત્રો, આગમો બધું હું રમાડું છું ને !' ત્યારે ભગવાન કહે, પણ તું ગેટ આઉટ, તેં રમકડાં રમાડયાં છે, એક ક્ષણ પણ આત્માને રમાડયો નથી.' અમે સ્વરમણતાથી મોક્ષ આપીએ છીએ ! તેથી તો અમે તમને બધાને પુસ્તક ઝાલવાની ના કહી છે ને !

સ્વમાં રમણતા કર્યા કર. જેને સ્વ પ્રાપ્ત નથી થયું તે બધાં રમકડાં રમાડ રમાડ કરે છે. આ બધા આચાર્યો-બાચાર્યો જે આખા વર્લ્ડમાં છે, તે બધાં જ રમકડાં રમાડ રમાડ કરે છે. આપણા અહીંના મહાત્માઓ જ એક આત્માને, સ્વને રમાડે છે, સ્વરમણતા કરે છે. હવે આ આટલી ઝીણી વાત સમજે નહીં તે આખો દહાડો પુસ્તક ને પુસ્તક રમાડયા કરે ! પુસ્તક ના જડે તો ચિઢાયા કરે. આખો દહાડો બધા ઉપર ચિઢાયા કરે, 'તમારામાં અક્કલ નથી' એમ બધાને કહે. આ અક્કલનો કોથળો આવ્યો ! ભગવાને પુસ્તકમાં ચોખ્ખું ના કહ્યું છે કે કોઇની ઉપર ચિઢાઇશ નહીં, કોઇને દુઃખ દઇશ નહીં; પણ એનું એ જ કરે, પુસ્તકમાં શું આવું ચિઢાવાનું કહ્યું હોય? પણ જો એક પુસ્તક ખોવાઇ જાયને, જે પુસ્તક ચિઢાવાનું ના કહેનારું હોય તે જ પુસ્તક ખોવાઇ જાયને, તો ય ચિઢાયા કરે ! આ બધાં રમકડાં રમાડે છે, પછી એ બૂમ પાડે એમાં શી ભલીવાર આવે ? શાસ્ત્રો કરોડ અવતાર વાંચ વાંચ કરેને તો ય એ તો ઊલટો શાસ્ત્રોનાં બંધનમાં પડયો. પેલી સંસારની રમણતામાં પડયો તો એમાં બંધનમાં પડયો. ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી પાછો ઓલામાં ! પુસ્તકો ય રમકડાં છે. આત્મા જાણવા માટે પુસ્તકો છે માટે એ હેતુ ખોટો નથી; પણ આત્માની રમણતા એ જ ખરી રમણતા છે, બીજી બધી પરરમણતા

છે.

એક સાધુ આવેલા તે કહે કે, 'મારે બિલકુલ, એકુ ય પરિગ્રહ નથી, તો મારો મોક્ષ થશે ને ?' અમે કહ્યું, 'ના, તમારો મોક્ષ નથી. જયાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. આ તો બધાં રમકડાંની રમણતામાં છે, શાસ્ત્રો વાંચે કે ક્રિયાકાંડ વગેરે કરે તે બધી રમણતા છે. પરિગ્રહ કંઇ નડતા નથી. પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે ! એવું નોંધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે.' તને જો સ્વરમણતા પ્રાપ્ત થઇ હોય તો પૈણને ૧૩૦૦ રાણીઓ ! અમને વાંધો નથી, તારી શક્તિ જોઈએ. સ્વરમણતા તને જો પ્રાપ્ત થઇ તો તને શો વાંધો છે ? સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કોઇ પણ જાતનો વાંધો સ્પર્શે નહીં.

રમણતા : અવસ્થાની ને અવિનાશીની !

આટલી ઝીણવટની વાતો લોકોને સમજાય નહીં, 'આ સ્વરમણતા' અને 'આ પરરમણતા' એવું કશું ભાન જ નહીં. બે જાતના માણસ : એક અવસ્થાઓમાં પડયા છે, એ પછી સાધુ હોય કે સંન્યાસી હોય, આચાર્ય હોય કે સૂરી હોય, બધાં અવસ્થાઓમાં પડેલા છે અને બીજા સ્વરૂપમાં પડેલા છે તે 'દાદા'એ જેમને 'સ્વરૂપનું જ્ઞાન' આપ્યું ત્યાર પછી તે પોતાના સ્વરૂપમાં પડેલા છે.

અવસ્થાઓ વિનાશી છે, વિનાશી છે એટલે એકદમ કંઇ પા કલાકમાં વિનાશ થઇ જાય એવી નથી. કોઇ ત્રણ કલાક નભે, કોઇ ચાર કલાક નભે. જુવાની દસ વર્ષ કે પંદર વર્ષ નભે, ઘૈડપણ વીસ વર્ષ નભે. તે એમાં બાળપણ, યુવાની અને ઘૈડપણ એ ત્રણ અવસ્થા મોટી અને બાળપણમાં ય કેટલી આવસ્થા ઊભી થાય. નાનો બે વર્ષનો હતો ત્યારે નાગો ફરતો હતો, કપડાં નહોતાં પહેરતો, તો તે ચાલતું હતું. પાંચ વર્ષનો થયો તે કપડાં બધાં પહેરાવે ત્યારે આવડાં રમકડાં માગે અને અગિયાર વર્ષનો થાય ત્યારે પાંચ વર્ષના જ બાબાનાં રમકડાં આપીએ તો ના લે, 'મારે તો બોલ ને બેટ જ જોઇએ' એમ કહેશે. 'અલ્યા, કેમ રમકડાં બદલ્યાં ?' ત્યારે કહેશે, 'મારી અવસ્થા બદલાઇ, હું મોટો ના થયો ?' અવસ્થા બદલાઇ તે મોટો થયો એ ! એમ કરતાં કરતાં એ ઠેઠ સુધી રમકડાં રમાડે. જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે. અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે, આકુળ વ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ, નિરાકુળ રહે ! 'જ્ઞાની પુરુષ' તમને અવસ્થાની રમણતામાંથી ઉઠાવી લઇ આત્મરમણતામાં બેસાડી દે, પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતરની આત્મરમણતા કાયમ માટે ઉત્પન્ન થઇ જાય છે

! 'જ્ઞાની પુરુષ' શું ના કરી શકે ?

આત્માની રમણતા થઇ પછી કશું કામ બાકી રહેતું નથી, નહીં તો ત્યાં સુધી રમકડાં જ રમાડવા પડે ને ? કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં ? જયાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે ? કાં તો અંદર મૂકે; પણ અંદરનું 'સ્વરૂપનું ભાન' નથી એટલે ત્યાં સુધી પોતે બાહ્ય રમકડાં રમાડે, નહીં તો ચિત્ત ભટકયા કરે; તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે !

રમકડાં કોને કહેવાય ? જે ખોવાય તો દ્વેષ થાય ને મળે તો રાગ થાય ! સામે એક ફેરો 'જ્ઞાની પુરુષ'નો ભેટો થઇ ગયો ને સાંધો મળ્યો, આત્મા પ્રાપ્ત થઇ ગયો, 'સ્વરૂપની રમણતામાં' આવ્યો ત્યાર પછી રાગ-દ્વેષ મટયો ને થઇ ગયો વીતરાગ ! નહીં તો ત્યાં સુધી પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં જ રમણતા ! એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઇ ગયો વીતરાગ !

જય સચ્ચિદાનંદ.

નિયાણાં ને શલ્ય !

અનંત અવતારથી મોક્ષની ઇચ્છા છે ને જયારે મોક્ષ આપનારા મળ્યા ક્રમિક માર્ગમાં ત્યારે નિયાણાં કર્યા, અને તેથી રખડયા ! અને અત્યારે 'આ' જ્ઞાન જેને મળ્યું છે એનાથી તો નિયાણાં કરવાં હોય તો ય ના થાય, કારણ કે આ અક્રમ માર્ગ છે ! નિયાણાં કોને ઊભાં થાય? શલ્યવાળાને ઊભાં થાય. નિઃશલ્ય થયા પછી નિયાણું કેમનું બંધાય ? શલ્ય એટલે મહીં ખૂંચ્યા કરે. આ ગાદી ખૂંચે તો કહે કે, 'બીજી સારી ગાદી લાવવી છે' તે તેનું નિયાણું કરે. આ નિયાણું કરે એટલે પોતાની પાસે જેટલી પુણ્યૈની મિલકત હોય તે નિયાણામાં હોડમાં મૂકી દે ! તે પછી જેનું નિયાણું કર્યું હોય તે પ્રાપ્ત થાય.

ભગવાને ત્રણ પ્રકારના શલ્ય કહ્યાં : મિથ્યાત્વ શલ્ય, નિદાન શલ્ય અને માયા શલ્ય; તેના આધારે આ નિયાણાં કરે છે. શલ્ય બધાનામાં હોય, નિઃશલ્ય થાય નહીં. આ 'અક્રમ માર્ગ' છે તેથી શલ્ય રહિત થાય!

આ બંધનમાંથી મુક્તિ થઇ શકે છે, વીતરાગો મોક્ષ આપી શકે છે, વીતરાગોનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે, એવી જેને સૂઝ પડી છે એને તો મિથ્યાત્વ દર્શન, બહુ ઊંચામાં ઊંચું દર્શન કહ્યું છે ! આ તો બીજાને વગોવે છે કે, 'તું મિથ્યાત્વી છે.' અલ્યા તું સમકિતી છે તે બીજાને મિથ્યાત્વી કહે છે ? અને પોતે જો સમકિતી હોય તો તે બીજાનો તિરસ્કાર ના કરે અને મિથ્યાત્વી હોય તો ય પોતા જેવા મિથ્યાત્વીનો તિરસ્કાર ના કરે. 'આ તો મિથ્યાત્વી છે' એમ કહીને જે તિરસ્કાર કરે છે, એ તો 'ડબલ મિથ્યાત્વી' છે ! મિથ્યાત્વ દર્શન થયું એ તો વખાણવા લાયક દર્શન છે. આ દર્શનમાં આવ્યા પછી એને 'મોક્ષમાં સુખ છે અને સંસારમાં સુખ નથી' એવું ભાન થાય છે, મોક્ષની ઇચ્છા થાય છે. એની ઇચ્છા તો સમ્યક્ દર્શનની જ છે, પણ મિથ્યા દર્શનમાંથી છૂટયો નથી તેથી રઝળપાટ થાય છે. છતાં એનો વિલ પાવર મોક્ષ માટેનો છે અને પુદ્ગલનું જોર સંસાર તરફ ખેંચાવાનું હોય તો ય એ બન્નેને જુદા પાડે. આ મુસ્લિમને બન્ને જુદા ના પડે. એ તો કહે, 'માલિક ઉપર લે જાયેગા!' અલ્લા જન્નતમાં લઇ જશે કે જહન્નમમાં લઇ જશે !! તેથી તો અલ્લા ફસાઇ પડયા છે કે આ તો માથે પડયા !

સંપૂર્ણ મોક્ષમાર્ગ કયાં હોય ? વ્યવહારને સહેજે ય ખસેડયા વગર હોય તે સંપૂર્ણ મોક્ષમાર્ગ. આ વ્યવહાર ખસેડો તો તો સામાને અડચણ આવે, સામાને દુઃખ થાય; ત્યાં મોક્ષમાર્ગ ના હોય. જયાં ફુલ વ્યવહાર અને ફુલ નિશ્ચય હોય ત્યાં મોક્ષમાર્ગ છે ! આપણે અહીં તો વ્યવહાર-નિશ્ચય બન્ને ય ફુલ છે.

મોક્ષમાર્ગ કયાં છે ? બધી નાતનાં જયાં બેઠા હોય છતાં કોઇને વાણીનો વાંધો ના આવે ત્યાં. વાઘરી બેઠા હોય, ચોર બેઠા હોય કે પછી કોઇ યુરોપિયન હોય કે મુસ્લિમ હોય, છતાં કોઇને અહીં વાણીનો વાંધો ના આવે ! સહુ કોઇ સાંભળે. આવું તો ક્યાંય બનેલું જ નહીં ! એક મહાવીર ભગવાન પાસે આવું બનેલું અને અહીં બની રહ્યું છે !! ભગવાન નિરાગ્રહી હતા !!!

મોક્ષ પછી આત્માની સ્થિતિ !

પ્રશ્નકર્તા : મોક્ષ થયા પછી આત્માની શી ગતિ થાય ?

દાદાશ્રી : મુક્તભાવ ! સિદ્ધગતિ !! આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહે છે. આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય, પણ તેમાં તે જ્ઞેયાકાર ના થાય, જ્ઞાનાકાર જ રહે ! તેમને બંધન ના થાય. આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે ? એ વેદના તો ભગવાન જાણે! આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે. માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુઃખ ભોગવી શકે, એનાથી વધારે જો દુઃખ પડે, તેની સહનશક્તિથી બહાર દુઃખ જાય તો તે બેભાન થઇ જાય.

પ્રશ્નકર્તા : જે માણસ ભગવાનનું નામ લઇને મરે, તેનું શું થાય?

દાદાશ્રી : જે માણસ ભાનમાં મરે તે મનુષ્યમાં ફરી આવે ને મરતી વખતે બેભાન હોય તે તો જાનવરમાં જાય, એનું મનુષ્યપણું જાય અને આ મનુષ્ય કયાં જશે એ તો મરતી ઘડીએ ખબર પડે. અને બીજું, ઠાઠડી બાંધીને જતા હોય ત્યારે સજ્જન ને તટસ્થ માણસ વાત કરે કે, 'ભાઇ તો ભલા હતા.' તો જાણવું કે ફરી મનુષ્યમાં આવશે, ને કહે કે, 'જવા દોને એની વાત.' તો જાણવું કે એ ભાઇ ફરી મનુષ્યમાંથી ગયો! આ તો અહીંનું અહીં જ બધું સમજાય એવું છે.

પ્રશ્નકર્તા : માણસ મરી ગયા પછી ફરી જીવ આવે છે, એ શું ?

દાદાશ્રી : ના. આત્મા દેહમાંથી જાય તે પછી ફરી દેહમાં ના આવે. કદાચ એવું બને કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢી ગયો હોય તો નાડી-બાડી બંધ થાય ને તાળવેથી આત્મા ઊતરે ત્યારે ફરી જીવ આવ્યો એવું લાગે.

પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ ના થાય ?

દાદાશ્રી : ના. ૨૫૦૦ વર્ષ પહેલાં મોક્ષ થઇ શકતો હતો. આ કાળમાં મોક્ષ શાથી બંધ છે ? કર્મો એટલાં બધાં લઇને આવેલા છે કે સાઇકલ, મોટર, બસ, પ્લેન, ટ્રેનમાં ફરે છે, છતાં કામ પૂરાં થતાં નથી. તે કર્મો કોમ્પલેક્સ થઇને આવેલાં છે તેથી આ કાળમાં અહીંથી મોક્ષ થતો નથી. કોઇ કાળે મનુષ્યોનું આવું પૂરણ નહોતું થયું, તે આ કાળમાં મનુષ્યોનું પૂરણ એવું થયું છે તે હવે ગલન થઇ રહ્યું છે. આ બધા મનુષ્યો વધારે કયાંથી આવ્યા ? તો કે' તિર્યંચની રીટર્ન ટિકિટ લઇને મોટા ભાગના ઘૂસી ગયા છે ! ૩૨ માર્કે ગધેડો થાય ને ૩૩ માર્કે માણસ થાય, તો એમાં એક માર્ક તો દેહમાં વપરાઇ ગયો. માત્ર મનુષ્યનો ફોટો પડે, પણ મહીં ગુણ તો પશુના જ રહે ! એવું વિચિત્ર આ કાળમાં થઇ ગયું છે.

મોક્ષની કેડી એટલી બધી સાંકડી છે કે એક જીવ મહાપરાણે મોક્ષે જાય. છતાં પણ નિયમના હિસાબથી એક સમયમાં ૧૦૮ જીવ જાય છે, પણ આખા બ્રહ્માંડના પ્રમાણમાં આનો તો હિસાબ જ નહીને ! અને આ ભરતક્ષેત્રમાંથી તો ત્રણ કે ચાર જ જણ મોક્ષે જાય, પણ તે ય અત્યારે આ કાળમાં બંધ થઇ ગયું છે અને આવા ચાર આરા કાળના બંધ રહેશે!

જ્ઞાની, મોક્ષમાર્ગે નેતા !

દાદાશ્રી : તમારે મોક્ષે જવું છે કે ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવાના વિચારો આવે છે, પણ માર્ગ જડતો નથી.

દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' અત્યારે આપની સમક્ષ પ્રત્યક્ષ છે તો માર્ગ પણ મળે; નહીં તો આ લોકો ય ઘણા વિચારો કરે છે, પણ માર્ગ જડે નહીં ને અવળે રસ્તે જાય. 'જ્ઞાની પુરુષ' તો કો'ક ફેરો એકાદ હોય અને એની પાસે જ્ઞાન મળે ને આત્માનુભવ થાય. મોક્ષ તો અહીં રોકડો થવો જોઇએ. કોઇ કહે કે, 'તમારો દેહ છૂટશે ને ત્યાં તમારો મોક્ષ થશે.' તો આપણે કહીએ કે, 'ના, એવો ઉધાર મોક્ષ મને ના જોઇએ.' મોક્ષ તો રોકડો જોઇએ, અહીં જ સદેહે મોક્ષ વર્તાવો જોઇએ. તે આ અક્રમ જ્ઞાનથી રોકડો મોક્ષ મળી જાય ને અનુભવ પણ થાય એવું છે !!!

ભગવાને કહેલું કે, 'મોક્ષનો માર્ગ ના જડે તો અશુભમાં ના પડીશ, શુભ રાખજે, મોક્ષમાર્ગ મળે તો પછી શુભાશુભની જરૂર નથી.' ભગવાનનો માર્ગ તો શુદ્ધ માર્ગ છે, ત્યાં શુભાશુભ નથી, ત્યાં પાપ-પુણ્ય નથી. પાપ-પુણ્ય એ બન્ને ય બેડી છે. જો મોક્ષનો માર્ગ ના મળે તો શુભમાં પડયો રહેજે, અશુભમાં પડીશ તો તું અશુભનું ફળ સહન નહીં કરી શકે. તું તો હિન્દુસ્તાનમાં ઊંચી નાતમાં જન્મેલો છે, માટે સાધુ-સંતની સેવા, દેવદર્શન કરીને, પ્રતિક્રમણ સામાયિક, ઉપવાસ એ બધું કરીને ય શુભમાં પડયો રહેજે. શુભ એ ક્રિયામાર્ગ છે અને શુભ ક્રિયાનું ફળ પુણ્યૈ મળશે. અશુભ ક્રિયાનું ફળ પાપ મળશે, પુણ્યૈથી ક્યારેક 'જ્ઞાની પુરુષ' મળી શકે અને 'જ્ઞાની પુરુષ' તો ચાહે સો કરી શકે, તને રોકડો મોક્ષ આપી શકે, કારણ કે પોતે સંપૂર્ણ અકર્તા છે !

જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ !

માત્ર શુભ ક્રિયા કરવાથી મોક્ષ ના મળે. એનાથી પુણ્યૈ બંધાય ખરી, તે પછી આવતા ભવમાં મોટર, બંગલા, વૈભવ મળે; પણ તારે જો મોક્ષ જોઇતો હોય તો ભગવાન કહે છે, તેમ કર. ભગવાન શું કહે છે? 'જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ !' આ પ્રતિક્રમણ, સામાયિક કરે છે તે અજ્ઞાન ક્રિયા છે. મોક્ષ આ બાહ્ય ક્રિયાઓથી ના થાય. મોક્ષ તો જ્ઞાનક્રિયાથી હોય. જ્ઞાનક્રિયા એટલે જ્ઞાતા-દ્રષ્ટારૂપ ઉપયોગ રાખવો અને તેનું નામ જ મોક્ષ! જ્ઞેયને જાણવું તેનું નામ જ્ઞાનક્રિયા અને જ્ઞેયને સમજવું તેનું નામ દર્શનક્રિયા.

બંધન શાનાથી ?

આ બંધાયા છો શાનાથી ? ક્રિયાથી ? સ્ત્રીથી ? તપથી ? એ તો તપાસ કરવી પડે ને ? એ તપાસ કરીએ તો કંઇક માર્ગ જડે કે શી રીતે છૂટવું ! આ તો માત્ર પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે તેનાથી બંધાયા છો, તે અજ્ઞાનથી બંધાયેલો આ બાહ્ય ક્રિયાઓથી છૂટે ? બૈરાંથી છૂટે ? ઘરવાળી છોડે તો ઘરથી છૂટે ? અને પરિગ્રહો બાળે તો પોતે છૂટે ? 'અજ્ઞાનથી બંધાયેલો માત્ર જ્ઞાનથી જ છૂટે.' જયાં સુધી મન 'તારું' છે, ત્યાં સુધી તું પરિગ્રહી છે, ને જો મનનો તું જ્ઞાતા-દ્રષ્ટા છે, એવું થાય તો તું અપરિગ્રહી છે. અમે પરિગ્રહોના સાગરમાં ય અપરિગ્રહી છીએ!

રાગદ્વેષથી બંધાયા છો ? ના. અજ્ઞાન માત્રથી બંધાયા છો. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે. વેદાંતમાં કહે છે કે મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢ. જૈનોમાં કહે છે કે રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢ. અજ્ઞાન બન્નેયમાં કૉમન છે. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે અને રાગદ્વેષ કે મળ, વિક્ષેપ એ તો કૉઝીઝ છે. રૂટ કૉઝ જાય એટલે બીજાં કૉઝીઝ એની મેળે જ તૂટતાં જાય. રૂટ કૉઝ તૂટે, અજ્ઞાન જાય, એટલે આવતા ભવનાં બીજ પડતાં બંધ થઇ જાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બંધ પડવાના જ. જિંદગી એક નકામી જાય તેનો વાંધો નથી, કે ચાલો ભઇ, એક નકામી ગઇ; પણ એ તો બીજી ૧૦૦ જિંદગીનાં બંધ પાડી દે છે તેનો વાંધો છે.

બંધન તો કોને ગમે ? આ સમસરણ માર્ગ આખો જેલસ્વરૂપ છે. શરૂથી તે છેલ્લે સુધી જેલ છે અને જયારે 'હું છૂટો છું' એવું ભાન થાય તો જેલમાંથી છૂટે. મિથ્યા દર્શન જાય અને સમ્યક્ દર્શનમાં આવે તો છૂટકો થાય ! અને 'જ્ઞાની પુરુષ' જ 'હું છૂટો છું' એનું ભાન કરાવે. 'જ્ઞાની પુરષ' કયારે ય દેહમાં રહેતા નથી.

આ સાધનો જ બંધન થઇ ગયાં છે. આ ઇલેક્ટ્રિકસિટી લિફ્ટ એ બધાં સાધનો જે ઊભાં કર્યાં છે તે જ બંધનરૂપ થઇ ગયાં છે. સાધનો તો સ્વતંત્ર હોવાં જોઇએ. દરેકને પોતાનો જોગ સ્વતંત્ર હોવાં જોઇએ, આણે (સાધનોએ) તો પરતંત્ર કરી દીધાં છે. તે હવે એ સાધનો જ એની મેળે જ ઓછાં થઇ જશે અને એની ઓછાં થવાની જ જરૂર છે. છૂટવાની ઇચ્છાવાળાને જો સાચો માર્ગ ના મળેને તો એ છૂટવાનાં સાધનો જ બંધનરૂપ થઇ જાય છે. આ લોક છૂટવા માટે જેટલાં સાધનો કરી રહ્યાં છે એ જ એને બાંધશે; કારણ કે સત્ સાધન નથી. સાચાં સાધન હોત તો બંધનરૂપ ના થાય, નહીં તો આર્ત ને રૌદ્રધ્યાન ચાલુ જ રહે.

આ બંધન તો જનાવરને ય પસંદ નથી હોતું. આજે અમે આવતા હતા ત્યારે રસ્તામાં એક બળદને ટ્રકમાં કેટલાક લોક ચઢાવતા હતા, તે બળદ તો એની ભાષામાં સમજે કે, 'મને શું કરતા હશે ? મને કયાં લઇ જશે ?' તે બળદ આડાઇ કરે, એ ના ચઢવાનાં ફાંફાં મારતો હતો, તે પાંચસો માણસ રસ્તામાં ભેગું થઇ ગયું ! જાણે મુક્તિ-સુખ ના વહેંચાતું હોય ! બંધનની તો ભયંકર વેદના છે. હકીકત-સ્વરૂપ જાણવા ના મળ્યું તેનો આજે આપણે પોતે અહીં છીએ એ પ્રત્યક્ષ પુરાવો છે ! જો હકીકત-સ્વરૂપ જાણવા મળ્યું હોત તો ઉપર મોક્ષે પહોંચી ના ગયા હોત? !

આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. આ અવતારમાં ચારે ય ગતિમાં જઇ શકે છે, અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે. જે મોક્ષ આપે, મુક્તિ આપે તે ધર્મ સાચો, બાકી બીજા તો અધર્મ જ છે.

ભગવાને કહ્યું કે 'આ કાળમાં, મોક્ષ બંધ છે પણ મોક્ષમાર્ગ બંધ નથી થયો, મોક્ષમાર્ગ ચાલુ છે.' લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઇ ગયો, એટલે આડા માર્ગે ચાલવા માંડયું છે. એકવીસ હજાર વર્ષ જેનું શાસન છે, તો મોક્ષમાર્ગ બંધ થઇ ગયો હોત તો તે શાસનની જરૂર જ શી છે?! તે સમજયા નહીં. અહીં 'કારણ-મોક્ષ' થઇ જાય છે. મોક્ષમાર્ગથી 'કાર્ય-મોક્ષ' નથી થતો, તે મોક્ષ ૯૯,૯૯૯ સુધી પહોંચે છે, લાખ પૂરા થતા નથી. મોક્ષ બે પ્રકારના છે : (૧) કાર્ય-મોક્ષ (૨) કારણ-મોક્ષ. આ કાળમાં 'કારણ-મોક્ષ' ચાલુ છે અને 'કાર્ય-મોક્ષ' બંધ છે. 'કારણ-મોક્ષ' થયા પછી એક અવતાર કરવો પડે. અમે કલાકમાં 'કારણ-મોક્ષ' આપીએ છીએ. અત્યારે તો ગજબનો મોક્ષમાર્ગ ચાલુ છે. 'અમે' શાસનના શણગાર છીએ !

સમકિતનો દરવાજો આવે ત્યાં બધા ધર્મો એક થઇ જાય છે. પછી મોક્ષનો મોટો દરવાજો આવે. મતભેદ મટે તો સમકિત થાય. મતભેદને લઇને સમકિત નહીં થાય, એમ ભગવાને કહ્યું છે. સાધુઓએ વિષયો જીત્યા છે, પણ વિષયો તો સ્વતંત્ર છે. અનંત અવતારથી મતનો મોહ કે જેના આધારે લટકયો છે તે તો જીવતો છે ! મતિયો થઇ ગયો છે ! નથી જીતવાનો તેને જીતે છે અને જીતવાનો છે તેને જાણતા નથી. આ બધાએ મોહ પણ જીત્યા છે, પણ એક પોતાના મતનો મોહ જીત્યો નથી !!! મતાભિનિવેષ થઇ ગયા છે ! મતાભિનિવેષથી સંસારમાં પાપ ઊભાં રહ્યાં છે. 'જ્ઞાની પુરુષ' અને તેમના મહાત્માઓ ન હોય ત્યાં મતાભિનિવેષ અવશ્ય હોય જ અને મતાભિનિવેષ હોય ત્યાં આત્મા શોધ્યો ય ના જડે. આત્મા પોતે જ મતાભિનિવેષથી ઢંકાઇ ગયેલો છે. કોઇ મતના આગ્રહથી છૂટતા નથી. ભગવાને વિષયોને મોહ નથી કહ્યો, મતને મોહ કહ્યો છે.

વીતરાગ માર્ગ વિરોધ વિહીન !

વીતરાગનો માર્ગ હોય ત્યાં વિરોધ ના હોય.

પ્રશ્નકર્તા : આ મહાવીર જયંતી ઉજવાય છે તેમાં કેટલાક વિરોધ કેમ કરે છે ?

દાદાશ્રી : જ્ઞાનીઓ કશાનો વિરોધ ના કરે, ચાલતી ગાડીને અટકાવે નહીં. આ કંઇ બધા જ્ઞાનીઓ છે ? એ તો બધા મતાંધો છે, મતનું પૂંછડું પકડી રાખે, પોતાનો અહંકાર પોષવા માટે ! આ તો ખોટી મમત છે, તેથી કાગનો વાઘ કરી મૂકે છે ! વીતરાગ માર્ગ ઉપર આચાર્ય કેવા હોય તેની વ્યાખ્યા કહું. ગમે તેની, ગમે તેવી વાત હોય તો તે સાંભળવા તૈયાર થાય, કોઇ કંઇ સંભળાવવા આવે તો શાંત ભાવે કહેશે કે, 'હા, વાત કરો. આ અમારી વાત જરા કઠણ પડશે, પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે; અને જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઇએ તે પસંદ કરજો.

તમારી આડાઇ જ મોક્ષે જતાં નડે છે. પોતાની જાતની આડાઇ જ નડે છે, બીજું કશું જ આ જગતમાં નડતું નથી, વિષયો નડતા નથી. માટે પાંસરો થઇ જા. સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. મોક્ષની ગલી એટલી બધી સાંકડી છે કે ત્યાં તું આડો ચાલીશ તો નહીં નીકળાય, સીધા સરળ થવું જ પડશે ત્યાં તો ! તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંતકાળનો રોગ તે ડૂંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઇ ગયો છે, હવે મારે ઓપરેશન કરીને, મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહી મુકાય, પછી 'ઓ ઓ' કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઇએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ? જે જોઇએ તે અમે આપવા તૈયાર છીએ.

પ્રશ્નકર્તા : અમારે તો મોક્ષ જ જોઇએ છે.

દાદાશ્રી : તો આ અમારા શબ્દો પચાવવા પડશે, સમજવા પડશે. આ વીતરાગના સાધુઓ તો કેવા હોય ? બધા મતભેદમાં પડયા હોય તો તે મતભેદ દૂર કરે. સંઘપતિ, સાધુ, સંન્યાસી, જૈનો બધા ભેગા મળીને ચર્ચાવિચારણા કરે. ઘરડા સાધુ હોય તેને ખુરશી આપે અને જવાન સાધુ ભલે નીચે બેસે, એટલું તો કરવું જોઇએ ને ! બધાએ ચર્ચાવિચારણા જોડે બેસીને કરવાની હોય. વીતરાગ ધર્મ કોને કહેવામાં આવે છે ? કોઇ મહામુનિ હોય ને ત્યાં નાનો, નવો શિષ્ય પૂછવા જાય ને મહામુનિ તેનો જવાબ ના આપે તો એ મુનિ ન હોય, મહામુનિ ન હોય ને કશામાં ય ન હોય ! ભલે સામો ગમે તેટલું ખોટું બોલતો હોય, પણ તેનું એક વખત તો સાંભળે અને પછી ચર્ચાવિચારણા કરે, ચર્ચાવિચારણાથી એ કંઇક પામશે. એટલે ભગવાને કહ્યું કે, આગ્રહ કદાગ્રહ ના કરશો, ચર્ચાવિચારણા કરજો કે આપણી ભૂલ શી થાય છે ? આ દુષમ કાળના તમે સાધુઓ છો માટે તમે એકલા બેસશો નહીં, જોડે સંઘપતિ ને સંઘને રાખજો, કારણ કે ભગવાને સંઘ એ પચ્ચીસમો તીર્થંકર છે એમ કહ્યું છે. ખરા-ખોટાનો ન્યાય એ કમિટિ કરી આપે. જયાં ભૂલ વગરનું હોય ત્યાં સંઘપતિ કહી આપે કે આ સત્ય છે, કારણ કે મહીં આત્મા છે ને એટલે આ સાચું છે એની એને તરત ખબર પડી જાય, પણ સત્ય નીકળવું જોઇએ અને અસત્ય નીકળે તો ય સમજાઇ જાય કે આ અસત્ય છે. બધા ભેગા બેસવામાં વાંધો શો છે ? સ્થાનકવાસી, દેરાવાસી, તપોગચ્છ, તેરાપંથી, દિગંબરી કયારે ય પણ ચર્ચાવિચારણા માટે, સત્ય જાણવા માટે ભેગા થયા ? બધા ભેગા થાય, નહીં તો એ મહાવીરના વિરોધી છે, એવું જ ડીસિઝન આવી ગયું !

વીતરાગ માર્ગમાં સહેજે પણ આગ્રહ ના હોય. આ તો દુરાગ્રહે ને હઠાગ્રહે ચઢયા છે ! જે સાધુઓ સત્ય, અસત્યની ચર્ચાવિચારણા સાથે બેસીને ના કરી શકે એ મહાવીરના સાધુ ન હોય. મહાવીરનો શિષ્ય તો એક ગમે તેવો હોય, ૪૫ આગમ ભણીને બેઠો હોય અને બીજો બે જ આગમ વાંચીને બેઠો હોય તો ય બન્ને ય જોડે બેસીને ચર્ચાવિચારણા કરે અને કોઇ ગમે તેટલી ભૂલ કરે, પણ તે કષાય ના કરે. ઝઘડા ના કરે અને જોડે બેસીને ચર્ચાવિચારણા કરીને સત્યનું દોહન કરે તે કામનું!

અમને કહે કે, 'પટેલ, તમે અહીં અમને સાચી વાત સમજાવવા માટે પધારશો ?' તો અમે જઇએ અને કહીએ કે, 'મહાવીર શું કહેવા માગતા હતા !' 'અમે' તેના તે જ મહાવીરના શબ્દો તમને કહીશું, પણ જો પાંસરા બેસો તો ! 'હું આચાર્ય', 'હું સુરિ' એમ રાખીને ના બેસે તો! જુદાઇ ના લાગે એ મહાવીરનો માર્ગ. આ તો પાંચ જણા ભેગા ના રહે, મહીં ને મહીં વઢયા કરે. બહાર લઢો છો તે તો અમે જાણતા હતા, પણ આ તો મહીંના મહીં પણ લઢે છે !

નિષ્કેફ ત્યાં મોક્ષ !

અમે અમદાવાદ ગયેલા, ત્યારે એક સ્થાનકવાસી આચાર્ય મહારાજ ભેગા થયેલા. પર્યુષણના દિવસો હતા. હજારો લોકો આચાર્ય મહારાજને વંદવા આવતા હતા એમને અમારું ઓળખાણ કરાવ્યું કે, આ 'જ્ઞાની પુરુષ' છે. તો તરત જ એમણે અમારાં દર્શન કર્યાં અને પાટ ઉપરથી નીચે ઊતરીને બેસી ગયા ! અમે કહ્યું, 'આ તો તમારું કામ કાઢી નાખશે,' આવો સુંદર વિનય તો કામ કાઢી નાખે, ત્યારે તેમણે કહ્યું, 'મને અંદરથી થયું તેથી નીચે બેસી ગયો.' પછી તેમને અમે પૂછયું કે, 'શાસ્ત્રો વાંચો છો ?' તેમણે, 'શાસ્ત્રો તો બહુ વાંચ્યાં.' અમે કહ્યું, 'શાસ્ત્રો તો આપે બહુ વાંચ્યાં, પણ એ શાસ્ત્રો ભગવાનની આજ્ઞાપૂર્વક વાંચ્યા કે પછી એમને એમ વાંચ્યાં ?!' ભગવાન શું કહે છે કે, 'જે શાસ્ત્ર વાંચે છે એનાથી કેફ વધે તો ના વાંચીશ ને કેફ છૂટતો હોય તો વાંચજે.' જો કેફ વધતો હોય તો નાખી દેજે એ પુસ્તક. શું પુસ્તકનો ગુણ કેફ વધારવાનો છે ? ના. એ તો પોતાની મહીંના બીજનો ગુણ છે ! આ બાવળિયાને શૂળો ચીતરવી પડે ? ના, એ તો બીજગુણથી ડાળે ડાળે શૂળો આવે. પછી આચાર્ય મહારાજને કહ્યું કે, 'એ કેફ ઉતારશો કેવી રીતે ?' ત્યારે તેમણે પૂછયું, 'આ ક્રિયાઓ તો કરીએ છીએ ને !' ત્યારે મેં કહ્યું, 'જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્રિયા છે, ભગવાનની કહેલી ક્રિયા નથી. ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે, એનાથી કેફ ચડે નહીં !' આ બધું કરવાથી કોઇ દી' શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં! લીંબોળી વાવી છે તે ફળ આપશે.

વીતરાગનો માર્ગ સહેલો છે, સરળ છે ને સહજ છે, પણ લોકોએ કષ્ટસાધ્ય કરી નાખ્યો છે. આ ચાલુ માર્ગમાં જે વીતરાગ ધર્મ છે ત્યાં કાંઇ તથ્ય હોત તો જગત આફ્રિન થઇ જાત; પણ લોકો જુએ છે કે, ત્યાગના ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડયો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે ! બધા ય ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે !

નિર્મમત ત્યાં મોક્ષ !

કવિરાજ શું ગાય છે :

'ક્યાં ય ન હોજો મમત લગારે' -નવનીત

મમત કેટલી જગ્યાએ હોય ? આ પ્યાલો કોઇ લઇ જતો હોય તો શું મમત નહીં રાખવાની ? એવું છે, કે એ લઇ જનારને કહીએ કે, 'જો ભાઇ, તું લઇ જાય છે, પણ આ ના મળે, આમાં તો મારું નામ છે.' અને પછી એ વાંચે અને કહે કે, 'હા આપનું જ નામ છે ને લઇ લો.' તો જો તે આમ આપે તો ઠીક, અને એ નામ વાંચીને પણ કહે કે, 'ના, હું નહીં આપું' તો ત્યાં મમત નહીં કરવાની. મમત એટલે શું ? આગ્રહ કરે તે. નાટકી ભાષામાં કહેવાનું હોય કે, 'ભાઇ, મારું નામ પ્યાલા ઉપર છે' ને નામ વાંચીને તે આપે તો ઠીક, પણ જો સામો ખેંચ રાખે તો આપણે તે આપી દેવું, ત્યાં મમત નહીં રાખવાની. પણ આ લઇ જતો હોય તો ચૂપચાપ તેને લઇ જવા દે એવા વીતરાગ ન હોય. ચૂપચાપ ના લઇ જવા દે, એને 'વીતરાગ નથી' એમ નથી કહ્યું. નહીં તો આ તો પોતાની છોડીને ઉઠાવી જાય, પણ ત્યાં કહે, 'મારી છોડી છે, મારે એને સારે ઠેકાણે પૈણાવાની છે.' બધું કહે; પણ તે કમ્પલીટ ડ્રામેટિક હોય તે વીતરાગ છે. પણ આ નથી કહેતા કે મમતે ચઢયા છે ? ! મમત એટલે આગ્રહે ચઢે તે. વીતરાગ માર્ગમાં મમત ના હોય, બીજા માર્ગમાં મમત હોય. એક જ ફેર ડ્રામેટિક રીતે કહે કે, 'બહાર અંધારું છે' ને તમે કહો કે, 'ના અજવાળું છે !' હું ફરી કહું કે, 'જુઓને ભાઇ, હજી અંધારું છે.' એમ વિનંતી કરી જોઉં; છતાં પણ તમે ના માનો તો હું પછી મમત ના પકડું. જો કોઇ કોઇનો ઉપરી હોત તો હું મારી ઠોકીને મનાવું, પણ કોઇ કોઇનો ઉપરી નથી !

ભગવાને વ્યવહારધર્મને શું કહ્યો છે ? બહાર તો બધે નિશ્ચયધર્મ ચાલતો નથી. એ તો એકલો જ અહીં છે. વ્યવહારધર્મ એટલે શું ? કે, લોકમત. લોકમતના વિરૂદ્ધ જાય એ મમત કહેવાય. આ તો દરેક માણસ કહેશે કે, 'આ તો સંકુચિત ધર્મ છે.' આ તો એક મહારાજ કહે કે, 'આજે સાતમ છે' ને બીજા કહે કે, 'આઠમ છે'; તો બેઉને કાઢી નાખવા જોઇએ. આ તો મમતે ચઢે ને તેની વઢવાડ ? ! આ સાતમ-આઠમનો પ્રકાશ કરે છે એવો ચન્દ્રમા, તે એને કોઇ વઢવાડ નથી અને આ લોકોને વઢવાડ છે !

દ્રષ્ટિવાદી, કદાગ્રહી, દુરાગ્રહી, અભિનિવેશી એ બધા શું આપણું ધોળવાના છે ? એમનું પોતાનું જ ધોળી રહ્યા નથી ને ! આ તો એમને સંજોગ બાઝયો નથી એટલે, એમાં એમનો દોષ નથી. અહીં બધા ખુલાસા મેળવી લેવા તો ઉકેલ આવે એમ છે. આ તો બધા પઝલ છે!

વીતરાગોએ શું કહ્યું કે બીજા ગમે તે કરતા હોય તે તું ના કરીશ, માત્ર તારાં હિતનું જ કરજે. આ બીજા લોકો ગુનો કરે, એ તો ના જાણતો હોય પણ તું તો જૈન છે. વકીલ થઇને ચારસોવીસીનો ગુનો કરે છે ? વકીલ ચારસોવીસી કરે તો શું થાય ? જો રોગ પેઠા છે ! જૈનમાં આવ્યા તે તો વકીલ કહેવાય, કાયદા જાણતો હોય તે જ કાપડ ખેંચે તો શું થાય?!

આ અમારે ભાગે પૂંજો વાળવાનો છે ! અમને તે વળી 'આવડી આવડી' આપવાની ગમતી હશે ? આવા શબ્દો અમને શોભે ? જેની વાણી 'પ્રત્યક્ષ સરસ્વતી' છે એવા 'જ્ઞાની પુરુષ'ને ભાગે આ કાળમાં પૂંજો વાળવાનો આવ્યો છે અને તે નીકળશે ય ખરો. આ કાળમાં બધો સડી ગયેલો માલ ! આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨૦૦૫ની સાલમાં તો બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળે ય નહીં હોય અને કોઇ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઇ પણ તીર્થંકરોનું શાસન આવું અજોડ નહીં હોય !

સાચી દીક્ષા !

પ્રશ્નકર્તા : મહારાજ કહે છે કે દીક્ષા વગર મોક્ષ નથી એ વાત ખરી?

દાદાશ્રી : વાત સાચી છે, દીક્ષા વગર મોક્ષ નથી; પણ દીક્ષા કોને કહેવી ? દીક્ષાની વ્યાખ્યા તો હોવી જોઇએ ને ? કઇ દીક્ષાથી મોક્ષ થાય? આપણે એ કબૂલ કરીએ છીએ કે દીક્ષા વગર મોક્ષ નથી, પણ ખરી દીક્ષાને એ સમજયા નથી. મહાવીર ભગવાને કહેલી દીક્ષા અમે જ આપી શકીએ છીએ.

પ્રશ્નકર્તા : દીક્ષા એટલે શું ?

દાદાશ્રી : 'જ્ઞાન'ને 'જ્ઞાન'માં બેસાડવું અને 'અજ્ઞાન'ને 'અજ્ઞાન'માં બેસાડવું એનું નામ દીક્ષા. તે 'દાદા' એકલા જ સાચી દીક્ષા આપી શકે. પોતે દીક્ષિત થયો નથી, તે કયાંથી દીક્ષા આપી શકે ? અને કહેશે કે, 'મેં દીક્ષા લીધી.' બે જાતનાં મોતી હોય, એક સાચા ને બીજાં કલ્ચર્ડ. અત્યારે તો બનાવટી મોતી ચાલે છે ને ! માટે, જન્મ પહેલાં કોનો થયો?

પ્રશ્નકર્તા : સાચાનો.

દાદાશ્રી : માટે સાચા મોતી હતાં તો બનાવટીનો જન્મ થયો, તેમ પહેલાં દીક્ષા સાચી હતી ત્યારે જ આ કલ્ચર્ડ દીક્ષાનો જન્મ થયો છે ને! આ અક્રમ માર્ગ છે, એટલે કોઇને તરછોડ નહીં મારવાની, વહુ છોકરાંને ય તરછોડ નહીં મારવાની; ઊલટું રોજ બૈરી જોડે ઝઘડતો તો એ ય બંધ થઇ જાય !

ભગવાને દીક્ષા શબ્દ ખોટો નથી મૂકયો, પણ દીક્ષા કોને કહેવી એ જાણવું પડે ને ? ભગવાનના વખતમાં દીક્ષા આપતા હતા ત્યારે 'આ' બોલાવતા હતા. શબ્દો એના એ જ રહ્યા છે પણ દીક્ષા બનાવટી થઇ ગઇ છે.

''એગો મે શાષઓ અપ્પા, નાણ દંસ્સણ સંજ્જૂઓ,

શેષામે બાહીરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા,

સંજોગ મૂલા જીવેણ, પત્તા દુઃખમ્ પરંપરા,

તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તિવીહેણ વોસરીયામિ.''

અત્યારે તો દીક્ષા લીધી અને કલાક પછી ચિઢાયા કરે. સવ્વમ્ તિવીહેણ વોસરીયામિ કર્યું પછી શું કામ ચિઢાયા કરે છે ? બધો કલ્ચર્ડ માલ !

આ દીક્ષા તો પાછી બંધનમાં બાંધે. અહીં 'અમે' દીક્ષા આપી દઇ એ છીએ એટલે સંસાર રોગ બધો ય મટી જાય ! અમે તમને આત્મા હાથમાં રોકડો આપીએ છીએ, તે દહાડે જ દીક્ષા આપીએ છીએ; દીક્ષિત કરીએ છીએ. લોક દીક્ષાને એમની લોકભાષામાં સમજે છે, પણ એ તો દીક્ષા કહેવાય નહીં. તમે આવું કહો તો કોઇ માને નહીં, કારણ કે જયાં ભાષાનો અર્થ જ એ જ થઇ ગયો અને જયાં જે ભાષા ચાલતી હોય તો ત્યાં તે ભાષા ચલાવવી પડે !

અત્યારે તો આઠ આની ઘઉં અને આઠ આની કાંકરાવાળું થઇ ગયું છે. આ આખી નહીં પણ ટુકડાવાળી સોપારી આવે છે ને, ઉપર કશુંક ચોપડે ને મીઠી લાગે પણ એ તો બગડેલી સડેલી સોપારી હોય, તેને ભેગી ગળ્યા પાણીમાં નાખે. ભાન જ નથી લોકોને કે સોપારી ખાવી છે કે સ્વાદ ખાવો છે ? સ્વાદ જોઇતો હોય તો મીઠાઇ ખાને. અલ્યા, સ્વાદ માટે સોપારી ખાઉં છું ? માણસના ય ભાનમાં નથી, સોપારીનો સ્વાદ ચાખવો હોય તો સોપારીને જ ખા. સાચી ચીજ આપણા હાથમાં જ ના આવવા દે ને ! આ તો ડફોળો છે, તેનાથી ડફોળાઇવાળી ચીજ ડફોળને ખાવા મળે અને સારી ચીજ સારાને મળે. એટલે અમે કહ્યું કે આ ડફોળોનો ઉપકાર માનજો કે એમને લીધે આપણને સારી વસ્તુ મળે છે. ડફોળ શાથી કહ્યા ? કે પૈસા આપીને ઉપરથી ડફોળાઇવાળો માલ લઇ આવ્યા !

વીતરાગોની ઝીણી વાત !!

અત્યારે તો દીક્ષાએ નથી રહી ને મહાવ્રતે ય રહ્યાં નથી. અરે, અણુવ્રતે ય રહ્યા નથી; એના બદલે બધું કલ્ચર્ડ પેઠું ને સાચું ગયું. વ્રત કોને કહેવાય ? વર્તે તેને વ્રત કહેવાય. એમાં કોઇ વસ્તુ યાદ જ ના આવે, 'શું છોડવું છે ને શું છુટયું છે' તે યાદ જ ના રહે. 'આ છોડયું ને તે છોડયું' એ યાદ રહ્યું તો તેનાથી તો જોખમ આવે.

કયાં ભગવાન મહાવીરનું એક વાક્ય ! તે સમજયા નહીં, છેવટે મુહપત્તિ બાંધી ! એકડા પછી બગડો હોય તો તે બરોબર છે, એમ આપણે કહીએ, પણ આ મુહપત્તિ તો છેલ્લી દશામાં માણસ વિચરતો હોય તો હાથમાં એક કપડું રાખવાનું કે જયાં બહુ જીવ ઊડતાં હોય તો મોઢા પાસે કપડું ઢાંકવાનું. એ કપડું રાખવાનું તે જીવને બચાવવા માટે નહીં, કારણ કે કોઇ જીવ બીજા જીવને બચાવી શકે જ નહીં; પણ આ તો જીવડાં મોઢામાં કે નાકમાં પેસી ના જાય ને પ્રકૃતિને નુકસાન ના કરે એટલા માટે મુહપતિ રાખવાની.

આ મુહપત્તિ એ તો છેલ્લું કારણ છે. એની આગળ 'કેવળ- જ્ઞાન'નાં અને એવાં બધાં બીજાં ઘણાં કારણ સેવવાં જોઇએ. આ તો છેલ્લું કારણ પહેલું સેવવામાં આવે તો શા કામનું ? 'સ્થાનકવાસી છે અને મુહપત્તિ રાખું છે' એ તો વિરાધાભાસ કહેવાય, મહાવીરના ચાળા પાડયા કહેવાય ! તમે 'શુદ્ધાત્મા' થયા છો અને મુહપત્તિ રાખો તો વાત બરોબર છે, છતાં એ ૪૫ પછી સીધું ૯૯ની વાત છે ! અને આ 'હું સ્થાનકવાસી છું' એમ કહેવું એ તો ૮ પછીના ૯૯ની વાત છે ! ૯૮ પછી ૯૯ની વાત હોય તો તે બરોબર છે. આ સ્થાનકવાસી તો જ્ઞાન જાણવાની ભારે ઇચ્છાવાળા, જિજ્ઞાસાવાળા અને કોઇ કામ કરવાની ધગશવાળા હોય છે. આ તો ભયંકર ભૂલો થઇ રહી છે ને કહેશે, 'મહાવીરનો ધર્મ પાળીએ છીએ.' આ તો મહાવીરને વગોવે છે ! આપણા ફાધર વગોવાય એવું કાર્ય કરાય ? કોઇ ના કરે. આ તો ભગવાનને વગોવે છે !

એક ક્ષણ વાર પણ ગાફેલ રહેવું ના જોઇએ. ગાડીમાં ગાફેલ નથી રહેતો ને જયાં અનંત અવતારની ભટકામણમાં છે ત્યાં ગાફેલ રહે છે ?!

ભગવાને કહ્યું, 'હે જીવો બુઝો, બુઝો. સમ્યક્ પ્રકારે બુઝો.' ભગવાનની કહેલી વાતોની વિરોધી વાતોથી મુક્ત થાય તો જ મોક્ષ છે.

સાચો માર્ગ જડે તો ઉકેલ !

પ્રશ્નકર્તા : મારે હંમેશાં વ્યાખ્યાનમાં જવાનું એવો નિયમ છે.

દાદાશ્રી : રોજ નાહીએ ને શરીરનો મેલ ના જાય તો શા કામનું? આ તો રોજ વ્યાખ્યાનમાં જાય; પણ મનનો, વાણીનો, બુદ્ધિનો મેલ ના જાય તે શું કામનું ? આપણું દળદર ના ફીટે તો શું કામનું ? વ્યાખ્યાન આપનાર ગમે તેટલું જાણતા હોય, પણ આપણું દુઃખ ના ઘટે તો નકામું જ ને ! આપણાં દુઃખ ગયાં એ દર્શન કરેલાં કામનાં, નહીં તો દર્શન કરેલાં કામનાં નહીં. સામને ઘેર પચાસ બંગલા હોય, પણ એનાં દર્શનથી આપણને ઝૂંપડું ય ના મળે તો એ દર્શન નકામાં જ ને ? જે મહારાજનાં દર્શન કરે ને દુઃખ ના જાય તો એ પોતે કેટલા દુઃખી હશે ? !

આ ઘાંચીનો બળદ જોયો છે ને ? એ દાબડો પહેરીને મનમાં માને કે, 'હું ચાલ્યો છું' ને દાબડા ખોલે તો એની એ જ જગ્યા ! એવું આ જગત ઘાંચીના બળદ માફક ચાલ્યા કરે છે અને મહેનત નકામી જાય છે. જયાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત બધી નકામી જાય છે. આ સ્ટેશનનો રસ્તો હું જાણતો ના હોઉં તો ભૂલો પડું, ને ચારગણો રસ્તો થાય તો ય ઠેકાણું ના પડે. આ તો સ્ટેશનના રસ્તામાં ભૂલા પડાય છે, તો આ સાચો રસ્તો જડવા માટે એવી કેટલી બધી ભૂલો થાય ? માટે તપાસ તો કરવી જોઇએ ને ? પોતાને સંતોષ ના થાય તો એ રસ્તો બંધ કરી બીજો રસ્તો ખોળી કાઢવો પડે ! મોક્ષની એક જ કેડી છે, ને તે ય પાછી ભુલભુલામણીવાળી છે ! અન્ય માર્ગ અનેક છે, ને પાછા ઓર્નામેન્ટલ છે ! કોઇ સાચા ભોમિયા હોય તેને જ મોક્ષનો માર્ગ પુછાય અને એ ય પાછા નિઃસ્વાર્થી ભોમિયા હોવા જોઇએ.

ધર્મમાં વેપાર ન ઘટે !

પોતે કંઇ પણ ત્યાગ કરે છે અને બીજા પાસે કરાવડાવે છે એ બધા અભ્યાસી કહેવાય. ગુરુ ય ત્યાગે કરે ને શિષ્ય પાસે ય ત્યાગ કરાવડાવે એટલે આપણે ના સમજીએ કે આ સ્ટાન્ડર્ડમાં છે ? ! આ માળા ફેરવતા હોય તો આપણે ના સમજીએ કે આ ધોરણમાં ભણે છે? એમને આપણે પૂછીએ કે, 'સાહેબ, ભણી રહ્યા કે ?' તો એ કહે, 'ભણી તો રહ્યો છું, પણ માળા તો ફેરવવી જ પડે ને ? !' ના, મોક્ષે જવું છે, ને લાકડાની માળાને ને મોક્ષને વેર છે. મોક્ષ માટે તો સ્વરૂપની રમણતા જોઇશે. આ તો લાકડાની રમણતા થાય છે, એથી મોક્ષ ના થાય. આ તો વેપાર માંડી બેઠા છે, એને ચેતવવા કહેવું પડે છે. ધર્મમાં વેપાર ના હોવો ઘટે, વેપારમાં ધર્મ હોવો જ જોઇએ. જયાં ધર્મમાં વેપાર પેઠો, પૈસા-વ્યવહાર પેઠો તો સમજી જવું કે આ રીયલ ધર્મ ન હોય, સાચો ધર્મ ન હોય.

કો'કના કહ્યો પ્રમાણે ચાલે તો ય મોક્ષે જવાય પણ તે ય ચાલતો નથી, પોતાના ડહાપણથી જ ચાલ્યો છે. તેથી ગુરુ રાખવાનું કહેલું, પણ ગુરુ ઠામ-ઠેકાણા વગરના મળે-માર્કેટ મટેરીઅલ તે શું થાય ? આ તો ગુરુ જોડે કરાર નથી કર્યો એટલું સારું છે, નહીં તો કહે, 'કેમ, પાંચ વર્ષના કરાર હતા ને બે વર્ષમાં ચાલ્યા જાવ છો ?' વીતરાગ માર્ગ આવો ના હોય.

ગુરૂકિલ્લી વીણ ગુરૂ કેવા !

આ જગતમાં સાચો ગુરુ મળવો મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં નિરંતર રહે, તે બેઉ ડૂબવાના. ગુરુનો અર્થ શો? ગુરુ એટલે ભારે, તે પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે ! માટે એમ ને એમ જે ગુરુ થઇ બેઠા છે તે પોતે તો ડૂબે ને બીજાને પણ ડૂબાડશે. ગુરુકિલ્લી વગર ગુરુ થવાય તેમ નથી.

પ્રશ્નકર્તા : ગુરુકિલ્લી એટલે શું ? શુદ્ધાત્માનું લક્ષ ?

દાદાશ્રી : ના, તો તો મોક્ષ થઇ જાય. ભગવાનના વખતમાં ગુરુકિલ્લી અપાતી હતી. આ ગુરુ તો કોઇ પણ થાય, પણ તે વિષયોમાં નિસ્પૃહ હોવો જોઇએ. આ જગત તો રોગિષ્ટો ને રોગીઓનું છે, ત્યાં તો ગુરુ થતાં પહેલાં ગુરુકિલ્લી હાથમાં હોવી જોઇએ. આ તો ગુરુ થાય તેને બે-પાંચ શિષ્યો હોય, ને એ એને બાપજી, બાપજી કરે એટલે કેફ વધી જાય, પણ ગુરુકિલ્લીથી નોર્મલમાં રહે.

ગુરુકિલ્લી વગર શું જોઇને ગુરુ થઇ બેઠા છે ? જયાં સુધી 'જ્ઞાની પુરુષ' ગુરુકિલ્લી ના આપે ત્યાં સુધી ગુરુ કેમ થવાય ? 'જ્ઞાની પુરુષ' 'ગુરુતમ' હોય, એનાથી કોઇ મોટો ના હોય અને પોતે 'લઘુતમ' પુરુષ પણ છે, એમનાથી નાનું કોઇ ના હોય ! તમે કહો કે, 'તમે આચાર્ય છો.' તો અમે કહીએ કે, 'એથી પણ ગુરુતમ છીએ.' ભગવાન કહો તો અમે કહીએ, 'એથી અમે પણ ગુરુતમ છીએ.' અને તમે અમને કહો કે, 'તમે ગધેડા છો.' તો અમે કહીએ કે, 'અમે એથી પણ લઘુતમ છીએ.' આવા 'લઘુતમ' 'ગુરુતમ' પુરુષની શી રીતે ઓળખાણ પડે ? ને ઓળખાણ પડે તો કામ નીકળી જાય તેમ છે !

સ્વચ્છંદે રોકાયો મોક્ષ !

મોક્ષે જવું હોય તો સ્વચ્છંદ નામનો અનંતકાળનો રોગ કાઢવો જ પડશે. 'જ્ઞાની પુરુષ' વીતરાગી શબ્દો બોલે તેનાથી સામાનો રોગ જાય. માટે અમારે કહેવું પડે છે કે કઇ જાતના છો ? એક વખત તો પાંસરા થાવ. 'હું છું. હું છું,' તે શેમાં છે તું ? કો'કના આધીન રહોને ! ગમે તેના આધીન રહે તો પોતાને સ્વછંદ તો ના રહેને ! તેથી જ તો કૃપાળુ દેવે કહ્યું કે :

'રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ.' - શ્રીમદ્ રાજચંદ્ર

અને આગળ પાછો સ્વછંદ કાઢવાનો ઉપાય બતાવ્યો કે,

'પ્રત્યક્ષ સદ્ગુરૂ યોગથી સ્વચ્છંદ તે રોકાય,

અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.' - શ્રીમદ્ રાજચંદ્ર

સાચો ગુરુ - સાચો શિષ્ય !

આ સાધુ-સંન્યાસીઓને શું છે કે કોઇને આધીન જ નથી. જો કોઇને આધીન હોય તો બન્ને વચ્ચે કલેશ ના થાય. ગુરુ શિષ્યને આધીન રહે કાં તો શિષ્ય ગુરુને આધીન રહે તો ઉકેલ આવે. ગુરુ શિષ્યને આધીન રહે તો શો વાંધો છે ? આંખો ના હોય ત્યારે ગુરુ શિષ્યને આધીન રહે છે જ ને ? તે એક અવતાર છતી આંખે શિષ્યને આધીન રહો ને, તો ઉકેલ આવે ! મનમાં ગુરુને થાય કે શિષ્ય દુરૂપયોગ કરશે. એ શો દુરૂપયોગ તારો કરવાનો છે ? એના હાથમાં શી સત્તા છે ? એ જ પ્રકૃતિનો નચાવ્યો નાચે છે ને ! એ જ ભમરડો છે ને ! પણ આજે તો સાચા નિસ્પૃહી ગુરુ જ મળવા મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં, તે ઘાટમાં ને ઘાટમાં જ રહે. કોઇને મોક્ષની પડી જ નથી. મોક્ષની પડી હોય તો તેના બાપના સમ ! શિષ્યો વધારવાના ને પૂજાવાના જ કામી થઇ ગયા છે ! એમાં સેંકડે બે-પાંચ એકસેપ્શન કેસ હોય પણ ખરા. ભગવાને શું કહ્યું કે, 'સંસારમાં બધું કરજે, જૂઠું બોલજે, પણ ધર્મમાં અવળી 'પ્રરૂપણા' ના કરીશ.' એની બહુ મોટી જવાબદારી છે. ભગવાને કહેલાં આવાં વાક્યોને દાબી દીધાં છે, કારણ કે જાણે કે લોકો જાણી જશે તો શું થશે ? ભગવાને તો ઘણું કહ્યું છે!

વીતરાગોના વખતના આચાર્યો, મહારાજો કેવા ડાહ્યા હોય ? ૮૦ વરસના આચાર્ય મહારાજ હોય અને ૧૮ વરસનો નવો દીક્ષિત સાધુ હોય તે મોટા આચાર્યને કહે કે, 'મહારાજ, મારું જરા સાંભળશો ?' ત્યારે મહારાજને મહીં એટલું બધું લાગી આવે કે મારી આટલી બધી અજાગૃતિ કે સામાને, નાનાને, આવું કહેવાનો વારો આવ્યો ! જૈનના આચાર્ય તો સામાનું સાંભળે. અરે, વિધર્મીનું ય ઠંડે કલેજે, જરાય કષાય કર્યા વગર સાંભળે. આજે તો કોઇ કોઇનું સાંભળવા જ તૈયાર નથી !

આચાર્યો તો કેવા હોય ? એક આંખ કાઢે તો સો શિષ્યોને પરસેવો છૂટી જાય. તેમને વઢવું ના પડે, ખાલી આંખથી જ કામ થાય. શીલ જ કામ કરે, આચાર્ય તો શીલવાન હોય. આ શિષ્યોને માથે તો ભય જોઇએ. પોલીસવાળાનો ભય ના જોઇએ, પણ શીલનો ભય જોઇએ. ખાલી હવાથી જ ભય રહે. આ અમારી પાસે કોઇ કાયદો નથી. છતાં, બધાં શેનાથી કાયદામાં રહે છે ? અમારા શીલથી. વીતરાગને ત્યાં કાયદો ના હોય, એ તો પક્ષાપક્ષીથી દૂર હોય. તમને બે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તો મહારાજ આશીર્વાદ આપે કે 'બે ઉપવાસ કર.' તો પેલાને મહીં રહ્યા જ કરે અને ગપોલિયું ના મારે, તેને વચનબળ કહેવાય. આ તો શિષ્ય મહીં બબડતા મહારાજની આજ્ઞા પાળે. સાચા ગુરુ અને સાચા શિષ્ય વચ્ચે પ્રેમનો એવો આંકડો હોય કે ગુરુ ગમે તે બોલે પરંતુ શિષ્યને બહુ ગમે.

જયાં જૈન ત્યાં કષાય નહીં ને જયાં કષાય ત્યાં જૈન નહીં. વીતરાગોનો માર્ગ તો કષાય રહિત થવું તે. છેલ્લા પંદર અવતાર રહ્યા ત્યારથી જ વીતરાગ ધર્મ પામ્યા કહેવાય. જિનનું સાંભળે તે જૈન. જૈનને તો કરારપત્ર ના હોય, એને તો વચનથી જ કામ થાય. આ લશ્કર, પોલીસ એ બધું જૈનો માટે ના હોવું જોઇએ, વેરો જ એકલો જૈનો માટે હોવો જોઇએ. હવે આ બધાંનો અંત આવી જશે. આ દુષમકાળનો અંત આવી રહ્યો છે. સત્તા દુષમકાળની રહેશે, પણ એનો અંત આવી રહ્યો છે! હજી આ બફારો સાત વરસ સુધી થશે.

બફારા પછી ધર્મોન્નતિ !

કેટલાક મને પૂછે છે કે, 'દાદા, આ હિન્દુસ્તાનનું શું થઇ રહ્યું છે? આ ભ્રષ્ટાચાર વિરોધની ક્રાંતિ, આ રેલવે હડતાળ, આ બધું શું થઇ રહ્યું છે ? આ ક્યારે પૂરું થશે ?' ત્યારે એમને હું સમજ પાડું છું કે, 'આ તો બટાકા બફાવા મૂકયા છે તે પાંચ જ મિનિટ થઇ છે. હજી તો માંડ છોતરું જ બફાયું છે. હવે એવા બટાકાને કાઢી લો તો શું થાય ? એ કશા ય કામમાં ના આવે. એના કરતાં નિરાંતે બટાકા બફાવા દો, પછી મજાનાં બટાકાવડાં થશે, તે ખાજો. હજી તો આ હિન્દુસ્તાન કંઇક બફાવાનું છે, પણ પરિણામ સુંદર આવવાનું છે, જયાં 'જ્ઞાની પુરુષ' અને તેમના હાથે ૨૧૦૩ જ્ઞાનીઓ થયા, ને બીજી પણ કેટલીક 'ટિકિટો' આવેલ છે, જે કોઇ કાળે ઉત્પન્ન ન હોતા થયા તે આજે થયા છે ! આ બધાં ધર્મોને ઉપર લાવશે. આ બધા ધર્મો અપસેટ થઇ ગયા છે તેને અમે ફરીથી અપસેટ કરી નાખીશું ! એટલે શું થઇ જશે ? સેટ અપ થઇ જશે !

અસંસારી કોણ ?

કેટલાક સાધુઓ ગૃહસ્થીઓને, 'સંસારી છો, સંસારી છો' - એમ કહીને તિરસ્કાર કરે. પણ હે સાધુઓ, તમે પણ સંસારી જ છો. તમને અસંસારી કોણે કહ્યા ? તમે ત્યાગી ખરા, એને માટે આપણે કંઇ ના કહીએ છીએ ? એમણે સ્ત્રી ત્યાગી છે, કપડાં-બપડાં, વેશ ત્યાગ્યો છે. એ બધું જાણીએ ખરા, પણ મહારાજ સંસારી તો ખરા જ ને ! ભગવાને જીવ રાશીના બે ભાગ પાડયા; એક સંસારી અને બીજા સિદ્ધ. સિદ્ધ સિવાય બીજા બધા સંસારી. એમાંથી ભગવાને કહ્યું કે, 'કારણ-સિદ્ધ થયેલા હોય એટલાને અમે એકસેપ્ટ કરીએ છીએ, ને એમને અસંસારી કહીએ છીએ.' હે ભગવાન ! પેલા ઉપર ગયા તે અસંસારી અને અહીં આગળ મનુષ્યોમાં પણ હોય છે તે ય અસંસારી ?' તો એ કહે, 'હા. જે કારણ-સિદ્ધ છે તેમને અમે આ પદ આપીએ છીએ,' ત્યારે તમે કહો કે, 'હે, ભગવાન, કારણ સિદ્ધવાળાને આ પદ આપો છો, તો બીજાઓએ શો ગુનો કર્યો ?' ત્યારે એ સમજ પાડે છે કે, 'કારણ-સિદ્ધ' એટલે તો એ સિદ્ધ થવાના છે, થોડાક જ વખતમાં, માટે એમને અત્યારથી જ આ 'સીટનું રીઝર્વેશન' આપી દઇએ છીએ !' 'ભગવાન, આ બધામાં ભેદ કેમ પાડયો ?' ત્યારે ભગવાન કહે, 'ભેદમાં તો એને અંદર ભેદ વર્તે છે માટે. કારણ-સિદ્ધને ભેદ ના વર્તે, કારણ-સિદ્ધને તો અંદર મોક્ષ જ વર્તે છે. માટે જેને મોક્ષ વર્તે તેને સંસારી કેમ કહેવાય ?'

ભગવાન મહાવીર નાની ઉંમરમાં પણ બહુ ડાહ્યા હતા !! ૭૨ વર્ષે ગયા, પણ બહુ ડાહ્યા હતા. કેવા ડાહ્યા હતા ! ૩૦ વર્ષે તો ભગવાનનું ડહાપણ આપણને આનંદ પમાડે તેવું હતું ! જયારે ઘર છોડીને નીકળ્યા- છોડયું નહોતું એમણે; એ તો સંયોગી પુરાવા હતા, જેમ હું સાન્તાક્રુઝથી અહીં દાદર આવ્યો, તે એમાં મેં કંઇ સાન્તાક્રુઝ છોડી દીધું ? નહીં, એવું એ તો સંયોગી પુરાવા હતા. મહીં 'વ્યવસ્થિત' દોરાવે છે તેમ દોરવાય છે, એમને પોતાને કશું કરવાનું રહ્યું નથી, કરવાપણું રહ્યું નથી. જેને કરવાપણું રહ્યું નથી તેને ભોગવવાપણું ના રહ્યું ! કરવાપણું જેને બાકી ના રહે એને ભોગવવાપણું ય ના રહે.

ભગવાને કહ્યું તે આ મહારાજોએ પકડી લીધું કે અમે જૈનના સાધુ છીએ ને ? ભગવાને કારણ-સિદ્ધ કોને કોને કહ્યા ? સાધુને, ઉપાધ્યાયને, આચાર્યને અને તીર્થંકર ભગવાનોને, આ ચારને કારણ- સિદ્ધ કહ્યા. એ સંસારી દેખાય છે ખરા, દેખાવમાં સંસારી જેવા જ છે, પણ ભોગવટામાં ફેર છે. આ ચાર સિદ્ધપણાનાં સુખ ભોગવે છે ને તમે સંસારીપણાના સુખ-દુઃખ વેદો છો ! આ આચાર્ય મહારાજો બધા કહે, 'અમે સંસારી ના કહેવાઇએ.' 'મહારાજ, શા આધારે સંસારી ના કહેવાઓ ? અમને પુરાવો દેખાડો તો અમને કબૂલ છે. કસોટીમાં જો સોનું ઊતરે, ૨૫ ટકા સોનું ઊતરે તો પણ અમે ૧૦૦ ટકા સોનું માનીશું !' પછી અમે એમ કેટલીક છૂટ આપીએ, ૨૫ ટકાના ૯૯ ટકા માનીએ ત્યાં સુધી ચલાવી લેવાય, પણ પછી અમે સમજણ પાડીએ તો એ જ કહેશે કે અમે કારણ-સિદ્ધ ના કહેવાઇએ.' તમે સિદ્ધને ભોગવો છો કયાં ? કષાય તો ઊભા રહેલા છે. પૂછો કે, 'મહારાજ, તમારામાં કષાય ખરા ને ?' તો કહેશે, 'હા, કષાય તો ખરા જ ને.' ત્યારે આપણે કહીએ કે તો, 'મહારાજ કારણ-સિદ્ધ તમે નહીં !' ત્યારે મહારાજ જ કહેશે, 'ના, અમે સંસારી, સંપૂર્ણ સંસારી !' આપણે બધાને પૂછીએ તો બધા કહે કે ના કહે ? કહે જ ને ! ના કહે તો આપણે સળી કરીએ તો તરત જ ખબર પડે. પણ સળી કરતાં

પહેલાં જ ચિઢાતા હોય, વાત કરતાં જ ચિઢાતા હોય ! કારણ કે રઘવાટિયા માણસ તો વાત કરતાં કરતાં પણ ચિઢાઇ જાય !

રઘવાટ અને પ્રમાદ

ગમે તેવા સંજોગ આવે, પણ રઘવાટિયો ના થઇશ. આત્મા રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, ત્યાં રઘવાટની જરૂર હોય ? ચા પીઓ, નાસ્તો કરો, વાજાં વગાડો, બધું ય કરો, પણ આ તો રઘવાટ, રઘવાટ ને રઘવાટ ને આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો પાણી ય ના પીવા દે, ગળે ઊતરવા ના દે. આપણે જો પાણી પીતા હોઇએ ને થોડી વાર કરીને તો કહેશે, 'ખસ ખસ અહીંથી જા, પ્રમાદ કરે છે ?' મેલ તારો પ્રમાદ ! પ્રમાદ તારે ઘેર લઇ જા, નથી જવું એવું મોક્ષમાં ! એવું મોક્ષમાં જવાતું હશે ? મહારાજ પાણી પીવા ના દે, ગળે ઊતરવા ના દે, એવું તે મોક્ષમાં જવાય ? તમે એવું જોયેલું ? રઘવાટ નહીં જોયેલો ?

પ્રશ્નકર્તા : જોયેલો ને; હું તો બે વર્ષ સાધુઓમાં રહી આવ્યો છું, દાદા.

દાદાશ્રી : ત્યાં પ્રમાદ નામનો શબ્દ હોય છે ને તે બધાને રઘવાટ રઘવાટ કરાવે છે. એના કરતાં તો પ્રમાદ કરને, તો રઘવાટ મટી જાય! કેટલો વિરોધાભાસ છે ? આ તો 'આ' સાયન્સ, અજાયબ સાયન્સ ઊભું થયું છે ! આ સાયન્સ ! આખું જગત મોંમા આંગળાં ઘાલશે એવું સાયન્સ પ્રગટ થયું છે, 'જેમ છે તેમ' ખુલ્લું થયું છે, નહીં તો અહી ય રઘવાટ હોય ને, તો દાદા તમને ચા-બા પીવા ના દે, 'અલ્યા, ચા પી રહ્યા કે નહીં? ઊઠો, હેંડો, હેંડો ગાવ, ચાલો થબાકો પાડો' એમ કરે; પણ અહીં રઘવાટ-બઘવાટ નહીં ને ! આત્મા તેવો રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, એવો કંઇ ગાંડો હશે, આવો ? આપણે આત્મા જેવા થઇએ, તો આત્મા પ્રાપ્ત થાય.

હવે મારી આ વાતનો બધાને શી રીતે મેળ ખાય ?! હું પ્રમાદ શબ્દ જ કાઢી નખાવા ફરું છું. આ તો તે પ્રમાદી આત્મા છોડયો અને હવે રઘવાટિયો આત્મા ઊભો કર્યો ! તે અલ્યા મૂળ આત્મા ક્યારે તું પામીશ ? પ્રમાદી આત્મા હતો તે પાછો રઘવાટિયો આત્મા ઊભો કર્યો, એના કરતાં તો પ્રમાદી આત્મા સારો હતો કે કોઇને ઢેખાળો તો ના મારે. આ રઘવાટિયાથી તો કોઇકને ધક્કો હઉ વાગી જાય. પ્રમાદિયાને કશું ય નહીં, બિચારો આસ્તે ચાલે. તેથી કરીને પ્રમાદને આપણે પસંદ કરીએ છીએ એવું નથી, પણ પ્રમાદ ઉપર તમે દ્વેષ કેમ કર્યો છે આટલો બધો? અને રઘવાટ ઉપર રાગ કેમ કર્યો છે ? હવે આ રાગદ્વેષ છોડવા હોય ને રાગદ્વેષ કરો, તે કેમ ચાલે ? અત્યારે ચા પીતા હો તો ના પીવા દે, દૂધ રેડતાં પહેલાં ધક્કો મારે, હવે આમને કયાં પહોંચી વળાય ? ક્રમિક માર્ગ જ એવો કઠણ છે, બહુ કઠણ માર્ગ. કૃપાળુદેવે પ્રભુશ્રીને કહ્યું કે, 'સંસ્કૃત શીખી લાવો.' તે પ્રભુશ્રી કહે કે, 'હવે ૪૬ વરસ થયાં, હવે હું ક્યારે આ ઉંમરે શીખું ને મને આવડે ? એના કરતાં મને બીજો રસ્તો દેખાડો ને !' ત્યારે કૃપાળુદેવે કહ્યું કે, 'વિક્ટોરિયા રાણી બધી ભાષા શીખે છે; આટલી ૭૬ વર્ષની છે તો ય તે ૭૬ વરસે આપણી ભાષાઓ શીખે છે ને તમને આપણી પોતાની માતૃભાષાકંઇ નહીં આવડે ? શીખી લાવો.

' તે આજ્ઞા થઇ એટલે શીખવું પડયું. તે પ્રભુશ્રી કહેતા હતા કે, 'હું થાંભલો ઝાલીને, ગમ ગચ્છતિ ટુ ગો, ગમ ગચ્છતિ ટુ ગો' એમ બોલતો, કે જેથી કરીને ઊંઘ ના આવી જાય, પ્રમાદ ના થાય. હવે કયારે પાર આવે ? અને તેમને બાવીસ પુસ્તક લખી આપેલાં આવડાં જાડાં અને કહેલું કે, 'એને જોડે ને જોડે રાખજો ને મહીં વિચાર આવે કે તરત જ મહીં જોઇ લેજો !' આ ક્રમિક માર્ગ ! કૃપાળુદેવ 'જ્ઞાની પુરુષ' હતા અને એમનો માર્ગ પણ સાચો છે, દુષમકાળના સાચા જ્ઞાની થઇ ગયા. પણ વસ્તુ સ્થિતિમાં ક્રમિક માર્ગ કેટલો બધો કષ્ટદાયી છે ! અને આ આપણો તો અક્રમ માર્ગ, સરળ માર્ગ પ્રાપ્ત થયો ત્યારે લોક આને અલેખે કરી નાખે છે, એટલે ખરો ટાઇમ આવ્યો છે. એક મિનિટ તો એક મિનિટ, પણ અહીં તો એક મિનિટની વધુ કિંમત છે. ફરી આ 'દાદા' એક મિનિટ પણ દર્શન કરવા નહીં મળે ! એક દહાડો એવો આવશે કે દહાડામાં એક મિનિટ પણ દર્શન કરવા આ 'દાદા' નહીં મળે ! 'આ' પ્રગટ સાયન્સ જે ઘડીએ બહાર જગતમાં પ્રગટ થયું તે ઘડીએ જગત ઝાલ્યું રહેશે ?!

બે જાતના મોક્ષમાર્ગ : એક ચાલાક માણસને મળેલો મોક્ષમાર્ગ ને બીજો આળસુ માણસને મળેલો એશઆરામવાળો મોક્ષમાર્ગ. સંસારમાં ચાલાક વધારે હોય છે, એશઆરામી જરા ઓછા હોય છે. આ લોકો એશઆરામી ના કહેવાય, પણ લોકો સમજયા વગર આ શબ્દ વાપરે છે. 'આ' તે જુદું જ કહેવાય, આમાં સંસારી મોહ ના હોય, એશઆરામ ખરો, પણ સંસારી મોહ નહીં. એટલે આ આપણો એશઆરામવાળાનો મોક્ષમાર્ગ છે અને બીજો ચાલાકનો મોક્ષમાર્ગ, એ બેનો જુદો રસ્તો ! એશઆરામવાળો મોડો નીકળે પછી રસ્તો ટૂંકો ખોળી કાઢે ! સૂતો સૂતો બહુ કામ કાઢી નાખે એ તો. એટલે આપણો લિફ્ટ માર્ગ જુદી જાતનો છે, તે બધી રીતે ખીલ્યો છે. તેથી કવિ લખે છે ને કે,

'જ્ઞાની વિક્રમ ટોચ, ઐશ્વર્ય હાહાકાર' - નવનીત

અક્રમ જ્ઞાની છે અને વિક્રમ ટોચ પર બેઠા છે ને હાહાકાર વર્તાવી દીધો છે ! ભલે એશઆરામ કર્યા હશે, પણ માર્ગે ય એશઆરામી મળ્યો છે ને ! ત્યાં 'પ્રમાદ ના કરો, પ્રમાદ ના કરો' કહે તો શી દશા થાય ? રઘવાટ, રઘવાટ ને રઘવાટ, ખાવાપીવામાં ય રઘવાટ. શાના હારું એ રઘવાટ કરે છે ? પ્રમાદ કાઢવા ? પ્રમાદ ગયો ને રઘવાટ પેઠો, એકનું એક ભૂત છે. ઊલટું, આ રઘવાટનું ભૂત ખોટું છે. આ વૈષ્ણવોના સાધુઓને કો'કને ત્યાં જમવા બોલાવ્યા હોય, લાડવા ખાવા, તો તે આરામથી જાય; રઘવાટ-બઘવાટ એમનામાં ના હોય ! અને આ જૈનના આચાર્યો રસ્તે હેંડતા હોય ને આપણે કહીએ કે, 'હમણે હું આવું, આ સૂર્યનારાયણનાં દર્શન કરીને.' તે, આમ દર્શન કરીને આમ જોઇએ ત્યાર સુધીમાં તો કયાં ય દૂર પહોંચી ગયા હોય ! એનું શું કારણ ? રઘવાટ, રઘવાટ. સંડાસ જતાં રઘવાટ ને પેશાબ કરતાં ય રઘવાટ, ચાલતાં રઘવાટ, ખાતાંપીતાં રઘવાટ; બધે રઘવાટ, રઘવાટ, રઘવાટ, રઘવાટ ! એના કરતાં તો આ લાડવા ખાઇને રહે, પેટ ઉપર હાથ-બાથ ફેરવે શાંતિથી, તો આપણને એમ લાગે કે આમનાં દર્શન કરો બિચારાનાં, ને આ રઘવાટિયાનાં તો દર્શન કરવાનું ય મન ના થાય. આ પ્રમાદ કાઢતાં રઘવાટ પેઠો, એના કરતાં પ્રમાદ સારો હતો. જે ભૂત પહેલાંનું હતું તે સારું હતું, આપણા પરિચયવાળું તો ખરું ! આ રઘવાટનું તો અપરિચયવાળું ભૂત પેઠું ! હવે પ્રમાદને સમજતાં નથી ને ઠોકાઠોક બધું કરે છે.

રઘવાટનું કારણ શું ? તો કે' પ્રમાદ છોડયો છે એમણે. અલ્યા, દેહનો પ્રમાદ નથી છોડવાનો, દેહનો પ્રમાદ તો રાખવાનો છે. નિરાંતે પલંગમાં બેસવાનું છે, પલંગ કચકચ કરે તો ય બેસવાનું. છો ને કચકચ કરે, એ પલંગ છે, કંઇ જીવ છે એ ? કોઇ જીવ દબાયો હોય તો આપણે ઊભા થઇ જઇએ, પણ પલંગ છો ને કચકચાટ કરે. બેસી જશે તો આપણે બીજો લાવીશું. પણ કહેશે, 'ના, પ્રમાદ થઇ જાય એટલે બેસે તો ય નિરાંત વાળીને ના બેસે; રઘવાટિયો રઘવાટિયો રહ્યા કરે ! અને તમે કશી વાત પૂછવા જાવને તો તે ય રઘવાટમાં ને રઘવાટમાં ચિઢાઇ જાય, એ 'છીટ, છીટ' કરે. આવું શોભે ?! ભગવાને આવું નથી કહ્યું. ભગવાન વીતરાગો આવા હશે ? આ લોકો ઘડીવારમાં કયાંના કયાં જતા રહે છે, તે મહાવીર આવું ચાલતા હશે ? એ તો એ ય.... આરામથી, આરામ કરતાં કરતાં ચાલે, આ તો મહીં જો આકુળ-વ્યાકુળ થઇ જાયને તો બહારે ય આકુળ-વ્યાકુળ થઇ જાય, મહીં રઘવાટ થયો કે બહાર રઘવાટ, પછી આ ઝાડો-બાડો બધું એને હાલતું દેખાય, ના હાલતા હોય તો ય દેખાય; કારણ કે રઘવાટિયો પોતે છે!

આ મુસ્લિમોના ઓલિયા હોય છે એમને રઘવાટ-બઘવાટ કંઇ નહીં, નિરાંત હોય. આપણે કહીએ કે, 'અલ્યા, આકાશ ગિરનેવાલા નહીં?' તો કહેશે કે, 'નહીં સા'બ, ગિરનેવાલા નહીં. અલ્લાને બનાયા હે ને ! વો તો અલ્લાને બનાયા હૈ, કૈસે ગિરેગા ?' અને આ લોકો તો 'મારું જ કરેલું ને મારે જ ભોગવવાનું.' એટલે આકાશ પડે તો શું થાય? આ સવળી સમજણ અવળી થઇ ગઇ ને તેનાં ફળ કડવાં આવ્યાં, નહીં તો આવું તે હોતું હશે ?

હંમેશાં રઘવાટી માણસ જ્ઞાન પામે, તો ય ઉપયોગ શુદ્ધ એને રહે નહીં, 'શુદ્ધ ઉપયોગ' આપીએ તો ય રઘવાટિયા પાસે રહે નહીં, કારણ કે રઘવાટિયો છે ને ! તમે આ ખાવ, પીઓ, હરો-ફરો પણ ઉપયોગપૂર્વક કરો. આ રઘવાટિયો જાણે કે, 'આમાં તો શુદ્ધ ઉપયોગ જતો રહે જ.' ના, એ તો શુદ્ધ ઉપયોગ રહે જ. ચા સારી છે કે ખોટી છે, કડક છે કે મીઠી છે, તેમાં આપણો શુદ્ધ ઉપયોગ જ રહે.

પ્રમાદ શબ્દે મારી નાખ્યા છે. આ પ્રમાદ શબ્દને સમજયા જ નથી. આટલો રઘવાટ કરે છે, ચાર વાગ્યે ઊઠે છે તો ય જો કદી મહાવીરને પૂછે તો કહેશે, 'આ બધા પ્રમાદી છે, સંપૂર્ણ પ્રમાદી છે, એક અંશ પણ પ્રમાદ ગયો નથી.'

પ્રમાદ શું છે ? આ જગતમાં કોણ પ્રમાદમાં છે ? આખું જગત જ પ્રમાદમાં છે. એ પ્રમાદ કયારે જાય ? આરોપિત ભાવ જાય ત્યારે પ્રમાદ જાય. મદ તો ચઢયો છે ને આ પાછો પ્રમાદ. એક તો આરોપિત ભાવ છે, 'હું ચંદુલાલ છું' માને છે એ મદ છે ને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ. જે અવસ્થા હોય એ સારી હોય તે ઠંડક ભોગવતો હોય ને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ. આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ અને આરોપિત ભાવમાં રંજન કરે એને પ્રમાદ કહ્યો.

હવે આ લોકો, વહેલો ઊઠતો નથી તેને પ્રમાદ કહે છે, પણ એ તો આળસ કહેવાય. વહેલો ઊઠતો નથી એ તો આળસુ માણસનું વિટામિન છે. એક તો ઊઠે મોડો અને છેલ્લી ઘડીએ ગાડી આવે ત્યારે એવો દોડે ! એટલે એ આળસુ માણસનું વિટામિન છે.

હવે સાધુઓ એમની ભાષામાં પ્રમાદનો અર્થ લઇ ગયા અને ભગવાને જુદું કહ્યું, ભગવાનની ભાષા આપણને કામની. જ્ઞાનીની સંજ્ઞાએ ચાલવું, એ ધ્રુવકાંટો બરોબર છે, એમનું જ્ઞાન ખરી ઉત્તર દિશા બતાવે. બીજા તો ઉત્તરને બદલે દક્ષિણમાં લઇ જાય, કાંટો ઉત્તરનો દેખાડે ને લઇ જાય દક્ષિણમાં. જ્ઞાનીને વિશે યથાર્થ જ કહેવાયું છે કે,

'મોક્ષ માર્ગનેત્તારંય ભેત્તારં કર્મભુભૃતામ્

જ્ઞાતારં સર્વ તત્વાનામ્, વંદે તદ્ગુણ લબ્ધયે.'

સ્વરમણતા : પરરમણતા

જેણે લગ્ન નાઇલાજ થઇને કર્યું હોય તેને માટે વીતરાગોનું જ્ઞાન છે અને રાજીખુશીથી સહીઓ કરીને, ત્રણ ત્રણ સહીઓ કરીને લગ્ન કરી નાખ્યું તે વીતરાગોના જ્ઞાનને કેમ પામે ? નાછૂટકે જેણે શાદી કરી છે, નાછૂટકે જે ખાય છે, નાછૂટકે જે પીએ છે તેને માટે વીતરાગોનું જ્ઞાન છે ! 'નાછૂટકો' આ એક પદ છે, સ્ટેજ છે; નથી જ ગમતું છતાં કરવું પડે છે. તમને એકાદ ચીજ ગમતી તો હશે ને ? એવી તમને ખબર હશે ને ?

પ્રશ્નકર્તા : ગમતી છે ખરી, પણ આ જ છે એવું આંગળી ચીંધીને હું બતાવી શકું નહીં.

દાદાશ્રી : 'છે' ખરું ને ? એ 'છે' ના આધારે જીવે છે. આ જીવે છે શાના આધારે ? 'છે'ના આધારે અને 'છે'ના આધારે ના જીવે તો આત્મા પ્રાપ્ત થઇ જાય ! અત્યારે આત્માની રમણતા 'છે' એમાં છે. જો 'છે'વાળી રમણતા ના ગમતી થઇ જાય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો, નહીં તો દેહ રહે જ નહીં ! પણ 'છે' એમાં રમણતા છે, ત્યારે આત્મા કહે છે, 'તમારું બરોબર છે. તમે તમારા ગામમાં બરોબર છો ને હું મારા ગામમાં બરોબર છું !' કોઇક જગ્યાએ રમણતા વર્ત્યા કરે, આ બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે. જો રમણતા કોઇ પણ જગ્યાએ-એક પરમાણુ માત્રમાં, પુદ્ગલમાં પૌદ્ગલિક રમણતા ના હોય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો ! અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક રમણતા નથી ! આત્મ-રમણતા સિવાય એક ક્ષણ પણ અમે રહ્યા નથી ! આ દેહ 'મારો છે' એવું અમને ભાન રહેતું નથી, પાડોશી તરીકેનું ભાન રહે છે, આ દેહ નેબરર છે, ફર્સ્ટ નેબર છે.

પૌદ્ગલિક રમણતા જો કિંચિત્ માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી. આત્માના અણસાર દેખાય છે, પણ તથારૂપ ના થાય. તથારૂપ એટલે ભગવાને જેવો આત્મા કહ્યો છે, તેવો ના થાય. તથારૂપ આત્મા એ તો અચળ આત્મા છે ! આ બધા ચંચળ આત્મા છે ! જયાં સુધી પૌદ્ગલિક રમણતા છે ત્યા સુધી ચંચળ આત્મા છે. ભગવાને કહ્યું કે બે જાતની રમણતા હોય. એક 'શુદ્ધ ચેતન'ની રમણતા, એ પરમાત્મ રમણતા કહેવાય છે; અને નહીં તો બીજી પુદ્ગલની રમણતા, એ રમકડાંની રમણતા કહેવાય છે, રમકડાં રમાડે છે એમ કહેવાય છે.

બધી યે રમકડાંની રમણતા !

હા, બાળકો ય રમકડાં જ રમાડે છે ને ? બે વર્ષના બાળકનાં રમકડાં પાંચ વર્ષના બાળકને આપે તો તે લે ખરો ? ના લે. એ તો કહેશે, 'આ તો નાના બાબાનાં છે, મારાં ન હોય !' એટલે નાના બાબાનાં રમકડાં મોટો બાબો ના વાપરે ને મોટાનાં રમકંડા નાનો ના વાપરે. પછી પાંચ વરસના બાબાનાં રમકડાં હોય તે મોટો અગિયાર વર્ષનો ના લે, કહેશે, 'અમે તો ક્રિકેટ રમવા જઇશું' પછી છે તે ચૌદ વર્ષનો થાય ત્યાં સુધી ક્રિકેટ ને ફૂટબોલ ને વોલીબોલ ને ફલાણા બોલ ને આમતેમ, બધાં રમકડાં રમાડયા કરે. પછી અઢાર વર્ષનો થાય તે ય ભણતાં ભણતાં ચોપડીઓ રમાડે. ચોપડીઓ એ ય રમકડાં કહેવાય. જે ચોપડીઓ ઉપર રૂચિ છે એ શું કહેવાય ? જયાં રુચિ છે ત્યાં રમણતા કહેવાય. એટલે ચોપડીઓ રમકડાં, ફૂટબોલ રમકડાં, ઢીંગલા-ઢીંગલી એ બધાં ય રમકડાં જ કહેવાય ! પછી વીસ-બાવીસ વર્ષનો થાય ત્યારે કહેશે કે, 'હવે મારે ઢીંગલી નહીં ચાલે, મારે મોટી જીવતી ઢીંગલી જોઇશે.' 'મેર ગાંડિયા, પેલી ઢીંગલી શી ખોટી છે ? લાવી આપવા દેને તને, અહીં આગળથી જાપાનીઝ આવે છે તે, મોટી, સાડી પહેરેલી આવે છે તે ?' તો તે કહેશે, 'ના, મારે જીવતી જોઇએ.' તે પાછો જીવતી ઢીંગલી લઇ આવે ! હવે આપણે તેને કહીએ કે, 'હવે તો સંતોષ થઇ ગયો ને ? રમકડાંને કંઇ બંધ કરીશ હવે ?' તો એ કહેશે કે, 'હવે મારે વાંધો નથી.' ત્યાર પછી હોંશે હોંશે બે-ચાર વરસ થાય, એટલે લોક પૂછ પૂછ કરે કે, 'ભાઇ ચાર વરસ થયાં પૈણ્યે, શું છે ? બેબી છે કે બાબો ? નથી, કંઇ કશું ?' એટલે પાછું મનમાં થાય કે આ રમકડું ખૂટે છે, એટલે પાછો એ રમકડાંમાં પડયો.

ત્યારે બીજો એક છોકરો બાવીસ વર્ષનો થાય, ત્યારે કહેશે, 'ના, મારે તો દીક્ષા લેવી છે !' 'તને આ જીવતી ઢીંગલી નહી ફાવે ?' તો તે કહેશે, 'ના, મને એ રમકડું નહીં ફાવે, હું તો ત્યાગી રમકડાં ખોળીશ. જે આવી જીવતી ઢીંગલી ના વાપરતા હોય તે રમકડાં અમારાં !'

કેટલાક લગ્ન થાય, છોકરાં થાય, પછી એમને ઉદય એવા આવ્યા, કે બૈરી જોડે ઝઘડા થવા લાગ્યા. એટલે એને ઉદય ત્યાગનો આવ્યો, એટલે પાછો એ શું કરે કે બૈરી પાસે મારી-ઠોકીને લખાવી લે કે 'હું રાજીખુશીથી મારા ધણીને મોક્ષનું કામ કાઢી લેવા જવા દઉં છું,' આમ બૈરી-છોકરાંને રડાવીને લખાવી લે ! આ બધા બૈરી-છોકરાંને રડાવી રડાવીને આવ્યા છે. થોડા ઘણા હશે કે જે પૈણ્યા જ ના હોય અને બીજા કેટલાક હશે કે જેમને પૈણવાનું મળતું જ ના હોય ! બીજા થોડા ઘણા છે કે જેને ઘેર ખાવાનું જ હતું નહીં. બીજા થોડા ઘણા છે તે ડફોળ, ભણવામાં ડફોળ, બીજા બધામાં ડફોળ, પણ આટલી આ અક્કલમાં પહોંચેલા કે અહીં આ સંસારમાં રોજ રેશન લેવા જવું પડે, નોકરી કરવા જવી પડે, તે આ ઉપાધિ તેમને ગમે નહીં, એટલે કહેશે કે, 'આ ત્યાં સાધુપણામાં તો ખાલી ઉઘાડે પગે ફરવાનું એટલું જ દુઃખને ! ને લોક બાપજી બાપજી તો કરશે ! આવડયું, ના આવડયું કોણ પૂછે છે ? એટલે આ કેટલાક તો એવી રીતે પેસી ગયા છે ! અને એમાં સાચા ય સાધુઓ ખરાં, પાંચ-દશ ટકા ! કેટલાક કરોડો રૂપિયા મૂકીને પણ આવે છે. તેમને પૂછીએ કે, 'તમને રૂપિયા રમાડવાના ના ગમ્યા, સાહ્યબી રમાડવાની ના ગમી, બાઇ રમાડવાની ના ગમી ? અહીં શું કરવા, શાં રમકડાં

રમાડવા આવ્યા છો ?' ત્યારે એ કહેશે કે, ' સમાજકલ્યાણ કરવું છે.' 'અલ્યા, કયા અવતારમાં સમાજનું કલ્યાણ કર્યા વગર તું રહ્યો છે ? તું તારું જ કલ્યાણ કરને ! તારા પોતાનું કલ્યાણ કર્યા વગર સમાજનું શી રીતે કલ્યાણ થશે, અલ્યા ?'

હવે આવી બધી અવળી સમજ કયાં સુધી ચાલશે ? વીતરાગોની સાચી સમજથી તો ચાલવું પડશે ને ? અને પાછા ગાય પણ ખરા, 'પરરમણતા દૂર કરે, પરરમણતા દૂર કરે.' અલ્યા, પરરમણતા એટલે તું શું સમજયો ? તું આ રમાડે છે તે જ પરરમણતા છે ! તે તો શી રીતે તું દૂર કરે કેટલાક કહે કે, 'સમાજકલ્યાણ કરીએ છીએ, જૈનોને વધારીએ છીએ.' અલ્યા, જૈન વધે કે ઘટે એમાં તારે શી પીડા ? મહાવીર ભગવાનને આવી ચિંતા નહોતી તો તને તો કયાંથી પેઠી ? તારા ગુરુના ગુરુ, એના ગુરુ અને આખી દુનિયાના ગુરુ એવા મહાવીર, તેમણે ચિંતા નથી કરી કે જૈનો વધે, તો તું આવો કયાંથી પાકયો છે કે જૈનો વધારવા પડયો છે તે ? તારું ચિત્ત ચગડોળે ચઢયું છે કે શું ? એના કરતાં ઘેર છોકરા વધાર્યાં હોય તો ડઝન કે પાંચ, વધત ને ? પણ આ તો છોકરાંને નિર્વંશ કર્યાં ! આને જૈન કેમ કહેવાય ? સમજવું તો પડશે જ ને સાચું? કયાં સુધી આવું ઠોકાઠોક ચાલશે ? સાચું સમજવું પડશે. સાચું જાણવું પડશે તો આત્મા જાણવાને મળે. પરરમણતા જાય તો સ્વરમણતા ઉત્પન્ન થાય.

તમને રમણતા શાને કહેવાય એ સમજ પડી ને ? ઠેઠ સુધી શાસ્ત્રો રમાડે. ગુરુઓ શિષ્યોને રમાડે ને શિષ્યો ગુરુઓને રમાડે ને કહે શું કે, 'આ મોક્ષનો રસ્તો છે.' અલ્યા, ના હોય એ મોક્ષનો રસ્તો ! ગુરુઓને રમાડે અને શાસ્ત્રોને રમાડ રમાડ કરે રોજ ! સાધુ. મહારાજો, આચાર્યો બધા શાસ્ત્રોને રમાડ રમાડ કરે. ભગવાને કહ્યું કે, તું ઠેઠ સુધી રમકડાં જ રમાડે છે, તેમાં તારો શો શુક્કરવાર વળ્યો ? તે રમકડાં રમાડયાં છે, માટે મોક્ષ માટે ગેટ આઉટ. ત્યારે પેલો કહેશે, 'ભગવાન આ તમારાં શાસ્ત્રો, આગમો બધું હું રમાડું છું ને !' ત્યારે ભગવાન કહે, પણ તું ગેટ આઉટ, તેં રમકડાં રમાડયાં છે, એક ક્ષણ પણ આત્માને રમાડયો નથી.' અમે સ્વરમણતાથી મોક્ષ આપીએ છીએ ! તેથી તો અમે તમને બધાને પુસ્તક ઝાલવાની ના કહી છે ને !

સ્વમાં રમણતા કર્યા કર. જેને સ્વ પ્રાપ્ત નથી થયું તે બધાં રમકડાં રમાડ રમાડ કરે છે. આ બધા આચાર્યો-બાચાર્યો જે આખા વર્લ્ડમાં છે, તે બધાં જ રમકડાં રમાડ રમાડ કરે છે. આપણા અહીંના મહાત્માઓ જ એક આત્માને, સ્વને રમાડે છે, સ્વરમણતા કરે છે. હવે આ આટલી ઝીણી વાત સમજે નહીં તે આખો દહાડો પુસ્તક ને પુસ્તક રમાડયા કરે ! પુસ્તક ના જડે તો ચિઢાયા કરે. આખો દહાડો બધા ઉપર ચિઢાયા કરે, 'તમારામાં અક્કલ નથી' એમ બધાને કહે. આ અક્કલનો કોથળો આવ્યો ! ભગવાને પુસ્તકમાં ચોખ્ખું ના કહ્યું છે કે કોઇની ઉપર ચિઢાઇશ નહીં, કોઇને દુઃખ દઇશ નહીં; પણ એનું એ જ કરે, પુસ્તકમાં શું આવું ચિઢાવાનું કહ્યું હોય? પણ જો એક પુસ્તક ખોવાઇ જાયને, જે પુસ્તક ચિઢાવાનું ના કહેનારું હોય તે જ પુસ્તક ખોવાઇ જાયને, તો ય ચિઢાયા કરે ! આ બધાં રમકડાં રમાડે છે, પછી એ બૂમ પાડે એમાં શી ભલીવાર આવે ? શાસ્ત્રો કરોડ અવતાર વાંચ વાંચ કરેને તો ય એ તો ઊલટો શાસ્ત્રોનાં બંધનમાં પડયો. પેલી સંસારની રમણતામાં પડયો તો એમાં બંધનમાં પડયો. ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી પાછો ઓલામાં ! પુસ્તકો ય રમકડાં છે. આત્મા જાણવા માટે પુસ્તકો છે માટે એ હેતુ ખોટો નથી; પણ આત્માની રમણતા એ જ ખરી રમણતા છે, બીજી બધી પરરમણતા છે.

એક સાધુ આવેલા તે કહે કે, 'મારે બિલકુલ, એકુ ય પરિગ્રહ નથી, તો મારો મોક્ષ થશે ને ?' અમે કહ્યું, 'ના, તમારો મોક્ષ નથી. જયાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. આ તો બધાં રમકડાંની રમણતામાં છે, શાસ્ત્રો વાંચે કે ક્રિયાકાંડ વગેરે કરે તે બધી રમણતા છે. પરિગ્રહ કંઇ નડતા નથી. પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે ! એવું નોંધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે.' તને જો સ્વરમણતા પ્રાપ્ત થઇ હોય તો પૈણને ૧૩૦૦ રાણીઓ ! અમને વાંધો નથી, તારી શક્તિ જોઈએ. સ્વરમણતા તને જો પ્રાપ્ત થઇ તો તને શો વાંધો છે ? સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કોઇ પણ જાતનો વાંધો સ્પર્શે નહીં.

રમણતા : અવસ્થાની ને અવિનાશીની !

આટલી ઝીણવટની વાતો લોકોને સમજાય નહીં, 'આ સ્વરમણતા' અને 'આ પરરમણતા' એવું કશું ભાન જ નહીં. બે જાતના માણસ : એક અવસ્થાઓમાં પડયા છે, એ પછી સાધુ હોય કે સંન્યાસી હોય, આચાર્ય હોય કે સૂરી હોય, બધાં અવસ્થાઓમાં પડેલા છે અને બીજા સ્વરૂપમાં પડેલા છે તે 'દાદા'એ જેમને 'સ્વરૂપનું જ્ઞાન' આપ્યું ત્યાર પછી તે પોતાના સ્વરૂપમાં પડેલા છે.

અવસ્થાઓ વિનાશી છે, વિનાશી છે એટલે એકદમ કંઇ પા કલાકમાં વિનાશ થઇ જાય એવી નથી. કોઇ ત્રણ કલાક નભે, કોઇ ચાર કલાક નભે. જુવાની દસ વર્ષ કે પંદર વર્ષ નભે, ઘૈડપણ વીસ વર્ષ નભે. તે એમાં બાળપણ, યુવાની અને ઘૈડપણ એ ત્રણ અવસ્થા મોટી અને બાળપણમાં ય કેટલી આવસ્થા ઊભી થાય. નાનો બે વર્ષનો હતો ત્યારે નાગો ફરતો હતો, કપડાં નહોતાં પહેરતો, તો તે ચાલતું હતું. પાંચ વર્ષનો થયો તે કપડાં બધાં પહેરાવે ત્યારે આવડાં રમકડાં માગે અને અગિયાર વર્ષનો થાય ત્યારે પાંચ વર્ષના જ બાબાનાં રમકડાં આપીએ તો ના લે, 'મારે તો બોલ ને બેટ જ જોઇએ' એમ કહેશે. 'અલ્યા, કેમ રમકડાં બદલ્યાં ?' ત્યારે કહેશે, 'મારી અવસ્થા બદલાઇ, હું મોટો ના થયો ?' અવસ્થા બદલાઇ તે મોટો થયો એ ! એમ કરતાં કરતાં એ ઠેઠ સુધી રમકડાં રમાડે. જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે. અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે, આકુળ વ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ, નિરાકુળ રહે ! 'જ્ઞાની પુરુષ' તમને અવસ્થાની રમણતામાંથી ઉઠાવી લઇ આત્મરમણતામાં બેસાડી દે, પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતરની આત્મરમણતા કાયમ માટે ઉત્પન્ન થઇ જાય છે! 'જ્ઞાની પુરુષ' શું ના કરી શકે ?