ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

સંસાર-સ્વરૂપ : વૈરાગ્ય-સ્વરૂપ

સંસાર આખો દગો છે. એમાં કોઇ આપણો સગો નથી. એવા આ સંસારની વિકરાળતા જો સમજાઇ જાય તો મોક્ષની ઇચ્છા તીવ્ર થાય. સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટર વેઇટ છે.

આજે વિકરાળતા લાગે છે, છતાં ય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે. પાછું લાગે કે હશે ભાઇ, આવતી કાલે સુધરશે. પિત્તળ સુધરીને સોનું થશે ખરું ? ના, એ તો કયારે ય પણ સોનું ના થાય. તેથી આવા સંસારની વિકરાળતા સમજી લેવાની છે. આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કાંઇક સુખ લઇ આવું છું. આમ કરીશ એટલે કંઇક સુખ મળશે. પણ ત્યાં ય માર ખાય છે.

જો 'જ્ઞાની પુરુષ' આ સંસારની વિકરાળતાનું માત્ર વર્ણન જ કરે તો એને થઇ જ જાય કે, 'આવો અતિ કઠિન સંસાર છે ? આમાંથી તો છુટાય એવું નથી. માટે એ આખો કેસ ઊંચે મૂકવાનો.' 'હા બાપા ! હા બાપા!' કરીને ઉકેલ લાવવાનો. 'સમભાવે નિકાલ' કરવા જેવું છે જગત!

આ અમારી ઝીણી વાત છે. જાડી વાતોથી તો સંસાર ઊભો છે !

દહીનું વાસણ હોય અને તેનું મોઢું નાનું હોય ને નીચે મૂકેલું હોય ત્યારે બિલાડીને તેની સુગંધ આવે. તે વાસણ હલાવીને દહીં ખાઇ જાય. પછી થોડું ચપટીક દહીં મહીં રહ્યું હોય તો તેની લાલચે બિલાડી મોઢું જોરથી અંદર ખોસી દે ત્યારે એનું મોં અંદર ફસાઇ જાય. પછી તો અંદર અંધારું. તે બિલાડી આમથી દોડે ને તેમથી દોડે. હવે આવી ફસામણમાં ફસાયા પછી છૂટે શી રીતે ? તેમ આ આખું જગત આવું ફસાયું છે ! હવે પોતે પોતાથી છુટાય શી રીતે ? બિલાડીને છૂટવું હોય તો કોઇ છોડાવી આપે તો જ છૂટે. તેમ આ જગતની ફસામણમાંથી એક 'જ્ઞાની પુરુષ' જ છોડાવી શકે, બીજો કોઇ છોડાવી ના શકે. પોતે પોતાનાથી તો કયારે ય ના છૂટી શકે, ઊલટો વધારે ગૂંચાય.

નાનપણમાં અમે આ બધું બિલાડીનું નિરીક્ષણ કરેલું. હું જાતે દહીંનું વાસણ મૂકી છાનોમાનો જોયા કરું. દહીં બગડે એની પડેલી જ નહીં. પણ જોવા ને જાણવા તો મળે ને ! આ તો આવી પ્રત્યક્ષ ફસામણ જાણ્યા છતાં પાછો ફસાય એવો મૂરખ કોણ ? આ બિલાડીને કેવું કે એક વખત મોઢું ફસાયું હોય છતાં પણ ફરી દૂધનું વાસણ જુએ ને પછી ભૂલી જાય ને છોડે નહીં ને પાછી ફસાય. પછી તે બહુ ય પસ્તાય. પણ ફસાયા પછી શું થાય ? આ એક વાર ફસામણ થઇ ગઇ હોય તે પછી તેને યાદ રહેતું હશે કે આવું ફરી નહીં કરાય ? ના, એ તો શિક્ષા કરી હોય તો ય ભૂલી જાય. આ માણસો ભૂલી જાય છે તો પછી જનાવરનું શું ગજું? આ દેહ આપણો ના થાય ને 'આ મારો, આ મારો' એવું બધાં કહે છે. અલ્યા, આ દેહ જ તારો નથી, ને બીજાં તારાં શી રીતે થશે ?

આપણે કલકત્તાથી આવતાં સારી કેરી દીઠી હોય, ને ત્યાં મજૂર ના મળે, કરંડિયા ના મળે, તો ય સાચવીને અહીં લાવીએ. અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઇએ અને ખાઇ લીધા પછી ગોટલા ને છોતરાં નાખી દઇએ. અલ્યા, આટલી મહેનત કર્યા પછી નાખી દીધું ? તો કહે કે, હા, માત્ર રસનું જ કામ હતું. એમ આ માણસોને ય ગોટલા-છોતરાં રહે, રસ ના રહે ત્યારે છોકરાં ય લાતો મારે !

અમારે ત્યાં પાડોશીમાં એક આંધળા ડોસી અને તેનો દીકરો રહે. ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઇને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઇ સાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ જોશે તો મારી આબરુ જશે. તે સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! માને લાત મારી ને સાહેબ પાસે પોતાની આબરુ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો! આ આબરુનો કોથળો! માની આબરુ સાચવવાની હોય કે સાહેબની?

આ કેરી શાથી લઇ આવતાં રહો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું, નહીં તો આ તો 'ઊંઠ આંધળી' એવું કહે !

પાછા કો'ક કહેશે કે મારે છોકરાં નથી. આ છોકરાંને શું તોપને બારે ચઢાવવાં છે ? આવાં છોકરા હોય તે પજવે તે શા કામનાં ? એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને કયા અવતારમાં તારે શેર માટી નહોતી ? આ કૂતરાં, બિલાડાં, ગધેડાં, ગાય, ભેંસ એ બધા ય અવતારમાં બચ્ચાં ને બચ્ચાં જ કોટે વળગાડીને ફર્યા છે ને! આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે. ત્યાં તો પાંસરો મર ને! અને કંઇક મોક્ષનું સાધન ખોળી કાઢ, ને કામ કાઢી લે. છોકરો પજવે ત્યારે ડોસી કહેશે કે, 'બળ્યો આ સંસાર, ખારો દવ જેવો છે.' ત્યારે આપણે કહીએ કે, 'માજી, શું આ સંસાર પહેલાં ખારો નહોતો ?' એ તો કાયમનો ખારો જ છે. પણ મોહને લઇને, મૂર્ચ્છાને લઇને મીઠો લાગતો હતો. તે છોકરો પજવે એટલે મૂર્ચ્છા એટલા પૂરતી ઊડી જાય ને સંસાર ખારો લાગે. પણ ફરી પાછી મૂર્ચ્છા આવી જાય ને બધું ભૂલી જાય ! અજ્ઞાની તો એટ એ ટાઇમ ઘેર જઇને બધું ભૂલી જાય. જયારે 'જ્ઞાની'ને તો એટ એ ગ્લાન્સ બધું હાજર રહે. એમને તો આ જગત જેમ છે તેમ નિરંતર દેખાયા જ કરે. એટલે મોહ રહે જ કયાંથી ? આ તો પેલાને ભાન નથી તેથી માર ખાય છે.

સાસુથી કામ ના થતું હોય તો વહુ સાસુને શું કહેશે કે તમે આઘાં બેસો. નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે. સાસુને કહે કે, તમે દળો, એટલે વચ્ચે ના આવો. અને આ મા તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે. તે એ ચાકરી કરશે કે ભાખરી કરશે એ પછી ખબર પડે! બંધાયા હોય તો છુટાય એવું નથી ને છૂટયા હોય તો બંધાવાય એવું નથી! 'સ્વરૂપનું જ્ઞાન' મળ્યું હોય તો આ ફસામણમાંથી છુટાય !

નાનપણમાં મેં નજરોનજર જોયેલું, તે કહું તમને. એક આંધળા ડોસા હતા. એ ખાતા હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલાં કંટાળીને ચિડાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઇ જાય ને વધારે કાંકરા નાખે ! એવું આ જગત છે ! અને પાછા આવા કેટલા અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે ત્રણ અવતારમાં ય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી, છતાં ય આ જગત પર લોકોને કેટલો મોહ છે !

બિલાડી લાલચની મારી મોઢું જોશથી વાસણમાં નાખી દે છે. પછી નીકળે નહીં! એ શા માટે મોઢું નાખે છે ? સ્વાર્થ ને લાલચ માટે જ ને? એ સ્વાર્થ અને લાલચ એ જ અજ્ઞાન છે! એટલે આપણે શું શિખવાની જરુર છે કે,

આપણે કોણ છીએ ?

આની જોડે આપણે શી લેવા દેવા છે ?

આ મારાં થશે કે નહીં ?

આ પાંસઠ વર્ષથી દાંત ઘસ ઘસ કરીએ છીએ, તો ય એ ચોખ્ખા ના થયા ! તો આપણી સમજમાં બળ્યું ના આવે કે વસ્તુ સાચી કે જૂઠી? આખી જિંદગી આ જીભની લીલ ઉતારી તો ય મૂઇ ચોખ્ખી ના થઇ ! રોજ દાંતની કેટલી માવજત કરી, ઘસ ઘસ કર્યા પણ છેવટે એ ય સગો તો ના જ થયો ને ! આ આજે દાઢ દુઃખવા લાગી જ ને ! એવું છે આ જગત ! આ સંસાર જ એવો છે કે ખરે ટાઇમે કોઇ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોય ને એક દહાડો વહુના પેટમાં દુઃખે તો સાસુ કહેશે કે, અજમો ફાકી લે. આવું તો બધા કહેશે. પણ કંઇ સાસુ વહુનું દુઃખ લઇ લેશે ? અરે! ધણી કે છોકરાં ય કોઇ લઇ લેશે ? આ જગત કેવું છે કે આ બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જયારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઇ લાવતા હોય, કે કામ કરતા હોય તો બાપા વહાલા લાગે પણ પછી જો કામ કરતા બંધ થાય એટલે ઘરનાં બધાં શું કહેશે કે 'તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી !' એવું છે આ જગત ! આખો સંસાર દગો છે ! જો થોડો ય સગો હોત તો આ 'દાદા' તમને ના કહેત કે આટલી સગાઇ સાચી છે ? પણ આ તો સંપૂર્ણ દગો જ છે. કયારે ય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું હોય,

ખાલી દર્શન કરવા આવવું હોય તો ય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.

શુદ્ધાત્મા જ સાચો સગો !

દાદાશ્રી : આ રાત્રે બે વાગ્યે તમે ઊઠો છો ત્યારે સૌથી પહેલું શું લક્ષમાં આવે છે ?

પ્રશ્નકર્તા : 'હું શુદ્ધાત્મા છું' એ અને પછી 'દાદા' દેખાય છે.

દાદાશ્રી : આ 'અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી તમને ''શુદ્ધાત્મા''નું લક્ષ કેટલો વખત રહે છે દિવસમાં ?

પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા.

દાદાશ્રી : આ 'શુદ્ધાત્મા'નું લક્ષ રહે છે એ જ આપણું ! એ જ આપણી ખબર લે. બીજું કોઇ રાત્રે આપણી ખબર ના લે. આપણે પાણી પીવાનું માગીએ તો ય કોઇ ના ઉઠે. જાતે લેવા જવું પડે. આપણે પાણી માગીએ ને પેલો ઊંઘતો હોય તો તો ઊઠે, પણ જાગતો ના ઊઠે. આ બધા હિસાબ અમને એટ એ ટાઇમ દેખાયા જ કરે ! તદ્ન દગો છે આ સંસાર. કોઇ દા'ડો સગો ના થાય !

દાદાશ્રી : બહેન, કેટલાં છોકરાં છે તમને ?

પ્રશ્નકર્તા : ચાર છે.

દાદાશ્રી : તો ગયા અવતારનાં છોકરાં અત્યારે કયાં છે ?

પ્રશ્નકર્તા : એ તો શી ખબર, દાદા !

દાદાશ્રી : એક એક અવતારમાં ભયંકર માર ખાધો છે, પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે. ગયા અવતારનાં છોકરાં મૂકતો આવે છે ને નવાં આ અવતારમાં વળગાડતો જાય છે !

'પોતાની' વસ્તુ હોય તો લૂંટાય નહીં અને જે લૂંટાયું તે 'પોતાનું' નહીં. આ એકનો એક છોકરો હોય તો ય ના રહે.

આ જગતમાં કયો માણસ મોહ કરવા જેવો છે ? આ 'ગંધાય' તેના પર શો મોહ કરવાનો ? ગંધાતી કેરી પર તે કંઇ મોહ કરાય ? સુગંધીદાર માણસો તો સત્યુગમાં હતા. પણ સત્યુગનું ચળામણ દ્વાપરમાં રહ્યું, દ્વાપરનું ચળામણ ત્રેતામાં રહ્યું ને ત્રેતાનું ચળામણ આ કળિયુગમાં રહ્યું ! તે નર્યા ચોળિયા જેવા જ લોક રહ્યા છે આ કાળમાં ! એમનો ખોરાક એવો, બુદ્ધિ એવી અને વિચારે ય એવા ! આમાં શું સુખ મળવાનું છે ? એના કરતાં 'પોતાના આત્માની ગુફામાં' પેસી જા. અને બહાર સુપરફલ્યુઅસ રહે ને ! આમાં શાં સુખ કાઢવાનાં, બધું જ ગંધાય છે ત્યાં? 'સ્વરૂપનું જ્ઞાન' ના હોય તો બધે બફારો જ છે અને 'સ્વરૂપનું જ્ઞાન' મળ્યું તો 'પોતાની ગુફામાં' બેસીને રહેવાનું ને બીજે બધે ઉપલક રહેવાનું ! બહુ સારા હોય તો આપણને લપસાવી પાડે. ચા-નાસ્તો કરાવે, ફરવા લઇ જાય. નહીં કશી લેવા ને દેવા, છતાં લપસાવી દે !

આ બધા ચોપડાના હિસાબથી ભેગા થયા છે. એક ઝાડ પર પંખી બેઠાં હોય ને ઊડી જાય તેવું છે ! આને તો પૂળો જ મૂકવાનો ને જયારે ત્યારે ! ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ, રાજપાટ ને વૈભવ છોડીને 'જ્ઞાની' ની પાછળ દોડેલા ! ને આજે એક જ રાણી છોડતો નથી ! ને આવા કળિયુગના કાળમાં રાણી તો કેવી હોય કે સવારના પહોરમાં આવડી મોટી ચોપડે કે 'સવારમાં શાને ચા ઢીંચો છો? '

આ તો બધી ભરહાડ કહેવાય. શક્કરિયાં બાફવાની જગ્યા તે આ સંસાર.

આમાં સુખ હોત તો છાપામાં રોજ આવત કે ફલાણા ફલાણા શેઠ સુખી છે ! પણ કોઇ સુખી નથી. શક્કરિયાં ભરહાડમાં બફાય તેમ બધા બફાય છે ! આ શેઠાણીનો વીમો ય નહીં ને બંગલા ને બંગલા ભેલાઇ ગયા ! શામાં સુખ છે ? લક્ષ્મીમાં સુખ હોય તો તો આ શેઠિયા રાત્રે પલંગ પર સૂતાં સૂતાં પાસાં ના ફેરવે. પણ આ તો પલંગ પણ ચૂં ચૂં કરે ! આમાં શું સુખ છે ? ચક્રવર્તીઓને ય તેરસો રાણીઓ હોય તેમાં કેટલીયનાં મોંઢા ચઢેલાં હોય રોજ !

એક વણિકભાઇ મારી જોડે રોજ બેસનારા. એમને મેં પૂછયું, ''કેમ તમારે કેમનું ચાલે છે વહુ જોડે ? જો વહુ મરી જાય તો શું થાય તમારું ?''

ત્યારે એમણે કહ્યું, ''મેં તો મારી બૈરીને કહી દીધું છે કે હું રાંડીશ પણ તને રાંડવા નહીં દઉં.'' ''ઓત્તારીની ! આ વણિક તો બહુ પાકા. આનાથી તો બૈરીને સારું લાગે ને ભાઇ વધારે જીવે!'' સ્ત્રીને કહે કે, તું સૌભાગ્યવંતી થઇને જજે, પણ હું તો રાંડીશ ! આ તો પુરુષોએ કાઢેલા કાયદા અને તેથી પક્ષપાતવાળા કાયદા હોય. સ્ત્રીઓનો અને પુરુષોનો જે નેચરલ ભેદ છે એ જ ભેદ. બાકી તો એ ય 'શુદ્ધાત્મા' જ છે ને ?

એક વણિકભાઇ તો એવા શૂરવીર હતા તે પોળને નાકે ચોરીઓ થતી હતી ને ત્યાં બૂમાબૂમ થઇ રહી હતી. એમને ખબર પડી કે ચોરો પોળમાં આવ્યા છે, એટલે એમણે તો પોતાની બૈરીને કહ્યું કે, 'તું મને ગોદડાં ઓઢાડી દે !' આવા શૂરવીર લોકો છે.

શાદી કરી, શાદીફળ ચાખ્યાં હવે 'વીતરાગ' રહેવાનું છે. આ તો આંબાના ફળ ચાખ્યાં કે ખાટાં છે તો પછી કાયમ નીચે બેસી રહેવું કે આવતે વર્ષે આંબો મીઠો થશે ? ના, એ તો કાયમ ખાટો જ રહેશે. એમ આ સંસાર એ ખાટો જ છે, પણ મોહને લીધે ભૂલી જાય છે. માર ખાધા પછી ફરી મોહ ચઢી જાય છે. એ જ ભુલભુલામણી છે. જો સ્વરૂપ અજ્ઞાન ગયું ને 'સ્વરૂપજ્ઞાન' મળી જાય તો એ ભુલભુલામણી પજવે નહીં. 'જ્ઞાની પુરુષ' આત્મજ્ઞાન આપી દે એટલે ભુલભુલામણીમાંથી છૂટે ને મોક્ષનો સિક્કો વાગી જાય !

આ તો મરવા જેવો ખાટલામાં પડયો હોય તો ય નાની બેબીની ચિંતા કરે કે આને પરણાવવાની રહી ગઇ. તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવર થાય. જાનવરનો અવતાર નાલેશીભરેલો છે. પણ મનુષ્ય અવતારમાં ય સમો ના રહે, તે શું થાય ? 'જ્ઞાની પુરુષ' તો કહે કે, ''માગ, માગે તે આપું'' પણ સરખું માગે ય નહીં.

સ્ટીમર ડૂબતી હોય ત્યારે આગળથી એની ખબર પડી જાય. એટલે બધાંને મછવામાં ઉતારતાં હોય ત્યારે પેલો ડોસો વહેલો ઉતાવળ કરે. પણ તું મરવાનો થયો, હવે છોકરાને પહેલાં ઊતરવાં દે ને !

લોકો જાણે કે આ રળિયામણી દુનિયા છે ! ના, આ તો મરવાનું કારખાનું છે ! રીંગણા ઘૈડાં થાય એટલે મરવાનાં જ. આ તો જેટલું કામ કાઢે એટલું પોતાનું !

આ પાલઘરનું સ્ટેશન આવે ત્યારે કોઇ બિસ્તરો પાથરે ત્યારે લોક શું કહે ? ગાંડો જ કહે ને ? મુંબઇ નજીક આવ્યું ને બિસ્તરો પાથરે છે? એ તો મૂર્ખ જ કહેવાય. કેટલાક તો બોરીવલી આવે ને પત્તાં રમવા બેસી જાય. હવે તો ઊઠ, આ છેલ્લું સ્ટેશન નજીક આવ્યું. તે હવે બિસ્તર બાંધવા મંડી જાને, હવે તો ચેત. જેટલો ચેતે એટલું એનાં બાપનું !

નર્યો ભયવાળો આ સંસાર, ચીતરી ચઢે એવો અને તે ય પાછો નિરંતરનો ! તેમાં લોકોને રાગ શી રીતે આવે છે એ ય અજાયબી છે ને?

આ તો મોહ કે માર ?

આ મોહ કોની ઉપર ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય એવા સંબંધમાં મોહ શો રાખવો ?

શેઠ કહે કે અમે શું કરીએ ? અમારે તો મિલકત છોકરાને આપવાની છે. ચારસોવીસી કરીને કમાણી કરી અને તે ય પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે ? છોકરો તો રીલેશન વાળો છે; રીલેટિવ સંબંધ અને પાછો અહંકારી. કંઇ સાક્ષાત્ સંબંધ હોય, રીયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો તો સારું. આ તો સમાજને લીધે દબાઇ ને જ સગાઇ રહી છે અને તે ય કયારેક બાપ- દીકરો લઢે છે, ઝઘડે છે ને ઉપરથી કોર્ટમાં દાવા માંડે છે ! કેટલાક છોકરાં તો કહે છે કે, બાપને ઘરડાઓના ઘરમાં મૂકી આવવાના છે ! જેમ આ બળદોને પાંજરાપોળમાં ના મૂકી આવે ? તેમ ઘરડાંઓનું ઘર ! કેવું રુપાળું નામ કાઢયું છે ! આ સગાઇમાં કેમ બેસી રહ્યા છો તે જ મને તો સમજાતું નથી. આ રીલેટિવ સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે કયાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને રાજગાદીઓ લીધેલી !

આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય, ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઇશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઇ ઠેરના ઠેર !!! અને ઘાંચી પછી ખોળનું ઢેફું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ ! તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેફું આપી દે એટલે ભાઇ નિરાંતે સૂઇ જાય !

દવાખાનામાં જાય ને તો એનો મોહ ઊતરી જાય. પણ એ લક્ષમાં નથી લેતો, નહીં તો અભાવ આવી જાય. આ એક મોઢા ઉપર ઢીમચું થયું હોય ને તો ય જોવાનું ના ગમે. ફરવા જાય તો ય કહેશે કે આ લોક જોશે તો કેવું દેખાશે ? આ બધી કેરીયું જ છે ને ? તે કરચલી પડયા પછી ગમે નહીં. આ માણસોને હું કેરીઓ કહું છું, કારણકે જે સડી જાય, જેને કરચલી પડે એ બધી જ કેરીઓ ! આ કેરીઓ ને જે કરચલી ના પડતી હોય ને એવી ને એવી રહેતી હોય તો કામનું , પણ આ તો કેરીઓ લાવ્યા તે ઘડીથી કરચલી પડવા માંડે. આ કાકા-કાકી હોય તે લગ્ન કરી આવ્યાં ત્યારે કેવાં સુંદર દેખાતાં હતાં, ને હવે ઘૈડાં થયાં તે ઘણું ય ના ગમે પણ કરે શું ? આ તો ઇન્ડિયા છે ! કેરી તાજી હોય તો અંગોપાંગ સુંદર હોય. પણ કરચલી પડયા પછી કેવી દેખાય ? અબુધને એવી ચાલી જાય, પણ બુદ્ધિવાળાની શી દશા થાય ? આ તો નરી ફસામણ છે ! લગ્ન વખતે તો એને 'એ' ગમે, પણ પછી કરચલી પડે તો ના ગમે, પણ આ તો ઇન્ડિયા છે તે નભાવવું પડે !

આ દેહનું કેવું છે ? નાનપણમાં જેટલી મજા આપતો હતો એટલો જ અત્યારે ઘૈડપણમાં પજવે. કહેવાય શું કે આ દેહ મારો પોતાનો, પણ પોતાનો થઇ ને પજવે. દાંતને રોજ અજવાળીએ, રોજ સુવાવડ કરાવીએ છતાં એ દુઃખે ! આ આંખ પજવે, કાન પજવે, બધું ય પજવે. જે પોતાનું છે એ જ પજવે એવો આ સંસાર છે !

સબ સબકી સમાલો !

આ તો ભારે ફસામણવાળું જગત છે, ને એમાં તલ ભારે ય પોતાનું નથી. આપણું ઘર હોય તો તેનું ભાડું આપીએ તો પોતાનું, મારું ઘર થઇ જાય. આ ઘરમાં ચકલી રહેતી હોય તો શું એ જાણે કે આ ભાઇની માલિકીનું ઘર છે ? ના, એ તો પોતે રહી એટલે એની જ માલિકી જગ્યા. આ તો ઘરમાં ગિરોળી રહેતી હોય તો તે ય જાણે કે મારી માલિકીની જગ્યામાં હું રહું છું. આ તો સૌ સૌની માલિકીનું જગત છે !

ભગવાને શું કહ્યું કે, 'સબ સબકી સમાલો, મૈં મેરી ફોડતા હૂં !' એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમા ઊતરેલા. બધા સૌ સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલ્લીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં. તેને ચિંતા થઇ કે, મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડયો કે, બીજાની લઇશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢયો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડયો, 'મૈં મેરી હાંલ્લી ફોડતા હૂં, સબ સબકી સમાલો' તે તરત બધાએ પોત પોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઇ!

આ તો આપણી હાંલ્લી સમાલીને ચાલવા જેવું છે. આ તો મછવામાં ભેગું થયેલું માણસ, તે એ તો એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે, 'મને એના વગર નહીં ચાલે.' આવું 'એના વગર ના ચાલે' એ કેમ ચાલશે ? આ તો ઋણાનુબંધ છે. આવું તે કયાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા, ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઇને ફરવું ને પગ દુઃખે તો કોઇ જોવા ય આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે. શું તમે નહોતા જાણતા કે, આ બધી રીલેટિવ સગાઇ છે ? રીયલ હોય તો તો આપણે બધું જ કરી છૂટીએ. પણ આ તો રીલેટિવ સંબંધ તે કયારે ફ્રેકચર થઇ જાય. તેનું કશું ઠેકાણું નહીં. જો રીયલ સગાઇ હોય તો બાપ મરે, મા મરે તો છોકરો જોડે મરી જ જાય. આ મુંબઇ શહેરમાં એવું કોઇ મરે છે ? ના, કોઇ ના મરે ; માટે આપણે પહેલેથી જ ના જાણીએ કે, આ રીલેટિવ સંબંધ છે ? અને રીલેટિવ સંબંધમાં ખેંચ ના રાખવી. રીયલ હોય તો તો આપણે જ પકડીને બેસી રહીએ. પણ આ ઘડીમાં ફ્રેકચર થઇ જાય એવી સગાઇમાં શી જક કરવાની ? માટે પહેલીથી જ જાણવું કે, આ તો રીલેટિવ છે ને પછી 'મૈં મેરી ફોડતા હૂં' કરવાનું.

જેનો વિનાશ થાય એ કપડાં કહેવાય. આ કપડાં બીજે દિવસે કાઢી નાખે અને 'પેલા કપડાં' સાંઠ વર્ષે કાઢી નાખે. આ તો કપડાંમાં 'હું પણું માન્યું' તેનાં દુઃખ છે. પોતાને પોતાનું 'જ્ઞાન' ના થયું તેથી પરાઇ ચીજોમાં રખડયો. 'હું ચંદુલાલ છું' માનીને આ ચંદુલાલના નામ પર વેપાર થાય ને 'છેલ્લે સ્ટેશને' પોતે જાય ને ચંદુલાલ અહીં રહી જાય! અને ગૂંચો જોડે લઇ જાય ! આત્માની પ્રાપ્તિનો માર્ગ અત્યંત દુર્લભ માર્ગ છે !

આ સંસારમાં તો મહીં જ ધડાકો પડે. ઘડી વાર શાંતિ નહીં ને પાછા રહે તો બબ્બે લાખનાં ફલેટમાં. શી રીતે જીવે છે તે ય અજાયબી છે ને! પણ કરે શું ? શું દરિયામાં પડે ? તે ય સરકારી ગુનો છે. ભોગવ્યે જ છૂટકો થાય ને ! શક્કરિયું ભરહાડમાં બફાય તેમ લોક ચોગરદમથી રાતદા'ડો બફાયા કરે છે. તે આ ભરહાડમાથી કયાં નાસે ? 'જ્ઞાની પુરુષ'ની પાસે બેઠો એટલે અગ્નિ શાંત થાય, ને કામ નીકળે. સંસાર તો પ્રત્યક્ષ અગ્નિ છે. કોઇને લહાય બળે તો કોઇને ઝાળ લાગે ! આમાં તો સુખ હોતું હશે ? આમાં જો સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ છોડીને નાસી ના ગયા હોત ! એનો જ તો ભારે ત્રાસ એમને! તેથી તો રાજપાટ ને બધું છોડીને નાસી ગયાં.

દેવોને પણ દુઃખ ? !

દેવલોકોને બાળપણ નહીં, માના પેટે જન્મવાનું નહીં. એ બધાં દુઃખો નહીં, બાળપણનાં ય દુઃખો નહીં. એમને સંડાસ જવાનું નહીં. એમને તો વૈરાગ્ય આવે એવાં સાધનો જ નહીં. એમને તો જન્મતાંની સાથે જુવાની ને મરવાનું પણ જુવાનીમાં જ. તો પછી એમને કયા દુઃખો હશે ? દેવલોકોમાં સ્પર્ધાનાં બહુ દુઃખો છે. આના કરતાં આ મોટો ને આના કરતાં આ મોટો ! એમ સ્પર્ધાથી રાગદ્વેષ થાય. એનું બહુ દુઃખ લાગ્યા કરે તેમને, એથી તો એમને પણ 'જ્ઞાની પુરુષ' કયારે મળે એવી ઇચ્છા થાય ! પણ એમનું મૃત્યુ અધવચ્ચે થાય નહીં, અધવચ્ચે આયુષ્ય તૂટે નહીં. એમને ત્યાં ઇંદ્રિય સુખો ભરપટ્ટે છે, છતાં ય, ત્યાં એમને જેલ જેવું લાગે છે ! ત્યાં ય અજંપા કઢાપાનાં દુઃખો છે.

કળિરણમાં વીરડી સમ સુખ !

સુખ તો મોક્ષમાં જ છે અને મોક્ષ માટે રાગદ્વેષ નહીં પણ અજ્ઞાન કાઢવાની જરુર છે. જે ફળમાં સુખનો રસ જ નથી, રસ છે પણ તે શાતા, અશાતાનો જ છે અને એમાં પણ અશાતાનો જ પાર વગરનો રસ છે, તેમાં તે સુખ શું ? આખો દા'ડો કડવું પીવડાવે અને પાશેર મીઠું પીવડાવે તેના કરતાં તો આખું જ કડવું ના પી લઇએ આપણે ? આ તો આપણને મૂરખ બનાવી જાય તે કેમ પોષાય ? અડધું દુઃખ હોય ને અડધું સુખ હોય. પચાસ-પચાસ ટકા હોય તો'ય ચાલે. તે આપણે ત્યાં સુધી કહ્યું કે પંચાવન ટકા દુઃખને પીસ્તાળીસ ટકા સુખ હશે તો ય ચાલશે. પણ આટલું કહ્યું ને દુઃખ તો વધવા માંડયું ને પાંચ ટકા સુખ ને પંચાણુ ટકા દુઃખ થયું, એટલે ચટણી જેટલું જ સુખ મળે, આવી લાલચ આપણને ના પોષાય. મહીં ભરપટ્ટે સુખ પડયું છે. જો બહારનું મછરું યાદ ના આવે ને તો 'એ સુખ' વર્ત્યા જ કરે. આ તો બહારની યાદગીરી સુખ ખૂંચવી લે છે.

આ કાળ વિચિત્ર છે તે કારેલાં મીઠાં થઇ ગયાં જેવું છે ! આ તો દરેકમાં ભગવાનનાં દર્શન કરી પેકિંગથી દૂર જ રહેવા જેવું છે. ગમે તેટલું સડેલું પેકિંગ હોય પણ ભગવાનનાં દર્શન કરી દૂર રહેવા જેવું છે ને હીરાનું પેકિંગ હોય તો ય એ પેકિંગ કાલે લાકડાં ભેગું થવાનું છે. લોક કહે કે દેવ જેવા માણસ દેખાતા હતા પણ તે ય લાકડાંમાં જ જાય. વખતે સુખડનાં લાકડાં બાળવા માટે મળે. મર્યા પછી એ દેવ જેવા માણસ જોડે સૂઇ જવાનું કહે તો તે ના પાડે. મહીં ભગવાન બેઠા હતા તે સ્વ પર- પ્રકાશક છે અને તેથી તેનું રૂપ હતું !

આ સ્ત્રીઓ માથામાં ફૂલો શા માટે નાખતી હશે ! આ શરીરની ગંધ ઊડી જાય તે માટે. આ કળિયુગમાં માથાં, શરીર ગંધાય તેથી જ સ્તો તે ફૂલો પહેરે તેની સુગંધ આવે. પહેલાં તો પદ્મિની સ્ત્રીઓ થતી તે રસોડામાં રસોઇ બનાવતી હોય તો ય અહીં બેઠા તેની સુગંધી આવતી! તે ય ખોરાક ખાતી અને આ ય ખોરાક ખાય છે. પહેલાંના પુરુષોમાં સુગંધ નહોતી આવતી, પણ દુર્ગંધ તો નો'તી જ આવતી. અત્યારે તો 'વાંદરા'ની ખાડી જેવું જ થઇ ગયું છે ! આજે તો સેંટ ને અત્તરો પાર વગરનાં ઉડે છે. આ કોના જેવું છે કે ગંધાતી કેરીને સુગંધ ચોપડીને પછી તેને ખાય, આવું તો લોક થઇ ગયું છે ! આને ભગવાને કહ્યું કે, 'અભોગ્ય ભોકતા'. એટલે કે જે આત્માને ભોગવવાનું અયોગ્ય છે તેનો તું ભોકતા થયો. ભોગવવાનું પોતાનું અનંત સુખ છે, પણ તે ભોગવતો નથી. શી રીતે ભોગવે ? આ તો બધે કાગારોળ થઇ રહેલ છે. બધે આ કાગડા કાગારોળ મચાવે ને પેલી બાજુ કૂકડા બોલે !

વિચારવંત હોય તે તો લક્ષમાં લે કે આ સંસાર માર્ગ આરાધવા જેવો છે કે, આરાધવા જેવો નથી. આરાધવા જેવો ના હોય તો 'જ્ઞાની પુરુષ'ને શોધીને એની પાસે મોક્ષમાર્ગ મેળવી લે. માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે ! તેમાં એક જ કેડી છે તે મોક્ષની કેડી છે !! અને તે સમર્થ એવા 'જ્ઞાની પુરુષ' એકલા જ બતાવે !!! મોક્ષ માર્ગ ઓર્નામેન્ટલ ના હોય ને પેલા બધા જ માર્ગ ઓર્નામેન્ટલ હોય, મોટી મોટી ગગનચુંબી હોટલો હોય !

 

સંસરણ માર્ગ

સંસાર એ તો સંસરણ માર્ગ છે. તે દરેક માઇલે, દરેક ફર્લાંગે રુપો બદલાવાનાં. આ રુપોમાં મનુષ્યને તન્મયતા રહે છે ને તેથી માર ખાયા કરે છે. આખો સંસાર સહજમાર્ગી છે, માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે. આ કાગડા, કબૂતરો, માછલાં એ બધાંને છે કશી હોસ્પીટલ કે છે કંઇ તેમને રોજ નાહવાનું કે ધોવાનું ? છતાં ય કેવાં રૂપાળાં દેખાય છે ! એમને છે કશો સંગ્રહ કરવાનું ? એ બધાં તો ભગવાનનાં આશ્રિત છે. જયારે આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. બધા ય, પછી તે સાધુ હોય, સન્યાસી હોય કે જે ગમે તે હો. જેને કયારે ય પણ એમ થાય કે મારું શું થશે, એ બધાં નિરાશ્રિત ! ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધાં નિરાશ્રિત અને તેથી તો ચિંતા ઉપાધિ છે !

આ સંસારમાં તો અનંત અવતારની ભટકામણ છે. કોઇ પણ જીવને બંધન ગમતું નથી, દરેકને મુક્તિની જ ઇચ્છા રહ્યા કરે, પણ મુક્તિનો માર્ગ ના મળે તો શું કરે ? કયા અવતારમાં સાધુ નહોતા થયા? વૈષ્ણવમાં જાય કે જૈનમાં જાય, ત્યાં ય સાધુ થાય ને સાધુપણામાં કંટાળો આવે ત્યારે વિચારે કે આના કરતાં સંસારી થયો હોત તો સારું ! તે બીજે ભવે સંસારી થાય ને સંસારી થાય ત્યાં બૈરી-છોકરાંથી કંટાળે ને પાછો ત્યાં વિચારે કે આના કરતાં તો સાધુ થઇ જવું સારું ! તે બીજે ભવે સાધુ થાય. આમ જ અનંત અવતારથી ભટકામણ ચાલી છે ! પણ જો સ્વરૂપનું જ્ઞાન મળે તો મુક્તિ મળે. પણ તે 'જ્ઞાની પુરુષ' મળે ને બધાં પાપોને તે ભસ્મીભૂત કરી આપે ત્યાર પછી શુદ્ધ બનાવે ત્યારે જ 'હું શુદ્ધાત્મા છું', એમ બોલાય. એમને એમ 'હું શુદ્ધાત્મા છું', એ શુદ્ધાત્મા થયા વગર ના બોલાય. એ તો શબ્દજ્ઞાન કહેવાય, એનો ઊલટાનો દોષ બેસે.

અનંત અવતારનું સરવૈયું આ છે ! છતાં અનુભવ નકામા નથી જતા, તે તો કયારેક કામ આવે. એક વખત ખાડામાં પડયા તે પછી ખાડો આવે તો એ અનુભવ તરત જ ચેતવણી આપે. અનુભવ તો ઉપદેશ આપીને જાય.

આંમાથી તો કામ કાઢીને મોક્ષે જવાનું છે. આ દેહ જ 'આપણો' થાય નહીં. તો બીજાં આપણાં શા કામનાં થશે ? આ દેહ જો 'જ્ઞાની' ના કામમાં આવ્યો તો સગો છે, ને સંસારના કામમાં ગયો એ દગો છે. આ બધાં દેહનાં સગાં છે. આત્માનો કોઇ સગો નથી. આત્માને સગો હોય નહીં. માટે આ વાત સમજી લેવાની છે. 'વીતરાગો' સમજીને બેઠેલા કે આમાં 'આપણું' કામ નહીં. એમને આ દગો-બગો પસંદ નહીં. આપણે પણ એ પૂરેપૂરું સમજીને આપણું કામ કાઢી લેવાનું છે.

જગત છ તત્ત્વોમાંથી ઊભું થયું છે. સંસાર એ છ તત્ત્વોનું પ્રદર્શન છે ! અને એ તત્ત્વોનુ નિરંતર પરિવર્તન થયા કરે છે અને એ તત્ત્વોનાં મિલન થવાથી સંસાર છે. તત્ત્વો 'સત્' સ્વરૂપે છે. 'સત્' એટલે ગુણ અને અવસ્થા સાથે હોય તે આ દેખાય છે એ વિભાવિક અવસ્થાઓ છે, પ્રાકૃત અવસ્થાઓ ઊભી થઇ છે. આ વિભાવિક અવસ્થામાં ભ્રાંતિ ઊભી થઇ તે આ 'હું છું.' એથી આ બધું ઊભું રહ્યું છે. બીજું કશું જ બગડયું નથી. તત્ત્વોના મિલનથી ઊભું થયું છે. જડ અને ચેતનનાં સંયોગ સંબંધ માત્રથી ચાલે છે, જડ અને ચેતન મિક્ષ્ચર સ્વરૂપે છે, કમ્પાઉન્ડ સ્વરૂપે નથી થયાં.

બોજો માથે કે ઘોડા પર ?

એક વખત હું મારા ભાઇબંધને ઘેર અચાનક ગયેલો. તે તેમનાં વહુ જોડે વાતચીત કરતા હતા. મારા ભાઇબંધે એમની વહુને પૂછયું,

''શું શાક લાવી છે ?''

તેમનાં પત્નીએ કહ્યું : ''ભીંડા.''

ભાઇબંધ : ''શા ભાવે લાવી છો ?''

પત્ની : ''બાર આને કિલોના ભાવનું.''

ભાઇબંધ : ''આટલું મોંઘું તે શાક લવાય ? તને કંઇ અક્કલ- બક્કલ છે કે નહીં ?''

હવે આ મારા સાંભળવામાં આવ્યું. મેં તેમને કહ્યું, ''કેમ આ માથા પર બે મણ વજન લઇને ફરો છો ? તમારું મોઢું દિવેલ પીધા જેવું દેખાય છે ! એમ શા માટે ? બાર આનાનું શાક લીધું તેનો સંસારી બોજો સંસારરૂપી ઘોડા પર મૂકવાનો હોય. એને માથે લેશો તો ય ઘોડા પર જ જાય છે. આપણે માથે લેવાનો ના હોય. આ આપણે માથે લઇએ તેથી આપણું મોઢું દિવેલ પીધા જેવું ને ઘોડાનું મોઢું ય દિવેલ પીધેલા જેવું દેખાય છે.''

એક મિયાંભાઇ હતા. તે તેમના ટટ્ટુ ઉપર બેસીને જતા હતા. મિયાંભાઇ વજનદાર ને ટટ્ટુ નાનું ને ઢીલું, તે બિચારાની ભારથી કેડ વળી જાય. આમને આમ ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં એક ખાનસાબ મળ્યા. તે મિયાંભાઇ ને કહે કે આ લીલું ઘાસ છે તે તમારા ઘોડા માટે લઇ જાવને ! તે મિયાં લલચાયા કે મફતમાં એક મણ ઘાસ મળે છે ! પણ પાછું થયું કે ઘોડો આ ભાર શી રીતે ઊંચકશે ? પણ મિયાં કાચી સમજણના, તે તેમણે મનમાં નક્કી કર્યું કે ઘાસ મારા પોતાના માથે મૂકીશ તો ઓછું તેને ઊંચકવું પડશે ! તે મિયાં તો ઘાસનો ભારો માથે મૂકીને ટટ્ટુ પર બેસીને જવા લાગ્યા ! રસ્તામાં એક વાણિયાએ આ જોયું ને એણે મિયાંને કહ્યું કે, 'મિયાંજી, ભારો તારા માથે ઊંચકયો છે. પણ વજન તો ઘોડા ઉપર જ જાય છે, તેથી તમારા બેઉના મોઢાં દિવેલ પીધેલાં જેવાં દેખાય છે !'

સંસાર એ ઘોડા જેવો છે. સંસારીઓ ઘોડા ઉપર બેઠેલા મિયાં જેવા છે. ઘોડાને દુર્બળ જાણી મિયાં ઘોડા પર ઉંચા શ્વાસે બેસે છે, તે ઘોડાના સુખને માટે. પણ આ ગણતરી ખોટી છે. ભાર તો છેવટે ઘોડા પર જ જાય છે. તેમ તમે બધાં તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો. સંસારરુપી ઘોડા પર ઊંચા શ્વાસે ના બેસશો, ઉંચા શ્વાસે ના જીવશો. આ તો 'પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ' તે 'પર ક્ષેત્રે' બેઠો છે ! જગત આખું ય મૂર્ખ બન્યું છે. સંસારને 'વીતરાગો' એકલા જ સમજી ગયા કે મગજ પર બોજો શાને માટે ? એ તો ઘોડા પર જ જાય છે. 'વીતરાગો' બહુ પાકા ગણિતવાળા, તેથી તો તે ફાવી ગયા ને અંકગણિતવાળા રખડી મર્યા !!!

સંસારવૃક્ષ

કવિ શું ગાય છે :

''અહા ! અક્રમ જ્ઞાન કદી ના સુણિયું

એણે ખોદિયું ધોરી વૃક્ષ મૂળિયું '' - નવનીત.

આ સંસાર એ વૃક્ષ છે. અનંતકાળથી આ વૃક્ષ સુકાતું નથી. લોક પાંદડા કાપીને સૂકવવા માંગે છે, પણ પાંદડાં ફરી ફૂટી નીકળે છે. કેટલાક ધર્મવાળા કહે છે કે પાંદડાં કાપી નાખીશું એટલે સંસારવૃક્ષ સુકાઇ જશે પણ ફરી પાંદડાં ફૂટે છે. કેટલાક મોટી મોટી ડાળીઓ કાપી નાખો તો વૃક્ષ સુકાઇ જશે એમ કહે છે. પણ તો ય એ વૃક્ષ સુકાતું નથી, ડાળાં ફરી ઊગી નીકળે છે. કેટલાક થડને કાપી નાખવાનું કહે છે તો ય પાછું ઊગે છે. કેટલાક એથી ય આગળ જઇને મૂળિયાં કાપી નાંખવાનું કહે છે પણ તો ય ફરી વૃક્ષ ઊગે છે. સંસારરુપી વૃક્ષને નિર્મૂળ કરવાનો આ ખરો ઉપાય ન હોય. આ સંસારવૃક્ષ શાનાથી ઊભું છે? આ વૃક્ષને મૂળિયાં તો બધાં બહુ હોય તે જમીનમાં બધાં મૂળિયાં તો ઝાડને પકડવા માટે હોય છે અને એક મૂળિયું એવું હોય છે કે જે ખોરાક-પાણી લેવા માટે હોય છે, તેને ધોરી મૂળિયું કહે છે. 'જ્ઞાની પુરુષ' એકલા જ સંસારવૃક્ષનું ધોરી મૂળિયું જાણે અને તે એમાંથી ડગળી કાઢીને તેનામાં દવા નાંખી દે ! 'જ્ઞાની પુરુષ' બસ આટલું જ કરે, બીજું કશું ના કરે. પાંદડાને, ડાળને, થડને કે બીજા કોઇ મૂળિયાંને હાથ ના અડાડે. એક ધોરી મૂળિયામાં દવા દાબી દે તેનાથી સંસારવૃક્ષ ધીમે ધીમે એની મેળે જ સુકાઇ જાય. પછી ફરીથી નવું પાંદડું ના ફૂટે.

સંસાર એકદમ ઉદ્ધતાઇથી વાપરવાનો નથી પણ એની ખાતાવહી કરવાની છે. કયા કયા ખાતામાં ખોટ છે, કયા કયા ખાતામાં સંસારસુખ છે, એ પણ ખોળી કાઢવું પડેને ! વેપારમાં ખાતાવહી રાખે પણ સંસારમાં ખાતાવહી નથી રાખતા !

સત્દેવ : સદ્ગુરૂ : સત્ધર્મ

સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ એ જે કહેવાય છે એ ખરેખર કોણ છે ?

સત્દેવ કોણ? સત્દેવ તે દેરાસરવાળા કે મંદિરવાળા નહીં, તમારી મહીં છે. તે મહીંવાળા સત્ પણ જયાં સુધી આ 'મહીંવાળા' સત્દેવ નથી મળ્યા ત્યાં સુધી દેરાસર કે મંદિરની મૂર્તિ એ સત્દેવ.

સદ્ગુરુ કોણ? છેલ્લા ગુરુ એ 'જ્ઞાની પુરુષ' જયારે 'જ્ઞાની પુરુષ' ના મળ્યા હોય ત્યાં સુધી જે કોઇ થોડા જપ-તપ આપે, કંઇક સમજણ પાડે એ સદ્ગુરુ અને આપણે અહીં 'આ' માર્ગમાં સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ જુદું છે. સત્દેવ તે 'મહીંવાળા' જે સત્ છે તે જ. તે તરત જ ફળ આપે, રોકડું આપે, ઉધાર-બુધાર નહીં. આખી જિંદગી ધરમ કર્યા છે પણ ઠંડક ના થાય ને કાળજું ટાઢું ના થાય. મહીં ઊકળતું ને ઊકળતું જ રહે. અને આ અહીં તો વાત જ જુદી છે, જેટલું પીતાં આવડયું એટલો લાભ થાય.

ધર્મ તો બહુ ભેગા થાય પણ જ્ઞાની ભેગા ના થાય ! ને ત્યાં સુધી છુટકારો પામે નહીં, ભટક ભટક કરવાનું ત્યાં સુધી. સત્ધર્મ, સદ્ગુરુ ના મળે ત્યાં સુધી સત્દેવ હાજર ના થાય, ને ત્યાં સુધી કષાયો કરડયા કરે મહીં.

સંસારનો માર્ગ રીલેટિવ કહેવાય. એમાં વ્યવહારને વ્યવહાર જ હોય. ભ્રાંતિવાળાને ભગવાને કહ્યું કે, સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મની સ્થાપના કરો. જયાં સુધી 'જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી વ્યવહાર છે. ત્યાં સુધી આ રીલેટિવ સત્દેવની સ્થાપના કરવી પડે.

પ્રશ્નકર્તા : રીલેટિવ સત્દેવ એટલે શું ? મૂર્તિ ?

દાદાશ્રી : હા, મૂર્તિની સ્થાપના એટલે આરોપિત ભાવ. એટલે આપણે આરોપિત; એ ય આરોપિત અને ધર્મે ય આરોપિત ! ત્રણે ય આરોપિત. આપણે અહીં 'આત્મા' એ દરઅસલ સત્દેવ છે, 'જ્ઞાની પુરુષ'ની જે વાણી નીકળેલી છે તે દરઅસલ સત્ધર્મ છે અને '' જ્ઞાની પુરુષ'' એ દરઅસલ સદ્ગુરુ છે. આ ત્રણે ય દરઅસલ કહેવાય ને પેલું લૌકિક કહેવાય ! લૌકિકનું ફળ શું, તો કે પુણ્ય બંધાય અને ધીમે ધીમે આગળ વધે અને આ દરઅસલ વસ્તુ, અલૌકિક સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ એ મોક્ષ આપે. નહીં તો સત્દેવ મળ્યા પછી ભટકવાનું કેમ હોય? ત્યારે હકીકત શી છે ? તો કે સત્દેવ મળ્યા છે, પણ તે આરોપિત મળ્યા છે, સાચા મળ્યા નથી. આરોપિત એટલે શું કે મહાવીર ખરા પણ તે મૂર્તિવાળા આરોપિત છે. જયારે સાચા સત્દેવ તો મહીંવાળા 'શુદ્ધાત્મા' એ છે. 'શુદ્ધાત્મા' એ જ યથાર્થ મહાવીર છે, પણ 'શુદ્ધાત્મા'નું લક્ષ બેઠું છતાં એનો અનુભવ નથી થયો, ત્યાં સુધી 'જ્ઞાની પુરુષ' એ જ પોતાનો આત્મા છે.

સત્ધર્મ એ શાસ્ત્રનો ના હોવો જોઇએ, 'જ્ઞાની'ના મુખેથી હોવો જોઇએ. સત્ધર્મ, સત્દેવ અને સદ્ગુરુ એ દરઅસલ હશે તો જ મોક્ષ થશે. પણ દરઅસલ ના મળે તો નકલી રાખજે. સાચાં મોતી ના મળે તો કલ્ચર્ડ પણ મોતી પહેરજે !

વીતરાગોએ સત્દેવ, સદ્ગુરુ ને સત્ધર્મ કહ્યું, એટલે આપણા આચાર્યો, મહારાજ બધા માની બેઠા કે મહાવીર દેવ એ સત્દેવ છે અને શાસ્ત્ર પ્રમાણે કરીએ છીએ તે સત્ધર્મ છે. પણ એ સમજાયું નથી કે મૂર્તિ એ તો આરોપિત દેવ છે, ન હોય સાચા મહાવીર ! અને મહારાજ, તમે ય આરોપિત છો. એટલે ગુરુ ય આરોપિત દેવે ય આરોપિત અને ધર્મે ય આરોપિત ! પુસ્તકમાં લખાયા પછી એ આરોપિત ધર્મ કહેવાય અને 'જ્ઞાની પુરુષ'નું સીધું સાંભળે એ સત્ધર્મ કહેવાય. 'જ્ઞાની પુરુષ' એ સદ્ગુરુ કહેવાય અને તે કેવા હોય ? સામાને પોતાનો 'શુદ્ધાત્મા' પ્રાપ્ત કરાવે એવા હોય; અને 'શુદ્ધાત્મા' એ સત્દેવ કહેવાય અને 'જ્ઞાની પુરુષ'ના મોઢેથી જે વાકયો નીકળે એટલાં જ સત્ધર્મ. જે મોક્ષ અપાવે એ જ સત્ધર્મ. બાકી બીજા તો આરોપિત ધર્મ કહેવાય. સત્ધર્મ કેવો હોય? સત્ અને અસત્ નિરંતર જુદાં જ રાખે તે. અને આરોપિત ધર્મમાં તો શુભાશુભ હોય. આમ કરો ને તેમ કરો, જપ કરો ને તપ કરો, ફલાણું કરો, આપણે પૂછીએ કે, 'આરોપિત કેમ કરાવો છો ? આત્માનું કરાવરાવો ને ?' તો તે કહેશે કે, 'આત્માનું તો આત્મા પ્રાપ્ત થયા પછી જ કરવાનું હોય. હમણાં તો આ કરો.' એમ કહેશે.

આપણે પૂછીએ કે, 'આ સત્દેવ ?' અલ્યા ન હોય આ સત્દેવ. બધા ય આ આરોપિત દેવને સત્દેવ માની બેઠા છે ! બધી જ વાત આરોપિત છે !

સાચાં સત્દેવ, સત્ધર્મ અને સદ્ગુરુ મળી ગયા એટલે કામ થઇ ગયું ! એક કલાક જ મળે તો ય કામ કાઢી નાખે ! એક કલાક જ જો આ ત્રણ વસ્તુ મળે તો ઠેઠ સુધીનું કામ કાઢી નાખે !!!

મૂર્તિ ધર્મ : અમૂર્ત ધર્મ

પ્રશ્નકર્તા : આત્મા જગાડવા મૂર્તિની જરુર ખરી ?

દાદાશ્રી : મૂર્તિની બહુ જરુર છે. ભગવાને ચોખ્ખું કહ્યું છે કે, સત્દેવ, સત્ધર્મ ને સદ્ગુરુની જરુર છે. પણ જયાં સુધી સમકિત થયું નથી, સાચાં સત્દેવ, સત્ધર્મ ને સદ્ગુરુ પ્રાપ્ત થયા નથી, ત્યાં સુધી વ્યવહારના દેવની જરુર છે. 'સ્વરૂપ જ્ઞાન' થયા પછી નિશ્ચયના દેવની જરુર છે. પછી કોઇ કહે કે દેવની જરુર નથી તો તે ના ચાલે. વ્યવહારના દેવ મૂર્તિ સ્વરૂપે છે, નિશ્ચયના દેવ અમૂર્ત છે.

પ્રશ્નકર્તા : મૂર્તિ આત્માનું કલ્યાણ ના કરી શકે ?

દાદાશ્રી : જયાં સુધી આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી મૂર્તિની પાછળ પડો. એ મૂર્તિ સમકિત સુધી લઇ જશે. મૂર્તિને તરછોડશો નહીં, કારણ કે વીતરાગોના નામ પર છે. ત્યાં વીતરાગોની સ્થાપના થયેલી છે અને મૂર્તિની પાછળ શાસન દેવલોકો રહેલા છે.

એક સ્થાનકવાસી મહારાજ મળ્યા હતા. તેમને મેં કહ્યું, ''મહારાજ એક વાત કરું ? તમને ગમશે ? તમને ના ગમે એવી વાત કરું ? તમે આ ત્યાગી થયા છો તો ના ગમતી વાત સાંભળવાની શક્તિ ઉત્પન્ન થઇ છે તમને ?'' ત્યારે મહારાજે કહ્યું, ''કહોને વાત ! વાતમાં શો વાંધો છે ?'' એટલે પછી મેં મહારાજને કહ્યું, ''મહારાજ, આ મુહપત્તી શા માટે રાખી છે ? કષાય ગયા પછીની ક્રિયા છે આ અને એ તો સહજ ક્રિયા છે. અને કષાય ગયા પછી તમે મૂર્તિ છોડી શકો. તમે મૂર્તિને જડ કહો છો, તે મૂર્તિને જડ કહેવાય નહીં. આ તમે બધા ય જડ જ છો ને? ચેતનને જાણ્યું નથી, ચેતનને ઓળખતા નથી. પછી રહ્યું શું ? આ તમે ચેતન કયાં જોયું ? તે મને તમે કહો. અમૂર્તને ઓળખ્યા નથી ત્યાં સુધી તમે ય મૂર્તિ જ છો ને ! આ નવકાર મંત્ર મૂર્તિ છે. આ તમે બોલો છો એ મૂર્તિ છે, ને તમે ય મૂર્તિ છો! ''

મૂર્તિ એ તો પરોક્ષ પ્રમાણ છે, પરોક્ષ ભજના છે. જયાં સુધી મૂર્તમાં વસ્યા છે ત્યાં સુધી મૂર્તિને ભજો. અમૂર્ત પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી મૂર્તિને જડ કહેવાય નહીં. મૂર્તિને જડ કહેનારો વર્લ્ડમાં કોઇ પાકયો નથી. એક મુસ્લિમો એકલા જ કહે છે તો ય તે એ પયગંબર સાહેબની કે બીજી બધી કબરોને પૂજે છે. એ ય મૂર્તિ જ છે ને ? કબરો એ ય મૂર્તિ જ કહેવાય. જે જે આંખે દેખાય એ બધી મૂર્તિઓ. મુસ્લિમો મૂર્તિ નથી રાખતા પણ ગોખલો રાખે છે, તે એ ય મૂર્તિ જ છે ને ? જગતમાં મૂર્ત બધું દેખાય, અમૂર્ત કશું દેખાય નહીં. મહારાજને કહ્યું કે, ''તમને કયાં આગળ ચેતન દેખાય છે કે આને જડ કહો છો ? તમને ખોટું લાગતું હોય તો મહારાજ મારી વાત બંધ કરી દઉં.'' ત્યારે મહારાજ કહે કે, ''ના, ખોટું નથી લાગતું. પણ આ અમારો સિદ્ધાંત અમે આવો રાખ્યો છે ને !''

ત્યારે મેં કહ્યું, ''મહારાજ, તમારો સિદ્ધાંત તમે રાખો, પણ લોકોને શું કરવા ઉપદેશ આપો છો આવો ? તમારો સિદ્ધાંત હોય તો તમે સ્વતંત્ર રીતે તમારી પાસે રાખો, પણ લોકોને ઉપદેશ શા માટે આપો છો ? લોકોને કંઇ રસ્તે ચઢવા દો. અનંત ચોવીશી ગઇ તો ય મૂર્તિઓ મુકાયેલી હતી પહેલીથી જ, કારણ કે બાળજીવો કયાં જશે ? મૂર્તિ એ બાળજીવો માટે છે. જેને સમજણ નથી તેવા બાળજીવો માટે છે, એ જ્ઞાનજીવો માટે નથી. મૂર્તિથી તો ચિત્ત એકાગ્ર થાય છે. મૂર્તિ તો વીતરાગ ભગવાનની છે અને એ લોકમાન્ય છે. અને સાથે ઉપર શાસનદેવતાનું જબરજસ્ત બળ છે. એ શાસન દેવ રક્ષણ કરનાર છે. એની ઉપર આંગળી કરવા જેવું નથી. ભગવાનની મહીં સ્થાપના છે.'' પછી કોઇ મહાવીરનું ફકત નામ જ દે તો પણ ઘણું છે, કારણ કે વીતરાગ ભગવાનનું નામ છે. સુલેમાનનું નામ દે એના કરતાં તો ભગવાનનું નામ એ તો સારું જ ને ? નામ સાથે ભગવાન કોણ છે, કેવા છે, તે જાણે. આચાર્યશ્રી ધર્મદાસ મુનિએ કાળની વિચિત્રતાને લઇને લોકોનું ગુરુ પ્રત્યેનું મહાત્મ્ય ઘટતું જતું હતું ને મૂર્તિ પર વધતું જતું હતું તે ગુરુનું મહાત્મ્ય વધારવા, ને સમજાવવા ગયા કે જે લોકોને મૂર્તિમાં એકાગ્રતાનું ધ્યાન બેઠું છે એ ભલે સ્થાપનામાં રહે અને ગુરુ પાસે રહે. પણ આ તો

મૂર્તિનું આખું ઊ

ડી ગયું ને માત્ર ગુરુ પૂજવાનો ધર્મનો પંથ પડી ગયો.

એ ય 'જડનો વરઘોડો કાઢયો' એવું તે કહેવાતું હશે ? જે મૂર્તિની ઉપર લોકોને જબરજસ્ત પૂજ્યભાવ છે એની ઉપર તિરસ્કાર તે કરાતો હશે ? પણ ગુરુની જાગૃતિ માટે તમારે મૂર્તિ ખસેડવી પડી. પણ જેને મૂર્તિની ઉપર એકાગ્રતા નથી થઇ એના માટે તો મૂર્તિ જ બરોબર છે. જેણે અમૂર્તને જાણ્યો નથી, અમૂર્તને જોયો નથી, અમૂર્ત સાંભળ્યો પણ નથી, અમૂર્ત એના ભાનમાં પણ નથી, એ માણસો કયાં જશે ? એ બાળજીવો કયાં જશે ?

મહારાજ, આ મૂર્તિને તમે જડ કહો છો તો મને તમે જોયું હોય તેવું એક ચેતન બતાવો. તમે ચેતન કયાં જોયું તે મૂર્તિને જડ કહો છો? તમે પોતે જ જડ છો ને ? તમે પોતે જ મીકેનિકલ આત્મા છો.

મહારાજ કહે : ગુરુ એ તો ચેતન કહેવાય ને ?

મેં કહ્યું : ના, આ પાંચ ઇન્દ્રિયથી જે જે દેખાય છે, સંભળાય છે એ બધું અચેતન જ છે. આ તમે નવકાર મંત્ર બોલો છો એ ય મૂર્તિ જ છે ને ? આ વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર તો લોકોના કેવા ગજબના ભાવ હોય છે ! માટે તેને દ્વેષથી ના જોશો.

મહારાજ કહે : પણ અમારો સિદ્ધાંત મૂર્તિને માનતો નથી.

મે કહ્યું : મહારાજ જરા વિચારજો. મારી વાત ખોટી હોય તો હું વાતને સ્વીકારી લઉં છું. તમને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરીએ છીએ તમારું, પણ કંઇક વિચારો. આ બાળજીવોને પાછળ તો સારી રીતે ચાલવા દો. તમને જે અનુકૂળ આવે તેમ કરો. સ્થાનકવાસી તો કોને કહેવાય ? જેને મૂર્તિ 'અહીં' (બે ભ્રમરની વચ્ચે) આગળ ધારણ થયેલી હોય, માનસિક ધારણા થઇ ગયેલી હોય તો !

મહારાજ કહે : ''મને તમારી વાત માન્યામાં નથી આવતી.''

મેં કહ્યું : ''મહારાજ મારી વાત તમને શી રીતે માન્યામાં આવે? મારી વાત ખોટી હશે એવું તમને લાગે એ વાત હું ય કબૂલ કરું છું. કારણ કે જે માણસ જે વસ્તુ કરતો હોય તેને તે સાચી જ લાગે. ખાટકી હોય ને તેને એ કરતો હોય એમાં પાપ છે એવું ના લાગે. કારણ કે જે કાર્ય કરે તેનું આવરણ આવી જાય તેમાં સત્-અસત્નો વિવેક જતો રહે. પછી શું થાય ? જયાં સત્-અસત્નો વિવેક જતો રહે પછી ગમે તેટલું કરવાથી, લાખ અવતારે ય હજુ સત્ય નહીં સમજાય.'' આ તપોગચ્છ-વાળા મહારાજને વિનંતી કરી કહું છું, ખરાબ લાગે તો ગાળો દેજો કે, ''મહારાજ, તમે મોક્ષે જવા માટે આ તપ કરી રહ્યા છો ?''

મહારાજ કહે : ''હાસ્તો. બીજા શાને માટે કરીએ છીએ ?''

મેં કહ્યું : ''ભગવાને કહેલું કે મોક્ષે જવા માટેનું તપ તો અદીઠ હોય, કોઇ દેખી ના શકે. તમારાં તપ તો કસરતશાળા જેવાં છે. શું તમે 'કસરત' કરો છો ? મોક્ષે જવા માટે આવાં તપ ના હોય.'' ભગવાને આવાં તપને ના કહ્યું છે. ભગવાને કહેલું કે જયાં સુધી દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય. જયારે દેહ સહજ થશે અગર તો આત્મા સહજ થાય, એટલે કે દેહ અને આત્મા બેમાંથી એક સહજ થાય તો બેઉ સહજ થશે ને ત્યારે કામ થશે.

આ લોકોએ મૂર્તિને કેમ ખસેડી મૂર્તિને ભજવાથી પ્રમાદ આવી જાય છે. મૂર્તિ તો વઢે નહીને ? મૂર્તિ એમ તો ના કહે ને કે તમે સામાયિક કેમ ના કરી ? ને ગુરુ હોય તો વઢે તો ખરો. પણ આ તો અનર્થ થયો ને મૂર્તિને જડ કહેવા માંડયું ! મૂર્તિ, મંદિરો બધાંની જરુર છે. જયાં સુધી અમૂર્ત ના મળે ત્યાં સુધી આ દોરી છોડાય નહીં. એ તો ભારતનું સાયન્સ છે ! આ તો મૂર્તિ હોય તો મંદિર હોય ને મંદિર થાય તો એને પૂજારી-બૂજારી બધું મળી રહે.

ભગવાને કહ્યું છે કે, જયાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય ત્યાં સુધી મૂર્તિનાં દર્શન કરજો. કારણ કે ત્યાં સુધી અમૂર્તનાં દર્શન થાય નહીં, અમૂર્ત એવા ભગવાનનું દર્શન, શુદ્ધાત્માનું દર્શન થાય નહીં.

પ્રશ્નકર્તા : આ મૂર્તિ એ તો પથ્થર છે, એનાં દર્શનથી શું મળે ?

દાદાશ્રી : એ પણ બીજા લોકોને કામના છે ને ? એકાંતિક દ્રષ્ટિ નહીં કરવાનું ભગવાને કહેલું. સામુદાયિક દ્રષ્ટિ રાખો. અનેકાંત એટલે નાનું બાળક નાગું ફરે તો તેને કોઇ વઢે નહીં, તેને કોઇ ઠપકો ના આપે અને પચાસ વર્ષનો નાગો ફરતો હોય તો ઠપકો આપે. ત્યારે પચાસ વર્ષનો કહે કે, 'મને કેમ ઠપકો આપો છો ને આ નાના છોકરાને કેમ ઠપકો આપતા નથી ?' ત્યારે આપણે તેને કહીએ કે, 'અરે ભાઇ, તારી ઉંમર વધારે થયેલી છે. આ નાના છોકરાંની ઉંમરના પ્રમાણમાં એનો ધર્મ બરોબર છે અને તારી ઉંમરના પ્રમાણમાં તારો ધર્મ ખોટો છે.' એવી રીતે બધાંને સામુદાયિક રીતે જોવું જરુરી છે. કેટલાક મુસલમાન તો મૂર્તિને નથી માનતા. એ ખાલી ગોખલાને માને છે. હવે એ એમના હિસાબે બરોબર છે. એમના વ્યુ પોઇન્ટથી એ બધા કરેક્ટ છે.

કબીરસાહેબ મુસ્લિમ લત્તામાં મસ્જિદની પાસે જ રહેતા હતા. તે પેલા લોકો બાંગ પોકારે, તે લોકો કાનમાં આંગળા ઘાલીને પોકારે છે કે નહીં ? એને શું કહેવાય ? બાંગ. હવે એ બાંગને માટે કબીરસાહેબ, એ તો બહુ જાગ્રત માણસ, તે કહે, ''અલ્લા કુછ બહેરા થોડા હૈ, તો ઇતના જોર જોર સે બોલ બોલ કરતા હૈ ? વહ સબ સૂનતા હૈ. વહ તો યહ કીડી કે પાંવ મેં ઝાંઝર લગા દો તો વહ ભી સૂન લેતા હૈ તો ફીર તુમ કયું ઇતના બૂમ લગાતા હૈ ? હમારે કાન મેં બહુત ખરાબ લગતા હૈ.'' તે 'અમારા ભગવાનની, અમારા ધર્મની ટીકા કરે છે ?' એમ કહીને મુસ્લિમ લોકોએ કબીરસાહેબને ખૂબ માર્યાં.

હવે કબીરસાહેબે મને પૂછયું હોત કે, 'આ તો ખોટું કરે છે ને મને માર્યો.' તો હું કહું કે, 'એ કરે છે તે બરોબર છે. ભૂલ તમારી છે. સામાના વ્યુ પોઇન્ટને જાણીને બોલો. સામાનું વ્યુ પોઇન્ટ જાણ્યા સિવાય બોલવું અને બધાંને પોતાની સરખી દ્રષ્ટિએ માપવું એ ભયંકર ગુનો છે. પોતાની સરખી દ્રષ્ટિએ એટલે મને જેવી દ્રષ્ટિ છે એવી જ આમને હશે એવું માનવું એ બધો ગુનો કહેવાય.' પછી કબીરસાહેબને હું સમજાવું કે, 'આ લોકો જેટલું જોરથી બોલશે એટલો મહીં પડદો તૂટશે અને ત્યારે મહીં અલ્લાહ સાંભળશે. એમનું આવડું મોટું જાડું પડ, આવરણ હોય છે, અને તમારું પડ છે તે લૂગડાં જેવું પાતળું છે. એટલે તમે મનમાં વાત કરશો તો ય તેમને પહોંચી જશે અને પેલા લોકોને તો પડ જાડું છે એટલે હોંકારીને જેટલું જોશથી બોલાય એટલું એમણે તો બોલવું. આ બધું એમને માટે બરોબર છે, કરેક્ટ છે. હવે આવી બાંગ ક્રાઇસ્ટના ભક્તો પોકારે તો તેમનું બગડી જાય. એમને તો બિલકુલ શાંતિ જોઇએ. બોલવાનું જ નહીં, શબ્દ જ નહીં. દરેકની ભાષામાં જુદું જુદું છે. એટલે એ એમની ભાષામાં વાત કરતા હોય ને તેને આપણે કહીએ તો કબીરસાહેબ જેવી દશા થાય. જે અનેકાંતને નથી સમજતા તે કબીર સાહેબની જેમ માર ખાય. પોતે પોતાની ભૂલનો માર ખાય છે.

કબીરો બહુ જાગ્રત માણસ થઇ ગયો. ભક્તો ઘણા ખરા થઇ ગયા એમાં પણ કબીરો બહુ બહુ જાગ્રત હતો. એવાં પાંચ, સાત ભક્તો થઇ ગયા છે, કે જે બહુ જાગ્રત હતા, અત્યંત જાગ્રત. એમને માત્ર મોક્ષમાર્ગ મળવાને વાંકે અટકયું હતું. તેમને માર્ગ મળ્યો નહીં. તેમને જો માર્ગ મળ્યો હોત તો કંઇનું કંઇ કામ કાઢી નાખે એવા હતા એ !

તે કબીરાના વખતમાં બ્રાહ્મણો ગામમાં યજ્ઞ કરતા હતા. તેમણે યજ્ઞમાં હોમવા મોટો બકરો લાવીને ઊભો રાખ્યો હતો. કબીરાએ આ જોઇને બ્રાહ્મણોને કહ્યું, 'તમે આ બકરો કેમ અહીં ઊભો રાખ્યો છે ?' ત્યારે બ્રાહ્મણોએ કબીરાને કહ્યું, 'તું કેમ અહી આવ્યો છે ? જતો રહે અહીંથી. તારે એનું શું કામ છે ?' ત્યારે કબીરો સમજી ગયો ને બોલ્યો, 'આ બકરો જીવતો છે, સારો છે. એને શું કરવા તમે યજ્ઞમાં હોમો છો? એને કેટલું બધું દુઃખ થશે ?' ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, 'એને તો યજ્ઞમાં હોમીશું, એટલે એને તો સ્વર્ગ મળશે.' ત્યારે કબીરો ફટ દઇને બોલ્યો, 'આ બકરાને શું કામ સ્વર્ગ કરાવો છો ? એના કરતાં તમારા બાપા ઘરડા થયા છે તેમને યજ્ઞમાં હોમોને કે જેથી તેમને સ્વર્ગ મળે !' હવે આ કેવું આધાશીશી ચઢે એવું વાકય કહેવાય ! તે બ્રાહ્મણોએ ખૂબ માર્યો એને, એટલે, જયાં ને ત્યાં માર ખાય. ભગવાનનું અનેકાંત સમજ્યા વગર બોલે તે જયાં ને ત્યાં માર ખાય ! બાકી કબીરા જેવો તો ભગત નથી થયો કોઇ ! બહુ સુંદરમાં સુંદર ! જેણે જગતની સ્પૃહા જ છોડેલી હતી. જગતના કોઇ વિષયની સ્પૃહા એને નહીં, એવો નિસ્પૃહ થઇ ગયો. પણ ભગવાનનું અનેકાંત નહીં સમજવાથી જયાં ને ત્યાં એણે માર ખાધેલો.

અંગ્રેજો શાંતિથી ચર્ચમાં ઊભા રહે છે તે કરેક્ટ છે. મુસ્લિમો બાંગ પોકારે છે તે ય કરેક્ટ છે અને હિન્દુઓ મનમાં ધીમે ધીમે બોલે છે તે ય કરેક્ટ છે. કોઇ હિન્દુ જરા જોરથી બોલતો હોય કે બિલકુલ ના બોલતો હોય, જડ જેવો હોય તેને કહેવું કે 'જરા જોશથી બોલજે.' જરા જડ જેવો જૈન હોય તો તેને કહેવું કે 'અલ્યા, નવકાર મંત્ર મનમાં શું ગા ગા કરે છે ? બોલ જોશથી તે અહીં આગળ અવાજ થાય. મહીં ઘંટ વાગે એવું બોલ. એટલે દરેકની જુદી જુદી દવા હોય. મનુષ્ય માત્રને જુદા જુદા રોગ હોય તેની જુદી જુદી દવા હોય. જીવ માત્રને જુદા જુદા રોગ હોય. હવે તમે કહો કે આ બધાંને ઊલટીની દવા આપી દો દાદા, તો શું થાય ?! એટલે આ જગત આવું છે, તેથી ભગવાને અનેકાંત મૂકેલું, સ્યાદવાદ કે કોઇ જીવની જોડે મતભેદ જ નહીં.

પ્રશ્નકર્તા : મંદિરમાં ઘંટનો અર્થ શો છે ?

દાદાશ્રી : મૂર્તિને ઘંટની કશી જ જરુર નથી. દર્શન કરવા આવનારનું 'એકચિત્ત' થાય એટલા માટે ઘંટ છે. બહારનો કોલાહલ સંભળાય નહીં. ધૂપ, અગરબત્તી એ બધું પણ એકચિત્ત, એકધ્યાન થાય એટલા માટે હોય છે.

જિનમૂદ્રા !!

વીતરાગો શું કહે છે ? અમે કશું જ સ્વીકારતા નથી અને તું જે આપીશ તે તને રીટર્ન વીથ થેન્કસ્. તું ચાર આના નાખીશ તો તને અનેકગણું મળશે. ફૂલ નાખીશ તો અનેકગણાં ફૂલાં મળશે અને ગાળ આપીશ તો તે ય તને અનેકગણી મળશે. એક ફેરો વીતરાગને માટે મન, વચન, કાયાની એકતાથી ખર્ચી તો જો ! આ વીતરાગોની જ આવી મૂર્તિ હોય છે, બીજા કોઇની આવી મૂર્તિ જોઇ છે ? આ તો વીતરાગ મુદ્રા કહેવાય ! જેવી જેની મૂર્તિ તેવું તેનું ડેવલપમેન્ટ.

વીતરાગ ભગવાનની મૂર્તિ શું કહે છે ? જો તારે મોક્ષે જવું હોય તો આ ભવ પૂરતું હાથપગ વાળીને બેસી રહેજે એટલે કે, મશીનરી બંધ કરીને બેસી રહેજે તો ય તારું બધું ચાલે એવું છે !

મૂર્તિમાં જોવા જેવું શું છે ? પથ્થર જોવા જેવો છે ? આંખો જોવા જેવી છે ? આ તો આંતરિક ભાવ બેસાડવા માટે છે કે આ ભગવાન મહાવીરની મૂર્તિ ! કેવા હતા ભગવાન મહાવીર ! કેવા વીતરાગી ! અત્યારે તો હવે આંતરિક ભાવ થતા નથી તે પછી મૂર્તિ પર આંગી કરી! તે સુંદર આંગીથી ચિત્ત એકાગ્ર થાય; અને તો ય ચિત્ત એકાગ્ર ના થાય તો ઘંટ વગાડે કે તેનાથી બહારથી ગીતો આવતાં હોય કે લઢવાડ થતી હોય તો ય ચિત્ત ત્યાં ના જાય. ને પાછું ધૂપ સળગાવે તે સુગંધમાં તન્મયાકાર રહે. આ તો જે તે રસ્તે પાંચ ઇન્દ્રિયને અહીં એકાગ્ર રાખે. તે જે સેકન્ડનો નાનામાં નાનો ભાગ એકાગ્ર રહે, તો ય એટલું તો કમાયો ને !

આ તો શું જરાક વઢવાડ થાય, અરે કોઇ ધૂળ ઉડાડે તો લોક ભેગાં થઇ જાય છે ! શાને માટે ? કયાં ય ચિત્ત એકાગ્ર થતું નથી, ત્યારે કાંઇ નવું જોવા જેવું મળ્યું તો ચિત્ત એકાગ્ર થાય. આ તો ભગવાનની મૂર્તિ પાસે ય ચિત્ત એકાગ્ર થતું નથી તે બીજે કયાં ચિત્ત એકાગ્ર થશે ? મહીં પાર વગરની બળતરા છે. તે કયાં ય એકાગ્રતા નથી થતી. આ તો અટકણવાળા ઘોડા પાસે બંદૂકિયો ટેટો ફોડે તેવા લોક થઇ ગયા છે ! કરુણા ખાવા જેવા લોક છે. તે એક ફક્ત કરુણા રાખવા જેવું છે !

પ્રતિમામાં પ્રાણ પૂરે જ્ઞાની !!

પ્રશ્નકર્તા : દેરાસરમાં મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે તો મૂર્તિમાં શક્તિ વધી જાય ખરી ?

દાદાશ્રી : હા, વધેને. પ્રાણપ્રતિષ્ઠા હુક્કામાં કરું તો ય એમાં શક્તિ વધી જાય અને મૂર્તિમાં તો દરેક લોકોના આરોપિત ભાવ છે. ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરે એટલે ફળ આપે. પણ આ કાળમાં પ્રાણપ્રતિષ્ઠા સાચી થતી નથી. 'અમે' સાચી પ્રાણપ્રતિષ્ઠા કરીએ, પણ ઉદય સિવાય 'અમે' કરીએ નહીં. લોકોનું કલ્યાણ થાય એટલા માટે અમે પ્રતિષ્ઠા કરીએ. લોકોને શક્તિ હોય તે પ્રમાણે પ્રાણપ્રતિષ્ઠા કરે. અને આ પ્રતિષ્ઠા કેવા ભાવે કરે છે ? કલુષિત ભાવે. કલુષિત ભાવ નીકળ્યા ના હોય અને પ્રાણપ્રતિષ્ઠા કરે. કલુષિત ભાવ ગજબનો મહીં હાજર હોય. સળી થાય તો ફેણ માંડે એવી પ્રતિષ્ઠા કરે તો કેવું ફળ આપે ? પ્રાણપ્રતિષ્ઠા કરવાનો કોનો અધિકાર ? જેના કલુષિત ભાવ સંપૂર્ણ નીકળી ગયા છે, એટલું જ નહીં પણ એના નિમિત્તે કોઇને ય કલુષિત ભાવ ના થાય. એ તો 'પંચ પરમેષ્ઠિ'માં ગણાય છે અને એવાને હાથે પ્રાણપ્રતિષ્ઠા થવી જોઇએ. છતાં, આ 'ના મામો હોય તેના કરતાં કાણો મામો સારો.' બાકી પ્રતિષ્ઠા તો એવી થવી જોઇએ કે મૂર્તિ બોલી ઊઠે, હસી ઊઠે ! અમે જયાં જયાં પ્રતિષ્ઠા કરીએ ત્યાં ત્યાં મૂર્તિ બોલી ઊઠે છે, હસી ઊઠે છે ! અમારી ઇચ્છા તો બહુ હોય કે બધે જ મંદિરોમાં પ્રતિષ્ઠા થાય, પણ સત્તા અમારી નહીને ? 'વ્યવસ્થિત'ના હાથમાં બધું, એટલે અમે ઉદય પ્રમાણે કરીએ.

આ તમારી મહીં પણ 'અમે' પ્રતિષ્ઠા જ કરી છે. તેથી તો 'હું શુદ્ધાત્મા છું' એમ બોલી ઊઠે છે ! મૂર્તિમાં પ્રતિષ્ઠા 'જ્ઞાની પુરુષ' કરે. જડ મૂર્તિમાં 'જ્ઞાની પુરુષ' પ્રતિષ્ઠા કરે તો પણ ફળ આપે છે, તો જીવંત મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે તો શું ફળ ના આપે ?

આ તો બધા થબાકા પાડવાના અને ભગવાને 'તું' અને 'હું' ગાવાના અને મૂર્તિને ભજીશ તો મૂર્તિ મળશે. દેહ ઊંચો મળશે, મોટર, બંગલા મળશે; પણ જયાં સુધી અમૂર્તના દર્શન ના થાય, 'જ્ઞાની પુરુષ' અમૂર્તનાં દર્શન ના કરાવે ત્યાં સુધી મૂર્તિની ભજના કરજે, અને જયારે અમૂર્તને ભજે ત્યારે મોક્ષ થાય. મૂર્તિ તો અનંત અવતાર ભજ ભજ કરીએ છીએ ને ? 'જ્ઞાની પુરુષ'માં તો અમૂર્ત છે અને મૂર્તિ ય છે. 'જ્ઞાની પુરુષ' મૂર્તામૂર્ત છે, એટલે એમને ભજવાથી મોક્ષ થાય !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16