ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

બુદ્ધિ અને જ્ઞાન !

દાદાશ્રી : બુદ્ધિ અને જ્ઞાનમાં કંઇ ફેર ખરો ?

પ્રશ્નકર્તા : બુદ્ધિ એટલે પ્રત્યક્ષ સિદ્ધ કરી શકાય એવી સમજ અને જ્ઞાન એટલે બુદ્ધિથી પર, જેને સુપર-નોલેજ, પરાવિદ્યા કહેવાય.

દાદાશ્રી : એની ડેફિનેશન હું કહુંઃ આખા જગતના બધા જ સબ્જેક્ટ્સ હોય તેમાંથી બે-ચાર સબ્જેક્ટ્સ જાણે તેને લોકો નોલેજ કહે છે, પણ આખા જગતના બધા જ સબ્જેક્ટ્સ જાણે તે પણ બુદ્ધિમાં સમાય, કારણ કે તે અહંકારી જ્ઞાન છે. અહંકારી જ્ઞાન તે બુદ્ધિ છે અને નિર્અહંકારી જ્ઞાન તે 'જ્ઞાન' છે. બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે, એની તમને સિમિલી આપું. સૂર્યનારાયણનો ડિરેક્ટ પ્રકાશ એ ડિરેક્ટ જ્ઞાન જેવું છે અને બીજું ઇન્ડિરેક્ટ પ્રકાશ, જે સૂર્યનારાયણનો પ્રકાશ અરીસા પર પડે અને તે રૂમમાં પ્રકાશ આપે તે ઇન્ડિરેક્ટ પ્રકાશ. આત્માનો ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન છે. બુદ્ધિનો પ્રકાશ થ્રુ મીડિયમ છે; ઇનડિરેક્ટ છે. આત્મા એ સ્વ-પર પ્રકાશક છે અને બુદ્ધિ પર-પ્રકાશક છે. બુદ્ધિ એ વિકલ્પો કરાવે. સંકલ્પો-વિકલ્પો થાય છે તમને ?

પ્રશ્નકર્તા : 'સંકલ્પ-વિકલ્પ'નો એક્ઝેક્ટ મીનિંગ મને નથી સમજાતો !

દાદાશ્રી : બહાર સંકલ્પ-વિકલ્પ શાને કહે છે તે ખબર છે ? મહીં સારા કે ખરાબ વિચાર આવે તેને સંકલ્પ-વિકલ્પ કહે છે, પણ એ ઓળખ્યા વગરની વાત છે. 'હું ચંદુલાલ છું' એ પહેલો વિકલ્પ, 'હું આનો ધણી છું' એ બીજો વિકલ્પ, 'હું આનો બાપ છું, વકીલ છું' એ બધા વિકલ્પો અને 'આ દેહ, મોટર, બંગલા, મારા છે' એ સંકલ્પ; 'હું' અને 'મારું' એ અનુક્રમે વિકલ્પ અને સંકલ્પ.

જ્ઞાન અને બુદ્ધિમાં ફેર શો ? બુદ્ધિ એ ભેદ પાડે છે, મારું-તારું કરાવે; જયારે જ્ઞાન અભેદ કરાવે. બુદ્ધિ-જ્ઞાન એટલે કે આ જગતનાં તમામ શાસ્ત્રોનું જ્ઞાન જાણે, પણ પોતાને ના જાણે તો એ અહંકારી-જ્ઞાન, એને બુદ્ધિ કહી ને સ્વરૂપના જ્ઞાનને જાણે તો નિર્અહંકારી-જ્ઞાન થઇ જાય, એ જ્ઞાન છે. બુદ્ધિ તો પોતાનાં છોકરાં અને બૈરાં વચ્ચે ય ભેદ પડાવ્યા કરે.

ભેદબુદ્ધિ

ભેદબુદ્ધિ હોય ત્યાં સુધી લાગે, 'હું ચંદુલાલ ને આ રાયચંદ' અને મહાવીર જુદા, નેમીનાથ જુદા, કૃષ્ણ જુદા, બધામાં ભેદ લાગે; ને 'જ્ઞાની પુરુષ'ને ભેદબુદ્ધિ ના હોય, એ આત્મસ્વરૂપમાં રહે અને બધે અભેદ જુએ. અમને તો બધાનામાં હું જ બેઠેલો છું એવું રહે. રીયલ સ્વરૂપ જાણી લઇએ એટલે અભેદતા આવે.

વીતરાગો નિષ્પક્ષપાતી હોય, તેમને બધામાં અભેદતા લાગે. કાળચક્રના આધારે માર ખા ખા કરે છે, જો 'જ્ઞાની પુરુષ' મળે તો માર ખાવાના ના હોય, જ્ઞાની મળે તો ઉકેલ આવે.

બુદ્ધિ પ્રકાશક ખરી, પણ પર-પ્રકાશક ઇન્ડિરેક્ટ લાઇટ છે, અરીસામાંથી સૂર્યના પ્રકાશનાં એરિયાં પડે તેમ. જેનો જેટલો મોટો અરીસો એટલો એનો પ્રકાશ પડે. કેટલાક તો બેરિસ્ટરો એવા હોય છે જે રોજના હજારો કમાય, કારણ કે અરીસો મોટો છે અને કેટલાકનું તો ટટ્ટું ય ના ચાલે. બુદ્ધિનું ફળ શું ? બહુ બુદ્ધિ વધે ત્યારે બુધ્ધુ થઇ જાય !

અમારામાં નામે ય બુદ્ધિ ના હોય, અમે 'અબુધ' હોઇએ. કવિએ કહ્યું છે ને કે,

'ભાવ, નો, દ્રવ્યનાં ઝાળાં ખંખેરી જાણ જો અબુધ અધ્યાસે'

- નવનીત

અબુધ-અધ્યાસ થાય તો એ જાળાં ખંખેરાશે, બુદ્ધિથી એ જાળાં પડી નહીં જાય. બુદ્ધિ તો એનું કામ કર્યા કરશે, પણ એને વાપરવાની નથી. આ તો સાપ હોય ત્યાં બુદ્ધિની લાઇટ ધરીને જુએ તો અજંપો થાય અને 'વ્યવસ્થિત' કહે છે 'જાને તું તારે, કોઇ કશું ય કરડવાનું નથી!' તો નીરાકુળતા રહે. બુદ્ધિ તો સંસારમાં જયાં જયાં એની જેટલી જરૂર છે એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે અને સંસારનું કામ થઇ જાય છે, પણ આ તો વિપરીત બુદ્ધિ વાપરે છે કે વખતે સાપ કરડી જશે તો ! એ જ ઉપાધિ કરાવે છે. સમ્યક્ બુદ્ધિથી સર્વ દુઃખ કપાય અને વિપરીત બુદ્ધિથી સર્વ દુઃખો ઇન્વાઇટ કરે.

ત્રણ પ્રકારની બુદ્ધિ : એક અવ્યભિચારિણી બુદ્ધિ, બીજી વ્યભિચારિણી બુદ્ધિ અને ત્રીજી સમ્યક્ બુદ્ધિ. આ ત્રણ પ્રકારમાં કોઇ અવતારમાં ય જિનનાં દર્શન કરેલાં હોય, તેને સમ્યક્ બુદ્ધિ ઉછરે. શુદ્ધ જિનનાં દર્શન કર્યા હોય અને ત્યાં શ્રદ્ધા બેઠી હોય તો બીજ નકામું જતું નથી, તેથી અત્યારે સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય, અને પછી સહજ ભાવે માર્ગ મળી આવે.

આ કરિયાણાના ગાંધીને ૨૦૦૦ રૂપિયા ના આવે તો ઘરાકની સાથે ઝઘડો કરે, તે પછી ઘરાક એકાદ ધોલ આપી દે ને ફોજદારી કેસ થાય. આ તો હજી રૂપિયા આપ્યા નથી ને ફોજદારી કેસ થાય, એટલે કહે, 'હું તો દુઃખી દુઃખી થઇ ગયો.' આ તો પોતે જ દુઃખને બોલાવે ! આ દુઃખોને જો ના બોલાવે તો એકે ય આવે તેમ નથી. વિપરીત બુદ્ધિથી જ દુઃખો ઊભાં થાય છે. વિપરીત બુદ્ધિ એટલે ઊંધી ધારે શાક સમારવું, શાક છોલાય નહીં ને આંગળીમાં લોહી નીકળે.

જેનામાં અક્કલ છે એનો મોક્ષ ના થાય. જગત જેને અક્કલવાળો કહે છે એ તો બહુ જ કમઅક્કલ છે. અક્કલવાળો પોતાની જ ઘોર ખોદે છે, એને અમે કમઅક્કલ કહીએ છીએ. અમે પોતે જ અક્કલ વગરના છીએ ને ! અબુધ છીએ !! અમારામાં છાંટો ય બુદ્ધિ હોય તો બધાં ધ્યાન ઊભાં થઇ જાય, ધંધામાં થાય કે, 'આ પૈસા વધારે લઇ ગયો, આણે આમ કર્યું,' તે જ્ઞાન જ ખલાસ થઇ જાય.

બુદ્ધિ વપરાશની લિમિટ !

અમે સવારે સાત વાગ્યે 'દાદર' સ્ટેશને બેઠેલા, ત્યારે લોકોએ સામટી લાઇટો બંધ કરી દીધી. તે બુદ્ધિવાળો શું પૂછે કે, 'આમ કેમ કર્યું?' આ સૂર્યનારાયણ ઊગે છે તેનું તેજ આવે છે, તેથી હવે આ લાઇટોની શી જરૂર ? અમે કહીએ છીએ કે 'આ' ફુલ લાઇટ આવી ગયા પછી બુદ્ધિની લાઇટ બંધ કરી દો ! જેમ આ લોકો આમાં કેવા જાગ્રત છે કે ઇલેક્ટ્રિસિટી વપરાઇ જાય છે તેમ આપણા લાઇટમાં, મૂળશક્તિમાં બુદ્ધિ વાપરવાથી પાવર વેડફાઇ જાય છે ને એ લાઇટ ના વાપરે તો મૂળ લાઇટમાં વધારો થાય.

પ્રશ્નકર્તા : બુદ્ધિનો પ્રકાશ તો રહેવાનો જ ને ?

દાદાશ્રી : હા, એ બુદ્ધિ જરૂર પડે તો કામ કરી જાય પણ બટન ચાલુ રાખવાની જરૂર નથી. એ તો ઓટોમેટિક ચાલુ થઇ જ જાય છે. પણ બટન ચાલુ રહી ના જવું જોઇએ. સંસારી હિત શેમાં છે તે બુદ્ધિ દેખાડે. સંસારી કોઇપણ ક્રિયામાં બુદ્ધિનો જ ઉપયોગ હોય છે અને 'હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાનનો ઉપયોગ છે.

આત્મા સહજ સ્વરૂપે જ છે, પણ પ્રકૃતિ સહજ થાય ત્યારે એ સહજ રહે, એનું ફળ આવે. પ્રકૃતિ સહજ કયારે થાય ? બુદ્ધિબહેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય. કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુદ્ધિબહેન આવતાં હતાં, પણ હવે ભણી રહ્યાં, હવે શી જરૂર છે ? હવે એને કહીએ કે 'તમે ઘેર રહો, અમારે જરૂર નથી.' તેને પેન્શન આપી દેવાનું. બુદ્ધિ ચંચળ બનાવે, તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે એનો સ્વાદ ચાખવા મળતો નથી. બહારનો ભાગ જ ચંચળ છે, પણ જો બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે ! આ કૂતરું દેખ્યું, તો બુદ્ધિ કહેશે, 'કાલે પેલાને કરડેલું તે આય એવું જ કૂતરું દેખાય છે, મને ય કરડી જશે તો ?' અલ્યા, એના હાથમાં શી સત્તા છે ? 'વ્યવસ્થિત'માં હશે તો કૈડશે. બુદ્ધિ, તું બાજુએ બેસ. સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાંસરું ના કરત ? પણ પાંસરું થયું નથી ! બુદ્ધિ તો શંકા કરાવે. શંકા થાય તો ડખો થાય. આપણે તો આપણા નિઃશંક પદમાં રહેવાનું. જગત તો શંકા, શંકા ને શંકામાં જ રહેવાનું.

બુદ્ધિની નોર્માલિટી !

પ્રશ્નકર્તા : દાદા, બુદ્ધિ ડીમ કેવી રીતે કરાય ?

દાદાશ્રી : બુદ્ધિને ડીમ કરવા માટે તો સમ્યક્બુદ્ધિનું જોર જોઇએ.

જેમ બુદ્ધિ વધે તેમ સ્મૃતિ વધે, તેમ બળાપો વધે ! બુદ્ધિ બાજુએ જ મૂકવાની, એની વાત જ નહીં માનવાની. આ ચાલીમાં એક માણસ એવો હોય કે એની વાત માનીએ તો ઢેડફજેતો આપણને થાય છે, તો કેટલી વખત એની વાત આપણે એક્સેપ્ટ કરીએ ? એક-બે વખત, પણ પછી તો એની વાત જ ના એક્સેપ્ટ કરીએ. બુદ્ધિ તો સેન્સિટિવ બનાવી દે, ઇમોશનલ બનાવી દે, તો એની વાત આપણાંથી કેમ એક્સેપ્ટ કરાય?

વ્યવહારમાં વાઇઝ રહેવાની જરૂર કે કોઇને જરા ય નુકસાન ના થાય, આ અક્કલની જરૂર નહીં. આ બહુ અક્કલ વધી જાય તો દિમાગ ઠેકાણે ના રહે, બુધ્ધુ થઇ જાય, માટે થોડી બુદ્ધિને કાપી નાખવી. વાઇઝ થવાની જરૂર છે, ઓવરવાઇઝ થવાની જરૂર નથી. ઓવરવાઇઝ થાય પછી ટ્રીકો કરતાં શીખી જાય. ટ્રીક એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો ફાયદો લેવો તે. ટ્રીક કરે તો તો ચોરમાં ને તારામાં ફેર શો ? આ તો ચોર કરતાં ય વધારે જોખમદારી કહેવાય. ટ્રીક એ તો બુદ્ધિથી સામાને મારે. ભગવાને કહેલું કે, 'બુદ્ધિથી મારતાં મારતાં તું નિર્દય થઇ જઇશ, એના કરતાં તો હાથેથી મારવું સારું કે જેથી કયારેય દયા આવશે. આખું જગત બુદ્ધિથી મારી રહ્યું છે, એ તો ઊંચામાં ઊંચું રૌદ્રધ્યાન કહેવાય ! એનું સીધું ફળ નર્કગતિ આવે. રૌદ્રધ્યાન એટલે કો'ક સુખને કોઇપણ રીતે પડાવી લેવાની ઇચ્છા, કોઇને કોઇપણ રીતે દુઃખ આપવું એ જ ઇચ્છા. આ કપડું ખેંચીને વેચે છે એ જ રૌદ્રધ્યાન, 'આટલું કપડું તો બચશે' એમ કહેશે. આ હિસાબ તો કેવો છે ? ૯,૯૯૯ રૂ. મળવાના છે, તો રૌદ્રધ્યાનથી ય એટલા જ મળે છે અને એ ધ્યાન વગરથી ય એટલા જ મળે છે. આ તો ઉપરથી કપડાં ખેંચીને ધ્યાન બગાડે તે કહેશે કે, 'કમાવા એવું તો કરવું પડે ને ?' આ લોકોનેલક્ષ્મીજી આવશે એ શ્રદ્ધા નથીરહેતી. અલ્યા, જે શ્રદ્ધા પર તે દુકાન કાઢી છે, એ શ્રદ્ધા પર ધ્યાન ના બગાડીશ અને એ જ શ્રદ્ધાથી નફો મળશે એમ રાખ.

જગતના લોકો બધા અંધશ્રદ્ધાથી ચાલે છે, મોટર ચલાવનારો ય અંધશ્રદ્ધાથી ચાલે છે. 'જ્ઞાની પુરુષ' મોટરમાં બેસે તો કહે કે, 'કાં તો ટકરાશે ને કાં તો બચશે. જે હો તે ભલે હો.' આ તો જ્ઞાન ના હોય તો પણ અંધશ્રદ્ધા પર ચલાય !

બુદ્ધિ સંસારાનુગામી જ !

ભટકનારના દોષે ભટકાવનાર ઊભા થાય છે. ભટકાવનારા તો બહુ ભોગવશે, કારણ કે પોતાની બુદ્ધિથી સામાની પાસે લાભ લીધો. બુદ્ધિથી તો સામાને લાભ કેમ થાય તે જોવાનું હોય, પણ આ તો દુરુપયોગ કરે છે, તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી. કૃષ્ણ ભગવાને ગીતામાં બુદ્ધિને વ્યભિચારિણી કહી છે. બુદ્ધિથી આ કશું જ કરવાની જરૂર નથી, સહેજાસહેજમાં પ્રાપ્ત થાય એવું આ જગત છે. આ તો ભોગવતાં નથી આવડતું, નહીં તો મનુષ્ય અવતારમાં ભોગવી શકે એવું છે; પણ આ મનુષ્ય ભોગવી શકતો જ નથી અને પાછા એમના ટચમાં આવેલાં બધાં જાનવરો ય દુઃખી થયાં છે. બીજા કરોડો જીવો છે છતાં દુઃખિયા એકલા આ મનુષ્યો જ, કારણ કે બધાનો દુરુપયોગ કર્યો; બુદ્ધિનો, મનનો બધાનો જ. આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. આ સામે બહારવટિયો આવે તો 'મારું શું થશે?' એવો વિચાર આ મનુષ્યોને જ આવે. 'હું કેવી રીતે ચલાવીશ ? મારા વગર ચલાવશે જ કોણ ?' એવી જે ચિંતા કરે છે એ બધાં જ નિરાશ્રિત છે; જયારે પેલાં જનાવરો ભગવાનનાં આશ્રિત છે. તેમને તો ખાવા-પીવા આરામથી મળે છે, એમને ડોક્ટર, હોસ્પિટલ એવું કશું જ નહીં અને એ લોકોને દુકાળ જેવું ય કશું નહીં. હા, આ મનુષ્યોના સંગમાં આવ્યાં તે જનાવરો-ગાય, બળદો, ઘોડાં વગેરે પાછાં દુઃખી થયાં છે.

જેમ આહાર ઘટે તેમ પ્રમાદ ઘટે અને બુદ્ધિનું ડેવલેપમેન્ટ થાય. ચાથી શરીરનાં બંધારણ બગડયાં, આહાર ઘટયો એનાથી. પહેલાંના જમાનામાં ચા નહીં, તે ખોરાક એટલો બધો વધારે, તે પછી બળદિયા જેવા થઈ જાય, બુદ્ધિ ભેંસ જેવી થઇ જાય. છતાં, એ લોકો મહેનત સારી કરી શકે, ઝાલ્યું કામ સજજડ મહેનતે પૂરું કરે. બહુ ખોરાકથી બુદ્ધિ જાડી થઇ જાય, સૂક્ષ્મતા ઊડી જાય.

બુદ્ધિ સંસારનું કામ કરી આપે, મોક્ષનું નહીં. એક વ્યુ પોઇન્ટ એ બુદ્ધિ અને બન્ને વ્યુ પોઇન્ટ ઉત્પન્ન થાય, રીયલ અને રીલેટિવ વ્યુ પોઇન્ટ ઉત્પન્ન થાય તો જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય અને પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં બન્ને વ્યુ પોઇન્ટથી, રીયલ અને રીલેટિવ બન્નેને જુદા જુદા જુએ અને તેનાથી મોક્ષ થાય. પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં સનાતન સુખ છે. બુદ્ધિથી તો કલ્પિત દુઃખ અને પાછું નિરંતરનું ! સુખની પાછળ દુઃખ ભરેલું હોય, અને પાછો દુષમ કાળ !! તે પાર વગરનાં દુઃખો ને સંપૂર્ણ મોહનીય વ્યાપેલી છે, નિરંતર મૂર્ચ્છામાં ભટકે છે !

 

ચિત્ત

ચિત્ત એટલે જ્ઞાન-દર્શન, આ બે ગુણનો અધિકારી એ ચિત્ત. આ બન્ને ય ગુણ અશુદ્ધ હોય તો એ અશુદ્ધ ચિત્ત કહેવાય અને શુદ્ધ હોય તો શુદ્ધ ચિત્ત કહેવાય.

શુદ્ધ જ્ઞાન + શુદ્ધ દર્શન = શુદ્ધ ચિત્ત = શુદ્ધાત્મા.

અશુદ્ધ જ્ઞાન + અશુદ્ધ દર્શન = અશુદ્ધ ચિત્ત = અશુદ્ધાત્મા.

અહીં બેઠા હોય ને પરદેશમાં જોઇ આવે, ઘર-બર બધું જોઇ આવે એ જોઇ આવવાનો, જાણી આવવાનો સ્વભાવ એ ચિત્તનો છે; જયારે મનનો સ્વભાવ દેખાડવાનો, પેમ્ફલેટ દેખાડવાનો છે. મન એક પછી એક પેમ્ફલેટ દેખાડે. લોકો તો પાડાને વાંકે પખાલીને ડામ દે છે, કહે છે કે, 'મારું મન ભટકે છે !' મન કયારે ય આ શરીર છોડીને બહાર ના જઇ શકે, જાય છે તે ચિત્ત છે. લોકો તો મનને ઓળખતા નથી, ચિત્તને ઓળખતા નથી, બુદ્ધિને ઓળખતા નથી ને અહંકારને ય ઓળખતા નથી. અરે ! અંતઃકરણ, અંતઃકરણ એમ ગાય છે, પણ અંતઃકરણને સમજતા નથી. આ અંતઃકરણમાં પહેલો મહીં પ્યાલો ફૂટે પછી જ બહાર પ્યાલો ફૂટે.

આવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વાત કોઇ શાસ્ત્રોમાં ય સમજણ નથી પાડી.

આ ચિત્ત તો અંદરે ય ભટકે છે ને બહારે ય ભટકે છે. મગજમાં શું બને છે એ ચિત્ત જોઇ આવે છે.

ચિત્ત ગેરહાજર - તેનાં ફળ ?

એક મિલમાલિક મારે ત્યાં સાંતાક્રુઝ આવેલા. તેમને મેં પૂછયું, 'શેઠ, કોઇ દહાડો સમી રીતે જમો છો ? ચિત્તને ઠેકાણે રાખી જમો છો? આ બ્લડપ્રેસર શાથી થાય છે ? બે-ચિત્તથી ખાઓ છો તેથી.' તે શેઠ બિચારા ગળગળા થઇ ગયા ને મારા ખોળામાં માથું મૂકી કહેવા લાગ્યા, 'હા, દાદા, કોઇ દિવસ ચિત્ત દઇને જમ્યો જ નથી.'

કૃષ્ણ ભગવાને શું કહ્યું છે, 'પ્રાપ્તને ભોગવ અને અપ્રાપ્તની ચિંતા ના કરીશ.' આ જમવાની થાળી સામે આવે તો તે એકચિત્તે શાંતિથી જમ. જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે અને બે-ચિત્ત હઇશ તો બત્રીસ ભાતનું જમણ ભાવશે નહીં. આ શરીરને આટલી ખીચડી આપી હોય તો આખી રાત શાંતિ રાખે, સમાધિ રાખે તેવું છે. આ તો ધોકડું જમે અહીં ને 'પોતે' જાય મિલમાં !

આ મનુષ્યોને પાછાં હાર્ટફેઇલ થઇ જાય છે, સ્કૂલમાં તો ફેઇલ નહોતો થતો ને અહીં શી રીતે ફેઇલ થઇ જાય છે ? આ જાનવરો ખાય છે ત્યારે તપાસ કરજે કે એનું ચિત્ત બહારગામ જાય છે કે નહીં? કૂતરું-બૂતરું ય, ખાતી વખતે ટેસ્ટમાં આવીને પૂંછડી પટપટાવે છે ! બધાં ય જાનવરોનું ચિત્ત ખાય છે ત્યારે ખાવામાં જ હોય છે; ને આ શેઠિયાઓ, વકીલો, ડૉક્ટરોનું ચિત્ત તો ખાતી વખતે એબ્સન્ટ હોય છે, એનાથી તો હાર્ટફેઇલ અને બ્લડ પ્રેશર થાય છે. હાર્ટફેઇલ અને બ્લડ પ્રેશર એ તો એબ્સન્ટ ચિત્તનું પરિણામ છે. બે-ચિત્તથી ખાય છે તેથી મહીં નસો બધી સજ્જડ થઇ જાય છે. આ ડૉક્ટરોનું ચિત્ત ઓપરેશન કરતી વખતે બીજે ભટકે તો દર્દીની શી દશા થાય ? તે ખાતી વખતે ય મહીં પાર વગરનાં ઓપરેશન થાય છે, માટે જમતી વખતે ચિત્તને પ્રેઝન્ટ રાખીને જમો. જમતી વખતે 'ચિત્ત'ની હાજરી પૂરવી કે 'હાજર છે કે ?'

એવો વખતે ય આવશે કે ડૉક્ટરોના ચિત્ત ક્યાંનાં ક્યાં ભટકશે. પણ ઓપરેશન વખતે ચિત્ત હાજર રહે છે એ તો સારું. જો ચિત્તની હાજરી વગર ઓપરેશન કરે તો તે દર્દી મર્યા પછી, બળી ગયા પછી મહીંથી કાતર નીકળે ! તેથી જ તો બીકના માર્યા ડૉક્ટરો ઓપરેશન વખતે ચિત્તને હાજર રાખે છે !

બધાંમાં ચિત્ત હાજર કદાચ ના રહે. બીજામાં ચિત્ત ગેરહાજર હશે તો ચાલશે; પણ માત્ર ખાતી વખતે ચિત્તને હાજર રાખજે.

પ્રશ્નકર્તા : 'વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે' એના જેવું દાદા ?

દાદાશ્રી : એ વાક્યો ફોરેનવાળા માટે સહજ લોકો માટે છે; વિકલ્પી માટે નથી. જ્ઞાનીને તો 'વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે રહે', કારણ કે બહારનો ભાગ અને અંદરનો ભાગ, બન્ને એમને સહજ હોય છે, એમનું ચિત્ત તો ક્યારે ય ગેરહાજર ના હોય.

ઇન્ડિયન્સ માટે તો આ વાક્ય નકામું છે, એને રાખીને શું કરવું? છતાં અમે કહીએ છીએ કે માત્ર જમતી વખતે ચિત્તને હાજર રાખજે. ઑફિસે જવા અગિયારને બદલે સવાઅગિયાર થયા તો 'દાદા'ને યાદ કરજો, કહેજો કે, 'દાદા, તમે કહેતા હતાને કે જમતી વખતે ચિત્ત હાજર રાખજો, પણ આ તો આજે સવા અગિયાર વાગી ગયા છે. હું કંઇ જાણું નહીં. તમે કહો છો તેમ ચિત્તની હાજરીમાં જ જમું છું, પછી આગળ તમે જાણો.' તે પછી ચિત્ત ઠેકાણે રહેશે અને બોસને જે કહેવું હોય તે ભલે કહે ને બોસ એ ય એક પ્રકૃતિનો નચાવ્યો ભમરડો જ છે ને ? સ્વસત્તામાં આવ્યો જ નથી ને એ ય ! પુરુષ થયો જ નથી ને ! જગત આખું ય પરસત્તામાં જ છે ને !

જમતી વખતે ચિત્તને હાજર રાખવાનું, એટલે ખબર પડે કે ભજિયાંમાં મીઠું વધારે છે કે ઓછું, મરચું વધારે છે કે ઓછું ! આ તો ચિત્તની ગેરહાજરીમાં જમે તે ખબરે ય ના પડે કે ચા ગોળની છે કે ખાંડની ! અલ્યા, સંયોગ જે અત્યારે ભેગો થયો છે તે સારી રીતે ભોગવ. આ તો શેઠ જમે અહીં ને કારખાનું સાત માઇલ છેટે હોય તે ત્યાં ગયો હોય ! જે ભેગો થયો હોય તેને આપણે સલામ કરીએ છીએ ને ? સાત માઇલ છેટે હોય તેને તો અક્કળવાળો ય સલામ ના કરે.

આ તો પૈસા પર પૈસા, તે કૂતરાને મોતે મરશો, કષાયોમાં મરશો! એક શેઠ કહે કે, 'એક વાર તો હાર્ટ એટેક આવી ગયો છે.' અલ્યા, એક ઘંટ તો વાગી ગયો, તે પછી બીજા ને ત્રીજા ઘંટે તો ગાડી ઊપડવાની. હાર્ટ એટેક એ શાનું ફળ છે ? ભયકંર કુચારિત્રનું ફળ છે, તો પાંસરો મર ને જ્ઞાની પાસે જા. તારાં કૃત્યોની ખાનગીમાં માફી માગ તો ય તું છૂટીશ.

ચિત્ત ગેરહાજર હોય ત્યારે જમશો નહીં ને ચિત્ત હાજર હોય તો જ જમશો એવો પ્રોપેગેંડા બહાર થશે ને, ત્યારથી જ રોગો ઓછા થવા માંડશે.

જનક વિદેહીને જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું તે જ્ઞાનીના તપસ્વી પુત્રને અહંકાર આવ્યો કે 'હું કંઇક છું.' તે ઉતારવા ગુરૂદેવે પુત્રને કહ્યું કે, 'તું કંઇક ઉપદેશ લેવા જનકરાજાને ત્યાં જા.' તે મુનિ તો ગયા રાજાને ત્યાં. ગુરૂદેવે જનક રાજાને પહેલીથી સૂચના આપી દીધેલી. મુનિ જયારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે તો રાજવૈભવનો ભારે ઠઠારો જોયો. જનકરાજા સોનાના હિંડોળા ઉપર બેઠેલા ને બન્ને બાજુએ રાણીઓ બેઠેલી, રાણીઓના ખભે હાથ મૂકીને મસ્તીમાં બેઠેલા હતા. મુનિએ તો આ જોયું ને તેમને મનમાં થયું, 'આ વિલાસી પુરુષ પાસેથી શો ઉપદેશ લેવાનો ?' છતાં ય પિતાની આજ્ઞા હતી એટલે કંઇ બોલ્યા નહીં, ચૂપચાપ જેમ રાજા કહે તેમ કરતા ગયા. રાજાએ જમવા બેસાડયા, સોનાની થાળીઓ ને બત્રીસ જાતનાં ભોજન. મુનિ તો આસને બેઠા ને જરાક ઊંચી નજર ગઇ ત્યાં તો ધ્રાસકો પડયો ! 'અરે, આ શું ? માથા ઉપર ઘંટ લટકે છે ને તે ય હમણાં પડું પડું થઇ રહ્યા છે !' રાજાએ કળા કરેલી, એક મોટો ઘંટ બરાબર મુનિના માથા ઉપર જ લટકાવેલો અને તે ય સાવ પાતળી, નજરમાં ન આવે એવી પારદર્શક દોરીથી બાંધેલો. તે મુનિ તો બિચારા મહીં ગભરાઇ ગયેલા, જેમ તેમ જમ્યા. જમતાં જમતાં રાજા આગ્રહ કરે, પણ મુનિને તો જમવામાં ચિત્ત શાનું હોય ? એમનું ચિત્ત તો પેલા ઘંટમાં જ ચોંટેલું કે હમણાં પડશે તો મારું શું થશે? જમી રહ્યા પછી રાજાએ પાન આપતાં આપતાં પૂછયું, 'મહારાજ, ભોજન કેવું લાગ્યું ? કઇ વાનગી આપને સૌથી વધારે ગમી ?' ત્યારે મુનિ હતા ચોખ્ખાબોલા. તપસ્વીઓને કપટ-બપટની ભાંજગડ ના હોય, હોય માત્ર એક અહંકારની જ ભાંજગડ. તેમણે તો જેમ છે તેમ કહી દીધું કે, 'હે રાજા, સાચું કહું તમને ? આ માથા ઉપર ઘંટ લટકતો હતો તે મારું ચિત્ત તો ત્યાં જ ભયથી ચોટેલું રહ્યું હતું ને તેથી મેં શું ખાધું તે જ મને ખબર નથી.' ત્યારે જનક વિદેહી બોલ્યા, 'મહારાજ, આ જમ્યા ત્યાં તમારું ચિત્ત એબ્સન્ટ હતું, તેમ અમારું ચિત્ત સંસારમાં નિરંતર એબ્સન્ટ રહે છે! આ વૈભવમાં અમારું ચિત્ત હોતું જ નથી. અમે અમારા સ્વરૂપમાં જ નિરંતર હોઇએ છીએ !' આવા હતા જનક વિદેહી!

જગત વિસ્મૃત કેવી રીતે થાય ? એના માટે તો આપણે અહીં સત્સંગમાં ભેગા થયા છીએ. અહીં તમને જગત સહેજે ય વિસ્મૃત રહે. એક ક્ષણ પણ જગત વિસ્મૃત થાય એમ છે જ નહીં. આ મોટા મોટા શેઠિયાઓ એક કલાક જગત વિસ્મૃત કરવા હજારો ખર્ચવા તૈયાર છે, છતાં ય જગત વિસ્મૃત થાય તેમ નથી. આ તો જેને ભૂલવા જાય તેનો જ ધબડકો પડે. અરે ! શેઠ સામાયિક કરવા બેઠા હોય ને નક્કી કરે કે ફલાણાને તો સામાયિક વખતે યાદ કરવો જ નથી, તો પહેલો તે આવીને ઊભો રહે! અને અહીં આપણને તો સહેજે જગત વિસ્મૃત રહે. આ તમે અહીં બેઠા હો ત્યારે તમારું ચિત્ત ઘેર કે દુકાને કેટલી વખત જાય છે ?

પ્રશ્નકર્તા : એકે ય વખત નહીં, દાદા !

દાદાશ્રી : જો ચિત્ત પાસે જ રહે તો તો બહુ શક્તિ વધે. આપણે ખબર ના રાખીએ કે ચિત્ત કઇ કઇ જગ્યાએ, કયારે કયારે જઇ આવ્યું?

જેનું ચિત્ત કોઇ જગ્યાએ જાય નહીં તેને નમસ્કાર. આ 'દાદા'નું ચિત્ત એક ક્ષણ પણ આઘુંપાછું થાય નહીં, એનું નામ જ મુક્તિ ! ચિત્તનું બંધનપણું છૂટવું અને મુક્તિ થવી બે ય સાથે જ હોય છે.

અનંતમાંથી એક - ચિત્ત

આ અહીં સત્સંગમાં કવિનાં પદો ગવડાવીએ છીએ, શા માટે ? કે તેનાથી તેટલો સમય ચિત્ત 'એક-ચિત્ત' થયું. આખું જગત અનંત-ચિત્તમાં પડયું છે અને સાધુ, સંન્યાસીઓ અનેક-ચિત્તમાં છે અને તમને અમારી હાજરીમાં કે આ પદો ગાવ ત્યારે એક-ચિત્ત રહે. એક-ચિત્ત તો કોઇનું થાય જ નહીં ને ! આખું જગત ચિત્તને એકાગ્ર કરવા માટે ભાંગફોડ કરી રહ્યું છે, પણ એ શુદ્ધ થાય તો જ એકાગ્ર થાય. 'જ્ઞાની પુરુષ' મળે તો જ ચિત્ત શુદ્ધ થાય.

વ્યવહારિક ચિત્ત ત્રણ પ્રકારનું છે :

(૧) 'અનંત-ચિત્ત' એની સ્થિરતા જ ના હોય.

(૨) 'અનેક-ચિત્ત' એની સ્થિરતા હોય તેથી તો દેરાસરે કે મંદિરે જાય છે.

(૩) 'એક-ચિત્ત' એ થાય તો તો કામ જ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : દાદા, આત્મા એ જ પરમાત્મા છે ?

દાદાશ્રી : જયારે 'આત્મા એ પરમાત્મા છે' એવો પરમાત્માનો અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે અને શુદ્ધાત્માનો અનુભવ થાય તો શુદ્ધાત્મા છે અને જગતના લોકોને મૂઢાત્માનો અનુભવ છે જ ને ! 'આ મારા કાકા, આ મારા માસી, આ મારી મોટી સાસુની કાકીના દીકરા;' તે 'અનંત-ચિત્ત' થઇ ગયું આ તો 'અનંત-ચિત્ત' થઇ ગયું છે અને તેથી તો આ બધું યાદે ય રહે. આ સગાની ઓળખાણમાં ચોક્કસ રહે અને પોતે કોણ છે એની ઓળખાણ રાખતો જ નથી ! જો પોતાની ઓળખાણ થઇ જાય તો કામ જ થઇ ગયું !

'દાદા'નાં સ્વપ્ના આવે એ તો 'એક-ચિત્ત' થાય ત્યારે આવે. સંસારના લોકો ચિત્ત ભણી નજર પણ કરતા નથી, એકલા મનને ખેંચાખેંચ કરે છે. આ ચિત્તથી તો સંસાર ખડો થયો છે. લોકોનાં ચિત્ત બધે વેરાઇ ગયાં છે.

પ્રશ્નકર્તા : ચિત્ત કેવી રીતે ઊભું થયું ?

દાદાશ્રી : બુદ્ધિ જે પ્રકાશ આપે છે એ જ્ઞેયને જુએ તો એ અશુદ્ધ ચિત્ત, એ (ચિત્ત) જ્ઞેયાકારે જ્ઞેયને જુએ. એ ઘેર ટેબલ, ખુરશી એ બધાને એક્ઝેક્ટ જુએ, પણ તે શુદ્ધાત્માને ના જોઇ શકે.

પ્રશ્નકર્તા : ચિત્ત કર્મને આધીન ખરું ?

દાદાશ્રી : હા, પણ ચિત્ત અટકયું તો કામ થયું, પણ જો ચિત્ત ચોંટયું તો ફસાય. ગમે તેટલું મન વાળવાળ કરે, પણ ચિત્ત ત્યાં જ ચોંટી રહે. 'અનંત-ચિત્ત' તો છે જ, એમાંથી અનેકમાં આવવું એ બહુ મુશ્કેલીની વાત છે અને એક-ચિત્ત થાય તો કામ થાય ! આપણું 'જ્ઞાન' છે તેનાથી 'એક-ચિત્ત' ભણી અવાય છે.

આ 'અનંત-ચિત્ત'માંથી 'અનેક-ચિત્ત'માં એટલે શું કે આપણી ગણતરી થાય કે અહીં અહીં ચિત્ત ગયું. આ અડતાલીસ મિનિટનું સામાયિક એટલે શું કે એ પછી ચિત્તનું સ્ટેજ બદલાય છે. આઠ મિનિટથી માંડીને અડતાલીસ મિનિટ સુધી ચિત્ત બંધાય. આઠ મિનિટથી ચિત્ત બંધાવા લાગે. આ દૂધનો આઇસ્ક્રીમ થતો હોય તો પહેલાં દૂધ બંધાય છે, તેથી આઇસ્ક્રીમ બંધાવાનું શરૂ થાય અને પછી આઇસ્ક્રીમ થઇ જાય, ઠરી જાય. આ 'અનંત'માંથી 'અનેક'માં આવ્યા અને જો આ 'દાદા'નું સ્વપ્નું આવી જાય એટલે કે ચિત્તની 'રીલ' આવી જાય તો કામ થઇ જાય ને ત્યારે તો આ દાદાનાં ગજબનાં દર્શન થઇ જાય.

શુદ્ધ ચિત્ત - અશુદ્ધ ચિત્ત

પ્રશ્નકર્તા : ચિત્તને નિજઘરમાં કેવી રીતે વળાય ?

દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થાય તો જ નિજઘરમાં આવે. પહેલામાં પહેલી અશુદ્ધિ શું ? તો કે, 'હું ચંદુલાલ છું, હું જુવાન છું, હું આનો ધણી છું.' આ બધું અશુદ્ધ-ચિત્ત છે. એના ઉપરથી તો સમજાય છે કે ચિત્તનાં પરમાણું ઠેરઠેર વેરાઇ ગયાં છે અને આજે લોકોને તો ચિત્ત પણ બે-ચિત્ત થઇ ગયા છે ! 'અનંત- ચિત્ત'ની ઉપર વધારે જાય તો બે-ચિત્ત થાય ! આ બે-ચિત્તવાળાને તે પછી બધું બે બે દેખાય. એક જણ મને કહે કે, 'હું ચિત્ત-શુદ્ધિ કરાવવા જાઉં છું.' આ કલાઇવાળા પાસે જાવ તો તે કલાઇ કરી આપે ! પણ આ તો બે-ચિત્તવાળા લોકો ને તેમને ત્યાં જ ચિત્ત-શુદ્ધિ કરાવવા જાય, તે તારું જે ચિત્ત છે ને એ ય બે-ચિત્ત કરી નાખશે ! એના કરતાં જે છે એને રહેવા દે ને ! એ બે-ચિત્તવાળો પછી કહેશે કે, 'મને આ દીવા બબ્બે દેખાય છે !' તો તો અલ્યા, તારું થઇ ગયું કલ્યાણ ! આ એક છે ને બે શી રીતે દેખાય છે ?

ચિત્ત-શુદ્ધિનો સારો ઉપાય 'દાદા'નો પ્રત્યક્ષ સત્સંગ, અહીં તો નિરંતર ચિત્તની શુદ્ધિ થયા જ કરે. 'દાદા' અહીં હાજર હોય અને ઘેર બેઠાં બેઠાં ચિત્ત-શુદ્ધિ કરે એ બરોબર નહીં.

અશુદ્ધ ચિત્ત શાથી અશુદ્ધ છે ? 'સ્વ'ને જોઇ શકતું નથી, માત્ર પરને જ જોઇ શકે છે; જયારે શુદ્ધ-ચિત્ત 'સ્વ' અને 'પર' બન્નેને જોઇ શકે !

પ્રશ્નકર્તા : મન આજ્ઞા કરે તો ચિત્ત ભટકે ?

દાદાશ્રી : ના, બધાં સ્વતંત્ર છે. ચિત્તમાં વિચાર ના હોય ને વિચાર ચિત્ત ના હોય. મન બહાર જાય તો માણસ ખલાસ થઇ જાય. ચિત્ત બહાર ભટકે છે.

પ્રશ્નકર્તા : ચિત્ત શા માટે ભટકે છે ?

દાદાશ્રી : ચિત્ત પોતાનું સુખ ખોળે છે. ઇન્દ્રિયો મનના અધિકારમાં છે. ચિત્ત ઉપરથી ચેતન થયું. ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. આ સત્સંગમાં બેઠા છો તમે, ને દુકાનમાં ટેબલ ઝાંખું દેખાય એ દર્શન કહેવાય, અને સ્પષ્ટ ટેબલ દેખાય એ જ્ઞાન કહેવાય. એ ચિત્ત જોઇ આવે છે. સામાન્ય ભાવે દેખાય ત્યારે ચિત્ત દર્શન રૂપે કહેવાય અને વિશેષભાવે દેખાય, વિગતવાર દેખાય એ ચિત્ત જ્ઞાન રૂપે કહેવાય.

જેનું નિદિધ્યાસન કરે તે રૂપ થાય. આ કોઇ ગ્રેજ્યુએટ હોય, પણ જો એ ખેતરમાં જઇને બળદિયા જ ચલાવે તો બળદિયા રૂપ થઇ જાય, કારણ કે એનું નિદિધ્યાસન થાય છે. તેથી જેના સંગમાં આવ્યો અને તેનું નિદિધ્યાસન થાય તો તે રૂપ થઇ જાય.

ચિત્ત એ તો ચૈતન્યનો અંશ ભાગ છે, એ તો ચૈતન્યનો કિલ્લોલ ભાગ છે.

ચોંટ - માત્ર, ચિત્તની જ !

પ્રશ્નકર્તા : મન કરતાં ચિત્તની શક્તિ શું વધારે હોય ?

દાદાશ્રી : મન આ શરીરની બહાર ના જઇ શકે. ચિત્ત તો બહાર નીકળે અને આ શરીરની મહીં પણ કામ કરે, પાછળ ખભો દુઃખતો હોય ત્યારે ત્યાં ય જાય અને જ્યાં મોકલવું હોય ત્યાં પણ જાય. આ પગે મછરાં કરડે તે છો ને કરડે, ચિત્તને ત્યાંથી ખેંચી લઇએ એટલે વાંધો ના આવે અને હિસાબ હશે તો જ કરડશે ને ? ચિત્તનો સ્વભાવ કેવો છે ? કે જે જગ્યાએથી તેને ખેંચી લો એટલે તે જગ્યાનો ખ્યાલ ના રહે. આ આત્મા તો બધે જ રહે, પણ ચિત્ત ખેંચી લઇએ એટલે ફોન હેડ ઑફિસમાં ના મોકલે. આ તો ચિત્ત ત્યાં હોય એટલે હેડ ઑફિસમાં ફોન આવે ને પછી ડી.એસ.પી. મોકલે. હાથે મછરું કરડેલું હોય ત્યાં જાય! આ બે લાખ રૂપિયા આવ્યા તે ય મછરાં અને બે લાખ ગયા તે ય મછરાં!

કોઇ માણસ બહુ ભૂખ્યો થયો હોય, તો શું કપડાંની દુકાન સામે એ જુએ ? ના, એ તો મીઠાઇની દુકાન સામે જ જુએ. ભૂખ્યો માણસ બહાર નીકળે તો ભજિયાં જુએ. જેને સાડીની ભૂખ હોય તે બહાર નીકળે તો જયાં ત્યાં દુકાનોમાં લટકતી સાડી જુએ. જયારે દેહની ભૂખ ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય, બન્ને ના હોય તો વાણીની ભૂખ ઊભી થાય. આ બોલે છે ને કે, 'પેલાને તો હું કહ્યા વગર રહું જ નહીં.' એ જ વાણીની ભૂખ ! ઘેર ખાતાં હોય ત્યારે ભિખારી જાય તો ઘરડાં કહે, 'અલ્યા, સાચવજો, નજર ના લાગી જાય.' આ નજર લાગે એટલે શું ? કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે તે. આ સ્ત્રીને કોઇ પુરુષની ભૂખ હોય તો તેનું ચિત્ત કોઇ પુરુષમાં ચોંટી જાય અને પુરુષને સ્ત્રીની ભૂખ હોય તો તેનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય, આ એવી નજર લાગવાથી તો બધું બગડયું છે !

નાનાં છોકરાં રૂપાળાં હોય તે ઘરનાં એને મોઢે અને કપાળે કાળી ટીલી ચોડે, કારણ કે કોઇની નજર ના લાગે. આ તો ભૂખ્યાં હોય તેમનું ચિત્ત તો ચોટેને ? તે કાળી ટીલી એટલા માટે કરે કે પેલાની નજર કાળી ટીલી પર જ કેન્દ્રિત થાય !

'જ્ઞાની પુરુષ' એકલાને જ નજર ના અડે, કોઇ આંખ માંડે તો પણ 'જ્ઞાની પુરુષ' તેમાં તરત જ શુદ્ધાત્મા જ જુએ. આ તો બધી ટેલિપથી જેવી મશીનરી છે, એમાં આત્મા ભળ્યો તો બધું બગડી જાય. જો ચિત્તની નિર્મળતા સારી હોય, તો ભણતર એક ફેરે વાંચે ને યાદ રહી જાય. ભણતરનો હેતુ તો ચિત્તની નિર્મળતાનો છે.

ચિત્તશુદ્ધિ જ મહત્વની !

ચિત્તની હાજરીમાં વાંચેલું હોય તો જ તે યાદ રહે. અમારે નાનપણમાં ભણવાનું ચિત્તની ગેરહાજરીમાં થતું, તે નાપાસ થતો હતો? ના, નાપાસ નહોતો થયો, પણ ડફોળ કહેવાયો. આમ તો હું બ્રિલિયન્ટ હતો. માસ્તરને કહેલું, 'માસ્તર, આ પંદર વર્ષ આ એક ભાષા શીખવામાં કાઢયાં, પણ જો પંદર વર્ષ ભગવાન શોધવા પાછળ મેં કાઢયાં હોત, તો જરૂર ભગવાન પ્રાપ્ત કરીને બેઠો હોત !' આ તો મારી જિંદગીનાં અમૂલ્ય વર્ષો એક ભાષા શીખવામાં કે જે એક નાનો છોકરો ય જાણે, તે શીખવા પાછળ કાઢયાં ! પણ માસ્તર એવું સમજે નહીં ને?!

પ્રશ્નકર્તા : આ બધામાં-અંતઃકરણમાં મુખ્ય ચિત્ત જ છે ને ? ચિત્ત જ બધાનો લીડર છે ને ? ચિત્ત જ બધાંને ઢસડી લાવે છે ને ? ચિત્તને કાબૂમાં લાવવાની જરૂર છે કે મનને ? આ લોકો ચિત્તને ભૂલી મન પાછળ કેમ પડયા છે ?

દાદાશ્રી : તમારી વાત ખરી છે. જ્ઞાનીઓએ પણ ચિત્તને જ મહત્વ આપેલું, પણ લોકોને તો ચિત્તનું ને મનનું ભાન જ નથી ને ! આ તો ચિત્તને ને મનને એક કરી નાખ્યું છે. ચિત્ત ઠેકાણે રહે નહીં ને મન પેમ્ફલેટ બતાવે, પણ ભાન નથી કે કયું ચિત્ત ને કયું મન ?

સત્સંગમાં ચિત્ત ખસે નહીં. ચિત્ત એ તો રીલેટિવ આત્મા છે ! ચિત્ત ઠેકાણે બેસે એટલે આખો રીલેટિવ આત્મા સ્થિર થાય અને 'દાદા'એ તમને તો રીયલ આત્મા આપ્યો છે ! આ રીયલ આત્મા અને રીલેટિવ આત્મા બન્ને સામસામે સ્થિર બેસે, એટલે પછી તમને મોક્ષ જ વર્તે ને ! આ તેથી જ તો સત્સંગમાં બેસવાનું છે ને ! નહીં તો કેટલાય બગીચાઓ છે, પણ સત્સંગમાં બેસે એટલે ચિત્ત સ્થિર રહે અને આત્મા ઠરે. આ તો સંઘબળ છે ને ? સંઘ વગર તો કશું વળે નહીં. સંઘબળ જોઇએ અને સંઘબળ હોય ત્યાં મતભેદ ના હોય. ભગવાન મહાવીર તેથી ઘણા માણસોનો સંઘ કરતા. જેમ વધારે માણસો તેમ સંઘ વધે ને તેમ આત્મા વધારે ઠરે. જો ત્રણ માણસો હોય તો સંઘબળ તેટલું અને વધારે માણસો હોય તો સંઘબળ વધારે. 'આ' સત્સંગના એક કલાકની તો ઘણી ગજબની કિંમત છે !

ચિત્તને ઠેકાણે રાખવા માટે આ મંદિરોમાં ઘંટ મૂકયો ! ભગવાનને આંગી શા માટે ? શણગાર શા માટે ? સુગંધી દ્રવ્યો મૂકયાં, શાથી ? ચિત્ત ઠેકાણે રહે તે માટે. વાગે ત્યારે બહારના હોહો, કકળાટ સંભળાય નહીં, પણ અત્યારે તો અક્કલવાળાઓ ઘંટ વાગતો હોય તો ય ભગવાનનાં દર્શન કરે ત્યારે જોડે જોડે જોડાનો ય મહીં ફોટો પાડે ! અલ્યા, 'વ્યવસ્થિત'ને તો જોને ! એના હશે તો લઇ જશે, ને લઇ જશે તો એક વખત લઇ જશે, કાયમ નહીં લઇ જાય ને ? તો લઇ જવા દે ને ! હિસાબ ચૂકતે થશે !

સંસાર રોગ છે, તે જેટલો વખત રોગ ભૂલીએ, એટલો રોગ મટે એવો નિયમ છે. આ તો જેટલી વખત ચિત્ત જાય તેટલો વખત રોગ વધ્યા કરે. આ જગત વિસ્મૃત કરવાનું સાધન જ કયાં ય નથી ને ! 'જ્ઞાની પુરુષ' એક જ જગત વિસ્મૃત કરવાનું સાધન છે.

રાત્રે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે આખી રાત ચાલે ને ઊંઘ પણ આવે. અમારે એવું ઘણી વાર બને કે રાતે વિધિ શરૂ કરીએ તે અમુક વખતે આંખ મીંચાઇ જાય ને પછી પાછી આંખ ખૂલે તે જયાંથી બાકી હતી ત્યાંથી વિધિ શરૂ થાય ને ફરી જો આંખ મીંચાય તો ફરી તેમ જ થાય, તે સવારે વિધિ પૂરી થાય. આમ રાતે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે સવાર સુધી ચાલે.

ચિત્તનાં ચમત્કાર !

પ્રશ્નકર્તા : પૂજા કરતી વખતે મને એકાદ ક્ષણ સુધી ચમકારો થાય છે, શું એ આત્મઓજસ છે ?

દાદાશ્રી : એ લાઇટ એ તો ચિત્તના ચમત્કાર છે. એમાં શ્રદ્ધા બેસે એટલે એ સ્થિરતા લાવે છે. આત્માની લાઇટ એ કલ્પી કલ્પાય નહીં એવી છે. મને કોઇ કહે કે, 'મને મહાવીર ભગવાન દેખાય છે.' તો હું કહું કે, 'આ તો બહાર જોયેલી મૂર્તિ છે તે દેખાય છે, પણ એ તો દ્રશ્ય છે, એ દ્રશ્યનો દ્રષ્ટા ખોળ ! દ્રષ્ટિને દ્રષ્ટામાં રાખ ને જ્ઞાનને જ્ઞાતામાં રાખ તો કામ થાય.'

પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું ?

દાદાશ્રી : આ શરીરમાં કોઇ પણ જગ્યાએ ધબકારા થાય, ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થઇ જાય તે.

કુંડલિનીમાં પણ તેમ કરે છે, એનાથી પણ મોક્ષ ના થાય. આવાં બહુ સ્ટેશનો હોય, છેલ્લું સ્ટેશન આવે એટલે કામ પૂરું થાય. કુંડલિનીમાં બધા ચિત્ત-ચમત્કાર છે, એમાં આત્માનું કશું જ નથી. જૈનોએ કહ્યું, 'આત્મજ્ઞાન વિના છૂટકો નથી.' વેદાંતીઓએય કહ્યું, 'આત્મજ્ઞાન વિના છૂટકો નથી.' અનાહત નાદ-અલ્યા એ તો નાદ છે અને નાદ એ તો પૌદ્ગલિક છે, એમાં આત્મા ન હોય.

કેટલાક કહે છે કે, 'મને કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે.' આ આત્મા ન હોય, એ તો ચિત્ત-ચમત્કાર છે, એ કૃષ્ણને જોનાર આત્મા છે. છેવટે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની છે, આ તો દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે છે ! આ અનાહ્ત નાદ ને એ બધાંમાં દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે. જ્ઞાન જ્ઞાતામાં પડયું અને દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી તો કામ થઇ ગયું ! કેટલાક કહે છે કે, 'કૃષ્ણ ભગવાનનાં મહીં દર્શન થાય છે.' અલ્યા, યોગેશ્વર કૃષ્ણનાં દર્શન મહીં થાય છે ? એ શી રીતે થાય ? એ તો દેખાય ત્યારે ને ? ! આ તો બીજા દેખાય, જે જોયા હોય-તે ફોટામાંના જ સ્તોને !

'આપણે કોણ છીએ?' એ જ્ઞાન-'હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાતામાં પડે, ત્યાર પછી વિકલ્પ ના રહે. જ્ઞાન જ્ઞાતામાં ના પડે ત્યાં સુધી વિકલ્પ રહે, દ્રષ્ટિ દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી 'સંકલ્પ' રહે !

 

અહંકાર

આ ટ્રેન અટકી જાય ત્યારે કોઇ ગાંડો બોલે, 'રેલ્વેવાળા નાલાયક છે, ડિસમિસ કરવા જોઇએ બધાંને.' અલ્યા, આ તું કોને બચકાં ભરભર કરે છે ? ! નોકરીવાળા તો વીતરાગ હોય (!), ને ટ્રેન પણ વીતરાગ હોય (!), પણ અહંકાર પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ને ! આપણે આ અણસમજણમાંથી છૂટયા ! બહાર તો અણસમજણનું તોફાન ચાલ્યું છે. આ ગટરમાં પાણી ભરાયેલું હોય, તો સુધરાઇવાળાને કંઇ કેટલીય ગાળો ભાંડે કે, 'ગટરનાં ઢાંકણાં ખોલતાં નથી ને સાફ કરતા નથી.'

ઘેર કયાંકથી દાળ લાવી હોય તે ચઢે નહીં, તો વેપારીને ગાળો ભાંડે ને યાદ આવે તો ખેડૂતને ય ગાળો આપે, તે કેટલાંય બચકાં ભરે. આ તો એને કહીએ કે, 'બાજુવાળાને પૂછી આવ તો, એની દાળ ચઢી હોય !' પણ આ બચકાં ભરવાનો સ્વભાવ પડી ગયો છે ને ! ઘેર સારી રસોઇ બનાવી હોય તો બધાંને ઘેર કહી આવે, તે અહંકાર. આ બધાંને બચકાં ભરે તે ય અહંકાર. આ અહંકાર તો બોલે કે, 'હું કંઇક છું.' એને પૂછીએ કે, 'તું શું છો ?' તો એ કહે, 'એ તો ખબર નથી, પણ હું કંઇક છું !'

આ કોઇને ત્યાં ચેવડો ભાવથી મૂકયો તો પેલો કહે, 'મને આ ના ફાવે, મને નહીં જોઇએ.' એમ ચીઢથી બોલે. આ જ કદરૂપો અહંકાર. આ દિવાળીના સારા દિવસે એ ચેવડાના બે દાણા મોઢામાં મૂક, તો સામાની ભાવનાને ઠોકર નહીં વાગે, તો એ અહંકાર રૂપાળો દેખાશે. અમને તો પોઇઝન આપે તો ય સામાની ભાવના હોય, સામો ભાવથી આપતો હોય તો તે પોઇઝન પણ પી લઇએ ! પણ અમારી પાસે એનું મારણ હોય !

'અક્રમ જ્ઞાની' એટલે શું ? કે અહંકાર એકદમ રૂપાળો હોય, ઢેઢવાડે પણ જઇને બેસે ને તમારી જોડે પણ બેસે; પણ કયાંય કદરૂપા ના દેખાય ! રૂપાળા જ દેખાય ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાની તો પોતાથી નીચેના હોય તેને ત્યાં ના જાય, કહે, 'હું મારું ફોડી લઇશ, પણ ત્યાં નહીં જાઉં.' તે અહંકાર કદરૂપો હોય.

આપણે તો અહંકાર રૂપાળો લાગે છે ને એ જોવાનું. 'દાદા'ને અહીં આવવું હોય તો ય એમનો અહંકાર કેવો રૂપાળો દેખાય ! આપણો અહંકાર, 'એ' અહંકાર જેવો રૂપાળો દેખાવો જોઇએ ત્યારે દશા ઓર જ હોય.

ક્રમ - અક્રમમાં અહંકાર !

ક્રમિક માર્ગ શું ? તો કે, 'અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર થઇ ગયો છે તે શુદ્ધ કરવાનો.' તે પગથિયે પગથિયે અહંકારને શુદ્ધ કરતા કરતા જવાનું અને જયારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે કંઇક કામ થાય. વિભાવિક અહંકારમાં માન આવે, દંભ આવે, ઘમંડ આવે, આ એના પ્રકારો. ભાઇ કરતો હોય સો રૂપિયાની નોકરી, પણ પછી લાંબો કોટ પહેરીને શેઠ બની ફરે, તે લોક કહે, 'દંભીની પેઠે ફરે છે.' આ કેવું ? શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય. ઘમંડી હોય તેને કોઇનો હિસાબ જ ના હોય. બધાંને કહે, 'એમાં શી વાત છે ? શું છે એ ?' એમ બધી વાતનો ઘમંડ઼ રાખે ને ઘેર બૈરીને પૂછીએ તો કહેશે કે, 'એમનામાં તો જરા ય બરકત નથી.' વિભાવિક અહંકારમાં તો જાતજાતના અહંકાર, એ બધાંને ધો ધો કરવા પડે ! ક્રમિક માર્ગમાં બહુ મુશ્કેલી પડે અને જો રસ્તામાં 'કેન્ટિનવાળો' મળે તો વેહ થઇ પડે ! 'આપણો અક્રમ માર્ગ એવો જોખમવાળો માર્ગ નહીં, સીક્યુરિટી સહિતનો માર્ગ, રખેને કેન્ટિનવાળો સામો આવે પણ એ મૂંઝાઇ જાય, આપણને એનાથી વાંધો ના આવે !

અહીં અક્રમ માર્ગમાં જે અહંકાર રહે છે એ નિકાલી અહંકાર છે, ડીસ્ચાર્જ થતો અહંકાર છે; જયારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે, તેમાં 'મારે આ કરવાનું છે, મારે આ ત્યાગવાનું છે' એ રહે. એટલે ક્રમિક માર્ગનો અહંકાર એ કર્મચેતના છે, એનાથી નવું ચાર્જ થતું જાય અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મફળચેતના છે. છતાં, એ નૈમિત્તિક છે. ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો આ ત્યાગ્યું ને પેલું બાકી છે, એવું રહ્યા કરે. હવે ત્યાગ્યું એ પહેલાંના અહંકારથી ને પાછો નવું કર્મ બાંધતો જાય. 'જ્ઞાની પુરુષ' તો જેનાથી કર્મ બંધાય છે તે આખું જ ઉડાડી દે. આ તો કેટલું સહેલું છે ! સરળ છે !! સહજ છે !!! ને ત્યાં ક્રમિકમાં ગયો ને તો તો વાળ જ ઉડાડી મેલે ! અને અહીં તો વાળ-બાળ બધું જ ચાલે !!

આ અહંકારે તો દાટ વાળ્યો છે, બીજું કશું જ નથી. જ્ઞાનીને આધીન રહે તો ઉકેલ આવે. ડાહ્યો અહંકાર પોતાનું ડહાપણ ના ઘાલે, જયારે ગાંડો અહંકાર તો ખોતરે ! એટલે કાં તો વાતને સમજવી પડે ને કાં તો જ્ઞાનીને આધીન રહેવું પડે ! ગાંડા અહંકારને તો આધીન રહેવાની શક્તિ ના હોય, એટલે ત્રીસ દહાડા આધીન રહે અને એકત્રીસમે દહાડે ફેંકી દે. એટલે આ વૃતિઓ કયારે આઘીપાછી થઇ જાય એ કહેવાય નહીં. જેટલો અહંકારનો રોગ ભારે એટલી મુશ્કેલી વધારે. આધીનતા સિવાય બીજો રસ્તો જ નહીં ને !

અમારું 'જ્ઞાન' પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય, પણ તે 'નિકાલી અહંકાર' હોય. 'નિકાલી અહંકાર' એટલે કેવું ? કે વાળો તેમ વળી જાય, ગાંડાં ના કાઢે.

ગાંડો અહંકાર !

આ ગાંડા અહંકારને તો કહીએ કે, 'તને ક્યાં માન મળ્યાં ? ક્યાં તાન મળ્યાં ? ક્યાં સ્વાદ મળ્યા ? શું કામ અહંકાર કરે છે ? ક્યાં ૧૩૦૦ રાણીઓ છે તારે ? ક્યાં બાગબગીચા હતા તારે ? આ શાં તોફાન માંડયાં છે ? એવું શું છે તે આ ગાંડાં કાઢે છે ? હે ચક્રમ અહંકાર, તું તો ગાંડો છે !' એવું એને કહીએ એટલે એ સમજે.

આ તો કહેશે, 'હું કંઇક છું', પણ શામાં છે તે ? ! એ અહંકારને પ્રતાપે તો દુઃખી થયેલો. આપણે જોવા જઇએ ને - પહેલું આણું, બીજું આણું ને છેક બારમું આણું જોવા જઇએ તો સમજાય કે નર્યું એ અહંકારે જ દુઃખ આપ્યું ! આ તો ગાંડો અહંકાર કહેવાય. જેને લોકો એક્સેપ્ટ ના કરે, ને અહંકાર પોતે 'હું કંઇક છું' એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય. ચક્રવર્તીને અહંકાર હોય, પણ વાળો તેમ વળી શકે એવો હોય. લોકો એ અહંકારને માન્ય કરે, એ ડાહ્યો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ ! એ ગાંડા અહંકારને આપણે પૂછીએ કે, 'તમે કયા ખૂણામાં શાંતિથી સૂઇ રહેતા હતા ? એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે કે, 'આવો, આવો, તમારા વગર તો ગમતું નથી ?' પણ આ તો લોક કહેશે કે, 'તમારાથી તો પહેલાં અજવાળું હતું તે ય અંધારું થઇ ગયું.' આવાં અપમાન ખાધાં છે ! અપમાનનો પાર ના આવે એટલાં અપમાન થયાં છે ! એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો કદરૂપો અહંકાર, એનું શું રક્ષણ કરીએ? એનો પક્ષ શો લઇએ ?

અહંકાર તો રૂપાળો હોવો જોઇએ, લોકોને ગમે તેવો હોવો જોઇએ, વાળો તેમ વળી જાય એવો. આ અહંકારને પૂછીએ કે, 'તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં માન મળ્યું ? ક્યાં ક્યાં અપમાન ખાધાં ? કઇ કઇ જાતનું સુખ આપ્યું ? લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ?' ભાઇ પાસે, બાપા પાસે, જો કિંમત જોવા જાય ને તો ચાર આના ય કિંમત ના હોય ! 'તમે કોઇના હ્રદયમાં બેઠા નથી.' ચાર જણના હ્રદયમાં બેઠા હો તો ય સારું, તો એ અહંકાર ગાંડો ના કહેવાય, રૂપાળો કહેવાય. આ તો જ્યાં જાય ત્યાં દરેક લોક 'આ જાય તો સારું' એવું મનમાં રાખે, એ જ કદરૂપો અહંકાર ! કોઇ મોઢે ચોખ્ખું ના બોલે, મનમાં કહેશે કે, 'આપણે શું ? એનાં પાપે મરશે.' સૌ સૌના ઘાટમાં, સૌ ઘાટવાળા જ હોય, એમાં એક 'જ્ઞાની પુરુષ' મોઢે ચોખ્ખું કહી દે !

જે અહંકારથી પહેલા આણામાં ફૂલાં પડે, બીજામાં ફૂલાં, ત્રીજામાં ફૂલાં, એમ દરેક આણામાં ફૂલાં જ પડે તો કહીએ કે અહંકાર ડાહ્યો છે; પણ આ તો વખતે પહેલા આણામાં ફૂલાં પડે, પણ બીજા, ત્રીજા ને આઠમામાં તો, 'યુ.... ગેટ આઉટ યુઝલેસ કહે', એ અહંકાર શા કામનો?

પોતાની પોઝીશન તૂટી જતી હોય એટલે જોડે ના ફરે કે 'મારી શી કિંમત ?' આ તો ચક્રમ અહંકાર કહેવાય. અમારે ય જ્ઞાન પહેલાં અહંકાર હતો, પણ તે ડાહ્યો અહંકાર, ચાર-પાંચના હ્રદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ ઘર પાસે ઊભી રહેતી, તો ય અમને તે અહંકાર ખૂંચતો હતો કે, 'આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે!' અહંકાર તો રૂપાળો હોવો જોઇએ. દેહ રૂપાળો હોય ને અહંકાર કદરૂપો હોય તો શું કામનું ? દેહ કદરૂપો હોય તો ચાલે, પણ અહંકાર કદરૂપો ના જોઇએ. કેટલાક તો મોઢે સાવ કદરૂપા દેખાય, પણ અહંકાર એવો રૂપાળો લાવેલો હોય, તે લોક 'આવો સાહેબ, આવો સાહેબ' કહે!

આ અહંકાર શેના હારું ? એને જીવતો જ કેમ રખાય ? જેણે અનંત અવતાર મુશ્કેલીમાં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. આખી દુનિયાનું સામ્રાજ્ય છોડીને, 'આ અમારું, આ તમારું' એ શાને માટે ?

આ અહંકાર તો ગાંડી વસ્તુ કહેવાય, એને રસ્તા પર નાખી દીધેલી હોય તો ય ના લેવાય ! આત્મામાં જ રહેવાનું, આત્મા જ થઇને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો લપાટ મારીને કાઢી મૂકવાનો.

આત્મજ્ઞાન ત્યાં છાક નહીં !

કવિએ લખ્યું છે,

'આત્મજ્ઞાન સરળ સીધું, સહજ થયે છકે નહીં.' - નવનીત

વીતરાગનું આત્મજ્ઞાન સહજ થયું, સાચું જ્ઞાન થયું તો છાક ચઢે નહીં. વીતરાગનો આપેલો આત્મા, જો એ જ પ્રગટ થાય તો છાક ના ચઢે ! બાકી બીજાએ આપેલા આત્માથી તો છાક ચઢી જાય ને 'હું છું, હું છું'નો કેફ રહ્યા કરે, તે રાતે ઊંઘમાં ય ના ઊતરે ! તેથી ભગવાને કહેલું કે, 'જે જ્ઞાનથી છાક ચઢે, જે શાસ્ત્રથી છાક ચઢે એ અજ્ઞાન છે.' આત્મજ્ઞાન દરેક મનુષ્યે મનુષ્યે જુદાં હોય, પણ વીતરાગ ભગવાનનું એકલું જ આત્મજ્ઞાન કેફ ચઢાવે નહીં. વીતરાગની વાણી કેફ ઉતારે. આ તો કહે, 'આમ કરો, તેમ કરો, વૈરાગ્ય કરો, તપ કરો, ત્યાગ કરો.' એથી તો નર્યો કેફ ચઢે. એ તો દેવગતિ માટે કામનું, મોક્ષ માટે નહીં. અમારી વાણીથી કેફ ઊતરે અને અમારા ચરણનો અંગૂઠો એ ઇગોઇઝમને ઓગાળવાનું વર્લ્ડમાં એક જ સોલ્વન્ટ છે.

પ્રશ્નકર્તા : ઇગોઇઝમ ઓગળી શકે ?

દાદાશ્રી : હા, અમારી વાણી જ એવી છે કે જેનાથી ઇગોઇઝમ ઓગળી જાય. આ વાણીથી તો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ઓગળી જાય. અમદાવાદમાં એક શેઠ આવેલા, તે કહે કે, 'મારો ક્રોધ લઇ લો.' તે લઇ લીધો અમે ! 'જ્ઞાની પુરુષ' પાસે બધી જ ચીજ હોય, એનાથી બધું જ ઓગળી જાય.

આ ક્રોધ, માન, માયા, લોભ બધું શાનાથી ઊભું છે ? શાના આધારે ઊભું છે ? લોકો કહે છે ને કે, 'મને ક્રોધ આવે છે.' હવે આ 'મને થાય છે.' એ આધાર આપે છે, તેથી પેલી વસ્તુ ટકી રહી છે. 'જ્ઞાની પુરુષ' આધાર લઇ લે એટલે પેલું ઓગળી જાય. ધીમે ધીમે ક્રોધ ઓછો કરવા જાય તો થાય તેવું નથી અને વખતે ક્રોધ ઓછો થાય તો પાછું પેલી બાજુ માન વધે ! એટલે આ તો કેવું છે કે પોતાનું ભાન નામે ય નથી અને માથે બધું લઇને ફરે છે ! આ તો 'પોતાના' ભાન વગર જ વ્યવહાર આખો નભી રહ્યો છે, સહેજે ય ભાન નથી.

સુખી થવાની ત્રણ ચાવીઓ !

ઇન શોર્ટ કટ કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું ચંદુલાલ છું,' એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો પોઝિટિવ ઉપયોગ કર, એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુઃખ જ ખપતાં હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ-દુઃખ મિક્ષ્ચર ખપતું હોય તો બેઉ ભેળું કર ! અને જો તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા, સ્વભાવ-ભાવમાં આવી જા ! આટલાં ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. આ ત્રણ વાક્ય સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા !

એટલે આ ત્રણ જ વાક્યો છે; (૧) સુખી થવાને માટે પોઝિટિવ અહંકાર, કોઇને કિંચિત્ માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય એવો અહંકાર એ પોઝિટિવ ઇગોઇઝમ (૨) દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર. પોતાનું સહેજ અપમાન થઇ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઇને કહી આવે કે, 'પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.' અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર (૩) મોક્ષે જવું હોય તો 'આરોપિત ભાવ'થી મુક્ત થા.

નેગેટિવ અહંકાર બહુ બૂરો અહંકાર કહેવાય. કો'કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઇ ગઇ ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઇએ, કારણ કે આપણી આગળની ભૂલો છે, એટલે આપણને કોઇ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી, જમે કરી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં. જો તને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી, પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો.

આપણને લાગતું હોય કે 'આવો સાહેબ, આવો સાહેબ' કહીએ ને તેના પડઘા સારા પડતા હોય તો તેવું કરો. 'આપ્તવાણી-૧'માં લખ્યું છે, તેમ વાવમાં પ્રોજેક્ટ કરવાનું. વાવમાં જઇને કહેવું કે 'તું ચોર છે' તો એ સામું કહેશે કે, 'તું ચોર છે' અને જો તને આવું ના ગમતું હોય, તો તું બોલ ને કે, 'તું રાજા છે, તું રાજા છે.' તો એ ય બોલશે કે 'તું રાજા છે, તું રાજા છે.' એવું આ જગત છે !

તારો ઉપરી કોઇ છે જ નહીં. કોઇ પણ માણસને ગેરેન્ટી બોન્ડ જોઇતું હોય તો હું લખી આપું કે, 'તારો કોઇ ઉપરી જ નથી, તેમ કોઇ અન્ડરહેન્ડ પણ નથી.' કોઇ જીવનો કોઇ ઉપરી જ નથી. કોઇ જીવમાં કોઇ ડખલ કરી શકે એવો કોઇ જન્મ્યો જ નથી ! સહેજ પણ ડખલ કરી શકે એવો કોઇ જન્મ્યો જ નથી. છતાં, આ જગત કેટલું પઝલ સમ થઇ ગયું છે ! તારો ઉપરી કોણ છે ? તારી બ્લન્ડર્સ અને મિસ્ટેઇક્સ બે જ તારા ઉપરી છે. એ બ્લન્ડર્સ કઇ છે ? જયાં 'પોતે' નથી ત્યાં આરોપ કરે છે કે 'હું ચંદુલાલ છું' એ બ્લન્ડર્સ છે. એ બ્લન્ડર્સ ગયા પછી શું રહ્યું? સામો ગાળ દેવા આવે તો આપણે ના સમજી જઇએ કે આ આપણી પહેલાંની મિસ્ટેઇક્સ છે ? એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો.

ચા ફર્સ્ટ ક્લાસ બનાવી આપી હોય પણ પહેલી મીઠાઇ ખાઇને પછી ચા પીઓ તો પછી શું થાય ? ચા મોળી લાગે. અલ્યા, ચામાં ખાંડ ઓછી નહોતી. આ તો તને અસર છે આગળની, કોઇ મીઠાઇની; એટલે આ અસરોથી કોઇ માણસ મુક્ત થઇ ના શકે, પણ આનું કોઇને ભાન જ નથી ને !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16