ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

અણુવ્રત - મહાવ્રત

દાદાશ્રી : તમે કોણ છો ?

પ્રશ્નકર્તા : જૈન છીએ.

દાદાશ્રી : જૈન છો તો જૈનમાં તો કશું જાણવાનું તમારે બાકી જ ના રહ્યું ને ?

પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી તો કંઇકનું કંઇક જાણવું જ પડે ને?

દાદાશ્રી : આ મોક્ષમાર્ગમાં તમારા કેટલા માઇલ કપાયા અને કેટલા બાકી રહ્યા, એ તો આપણા લક્ષમાં હોય ને ? અમુક ચાલ ચાલ તો કર્યા જ કરે છે ને, તો કેટલાક માઇલ તો કપાયા જ હશે ને ?

પ્રશ્નકર્તા : કપાયા હશે ને.

દાદાશ્રી : કેટલાક માઇલ કપાયા હશે ?

પ્રશ્નકર્તા : એ કેવી રીતે કહું ? હું અજ્ઞાની છું, મને કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : જેટલાં મહાવ્રત આવ્યાં એટલા માઇલ કપાયા ! મહાવ્રત અગર તો અણુવ્રત હોય, મહાવ્રત ના હોય ને અણુવ્રત હોય એટલા માઇલ કપાયા. સાચા દિલથી અણુવ્રતમાં હોય એટલા માઇલ કપાયા, કારણ કે ચોરી કરવાનું અણુવ્રત હોય, તે એક બાજુ લોભે ય હોય, એટલે જરૂર પણ છે અને બીજી બાજુ અણુવ્રત સાચવે છે, એટલે અણુવ્રત સાચવતાં સાચવતાં લોભે ય સચવાઇ ગયો ને ! એટલે જેટલા અણુવ્રત આવ્યા એટલા માઇલ કપાયા.

અમારે બધાં જ મહાવ્રત હોય. અમે આ બધું ખાઇએ, પીઇએ, સંસારમાં રહીએ તો ય અમારે પાંચ સંપૂર્ણ મહાવ્રત હોય. જેટલાં અણુવ્રત વર્ત્યા એટલું ચાલ્યા અને સંપૂર્ણ મહાવ્રત પર આવીએ ત્યાં સુધી તો ચાલવું પડશે ને ? ત્યારે કંઇક આત્માની ઝાંખી થશે. આત્મશક્તિની ઝાંખી પાંચ મહાવ્રત પૂરાં થયા પછી થશે. પાંચ મહાવ્રત પૂરાં થાય એટલે પ્રત્યાખ્યાની કષાય એકલાં બાકી રહે, બીજાં બધાં કષાયો હળવાં થઇ જાય, ખલાસ થઇ જાય; એને ભગવાને પ્રત્યાખ્યાનાવરણ કહ્યું છે. આપણે એને શું કહીએ છીએ ? 'મન, વચન, કાયાની ટેવોનો સ્વભાવ' કહીએ છીએ. જેટલો ઓગળ્યો એટલો સ્વભાવ ગયો, અને બીજો રહ્યો. એ પ્રત્યાખ્યાનાવરણમાં શું કહે છે કે, 'પચ્ચખાણ બધાં બહુ કર્યાં છતાં પણ એ વસ્તુ જતી નથી, એનું આવરણ રહેલું છે. માટે એનાં, પચ્ચખાણ કરવા જ પડશે.' તેવા એકાદ દોષ હોય કે બે દોષ હોય, પણ આખી જિંદગીના દોષ તો ના રહ્યા હોય ને ! સમકિત જુદી વસ્તુ છે. તપ, ત્યાગ એમાં સમકિત જેવી વસ્તુ જ નથી. સમકિત તો આ મહાવ્રતમાં છે, મહાવ્રત વર્તે તે !

હવે બધા ત્યાગીઓ કંઇ વ્રત પાળતા નથી ? પાળે છે, પણ મન ખુલ્લું રહે છે ને ? અને મન ખુલ્લું રહે છે એટલે એમના કષાયો ખુલ્લા દેખાય જ છે. આપણને જયારે કષાયો ખુલ્લા ના દેખાતા હોય ત્યારે આપણે જાણીએ કે એ પ્રત્યાખ્યાનાવરણમાં છે ! પ્રત્યાખ્યાનાવરણ કષાય એટલે કષાય ખુલ્લા ના દેખાય. કષાયો એટલા બધા પાતળા પડી ગયા હોય કે એ હોવા છતાં ના દેખાય, પણ પોતાને ફળ આપે. એટલે પોતાની પાસે કષાયો તો હાજર જ હોય, તે પોતાને ફળ આપે પણ બીજાને ના દેખાય !

ત્યાગીઓના કષાય જે બહાર પડતા દેખાય છે ને એ ન હોવા જોઇએ, પણ તે બહાર પડતા દેખાય છે તેથી એમ સમજાય છે કે તેમને મહાવ્રત તો નથી પણ અણુવ્રતનું કંઇ ઠેકાણું દેખાતું નથી ! કારણ કે અણુવ્રત તો કયારે કહેવાય કે આચાર્ય મહારાજ પાસે જૂઠું મોઢે ના બોલાય. આ તો શિષ્ય મહારાજ પાસે જૂઠું બોલે ને મહારાજે ય બોલે તો પછી સત્યનું અણુવ્રત કયાં રહ્યું ? મહાવ્રત તો ગયાં વીતરાગોની પાસે, પણ અણુવ્રતે ય કયાં રહ્યાં છે આજે ? વીતરાગો કહે છે કે, 'તારી ખોટ તને જશે, અમારે તો ખોટ જવાની નથી.' વીતરાગોને ખોટ જાય ખરી ? ખોટ જાય તો આ ભગવાનના કહ્યામાં નથી એમને જાય. બધાનાં મોઢાં પર દિવેલ નથી દેખાતું ? આનંદ ગયો કયાં ? આત્મા છે તો આનંદે ય હોવો જોઇએ ને ?

આપણે આ કોઇની નિંદા નથી કરતા, આપણે અહીં નિંદા હોય જ નહીં. આપણે તો વિગત સમજાવીએ છીએ, ખરી હકીકત સમજાવીએ છીએ, જે કોઇ જો મારી પાસે જાણે ને કહે કે, 'આપની વાત ખરી છે.' તો તો એમનું કામ નીકળી જાય, મોક્ષમાર્ગ ઝટ મળી જાય! પણ જો એ કહે કે, 'તમારી આ વાત ખોટી છે.' તો પછી છે જ ને તારો રઝળપાટ! અમારે શું ? તારે જો ચાર ગાળો ભાંડવી હોય તો ચાર ગાળો ભાંડ, અમને વાંધો નથી. કારણ કે તને ના પોષાય ત્યારે બોલ અને તેનો વાંધો નથી આપણને, પણ આપણે કહેવું છે છતું કે, 'આ જોખમદારી તું લઇ બેઠો છે. હે ભાઇ, તમે આગળ જાવ છો તે તમે મોટી ખીણમાં ગબડી પડશો,' એવી અમે બૂમ પાડીએ છીએ. હવે તને જો અનુકૂળ આવે તો સાંભળ, નહીં તો ગાળો ચાર ભાંડીને આગળ હેંડવા માંડ !

હવે આવું વીતરાગ નહોતા બોલતા ! અમે તો ખટપટીઆ એટલે આવું કહીએ કે, 'ભાઇ, આગળ ખીણમાં ગબડી પડીશ.' હવે વીતરાગો અમને કહે છે કે, 'તમારે આ શી પીડા ?' તો અમને એમ થાય છે કે 'બળ્યું, આ ગબડી પડયા પછી એનું ક્યારે ઠેકાણું પડશે ?' અમારે ભાવ જ આવો, ઇચ્છા જ આવી થઇ ગઈ છે કે કોઇ ગબડો નહીં ને આમાંથી કંઇક ઉકેલ લાવો. મોક્ષમાર્ગ અમને જડયો છે તો અમે તમને તેડી જઇએ, તમારી જોડે અડધો કલાક બેસીશું, પણ તને અમે પાછો તેડી જઇશું.

ભગવાને શું કહ્યું કે, 'આખું જગત મોક્ષમાર્ગમાં જ ચઢી રહ્યું છે!' એટલે કંઇ ઊંધે માર્ગે ચઢી ગયું નથી; પણ મોક્ષમાર્ગમાં જવા માટે, એટલે કે અમદાવાદ જવા માટે અહીં મુંબઇથી બેંગલોર જાય તો શી દશા થાય? સ્ટેશન આવ્યું, પણ કયું આવ્યું ? તો કે', 'બેંગલોર.' 'તો અમદાવાદ કયારે આવશે ?' ત્યારે કહે કે, 'અમદાવાદ આ બાજુ નહીં, પેલી બાજુ!' એટલે આ રીતે મોક્ષમાર્ગમાં ઊંધા જઇ રહ્યા છે. મોક્ષમાર્ગ આવો ના હોય, મોક્ષમાર્ગમાં તો કષ્ટ જ ના હોય. જયાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી, જયાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી ! કષ્ટને તો ભગવાને હઠાગ્રહ કહેલ છે. હવે અત્યારના આ મોક્ષમાર્ગે જનારા પાછા કહે છે શું ? કે 'કષ્ટ તો ભગવાને ય કર્યાં !' અલ્યા, ભગવાનને શું કરવા વગોવે છે ? તમે તમારે જે કર્યા કરતા હો તે કર્યા કરો, કષ્ટ બધું ! એમાં ભગવાનને શું કરવા વગોવો છો ? ભગવાન આવા હોતા હશે ? આ 'દાદા' કંઇ જ કષ્ટ નથી સેવતા તો મહાવીર ભગવાન શું કરવા કષ્ટ સેવે ? જ્ઞાનીઓને કષ્ટ હોય નહીં. કહે છે કે, 'ભગવાને ત્યાગ કર્યો હતો.' અલ્યા, ભગવાને તો ૩૦ વર્ષે બેબી થયા પછી ત્યાગ કર્યો હતો, અને તે ય કંઇ બૈરી, છોકરાંને તરછોડ મારીને નહીં કરેલો. મોટાભાઇ પાસે ભગવાન આજ્ઞા લેવા ગયા ત્યારે ભાઇએ, 'બેવર્ષ પછી લેજો' તેમ કહ્યું. ભગવાને બે વર્ષ પછી ત્યાગ લીધો અને તેમાં ય પત્નીની રાજીખુશી-સંમતિથી લીધો હતો. ભગવાને ત્યાગ કર્યો નહોતો, તેમને ત્યાગ વર્ત્યો હતો ! કારણ કે ભગવાન મહાવ્રતમાં હતા. મહાવ્રત એટલે વર્તે તે. ત્યાગ કર્યો હોય તે તો વ્રતમાં ય ના ગણાય ! ત્યાગ કરવો અને વર્તવો, એ જુદું હોય. જેને ત્યાગ વર્તેલો હોય એને પોતે શેનો ત્યાગ કર્યો છે, તે યાદે ય ના હોય!

પેલા ત્યાગી તો બધું જ ગણી બતાવે, 'ત્રણ છોકરાં, બાયડી, મોટાં મોટાં આલીશાન ઘરો, બંગલા, પાર વગરની મિલકત છોડીને આવ્યા છે,' એવું બધું એમને લક્ષમાં રહ્યા કરે, ભૂલે નહીં અને ત્યાગ વર્ત્યો કોને કહેવાય ? સહજ ભૂલી જવાતું હોય ! તેને ભગવાને વ્રત કહ્યું છે, ત્યાગ નથી કહ્યું. એટલે અણુવ્રત અને મહાવ્રત, એમાં અણુવ્રત જૈનોને માટે કહ્યું કે, 'જેટલું તમને સહજ સ્વભાવે વર્તે એટલું અણુવ્રતમાં આવી ગયું.' ત્યાગનો તો કેફ ચઢે અને યાદ રહ્યા કરે, 'મેં આટલું ત્યાગ્યું, આમ ત્યાગ્યું, તેમ ત્યાગ્યું. વાત આમ સમજે તો ઉકેલ આવે. અમને કશું યાદ જ ના રહે, રૂપિયા તો મને યાદ જ નથી આવતા. લક્ષ્મી અને વિષય અમને વિચારમાં જ નથી આવતા, પણ લોકોને માન્યામાં શી રીતે આવે?

આ ગણતરી જ જુદી છે ! તારો જે ગુણાકાર છે, તેમાં તારી રકમ પરમેનન્ટ રકમ છે, અને બીજી ટેમ્પરરી રકમથી એને ગુણવા જાય છે ને ! હવે મારે તો બેઉ પરમેનન્ટ રકમો છે એટલે મારા ગુણાકાર ચાલ્યા કરે અને તું ગુણાકાર કરવા જાય તો ટેમ્પરરી રકમ ઊડી જાય, બીજી ટેમ્પરરી રકમ મૂકે ને ગુણાકાર કરવા જાઉં ત્યારે હોરી તો પેલી ટેમ્પરરી રકમ ઊડી જાય, તે તારો ગુણાકાર કોઇ દહાડો પૂરો થવાનો નથી, માટે પાંસરો ચાલને !

મહાવ્રત તમને સમજાયું ? વર્તે તે ! વર્તે એટલે યાદે ય ના હોય, સહજ ત્યાગ. હમણાં તમને બીડીનો ત્યાગ વર્તતો હોય તો બીડી તમને યાદ ના આવે અને ત્યાગ કરેલો હોય તેને યાદ આવ્યા કરે કે, 'મેં બીડી ત્યાગી છે.' એટલે વર્તેલો ત્યાગ હોય તેની વાત જ જુદી છે ! એ ત્યાગનો અહંકાર ના હોય ! પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે. અલ્યા, ત્યાગ વર્ત્યો છે માટે પાંસરો રહેને ! શું કરવા ત્યાગને ગા ગા કરે છે? એનો અહંકાર શું કરવા કરે છે ? વર્તેલો ત્યાગ તો બહુ સારો કહેવાય. જેટલાં લફરાં ઓછાં થયાં એટલી ઉપાધિ ઓછી થઇ ગઇને ! અને આપણો મોક્ષમાર્ગ કેવો છે ? અક્રમ માર્ગ છેને એટલે પહેલાનાં લફરાં હોય તેને રહેવા દેવાનાં, નવાં ઊભાં નહીં કરવાનાં અને જૂનાં કાઢવાનાં, એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય !

એક મહારાજે પાછી શોધખોળ કરી ખોળી કાઢયું કે, 'અક્રમ એટલે તો અક્કરમી જ કહેવાય ને ?' હા, શોધખોળ તો સારી કરી, આ ય સાયન્ટિસ્ટનું કામ છે ને ! આટલી શોધખોળ આવડી એ ય સાયન્ટિસ્ટનું કામ છે ને ! નહીં તો આવી શોધખોળ આવડે નહીં. અક્કરમી એટલે કરમ ના બંધાય એવા અમને કહે છે, તે અમારે માટે એ પાંસરું બોલે છે ને ! કંઇ ગાળો ઓછા દે છે ?!

પંચમહાવ્રતધારી બધા આરોપિત ભાવો છે. આ પંચમહાવ્રત સાચા કે આરોપિત એવું તેવું કશું વિચાર્યું જ નથી ને ! તમે પોતે જ આરોપિત છો, પછી મહાવ્રતે ય આરોપિત જ હોયને ?! ત્યારે એ કહે કે, 'આવું તો અમે વિચાર્યું જ નહોતું.' ત્યારે તમે કંઇ ના વિચાર્યું હોય તેથી કંઇ મહાવીર છેતરાવાના નથી કે આ મોક્ષમાર્ગે ય છેતરાય તેવો નથી ! ભગવાન કંઇ છેતરાય એવા છે ? કેટલાક કહે, 'અમે પંચમહાવ્રતધારી છીએ,' પણ તે લોક માનશે, કારણ કે લોકોને લક્ષ્મીની પડી છે, વિષયોની પડી છે, બીજા કશાની પડી નથી. આ બાજુ મહાવ્રત છે કે અણુવ્રત છે કે આરોપિત ભાવ છે, એવા તેવાનું કશું ભાન જ નથી ! આપણા જેવાને ખબર હોય ત્યારે બોલે નહીં, કારણ કે લોકવિરૂદ્ધ બોલવું એ ય ગુનો છે.

લોકવિરૂદ્ધ એટલે શું ? કે જેવો અહીં આગળ વ્યવહાર ચાલતો હોય તેની વિરૂદ્ધ તે. ચોર લોકોનું ગામ હોય ત્યાં આગળ આપણે કહીએ કે, 'પંચ મૂકો,' તો પછી ગુનો છે ને ? ચોર લોકોના ગામમાં તમારું ગજવું કપાયું, હવે તમે કહો કે, 'મારું ગજવું કાપી ગયું.' ત્યારે લોકો કહેશે કે, 'અમને શી ખબર પડે ? તમે પંચ મૂકો.' પણ પંચ પાછા ચોરના ચોર જને ? એટલે લોકવિરૂદ્ધ ના બોલવું, પણ આપણને પૂછે તો જવાબ આપવો કે, 'આ આરોપિત પંચમહાવ્રતધારી છે. જેમ આ 'મહાવીર' હમણાં મોક્ષ આપી દે, તેમ આ પંચમહાવ્રતધારી ફળ આપે (!)' કશું ના મળે, તો સડેલા ઘઉં મળે તો સડેલા લાવને ! કંઇક રોટલી તો ખાવી પડશે ને ? નહી તો મરી જવાશે, એટલે આ બધા સડેલા ઘઉં ખાય છે, ખાવું જ પડેને, છૂટકો જ નહીંને !

આ પંચમહાવ્રતધારી આરોપિત છે એવું જાણતા જ નહોતાને ? 'જ્ઞાની પુરુષ' એવો ફોડ પાડે ત્યારે ખબર પડે. ભગવાને ના કહ્યું હતું કે, 'આરોપિત તરીકે પંચમહાવ્રતધારી રહેશો નહીં. તીર્થંકરોની મૂર્તિ એકલી જ આરોપિત ભાવે રાખજો અને શાસ્ત્રો આરોપિત ભાવે રાખજો. આરોપિત ભાવે પંચમહાવ્રતધારી શબ્દને બગાડશો નહીં.' એના કરતાં તમે 'પરિગ્રહના ત્યાગી છો.' એમ કહેવું અને બીજા બધા ત્યાગના અભ્યાસી છીએ, તેને વ્રત ના કહેવાય ! પરિગ્રહનું મહાવ્રત તો મહા મહા ઊંચું કહેવાય ! 'દાદા' અપરિગ્રહી કહેવાય, એ સંપૂર્ણ અપરિગ્રહી છે, એકુ ય પરિગ્રહ એમના લક્ષમાં રહેતો નથી. એ ખોવાયો છે કે સાબૂત છે, એ ય એમના લક્ષમાં નથી રહેતું; અને આમને તો ચાર જ પરિગ્રહ હોય; બે લૂગડાં હોય, અને એક લોટું વહોરી લાવવાનું હોય, એક માળા હોય ને એક ચીપિયો હોય. એમાંથી લોટું જો ભાંગ્યું કે તૂટયું તો વેશ થઇ પડે! આવી બન્યું ! અગર તો એ એની જગ્યાએ ના હોય તો 'પેલું ક્યાં ગયું.' કહેશે. એટલે આટલો પરિગ્રહ છે, એ એના લક્ષમાં છે. હવે પરિગ્રહ આટલો જ છે, તો પણ લક્ષમાં છે અને અમને પરિગ્રહ છે તો ય પણ લક્ષમાં નથી એટલે અમને અપરિગ્રહી કહ્યા. આપણા મહાત્માઓને શુદ્ધાત્મા લક્ષમાં રહે છે, એટલે પરિગ્રહ લે છે, દે છે, છતાં ય તે અપરિગ્રહી કહેવાય, કારણ કે પરિગ્રહનો લક્ષ નથી, લક્ષ શુદ્ધાત્માનું છે ! કાં તો સ્વરૂપનું લક્ષ રહે, કાં તો સંસારનું લક્ષ રહે, બેમાંથી એક જ લક્ષ રહે, પેણે બેઠું તો અહીં નહીં, ને અહીં બેઠું તો પેણે નહીં. આ તો વિજ્ઞાન છે !

સંસારમાં કેટલાક લોકો સ્થૂળ ચોરી નથી કરતા, એને ભગવાન શું કહે છે ? એને ત્યાગ નથી કહેતા, એટલે તે સ્થૂળ ચોરીનો ત્યાગ કર્યો એ ખોટી વાત છે. ભગવાન કહે છે, 'એ તો વ્રત છે તારું.' વર્તે એ વ્રત. જેમાં હુંપણું નથી અને 'હું ત્યાગ કરું છું.' એવું ભાન નથી અને સહેજાસહેજ વર્તે છે એ વ્રત કહેવાય. આ જૈનોને ભગવાને અણુવ્રત કેમ કહ્યાં ? ત્યારે કહે કે, 'બીજા લોકોને, ફોરેનવાળાને પણ અણુવ્રત હોય છે અને અહીં બીજા ધર્મોમાં પણ અણુવ્રત હોય છે, પણ એને વીતરાગોનો સિક્કો નથી વાગેલો !' 'વીતરાગોનું કહેલું આ વ્રત છે.' એવું ભાનમાં આવ્યા પછી, એ વ્રત એમને વર્તે છે એટલે આ અણુવ્રત કહેવાય છે ને આ વીતરાગોને માન્ય છે. હકીકતમાં પેલો ય ચોરી નથી કરતો, પણ એ સહજ ભાવે ચોરી નથી કરતો. અહીં તો આપણાથી ચોરી ના થાય તેવું સહજ ભાવે વર્તે છે, છતાં અણુવ્રત શાથી કહે છે ? આ ચોરી નથી કરતો પણ મનથી બહુ ચોરી કરી નાખે છે, એટલે અણુવ્રત કહ્યું અને મહાવ્રત કોને કહેવાય ? મન, વચન, કાયા ત્રણેયથી ચોરી ના થાય, તેન મહાવ્રત કહેવાય !

પ્રશ્નકર્તા : ઇચ્છા ન હોય ને સંજોગવશાત્ ચોરી થઇ જાય તો ?

દાદાશ્રી : સંયોગવશાત્ ચોરી થઇ જાય, તો તેને માટે ખાસ ગુનેગાર ગણાતો નથી અને સંયોગવશાત્ થયું તેનું જે બહારનું ફળ એને મળ્યું, તે ઇનામ કહેવાય, બાહ્યફળ તો મળે. કો'ક બહુ પુણ્યશાળી હોય તેને બહારનું ફળ ના પણ મળે, નહી તો આખી જિંદગી ચોરી ના કરતો હોય ને સંજોગવશાત્ એકાદ વખત ચોરી કરે તો ય બિચારો પકડાઇ જાય! બહારનું ફળ મળે ત્યારે દાનત બહુ ખોટી હતી, એવું સાબિત થઇ જાય ! છતાં સંજોગવશાત્ કોઇ પણ જાતનો ગુનો કરે તેને અમે ગુનેગાર ગણતા જ નથી. આ સંજોગવશાત્ છે અને પેલું તો સ્વભાવમાં છે. સ્વભાવમાં અને સંજોગવશાત્માં બહુ ફેર. જેને સ્વભાવમાં ચોરી કરવાની છે તેની તો દ્રષ્ટિ જ એ બાજુ પડયા કરે, ફર્યા કરે અને ગમે ત્યાંથી ઉઠાવ્યા વગર રહે જ નહીં. આપણી સાથે વાત કરતો હોય ને એની દ્રષ્ટિ 'ક્યાંથી ઉઠાવું' એમાં ને એમાં જ હોય; જયારે સંજોગવશાતને ગુનેગાર કહેવાતો નથી. સંજોગવશાત તો રાજાને ય ચોરી કરવી પડે. વ્રત ને મહાવ્રત સમજ્યો તું ? કંઇ લૂગડાં ધોળાં પહેર્યાં એટલે કંઇ વ્રત નથી કહેવાતાં. મન, વચન, કાયાથી ચોરી નથી કરી એને અસ્તે ય મહાવ્રત કહેવાય; પછી એ સાધુ હો કે ગૃહસ્થ, ત્યાગી હો કે ગૃહસ્થલિંગ હો, એ બધાં સંસારી જ છે.

સારી ઊંચી નાતોમાં ચોરી નથી હોતી, દગાફટકા નથી કરતા. ત્યારે આ લોકો જૂઠ તો અમથી નાની બાબતોમાં બહુ બોલે પણ મોટી બાબતોમાં નહીં બોલતા હોય, પણ અત્યારે તો બધું બગડી ગયું છે ને? મહાવ્રતે ય બધાં કહોવાઇ ગયાં, સડી ગયાં છે ! અણુવ્રતે ય સડી ગયાં! હતાં તો સારાં, પણ સડી ગયાં તે શું થાય ?! તો ય પાછું સંજોગવશાત્ છે. અત્યારે આખું હિંદુસ્તાન જ બગડયું છેને ! નહીં તો હિંદુસ્તાન આવું હોય નહીં અને આ બગડયું છે તે ય સંજોગવશાત્ બગડયું છે, માટે ગુનેગાર નથી ગણાતું.

 

આલોચના - પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન !

આલોચના એટલે જે કંઇ દોષ થઇ ગયા હોય તે 'જેમ છે તેમ' આપ્તજન પાસે, 'જ્ઞાની પુરુષ' પાસે વર્ણવવા તે ! આલોચના કરે એટલે બધો દોષ જાય, એકલી આલોચનાથી મોક્ષ છે. એક જણે ગજવું કાપ્યું હોય અને તે મારી પાસે આવીને આલોચના કરે ને હું તેને વિધિ કરી આલું તો બધું જ ઊડી જાય, તે હળવો થઇ જાય ! સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યાં આલોચના કરાય, નહીં તો આ જગત તો દુરુપયોગ કરે તેવું છે. આપણા માટે કોઇને ખાતરી થાય તો તેને સો ટકા ખાતરી થાય તેવું કરવું, તેનો વિશ્વાસઘાત ના કરાય. ખરી રીતે આપ્તજન, 'જ્ઞાની પુરુષ' પાસે જ આલોચના થાય. ભગવાને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ઉપર બહુ ભાર મૂકેલો.

પ્રત્યાખ્યાન એટલે થયેલો દોષ ફરી ના થાય તે માટે દ્રઢ નિર્ણય-નિશ્ચય કરવો તે.

આજથી પંદરેક વરસ ઉપરની વાત છે. મામાની પોળમાં, ઓટલે અમે પાંચ-છ જણા વાતો કરતા બેઠા હતા; તેટલામાં એક ડોસા, ૭૮ વર્ષના, હાથમાં દાબડી લઇને દેરાસરમાં રઘવાયા રઘવાયા થઇને જતા હતા. તેમને મેં પૂછયું, 'કેમ કાકા, ક્યાં જાવ છો આમ ?' તે બોલ્યાઃ 'ભાઇ, પડકમણું કરવા.' મેં તેમને પૂછયું, 'પડકમણું એટલે શું ?' ત્યારે એમણે કહ્યું, 'ઊભા રહો. કાલે મહારાજને પૂછી આવીને કહીશ તમને.'

ભગવાને જાણેલું કે કાળ વિચિત્ર આવવાનો છે, તેથી તેમાં ટકી રહેવા આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટાં હથિયાર આપેલાં.

પ્રતિક્રમણ એટલે શું ?

સંસારમાં જે કંઇ થાય છે તે ક્રમણ છે. એ સાહજિક રીતે થાય છે ત્યાં સુધી ક્રમણ છે, પણ જો એકસેસ થઇ જાય તો તે અતિક્રમણ કહેવાય અને જેનું અતિક્રમણ થયું હોય તો જો છૂટવું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જ પડે, એટલે કે ધોવું પડે, તો ચોખ્ખું થાય.

પૂર્વે ચીતર્યું કે, 'ફલાણાને ચાર ધોલ આપી દેવી છે.' એથી આ ભવે જયારે એ રૂપકમાં આવે ત્યારે ચાર ધોલ આપી દેવાય. એ અતિક્રમણ થયું કહેવાય, માટે તેનું પ્રતિક્રમણ કરવું પડે. સામાવાળાના 'શુદ્ધાત્મા'ને સંભારીને, તેના નિમિત્તે પ્રતિક્રમણ કરવાં જોઇએ. ભગવાને કહ્યું છે કે, 'અતિક્રમણનું પ્રતિક્રમણ કરશો તો જ મોક્ષે જવાશે.'

કોઇ ખરાબ આચાર થયો તે અતિક્રમણ કહેવાય. જે ખરાબ આચાર થયો એ તો ડાઘ કહેવાય, તે મનમાં બાઇટ થયા કરે, તેને ધોવા માટે પ્રતિક્રમણ કરવાં પડે. કોઇને ય માટે અતિક્રમણ થયા હોય તો આખો દહાડો તેના નામના પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે જો બન્ને ય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છુટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલદી પાર આવે, પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે, તો તું પોતે તો છૂટીશ; પણ વન સાઇડેડ પ્રતિક્રમણ હોવાથી પોતાના માટે સામેવાળાને દુઃખ રહ્યા જ કરશે. છતાં ય આ પ્રતિક્રમણથી તો સામાવાળાના ય તમારા માટેના ભાવ બદલાય, પોતાને ય સારા ભાવ થાય ને સામાને ય સારા ભાવ થાય. કારણ કે પ્રતિક્રમણમાં તો એટલી બધી શક્તિ છે કે વાઘ કૂતરા જેવો થઇ જાય! પ્રતિક્રમણ કયારે કામ લાગે ? જયારે કંઇક અવળા પરિણામ ઊભાં થાય ત્યારે જ કામ લાગે. વાઘ એની બોડમાં હોય અને તું તારે ઘેર હોય ને તું પ્રતિક્રમણ કરે તો બહુ કામ ના લાગે, પણ વાઘ સામે 'ખાઉં ખાઉં' કરતો હોય ત્યારે પ્રતિક્રમણ કરે તો ખરેખરું ફળ આપે ! ત્યારે જ વાઘ પણ બકરી જેવો થઇ જાય !

આજકાલ જે પ્રતિક્રમણ થાય છે તે તો મોટા ભાગે દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. દ્રવ્ય પ્રતિક્રમણ એટલે કપડાં વોશ આઉટ થયાં, પણ પોતાનું કશું થયું નહીં ! આ ચંદુલાલ દસ વખત બોલે કે, 'ચંદુલાલ દાળભાત જમી લે, ચંદુલાલ દાળભાત જમી લે' એટલે શું જમાઇ ગયું ? ના, એથી કશું ય ના વળ્યું. દ્રવ્ય પ્રતિક્રમણ કોને કહેવાય તે હું સમજાવું. 'ભગવાન મહાવીર ૫૦૧નો સાબુ લાવ્યા, તે ૧૨'' લાંબો હતો, ૨'' પહોળો હતો અને ૧'' જાડો હતો, પછી ભગવાન મેલાં કપડાં લાવ્યાં, એને તેમણે પાણીમાં નાખ્યાં પછી એમાં સાબુ લગાડયો, પછી પાણીમાં ધોયાં.' તે ભગવાને એમના કપડાનો મેલ જે રીતે ધોયો તે રીતને, વરસમાં એક કલાક બેસીને તું ગાયા કરે એમાં તારા કપડાનો મેલ શેં ધોવાય ? અલ્યા, ભગવાનનો મેલ જુદો, તેની ધોવાની રીત જુદી, તારો મેલ જુદો ને તારી તે મેલ ધોવાની રીતે ય જુદી હોય. ભગવાનની રીતને તું ગાયા કરે તેમાં તું કેટલો ચોખ્ખો થવાનો છે ? તું તો ઘાંચીના બળદની જેમ ઘાણીએ ને ઘાણીએ જ રહ્યો ! તારું પ્રતિક્રમણ તો તારું જયાં જયાં અતિક્રમણ થયેલું હોય. ત્યાં ત્યાં ઓન ધ મોમેન્ટ કરવાનું હોય તો જ એ અતિક્રમણ ધોવાય. આ તો વરસ દહાડે કે મહિને કરે તો શું યાદ રહે ? આ કાળના લોકો તો એવા વિચિત્ર દશાના થઇ ગયા છેકે ઘડી પહેલાંકશું ખાધું હોય તો ય તે ભૂલી જાય, તો આ અતિક્રમણને તો તું શું યાદ રાખવાનો હોય ? પ્રતિક્રમણ તો તે જ ક્ષણે હોવું જોઇએ, ઉધાર ના ચાલે, કેશ જોઇએ!

આ કપડાં ઉપર ચા પડે તો કેવો તરત જ ધોવા જાય છે ! અને આ તારા 'પોતા પર' મેલ ચઢે છે ત્યારે હાથ જોડીને બેસી રહે છે ? હા, ચા પડવી એ આપણા હાથની વાત નથી, પણ તેને ધોઇ તો નાખવું જ જોઇએ ને, એવું અતિક્રમણનો મેલ ચઢે ત્યારે તેને તરત જ ધોઇ તો નાખવું જ જોઇએ ને !

અમે તો કેટલાય અવતારથી પ્રતિક્રમણ કરતાં કરતાં આવ્યા ત્યારે અત્યારે કપડાં સાફ થયાં અને તમારાં ય કપડાં સાફ કરી આપીએ છીએ!

આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બે જાતનાં આ પ્રમાણે છેઃ એક તો વ્યવહારનાં, આ બધા સાધુઓ વગેરે કરે છે તે, તેનાથી ગાંઠોની ચીકાશ ઓછી થાય; પણ ભૂલ થાય ને તરત જ કરે તો વધારે ઊંચું ફળ મળે. બીજાં નિશ્ચયનાં, જે આપણા સ્વરૂપજ્ઞાન પામેલા મહાત્માઓ કરે છે તે.

અહો ! ગૌતમ સ્વામીનું પ્રતિક્રમણ !!

ભગવાનના વખતમાં શું આવાં પ્રતિક્રમણ હોતાં હશે ? શી ભગવાનના વખતની વાત ! ભગવાનના શ્રાવક, આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન ઊપજેલું. ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા, ત્યારે આનંદ શ્રાવકે તેમને કહ્યું કે, 'મને અવધિજ્ઞાન ઊપજ્યું છે !'

ત્યારે ગૌતમ સ્વામીને તે સાચું ના લાગ્યું. તેમણે આનંદ શ્રાવકને કહ્યું કે, 'આ ખોટું વિધાન છે, માટે તમે તેનું પ્રતિક્રમણ કરો.' આનંદ શ્રાવકે કહ્યું : 'સાચાનું કરું કે ખોટાનું ?' ગૌતમ સ્વામીએ કહ્યું, 'પ્રતિક્રમણ ખોટાનું જ કરવાનું હોય, સાચાનું નહીં.' એટલે આનંદ શ્રાવકે કહ્યું, 'જો સાચાનું પ્રતિક્રમણ ના હોય તો હું પ્રતિક્રમણ કરવાને અધિકારી નથી.' ગૌતમ સ્વામી ત્યારે ચાલ્યા ગયા, ભગવાન મહાવીર સ્વામીને જઇને પૂછવા લાગ્યા, 'હે ભગવન્ ! આનંદ શ્રાવક પ્રતિક્રમણના અધિકારી કે નહીં ?' ભગવાને કહ્યું, 'ગૌતમ ! આનંદ સાચો છે, તેને અવધિજ્ઞાન ઊપજયું છે, માટે તમે જાવ અને આનંદ શ્રાવકનું પ્રતિક્રમણ કરી આવો.' તે ગૌતમ સ્વામી દોડતા આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા ને પ્રતિક્રમણ કર્યું !

વ્યવહાર ના શોભે એવો હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : દાદા, અમે જૈન તેથી સામાયિક, પ્રતિક્રમણ જાણીએ ખરા, પણ તે કરી શકતા નથી, તે શાથી એમ હશે ?

દાદાશ્રી : આ દુનિયામાં પાળી શકાય, કરી શકાય એ બધું જ્ઞાન કહેવાય અને પાળી ના શકાય, કરી ના શકાય એ અજ્ઞાન છે. આ 'સામાયિક અમે સમજીએ છીએ છતાં કરાતું નથી' એમ જે તમે કહો છો, તેને ભગવાન શું કહે કે, 'આ તો અમારી મશ્કરી થઇ.' આ પોઇઝનની બાટલી અને બીજી બાટલી બાજુ બાજુમાં હોય, પણ આમાં પોઇઝન છે એમ જાણ્યું ના હોય, સમજયો ના હોય તો પોઇઝનની બાટલી લઇ લે. આ તો જાણીએ છીએ છતાં થતું નથી, એ તો ખોટાં બહાનાં છે, અજ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે. જો જાણે તો પછી કોઇ કૂવામાં પડે નહીં. આ તો જાણે ને ના કરે એ જ્ઞાન જ અજ્ઞાન છે ! જાણ્યાનું ફળ એટલે વિરતી. આ કોઇ બાબો પૂછે કે, 'ઝેર શું છે ?' તો તેને કહીએ કે, 'એનાથી માણસ મરી જાય.' તો પછી બાબો ફરી પૂછે કે 'મરી જવું એટલે શું ?' એટલે આપણે તેને સમજાવીએ કે, 'આ બાજુમાં કાકા મરી ગયેલાને તે ઝેરથી એવું થાય,' તો બાબાને સમજાય. એ જાણે કે આ ઝેર છે, એ ના લેવાય, તે પછી ઝેર પ્રત્યે તેને વિરતી રહે. જાણ્યાનું ફળ જ વિરતી હોય, વિરતી એટલે અટકી જવું.

રોકડાં પ્રતિક્રમણે જ ઉકેલ !

એક બહેન કહે કે, ''અમારે ત્યાં તો પ્રતિક્રમણમાં પાછળથી કો'ક ગોદા મારે છે, તમારે એવું નહીં થતું હોય કેમ ?'' ત્યારે તેમને અમે કહ્યું કે, 'ના, અહીં એવું ના હોય. અહીં તો સાચાં પ્રતિક્રમણ, ભગવાન મહાવીર કહેવા માગતા હતા તે પ્રતિક્રમણ થાય છે.' પેલાં તો માગધિમાં ગા ગા કરે તે કોના જેવું ? તે તમને સમજાવું. અહીં ફ્રેન્ચ માણસ બેઠો હોય ને હું ગુજરાતીમાં ગા ગા કરું તો પેલો હસે ખરો, પણ આમાંનો એકે ય અક્ષર એ ના સમજે. મહાવીર ભગવાન આવું નહોતા કહેવા માગતા. એમણે કહ્યું તો બરોબર, પણ લોક સહુ સહુની ભાષામાં લઇ ગયા! તે શું થાય ? તેમણે તો કહ્યું કે, 'સાચી રીતે તમે તમારી ભાષામાં સમજો.' આ તો શું કહે છે કે, '૫૦૧'નો સાબુ લાવીને ઘાલ, પણ એ તો ખાલી ગાશે જ. કોઇ સાબુ નાખીને કપડું ધોશે નહીં. અને ઉપરથી કહેશે કે, 'પ્રતિક્રમણ' કર્યું. પછી ઊઠીને બહાર નીકળ્યા ને બહાર કાંકરાચાળી કરશે ! પ્રતિક્રમણ તો રોકડું હોવું જોઇએ. અતિક્રમણ થયું કે તરત જ પ્રતિક્રમણ ! કેશ !! દેહની ક્રિયા રોકડી હોય છે. બ્રશ કર્યું, ચા સાથે નાસ્તો કર્યો, એ બધું રોકડું કર્યું ! તેમ વાણીની ક્રિયા પણ રોકડી હોય છે અને મનની ક્રિયા પણ રોકડી હોય છે. તેમ આ અતિક્રમણ સામે પ્રતિક્રમણ પણ રોકડું,ઓન ધ મોમેન્ટ હોવું જોઇએ. જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન, વાણી ચોખ્ખાં થતાં જાય !

લોક અતિક્રમણને સમજતા નથી અને પ્રતિક્રમણને ય સમજતા નથી. એનો બાધે ભારે બાર મહિને 'મિચ્છામિ દોકડો' કરે છે, નથી 'મિચ્છામિ' સમજતા કે નથી 'દુક્કડમ્' સમજતા !!!

આ પ્રતિક્રમણ અત્યારે જે થાય છે તે માગધિ ભાષામાં થાય છે અને એ મહારાજ વાંચે ને બધાં સાંભળે, ત્યારે ચિત્ત કોનું એકાગ્ર થાય? આ કેવું હોય કે સમજણ પડે તો ઇન્ટરેસ્ટ આવે. આ તો સમજણ પડે નહીં ને પછી કાંકરચાળી કરે ! ભગવાને આવા ચાળા કરવાનું નહોતું કહ્યું. ભગવાને શું કહ્યું કે, 'ઠોકર વાગે તો સમજજે કે કાંઇક ભૂલ થઇ હશે, તો તરત જ ગુરુ પાસે આલોચના કર અને પછી ગુરુની સાક્ષીએ કે અમારી સાક્ષીએ પ્રતિક્રમણ કર.' આ તો પ્રત્યક્ષ કરવાનું હોય, કપડાંને ડાઘ પડે કે તરત જ ચોખ્ખું કરવાનું હોય, તરત જ પ્રતિક્રમણ કરે તો જ ચોખ્ખું થાય. આ લોકો કેવા છે ? કપડાં ઉપર ચાનો ડાઘ પડે તો તરત જ દોડાદોડ કરીને ડાઘ ધોઇ નાખે; જયારે આ મન ઉપર અનંત અવતારના ડાઘ પડેલા તેને ધોવાની કોઇને ય પડી નથી ! પ્રતિક્રમણ એટલે રોકડો વેપાર હોવો જોઇએ, ઉધાર નહીં. આ રોજ પ્રતિક્રમણ કરે છતાં કપડાં ઊજળાં નથી થતાં, એ શું હશે ? તારો સાબુ ખોટો, કપડું ખોટું કે પછી પાણી મેલું છે ? નહીં તો રોજ કપડાં ધોયા છતાં ચોખ્ખાં કેમ ના થાય ? આ તો કોઇને પોતાના દોષ જ દેખાતા નથી, પછી પ્રતિક્રમણ થાય જ શી રીતે ? આપણાં મહાત્માઓ રોજનાં બસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને દોષો ધોઇ નાખે છે. પાંચ લાખ દોષો હોય તો મોક્ષે જવા માટે બેજ કલાક રહે અને આ લોકોને પૂછીએ ત્યારે કહે છે કે, 'એકાદ-બે જ દોષ હશે !'

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવા ધાર્મિક સ્થાનમાં જવું જોઇએ એ ખરું?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો ચા પીતાં ય કરાય, નાહતાં નાહતાં ય કરાય. જયાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે ત્યાં સ્થાનને જોવું પડે; પણ આપણને 'આત્મધર્મ' છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં પ્રતિક્રમણ આપણે કરાય.

કેટલાક લોકો તો નાહવાના જ ધર્મને ધર્મ માને છે ! એનાથી એમનો ધર્મ આગળ વધ્યો નથી. આ તો દેહધર્મ જેને હોય એને તો મોહનાં બહુ પરમાણું જથ્થાબંધ હોય અને એમને જો કોઇ ગાળ ભાંડે તો એમને ગાળ આપનાર પૂરો દોષિત દેખાય. એમાં જો કોઇ થોડો ડેવલપ હોય તો કહે કે,'મારા કર્મનો દોષ છે.' આ નિંદા કરે છે એ મારાં કપડાં ધૂએ છે એમ માની સંતોષ લે છે અને આગળ ડેવલપ થાય. આખા જગતમાં નિમિત્તને દોષ દેવાનો કાયદો છે, નિમિત્તને બચકાં ભરે; જયારે આપણે અહીં જ 'ભોગવે એની ભૂલ' એ કાયદો છે !

પ્રતિક્રમણનાં પરિણામ તે કેવાં !

પ્રશ્નકર્તા : આપણને કોઇને માટે આસકિત રહેતી હોય તો શી રીતે એનાં પ્રતિક્રમણ કરવાં ?

દાદાશ્રી : સામી વ્યક્તિનું નામ લઇ એના આત્માને સંભારીને, 'દાદા'ને સંભારીને એ આસકિત માટે પ્રતિક્રમણ કરવાં.

પ્રશ્નકર્તા : સામી વ્યક્તિને આપણા માટે ખૂંચતું હોય તો શું કરવું?

દાદાશ્રી : તો ય આપણે પ્રતિક્રમણ કરવાં જોઇએ. આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી એને ખૂંચે છે, ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, દ્વેષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની, નહીં તો અંદર જ માફી મંગાય તો ય હિસાબ ચોખ્ખો થઇ જાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શું સામાનું મન આખું બદલાઇ જાય?

દાદાશ્રી : જો કોઇ બહારના અજાણ્યા માણસ સાથેનું પ્રતિક્રમણ થાય તો તે અજાયબ પામી જાય ! તેને તરત જ આપણી પ્રત્યે ખેંચાણ થઇ જાય ! આ પ્રતિક્રમણથી તો સામાની વૃતિ ઠંડી પડી જાય; જયારે ઘરનાં માણસો જોડે તો નિરંતર પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : મરેલા માણસની સ્મૃતિ આવે તો એ મરેલાનું ય શું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : સ્મૃતિ મરેલાની ય આવે ને જીવતાની ય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર 'એ' જીવતો જ છે, મરતો નથી, આનાથી તેના આત્માને ય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે એની ગૂંચમાંથી છૂટી શકીએ.

પ્રશ્નકર્તા : મરેલાનું પ્રતિક્રમણ શી રીતે કરાય ?

દાદાશ્રી : મન, વચન, કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના ને પછી 'આવી આવી ભૂલો કરેલી.' તે યાદ કરવાની (આલોચના); તે ભૂલો માટે મને 'પશ્ચાત્તાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ); 'તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું' એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). 'આપણે' પોતે 'ચંદુલાલ'ના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે 'ચંદુલાલે' કેટલાં પ્રતિક્રમણ કર્યાં, કેટલાં સુંદર અને કેટલી વાર કર્યાં !

જયાં પ્રતિક્રમણ નિરંતર હોય ત્યાં આત્મા 'શુદ્ધ' જ હોય. આપણે તો બીજામાં શુદ્ધાત્મા જોઇએ, પ્રતિક્રમણ કરીએ અને પોતાના શુદ્ધાત્મા તો લક્ષમાં હોય જ. આ વ્યવહારિક ક્રિયા નથી કહેવાતી, એનાથી પછી બીજું બધું ય શુદ્ધ થયા કરે. આ પુદ્ગલ શું કહે છે ? અમને 'શુદ્ધ' કરો, 'તમે' તો 'શુદ્ધ' થઇ ગયા ! આ અશુદ્ધ થઇ ગયેલાં પુદ્ગલ નીકળે અને ત્યારે પ્રતિક્રમણ કરે, એનાથી એ શુદ્ધ થઇ જાય.

સ્થૂળ, સૂક્ષ્મ ભૂલો પ્રતિક્રમણથી જાય અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જોવાથી જાય. આ માર્ગ જ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો છે, અને તે ય રોકડા જોઇએ. આ પાન પણ બે આના કેશ આપીએ ત્યારે મળે છે. પ્રતિક્રમણ કેશ જોઇએ, ઉધારથી મોક્ષ નહીં મળે.

મનથી, વાણીથી અને દેહથી થયેલાં બધાં જ અતિક્રમણના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા પડે. આ અમારું મુખારવિંદ ધારણ કરીને, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરો તો તો એવું ભૂંસાય કે ફરી એ અતિક્રમણ થાય નહીં, અમારી હાજરીથી ધોવાઇ જાય.

અતિક્રમણ એ મોટામાં મોટી હિંસા છે, તેના માટે પ્રતિક્રમણ હોવું ઘટે. આ બહારની સ્થૂળ હિંસા એ તો અડે કે ના પણ અડે, એ તો મહીંની મશીનરી કેવી રીતે ફરે છે તે પ્રમાણે બંધાય; પણ મહીંની હિંસા, સૂક્ષ્મ હિંસા તો ધોવી જ પડે. અતિક્રમણ એ તો હિંસાખોરી કહેવાય. અત્યારે તો લોકો હિંસાને જ નથી સમજ્યા, તે પ્રતિક્રમણ શું કરે ? કેવું કરે ? જો સ્થૂળ હિંસા હિંસા કહેવાતી હોત તો ભરતરાજા મોક્ષે જ ના જઈ શકયા હોત ! તેમના હાથે તો કેટલાંય લશ્કર કપાયેલાં ! સ્થૂળ હિંસા નડતી નથી, સૂક્ષ્મ હિંસા નડે છે !

આ મહાત્માઓને અમે ઓર જ જાતની વસ્તુ હાથમાં આપી છે! અજાયબી છે !! જગતના લોકોને એકસેપ્ટ કરવું પડશે કે આ લઢતા હોય છતાં તેમને મહીં સમકિત નહીં જતું હોય, બન્ને ક્ષેત્રની ધારા જુદી જ વહ્યા કરે.

આ તમારે તો બન્ને ય ધારા ભેગી વહ્યા કરે છે. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન વગર બન્ને ય ધારા જુદી રહે જ નહીં. 'આ બધાંને' તો નિરંતર આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન રહ્યા કરે છે. આ કેવું છે ? કે બહારની ક્રિયા થયા કરે ને મહીં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાને ય થયા કરે, એ નિરંતર હોવાં ઘટે. તમે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો છો ને ?

પ્રશ્નકર્તા : હા, સંવત્સરીનું પ્રતિક્રમણ થાય.

દાદાશ્રી : તમારે પ્રતિક્રમણ શી રીતે કરવું તે સમજાવું તમને. અત્યારે તમારે કોઇ ગુરુ છે ?

પ્રશ્નકર્તા : નથી.

દાદાશ્રી : જયારે પોતાથી ઝઘડો થઇ ગયો કે જે ઉદય કર્મ છે, પ્રાકૃત ભાવ છે, તો તરત જ પોતે જેને ગુરુ માન્યા હોય તેમને સંભારીને જેની જોડે ઝઘડો થઇ ગયો હોય તેના આત્માને સંભારીને, પ્રતિક્રમણ તરત કરવાનું. આ અતિક્રમણ એ તો હુમલાખોરી કહેવાય. આ તમારા શેઠ જોડે અતિક્રમણ થાય ત્યાં પણ ગુરુને ધારણ કરીને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો, તો બધું ભૂંસાઇ જાય. એનાથી શું થાય? કે શેઠ માટે જે અતિક્રમણ કરેલું તેની ઘોડાગાંઠ નહીં બંધાતાં, એ ગાંઠ ઢીલી થઇ જાય ! તે આવતે ભવે એ ગાંઠને હાથ લગાડતાં જ ખરી જાય! ગુરુ તો માથે જોઇએને ? આલોચના કરવા તો કોઇ જોઇશે ને? છૂટવાનો રસ્તો જ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન છે, બીજો કોઇ રસ્તો જ નથી. બંધાવાનો રસ્તો જ અતિક્રમણ અને આક્રમણનો છે. પ્લસ-માઇનસ સરખું જ હોય ને ? એનાથી જીરો થાય ! પ્રતિક્રમણ તો ડાઘ પડે ને તરત જ ધોઇ નાખે ત્યારે કર્યું કહેવાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જૈનને નિરંતર હોય. જૈન તો કોનું નામ કે રોજનાં પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરતો હોય !

નિરંતર પ્રતિક્રમણ કરીને રાગદ્વેષની ચીકાશને ધોઇ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી, નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવાં વધારે હોતાં નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળું ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવા-દેવાવાળા છે, તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે, પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકનાં ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે.

ડાયરેક્ટ મિશ્રચેતન જોડે અતિક્રમણ થયું હોય તો તરત જ પ્રતિક્રમણ કરો. આ ખાવાનું ઓછું પીરસ્યું અને એનાથી સામાને દુઃખ થશે એ ઇનડાયરેક્ટ અતિક્રમણ થયું, એને પણ પ્રતિક્રમણ કરીને ધોઇ નાખવું પડે. આ બટાટાનું શાક ચેતન નથી, પણ એને લાવનાર ચેતન છે, એ ચેતનવાળાને સ્પર્શે છે. જે બટાટા ખાતો નથી અને બટાટાનું શાક પીરસવામાં ભૂલ થઇ તો એનાથી સામાને દુઃખ થશે, પણ એ ખ્યાલ ન રહ્યો, તો આને ઉપયોગ ચૂકયા કહેવાય અને ઉપયોગ ચૂકયાનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : કંટાળો આવે એ શું કહેવાય ? એ પ્રમાદ કહેવાય ?

દાદાશ્રી : ના, કંટાળો આવે એ તો પ્રમાદ ના કહેવાય, અરૂચિ કહેવાય. જેની જરૂર છે ત્યાં અરૂચિ આવે, તો તેનું પણ પ્રતિક્રમણ કરવું પડે!

પ્રશ્નકર્તા : દાદા, ઘણાં દોષો સમજાતા પણ કેમ નથી ?

દાદાશ્રી : લોભ અને માયા હોય તે આ દોષોને સમજવા ના દે, પણ માન ને ક્રોધ હોય તો તરત જ દોષો દેખાય. અરે, બીજા પણ તે દોષ દેખાડી આપે.

'જ્ઞાની પુરુષ'નાં દર્શનથી કપટનો પડદો ખસી જાય ને બધું ખુલ્લું થતું જાય.

આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય અને એટલે ભરેલી કોઠી ખાલી થયા કરે. વિષયો સાંભરતા હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે તો વિષયો યાદ જ ના આવે. આ તો પહેલાંનો કોઠીમાં જ માલ ભરેલો ને ! તે માલ નીકળે એટલે યાદ આવે અને તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીએ એટલે ખાલી થતું જાય અને એટલે પછી છેવટે કોઠીને ખાલી થયે જ છૂટકો.

પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં જાતજાતનું વસાવવાનો મોહ છે, સાડીઓ ખરીદવાનો મોહ છે, તે બધાંનું પ્રતિક્રમણ શી રીતે કરવું ?

દાદાશ્રી : એ તો બધાં નોકર્મ કહેવાય. 'તું ચંદુ' તો તારાં છે, નહીં તો એ તારાં નથી. આ મોહ જો મૂર્છા કરાવે ને મૂર્છા ઉત્પન્ન થાય, તે ઘડીએ પ્રતિક્રમણ કરવું પડે, એ ય કોઠીમાં માલ ભરેલો માટે પ્રતિક્રમણ કરવું પડે. કોઠીમાંથી જે જે માલ નીકળે તે બધાંના આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવા પડે, તે ય આપણે નહીં, 'ચંદુ' પાસે કરાવવાનાં. જે ખાય તેની ગુનેગારી, આપણે ખાઇએ નહીં એટલે આપણે 'શુદ્ધાત્મા' એ પ્રતિક્રમણ શાનાં કરવાનાં ?

આત્માનું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થતું જાય તેમ શૌર્ય ઓછું થતું જાય, પણ જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું વધે તેમ શૌર્ય વધે.

પ્રતિક્રમણ શરૂ થાય એટલે ચોથું ગુંઠાણું શરૂ થાય !

અતિક્રમણ અને આક્રમણ જેટલું કર્યું એનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરજો. આ સદાચાર, દુરાચાર એ કાંઇ હાથની વાત નથી, એ તો અમુક બીજી વસ્તુઓને આધીન છે, પણ દુરાચાર થતી વખતે અતિક્રમણ અને આક્રમણ થાય છે તેનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનું.

આક્રમણ ને અતિક્રમણ !

પ્રશ્નકર્તા : આક્રમણ અને અતિક્રમણમાં શો ફેર ?

દાદાશ્રી : બન્ને વચ્ચે ઘણો ફેર છે. અતિક્રમણનો દોષ એટલો નથી, આક્રમણનો દોષ ભંયકર છે. આ મહીં આડો અવળો વિચાર આવે છે એ અતિક્રમણ, પણ 'આને સીધો કરી નાખું, મારું જે થવાનું હોય તે થાય, પણ તારું તો કરી જ નાખું,' એ બધા ભાવ તે આક્રમક ભાવ છે. સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી આક્રમક ભાવ ના હોય, છતાં અતિક્રમણ થાય. જે સામાન્ય હોવું જોઇએ તેનાથી વિશેષ થાય, અતિ થાય, તે અતિક્રમણ. આક્રમક ભાવ ગયો એટલે વીતરાગતામાં આવ્યો. આક્રમક ભાવ અને અતિક્રમણ ભાવમાં બહુ ડિફરન્સ છે, સ્વરૂપજ્ઞાન મળ્યા પછી કો'ક ઉપર અભાવભાવ થયા કરે અને મહીં વંટોળ જેવું જાગે, તેમાં આક્રમક ભાવ ના હોય. તેવા અભાવભાવ આક્રમણ કરાવીને નથી જતા, પણ અતિક્રમણ કરાવીને જાય છે; માટે તેમાં પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનાં બાકી રહે છે. એક ને એક વ્યક્તિ માટે આવા અતિક્રમણ, આવા અભાવભાવ હજાર હજાર વખત પણ આવે અને હજાર હજાર વખત આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તેની સામે કરે, તો જ તેવાં ભારે અતિક્રમણથી છૂટા થવાય. આ જ્ઞાન પછી રજમાત્ર પણ અભાવભાવ આપણામાં હોવો જ ના જોઇએ. હવે તો આપણે નવી લડાઇ કરવી નથી અને જે જૂની લડાઇ છે એનો નિકાલ જ કરવાનો છે !

જાથુ પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : જાથુ પ્રતિક્રમણ કોને કહેવાય ?

દાદાશ્રી : જાથુ પ્રતિક્રમણ કોને કહીએ ? કે જે જાથુ યાદ આવે તેને માટે. કોઇ એક જણ જાથુ મહીં યાદ આવ્યા કરતું હોય, તો તેનું જાથુ પ્રતિક્રમણ કરવું પડે. જાથુ એટલે નિરંતર. સ્મૃતિ એ રાગદ્વેષનો અરીસો છે. કોઇ વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથુમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે.

જે વ્યકિત જોડે આપણાથી ગૂંચો પડી ગઇ હોય ને તે મરી ગયા હોય તો તેને યાદ કરીને ગૂંચો ધોઇ નાખવી, જેથી ચોખ્ખું થઇ નિકાલ થઇ જાય ને ગૂંચો ઊકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. એક બિલાડીને મારી નાખી હોય તો બન્નેના આત્મા પાસે નોંધ થાય છે. બિલાડી વેર લીધા વગર રહે નહીં, માટે આપણે તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. જ્ઞાનીનાં જે જે વાક્યો ફીટ થાય તે 'અનુભવ જ્ઞાન' કહેવાય અને એ મોક્ષે લઇ જાય!

તંત બે પ્રકારના છે; એક છૂટી જાય એવો તંત અને બીજો જલદી છૂટે જ નહીં એવો તંત. બીજો તંત ઘણા લાંબા સમય સુધી ચાલુ રહે, એને પણ અનેક વાર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરી લેવું. જેના માટે ખરાબ વિચાર આવે તો આપણે એમ કહેવું કે, 'આ તો બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે.' આમ બોલવાથી પેલાને અસર થાય. બાકી તેની સામે જોવું નહીં કે એ કેવા છે, આપણે તો તેને સારા જ કહેવા. એક વાર, બે વાર, ત્રણ વાર કરવાથી જરૂરથી એ ફરી જાય. આ બધું અનુભવજ્ઞાન છે, અમે જે રસ્તે ચાલ્યા છીએ તે જ રસ્તે અમે તમને લઇ જઇએ છીએ.

સોરી એટલે પ્રતિક્રમણ ?!

પ્રશ્નકર્તા : 'થેન્ક યુ' અને 'સોરી' શબ્દ, એ પ્રતિક્રમણ જેવા છે ને?

દાદાશ્રી : ના, આ ભેંસ ખુશ થઇને માથું હલાવે એ થેંક્સ જેવું ગણાય. એ વાત એમની માટે, ફોરેનર્સ માટે બરોબર છે. પણ આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન માટે કોઇ જોટો મળે એવા શબ્દો નથી. છતાં ય સોરી એમ બોલીએ છીએ, એ વ્યવહારમાં બોલીએ છીએ.

જેનો નિશદિન ઉપયોગ આત્મામાં જ હોય તે સત્પુરુષ; પણ આ તો કોઇનો તપમાં ઉપયોગ, કોઇનો પ્રતિક્રમણમાં ઉપયોગ હોય. ભગવાને શું કહેલું કે, 'પ્રતિક્રમણ તો પોતાની ભાષામાં કરજે,એ તને આગળનો માર્ગ બતાવશે.' આ તો પ્રતિક્રમણનો અર્થ કેવો કરે છે ? આ સાંતાક્રુઝનું બોર્ડ મારેલું હોય, અને એ રસ્તે જવાનું હોય; પણ આ તો ત્યાં દાદરમાં જ બેસી ને 'વે ટૂ સાંતાક્રુઝ, વે ટૂ સાન્તાક્રુઝ' એમ ગાયા કરે છે; તો સાંતાક્રુઝ જવાનું તો બાજુએ રહ્યું, પણ પોતે 'સાંતાક્રુઝ જવાનો પ્રયત્ન કરે છે.' એનો કેફ પાછો ચઢે છે !

અનંત અવતારથી જીવ પ્રતિક્રમણને સમજયો જ નથી, પાછળ વળીને જોયું જ નથી અને મહાવીર ભગવાનનાં પ્રતિક્રમણો સમજયા વગર ગા ગા કરે છે, રૂઢિ પડી ગઇ છે !

અતિક્રમણનાં ડાઘ, કાઢે પ્રતિક્રમણ !

દાદાશ્રી : આ ચાનો ડાઘ તમારાં કપડાં ઉપર પડે તો તમે શું કરો છો ?

પ્રશ્નકર્તા : તરત જ ધોઇ નાખું છું.

દાદાશ્રી : ત્યાં તમે કેવા ચોક્કસ રહો છો ? કારણ કે તમને થાય છે કે ડાઘ રહી જશે, માટે તરત જ ત્યાં રોકડું ધોઇ નાખો છો; પણ 'મહીં' ડાઘ પડે છે તેની ખબર જ નથી ! અતિક્રમણ એટલે ડાઘ પડવો તે અને પ્રતિક્રમણ એટલે ડાઘ કાઢવો તે. જેને ડાઘ પડતો નથી તેને પ્રતિક્રમણની જરૂર નથી, 'જ્ઞાની પુરુષ'ને પ્રતિક્રમણની જરૂર નથી.

આ બધાં ચાનો ડાઘ પડે કે તરત જ ધોઇ આવે, ત્યાં જરા ય કાચો ના પડે; ત્યાં આગળ જ્ઞાની જરા કાચા પડી જાય, પણ ત્યારે જ્ઞાની મહીંના ડાઘ સામે કાચા ના હોય ! 'જ્ઞાની પુરુષ'ને ડાઘ જ ના પડે, કારણ કે પોતે ગાઇને ગવડાવે; જયારે બીજા તો ગવડાવે, પણ પોતે ગાય નહીં, તેનો ડાઘ પડી જાય ! આ ચાનો ડાઘ પડે ને જો જાણે નહીં કે શેનાથી ધોવાય, તો શું થાય ? દુધમાં બોળે તો દૂધનો ડાઘ પડે ને ફરી તેલમાં બોળીને કાઢવા જાય તો તે ડાઘ પાકો થઇ જાય ! બહારનાં બધાં લોક અત્યારે પ્રતિક્રમણ કેવું કરે છે ? દ્રવ્ય આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે છે; ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તો કોઇ કરતું જ નથી ! હા, ચાનો ડાઘ પડે છે ત્યાં ભાવ પ્રતિક્રમણ કરે છે ખરાં! પ્રતિક્રમણ તો ડાઘ પડે કે તરત જ પોતે ધોઇ નાખે, ત્યારે કર્યું કહેવાય! આ તો મહીંનો ડાઘ ત્યારે ના કાઢે; એ ડાઘને પાકો થવા દે. પછી ધોવા જાય ત્યારે ડાઘ શું તમારી રાહ જોઇને બેસી રહે ? ના, એ તો ડાઘ પડી જ જાય !

કોઇને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય તો મહીં પ્રતિક્રમણ કરી લેવું પડે, કારણ કે આ અતિક્રમણ થયું, તે અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રતિક્રમણની યથાર્થ વિધિ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં શું કરવાનું ?

દાદાશ્રી : મન, વચન, કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા 'શુદ્ધાત્મા'ને સંભારીને કહેવું કે, 'હે શુદ્ધાત્મા ભગવાન ! મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઇ, માટે તેની માફી માગું છું, અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો.' 'શુદ્ધાત્મા'ને સંભાર્યા અથવા 'દાદા'ને સંભાર્યા ને કહ્યું કે, 'આ ભૂલ થઇ ગઇ'; એટલે એ આલોચના, ને એ ભૂલને ધોઇ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવાનો એ પ્રત્યાખ્યાન છે! સામાને નુકસાન થાય એવું કરે અથવા એને આપણા થકી દુઃખ થાય એ બધાં અતિક્રમણ અને તેનું તરત જ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું પડે.

આ તો સહેલો માર્ગ છે, તરત જ કૂંચીઓથી તાળાં ખૂલી જાય ! કોઇ કાળમાં આવો સંયોગ નહીં ભેગો થાય, આ તો અક્રમ માર્ગ છે! એક્સેપ્શનલ કેસ છે ! અને અગિયારમું આશ્ચર્ય છે !! ત્યાં કામ કાઢી લેજો. આવાં પ્રતિક્રમણથી લાઇફ પણ સુંદર જાય અને મોક્ષે જવાય !

ભગવાન મહાવીરે એમ કહ્યું કે, 'તમે બહુ મોટા વેપારી હો તો દહાડાનાં અતિક્રમણોનાં રાત્રે પ્રતિક્રમણો કરજો.' એને 'રાયશી' કહ્યું અને 'રાતના અતિક્રમણોના પ્રતિક્રમણ દહાડે કરજો.' એને 'દેવશી' કહ્યું. આ અક્રમ માર્ગ છે એટલે જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ કરવા પડે, નહીં તો જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ ના હોય. આ સ્વરૂપનું જ્ઞાન પામ્યા, પણ મહીં માલ સ્ટોકમાં છે તેથી અતિક્રમણ થાય અને તેનું પ્રતિક્રમણ કરી નાખવું પડે. એ પ્રતિક્રમણ આપણે 'શુદ્ધાત્મા' એ નહીં કરવાનાં, એ તો આ મન, વચન, કાયા પાસે કરાવવાનાં. 'હું કરું છું' એ ભાવ નીકળી ગયો એટલે સ્વરૂપે કરીને શુદ્ધ છીએ, એટલે પોતાને પ્રતિક્રમણ કરવાનાં ના હોય. પોતે 'શુદ્ધાત્મા' પ્રતિક્રમણ કરે તો તો પોઇઝન થઇ જાય. 'પોતે' 'શુદ્ધાત્મા' પ્રતિક્રમણ ના કરે, પણ મન, વચન, કાયા પાસે કરાવડાવે. આ તો અક્રમ માર્ગ છે એટલે પહેલાં સ્વરૂપજ્ઞાનમાં બેસીને પછી દેવું વાળવાનું. અક્રમ માર્ગમાં તો પહેલાં બળતરા બંધ કરીને પછી દેવું વાળવાનું; જયારે ક્રમિક માર્ગમાં તો દેવું વાળતાં વાળતાં જ્ઞાનમાં આવે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16