ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

 

કુદરતી કાયદો : 'ભોગવે તેની ભૂલ'

ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઇને, વકીલને ય પૂછવાની જરૂર નથી. આ કોઇનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતિ હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે કયારેક પણ ચોરી કરી હશે તે આજે પકડાયા, માટે તે ચોર. ને પેલો તો જયારે પકડાશે ત્યારે ચોર કહેવાશે.

ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જયાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત 'જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે જેમ છે તેમ હોય. આ ગુપ્ત તત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઇએ.

કોઇ બાપો ય ઉપરી નથી, કોઇ વઢનાર નથી. પણ આ તો તારી ગાંઠો જ તારી ઉપરી છે. ભૂલ બીજા કોઇની ય નથી. ભોગવે એની જ ભૂલ છે.

ડૉક્ટરે દર્દીને ઇન્જેકશન આપ્યું પછી ડૉક્ટર ઘેર જઇને નિરાંતે ઊંઘી ગયો. ને પેલાને તો ઇન્જેકશન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની. ને ડૉક્ટર તો જયારે એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે.

બે પ્રકારની ભાષા છે : એક 'ભ્રાંતિ ભાષા' અને બીજી 'વીતરાગ ભાષા.' વીતરાગની ભાષામાં ભોગવે એની જ ભૂલ.

એક બાઇ મંુબઇના બસ-સ્ટેન્ડ ઉપર ઊભી હતી. તે બસ-સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઇ ગુનો કહેવાય ? એટલામાં એક બસ આવી ને સ્ટેન્ડ ઉપર ચઢી ગઇ તેણે સ્ટેન્ડ ભાંગી નાખ્યું અને બાઇને ય કચડી નાખી ! ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઇ ગયું. આ લોકોને કહીએ કે 'આનો, ન્યાય કરો.' તો એ લોકો કહેશે કે, 'બિચારી, આ બાઇ વગર ગુને મરી ગઇ. આમાં બાઇનો શો ગુનો ? આ ડ્રાઇવર નાલાયક છે. બાઇ બિચારી વગર ગુને મરી ગઇ, માટે ભગવાન જેવી કાંઇ વસ્તુ જ આ સંસારમાં નથી લાગતી.'

લ્યો, આ લોકોએ આવું તારણ કાઢયું! પણ અમે શું કહ્યું, 'ભોગવે એની ભૂલ.' ભગવાન તો છે જ. અલ્યા, આ ભગવાન ન હોત તો રહ્યું શું આ જગતમાં ? આ લોક તો શું જાણે કે આ ભગવાનનું ચલણ રહ્યું નથી. તે લોકોની ભગવાન ઉપરથી ય આસ્થા ઊડી જાય. અલ્યા એવું નથી. આ બધા તો ચાલુ હિસાબ છે, આ એક અવતારના નથી. આજે એ બાઇની ભૂલ પકડાઇ તેથી ભોગવવું પડયું.

આ કળિયુગમાં એકિસડન્ટ અને ઇન્સિડન્ટ એવા હોય છે તે માણસ મૂંઝાઇ જાય છે. એકિસડન્ટ એટલે શું ? કે 'ટુ મેની કોઝીઝ એટ એ ટાઇમ' અને ઇન્સિડન્ટ એટલે શું ? કે 'સો મેની કોઝીઝ એટ એ ટાઇમ.' તેથી જ અમે શું કહીએ છીએ કે 'ભોગવે તેની ભૂલ' અને પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ સમજાશે.

એક ડોસા મને કહે, 'મને બહુ દુઃખ ભોગવવાનું આવ્યું છે.'

મેં પૂછયું, 'કેમ કાકા, શું થયું છે ?'

એ ભાઇ કહે, 'મારો છોકરો બહુ ખરાબ થઇ ગયો છે.'

મેં પૂછયું, 'એક જ છોકરો ખરાબ થઇ ગયો કે બધા જ ?'

ડોસો કહે, 'એક જ એવો પાકયો છે. બીજા ત્રણ તો સારા છે.'

મેં પૂછયું, 'એ શું કરે છે ?'

ડોસો કહે, 'દારૂ પીએ છે, રમી રમે છે, રેસમાં જાય છે, હોટલોમાં પડી રહે છે. એનાથી તો મને આખી રાત ઊંઘ આવતી નથી. એની ચિંતા રાતદા'ડો થયા જ કરે છે.'

મેં કહ્યું, 'તો તો ભાઇ, તારી જ ભૂલ છે. એ તારી જ ભૂલથી આવું કરે છે. આ બીજા ત્રણ દીકરા સારા છે એનો આનંદ તું કેમ નથી લેતો?'

આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ પૂછયું, 'અલ્યા, તારા બાપાને તો બહુ દુઃખ થાય છે ને તને કશું દુઃખ નથી થતું ?'

છોકરો કહે, 'મને શેનું દુઃખ ? બાપ કમાઇને બેઠા છે. એમાં મારે શેની ચિંતા, હું તો મજા કરૂં છું.'

એટલે આ બાપ-દીકરામાં ભોગવે છે કોણ ? બાપ. માટે બાપની જ ભૂલ. 'ભોગવે તેની ભૂલ.' આ છોકરો નાલાયક થઇ ગયો, દારૂ પીતો હોય, ગમે ત્યાં રઝળતો હોય, જુગાર રમતો હોય, ગમે તે કરતો હોય એમાં એના ભાઇઓ નિરાંતે ઊંઘી ગયા છે ને ? એના મધર પણ નિરાંતે ઊંઘી ગયાં છે ને ? અને અક્કરમી આ ડોસો એકલો જ જાગે છે. માટે એની ભૂલ. એની શી ભૂલ ? તો કે' આ ડોસાએ આ છોકરાને પૂર્વ ભવમાં ફટવેલો તે ગયા અવતારના આવા ઋણાનુબંધ પડયા છે. તેથી ડોસાને આવો ભોગવટો આવે છે. અને છોકરો એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે. આ તો બેમાંથી શેકાય છે કોણ ? જે શેકાય છે એની જ ભૂલ. આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષ માર્ગ ખુલ્લો થઇ ગયો !

'ભોગવે એની ભૂલ' આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે. અમારી પાસેથી ! એને તો જે જે વાપરશે તેનું કલ્યાણ થઇ જશે.

રસ્તામાં ઠોકર હોય અને સિનેમામાં કેટલાંય આવ-જા કરતા હોય ને ચંદુલાલ એકલાને જ ઠોકર વાગે. તો ચંદુલાલ કહેશે કે, 'મને ઠોકર વાગી.' અલ્યા, તું ઠોકરને વાગ્યો ! ઠોકર તો હાલતી ય નથી ને ચાલતી ય નથી. પણ તું ભાગ્યશાળી તે તને ઠોકર વાગી ! પણ ભ્રાંતિથી કહે છે કે, 'મને આ ઠોકર વાગી.' અલ્યા, આ તો 'ભોગવે એની ભૂલ.' આ કોઇ પોપાબાઇનું રાજ નથી. આ જગત એક્ઝેક્ટ ન્યાય સ્વરૂપ છે. ન્યાય વગર આ જગત એક સેકંડ પણ રહ્યું નથી !

સાપ કરડયો ને ભાઇ મરી ગયા, તેમાં ભાઇની ભૂલ. સાપ તો પકડાશે ત્યારે એની ભૂલ ગણાશે.

આપણે કોઇ સલેમાનને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી સલેમાન પૈસા પાછા આપે નહીં, તો ? અલ્યા, આપ્યું કોણે? તારા અહંકારે એને પોષણ આપ્યું તેથી તે દયાળુ થઇને પૈસા આપ્યા, માટે હવે માંડી વાળ સલિયાને ખાતે અને અહંકારને ખાતે ઉધાર.

બે માણસ મળે ને લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે,ને પેલો નિરાંતે ઊંઘી ગયો હોય. માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય 'ભોગવે તેની ભૂલ' યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઇ જશે, નહીં તો પેલાને કેટલી ય ગાળો ભાંડશે !

આ તો જેને ઢેખાળો વાગ્યો તેની જ ભૂલ. એકલી ભૂલ જ નહીં પણ ભોગવવાનું ઇનામ પણ છે. પાપનું ઇનામ મળે તો એ એનાં બૂરાં કર્તવ્યનો દંડ અને ફૂલાં ચઢે તો એનાં સારાં કર્તવ્યનું ઇનામ, છતાં બંને ભોગવટા જ છે - અશાતાનો અથવા શાતાનો.

ન્યાય માટે કોર્ટમાં જવું એ જ મોટામાં મોટો અન્યાય છે !

યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. આ દુઃખ દે છે એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એ ય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એ ય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે !

બાબો બારણું બંધ કરે ને આપણી આંગળી મહીં આવી જાય તો બાબાને વઢાય નહીં. આ તો ભોગવ્યું આપણે માટે આપણી ભૂલ. આ બાબાને શું કહેવું પડે ? એને કહેવું પડે કે, 'જો તું આવું તોફાન કરતો હતો તેથી મારી આંગળી આવી ગઇ. ફરી આવું તોફાન ના કરીશ.' આવું બાબાને સમજાવાય. પણ આ તો એને મારે. અલ્યા, નવી ગૂંચ શા માટે પાડે છે ?

આજના ધણી તો બૈરીને ચોંટી પડે છે. એને કહે કે, 'આ દાળ તે વાયડી કરી.' અલ્યા, તું વાયડો ! ભૂલ તારી તે તારે ભાગે આ દાળ આવી !

લોકો કહે છે કે આ દેહ છે ત્યાં સુધી ભોગવટો છે; પણ ના, ભૂલ હોય ત્યાં સુધી જ ભોગવટો છે. અમારે ભોગવવાનું આવતું નથી, તેથી અમારી ભૂલ નથી.

વાઇફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ 'વીતરાગ' કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે !

'ભોગવે તેની ભૂલ' એ કાયદો મોક્ષે લઇ જશે. કોઇ પૂછે કે, 'મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ?' તો અમે એને શીખવાડીએ કે, 'તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે ? એ તારી ભૂલ. તારી શી ભૂલ થઇ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે.' આ તો આખો દહાડો ભોગવટો આવે છે તે ખોળી કાઢવું જોઇએ કે શી શી ભૂલ થઇ છે!

અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય ? સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય. સામાના ફોરેનમાં ભૂલો થાય, ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં, પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે. મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઇએ.

એક 'ભોગવે એની ભૂલ' આટલું કહ્યું તો એક બાજુનું આખું પઝલ ઊડી ગયું અને બીજુ 'વ્યવસ્થિત' કહ્યુ તો બીજી બાજુનું પઝલ પણ ઊડી જાય.

મહીંની પાર વગરની વસ્તી છે, તે કોણ ભોગવે તે ખબર પડે. કોઇ ફેરો અહંકાર ભોગવે છે, તો તે અહંકારની ભૂલ છે. કોઇક વખતે મન ભોગવે છે તો તે મનની ભૂલ છે, ક્યારેક ચિત્ત ભોગવે છે તે વખતે ચિત્તની ભૂલ છે. આ તો પોતાની ભૂલમાંથી 'પોતે' છૂટો રહી શકે તેમ છે.

'જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાનીનો ! એનાથી કોઇને કોઇની સલાહ જ ના લેવી પડે, કે, કોની ભૂલ આમાં ? 'ભોગવે એની ભૂલ.'

ન્યાય કરનારો ચેતન હોયને તો તો તે પક્ષાપક્ષી પણ કરે ! પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન-ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કોમ્પ્યુટર જેવું છે. આ કોમ્પ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કોમ્પ્યુટરની ભૂલ પણ થાય, પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન-ચેતન છે પાછો 'વીતરાગ' છે !

જીવોની સંપૂર્ણ સ્વતંત્રતા !

કોઇ જીવ કોઇ જીવને હીચ કરી શકે જ નહી. જો એક જીવ બીજા જીવને હીચ આપી શકે તો 'આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય', આ વર્લ્ડ નો સિદ્ધાન્ત ખલાસ થઇ જાય છે, તૂટી જાય છે ! કોઇ જીવ બીજા જીવને સહેજ પણ હીચ આપી શકે એટલી સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તો આખા વર્લ્ડના બધા સિદ્ધાન્ત ફ્રેકચર થઇ જાય છે. કોઇ જીવ બીજા જીવને કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે ! આપણું જ ફળ આપણને આપે છે ! બાકી કોઇ ઉપરી નથી. ઉપરી હોત તો તો મોક્ષ કોઇનો ય ના થાત ! કોઇ માણસની તમારામાં આડખીલી નથી. તમારી જ ભૂલો તમારી ઉપરી છે.

કોઇ જીવ તને દુઃખ દે છે, એ તો નિમિત્ત છે. તારું ગજવું કપાયું, તે શાથી ? તો કે' એ કાપનારાને ગજવું કાપવાનું વ્યુ પોઇન્ટ આવ્યું છે. એને ગજવું કાપવામાં જ સુખ લાગે કે, આના સિવાય બીજું નથી કરવું. ગજવું કાપનારાને ૩૬૦ ડિગ્રીના સર્કલમાં ગજવું કાપવાનો જ વેપાર કરવો એવું દ્રષ્ટિબિંદુ નક્કી થઇ ગયું હોય. એ એને જ વેપાર માને. ત્યારે એના ઘરાક પણ હોય ને ? કુદરતનું સંચાલન કેવું છે કે જેની કલમો હોય તેને પેલા ભાઇને ભેગો કરી આપે. જેણે દુઃખ ભોગવ્યું એની ભૂલ. 'ભોગવે તેની ભૂલ.' અંધારાની ભૂલો અજવાળામાં પકડાય છે. જેનું ગજવું કપાયું ત્યારે ખુલ્લી થઇ !

જે ચોર નથી એનું ગજવું કોણ કાપનાર છે ? જેનામાં હિંસાનું એક પણ પરમાણુ નથી એને મારનાર કોણ ?! સાપ બાજુમાં જ હોય તો ય તે તેને મારી ના શકે. એક ચારિત્ર્યવાન પુરુષ હોય અને સાપ ભરેલી રૂમમાંથી એ જાય તો સાપ ઉપરાછાપરી થઇ જાય અને માર્ગ આપે ને સાપ પેણે હોય તો તે સાપ બળીને ભસ્મીભૂત થાય. આવો શીલનો પ્રતાપ છે ! અને આજે તો મચ્છરદાની બાંધી હોય તો ય મચ્છર કરડી જાય!

ભગવાને શીલ કોને કહ્યું ? કોઇ પણ જીવને મનથી, વાણીથી, કાયાથી, કષાયથી, અંતઃકરણથી કયારે ય પણ દુઃખ ન આપવાનો જેને ભાવ છે એ શીલવાન છે ! એને જગતમાં કોઇ દુઃખ કેમ આપી શકે !?

 

જગત, વ્યવહાર-સ્વરૂપ

આ જગત 'ન્યાય'-સ્વરૂપ નથી, 'વ્યવહાર'-સ્વરૂપ છે. ભગવાને કહ્યું છે કે, ન્યાય જોશો નહીં, નહીં તો બુદ્ધિ વિભ્રમ થઇ જશે. વ્યવહાર જોજો પણ ન્યાય જોશો નહીં. એટલે વ્યવહારમાં ન્યાય કરવા જેવો નથી. વ્યવહાર જેવો છે તેવો છે, એટલું સમજી લેવાનું છે.

વ્યવહાર વ્યવહાર-સ્વરૂપ છે, તે તમને સમજાવું. તમારે ત્યાં લગ્ન હોય અને તમારા સગા ભાઇની જોડે તમે વ્યવહાર ના કર્યો હોય, જમવાનું પીરસણ ન મોકલ્યું હોય તો તમારા ભાઇને ત્યાં લગ્ન આવે તો એને ત્યાંથી જમવાનું આવશે એવી આશા તમે રાખો ? ના રાખો, કારણ કે એ ભાઇની જોડે એવો જ વ્યવહાર હતો અને જો એક ભાઇને ત્યાંથી લગ્ન પ્રસંગે સોળ લાડુ આવ્યા હોય અને બીજા ભાઇને ત્યાંથી ત્રણ લાડુ આવ્યા હોય તો તમારા લક્ષમાં શું હોવું જોઇએ કે, 'ભલે, આજે મારા લક્ષમાં નથી, પણ મેં ત્રણ જ લાડુ મોકલ્યા હશે. મારો વ્યવહાર જ આવો હશે, ત્રણ લાડુ હશે તેથી સામેથી ત્રણ આવ્યા.' વ્યવહારમાં ન્યાય જોવાનો ના હોય, વ્યવહાર વ્યવહાર-સ્વરૂપ જ છે.

આ પંખો ફુલ સ્પીડમાં ચાલતો હતો. તેનું રેગ્યુલેટર બગડી ગયેલું, અમને ખબર નહીં તેથી કહ્યું કે, 'પંખો જરા ધીમો કરો.' તો કહે કે, 'પંખો ધીમો નથી થતો.' એટલે અમે તરત જ સમજી ગયા કે, આનો વ્યવહાર જ આવો છે તો ફરી એનો ન્યાય કરવા કયાં બેસું ? એટલે વ્યવહારમાં ન્યાય કરવાનો ના હોય.

આ ઘરમાં છોકરા-છોકરીઓ સાથે જે વ્યવહાર છે તે જ કરવો. એમાં ન્યાય શો કરવાનો ? ધણી પજવે તો શું કરવું ? ડાઇવોર્સ કરવા? અલ્યા, આ તો આવો જ વ્યવહાર છે, એમાં ન્યાય શું કરવાનો રહે ?

દરેક જોડેનો આપણો વ્યવહાર હોય. તે આપણે સમજી લેવાનું કે આની જોડે સીધો વ્યવહાર લાવ્યા છીએ, આની જોડે આવો વાંકો વ્યવહાર લાવ્યા છીએ. છોકરી થઇ સામું બોલી એ જ તારો વ્યવહાર એમાં ન્યાય કયાં જોઇશ ? અને બીજી છોકરી પોતે નથી થાક્યા તો ય આપણા પગ દબાવ દબાવ કરે, એ ય તારો વ્યવહાર છે. એમાં ય ન્યાય ના જોઇશ.

આ ન્યાય જોવા જાય છે એમાં જ ફસાય છે. વ્યવહાર તો ઉકેલાયા કરે છે, અને જેવો લાવ્યા હોય તેવો પાછો મળે. જયારે ન્યાય તો શું છે કે સામો આવો હોવો જોઇએ, તેવો હોવો જોઇએ એવું દેખાડે. ન્યાય કોને માટે છે ? જેને 'મારી ભૂલ છે' એમ સમજાય છે, તેને તે ભૂલ ભાંગવા ન્યાય છે. ને જેને 'મારી ભૂલ જ થતી નથી' એમ છે એને સમજવા માટે વ્યવહાર છે. ન્યાય એ તો કોમન લૉ છે. જેને મોક્ષે જવું હોય તેણે ન્યાયને જોઇ જોઇને કામ આગળ ચલાવવું, અને જેને મોક્ષની પડી નથી અને સંસારમાં જ રહેવું છે એને અને કોમન લૉ ને કંઇ લેવાદેવા નથી. ન્યાય તો થર્મોમીટર છે. આપણે જે કર્યું એ જોઇ લેવાનું કે આપણે કર્યું એ ન્યાયમાં છે કે ન્યાયની બહાર. ન્યાયમાં હશે તો ઊર્ધ્વ ગતિમાં જઇશ અને ન્યાયની બહાર હશે તો અધોગતિમાં જઇશ.

પ્રશ્નકર્તા : આ કાળમાં વાણીની જ ભાંજગડ છે ને ?

દાદાશ્રી : સામો શું બોલ્યો, કઠણ બોલ્યો કે નરમ બોલ્યો તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા તેના ય 'આપણે' જ્ઞાતા-દ્રષ્ટા. અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી એ એના વ્યવહારને આધીન નીકળી, પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઇ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુઃખ થયું એ ય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ કે આજે સામાનો અને આપણો વ્યવહાર છતો થયો અને ભગવાન પણ આ વ્યવહાર એકસેપ્ટ કરે છે.

કોઇ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે જે કરતો હોય ગાળો ભાંડતો હોય એ બધો જ તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહાર એકસેપ્ટ કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઇશ.

પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ?

દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઇ પણ જાતની ઇફેક્ટ આવી તે હિસાબ વગર ના થાય. ઇફેક્ટ એ કોઝીઝનું ફળ છે. ઇફેક્ટનો હિસાબ તે વ્યવહાર.

વાણી-સામાના વ્યવહારાધીન !

વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું, જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?

ન્યાય શું કહે છે ? નવને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઇ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, 'એ આવું આવું બોલ્યા, તે તમારે આવું આવું બોલવું જોઇએ.' પણ તમે એક વખત બોલો એટલે પેલા બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બંને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો, વ્યવહાર ભગાઇ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તુરત જ પ્રતિક્રમણ કરો.

તમારે ના બોલવું હોય તો ય બોલાઇ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે તે આધારે જ નીકળે છે. કોઇ કોઇ જગ્યા તપાસી જોજો. કોઇ માણસ તમારું નુકસાન કરતો હોય તો ય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઇ કે તમારું જરા ય નુકસાન ના કર્યું હોય તો ય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? તો કે' એવું સામાના વ્યવહારને આધીન થાય છે.

જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે, 'તમે મને કેમ નથી વઢતા ?' તો હું કહું કે, 'તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વધારે વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા.' અમારે 'જ્ઞાની પુરુષ' ને કઠણ વાણી જ ના હોય, અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઇએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઇ પણ પ્રકારની કામના નથી, કોઇ ઇચ્છા નથી, કોઇ પણ પ્રકારના રાગદ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. 'જ્ઞાની પુરુષ'ને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં, કોઇ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે કયાંથી હોય? એક કલાકમાં જે મોક્ષ આપે છે એને વળી ગાળો આપવાની કયાંથી હોય? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે! કવિ શું કહે છે કે,

'મૂઆ જેને કહે એ તો અજર અમર તપે;

ગાળ્યું જેણે ખાધી એનાં પૂરવનાં પાપોને વીંધે.' - નવનીત

કોઇ કહેશે, 'આ ભાઇને દાદા કેમ કઠણ શબ્દ કહે છે ?' એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યા હોય તે અમારી પાસે કઠણ વાણી દેખે.

અમારે ઘેર ઉપર ચા આવે, તે કો'ક વખતે ચામાં ખાંડ જ ના નાખી હોય તો અમે કશું બોલ્યા વગર પી લઇએ. ઘણી વખત તો નીચે ખબરે ય ના પડે. ને ખબર પડે તો એ જયારે ચા પીએ ત્યારે ખબર પડે. અમારે રોજની બાબતમાં બોલવાનું ના હોય. બોલવાનું કયાં હોય કે કંઇ નવીન નાખવાનું હોય તો જ કહીએ ને ખાંડ તો રોજ નાખે જ છે. તે આજે જ ભૂલ્યા છે, તો એમાં બોલવાની જરૂર નથી. ખાંડ નાખવી એ તો વ્યવહાર છે. તે ખાંડ વગરની ચા આવે તો અમે સમજી જઇએ કે આજે આવો વ્યવહાર આવ્યો છે, તો ચા પી લઇએ.

વ્યવહારમાં 'ન્યાય' કયો ?!

વ્યવહાર જ બધે મૂંઝવે છે ને ? વ્યવહારને અને ન્યાયને લાગતું વળગતું નથી. લોકો ન્યાય કરવા જાય છે, ન્યાયને બોલાવાનો જ ના હોય. જે વહુને સાસુ પજવતી હોય તે ય વ્યવહાર ને જે વહુને સાસુ જમાડ જમાડ કરતી હોય તે ય વ્યવહાર છે. આખો દા'ડો કેસર ઢોળે એ વ્યવહાર છે અને પજવે એ ય વ્યવહાર છે. જો વ્યવહાર ના હોય તો તો પુદ્ગલ આવે જ નહીં ને ! આ વ્યવહાર છે, એમાં ન્યાય-બ્યાય જોવા જાય તો ઉકેલ જ ના આવે.

ભગવાન જોડે ૧૧ શિષ્યોનો વ્યવહાર હતો, એમાં કો'ક શિષ્યને કો'ક દા'ડો ખોટું લાગી જાય તો એ શિષ્ય આખી રાત ઊંઘે નહીં. એમાં ભગવાન શું કરે ? એમાં કયાં ય ન્યાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા? કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી. ને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે. માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું તેનું શું ?

દાદાશ્રી : એ વ્યવહારાધીન છે.

પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ?

દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ મોક્ષે લઇ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડયા તો વેર બંધાય. ભૂલ જયારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તો ય ના બંધાય. કારણ કે આપણે સામાનાં આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને 'સ્વરૂપ-જ્ઞાન' ના હોય તેણે વ્યવહાર વ્યવહાર-સ્વરૂપ જ રાખવો હોય તો સામો અવળું બોલ્યો તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.

નિઃશેષ વ્યવહારે ઉકેલ !

ભગવાને શું કહ્યું કે 'એક વ્યવહાર છે અને બીજું નિશ્ચય છે'; વ્યવહારનો તો નિઃશેષ ભાગાકાર થઇ રહ્યો છે, નહીં તો ઉકેલ કયાંથી આવે ? નિરંતર વ્યવહારને વ્યવહારમાં રાખવો અને નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો. અને વ્યવહારમાં તો જેટલું હશે તેટલું તો સામે આવશે જ ને ? વ્યવહાર તો તમે જેટલો વ્યવહાર લાવેલા તેટલું રોકડું જ આપે. વ્યવહાર શું કહે છે ? કાયદેસર અઢાર આપવા જોઇએ અને આઠ જ કેમ આપ્યા ? કારણકે આઠનો જ વ્યવહાર હતો માટે આઠ આપ્યા, એટલે વ્યવહાર શૂન્ય થઇ જાય, પાછલાં કર્મો શૂન્ય થઇ જાય. પણ 'જ્ઞાની પુરુષે' જ્ઞાન આપ્યું હોય તો ચાર્જ ના થાય, નહીં તો ચાર્જ થઇ જાય.

વ્યવહાર એટલે બન્નેની વાત શૂન્યતાને લાવે તે. સ્થૂળ કર્મો, પંચેન્દ્રિયથી દેખાતાં, અનુભવાતાં કર્મો, શૂન્યતાને પામે એ વ્યવહાર. સ્વરૂપના અજ્ઞાનીને એ ચાર્જ કરીને જાય અને અમે જેને જ્ઞાન આપ્યું હોય, જેને સ્વરૂપનું ભાન હોય તેને તો ડીસ્ચાર્જ થઇ જાય અને નવું ચાર્જ ના થાય. ડીસ્ચાર્જ કોઇ પણ પ્રકારનું હોય પણ તે જેવો સામાનો વ્યવહાર હશે તેવું જ ડીસ્ચાર્જ થશે.

કેટલાક એવા હોય છે કે, તમે ઉપકારથી ભાગતા હો તો ય તે અપકારથી ભાગતા હોય ! એમાં ન્યાય કરવા જાવ તો ગાંડા બનો. સરકાર, વકીલ બધા ગાંડા બને. એમાં તો આ ઉપકાર કરે છે એ વ્યવહાર છે અને પેલો અપકાર કરે છે એ ય વ્યવહાર છે. એમાં ન્યાય કરવા જાવ અને લવાદને બોલાવો તો લવાદ ઉપરથી પહેલાં જ કહેશે, એય, ચા-પાણી-નાસ્તા લાવો !

જયાં વ્યવહાર કહ્યું ત્યાં ન્યાય ખોળવાનો જ કયાં રહ્યો ? તું આ સમજીશ નહીં તો વ્યવહાર પોતે જ તને મારી-ઠોકીને વ્યવહાર કરાવશે. માટે સમજી જાને કે આ તો વ્યવહાર જ છે !

પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં મહીં બળ્યા કરે એ તરછોડ કહેવાય ને ?

દાદાશ્રી : એ તો એની જોડે રમણીય વ્યવહાર સચવાયેલો નહીં તેથી એવું બને, આ વ્યવહારમાં કોઇને અમે વઢતા હોઇએ પણ એમાં અમારો પોતાનો જરા ય સ્વાર્થ ના હોય તો તે રમણીય વ્યવહાર હોય. એનું ફળ સુંદર આવે. પણ સ્વાર્થ માટે લઢે, પક્ષાપક્ષી માટે લઢે તેનું ફળ કડવું આવે. અમારો વ્યવહાર રમણીય હોય. વગર કાર્ય કર્યે જશ મળે. એમ ને એમ પગલાં પડે ને ફેરફાર થઇ જાય તે પૂર્વભવનો રમણીય વ્યવહાર છે. હવે તો આપણે જેટલો અને જેવો વ્યવહાર છે તે ભૂંસી નાખવાનો છે અને હવે આપણે નવો વ્યવહાર કયાં કરવાનો છે ? હવે તો તમારે વ્યવહારના જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદમાં રહેવાનું છે

હવે કોઇ માણસ પૂછવા આવે કે, 'મારો છોકરો આવું કરે છે, ફલાણાએ આવું કર્યું, એવું તે કરાતું હશે ?' તો હું કહું કે, 'જે થઇ રહ્યું છે એ જ ન્યાય છે.' ન્યાય તો થર્મોમીટર છે. દરઅસલ સંજ્ઞા એ દરઅસલ ન્યાય છે; જે થઇ રહ્યું છે તેને જ અમે 'વ્યવસ્થિત' કહીએ છીએ. એમાં પછી ન્યાયાન્યાય ખોળવાનું કયાં રહ્યું ?

આજે આ ગજબની વાત નીકળી છે ! આ વાત વર્લ્ડમાં ઊંચામાં ઊંચી વાત છે !! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધારે નીકળી ગઇ છે; તમામ શાસ્ત્રોના સાર રૂપે નીકળ્યું છે !!! આ વાક્યનું વિવરણ કરવા જેવું છે.

 

વ્યવહારિક સુખ-દુઃખ સમજ !

આ સંસારનાં સુખ-દુઃખ છે એને ભગવાને સુખ-દુઃખ કહ્યું નથી. ભગવાને આને વેદનીય કહ્યું છે. સુખને શાતા વેદનીય કહી અને દુઃખને અશાતા વેદનીય કહી.

પ્રશ્નકર્તા : વેદનીય કેમ કહ્યું ?

દાદાશ્રી : કારણ કે એનું પ્રમાણ વધી જાય તો કંટાળી જાય. આ જમવાનું રોજ એક જ પ્રકારનું મૂકે તો કંટાળી જાય. તેથી તે ય વેદના જ છે ને ? પુણ્યકર્મથી શાતા વેદનીય અને પાપકર્મથી અશાતા વેદનીય છે. આ લગ્નમાં બધાં લોક આનંદમાં હોય ને ભાઇના મોઢા પર દિવેલ પીધું હોય એમ કેમ દેખાય ? ત્યારે કહે, 'મહીં' અશાતા વેદક છે. તે એ આમથી ગોદા મારે અને તેમથી ગોદા મારે અને ગમે તેવાં દુઃખનાં સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સીસ ભેગા કરી આપે અને ભાઇને દુઃખ આપે. આ ઉપર ભગવાન કે ગ્રહો કોઇ દુઃખ આપે નહીં. ઉપર કોઇ બાપો ય નવરો બેઠો નથી તમને દુઃખ આપવા ! આ તો મહીં પેલો વેદક છે એ કરાવે છે. આમાં આત્મા નથી. આત્મા સિવાય બીજી વસ્તુ છે. આ તો આખું લશ્કર મહીં છે. પોલીસવાળો, ફોજદાર, એનો ઉપરી એ બધા ય આ લશ્કરમાં છે !

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને આ બે વેદક ના હોય ને, દાદા ?

દાદાશ્રી : ના, 'જ્ઞાની'ને પણ હોય. પણ જ્ઞાની જુએ અને જાણે. કંઇ અપજશ મળે તો આપણે કહીએ કે આ તો તમારો હિસાબ તેથી અપજશ મળ્યો. આપણે તો જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી, તે પાડોશીની જેમ રહેવાનું. આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે. કોઇને દાઢ દુઃખવા આવે તો એ કેમ એમ નથી વિચારતો કે આ કાયમ દુઃખતી રહેશે તો ? આ બધાંનો ટાઇમ હોય. કાળ પાકે એટલે દુઃખતું બંધ થાય. એક અવસ્થા અડતાલીસ મિનિટથી વધારે ટકે નહીં એવા નિયમવાળું જગત છે !

અવસ્થામાં સુખ હોય નહીં. અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની. બગીચામાં સુખ હોય તો પાછું ઘેર આવવું પડે છે, એના કરતાં આ દુઃખના હાંલ્લામાં પડયા રહીએ કે જે જગ્યાએ દુઃખ છે ત્યાં જ પડયા રહીએ તો સુખ થાય. દુઃખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે, કારણ કે તાપમાં ચાલેલાને બાવળિયા નીચે સુખ આવે જ, અને જો કોઇને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર-પાંચ કલાક તાપમાં ફેરવીએ તો ત્યાં ય તેને સુખ લાગશે. આ સંસારની કલુષિત ક્રિયાને એનાં ફળ રૂપે સુખ ઉત્પન્ન થાય છે ! પછી એ ઘેર જઇને પંખો ફેરવીને બેસે તો 'હાશ, સુખ થયું' કહે ! પછી એ નિરાંતે ચા-પાણી પીએ. અને આખો દા'ડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે, ચા-પાણી ના ગમે. આ સંસારમાં કોઇ પણ સુખ છે એ થાક્યાનાં ફળ રૂપે છે. તાત્વિક સુખ-સનાતન સુખ આવે પછી કયારે ય પણ જાય નહીં !

કેટલીક જગાએ ઓરત ધણીને દુઃખ આપે તો કોઇ જગ્યાએ ધણી ઓરતને દુઃખ આપે. પણ એ દુઃખ શાથી લાગે છે ? તો કે' પ્રમાણથી ઓછું દુઃખ આપે છે, તેથી. જો પ્રમાણથી વધારે દુઃખ પીરસે તો સુખ લાગે. ત્યારે અહીં જ્ઞાન શું બોલે કે આ તો વાગ્યા જ કરશે. તે પછી સુખ ઉત્પન્ન થઇ જાય !

આ ચક્રવર્તી રાજાઓને મહેલોમાં સુખ ના લાગ્યાં ને આ ગરીબોને ઝૂંપડીમાં સુખ લાગ્યા કરે છે એ જ અજાયબી છે ને ? સુખ તો ટકાઉ હોવું જોઇએ, આવ્યા પછી જાય નહીં. સુખ તો 'દાદા'ને છે તેવું હોવું જોઇએ, એક ક્ષણ પણ એ જાય નહીં, 'દાદા'ને નિરંતર સહજ સમાધિ રહે !

પ્રશ્નકર્તા : જીવ બીજે સુખ શા માટે ખોળે છે ?

દાદાશ્રી : આ છોકરાને દાળભાત સરસ ખાવા મળે તો તે હોટલમાં ના જાય. પણ ઘેર જ સંતોષ ના રહે તો પછી એ બહાર ખાવા જાય, તેવું સુખમાં અસંતોષ છે એટલે સુખ ખોળે છે. જીવ અતીન્દ્રિય સુખને માટે ભટકે છે, પોતાનું સુખ કોઇએ ચાખેલું જ નહીં, આ કલ્પિત સુખ તો કેટલું ટકે ? 'જ્ઞાની પુરુષ' મળી જાય તો અતીન્દ્રિય સુખ મળી જાય! કલ્પિત સુખથી તો તૃપ્તિ ના થાય, સંતોષ થાય ખરો. જયાં સુધી જ્ઞાન ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી 'અવળા-હવળા'નું ભાન મનુષ્યને હોય નહીં. બુદ્ધિ છે તો સંસારનાં હિતાહિતનું ભાન બતાવે પણ મોક્ષના હિતાહિતનું ભાન ના બતાવે. એ તો હું મરી જઇશ એવું બતાવે !

આ જગત ક્રમે ગોઠવાયેલું છે. પદ્ધતિસર જગત છે. કોઇને ય મનનાં દુઃખ નથી. એક મનુષ્ય નામના પ્રાણીને જ દુઃખ છે. પ્રાણી શાથી? કે પ્રાણના આધારે જીવે છે. બીજા કોઇ જનાવરને મનનાં દુઃખો નથી. ભૂખ લાગે તો તેમને વેદના થાય પણ જરાક ખોરાક મળે એટલે વેદના શમી જાય. એમને લોભ જ નહીં ને ! આ મનુષ્યોને જ લોભ છે. તે પોતાના ગમાણનું તો ખાય પણ જોડેનાની 'ગમાણ'નું પડાવી લેવા ફરે ! લોભથી જ દુઃખો ઊભાં છે !

આ માણસોને ઘૈડપણમાં પગ દુઃખે તો ડૉક્ટર પાસે દોડે, દવા કરાવે. પણ આ પક્ષીઓને કે માછલાંઓને છે ડૉક્ટર ? એમને ભોગવ્યા જ કરવાનું. એમને છે એકે ય વિષય ? આહારસંજ્ઞા હોય તેથી ખાવા જોઇએ, પણ જીભના વિષય નહિ. એમને ય જો ખાવા-પીવાના વિષયો હોય તો તેમને ય દાઢો દુઃખત, ચશ્મા આવત. જનાવરોને ય ઘૈડપણમાં દુઃખો આવવાનાં, પણ મૂંગે મોઢે સહન કર્યા કરવાનાં તેમને !

આ બળદને આખો દહાડો ખેતરમાં ખેતી કરાવે ને પોતાનો બળદ પોતાના ખેતરમાંથી કશું ખાઇ ના જાય તે માટે મોઢે શીંકી બાંધે, તે બળદ જાણે કે મારે કશું ખાવાનું નહીં. એક ખેડૂતભાઇને રાતે સિનેમા જોવાનું મન થયું. તે બળદને ઘાસ-બાસ સરસ સરસ મૂકીને જતો રહ્યો, પણ શીંકી કાઢવાનું ભૂલી ગયો. બિચારો બળદ શું કરે ? પેટમાં ભૂખ લાગી પણ કરે શું ? કોને કહે ? રાતે બાર વાગ્યે ખેડૂત આવ્યો ને સૂઇ ગયો. બળદની કંઇ તપાસ-બપાસ કરી નહીં. બળદ તો જમીન પર પગ પછાડ પછાડ કરે આખી રાત ! તે સવારે જોયું તો ખબર પડી કે શીંકી કાઢવાનું ભૂલી જ ગયેલો!

જીવન - ઘાંચીના બળદ જેવા !

અનંત અવતાર ઘાંચીના બળદની જેમ મજૂરી કરી, ફળમાં મળ્યું શું ? તો કે' ખોળનું એક ઢેફું ! તેમ ભાઇ આખો દહાડો ઘાંચીના બળદની પેઠે મહેનત કરીને મરી જાય ત્યારે રાત્રે હાંડવાનું ઢેફું મળે ! બહુ બધાં દુઃખો ભોગવ્યા છે ! પાર વગરના માર ખાધા છે. આ તો કલ્પિત દુઃખોને પાછા આમંત્રણ માટે પત્રિકા મોકલે. લગ્નમાં માસીના મામાજીના દીકરાને બોલાવે. જરૂર હોય એને કંકોતરી મોકલને ! પણ આ તો બધાંને આમંત્રણ આપે તે પછી બધાં આવે. આ દુઃખને એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું, અને સુખને ય એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું. પણ જેને કંકોતરી મોકલે તે આવે. પછી કહે કે દુઃખ કેમ આવ્યું ?

આ ગામડાનાં બૈરાં ભેગાં થાય ને પછી સુખદુઃખની વાતો કરે. બાયડી કહે કે મારે તો મારા 'એમને' એક દહાડો ટૈડકાવવા છે અને પુરુષો ભેગા થઇ ને વાતો કરે કે 'મૂઇને બે ધોલ દેવી છે.' તે પછી જો. પેલી ટૈડકાવે અને પેલા એને બે ધોલ મારે એવો આ સંસાર છે ! આ સંસારમાં જરૂરની વસ્તુ કેટલી ? બે ટાઇમ ખાવા મળે ને નાહવાનું પાણી મળે તો ઠીક, પણ પીવાનું પાણી તો જોઇએ. આવડા નાના વાળ હોય તો ખોડો થાય કશો ? આ તો વાળ વધારે ને પછી ખોડો થાય. આ તો જરૂર વગરનાં દુઃખો નોતરે છે.

સંસાર એ તો નર્યો દુઃખનો ભંડાર છે. તેમાં બોલાય નહીં, કહેવાય નહીં ને સહેવાય નહીં ! ને ગળ્યા કરવાનું ! આ બળદિયાને તો આખી જિંદગી મહેનત કરવાની અને પછી ઘૈડો થાય ત્યારે કપાઇ મરવાનું. એમને રીટાયર થવાનું છે કંઇ ? છે જરાય એમને ટેન્શનમાંથી નીકળવાનું? આ તો પોતાને દુઃખ છે, એનાં કરતાં જનાવરોને પાર વગરનાં દુઃખ છે. 'આ જનાવરો કરતાં તો આપણને દુઃખો ઓછાં છે ને' એમ વિચારવાનું. આ તો મોઢે એક ફોડકી થઇ હોય તો દુઃખ થઇ જાય!

દુઃખોને ના રડે તે ખાનદાન !

પોતાનાં દુઃખો બીજાને રડીને કહેવાં એ તો કાંઇ ખાનદાની કહેવાય ? પણ લોકો તો દુઃખો બધાંને કહેતાં ફરે. દુઃખો કહેવાની શક્તિ હોય છતાં સહન કરવું ને ના કહેવું એનું નામ ખાનદાની ! મોટો માણસ પોતાનાં દુઃખને સમાવી લે. કારણ કે એને એમ હોય કે એમાં કહેવા જેવું શું છે ? કાંઇ સામેવાળો આપણાં દુઃખ લઇ લેવાનો છે ? આ જનાવરો આવે છે કંઇ પોતાના દુઃખો કહેવાં ? આ કૂતરીનો પગ મોટર નીચે આવે તો એ કોને કહેવા જાય છે ? તે બિચારી ઢસવાતી ઢસવાતી ચાલે, તેને દવા-બવા કશું જ નહીં !

આ જનાવરોને છે કંઇ નણદોઇ-બણદોઇ ? આ તો મનુષ્યમાં આવ્યાં ત્યાંથી અમારા નણદોઇ, અમારા વર. કયા અવતારમાં વર નહોતો મળ્યો ? કૂતરાંમાં ય ને ગધેડામાં ય - બધે ય વર મળેલો, તો ય આવું જ ગમે છે લોકોને. નહીં તો પોતે પરમાત્મા જ છે ! આ મુક્તિ માટે જન્મ મળે છે, પણ એ કામ તો ભૂલી ગયો. જે કામ માટે આવે ને એ કામ ભૂલી જાય તો એનાથી મોટો મૂરખ કોણ ? આ સંસારમાં આ મારા સસરા, આ મારી સાસુ ને આ મારો ધણી ને આ મારી વહુ એમ 'મારું-મારું' કર કર કર્યું છે. પણ દાંતમાં સણકા મારે ત્યારે કોઇ આવે નહીં. ડોશી વહુને કહે કે, 'દાઢ દુઃખે છે તો અલી કંઇ રસ્તો બતાવને!' ત્યારે વહુ મહીં વિચારે કે આ ડોશી શું કચકચ કરતી હશે ! પણ એ તો એને દુઃખે ત્યારે ખબર પડે. પણ તે ઘડીએ ભૂલી ગયેલી હોય. ગુના કરીને પછી ભૂલી જાય. તે ભોગવતી વખતે કહે કે મને આ દુઃખ શું કામ આવ્યું ?

ચોપડાના હિસાબ !

આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ? એ તો ચોપડાના હિસાબ છે. પણ એ તો જાણ્યું જ નહીં. જો જાણે તો તો હિસાબ જ ચોખ્ખો કરતો જાય. અને આ તો જાણે નહીં એટલે પછી એક હિસાબ ચૂકતે થાય ને બીજો હિસાબ વધારતો જાય, અને મામાનો હિસાબ બાકી હોય તો કોઇ પણ નિમિત્તે હિસાબ ચૂકતે થયા વગર રહેવાનો નહીં ને !

જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી ? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફ્લેટનાં બાઇ-સાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઇ ભડકવાની જરૂર નથી કે હું ય લૂંટાઇ જઇશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતાં તું તારે સહજમાં ફર્યાં કરને. તારો હિસાબ હશે તો લઇ જશે, નહીં તો કોઇ બાપો ય પૂછનાર નથી. 'ભોગવે એની ભૂલ.' માટે તું નિર્ભય થઇને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઇવોર્સ થાય છે એ સારું છે. છતાં, વધારે ડાઇવોર્સ થવા માંડે તો બધાંને શંકાને સ્થાન મળે કે આપણે ય ડાઇવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઇ બાપો ય ઉપરી નથી.

આપણને કોઇ જોષીએ હાથ જોઇને કહ્યું હોય કે ચાર ઘાતો છે. તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઇએ. હવે આમાંથી એક ઘાત ગઇ તો આનંદ માનવો કે સિલકમાંથી એક ઓછી થઇ ! તેમ અપમાન, ગાળો, એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી એક દુઃખ ઓછું થયું. પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે, એ ના હોવું જોઇએ. કોઇની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઇ ! હવે ૯૯૯ ગાળો બાકી રહી !! પેલો બોજો રહે છે કે મને 'કેમ ગાળ આપી તે, ના હોવો જોઇએ. અને જો તમારાં દુઃખો 'દાદા'ને સોંપી દો તો તો કામ જ નીકળી જાય. 'અમે' આખા જગતનાં દુઃખો લેવા આવ્યા છીએ, જેને સોંપવા હોય તે આ 'દાદા'ને સોંપી જાય. આપણે દાદાને કહીએ કે 'દાદા અમે તો પહેલેથી જ ગાંડા છીએ. માટે હવે તમે હાજર રહો.' એટલે દાદા આવે જ.

માન વખતે જેમ આનંદ રહે છે તેમ અપમાન વખતે ય આનંદ હાજર રહેવો જ જોઇએ. અપમાન વખતે આનંદ શાથી હાજર નથી રહેતો ? 'અપમાન વખતે આનંદ હાજર રહે જ.' એવું નહીં કહેવાથી એ હાજર નથી રહેતો; માટે આપણે 'રહે જ' એમ કહીએ એટલે રહે. પણ એ તો 'ખ્યાલ નથી રહેતો' એવું કહે તો પછી એ ખ્યાલ શી રીતે હાજર રહે ? મહી આત્મામાં અનંત શક્તિઓ ભરી પડેલી છે. નક્કી કરે એવું થાય એમ છે.

આ સંસારમાં સુખ નથી એવો હિસાબ કાઢેલો કે તેં ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : જેને આ સંસારના ચોપડાઓનું સરવૈયું કાઢતાં આવડયું એને મોક્ષની તીવ્ર ઇચ્છા થાય. ચોપડા જોતાં ના આવડે તો ય મોક્ષની તીવ્ર ઇચ્છા તો હોય જ. આ સરવૈયું કાઢે ત્યારે જ સમજાય કે શામાં સુખ છે ? બાપ થવામાં સુખ છે ? ધણી થવામાં સુખ છે ?

સત્સુખ કયારે જડે ?

પ્રશ્નકર્તા : પોતે શુદ્ધ છે, એવું આ લોકો જાણતા હશે ?

દાદાશ્રી : શી રીતે જાણે ? પોતે શુદ્ધ છે એવું જાણે તો અપાર સુખ આવે. પણ આ નહીં જાણતા હોવાથી આ બધાં દુઃખો છે. અણસમજનાં દુઃખો છે. કંઇ શોધખોળ તો કરવી જોઇએ ને કે સુખ શામાં છે ? આ તો ગધેડાની પેઠે દોડધામ, દોડધામ કરે છે. તે પાછો પડી જાય, અથડાઇ જાય. આવું તે હોતું હશે ? આ મનુષ્યોને જીવન જીવવાની કળા નષ્ટ થઇ ગઇ છે. આ પિત્તળ, તાંબુ, લોઢું એ બધી ધાતુઓ એના ગુણધર્મમાં રહેલી છે. પણ આ પંચધાતુનું પૂતળું બહુ વસમું છે ! એ કંઇ તૃતીયમ જ ખોળી કાઢે ! હોય પોતે શેઠ, પણ લોક કહેશે કે, 'ભાઇ, વાત જ ના કરશો ને એમની તો !' કારણ શું ? કે, શેઠ કંઇ કામના જ નથી. એટલે કંઇ માર્ગ તો કાઢવો પડશે ને કે પોતે શી રીતે સુખી થાય?

સંસારમાં સુખ નથી એવું કયારે થાય ? જયારે દુઃખો આવે ત્યારે હિસાબ નીકળે. આ તો બધાં ખાતાં અનંત દુઃખોવાળાં જ છે. પણ સુખ આવે ત્યારે મસ્તાન થઇ ને ફરે છે અને દુઃખ આવે ત્યારે સમજાય, ત્યારે લાગે કે આ સંસાર તો ખારો દવ જેવો છે. પણ પોતાની પાસેનું બધું સોનું દરિયામાં ફેંકી દે પછી કંઇ જડે ? પછી તો પોક મૂકીને રડવું પડે. આ એક વખત સંસાર બગાડી નાંખ્યો તો શી રીતે ફરી સુધરે ? તે માટે તો એક વીતરાગ વાણી જ સુધારે, ને તે જ મોક્ષ આપી શકે એમ છે. આ દેહનું બંધન, વાણીનું બંધન, મનનું બંધન, બુદ્ધિનું બંધન, અહંકારનું બંધન તે શી રીતે પોષાય ? આ બધા બંધનો પોતાથી જુદાં જ છે. પણ આ તો તમે ભેગાં કર્યાં. 'હું એ જ મન છું, અહંકાર એ હું જ છું.' તે પછી મૂઢાત્મદશા થઇ જાય. નહીં તો તેમાંથી છૂટો પડે તો પોતે પરમાત્મા જ છે. આ બધી વિનાશી ચીજોમાં સુખ માન્યું તેથી મૂઢાત્મા થઇ ગયો છે !

આ દુઃખ તો નામે નથી, પણ માની બેસે છે તેનાં દુઃખો છે. આ ઉપર ગયા પછી કોઇના કાગળ-બાગળ આવેલા કે તમારી ઉપર ?

પ્રશ્નકર્તા : ના, એ તો કયાંથી આવે ?

દાદાશ્રી : એવો આ સંસાર છે. ચોપડે ૫૦૦ રૂપિયા જમા હોય તો આ ભવે એ હિસાબ પૂરો કરવા ભેગા થાય. તે જૂના હિસાબો પૂરા થાય એટલે છૂટા પડી જાય, મરી જાય ને જો ફરી નવા હિસાબ માંડેલા ના હોય તો ફરી ભેગા ના થાય.

આ ૧૦૦ રૂપિયાનાં કપ-રકાબી છે તે જયાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થાય પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસો ય પ્યાલા-રકાબી જ છે ને ? આ તો દેખાય છે કે મરી ગયા. પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જયાં હોય ત્યાં એને પહોંચે.

કડવું પીવે તે નીલકંઠ !

પ્રશ્નકર્તા : દાદા, કોઇ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે ?

દાદાશ્રી : જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડયો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઇને વાગે નહીં. પણ ચંદુભાઇ જાય તો કાંટો આડો હોય તો ય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે ! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઇ. જેટલું કડવું સહન કરશો એટલાં કડવાં તમારા ઓછાં થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તો ય કડવું કેમ નથી ગમતું ? પેલાને કહીએ કે કડવું ફરી આપને ? તો ય એ ના આપે. આ તો કોઇના હાથમાં સત્તા જ નથી. બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગપ્પું નથી. મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. 'જ્ઞાન' જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. આ તો બધું રીલેટિવ રીલેશન છે. કડવું મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા'ડો એવું સુંદર આપી દે છે ! આ બધાં ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે !

અમારે પણ કડવા પ્યાલા આવેલા ને ! અમે પીધા ને પૂરા પણ થઇ ગયા ! જે કોઇએ કડવું આપેલું તે અમે ઉપરથી આશીર્વાદ આપીને પી લીધું ! તેથી જ તો અમે મહાદેવજી થયા છીએ !!!

પ્રશ્નકર્તા : આ કર્મ ખપાવવાં એને જ કહે છે ?

દાદાશ્રી : એ જ કે કડવી ભેટો આવે ત્યારે સ્વીકારી લેવી. પણ આ કડવી ભેટ-સોગાદો આવે ત્યારે કહે કે, 'અલ્યા, તું શું કરવા મને આમ કરે છે !' તો એનાથી કર્મ ના ખપે. નવો વેપાર શરૂ થાય. જેને સ્વરૂપનું ભાન છે એટલે કે જેને આ દુકાન કાઢી નાખવાની છે તે ઉકેલ લાવી નાખે. જેને સ્વરૂપનું ભાન નથી એને તો વેપાર ચાલુ જ છે, દુકાન ચાલુ છે.

સામો કડવું આપે ત્યારે એ ક્યા ખાતાનું છે એ ના જાણીએ ત્યાં સુધી એ ના ગમે. પણ ખબર પડે કે 'ઓહો ! આ તે આ ખાતાનું છે!' એટલે એ ગમે. 'દાદા'ને રકમ જ ખલાસ થઇ ગઇ છે, એટલે કડવું કોણ આપે ? આ તો એ રકમ જયાં સુધી સિલકમાં હોય ત્યાં સુધી જ આપવા આવે !

અહીં સત્સંગ નિરંતર આનંદ આપનાર છે ! અને બહાર કયાં ય આનંદ છે જ નહીં. તેથી અમુકમાં આનંદ માનીને આનંદ લે છે. 'જાણેલા'માંથી નહીં પણ 'માનેલા'માંથી આનંદ લે છે. સંસારનાં સુખો તો રોંગ બીલિફથી છે. આ જો જ્ઞાન થાતને તો ય કંઇક ચાલત, પણ આ તો રોંગ બીલિફથી આગળ ખસતો જ નથી ! વિવરણપૂર્વક એ સુખોને જુએને તો ય એ કલ્પિત સુખ સમજાય, પણ આ તો રોંગ બીલિફ જાય નહીં ત્યાં સુધી એમાં સુખ લાગે.

સવળા સંજોગો મળે તો સુખ મળે અને અવળા સંજોગો મળે તો દુઃખ નોતરે. કોઇ માણસ હોય તેને જુગારનો અને દારૂડિયા જોડે દારૂ પીવાનો કુસંગ મળે તો તે સંયોગ તેને દુઃખી કરે ને સત્સંગમાં બેસે તો સુખ મળ્યા કરે. આ તો માણસ કયા સંગમાં છે એ પરથી એને કેવું સુખ હશે તે સમજાય.

દુઃખ તે કોને કહેવાય ?

દુઃખ પોતાને છે જ નહીં ને દુઃખ પડે છે બીજાને, પણ સમજાતું નથી તેથી પોતે પોતાના ઉપર દુઃખ લઇ લે છે. જો ત્રણ દહાડા ખાવા ના મળે, પીવા ના મળે તે દુઃખ કહેવાય ! ખાવા પીવાનું બધું જ સારી રીતે મળે છતાં આ દુષમ મન બધાં દુઃખોને ભેળાં કરે અને દુઃખનો સ્ટોક કરે. આને તે વળી દુઃખ કહેવાતાં હશે ?! દુઃખ તો કોને કહેવાય કે ખાવા ના મળે, કપડાં પહેરવાં ના મળે, સૂવા ના મળે-એ બધાં દુઃખો કહેવાય. આ બધું મળે પછી દુઃખ કોને કહેવાય ? આ તો સંસારમાં દુષમ મનને લઇને દુઃખો છે, તે સુષમ મન થાય એટલે સુખી થઇ જાય ! મન બગડી જાય એટલે આધિ બોલાવે, ના હોય તો ય આધિ બોલાવે. વખતે દાઢ દુઃખતી હોય તો એને દુઃખ કહેવાય. આ તો દુઃખ જ નથી, પણ લોકોએ બધો અજંપો કર્યો છે.

જેના ઉપાય જડે એને દુઃખ કહેવાય. ઉપાય હોય તો જ દુઃખ કહેવાય. જેનો ઉપાય નથી એ દુઃખ જ ન કહેવાય. જે દુઃખે છે તેનો ઉપાય કરીએ જ છીએ ને ! આ પગ હોય તે લડાઇમાં કપાઇ જાય તો તો તે પગ ફરી નહીં આવે માટે તે દુઃખ ના કહેવાય, કારણ કે ઉપાય નથી. પણ પગે ફોલ્લો પાક્યો હોય તો તે દુઃખ કહેવાય, કારણ કે તે મટાડી શકાય છે, એનો ઉપાય છે.

કોઇ કહે મારે બધે સુખ છે છતાં આ પગે દરાજ થઇ છે એટલું જ જરા દુઃખ છે. અલ્યા, આને દુઃખ કેમ કહેવાય ? આ તો હાથ એની મેળે વલૂર્યા કરે.

પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે?

દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઇ જાય. કેટલીક વખત આર્થિક દુઃખ હોતું જ નથી. પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઇ લેવાનું હોય. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ?

પ્રશ્નકર્તા : ના !

દાદાશ્રી : તો પછી એને દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ-એટેક આવે, અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એનાં તો ઉપાય કરવા જોઇએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે કયાંથી લક્ષ્મી લઇ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઇ ખોળે ને ? આનાથી સુખ કંઇ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઇન પ્રોડક્ષન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે. પૂર્વે કંઇ કરેલું હોય તેનાથી દેહ મળ્યો, ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરને ય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઇ છે. તેથી આ બાય પ્રોડક્શનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય. મેઇન-પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડયા દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પૂરૂં થાય !

પ્રશ્નકર્તા : આપઘાત કરીને મરી જાય તો શું થાય ?

દાદાશ્રી : આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઇ આપઘાત કરાય ? આપઘાતનાં ફળ બહુ કડવાં છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારે ય ના કરાય. આ જે કંઇ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય.

દુઃખ તો રામચન્દ્રજીને હતું. તેમના ચૌદ વરસનાં વનવાસમાંના એક દહાડાનું દુઃખ તે આ ચકલાના (!) આખી જિંદગીનાં દુઃખ બરાબર છે ! પણ અક્કરમી 'ચેં' 'ચેં' કરીને આખો દા'ડો દુઃખ ગા ગા કરે છે.

સુખ-દુઃખ તો આમંત્રેલાં મહેમાન જેવાં છે, આવે ત્યારે ધક્કો ના મરાય પણ તેમને તો સત્કારવા જોઇએ. સંસાર એ દુઃખનો દરિયો છે. વ્યવહાર સારી રીતે ચલાવવામાં કોઇની બીક ના હોવી જોઇએ. ધોલો ખાવી ગમતી ના હોય, અને જો ચોપડો બંધ કરવો હોય તો ધોલો આપતી વખતે વિચાર કરવો કે પાછી આવશે ત્યારે એ લેવાશે કે કેમ ?

ત્રણ જાતનાં દુઃખ છે. દેહનાં દુઃખોને 'કષ્ટ' કહેવાય છે, જેને પ્રત્યક્ષ દુઃખ કહેવાય. દાઢ દુઃખતી હોય, આંખો દુઃખતી હોય, પક્ષાઘાત થયો હોય તે બધાં દુઃખો તે દેહના દુઃખો. બીજાં વાણીનાં દુઃખ, એને 'ઘા' કહેવાય છે; હ્રદયમાં પેસી જાય તો પછી જાય નહીં. ને ત્રીજાં મનનાં દુઃખ તે 'દુઃખ' કહેવાય છે. આપણને મનનાં દુઃખ કે વાણીના ઘા ના રહેવાં જોઇએ, પણ કષ્ટ તો આવે. સહન કરવું પડે, એ બધું કષ્ટ જ કહેવાય. પણ આપણે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીને સહન કરીએ. પણ આ વાણીનો ઘા અને મનનાં દુઃખો ના હોવાં જોઇએ. આ ઇન્કમટેક્ષનો ઓફિસર કહે કે તમારી ઉપર આટલો ટેક્ષ નાખી દઇશ, એવું બોલે તો એ તો રેકોર્ડ છે. તેથી એ વાણીનો ઘા આપણને ના લાગવો જોઇએ.

આ કોઇને હાર્ટ-એટેક આવ્યો હોય ત્યારે તેને છાતીમાં દુઃખતું હતું. તે એ ભાઇને છાતીમાં દુઃખવા આવે તો કહે કે મને હાર્ટ એટેક આવશે તો ? આ તો નર્યું દુઃખ વધારે. એના કરતાં એવો વિચાર આવે તો કહીએ કે 'તું બહાર જા.' આ તો દેહ જવાનો છે તે ગમે ત્યારે જશે. અને એ 'વ્યવસ્થિત'ને આધીન છે ને ? તો પછી એ વિચારથી દુઃખ શાને માટે ? કષ્ટ કેટલાં પડે છે તે જોવાનાં ને કષ્ટ ના હોય તો રહેને મસ્તીમાં! 'દાદા, દાદા બોલતાં ન થાકું'- એમાં રહેને !

ભગવાને કહ્યું હતું કે દેહનાં કષ્ટ એટલાં જ દુઃખ લગાડજે, બાકી બીજાં દુઃખો એ ખરાં દુઃખ નથી. કેમ જનાવરને દુઃખ નથી ? કારણ કે એમને સીમિત મન છે. એમને ખાવાનું લઇ જઇએ તો ગાય દોડતી આવે, ખાવા મળશે તેથી. લાકડી લઇ જઇએ તો નાસી જાય. એટલું જ એમનું મન છે. પણ એ સિવાય એને છે બીજી કશી ભાંજગડ ? આ ગાયને મનનું ચક્કર નથી તેથી મનનાં દુઃખો તેમને નથી ને એમનો સંસાર તો આપણા સંસાર જેવો જ છે. માટે તેમને અક્કલ નથી તો ય એમનું ચાલે છે, તો પછી આપણું કેમ ના ચાલે ? અને ઉપરથી વધારાનું આપણને મનનું ચક્કર છે તો એનો લાભ લો ને ! આ મનનું ચક્કર દુઃખદાયી કેમ થઇ પડે ? દુઃખના વિચાર આવે ને બધાંને ડિસમિસ કરી નાખીએ અને ના હોય તો છેવટે તેને એક્સેપ્ટ ના કરીએ.

આ ગાય-ભેંસોને કષ્ટો છે તેમ આપણને કષ્ટો છે, પણ એમને વાણીની ભાંજગડ નથી. આપણે ગાળો ભાંડીએ તો એમને વાંધો નથી. એમનું મન સીમિત છે અને બુદ્ધિ પણ સીમિત છે. આ વધારાનાં દુઃ ખોને તો ડિસમિસ કરવાનાં છે. આ ગાયો-ભેંસોને છે કશી ભાંજગડ ? એમનાં બચ્ચાંને પૈણાવવાની છે એમને કશી ચિંતા ?

આ કેવું છે કે ફુલ લાઇટમાં વીંછી પેઠો તો પછી મહીં ભડકાટ ભો લાગ્યા કરે. પણ જો ફુલ લાઇટને ડીમ કરી નાખીએ તો પછી વીંછી ના દેખાય, એ પછી ના ભડકાવે. આ તો ફુલ લાઇટ ને ડીમ કરી શકાય, પણ ડીમને ફુલ ના કરી શકાય. આ ગાયો-ભેંસોનું ચાલે છે શું આપણું નહીં ચાલે ? આ ભાન નથી એવા મનુષ્યોનું પણ ચાલે છે. આખી દુનિયા બધી ચાલે છે, તો પછી મેલને પૂળો !

સ્વરૂપ જ્ઞાન અમે આપીએ તે પછી દુઃખ કોને કહેવાય ? આ દેહને સ્પર્શે તે, આ કપડાંને સ્પર્શે તે નહીં. આ તો કપડાંને સ્પર્શે તો કહેશે 'મને દુઃખ થયું !' આ લગ્નમાં જતાં હો ને ઉપરથી કોઇ થૂંકયું તો કહેશે કે, 'આ મારી પર થૂંકયો.' તો અમે કહીએ કે 'હા, એ તારી પર થૂંકયો, એ બરાબર છે. પણ એ કંઇ તારું દુઃખ નથી.' દુઃખ તો કોને કહેવાય કે દેહને સ્પર્શે તે.

વહુને સ્પર્શતું દુઃખ તે વહુને સ્પર્શ્યું કહેવાય. એને આપણે 'મનમાં' શું કામ લઇએ ? એને તો જ્ઞાનમાં લઇએ.

અમે બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઇ. કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઇએ ? આપણને નફો ખોટ સ્પર્શતાં નથી. એને જો ખોટ ગઇ ને ઇન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે, 'હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.'

તું કહે કે, 'કાન દુઃખે છે,' તો હું તારું સાંભળું, 'દાઢ દુઃખે છે,' તો ય હું સાંભળું, 'ભૂખ લાગી છે' તે ય હું સાંભળું. એને દુઃખ કહેવાય. અને તું કહે કે, 'ખીચડીમાં ઘી નથી.' તો તે ના સાંભળું. આ દેહને તો આટલી ખીચડી નાખીએ તો તે બૂમો ના પાડે. પછી તારે જે ધ્યાન કરવું હોય તે કરજે, નહીં તો દુર્ધ્યાન કરવું હોય તો તે કર, તને બધી જ છૂટ છે !

આ તો વગર કામનાં દુઃખો માથે લઇને ફરે છે. આ ઘરમાં કઢી ઢળી જાય તો એને શેઠ માથે લઇ લે કે કરમનાં ફૂટેલાં કે કઢી ઢળી ગઇ, એને દુઃખ માને. એવું આ ધંધામાં ય શેઠ દુઃખ માથે લઇને ફરે છે. કેટલાંક ઓફિસનાં દુઃખો હોય છે ને કેટલાંક સમાજનાં પણ દુઃખો હોય. પણ એને દુઃખ ના કહેવાય. અમે તો ધંધાનું દુઃખ ધંધાને માથે ને સમાજનું દુઃખ સમાજને માથે નાખીએ. આ તારા વાળ કાપી લે તો એને દુઃખ ના કહેવાય, કાન કાપે તો એને દુઃખ કહેવાય. કારણ કે વેદના થાય છે. છતાં, આપણા સત્સંગમાં આવે તો એ ય દુઃખ ભૂલી જાય, કાનની વેદના ય ભૂલી જાય !

એક બાપ હતો. ડૉક્ટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું, તે પછી પાકેલું. એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફટવેલો. બહુ પૈસાવાળો હતો. હવે ડૉક્ટર કહે કે, 'હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ, તમે ચિંતા ના કરશો.' પણ શેઠ કહે કે, 'મને ઓપરેશન, થિયેટરમાં બેસવા દો.' શેઠ તો વજનદાર માણસ, એટલે ડૉક્ટરે બેસાડવા દેવા પડયા. હવે બાપ બેઠેલો આઠ ફૂટ છેટે, અને ડૉક્ટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂકયો. હવે ત્યાં નહોતો કોઇ તાર જોડયો, કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડયું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એને તો બબૂચક કહેવાય. આ રડવા જેવું ન હોય જગત. અને જયાં રડવાની જગ્યા આવે ત્યાં હસવું. આ કેવું છે કે સારી રકમે ભાગીએ તો પેલી રકમ ઊડી જાય. જયાં આ દુઃખને ભાગવાનું હોય ત્યાં એને ગાઇને ગુણે, એના કરતાં હસીને એ રકમને ભાંગી નાખ તો શેષ ના વધે !

એક જણ કહે કે, 'મારી નાતમાં આબરૂ ગઇ.' એ નાતનું દુઃખ, એમાં તને શાનું દુઃખ ? દુઃખ તો દેહને સ્પર્શે તે કહેવાય. મહાવીર ભગવાનને દેહને દુઃખ સ્પર્શેલું. તેમના કાનમાં બરૂ ઘાલી દીધેલાં, તે જયારે કાઢયા ત્યારે એવી વેદના થઇ તે આંખમાંથી પાણી નીકળ્યાં ને મોટી બૂમ પડી ગયેલી. એવું તો બધાંને ય થાય. દેહ ને આત્મા તો જુદા છે, પણ માનેલો આત્મા છે ત્યાં સુધી દેહ જીવે. પ્રતિષ્ઠિત આત્મા કન્ઝયુમ થઇ જાય, વપરાઇ જાય પછી દેહ ખલાસ થઇ જાય.

માટે દુઃખ કોને કહેવાય ? સ્પર્શે તે. બાબાને આંગળી કપાય તો શું ? એ તો બાબાને દુઃખ થયું, પણ એમાં તો બાપો ય દુઃખ માથે લઇ લે. ભગવાન શું કહે છે કે અમે બાબાને એક રતલ દુઃખ આપેલું, તેમાંથી બાપ અરધો રતલ લઇને ફરે ને મા પા રતલ લઇને ફરે છે. હવે આને ડફોળ નહીં તો શું કહેવાય ?

તું મને કહે કે, 'દાદા, પેટમાં દુઃખે છે' ને ત્યાં હું કહું કે 'તું આત્મા છે ને' તો તો હું જ્ઞાની ના કહેવાઉં. એને તો અમારે સાંભળવું પડે. પણ ખીચડીમાં ઘી ના મળ્યું તે કહ્યું, તો તે અમે ના સાંભળીએ. આને દુઃખ ના કહેવાય.

આ બહુ ઝીણી વાત છે. જો કંઇ પણ દુઃખ છે તો એ દુઃખને ઉપાય હોય છે જ. દાઢ દુઃખે તો એને દુઃખ કહેવાય, કારણ કે ડૉક્ટર પાસે જઇને દવા કરાવાય, દાઢ કઢાવી શકાય. દુઃખ તો કોને કહેવાય ? જેના ઉપાય હોય તેને. જેના ઉપાય ન હોય એને દુઃખ જ ન કહેવાય. આ તો છોકરાને રતલ દુઃખ હતું, ને તેમાં તે શું કામ બીજું અરધો રતલ લઇ લીધું ? કૂતરાના બચ્ચાને વાગે તો કૂતરા રડે નહીં, એને ચાટીને રૂઝાવે. એની લાળમાં રૂઝવવાની શક્તિ હોય છે. અને એને પોતાને થયું હોય તો બૂમાબૂમ પાડે ! અને આ નિરાશ્રિતને તો બીજાને થાય તો ય પોતે માથે લઇ લે !

એક ભાઇ આવેલો. તે કહે, 'મારે તો મોટી પીડા આવી પડી છે.' મેં પૂછયું, 'શું છે ?' તો એ કહે, 'બૈરીને ડિલિવરી આવવાની છે.' બાઇ ડિલિવરીએ ગયાં તો એ કંઇ નવીન છે ? આ કૂતરાં-બિલાડાં બધાંને ડિલિવરી છે ને ? પોસ્ટવાળા ય ડિલિવરી કરે છે, એમાં નવાઇ જેવું છે શું ? મહીં ભડકે કે બાજુવાળાની બાઇ ડિલિવરી વખતે ખલાસ થઇ ગયેલી, તો મારી બૈરીનું શું થશે? તે પછી અમે એને વાતની સમજણ પાડી, ને તેને સમાધાન કરાવી આપ્યું. કંઇક મંત્ર કહીએ કે, 'આ બોલજે.' એટલે એમાં એનું ધ્યાન રહે, નહીં તો એના એ જ વિચાર કરે કે, 'આમ થયેલું તે આમ થશે તો ?' આવા વિચાર કરે તો પછી એવી અસરો ય થાય ને ? આ તો દુઃખ માને અને એનો જ વિચાર કરે તો એનાથી બનવાનું ના હોય તો ય એવું જ બની જાય. વિચારોની અસરથી તો બગડે છે બધું! જેનો વિચાર નહીં એ સફળ કામ થાય. જયાં વિચાર થયા એટલું બગડયું, કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને ? આશ્રિતના વિચાર હોત તો જુદું છે !

આ કહે કે, 'પેલાં બાઇ મને આમ કહે છે ને આ આમ કહે છે.' એ સ્પર્શેલું નથી, એને દુઃખ ના કહેવાય. આ ઇન્વાઇટ કરે એને દુઃખ ના કહેવાય.

આ બાબાનું દુઃખ શેરેશેર લઇ લે છે. બાબો જતો રહે છે, ત્યારે તું કેમ જતો નથી રહેતો ? પણ ત્યાં ના જાય.

જ્ઞાની તો બહુ ડાહ્યા હોય, એમણે બધી રીતે હિસાબ કાઢી લીધા હોય. આવો કાળ આવે તો શું એમાં એમને દુઃખ નહીં આવતાં હોય ? આવે. પણ ગોઠવણી કરી રાખે. આ પોસ્ટ અફિસમાં સોર્ટિંગનાં ખાનાં હોય છે ને ? આ નડિયાદનું ખાનું, આ સુરતનું ખાનું, તેમ જ્ઞાની આ ધંધાનું ખાનું, આ સમાજનું ખાનું, આ ઓફિસનું ખાનું એમ નિરાંતે ગોઠવીને સૂઇ જાય.

સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી સહેજે ય દુઃખ ના રહે એવું છે !

આ સિનેમાની સીલિંગ પડે તો આપણને કે કોઇ માણસને વાગે નહીં તો સારું, વખતે કોઇને વાગે તો કોઇ મરી ગયું નહીં એટલે સારું થયું. એમ સમજનું અવલંબન લેવું જોઇએ.

અમારે કંટ્રાક્ટમાં કામ પર ખબર આવે કે પાંચસો ટન લોખંડ દરિયામાં પડી ગયું. તો પહેલાં અમે પૂછીએ કે, 'આપણો કોઇ માણસ મરી તો ગયો નથી ને ?' મરે છે તો સૌ પોતાના ઉદયે, પણ આપણા નિમિત્તે ના હોવું જોઇએ.

જેનું જે ખાતાનું હોય એ ખાતામાં મૂકી દેવું. શરીરને સ્પર્શે એટલી જ ભાજગડ. ફાધરને થયું તો આપણે એ માથે નહીં લેવાનું, છતાં તપાસ રાખવાની કે શું થયું ? કયાં વાગ્યું ? પછી બધી દવા વગેરે બધું તરત જ લઇ આવવાનું, પણ ડ્રામેટિક. ને ડ્રામેટિક ના હોય તો બાપ મરે તો દીકરાએ જોડે જવું જ જોઇએ ને ? આ મરતી વખતમાં ડ્રામા અને આ વાગે એમાં 'ડ્રામા' નહીં, એ કેમ ચાલે ?

આ 'જ્ઞાની પુરુષ' શાથી કાયમ આનંદમા રહે છે ? કારણ કે બધી ગોઠવણી આવડે અને એ જ તમને શીખવે. તમને આ આવડે નહીં, એથી તો તમે અમને અહીં આસને બેસાડયા !

આ માસ્તર હોય તે છોકરાને બે ગુણાકાર શીખવે ને જો તે છોકરાને ના આવડે તો તેને મારે. ઘરમાં માસ્તર બનને ! પણ બૈરી પાસે માસ્તર ના બને, નહીં તો બૈરી જ મારે !

સત્તા વાપરે તે ડફોળ !

સત્તા પ્રાપ્ત થયા પછી જે સત્તા વાપરે છે એ ડફોળ કહેવાય. જે સત્તાનો ઉપયોગ કરે છે એ ડફોળ કહેવાય. સત્તા પ્રાપ્ત ના થઇ હોય ત્યાં સુધી ભાવ થાય કે સત્તા વાપરીશું, પણ સત્તા પ્રાપ્ત થાય તો એને વાપરવાની ના હોય. અમે, આ સત્તા વાપરે તો એને ડફોળ કહેવાય, એવું કહીએ તો એનો રોગ નીકળે. અત્યાર સુધી કોઇએ ગાળ દીધી નથી અને કોઇ ગાળ દેશે ય નહીં. તે વગર રોગ નહીં નીકળે. બહાર તો 'આવો શેઠ, આવો શેઠ' એવું શું કામ કહેતા હશે ? કંઇક કામ પડશે ને, એટલા માટે. આ કામવાળા બધા ! એ તો કોઇ નિષ્કામ પુરુષ હોય ને તે વઢે તો કામ થાય.

અમારી પાસે એક વકીલ આવેલા, એને તો અમે કંઇ હિસાબ વગરની ગાળો ભાંડેલી. ત્યારે એણે એના ભાઇને ઘેર જઇને કહેલું કે, 'આવા કરૂણાવાળા માણસ જ મેં જોયા નથી.' આ તો લોક કેવા છે કે એમને ડૉક્ટર કામના, વકીલ કામના, આ કામના. પણ એ શેના કામના? એ તો આટલી ખીચડી મળી તો કામની, બીજું કંઇ કામનું નહીં. આ તો ખીચડી ના મળે ત્યારે ખબર પાડી દે કે કોણ કામનું છે?

'જ્ઞાની પુરુષ'ને માન કે અપમાનની કશી જ પડી ના હોય. માનનાં સુખ એ વિષય સુખ છે. 'મારું માનભંગ થશે' એ ભો જયાં સુધી રહે ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય. આ તો મૂળ વીતરાગ જ્ઞાન જ પામવાનું હોય, બીજું કશું ખપે નહીં ને !

આ દુઃખના માર્યા કેટલાક તો અહીં આવે છે, પણ સાચી જિજ્ઞાસાથી આવે તો તો બહુ કામ થઇ જાય. આ તો દુઃખ આવે ત્યારે ભગવાનને કહે, પણ ભગવાન શું કહે છે કે, 'અલ્યા, સુખનાં ટાઇમે તેં મને ના બોલાવ્યો, ત્યારે એક ટપાલ પણ ના લખી. માટે હવે તું આ દુઃખના વખતે ટપાલ લખે છે તો હું જવાબ નહીં આપું.'

લોકો તો કેવા છે કે કાર્યરૂપે આજે દુઃખ ઊભું થાય, છતાં એના એ જ દુઃખનાં કારણો ફરી ફરી સેવે છે. પાછલાં દુઃખનાં કારણોથી જે દુઃખ આવે છે એમાં નવાં કારણો ઊભાં ના થવા દે તે કામનું.

કામ કાઢી લેવા જેવું 'આ' એક જ સ્ટેશન આવ્યું છે. માટે ખાવ, પીઓ અને પ્રાપ્ત સંયોગોને સુખેથી ભોગવો અને અપ્રાપ્ત સંયોગોની ભાંજગડ ના કરશો.

સુખો તો મહીંથી આવશે. પણ આ તો બહારથી મધનું ટીપું ચાખવા પડયો રહ્યો છે !

આ સાધુ થવા માટે કેમ વિચાર આવે છે ? કારણ કે અનંતકાળથી એણે માર ખાધેલો તે યાદ આવે કે સાસુનાં દુઃખ, સસરાનાં દુઃખ, ધણીનાં દુઃખ, બાયડીનાં દુઃખો, છોકરાંનાં દુઃખો, એ બધાં દુઃખો અનંત અવતારથી ભોગવેલાં તે યાદ આવે અને કહેનાર નિમિત્ત પણ મળી આવે કે, 'આ સંસારમાં કયાં સુખ છે ?' એટલે એને વિચાર આવે કે મારે તો દીક્ષા જ લેવી છે અને પછી તે દીક્ષા લે !

'જ્ઞાની પુરુષ' પાસે તો તમારાં દરેક દુઃખો અવશ્ય જાય જ. 'આ' જ્ઞાની પાસે તો દરેકે દરેક દુઃખો દૂર થાય પણ તમે ઇચ્છા કરશો નહીં તો ! આ પગે જો વાગ્યું હોય ને પટ્ટી લગાડી હોય તો 'જ્ઞાની'એ કહ્યું, કે 'આને ઉખાડીશ નહીં' ને તો પણ જો ઉખાડ ઉખાડ કરે તો એનો ઉપાય શો ? આ તો જ્ઞાનીએ કહ્યું, એને પછી કેમ હલાવાય ?

વ્યવહારમાં રોજ સવારે ઊઠતાં 'દાદા'ને યાદ કરીને નિશ્ચય કરવો અને પાંચ વખત બોલવું કે 'આ મન, વચન, કાયાથી જગતના કોઇ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, ન હો. ન હો !' આટલો નિશ્ચય કર્યો એટલે મહીં પોલીસ ખાતું ચેતે. મહીં તો જાત જાતની વંશાવલિ છે, મોટું લશ્કર છે. 'જ્ઞાની પુરુષ'ની હાજરીમાં આટલું કરવાથી શક્તિઓ આવી જાય ને પછી જાય નહીં. આવું નક્કી કરીને, 'દાદા'ને સામા બેસાડીને 'પેલી' વંશાવલિ ઊભી થાય તો ય એને કશું ખાવા પીવાનું નહીં આપવાનું !

કંટાળાનું સ્વરૂપ !

દાદાશ્રી : કંટાળાનો અર્થ, શો ?

પ્રશ્નકર્તા : કશું ગમે નહીં તે.

દાદાશ્રી : કંટાળો એટલે કાંટાની પથારીમાં સૂઇએ ત્યારે જે દશા થાય તે ! કંટાળો આવે છે ત્યારે દવા કરો છો ? આ ડ્રગિસ્ટને ત્યાંથી કંઇક દવા લાવો છો ?

પ્રશ્નકર્તા : એ તો કયાંય ના મળે.

દાદાશ્રી : પણ કંઇક તો કરતાં હશો ને ?

પ્રશ્નકર્તા : બહાર ફરવા જતો રહું છું.

દાદાશ્રી : આ તો માગતાવાળાને પાછા કાઢવા બરાબર છે. કંટાળો આવ્યો એ શું કહે છે ? નેચર શું કહે છે ? કે આનું પેમેન્ટ કરી દો. ત્યારે આ કહેશે, 'ના, અમે એમ નહીં કરીએ.' ને દોડધામ કરી મૂકે, એ તો કંટાળાને પાછો કાઢે છે. પણ એ જયારે સામટો માંગવા આવશે ત્યારે શું થશે ? કંટાળો આવે ત્યારે સિનેમા જોવા જાય છે. એ તો અન્ય ઉપાય કર્યો, વિરોધ કર્યો. કંટાળો આવે ત્યારે જો સ્થિર બેસી રહેને તો એ શોધખોળ કરી શકે કે 'શાથી આવ્યો, એ શું છે ?' તો ત્યાં પુરુષાર્થ ધર્મ જાગે એવું છે, ત્યારે ઊંધો ઉપાય કરે છે, અને એને પાછું ધકેલે છે.

પ્રશ્નકર્તા : બહાર જવાથી કંટાળો જતો નથી.

દાદાશ્રી : કંટાળો આવે છે એટલે બહાર જાય છે ને, એટલે બ્લડ સરક્યુલેશન થાય એટલે કંટાળાના સંયોગ વિખરાઇ જાય.

પ્રશ્નકર્તા : કેટલાક કંટાળો આવે ત્યારે વ્હીસ્કી પીએ છે.

દાદાશ્રી : આ તો કંટાળાના ઉપાય કરે છે તે બ્રાંડી પીએ છે, દોડધામ કરે છે. એ ય એક જાતની મૂર્છા જ છે. કંટાળો આવે પણ સહનશક્તિ છે નહીં, નહીં તો કંટાળો આવ્યો તો 'શાથી આવ્યો ? શી ભૂલ રહી ગઇ ?' એ બધી તપાસ કરાય. પણ એ તો કશું કરતા નથી ને દોડધામ કરે છે ને પીવે છે, તેનાથી રાહત મળે છે. પણ ફરી પાવર ઊતરે એટલે કંટાળો પાછો ચાલુ. આ સંસારનાં દુઃખો એક ક્ષણવાર શાંતિ આપે એવાં નથી.

માણસને કંટાળો ગમે નહીં. કેટલાક તો જીવ પણ બાળે છે. જીવ ના બાળશો. કપડાં બાળે તો નવાં લવાય, પણ જીવ બાળીશ તો ફરી નવો કયાંથી લાવીશ ?

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16