ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

ઠાકોરજીની પૂજા !

દાદાશ્રી : કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : પૂજા કરો છો તો પૂજ્ય પુરુષની કરો છો કે અપૂજ્યની?

પ્રશ્નકર્તા : હું તો ખાલી પુષ્ટિમાર્ગનો છું. સેવા કરેલા ઠાકોરજી પધરાવેલ છે, એમની પૂજા કરું છું !

દાદાશ્રી : હા, પણ એ પૂજ્ય છે, તેથી પધરાવેલ છે ને ? પૂજ્ય ના હોય તેની પૂજા ના કરવી. પૂજ્યબુદ્ધિથી પૂજ્યની પૂજા કરવી. પૂજા કરવા ખાતર ના કરવી, પણ પૂજ્યબુદ્ધિથી પૂજા કરવી. ઠાકોરજી ઉપર પૂજ્યબુદ્ધિ તો છે ને ? ઠાકોરજી કોઇ દહાડો તમારી જોડે વાતચીત કરે છે કે !

પ્રશ્નકર્તા : હજી સુધી તો લાભ નથી મળ્યો.

દાદાશ્રી : ઠાકોરજી તમારી જોડે વાત શાથી નથી કરતા ? મને લાગે છે કે, ઠાકોરજી શરમાળ હશે કે પછી તમે શરમાળ છો ? મને લાગે છે કે બેમાંથી એક શરમાળ છે !

પ્રશ્નકર્તા : પૂજા કરું છું, પણ ઠાકોરજીને બોલાવી નથી શકતો.

દાદાશ્રી : બોલાવી શકતા નથી ને ? આપણે રામચન્દ્રજીને ત્યાં જયપુરમાં ને અયોધ્યામાં ગયેલા તો ત્યાં રામચંદ્રજી બોલતા હતા. અમે જયાં નવી મૂર્તિ દેખીએ ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરીએ. આ બિરલાએ જયપુરમાં ને અયોધ્યામાં મંદિરો બાંધ્યાં, ત્યાં અમે રામચંદ્રજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરેલી. તે બેઉ જગ્યાએ આશ્ચર્ય ઊભું થયેલું. આપણા મહાત્માઓ, ૩૫ જણ બેઠેલા અને ત્યાંના પૂજારીને તો રામચંદ્રજી ખૂબ હસતા દેખાયા. તેમણે તો મંદિર બાંધ્યું ત્યારથી રામચંદ્રજીને રિસાયેલા ને રિસાયેલા જ દીઠેલા. તે મંદિર ય રિસાયેલું હતું, ને દર્શન કરનારા ય રિસાયેલા. રામચંદ્રજીની મૂર્તિ હસી તે જોઇને પૂજારી દોડતોકને અમને હાર પહેરાવી ગયો. મેં પૂછયું, 'કેમ?' તો એ ખૂબ રડવા માંડયો. કહે કે, 'આવાં દર્શન તો કોઇ દહાડો થયાં જ નથી. આજે તમે ખરાં રામચંદ્રજીનાં દર્શન કરાવ્યા.' અમે કહ્યું, 'આ લોકોનાં કલ્યાણ માટે કર્યું છે. અત્યાર સુધી રામચંદ્રજી રિસાયેલા હતા તે લોકોનું શું કલ્યાણ થાય? હવે રામચંદ્રજી હસતા થયા, હવે કાયમ હસતા મૂકીને જઇએ છીએ. તે જે જોશે તે હસતા થશે. અમે પ્રતિષ્ઠા કરી આપી. કોઇ દિવસ સાચી પ્રતિષ્ઠા જ નહીં થયેલી.' આ જે પ્રતિષ્ઠા કરે તે વાસનાવાળા લોક છે. પ્રતિષ્ઠા તો

આત્મજ્ઞાની, એવા 'જ્ઞાની પુરુષ' કરે તો જ તે ફળે. વાસના એટલેસમજ પડીને ? કંઇ ને કંઇ ઇચ્છા કે 'ચંદુભાઇ કામ લાગશે.' એ વાસના કહેવાય. જેને આ જગતમાં કોઇ ચીજની જરૂર નથી, આખા જગતનું સોનું આપે તો ય જરૂર નથી, વિષયોની જરૂર નથી, કીર્તિની જરૂર નથી, જેને કોઇ જાતની ભીખ નથી તે નિર્વાસનિક કહેવાય, એવા 'જ્ઞાની પુરુષ' ચાહે સો કરે, મૂર્તિને બોલતી કરાવે તમે મૂર્તિ જોડે વાતચીત નથી કરતા ? પણ તમારી જબાનની છૂટ છે ને ? એ ના બોલે તો આપણે બોલીએ, એમાં શું થઇ ગયું ? 'ભગવાન કેમ બોલતા નથી? શું મારી ઉપર વિશ્વાસ નથી આવતો ?' એવું એમને કહીએ. આ માણસને એમ કહીએ તો એ હસી નથી પડતા ? એમ મૂર્તિ હસી પડે. એક મૂર્તિ છે કે બે ?

પ્રશ્નકર્તા : એક.

દાદાશ્રી : નવડાવો, ધોવડાવો છો ખરા કે ?

પ્રશ્નકર્તા : હા, રોજ નવડાવું છું.

દાદાશ્રી : ગરમ પાણીએ કે ટાઢે ?

પ્રશ્નકર્તા : હશેકા પાણીએ.

દાદાશ્રી : એ સારું, નહીં તો બહુ ટાઢે પાણીથી નવડાવો તો ટાઢ વાય ને બહુ ગરમ પાણીએ દઝાવાય, એટલે હશેકું પાણી જોઇએ. ઠાકોરજીને રોજ જમાડો છે કે રોજ અગિયારસ કરાવો છો ?

પ્રશ્નકર્તા : અગિયારસ તો હું પણ નથી કરતો.

દાદાશ્રી : તમે નથી કરતા તેનો વાંધો નથી, પણ ઠાકોરજીને જમાડો છો ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કેટલા વાગ્યે જમાડો છો ?

પ્રશ્નકર્તા : સવારે આઠ વાગ્યે જમાડીને, પોઢાડીને, પછી પ્રસાદ લઇને ઓફિસે જાઉં છું.

દાદાશ્રી : પછી બપોરે જમો છો ?

પ્રશ્નકર્તા : ભૂખ લાગે ત્યારે ગમે ત્યાં ખાઇ લઉં છું.

દાદાશ્રી : હા, પણ તે ઘડીએ ઠાકોરજીને ભૂખ લાગી તેની તપાસ કરી ?

પ્રશ્નકર્તા : એ શી રીતે કરું ?

દાદાશ્રી : એ પછી રડયા કરે બિચારા ! ભૂખ લાગે તો શું કરે? એટલે તમે મારું કહેલું એક કરશો ? કરશો કે નહીં કરો ?

પ્રશ્નકર્તા : જરૂર કરીશ, દાદા.

દાદાશ્રી : તો તમે જયારે ખાવને તો તે વખતે ઠાકોરજીને યાદ કરી, અર્પણ કરીને 'તમે જમી લો, પછી હું ખાઉં, તમને ભૂખ લાગી હશે' એમ કહીને પછી ખાજો. એવું કરશો ? આવું થાય તો હા પાડજો ને ના થાય તો ના કહેજો.

પ્રશ્નકર્તા : પણ સાહેબ, હું ઠાકોરજીને પોઢાડીને આવું છું ને !

દાદાશ્રી : ના, પોઢાડી દો પણ ભૂખ્યા રહે ને ? તેથી એ બોલે નહીં ને ! એ કેટલી વખત સૂઇ રહે પછી ? એટલે બેઠા થાય ને સૂઇ જાય, બેઠા થાય ને સૂઇ જાય. તમે એવો ખોરાક નથી ખાતા ને, કે જે એમને ચાલે નહીં ? હિન્દુનો સાત્વિક ખોરાક હોય છે ને ? મુસ્લિમનો તામસી ખોરાક હોય તો આપણે ના જમાડવું. પણ હિન્દુ, સાત્વિક ખોરાક હોય તો આપણે તેમને કહીએ કે, 'લો જમી લો ઠાકોરજી' એટલું થાય એવું છે તમારાથી ? તો કો'ક દા'ડો ઠાકોરજી તમારી સાથે બોલશે, એ ખુશ થઇ જશે તે દહાડે બોલશે. ના કેમ બોલે ? અરે, આ ભીંતો પણ બોલે! બધું બોલે એવું છે આ જગતમાં ! ભગવાનને રોજ નવડાવીએ, ધોવડાવીએ, હશેકાં પાણીથી નવડાવીએ, તો શું કાયમ અબોલા જ રહેવાના ? કોઇ માણસ પૈણવા ગયો હોય ને બાઇ લઇને આવે તે અબોલા લે, તો પછી શો ફાયદો ? બોલે જ નહીં એને શું કરે? એટલે ભગવાને ય બોલે, આપણો ભાવ હોય તો બોલે. આ પૂજા કરો છો એ તમારા ઘરના સારા સંસ્કાર કહેવાય.

પ્રશ્નકર્તા : હું બહારગામ જાઉં તો ભગવાનને જોડે જ લઇ જાઉં છું.

દાદાશ્રી : ભગવાન વગર તો કોઇ ક્રિયા જ ના કરવી. ખરી રીતે તો ઠાકોરજી આ મુસ્લિમનો ખોરાક લેવાની ના પાડે, પણ હવે શું કરે? બહુ તો અબોલા લે, તો બોલવાનું બંધ કરી દે, નહીં તો વૈષ્ણવજનને તો બહાર અડાય નહીં, પાણી ના પીવાય. કેવું સરસ, ચુસ્ત વૈષ્ણવ કહેવાય ! મૂર્તિને નવડાવે છે, ધોવડાવે છે, એ ચુસ્ત વૈષ્ણવ કહેવાય. પણ શું કરે ? અત્યારે સંયોગોના હિસાબે કોઇને ઠપકો આપવા જેવી વસ્તુ નથી. સંજોગો પ્રમાણે હોય છે ને તેથી એ મૂર્તિ નથી બોલતી, નહીં તો મૂર્તિ બોલે. જો બધી રીતે એના કાયદા પાળે ને, તો કેમ ના બોલે ? પીત્તળની મૂર્તિ છે કે સોનાની ?

પ્રશ્નકર્તા : ચાંદીની.

દાદાશ્રી : અત્યારે તો સોનાની મૂર્તિ હોય તો છોકરાઓ બહાર જઇને વેચી આવે, તમને મારી વાત ગમે છે ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા, બહુ ગમે છે.

દાદાશ્રી : હવે જો બહાર જમશો ને, ત્યારે પણ ઠાકોરજીને જમાડીને જમજો, તેથી તમારી જવાબદારી જતી રહેશે.

 

રાગ-દ્વેષ

પ્રશ્નકર્તા : રાગ કોને કહેવાય ?

દાદાશ્રી : જ્યાં પોતે નથી ત્યાં 'હું છું' એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ, એ જ જન્મદાતા છે. 'હું ચંદુલાલ' એ જ રાગ છે, આ રાગ તૂટયો તો બધા રાગ તૂટયા. જેને 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ છે એના બધા રાગ તૂટી ગયા છે અને જેને 'હું આચાર્ય છું, હું કલેક્ટર છું' એ ભાન છે એના બધા રાગ ઊભા છે ! આ તો એવા તંતીલા થઇ ગયા છે કે એક વાત વાંકી કહી હોય તો આંખમાંથી ઝેર ટપકે. વીતરાગની વાત સમજયા નહીં. 'હું ચંદુલાલ છું' એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે અને શુદ્ધાત્માનું ભાન થયું ને જયાં છું ત્યાં 'હું છું' બોલે છે એ રાગ નથી, પણ વીતરાગનું લક્ષ છે. શુદ્ધાત્મા વીતરાગ જ છે, એના લક્ષથી 'બહારનું' રીલેટિવ બધું ધોવાતું જાય છે. વીતરાગ કોણ ? 'હું શુદ્ધાત્મા છું' એ અથવા 'દાદા' યાદ આવે તો એ ય વીતરાગનું લક્ષ છે. વીતરાગ કોણ ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે, તે સંપૂર્ણ વીતરાગ છે ! અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ, એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ છે. આ ગજબનું પદ તમને આપ્યું છે !

પ્રશ્નકર્તા : આ મને મારા દીકરા ઉપર બહુ રાગ થાય છે, એ ત્યારે શું ?

દાદાશ્રી : આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, ને લોકો કહે છે કે મારો આત્મા રાગી-દ્વેષી છે. પણ આ શું છે ? આ દેહમાં ઇલેક્ટ્રિક બોડી છે, તે જયારે મળતાં પરમાણુ આવે ત્યારે આખું બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. એને લોક કહે છે કે, 'હું ખેંચાયો', 'મને રાગ થાય છે'; પણ એમાં આત્મા જરા ય ખેંચાતો નથી. આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, એ તો પોતે વીતરાગ જ છે. વીતરાગો શું કહે છે કે આ પૂતળું એ જેમનું નાચે તેને જાણે કે પૂતળું કયાં ખેંચાયું ને કયાં ના ખેંચાયું. આ વીતરાગોનો મત નિર્મળ, શુદ્ધ છે ને તે જ અમે તમને આપ્યો છે.

આત્મસ્વરૂપ થયા વગર છૂટા થવાશે નહીં. ગચ્છ એટલે ચૂલો અને મત એ ય ચૂલો, તે ચૂલામાં તો પડાતું હશે ? એ તો પોઇઝન કહેવાય. મત તો એક આત્માનો જ હોવો જોઇએ, આ તો 'અમારું' ને 'તમારું'માં પડયાં. ભગવાન તો નિષ્પક્ષપાતી મતના છે !

રાગ-દ્વેષ એ તો આત્માની વૃત્તિ આગળ આકર્ષણ-વિકર્ષણ છે. આકર્ષણ આગળ આંતરો આવે ત્યાં દ્વેષ થાય.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ એ સજાતીય અને વિજાતીયને લીધે છે ?

દાદાશ્રી : લોહચુંબક જેવું છે. રાગ બહુ જુદી જ વસ્તુ છે. આ જીવતા ઉપર આકર્ષણ થાય છે તેને લોકો રાગ કહે છે, પણ એ વીતરાગોની ભાષાનો રાગ ન હોય. પરમાણુઓનું આકર્ષણ છે તો એને રાગ કહે છે અને વિકર્ષણ છે તો એને દ્વેષ કહે છે.

જ્યારથી પોતાનું અને પરાયું એવા બે ભેદ પાડયા ત્યારથી જ રાગદ્વેષ ઊભા થાય છે, પરાયું કહ્યું તો દ્વેષ ઊભો થઇ જાય. આ તો મસ્જિદ જુએ તો ના ગમે, શિવનું દેરું આવે તો આ આપણું નહીં, આ પરાયું છે-એમ કહે ત્યાં સુધી દ્વેષ ઊભો છે અને બધે જ પોતાનું લાગ્યું તો રાગદ્વેષ મટે. ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના હોય. કોઇને સટ્ટા ઉપર રાગ હોય અને કોઇને સટ્ટા પર દ્વેષ હોય તો રાગવાળો કહે કે, 'સટ્ટો સારો છે' ને દ્વેષવાળો કહે કે, 'સટ્ટો ખોટો છે' એ ધંધો સારો નથી. આ બંનેનાં વિચારો છે, ત્યારે તે જો ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના રહે.

સ્ત્રી છોડી, કરોડો રૂપિયા છોડયા, બધું છોડયું ને જંગલમાં ગયા છતાં રાગદ્વેષ થાય છે, કામ (!) થઇ જ ગયું ને ! નડે છે કોણ ? અજ્ઞાન. રાગદ્વેષ તો નડતા નથી, પણ અજ્ઞાન નડે છે. વેદાંતીઓએ મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે અને જૈનોએ રાગ, દ્વેષ અને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે. અજ્ઞાન બંનેમાં કોમન છે, અને અજ્ઞાન શેનું ? તો કે' સ્વરૂપનું અજ્ઞાન. એ ગયું એટલે બધું જ જાય. અજ્ઞાન કાઢવા આત્માના જ્ઞાની જોઇએ.

જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે. જ્યાં રાગદ્વેષ નથી, ને પછી તે રાજમહેલમાં રહે કે હોટલમાં રહે, તો ય તે અપરિગ્રહી છે. ને ગુફામાં રહેતો હોય ને એકે ય પરિગ્રહ ના દેખાય, છતાં તેને જો રાગદ્વેષ હોય તો તેને ભગવાને પરિગ્રહી કહ્યો છે. રાગદ્વેષ જાય તે વીતરાગ થઇ જાય. 'હું ચંદુ છું' એ પરિગ્રહ છે. રાગદ્વેષ એ જ પરિગ્રહ છે અને 'હું શુદ્ધાત્મા છું' એ અપરિગ્રહ છે.

આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો ઝઘડો થતો હોય છતાં રાગદ્વેષ થતા નથી એ ય અજાયબી છે ને ? અજ્ઞાનીને ઝઘડો ન થયો હોય તો ય રાગદ્વેષ રહે. ઝઘડાથી રાગદ્વેષ થતા નથી, પણ તાંતો રહે તેનું નામ રાગદ્વેષ.

પ્રશ્નકર્તા : તાંતો એટલે શું, દાદા ?

દાદાશ્રી : તાંતો એટલે તંત. આ બૈરી જોડે રાત્રે તમારે વઢવાડ થઇ હોય ને સવારે ઊઠીને ચાનો કપ મૂકતાં બૈરી જરા પ્યાલો પછાડીને મૂકે, તો આપણે ના સમજી જઇએ કે હજી રાતના ઝઘડાનો તાંતો ચાલુ છે ? એ તાંતો કહેવાય. જેનો તાંતો ગયો તે વીતરાગી થઇ ગયો ! જેનો તાંતો તૂટયો એના મોક્ષની ગેરન્ટી અમે લઇએ છીએ !!!

જયાં અજ્ઞાન ત્યાં રાગદ્વેષ અને જયાં જ્ઞાન ત્યાં વીતરાગતા!

પ્રશ્નકર્તા : કોઇ વસ્તુ યાદ આવ્યા કરે એ શું છે ?

અમારામાં આડાઇ જરા ય ના હોય. કોઇ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ કરી લઇએ. કોઇ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે, 'હા ભાઇ, આ તેં અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.' આપણે તો જાણીએ કે જે ભૂલ આપણને દેખાતી નહોતી, એ ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. જો રોજ પચ્ચીસ જેટલી

દાદાશ્રી : યાદ એ રાગદ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોત તો ગૂંચ પડેલી ભૂલી જવાત. તમને કેમ કોઇ ફોરેનર્સ યાદ નથી આવતા ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગદ્વેષનાં કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઇ જાય. જેની ઉપર રાગ હોય તે રાતે ય યાદ આવે ને જેની ઉપર દ્વેષ હોય તે પણ રાતે ય યાદ આવે. બૈરી ઉપર રાગ કરે છે ! લક્ષ્મી ઉપર રાગ કરે છે !! રાગ તો એક જ્ઞાની ઉપર જ કરવા જેવો છે. અમને રાગે ય નથી ને દ્વેષે ય નથી, અમે તો સંપૂર્ણ વીતરાગ છીએ !

'હું ચંદુલાલ છું' એ આરોપિત જગ્યાએ રાગ છે અને એટલે બીજી જગ્યાએ દ્વેષ છે ! એનો અર્થ એ કે, સ્વરૂપમાં દ્વેષ છે ! નિયમ કેવો છે? એક જગાએ રાગ હોય તો તેના સામે ખૂણે દ્વેષ અવશ્ય હોય જ, કારણકે રાગદ્વેષ એ દ્વંદ્વ ગુણ છે. માટે વીતરાગ થાઓ, 'વીતરાગ' એ દ્વંદ્વાતીત છે !

લાખ રૂપિયા ધીર્યા હશે તો કોઇ તમારી પાસે નહીં આવે; પણ કોઇ માગતું હશે, દેવું હશે તો તે તમારી પાસે માગતો આવશે. અને દેવું શેનું છે ? - રીવેન્જનું દેવું છે. આ તો રાગ થયો ને એમાંથી જ વેરનું દેવું થાય છે ને એ પછી ફરી રાગ થાય છે ને એમાં ફરીથી વેર બાંધે છે. આ જ સંસારની ઘટમાળ છે. વીતરાગો જાણતા હતા કે, આટલી સંસારની કઢાઇઓમાં તળાશે ત્યાર પછી મોક્ષ થશે. વીતરાગ મોક્ષે લઇ જશે એ ભાન થાય ત્યાર પછી ઉકેલ આવે. વીતરાગ પાસે તો એકલો મોક્ષ મળે, બીજું કશું ના મળે.

વખાણે તો રાગ ના થાય અને વખોડે તો દ્વેષ ના થાય એવું હોવું જોઇએ. આ વખાણવું અને વખોડવું એ બંને ય એક જ માના દીકરા છે, તો પછી એમની જોડે જુદાઇ શા માટે ? એટલે આપણે તો વખાણી પણ શકીએ ને વખોડી પણ શકીએ. એ બંનેયમાં મોઢું સિવાઇ ના જવું જોઇએ, માત્ર ભાવ ફેર છે. બાકી બંને ય વખાણવું-વખોડવું ચાર અક્ષરનાં અને 'વ' 'વ' પર જ છે. વખોડવાની 'ચરી' લઇએ તો જયારે ત્યારે એ ય છોડવી જ પડશે.

વીતરાગપણું ક્યાં છે ? બંને ય, વખાણીએ કે વખોડીએ છતાં સમદ્રષ્ટિ રહે. અમે 'નંગોડ' શબ્દ બોલીએ, પણ ભાવમાં સમદ્રષ્ટિ જ રહે. આ વખાણવું અને વખોડવું એ બંને ય જોડે તમારે ફાવટ કરી લેવી પડશે, પછી કોઇ તમને બેમાંથી એક આપે તો ય તમને તે અડશે નહીં. બહાર જો બંને ય સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે. બધા ય પાયા તો સરખા દેખાવા પડશે ને ? આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તો ય તેને ટેકો લગાવવો પડે છે ને ? જયારે આ બંને ય તો એક જ માના પુત્રો, તો પછી તેમનામાં ય ભેદ કેમ ? આ દ્વંદ્વથી તો જગત ઊભું રહ્યું છે. વખાણવું ને વખોડવું એ બંને દ્વંદ્વ છે. બંને દ્વંદ્વોથી દ્વંદ્વાતીત થવું પડશે, વીતરાગ થવું પડશે.

ગમા-અણગમામાંથી રાગદ્વેષ !

ગમો અને અણગમો એ બે ભાગ છે. ગમતું એટલે ઠંડક ને અણગમતું એટલે અકળામણ. આ ગમતું જો વધારે પ્રમાણમાં થઇ જાય તો તે પાછું અણગમતું થઇ જાય. તમને જલેબી ખૂબ ભાવતી હોય ને તમને રોજ આઠ દિવસ સુધી રાત-દા'ડો જલેબી જ જમાડ જમાડ કરે તો તમને શું થાય ?

પ્રશ્નકર્તા : તો પછી એ ના ગમે, કંટાળો આવે એનો.

દાદાશ્રી : ગમો-અણગમો જો એકસેસ થઇ જાય તો તે રાગદ્વેષમાં પરિણમે અને એ જો સહજ જ રહે તો કશું નડતું નથી. કારણ કે ગમો-અણગમો એ નોકર્મ છે, હળવાં કર્મ છે, ચીકણાં નહીં. એનાથી કોઇને નુકસાન ના થાય. આ 'જ્ઞાની પુરુષ' પણ આ ગાદી અહીં હોય ને બાજુમાં ચટાઇ હોય તો તે ગાદી પર બેસે, કારણ કે વિવેક છે અને તે સર્વને માન્ય છે. પણ કોઇ કહે કે, અહીંથી ઊઠીને ત્યાં બેસો તો અમે તે ય કરીએ. અમારે પણ ગમો-અણગમો હોય. તમે અહીંથી ઉઠાડીને ભોંયે બેસાડો તો અમે ત્યાં લાઇક કરીને બેસીએ, અમારે લાઇક-ડીસ્લાઇકનો સહેજ પૂર્વપર્યાય હોય. બાકી, આત્માને એમ ના હોય. ગમો-અણગમો એ ચેતનતાનું ફળ નથી. આ શાક જરા કડવું લાગે તો તરત જ અણગમો થઇ જાય, કારણ તે શાકભાજી છે. જેમાં ગમો-અણગમો થાય એ બધાં શાકભાજી, એ ચેતનતાનું ફળ ન હોય. 'દાદા'ને તો કયારે ય પણ અણગમો ના હોય. 'દાદા' તો સવારે ઊઠે તો ય એવા ને સૂતી વખતે ય એવા ને એવા જ ! 'દાદા' ની નિરંતર એક જ પરિણતિ હોય! નિરંતર આત્મરમણતામાં ને પરમાનંદમાં જ હોય !!

રાગદ્વેષવાળી વાણી કેવી હોય કે સગા ભાઇને માન આપીને ના બોલાવે અને ડૉક્ટરને 'આવો સાહેબ, આવો સાહેબ' કરે, કારણ કે મહીં ઘાટમાં છે કે કયારેક કામ લાગશે. અમારી વાણી વીતરાગી હોય. વીતરાગ વાણી શું કહે છે કે, 'તું તારું કામ કાઢી લેજે, અમારે તારું કામ નથી.' વીતરાગી વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે, 'મોક્ષ હાથમાં લઇને અહીંથી જા.' એમ કહે છે.

દ્વેષથી ત્યાગેલું રાગથી ભોગવે !

જયાં સુધી તને રાગદ્વેષ છે, ત્યાં સુધી તું વીતરાગી થયો નથી. જો લીંબુ ત્યાગ્યાં હોય અને પછી કોઇ ખોરાકમાં ભૂલથી લીંબુ નિચોવાયું હોય તો ચિડાયા કરે. આનો અર્થ એ કે જે રાગથી ત્યાગ્યું હોય તે દ્વેષથી ભોગવવું પડે ને દ્વેષથી ત્યાગ્યું હોય તે રાગથી ભોગવવું પડે. કોઇને બીડીની બાધા હોય, તેને બીડી પીવડાવીએ તો તેને એમ થઇ જાય કે, મારી બાધા તોડાવી નાખી, તે તેને મહીં કલેશ થઇ જાય. રાગદ્વેષથી ત્યાગવું એટલે શું ? કે જયારે ગમતું હોય છતાં દ્વેષથી ત્યાગી દે કે મને નથી ગમતું, છતાં જયારે વસ્તુ સામી આવે ત્યારે પાછો ટેસ્ટ આવી જાય. દ્વેષથી ત્યાગતાં રાગથી ભોગવે. આ તો બધાએ રાગથી ત્યાગેલું તેથી દ્વેષથી ભોગવવું પડે.

વ્યાખ્યાન કરતા હોય ત્યાં મહારાજના રાગદ્વેષ ના દેખાય, વીતરાગ જેવા દેખાય. પણ મહારાજના હરીફ પક્ષવાળા આવે તો વેરઝેર દેખાય. અરે ! અહીં 'જ્ઞાની પુરુષ' પાસે ય જો સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી મહારાજ બેસે તો ય તેમને સહન ના થાય. અત્યારે તો જયાં જયાં હરીફ, ત્યાં ત્યાં દ્વેષ હોય છે. જયારે બીજી બધી જગ્યાએ વીતરાગ રહે, પણ જો જાણે કે, મારાં કરતાં ઊંચે પદે છે, તે દ્વેષ આવી જાય. એથી અમે કહીએ છીએ ને, કે બિનહરીફ થવાનું છે.

બે હીરાના વેપારી હોય ને હરીફ બને તો દ્વેષ થઇ જાય, પાછા રાગે ય એના પર થાય તે ચા પાછા સાથે પીએ.

ભગવાન રાગ શાને કહે છે કે ? 'હું ચંદુલાલ', 'હું જમ્યો' તેને રાગ કહે છે અને 'હું નિરાહારી માત્ર તેને જાણું છું' તે રાગ નહીં. 'હું અને મારું' તે રાગ.

અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ 'રાગ' અને જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે 'વીતરાગ'.

આ બધાએ રાગનો અર્થ અવળો લીધો છે. તેઓ વિષયો પર રાગ છે એને રાગ કહે છે; પણ એ તો આકર્ષણ ગુણ છે, આસકિત છે. આખું જગત 'રાગ'માં ફસાયું છે. આસકિત એટલે આકર્ષણ.

અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ.

 

વેર

આ જગત શાથી ઊભું રહ્યું છે ? વેરથી. જો વેરભાવ ગયો તો બધું જ ગયું. આ તો વેરથી જ જગત ઊભું રહ્યું છે, તેથી અમે સમભાવે ફાઇલોનો નિકાલ કરવાનું કહીએ છીએ. આ નિકાલ કરવાથી જૂનાં વેરનો નિકાલ થાય છે, પછી નવું વેર ના બાંધશો.

બે ભાઇ હોય, તે એક દહાડો બંનેનું મન જુદું પડયું, તે બીજે દા'ડે વધારે જુદું પડે. પછી તો ધીમે ધીમે એ ભાઇ ના ગમતો થઇ પડે ને પછી તો વેર બંધાય. પછી એ બેઉ કેટલા દા'ડા ભેગા રહે ? દેહને બહુ પટાવ પટાવ ના કરવું. આ 'બે ભાગ' એક થયા તેથી તો આ જગત ઊભું છે ! લોક શું કહે છે કે, 'હું ના કરું છતાં કેમ થઇ જાય છે ?' આ એકાકાર થવાથી ડખલ થાય, તેમાં પછી ડખો થઇ જાય તેથી હોળી તો સળગેલી જ રહે. આ તો બે ભાગ છૂટા પડયા પછી ભલેને હોળી સળગે, આપણે તો તેના જ્ઞાતા દ્રષ્ટા છીએ.

આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઇ જાય ? ના થાય. ઘરાક તો યાદ રાખે કે, 'આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો.' લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે, કોઇપણ રસ્તે વેર છોડો. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઇ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઇ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, 'તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ, તને છૂટ છે.' આ પૈસા જતા કરીને ય જો વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક જ માણસ જોડેનું વેર ભટકાવશે.

આમને કયાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે, 'મારે તો મોક્ષે જવું નથી, પણ તને ય હું મોક્ષે જવા નહીં દઉં !' આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે આઠ ભવથી કેવું વેર હતું ? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટયું ! કમઠેથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં, ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઇ નાખ્યું.

બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે, તેમને ઉપયોગ દેવો ના પડે. તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા તે ઉપરથી જતા હતા. તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તો ય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા, મોટા મોટા પથ્થરો નાખ્યા, અગ્નિ વરસાવ્યો, ધોધમાર વરસાદ વરસાવ્યો, બધું જ કર્યું. ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ! ને દેવીઓએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા ! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાં ય ધ્યાનમાં જ રહ્યા ! તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ, વેરવી જોડે કિંચિત્ માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્ર દેવ અને દેવીઓ પર કિંચિત્ માત્ર રાગ નથી થતો એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે ! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ! ગજબની વીતરાગતામાં રહે છે. ચોવીસેય તીર્થકરોની મૂર્તિઓમાં વીતરાગનાં દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે !

આજે તો આ લોકને સહન કરવાનું જરા ય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તો ય મહાન પુરુષનું એક દહાડાનું ય દુઃખ ના હોય, છતાં ય ગા ગા કરે !

જગતના લોક તો અમને નિરંતર જ્ઞાનમાં દેખાય છે કે વેરથી જ બંધાયા છે, અને તેથી તો મોઢું દિવેલ પીધેલા જેવું દેખાય છે! વેરથી કલેશ થાય. આ પાર્શ્વનાથ ભગવાનને જો સહેજ પણ ઓળખો તો વીતરાગના ફણગા ફૂટે, પણ આ ઓળખે કેવી રીતે ? સાપવાળા પાર્શ્વનાથ ને સિંહવાળા મહાવીર સ્વામી !!! આ કેરીને ઓળખે કે રત્નાગિરિની કે વલસાડી ! પણ ભગવાનનું ઓળખાણ એમને નથી પડતું!!! હવે આમને ક્યાં પહોંચી વળાય ?

કોઇ ને ય આપણાથી દુઃખ ના થાય એ સુખી થવાનો માર્ગ !

અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંને ય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ?

એક દહાડો રાત્રે અમારી પોળનો એક ઓળખીતો માણસ જોરથી દોડતો દોડતો જતો હતો. હવે બસો કિલોનું પોટલું, તે રસ્તામાં પડયો. તેથી બે-ત્રણ વાર તો ગોથમડું ખાઇ ગયો ! તેને મેં પૂછયું કે, 'ભાઇ, આટલી રાત્રે આટલો દોડતો દોડતો કેમ જાય છે ?' તો કહે કે, 'જલેબી લેવા દોડું છું ! અમે પાનાં રમતા હતા, તે એક શરત હાર્યો એટલે દશ રૂપિયાની જલેબી લેવા જઉં છું. મોડું થયું છે તે દુકાન બંધ ના થઇ જાય એટલે દોડું છું !'

ઓત્તારીની ! આ જલેબી જડ ને તું ચેતન, તે આવડી જલેબી આ બસો કિલોને ખેંચે કઇ રીતે ? એ ય અજાયબી છે ને ?

 

સંગ અસર

દાદાશ્રી : સત્સંગ કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : ઇશ્વરના ઘરની સારી વાતો થાય તેને સત્સંગ કહેવાય.

દાદાશ્રી : ઇશ્વર તો જાણ્યો નથી કે એ કોણ છે ને કોણ નથી, ત્યાર વગર શી રીતે એની વાતો થાય ?

સત્સંગ તો ઘણા ય પ્રકારના છે. પુસ્તકો વગેરેનું આરાધન કરે તે પણ સત્સંગ છે. 'સંત પુરુષ'નો સંગ પણ સત્સંગ, સત્ પુરુષનો સંગ કરે એ પણ સત્સંગ અને 'જ્ઞાની પુરુષ'નો સંગ એ પણ સત્સંગ અને પછી છેલ્લે 'વીતરાગ'નો સંગ એ પણ સત્સંગ કહેવાય, પણ એ બધાના પ્રકારમાં ફેર.

સંત પુરુષ કોને કહેવાય ? જેનું ચિત્ત નિર્મળ થઇ ગયેલું છે તે 'સંત પુરુષ'. સંત પુરુષને પોતાના સ્વરૂપનું ભાન ના હોય; જેને પોતાના સ્વરૂપનું ભાન હોય, જેને અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ, તેઓ 'સત્ પુરુષ' કહેવાય, અને એની આગળ જ્ઞાની પુરુષ કે જે મુક્તિ આપે, જે મોક્ષનું દાન આપી શકે તે મોક્ષદાતા પુરુષ અને એમની આગળ વીતરાગ કે જેમનાં દર્શન માત્રથી મોક્ષ થાય એ 'વીતરાગ ભગવાન !'

'જ્ઞાની પુરુષ' એ પોતે સત્ છે માટે એમનો સંગ એ સત્સંગ, અને એને ભગવાને પરમહંસની સભા કહી. અહીં તો રીયલની જ વાત હોય. હંસ જેમ ચાંચ બોળતાંની સાથે જ નીર ને ક્ષીર છૂટાં પાડી દે તેમ 'જ્ઞાની પુરુષ' પાસે 'જ્ઞાન' મળતાં જ આત્મા અને અનાત્મા બંને ય છૂટા જ પડી જાય, માટે એને ભગવાને પરમહંસની સભા કહી. જયાં આત્માની, દરઅસલ આત્માની વાતો નથી, છતાં પણ ધર્મની વાતો થાય છે, રીલેટિવ ધર્મની વાતો છે એ હંસની સભા છે. એ જગ્યામાં હિતાહિતનું બતાવે, એ શુભનો ચારો ચણે છે અને તે કયારેક મોક્ષ પામશે. જયાં સમજુ માણસો ભેગા થતા નથી અને બસ વાદવિવાદ જ કર્યા કરે છે, એકબીજાનું સાંભળવા તૈયાર જ નથી એ સભાને કાગડાની સભા કહી છે ! આ હંસની સભામાં તો અનંત અવતારથી છે, પણ જો એક અવતાર 'પરમહંસ'ની સભામાં બેસીશ તો મુક્તિ મળી જશે ! પરમહંસની સભામાં આત્મા અને પરમાત્માની બે જ વાત હોય અને અહીં તો નિરંતર દેવલોકો ય હાજર રહે. દરેક જીવમાત્રને આત્મજ્ઞાનની જ ઇચ્છા છેલ્લી છે. લોકો તપ અને ત્યાગ કરી કરીને મરી ગયા, પણ ભગવાન ભેગા થયા નથી. ભાવના સાચી હોય તેને જ ભગવાનનો ભેટો થાય. અહીં અમારી પાસે જે વસ્તુ જોઇએ તે મળે. જયાં બધી જ જાતના ખુલાસા થાય, તે પરમસત્સંગ. અમારો ઇલકાબ શો છે, ખબર છે ? અમે મોક્ષદાતાપુરુષ, તમે જે માગો તે અમે આપીએ ! તમને કામ કાઢતાં આવડવું જોઇએ!

અભ્યુદય ને આનુષંગિક ફળ !

કવિરાજે ગાયું છે :

'સત્સંગ છે પુણ્યૈ સંચાલિત, ચાહું અભ્યુદય આનુષંગિક.'

- નવનીત

'જ્ઞાની પુરુષ'ને મળે ત્યારથી બે ફળ મળે : એક 'અભ્યુદય' એટલે સંસારનો અભ્યુદય થતો જાય, સંસારફળ મળે અને બીજું 'આનુષંગિક' એટલે મોક્ષફળ મળે ! બંને સાથે ફળ મળે. જો બંને ફળ સાથે ના મળે તો તે 'જ્ઞાની પુરુષ' નથી. આ તો પાર વગરનાં ઓવરડ્રાફ્ટ છે તેથી દેખાતું નથી. આ સત્સંગ કરો છો માટે એ ઓવરડ્રાફ્ટ પૂરાં થવાનાં જ.

અહીં મોક્ષફળ એકલું ના હોય, એમ હોય તો તો એક લૂગડું ય પહેરવા ના મળે. પણ ના, મોક્ષફળ અને સંસારફળ બંને સાથે હોય.

રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઇએ તો દ્રષ્ટિફળ મળે. નોકરીનો પગાર મળે એ સેવાફળ. પણ દ્રષ્ટિફળ એટલે રાજાની દ્રષ્ટિ પડે અને ભાઇને પૂછે કે, 'તમે ક્યાં રહો છો ?' તે જાણ્યા પછી એને સારી જગ્યા રહેવા મળે, તે દ્રષ્ટિફળ એક રાજાની દ્રષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે 'જ્ઞાની પુરુષ'ની દ્રષ્ટિથી શું ના મળે ? રાજા તો ઊણો છે, એને તો રાજ વધારવાની લાલચ છે; જયારે આ તો 'જ્ઞાની પુરુષ' જે સંપૂર્ણ નિરીચ્છક દશામાં વર્તે ! અને તેમની દ્રષ્ટિનું ફળ તો કેવું હોય ? અહીં સત્સંગમાં આવ્યો, એટલે અહીંથી એ દ્રષ્ટિફળ અવશ્ય લઇ જાય. સેવાફળથી તો રાજાના ૨૫૦ રૂપિયા મળે છે, રાજાને વંદીને આવ્યો તેથી તો દ્રષ્ટિફળ મળે !

'જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા તેથી તો ઊંચામાં ઊંચા ફળ અભ્યુદય અને આનુષંગિક મળે છે અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંને ય સાથે જ રહે.

વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તો, ભલેને એ મૂર્તિ છે, છતાં અભ્યુદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો 'જ્ઞાની પુરુષ' સમજાવે તો આવડે. નહીં તો કોઇને આવડે નહીં ને? 'જ્ઞાની પુરુષ' મૂર્તામૂર્ત છે, એટલે એમનાં દર્શનથી તો બંને અભ્યુદય અને આનુષંગિક ફળ મળે. 'જ્ઞાની પુરુષ'નાં દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યૈનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, અને તેમાં ય આ તો અક્રમ જ્ઞાની; તે કશા જ જપ નહીં, તપ નહીં ને વગર મહેનતે મોક્ષ ! 'જ્ઞાની પુરુષ' પાસે દ્રષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યુદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં 'જ્ઞાની પુરુષ'ને કંઇ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે 'જ્ઞાની પુરુષ'ને ફૂલાં ચઢાવે તો અડચણો દૂર થાય. ભગવાને ભાવપૂજા અને દ્રવ્યપૂજા બંને સાથે રાખી છે. ફૂલ તોડીને તમે સૂંઘો કે બીજો ઉપયોગ કરો તો તે તમને નુકસાન એટલું જ છે, પણ જો ખાલી તોડશો જ તો તોડવાનું નુકસાન છે. પણ જો ભગવાનને ચઢાવવા ફૂલ તોડયાં છે તો ફાયદો વિશેષ થશે. આનુષંગિક અને અભ્યુદય એમ ભાવપૂજાનાં બે ફળો છે, મોક્ષમાં પણ લઇ જાય અને વૈભવ પણ સાથેરહે. સંસારીએ દ્રવ્યપૂજા કરવાની છે અને આત્મજ્ઞાનીઓએ ભાવપૂજા એકલી જ કરવાની હોય. પણ આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ નથી, માટે હજી બે-ત્રણ અવતાર કરવાના હોવાથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા બંને કરવી જોઇએ.

ભગવાન મહાવીર હતા ત્યારે આ બંને અભ્યુદય અને આનુષંગિક શબ્દો હતા અને તેનાં ફળ મળતાં હતાં. પછી તો શબ્દ એ શબ્દ જ રહ્યા. જો આનુષંગિક ફળ મળે તો અભ્યુદય ફળ સહેજે ય મળે. અભ્યુદય એ તો બાય પ્રોડક્ટ છે. જેણે છેલ્લી સ્ટેજનું આરાધન કર્યું, આત્માનું આરાધન કર્યું, એને બાય પ્રોડક્ટમાં જેની જરૂરિયાત હોય તે અવશ્ય પૂરી થાય. 'જ્ઞાની પુરુષ' મળે અને સંસાર અભ્યુદય ના મળે તો બાવો થઇ જાય !

અહીં 'સત્સંગ'માં બેઠા બેઠાં કર્મના બોજા ઘટ્યા કરે અને બહાર તો નર્યા કર્મના બોજા વધ્યા જ કરે છે, નરી ગૂંચામણ જ છે. અમે તમને ગેરેન્ટી આપીએ છીએ કે જેટલો વખત 'અહીં' સત્સંગમાં બેસશો તેટલા વખત પૂરતું તમારાં ધંધાપાણીમાં કયારે ય પણ ખોટ નહીં જાય અને સરવૈયું કાઢશો તો માલમ પડશે કે સરવાળે નફો જ થયો છે. આ સત્સંગ તે કંઇ જેવો તેવો સત્સંગ છે ? કેવળ આત્મા માટે જ જે વખત કાઢે એને સંસારમાં કયાંથી ખોટ જાય ? નર્યો નફો જ થાય. પણ આવું સમજાય તો કામ નીકળે ને ?! અહીં સત્સંગમાં કોઇ કોઇ વખત એવો કાળ આવી જાય છે કે અહીં જે બેઠો હોય તેનું તો એક લાખ વરસનું દેવગતિનું આયુષ્ય બંધાઇ જાય, અથવા તો મહાવિદેહ ક્ષેત્રે જન્મ લે! આ સત્સંગમાં બેઠો એટલે એમ ને એમ ફેરો નકામો ના જાય. આ તો કેવો સુંદર કાળ આવ્યો છે ! ભગવાનના વખતમાં સત્સંગમાં જવું હોય તો ચાલતાં ચાલતાં જવું પડતું હતું ! અને આજે તો બસ કે ટ્રેનમાં બેઠા કે તરત જ સત્સંગમાં આવી શકાય !! આવા કાળમાં આ સ્વરૂપજ્ઞાન મળી જાય તો તો પછી કામ જ કાઢી લેવાનું હોય ને ! કોઇ જગ્યાએ આત્મ-અનુભવી પુરુષ જ ના હોય, અને કોઇ વખતે આવા પુરુષ પાકે તો તો કામ કાઢી લેવાનું જ હોય. આત્મ-અનુભવી પુરુષ સિવાય બીજા કોઇની વાણી હૈયાને ઠારનાર હોતી નથી, અને હોય પણ નહીં !

આ વર્લ્ડમાં એક જ આ રીયલ સત્સંગ છે ને બીજે બધે તો રીલેટિવ છે. એને કાંઇ ને કાંઇ જોઇતું જ હોય ને લક્ષ્મીનો ભિખારી હોય, નહીં તો વિષયોનો ભિખારી હોય, નહીં તો માનનો કે શિષ્યો કરવાનો ભિખારી હોય. જો દુકાન પર બોર્ડ માર્યું હોય કે ક્રોધની દુકાન ને શાંતિ ખોળવા જાઓ તો દા'ડો વળે? ના વળે. માટે દુકાનદારને પહેલાં પૂછી લઇએ અને ચોક્કસ કરી લઇએ. બાપજીને કહીએ કે, 'તમે કહો તો છ મહિના-બાર મહીના બેસી રહેવા તૈયાર છું, પણ મને જો મોક્ષ મળતો હોય તો, મુક્તિ મળતી હોય તો, મારી બધી જ ચિંતા જતી રહેતી હોય તો. નહીં તો હું બીજી દુકાન શોધું.' અનંત અવતાર આ જાતજાતની દુકાનોમાં હપ્તા જ ભરભર કર્યાં છે ને ! છતાં ય મોક્ષ તો ના જ મળ્યો. માટે બાપજીને કહીએ કે, 'જો મોક્ષ આપી શકતા હો તો હું હપ્તા ભરું.' આમ સળી કરી જોવાથી કાંઇ હિંસા નથી થઇ જતી અને પછી બાપજી જો ગુસ્સે થઇ જાય તો તો તરત જ જવાબ મળી ગયો, એમ સમજી જવંું! આ દુકાનમાં તો મોક્ષ મળે એવું છે જ નહીં. છતાં ય બાપજીને રાજી કરીને, સો-બસોનો ખર્ચો કરીને, આટલેથી જ પત્યું સમજી નીકળી જવું.

સત્સંગ તે શાને માટે છે ? બધાંના સમાધાન માટે, તમારાં પઝલ સોલ્વ કરવા માટે છે ! મોક્ષનો માર્ગ જાણવા માટે છે !!!

કુસંગ, તો દુઃખ લાવે !

બે જાતના સંગ : એક કુસંગ અને બીજો સત્સંગ. સત્સંગમાં આવવાથી પ્રકાશ થાય, બળતરા બંધ કરી દે અને કુસંગ બળતરા ઊભી કરે. હવાઇનો દારૂ હવામાં ઉડાડે ને ધોતિયું બળે ને સળગાવી મારે, તેવું આ કુસંગનું છે. માટે કુસંગને પ્રત્યક્ષ અગ્નિ જાણજે. આટલી ચરી પાળવાની. ચરી પાળે તો ફરી રોગ ઉત્પન્ન થાય નહીં. હોટલોમાં ખાવું એ પરમાણુ રાશી છે, એ ય કુસંગ છે ! આ જગતમાં કશું જાણીને ના કપાય, અજાણ્યે કપાય. માટે ચેતતા રહેવું.

આખો સંસાર કુસંગ સ્વરૂપ છે અને પાછો કળિયુગનો પ્રભાવ ! સત્સંગથી કુસંગના પરમાણુ નીકળી જાય અને નવા શુદ્ધ પરમાણુ દાખલ થાય.

સત્સંગ કર્યો કયારે કહેવાય કે જયાં બધાં જ દુઃખો જાય તો, જો દુઃખ ના જાય તો તો કુસંગ કર્યો કહેવાય. ચામાં ખાંડ નાખીએ તો ગળી જ લાગે ને ? સત્સંગથી સર્વસ્વ દુઃખ જાય !

કુસંગને લીધે દુઃખ મળે છે. કુસંગ દુઃખ મોકલે અને સત્સંગ સુખ આપે અને અહીંનો આ સત્સંગ તો મોક્ષ આપે ! જ્ઞાની પુરુષ આખા જગતમાંની નિષ્ઠા, જગતમાં ભટકતી વૃત્તિઓને ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે !!! ને કામ થઇ જાય. આ તો મુક્તિનો ધર્મ છે. 'અમે' 'સ્વરૂપનું જ્ઞાન' આપીએ એટલે નિરંતર પોતાનું સ્વરૂપ જ યાદ રહે, નહીં તો કોઇ ને ય પોતાનું સ્વરૂપ યાદ ના રહે. પણ પ્રગટ 'જ્ઞાની પુરુષ' એ દીવડો સળગાવી દે એટલે સાક્ષાત્કાર થઇ જાય.

કુસંગથી પાપ પેસે અને પછી પાપ કૈડે. આ નવરો પડે ને કોઇ કુસંગ મળી જાય તે પછી કુસંગથી કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધાં દુઃખો છે તે એનાં જ છે. આપણને કોઇનું ય બોલવાનો અધિકાર શો છે ? આપણે આપણું જોવાનું. કોઇ દુઃખી હોય કે સુખી, પણ આપણને એની સાથે શી લેવાદેવા ? આ તો રાજા હોય તો ય તેની કૂથલી કરે. પોતાને કશું જ લાગે-વળગે નહીં એવી પારકી વાત ! ઉપરથી દ્વેષ અને ઇર્ષા અને તેનાં જ દુઃખો છે. ભગવાન શું કહે છે કે વીતરાગ થઇ જા. તું છે જ વીતરાગ, આ રાગદ્વેષ શાને માટે ? તું નામમાં પડીશ તો રાગદ્વેષ છે ને ? અને અનામી થઇ જઇશ તો વીતરાગ થઇ ગયો!

ભગવાને કહેલું કે, ''જયાં સુધી 'જ્ઞાની પુરુષ' મળે નહીં, ત્યાં સુધી તું જે તળાવમાં પડયો હોય તે જ તળાવમાં પડી રહેજે, બીજા તળાવમાં જઇશ નહીં. બીજા તળાવમાં તરવા જઇશ તો કાદવમાં ખૂંપતો જઇશ, તે તળાવના કાદવનાં પાછા ડાઘ લાગશે. જ્ઞાની મળે તો એ તળાવમાંથી ઝટ બહાર નીકળી જજે. 'જ્ઞાની પુરુષ' મળ્યા તો બધા તળાવનો તું માલિક થઇ જઇશ, ને તારું કામ થઇ જાય. તને તળાવમાંથી એ તારશે.''

'જ્ઞાની પુરુષ'ના સંગમાં જ્ઞાનીનો 'પાસ' લાગી જાય. આ જો હિંગનો પાસ કોઇ તપેલાને લાગી ગયો હોય તો છ મહિના પછી એ તપેલાંમાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય. આ હિંગના પાસની છ મહિના સુધી અસર રહે છે, તો કુસંગનો પાસ લાગે તો તો અનંતકાળ તમારા બગાડી નાખે એવું છે ! તેમ સત્સંગનો પાસ પણ એટલો જ રહે, પણ સત્સંગ વધારે વખત મળવો જોઇએ.

આ એક જ શબ્દ મહીં પેઠો કે, 'અલ્યા, આ દુનિયા ચલાવવા માટે તો આવું કરવું જોઇએ, તો થઇ રહ્યું !!! સંસ્કાર બગડયા વગર રહે જ નહીં. આ સંસ્કાર તો કયારે બગડે એ કહેવાય નહીં. આ જ્ઞાન હોય તો જ સંસ્કાર ટકે.

કોઇ સંત પુરુષ હોય અને આખી જિંદગી સંત પુરુષની રીતે રહેતો હોય ને દૂધનો ધંધો કરતો હોય ને કોઇ માણસ મળી જાય ને કહે, 'અલ્યા, આ જો તો ખરો, તારો બાજુવાળો કેટલું બધું કમાયો છે ! અને તું તો સાવ આવો જ રહ્યો.'

ત્યારે સંત પુરુષ પૂછે, 'એ શી રીતે કમાયો ?'

ેપેલો માણસ જવાબ આપે, 'દૂધમાં પાણી નાખીને સ્તોને', અને આ એક જ શબ્દ પેલાની મહીં ઊતરી જાય તો બસ થઇ રહ્યું ! આ એક જ શબ્દથી એના આખી જિંદગીનાં બધા સંસ્કાર ઉપર પાણી ફરી વળે!

આપણને વિષયોમાં ના પડવું હોય તો ય લોક પાડે. આ તો સંગદોષથી છે બધું, જો સારો સંગ મળે તો કશું જ ના થાય. આ તો સારા સંગથી ગુલાબ મળે અને કુસંગથી કાંટા મળે એવું છે ! કોઇ પરાણે દારૂ પીવડાવે તો ના પીવા માટે 'તાયફો' કરવો પડે, કહી દઇએ કે, 'ડૉક્ટરે ના પાડી છે અથવા ઘરમાં પેસવા જ નહીં દે.' આમ જેમતેમ એને ટાળી દેવો, કુસંગથી તો છેટા જ ભલા.

'વીતરાગ' ભગવાન કેવા પાકા હશે તે સમજીને છૂટયા. જેનાથી તાપમાં દુઃખ સહન ના થાય તો તે કાદવમાં પડયાં છે. ભગવાન તો કહે છે કે, 'અહીં તપેલો સારો, કાદવમાં પડયો તો તો થઇ રહ્યું !' તપેલો તો ફરી કયારેક ઠંડો થાય, પણ કાદવવાળો કયારે છૂટે ?! એક ફેરો કાદવમાં પડયો પછી તો કષાયનું સંગ્રહસ્થાન ઊભું થઇ જ જાય, પણ તાપમાં તપે તો કષાય તો મોળા પડે ! આ તો કાદવમાં પડેલો હોય તેનો સંગ થાય, અને એનાથી તો આપણા કષાય ઓછા હોય તો ય સામાવાળાના કષાયો આપણામાં પેસી જાય. એક ફેર કાદવમાં પડયા તો પછી બહુ ભારે પ્રતિક્રમણ કરી નાખવું કે હવે ફરી ના પડાય. પણ એ મિથ્યાત્વીમાં પડયા તો તો એ કષાયી, તે એનાથી આપણામાં કષાયો ઊભા થયા વગર રહે ?

સત્સંગ નિરંતર માર માર કરે તે સારો, પણ કુસંગ રોજ દાળ-ભાત-લાડુ જમાડે તે કામનાં નહીં. એક જ કલાક કુસંગ મળે તો કેટલાયે કાળનો સત્સંગ સળગાવી મૂકે. આ જંગલનાં ઝાડવા ઉછેરતાં પચીસ વર્ષ લાગે, પણ તેને સળગાવી મૂકતાં કેટલી વાર લાગે ? 'જ્ઞાની પુરુષ' તો કેટલુંક કરે ? રોજ કાળજી રાખીને જંગલમાં છોડવા વાવે અને કાળજી રાખીને ઉછેરે. તેને પછી સત્સંગ રૂપી પાણી પીવડાવે. પણ કુસંગ રૂપી અગ્નિને તે છોડવાને બાળી મૂકતાં કેટલી વાર ? સૌથી મોટી પુણ્યૈ તે કુસંગ ભેગો ના થાય તે. કુસંગીઓ કંઇ આપણને એમ કહે છે કે અમારા ઉપર ભાવ રાખો ? તેમની સાથે તો ઉપલક જ 'જાળીએ રહીને જયશ્રીકૃષ્ણ' કહેવા. સચ્ચિદાનંદ સંગ શું ના કરે ? કેવળજ્ઞાન અપાવે!

પ્રગટ જ્ઞાનીનો સત્સંગ !

આ દાદાનો સંગ, એ સત્સંગ તો શુદ્ધાત્માનો સંગ, છેલ્લામાં છેલ્લો સંગ અહીં અપાય છે, કેવળ જ્ઞાન સિવાય બીજું કશું જ અપાતું નથી. પણ આ કાળ એવો છે ને, કે ૩૬૦ ડિગ્રી સુધીની પૂર્ણતાએ જવા ના દે. જ્ઞાન તો એનું એ જ રહે, પણ જે પ્રવર્તન રહેવું જોઇએ તે કાળને આધારે રહે નહીં.

આ જ્ઞાનમાં અમે જે જોયું છે તે હકીકત અમારી પાસે છે. 'જ્ઞાની પુરુષ' કો'ક દહાડો ભેગા થાય ત્યારે જે પૂછવાનું હોય તે પૂછી નાખો, ત્યારે જો પોતાનું કામ કાઢી ના લે તો શું કામનું ? 'જ્ઞાની પુરુષ' એટલે એમને કશું જ જાણવાનું બાકી ના હોય.

સત્સંગ એટલે 'જ્ઞાની પુરુષ'નો વ્યવહાર જોવા માટે ભેળા થવું તે.

પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?

દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો સાથે ભક્તિ કરીએ તો મુક્તિ માટેનાં સાધનો મળે.

જે કોઇ પણ ચીજનો ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં, દેવગતિ માટે એવાનો સત્સંગ કામ આવે. મોક્ષ માટે તો જે કશાનો પણ ભિખારી નથી, તેનો સત્સંગ કરવો જોઇએ.

વ્યવસ્થિતને આપણે કહી દેવાનું કે, 'સત્સંગ માટે રાહત આપજે', તો તે તેવું ભેગું કરી આપે અને આપણે ના કહીએ તો ના આપે.

મહીં તો પાર વગરનું સુખ છલકાય છે, પણ બહાર તો જો સુખ માટે લૂંટ ચલાવે છે, અને તે પણ કપટથી !

ગમે તેમ કરીને સત્સંગમાં જ પડયા રહેવા જેવું છે ને નહીં તો ઘેર પડયા રહેવા જેવું છે, પણ એક ક્ષણ કુસંગને અડવા જેવું નથી, એ તો ઝેર સ્વરૂપ છે.

આપણી મહેનત નકામી ના જાય, દહાડા નકામા ના જાય અને સત્સંગને ભાગે રહેવાય એવું કરવું જોઇએ. 'આ' સત્સંગનો ભીડો રહ્યો એટલે કામ થઇ ગયું. આખા જગતને કુસંગનો ભીડો રહ્યો છે. મંદિર કે ઉપાશ્રયે જવાતું નથી, વ્યાખ્યાનમાં જવાતું નથી ને એના માટે કઢાપો-અજંપો કરે ય ખરા કે ઘણું ય આવવું છે, મંદિરમાં પણ અવાતું નથી. કારણ શું ? તો કે' કુસંગનો ભીડો છે તેથી એ જવા દેતું નથી. અને અહીં આપણે તો સત્સંગનો જ ભીડો અને કેવું જગત વિસ્મૃત રહે ! બધું ફરજિયાત હોય, પણ ફરજિયાત સત્સંગ હોય તે ગજબનો પુણ્યશાળી કહેવાય ! અને પાછો તમને અલૌકિક સત્સંગ મળે છે !! બહાર બધે જગતમાં ફરજિયાત કુસંગ છે. હવે ફરજિયાત સત્સંગ આવ્યો, ફરજિયાત સત્સંગ ને વળી ઘેર બેઠાં આવે !

સત્સંગમાં ચળવિચળ થયા તો ભારે જોખમદારી આવી પડે ! વ્યવહારમાં ચળવિચળપણું ચાલે. આ ધર્મમાં તો ચળવિચળ થયો તો આત્મા ખોઇ નાખે, આવરણ લાવે.

જગતનો નિયમ છે કે સત્સંગ જયાં રોજ કરતા હોય ત્યાં દશ-પંદર દહાડે એ જૂનો લાગે. પણ 'આ' જગ્યા, જયાં પરમાત્મા પ્રગટ થયા છે ત્યાં ૧૦૦ વર્ષ બેસો તો ય સત્સંગ નીત અનેરો લાગે, રોજ રોજ નવું લાગે. ભગવાને કહ્યું કે, 'જયાં પરમ જ્યોતિ પ્રગટ થઇ છે ત્યાં સત્સંગ કરજો.'

બહાર તો ધોતિયું પાંચ દિવસ પહેરે ને પછી કંટાળે તેવું લાગે. બહાર તો બોધ વાસિત લાગે, વાસનાવાળો. ભગવાને કહેલું કે, 'જયાં તીર્થંકર કે આત્મજ્ઞાની હોય ત્યાં બોધ નિર્વાસનિક હોય.' બાકી, તેમના પછી તો બોધ વાસિત જ હોય. કિંચિત્ માત્ર પણ જેને સંસારની વાસના છે તે બોધ વાસી કહેવાય, વાસનાવાળો બોધ કહેવાય. આવો બોધ આપે ત્યારે પોતે મોટા થવાની વાસના હોય. જ્ઞાનીઓ ના હોય ત્યાં સુધી વાસનાવાળા બોધનો આધાર હોય, એટલે કે વાસિત બોધનો આધાર હોય. પણ જ્ઞાનીઓ થાય ત્યારે નિર્વાસનિક બોધનો આધાર મળે અને તેથી જ મોક્ષ થાય ! અહીં સત્સંગમાં મહાત્માઓ એકબીજાનું કામ કરે, પણ અભેદભાવે, પોતાનું જ હોય તેમ !

આ બહાર બોધ વાસી નહીં, પણ 'વાસિત'. વાસી તો મોડો પણ પચે, પણ આ તો વાસનાવાળો. જયાં વાસના નથી ત્યાં મોક્ષ થાય.

વાસના બોધ બે પ્રકારનાં, પરભાર્યા માટે વાસના કરે એને સારી કહી પણ પોતાને માટે કરે એને માટે તો ભગવાને પણ ના કહી.

સાચા દિલથી વ્યાખ્યાનમાં સાંભળવા ગયા હોય એને અભ્યુદય ફળ મળે. સાચા દિલથી સાંભળનારા વ્યાખ્યાનકારોની ભૂલ ના કાઢે અને વ્યાખ્યાન આપનારાની સાચા દિલની ઇચ્છા મહાવીરની આજ્ઞા પાળવાની છે ને ! સાચા દિલની સાંભળવાની ઇચ્છા એનો મેળ કયારે બેસે ? કે કયારે પણ ભૂલ ના કાઢે તો. આ તો ઓવરવાઇઝ થયેલા એટલે ભૂલો કાઢે છે.

બહાર ગમે તેવો સત્સંગ હોય, બુદ્ધિને ગમે તેટલું કહીએ કે શ્રદ્ધા રાખ, પણ બુદ્ધિ કેટલું માને ? ત્યાં આગળ મન, બુદ્ધિ બધાં છૂટાં પડી જાય. જયારે અહીં તો બુદ્ધિ સામેથી શ્રદ્ધા રાખે; મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધાં ય એક થઇ જાય. જયાં આ બધા એકમત થઇ જાય ત્યાં મોક્ષ ઊભો છે !

કવિ શું ગાય છે આ 'દાદા' માટે ?

''પરમાર્થે સત્સંગ દેતા, પોતાના પૈસા ખરચી

જગહિતે ગાળી કાયા, જોતા ના ઠંડી ગરમી.'' -નવનીત

આ લોકો ય કયાં ઠંડી-ગરમી જુએ છે ? ચાર વાગ્યે ઊઠીને મા છે, તે બાબા માટે પૌંઆ વઘારીને નાસ્તા બનાવે છે. તે કહેશે કે 'મારા બાબાને નિશાળ જવું છે, તેથી બનાવું છું. બાબાને સવારમાં નાસ્તો તો જોઇએ ને ?'

ત્યારે બાબો કહેશે, 'આવું ને આવું શું રોજ રોજ બનાવો છો ?'

આ જુઓ, લોકો ય કંઇ ઠંડી-ગરમી જુએ છે ? છતાં કરેલું બધું જ અલેખે જાય છે, શક્તિ બધી અવળે રસ્તે વેડફાઇ રહી છે. ના મોક્ષનું કામ થાય કે ના સંસારનું કામ થાય. ઘરમાં ય કોઇ જશ આપે નહીં, ને ઉપરથી કહેશે કે, 'આ તો આવી છે, આ તો તેવી છે ! નર્યા અપજશનાં જ પોટલાં મળ્યા કરે !

સત્સંગમાં, 'દાદા'ના પરમ સત્સંગમાં જવાનું મન થયા કરે તે અંતરાય તૂટવાની શરૂઆત થઇ કહેવાય અને ત્યાં જતાં હરકત-રૂકાવટ ના આવે તે અંતરાય તૂટયા કહેવાય.

અહીં સત્સંગમાં બેસીને જે કંઇ ફેરફાર પડતો લાગતો હોય તે વિગતવાર સમજી લેવો જોઇએ, એ જ પુરુષાર્થ છે. 'જ્ઞાન' પોઇન્ટ ટુ પોઇન્ટ ધીમે ધીમે સમજી લેવું જોઇએ. સત્સંગ કરતાં સહુથી સહેલો રસ્તો એ કે 'દાદા'ને રાજી રાખવા તે.

'અમારો' સંગ ના મળે તો 'અમારાં' 'વાકયોનો સંગ તે બધો સત્સંગ જ છે. સત્સંગ એટલે શુદ્ધાત્માના રીલેટિવનો સંગ, બીજા કોઇનો સંગ કરવા જેવો નથી; પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હોય. આપણે તો મહીં માલ જોઇ લેવાનો, પછી બીજું કશું જ આંખોને અડવા દેવા જેવું નથી. શુદ્ધાત્મા ગાય-ભેંસમાં છે એની ખાતરી થયા પછી દેખાવા જ જોઇએ ને ? પછી ના દેખાય એ પ્રમાદ કહેવાય.

જેને ત્યાં આ 'દાદા'ની આરતી ઊતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી એ તો વીરતી છે ! જેને ઘેર આરતી થાય એને તો ઘેર વાતાવરણ આખું જ ફેરફાર થઇ જાય. પોતે તો 'શુદ્ધ' થતો જાય ને ઘરનાં બધાં છોકરાંને ય, બધાંને ય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને તો ઘેર દાદા હાજર થાય ! અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકોની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઇમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું. ઘરમાં એક જ કલેશ થાય તો વાતાવરણ આખું ય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય ? કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઇ જાય !

આ આરતી વખતે તમને જે ફૂલાં ચઢે છે એ દેવોને અમે ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ ! જગતમાં કોઇને ય દેવોનાં ચઢાવેલાં ફૂલાં ચઢતાં જ નથી આ તો તમને જ ચઢે છે. એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે.

આત્મસ્વભાવ તો સંગમાં રહેતો હોવા છતાં અસંગી છે, તેને કોઇ ડાઘ પડે નહીં, પણ તે 'જ્ઞાની પુરુષ' મળે અને અસંગ આત્મજ્ઞાન એટલે કે દર અસલ આત્મા પ્રાપ્ત કરાવી આપે તો ! નહીં તો આ સંસારમાં તો જે જે ક્રિયા કરીશ તેનો મેલ ચઢયા વગર રહેશે જ નહીં અને મોક્ષ મળશે નહીં. માટે જા, પહોંચી જા 'જ્ઞાની પુરુષ' પાસે.

 

ત્રિમંત્ર વિજ્ઞાન

ભગવાન ઋષભદેવ કે જે બધા ધર્મોનું મુખ છે, સર્વ ધર્મવાળા જેમને માન્ય કરે છે, એમણે સંસાર વ્યવહારનાં વિઘ્નો ટાળવા લોકોને કહ્યું કે, ત્રિમંત્રો સાથે બોલજો. ત્રિમંત્રમાં પંચપરમેષ્ટિ નવકાર મંત્ર, ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ નમઃ શિવાય-એમ ત્રણ મંત્રો સાથે બોલવાનું, ભગવાને કહ્યું હતું. ભગવાને કહ્યું કે, 'તમારે તમારી સગવડ માટે દેરાં વહેંચી લેવાં હોય તો વહેંચી લેજો, પણ મંત્રો તો ત્રણે ય સાથે જ બોલજો.' દરેક ધર્મનું રક્ષણ કરનાર રક્ષક દેવો હોય, શાસન દેવ-દેવીઓ હોય. આ ત્રણે ય મંત્રો સાથે બોલવાથી બધા ધર્મના દેવલોકો આપણી ઉપર રાજી રહે. જો એક જ મંત્ર બોલો તો બીજા ધર્મના દેવો રાજી ના રહે. આપણે તો બધાને રાજી કરી મોક્ષે જવું છે ને ? અત્યારે તો લોકોએ મંત્રો વહેંચી નાખ્યા. મંત્રો તો મંત્રો, પણ અગિયારસે ય વહેંચી લીધી ! શિવની અગિયારસ જુદી ને વૈષ્ણવોની જુદી. જૈનોમાં ય એક તિથિ માટે માર ઝઘડા ઝઘડા કરી જુદા પંથ પાડી દીઘા ! મોક્ષે જવું હોય તો નિષ્પક્ષપાતી થવું પડે, સર્વ રીલેટિવ ધર્મોની સત્તા માન્ય કરી રીયલનું કામ કાઢી લેવાનું છે !

પ્રશ્નકર્તા : મંત્ર શું છે ?

દાદાશ્રી : મંત્ર એ મનને આનંદ પમાડે, મનને શક્તિ આપે અને મનને 'તર' કરે ! જયારે ભગવાને આપેલા મંત્રો વિઘ્નોનો નાશ કરે. અમારો આપેલો ત્રિમંત્ર સર્વ વિઘ્નોનો નાશ કરે. આ ત્રિમંત્રની આરાધનાથી તો 'શૂળીનો ઘા સોયે સરે.' બીજા મંત્રો તો મનને તર કરે!

પ્રશ્નકર્તા : આ નવકાર મંત્રમાં તમામ શાસ્ત્રો આવી જાય છે ને?

દાદાશ્રી : જો એવું હોત તો તો પછી ભગવાન મહાવીરે ગૌતમસ્વામી પાસે ૪૫ આગમો ના લખાવ્યા હોત ને એક જ મંત્ર આપીને છૂટી જાત. નવકાર મંત્ર તો શું કરે કે તમારાં આવતાં વિઘ્નોને ટાળે, સો મણનો પથરો પડવાનો હોય તો કાંકરાથી વિઘ્ન દૂર થઇ જાય.

પ્રશ્નકર્તા : શું ત્રિમંત્રો બોલવાથી કર્મો હળવાં થાય ?

દાદાશ્રી : હા, મંત્ર બોલવાથી કર્મો હળવાં થાય, રાહત મળે. કારણ કે શાસન દેવ-દેવીઓની સહાય હોય. પણ મંત્રો તો મન, વચન, કાયાની એકાગ્રતાથી બોલવા જોઇએ તો ફળ આપે. આ લોક ઊંઘી ગયું હોય ત્યારે મન, વચન, કાયાની સ્થિરતાથી વિધિ થાય, પણ લોક ઊઠી ગયું હોય તો મહીં હાલી જાય. આ તો ઊઠે ત્યારથી સ્પંદનો ઊભાં થાય અને આત્મા સ્વ-પરપ્રકાશક છે, એટલે આ ચંદુલાલ ઊઠયા હોય ને ચંદુલાલ આપણને સંભારે તો તે આપણને ય યાદ આવે, કારણ કે તરત જ સ્પંદનો થવાનાં. તેથી તો આ લોકો ચાર વાગ્યે વિધિ, મંત્ર બોલવાનો નિયમ લેતા ને !

પ્રશ્નકર્તા : દાદા, નવકાર મંત્રનો અર્થ શું ?

દાદાશ્રી : 'નમો અરિહંતાણં' એટલે શું કે અરિહંત ભગવાન કે જેણે ક્રોધ, માન, માયા, લોભ રૂપી દુશ્મનને હણી નાખ્યા છે, છતાં દેહ સાથે અહીં વિચરે છે, તેમને નમસ્કાર કરું છું. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, જે મોક્ષમાં બિરાજેલા હોય તે સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાનમાં ફેર કશો નથી, માત્ર અરિહંત ભગવાનને દેહ છે અને પેલા વિદેહી. ત્રીજા આચાર્ય ભગવંતને નમસ્કાર. પોતે સંપૂર્ણ આત્મજ્ઞાની છે અને બીજાને જ્ઞાનદાન આપે છે તે આચાર્ય ભગવંત કહેવાય. પછી ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર. ઉપાધ્યાય એટલે જે પોતે આત્મજ્ઞાન પામ્યા છે અને હજી સંપૂર્ણ થવા પોતે અભ્યાસ કરે છે અને બીજાને ઉપદેશ આપી અભ્યાસ કરાવડાવે છે તે. નમો લોએ સવ્વસાહુણં- એટલે આ લોકના સર્વ સાધુઓને નમસ્કાર. પણ સાધુ કોણ ? આ ભગવું કે ધોળું પહેરી લે તે ? ના, આત્મદશા સાધે તે સાધુ ને બીજા બધા કુસાધુ. ઐસો પંચનમુક્કારો-આ પાંચને નમસ્કાર કરું છું. સવ્વ પાવપ્પણાસણો-સર્વ પાપોને નાશ કરનાર છે. મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલમ્-સર્વ મંગલમાં ઊંચામાં ઊંચું આ પ્રથમ મંગલ છે.

ભગવાને બધી જાતના ધર્મ મૂકયા; મોક્ષનો માર્ગ મૂકયો અને શુભાશુભનો પણ માર્ગ મૂકયો, તેમણે અશુદ્ધનો માર્ગ નથી મૂકયો. મંત્રોથી કર્મ હળવાં થાય, ચીકણાં કર્મો હળવાં થાય. પણ એ મંત્ર બોલવા એ ય એક એવિડન્સ છે. જ્ઞાની મળે એ તો નિમિત્ત હોય. જો બધો ફેરફાર થવાનો હોય તો જ નિમિત્ત મળે એવું છે ! કર્મ કોઇને છોડે નહીં, આ તો વિઘ્ન ટળવાનું હોય તો જ પેલું નિમિત્ત મળી જાય. અને મંત્રમાં વિઘ્ન ટાળવાની શક્તિ હોય છે. આ બ્રાહ્મણો હોય છે, એ બધું જોશ વગેરે જોઇને છોડીના લગ્નની પત્રિકા બનાવે, પછી જુએ કે આમાં રાંડવાનું આવે છે એટલે પછી ટાઇમ ફેરફાર કરે, છતાં એ બઇ રાંડવાની હોય તે રાંડે જ. એમાં તો કોઇ ફેરફાર ના કરી શકે ! આ તો ઊંઘતો જવા દે, જાગતો ના જવા દે, એવું છે આ જગત !

તમે તો જૈન છો તે નવકાર મંત્ર બોલો છો કે ?

પ્રશ્નકર્તા : હા, રોજ બોલું છું.

દાદાશ્રી : તો પછી ઉપાધિ મટી ગઇ હશે ને ?

પ્રશ્નકર્તા : પણ સંસારમાં ઉપાધિ તો હોય જ ને !

દાદાશ્રી : જજના હાથનું જજમેન્ટ હોય કે કારકુનનું હોય ?

પ્રશ્નકર્તા : જજનું જ.

દાદાશ્રી : તે નવકાર મંત્ર પણ જજે આપેલો હોવો જોઇએ. નવકાર મંત્ર સમજીને બોલો છો કે ઓળખાણ વગર બોલો છો ? આ ઘીની ઓળખાણ ના હોય તો ઘી શી રીતે લાવો ? એ તો પછી બીજું કશુંક વળગાડે. મંત્ર તો 'જ્ઞાની પુરુષે' આપેલો હોય તે યથાર્થ ફળ આપે. આ ત્રિમંત્રો અમારી આજ્ઞાથી બોલે તેનાં સંસારનાં વિઘ્નો દૂર થાય, પોતે ધર્મમાં રહે અને મોક્ષને પણ પામે તેમ છે !

સર્વ સાધુભ્યામ નમઃ જે બોલે છે, નવકાર મંત્ર પણ બોલે છે, પણ નવકાર આજે અહીં આગળ છે નહીં. નવકાર તો અમે જેમને સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે તે નવકારમાં આવે. બાકી નવકાર ત્યાં બીજાં ક્ષેત્રોમાં પહોંચે છે. નવકાર તેથી બોલવાનો છે. આમને નવકાર પહોંચે નહીં, કારણ કે એ તો એમ જાણે છે કે 'હું આચાર્ય છું.'

પ્રશ્નકર્તા : આપણે મનમાં નવકાર બોલીએ તો આટોમેટિકલી પંચપરમેષ્ટિ ભગવંતોને પહોંચી જાય છે ?

દાદાશ્રી : નવકાર એવી વસ્તુ છે કે તમે જેને કહેવા માંગો છો તેને તે પહોંચી જાય !

આ આટલા બધા નવકાર મંત્ર બોલે છે ને લોક કહે છે કે, 'આ ચિંતા બધી કેમ જતી નથી ?' અલ્યા, સાચા નવકાર મંત્રને કોઇ બોલતા નથી. આ આમને પહોંચાડવા નવકાર મંત્ર બોલે છે, તે આ એના અધિકારી ન હોય, આ એમના નામનો કાગળ ન હોય. હવે એમના નામનો કાગળ ના હોય ને એમની ઉપર બીડીએ આપણે, ણૂ/ં ઉપાશ્રયમાં બીડીએ, એટલે હવે પેલાને તો કુદરતી રીતે પહોંચે જ નહીં, એટલે એ ડેડ લેટર ઓફિસમાં જાય; એટલે આપણો લેટર ગયો નકામો અને ચિંતા ઊભી ને ઊભી રહી. આપણે એમ નક્કી કરવું જોઇએ કે, હિન્દુસ્તાનમાં આપણા દેશમાં ભરતક્ષેત્રમાં જયાં સાચા નવકાર હોય ત્યાં નવકાર પહોંચો, યથાર્થ સાધુઓને, યથાર્થ આચાર્યોને અને યથાર્થ ઉપાધ્યાયને પહોંચો. આ ત્રણ જણને જ પહોંચાડવાના છે, સિદ્ધો અને અરિહંતોને તો પહોંચે છે જ.

પ્રશ્નકર્તા : એટલે એમ ઓટોમેટિકલી નવકાર પહોંચી જાય જ ?

દાદાશ્રી : હા, ઓટોમેટિકલી પહોંચી જાય જ. હવે આ નમો અરિહંતાણં બોલીએ છીએ, પણ જાણીએ છીએ કે તે અહીં ભરતક્ષેત્રમાં છે નહીં એટલે તે પાછું ત્યાં પહોંચે, જ્યાં અરિહંત હોય ત્યાં અને નમો સિદ્ધાણં તે સિદ્ધોને પહોંચે જ, પણ જેટલા ભાવથી બોલે તેવું પહોંચે.

આ બધું સમજવું જોઇએ. જૈન ધર્મ એટલે સમજવું, સમજીને ગાઓ કહે છે. આપણા નરસિંહ મહેતા થઇ ગયાને તે નાગરની પોળમાં રહે. એમની પોળ તો નાગરની હોય ને ? મહેતાજી તો રોજ સવારના પો'રમાં પરભાતિયાં વહેલા ઊઠીને બોલે, તે બીજા નાગરો એમની ટીખળી કરે. તે સવારના દાતણ કરતાં કરતાં નાગરો મોટેથી ભગત જે બોલે તે બોલવા લાગે, એટલે આખી પોળ બોલવા માંડે. લોકોએ એમના ચાળા પાડવા માંડયા, એ બોલે એવું જ બોલે. એટલે પછી નરસિંહ મહેતા એવું બોલ્યા કે,

'મારું ગાયું જે ગાશે તે ઘણાં ગોદા ખાશે, ને સમજીને ગાશે તો વૈકુંઠ જાશે.'

મારું ગાયું ના ગાઇશ, ઘણાં ગોદા ખાઇશ.

તેમ આ નવકાર મંત્ર સમજીને બોલો. આ મંત્ર કોને કોને પહોંચે છે, કયાં કયાં પહોંચે છે તે સમજીને પહોંચાડો. સાધુ તો ભગવાને કોને કહ્યા છે ? જે આત્મદશા સાધે તે સાધુ, બીજા સાધુ ખરા પણ કુસાધુ ! અને વીતરાગોથી માર્ગ જુદો પાડે એ બધાને કુલિંગી કહ્યા. એટલે આ કુલિંગીઓમાં શું કાઢવાનું હોય? આપણે તો ભગવાન મહાવીરની વાત સાચી ગણીએ. આપણે 'નમો વીતરાગાય' બોલવું.

આ નવકાર મંત્ર બોલે છે ને, તે સમજીને ગાવ. આ બ્રહ્માંડ બહુ મોટું છે, વીસ તીર્થંકરો છે, પંચ પરમેષ્ટિ બહુ છે. મંત્ર સમજીને બોલવાથી પછી ભલે અજ્ઞાની હોય, પણ ૐનું ફળ મળે. તીર્થંકર કોને કહેવાય, પંચ પરમેષ્ટિ કોને કહેવાય, એ સમજીને બોલે તો ૐ નું ફળ મળે.

ૐ ની યથાર્થ સમજ !

પ્રશ્નકર્તા : દાદા, ૐ શું છે ?

દાદાશ્રી : નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને 'હું શુદ્ધાત્મા છું' એની સાથે નવકાર બોલે તો ૐકાર બિન્દુ સંયુક્તમ્ છે.

ૐકાર બિન્દુ સંયુક્તમ્, નિત્યમ્ ધ્યાયન્તિ યોગીનઃ

કામદં મોક્ષદં ચૈવ, ૐકાર નમો નમઃ

બહાર નવકાર બોલે, પણ જો ચોખ્ખા દિલે એકાગ્રતાથી બોલે તો ૐકાર સુંદર બોલાય, તે બધાં પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે. 'ૐ' બોલે તો ય પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે ને નવકાર બોલે તો ય તે તેમને બધાંને પહોંચે. બધાં વેરના ભુલાવા માટે આપણે ત્રણ મંત્રો સાથે રાખ્યા છે, કારણ કે શુદ્ધાત્મા થયા પછી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય છે. આપણું આ 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ ૐકાર બિન્દુ સંયુક્તમ્ કહેવાય અને એનું ફળ શું ? મોક્ષ. આ બહાર ૐનું જે બધું ચાલે છે, એ લોકોને જરૂર છે. કારણ કે જયાં સુધી સાચી વાત ના પકડાય ત્યાં સુધી સ્થૂળ વસ્તુ પકડી લેવી પડે. સૂક્ષ્મ રીતે 'જ્ઞાની પુરુષ' એ ૐ કહેવાય. જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા સત્પુરુષથી માંડીને પૂર્ણાહુતિ સ્વરૂપ સુધીને ૐ સ્વરૂપ કહેવાય અને એથી આગળ મુક્તિ થાય. મુક્તિ કયારે થાય? જયારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો. અહીં તમને અમે જ્ઞાનપ્રકાશ આપીએ ત્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય અને ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો મોક્ષ થાય. પછી કોઇ એનો મોક્ષ રોકી શકે નહીં !

નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર કહેવાય. જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી ત્રણે ય મંત્રો - નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવ અને ૐ નમઃ શિવાય - એમ સાથે બોલવાના હોય અને સંન્યસ્ત લીધા પછી એકલો નવકાર બોલે તો ચાલે. આ તો સંન્યસ્ત લીધા પહેલાં નવકાર મંત્ર એકલો ઝાલી પડયા છે !

 

ગાંડાની હોસ્પિટલ - જગત

એક માણસ મારી પાસે આવેલો. તે મને કહે કે, 'હું આપનાં દર્શન-બર્શન બધું જ કરીશ, પણ મારે મોક્ષ નથી જોઇતો.' ત્યારે મેં કહ્યું, 'સારું બા, અમારી પાસે ય એમ સસ્તો મોક્ષ કયાં છે ? ને તારી પાસે જે તારે જોઇએ છે એ છે જ ને - બંધન!'

આપણે ગાંડાની હોસ્પિટલમાં જઇએ અને ગાંડાઓના ટોળામાં જઇને કહીએ, 'એ ય, હાથ ઊંચો નીચો ના કરીશ' અને આમ આમ ચાળા કરતો હોય ને તે, એ એને એમ લાગે કે આ ગાંડું કેમ કરે છે ? એમને ડાહ્યું કોણ લાગે ? એમને તો એમનાં ગાંડા ડાહ્યા લાગે ! એમની ભાષા મળતી આવે અને પેલા ડાહ્યાની ભાષા એ ગાંડાને જુદી લાગે એટલે એને ડાહ્યો ગાંડો લાગે ! માટે એવી જગ્યાએ આપણે એની ભાષામાં વાત કરવી હોય તો જ મેન્ટલ હોસ્પિટલમાં રહેવું. આખા વર્લ્ડનું કન્વર્ઝન મેન્ટલ હોસ્પિટલમાં થઇ ગયું છે. હું ૧૯૪૨માં બોલતો હતો કે વર્લ્ડનું કન્વર્ઝન ધીમે ધીમે મેન્ટલ હોસ્પિટલમાં થઇ રહ્યું છે, તે એક દહાડો મેન્ટલ હોસ્પિટલ થઇ જશે ! તે આજે આપણને એમ જ લાગે કે, આ મેન્ટલ હોસ્પિટલના માણસો છે કે શું ? હા, એ જ છે, તમે શું કહો ને એ શું ય કહે. કોઇ કોઇનો સવાલ જવાબ એક્ઝેક્ટ સાંભળવા મળે નહીં, એવું બધું આ ગાંડાની હોસ્પિટલ જેવું થઇ ગયું છે; તો પછી પેલી મેન્ટલ હોસ્પિટલની વાત જ શી કરવાની ? આખો દા'ડો લોક ગાંડા જ કાઢયા કરે છે ને ! એક કપ ફૂટી ગયો હોયને તો તેના ય ઝઘડા ચાલ્યા કરે, એને મેન્ટલ હોસ્પિટલ કહેવાય. મનુષ્ય તો કેવો હોય? માનવતાવાદી હોય, ડાહ્યા હોય. કપ ફૂટી ગયો હોય, તેની કોઇ ફરી બીજી વાર વાત કરે કે આજે તો કપ ફૂટી ગયો તો કહેશે, એ ય એ વાત ફરી ના કરાય. ફૂટી ગયો તે ફૂટી ગયો, એની ફરી વાત કરવી એ મૂર્ખાઇ છે, પુનરૂક્તિ દોષ લાગે. આ તો આખો દા'ડો કાંણ કર્યા કરે કે, કપ ફૂટી ગયો !

આ મિલમાલિકનો બૂટ ખોવાઇ ગયો હોય છે, તે 'બૂટ ખોવાઇ ગયો, બૂટ ખોવાઇ ગયો' એમ કરે. અલ્યા, કંઇ હવે મિલમાલિક થઇ બૂટની વાત કરાતી હશે ? રોજ એક એક બૂટ ચોરાઇ જાય તો ય કોઇ ને કહેવું ના જોઇએ. પોતે એમ વિચારવું જોઇએ કે મારી પુણ્યૈ ખરાબ થઇ ગઇ, તેથી આ ચોરાઇ જાય છે. ઊલટું તારે તો ગુપ્ત રાખવાનું હોય. આ તો એક કપ ફૂટી ગયો હોય તો ય ઝઘડા ચાલે, નહીં ? ! એવું ઘણી જગ્યાએ તમારે જોવામાં આવ્યું છે ને ?

અનંતકાળથી લોકોએ પિત્તળને જ સોનું માની વેચાતું લે લે કર્યું છે, પણ જયારે વેચવા જશે ત્યારે ખબર પડશે. ચાર આના ય કોઇ તને નહીં આપે. પોતાનાં દુઃખ મટે તો જ જાણવું કે, અહીં જ્ઞાની છે, પણ દુઃખ ના મટે તો એ જ્ઞાનીને આપણે શું કરવાના ?! આપણું દુઃખ મટે નહીં, આપણું સમાધાન થાય નહીં તો એમની દુકાને બેસી રહેવાનો અર્થ શો છે ? આ તો બુદ્ધિવાદીના તુક્કા છે, એનો દોષ નથી. લોકો એવા છે, ભાન જ નથી સારાસારનું. ફુદાં ઉપરથી આવી પડે એમાં લાઇટ શું કરે ? આ તો ઊંચી વાત આવી ને ના સમજણ પડી એટલે કહેશે, ત્યાં આગળ હેંડો, વાત ઊંચી છે, પોતાને સમજણ ના પડે એટલે ત્યાં જાય. એ તો બુધ્ધુઓનાં ટોળાં કહેવાય, મોટા મોટા બુધ્ધિશાળીઓ બુધ્ધુ થઇ જાય.

પ્રશ્નકર્તા : મેન્ટલ હોસ્પિટલ કહ્યું એવું જ ને ?

દાદાશ્રી : હા, મેન્ટલ હોસ્પિટલ છે, નહી તો મેન્ટલ હોસ્પિટલ કહેવું સારું લાગતું હશે ? ના સારું લાગે. પણ બહુ થાય ત્યારે કહી દેવું પડે કે, 'મેન્ટલ હોસ્પિટલ જેવી દશા છે.' મેન્ટલ થઇ ગયેલા છે બધાં, મેન્ટલ હોસ્પિટલમાં મૂકયા હોયને એવા દેખાય છે, સારાસારનું ભાન જ જતું રહ્યું છે. હિતાહિતનું ભાન તો એને વિચારમાં જ નથી આવ્યું, મારું હિત શેમાં અને મારું અહિત શેમાં એવો વિચાર જ નથી આવતો. સારાસારનું ભાન નથી, હિતાહતનું ભાન નથી, કોઇ પણ પ્રકારનું ભાન નથી.

મેન્ટલ હોસ્પિટલમાં મન પણ ગાંડું થઇ ગયું છે, વાણી પણ ગાંડી થઇ ગઇ છે અને દેહનાં હલનચલને ય ગાંડા થઇ ગયાં છે. હવે આ ત્રણે ય ભાગ ગાંડા થઇ ગયા છે, હવે રીપેર પણ શી રીતે કરવાં ? શી રીતે રીપેર થાય ? એકાદ ભાગ ગાંડો થયેલો હોય તો રીપેર કરી શકાય. આ ત્રણે ય ભાગ હવે ઇમ્પોર્ટ કયાંથી કરવા ? કોઇ જગ્યાએ હોતા નથી ને? એટલે ગાંડાની હોસ્પિટલમાં અથડાઇ અથડાઇ ને કુટાઇ ને બધા ખડીયા ભાંગી જશે ! ભમરડા બધા તૂટી જશે, અથડાઇ અથડાઇ ને. બાકી, જગત ગાંડાની હોસ્પિટલ થઇ ગયું છે.

હિન્દુસ્તાનમાં તો સો ઘરો હોય, તેમાં પચાસ ઘર બહુ ત્યારે તો દુર્જનનાં હોય અને પચાસ સજ્જનનાં હોય; તો એ પચાસમાં પાંચ જ ઘર કલેશવાળાં હોય ને પિસ્તાલીસ ઘરો તો કલેશ વગરનાં હોય, એવું આ હિન્દુસ્તાન ! જો ડાહ્યાનું હિન્દુસ્તાન હોય તો પિસ્તાલીસ ઘરોમાં કલેશ ના હોય. સો ઘરોમાં પચાસ તો દુર્જનનાં ઘરો હોય, એ તો જાણે કલેશ-કંકાસમાં જ જીવે, પણ બીજા પચાસમાં પાંચ જ ઘર કલેશવાળાં, બીજા પિસ્તાલિસ ઘર કલેશ વગરનાં હોય, સેકંડે ૪૫ ટકા, પણ આ તો હજારે શું લાખોમાં પણ એક ઘર કલેશ વગરનું નથી. એટલે ગાંડાની હોસ્પિટલ કહેવાય, કારણ કે ધર્મસ્થાનોમાં તો સંપૂર્ણ શાંતિ જ વર્તવી જોઇએ, ત્યારે ત્યાં તો સંપૂર્ણ અશાંતિ !!!

એક સાહેબ રોજ ઓફિસે મોટરમાં જાય, તે એક દા'ડો મોટર બગડેલી તે સાહેબ ચાલતા ચાલતા જતા હતા ને પાછા પોતે બોલે ને પોતે સાંભળતા હતા. મને નવાઇ લાગી કે 'આ કઇ જાતનો રેડિયો વાગે છે ?' હું એમની પાસે ગયો. મેં તેમને પૂછયું 'કેમ આજે મોટર વગર? આપ શું બોલતા હતા ?'ત્યારે તેમણે કહ્યું, 'કંઇ નહીં, કંઇ નહીં.'તે પોતાનું છુપાવતા હતા.

અલ્યા, મહીં વિચાર કરે તેનો વાંધો નથી, પણ આ વિચારવાનું મોઢામાંથી ય નીકળી જાય છે ? ! આ તો મોટો ઓફિસર ને આવું થઇ જાય છે ! આ તો વિચારવાનું મોઢેથી નીકળી જાય તો દશા જ બેસી જાયને ! લોક પૂછે કે ભાઇ, શું ગણગણો છો ?' આ તો વિચારતો હતો કે શેઠને ગોળી મારવી છે અને વિચારવાની વાત જો મોઢેથી લીકેજ થઇ જાય તો ! આ તો બધાં કાણાં, એકે ય ઘડો આખો નહીં. સાસુ વહુ જોડે ભાંજગડ થઇ હોય તો બબડતી જાય ! આ તો ફૂટેલા ઘડા કહેવાય !

આપણો ઘડો કેવો હોવો જોઇએ કે સહેજ પણ કાણું ના હોય, પાણી ઝમવું પણ ના જોઇએ. 'ઝમે' કોને કહેવાય ? સામો માણસ તારણ કાઢી બેસે કે, આ શું ગણગણે છે એવું ના હોવું જોઇએ. અરે, છોકરાને ય કંઇ પૂછવું હોય તો કહે કે પછી પૂછીશું, હમણાં નહીં. બાપ ગણગણતો હોય તો છોકરાં ય સમજી જાય ને !

પેલા ઓફિસરને કોઇ બોસ જોડે ભાંજગડ થઇ હશે, તેથી ગણગણતો હતો. બોસ તો કોણ ? કે જે ભાંજગડ઼ કરે તેનું નામ બોસ! આપણે કોઇને અન્ડરહેન્ડ રાખવો તો કોઇ બોસ તો થાય જ ને ?

અત્યારનું વર્લ્ડ તો ગાંડાની હોસ્પિટલ જેવું થઇ ગયું છે, તે અભિપ્રાય આપીને કયારે ફેરવી નાખે એ કહેવાય નહીં. હમણાં કહે કે, 'તમે બહુ ડાહ્યા છો' અને કઇ ઘડીએ 'તમે અક્કલ વગરના છો' એવું સર્ટિફિકેટ આપી દે એ કહેવાય નહીં ! એવા મેન્ટલ લોકોના સર્ટિફિકેટથી શું ડરવાનું ? આ તો કેવું બોલશે તે કહેવાય નહીં. મેન્ટલોમાં ડાહ્યા રહેવા જાય તો રહેવાય નહીં. અત્યારે તો બધા જ મેન્ટલ છે, આ ગાયો-ભેંસો ડાહી કહેવાય.

આ રસ્તા ઉપર માણસ જોઇએ તો એમ થાય કે લાવ વરસ દહાડો સાથે રહીએ ? અરે, અત્યારે તો ઊલટી આવે એવું લોક, ચારે કાળમાંથી ફેંકી દીધેલો માલ એમાં રીલેશન શેનું કરવાનું ? તું ચળામણ ને પેલા ય એ જ ચળામણ માલ !

આજે તો રૂબરૂના સંદેશા ય સાચા મળતા નથી. આ તો પૂછીએ શું ને બોલે શું ? એવું વિચિત્ર થઇ ગયું છે !

ભગવાનના વખતમાં લોકો બહુ સુંવાળા હતા, તેથી ભગવાન બહુ સાચવી સાચવીને બોલેલા. ગાયોનું ટોળું હોય તો એક બૂમ પાડીએ ને નાસી જાય તો વધારે બોલવું પડે ? ના. તે ભગવાનના કાળમાં આવા લોક હતા, તેથી ભગવાન ભ્રાંતિ કહીને ઊભા રહ્યા. અને કેટલીક ગાયો તો ડાંગ લઇને જાઓ તો ય હાલે નહીં, તેને મેન્ટલ કહેવી પડે. અને આ લોક પણ મેન્ટલ ખરાં જ ને ? ઘરનું ખાય, ઘરનાં કપડાં પહેરે ને ચિંતા કરે ! ઘરનું શા માટે ખાય ? અંતઃકરણ શાંત રહે માટે. અંતઃકરણ શાંત શા માટે રાખવાનું ? તો કે' મેન્ટલપણું ઓછું કરવા માટે. પણ આ તો ઘરનું જ ખાય ને ચિંતા કરે છે. આ તો પેન્ટ પહેરી પાછળ 'માર માર' કરે. કોઇ બાપો ય તને જોવા નવરો નથી. એ એની ચિંતામાં જ હોય છે, તે ઉઘાડી આંખોએ ય તને દેખતો નથી. તું તો ફાટેલાં લૂંગડાંએ જાયને તો ય તને જોવા કોઇ નવરો નથી. આવું સરસ મુંબઇ શહેર, ત્યાં પેન્ટને ટપલીઓ 'માર માર' કરે ! આ મુંબઇ શહેર કેવું સરસ ! ચળકાટવાળા સુંવાળા રસ્તા ! ભગવાનના કાળમાં તો હેંડી હેંડીને દમ નીકળી જાય. અત્યારે ભોગવવામાં કેવી મઝા આવે! ત્યારે કોઇ ભોગવતો ય નથી ! મુંબઇમાં તું ભગવું કપડું પહેરીને જાઉંને તો ય તને જોવા કોઇ નવરું નથી. એની જોડે બેસનારો ફ્રેન્ડ હોયને તો તે ય હિસાબ માંડશે કે લાગે છે તો સાત, પણ જોડે નવ છે માટે આપણો ફ્રેન્ડ હોય નહીં, હશે કોઇ બીજો !

હિંદુસ્તાન - ૨૦૦૫માં વર્લ્ડનું કેન્દ્ર ?

કેમ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું ? કારણ કે સંસ્કૃત ભાષાવાળાને વિકૃત બહુ શીખવાડયું. સંસ્કૃત ભાષાવાળાને ત્યારે પ્રાકૃત ચાલી શકે, પણ વિકૃત તો ના જ કરાય. તે વિકૃત ભાષા આવી એટલે આ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું. પણ આ હોસ્પિટલમાં જે મેન્ટલો છે ને, તેમને પેટે છોકરાં થશે એ ડાહ્યાં થશે, ખરેખરાં ડાહ્યાં થશે. માટે આ મેન્ટલો જીવે છે એ સારું છે. એમનાં છોકરાં ડહાપણવાળાં નીકળશે. વાળ વધારશે, એમ કરશે, તેમ કરશે પણ છેવટે એ ડહાપણવાળાં નીકળશે. કારણ કે મેન્ટલ હોસ્પિટલનાં મેન્ટલોનાં છોકરાં છે, એટલે છોકરાં બધાં સારા થશે!

અને હિન્દુસ્તાન ૨૦૦૫માં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! આ મેન્ટલ લોકોનાં છોકરાંને બહારના લોક પૂછવા આવશે કે 'અમારે ખાવું કેવી રીતે ? અમારે ભણવું શું શું ?' એ પૂછવા આવશે. આ મેન્ટલોનાં છોકરાં ડાહ્યાં થશે, માટે આ મેન્ટલ થઇ ગયા એ સારું થયું. આ મેન્ટલ થઇ જવામાં ફાયદો શો થયો ? કે પાછલી બધી જે સંસ્કૃતિ હતી ને, તે આખી એબોલિશ થઇ ગઇ, વોશઆઉટ થઇ ગઇ, આ બધું સારું થઇ ગયું છે, ખોટું નથી થયું. પાછલા સંસ્કાર સડીને ખલાસ થઇ ગયેલા હતા !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16