ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

નિજ દોષ !

કોઇને આપણાથી કિંચિત્ માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણી ય ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકે ય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઇ પણ અસર થાય ને જો કંઇ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણામાં ક્રોધ, માન, માયા, લોભના કષાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં. એટલે તેની સામે જમે કરી લેવું. આપણી ભૂલ થઇ હોય તે ઉધાર થાય પણ તરત જ કેશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. આપણા થકી કોઇને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહી રાખવું. અને જો કોઇના થકી આપણી ભૂલ થાય તો ય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન, વચન, કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઇએ. આપણામાં ક્રોધ, માન, માયા, લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે; તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર

પેન્ડિગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.

પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરી ને?

દાદાશ્રી : ગયા અવતારના પાપને લઇને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. 'આ' 'જ્ઞાની પુરુષો'ની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવાં તાળાં ઊઘડી જાય.

આપણે આપણી ભૂલથી બંધાયા છીએ. ભૂલ ભાંગે તો તો પરમાત્મા જ છીએ ! જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે ? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે, કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. કે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે. પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે. પછી ઊભી ના રહે, ચાલવા માંડે. પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું લે. તેથી ભૂલને ઘરમાં જ જમાડે.

ભૂલનું ઉપરાણું !

પ્રશ્નકર્તા : દાદા, ભૂલનું ઉપરાણું કેવી રીતે લેવાય છે ?

દાદાશ્રી : આ આપણે કોઇને ટૈડકાવ્યા પછી કહીએ કે, 'આપણે એને ટૈડકાવ્યા ના હોત તો એ સમજત જ નહીં. માટે એને ટૈડકાવવો જ જોઇએ.' આનાથી તો એ 'ભૂલ' જાણે કે આ ભાઇને મારી હજી ખબર નથી અને પાછો મારું ઉપરાણું લે છે, માટે અહીં જ ખાઓ, પીઓ ને રહો ! એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું દસ વર્ષનું આયુષ્ય લંબાય ! કોઇ ભૂલનું ઉપરાણું ના લેવાય.

ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. આ ભૂલ શું તે સમજાય એ માટે આપણે કહ્યું છે ને, કે 'ભોગવે એની જ ભૂલ.' ભોગવ્યું તો ભૂલ તારી. આ તારું ખિસ્સું કપાય ને તું બીજાને ગાળો આપે તેથી ભૂલને એકસ્ટેન્શન મળે. ભૂલ જાણે કે આ તો મને જમાડવાની જ વાત કરે છે. પછી તે જાય નહીં. આ કોઇ ઘર બાળી મૂકે તો બાળનારને ગાળો આપે. પણ બાળનાર તો ઘેર આરામ કરતો હોય. આ તો પોતાની જ ભૂલ. અત્યારે કોણ ભોગવે છે ? એની ભૂલ.

'દાદા' ચોર છે એમ પાછળ લખ્યું હોય તો એ ભૂલ અમારી ! કારણ કે એવું કોણ નવરૂં હોય આ લખવા ? ને અમારી જ પાછળ કેમ લખ્યું ? એટલે અમે તરત જ ભૂલ એકસેપ્ટ કરી નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોનો નિકાલ કરતાં ના આવડયો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી !

સંસાર નડતો નથી, ખાવાપીવાનું નડતું નથી, નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા. પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે ! મહીં તો પાર વગરની ભૂલો છે, પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે.

કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઇને તેને ભૂલ ના કહે. આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે, એ તો પોષાય જ નહીં !

'જ્ઞાની પુરુષ'માં, દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય. એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના 'અમે' 'જ્ઞાતા દ્રષ્ટા' રહીએ. આ દોષની તમને વ્યાખ્યા આપું : સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઇક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઇક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જયારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં, એ દોષો કોઇને નુકસાન કરતા નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે ય આ કળિકાળની વિચિત્રતાને લીધે !

બ્લંડર્સ અને મિસ્ટેક્સ !

ભૂલ એક નથી, અનંત છે. 'પોતે' બંધાયો છે બ્લંડર્સ અને મિસ્ટેક્સથી. જયાં સુધી બ્લંડર્સ ભાંગે નહીં ત્યાં સુધી મિસ્ટેક્સ જાય નહીં.

પ્રશ્નકર્તા : બ્લંડર્સ કોને કહેવાય ?

દાદાશ્રી : 'હું ચંદુલાલ છું' એ જ બ્લંડર્સ છે. અમે ' સ્વરૂપ જ્ઞાન' આપીએ પછી બ્લંડર્સ જાય અને મિસ્ટેક્સ રહે. એ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય. જેટલા જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીનાં પડો હોય છે ને ? તેમ દોષો પણ પડોવાળા હોય છે. તે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પડ ઊખડતાં જાય અને જયારે તેનાં બધાં જ પડો ઊખડી જાય ત્યારે એ દોષ જડમૂળથી કાયમને માટે વિદાય લઇ લે. કેટલાક દોષો એક પડવાળા હોય છે. બીજું પડ જ તેમને હોતું નથી. તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે. અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે ? તો કહે કે ભાઇ, હા. પણ તેનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પડની પેઠે છે, અનંત છે. એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતા જાય. કૃપાળુ દેવે કહ્યું છે કે :

'હું તો દોષ અનંતનું ભાજન છું કરૂણાળ

દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય'

દોષ અનંત છે અને તે દેખાયા નહીં, એટલે એ દોષ જાય જ નહીં. જો 'તારામાં' દોષ ના હોય તો હું દોષનું ભાજન છું એમ બોલીશ નહીં, નહીં તો તેવો થઇ જઇશ. અને અનંત દોષ છે તો તે ચોખ્ખે ચોખ્ખું કહે કે મારામાં અનંત દોષો છે. પણ શેઠને દેરાસરની બહાર નીકળ્યા પછી પૂછીએ તો કહે કે એકાદ-બે જ દોષ હશે. જરા ક્રોધ અને જરા લોભ, બસ; એટલું જ છે ! તે પછી દોષો ય જાણે કે ભાઇ કપટ કરે છે. તેથી દોષો ય પછી ખડે પગે ઊભા રહે !

મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ. સ્વચ્છંદથી તો આખું લશ્કર ઊભું છે. સ્વચ્છંદ એ જ મોટી ભૂલ, તે સહેજ એમ કહ્યું કે, 'એમાં શું થયું ?' એટલે થઇ રહ્યું. તે પછી એ અનંત અવતાર બગાડે !

'જ્ઞાની પુરુષ'ની કૃપાથી, શક્તિથી દોષો દેખાય ને ભાંગે. કોઇ માણસને ભૂલરહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ, માન, માયા, લોભને ખોરાક ના આપીશ તો બધા મડદાલ થઇ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો તે ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ, માન, માયા, લોભ એમનું ઉપરાણું, જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું કયારે ય પણ ના લીધું તો તે ભાગી જાય !

લોભિયાની પ્રકૃતિ

લોભિયો માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તાં શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયા ભાઇ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઇએ કે મોઘું શાક હોય ત્યાં જવું ને વગર પૂછયે શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નથી મળતું તે પછી તે ભાગવા લાગે! અમારે ત્યાં એક ભાઇ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણી-બૈરી બે જ જણા ઘરમાં, કોઇ છોકરૂં-છૈયું તેમને હતું નહીં. તે એક દિવસ મને કહે, 'દાદા, મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસો ના છૂટે. હું કોઇ ને ઘેર લગનમાં પીરસું તો ય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય, તે બધાં હું સાંભળું તેમ બોલે છે ય ખરા કે ચીકણા લાટ જેવા છે. આ તો મારી બૈરી ય બૂમો પાડે છે . પણ શું કરૂં ? આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કંઇ રસ્તો બતાવો. આ તો કો'કનું વાપરવાનું હોય ત્યાં ય મને આ લોભ ભૂંડો દેખાડે છે.' તે પછી તેમને અમે કહેલું કે 'તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો.' ભાઇએ તેમ કર્યું ને તેમનું કામ થઇ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઇ જાય અને મન પણ મોટું થાય !

ભૂલને ઓળખ્યે ભંગાય !

ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાક કાપડ ખેંચી ખેચીને આપે છે અને ઉપરથી કહે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું! આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું ?! ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઇને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને રૂ.૫૦૦ કમાય એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાનાં બગાડી દે છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, હજી વધારે દોષ દેખાતા નથી. થોડાક જ દેખાય છે.

દાદાશ્રી : અહી સત્સંગમાં બેસવાથી આવરણો તૂટતાં જાય તેમ દોષો દેખાતા જાય.

દોષ દેખાવાની જાગૃતિ !

પ્રશ્નકર્તા : દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે ?

દાદાશ્રી : મહીં જાગૃતિ તો બહુ છે પણ દોષોને ખોળવાની ભાવના થઇ નથી. પોલીસવાળાને ચોર જોવાની ઇચ્છા થાય ત્યારે ચોર જડી જાય. પણ આ જો પોલીસવાળો કહે કે, 'કંઇ ચોર પકડવા જવું નથી, એ તો આવશે તો પકડીશું,' એટલે પછી ચોર મજા કરે જ ને ? આ ભૂલો તો સંતાઇ ને બેઠી છે. તેને શોધે તો તરત જ પકડાતી જાય.

બધી જ કમાણીનું ફળ શું ? તમારા દોષ એક પછી એક તમને દેખાય તો જ કમાણી કરી કહેવાય. આ બધો જ સત્સંગ 'પોતાને' પોતાના બધા જ દોષો દેખાય એ માટે છે. અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે. દોષો કયારે દેખાશે ? જયારે પોતે 'સ્વયં' થશે, 'સ્વસ્વરૂપ' થશે ત્યારે. જેને પોતાના દોષ વધારે દેખાય એ ઊંચો. જયારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે, આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઇ શકે.

ક્રમિક માર્ગમાં તો કયારે ય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે કે, 'મારામાં બે-ચાર જ દેખાય છે', તે અનંત દોષથી ભરેલો છે. ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે ?

મહાવીર ભગવાનના માર્ગને કયારે પામ્યો કહેવાય ? જયારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. 'સ્વરૂપનું જ્ઞાન' તો હજી એની પછી ક્યાં ય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઇને કરે છે. આ 'સ્વરૂપ'નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જયાં 'જ્ઞાન' અટકયું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટકયું છે. મોક્ષે જવા માટે માત્ર તારી આડાઇ જ નડે છે. બીજી એકે ય વસ્તુ નડતી નથી. મોટામાં મોટાં ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે !

સાધુ મહારાજોની એક ભૂલ, કે જે ઉદયકર્મનો ગર્વ લે છે, એ જો થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો તો કામ જ થઇ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જ જોવાનું ના હોય. કષાયો હશે તો ચાલશે પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઇએ. બસ, આટલું જ જોવાનું હોય.

પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય, પણ કોઇ ભાંગી ના શકે. ભૂલ દેખાડતાં પણ આવડવી જોઇએ. જો ભૂલ દેખાડતાં ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું. આ કોઇને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય. એ તો 'જ્ઞાની પુરુષ'નું જ કામ. અમને આ જગતમાં કોઇ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેને ય અમે નિર્દોષ જ જોઇએ ! અમે 'સત્ વસ્તુ'ને જ જોઇએ. એ તાત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતાં નથી. વેરાઇટીઝ ઑફ પેકિંગ છે, તેમાં અમે તત્વદ્રષ્ટિથી જોઇએ. 'અમે' સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ 'જ્ઞાની પુરુષ' તમારી 'ભૂલ'ને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં. ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. 'તારા સ્વરૂપનું અજ્ઞાન' એ જ મોટામાં મોટો દોષ છે. આ તો 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી બીજા દોષો ય ઊભા છે અને એક વખત 'પોતાના સ્વરૂપ'નું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય !

નિષ્પક્ષપાતી દ્રષ્ટિ !

'સ્વરૂપના જ્ઞાન' વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, 'હું જ ચંદુલાલ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યો ડમરો છું' એમ રહે. અને 'સ્વરૂપના જ્ઞાન'ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા; મન, વચન, કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જયાં જયાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય-તે પોતે 'પરમાત્મા સ્વરૂપ' થઇ ગયો ! વીર ભગવાન થઇ ગયો !!! અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે 'હું ચંદુલાલ નથી, હું શુદ્ધાત્મા છું' - એ સમજાય પછી નિષ્પક્ષપાતી થવાય. કોઇનો સહેજે ય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષ દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો 'હું જ છું' એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય, અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડયા એટલે અમારું આપેલું 'જ્ઞાન' પરિણમવાનું શરૂ થઇ જાય. પોતાના દોષ દેખાવા માંડયા એટલે બીજાના દોષ ના દેખાય. બીજાના દોષ દેખાય તો તો બહુ ગુનો કહેવાય. આ નિર્દોષ જગતમાં કોઇ દોષિત છે

જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યા

ં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.

દોષો પ્રતિક્રમણથી ધોવાય. કોઇની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે. ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. પાંચસો પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય. ને જેમ દોષો ઘટે તેમ 'જાગૃતિ' વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે 'જોઇએ' છીએ અને જાણીએ. એ દોષ કોઇને હરકતકર્તા ના હોય. પણ કાળને લઇને એ અટકયા છે. અને તેનાથી જ ૩૬૦ ડિગ્રીનું 'કેવળ જ્ઞાન' અટકયું છે અને ૩૫૬ ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે ! પણ અમે તમને પૂરૂં ૩૬૦ ડિગ્રીનું 'કેવળ જ્ઞાન' કલાકમાં જ આપીએ છીએ. પણ તમને ય પચશે નહીં. અરે, અમને જ ના પચ્ચું ને ! કાળને લઇને ૪ ડિગ્રી ઊણું રહ્યું ! મહીં પૂરેપૂરૂં ૩૬૦ ડિગ્રી રીયલ છે અને રીલેટિવમાં ૩૫૬ ડિગ્રી છે. આ કાળમાં રીલેટિવ પૂર્ણતાએ જઇ શકાય તેમ નથી. પણ અમને તેનો વાંધો નથી. કારણ કે મહીં અપાર સુખ વર્ત્યા કરે છે !

આ વર્લ્ડમાં કોઇ તમારો ઉપરી જ નથી તેની હું તમને ગેરેન્ટી આપું છું. કોઇ બાપો ય તમારો ઉપરી નથી. 'તમારી ભૂલો એ જ તમારો ઉપરી છે !' જો 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તમારી ભૂલ ભાંગી આપે. તું તારી જ ભૂલોથી બંધાયો છું. આ તો માને કે આ સાધનથી હું છૂટવાનો પ્રયત્ન કરૂં છું, તે એ જ સાધનથી તું બંધાય છે !

એક એક અવતારે એક એક ભૂલ ભાંગી હોત તો ય મોક્ષ સ્વરૂપ થઇ જાત, પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નવી પાંચ ભૂલ વધારી આવે છે ! આ બહાર બધું રૂપાળુંબંબ જેવું ને મહીં બધો-કકળાટનો પાર નહીં ! આને ભૂલ ભાંગી કેમ કહેવાય ? તમારો તો કોઇ ઉપરી જ નથી. પણ ભૂલ બતાવનાર જોઇએ. ભૂલોને ભાંગો, પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે ? અને તે ય એકાદ-બે જ છે કંઇ ? અનંત ભૂલો છે !!! કાયાની અનંતી ભૂલો છે. વાણીની અનંતી ભૂલો છે. વાણીની ભૂલો તો બહુ ખોટી દેખાય. કોઇને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તો ય ના ગમે. એના કરતાં ના બોલાવે તો સારું એમ મહીં થાય. અરે, ચા પાય તો કર્કશ વાણી નીકળે. અને મનના તો પાર વગરનાં દૂષણો હોય !

ભૂલો તો કોણ ભાંગી શકે ? 'જ્ઞાની પુરુષ', કે જે પોતાની સર્વ ભૂલો ભાંગીને બેઠા છે, જે શરીર છતાં ય અશરીરી ભાવે - વીતરાગ ભાવે રહે છે. અશરીરી ભાવ એટલે જ્ઞાનબીજ. બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાનબીજ નાશ થાય ને જ્ઞાનબીજ ફુલ ઊગે, તે અશરીરી ભાવ, જેને કિંચિત્ માત્ર-સહેજ પણ દેહ પર મમતા છે તો એ અશરીરી ભાવ કહેવાય નહીં. ને એ દેહ પરથી મમતા જાય શી રીતે ? જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં.

દોષોનો આધાર !

પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ?

દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ 'દાદા'ને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને ભૂલ જ જોવી છે એને પોતાની બધી જ ભૂલો દેખાવાની, જેને નિર્દોષ જોવા છે તેને બધાં નિર્દોષ જ દેખાવાના !

જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શો ડખો ?

પ્રશ્નકર્તા : દાદા, દોષો ના જોવા હોય છતાં જોવાઇ જાય અને ભૂતાં વળગે તો શું કરવું ?

દાદાશ્રી : જે ગૂંચવે છે એ બુદ્ધિ છે. એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણા કાળની છે. એને પાછો ટેકો છે તેથી એ જતી નથી. જો એને કહ્યું કે આ મારે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય. આ તો નોકર હોય તેને કહ્યું કે તારું કામ નથી, પછી એની પાસે ધક્કો ખવરાવીએ તો ચાલે ? તેમ બુદ્ધિને એકે ય વખત ધક્કો ના ખવરાવીએ. આ બુદ્ધિને તો તદ્ન અસહકાર આપવાનો. વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે, જયારે સમ્યક્ બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઇ જાય છે.

પ્રશ્નકર્તા : દોષ છૂટતા નથી તો શું કરવું ?

દાદાશ્રી : દોષ છૂટે નહીં, પણ એને આપણી વસ્તુ ન્હોય એમ કહીએ તો છૂટે.

પ્રશ્નકર્તા : પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું ?

દાદાશ્રી : આ તો જે દોષો બરફ જેવા થઇ ગયા છે તે એકદમ કેમ છૂટે ? છતાં, એ જ્ઞેય ને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ, તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઇએ. ટેકો ના મળે તો એને પડયે જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે. નિરાધાર થાય તો પડી જાય. જગત આ (અજ્ઞાન) આધારથી ઊભું રહ્યું છે. નિરાધાર થાય તો તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતાં આવડે નહીં ને ! એ તો જ્ઞાનીઓના જ ખેલ ! આ જગત તો અનંત 'ગુહ્ય'વાળું, એમાં 'ગુહ્યમાં ગુહ્ય' ભાગને શી રીતે સમજે !

ફરિયાદી જ ગુનેગાર !

પહેલું ફરિયાદ કરવા કોણ આવે ? કળિયુગમાં તો ગુનેગાર હોય તે જ પહેલો ફરિયાદ કરવા આવે ! અને સત્યુગમાં જે સાચો હોય તે પહેલાં ફરિયાદ કરવા આવે. આ કળિયુગમાં ન્યાય કરનારા પણ એવા કે જેનું પહેલું સાંભળ્યું એના પક્ષમાં બેસી જાય !

આ નાની બેબી હોય તે સાંજે બાપા ઘેર આવે કે તરત જ બેબી બાપા પાસે જાય ને કહે, 'બાપા, આ બાબાએ મને આમ, આમ કહ્યું. તે પછી બાપા તરત જ બેબીના પક્ષમાં બેસી જાય ને બાબાને કહે કે 'એ ય અહીં આવ ! આમ કેમ કર્યું, અલ્યા ?' બાબાને ભાંડતા પહેલાં બાબાને પૂછ, બેબીની વાતનો પડઘો શો હતો ? અને કેમ બેબીએ ફરિયાદ કરી ને બાબાએ કેમ ફરિયાદ ના કરી ? બાબાએ શું કર્યું હતંું? આ તો પોતે સેન્સિટિવ તે બેબીની વાત સાચી માની લે. પાછો તે કહે કે હું જરા કાનનો કાચો તે ભૂલ થઇ ગઇ ! આ તો પોતે ડફોળ ને કાનની ભૂલ કહે છે ! પોતે તારણ ના કાઢે કે બેબી ગુનેગાર તે પહેલી ફરિયાદ કરવા આવી ! ઘરમાં બધી વાતો થાય, અમારી પાસે બધાની ફરિયાદ થાય તો અમે શું કરતા કે બધાંની વાતો સાંભળીએ ને પછી ન્યાય કરીએ. સાચો ન્યાય કરવાથી ગુનેગાર પછી વધે નહીં. ગુનેગાર સમજે કે આ તો ન્યાય કરે છે, માટે આપણી ભૂલ પકડાઇ જશે !

આ જગતમાં આપણે ખુલાસો જ કરવાનો ના હોય. ગુનેગારને જ ખુલાસા કરવાના હોય, ખુલાસા આપવાના હોય. આ જગતમાં બધાંને આર્બિટ્રેટર થવું છે. હું કોઇ આર્બિટ્રેટર પેસવા જ ના દઉં. આ જગતમાં કયારે ય પણ આનાથી નવી જાતનું થવાનું નથી. કાદવ તો કહે છે, 'તને ગમતું હોય તો હાથ ઘાલજે. તારે હાથ ધોવા જવું પડશે.' આપણે તો આપણી જ નાડ જોવાની છે. આપણો કોઇ આર્બિટ્રેટર થાય તેવો સ્કોપ જ ના આપીએ.

આ તો આખો દાડો મારું ને તારું, મારું ને તારું કર્યા કરે છે ! અને એમાં પોતે જરા જોડે લઇ જતો નથી ! બીજા જન્મમાં કઇ કઇ ચીજો જોડે લઇ જવાના તમે ? અહીં કોઇની જોડે ઝઘડો કર્યો તે ગૂંચો જોડે લઇ જવાની, કોઇને દાન આપ્યું તે જોડે લઇ જવાનું અને અહંકાર તો જોડે જ લઇ જવાનો. આ બધી ગૂંચોનો માલિક અહંકાર તે તો જોડે જ રહેવાનો. ક્રોધ, માન, માયા, લોભ ને અહંકાર તો જોડે જ આવે.

અનુમોદનનું ફળ !

પ્રશ્નકર્તા : બીજાનાં દોષે પોતાને દંડ મળે ?

દાદાશ્રી : ના, એમાં કોઇનો ય દોષ નહીં. પોતાના દોષથી જ સામેવાળા નિમિત્ત બને. આ તો ભોગવે એની ભૂલ. કરવું, કરાવવું અને અનુમોદવું, એ અનુમોદનનું ય ફળ આવે. કર્યા વગર ફળ ના આવે.

પ્રશ્નકર્તા : અનુમોદન કોને કહેવાય ?

દાદાશ્રી : આ કોઇ કાંઇ કરતાં અચકાતો હોય તો તમે કહો કે 'તું તારે કર, હું છું ને !' તે અનુમોદન કહેવાય, અને અનુમોદન કરનારની વધારે જોખમદારી કહેવાય ! કર્યાનું ફળ કોને વધારે મળે? તો કે, જેણે વધારે બુદ્ધિ વાપરી તેના આધારે તે વહેંચાઇ જાય ! આ લોક તો કેવા છે કે બીજાની બધી જ ભૂલો જડે અને પોતાની એકે ય ભૂલ ના દેખાય! જયારે મન આડું ચાલે ત્યારે કહેશે કે હવે તો આ જગતથી કંટાળ્યો ! મહીં બુદ્ધિ ડખો કરે ત્યારે કહેશે કે મારી બુદ્ધિ આડી થાય છે. મહીં પાર વગરના 'રામાયણ' અને 'મહાભારત' બધું જ છે, તેનો જ તે માલિક થઇ બેઠો છે !

બ્રહ્માંડનો માલિક કોણ ?

આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઇ ગયો ! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ ! હજી એવું શાથી સમજાયું નથી? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે ! કોઇ આપણને ગાળ આપે તો તે કંઇક ખાતામાં બાકી હશે તેથી, તો તે જમે કરી લેવાનું. હવે ફરી કોણ વેપાર માંડે ? જમે કરી લઇએ તો વેપાર બંધ થતો જાય અને તે પછી સારો માલ આવશે.

આ આંખ હાથથી દબાઇ જાય તો વસ્તુ એક હોય તો બે દેખાય. આંખ એ આત્માનું રીયલ સ્વરૂપ નથી. એ તો રીલેટિવ સ્વરૂપ છે. છતાં, એક ભૂલ થવાથી એકને બદલે બે દેખાય છે ને ! આ કાચના ટુકડા જમીન ઉપર પડયા હોય તો કેટલી બધી આંખો દેખાય છે ? આ જરાક આંખની ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે ? તેમ આ આત્મા પોતે દબાતો નથી, પણ સંયોગોના પ્રેસરથી એકના અનંત રૂપે દેખાય છે. આ જગત આખું ભગવત્ સ્વરૂપ છે. આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તો ય કર્મ ચોંટે તેમ છે. સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે ને સારો ભાવ કરે તો પુણ્ય અડે. મનમાં ભાવ બગડે તે ય પોતાની ભૂલ. આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.

પહેલાં 'ક્રમિક' માર્ગમાં તમે તપ-ત્યાગ કરતા હતા, છતાં પોતાની ભૂલો દેખાતી નહોતી. માટે હવે આ 'અક્રમ' માર્ગ પામ્યા છો તો કામ કાઢી લો. આ તો સાહેબ પાસે જાય ને કહે, 'સાહેબ, મને છોડાવો, સાહેબ મને છોડાવો.' પણ પેલો જ બંધાયેલો હોય તે તને શી રીતે છોડાવશે? અત્યારે તો જે આ ટ્રીક કરે છે, કપટ કરે છે તે કપટથી બંધાયેલો કયારે છૂટશે ? કોઇ બાપો ય બાંધનાર નથી. હોત તો તો ભક્તિથી કરગરે, માફી માગે તો ય સાહેબ છોડે; પણ ના, એવું નથી, આ તો પોતાની જ ભૂલથી 'પોતે' બંધાયો છે. 'જ્ઞાની પુરુષ' અંગુલિનિર્દેશ કરે કે આમ કરો, તો ભૂલ ભાંગે. કાં તો 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળે તો કામ થાય !

ભગવાને શું કહ્યું કે, 'પોતે શાનાથી બંધાયો છે ? માત્ર ચાલી આવતા વેરથી બંધાયો છે.' એનાથી જ જગત ચાલતું આવ્યું છે. કન્ટિન્યુઅસ વેરથી ગૂંચો પાડેલી. આ તો પાછો વેરનું ઉપરાણું લે, તે જ પાછું આવતે ભવ આવે અને ગુંચ ઉકેલવાને બદલે તે વખતે બીજી પાંચ નવી પાડતો જાય !

લોક માને કે ભગવાન ઉપરી છે તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઇશું; પણ ના, કોઇ બાપો ય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. પોતે જ પોતાનો ઉપરી છે. આમાં બીજો કોઇ બાપો ય આંગળી ઘાલતો નથી. આપણો બોસ છે તે ય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ છે તે ય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ ભાંગવી પડશે ને ?

પોતાની જ ભૂલ છે એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે. આ તો અમે ટકોર મારીએ. પછી ના ચેતે તો શું થાય ? અને આપણી ભૂલ ના હોય તો મહીં સહેજ પણ ડખો ના થાય. આપણે નિર્મળ દ્રષ્ટિએ જોઇએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઇએ તો વાંકું દેખાય. માટે પ્રથમ પોતાની દ્રષ્ટિ નિર્મળ કરો.

પ્રાકૃત ગુણોનો મોહ શો ?

પ્રશ્નકર્તા : દાદા, આપણે દોષ નહિ જોવાના ને ગુણો જોવાના ?

દાદાશ્રી : ના. દોષો ય નહીં જોવાના ને ગુણો ય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો તો બધા પ્રાકૃત ગુણો છે. તે એકે ય ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય, પણ સનેપાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી રહ્યા છે અને એ ત્રણેમાં મેલ થાય તો સનેપાત થાય ! આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર કર્યા છે. છતાં, આમાં પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઇએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડયાં તો તે બધાંને માર માર કરે. આ તો પ્રકૃતિનાં લક્ષણ કહેવાય. આવા ગુણોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તેનાથી કોઇક અવતારમાં 'જ્ઞાની પુરુષ' મળી આવે, તો કામ થાય. પણ આવા ગુણોમાં બેસી રહેવું નહીં, કારણ કે કયારે એમાં ફેરફાર થઇ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી. આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડા કહીએ છીએ. આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડા છાપ છે. આ તો સામાયિક પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે, ને કહે છે કે 'મેં કર્યું!' તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે, 'આ તો તું કાંઇ જકરતો નથી.' આ કોઇ દિવસ પગ ફાટતો હોય તો કહે 'હું શું કરૂં ?' પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે 'મેં કર્યું !' અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે. આ ઉદયકર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય ?

મુક્ત પુરૂષ જ છોડાવે !

આ બધી ભૂલ તો ખરીને ? એની તપાસે ય નથી કરીને ?

પ્રશ્નકર્તા : આમાંથી નીકળવાની કોશિશ કરીએ છીએ, પણ વધારે ખૂંચતા જઇએ છીએ.

દાદાશ્રી : ના, એવી કોશિશ જ ના કરશો. અહીં ખોદવાનું છે ને ભાઇ બીજે ખોદી આવે તો પછી એનું શું થાય ? ઊલટો દંડ થાય ! એવું આ લોકો ઊંધી કોશિશ કરે છે. એનાં કરતાં કોઇ 'છૂટેલો' હોય તેની પાસે જા તો તારો છૂટકો કરી આપે. આ તો પોતે જ ડૂબેલા તે બીજાને શી રીતે તારે ? જે ડોક્ટરો તરેલા નહીં, પોતે જ ડૂબકાં ખાતા હોય તે બીજાને શી રીતે તારે ? કોઇ ફેરો સંજોગ સારો બાઝયો નથી. હવે આ સારો સંજોગ 'જ્ઞાની પુરુષ'નો બાઝયો છે તો તમારું કામ નીકળી જશે. જયારે ત્યારે ભૂલ તો ભાંગવી જ પડશેને ? અતિ અતિ મુશ્કેલ શું છે ? 'મોક્ષદાતા પુરુષ' ! અને 'મોક્ષદાતા' મળ્યા પછી તમને બંધનમાં શું કામ રાખે ?

અમે તમને 'સ્વરૂપ જ્ઞાન' આપ્યું તે પછી તમને જે દશા ઉત્પન્ન થઇ છે તે કૃષ્ણ ભગવાને કહેલી 'સ્થિતપ્રજ્ઞ' દશા કરતાં ઘણી ઊંચી દશા છે. આ તો 'પ્રજ્ઞા' કહેવાય !! તેનાથી રાગદ્વેષને નીંદી નાખવાના.

આ જગત 'વ્યવસ્થિત' છે. તે 'વ્યવસ્થિત શક્તિ', જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણા મોક્ષમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તો ય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી !

ગુનેગારી - પાપ પુણ્યની !

આ ગુનેગારી બે પ્રકારની છે : અમને ફૂલો ચઢાવે તે ય ગુનેગારી અને પથરા પડે તે ય ગુનેગારી ! ફુલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતાભાવે નિકાલ કરવાનો. એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય? કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઇ ને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે.

'જ્ઞાની પુરુષ'ની વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી હોય અને તે સાંભળતાં સાંભળતાં બધું આવડી જાય. જે જે નિમિત્ત આવે તે તે ભૂલનો ભોગવટો આપીને જાય. આ સુખ મળે છે તે નિમિત્તથી જ સુખ મળે છે ને દુઃખે ય નિમિત્તથી જ મળે છે !

'જ્ઞાની પુરુષે' ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાંને અત્યારે આ અવતારમાં 'જ્ઞાની પુરુષ' મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી, નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે.

ગ્રંથિ-ટેવ, સ્વભાવમય !

પોતાના બધા જ દોષો દેખાવા જોઇએ, એટલે દોષ કહે, 'આપણે આ ઘર છોડો.' આ દોષ દેખાયો પછી જયારે ત્યારે એને ગયે જ છૂટકો. કેટલાક દોષો તો આ ડુંગળીના પડની પેઠે હોય. ડુંગળીને આઠ, દસ પડ હોય, તેમ દોષોને ય તેટલાં પડ હોય. કેટલાક દોષોને બે, પાંચ તો કેટલાકને સો સો પડ હોય ! માટે 'અમે' કહ્યું છે કે, ''મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ 'હું' જાણું છું.''

હવે સ્વભાવ એટલે શું ? કે કોઇને દસ પડવાળી ડુંગળી હોય, કોઇને સો પડવાળી ડુંગળી હોય અને કોઇને લાખ પડવાળી હોય ! મન, વચન, કાયાની ટેવોનો ફેરફાર ના થાય. ટેવોનો વાંધો નથી. ટેવોનો ફેરફાર ના ય થાય. કારણ કે પ્રકૃતિનો ફેરફાર ના થાય, પણ સ્વભાવ ઊડી જાય. જે ગાંઠથી બીજ પડે છે તે ઊડી જાય. જેટલી વખત પ્રતિક્રમણ કરે તેટલાં પડ ઊખડે. પ્રતિક્રમણ કર્યું એટલે પડ઼ ઉખડયે છૂટકો. 'દાદા'ની હાજરીમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનાં એટલે દોષો ધોવાઇ જાય ને ફરી ભૂલ થાય તો ફરીથી પ્રતિક્રમણ કરવાનું. છતાં, જગતના લોકો કહેશે કે, 'ફરી ફરી એનાં એ જ કર્મ કરે છે અને ફરી ફરી પ્રતિક્રમણ કરે છે.' હા, એનું નામ જ સંસાર છે !

લાલ વાવટો ? - થોભો !

કોઇ આપણી સામે લાલ વાવટો ધરે તો તે આપણી ભૂલ છે. જગત વાંકું નથી. આપણા વાંકથી એ લાલ વાવટો ધરે છે. માટે આપણે પૂછીએ કે, 'ભઇ, અમારી શી ભૂલ થઇ છે ?' તો એ કહે કે, 'આ તમે દસ દિવસ પછી જવાના હતા ને સાતમે દિવસે કેમ જાવ છો ?' તો અમે ખુલાસો કરીએ, પછી તે લીલો વાવટો ધરે ત્યાર પછી જ અમે જઇએ. ભૂલને તો ભૂલ કહી ભાંગવી તો પડશે જ ને ! એ ભૂલ જો સામો ના ભાંગે તો આપણે જ ભાંગવી પડશે ને ? અમને કોઇ લાલ વાવટો ના ધરે ને ધરે તો અમે પૂછીએ કે 'શી વિગત બની ? શાથી લાલ વાવટો ધરે છે ?' લોકો તો લાલ વાવટો ધરે એટલે બૂમાબૂમ કરે, 'અલ્યા, જંગલી છે તું? શું કામ ઊંધું કરે છે ?' આ લાલ વાવટો ધર્યો, માટે ધેર ઇઝ સમથિંગ. અમને તો નાનાં છોકરાં પણ દબડાવી શકે. જગતના લોકો લાલ વાવટો ધરનારને કહે કે તારામાં આમ નથી ને તું તો આવો છે, અક્કલ વગરનો છે. ને આ મોટા અક્કલના કોથળા ! વેચવા જાય તો ચાર આના ય ના આવે. અમારામાં પહેલેથી અક્કલ ઓછી. અમે તો અબુધ કહેવાઇએ. આ તો આપણી ભૂલ છે તેથી લાલ વાવટો ધરે છે. એને ખુલાસો કરીએ તો તો તે પછી જવા દે.

યથાર્થ લૌકિક ધર્મ !

જગતના લોકોને અમે લૌકિક માર્ગ બહુ સરળ આપીશું. આ ક્રિયાકાંડના તોફાન નહીં આપવાનાં. કોઇ ગામડાનો માણસ આવે તેને કહીએ કે 'સત્ય બોલજે, ચોરી કરીશ નહીં, દયા રાખજે, જૂઠું કરીશ નહીં.' તો એ બધું સાંભળીને બાજુ મૂકી દે. પણ એને 'અમે' એક જ વાક્ય કહીએ કે 'ભઇ, તું ગૂંચો ના પાડીશ.' તો પછી એ પૂછે કે 'ગૂંચો એટલે શું ?' તો એને અમે ફરી સમજ પાડીએ, 'આ તારા સામેના ખેતરમાં ગલકાં દીઠાં ને મન થાય તો તું તે કાઢી લે. તો એ કોઇનું વગર પૂછયે લઇ લેવું એ ગૂંચ કહેવાય. સમજાયું તને ?' તો એ તરત જ કહેશે, 'હા, સમજી ગયો ગૂંચને. હવે એવી ગૂંચ નહીં પાડું, આવી તો મેં બહુ ગૂંચો પાડી છે.'

પછી એ એની બૈરીને લઇ આવે તો એને આ ગૂંચની સમજણ પાડું. તેની બૈરી કહે કે, ''દાદા, 'એ' મારી જોડે ગૂંચો બહુ પાડે છે.'' તે પછી તેને ય હું ગૂંચની સમજણ પાડી દઉં. આ પછી જયારે જયારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. 'અમે' તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે, આ તો ગૂંચ શબ્દથી તરત જ સમજણ પડે. આ લોકો 'સત્ય, દયા, ચોરી નહીં કરો' એ સાંભળીને તો થાકી ગયા છે.

આ લૌકિક ધર્મ તો ઘડીકમાં જ અમે સમજાવી દઇએ ! પણ અલૌકિક ધર્મ માટે જરા ટાઇમ લાગે.

પ્રશ્નકર્તા : થોડી ગૂંચો પડી ગઇ છે તે ઉકેલાતી નથી તો શું કરૂં?

દાદાશ્રી : વખત ગૂંચવે છે અને વખત ઉકેલે છે, પણ ભૂલ કોની? આપણે આપણી ગૂંચો પાડેલી તે ટાઇમ આવે ત્યારે એની મેળે ગૂંચ ઉકેલાતી જાય. એક પણ ગૂંચ વગરનાની જોડે તમે બેઠા છો, માટે તમારી પણ બધી જ ગૂંચો ઉકલી જાય તેમ છે અને ગૂંચોવાળા માણસ જોડે બેઠા હો તો તમારી ગૂંચ વધારે ગૂંચાઇ જશે. એવો નેચરલ કાયદો છે. ગૂંચો આવે છે એ જે ટાઇમે ગૂંચો નાખી છે એજ ટાઇમે ગૂંચો ઉકેલાશે. આ ગૂંચ ઉકેલવાની સત્તા આપણા હાથમાં નથી. માટે ભગવાને શું કહ્યું કે એવા વખતે તું ધર્મધ્યાન, દેવદર્શન, કંઇક કર. આ વાળ વધી જાય છે ત્યારે કપાવવા માટે કંઇ દોડાદોડ કરવી પડે છે ? ના. કારણ કે સંયોગ ભેગા થઇ જાય છે અને વાળ કપાઇ જાય છે. તેમ આ ગૂંચો ટાઇમ પાકશે એટલે ઉકેલાતી જશે.

ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. 'પઝલ' છે, ગૂંચ સમાન થઇ પડયું છે. જો આ ઉકેલો તો કામ થાય !

'લખ રે ચોરાશીની ભુલભુલામણીના ફેરા મારા કોણ ટાળે ?'

આ લખ ચોરાશીમાંથી નીકળાય શી રીતે ? કોણ કાઢે એમાંથી ? કૃપાળુ દેવ કહે છે કે જે જીવ ચોર્યાશી લાખના ફેરામાંથી નીકળે તેને તો મોટામાં મોટો મહાન માનું. આ તો તમને છટકવાનો રસ્તો મળ્યો, 'જ્ઞાની પુરુષ' મળ્યા. તે એનાથી છટકી જવાશે. 'જ્ઞાની પુરુષ' તમારી ભૂલ માટે શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે. રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે, 'આપણે તો આ દુનિયામાં રહેવું છે. તે આમ શી રીતે કરાય ?' અલ્યા, આ તો ભૂલને પોષી. ઉપરાણું ના લઇશ. એક તો ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો કલ્પના અંત સુધી રહેવું પડશે !

પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઇતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભુલ તો કયારે જડે કે પોતે કોણ છે એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16