ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

જગત-સ્વરૂપ

જગત શું છે ? જગત કોણે બનાવ્યું ? શા માટે બનાવ્યું ? જગતને ચલાવનાર કોણ ?

અંગ્રેજો કહે છે કે, ''ગોડ ઇઝ ક્રીયેટર ઓફ ધીસ વર્લ્ડ.'' મુસ્લિમો કહે છે કે, ''જગત અલ્લાને બનાયા.'' હિન્દુઓ કહે છે કે, ''જગત ભગવાને બનાવ્યું.'' કેટલાક જૈનો ય કહે છે કે, ''જગત ભગવાને બનાવ્યું.''જગતને ક્રીયેટ કરનારો જો કોઇ ક્રીયેટર હોય તો તે ક્રીયેટર થયો કહેવાય અને ક્રીયેટરનો અર્થ કુંભાર થાય. ભગવાનનાં કયા છોકરાં કુંવારાં રહી જતાં હતાં કે જેથી તેમને આ બધું બનાવવું પડયું ? આ મિલના શેઠિયાઓ ય સેક્રેટરીને કામ સોંપીને નિરાંતે સૂઇ જાય છે, જરાય મહેનત કરતા નથી, તો વળી ભગવાન તે આવી મહેનત કરતો હશે ? મહેનત કરે એ તો મજૂર કહેવાય. ભગવાન તે વળી મજૂર હોતો હશે? ભગવાન એવો કંઇ મજૂર નથી કે આ બધામાં હાથ ઘાલવા જાય અને લોકોની શાદીઓ કરી આપે. આ ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે એવો કંઇ ભગવાન ગાંડો નથી. અને આ જગતને ક્રીયેટ કરનારો જો કોઇ હોત ને, તો આ લોકોએ એને કયારનો ય પકડીને મારી નાખ્યો હોત. ગમે ત્યાંથી એને પકડી લાવ્યા હોત. કારણ કે આ જગતને બનાવનાર એવો કેવો કે તેની દુનિયામાં બધાં જ દુઃખી, કોઇ સુખી નહીં ! માટે પકડો એને. એમ કહીને એને કયારનો ય આ સી.આઈ.ડી. ખાતાના લોકોએ પકડી પાડયો હોત. પણ એવો કોઇ હોય તો પકડે ને ?

જગતનો કોઇ ક્રીયેટર છે જ નહીં. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. પઝલસમ થઇ પડયું છે. તેથી તેને પઝલ કહેવું પડે છે. હવે આ પઝલને જે સોલ્વ કરે તેને પરમાત્માપદની ડિગ્રી મળે અને જે સોલ્વ ના કરે તે બધાં જ પઝલમાં ડિસોલ્વ થઇ ગયા છે. મોટા મોટા મહાત્માઓ, સાધુ, મહારાજો, આચાર્યો, બાવલા, બાવલી બધાં જ આ પઝલમાં ડિસોલ્વ થઇ ગયા છે. જેમ પાણીમાં સાકર ડિસોલ્વ થયેલી હોય ને કોઇ કહે કે, આમાં સાકર કયાં છે ? કેમ દેખાતી નથી ? તો આપણે કહીએ કે ભાઇ, સાકર પાણીમાં છે તો ખરી પણ તે એમાં ડિસોલ્વ થઈ ગઈ છે. તેમ આ બધાનામાં ચેતન છે ખરું, પણ તે 'નિશ્ચેતન-ચેતન' છે. 'શુદ્ધ ચેતન' સ્વરૂપ થાય ત્યારે ઉકેલ આવે.

પાચનક્રિયામાં કેટલી એલર્ટનેસ ?

એક મોટી કેમિકલ કંપનીના રીટાયર્ડ ચીફ એન્જિનિયર મારી પાસે આવેલા. તે મને કહે,''દાદા, હું ના હોઉં તો મારી કંપની ચાલે જ નહીં.''

મેં કહ્યું, ''કેમ ભાઇ, એવું તે શું છે તમારામાં ?'' ત્યારે એમણે કહ્યું, ''હું બહુ એલર્ટ રહું છું. હું એક દિવસ ના જઉં તો કામ બધું અટકી જાય.'' ત્યારે મેં તેમને કહ્યું, ''આ રાત્રે હાંડવો ખાઇને સૂઇ જાઓ છો તે રાત્રે ઊંઘમાં તમે તપાસ કરવા મહીં જાઓ છો કે કેમનું પાચન થાય છે, કેટલું બાઇલ પડયું, કેટલા પાચકરસો પડયા ? સવારે એ હાંડવામાંથી લોહી લોહીની જગ્યાએ, પેશાબ પેશાબની જગ્યાએ અને સંડાસ સંડાસની જગ્યાએ શી રીતે જાય છે એ તપાસ તમે રાખો છો ? અહીં તમે કેવા એલર્ટ રહો છો ? આ મહીંની પોતાની બાબતમાં તમે કશું ધોળી શકતા નથી તો બીજી કઇ બાબતમાં ધોળી શકશો ? મોટા મોટા બાદશાહ ગયા, ચક્રવર્તીઓ ગયા તો ય રાજ ચાલ્યા કર્યું તો તમારા વગર શું અટકી જવાનું છે ? મોટા એલર્ટ ના જોયા હોય તે ? તમારા કરતાં તો 'જ્ઞાની પુરુષ'નો જોડો વધારે એલર્ટ છે ! કારણ એને આ મહાત્માઓ જાતે લૂછે છે! તમે એલર્ટ કોને કહો છો ? આ જન્મ્યા ત્યારે દાંત આવશે કે નહીં આવે, એની ચિંતા કરવી પડે છે ? કાલે સૂર્યનારાયણ નહીં ઊગે તો શું થશે એવી ચિંતા થાય છે? ''

જગતનો ક્રીયેટર કોણ ?

''ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.'' અંગ્રેજો ભગવાનને ક્રીયેટર કહે છે. મુસ્લિમો, હિન્દુઓ ય ભગવાન દુનિયા બનાયા એમ કહે છે. તે તેમના વ્યુપોઇન્ટથી કરેક્ટ છે, પણ ફેક્ટથી રોંગ છે. ફેક્ટ જો જાણવું હોય તો અમારી પાસે આવો. અમે ગેરન્ટીથી કહીએ છીએ કે આ જગત કોઇએ બનાવ્યું નથી. ઉપર કોઇ બાપો ય ઉપરી નથી કે જે નવરો બેઠો બેઠો આ જગતને ચલાવ્યા કરે. આ જગત શી રીતે ચાલે છે, કોણ ચલાવે છે તે એક 'અમે' જ જાણીએ છીએ. આ જગતમાં એકે ય એવું પરમાણુ બાકી નથી કે જયાં હું ન ફર્યો હોઉં ! 'અમે' બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને બધા જ વ્યુથી ડિરેક્ટ અને પર્સ્પેક્ટિવ વ્યુથી જોઇને કહીએ છીએ કે ઉપર કોઇ ભગવાન નથી કે જે આ બધું ચલાવે !

આ જગત શી રીતે ચાલે છે તે 'અમે' તમને ટૂંકામાં એક વાક્યમાં કહી દઇએ છીએ. વિસ્તારથી આગળ સમજી જજો. આ જગત ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી ચાલે છે, કોઇ ચલાવતું નથી. આખું જગત નિમિત્ત ભાવે ચાલે છે. કોઇ સ્વતંત્ર કર્તા છે જ નહીં. અને તેમાં ય ભગવાન તો કર્તા હોઇ જ ના શકે. જો ભગવાન કર્તા થાય તો તેને કર્મ બંધાય, અને તેને પાછું ભોકતા થવું પડે. જો ભગવાનને ય કર્તા-ભોકતાપણું હોય, કર્મબંધન હોય તો તેને ભગવાન શી રીતે કહેવાય? તો પછી એનામાં ને તમારામાં ફેર શો ?

આ તો બધી ઠોકંઠોકા ચાલી છે. લોકો ફાવે તેમ પોતાની સમજણે ચાલે છે. લોકો માને છે કે, આ જગતનો કોઇ છેડો જ નથી, માટે જેમ ગપ્પું મારશું તેમ ચાલશે. પણ એવું ગપ્પું નથી આ જગત ! જગત ફેક્ટ વસ્તુ છે. પણ રીલેટિવ ફેક્ટ છે અને 'પોતે' રીયલ ફેક્ટ છે. રીયલ ફેક્ટમાં 'જ્ઞાની પુરુષ' બેસાડે એટલે આપણું 'મુક્તિધામ' થઇ ગયું ! લોકો જગતને ગપ્પું માને છે કે, આ ભોગવી લો ને જેમ ફાવે તેમ, કોણ બાપો પૂછનાર છે ? અલ્યા, એવું નથી. આ, યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. (તમે તમારા પોતા માટે પોતે જ સંપૂર્ણ જવાબદાર છો). આગળની લાઇફો અને પાછળની લાઇફો માટે તું પોતે જ જોખમદાર છે. એક આટલી ય ભૂલ તું ના કરીશ. ભગવાન આમાં હાથ ઘાલતો જ નથી.

આ જગતને સમજવું તો પડશે ને ? એમ ને એમ ગપ્પે ગપ્પું કયાં સુધી ચાલશે ? આ પઝલને સોલ્વ કરવું પડશે કે નહીં ? કયાં સુધી આ કોયડામાં ગૂંચાયા કરવું છે?

વિશ્વ પઝલનું એકમેવ સોલ્યુશન !

ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ધેર આર ટુ વ્યુપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રીલેટિવ વ્યુપોઈન્ટ એન્ડ વન રીયલ વ્યુપોઇન્ટ. બાય રીલેટિવ વ્યુપોઇન્ટ યુ આર ચંદુલાલ એન્ડ બાય રીયલ વ્યુપોઇન્ટ તમે 'શુદ્ધાત્મા' છો. આ બે વ્યુપોઇન્ટથી જગતને જોશો તો બધાં જ પઝલ સોલ્વ થઇ જશે. આ જ દિવ્ય ચક્ષુ છે. પણ જયાં સુધી 'જ્ઞાની પુરુષ' તમારાં અનંત કાળનાં પાપોને ભસ્મીભૂત ના કરી આપે, તમને સ્વરૂપનું ભાન ના કરાવી આપે ત્યાં સુધી કંઇ વળે નહીં. પ્રત્યક્ષ પ્રગટ પુરુષ વગર કામ ના નીકળે.

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ

દાદાશ્રી : આ જગત કોણે બનાવ્યું હશે ?

પ્રશ્નકર્તા : બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - એ ત્રણે ય મળીને. ક્રીયેટર બ્રહ્મા છે, એડમિનિસ્ટ્રેટર વિષ્ણુ છે અને ડીસ્ટ્રોયર મહેશ છે.

દાદાશ્રી : તો એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં માબાપ કોણ ?

પ્રશ્નકર્તા : શંકર પોતે જ ફાધર છે.

દાદાશ્રી : તો પછી મધર કોણ છે ?

પ્રશ્નકર્તા : હી હીમસેલ્ફ ઇઝ ધી મધર.

દાદાશ્રી : તો પછી ત્રણ જ કેમ આવ્યા ? પાંચ કેમ ના આવ્યા?

પ્રશ્નકર્તા : ત્રણ ગુણો છે એથી ત્રણ છે.

દાદાશ્રી : આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામનું કોઇ જ નથી. આ તો ત્રણ ગુણને નામ આપ્યાં છે. તે ત્રણ ગુણોની વાત સારી રીતે સમજાવવા ગયેલા પણ તેનો દુરુપયોગ થયો અને મૂર્તિઓ કાઢી ! એ શું કહેવા માગતા હતા કે પ્રકૃતિના આ ત્રણ ગુણોને કાઢીને નિર્મળ થઇશ તો તું પરમાત્મા થઇશ !

પ્રશ્નકર્તા : આ ત્રણ ગુણોને કાઢીને ?

દાદાશ્રી : હા, એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રુપક-ગુણો કાઢીને. સુખ તો તમારી પાસે જ છે, પણ કેમ ભેગું નથી થતું તો કે, અંતરાય છે. તો એ કોણે ઊભા કર્યા ? ભગવાને ઊભા કર્યા ? ના, તારા જ પોતાના ઊભા કરેલા છે. અંતરાય એવી વસ્તુ છે કે, પ્રાપ્ત થાય તો ય ફેંકી દે. નહીં તો તમે પોતે જ પરમાત્મા છો. પણ તમારા પોતાના જ અંતરાય છે, એમાં કોઇની ડખલ નથી. આ તો આપણું જ ઊભું કરેલું તોફાન છે. જો કોઇ આ બધું ઊભું કરનાર હોત તો તો આ લોકો ઓછા નથી, એને પકડી એનું કયારનું ય શાક કરી નાખ્યું હોત !

યમરાજ નહીં, નિયમરાજ !

કેટલાક યમરાજાથી ભડકી મરે છે. તે લોકોએ યમરાજાને ય કેવા ચીતર્યા ? મોટા મોટા દાંત ને શિંગડાવાળા ને ભેંસ ઉપર બેઠેલા ! તે ભડકી ના મરે તો શું થાય ? કૂતરું રડે તો કહે કે, જમરા આવ્યા. મૂઆ, જમરા નામનું કોઇ જનાવર જ નથી. આ યમરાજ તે તો નિયમરાજ છે! નિયમસર પદ્ધતિસરનું જ છે બધું. તે નિયમ પ્રમાણે મૃત્યુ આવે છે. હવે આ નિયમરાજ છે એવું અમે કહીએ તો પછી તમારે કશાથી ભડકવાનું રહે ?

જગતની અધિકરણ ક્રિયા

આ જગતનું અધિષ્ઠાન શું છે ? એની અધિકરણ ક્રિયા શા આધારે થઇ રહી છે ? આ એક ગહન કોયડો જગતને થઇ પડયો છે. જગતને સાચું અધિષ્ઠાન આજે અમારા થકી કુદરતી રીતે બહાર પડે છે.

'પ્રતિષ્ઠિત આત્મા' એ આ જગતનું મોટામાં મોટું અધિષ્ઠાન છે!

આ 'પ્રતિષ્ઠિત આત્મા'ની અધિકરણ ક્રિયા કઇ ? અજ્ઞાનશક્તિથી અધિકરણ ક્રિયા ચાલ્યા કરે છે. 'હું ચંદુલાલ છું' એ જે ભ્રાંતિથી બોલે છે, તેની બીલિફમાં અને વર્તનમાં પણ 'હું ચંદુલાલ છું' એ જ છે. એ જ આ જગતની અધિકરણ ક્રિયા છે. જયાં પોતે નથી, ત્યાં આરોપ કરે છે કે 'હું ચંદુલાલ છું' અને એ આરોપિત ભાવમાં જ બધું કરે છે અને પોતાને જ કર્તા માને છે. એનાથી અધિકરણ ક્રિયા થઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો ''હું ચંદુલાલ છું, આ મારો દેહ છે, જે જે કંઇ થયું તે મેં કર્યું'' એ બધી પ્રતિષ્ઠા થઇ. પાછલા ભવમાં જે જે કર્મ કરેલાં, જે જે પ્રતિષ્ઠા કરેલી, તેનાથી આ ભવનાં પ્રતિષ્ઠિત આત્માનું બંધારણ થયું. હવે આ ભવમાં આ 'પ્રતિષ્ઠિત આત્મા' ડિસ્ચાર્જ થાય છે ત્યારે ભ્રાંતિ ઊભી ને ઊભી રહી છે. માટે નવી અધિકરણ ક્રિયા ચાલુ જ રહે છે અને તેનાથી આવતા ભવનો નવો 'પ્રતિષ્ઠિત આત્મા' બંધાય છે. જે જે ચાર્જ કર્યું તેનું ડિસ્ચાર્જ તો અવશ્ય થવાનું જ. એમાં કોઇ મીનમેખ ફેર કરી શકે તેમ નથી. કારણ કે એ ઇફેક્ટ છે અને ઇફેક્ટને કોઇ રોકી ના શકે.

હવે આ 'પ્રતિષ્ઠિત આત્મા' એ 'શુદ્ધાત્મા'થી તદ્ન ભિન્ન છે. 'પ્રતિષ્ઠિત આત્મા' અને 'શુદ્ધાત્મા'ને જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. આ જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ જયારે ઉત્પન્ન થાય, 'શુદ્ધાત્મા' જ્ઞાતાદ્રષ્ટા પદમાં રહે અને 'પ્રતિષ્ઠિત આત્મા' કેવળ ડિસ્ચાર્જ સ્વરૂપમાં રહે ત્યારે નવું ચાર્જ ના થાય; ત્યારે અધિકરણ ક્રિયા સંપૂર્ણ બંધ થઇ જાય અને આવતા ભવ માટેનો નવો 'પ્રતિષ્ઠિત આત્મા' ના બંધાય; પછી જે પાછલી ગનેગારી પદનો 'પ્રતિષ્ઠિત આત્મા' લાવેલા હોઇએ તેનો સમભાવે નિકાલ કરવાનો રહે છે. નવું ચાર્જ ના થાય. તેથી ડિસ્ચાર્જ થવાનો વખત જ ના આવે.

'જ્ઞાની પુરુષ' એકલા જ આ અધિકરણ ક્રિયાને સીલ મારી શકે. 'જ્ઞાની પુરુષ' ભ્રાંતિરસ ઓગાળી નાંખે અને 'શુદ્ધાત્મા' અને 'પ્રતિષ્ઠિત આત્મા' બન્નેને છૂટા પાડી આપે. બેઉ વચ્ચે લાઇન ઓફ ડીમાર્કેશન નાખી આપે. એટલે બેઉ નિરંતર છૂટા ને છૂટા જ રહે, જ્ઞેય-જ્ઞાતા સંબંધમાં જ રહે. 'પ્રતિષ્ઠિત આત્મા'ને જે જ્ઞેય સ્વરૂપે જાણે છે તે 'શુદ્ધાત્મા' છે. 'શુદ્ધાત્મા' એ સ્વ-પર પ્રકાશક છે અને 'પ્રતિષ્ઠિત આત્મા' પરપ્રકાશક છે. ઇન્દ્રિયગમ્ય જ્ઞાન તે 'પ્રતિષ્ઠિત આત્મા' છે અને અતીંદ્રિયગમ્ય જ્ઞાન તે 'શુદ્ધાત્મા' છે. આ બધી ક્રિયા જે દેખાય છે તે 'પ્રતિષ્ઠિત આત્મા'ની છે. 'શુદ્ધાત્મા'ની આમાંની કોઇ પણ ક્રિયા નથી. 'શુદ્ધાત્મા'ની તો કેવળ જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા છે અને પરમાનંદ એ એનો મૂળ સ્વભાવ જ છે.

'આ હું છું' અને 'આ મારું છે,' એ જે પ્રતિષ્ઠા થયા કરે છે એનાથી 'પ્રતિષ્ઠિત આત્મા' બંધાય છે. 'હું' અને 'મારું' ગયાં તો 'પ્રતિષ્ઠિત આત્મા'ની નવી પ્રતિષ્ઠા ના થાય, નવાં કોઝીઝ ઉત્પન્ન ના થાય. નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો ના થાય. પછી જે રહે તે કેવળ ઇફેક્ટસ્ બાકી રહે અને તે સર્વ ઇફેક્ટસ્ ઇફેક્ટ-સ્વરૂપે ભોગવાઇ જાય, પછી બાકી શું રહે ? 'કેવળ આત્મા' !

ધર્મ-સ્વરૂપ

ધર્મ કોને કહેવાય ?

જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે.

કષાય ભાવ ઓછા થાય એવા નથી, વધે એવા છે. એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં, પણ ધર્મથી જ ઓછા થાય. ધર્મ કયાંથી પ્રાપ્ત થવો જોઇએ ? 'જ્ઞાની પુરુષ' પાસેથી; સહી-સિક્કાવાળો ધર્મ હોવો જોઇએ. 'જ્ઞાની પુરુષ'ના પછી બે શબ્દો ય વાપરવા માંડયા કે જે શબ્દો વચનબળવાળા હોય, મહીં બળ આપનારા હોય, જાગૃતિ રખાવનારા હોય; તે શબ્દો આવરણો ભેદીને મહીંની શક્તિઓ પ્રગટ કરે.

પરિણામ પામે તે ધર્મ અને પરિણામ ના પામે તે અધર્મ.

પરિણામ શું પામે ? તો કે કષાય ભાવોને હળવા કરે, ઓછા કરે, હલકા-પાતળા કરે અને જેમ તે કષાય ભાવો ઓછા થતા જાય તેમ પોતાની શક્તિ, આનંદ વધતાં જાય. પોતાની બધી શક્તિ માલૂમ પડે કે ઓહોહો ! મહીં પોતાની કેવી શક્તિ છે ! આટલી બધી પોતામાં શક્તિ કયાંથી આવી ? એટલે ધર્મ એનું નામ કહેવાય. નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય, નાનપણથી તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય. તો એને ધર્મ શી રીતે કહેવાય ?

ધર્મ થઇને પરિણામ પામે. ત્યારે, પરિણામ શું પામવાનું ? વ્રત, નિયમ, તપ કરતાં શીખે એ ? ના, એ ન હોય પરિણામ. ક્રોધ, માન, માયા, લોભનું-કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ સામાયિક, પ્રવચન, ધ્યાન કરે છે ને ? શું એ ધર્મ નથી? ભગવાન કહે છે કે ના, એ ધર્મ ન હોય. ભગવાન તો કહે છે કે તમે એમને જરા પૂછો કે આ બીજા જોડે, શિષ્યો જોડે કષાયો થાય છે કે નથી થતા ? અને આપણે પૂછીએ કે, ''મહારાજ શિષ્યો જોડે કશું થઇ જાય છે ?'' ત્યારે મહારાજ કહે કે, ''કોઇ એકુય સામાયિક નથી કરતો તે મને મહીં બહુ અકળામણ થઇ જાય છે ?'' ત્યારે તેં કર્યું તેને ધર્મ કેમ કહેવાય ? આ તો ઊલટા કષાયો વધારે છે.

ધર્મ સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે તેમાં છે. ધર્મ તો કષાય ભાવોનું નિવારણ કરે તે. કષાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં, કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તો ય કશું વળે નહીં.

ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે 'પોતે' જ ધર્મસ્વરૂપ થઇ જાય!

રીયલ ધર્મ : રીલેટિવ ધર્મ

ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રીયલ ધર્મ.

રીલેટિવ ધર્મ એટલે મનો ધર્મ, દેહધર્મ, વાણીધર્મ અને એ બધા પરધર્મ છે. જપ કરતા હોય એ વાણીના ધર્મ, ધ્યાન કરવું એ બધા મનના ધર્મ અને દેહને નવડાવવું, ધોવડાવવું, પૂજાપાઠ કરવો, એ બધા દેહના ધર્મ છે.

દરેક વસ્તુ તેના ધર્મમાં જ રહે છે. મન મનના ધર્મમાં જ રહે છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં અને અહંકાર અહંકારના ધર્મમાં જ રહે છે, કાન કાનના ધર્મમાં રહે છે. કાન છે તે સાંભળવાનું કામ કરે છે, એ ઓછું જોવાનું કામ કરે છે ! આંખ જોવાનું કામ કરે, સાંભળવાનું નહીં. નાક સૂંઘવાનો ધર્મ બજાવે, જીભ સ્વાદનો ધર્મ બજાવે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શના ધર્મમાં જ રહે છે. દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોના ધર્મમાં જ હોય છે.

મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચાર આવે અને સવળા વિચાર પણ આવે, પણ એ એના ધર્મમાં છે. પણ 'પોતે' સવળો વિચાર આવે ત્યારે કહે કે, મારા સારા વિચાર છે, એટલે 'પોતે' તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઇ જાય છે. અને અવળા વિચાર આવે એટલે 'પોતે' તેનાથી છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઇચ્છા નથી છતાં એ આવા અવળા વિચાર આવે છે ! અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે. મનના ધર્મ જુદા, ચિત્તના ધર્મ જુદા, બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા. આમ, બધાના ધર્મ જુદા જુદા છે. પણ 'પોતે' મહીં ડખલ કરીને ડખો ઊભો કરે છે ને ! મહીં તન્મયાકાર થઇ જાય છે, એ જ ભ્રાંતિ છે. તન્મયાકાર કયારે ના થાય? કે જયારે 'જ્ઞાની પુરુષ' સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને 'પોતે' છૂટો રહીને જુએ અને જાણે.

જગત આખું રીલેટિવ ધર્મ પાળે છે. દેહના ધર્મ, વાણીના ધર્મ, મનના ધર્મ જ પાળે છે. દેહના ધર્મોને જ 'પોતાનો ધર્મ છે' એમ માને છે. એ રીલેટિવ ધર્મ છે અને 'આત્મા એ જ ધર્મ' માને છે, તે આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એ જ રીયલ ધર્મ છે, એ જ સ્વધર્મ છે, એ જ મોક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે, બીજા બધા પરધર્મ છે.

તમારી મહીં 'દાદા ભગવાન' બેઠા છે, એ જ ચેતન પ્રભુ છે. એ જ પરમાત્મા છે. એ જ અમારી મહીં પ્રગટ થયા છે ને તમારા પ્રગટ થવાના બાકી છે. આ તો ધર્મ નથી, અહીં તો કામ કાઢી લેવાનું છે. કયાં સુધી ધર્મશાળાઓમાં બેસી રહેવાનું? પોતાનું કામ કાઢી લેવાનું છે, એટલે શું કે 'જ્ઞાની પુરુષ' પાસે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. 'જ્ઞાની પુરુષ' નો દીવો પ્રગટેલો છે તે 'એને' તમારો દીવો અડાડી દો, તો તમારો દીવો પણ પ્રગટી જાય. આ તો કો'ક કાળે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, દસ લાખ વરસે અક્રમ 'જ્ઞાનાવતાર' થાય ત્યારે કલાકમાં જ પોતાનો આત્મા પ્રગટ થઇ શકે તેમ બને. માટે જ 'અમે' કહીએ છીએ કે તમારું કામ કાઢી લો. આ દેહ તો 'પરપોટો' છે તે કયારે ફૂટે તે કહેવાય નહીં. મહીં બેઠા છે તે 'દાદા ભગવાન' છે. ગજબના પ્રગટ થયા છે, પરમાત્મા પ્રગટ થયા છે, પણ જયાં સુધી આ પરપોટો હશે, આ દેહ હશે ત્યાં સુધી જ લોકોનું કલ્યાણ થઇ શકશે. કારણ કે મહીં પ્રગટેલા 'દાદા ભગવાન' અમને વશ છે. ત્રણ લોકના નાથ અમને વશ થયા છે ! એમની પાસે વાચા નથી, હાથ-પગ નથી; તેથી અમને વશ થયા છે અને અમને કલ્યાણનું નિમિત્ત બનાવ્યા છે ! માટે અમે તો કહી છૂટીએ કે આ પરપોટો છે, ત્યાં સુધી કામ કાઢી લો.

અહીં અમારી પાસે તો આત્મા એ જ ધર્મ છે. અહીંયાં તો અવિરોધ એવો રીયલ માર્ગ છે. જગતમાં રીલેટિવ માર્ગ ચાલે છે. જયાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, પોતે ચંદુલાલ છે, એમ માનીને શુભાશુભના માર્ગે ચાલવું; પછી ભલે આખી જિંદગી બધાંને ઓબ્લાઇઝ કરે, પણ એ રીલેટિવ ધર્મ પામ્યો કહેવાય અને માત્ર એક જ ક્ષણ જો રીયલ ધર્મ પાળ્યો તો તો મોક્ષ છે ! ભગવાને કહ્યું કે એક વખત આત્મા થઇને આત્મા બોલો તો કામ થશે, નહીં તો 'હું આત્મા છું અને દેહાદિ જંજાળ મારાં નથી,' એમ લાખ અવતાર બોલે તો ય કશું વળે નહીં ! ભગવાન શું કહે છે ? હું ચંદુલાલ છુ, તારી શ્રદ્ધામાં પણ એ જ છે, એ શ્રદ્ધા તૂટી નથી, એ જ્ઞાન તૂટયું નથી, એ ચારિત્ર્યે ય તૂટયું નથી. ને પછી બોલે કે, 'હું શુદ્ધાત્મા છું.' તો તો કયારે ય મોક્ષ ના થાય. આ તો 'હું ચંદુલાલ છું !' એ આરોપિત ભાવમાં રહીને 'હું શુદ્ધાત્મા છું' એમ શી રીતે બોલાય ? જ્ઞાન દર્શનના આરોપિત ભાવો તૂટે ત્યારે સમ્યક્ ભાવમાં આવે, તો મોક્ષ થાય.

રીલેટિવ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય. આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઇ ના ભરાય. કોઇને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય. પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોત તો તો આ કરોડાધિપતિઓ પાપ જમે થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉડાવી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંને ય ચાખવાં જ પડે. ભગવાન શું કહે છે કે, તને જો ફળ ચાખવાનું પોષાતું હોય તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતંુ હોય તો પાપનું બી વાવજે; પણ બંને રીલેટિવ ધર્મ જ છે, રીયલ નહીં. રીયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઇએ. રીલેટિવ ધર્મોથી ભૌતિકસુખો મળે અને મોક્ષ ભણી પ્રયાણ થાય; જયારે રીયલ ધર્મથી મોક્ષ મળે. અહીં 'અમારી' પાસે રીયલ ધર્મ છે. તેનાથી સીધો જ મોક્ષ મળી જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ ને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે, નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય.

પુરુષ થયા વિણ પુરુષાર્થ શો ?

થિયોસોફિકલ સોસાયટીના એક મોટા પ્રોફેસર મારી પાસે આવ્યા. તેમને મનમાં જરા કેફ કે 'હું કંઇક જાણું છું' અને 'હું કંઇક પુરુષાર્થ કરું છું.' તેમને મેં પૂછ્યું : 'તમે શું કરો છો ?'

તેમણે કહ્યું : 'હું થિયોસોફિકલ સોસાયટીમાં જાઉં છું.'

મેં પૂછયું : 'શો પુરુષાર્થ કરો છો ?'

તેમણે કહ્યું : 'આત્મા માટે જ બધો પુરુષાર્થ કરું છું.'

ત્યારે મેં પૂછયું ; 'પણ પુરુષ થયા વગર પુરુષાર્થ શી રીતે થાય? પ્રકૃતિ નચાવે તેમ તમે નાચો છો અને કહો છો કે, 'હું નાચ્યો.'

આખા વિશ્વને હું ચેલેન્જ આપું છું કે, આ બધું તમે જે કરો છો તે તમારી 'પોતાની' શક્તિ ન હોય. અરે, ઝાડે ફરવાની પણ સત્તા તમારામાં નથી. વડોદરાના મોટા મોટા ડૉક્ટરોને ભેગા કરીને મેં પૂછયું કે, તમે કહો છો કે અમે ભલભલાને ઝાડો કરાવીએ, પણ તે તમારી સત્તા ખરી ? ત્યારે તેમણે કહ્યું કે, 'એ તો અમે જ કરાવીએ ને ?' ત્યારે મેં તેમને કહેલું કે, 'તમને પોતાને જ ઝાડે ફરવાની તમારી સ્વતંત્ર શક્તિ નથી તો બીજાને શું કરાવશો ? એ તો તમને અટકશે ત્યારે ખબર પડશે કે, મારી શક્તિ નહોતી ! આ તો બધું પ્રકૃતિ કરાવડાવે છે ને અહંકારીઓ અહંકાર કરે છે કે, 'મેં કર્યું !'

કેફ ચઢાવે તે પ્રાકૃતજ્ઞાન

મોટા મોટા પંડિતો, શાસ્ત્રો વાંચનાર શાસ્ત્રજ્ઞો, મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો બધા જે જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી; પણ પ્રાકૃતિક જ્ઞાન છે. પ્રાકૃતિક જ્ઞાન અને આત્મજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ફેર છે. આ બધું પ્રાકૃતજ્ઞાન શું કરે છે? પ્રકૃતિથી પ્રકૃતિને ધૂએ છે. પ્રકૃતિથી પ્રકૃતિને ધોવાથી તે પાતળી પડી જાય. પાછો એક અવતાર પ્રકૃતિને પાતળી પાડવામાં જાય અને જો કોઇ કુસંગ મળી જાય તો જાડી કરી નાખે! એટલે એને ભગવાને ગજસ્નાનવત્ કહ્યું છે. ગજસ્નાનવત્ એટલે જેમ પાણીની મહીં હાથી ન્હાય અને બહાર નીકળી ને ધૂળ ઉડાડે શરીર પર, તેવી દશા છે આ મનુષ્યોની! આત્મજ્ઞાન એ તો દુર્લભ વસ્તુ છે, અત્યંત દુર્લભ, દુર્લભ છે. મોક્ષ તો નામ દે એટલું જ, વાત કરે એટલું જ. બાકી પ્રાપ્તિ થવી એ સહેલું નથી. બધા પ્રકૃતિ-જ્ઞાનવાળા મનમાં શું બોલે, 'હું બધું જાણી ગયો!' અલ્યા, એ તો પ્રકૃતિજ્ઞાન જાણ્યું તે ! આત્મજ્ઞાન જાણવાનું છે. કેટલાય અવતારથી પ્રકૃતિજ્ઞાન એનું એ જ જાણ્યા કર્યું છે ને બીજું શું કરે છે ? કરે છે પ્રકૃતિ ને કહેશે, 'મેં કર્યું'. પ્રકૃતિ એને નચાવે, ઉઠાડે, ને કહેશે, 'હું ઉઠયો.' ઊંઘાડે ય પ્રકૃતિ, ઊંઘવું હોય તો ઊંઘાય નહીં ને પ્રકૃતિ ઊંઘાડે તો કહેશે 'હું ઊંઘી ગયો !'

બાકી અમે ગેરંટીથી કહીએ છીએ કે આખું જગત પ્રાકૃતજ્ઞાનમાં છે. એ શાસ્ત્ર વાંચતો હોય કે મહાવીરના પિસ્તાળીસ આગમ ધારણ કરતો હોય કે ચાર વેદ ધારણ કરતો હોય તો ય અમે એને કહીએ કે તું હજી પ્રાકૃતજ્ઞાનમાં છે ! આત્મજ્ઞાન અને પ્રાકૃતજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ડિફરન્સ છે. છાશ અને દૂધ બેઉ ધોળાં દેખાય. પ્રાકૃતજ્ઞાન કેફ ચઢાવે અને આત્મજ્ઞાન કેફ ઉતારી નાખે. જે પ્રકારનો કેફ હોય તે બધા જ પ્રકારનો કેફ આત્મજ્ઞાન ઉતારી નાખે. કેફ ઘટતો જતો હોય એ જ આત્મજ્ઞાનનું લેવલ.

પ્રશ્નકર્તા : શું શાસ્ત્ર ભણ્યાથી પણ અહંકાર વધે ?

દાદાશ્રી : હા, કારણ કે એ પ્રાકૃતજ્ઞાન છે, એટલે એ બધાનો કેફ ચઢે કે 'હું જાણું છું, હું જાણું છું.' અલ્યા, શું જાણ્યું તેં ? કઢાપો-અજંપો તો જતો નથી તારો. પ્યાલો ફૂટી જાય છે ત્યારે તારો આત્મા ફૂટી જાય છે ! ને 'જ્ઞાની પુરુષ' ને એમના હીરા ખોવાય તો ય કશું ય ના થાય. આ તો એમનું કયાં જ્ઞાન રહે ? 'હું કંઇક જાણું છું' એટલું જ.

આ કાળમાં તો મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો એ બધા કેફમાં જ રહે છે. 'હું જાણું છું' એ એની જોખમદારી પર બોલે છે ને! આપણી જોખમદારી ઓછી છે એમાં! પોતપોતાની જોખમદારી પર બોલી રહ્યા છે. બધા માર્ગ ભૂલ્યા છે, પણ શું થાય ? એમાં એમનો દોષ નથી. એમની ઇચ્છા તો મોક્ષે જ જવાની છે, ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. પણ કાળ વિચિત્ર આવ્યો છે, તેથી અણસમજણની આંટી પડી ગઇ છે. આ બધું પ્રાકૃતજ્ઞાન છે. એનાથી કેફ વધતો જાય છે અને આત્મજ્ઞાનથી કેફ ઊતરી જાય. એટલે પોતાને આત્મજ્ઞાન નથી એવું પોતાને નિંરતર ભાન રહે તો ય બહુ સારું. આ તો ઊલટાના પોતાનો કેફ ઢાંક ઢાંક કરે. કોઇ સળી કરે ત્યારે ફેણ માંડે પાછો. જયારે કેફરહિત થઇશ ત્યારે આ જગતની માલિકી તારી છે. આખા જગતનો માલિક તું છે! આખા બ્રહ્માંડનો તું પોતે જ સ્વામી છે! એટલે આત્મજ્ઞાનની વાતમાં હું કંઇ જ જાણતો નથી એવું બોલે તો ય વહેલો ઉકેલ આવે !

પ્રકૃતિજ્ઞાન જાણેલું શું કામ આવે ? ના, કારણ કે મોક્ષે જવા તો આત્મજ્ઞાન જોઇશે. આત્મજ્ઞાન પુસ્તકમાં ના હોય, શાસ્ત્રમાં ના હોય. એ તો 'જ્ઞાની પુરુષ' પાસે છે. જેને વર્લ્ડમાં કશું જ જાણવાનું બાકી નથી તેનું કામ, એમાં બીજાનું કામ નહીં. 'જ્ઞાની પુરુષ' કોણ ? તો કે, જેને કંઇ જ જાણવાનું બાકી ના હોય, પુસ્તક વાંચવાનું ના હોય, માળા ફેરવવાની ના હોય ! જો એ પોતે પુસ્તક વાંચતા હોય, માળા ફેરવતા હોય તો આપણે ના સમજી જઇએ કે આ તો હજી સ્ટાન્ડર્ડમાં છે ? પોતે હજી ભણે છે તે આપણો શો શક્કરવાર લાવશે ? એ તો જે પોતે સંપૂર્ણ થયા હોય તે જ કામ લાગે. આ બધા રીલેટિવ ધર્મો છે તે બધાં સ્ટાન્ડર્ડ છે. દરેકના ડેવલપમેન્ટનાં હિસાબે તેને તેના સ્ટાન્ડર્ડનું મળી આવે. અને રીયલ ધર્મમાં, આત્મધર્મમાં તો આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવું પડશે. બધાં સ્ટાન્ડર્ડ પાસ કરી, બધાં સ્ટાન્ડર્ડને માન્ય કરી પછી જ પોતે પરમાત્મ સ્વરૂપ થઇ શકે !

પક્ષમાં પડેલાનો મોક્ષ કયાંથી ?

જૈન, વૈષ્ણવ, શૈવ, સ્વામીનારાયણ, મુસ્લિમ, ખ્રિસ્તી એ બધા રીલેટિવ ધર્મો છે, સ્ટાન્ડર્ડનાં ધર્મો છે. વ્યુ પોઇન્ટનાં ધર્મો છે. જેને જે વ્યુપોઇન્ટથી દેખાયું તે જ સાચું માનીને બેસી ગયા અને એ જ પક્ષમાં પડયા. મોક્ષ કયારે થાય ? કેવળ દર્શન કયારે થાય ? સાચું સમકિત, સમ્યક્દર્શન કયારે થાય? આખા જગતમાં કયાં ય, કોઇ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે ! પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય. પક્ષ શાથી પડે ? અહંકારીઓ પોતાનો અહંકાર પોષવા પક્ષ પાડે ને નિરહંકારી 'જ્ઞાની પુરુષ' બધાંને એક કરે. 'જ્ઞાની પુરુષ' નિષ્પક્ષપાતી હોય, 'વીતરાગો' નિષ્પક્ષપાતી હોય. કોઇ નાતજાત સાથે પક્ષ નહીં. સંપૂર્ણ નિષ્પક્ષપાતી. દરેક માણસ સાથે અભેદતા ! અરે ! એક નાનામાં નાનો જીવ હોય તો ય તેની જોડે 'વીતરાગ'ને અભેદતા હોય !

આ બધા તો પેકિંગ છે. વેરાઇટિઝ ઓફ પેકિંગસ્ છે અને મહીં આત્મા છે, મટેરિયલ છે. મટેરિયલ બધામાં સરખું છે. પણ પેકિંગનાં ડિફરન્સથી ભેદબુદ્ધિ ઊભી થઇ છે. 'જ્ઞાની પુરુષ' પેકિંગ ના જુએ, એ તો નિરંતર મટેરિયલ જ જુએ, સામાના આત્માને જ જુએ. એમની આત્મદ્રષ્ટિ જ હોય. આ પેકિંગ દ્રષ્ટિથી જ પક્ષાપક્ષી છે ને તેનાથી સંસાર ખડો રહ્યો છે. પક્ષમાં રહીને તો પક્ષના પાયા મજબૂત કરે. અલ્યા, તારે મોક્ષે જવું છે કે પક્ષમાં પડી રહેવું છે ? મોક્ષ અને પક્ષ એ બન્ને સંપૂર્ણ વિરોધાભાસ છે. ભગવાન નિષ્પક્ષપાતી છે ત્યારે લોક પક્ષપાતમાં પડયા છે ! જૈનો કહેશે, આટલું અમારું, અને પેલું અમારું ન હોય, એ તો વૈષ્ણવોનું. જયારે મુસ્લિમો ય કહે, આ અમારું, પેલું અમારું ન હોય, એ તો હિન્દુઓનું. આમ સૌ ધર્મોવાળા પક્ષમાં પડયા છે. અહીં બધાં ધર્મોનાં ખુલાસા થાય. દરેક ધર્મવાળાને અહીં પોતાનો ધર્મ લાગે, કારણ કે અમે નિષ્પક્ષપાતી છીએ. તે બધા ધર્મોનો સંગમ અહીં જ છે !

લોકો પક્ષમાં પડયા તે ભગવાન ઊલટા છેટા થયા. એમાં ય પાછા એક ધર્મમાં ય કેટકેટલા પક્ષો પડયા. આ જૈનોમાં ય ચોર્યાસી ગચ્છ પડયા છે અને વેદાંતીઓમાં ય કંઇ કેટલાય પંથ પડયા છે. જૈન ધર્મ તો કોનું નામ કે પોતે પક્ષમાં ના પડે અને સામેવાળો પક્ષ પાડતો હોય તો સામાને ત્યાં જાય અને એને સમજાવે. પોતે વિગતવાર બધી સમજ પાડી મતભેદને ટાળે. સામાનું તદ્ન હળહળતું જૂઠું હોય ને પોતે તદ્ન સાચો હોય, તો ય તે સામાની પાસે જાતે જાય. ઘણાને એમ થાય કે આવું તે વળી હોતું હશે ? તમે સાચા છો છતાં કેમ જાઓ છો ? તો ય જૈન ધર્મવાળો કહેશે, 'હું જૈન છું, માટે મારે સામેથી જવું જોઇએ.' જૈન તો નિરાગ્રહી હોય. જૈન તો કોનું નામ કે કોઇનું પણ ના સાંભળે એવું ના હોય. બધાનું સાંભળે અને આવરણ ના લાવે. તારું ખોટું અને મારું સાચું છે એવું કપટ ના વાપરે. જો આત્મા કબૂલ કરે એવી વાત હોય તો તો સાંભળવી જોઇએ ને ?

મહાવીર ભગવાન કેવા હતા કે કોઇ વિધર્મી વાત સંભળાવવા આવે તો ય સાંભળે. આ તો ભગવાન મહાવીરના જ ધર્મમાં કેટલાય પક્ષ પડી ગયા !

આજે તો સાધુ મહારાજો ય પક્ષમાં પડી ગયા છે ! જૈનોના સાધુ અને ભગવાનના, વીતરાગના સાધુઓમાં ફેર શો? જૈનોના સાધુ પક્ષાપક્ષીવાળા હોય, ઝઘડાવાળા હોય; આ સંસારીઓમાં જેમ ભાઇઓ- ભાઇઓ ઝઘડા કરે તેમ ઝઘડા કરે; ને બીજા 'વીતરાગ'ના સાધુ તો નિષ્પક્ષપાતી હોય, ડખો જ ના હોય. એકે ય પક્ષમાં પડયા નથી એવા 'વીતરાગ'ના સાધુને આપણાં નમસ્કાર. પછી ભલે તે દિગંબર હો કે શ્વેતાંબર હો. આ તો કેવું કે સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી ના સાંભળે ને શ્વેતાંબરી પાસે દિગંબરી ના જાય. આમ, પક્ષાપક્ષીથી મોક્ષ થતો હશે ? સાચું તો મુસલમાનના ઘરનું હોય તો ય સ્વીકારવું જોઇએ. પણ આજે સાચું રહ્યું છે જ કયાં ?

ભગવાનને નગ્ન રાખવા કે કપડાં પહેરાવવાં એ માટે શ્વેતાબંરી અને દિગંબરીના ઝઘડા ચાલ્યા. આ નગ્ન રાખવાનું કહ્યું તે શા માટે ? ભગવાનને આંગી એ તો બાલધર્મ છે. તેથી ભગવાનની આંગીના નામે ય ભગવાનનાં દર્શન તો કરે ને ! જયારે દિગંબરી તો જ્ઞાનજીવો માટે છે. પણ અત્યારે તો વાત જ બદલાઇ ગઇ છે ! એક દિગંબરી મહારાજ મને મળ્યા હતા. તેમણે મને કહ્યું કે, 'મોક્ષ તો અમારો જ થાય ને !' મે પૂછયું, 'એમ શાથી કહો છો ?' ત્યારે તેમણે કહ્યું, ''કેમ ? ભગવાને કહ્યું નથી કે 'નગ્ગાએ મોકખ મગ્ગા'? ''

મેં કહ્યું, ''તમારી વાત તો સાચી છે. ભગવાને કહ્યું છે તે ખરું કહ્યું છે કે 'નગ્ગાએ મોકખ મગ્ગા', પણ તમે સમજયા છો ઊંધું. ભગવાને આત્મા નાગો કરવાનો કહ્યો છે, નહીં કે દેહ.''

આ તો અણસમજણ ઊભી થઇ છે. આત્માની ઉપર ત્રણ કપડાં છેઃ મનનાં, વાણીનાં ને કાયાનાં, તે કપડાં કાઢવાનાં છે. તે કાઢે અને આત્માને નાગો કરે તે સાચો દિગંબર. મન, વચન, કાયારુપી કપડાં કાઢવાનાં છે, એ જ મોટામાં મોટો પરિગ્રહ છે, તે એને કાઢવાનો છે.

આ પક્ષાપક્ષીનું કોના જેવું છે તે કહું? પોતે પોતાને રુપાળો ના લાગતો હોય, એમ બને? નહીં, તો તો અરીસા જોડે બને જ નહીં ને! પણ આ તો બને છે તેનું કારણ પોતે પક્ષપાતી છે! રુપ તો કોનું નામ કે યાદ આવ્યા કરે. પણ આ તો પક્ષપાતી છે. નિષ્પક્ષપાતીવાળા હોય તો બાજુવાળાને ય સુગંધ આવે. અને પક્ષવાળા તો જયાં જાય ત્યાં ગંધાઇ ઊઠે, ઘરમાં ય નર્યા ગંધાય!

કેટલાક લોકો અમને કહે કે, 'તમે જૈન છો ?' કેટલાક કહે છે કે, 'તમે વૈષ્ણવ છો ?' 'અલ્યા, અમે તો શાના જૈન ને શાના વૈષ્ણવ ? અમે તો વીતરાગ. એમાં બધા ધર્મ સમાઇ જાય!' આ તો અમને જૈન કહીને કે વૈષ્ણવ કહીને સામો પોતાને માટે અંતરાય પાડે છે. અમને પક્ષપાતી ધારે છે. પણ એક ફેર અમને આ રામચન્દ્રજીનાં દર્શન કરતાં તો જો ને! એક ફેરો રામચન્દ્રજીનાં દર્શન કરતા અમને જુએ તો એની બધી માન્યતા તૂટી જાય. પણ એવી પુણ્યૈ જાગવી જોઇએ ને!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16