ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

વીતરાગ માર્ગ !

'જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા.' - નવનીત

વાણી મનોહર જોઇએ, વર્તન મનોહર જોઇએ અને વિનય મનોહર જોઇએ. વીતરાગોનો માર્ગ વિનયનો છે, પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું ભણવા કરવાની જરૂર નથી, ભણવાવાળા તો કંઇક ભણીભણીને થાકી ગયેલા. વીતરાગનો માર્ગ પરમ વિનય માગે છે, એમને બીજું કશું જ જોઇતું નથી.

વીતરાગોએ આખા જગતનો એક જ ધર્મ જોયો, વીતરાગ ધર્મ, અને વીતરાગ ધર્મથી જ મોક્ષ છે; માટે વીતરાગતા પ્રાપ્ત કરો. આજે તો એકલા જૈન ધર્મમાં કેટલા બધા ફાંટા પડી ગયા છે ? આપણો માર્ગ તો જૈન નથી, વૈષ્ણવ નથી, સ્વામિનારાયણ નથી, માત્ર વીતરાગ માર્ગ છે!

ક્રોધ, માન, માયા, લોભ ગયાં તો જાણવું કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો, એ નિશાની છે એની. કોઇ પૂછે કે, 'આનો તાવ ઊતર્યો છે કે નહીં?' ત્યારે આપણે કહીએ કે, 'થર્મોમિટર મૂકો અને જુઓ. જો એ ૯૮ ડિગ્રી દેખાડે તો તાવ નથી ને ૯૭ ડિગ્રી દેખાડે તો બીલો નોર્મલ તાવ છે અને ૯૯ ડિગ્રી દેખાડે તો એબોવ નોર્મલ તાવ છે.' આમ થર્મોમિટર મૂકીને જોવું. વીતરાગ શું કહે છે ? 'જેનાં ક્રોધ, માન, માયા, લોભ ગયાં એને વીતરાગ માર્ગ પ્રાપ્ત થયો અને જેને ત્યાં એ સાબૂત છે એ જરા ય તૂટયાં નથી. જેનો કાંકરો ય તૂટયો નથી, તેને વીતરાગ ધર્મ કેમ પ્રાપ્ત થયો કહેવાય ?' જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે; અરે, અનંત અવતારથી જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે. કંઇ એક અવતારથી જૈન ધર્મ થોડો પ્રાપ્ત થયો છે ? પણ વીતરાગ ધર્મ કોઇ અવતારમાં પ્રાપ્ત થયો નથી !

વીતરાગો તો સાવ જુદા જ હતા. વીતરાગોને વીતરાગ માર્ગમાં જે કરવું પડયું હતું તે અત્યારે લોકોના ખ્યાલમાં નથી, લક્ષમાં નથી, અને એમને જે નહોતું ગમતું તે લોકો કરે છે. અત્યારે એમને શું નહોતું ગમતું કે, 'ભાઇ, એક પક્ષમાં ના પડીશ. તું તપમાં પડયો તો તપોગચ્છ ના થઇ જઇશ.' વીતરાગો શું કહે છે કે, 'એક ગચ્છમાં ના પડશો.' એ તો એક ખૂણો છે મકાનનો. મકાનનો એક જ ખૂણો જો વાળ વાળ કરે તો આખી રૂમ સાફ થાય ખરી ? શુદ્ધિ થાય ? ના થાય. ભગવાને કહ્યું કે, 'બધા ખૂણા સાફ કરજે.' ભગવાન કંઇ તારા ખૂણા વાળવા આવવાના નથી. આ લોક તો એકલા તપની પાછળ પડયા કે એકલા ત્યાગની પાછળ પડયા, તો કેટલાક વળી પુસ્તક વાંચ વાંચ કરે.

કબીરો કહે છે : 'પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય' કબીરાને એકુ ય પંડિત થયેલો દેખાયો નહીં. પુસ્તક વાંચીને પુસ્તક જેવા થઇ જાય ! જેની આરાધના કરે તેના જેવો થઇ જાય, એવો આત્માનો સ્વભાવ છે. વીતરાગની આરાધના કરે તો વીતરાગ થઇ જાય, માટે વીતરાગની આરાધના કરો તો મોક્ષે જવાશે. મોક્ષનો આ એક જ માર્ગ છે, બીજા બધા અનંત માર્ગોમાં એક માર્ગ, આ વીતરાગની નાની કેડી એકલી જ છે કે જે મોક્ષે લઇ જાય. આ કેડી ઉપરથી એક માણસ મહાપરાણે જઇ શકે, કો'ક દહાડો ! નહીં તો બીજા તો અન્ય માર્ગ છે જ, અન્ય માર્ગો અનંતા છે; ને તે બધા ચતુર્ગતિમાં ભટકાવનારા માર્ગો છે, દેવગતિ ને બીજે રઝળપાટ કરાવનારા છે અને આટલાથી મનમાં સંતોષ લે ને કહે કે, 'અમારે તો ઘણું ખરું આવી ગયું છે, અમે ઘણું બધું પામી ગયા છીએ.'

જ્ઞાનીની પૂંઠે પૂંઠે.....

વીતરાગોએ કહ્યું છે કે, 'મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી, માત્ર 'જ્ઞાની'ની પૂંઠે પૂંઠે વહ્યા જજો.' એમની પૂંઠે સિગારેટ પીએ તો ? 'હા, પીજો. એમની હાજરીમાં સિગારેટ પણ પીજો, પણ 'જ્ઞાની'ની પૂંઠે વહ્યા જજો. એમનો હાથ ના છોડશો.' કહે છે. 'જ્ઞાની' કોને કહેવાય ? જેને આ જગતમાં કશું જ જાણવાનું બાકી ના રહ્યું હોય તે 'જ્ઞાની'. જાણવાનું જેને બાકી રહ્યું હોય તેને આપણે જ્ઞાની કહીએ ને પછી આપણે તેમને જે ઘડીએ પૂછીએ ત્યારે એ ઘૂંટાયા કરે. સા'બ શું કરે ? મહીં ઘૂંટાયા કરે, પછી આપણને શાસ્ત્રના ટબ્બા દેખાડે. અલ્યા ભઇ, શાસ્ત્રને શું તોપને બા'રે ચઢાવવું છે ! અહીં આગળ શું કરવા ટબ્બા દેખાડે છે ? મહીંથી તું બોલ ને ! મહીં મરેલો છે કે જીવતો, તે બોલને ! જો મહીં જીવતો છે તો બોલ મહીંથી ! પણ આ શાસ્ત્ર શું કરવા વચ્ચે લાવે છે ? શાસ્ત્ર એ તો બોર્ડ છે, સ્ટેશને ઊતરવાનાં બોર્ડ છે, બોર્ડની કંઇ હરઘડીએ જરૂર પડે ખરી ? એની તો કો'ક દહાડો જરૂર પડે; એટલું જ જાણવા કે, 'ભઇ, કયું સ્ટેશન આવ્યું ?' તો એ કહે કે, 'ભઇ, પેલું બોર્ડ દેખાય, દાદર.' તે શાસ્ત્રો તો દાદર છે. શાસ્ત્ર તો 'ઇટસેલ્ફ' બોલે છે, 'ગો ટુ જ્ઞાની.' એ નિશાની બતાવે છે.

જો સંસારમાં કોઇ ઊંધો માર્ગ જોઇતો હોય, જગતના વિષયી સુખો જોઇતાં હોય, તારે અહંકારનો ભોગવટો કરવો હોય, તો ભગવાન કહે છે કે, 'શાસ્ત્રો વાંચ અને ત્યાગ કર, તપ કર, જપ કર, તને જે અનુકૂળ આવે તે કોઇ પણ તપ-જપ લઇ લે, એક સબ્જેક્ટ લઇ લે, એ સબ્જેક્ટનું ફળ તને મળશે; દેવગતિ અગર તો મનુષ્યમાં ય સારો અવતાર થાય, બીજું થાય, ત્રીજું થાય.' ભગવાનના સબ્જેક્ટોનું આરાધન કર્યું, માટે કંઇક ફળ તો મળે ને ? ભગવાને મોક્ષને માટે નિર્વિષયી માર્ગ કહ્યો છે ! એમાં તપ, ત્યાગ, જપ કે જે બહારના વિષયો છે, એવું કશું છે નહીં.

વીતરાગો એટલે બહુ ડાહ્યા માણસો. મોક્ષનો માર્ગ સરળમાં સરળ, સહેલામાં સહેલો વીતરાગો આપીને ગયા, બીજા બધાએ મોક્ષનો માર્ગ ગૂંચવી ગૂંચવીને ભુલભુલામણી રૂપે મૂકયો છે. તે ભુલભુલામણી કેવી ? કે એક ફેરો મહીં પેઠો તો ફરી નીકળે નહીં, એમાંથી છટકાય એવું છે નહીં. વીતરાગના માર્ગમાં આટલી ય પોલ નથી રાખી, કારણ કે વીતરાગો તો બહુ જ ચોખ્ખા; જેને કંઇક જ જોઇતું નહોતું, પ્રપંચ નહોતો, જેનામાં રાગ નહોતો, જેને કોઇપણ પ્રકારની ઇચ્છા જ નહોતી, એવા વીતરાગ હતા !

ઇચ્છા કોને થાય છે ?

ખરી રીતે કોઇને ય ઇચ્છા નથી, જે જે આત્મા તરીકે છે એ કોઇને ય ઇચ્છા નથી. આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઇ છે. આ તો જૈન ધર્મે આત્માને ઇચ્છાવાન ઠરાવી દીધો છે અત્યારે ! આત્મા ઇચ્છાવાન હોય ને તો તો પછી એ ભિખારી જ છે. આત્મા ઇચ્છા કરે જ નહીં. આત્મા તો પરમાત્મા છે, એને ઇચ્છા હોય ? આત્મા પોતે વીતરાગ જ છે પહેલેથી. આ તો ભ્રાંતિથી ઇચ્છા ઊભી થઇ છે. અહંકારમાં ઇચ્છા ઊભી થઇ છે, જયારે અહંકાર નહીં હોય તો ઇચ્છા ય નહીં હોય. આ તો અહંકારની ઇચ્છા છે, આત્માની ઇચ્છા હોતી હશે ? તો તો પછી આ વાઘરી ને એમાં ફેર રહ્યો નહીં. આત્મા પોતે પરમાત્મા છે અને એને કોઇ ચીજની જરૂર નથી; પહેલેથી ય નહોતી, અત્યારે ય નથી ને ભવિષ્યમાં પણ હશે નહીં. આ તો પોતે અંતરાયો છે. જો અહંકાર જતો રહે, એનો વિલય થઇ જાય તો કશું જ નથી, મોક્ષ જ છે, ઇચ્છા જ નથી પછી તો. અત્યારે તો જૈન માર્ગમાં ને બીજા બધા માર્ગમાં કહે છેને કે, 'આત્માને તો ઇચ્છા ખરી ને ?' અલ્યા ભાઇ, આત્માને જો ઇચ્છા હોય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્માને જો ઇચ્છાવાન કહો તો એ દ્રવ્યને જ જાણ્યું નથી તમે ! પિત્તળને અને સોનાને ઓળખતા નથી તમે, પિત્તળને સોનું કહો છો !! સોનું તો એના પોતાના ગુણધર્મમાં છે, પરમાત્માસ્વરૂપમાં છે, અત્યારે પણ પરમાત્માસ્વરૂપમાં બેઠેલું છે, એ પરમાત્માસ્વરૂપ એનું કોઇ દહાડો ય ચૂકયા નથી. ભલેને એ જંજાળમાં આવ્યા છે, પણ જંજાળમાં ય એ પોતે ચૂકયા નથી. એમાં એમનું જ્ઞાન અંતરાયું છે, બીજું કશું અંતરાયું નથી. જ્ઞાન, દર્શન અંતરાયું છે. તેનાથી એમને કંઇ નુકસાન નથી. જેને આ અહંકાર છે એને નુકસાન છે, એમને શું નુકસાન ? એમને તો મહીં પરમાનંદ છે, પોતે અનંત સુખનું ધામ છે. રાત્રે ઊંઘી જાયને તો ગાંડાને પણ સુખ આવે. જો સારો ઘસઘસાટ ઊંઘી જાયને તો ય એનામાં થોડોક, એનો (આત્માનો) અણસારો માલૂમ પડે કે, 'મારું હારું, સુખ અંદર છે ! કારણ કે કોઇ વિષય રાત્રે આવ્યા નથી, કોઇ વિષય રાત્રે ઊંઘમાં ભોગવ્યા નથી, એમ ને એમ ઘસઘસાટ ઊંઘી ગયો તો શાથી સુખ આવ્યું ?' તે આ મશીનરી બધી બંધ થઇ ગઇ, અહંકાર બંધ થઇ ગયો, અહંકારરૂપી મશીનરી બંધ થતાંની સાથે સુખ ઉત્પન્ન થાય. એટલે પછી એને થયા કરે કે 'બહુ સરસ ઊંઘ આવી હતી ! બહુ સરસ ઊંઘ આવી હતી !'

સચોટ ઇચ્છા, કેવી હોય ?

દાદાશ્રી : મોક્ષની ઇચ્છા છે કે બીજે ગામ જવું છે ? ઇચ્છા કઇ બાજુની રહે છે ?

પ્રશ્નકર્તા : મુક્તિ સિવાય બીજું કંઇ ના જોઇએ.

દાદાશ્રી : મોક્ષની ઇચ્છા હોય અને જોડે જોડે બીજી ઇચ્છા દેખાયા કરતી હોયને તો આપણને ખબર પડે કે હજી આ કોઇ એક ઇચ્છા મહીં ભરાઇ રહેલી છે, કો'ક દહાડો આપણને દેખા દે. જેમ આપણા ઘરમાં બે માણસ હોય તો રોજ એકનો એક દેખાય, પણ કો'ક દહાડો બીજો દેખાય તો આપણે જાણવું કે કો'ક છે મહીં, એવું ખબર ના પડે ? એટલે બીજું કંઇ એવું મહીં દેખાય છે ?

પ્રશ્નકર્તા : દેખાય કો'ક વાર.

દાદાશ્રી : એકાદ છે કે બે જણ છે ?

પ્રશ્નકર્તા : ખબર નથી.

દાદાશ્રી : એ તો તપાસ કરવી પડે. એવું છેને કે મોક્ષની એકલી ઇચ્છા હોયને તો એને કોઇ રોકનાર જ નથી. જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે એને કોઇ રોકનાર નથી ! જ્ઞાની એને ઘેર જશે !!! એ કહેશે કે, 'મારે જ્ઞાનીને શું કરવા છે ? મારે એમને મળવા તો જવું પડશે ને?' ના, તારી ઇચ્છા જ તારા માટે જ્ઞાનીને લઇ આવશે ! જ્ઞાની સાધન છે. મોક્ષ સિવાય કંઇ જ જોઇતું નથી એવી જેને સચોટ ઇચ્છા છે એની પાસે હરેક ચીજ આવે; પણ બીજી ગુફતેગો છે, મહીં પોલ છે, એનું કશું વળે નહીં. એ પોલની તો પત્રિકા બહાર પડે ત્યારે ખબર પડે ! એને 'પોલપત્રિકા' કહેવાય છે. વીતરાગો કહે છે કે, 'જે અમારા જેવા સચોટ છે, જેને કંઇ જ કામના નથી એને અહીં દુનિયામાં કોઇ નામ દેનારો નથી! ને નામ દેશે તો પુદ્ગલનું લેશે; પણ આત્માને કોણ અડી શકે? આ લોકો તો પુદ્ગલના વેપારી છે, તે પુદ્ગલના વેપાર ભલે કરે, પૌદ્ગલિક વેપાર છે ને ? કો'કનું પુદ્ગલ લઇ લે બહુ ત્યારે, પણ અહીં માલિકી નહોતી એનું લઇ લે છે ને ! જેને મોક્ષની ઇચ્છા હોય તેને પુદ્ગલની માલિકી ના હોય ! પુદ્ગલની માલિકી છે તેને મોક્ષની ઇચ્છા ના હોય.

અમૂર્તનાં દર્શન - કલ્યાણકારી !

કવિરાજે લખ્યું છે કે,

'મૂર્તિ અમૂર્તનાં દર્શન પામે જયાં

મંદિરના ઘંટનાદ વાગી ગયા છે.' -નવનીત

મૂર્તિ, 'અમૂર્ત'નાં દર્શન પામે; પછી મોક્ષે જવાના ઘંટનાદ વાગે. અમૂર્તનાં દર્શન કોઇ કાળે થયાં નથી, જો થયાં હોત તો મોક્ષના ઘંટનાદ વાગી ગયા હોત બધાં 'મંદિરો'માં ! આ વાત તમને સમજાઇ કે 'મૂર્તિ જો અમૂર્તનાં દર્શન કરે તો કલ્યાણ થાય ?' આપણે તો મનુષ્ય મૂર્તિ હોય ત્યારે જ અમૂર્તનાં દર્શન થાય ને ! મૂર્તિ અમૂર્તનાં દર્શન પામે ત્યારે મંદિરનાં ઘંટનાદ પૂરા થઇ ગયા, ત્યાં આગળ કામ પૂરું થઇ ગયું. 'જ્ઞાની પુરુષ' તો જડ અને ચેતનનું આમ વિભાજન કરીને-તાંબુ બધું જુદું પાડી આપે, એમના હાથમાં આવે તો તરત જ કહી આપે કે, 'આ ચોખ્ખું ને આ મેલું.' અહીં તો જરાક જેટલો પણ મેલ હોય તો ચાલે નહીં, મોક્ષને માટે જો જરાક મેલ હોય તો તે કામનું નહીં, એ સોનું ના કહેવાય. ભગવાને કહ્યું કે, 'બે ટકા મેલ હોય તો એ સોનું ન હોય, અમારે તો શુદ્ધ સોનું જોઇશે. શુદ્ધ ઉપયોગવાળું સોનું ! અહીં બીજું ચાલે નહીં, ગડબડ-સડબડ ચાલે નહીં.' સોનામાં બે વાલ ફેર હોય તો? 'તો ના, એ ફેર-બેર, છાશિયું બધું જાવ અહીંથી ચોકસીઓને ત્યાં.' અહીં તો વીતરાગોનું કામ, શુદ્ધ ઉપયોગવાળું સોનું જોઇએ; ત્યાં તો નવ્વાણું ટચનું હોય નહીં, પૂરું સો ટચ જોઇશે.

વીતરાગ એટલે અસલ પાક્કા !

વીતરાગ કંઇ કાચી માયા નથી. બધા ય કાચા હશે, પણ વીતરાગ જેવા કોઇ પાકા નહીં, એ તો અસલ પાક્કા ! આખી દુનિયાના સૌ અક્કલવાળા એમને શું કહેતા હતા ? ભોળા કહેતા હતા. આ વીતરાગો જન્મેલાને તે એમના ભાઇબંધો એમને કહેતા હતા કે, 'આ તો ભોળા છે, મૂરખ છે.' અલ્યા તું મૂરખ છે, તારો બાપ મૂરખ છે ને તારો દાદો મૂરખ છે. વીતરાગોને તો કોઇ વટાવી શકશે જ નહીં એવા એ ડાહ્યા હોય. પોતાનો રસ્તો ચૂકે નહીં, એ જાતે છેતરાય ને રસ્તો ના ચૂકે. એ કહેશે કે, 'હું છેતરાઇશ નહીં, તો આ મારે રસ્તે જવા નહીં દે.' તે પલો શું જાણે કે આ કાચો છે. અલ્યા, ન હોય એ કાચો, એ તો અસલ પાકો છે ! આ દુનિયામાં જે છેતરાય, જાણી જોઇને છેતરાય, એના જેવો પાકો આ જગતમાં કોઇ છે નહીં ને જે જાણીબૂઝીને છેતરાયેલા તે વીતરાગ થયેલા. માટે જેને હજી પણ વીતરાગ થવું હોય તે જાણીબૂઝીને છેતરાજો, અજાણે તો આખી દુનિયા છેતરાઇ રહી છે. સાધુ, સંન્યાસી, બાવો, બાવલી સહુ કોઇ છેતરાઇ રહેલ છે, પણ જાણીબૂઝીને છેતરાય તે આ વીતરાગો એકલા જ ! નાનપણથી જાણીબૂઝીને ચોગરદમથી છેતરાયા કરે, પોતે જાણીને છેતરાય છતાં ફરી પાછા પેલાને એમ લાગવા ના દે કે તું મને છેતરી ગયો છું, નહીં તો મારી આંખ તું વાંચી જાઉં. એ તો આંખમાં ના વાંચવાદે, આવા વીતરાગો પાકા હોય ! એ જાણે કે આનો પુદ્ગલનો વેપાર છે તે બિચારાને તો પુદ્ગલ લેવા દોને, મારે તો પુદ્ગલ આપી દેવાનું છે! લોભીઓ છે તેને લોભ લેવા દે, માની હોય તેને માન આપીને પણ પોતાનો ઉકેલ લાવે, પોતાનો રસ્તો ના ચૂકવા દે. પોતાનો મૂળમાર્ગ જે પ્રાપ્ત થયો છે એ ચૂકે નહીં, એવા વીતરાગ ડાહ્યા હતા. અને અત્યારે પણ જે એવો માર્ગ પકડશે એના મોક્ષને વાંધો જ શો આવે ? 'જ્ઞાની પુરુષ'નું તો આજે આ ખોળિયું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઇ મોક્ષમાર્ગ રખડી મર્યો છે ? ત્યારે કહે, 'ના, જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઇપણ જાતની કામના નથી અને જેને પોતે જાણીજોઇને છેતરાવું છે એવાં કેટલાંક લક્ષણો એના પોતાનામાં હશે ને તો એનો મોક્ષ કોઇ રોકનારો નથી; એમ ને એમ એકલો ને એકલો, જ્ઞાની સિવાય બે અવતારી થઇને એ મોક્ષે ચાલ્યો જશે !'

અન્ય માર્ગમાં તે કેવી દશા !

એવો વીતરાગનો માર્ગ છે ! તેને આજે આખો રૂંધી માર્યો ! એટલે કે લોકોને ક્રિયાકાંડમાં જ ઘાલી દીધા. એમાં ઘાલનારો ય કોઇ નથી, ઘાલનાર એમનાં કર્મો છે અને જે ઘલાયા છે અને મહીં પેસે છે એ ય એમના કર્મથી બફાય છે. સૌ સૌનાં કર્મથી બફાઇ રહ્યું છે, એમાં કોઇનો દોષ છે નહીં, પોતાનાં કર્મે કરીને જ ગૂંચાયા કર્યાં છે. આ ઘાંચીનો બળદ હોય છે તે સાંજે ચાલીસ માઇલ ચાલ્યો એવું તેને લાગ્યા કરે છે, પણ જયારે આંખેથી દાબડા નીકળે ત્યારે એની એ જ ઘાણી ! એવું આ લોકો ચાલ્યા કરે છે ! અનંતા લાખો માઇલ ચાલ્યા, પણ ઘાંચીના બળદની પેઠ ત્યાંના ત્યાં જ છે ! અને ત્યાં હોત તો તો સારું. ઘાંચીનો બળદ તો ત્યાંનો ત્યાં જ રહે; પણ આ તો બે પગના ચાર પગ થશે ! તેથી મારે હોંકારો કરીને બોલવું પડે છે કે, 'અલ્યા ભાઇ ! ચેતને કંઇક, કંઇક તો ચેત ! મોક્ષની વાત તો જવા દે, પણ કંઇક સારી ગતિ તો ચાખ અને આજે ભરતક્ષેત્રમાં ગતિ સારી રાખીને શો ફાયદો કાઢવાનો ? હવે તો છઠ્ઠો આરો આવવાની તૈયારી થઇ રહી છે ! હવે કંઇ બીજા ક્ષેત્રોમાં પેસી જવાય, ક્ષેત્ર ફેરફાર થાય, એવું કંઇક કરી લે !' ક્ષેત્ર ફેરફાર થઇ શકે છે, વીતરાગના માર્ગમાં બધાં ય સાધન છે. આજે તો મહાવીર ભગવાનના, કૃષ્ણ ભગવાનના, વેદાંતનાં, બધાધમોર્નાં શાસ્ત્રોનો બધો આધાર છે. છઠ્ઠા આરાની શરૂઆતથી જ કોઇ ધર્મનો કોઇ આધાર નહીં હોય - ખલાસ ! અઢાર હજાર વર્ષ પછી બિલકુલે ય ખલાસ થઇ જશે! એવું વીતરાગોનું વર્ણન છે, મારે કંઇ જણાવવાની જરૂર નથી. હું એ તો વર્ણન કહું છું, આ મારી વાત ન હોય. મારી વાત તો 'આ' એમ ને એમ નીકળે છે તે, અને આ તો વીતરાગની વાત છે. ભાઇ, થોડું સમજવું પડે ને ? સમજયા વગર કેમ ચાલશે ? કોઇ દહાડો તમે જાણીબૂઝીને છેતરાયા હતા ? જાણીબૂઝીને છેતરાય એ મોટામાં મોટું મહાવ્રત કહેવાય છે, આ દુષમકાળનું ! જાણી જોઇને છેતરાવું એના જેવું મહાવ્રત કોઇ નથી આ કાળમાં ! સાચો માર્ગ તો મળવો જોઇએ ને ?

પ્રશ્નકર્તા : લોક ક્રિયા તરફ વિશેષ વળેલું છે.

દાદાશ્રી : સાચો માર્ગ ના મળ્યો એટલે, પણ ક્રિયા તરફ વળ્યું હોતને તો ય વાંધો નહોતો કે ક્રિયાનું ફળ આવશે. કોઇ માણસે અહીં જાયફળનું બીજ રોપ્યું તો ઉપર જાયફળ આવશે તો એ દૂધપાક કે શ્રીખંડમાં નાખવા ચાલશે, પણ કંઇક રોપ્યું હશે તો ફળ આવશે. એ કંઇ ખોટું નથી, પણ એમનાં આ બધાં ટ્રીક ધ્યાન ઊભાં થયાં. બ્રેઇન ટોનિકવાળાં જે ધ્યાન ઊભાં થયાં એ સંપૂર્ણ અહિતકારી છે. એમણે જે ડબલ ટ્રીક વાપરવા માંડી, વેપાર ખાસ્સો હીરાનો કે જેમાં ભેળસેળ ના કરી શકાય તે એમાં શું કર્યું ? એકને બદલે અન્ય આપવા માંડયું ! તે એના કરતાં તો ભેળસેળવાળા સારા કે એકને એક હતું તેમાં બીજું નાખ્યું; ને આ તો એકને બદલે અન્ય ! આને ક્યાં પહોંચી વળાય ? કોઇની વાત નથી કરતા આપણે. કોઇ સમજુ હોય તો વાત કરવી કે 'જ્ઞાની પુરુષ' ચેતવાનું કહે છે. બ્રેઇન ટોનિકથી આટલું ચેતાય તો ચેતો, એ બહુ સારી વાત છે, કારણ કે બીજું તો કંઇ નહીં, પણ આ હાર્ડ રૌદ્રધ્યાન કહેવાય. આ લાકડામાં ય સોફ્ટ વૂડ અને હાર્ડ વૂડ આવે છે ને તે હાર્ડ વૂડને તો રંધો મારીએ તો રંધો તૂટી જાય ! સોફ્ટ વૂડ હશે તો દીવાસળી ય બને, આ તો હાર્ડ વૂડ જેવા હાર્ડ રૌદ્રધ્યાન !

સંકલ્પ - વિકલ્પ કોને કહેવાય ?

મારું એવો જયાં આરોપ કર્યો એ સંકલ્પ અને 'હું' નો જયાં આરોપ કર્યો એ વિકલ્પ, એ આરોપિત ભાવ કહેવાય છે. સંકલ્પ-વિકલ્પને-આરોપિત ભાવને આમ ભગવાને વીતરાગ ભાષામાં કહ્યા અને લોકભાષાને ચેકો માર્યો નથી ભગવાને. કારણ કે લોકભાષા ય ચાલવી જોઇએ ને ? લોકભાષા ઉપર ચેકો મારે તો લોક ગૂંચાયા કરે. તમારે વીતરાગ ભાષા જાણવી છે કે લોકભાષા જાણવી છે ?

પ્રશ્નકર્તા : વીતરાગ ભાષા.

દાદાશ્રી : 'આ' વીતરાગ ભાષા છે, એટલે કે આપણે 'હું ચંદુભાઇ છું' એ ગયું તો બધું ગયું. 'હું' પણું ઊડે અને આ પહેરણ 'મારું' છે એ પણ જયાં 'હું' પણ ઊડયું એટલે ઊડી જાય. ચંદુભાઇનું 'હું'પણું ગયું તો 'મારું' પણ ઊડે - સંકલ્પે ય ઊડે ! આ મનમાં જે થાય છે તેને જગત સંકલ્પ-વિકલ્પ કહે છે, જયારે વીતરાગોએ એને અધ્યવસાન કહ્યું. વીતરાગોએ એમની ભાષામાં જુદું લખેલું છે બધું અને એ ભાષા સમજાય તો કામની. ઝવેરી કંઇ એક પ્રકારના છે ? અહીં મુંબઇના ઝવેરી હોયને એ લાખનો હીરો લે, એ મુંબઇવાળો મદ્રાસવાળાને સવા લાખમાં વેચે, કારણ કે પેલા ઊંચામાં ઊંચા ઝવેરી. મુંબઇવાળા કરતાં મદ્રાસવાળો પાછો પેરિસમાં અઢી લાખમાં વેચે. જે મોંઘું લે તો ઝવેરી સાચો, જે મોંઘું લે ને વધારે કિંમત આપે એ સાચો ઝવેરી કહેવાય. મૂરખ ના આપે, મૂરખ તો ઓછું આપવાના પ્રયત્ન કરે કે પાંચસોમાં આપવું હોય તો આપ, નહીં તો જતો રહે ! સાચો ઝવેરી તેની કિંમત આપે.

ભૂલો ભાંગવી તે જ વીતરાગ માર્ગ !

વીતરાગનો માર્ગ એટલે ભૂલો ભાંગવી તે, જયાંથી ત્યાંથી ભૂલો ભાંગવી અને લોકભાષામાંથી વીતરાગ ભાષામાં આવવું તે. વીતરાગોનો માર્ગ બહુ સરળ છે. જો 'જ્ઞાની પુરુષ' મળે ને તો મહેનત કરવાની જ ના રહી, નહીં તો મહેનતથી તો મોક્ષ કોઇ દહાડો કોઇનો ય થયો નથી ને થશે નહીં. જો મહેનતથી મોક્ષ થતો હોય તો આ લોકો ક્રિયાઓ કરીને મહેનત કરે છે અને મજૂરો ઈંટો ઉપાડવાની મહેનત કરે છે - એ બન્ને ય મહેનતનું જ છે ને ! મહેનતથી કોઇ દહાડો કોઇનો ય મોક્ષ થયો નથી; વીતરાગતાથી મોક્ષ થયો છે. તમે જે અવસ્થામા ફસાયા હો; મહેનતુ અવસ્થામાં ફસાયા હો તો ય વીતરાગતા, અગર તો આમ શાંત એક જગ્યાએ શાંત બેઠક અવસ્થામાં હો તો ય પણ વીતરાગતા હશે તો મોક્ષ થશે. એકાંતમાં બેસી રહેવાથી આપણો દહાડો વળે નહીં, અગર તો મહેનત કર કર કરવાથી ય દહાડો ના વળે. વીતરાગતાથી મોક્ષ થાય અને વીતરાગતા કયારે આવે ? તો કે' સંકલ્પ-વિકલ્પ જાય ત્યારે વીતરાગતા આવે. સંકલ્પ-વિકલ્પ કયાં જાય ? 'જ્ઞાની પુરુષ' પાસે, એમની કૃપા વરસે તો, એમની કૃપા ઊતરે ને કૃપાપાત્ર થાય તો સંકલ્પ-વિકલ્પ જાય, નહીં તો કરોડો અવતારે જશે નહીં. એક વિકલ્પ કાઢવા જઇશ તો બીજાં ચાર બીજ પડી જશે, એટલે નવા ચાર છોડવા ઊગ્યા ! એક છોડવો કાઢવા ગયો, તે ચાર ઊગ્યા !

આ ક્રિયાથી શું થયું કે લક્ષ્મી મળી આજે, અને બીજું બ્રેઇન ચકચકિત થયું ! કારણ કે વીતરાગોના શબ્દો વાંચ્યા છે ! વીતરાગોના શબ્દોથી ક્રિયા કરવા માંડી છે, એટલે વીતરાગ બ્રેઈન ટોનીક થી બ્રેઇન ચકચકિત થઇ ગયા. બ્રેઇન ચકચકિત થાય એટલે ટ્રીક કરતાં શીખ્યા, હાર્ડ ટ્રીક, ટ્રીક્સ. બુદ્ધિ છે તે શાના માટે છે ? ટ્રીકો કરવા કે મોક્ષે જવા ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે.

દાદાશ્રી : હંઅ. બુદ્ધિ છેતરવા માટે હોય ? અને સામાની ઓછી બુદ્ધિનો લાભ લે તો ? તો એ તો દુષ્ટ જનાવર કહેવાય છે. ભગવાને શું કહ્યું છે, આવું દુષ્ટ જનાવર ભાળ્યું નહોતું ! વર્લ્ડમાં બીજી જગ્યા ય નથી. એક આ હિન્દુસ્તાનમાં અને થોડું થોડું હિન્દુસ્તાનનો ચેપ ચીન-બીનમાં પેસી ગયો, પણ મૂળ ચેપ આ હિન્દુસ્તાનનો. આ જેમ ટી.બી. નો રોગ અમુક દેશોમાં હોય છેને તેવો આ એક જાતનો રોગ છે આ અને આ જંતુઓ છે તે એનાં જંતુઓ ફેલાય. મેં તમારી જોડે 'ટ્રીકો' બે-ચાર વખત કરી એટલે તમે કહો કે, 'ટ્રીક કર્યા વગર નહીં ચાલે.' આનાથી જંતુઓનો ફેલાવો ચાલુ થઇ જાય. ભયંકર રોગ છે આ તો ! આના જેવો બીજો રોગ નથી, હાર્ડ રૌદ્રધ્યાન છે, ચાર ગતિમાં ભટકાવી મારશે !

આનું આ જ ગયા અવતારે કરેલું ને તેનું ફળ છે આ. લક્ષ્મીજી જોડે પણ આ કરવા માંડયું ને ચકચકિતથી કામ લેવા માંડયું છે ! 'તે બે પગથી પડી જવાતું હતું તે ચાર પગ રાખો હવે.' એમ ભગવાન કહે છે ! અમારે મોઢે કહેવું પડે છે એ સારું દેખાય ? 'જ્ઞાની પુરુષ'ને મોઢે કહેવું પડે કે, 'બે પગવાળાને ચાર પગ થશે !' પણ ચેતવા માટે લાલ વાવટો ધરીએ છીએ કે આગળ ગાડી ના જવા દેશો, મોટો પુલ તૂટી પડયો છે ! કરૂણા આવે છે 'જ્ઞાની પુરુષ'ને ! એમને દ્વેષ ના હોય, પણ કરૂણા આવે. આટલે સુધી ચઢયો, વીતરાગોની પાસે અમરપદ માગું એટલી તારામાં શક્તિ છે; પણ માર્ગ રૂંધાયો તેને લીધે આ બધું ઉત્પન્ન થયું. માર્ગ તો રૂંધાય, બેસી ય રહેવું પડે. તમને ગમે છે કે અમારી વાત કડક પડે છે ?

પ્રશ્નકર્તા : દાદા, બહુ ગમે છે આપની વાત.

દાદાશ્રી : મહીં જે બેઠા છે તે ભગવાન છે, 'આ તો ખોખું' છે. પુદ્ગલ ભગવાન ના હોય અને પૌદ્ગલિક ભાવ એ ય ભગવાન ના હોય. ભગવાન તો ભગવાન જ છે, જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાનંદી. એમની પાસે આપણી સર્વ કામના પૂરી થાય અને મોક્ષની કામના પણ પૂરી થાય. ઇચ્છાઓ જે થોડી ઘણી ભરાઇ રહેલી હોય તે ય પૂરી થઇ જાય. ઇચ્છા પૂરી કર્યા વગર ત્યાં મોક્ષમાં પેસવા નહીં દે, ત્યાં તો મોઢા ઉપર દિવેલ હોય તેને પેસવા નથી દેતા ! મોઢા ઉપર દિવેલ બહાર જોવામાં આવે છે કે નથી આવતું ? કોઇના મોઢા ઉપર દિવેલ કંઇ ચોપડે છે લોકો ? ના, એ તો એમને એમ મહીં કઢાપો-અંજપો થાય છે ને તેથી દિવેલિયાં થાય છે ! અને પેલી ચાલાકી ? બ્રેઇનની ચાલાકી ? કેવી ચાલાકી કે આવાં તેવાં તો હિસાબમાં જ ના હોય ! સરળ માણસો તો તેના હિસાબમાં જ ના હોય ને ! કેટલી બધી ચાલાકી !

તરણતારણ જ તારે !

મૂળ મોક્ષમાર્ગને જાણવો જોઇએ, મોક્ષમાર્ગના દાતા જોઇએ અને તે તરણતારણ હોવા જોઇએ. પોતે તર્યા હોય તો આપણને તારે, નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય અને આપણો દી' વળે નહીં. પોતે દાતા પુરુષ હોય તે તો મોક્ષનું દાન જ આપવા આવ્યા હોય, લેવા માટે ના આવ્યા હોય ! જે મોક્ષનું દાન લેવા આવ્યા હોય તે આપણને શું આપે ? દાન લેવા આવનારો દાન આપે ખરો ? મોક્ષનું દાન આપવા આવ્યા છે એવાં 'જ્ઞાની પુરુષ' પાસે આપણું કામ થાય, મોક્ષદાતા પુરુષ અને જેની પાસે સ્ટોકમાં મોક્ષ છે અને પોતે મોક્ષસ્વરૂપ થયેલા છે તે જ આપણને મોક્ષદાન દઇ શકે.

જગત આખું કેમ વીતરાગતાને સમજે, કેમ વીતરાગ માર્ગને પામે? ભલે મોક્ષ ના પામે, પણ વીતરાગ માર્ગને પામો. એક માઇલ ચાલો, પણ વીતરાગ માર્ગમાં ચાલો. જે ધર્મ પકડયો હોય તે ધર્મના જેટલા વીતરાગ માઇલ હોય તેમાં એક માઇલ તો એક માઇલ, પણ વીતરાગ માઇલમાં ચાલો ! એટલું જ 'જ્ઞાની પુરુષ' કહે છે.

આ પુસ્તક તો હીરા જેવાં છે. કાચના ઇમિટેશન હીરા અને સાચા હીરા બધું ભેળસેળ પડયું હોય, એના જેવાં આ શાસ્ત્રો છે. એમાંથી કો'ક ઝવેરી હોય તો એકાદ પુસ્તકને ઓળખતા આવડે. પણ અત્યારે કોઇ ઝવેરી રહ્યો નથી, જે રહ્યા સહ્યા હોયને ઝવેરી તે કો'ક જ રહ્યા હોય, બાકી ઝવેરીપણું રહ્યું નથી. ઝવેરાતપણું જ ગયું છે આખું, એટલે ઝવેરીપણું ગયું છે ! શાસ્ત્રો તો શું કરે ? શાસ્ત્રો તો માર્ગદર્શન આપે છે કે, ગો ટુ જ્ઞાની. કારણ કે આત્મા અવર્ણનીય છે અને અવક્તવ્ય છે, વાણીથી બોલી શકાય એવો એ નથી, એનું વર્ણન થઇ શકે એવું નથી.

વીતરાગ ધર્મ

વીતરાગ ધર્મ એટલે શું ? વીતરાગ ધર્મ કોને કહેવાય ? જયાં નિર્વિવાદિતા છે ત્યાં વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મ હોય ત્યાં વાદ ઉપર વિવાદ પણ ના હોય, પ્રતિવાદ પણ ના હોય. આપણે અહીં બાર વર્ષથી આ પ્રવચન ચાલ્યા કરે છે, પણ વિવાદ કોઇએ કર્યો નથી અત્યાર સુધીમાં! કારણ કે સ્યાદ્વાદ વાણીમાં વિવાદ શો ? મુસ્લિમ પણ કબૂલ કરે, યુરોપિયન પણ કબૂલ કરે, બધાંને કબૂલ કર્યે જ છૂટકો, ને તે ના કબૂલ કરે તો આપણે સમજીએ કે એ એની આડાઇ છે. જાણી જોઇને કરો છો આ તમે અને એ તો કરે જ, માણસમાં અહંકાર હોય ને આડાઇ કરવી એ તો મૂળથી સ્વભાવ છે ને ?

હવે વીતરાગ માર્ગનો ઉદ્વાર થવા બેઠો છે. વીતરાગ તો પોતે વીતરાગ હતા, પણ એમના માર્ગનો ઉદ્વાર થાય ને ? બહુ દહાડા, ક્યાં સુધી એ માર્ગ ઉપર ધૂળ પડી રહે ? સાચો હીરો એક દહાડો બહાર નીકળ્યા વગર રહે છે કાંઇ ? કૃષ્ણ ભગવાને પણ કહ્યું, 'વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.' કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે !

જગતમાં ક્રાંતિ કાળ વર્તે !

પ્રશ્નકર્તા : આજે ભારતની આખી સંસ્કૃતિ કેમ ખતમ કરવી, એ વેસ્ટર્ન ડીક્ટેશનથી ચાલે છે.

દાદાશ્રી : સંસ્કૃતિનો નાશ કરવા ફરે છે ને તે આપણે જે મકાન તોડવાનું હતું તે જ તે તોડી રહ્યા છે; એટલે આપણે લેબરર્સ નહીં મંગાવવા પડે. હું જાણી ગયો છું કે દહાડાનો કે આ લેબરર્સ બહારથી આવી રહ્યા છે. જો કે, આપણે એને એન્કરેજ કરવાનું ના હોય, પણ અંદરખાને આપણે સમજી જવું કે, આ તો મફતમાં લેબરર્સ મળી રહ્યા છે ! જૂનું પુરાણું આવી રીતે પડી જશે ત્યારે જ નવું રચાશે !

આ ફોરેનવાળા ને અમેરિકાવાળા કેટલા બધા સુધરી ગયા છે (!) તે એમને વીસ વીસ ગોળી ખાય ત્યારે ઊંઘ આવે ! અલ્યા, તમારી નિદ્રા કયાં ગઇ ? એના કરતાં તો અમારાં અહીનાં કૂતરાં સારાં કે નિરાંતે અહીં ઊંઘી જાય છે. આખા વર્લ્ડનું સોનું અને લક્ષ્મી લઇને બેઠા છો તમે, તમારા અમેરિકા દેશમાં, તો ય વીસ વીસ ગોળી ખાઇને ઊંઘવાનું! આ તમારું શું છે ? એક અમેરિકન સાયન્ટિસ્ટ અમને મળેલો, તેમને અમે આ વાત કરેલી. તેણે પૂછયું કે, 'આમાં અમારી ભૂલ શામાં રહી છે ?' ત્યારે મેં કહ્યું 'આ જે તમારું વિજ્ઞાન છે તે એબોવ નોર્મલનું પોઇઝન થઇ ગયું છે, બધું ઝેરી થઇ ગયું છે. બીલો નોર્મલ ઇઝ ધી પોઇઝન, એબોવ નોર્મલ ઇઝ ધી પોઇઝન; નોર્માલિટી ઇઝ ધી રીયલ લાઇફ.'

વીતરાગ માર્ગ એવું કહે છે કે, જે થાય છે એ વીતરાગ માર્ગના પુષ્ટિનાં કારણો છે. અત્યારે જે બધું થઇ રહ્યું છે એ વીતરાગ માર્ગને પુષ્ટિ આપ્યા કરે છે.

પ્રશ્નકર્તા : એ થાય છે, તો આપણને વિચાર આવે છે ને ઉત્કૃષ્ટ ભાવના થાય છે.

દાદાશ્રી : અમને જરાય પણ રાગદ્વેષ થતા નથી. અમને તરત જ સમજાય કે આ શું કરી રહ્યા છે ! આ ઉપાશ્રયમાં શું કરી રહ્યા છે ? વીતરાગની પુષ્ટિ ! વીતરાગ માર્ગ કોનું નામ કહેવાય ? કે જયાં ચંચળતાનો નાશ થઇ જાય. સાત્વિકતાની હદ હોય છે, સાત્વિકતા કે જે ચંચળતા વધારે એ સાત્વિકતા ખલાસ થઇ જવી જોઇએ. એક મનુષ્ય કે જે ચંચળ ઓછો હોય છે તે ઇમોશનલ નથી હોતો, મોશનમાં રહે છે. એ જે આખી જિંદગીમાં કરમ બાંધે એટલાં વધારે ચંચળતાવાળો માણસ પા કલાકમાં એટલાં બાંધી લે ! એટલે આ બધું વીતરાગ ધર્મનું પોષણ થઇ રહ્યું છે. જેટલું જેટલું તમને દેખાય છે ને જે અવળું ભાસે છે ને, એથી વીતરાગ ધર્મનું જ પોષણ થઇ રહ્યું છે, બધું જ !

મને આ પ્રશ્ન ૧૯૨૮માં ઊભો થયો હતો. ૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે, 'અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની ?' પછી બીજો વિચાર આવ્યો કે, 'શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઇ સત્તા છે આપણી પાસે ? કોઇ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઇગોઇઝમ છે.' એટલે પછી બીજો વિચાર આવ્યો કે, 'શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?' તે દહાડે અમને જ્ઞાન નહોતું, જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું, ૧૯૫૮માં જ્ઞાન થયું તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ? કંઇ અજ્ઞાન કોઇએ લઇ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરુંં જ ને? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે, 'જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.' આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરા ય વિચાર નહીં આવેલા.

આજે વીતરાગ ધર્મને માટે આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે. એક જગ્યાએ નહીં, આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે, આ બધા વીતરાગ ધર્મને પુષ્ટિ આપી રહ્યા છે અને પોતાનું સત્યાનાશ વાળી રહ્યા છે !

આ પ્રધાનો અમને પૂછવા આવે છે અને કહે છે કે, 'આ હિન્દુસ્તાનનું બધું બગડી જવા બેઠું છે.' મેં કહ્યું, 'સાહેબ, આપના ઘેર બગડી જશે, જો જો કદી પેલી છોડીઓ તમારી રખડતી ના થઇ જાય.' કારણ કે સાહેબને ત્યાં ત્રણ મોટરો પડી હોય, તેમાંથી એક સાહેબ લઇને હેંડયા એટલે એક શેઠાણી આમ લઇને હેંડયા ને છોડીઓ આમ જશે, ભેલાઇ જશે, તારું ભેલાઇ જશે. આ હિન્દુસ્તાનનો તો ભેલાડનારો કોઇ પાક્યો જ નથી, આ હિન્દુસ્તાન તો વીતરાગનો દેશ છે, ઋષિમુનિઓનો દેશ છે, એનું કોઇ નામ દેનારો નથી. જે દેશમાં કૃષ્ણ ભગવાન જેવા વાસુદેવો પાકેલા છે, જે દેશમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બળરામ પાકેલા છે ત્યાં ખોટ શી હોય?

ક્રમિક માર્ગમાં નકલ ચાલી શકે, પણ 'આ' અક્રમ માર્ગ છે ! ઓચિંતો જ દીવો સળગ્યો છે, માટે તું તારો દીવો સળગાવી જા. પછી જેટલી ગાંઠો હોય તે ગાંઠો કેવી રીતે કાઢવી તે હું તને દેખાડું; પણ પહેલાં તું પુરુષ બની જા, પ્રકૃતિરૂપે તારો શક્કરવાર વળે નહીં. મનુષ્યો શા રૂપે છે ? જયાં સુધી 'સ્વરૂપનું ભાન' ના થાય ત્યાં સુધી તે પ્રકૃતિ રૂપે છે અને જે જે ક્રિયા કરવામાં આવે છે એ બધા પ્રકૃતિના નાચ છે અને પ્રકૃતિ નાચે છે અને પોતે કહે છે કે, 'મેં કર્યું.' એનું નામ તે ગર્વ કહેવાય.

 

ભક્ત - ભક્તિ - ભગવાન

કૃષ્ણ ભગવાને ચાર જાતના ભક્ત કહ્યા : અભક્તોના પ્રકાર તો પાર વગરના છે ! એટલે આપણે અહીં ભક્તોના જ પ્રકાર જોઇએ :

(૧) આર્તભક્ત : દુઃખ આવે ત્યારે જ ભગવાનને સંભારે, સુખમાં ના સંભારે. પોતાના પગે દુખતું હોય ત્યારે 'હે ભગવાન ! હે ભગવાન!' કરે, 'દયા કરો, દયા કરો' કહે. ત્યારે ભગવાન સમજી જાય કે, આ તો દુઃખનો માર્યો મને યાદ કરે છે. આવા ભગતો ઠેર ઠેર જોવા મળે.

(૨) અર્થાર્થી ભક્ત : એ સ્વાર્થી ભક્ત, એટલે મતલબી ભગત, 'મારે ત્યાં છોકરો આવશે તો આમ કરીશ.' કહે તે, ભગવાન પાસે માગે. અર્થાર્થીનો અર્થ નથી જાણતા તેથી જ તે કહે છે કે, 'હું અર્થાર્થી છું.'

(૩) જિજ્ઞાસુ ભક્ત : ભગવાનનાં દર્શન કરવાં, ભગવાનનાં દર્શનની તાલાવેલી લાગે, તે જિજ્ઞાસુ ભક્ત.

(૪) જ્ઞાની ભક્ત : તે તો 'હું' જાતે જ એક છું.

ભગવાને કહ્યું કે, 'જ્ઞાની એ જ મારો પ્રત્યક્ષ આત્મા છે. એ તો પોતાનાં પાપકર્મોનો ગોટો વાળી બાળી મેલે અને સામેવાળાનાં પાપોને પણ પોતે ગોટો વાળી બાળી મેલે ! તેવા 'અમે' જાતે 'જ્ઞાની પુરુષ' છીએ!

આ ચાર ભક્તોમાં જિજ્ઞાસુ ભક્ત કામ કાઢી લે. આથી પાંચમો પ્રકાર ભક્તનો નથી. અભક્તો તો ભગવાન હાજર થાય તો તેમનું શાક કરીને ખાય તેવા છે ! કારણ કે બહુ બાધા-આખડી રાખી હોય, તે તેમાંનું એકે ય વળે નહીં એટલે પછી તો ભગવાનનું શાક કરી ખાય તેવા છે!

પ્રશ્નકર્તા : દાદા, આ ભાઇ તો ભગત માણસ છે.

દાદાશ્રી : કયાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઇ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાં ય કોઇ કુસંગ મળી ગયો તો ? કેન્ટિનમાં લઇ જાય; અને એ જ ફસામણ છે!

જયાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માગવો, જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે. ભગતો ભગવાનને શા માટે સંભારે છે ? તો કે' આત્મજ્ઞાન માટે. પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું તને ભાન નથી ને ? જગતમાં તો બધે 'તુંહી તુંહી' ગાય છે તે ભગત અને ભગવાન જુદા ગણે. અલ્યા એક ફેર 'હું...હી હું હીં' ગાને ! તો ય તારું કલ્યાણ થઇ જાય. 'તુંહી તુંહી' ગાય તો કયારે પાર આવે ? પણ લોકો 'તુંહી તુંહી' શાને માટે ગાય છે ? વ્યગ્રતામાં 'તું' હતું તે હવે 'તારા' એકમાં એકાગ્ર થયું છે, એવું 'તું' ગાય છે; પણ આ 'તુંહી' ગાવાથી કશું વળે નહીં, 'હુંહી'નું કામ થાય, 'તુંહી' માં 'તું' ને 'હું'નો ભેદ રહે, તે ઠેઠ સુધી ભગત ને ભગવાન બે જુદા જ રહે; જયારે 'હુંહી'માં અભેદતા રહે, 'પોતે' જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય !

કેટલાક 'તત્વમસિ' એવું ગાય છે, એટલે 'તે હું છું'. પણ 'તે' કોણ, તે ભગવાન જાણે ! 'તે'નું સ્વરૂપ જ સમજાયું ના હોય ને 'તત્વમસિ, તત્વમસિ' ગા, ગા કરે તે કશું ના વળે. બધે જ 'હું...હી હુંહી' દેખાય ત્યારે કામ થાય !

ભગતોએ કહ્યું કે, 'બધાંમાં ભગવાન જો, પણ તે સાઇકોલોજિકલ ઇફેક્ટ છે. એવી ટેવ પાડી હોય કે બધાંમાં ભગવાન જોવાના તે દેખાય; પણ જરા સળી કરે તો ક્રોધ, માન, માયા, લોભ ઊભાં થઇ જાય. આ ભગતો કોઇ એક છાંટો પામ્યા નથી એવું તમે મહાત્માઓ પામ્યા છો! આ ગજબનું જ્ઞાન છે ! આ તો સાયન્સ છે ! સાયન્ટિફિક રીતે આત્મા પામ્યા એટલે બધે આત્મા જોઇ શકો. ભગતોએ 'તુંહી તુંહી' ગાયેલું અને તમને જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન 'હુંહી'નું છે. 'તુંહી'માં ભગત ને ભગવાન એ ભેદ રહે. ભેદબુદ્ધિ રહે એમાં નવું શું ? અખો ભગત કહી ગયો કે :

'જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.'

જો એ જીવ અને શિવનો ભેદ તૂટે તો પરમાત્મા થાય, અભેદ બુદ્ધિ થાય તો કામ થાય.

વ્યવહારમાં - ભગત અને જ્ઞાની

'તુંહી તુંહી'થી સંસાર છે. મોટા મોટા ભગતો બધા આરોપિત જગ્યાએ છે, માટે આકુળતા-વ્યાકુળતા રહે; અને 'સ્વ'માં રહે તો સ્વસ્થતા હોય, આકુળતા-વ્યાકુળતા ના રહે, નિરાકુળતા રહે. ભગતો ખુશમાં આવે તો ગેલમાં આવી જાય ને દુઃખમાં ડીપ્રેસ થઇ જાય. આ ભગતો જગતની દ્રષ્ટિએ ગાંડા કહેવાય, કયારે ગાંડું કાઢે એ કહેવાય નહીં. નરસિંહ મહેતાનાં મહેતાણી જવાનાં થયાં ત્યારે હરિજનવાસમાંથી ભજનો ગાવા માટે બોલવવા આવ્યા તો તે ગયા, અને આખી રાત કીર્તન, ભક્તિ, ભજનો ગાયાં. એક જણ સવારે આવ્યો ને કહે, 'મહેતાણી ગયાં.' તો મહેતાએ ગાવા માંડયું,

'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.'

પણ આ લૌકિક ના કરવું પડે ? કરવું જોઇએ, પણ આ તો ગાંડાં કાઢે. જયારે 'જ્ઞાની પુરુષ' વ્યવહારમાં કોઇ જગ્યાએ કાચા ના પડે, લૌકિકમાં ય એકઝેક્ટ ડ્રામા કરે. ડ્રામામાં કયાંય ના ચૂકે તેનું નામ જ્ઞાની! જયાં, જે વખતે, જે ડ્રામા કરવાનો હોય તે 'અમે' સંપૂર્ણ અભિનય સહિત કરીએ. આ અમે કામ ઉપર જઇએ ત્યાં બધા કહે કે, 'શેઠ આવ્યા, શેઠ આવ્યા.' તે ત્યાં અમે શેઠનો ડ્રામા કરીએ. મોસાળમાં જઇએ તો ત્યાં બધા કહે કે, 'ભાણાભાઇ આવ્યા.' તે ત્યાં અમે ભાણાભાઇનો ડ્રામા કરીએ. ગાડીમાં અમને પૂછે કે, 'તમે કોણ ?' તો અમે કહીએ કે, 'પેસેન્જર છીએ.' અહીં સત્સંગમાં આવીએ ત્યારે 'જ્ઞાની પુરુષ'નો વેશ ભજવીએ અને જાનમાં જઇએ તો જાનૈયા થઇએ ને સ્મશાનમાં જઇએ તો ડાઘુ થઇએ. પછી એ ડ્રામામાં જરા ય ફેરફાર ના હોય, એક્ઝેક્ટ અભિનય હોય. ડ્રામામાં કાચા પડે એ જ્ઞાની ન્હોય. ગાડીમાં ટિકિટચેકર ટિકિટ માગે તો ત્યાં અમારાથી ઓછું કહેવાય કે, ''અમે 'જ્ઞાની પુરુષ' છીએ, 'દાદા ભગવાન' છીએ ?'' ત્યાં તો પેસેન્જર જ. અને જો ટિકિટ પડી ગઇ હોય તો ચેકરને કહેવું પડે કે, 'ભાઇ, ટિકિટ લીધી હતી પણ પડી ગઇ, તે તારે જે દંડ કરવાનો હોય તે કર.' ભગતો ધૂની હોય. ધૂન શબ્દ 'ધ્યાની' પરથી થયો. ધ્યાનીનું અપભ્રંશ થઇ ગયું તેધૂની થઇ ગયું ! એક જ બાજુ ધ્યાન તે ધ્યાની. એક ધ્યાનમાં પડી જાય એટલે ધૂન લાગી કહેવાય, તે ધૂની થઇ જાય. એક અવસ્થા ઉત્પન્ન થઇ પછી તેમાં ને તેમાં ભમ્યા કરે, તેને ધૂની કહે છે. ધૂની તો 'પોતાના સ્વરૂપ'માં થવા જેવું છે, તેથી ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એક થાય !

પ્રશ્નકર્તા : આ વિમ્ઝિકલ કહે એ ધૂની જ કે ?

દાદાશ્રી : એ ધૂનીના પીતરાઇ થાય. ધૂનીને પૈસાની પડેલી ના હોય. અમારી પાસે ધૂની આવે તેનું કામ જ નીકળી જાય. ધૂનીને સંસારમાં લોકો સુખ પડવા ના દે, ગોદા માર માર કરે. ભગતોને બિચારાને સુખ ના મળે, લોકો તેમને ગોદા મારમાર કરે, ભગતોને લોકોનો બહુ માર પડે. કબીરાએ બિચારાએ બહુ વાર લોકોનો માર ખાધેલો. એક વાર દિલ્હીમાં બબલો ને બબલી જોડે ફરે ને બચ્ચું કેડે રાખીને ફરે, તે કબીરાને બહુ દયા આવી કે આ શી રીતે જીવે છે ? એટલે એ એક ઊંચી ટેકરી ઉપર ચઢયો ને મોટે મોટેથી ગાવા માંડયું -

'ઊંચા ચઢ પુકારીઆ, બૂમત મારી બહોત,

ચેતનહારા ચેતજો શીરપે આયી મોત'

માથા પર મોત આવ્યું છે ને આ બાબાને ને બેબીને બગલમાં ઘાલીને કયાં ઘૂમો છો ? તે બીબી ને બીબીના ધણીએ અને બીજાઓએ ઊભા રહીને જોયું કે, 'યહ ગાંડીઆ કયા બોલતા હૈ ?' તે પછી બધાએ એને ખૂબ માર્યો ! કબીર તો સાચા ભક્ત અને ચોખ્ખા માણસ, એટલે મારે ય બહુ ખાધેલો.

ચોખ્ખેચોખ્ખું ના બોલાય. વાણી કેવી હોવી જોઇએ ? હિત, મિત, પ્રિય ને સત્ય - આ ચાર ગુણાકારવાળી હોવી જોઇએ. ગમે તેટલી સત્ય વાણી હોય, પણ તે જો સામાને પ્રિય ના હોય તો તે વાણી શા કામની? આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારે ય ગુણાકારવાળી વાણી એક 'જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. 'જ્ઞાની'ને 'પોતાપણું' હોય જ નહીં, જો 'પોતાપણું' હોય તો તે જ્ઞાની ના હોય.

કબીરો એક દિવસે સાંજે દિલ્હીમાં ફરવા નીકળ્યો. રસ્તામાં બહુ ભીડ હતી તે જોઇને તે ગાવા માંડયો -

'માણસ ખોજત મૈં ફીરા, માણસકા બડા સુકાલ

જાકો દેખી દિલ ઠરે, તાકો પરિયો દુકાલ.'

માણસો તો ઘણા છે, પણ દિલ ઠરે એવો ના હોય ને ? દિલ ઠરે એવો માણસ તો સમુદ્રની સપાટી ઉપર હોતો હશે ? એ તો દરિયામાં પાંચ ફૂટ નીચે હોય ! ઉપર ખોળે તો કયાંથી જડે ? ! કબીરો સાચો ભક્ત હતો. સાચા ભક્ત તો કો'ક જ હોય.

એક વખત, એક રાજા બહુ ઉદાર હતા. એક દહાડો મહેલમાંથી બહાર આવ્યા ને તેમણે ઘણા માણસો જોયા. પ્રધાનને પૂછયું કે, 'આ લોકો કેમ આવ્યા છે ?' પ્રધાન કહે કે, 'આ લોકો ભૂખ્યા છે તેથી ખાવાનું માગવા આવ્યા છે.' રાજાએ કહ્યું કે, 'તો પછી રોજ આ માણસોને ખાવાનું આપો.' ધીરે ધીરે માણસે માણસે વાત પહોંચતી થઇ ગઇ ને ટોળે ટોળાં રોજ રાજાને ત્યાં જમવા આવવા માંડયા. પ્રધાન તો વિચારમાં પડી ગયો કે, 'આ ફસામણ થઇ. રોજ હજારો માણસો આવે છે, તે શી રીતે પોષાય ?' તેમણે એક યુક્તિ ખોળી કાઢી ને રાજાની પરવાનગી લીધી. પછી જાહેર કર્યું કે, 'આવતી કાલે રોજ જે ભકતો જમવા આવે છે, રાજા તેમનું 'ભક્તતેલ' કાઢવાના છે તો બધા જરૂરથી આવજો.' તે બીજે દહાડે બે જ જણ આવ્યા. પોતાનું તેલ કઢાવવા કોણ આવે ? બે સાચા ભક્ત હતા તે આવ્યા.

બહેન, તમારે મોક્ષ જોઇએ છે કે બીજું કશું જોઇએ છે ?

પ્રશ્નકર્તા : મોક્ષ કરતાં ભક્તિ કરવાની મળે તો સારું.

દાદાશ્રી : તમે અત્યારે ભગવાનની ભક્તિ કરો છો, તે ભગવાનને ઓળખો છો ? એ ભગવાન કઇ પોળમાં રહે છે ? કેટલા ઊંચા હશે ? તેમને કેટલાં છોકરાં છે ? તેમની માનું બારમું કર્યું છે કે નહીં, તે તમે જાણો છો ?

પ્રશ્નકર્તા : ભક્તિ કરીએ તો જ સાક્ષાત્કાર થાય ને ?

દાદાશ્રી : અનંત અવતારથી તમે છો, કયા અવતારમાં તમે ભક્તિ નહીં કરી હોય ?! ભક્તિ અનંત અવતારથી ભગવાનને ઓળખ્યા વગરની પરોક્ષ ભક્તિ કરી, તેનાથી કંઇ જ મળે નહીં ને જાત્રાઓમાં ભટકવું પડે, તે શું ભગવાન ત્યાં બેસી રહ્યા હશે ?

આખું જગત ગૂંચાયેલું છે. બાવા, બાવલી, સાધુ, સંન્યાસીઓ બધા જ ગૂંચાયેલા છે, તેવાં કેટલાય ગલીઓમાં ભટક ભટક કરે છે, કોઇ હિમાલયમાં, તો કોઇ જંગલમાં ભટકે છે, પણ ભગવાન તો 'જ્ઞાની' પાસે જ છે. બીજે જયાં જશો ત્યાં ડખો, ડખો ને ડખો જ છે. મનુષ્યના અવતારમાં જ્ઞાની પાસે આત્મા ના જાણ્યો તો બીજે બધે ડખો છે. તમારે જે કંઇ પૂછવું હોય તે પૂછજો, અહીં આ છેલ્લા સ્ટેશનની વાત છે.

ભક્તિ અને મુક્તિ

પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?

દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો મેળવી આપે. ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેનાં સાધનો મળે. વીતરાગની ભક્તિ એકલી મુક્તિ માટે થાય. કોઇ પણ ચીજનો જે ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં. દેવગતિ માટે એવો સત્સંગ કામ આવે, પણ મોક્ષ માટે તો જે કશાનો ભિખારી નથી તેમનો સત્સંગ કરવો જોઇએ. ભગતને ભાગે શું ? ઘંટડી વગાડવાની ને પરસાદ જમવાનો. આ તો પોતે ભગવાનના ફોટાની ભક્તિ કરે, આ કેવું છે ? કે જેની ભક્તિ કરે તેવો થઇ જાય ! આરસપહાણની ભક્તિ કરે તો આરસપહાણ થઇ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઇ જાય, ફોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ 'દાદા'ની ભક્તિ કરે તો 'દાદા' જેવો થઇ જાય ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરો તેવો થાય. ભક્તિ એ તો ભગવાન અને ભક્તનો સંબંધ બતાવે છે. જયાં સુધી ભગવાન હોય ત્યાં સુધી ચેલા હોય, ભગવાન અને ભક્ત જુદા હોય. આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય, તે નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન ભક્તિ કરતાં ઊંચું ગણાય. નિદિધ્યાસનમાં એક રૂપ જ રહે, એકરૂપ જ થઇ જાય તે વખતે; જયારે ભક્તિમાં તો કંઇ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તો ય ઠેકાણું ના પડે !

આ કોમ્પ્યુટરને ભગવાન માની તેને ખોળવા જશો તો સાચા ભગવાન રહી જશે. ભક્તિ તો પોતાનાથી ઊંચાની જ કરને ! તેના ગુણ સાંભળ્યા વિના ભક્તિ થાય જ નહીં. પણ આ કરે છે તે પ્રાકૃત ગુણોની જ ભક્તિ છે, તે ત્યાં તો ચડસ ના હોય તો ભક્તિ કરી જ ના શકે. ચડસ સિવાય ભક્તિ જ ના હોય.

નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ ગુણાકારની ભક્તિ હોય. કેટલાક સ્થાપના ભક્તિ કરે, ભગવાનનો ફોટો મૂકે ને ભક્તિ કરે તે; અને 'જ્ઞાની પુરુષ'ની ભક્તિ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેયના ગુણાકાર હોય ત્યારે થાય.

પ્રશ્નકર્તા : ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો ?

દાદાશ્રી : ભક્તિમાં તું શું સમજ્યો ? હું ખાઉં છું એ ભક્તિ કહેવાય ?

પ્રશ્નકર્તા : ના. આરાધના કરીએ એ ભક્તિ ને ?

દાદાશ્રી : પુસ્તક વાંચતાં વાંચતાં જેના વાક્ય પર શ્રદ્ધા બેસે, કૃષ્ણના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષ્ણની ભક્તિ થાય. જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે, પછી તેની ભક્તિ થાય. બીજાનાં વાક્ય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાનાં જોડે એડજસ્ટમેન્ટ ના થાય, તે શ્રદ્ધા ડગમગે ખરી. અહીં તો નિશ્ચયપૂર્વક શ્રદ્ધા એ પ્રતીતિ કહેવાય.

આરાધના - વિરાધના

પ્રશ્નકર્તા : આરાધના શું કહેવાય ?

દાદાશ્રી : વિરાધના કયાં સુધી કહેવાય છે કે, કોઇનું મન દુભવવું એ, તેનાથી અવળું કરે એ આરાધના કહેવાય. જગતમાં થાય છે, એ તો અપરાધ થાય છે. આરાધના એ ઉત્તર હોય તો વિરાધના એ દક્ષિણ છે. આરાધના થઇ એટલે ત્યાં રાધા આવી અને એટલે ત્યાં કૃષ્ણ હોય જ!

પ્રશ્નકર્તા : દાદા નિરંતર યાદ રહે છે એ શું ?

દાદાશ્રી : એ નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસનથી તે રૂપ થાય અને એની બધી શક્તિ પોતાને પ્રાપ્ત થાય. આ શ્રવણ અને મનનથી નિદિધ્યાસન વધતું જાય.

પ્રશ્નકર્તા : અપરાધની ડેફિનેશન શી છે ?

દાદાશ્રી : વિરાધના એ ઇચ્છા વગર થાય અને અપરાધ ઇચ્છાપૂર્વક થાય.

પ્રશ્નકર્તા : એ કઇ રીતે થાય, દાદા ?

દાદાશ્રી : તંતે ચઢયો હોય તો એ અપરાધ કરી બેસે, જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધનાવાળો છૂટે, પણ અપરાધવાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાને કહેવું પડે કે, 'ભાઇ, તું તો ગાંડો છે, અમથો પાવર લઇને ચાલે છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું ક્યાં, કેવો છે ? તું તો ચક્કર છે.' આ તો આપણે ઉપાય કરવો પડે, પ્લસ અને માઇનસ કરવું પડે. એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જયારે ગુણાકાર-ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ.

પ્રશ્નકર્તા : અપરાધ થઇ જાય એ શાનાથી ધોવાય ?

દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' પાસે આંખમાં પાણી આવી જાય તો અપરાધ મટી જાય.

પ્રશ્નકર્તા : એ શાને આધીન છે ?

દાદાશ્રી : એ આધીન નહીં જોવાનું, એ બધું નિમિત્તાધીન છે. રડવાથી હલકાપણું આવી જાય.

પ્રશ્નકર્તા : અપરાધ કરતી વખતે જરા ય ખ્યાલ નથી આવતો તે શાથી ?

દાદાશ્રી : એ બહુ ભારે ધોધ જેવું છે તેથી.

નિયમમાં પોલ ન મરાય !

આ મહારાજો ત્રણ દાંડી મૂકીને માળા ફેરવ ફેરવ કરે છે. કેટલા અવતાર થયા તો ય તમે આ લાકડાની માળા ફેરવો છો ? શું મહીં ચેતનમાળા નથી ? આ તો 'નાસ મણકા, મણકો આવ્યો, નાસ મણકા, મણકો આવ્યો' - એવું કર્યા કરે ! અલ્યા, આવું કેમ કરો છો ? ત્યારે તે કહેશે કે, 'આવું તો અમારા ગુરુ પણ કરતા હતા, તેથી અમે પણ એવું જ કરીએ છીએ.'

આ કોઇ એ નિયમ લીધો હોય કે રોજ ચાલીસ માળા ફેરવવી છે અને ઉતાવળ હોય તો જેની પાસે નિયમ લીધો હોય તેની પાસે માફી માગીને કહેવું કે, 'આજે તો પાંત્રીસ જ ફેરવાશે, તો પાંચ માળા માટે માફી આપજો.' તો એ ચાલે, પણ આ તો ઉતાવળે ઉતાવળે ચાળીસ ગણી નાખે. અલ્યા, માળા ગણવી હોય તો એકડા પછી તગડો ને તગડા પછી સાતડો એવું તે ચાલતું હશે ? ના ચાલે. ચિત્તને બાંધવા માટે માળા ફેરવવી એ બધા ધર્મોમાં છે, મુસ્લિમમાં પણ છે. આ તો માળા કયાં સુધી ફેરવવાની હોય ? કે જયાં સુધી ચિત્તની માળા ફરવા લાગી નથી ત્યાં સુધી અને ચિત્તની માળા ફરવા લાગી એટલે લાકડાની માળાને ફેરવવાની જરૂર નથી. આ તમને જ્ઞાન આપ્યા પછી 'શુદ્ધાત્મા'ની માળા ફરે છે, માટે હવે બીજી કોઇ માળાની જરૂર નથી, આ તો અજપાજાપ ચાલુ થઇ ગયા. 'શુદ્ધાત્મા'ના અજપાજાપ ચાલુ થઇ જાય એટલે કામ થઇ ગયું ! પછી પ્રકૃતિમાં જે માલ હોય તે ખાલી કરવાનો, નાટકમાં પાર્ટ પૂરો કરવાનો !

આ રૂપિયાની નોટો ઉતાવળે ગણવી હોય તો ના ગણે, ચોક્કસ ગણે, ફરી ફરી ગણે; ને માળામાં ગપોલિયું મારે ! ત્યારે ભગવાન કહે છે કે, 'મારે ત્યાં તો જો, તારું બહાર કાચું તો તારા અંતરમાં ય કાચું રહેશે, મહીં રાતદહાડો તને બળાપો રહ્યા કરશે.'

અક્રમ - મુક્તિ પછી ભક્તિ !

પ્રશ્નકર્તા : સંતોએ હંમેશા ભક્તિ જ કેમ માગી ? મુક્તિ કેમ ના માગી ?

દાદાશ્રી : ભક્તિ અને મુક્તિ એ બેમાં આમ જોવા જાય તો ફેર કશો છે નહીં. ભક્તિ એટલે અત્યારે અહીં આ 'મહાત્માઓ' 'જ્ઞાની પુરુષ'ની ભક્તિ કરે છે તે, એટલે શું કે 'જ્ઞાની પુરુષ' તરફ 'પરમ વિનય'માં રહે, એમનો રાજીપો મેળવવો એનું નામ ભક્તિ. ભક્તિ એટલે જ્ઞાનીના પગ દબાવવા કે એમની પૂજા કરવી એવું તેવું નહીં, પણ એમનો પરમ વિનય રાખવો તે છે. અહીંયાં આ બધા અત્યારે મુક્તિ ખોળતા નથી, બસ 'જ્ઞાની પુરુષ'ની ભક્તિ જ કરવી એવું લાગે છે એમને. મુક્તિ તો એમને 'અમે કલાકમાં જ આપી દીધી છે, હવે કંઇ તમારે મારી પાસે મુક્તિ માગવાની ઇચ્છા થાય છે ?

પ્રશ્નકર્તા : ના, દાદા.

દાદાશ્રી : મુક્તિ આપી દીધા પછી હવે ફરી શું લખાવવાનું હોય? એક જ ફેરો ચેક લખાવી લેવાનો હોય કે ૯૯,૯૯૯ રૂ. અને ૯૯ પૈસા! મુક્તિ તો અપાઇ ગઇ છે, તો હવે શું રહ્યું ? ભક્તિ રહી. આ 'અક્રમ માર્ગ' છે, જગતનો 'ક્રમિક માર્ગ' છે. ક્રમિક માર્ગ એટલે પહેલી ભક્તિ અને પછી મુક્તિ અને 'આ' અક્રમ માર્ગમાં પહેલી મુક્તિ પછી ભક્તિ! અત્યારે તો મુક્તિ લીધા વગર ભક્તિ કરવા આ લોકો જાય તો ભક્તિ રહે જ નહીં ને ! મહીં હજારો જાતની ચિંતા, ઉપાધિ રહેતી હોય તે પછી કેમની ભક્તિ રહે ? ને મુક્તિ પહેલાં લીધી હોય, તે નિરાંતે બેઠા છે ને- અહીં આ બધા બેઠા તેમ બેસવાનું હોય ! આ બધા નિરાંત વાળીને આમ શાથી બેઠા છે ? જાણે અહીંથી ઊઠવાનું જ ના હોય તેમ ? મુક્તિ છે એમની પાસે તેથી ! તમારો ખુલાસો થયો ને ? અહીં બધા ખુલાસા થવા જોઇએ. 'તમે' ને 'હું' એક જ છીએ, પણ તમને ભેદ લાગે છે. મને ભેદ નથી લાગતો, કારણ કે ભેદબુદ્ધિથી ભેદ દેખાય છે. 'હું ચંદુલાલ છું' એ ભેદબુદ્ધિ હજી ખરીને તમને ? તમારી ભેદબુદ્ધિ જતી રહી છે ?

પ્રશ્નકર્તા : ના, દાદા.

દાદાશ્રી : એટલે જ, તે ભેદબુદ્ધિ જયાં સુધી છે ત્યાં સુધી ભેદ લાગ્યા કરે. આ જુદો ને એ જુદો. મારે અભેદબુદ્ધિ થયેલી, તમારો આત્મા જ 'હું' છું, આમનો આત્મા 'હું' જ છું, પેલાનો આત્મા 'હું' જ છું, બધાનામાં 'હું' જ બેઠેલો છું, એટલે બધાં જોડે ભાંજગડ કયાં રહી?

ભગવાનનું સરનામું !

દાદાશ્રી : તમારું ઘર કોણ ચલાવે છે ?

પ્રશ્નકર્તા : ઇશ્વર.

દાદાશ્રી : તે ઉપર કઇ પોળમાં રહે છે ? એમનું એડ્રેસ તો જણાવો!

પ્રશ્નકર્તા : ...........(નિરૂત્તર)

દાદાશ્રી : આવી એડ્રેસ વગરની ભક્તિ શું કામની ? જોયા ના હોય તો ચાલે, પણ એડ્રેસ તો જોઇએ ને ? આ તો બિના એડ્રેસકી બાત! સ્ટ્રીટ નંબરે ય જાણે નહીં ? ! આ ઇશ્વર પૈણેલો હશે કે કુંવારો ? ને પૈણેલો હોય તો એમને ત્યાં બા હોય, ઘરડાં બા હોય ! તેમને ત્યાં તો કોઇ મરે જ નહીં ને ? તે કેટલાં કુટુંબીજનો હશે ? પણ તેમ નથી. આ જગતની વાત સત્ય ના હોય. 'જ્ઞાની પુરુષ'ની વાત એ જ ખરી હોય, 'જ્ઞાની પુરુષ' ખરું જાણે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ; તે કોઇ બનાવવા ગયું નથી, ઇટસેલ્ફ ઊભું થઇ ગયું છે ! આ સોડિયમ ધાતુને પાણીમાં નાખે તો ભડકો થાય તે સાયન્સથી સમજી શકાય, તેવું આ જગત સાયન્સથી ઊભું થયું છે ! તેમ આ સગાઇઓ પણ સાયન્સથી ઊભી થઇ છે, પણ તે જ્ઞાનથી સમજાય. ઓલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ ! વિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ મિથ્યા દ્રષ્ટિ અને અવિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ સમ્યક્ દ્રષ્ટિ. જયાં એક દુઃખનો છાંટો ય ના હોય એ સમ્યક્ દ્રષ્ટિ !

પ્રશ્નકર્તા : ભગવાન તો કણ કણમાં છે ને ?

દાદાશ્રી : ભગવાન બધે હોય તો ખોળવાની જરૂર શી ? પછી જડ ને ચેતનનો ભેદ જ રહ્યો કયાં ? જો બધે જ ભગવાન હોય તો પછી સંડાસ જવાનું કયાં ? બધે જ ભગવાન હોય તો તો પછી આ બટાકામાં ય હોય ને ગલકામાં ય હોય. શરીરમાં ભગવાન હોય તો તો શરીર વિનાશી છે, પણ ભગવાન તો અવિનાશી છે.

આ લોકોને એટલું ય ભાન નથી કે આ મનુષ્યોને કે પાડાને કોણ ઘડે છે ! મોટા સંતો, ત્યાગીઓ ય કહે છે કે ભગવાન વગર કોણ ઘડે? તે ભગવાન શું નવરો હશે કે ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે ? તો તો કુંભારને શું કામ નહીં મોકલી આપે વળી ઘડવા માટે ? જો લોકોને સમજણ પાડીએ કે, 'માથામાં વાળ છે એ કોણે બનાવ્યા ?' તો કહેશે કે, 'મને ખબર નથી.' ડૉક્ટરને કહીએ કે, 'ટાલ પડી તો હવે વાળ ઊગશે?' તો તે કહે, 'ના, આટલી ગરમી મગજમાં ચઢી ગઇ છે, એટલે હવે ના ઊગે.' વાળ શી રીતે ઊગે છે, શી રીતે ખરી પડે છે, એ ય ભાન નથી. એટલે અમે કહ્યું કે, સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી ઊગે છે. એમ આ દેહ છે, આંખ-બાંખ બધું ય સાયન્ટિફિક સરકમ-સ્ટેન્સિયલ એવિડન્સથી છે; ઉપર કોઇ બાપો ય ઘડવા માટે નવરો નથી.' 'બાપો' તો ઇન એવરી ક્રીએચર વેધર વિઝિબલ ઓર ઇન્વિઝિબલ. તમારી ને મારી વચ્ચે દૂરબીનથી પણ ના દેખાય એવા અસંખ્ય જીવો છે તેમાં ભગવાન રહેલા છે ! એમની હાજરીથી જ બધું ચાલે છે, પણ એ જ્ઞાનથી જ સમજાય, બુદ્ધિથી સમજાય એવું નથી. એ તો 'જ્ઞાની પુરુષ' જ્ઞાન આપે તો જ આત્મા સંબંધી નિઃશંક થઇ જાય ! નહીં તો આત્મા આવો હશે કે તેવો હશે, એમ શંકા રહ્યા કરે.

ભક્તિ તો પ્રેમદા ભક્તિ હોવી જોઇએ ! અમે તમને કહીએ કે, 'તમારામાં છાંટો ય અક્કલ નથી.' ત્યારે તમારે શું કહેવું જોઇએ કે, 'દાદા, જેવો છું તેવો તમારો જ છું ને !'

કીર્તન ભક્તિ !

વીતરાગોનાં તો વખાણ કરે તેટલાં ઓછાં છે. એમના કીર્તન લોકોએ ગાયાં નથી, અને જે ગાયાં છે એના રાગ બરોબર નથી. વીતરાગોનાં જો સરખાં કીર્તન ગાયાં હોય તો આ દુઃખ ના હોત. વીતરાગ તો બહુ ડાહ્યા હતા ! તેમનો માલ તો બહુ જબરો ! એ તો કહે છે, 'સમકિતથી માંડીને તીર્થંકરોના કીર્તન ગા ગા કરો !' 'તો પછી સાહેબ અપકીર્તન કોનાં કરું ? અભવ્યો છે એમનાં ?' ના, અપકીર્તન તો કોઇના ય ના કરીશ, કારણ કે મનુષ્યનું ગજું નથી, એટલે એવું ના કરીશ. અપકીર્તન શું કામ કરે છે ? અપકીર્તન વીતરાગોથી દૂર રાખે છે. આ તો તારું ગજું નથી ને દોષમાં પડી જઇશ. આ જે આડ જાત છે, એમનું નામ જ ના દઇશ, એમનાથી તો બીજી જ બાજુએ ચાલજે. ત્યારે પેલો કહેશે કે, 'હું શું કરું ? આ આડ જાતો એવું કરે છે કે મારાથી એમનો દોષ જોવાઇ જ જાય છે !' પણ આવું ના કરાય, આની સામે તારું ગજું નહીં. સ્ટ્રોંગ માણસ હોય ને સામેવાળાનું અવળું બોલે તો ચાલે, જેમ કે આ જૈન હોય ને માંસાહારનું અપકીર્તન કરે તો એને શો વાંધો?!

ભક્તિ અને જ્ઞાન !

પ્રશ્નકર્તા : દાદા, ભક્તિ અને જ્ઞાન વિષે સમજાવો.

દાદાશ્રી : ભક્તિના અર્થ બધા બહુ છે, એકથી માંડીને સો સુધી છે. ૯૫ થી ૧૦૦ સુધીનો અર્થ આપણે કરવાનો છે. આ 'અમારું' નિદિધ્યાસન એ જ ભક્તિ છે. લોક કચાશવાળા છે એટલે ભક્તિ ઉપર ભાર મૂકો એમ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જ્ઞાન એકલાથી તો લોક દુરૂપયોગ કરે, કાચો પડી જાયને તો પછી માર પડે ભારે; એ હેતુથી ભક્તિ ઉપર વધારે ભાર મૂકયા છે. 'જ્ઞાન' શું છે ? જ્ઞાન એ જ આત્મા છે અને 'હું શુદ્ધાત્મા છું' એ છેલ્લી ભક્તિ છે. 'જ્ઞાની'નું નિદિધ્યાસન એ જ 'હું શુદ્ધાત્મા છું' રૂપ છેલ્લી ભક્તિ છે.

કોઇની ય છાયા ના પડે એવી તને દુનિયા બાજુએ મૂકતાં આવડે તેનું નામ સમર્પણ ભાવ. એટલે કે 'જ્ઞાની પુરુષ'નું જે થાવ તે મારું થાવ, પોતાનો મછવો તેમનાથી છૂટો જ ના પડવા દે, જોડેલો ને જોડેલો જ રાખે, છૂટો પડે તો ઊંધો પડે ને ? માટે જ્ઞાનીની જોડે જ પોતાનો મછવો જોડેલો રાખવો.

જ્ઞાન 'જ્ઞાન-સ્વભાવી' ક્યારે કહેવાય દેહમાં આત્મા છે તે 'આત્મા-સ્વભાવી' રહે ત્યારે. આપણે ભક્તિ કહીએ તો લોક તેમની ભાષામાં લઇ જાય. એમની જાડી ભાષામાં ના લઇ જાય, તેથી આપણે જ્ઞાન ઉપર વિશેષ ભાર દઇએ છીએ.

જાગૃતિ એ જ જ્ઞાન. 'હું શુદ્ધાત્મા છું' એમ રહ્યા કરવું એ ભાવ નથી, પણ એ લક્ષ-સ્વરૂપ છે; અને લક્ષ થયા વગર 'હું શુદ્ધાત્મા છું' તેવું રહે જ નહીં. 'શુદ્ધાત્મા'નું લક્ષ બેસવું એ તો બહુ મોટી વાત છે ! અતિ કઠિન છે !! લક્ષ એટલે જાગૃતિ અને જાગૃતિ એ જ્ઞાન જ છે, પણ તે છેલ્લું જ્ઞાન નથી. છેલ્લું જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ જ છે. કેવળજ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ બેસીને તેની જાગૃતિરૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે; પણ અમે તેને ભક્તિ નથી કહેતા, કારણ કે બધા પાછા સહુ સહુના જાડા અર્થમાં લઇ જાય. 'જ્ઞાની પુરુષ'ની કૃપા પ્રાપ્ત કરી લેવા જેવું છે, કૃપાભક્તિ જોઇએ.

જ્ઞાનીઓનો 'પ્રતિષ્ઠિત આત્મા' ભક્તિમાં છે અને જ્ઞાન 'જ્ઞાન'માં છે, 'પોતે' 'શુદ્ધાત્મામાં રહે અને 'પ્રતિષ્ઠિત આત્મા' પાસે એના 'પોતાના' 'શુદ્ધાત્મા'ની અને આ 'દાદા'ની ભક્તિ કરાવે, એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે !

ભગવાને જાતે કહ્યું છે કે, 'અમે જ્ઞાનીને વશ છીએ !' ભગતો કહે કે, 'અમને ભગવાન વશ છે.' તો તે કહે, 'ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ.' ભગતો તો ગાંડા કહેવાય, શાક લેવા નીકલે ને કયાંક થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ, 'ભગવાન, ભગવાન' એક જ ભાવ, એ ભાવ એક દહાડો સત્યભાવને પામે છે, ત્યારે 'જ્ઞાની પુરુષ' મળી જાય, ત્યાં સુધી 'તુંહી તુંહી' ગાયા કરે અને 'જ્ઞાની પુરુષ' મળી જાય તો 'હુંહી હુંહી' બધે ગાય ! 'તું'ને 'હું' જુદા છે ત્યાં સુધી માયા છે અને 'તું' 'હું' ગયું, 'તારું મારું' ગયું એટલે અભેદ થઇ ગયા ! ભગવાન તો કહે છે કે, 'તું ય ભગવાન છે. તારું ભગવાન પદ સંભાળ, પણ તું ના સંભાળે તો શું થાય ?' પાંચ કરોડની એસ્ટેટવાળો છોકરો હોય, પણ હોટલમાં કપ-રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઇ શું કરે ? ! મનુષ્ય 'પૂર્ણ રૂપે' થઇ શકે છે, મનુષ્ય એકલો જ - બીજા કોઇ નહીં, દેવલોકો ય નહીં !'

ભગવાન એટલે શું ? ભગવાન નામ છે કે વિશેષણ છે ? જો નામ હોત તો આપણે તેને ભગવાનદાસ કહેવું પડત; ભગવાન વિશેષણ છે. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થયું, તેમ ભગવત ઉપરથી ભગવાન થયું છે. આ ભગવત્ ગુણો જે પણ કોઇ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે.

'અપદ' એ મરણપદ છે. 'હું ચંદુભાઇ છું' એ 'અપદ' છે. અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને 'હું શુદ્ધાત્મા' એ 'સ્વપદ' છે. 'સ્વપદ'માં બેસીને 'સ્વ'ની ભક્તિ કરે એ 'ભગવાન.'

આ એ.એમ.પટેલ મહીં પ્રગટ થઇ ગયેલા 'દાદા ભગવાન'ની રાત દહાડો ભક્તિ કરે છે ! અને હજાર હજાર વાર એમને નમસ્કાર કરે છે!!

જયાં સુધી આત્મા સંપૂર્ણ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી એવું રહેવું જોઇએ કે 'જ્ઞાની પુરુષ' એ જ મારો આત્મા છે અને એમની ભક્તિ એ પોતાના જ આત્માની ભક્તિ છે ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરે તેવો થાય. 'જ્ઞાની પુરુષ'ની ભક્તિમાં ઊંચામાં ઊંચી કીર્તનભક્તિ છે. કીર્તનભક્તિ કયારે ઉત્પન્ન થાય ? કયારે ય પણ અપકીર્તિનો વિચાર ના આવે, ગમે તેટલું અવળું હોય તો ય સવળું જ દેખાય. જો કે 'જ્ઞાની પુરુષ'માં અવળું હોય જ નહીં. કીર્તનભક્તિમાં તો નામે ય મહેનત નહીં ! કીર્તનભક્તિથી તો ગજબની શક્તિ વધે !

 

નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ !

દાદાશ્રી : મોક્ષ હશે કે નહીં ?

પ્રશ્નકર્તા : હા. એ તો વિશ્વાસ છે, માટે માર્ગ પણ હશે અને એના જાણકાર પણ હશે ખરા ને ?

દાદાશ્રી : હા. 'અમે' તેના જાણકાર છીએ. આ સાન્તાક્રુઝનો માર્ગ બતાવનાર તો મળી આવે, પણ મોક્ષનો માર્ગ તો બહુ સાંકડો અને ભુલભુલામણીવાળો છે, તેનો બતાવનાર મળવો અતિ દુર્લભ છે. તે જો મળી જાય તો એ 'મોક્ષદાતા' પાસેથી માગી લેવાનું હોય જ ને ? ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેંક ઇન ધી વર્લ્ડ !

અમે એક કલાકમાં જ તમારા હાથમાં રોકડો મોક્ષ આપી દઇએ છીએ. અહીં કયાં મહિના સુધી શ્રદ્ધા રાખવા કહીએ છીએ ? 'શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ' એમ જે કહે છે એમને તો આપણે ખખડાવીએ કે, 'પણ અમને શ્રદ્ધા આવતી નથી ને ! તમે કંઇક એવું બોલો કે જેથી અમને શ્રદ્ધા આવે !' પણ શું કરે ? દુકાનમાં માલ હોય તો આપે ને ? ક્રોધની દુકાનમાં શાંતિનું પડીકું માગવા જઇએ તો મળે ?

પ્રશ્નકર્તા : ના મળે.

દાદાશ્રી : ભગવાને શું કહેલું કે, 'મોક્ષ તો પા માઇલ જ છેટે છે અને દેવગતિ કરોડો માઇલ દૂર છે; પણ નિમિત્ત મળવું જોઇએ, એના વગર મોક્ષ નહીં મળે. જેનો મોક્ષ થયેલો છે એ જ મોક્ષ આપી શકે. આ તો બૈરી-છોકરાંને છોડીને ગયા અને માને કે માયા-મમતા છૂટી ગઇ. ના, તું જયાં જઇશ ત્યાં મમતા નવી વળગાડીશ, મમતા તો મહીં બેઠી બેઠી વધ્યા કરે. એ તો 'જ્ઞાની પુરુષ'નું જ કામ, જેમ દવા આપવી એ ડૉક્ટરનું કામ તેમ ! આ કરિયાણાવાળાને પૂછીએ કે, 'હાર્ટએટેક આવ્યો છે, તો દવા આપ.' તો એ શું કહે કે, 'જાવ ડૉક્ટર પાસે.' આ તો ભગવાનની વાત સમજયા નહીં ને ચોપડવાની દવા પી ગયા ! પછી થાય શું ? મોક્ષ પોતાની પાસે જ છે, આત્મા પોતે જ મોક્ષ-સ્વરૂપ છે.

આ મન તો જાતજાતનું દેખાડે, એને માત્ર 'જોવાનું અને જાણવાનું' હોય. મનને તે દેખાડવું એ એનો ધર્મ-મનોધર્મ છે અને આપણો ધર્મ જોવા-જાણવાનો છે; પણ જો તેની સાથે તન્મયાકાર થાય, શાદી સંબંધ થાય તો હેરાન કરે. મોક્ષ એટલે મન, વચન, કાયાથી મુક્તપણું; 'પોતાનું' સ્વતંત્ર સુખ, કોઇનાં અને પોતાનાં મન, વચન, કાયા અસર ના કરે ! મન, વચન, કાયાનું કેવું છે ? કે 'આ' દુકાન હોય ત્યાં સુધી આપણી દુકાનનો માલ બીજે જાય અને બીજાની દુકાનનો માલ આપણી દુકાને આવે એવું છે !

ભગવાને કહ્યું કે, 'મોક્ષ માટેનું 'ચારિત્ર' તે તો આજે કયાંય જરા ય રહ્યું નથી, દેવગતિ માટેનાં ચારિત્ર છે ખરાં. મોક્ષ માટે તો 'ભગવાનની આજ્ઞા'માં રહે, આત્મજ્ઞાન થાય પછીનું ચારિત્ર, એ ચારિત્ર મોક્ષ આપે!

આ કાળમાં મોક્ષ છે ?!

પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ નથી એમ જે કહે છે, તે ખરું છે ?

દાદાશ્રી : ભગવાને કહેલું વાક્ય એ કયારે ય પણ ખોટું ના થાય; પણ મહાવીર ભગવાને શું કહેલું કે, 'આ કાળમાં આ ક્ષેત્રેથી જીવ મોક્ષે જઇ શકશે નહીં', તે લોકો ઊંધું સમજયા. આમાં કેટલાકે કહ્યું કે, 'મોક્ષ નથી.' તેથી એ બાજુ જવાનું છોડી દીધું અને લોકો પણ એ પ્રવાહમાં ખેંચાયા ! પણ પ્રવાહમાં આપણે પણ ખેંચાવું એવું કોણે કહ્યું ? ભગવાને શું કહ્યું કે, 'આ કાળમાં આ ક્ષેત્રે એક લાખ રૂપિયાનો ચેક મળતો નથી, પણ નવ્વાણું હજાર, નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો (૯૯,૯૯૯.૯૯) ચેક મળી શકે તેમ છે.' અલ્યા, આ કાળમાં ૯૯,૯૯૯ રૂપિયા ને ૯૯ પૈસા સુધી તો મળે છે ને ? આ તો ઉપરથી છૂટા પૈસા મળ્યા ! તે કેન્ટિનમાં ભજિયાં-બજિયાં ખાવાં હોય, તો ય છૂટા પૈસા ચાલે ને ? અત્યારે તે રૂપિયાનું ચિલ્લર લે તો ય પાંચ પૈસા કમિશન લઇ લે છેને ? અમે આ કાળમાં નવ્વાણું હજાર, નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો ચેક આપી શકીએ તેમ છીએ. આ લોકોને 'મોક્ષ નથી' એટલી ખબર પડી, તો કયાં સુધી માર્ગ ખુલ્લો છે ? એ તો ખોળી કાઢ ! આ વડોદરા સુધી ગાડી જતી નથી, પણ સરહદ સુધી જાય છે, તો તો ગાડીમાં બેસી જવું જ જોઇએ ને ? પણ આ તો ઘેરથી જ નીકળતો નથી તે ઘરના જ દરવાજા વાસી દીધા છે ! આવી

અણસમજણ ઊભી થઇ જાય, એમાં કોનો દોષ ? આ તો 'એક જ પૈસો નથી.' એટલું જ 'જ્ઞાની પુરુષ' કહેવા માગે છે.

આ છ આરામાં અસલમાં અસલ, સારામાં સારો કાળ, એ પાંચમો આરો છે, એને તો 'ભઠ્ઠીકાળ' કહ્યો છે. આ તો એક બાજુ સાયન્ટિસ્ટ છે ને બીજી બાજુ ભઠ્ઠી છે, તો પછી ગમે તેવું છાશિયું સોનું હોય તો ય ચોખ્ખું સોનું ચોકસી કાઢી આપશે ! છઠ્ઠા આરામાં ચોકસી નહીં હોય ને ભઠ્ઠી એકલી હશે. પાંચમા આરામાં તો મહાવીર ભગવાનનું લાંબામાં લાંબું શાસન છે. આગળનાં તીર્થંકર ભગવાનના શાસન તો ભગવાન નિર્વાણ પામે ત્યાં સુધી રહેતાં અને આ મહાવીરના નિર્વાણ પછીનું ૨૧ હજાર વર્ષ સુધીનું શાસન રહેશે !

આ લોકો કહે છે કે, 'મોક્ષ બંધ થઇ ગયો છે.' આવું બોલે છે, તે તેમની દશા શી થશે ? આ તો 'મોક્ષ બંધ છે.' કરીને બીજા કાર્યોમાં પડી ગયા અને મોક્ષમાર્ગ બાજુએ પડી ગયો. આ શાના જેવું છે ? આ સાલ દુકાળ પડયો હોય તે કહે કે, 'અલ્યા, હવે ખેતરમાં ઓરશો જ નહીં, બિયારણ નકામું જશે.' વરસાદ આ સાલ ના પડયો તેથી બિયારણ નકામું જશે, એમ કરીને બેસી રહે તેના જેવું છે !

નોર્માલિટીથી મોક્ષ !

'અમારી' એક ઇચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઇલ ચાલે ત્યારે. અત્યારે આ ધર્મો છે એ વીતરાગ માર્ગ પર નથી. વીતરાગ માર્ગ ઉપર કોને કહેવાય ? નોર્મલ ઉપર આવે તેને. એબોવ નોર્મલ ઇઝ ધી ફીવર, બીલો નોર્મલ ઇઝ ધી ફીવર. ૯૭ ઇઝ ધી બીલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ઇઝ ધી એબોવ નોર્મલ ફીવર. ૯૮ ઇઝ નોર્માલિટી ! એબોવ નોર્મલ અને બીલો નોર્મલ બન્ને ય ફીવર છે. આ વાત તો ડૉક્ટરો એકલા લઇને બેઠા છે, પણ એ તો બધાંને માટે હોય! ઊંઘવામાં, ખાવામાં, પીવામાં, બધામાં નોર્માલિટી જોઇશે, એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે એબોવ નોર્મલ હવા ઊભી થઇ ગઇ છે, તે બધે પોઇઝન ફરી વળ્યું છે. એમાં કોઇનો વાંક નથી, સૌ કાળચક્કરમાં ફસાઇ ગયા છે !

વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો. આ તો તપમાં પડે તો તપોગચ્છ થઇ જાય. અલ્યા, આ ગચ્છમાં ક્યાં પડયો ? આ તો બધા કૂવા છે, આમાંથી નીકળ્યો તો પેલા કૂવામાં પડયા અને આ તો એક જ ખૂણો વાળ વાળ કરે છે. તપનો ખૂણો વાળે તે તપનો જ વાળ વાળ કરે, કેટલાક ત્યાગનો ખૂણો વાળે તે ત્યાગનો જ વાળ વાળ કરે, શાસ્ત્રો પાછળ પડયા તે તેની જ પાછળ ! અલ્યા, એક ખૂણા પાછળ જ પડયા છો ? મોક્ષે જવું હશે તો બધા જ ખૂણા વાળવા પડશે ! છતાં, ખૂણા વાળ્યા એટલે એનાં ફળ તો મળશે જ, પણ મોક્ષ જો જોઇતો હોય તો એ કામનું નથી. તારે જો ચતુર્ગતિ જોઇતી હોય તો ભલે એકની પાછળ પડ. મનુષ્યમાં ફરી જન્મ મળે, બધે વાહવાહ મળે, એવું હું તને અહીંયાં આપી શકું તેમ છું. પણ આ તો કયાં સુધી ? પછી જયાં જાય ત્યાં કપાળ કૂટો ને કલેશ ઊભો થાય, એવું માગવા કરતાં ઠેઠનો તારો મોક્ષ લઇ જાને મારી પાસે ! કાયમનો ઉકેલ આવે એવું કંઇક લઇ જા અહીંથી !

એક એક ઇન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે. અમે આ ઇન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ ? કારણ કે ઇન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે, પણ એ શક્તિ આજે આવરાઇ ગઇ છે, રૂંધાયેલી છે, એને ખુલ્લી કરવા નિમિત્ત જોઇએ, 'મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ, તો શક્તિ ખુલ્લી થાય. જેને કોઇ પણ દુશ્મન નથી, દેવમાત્ર પણ દુશ્મન નથી એવા 'મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ.

આ તો અમે કહીએ છીએ કે, 'મોક્ષમાર્ગ ખુલ્લો છે.' તો એ બાજુ હિલચાલ ચાલુ થઇ જાય અને એથી ઊંચે જવાય. મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે, પુદ્ગલ એને નીચે ખેંચે છે; પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જ જીતશે. પુદ્ગલમાં ચેતન છે નહીં, તેથી તેનામાં કળા ના હોય અને ચેતન એટલે કળા કરીને ય છૂટી જાય. જેને છૂટવું જ છે એને કોઇ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઇ છોડી શકે નહીં!

'મોક્ષ નથી.' એવું કહ્યું એટલે છૂટે શી રીતે ? ! અલ્યા, મોક્ષ નથી, પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે, દરવાજા ટ્રાન્સપેરેન્ટ છે; તેથી, અંદરનું બધું જ દેખાય એવું છે ! પણ આ તો શોરબકોર કરી મૂકયો કે, 'મોક્ષ નથી, મોક્ષ નથી.' પણ આ તને કોણે કહ્યું ? તો કહે કે, 'આ અમારા દાદાગુરુએ કહ્યું, પણ દાદાગુરુ જોવા જઇએ તો હોય જ નહીં ! આ તો 'વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરૂં ભસ્યું.' એના જેવું છે. તે કો'ક બહાર નીકળ્યો હશે તે બૂમાબૂમ કરી મૂકે કે 'શું છે ? શું છે ?' ત્યારે બીજો ઠોકાઠોક કરે કે 'ચોર દીઠો' ને તેથી શોરબકોર મચી ગયો ! આવું છે !! છે કશું જ નહીં ને ખોટો ભો અને ભડકાટ !! પણ શું થાય ? આ લોકોને ભસ્મકગ્રહનું ભોગવવાનું હશે, તેથી આવું થયું હશે ને ? પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે !

મહેનત ત્યાં મોક્ષ હોય ?!

આ ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે. જેને અત્યંત મહેનત પડે છે એ નર્કગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ દેવગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ તિર્યંચમાં જાય અને બિલકુલ મહેનત વગરનો મોક્ષમાર્ગ ! 'જ્ઞાની પુરુષ' મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે ? એ તો 'જ્ઞાની પુરુષ' જાતે કરી આપે. આ દાળભાત, રોટલી મહેનત કરીને કરી શકે, પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે; એ તો 'જ્ઞાની પુરુષ' કરાવે ને થઇ જાય. 'જ્ઞાની પુરુષ' મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે, 'મારું જ ફ્રેકચર થયેલું છે તો હું મહેનત શી રીતે કરી શકીશ ?'

આ ડૉક્ટર પાસે જઇએ ને એ ડૉક્ટર કહે કે, 'દવા તારે લાવવાની, તારે જાતે વાટવાની, કરવાની.' તો તો આપણે એ ડૉક્ટર પાસે આવત જ શું કામ ? આપણે જાતે જ ના કરી લેત ? તેમ 'જ્ઞાની પુરુષ' પાસે આવીએ અને મહેનત કરવી પડે તો અહીં (સત્સંગમાં) આવીએ જ શું કામ ? પણ 'જ્ઞાની પુરુષ' પાસે તપ, ત્યાગ, મહેનત કશું જ ના હોય અને 'જ્ઞાની પુરુષ'ને કશું જોઇતું ય ના હોય, એ પોતે જ આખા બ્રહ્માંડના સ્વામી હોય, તેમને શેની જરૂર હોય ! 'જ્ઞાની પુરુષ' આ દેહના એક ક્ષણ પણ સ્વામીત્વ ભાવમાં ના હોય. જે દેહનો માલિક એક ક્ષણ પણ ના હોય તે આખા બ્રહ્માંડનો માલિક હોય. બહાર ગુરુઓ છે, તેમને તો છેવટે માનની ય સ્પૃહા હોય, કીર્તિની સ્પૃહા હોય. જ્ઞાનીને તો કોઇ પણ પ્રકારની સ્પૃહા નથી. એમને તો તમે આ હાર પહેરાવો છો એની ય જરૂર નથી, એમને ઊલટો એનો ભાર લાગે ને કેટલાંક ફૂલોનાં જીવડાં ઉપર ચઢી જાય, એમને આ બધું શા હારું ? આ તો તમારા માટે છે, તમારે જરૂર હોય તો હાર પહેરાવો. આ સાંસારિક અડચણો હોય તો આ હાર પહેરાવવાથી દૂર થઇ જાય. 'શૂળીનો ઘા સોયે સરે.' અમે એના કર્તા નથી, નિમિત્ત છીએ. 'જ્ઞાની પુરુષ'નાં નૈમિત્તિક પગલાં પડે ને તમારું બધું સુંદર જ થાય; બાકી, 'જ્ઞાની પુરુષ' એટલે જેમને કોઇ પણ જાતનીભીખ નથી; લક્ષ્મીની, વિષયોની, માનની, કીર્તિની, કોઇ પણ પ્રકારની ભીખ તેમને ના હોય !

મોક્ષ એટલે શું ?

પ્રશ્નકર્તા : જન્મમરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ?

દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઇ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને તો તો એ મોક્ષ જ સમજતા નથી. 'મોક્ષ એટલે મુક્ત ભાવ.' સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. આ પરમાનંદ શાથી અટકે છે? માત્ર પહેલાંની ગનેગારીથી. આ ગનેગારી એ જ પોતાનું સુખ, પરમાનંદ પણ આવવા નથી દેતી; એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે ! મુક્તિ તો કોઇએ ચાખી જ નથી, એ તો 'જ્ઞાની પુરુષ' પાસે છે; એમની વીતરાગતા એ જ મુક્તિ છે ! આ તમારા બધામાં મને તો મહીં 'હું જ છું' એવું લાગે છે ! 'જ્ઞાની પુરુષ'નાં દર્શન કરતાં આવડે તો ય મુક્તિસુખ વર્તે.

પ્રશ્નકર્તા : દર્શન કરવાં એટલે ભાવથી કરવાં તે ?

દાદાશ્રી : ના. ભાવ નહીં. ભાવ તો હોય જ તમને, પણ દર્શન કરતાં આવડવાં જોઇએ. 'જ્ઞાની પુરુષ'નાં એક્ઝેક્ટ દર્શન કરતાં આવડવાં જોઇએ. અંતરાય ના હોય તો એવાં દર્શન થાય અને એ દર્શન કર્યાં ત્યારથી જ મુક્તિસુખ વર્ત્યા કરે !

પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો સિક્કો કયો ?

દાદાશ્રી : એ તો પક્ષમાં પડેલા છે કે નહીં એ જ એનો સિક્કો.

આ બધી ડિગ્રીઓ છે અને તે ડિગ્રીઓનીં અંદર ડિગ્રીઓ છે. આ બધા અન્ય માર્ગ પર છે ને મોક્ષમાર્ગની તો એક જ કેડી છે, ને એ એક કેડી જડવી મુશ્કેલ છે. બીજા બધા માર્ગ ઓર્નામેન્ટલ માર્ગ છે, ત્યાં પાછી મોટી મોટી કેન્ટિનો છે, એટલે જરા દેખે ને ત્યાં દોડે; ને આ મોક્ષની કેડીમાં તો ઓર્નામેન્ટલ નહીં, તેથી આ માર્ગની ખબર ના પડે !

ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એ ય ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઇએ, તેમ અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઇ જાય છે; અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જયારથી વેદન શરૂ થાય, તે આત્માનું 'સ્વસંવેદન' અને તે ધીમે ધીમે વધીને 'સ્પષ્ટ' વેદન સુધી પહોંચે !

જગતના બધા જ સબ્જેક્ટ જાણે, પણ એ અહંકારી જ્ઞાન છે અને તે બુદ્ધિમાં સમાય અને નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. નિર્અહંકારી જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક છે અને એ આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરે એવું છે ! બુદ્ધિનું, અહંકારી જ્ઞાન એ પરપ્રકાશક છે, એ લિમિટમાં છે ને અવલંબિત છે. આ તો ભાન નથી, તેથી 'હું વૈદ્ય છું, હું એન્જિનિયર છું' એવાં અવલંબન પકડયાં છે. બધા મોક્ષને માટે પ્રયત્નો કરે છે, પણ એ માર્ગ જડતો નથી અને ચતુર્ગતિમાં ભટક ભટક કર્યા કરે છે. જ્ઞાની જ સમર્થ પુરુષ છે, એ તર્યા ને બીજાને તારે !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16