ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

૧૯૪૨ પછીની લક્ષ્મી

પ્રશ્નકર્તા : હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું. પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ?

દાદાશ્રી : ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. 'અમે' 'જ્ઞાની' છીએ, તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટકતી નથી. આ તો ઇન્કમ ટેક્સ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું.

પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?

દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઇ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં કલેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો કલેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઇ પુણ્યશાળીના હાથે જ લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય તે બહુ ભારે પુણ્ય કહેવાય.

૧૯૪૨ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય. અહીં આપણે તો હવે મોક્ષની જ વાત રહી.

વણિક બુદ્ધિવાળા તો લક્ષ્મીજીની ટ્રીક અસલ સમજી ગયા છે કે કમાઇશ તેના આઠમા ભાગનું ભગવાનને નાખી આવો, તે પાછું તેનો પાક લણીશું. તે ભગવાને ય આ લક્ષ્મીજી મેળવવાની તેમની ટ્રીક સમજી ગયા છે. ભગવાન શું કહે છે કે, તમે લક્ષ્મીજી મેળવ્યા જ કરો પણ મોક્ષ નહીં મળે તેમને.

લોકોની લક્ષ્મી ગટરમાં જાય છે. પુણ્યૈની કમાણી સંત પુરુષો માટે જાય છે.

ક્ષત્રિયને કેવું કે ભગવાનને ત્યાં દર્શને જાય તો ખિસ્સામાંથી જેટલા પૈસા નીકળ્યા તેટલા નાખે. જયારે વણિક બુદ્ધિવાળાને કેવું કે પહેલેથી જ નક્કી કરીને પૈસા નાખે. રૂપિયાની નોટ નીકળે તો દસ પૈસા વટાવીને નાખે!

લક્ષ્મીજીનો સ્વભાવ

પ્રશ્નકર્તા : આ લક્ષ્મી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઇએ ?

દાદાશ્રી : આ એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઇ વિચારે છે કે એક જ લોટો પાણી મળશે તો શું કરીશ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઇએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે; એમાં કોઇ વધારે ઓછું કરી શકતો નથી. માટે મન, વચન, કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ. આ લક્ષ્મીજી તો બેન્ક બેલેન્સ છે, તે બેન્કમાં જમા હશે તો જ મળશે ને ? કોઇ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે છે કે, 'તારે આ જુલાઇમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઇમાં મળશે'; અને જે કહે છે કે 'મારે પૈસા નથી જોઇતા', તો એ ય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારે ય નહીં ને ઇચ્છા ય નહીં કરવી જોઇએ. એમને તો નમસ્કાર કરવા જોઇએ. એમનો તો વિનય રાખવો જોઇએ, કારણ કે એ તો હેડ ઓફિસમાં છે.

લક્ષ્મીજી તો એને ટાઇમે, કાળ પાકે ત્યારે આવે એમ જ છે, આ તો ઇચ્છાથી અંતરાય પાડે છે. લક્ષ્મીજી કહે છે કે, 'જે ટાઇમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઇમે જ રહેવું જોઇએ, અને અમે ટાઇમે ટાઇમે મોકલી જ દઇએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધું જ ટાઇમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે જેનું કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઇએ છીએ. જે ઇચ્છા કરે છે તેને ત્યાં મોડી મોકલીએ છીએ અને જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ.' બીજું, લક્ષ્મીજી શું કહે છે કે, 'તારે મોક્ષે જવું હોય તો હક્કની લક્ષ્મી મળે તે જ લેજે. કોઇની ય લક્ષ્મી ઝૂંટવીને, ઠગીને ના લઇશ.' છતાં ય લક્ષ્મીજીની અવળહવળ થાય નહીં. તો અનુભવો થાય નહીં, ને અનુભવો થયા વગર મોક્ષે જવાનું ના થાય !

લક્ષ્મીજીનું જાવન

પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?

દાદાશ્રી : ચોરીઓથી. જયાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રીક અને લક્ષ્મીજીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઉંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રીકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે, અને એનું ફળ નર્કગતિ છે. આ કપડું ખેંચીને આપે એ હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રીક તો હોવી જ ના જોઇએ. ટ્રીક કરી કોને કહેવાય ? 'બહુ ચોખ્ખો માલ છે'- કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, 'આવું તે કરાતું હશે ?' તો એ કહે કે, 'એ તો એમ જ કરાય.' પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઇએ કે, 'મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે. પણ આ માલ આવો છે એ લઇ જાવ.' આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !

આ મુંબઇ શહેર આખું દુઃખી છે, કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે એ કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારી બેઠા છે !

પ્રશ્નકર્તા : પૈસા એ વિનાશી ચીજ છે, છતાં પણ એના વગર ચાલતું નથી ને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઇએ.

દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી-ના મળવી પોતાની સત્તાની વાત નથી ને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી મરી જાય છે. છતાં, માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે.

આ લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રીકો વાપરવાથી ય આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોત તો આપણા પ્રધાનોને ચાર આના ય મળત નહીં ! આ લક્ષ્મી તો પુણ્યૈથી કમાય છે. ગાંડો હોય તો ય પુણ્યૈથી કમાયા કરે. ગાંડાનો દાખલો આપું.

લક્ષ્મીજીનું આવન

એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા. અમદાવાદ- માંસ્તો ને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી એવો પલંગ, સામે ટીપોય. અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઇન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર. જમીનની ઊંચે દોઢ ફૂટે માથું. મોઢાનો ત્રિકોણ આકાર. અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરાં જેવા. અને બાજુમાં ફોન, તે ખાતા ખાતા ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયલા અને ભાત તો કેટલો ય વેરાયેલો! નીચે ! ફોનની ઘંટડી વાગેને શેઠ કહે કે, 'બે હજાર ગાંસડી લઇ લો' ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઇ જાય. મુનીમજી બેઠાં બેઠાં માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યૈને લઇને પ્રકાશ મારે છે. આ પુણ્યૈથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખે તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પુણ્યૈ કયાંથી આવી ? ભગવાનને સમજીને ભજ્યા તેથી ? ના, નાસમજીને ભજ્યા તેથી. કોઇની ઉપર ઉપકાર કર્યા, કોઇનું ભલું કર્યું એ બધાથી પુણ્યૈ બંધાઇ. ભગવાનને ના સમજીને ભજે છતાં અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તો ય દઝાય ને? આ 'અક્રમ જ્ઞાન'છે. અહીં લિફ્ટ માર્ગ છે તે ખાતાંપીતાં મુક્તિ વર્તે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય નહીં. એ જ પુણિયા શ્રાવકનું સામાયિક અહીં ચાખવા મળે છે !

આ તો લોક આર્તધ્યાન અને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો એટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવાના આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી ઉપાયો કરે છે. એ તો પહેલાનું પુણ્યૈ જમે હશે તો જ મળશે. આ 'દાદા'ની 'કૃપા'થી તો બધું ભેગું થાય. કારણ શું ? તેમની 'કૃપા'થી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ, પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી. તે અંતરાયો 'અમારી' 'કૃપા'થી તૂટે તે પછી બધું ભેગું થાય. 'દાદા'ની 'કૃપા' તો મનના રોગોના અને વાણીના રોગોના, દેહના રોગોના-એ સર્વ પ્રકારનાં દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય. કો'કને બે મિલો હોય પણ છોકરો દારૂડિયો હોય તો તે બાપને રોજ મારે, ગાળો આપે. તે એ કહેવાય નહીં ને સહેવાય નહીં. એવાં બધાં દુઃખો છે. આ સંસાર તો નર્યું દુઃખનું જ સામ્રાજ્ય છે. મોટા ચક્રવર્તી રાજાઓ પણ રાજપાટ છોડીને નાઠા. તે આને ઝૂપડું છૂટતું નથી. આવી શી મમતા તે છૂટતું નથી ? આધિ, વ્યાધિ ને ઉપાધિના તાપમાં મનુષ્યો શક્કરિયાની જેમ ચોગરદમથી બફાય છે. બે મિલોવાળો, સંસારી, ત્યાગી, બે બૈરીવાળો ને સંન્યાસી- બધાં બફાઇ રહ્યાં છે. તેમાં 'આ' એક જ શીતળ છાંયડી ઊભી થઇ છે, નહીં તો કેમ કરીને જીવવું તે ય ભારે થઇ પડે એવું છે. આ એક જ સમાધિનું સ્થાન ઊભું થયું છે !

પ્રશ્નકર્તા : અત્યારે પૈસો એ પ્રધાનપણે છે એ કેમ ?

દાદાશ્રી : માણસને કોઇ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને છે કે પૈસાથી વિષયો મળશે. બીજું બધું ય મળશે. પણ એનો ય વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં તેનાં આ ફળ આવ્યા કરે છે. આ આખા મુંબઇમાં દસેક જણા જ પુણ્યાનુબંધી પુણ્યૈવાળા લક્ષ્મીવાન હશે, ને બાકીના પાપાનુબંધી પુણ્યૈવાળા લક્ષ્મીવાન છે અને તે નિરંતર પાર વગરની ચિંતામાં ફર્યા કરે છે.

અમે ય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધા-રોજગાર ને ઇન્કમ ટેક્સ વગેરે બધું ય અમારે પણ છે. અમે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ, છતાં એમાં અમે સંપૂર્ણ વીતરાગ રહીએ છીએ. એવા વીતરાગ શાથી રહેવાય છે ? 'જ્ઞાનથી'. અજ્ઞાનતાથી લોક દુઃખી થઇ રહ્યા છે. લક્ષ્મી પાપાનુબંધી-પુણ્યૈથી હોય પણ વિચારો નર્યા પાપના જ હોય. લક્ષ્મી પુણ્યાનુબંધી-પુણ્યૈવાળાની દાસી ખરી, પણ એને એ ઊંચે લઇ જાય, અને પાપાનુબંધી-પુણ્યૈવાનની ય લક્ષ્મી દાસી પણ તે એને નીચી ગતિએ લઇ જાય !

આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમના મોત તો જુઓ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહક્કના વિષયો ભોગવ્યાં તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે તેથી જેની પાસે લક્ષ્મી છે તેને ય પાર વગરનું દુઃખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે.

સાચી લક્ષ્મી કયારે આવે કે તમારા મનમાં ભાવ સુધરે તો. આ વ્યભિચારી વિચારોથી તો કયાંથી સાચી લક્ષ્મી આવે ? પાપાનુબંધી પુણ્યૈની લક્ષ્મી તો રોમે રોમે કૈડીને જાય.

પ્રશ્નકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરુર છે ને ?

દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજ્જડ દુર્ધ્યાન કરાતાં હશે ? આ નાહવાનું ય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નાહવા માટે ધ્યાન નથી બગડતાં ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાં ય ધ્યાન બગડે છે, પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની 'પોતાની' નથી. આ તો માત્ર નૈમિત્તિક ક્રિયા કરવાની હોય. પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઈચ્છા રાખે તો તો પછી ફળ કેવાં આવે ?

એક માણસ કેરીની આશાએ ઝાડ નીચે બેઠો. ભગવાને પૂછયું, ''અલ્યા, તું શા માટે ઝાડ નીચે બેઠો છે ?'' ત્યારે પેલો કહે, ''કેરી ખાવા.'' ભગવાને કહ્યું, ''અલ્યા, આ તો વડનું ઝાડ છે ને ! ત્યાં કેરીની આશાએ તને શું મળશે ? અલ્યા, ઝાડને ઓળખ ! ઝાડને ઓળખીને તું ફળની આશા રાખ.'' 'જ્ઞાની પુરુષ' પાસે જા તો તારો ઉકેલ આવે. આ લોકો તો ભગવાનને ભૂલી કરીને લક્ષ્મીજી ખોળે છે. ભગત હોય તેમને લક્ષ્મીજી ખૂટે. ભગત અને ભગવાન બેઉ જુદા હોય. ત્યાં ભેદ હોય. ભગત બહુ ઘેલા હોય. નિયમ કેવો છે કે જયાં ઘેલછા હોય ત્યાંથી લક્ષ્મીજી ખસી જાય. વ્યવહારમાં જ્ઞાની ઘેલછાવાળા ના હોય, બહુ ચોક્કસ હોય. ભક્તિથી 'જ્ઞાની પુરુષ' મળે અને 'જ્ઞાન' પ્રાપ્ત થાય. મોક્ષ 'જ્ઞાન'થી થાય.

ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે એ તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય. પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો ? તો તે કિનારો-બિનારો બધું તોડી નાખે અને આજુબાજુનાં ગામો તાણી જાય. લક્ષ્મીજીનું પણ એવું જ છે. નોર્મલ આવે ત્યાં સુધી સારું. લક્ષ્મીજી બીલો નોર્મલ આવે તો પણ ફીવર છે અને એબોવ નોર્મલ પણ ફીવર છે. એબોવ નોર્મલ તો ફીવર વધારે છે. પણ બંને રીતનાં સ્ટેજીસમાં લક્ષ્મી ફીવર સ્વરૂપ થઇ પડે છે.

લક્ષ્મીનો સ્વભાવ કેવો છે કે જેમ જેમ લક્ષ્મી વધતી જાય તેમ તેમ 'પરિગ્રહ' વધતો જાય.

લક્ષ્મીને માટે કેટલાક લોકો નિસ્પૃહ થઇ જાય છે, તો નિસ્પૃહભાવ એ કોણ કરી શકે ? જેને આત્માની સ્પૃહા હોય તે જ નિસ્પૃહભાવ કરી શકે. પણ આત્મા પ્રાપ્ત થયા સિવાય આત્માની સ્પૃહા શી રીતે થાય ? એટલે એકલો નિસ્પૃહ થાય અને એકલો નિસ્પૃહી થયો તો તો રખડી મર્યો! માટે સસ્પૃહી-નિસ્પૃહી હોય તો મોક્ષે જશે. અમે લક્ષ્મીના વિરોધીઓ નથી કે અમે લક્ષ્મીનો ત્યાગ કરીએ. લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો, પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે. કેટલાક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે. તે કોઇ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે કયારે ય પાછી ભેગી જ ના થાય. નિસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાંડપણ છે.

જ્ઞાની - સસ્પૃહ, નિસ્પૃહ

અમે સસ્પૃહ-નિસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિસ્પૃહ હતા. તે તેમના ચેલા નિસ્પૃહ થઇ ગયા છે ! નેસેસિટી એરાઇઝ થાય તે પ્રમાણે કામ લેવું.

પ્રશ્નકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું.

દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી-નિસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો. પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંતબુદ્ધિ 'સત્ય'નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે થીયરી ઓફ રીલેટિવિટીમાં રહે તેનો વાંધો નથી, પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે. લક્ષ્મીજીના તો કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઇને રોજ બેસવું, પણ તેની ઇચ્છા ના હોય. કોઇના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછા આપી દેવાના. રોજ ભાવ કરવા જોઇએ કે આપી દેવા છે, તો તે અપાશે જ.

બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે 'હમ કો નહીં ચાહીએ, લક્ષ્મીજીકો તો હમ ટચ ભી નહીં કરતા.' એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી, પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે. બીજા કેટલા ય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો વીતરાગ છે, અચેતન વસ્તુ છે. પોતે તેને તરછોડ ના મારવી જોઇએ. કોઇને પણ તરછોડ કરી, પછી તે ચેતન હશે કે અચેતન હશે તેનો મેળ નહીં ખાય. અમે 'અપરિગ્રહી છીએ' એવું બોલીએ, પણ 'લક્ષ્મીજીને કયારે ય નહીં અડું' તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું 'નાક' કહેવાય. 'વ્યવસ્થિત'ના નિયમના આધારે બધાં દેવ-દેવીઓ ગોઠવાયેલાં છે. માટે કયારે ય તરછોડ ના મરાય.

મન, વચન, કાયાથી કિંચિત્ ચોરી કરે તે ઘણી ય મહેનત કરે તો ય માંડ લક્ષ્મી મળે. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે-ચોરી. આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઇને આવ્યા હોય તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે. આજે પ્રામાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે. એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે. તેનું આ પરિણામ છે. મોટામાં મોટી સિદ્ધિ કઇ તો કે' મનુષ્યપણું. અને તે પણ ઊંચી નાતમાં જન્મ લેવો અને તે ય હિન્દુસ્તાનમાં આને મોટામાં મોટી સિદ્ધિ શાથી કહી ? કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય !

જયાં સુધી કોઇ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે !

આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઊતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઇ ને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલના પાણી જેવું છે, તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડયું કે, 'ચેતીને ચાલજો.'

લક્ષ્મીજી તો દેવી છે. વ્યવહારમાં ભગવાનનાં પત્ની કહેવાય છે. આ બધું તો પદ્ધતિસર 'વ્યવસ્થિત' છે પણ મહીં ચળવિચળ થવાથી ડખો ઊભો થાય છે. મહીં ચળવિચળ ના થાય ત્યારે લક્ષ્મીજી વધે. આ મહીં ચળવિચળ ના હોય તો એમ ના થાય કે શું થશે ! 'શું થશે ?' એવું થયું કે લક્ષ્મીજી ચાલવા માંડે.

ભગવાન શું કહે છે કે, તારું ધન હશેને તો તું ઝાડ રોપવા જઇશ અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરુર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરુર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરુર નથી. આ મોક્ષે ય મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસ બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાકયા હોય કે ના પાકયા હોય છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહીં ? 'વ્યવસ્થિત'નો નિયમ જ એવો છે !

જેને આપણે સંભારીએ એ છેટું જતું જાય. માટે લક્ષ્મીજીને સંભારવાની ના હોય. જેને સંભારીએ એ કળિયુગના પ્રતાપે રિસાયા કરે, ને સત્યુગમાં તે સંભારતાની સાથે આવે. લક્ષ્મીજી જાય ત્યારે 'આવજો' અને આવે ત્યારે 'પધારજો' કહેવાનું હોય. એ કંઇ ઓછું ભજન કરવાથી આવે ? લક્ષ્મીજીને મનાવવાનાં ના હોય. એક સ્ત્રીને જ મનાવવાની હોય.

ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી અને સત્ય કયારે ય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઇ છે અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય? ચોરોનું જ સામ્રાજ્ય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય. આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય ? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા હોય તેમાં કોઇ 'પોલ' મારીને ચાલતો થાય, તો એ લાભ માને, અને બીજા કેમ નથી માનતા? આ તો ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મુકાશે ? અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો તો બધે જ વિશ્વાસ મૂકવો જોઇએ ને! પણ આ તો ઘરમાં વિશ્વાસ એ ય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઇની સત્તા નથી, કોઇ કશું કહી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોત તો તો કોઇ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પર-સત્તા કેમ કહી ? આપણને ગમતું હોય ત્યાં પણ લઇ જાય ને ના ગમતું હોય ત્યાં ય લઇ જાય. ના ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પર-સત્તા જ ને !

'ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી' રાખવાની. પણ આ વાક્ય હવે અસર વગરનું થઇ ગયું છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, 'ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફૂલિસનેસ.' પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થઇ ગયા છે. 'બીવેર ઓફ થીવ્ઝ'નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું ? તેમ છતાં આ 'ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી'નું લોકો બોર્ડ મારે છે, છતાં ય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને નવાં સૂત્રોની જરુર છે. માટે અમે કહીએ છીએ કે 'ડીસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફૂલિશનેસ'નું બોર્ડ મૂકજો.

 

'નો લૉ' - લૉ

કેટલાક અમને કહે છે કે, 'દાદા, તમે આશ્રમ કેમ ખોલતા નથી? આશ્રમ ખોલોને દાદા ?'

પણ 'જ્ઞાની પુરુષ' આશ્રમનો શ્રમ ના કરે. એ તો કોઇની રૂમ મળે તો ત્યાં સત્સંગ કરે ને તે ય ના મળે તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરે. અને આ આશ્રમમાં તો કાયદા જોઇએ, રસોડું જોઇએ, જાજરુ જોઇએ. આ બધું જોઇએ ને એનો એ જ સંસાર જોઇએ. પાછી કયાં આ મુસીબત!

આશ્રમમાં તો દાળભાત, રોટલી ને શાક ખાઇને પડી રહે, ઘેર પડી રહે એવું. કેટલાંક તો ખાઇને પડી રહેવા જ આશ્રમમાં રહે છે! આપણને આશ્રમ ના હોય. આપણે તો બ્રહ્માંડના ઉપરી એટલે જયાં જઇએ ત્યાં બધાં જ ગામો આપણાં ને !

આપણે ત્યાં સત્સંગમાં નો લૉ ! આપણે ત્યાં તો લૉ વગરનો લૉ. 'અક્રમ' એટલે 'નો લૉ, આખા જગતમાં લૉ વગરની પાર્ટી હોય તો આ 'દાદા'ના ફોલૉઅર્સ પાસે. તેમને કોઇ જગ્યાએ લૉ ના હોય. જગતના લોકો લૉ વગર રહી જ ના શકે. લૉ વગરનો રહે તો મોક્ષે જાય ! લૉ ના હોય તો સહજ થાય. લૉથી અસહજ થાય. લૉ વગરનો કાયદો એટલે સહજ હોય.

જેનો એક્સેસ થાય, એટલે કે વધારો થાય તેનો અભાવ આવે. અને કન્ટ્રોલ થાય તો ત્યાં જ ચિત્ત જાય. ખાંડનો કન્ટ્રોલ કર્યો હોય તો ચિત્ત ખાંડમાં જ રહે કે કયારે લઇ આવું ? કન્ટ્રોલ એવી ચીજ છે, તે મનને ઉછાળે ચઢાવે. તેથી જ 'અમે' કહીએ છીએ કે ડીકન્ટ્રોલ કરી નાખો. બહાર તો કન્ટ્રોલ કર કર કરે છે, તેથી મન આખો દિવસ ઉછાળે રહ્યા કરે છે.

મનનો સ્વભાવ એવો છે કે એક્સેસ થાય એટલે એની ઉપર દ્વેષ થાય, એવી વસ્તુનો શો કન્ટ્રોલ કરવો ? ગમતી ચીજ હોય અને ઉપરથી કન્ટ્રોલ કરે તો ચિત્ત ત્યાં જ જાય, એવો ચિત્તનો સ્વભાવ છે.

આ નાનો બાબો હોય તેને કહીએ કે આ ના લઇશ તો એનું ચિત્ત ત્યાં ચોંટી રહે, અને બીજું આપે તો ય ના લે; માટે આપી છૂટવું. તે 'વ્યવસ્થિત'ની બહાર કેટલું લઇ લેશે; કેટલું ભેલાઇ જશે ?

આપણે અહીં તો કાયદો જ નહીં ને ! કાયદો એટલે અર્ધકન્ટ્રોલ. આપણે અહીં કહીએ કે, 'કેમ મોડા આવ્યા ? ચાર વાગ્યે જ આવી જજો.' તો મન કન્ટ્રોલમાં આવ્યું એટલે બગડી જ જાય. આ તો કન્ટ્રોલ ના હોય તો મન કેવું મુક્ત રહે ? સિમેન્ટનો કન્ટ્રોલ કરવા ગયા તો ભાવ ૩૨ રૂપિયા થઇ ગયો ! આ '૪૨ પછી કન્ટ્રોલ આવ્યો તેનાથી લોકોનાં મન બગડી ગયાં.

અમે કોઇને વઢીએ જ નહીં. અમે એમ ના કહીએ કે, 'આમ કેમ લાવ્યો ને આમ કેમ કર્યું ? બધાંને વઢવું ના પડે એવું જ અમે રાખ્યું છે. 'નો લૉઝ', કાયદો-બાયદો નહીં. રસોઇમાં કોઇ તપેલું ઊંધું મૂકે તો ય અમે કશું ના બોલીએ, એને એની મેળે જ એને એક્સપીરિયન્સ મળશે ને ? આ વર્લ્ડને એક દહાડો બધા જ કાયદા કાઢી નાખવા પડશે ! સૌથી પહેલું કાયદા વગરનું આપણે કર્યું છે ! સરકારને કહીશું કે જોઇ જાવ અમારે ત્યાં કાયદા વગરનું સંચાલન! આ ઔરંગાબાદમાં ૧૦૦ માણસોનું વગર કાયદે દસ દિવસનું કેવું ચાલે છે ! કેવું સુંદર ચાલે છે!! ચા, પાણી નાસ્તા !!! બીજે બધે તો કેટલા કાયદા ! લૉઝ પર લૉઝ ! આ તો 'ગેરકાયદેસર' મંડળી કહેવાય !

કાયદેસરની મંડળીમાં ભગવાન રહેતા નથી અને ગેરકાયદેસરની મંડળીમાં ભગવાન રહે છે ! ભલેને ચોર હોય પણ ગેરકાયદેસર હોય તો ભગવાન ત્યાં રહે. કારણ કે સંપેલા હોય માટે ભગવાન ત્યાં હાજર રહે. આ ગેરકાયદેસર મંડળીમાં જેને જેમ ફાવે તેમ બેઠું છે. ગેરકાયદામાં દરેક સ્વેચ્છાએ કાયદાનું પાલન કરે છે. ગેરકાયદામાં કુદરતી રીતે જ કાયદા પળાય છે.

સરકારે કાયદા કર્યા, લોકોએ કાયદા કર્યા, સમાજે કાયદા કર્યા ને કાયદાની ચુંગલમાં આવી ગયા બધા. ધર્મમાં તો કાયદા જ ના હોય. કાયદાની ચુંગલમાં આવ્યો તે કાળા કપડાંવાળામાં ફસાયો. કાળા કપડાં ઇટસેલ્ફ શું કહે કે અમે તો અપશુકનવાળાં છીએ !

એક દહાડો દુનિયાને કાયદા છોડી દેવા પડશે ! 'નો કૉર્ટ'. આ કોર્ટોથી જ તો બગડયું છે બધું ! કાળાં કપડાં ! કાયદા એકસેસ થઇ ગયા એટલે પોઇઝન થઇ ગયું. કાયદો રીતનો હોય. ને ધર્મમાં તો કાયદો જ ના હોય. પરંતુ તુ જૈન શાનો ? તું વૈષ્ણવ શાનો ? તારું ડેવલપમેન્ટ શાનું? જો તું ડફોળ છું તો તારે માટે કાયદાની જરુર છે અને જો તું ડેવલપ્ડ છું તો તને કાયદાની જરુર નથી. જૈનને કાયદાની જરુર જ નથી. એને તો મહીથી જ બધા કાયદા દેખાય ! આપણે કાયદા વગર બધું ચાલવા દીધું ! ને જેને જેમ ફાવે તેમ ચાલવા દીધું ! દરેકને બધી જ છૂટ આપી.

અમે બધા ૩૮ દિવસની જાત્રાએ ગયેલાં, ત્યાં ય અમારે તો નો લૉઝ. તે પછી એવું નહીં કે કોઇની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવું ય નહીં ને ના આપવી એવું ય નહીં. તે જો લઢે તો 'અમે' જોઇએ. રાત્રે પાછા બધાં 'અમારી' સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઇ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા બધાં ધોઇ નાખે ! આ પ્યોર 'વીતરાગ માર્ગ' છે, એટલે અહીં કેશ-રોકડાં પ્રતિક્રમણ કરવાં પડે, આમાં પખવાડિક, માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ. કાયદો હોય તો મોઢે બોલે નહીં ને મહીં અંદર લોચા વાળે. મહીં ગૂંચાયા કરે. આપણે ત્યાં તો કાયદો જ નહીં. આ અક્રમ જ્ઞાન એવું છે !! અમારી હાજરી છે ત્યાં સુધી છૂટ આપેલી તે કાયદો-બાયદો નહીં.

આખા જગતમાં બધે સાધુ, સંન્યાસી પાસે કાયદા છે. તેમાં આમ બેસવું ને તેમ કરવું. તે લૉઝ તો સંકલ્પ-વિકલ્પ ઊભા કરે અને આત્મા સહજ છે. કાયદો એ બંધન છે. સંઘમાં નિયમ કરે છે ને નિયમ એ જ બંધન છે. એ તો યમમાંથી નિયમમાં આવે તેને માટે છે. યમ એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અનેં નિયમ સેકન્ડ સ્ટાન્ડર્ડ. ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે તેને માટે કાયદા છે. મોક્ષ માટે આની જરુર નથી. મોક્ષ માટે તો આત્માને સહજ વર્તવા દો. સહજ વર્તવા દો તો સહજ મોક્ષ વર્તે !

અહીં ધર્મમાં એક પૈસાનો ય વ્યવહાર ના હોય. આરતીના ઘી માટે પૈસા અહીં ના હોય. પુસ્તકો છપાય તે માટે પૈસો જોઇએ, તે અહીં માગવાના ના હોય. અને કેવી રીતે પૈસા વગર ચાલે છે તે જ અજાયબી છે ! જો ધર્મમાં પૈસા ઘાલ્યા તો 'પૈડ'માં પડવા જેવું છે ! એના માટે તો કાયદા જોઇએ, ઓફિસ જોઇએ ને પાર વગરની જંજાળ જોઇએ. અહીં કાયદો નથી તે બધા કેવા શાંતિથી બેઠા છે ! અને અપાસરામાં તો વ્યાખ્યાન સાંભળવા આવે તો કાંકરાચાળી કરે ! ત્યાં કાયદો હોય કે 'શાંતિ રાખો' છતાં કાંકરાચાળી !

આ દુષમકાળના માણસો કાયદા માટે ન હોય. એ તો કંટ્રોલ કર્યો કે મન વધારે બગડે ! અને એક કાયદો પેઠો તો કાયદાની બુકો ગોઠવવી પડે. તે નવું કશુંક થયું તો કાયદો કાઢો, જૂનાં પુસ્તકો કાયદાનાં ઉઘાડો ને તપાસ કરો.

કાયદામાં વિવેક

એક ઘરડા મહારાજ અપાસરામાં ચતુર્માસ કરવા આવેલા. તે બિચારા બહુ ઘરડા ને પગે લંઘાતા હતા. તેમાનાથી ચલાતું જ નહોતું. તે ચાતુર્માસ પૂરા થયા એટલે એમને કહેવામાં આવ્યું કે, ''તમે હવે વિહાર કરી જાઓ.'' મહારાજને પગે ઠીક થયું જ નહીં, તેથી તેમણે રહેવા માટે એકસ્ટેન્શન માગ્યું. તે સંઘપતિએ કહ્યું કે, ''વધારેમાં વધારે જેટલું અપાય તેટલું આપ્યું છે, હવે આગળ એકસ્ટેન્શન નહીં મળે.'' હવે મહારાજને તો ફરજિયાત જવું પડે તેમ જ થયું. તે મહારાજે કહ્યું, ''ભલે ત્યારે હું જઇશ. અહીંથી ચાર માઇલે છાણી ગામ છે, ત્યાં વિહાર કરી જઇશ. પણ ચાર માઇલ મારાથી ચલાય તેમ નથી, તો ડોલીની વ્યવસ્થા કરી આપો.'' એટલે સંઘપતિએ કહ્યું કે, ''આજ સુધી આવી ડોલી તો અમે કોઇને કરી આપી હોય તેવું યાદમાં નથી.'' તે તેમણે પછી પાછલા બધા ચોપડા જોયા, ખાતાવહી જોઇ, તેમના કાયદાના ચોપડા ઉથામ્યા પણ કયાં ય તેમને એવું જડયું જ નહીં કે કોઇ મહારાજને પગે લંઘાવાથી ડોલીની વ્યવસ્થા કરવી પડી હોય ! એટલે એમણે તો મહારાજને કહ્યું કે, ''એવો કોઇ કાયદો કરવામાં આવ્યો નથી. તો અમે શું કરીએ ? કાયદો કેમ તોડીએ ?'' અલ્યા, શું બધાંને પગે લંઘાતું હોય છે તે એવો કાયદો કરવો પડે ? કંઇક વ્યવહારિક સમજ તો જોઇએને કે જડની જેમ જ કાયદાને પકડીને બેસવાનું ?

તે મહારાજ બિચારા મારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા. મને કહે કે, ''ભાઇ, જુઓને મારી આ અવદશા આ સંઘે કરી છે ! પચાસ રૂપિયા કોઇ કાઢતું નથી ને ડોલીની વ્યવસ્થા કરતું નથી, ને બીજી બાજુ વિહાર કરી જાઓ, વિહાર કરી જાઓ એમ કહ્યા કરે છે. શું કરું હવે હું ? તમે જ કંઇ રસ્તો કરો.'' પછી અમે તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી ડોલીની વ્યવસ્થા થઇ ને મહારાજને વાજતે-ગાજતે બેંડવાજાં વગાડીને વિદાયગીરી આપાવામાં આવી ! મોટો વરઘોડો કાઢયો ને સંઘપતિ પણ માથે પાઘડી-બાઘડી મૂકીને ધામધૂમથી મહારાજના વરઘોડામાં ચાલ્યા !

અલ્યા, આ વાજાં વગાડયાં ને વરઘોડાનો જલસો કર્યો તેમાં ૫૦૦ રૂપિયા ખર્ચ્યા ને મહારાજ માટે ડોલી કરવા પચાસ રૂપિયા ના ખર્ચાયા? કારણ શું ? તો કે' વરઘોડાનો કાયદો તો અમારી પાસે છે પણ આ ડોલીનો કાયદો તો અમારા પાછલા ઇતિહાસમાં પણ નથી, એટલે અમે કેવી રીતે એમ કરીએ ?

હવે આને મારે 'અવ્યવહારુ' ના કહેવું તો શું કહેવું ?

અમારે અહીં કાયદા નથી, પણ પાછું જોડે જોડે સામાના કાયદા અમારાથી ના તોડાય. કોઇનો કાયદો તોડવો એનાથી તો સામા માણસને અવળી અનુમોદના મળે, તેનું આપણે નિમિત્ત બનીએ. આપણાથી આવું ના હોવું ઘટે. 'આપણું' તો કોઇ નામ જ દેનારું નથી. પણ આ નિમિત્ત બનીએ તો સામાવાળાને ટેવ પડે કે આપણે ય આવી રીતે કાયદો તોડીએ. માટે આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે.

અમારે કાયદો ના હોય, આજ્ઞા જ હોય. રીલેટિવ બધામાં કાયદા હોય, અહીં કાયદા ના હોય.

 

ધર્મધ્યાન

પ્રશ્નકર્તા : પૂજા-સેવા કરીએ એ ધર્મધ્યાન કહેવાય ને ?

દાદાશ્રી : ના, એને ધર્મધ્યાન ના કહેવાય. પૂજા, સેવા કરતી વખતે તમારું ધ્યાન કયાં વર્તે છે તે જોવાય છે. ભગવાન ક્રિયા જોતાં જ નથી, પણ ક્રિયા વખતે ધ્યાન કયાં વર્તે છે તે જુએ છે.

એક શેઠ હતા. રોજ સવારના ચાર કલાક પૂજા, પાઠ, સામાયિક વગેરે કરતાં. એક દિવસ એક માણસે બારણું ઠોકયું ને શેઠાણીએ ઉઘાડીને પૂછયું, ''શું કામ છે ?'' તે માણસે શેઠાણીને પૂછયું કે ''શેઠ કયાં ગયા છે ?'' શેઠાણીએ તરત જ જવાબ આપ્યો, ''શેઠ ઢેઢવાડે ગયા છે !'' શેઠ મહીં રહ્યા રહ્યા આ બધું સાંભળી રહ્યા હતા. ને તેમને થયું કે ખરેખર અત્યારે હું વિષયોના જ ધ્યાનમાં હતો. ભલેને હું સામાયિકમાં હોઉં, પણ ધ્યાન તો મારું ઢેઢવાડામાં જ હતું ! તે તેને થઇ ગયું કે ખરેખર મારા કરતાં મારી પત્ની વધારે સમજુ છે !

સામાયિક કરતા હો, માળા ફેરવતા હો પણ ધ્યાન જો બીજે જ ગયું હોય તો એ ક્રિયાનું ફળ નથી જોવાતું, પણ તે વખતે જે ધ્યાનમાં પોતે વર્તતા હોય તે જ જોવામાં આવે છે.

ધ્યાન એ જ પુરૂષાર્થ

જગત ભ્રાંતિવાળું છે. તે ક્રિયાઓ ને જુએ, ધ્યાનને જુએ નહીં. ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ છે અને ક્રિયા એ ગયા અવતારનો પુરુષાર્થ છે. ધ્યાન એ આવતા અવતારમાં ફળ આપનારું છે. ધ્યાન થયું કે એ વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે ધ્યાન સ્વરૂપ થઇ મહીં સૂક્ષ્મતાએ સંગ્રહ થઇ જાય છે અને કારણ-દેહનું સર્જન થાય છે. જયારે ઋણાનુબંધી માતાના ગર્ભમાં જાય છે ત્યારે સૂક્ષ્મ દેહ જે છે તે, વીર્ય અને રજના સ્થૂળ પરમાણુ એકદમ ખેંચી લે છે. તેનાથી કાર્યદેહનું બંધારણ થઇ જાય છે. માણસ મરે છે ત્યારે આત્મા, સૂક્ષ્મ-શરીર તથા કારણ-શરીર સાથે જાય છે. સૂક્ષ્મ-શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ-શરીર દરેકનાં પોતે સેવેલાં કોઝીઝનાં પ્રમાણે જુદાં જુદાં હોય છે. સૂક્ષ્મ-શરીર એ ઇલેક્ટ્રિકલ બોડી છે, જે ખોરાક વગર રહી શકે જ નહીં. માટે મૃત્યુ પછી તરત જ માતાના શરીરમાં તે જ ક્ષણે પ્રવેશ પામીને રહે છે. અને ટાઇમિંગ મળે એટલે વીર્ય અને રજના સંયોગથી તે જ ક્ષણે એકદમ સ્થૂળ પરમાણુઓ ખોરાક રૂપે ચૂસી લે છે અને સ્થૂળ દેહ ગઠ્ઠા સ્વરૂપે પ્રાપ્ત કરી લે છે. તે પછી જીવ ડેવલપ થતો જાય છે અને પાંચેક માસે સંચાર થવો શરૂ થાય છે.

એક ક્ષણ માટે પણ 'અમને' 'અમારા સ્વરૂપ' સિવાય એક પણ સંસારી વિચાર આવે નહીં. અમારી ઇચ્છા ખરી કે બધાં અમારા આ સુખને પામો. ધ્યાન એ જ આવતા ભવનું સાધન છે ! એ સિવાય બીજું કંઇ જ સાધન નથી આવતા ભવનું !

વીતરાગોનો મત શો છે ? ધ્યાન ફેરવો. દુર્ધ્યાન થતું હોય તો પુરુષાર્થ એટલો કરો કે દુર્ધ્યાન ના થાય.

પ્રશ્નકર્તા : એમાં પુરુષાર્થ શી રીતે કરવો ?

દાદાશ્રી : ક્રિયા ના ફરી શકે પણ ધ્યાન ફરે તેવું છે. આ કાળના દબાણથી રૌદ્રધ્યાન થાય. આર્તધ્યાન થાય; પણ ભગવાને તેની સામે પુરુષાર્થનું સાધન કહ્યું છે, એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ખસેડવાનાં છે. જેમ આપણે ખોરાકમાં હિતવાળો ખોરાક ખાઇએ છીએ અને અહિતવાળો ખોરાક ખસેડીએ છીએ, તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખસેડવાનાં છે અને ધર્મધ્યાન કરવાનું છે.

આર્તધ્યાન - રૌદ્રધ્યાન

પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કોને કહેવાય ?

દાદાશ્રી : કોઇનાં સુખને કિંચિત્ માત્ર પડાવી લેવાનું ધ્યાન કરવું તે રૌદ્રધ્યાન છે. પછી ભલેને એણે ખરેખર પડાવી ના લીધું હોય, પણ તે ધ્યાન તો રૌદ્રધ્યાન જ ગણાશે. અને તેનું ફળ નર્કગતિ છે. અને આર્તધ્યાન એટલે જે પણ કંઇ ચિંતા-ઉપાધિ આવી પડે તે પોતે એકલો પોતાની મહીં જ સહન કર્યા કરે ને કયારે ય પણ મોઢેથી બોલે નહીં, ક્રોધ કરે નહીં, તો એ આર્તધ્યાનમાં ગણાય. આજે તો આર્તધ્યાન એકલું જડવું મુશ્કેલ છે. જયાં ને ત્યાં રૌદ્રધ્યાન જ છે. ધર્મસ્થાનોમાં ય આ કાળમાં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પેસી ગયાં છે ! તે સાધુઓને નિરંતર આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરે છે. શિષ્યો પર ચિઢાય તે રૌદ્રધ્યાન છે અને મહીં ધૂંધવાયા કરે તે આર્તધ્યાન છે. ફલાણા મહારાજને ૨૫ શિષ્યો છે ને મારે તો આટલા જ છે, એ ભયંકર આર્તધ્યાન છે. અને પછી એ શિષ્યો વધારવામાં પડી જાય છે ને ભયંકર રૌદ્રધ્યાન કરે છે. મહાવીર ભગવાનની પાટ ઉપર આ કેમ શોભે ? આ તો રેસ કોર્સમાં પડયા છે! શિષ્યો વધારવામાં પડયા છે ! અલ્યા, ઘેર એક બાયડી ને બે છોકરાં એમ ત્રણ ઘંટ હતા તે છોડીને અહીં ૧૦૮ ઘંટ ગળે વળગાડયા ? આને વીતરાગ માર્ગ કેમ કરીને કહેવાય ? !

પ્રશ્નકર્તા : આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવાં શી રીતે ?

દાદાશ્રી : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય એ આ કાળનાં કર્મોની વિચિત્રતા છે. પણ એ જે અતિક્રમણ થયું તેની પાછળ પ્રતિક્રમણ રોકડું રાખ. વખતે અતિક્રમણ થઇ જાય પણ પ્રતિક્રમણ આપણે કરવું પડે. રૌદ્રધ્યાનમાં પશ્ચાત્તાપ થાય તો તે આર્તધ્યાનમાં જાય અને જો રૌદ્રધ્યાનમાં યથાર્થ પ્રતિક્રમણ થાય તો ધર્મધ્યાન થાય. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સાથે હોય. ભલેને ભગવાનની મૂર્તિ હોય, પણ તેની સાક્ષીએ આલોચના કરીએ અને ફરી ફરી તેવું ધ્યાન નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરવો પડે.

પ્રશ્નકર્તા : આપણું કોઇ અપમાન કરે તો શી રીતે મનમાં લેવું ?

દાદાશ્રી : આત્મજ્ઞાન હોય તો અપમાનનો વાંધો ના આવે. પણ જ્ઞાન ના હોય તો મહીંથી કહેવું કે પોતાની પહેલાંની ભૂલ હશે. આપણી પોતાની જ ભૂલ હશે તેથી સામો અપમાન કરે છે. મારો કંઇ પહેલાંનો હિસાબ હશે તેથી પાછો વાળે છે, એટલે આપણે જમા કરી લો. આ અપમાન કરવાવાળાને કહીએ કે, '' ભાઇ, તું ફરી અપમાન કર તો?'' ત્યારે એ કહેશે, ''હું કંઇ નવરો છું ?'' આ તો જે ઉધાર્યુ છે એ જ જમા કરાવી જાય છે. જન્મ્યો ત્યારથી તે મર્યો ત્યાં સુધી બધું ફરજિયાત જ છે. આ કેટલા ય પાસ થઇ જાય છે, કેટલાક નાપાસ થાય છે અને કેટલાક ભણતા ય નથી. આ બધું પહેલાંના હિસાબે રહેલું છે. આ બધો હિસાબ કોણ રાખે છે ? આ તો મહીં ગજબનું એડજસ્ટમેન્ટ છે. મહીં અનંત શક્તિઓ છે. આ હિસાબ ચાર ધ્યાનના આધારે છે. જેવું ધ્યાન વર્તે તેવું ફળ આવે.

અનંત કાળથી ભટક ભટક કરીએ છીએ, છતાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અટકયાં નથી. તેથી તેમને સમજવા જોઇએ. ઘરમાં ઝઘડા થાય તો ખમાવવું જોઇએ. સામો વેર ના બાંધે તેમ ખમાવવું જોઇએ. ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે. આ ખમાવવું કેમ ? મફતમાં કેમ ખમાવાય ? ના, જેટલું તમે આપો છો તેટલું જ પાછું આવે છે.

રૌદ્રધ્યાન અને આર્તધ્યાન બે જ કૈડે છે, બીજું બહારનું કૈડતું નથી! ક્રોધ, માન, માયા, લોભ ખસેડયા ખસેડાય તેમ નથી. ડૉક્ટરે ખાંડ ખાવાની ના કહી હોય, તો કેવું જાગ્રત રહેવાય છે ? જો ડૉક્ટરે કહ્યું હોય કે, 'તમને હાર્ટ એટેક આવ્યો છે ને મીઠું બિલકુલ ખાવાનું નહીં, ખાશો તો બીજો એટેક આવશે ને તમે મરી જશો.' ત્યારે તમે કેવા એલર્ટ રહો છો ! ત્યાં કેમ ચેતતા રહો છો ? આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ તો અનંત કાળના મરણ છે. માટે તેમને બંધ કરવાં જ છે એમ નક્કી કર્યું કે તરત જ ૫૦ ટકા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઓછાં થઇ જાય ! તમારે ભક્તિ-બક્તિ, સામાયિક કે પૂજા-પાઠ જે કરવું હોય તે કરવાનું, જે ગુરુને આરાધ્યા હોય તેમની આરાધના કરવાની; પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થાય તેટલું કરવાનું. શુકલધ્યાન આ કાળમાં હોય જ નહીં. છતાં, કોઇ ને જો શુકલધ્યાન જોઇતું હોય, ચિંતા કાયમને માટે બંધ કરવી હોય તો અમારી પાસે સત્સંગમાં આવજો. અમે એક કલાકમાં જ તમને શુક્લધ્યાન આપીશું. 'જ્ઞાની પુરુષ' શું ના કરી શકે ? 'જ્ઞાની પુરુષ' ચાહે-સો કરે, પણ અમે કોઇ ચીજના કર્તા ના હોઇએ. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ નિરંતર.

જો શુકલધ્યાન પ્રાપ્ત ના થાય તો ધર્મધ્યાનમાં આ કાળમાં રહે તો ય ઘણું કહેવાય. આજે તો ખરું ધર્મધ્યાને ય અલોપ થઇ ગયું છે. ધર્મધ્યાનને સમજતાં જ નથી કે ધર્મધ્યાન કોને કહેવાય ? ધર્મધ્યાન તો જેટલો વખત કર્યું એટલો વખત ! એક કલાક તો એક કલાક, પણ ત્યારે આનંદ પુષ્કળ રહે. અને એ આનંદનો પડઘો બીજા બે-ત્રણ કલાક રહે. ધર્મધ્યાન સમજતાં નથી તો પછી કરે શું ? આખો દહાડો રૌદ્રધ્યાન ને આર્તધ્યાન, રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ! આખો દહાડો કચકચ ! ભગવાને કહ્યું હતું કે ધર્મધ્યાનમાં રહેજો.

ધર્મધ્યાનનાં ચાર પાયા

પ્રશ્નકર્તા : ભગવાને કોને ધર્મધ્યાન કહ્યું હતું ?

દાદાશ્રી : ભગવાને આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ એમ કહ્યું હતું. ભગવાને ધર્મધ્યાનના ચાર પાયા કહ્યા.

ભગવાનની આજ્ઞા સાચી જ છે એમ માનવામાં આવે તો તેને ધર્મધ્યાનનો પહેલો પાયો અર્થાત 'આજ્ઞાવિચય'માં આવી ગયો. બીજો પાયો એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એને ન હોય એવું રહે. એટલે 'અપાય-વિચય'માં આવી ગયો. સામાએ ઢેખાળો માર્યો તે મારા પોતાના જ કર્મનો ઉદય છે એવું રહે એટલે ત્રીજો પાયો એટલે કે 'વિપાક-વિચય'માં આવ્યો કહેવાય અને ચોથો પાયો એટલે 'સંસ્થાન-વિચય' તે ચાર લોક છે, તેની હકીકત સમજી જાય તો ધર્મધ્યાન પૂરું થાય.

હવે ભગવાનની આજ્ઞા સાચી છે એ તો બધા કબૂલ કરે જ છે. 'સંસ્થાન-વિચય' બહુ ઊંડું ના સમજાય તો ચાલશે. તેના કરતાં સમકિત પ્રાપ્ત થાય એવી કંઇ ગોઠવણી કરને એટલે એમાં બધું જ આવી જાય! અને ધર્મધ્યાનમાં મુખ્ય પુરુષાર્થ જ ત્યાં કરવાનો છે કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તો પછી બાકી શું રહે ? ધર્મધ્યાન જ. શુકલધ્યાન તો છે નહીં, માટે ધર્મધ્યાન જો પ્રાપ્ત કરવું હોય તો આર્તધ્યાનને અને રૌદ્રધ્યાનને ખસેડો. ધર્મધ્યાન શેને કહેવાય ? કોઇ ગાળ ભાંડતો હોય તો તમને ગાળ ભાંડનારનો દોષ ના દેખાય. તમારું જ્ઞાન એવું હોય કે ગાળ ભાંડે છતાં તેનો દોષ દેખાય નહીં ને મારા જ કર્મના ઉદયનો દોષ છે એવું ભાન રહે. આને જ ભગવાને ધર્મધ્યાન કહ્યું છે.

ઘરમાં સાસુ વઢતી હોય તો આપણે સમજવું જોઇએ કે મને આ સાસુ જ કેમ ભાગમાં આવી ? બીજી સાસુઓ શું નહોતી ? પણ મને આ જ કેમ મળી ? માટે તેની જોડે કંઇ આપણો હિસાબ છે, તો તે હિસાબ શાંતભાવે પૂરો કરી લો.

ધર્મધ્યાન રહ્યું નથી. આ કાળમાં ધર્મધ્યાન સમજતા જ નથી. સમજતા હોત તો ય કલ્યાણ થઇ જાત !

પ્રશ્નકર્તા : શું અહંકારનું જોર વધારે હોય છે એટલે ધર્મધ્યાન ભૂલી જાય છે ?

દાદાશ્રી : સમજ કોનું નામ કહેવાય કે સમજણથી પ્રવર્તન તેવું જ થાય. જયાં સુધી પ્રવર્તનમાં ના આવે ત્યાં સુધી સમજણ પડી નથી એવું કહેવું જોઇએ. સમજણનું ફળ તરત જ પ્રવર્તનમાં આવવું એ છે. પ્રવર્તનમાં આવવું જ જોઇએ. આપણે નાના છોકરાને કહીએ કે આ બે શીશીઓ મૂકી છે, બેઉ સરખી જ છે અને બેઉમાં દવા છે, બેઉમાં વ્હાઇટ પાઉડર છે. એક ઉપર લખ્યું હોય અમૃત ને બીજા ઉપર લખ્યું હોય પોઇઝન, તો છોકરાને આપણે સમજ પાડવી જોઇએ કે આમાંથી કશું ખાઇ ના જતો. આપણે અમૃતની દવા મોઢામાં નાખતા હોઇએ, તો છોકરો ય જો જાણતો ના હોય કે આમાં કયું અમૃત છે ને કયું ઝેર છે તો તે ભૂલથી પોઇઝન ખાઇ લે. માટે આપણે છોકરાને કહીએ કે આમાં પોઇઝન છે. એકલું પોઇઝન બોલ્યેથી છોકરો સમજી ગયો એમ કહેવાય નહીં. તેને તો પોઇઝન શું છે તે સમજાવવું જોઇએ. તેને સમજાવવું જોઇએ કે પોઇઝનથી માણસ મરી જાય. મરી જવું શું છે, એ છોકરાં સમજતા નથી. એટલે તેમને તે પણ સમજાવવું પડે કે પરમ દહાડે પેલા કાકા મરી ગયા હતા, એવું થઇ જાય. એવું બધી રીતે વિગતથી સમજાવવામાં આવે તો પછી છોકરો કયારે ય પોઇઝનની શીશીને ના અડે. એ અમલમાં આવી જ જાય. અમલમાં ના આવ્યું તે અજ્ઞાન છે. પૂરેપૂરી સમજ તો, પદ્ધતિસર શીખેલો જ નથી. કો'કના દા

ખલા, નકલ કરીને લઇ આવે તેથી કંઇ આવડી ગયું ? કોઇએ દાખલા ગણ્યાં હોય, મેથેમેટિક્સના અને નકલ કરીને લઇ આવે તેથી કંઇ આવડી ગયું ? આ બધું નકલી જ્ઞાન છે. દરઅસલ જ્ઞાન ન હોય. બાકી કોઇ ગાળ ભાંડે અને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે! આ જ મોક્ષે લઇ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળેને તો મોક્ષે જતો રહે ! બીજું બધું શું કરવાનું ?

સામાયિક તો સમજતાં જ નથી. સામાયિક શેને કહેવું તે જ જાણતા નથી. સામાયિકમાં જે ના સંભારવાનું, ના યાદ કરવાનું હોય તે જ પહેલું યાદ આવે ? પોતે સામાયિક લે ને મનમાં નક્કી કરે કે આજે દુકાન યાદ કરવી જ નથી તો પહેલો ધબડકો દુકાનનો જ પડે ! કારણ કે મન એ રીએક્શનવાળું છે. જે તમે ના કહો તેનો પહેલો મહીં ધડાકો થાય ! અને તમે કહો કે તમે બધા આવજો તો તે વખતે ના આવે ! તમે જો એમ કહો કે હું સામાયિક કરું ત્યારે તમે બધા આવજો, તો તે ઘડીએ કોઇ ના આવે ! એવું છે આ બધું અજ્ઞાન ! સ્પંદન થયું કે ખલાસ થઇ ગયું ! અનંત શક્તિઓ આત્માની છે !

જો અમારો આટલો એક જ શબ્દ પાળે કે આપણને કોઇ ગાળ ભાંડે, આમ તેમ પજવે, હેરાન કરે એ બધું મારા કર્મના ઉદયથી છે, સામાનો દોષ નથી, સામો તો નિમિત્ત છે. એમ આટલું જ જો ભાન રહેને તો તને સામો માણસ નિર્દોષ દેખાશે ! અને આનાથી પોતે તરી પાર ઊતરે. ઠેઠ મોક્ષે પહોંચાડે. અમારું એક જ વાક્ય મોક્ષે લઇ જાય એવું છે. 'જ્ઞાની પુરુષ'નું એક જ વાક્ય જોઇએ. મોક્ષે જવા માટે શાસ્ત્રની કાંઇ જરુર નથી. કારણ કે 'જ્ઞાની પુરુષ' સીધો મોક્ષમાર્ગ બતાવી દે આખો. એટલે વસ્તુસ્થિતિમાં સમજવાની જરુર છે.

લોકો કહે છે કે અમને 'જ્ઞાન' છે. 'જ્ઞાન' એનું નામ ના કહેવાય. 'જ્ઞાન' તો અમલમાં આવે એને જ કહેવાય. આપણને બોરીવલીના રસ્તાની ખબર છે તો બોરીવલી આવવું જ જોઇએ. અને જો બોરીવલી ના આવે તો જાણવું કે, બોરીવલીના રસ્તાનું આપણને જ્ઞાન જ નહોતું. ભગવાનના ધર્મધ્યાનમાં એટલું બધું બળ છે, ગજબની તાકાત છે ! પણ એ ધર્મધ્યાન સમજે નહીં ત્યાં સુધી શું કરે ?

અને વીતરાગોએ પાછું કહ્યું કે, ઉદય કર્મથી તું ભડકીશ નહીં. આખો દહાડો ઉદય તને હેરાન કર કર કરે તો તેનાથી ય તું ભડકીશ નહીં. કારણ કે એમાં કોઇનો દોષ નથી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16