ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

ચિંતા એ જ આર્તધ્યાન

''રાઇ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન,

તે નિશ્ચય કર છોડીને, તજિયે આરતધ્યાન.''

ચિંતા-બિંતા છોડી દો. ચિંતા એ આર્તધ્યાન છે. આ શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઇ આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એટલે કોઇનો દોષ જોઇશ નહીં, કોઇના દોષ ભણી દ્રષ્ટિ ના કરીશ અને પોતાના દોષે જ બંધન છે એવું સમજી જા. રાઇ માત્ર વધઘટ થવાનું નથી. તારાથી ફેરફાર કશો થશે નહીં એટલે 'જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર' અથવા 'જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ' કર્યા કર ને ! જય ભગવાનનો બોલાવ. બીજા લોકોનો શું કરવા બોલાવે છે ? આ તો તમે આ ભાઇને વઢતા હો, ને આ બીજા ભાઇ તેમનું ઉપરાણું લે તો આ બીજા ભાઇનો જય બોલાવે આ. અલ્યા, જય બોલાવ મહાવીરનો કે કૃષ્ણનો. આજે તો પેલા ભાઇનો જય બોલાવું છું. તે તો કાલે પાછો વઢવા આવશે. આમનાં શાં ઠેકાણાં ? બોલાવ જય વીતરાગનો- નમો વીતરાગાય ! નમો વીતરાગાય !

પ્રશ્નકર્તા : શું, ભગવાને ચિંતા-ઉપાધિ મોકલી હશે ?

દાદાશ્રી : પોતાને જેવો વેપાર કરતાં આવડે એવું મળે. દહીં ચોખ્ખું હોય, દહીં બજારનું, મસાલા બજારનાં, લાકડાં બજારનાં, પાણી છે તે ય વોટર વર્કસનું; છતાં ય બધાંની કઢીમાં ફેર ! દરેકની કઢીમાં ફેર હોય. કોઇએ તો કઢી એવી બનાવી હોય કે આપણું માથું ખલાસ થઇ જાય! આ બધાંને ભગવાન શું કહે છે કે, 'તને જેવું આવડે એવું કર. તારા હાથમાં સત્તા છે ! કોઇ ઉપરી છે નહીં, કોઇ વઢનાર છે નહીં. વઢનારા તે આપણી ભૂલને લઇને, ભૂલ ના હોય તો કોઇ વઢનાર જ નથી. આપણી ભૂલ ભાંગી જાય તો કોઇ વઢનાર છે જ નહીં, કોઇ ઉપરી છે જ નહીં, કોઇ આડખીલી કરનારો છે જ નહીં. ભગવાનને કહે કે, 'સાહેબ, તમે તો મોક્ષે પહોંચી ગયા પણ આ લોકો મારું ચોરી કરી જાય છે, તો તેનું શું થાય ?' તે ભગવાન કહે કે, 'ભાઇ, લોક ચોરી કરે જ નહીં. તારી પાસે તારી ભૂલ છે ત્યાં સુધી ચોરી કરશે. તારી ભૂલ ભાંગી નાખ.' બાકી કોઇ તારું નામ પણ ના દઇ શકે એવી તારી શક્તિ છે ! સ્વતંત્ર શક્તિ લઇને આવેલા છે દરેક જીવ ! જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર જ છે. પરતંત્રતા લાગે છે, લોકો એને રિબાવે છે, તે એની પોતાની ભૂલથી જ કોઇના જમાઇ ને કોઇના સસરા થવું પડે છે. આપણી ભૂલોને લીધે આ વેશ ઊભો થયો છે. ખરેખર જોઇએ તો આપણો કોઇ ઉપરી છે જ નહીં, માત્ર

પોતાની

ભૂલો જ ઉપરી છે. તો ભૂલો ભાંગો અને નવી ભૂલો ના થવા દેશો.

'જ્ઞાની' એટલે અજ્ઞાનને ઘૂસવા ના દે. 'જ્ઞાન' ના મળ્યું હોય ત્યાં સુધી લોકોએ ધર્મધ્યાનમાં રહેવું જોઇએ. ભગવાનનું ધર્મધ્યાન એકલું પામેને તો બહુ થઇ ગયું ! જો કોઇ એટલું જ નક્કી કરે, કે જે કોઇ દુઃખ દે છે, જે જે કરે છે, ગજવું કાપે છે તે કોઇનો દોષ નથી, પણ દોષ મારો છે, મારા કર્મના ઉદયનો છે. માટે કોઇને દોષિત તરીકે ના જુઓ તો મુક્તિ મળી જાય. પણ આ તો 'આણે મને આમ કર્યું, આ મારું ચોરી ગયા, આ મારું ખાઇ ગયાં', બધા લોકોની ઉપર આરોપ કરે છે, જે નહીં કરવાનું તે કરે છે.

નિમિત્તને બચકાં

હમણાં સાસુ દુઃખ દેતી હોય ને, તો વહુ પોતાના દોષ જોતી નથી પણ સાસુની જ ખોડ કાઢ કાઢ કરે છે. પણ તે જો ધર્મધ્યાન સમજે તો શું કરે ? 'મારા કર્મના દોષ, તેથી મને આવાં સાસુ મળ્યાં. પેલી મારી બહેનપણીને કેમ સારી સાસુ મળી છે' એવો વિચાર ના કરવો જોઇએ? આપણી બહેનપણીને સારાં સાસુ હોય છે કે નથી હોતાં ? તો આપણે ના સમજીએ કે આપણી કંઇક ભૂલ હશે ને, નહીં તો આવાં સાસુ કયાંથી ભેગાં થાય ?

પ્રશ્નકર્તા : દ્રષ્ટિમાં ફેર છે એટલે આમ થાય છે ?

દાદાશ્રી : ના, દ્રષ્ટિમાં ફેર નહીં પણ એને ભાન જ નથી કે આ મારાં કર્મના ઉદયનું ફળ છે. એ તો પ્રત્યક્ષને જ જુએ છે, નિમિત્તને જ બચકાં ભરે છે. સાસુ તો નિમિત્ત છે, એને બચકાં ના ભરીશ. નિમિત્તનો તે ઊલટાનો આપણે ઉપકાર માનીએ કે એણે એક કર્મમાંથી મુક્ત કર્યા આપણને. એક કર્મમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવાય ? પેલો ગજવું કાપી ગયો અને ગજવું કાપનાર માણસને આપણે નિર્દોષ જોઇએ, અગર તો સાસુ ગાળો આપતી હોય કે આપણી ઉપર દેવતા નાખ્યો હોય, તે ઘડીએ આપણને સાસુ નિર્દોષ દેખાય તો આપણે જાણવું, કે આ કર્મની મુક્તિ થઇ ગઇ. નહીં તો કર્મ મુક્ત થયું નથી. કર્મ મુક્ત થયું નથી, ને ત્યાર પહેલાં તો સાસુનો દોષ જુએ, એટલે પાછાં બીજાં નવાં કર્મ વધ્યાં ! કર્મ વધ્યાં ને પછી ગૂંચાઇ જાય. માણસ ગૂંચાઇ જાય પછી ગૂંચમાંથી શી રીતે નીકળે ? ગૂંચાઇ જાય. આખો દહાડો ગૂંચમાં ને ગૂંચમાં, ગૂંચમાં ને ગૂંચમાં !

આ જાનવરોને ગૂંચ ના હોય. મનુષ્યોને જ ગૂંચ હોય. કારણકે, તેઓ નવી નવી ગૂંચો પાડ પાડ કરે છે. જાનવર તો કો'ક મારી જાય તો માર ખાઇને ભાગી જાય. બીજું, તેનામાં સામાને આરોપ કરવાની શક્તિ નથી કે તમે મને આમ કર્યું કે તેમ કર્યું એવું કશું નહીં. એવી તેમને મહીં બુદ્ધિશક્તિ નથી. આ મનુષ્યોને બુદ્ધિ મળી ત્યારે દુરુપયોગ કર્યો ! ઊલટો ગૂંચાયો !! જયાં છૂટવા આવ્યો ત્યાં જ ગૂંચાયો !!! એક એક કર્મની મુક્તિ થવી જોઇએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઇએ. તો તે માટે આપણે શું કરવું જોઇએ? સાસુને નિર્દોષ જોવા જોઇએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઇ. ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં. પછી એને તો કોઇ શું કરે ? ભગવાન શું કરે ?

ભગવાન તો શું કહે છે કે, 'તું મારી મૂર્તિને રોજ પગે લાગે પણ તું આ 'સમજણ'માં જયાં સુધી નહી આવે ત્યાં સુધી તું પોઇઝન પીઉં, ને તારું શરીર સારું થાય એવું અમે તને કહી શકીએ નહીં. અમારી આજ્ઞા પાળ. અમારાં દર્શન કરવા કરતાં અમારી જો આજ્ઞા પાળીશ તો તે અમને વિશેષ પ્રિય છે. કારણ કે આમ દર્શન તું રોજ કરે છે. પણ એક શબ્દે ય અમારો તું પાળતો નથી એટલે તું અમારી જીભ ઉપર પગ મૂકે છે! એ તને શરમ નથી આવતી ?' ત્યારે તે કહેશે કે, 'સાહેબ, આવું તો હું જાણતો જ નહોતો કે હું આપની જીભ ઉપર પગ મુકું છું !' અને વાતે ય ખરી છે. તે બિચારો એ જાણે પણ કયાંથી ? લોક કરે એવું એ ય કરે અને કોઇ એ એને સાચી સમજણે ય પાડી નથી. પછી એ બિચારો કયાંથી પાછો ફરે ? એવી સાચી સમજણ પાડી હોય તો એ પાછો ફરે.

કર્મ નિર્જરે પ્રતિક્રમણે !

એક કર્મ ઓછું થઇ જાય તો ગૂંચો દહાડે દહાડે ઓછી થતી જાય. એક દહાડામાં એક કર્મ જો ઓછું કરે, તો બીજે દહાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડયા જ કરે છે ને વધાર્યા જ કરે છે ! આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે ? એમનાં મોઢાં પર દિવેલ પીધું ના હોય એવા થઇ ને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઇ? મોંઘા ભાવનું દિવેલ રોજ કયાંથી લાવે ? મહીં પરિણતી બદલાય કે દિવેલ પીધા જેવું મોઢું થઇ જાય ! દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીંની પરિણતી બદલાઇ જાય. પોતાનો દોષ ખોળો એમ 'વીતરાગો' કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને, અને પ્રતિક્રમણ તે રોકડું-કૅશ પ્રતિક્રમણ કરવાનું કહ્યું. આ તો ઉધાર પ્રતિક્રમણ. બાર મહિને પર્યુષણ આવે તે દહાડે પ્રતિક્રમણ કરે ત્યારે તો નવી નવી સાડીઓ પહેરીને નીકળે, એટલે ઊલટા મૂર્છિત થઇ ને ફરે છે. જયારે પ્રતિક્રમણ કરવાનું ત્યારે ઊલટા મૂર્છિત થઇને, નવી સાડીઓ પહેરીને ફરે. એવાં મૂર્છા પરિણામને ભગવાને ધર્મ કહ્યો નથી. પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહી હોય તો ય ચાલશે. પ્રતિક્રમણનો ધર્મ એટલે શું ?

તમે આમને કહ્યું કે, તમે ખરાબ છો. એટલે તમારે પ્રતિક્રમણ કરવું પડે, કે મારાથી નહોતું બોલવું જોઇતું, તે બોલાઇ ગયું. માટે ભગવાનની પાસે આલોચના કરવી. વીતરાગને સંભારીને આલોચના કરવાની કે, 'ભગવાન, મારી ભૂલ થઇ છે. મેં આ ભાઇને આવું કહ્યું માટે એનો પસ્તાવો કરું છું. હવે ફરી એ નહીં કરું.' 'ફરી નહી કરું' એને પ્રત્યાખ્યાન કહેવાય છે. ભગવાનનું આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એટલું જ પકડી લે ને, તે ય પાછું રોકડે રોકડું, ઉધાર નામે ય ના રહેવા દે, આજના આજ ને કાલના કાલે, જયાં કંઇક થાય તો રોકડું આપી દે, તો પૈસાદાર થઇ જાય, જાહોજલાલી ભોગવે અને મોક્ષે જાય ! એક જ શબ્દ પકડે, આ 'જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ પકડી લે તો બહુ થઇ ગયું ! ઠેઠ મોક્ષે ના લઇ જાય તો એ 'જ્ઞાની' જ ન હોય !!! એક શબ્દ પકડી લે, વધારે નહીં.

હવે તમે એમને અવળું કહ્યું તો તમારે તો પ્રતિક્રમણ કરવું પડે, પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, 'મેં કયારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?' એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમનાં પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો પાંચસો કરે તો મોક્ષે જાય !

હવે આવું ધર્મધ્યાન અને આવા પ્રતિક્રમણ તો ઉપાશ્રયમાં ય અત્યારે તો રહ્યાં નથી ને ! પછી હવે શું થાય ? નહીં તો ય રડી રડીને ભોગવવું પડે છે જ ને ? તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું છે ?

જો આટલું જ કરોને તો બીજો કોઇ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરેન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ! તારી તૈયારી જોઇએ. એક જ શબ્દ પાળે તો બહુ બહુ થઇ ગયું !

અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઇએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે 'વિચાર સારો હોવો જોઇએ' એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે 'આ નાલાયક છે', તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી-નાલાયકી જોવાનો રાઇટ નથી અને બાધે-ભારે બોલવું હોય તો બોલવું કે, 'બધા સારા છે.' સારા છે, કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય, એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે.

છોકરાને મારવાનો કંઇ અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં, છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં ચોંટયા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઇએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને; ક્રોધ, માન, માયા, લોભને લઇ ને; કષાયો થકી ધીબી નાખ્યા. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે, 'દાદા'એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો, તો પ્રતિક્રમણ કરે ને તો ય એ ધોવાઇ જાય ! તરત ને તરત ધોવાઇ જાય એવું છે. ધર્મધ્યાનથી કર્મ બંધાયેલું છૂટે અને નવું બંધાય નહીં ! અને સંપૂર્ણ મોક્ષ તો શુકલધ્યાન ઉત્પન્ન થશે, ત્યારે થશે. શુકલધ્યાન તો 'જ્ઞાની પુરુષ'ની પાસેથી જ થાય. શુકલધ્યાન આ કાળમાં તો વીતરાગોએ ના પાડી છે. પણ આ તો અક્રમ માર્ગ છે, અપવાદ માર્ગ છે એટલે 'અમે' શુકલધ્યાન કલાકમાં જ આપીએ છીએ. નહીં તો શુકલધ્યાનની વાત જ ના હોય ને! અને શુકલધ્યાન થયું એટલે કામ જ થઇ ગયું ને !

પહેલાં વહુ હતી તે સાસુ થઇ, કારણ કે વહુ લાવ્યા તે પોતે સાસુ થઇ. એવો આ બધો સાપેક્ષ સંસાર છે, ભ્રાંતિ છે. આ સાચી વસ્તુ નથી અને સાપેક્ષને સાચું માની લીધું કે આ મારો જ છોકરો. છોકરો આપણો કયારે કહેવાય કે આપણે એને અપમાન કરીએ, ગાળો દઇએ, મારીએ તો ય પણ એને આપણી પર પ્રેમ આવ્યા કરે; તો આપણે જાણીએ કે છોકરો આપણો ખરો. પણ આ તો એક કલાક જો અપમાન કર્યું હોય તો એ તમને મારવા ફરી વળે ! અરે, એક ફાધરે જરા વધારે પડતું કર્યું તે બે કલાકમાં જ છોકરાએ બાપની સામે કોર્ટમાં દાવો માંડયો. અને વકીલને શું કહે છે કે, 'તમને ૩૦૦ રૂપિયા વધારે આપું, જો તમે મારા ફાધરની કોર્ટમાં નાકકટ્ટી કરાવો તો !' આ નાકકટ્ટી કરાવવી છે ! આ તો સંસાર જ આવો છે કે કોઇ મુશ્કેલીના ટાઇમે આપણું થાય નહીં. માટે ભગવાનનો આશરો લેવા જેવો છે, બીજા કોઇનો નહીં !

લોકો એવું કહે છે ને કે, 'ઠોકર મને વાગી.' એવું જ કહે છે ને કે, 'હું આમ જતો હતો ને ઠોકર મને વાગી ?' ઠોકર તો એની એ જ જગ્યાએ, રોજે ત્યાં ને ત્યાં જ બેસી રહેલી છે. ઠોકર કહે છે, 'અક્કરમી, તું મને વાગ્યો ! તું અથડા અથડા કરે છે. હું ના કહું છું તો ય એ પાછો અથડાય છે ! મારો તો મુકામ જ આ જગ્યાએ છે. આ અક્કરમી આંધળા જેવો મને વાગે છે.' ઠોકર કહે છે તે બરોબર છે ને ? આવી આ દુનિયા છે ! પછી મોક્ષ ખોળે તો કયાંથી થાય ? વીતરાગોનો બતાવેલો મોક્ષ સહેલામાં સહેલો, સરળમાં સરળ છે. 'શુદ્ધ ભાવે વીતરાગોને ઓળખે તો ય મોક્ષ થઇ જાય.' પણ વીતરાગોને આ લોકોએ ઓળખ્યા જ નથી. ને વીતરાગોને કહે છે કે 'મારે ત્યાં બાબો નથી.' એટલે ભગવાનનું પારણું લઇ આવે છે ! અલ્યા, વીતરાગો પાસે બાબો માગે છે ? વીતરાગો વળી આવામાં હાથ ઘાલતા હશે ? જો હાથ ઘાલે તો પછી એ વીતરાગ શાના? વીતરાગો પાસે માગવું હોય તો એક જ માગો. મોક્ષ માગો. મોક્ષ માગો તો મોક્ષ મળે પણ ચારોળી માગે તો મળે ?

અહીં બધું નવું સાંભળવાનું મળે. રીલેટિવમાં બીજે બધે જે સાંભળવાનું મળતું હતું તે બધો સાધન માર્ગ હતો, અને આ સાધ્ય માર્ગ છે. અનંત અવતાર સાધનોનું જ રક્ષણ કર્યું ને ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કર્યા કરે છે. ધ્યાન તો કયારે થાય ? પોતે ધ્યાતા થાય ત્યારે. આપણે પૂછીએ કે 'તું કોણ ?' ત્યારે કહેશે, 'હું મેજિસ્ટ્રેટ.' 'અલ્યા, ધ્યાન કરતી વખતે ધ્યાતા નહોતો ? મેજિસ્ટ્રેટ હતો ?' આ તો ધ્યાતા કયારે થાય કે જગતમાંનું બધું વિસ્મૃત થાય ત્યારે. આ તો એનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે, એટલે ધ્યેય કયાંથી નક્કી થાય ? આ તો ધ્યેય વડોદરે જવાનું હોય પછી પોતે ધ્યાતા થાય કે શેમાં જઇશું ? પણ આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ ને પેલું તો ભાન જ ના હોય; ને એ તો અતિન્દ્રિય પ્રત્યક્ષ !

ચાર પ્રકારનાં ધ્યાન

ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે ?

પ્રશ્નકર્તા : 'હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન.

દાદાશ્રી : એ તો લક્ષ કહેવાય. પણ ધ્યાન કયારે કહેવાય કે ધ્યાતા થાય તો. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરું થયું ને યોગનાં આઠે ય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, 'ચાલો, ઊઠો, જમવા ચાલો', તો ત્યારે ય તમે જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, 'તમારે અહીં જમવાનું નથી.' તો ય જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કહ્યું. દુકાનમાં ઘાલમેલ કરે, કપડું ખેંચીને આપે એ રૌદ્રધ્યાન કહ્યું. આ ભેળસેળ કરે તે રૌદ્રધ્યાનમાં જાય. આ દુકાને બેઠો બેઠો ઘરાકની રાહ જુએ તો એને ભગવાને આર્તધ્યાન કહ્યું !

એક બાજુ ભગવાન મહાવીરે ૪૫ આગમો કહ્યા અને એક બાજુ ચાર શબ્દો કહ્યા. આ બન્નેના તોલ સરખા કહ્યા. ચાર શબ્દ જેણે સાચવ્યા એણે આ બધા આગમો સાચવ્યા. એ ચાર શબ્દો કયા ? રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન.

જગત કેવું છે ? તારો ઘરાક હોય, તો તું સોળના સાડાસોળ કહું તો ય જતો રહેવાનો નથી અને તારો ઘરાક નહીં હોય, તો તું પંદર કહું તો ય જતો રહેવાનો છે. એ ભરોસો તો રાખ !

પોતે પોતાની ચિંતા કરે તે આર્તધ્યાન. છોડી નાની છે, પૈસા છે નહીં, તો હું શું કરીશ ? કેવી રીતે તેને પૈણાવીશ ? એ આર્તધ્યાન. આ તો છોડી નાની છે ને ભવિષ્ય ઊલેચે છે તે આર્તધ્યાન.

આ તો ઘેર ના ગમતો માણસ આવે ને ચાર દિવસ રહેવાનો હોય, તો મહીં થાય કે, 'જાય તો સારું. મારે ત્યાં કયાંથી આવી પડયો ?' એ બધું આર્તધ્યાન ને પાછું 'આ નાલાયક છે' એવી ગાળો ભાંડે તે રૌદ્રધ્યાન. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે !

દૂધ ચોખ્ખું હોય ને એનો દૂધપાક કરવાનો હોય તો તેમાં ય મીઠું ના નાખવું પણ ખાંડ નાખવી. ચોખ્ખા દૂધમાં ખાંડ નાખવી તે ધર્મધ્યાન. આ તો મારા જ કર્મના દોષે મારી જ ભૂલથી આ દુઃખો આવી પડે છે. એ બધું ધર્મધ્યાનમાં સમાય.

ભગવાન મહાવીરના ચાર શબ્દ શીખી ગયો તો પેલી બાજુ ૪૫ આગમો ભણી ગયો !

વીતરાગોનું સાચું ધર્મધ્યાન હોય તો કલેશ ભાંગે.

ધર્મધ્યાન કોને કહેવાય ? કોઇક માણસે પોતાનું ખરાબ કર્યું તો એના તરફ કિંચિત્ માત્ર ભાવ બગડે નહીં અને એના તરફ શો ભાવ રહે, જ્ઞાનનું કેવું અવલંબન લે કે 'મારાં જ કર્મના ઉદયે આ ભાઇ ભેગા થયા છે', અને તો એ ધર્મધ્યાનમાં ખપે. આ તો કોઇએ ભરી સભામાં, ભયંકર અપમાન કર્યું હોય તો એ આશીર્વાદ આપીને ભૂલી જાય. અપમાનને ઉપેક્ષા ભાવે ભૂલે એને ભગવાને ધર્મધ્યાન કહ્યું. આ તો અપમાનને મરતાં સુધી ના ભૂલે એવા લોક છે !

ધર્મધ્યાનવાળો શ્રેષ્ઠી પુરુષ કહેવાય. આખો દહાડો સવારથી ઊઠે ત્યારથી લોકોને ઓબ્લાઇઝ કર્યા કરે. ઓબ્લાઇઝિંગ નેચરનો હોય. પોતે સહન કરીને ય સામાને સુખ આપે. દુઃખ તો જમા જ કરે. એક પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય. એના મોઢા પર દિવેલ ચોપડેલું ના હોય. મુખ ઉપર નૂર દેખાય. આખા ગામની વઢવાડોનો એ નિકાલ કરી આપે. એને કોઇની પ્રત્યે પક્ષપાત ના હોય. જૈન તો કેવો હોવો જોઇએ? જૈન તો શ્રેષ્ઠી પુરુષ ગણાય, શ્રેષ્ઠ પુરુષ કહેવાય. પચાસ-પચાસ માઇલની રેડિયસમાં એની સુગંધ આવે !

અત્યારે તો શ્રેષ્ઠીના શેઠ થઇ ગયા અને તેમના ડ્રાઇવરને પૂછીએ તો કહે કે જવા દોને એની વાત. શેઠનો તો માત્રા કાઢી નાખવા જેવો છે ! શેઠનો માત્રા કાઢી નાખીએ તો શું બાકી રહે ?

પ્રશ્નકર્તા : શઠ !

દાદાશ્રી : અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઇ ગયા છે ? બે વર્ષ પહેલાં નવા સોફા લાવ્યો હોય તો ય પાડોશીનું જોઇને બીજા નવા લાવે. આ તો હરીફાઇમાં પડયા છે. એક ગાદી ને તકિયો હોય તો ય ચાલે. પણ આ તો દેખાદેખી ને હરીફાઇ ચાલી છે. તેને શેઠ કેમ કહેવાય ? આ ગાદી-તકિયાની ભારતીય બેઠક તો બહુ ઉંચી છે. પણ લોકો તેને સમજતા નથી ને સોફાસેટની પાછળ પડયા છે. ફલાણાએ આવો આણ્યો તો મારે ય એવો જોઇએ. ને તે પછી જે કજિયા થાય ! ડ્રાઇવરને ઘેરે ય સોફા ને શેઠને ઘેરે ય સોફા ! આ તો બધું નકલી પેસી ગયું છે. કો'કે આવાં કપડાં પહેર્યાં તે તેવાં કપડાં પહેરવાની વૃત્તિ થાય ! આ તો કો'કે ગૅસ પર રોટલી કરતાં જોયાં તે પોતે ગૅસ લાવ્યો. અલ્યા, કોલસાની અને ગૅસ પરની રોટલીમાં ય ફેર સમજતો નથી ? ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ હરીફાઈ શેને માટે? આ હરીફાઈથી તો માણસાઇ પણ ગુમાવી બેઠા છે. આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઇશ ! બાકી શ્રેષ્ઠી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાંને સુખી કરવાની ભાવનામાં હોય. પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે. પોતે જ જો દુઃખીઓ હોય તો તે બીજાને શું સુખ આપે ? દુઃખીઓ તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે !

ભલે, મોક્ષની વાત બાજુએ રહી, પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉપર તો અંકુશ હોવો જોઇએ ને ? એની છૂટ શી રીતે અપાય ? છૂટ શેની હોય ? ધર્મધ્યાનની હોય. આ તો છુટ્ટે હાથે દુર્ધ્યાનો વાપરે છે ! કેટલું શોભે ને કેટલું ના શોભે એટલું તો હોવું જ જોઇએ ને ?

પ્રશ્નકર્તા : અપધ્યાન એટલે શું ?

દાદાશ્રી : અપધ્યાન તો આ કાળમાં ઊભું થયું છે. અપધ્યાન એટલે જે ચારે ધ્યાનમાં ના સમાય તે. ભગવાનના વખતમાં ચાર પ્રકારનાં ધ્યાન હતા. તે વખતમાં અપધ્યાન લખાયું નહોતું. જે વખતે જે અનુભવમાં ના આવે ને તે લખાય તો શું કામ આપે ? એટલે અપધ્યાન ત્યારે નહોતું લખાયું. આ કાળમાં એવાં અપધ્યાન ઊભાં છે. અપધ્યાનનો અર્થ હું તમને સમજાવું. આ સામાયિક કરતી વખતે શીશીમાં જો જો કરે કે, 'હજી કેટલી બાકી રહી, હજી કેટલી બાકી રહી, કયારે પૂરી થશે, કયારે પૂરી થશે', એમ ધ્યાન સામાયિકમાં ના હોય પણ શીશીમાં હોય! આને અપધ્યાન કહેવાય. દુર્ધ્યાન હોય તો ચલાવી લેવાય. દુર્ધ્યાન એટલે વિરોધી ધ્યાન અને સદ્ધ્યાન મોક્ષે લઇ જાય. અને આ શીશી જો જો કરે એ તો અપધ્યાન કહેવાય. છતું નહીં, ઊંધું નહીં, પણ તીસરી જ પ્રકારનું! શીશી જો જો કરે છે. એમાં એની દાનત શી છે ? એક માણસ ચિઢાયો અને એ પોતાના અહંકારને પોષવા ગામ બાળી મેળે ! પણ એ ય એક ધ્યાન કહેવાય. આ અપધ્યાનવાળાને તો પોતાના અહંકારની પડી ના હોય, પણ ધ્યાન કરે તે અપધ્યાન કરે-એટલે કે સંપૂર્ણ અનર્થકારક. નહીં પોતાના માટે કે નહીં માન માટે, બિલકુલ મીનિંગલેસ! અર્થ વગર, હેતુ વગર જે ક્રિયા કરવામાં આવે છે તે અપધ્યાન.

હાર્ડ રૌદ્રધ્યાન

બીજું, આ કાળમાં હાર્ડ રૌદ્રધ્યાન વધ્યાં. હાર્ડ રૌદ્રધ્યાન એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો લાભ લઇ સામાનું પડાવી લેવું તે હાર્ડ રૌદ્રધ્યાન. આ તો પોતાની બુદ્ધિથી સામાને મારે, સામાનું આખું લોહી ચૂસી જાય ને સામાનાં હાડકાં ને ચામડી જ બાકી રાખે, તે ઉપરથી કહે, 'મેં કયાં માર્યો ? અમારે તો અહિંસા પરમો ધર્મ !' આ શેઠિયાઓએ એવાં એવાં કનેકશન ગોઠવી દીધાં હોય કે શેઠ ગાદી-તકિયે બેઠા હોય ને ખેડૂતો બિચારા રાત દહાડો મહેનત કરે ને તોર તોર શેઠને ઘેર જાય ને પેલાને ભાગે છાશે ય ના આવે ! શેઠ પોતાની વધારે બુદ્ધિથી પેલાની ઓછી બુદ્ધિનો લાભ લઇને પંપાળી પંપાળીને મારે ! આને હાર્ડ રૌદ્રધ્યાન કહ્યું છે. આ તો ટપલે ટપલે મારે. એકદમ તલવારથી બે ઘા કરી નાખે તો એ હાર્ડ રૌદ્રધ્યાન ના ગણાય, રૌદ્રધ્યાન ગણાય. કારણ કે બે ટુકડા કર્યા પછી લોહી જોઇને ય પેલાનું મન પાછું પડે કે, 'અરેરે ! મારાથી આ મરી ગયો !' પણ આ હાર્ડ રૌદ્રધ્યાનથી તો મન પાછું ના પડે અને ઊલટું વધતું જાય. લોહીનું ટીપું ય પાડયા વગર મજૂરના શરીરનું એકેએક લોહીનું ટીપું શેઠ ચૂસી જાય ! હવે આને ક્યાં પહોંચી વળાય ? આને તો ટર્મિનસ સ્ટેશન જ નહીં ને ! આ હાર્ડ રૌદ્રધ્યાનનું ફળ તો બહુ ભયંકર આવે. સાતમી નર્કમાં ય ના સમાયતેવું ફળ ! આ હાર્ડ રૌદ્રધ્યાન અને અપધ્યાનને ઝીણવટથી સમજવા તો પડશે ને ? તમને શું લાગે છે ? કે પછી સમજયા વગર ચાલશે ?

પ્રશ્નકર્તા : સમજવું તો પડશે જ, દાદા.

દાદાશ્રી : આ ભગવાન મહાવીર પછીનો ૨૫૦૦ વર્ષનો દુષમ કાળ ! તે બધાં યે ભૂલ ખાધી એમાં. સાધુ-બાધુ બધાએ ભૂલ ખાધી ! કો'ક સેંકડે બે-પાંચ જ સાધુઓ આમાંથી બાકાત રહ્યા હશે ! બાકી બધા રૌદ્રધ્યાન, આર્તધ્યાન ને ન કરવાનાં અપધ્યાન આખો દહાડો કર્યા કરે છે. હવે આ સાધુ શા માટે થાય છે ? તો કે' આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખસેડવા માટે. ઘેર ગમે નહીં, રોજ લઢવાડ થાય, કોઇ જોડે પૈસા લેવાદેવા પડે એના ઝઘડા થાય, એનાં કરતાં આમાંથી છૂટીને સાધુ થઇ જાય તો પછી ખાવા પીવાની ચિંતા તો મટી અને ઘર ચલાવવાની પૈણવાની ચિંતા મટી એટલે આર્ત ને રૌદ્રધ્યાન છૂટયાં ! આટલું છોડવા માટે સાધુપણું લેવાનું છે. પણ અત્યારે તો આ ગૃહસ્થીઓને જેટલાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય તેટલાં આ મહારાજોને થઇ ગયા છે ! બધાને ઇચ્છા તો ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. સાચા દિલની ઇચ્છા છે પણ માર્ગ ના મળે તો થાય શું ?

ભગવાનના વખતમાં નહોતાં એવા ધ્યાન અહીં આ કાળમાં અત્યારે ઊભા થયાં !

અહીં તમારે દરેક વાતનો ખુલાસો થાય. મહાવીર ભગવાન ગયા ત્યારથી ૨૫૦૦ વર્ષથી 'ભઠ્ઠી' ચાલુ થઇ હતી. હવે ૨૫૦૦ વર્ષ પૂરાં થયાં ને એ 'ભઠ્ઠી' પૂરી થાય છે અને હવે નવો યુગ ને નવું બધું શરૂ થાય છે!

સંસારનું ઉપાદાન કારણ

સંસારનું ઉપાદાન આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે અને એ જ અધિકરણ ક્રિયા છે. એકલું ધર્મધ્યાન હોય તો સંસારમાં ભટકાવે એવું નથી. અને કો'ક દહાડો તેથી શુકલધ્યાન પણ પ્રાપ્ત થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં તો આખો દહાડો કઢાપો ને અજંપો રહે. કઢાપો એ રૌદ્રધ્યાન ને અજંપો એ આર્તધ્યાન છે. જે અજંપો મહીં થયા કરતો હોય ને તે સામાને સમજાઇ જાય તો તે રૌદ્રધ્યાનમાં જાય !

રૌદ્રધ્યાન કોને કહેવાય ?

આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને તમે ઓળખો છો ખરા કે ? કાળા રંગનો માણસ એ આર્તધ્યાન ને ગોરા રંગનો માણસ શું એ રૌદ્રધ્યાન કહેવાય ?

ક્રોધ તો કો'કની ઉપર થાય ને ? ક્રોધ જો પોતાની જાત ઉપર કરે તો ભગવાને એને આર્તધ્યાનમાં ગણ્યું, પણ ક્રોધ કો'કને માટે કરે છે. જાત ઉપર કરે એવી કંઇ કાચી માયા નથી. આ બધા પાકા છે, જાત ઉપર ક્રોધ ના કરે ! જાત ઉપર ક્રોધ કરે એવા છે લોક ? બીજા ઉપર કરે છે ને ? તે બીજા ઉપર ક્રોધ કર્યો તો એ બીજાને દુઃખ દેવાનો ભાવ કર્યો. ક્રોધ એ બીજાને દુઃખ દેવાનો ભાવ કહેવાય. લોભ એ બીજા પાસેથી લઇ લેવાનો ભાવ કહેવાય, કપટ-માયા એ બીજા માણસ પાસેથી તેનું નુકસાન કરીને લઇ લેવાના ભાવ છે અને માન એ તિરસ્કાર છે, બીજાનો તિરસ્કાર કરવાનો ભાવ છે. એ બધું જ રૌદ્રધ્યાન છે. ક્રોધ, માન, માયા, લોભ એ રૌદ્રધ્યાન છે.

આર્તધ્યાન કોને કહેવાય ?

આર્તધ્યાન તો, હમણાં તમારે ત્યાં બે મહેમાન આવ્યા હોય તે તમને ગમતાં હોય કે તમને ના પણ ગમતા હોય એવા મહેમાન હોય છે કે નહીં ? ના ગમતા મહેમાન હોય છે ત્યારે થાય કે 'આ ક્યાં આવ્યા?' બારણામાં પેઠાને, ત્યારથી તમને મહીં કંટાળો આવ્યા કરે અને પાછું મોઢે કહેવું પડે કે 'આવો બેસો.' એને એમ કહેવું પડે કે ના કહેવું પડે ? કારણ કે એવું ના કહે તો આબરુ જાય, બહાર ફજેત કરે ને આપણને ? એટલે આવો બેસો કહેવું પડે અને મહીં કંટાળો આવ્યા કરે એને આર્તધ્યાન કહ્યું, ભગવાને. આર્તધ્યાન એટલે પોતાને જ પીડાકારી ધ્યાન. હવે મહેમાન આવ્યા છે ત્યારે કંઇ પાછા જતા રહેવાના છે ? ત્યારે કહીએ કે, 'આવો બેસો' ને મહીં આર્તધ્યાન થાય તો ના થવા દેવું જોઇએ, એવું ભગવાને કહ્યું. અને થાય તો પ્રતિક્રમણ કરવું જોઇએ, કે ભગવાન આવું કેમ થાય છે ? મારે નથી કરવું આવું. અગર તો કોક બે માણસ ગમતા હોય કે તમારાં ઘૈડાંબા આવ્યાં હોય ને તે બે દહાડા માટે આવ્યાં હોય તો આઠ દહાડા રહે તો બહુ સારું એવી ભાવના થાય ને, તો એ ય આર્તધ્યાન કહેવાય. એ જતાં હોય ને મનમાં દુઃખ થયા કરે કે હજી બે દહાડા પછી ગયાં હોત તો મને સંતોષ થાત. તો એ ય આર્તધ્યાન કહેવાય. અગર તો તમે કો'કની ઉપર ક્રોધ કર્યો એ રૌદ્રધ્યાન થઇ

ગયું. અને આ કોકની ઉપર ક્રોધ કરે અને પછી પસ્તાવો કરે એ આર્તધ્યાન થયું કહેવાય.

કેટલાક માણસ ક્રોધ કર્યા પછી, 'ક્રોધ કરવા જેવો જ હતો' એમ કહે છે. એટલે એ રૌદ્રધ્યાન, સભર રૌદ્રધ્યાન થયું ! ડબલ થયું ! ક્રોધથી તો રૌદ્રધ્યાન થયું પણ 'કરવા જેવો હતો' એ થયું તે રાજીખુશીથી કરે છે માટે ડબલ થયું અને પેલો છે તે પસ્તાવો કરે છે, માટે એ આર્તધ્યાનમાં જાય છે. રૌદ્રધ્યાન પણ પસ્તાવો કર્યો માટે એ આર્તધ્યાનમાં જાય કારણ કે પસ્તાવાપૂર્વકનું કરે છે.

પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે, 'કમાવાની તું ભાવના જ ના કરીશ.'

દાદાશ્રી : તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ?

પ્રશ્નકર્તા : ના સાહેબ.

દાદાશ્રી : નાહવાનું ધ્યાન નથી કરતો તો ય ડોલ પાણીની મળે છે કે નથી મળતી ?

પ્રશ્નકર્તા : મળે છે.

દાદાશ્રી : જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે, અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે.

આખો દહાડો ગોદડાંનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડયો ! ઘરના સંસ્કાર લૂંટાઇ ચાલ્યા, આરોગ્યતા લંૂટાઇ ચાલી, બ્લડપ્રેસર થઇ ગયું. હાર્ટ-ફેઇલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે એકલી લક્ષ્મીની-પૈસાની પાછળ પડ એવું શીખવાડયું ?!

આમને કોઇ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમનાં ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો ત્યારે કઇ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે, જ્ઞાનીની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય.

એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાનાં પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતાં નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.

અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઇશું ? આ જગત કેવી રીતે ચાલે છે એનું કોઇને ભાન જ નથી. કોઇ છોકરાના ભાઇબંધને દાઢી જ ના ઊગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી નહીં ઊગે તો હું શું કરીશ ? એવું આવા વહેમ કરવા જેવું જગત નથી. કોકને ના ઊગે તો ઇટ ઇઝ એ ડીફરન્ટ મેટર, પણ તારે તો ઊગવાની જ. દરેક માણસને દાઢી તો ઊગે જ. કોકને ના ઊગે એ તો કુદરતનું એક આશ્ચર્ય છે !

અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, 'અવશ્ય કમાવાનો છે અને ખોવાનો ય છે ?' એ બેઉની તારા હાથમાં સત્તા નથી. વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસા એ તો પૂરણ ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે, લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે અને લાખ ખોટ જાય છે તે ય કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ?

આરોપિત ભાવે જે જે કરે એ બંધન છે અને ત્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ નહીં થાય. જૈનધર્મનો સારાંશ શો ? તો કે' આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થાય તો જૈનધર્મ પામ્યા કહેવાય. એ બંને બંધ થાય તો જૈનધર્મનો સારાંશ પામ્યા કહેવાય, ભગવાન મહાવીરે જે કહ્યું તે પામ્યા કહેવાય. નહીં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો બધા ધર્મવાળાને થાય છે ને તમને થાય તો પછી અર્થ જ નહીં ને ? બીજાનામાં ને આમનામાં ફેર ના હોય ? જૈનમાં અને બીજા ધર્મમાં ફેર જ ના હોય? બીજા ધર્મમાં ય ચારે ધ્યાન છે અને જૈનમાં ય ચારે ધ્યાન છે, તો પછી એને વીતરાગનો ધર્મ જ કેમ કહેવાય ? બીજા ધર્મવાળા બધા, મુસ્લિમ ધર્મવાળા ય આ ચાર ધ્યાનમાં છે ને આ પણ ચાર ધ્યાનમાં છે. ચાર ધ્યાનથી ઉપરનું પાંચમું ધ્યાન વધારાનું નથી. હવે એ ય ચાર ધ્યાનમાં છે ને આ તમે પણ ચાર ધ્યાનમાં હો તો તેમાં તમે પ્રગતિ શી માંડી કહેવાય ? 'વીતરાગ' ધર્મમાં તો ફેરફાર હોવો જોઇએ ને ? તો કે' શામાં ફેરફાર હોવો જોઇએ ? તારે દુર્ધ્યાન કેટલાં ઓછાં થયાં છે ? ચાર ધ્યાનમાંથી કયા કયા ધ્યાન ઓછાં થઇ ગયાં છે ? વખતે રૌદ્રધ્યાન બંધ થઇ ગયું હોય ને આર્તધ્યાન હોય તો ય ભગવાન ચલાવી લે, થોડુંક પણ આર્ત ને રૌદ્રધ્યાન બેઉ જાય ત્યાર પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય.

પ્રશ્નકર્તા : અગમ વિચાર એ કયું ધ્યાન કહેવાય ?

દાદાશ્રી : અગમ વિચાર એ આર્તધ્યાનમાં સમાય અથવા પાછળના ભૂતકાળના વિચારથી પણ ઉપાધિ થાય એને. વરસ દહાડા ઉપર છોકરો મરી ગયો હોય અને આજે સંભારીને રડે તો એ આર્તધ્યાન કહેવાય, દુઃખમાં આર્ત ને રૌદ્રધ્યાન કરે. એકનો એક છોકરો મરી જાયને તો કલ્પાંત કરે. કલ્પાંત કર્યો માટે કલ્પના અંત સુધી તારે ભટકવું પડશે ! એક કરોડ વર્ષ ભટકવું પડશે ! આ વેપારીઓ કાપડ ખેંચીને કપડું આપે છે તે મારે તેમને કહેવું પડે છે કે, ' શેઠિયાઓ મોક્ષે જવાની ઇચ્છા નથી હવે ?' તો તે કહે, 'કેમ એમ ?' ત્યારે મારે કહેવું પડે છે, 'આ કાપડ ખેંચો છો એ કયા ધ્યાનમાં છો ? મહાવીર ભગવાનના ધ્યાનને તો ઓળખો ! આ રૌદ્રધ્યાન કહેવાય. બીજા પાસેથી થોડુંક, એક આંગળી જેટલું ય પડાવી લેવું એ રૌદ્રધ્યાન કહેવાય. તમને એટલું કહેવાનો અધિકાર છે, કે ઘરાક પૂછે કે, 'આ ટેરિલીનનો શો ભાવ છે ?' તો તમે અઢારને બદલે સાડા અઢાર કહી શકો. પણ તમે અઢાર કહ્યા પછી તમારે એને માપ પૂરું આપવું જોઇએ, કિંચિત્ માત્ર ઓછું નહીં. ઓછું ના અપાયું હોય ને ઓછું આપવાની ભાવના માત્ર કરી એને ય રૌદ્રધ્યાન કહ્યું છે. ઓછું આપતી વખતે ભૂલથી પાછું વધારે ય જતું રહ્યું હોય તો ત્યાં કોઇ જમે કરનારું નથી. શેઠિયાઓએ નોકરને કહી રાખેલું હોય કે, 'જો

આ આપણે ચાલીસ વારમાં આટલું વધવું જોઇએ.' એટલે પાછું એને અનુમોદના કરી રાખેલી હોય. પોતે કરે, કરાવે ને કર્તા પ્રત્યે અનુમોદે. બધું આનું આ જ આખો દહાડો રૌદ્રધ્યાન છે અને જૈનપણું ખલાસ થઇ ગયું છે. જૈન તો કેવો હોય ? ગમે તેવી મુશ્કેલીમાં આપણે હોઇએ છતાં તે વખતે આપણી હેલ્પ માટે કોઇ માણસ આવ્યો હોય તો તે આપણી મુશ્કેલી જાણી જાય તો આપણે જૈન શાના ? એને હેલ્પ મળવી જ જોઇએ. એને આશાભંગ ના કરાય. વધતો ઓછો પણ છેવટે સથવારો તો મળવો જ જોઇએ. જો તમારી પાસે પૈસાનું સાધન ના હોય તો કંઇ નહીં પણ સથવારો તો મળવો જોઇએ કે બીજું કંઇ કામકાજ હોય તો કંઇક કહેજે. જૈન જાણીને, શેઠ જાણીને એ તમારે ત્યાં આવ્યો ને બિચારો પાછો જાય, નિસાસા નાખીને, તે શું કામનું ! તમને કેમ લાગે છે ? વાત મારી સાચી છે કે ખોટી ? આ લોકો ઝાડ સારું દેખે છે ત્યાં છાયા માટે બેસે છે. અને ઝાડ જ બચકાં ભરે તો શું થાય ? એવું અત્યારે આ શેઠિયાઓ બચકાં ભરે છે કે, 'તમે નાલાયક છો, તમે આમ છો, તમે તેમ છો' વગેરે. ગરીબોને તો તમે નાલાયક કહી શકશો, કારણ કે બિચારા એને સત્તા નથી. ને નોકરોનું તો આખો દહાડો તેલ જ કાઢે છે નોકરોના હાથમાંથી પ્યાલા પડીને ફૂટી ગયા કે, 'હાથ ભાંગલા છે, તારે આમ છે'એમ ગાળો ભાંડે. તે તારી શી ગતિ થશે ? નોકરના હાથ ભાંગલા હોય તો તું એને નોકરીમાં રાખું જ નહીં ને ? જૈન આજે બેભાન થઇ ગયા છે. એના કરતાં તો વૈષ્ણવો સારા રહ્યા છે, એટલું બેભાનપણું નથી આવ્યું. આ તો કર્મના કર્તા થઇ ગયા ! વ્યવહારથી ભગવાને કહેલું, ડ્રામેટિક ભાવથી કરવાનું હતું પણ આ તો 'હું જ કરું છું, મારા વગર કોણ કરે!' એનાથી તો કર્મબંધન થાય છે. અને પાછાં એકલાં નિકાચિતનાં બંધન થાય, મોળાં નહીં. વૈષ્ણવોને તો મોળાં કર્મનાં બંધન થાય ને જૈનોને તો ઘોડાગાંઠ !

આમાં કોઇનો દોષ નથી. બધા આચાર્યો, સાધુઓ બધાંની ઇચ્છા છે કે ભગવાનના કહ્યા પ્રમાણે ચાલવું છે પણ એવા સંજોગો બાઝતા નથી. જેમ આ જગતના લોકોને કેવું હોય કે મારા ઘરનાં માણસોને મારે સુખી કરવા છે એવી ભાવના છે પણ સંયોગ બાઝયા વગર શી રીતે સુખી થાય ? એવી રીતે આ સાધુ આચાર્યોને સંયોગ બાઝતો નથી.

અમે તમને સ્વરૂપ જ્ઞાન આપ્યું ત્યાર પછી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે ?

પ્રશ્નકર્તા : ના, દાદા હવે નથી થતાં.

દાદાશ્રી : હમણાં દીકરી પરણાવી ત્યારે લગ્નમાં કેવી પરિણતી રહેતી હતી ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ઊભાં થતાં હતાં ?

પ્રશ્નકર્તા : ના દાદા, એકુય આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ઊભું થયું નથી.

દાદાશ્રી : આ 'અક્રમ-જ્ઞાન' જ એવું છે. આ જ્ઞાનથી રીલેટિવમાં ધર્મધ્યાન રહે અને મહીં, રીયલમાં શુકલધ્યાન વર્તે ! એવું ગજબનું આશ્ચર્યજ્ઞાન છે !!!

ક્રમિક માર્ગમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેનાં ગયાં તે ભગવાન પદમાં આવ્યો ગણાય, ત્યાંથી ભગવાન પદની શરૂઆત થઇ ગણાય !

ધર્મધ્યાન કોને કહેવાય ?

આર્ત ને રૌદ્રધ્યાન ના હોય તો ધર્મધ્યાનમાં આવ્યો કહેવાય. આર્ત ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે નવાં કર્મો બંધાતા અટકે, પણ તેમ બને તેવું નથી. એ તો અમે 'સ્વરૂપ જ્ઞાન' આપીએ ત્યાર પછી જ 'બહાર' ધર્મધ્યાન શરૂ થાય ને 'મહીં' શુકલધ્યાન વર્તે અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થઇ જાય. આ અક્રમ માર્ગ છે એટલે બાહ્ય ક્રિયા મિથ્યાત્વી જેવી એની એ જ રહે પણ ધ્યાન આખું બદલાઇ જાય !

ભગવાને કહેલું ધર્મધ્યાન હોય તો ય નિઃકલેશ હોય, કલેશ ના હોય. પૈસા ઓછા વત્તા થાય પણ નિઃકલેશ હોવું જોઇએ. આવું કલેશ- રહિત ઘર ખોળવું એ મુશ્કેલ છે. મતભેદ એ કલેશ કહેવાય છે અને કલેશ છે ત્યાં સંસાર ઊભો છે. જેનો કલેશ ભાંગ્યો એ ભગવાન પદમાં આવ્યો ગણાય.

નાના પ્રકારના કલેશ થાય ને પછી તેનું મોટું સ્વરૂપ થઇ જાય. આ મતભેદમાં ને કલેશમાં મહાપરાણે મળેલો મનુષ્ય અવતાર એળે જાય. જેટલો ટાઇમ કલેશ કરે એટલો ટાઇમ એ જનાવરની ગતિ બાંધે! સજ્જનતામાં જનાવરનું ના બંધાય.

'કલુષિત ભાવ'ના અભાવે ભગવાન પદ !

પ્રશ્નકર્તા : આપણે ના કરવો હોય તો ય સામો આવીને કલેશ કરી જાય તો ?

દાદાશ્રી : હા. આનું નામ જ જગતને ! એટલે જ કહ્યું ને, કે એવી 'ગુફા' ખોળી કાઢ કે તેને કોઇએ જાણેલી ના હોય ને તને કોઇ ઓળખી જાય નહીં, એવી 'ગુફા' ખોળ. આ તો ગમે ત્યાંથી તને ખોળીને લોક કલેશ કરાવશે, નહીં તો રાતે બે મચ્છરાં આવીને ય કલેશ કરાવે ! જંપવા ના દે ! માટે મનુષ્ય ગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો કલેશ ના થવા દઇશ. તારો કલેશ ભાંગ્યા પછી બીજાનો કલેશ ભાંગી આપે એટલે તું લોકપૂજ્ય પદમાં આવ્યો કહેવાય !

આત્મા તો પોતે પરમાત્મા જ છે. એટલે પૂજ્ય છે, લોકપૂજ્ય છે. પણ પુદ્ગલ પણ લોકપૂજ્ય બની શકે એમ છે, પણ કલુષિત ભાવ નીકળી જાય તો ! કલુષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય અને સામાના લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઇ જાય! સામાના કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઇ જાય. બીજા ભાવ ભલે રહ્યા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઇએ. પોતાને, સામાને, કોઇ જીવ માત્રને કલુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઇ પડે. 'અમે' અમારામાં શું જોયું ? અમારામાં શું નીકળી ગયું ? આ અમારું પુદ્ગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે ? અમે 'પોતે' તો નિરંતર 'અમારા સ્વરૂપ'માં જ રહીએ છીએ પણ આ પુદ્ગલમાંથી સર્વ કલુષિત ભાવો નીકળી ગયા છે ! એટલે આ પુદ્ગલે ય લોકપૂજ્ય થઇ પડયું છે ! માત્ર કલુષિત ભાવ ગયા છે પછી ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે, અરે ! ટેરિલીનનાં પણ કપડાં પહેરે છે, ને છતાં ય લોકપૂજ્ય પદ છે ! એ ય આ કાળનું આશ્ચર્ય છે ને ! અસંયતિ પૂજા નામનું આ અગિયારમું આશ્ચર્ય છે !

આ 'અક્રમ માર્ગ'માં તો કલુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે. કલુષિત ભાવ રહે જ નહીં, ખલાસ થઇ જાય તેવું છે. એટલે પોતાને તો કલેશ રહે નહીં પણ પોતાને લીધે સામાને પણ કલેશ ના થાય અને સામો કલેશવાળો આપણા અકલુષિત ભાવથી ઠંડો પડી જાય, આખો ભાવ જ ચેન્જ મારે ! આ 'મકાન' કોઇ દહાડો કલુષિત હોતું નથી. પણ પોતે કલુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ કલુષિત દેખાય. પછી કહે કે આ 'રૂમ' મને ફાવતી નથી. પોતાના કલુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય.

કલુષિત ભાવ નીકળી જાય તો પુદ્ગલ પણ પૂજ્ય થાય એવું આ જગત છે ! પછી ગમે તે હો, મુસ્લિમ હો કે જૈન હો કે વૈષ્ણવ હો, જેના એ કલુષિત ભાવ નીકળી જાય તે લોકપૂજ્ય થાય ! આ ઓલિયા હોય છે તેમાં તો થોડાઘણા કલુષિત ભાવો નીકળી જાય છે. તેનાથી એ દર્શન કરવા જેવા લાગે છે. છતાં ઓલિયાને એ નેચરલી છે, વિકાસક્રમના રસ્તામાં આવતાં જ થઇ જાય છે. એમાં એનો પોતાનો પુરુષાર્થ હોતો નથી. પુરુષાર્થ તો 'જ્ઞાન' મળ્યા પછી જ થાય. ત્યાર પછી 'સ્વક્ષેત્ર'માં બેસે એટલે કલુષિત ભાવો ઓછા થઇ જાય. નહીં તો ત્યાં સુધી એક કલુષિત ભાવ ઓછો કરીએ તો બીજા ચાર પેસી જાય ! એમને પેસવા દે નહીં એવા ગાર્ડ ના હોય આપણી પાસે તો ત્યાં સુધી બધું જ લશ્કર પેસી જાય અને ગાર્ડ કયારે ભેગો થાય ? પુરુષ થાય ત્યારે. એટલે બધું લશ્કર પોતા પાસે સાબૂત હોય. ગાર્ડ ના હોય તો તો ચોર પેસી જાય તો પછી શો નફો થયો ?

કલુષિત ભાવ દહાડે દહાડે ઓછા ના થયા તો માનવતા જ ન રહે, પાશવતા રહે.

ઉચ્ચ ગોત્ર કયાં સુધી ? લોકપૂજ્ય હોય ત્યાં સુધી. જે લોકનિંદ્ય નથી એને કળિયુગમાં ભગવાને લોકપૂજ્ય કહ્યા. આ કળિયુગમાં આટલો લાભ લોકોને મળ્યો કે તારી કળિયુગમાં નિંદા નથી થતી, માટે તું લોકપૂજ્ય પદમાં છે ! ભગવાન આમાં ડાહ્યા હતા, પણ ભક્તો એટલા ડાહ્યા નથી કે ભગવાને મને લોકપૂજ્યપદ આપ્યું છે માટે મારે ડાઘ પડવા ના દેવો જોઇએ. નહીં તો લોકપૂજ્ય તો ના હોય ! એ હોય તો બે કે ત્રણ જ હોય, આખા જગતમાં ! આ ગુરુને શિષ્ય પૂજે છે એ તો પોલીસવાળાની પેઠ. પાછળ શિષ્ય કહેશે કે જવા દોને એની વાત, એવું કહે. કૃપાળુ દેવ લોકપૂજ્ય હતા. લોકપૂજ્ય એટલે ઊંચામાં ઊંચું ગોત્ર. ભગવાન લોકપૂજ્ય હતા. લોકનિંદ્ય જે જે ભાગ હોય તો એની માફી માગીને ધોઇ નાખીએ.

પૂજ્ય હાર્ટિલી હોય. ભગવાન મહાવીર લોકપૂજ્ય પદને લઇને આવેલા. સહજાનંદ સ્વામી ત્રીજા પ્રકારના ભગવાન કહેવાય, બ્રહ્મલોક સુધી લઇ જાય. ક્રાઇસ્ટ એ પહેલા પ્રકારના ભગવાન છે.

ભગવાન એટલે શું, કે એમના લેવલવાળા આજુબાજુના એમના વ્યુ પોઈન્ટમાં જે આવ્યા હોય એમને એ જ ભગવાન લાગે. ક્રાઇસ્ટ ભગવાનના વ્યુ પોઈન્ટમાં આવેલા લોકોને મહાવીર બતાવીએ તો તેમને મહાવીર ભગવાન ના લાગે, તેમને તો ક્રાઇસ્ટ જ ભગવાન લાગે.

આ 'જ્ઞાની પુરુષ'ને ય લોક ભગવાન તરીકે ઓળખે. ભગવાન તો વિશેષણ છે. અને અમે નિર્વિશેષ શુદ્ધાત્મા ! શુદ્ધાત્માને વિશેષણ હોય નહીં. આ વિશેષણથી જ જગત ઊભું થયું છે. 'શુદ્ધાત્મા'ને વિશેષણ હોય નહીં. એટલે જ 'અમારું' આખું પદ 'નિર્વિશેષ' છે.

આ અમને ભગવાન કહે, એ તો 'અમારી' મશ્કરી કરવા જેવું છે. કોઇ બહાર બાવો હોય અને પોતાને એક પણ કલુષિત ભાવ ના થાય અને પોતાને નિમિત્તે બીજામાં કલુષિત ભાવ ઉત્પન્ન ના થાય તો તેને પણ ભગવાન પદ પ્રાપ્ત થાય. તે 'અમને' ય ભગવાન કહ્યા. પણ આ તો નિર્વિશેષ પદ છે ! એને વિશેષણ ના હોય. શાસ્ત્રોમાં આ પદ ના હોય ! માટે વિશેષણમાં કોઇએ પેસવું નહીં. 'અમને' વિશેષણ હોય જ નહીં. ભગવાન એ તો વિશેષણ છે, નામ નથી. કોઇ બી.એસસી. થાય તો તેને ગ્રેજ્યુએટ કહે. પછી એ એથી આગળ દસ વર્ષ ભણે તો ય તેને ગ્રેજ્યુએટ કહીએ તો કેવું હીન લાગે ? 'જ્ઞાની પુરુષો'ને 'ભગવાન' કહેવું એ તો હીનપદમાં કહ્યા બરોબર છે. 'ભગવાન' પદ તો 'જ્ઞાની પુરુષ'ને માટે હીનપદ છે. 'જ્ઞાની પુરુષ' તો અજાયબ કહેવાય ! એ તો નિર્વિશેષ હોય. પણ લોકો ઓળખે શી રીતે ? તેથી ભગવાન કહેવું પડે. ભગવાન તો ભગ્ ધાતુ પરથી બનેલો શબ્દ છે. ભગ્ ઉપરથી ભગવાન. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થાય તેમ જેણે ભગવત્ ગુણો પ્રાપ્ત કર્યા હોય તે ભગવાન કહેવાય. 'જ્ઞાની પુરુષ' તો એથી ય બહુ આગળ ગયા હોય. એની આગળ કશું જ બાકી ના હોય. અમારે માત્ર ચાર ડીગ્રી બાકી રહી છે. ભગવાન મહાવીરને ૩૬૦ ડીગ્રી પૂરી થઇ હતી ને 'અમારે' ૩૫૬ ડીગ્રીએ કેવળ જ્ઞાન અટકયુંછે, તે પણ્ા આ કાળની વિચિત્રતાને લીધે! પણ તમને જો જોઇતું હોય તો 'અમે' તમને સંપૂર્ણ ૩૬૦ ડીગ્રીનું કેવળ જ્ઞાન કલાકમાં આપી શકીએ તેમ છીએ, તમારી તૈયારી જોઇએ. પણ આ કાળની વિચિત્રતા છે માટે તમને એ પૂરેપુરું પચશે નહીં. 'અમને' જ ૩૫૬ ડીગ્રી એ આવીને ઊભું રહ્યું છે ને ! પણ મહીં તો એનું સંપૂર્ણ સુખ 'અમને' વર્તે છે.

કોઇ કાળે ધર્મ માટે આવ્યો નહોતો એવો કાળ આજે આવ્યો છે. ભગવાન મહાવીર પછીનાં ૨૫૦૦ વર્ષ હવે પૂરાં થાય છે અને ભગવાન મહાવીર પછી સાડાત્રણ વરસ જ વીત્યાં હોય તેવો કાળ આવી રહ્યો છે. અત્યારે ભલે દુષમકાળ હોય, પણ અત્યારે સારામાં સારો કાળ આવ્યો છે. ખરો કાળ જ અત્યારે આવ્યો છે. આ કાળમાં જે લોકનિંદ્ય નથી તેને ભગવાને લોકપૂજ્ય કહ્યા છે. આવો આ સુંદર કાળ છે તો તેનો લાભ ઉઠાવી લેવો જોઇએ ને ?

અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય. અમે મોક્ષદાતા છીએ, મોક્ષના લાયસન્સદાર છીએ. જગતકલ્યાણનું અમે નિમિત્ત છીએ. અમે એના કર્તા નથી. અમે કયારે ય પણ કોઈ ચીજના કર્તા ના હોઇએ. કારણ કે કર્તા થાય તો તેના ભોકતા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ.

માટે બધાંને ભલે મોક્ષધર્મનું જ્ઞાન પ્રાપ્ત ના થાય, પણ ધર્મધ્યાન તો આ કાળમાં ફુલ સ્ટેજ પર જઇ શકે એવું છે. 'અક્રમ માર્ગે' મોક્ષ તો અમુક મહા પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય, પણ બીજાં બધાંને અમે ઊંચામાં ઊંચું ધર્મધ્યાન આપી શકીએ એમ છીએ. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન એ અધર્મધ્યાન છે. ધર્મધ્યાન એ ધર્મધ્યાન છે ને શુકલધ્યાન એ આત્મધ્યાન છે. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જાય તેનું નામ ધર્મધ્યાન.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16