ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16



આપ્તવાણી - 2

અક્રમ માર્ગ : અગિયારમું આશ્ચર્ય !

મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગ બે છે :

પ્રથમ 'ક્રમિક માર્ગ.' તેમાં ક્રમે ક્રમે ત્યાગ કરતાં કરતાં જવાનું, પગથિયે પગથિયે ઉપર ચઢવાનું. બીજો 'અક્રમ માર્ગ.' 'આ' દસ લાખ વર્ષે નીકળે છે, જે વર્લ્ડનું આશ્ચર્ય છે ! લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે, લિફ્ટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે 'આ' માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઇ જાય. 'આ' તો રોકડો માર્ગ, ઉધાર કશું રખાય નહીં. રોકડું જોઇએ, તે 'આ' રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ.

'ક્રમિક માર્ગ'માં સત્સંગ મળ્યો હોય તો પાંચસો પગથિયાં ચઢી જાય ને એકાદ કુસંગથી હજાર પગથિયાં ઊતરી પણ પડે. એમાં ઠેકાણું નહીં, અત્યંત કષ્ટ પડે અને આ 'અક્રમ માર્ગ' તો સેફ સાઇડ માર્ગ. લિફ્ટમાંથી પડવાનો ભો જ નહીં ને સંસારમાં રહીને મોક્ષે જવાય. ચક્રવર્તી ભરતરાજા ગયેલા તેવી રીતે, લડાઇઓ લડતાં, રાજ ભોગવતાં મોક્ષ !

ઋષભદેવ દાદા ભગવાનને સો પુત્રો, તેમાંથી નવ્વાણુંને તેમણે દીક્ષા આપીને મોક્ષ આપેલો. સૌથી મોટા પુત્ર તે ભરત ચક્રવર્તી. તેમને રાજ ચલાવવાનું સોંપ્યું. ભરત રાજા તો લડાઈઓ લડતા લડતા ને મહેલમાં તેરસો રાણીઓથી કંટાળી ગયા. તે ભગવાન પાસે ગયા ને તેમણે પણ દીક્ષા માગી ને મોક્ષ માગ્યો. ભગવાને કહ્યું કે, 'જો તું પણ રાજપાટ છોડી દે તો પછી રાજ કોણ સંભાળે ? માટે તારે તો રાજ સંભાળવું પડશે. પણ જોડે જોડે હું તને એવું 'અક્રમજ્ઞાન' આપીશ કે લડાઈઓ લડતાં, રાજ ભોગવતાં ને તેરસો રાણીઓની સાથે રહીને પણ તારો મોક્ષ નહીં જાય.' તે તેવું આશ્ચર્ય જ્ઞાન આપ્યું ! તે જ 'અક્રમ-જ્ઞાન'. તે જ ઋષભદેવ દાદા ભગવાનનું જ્ઞાન 'અમે' તમને કલાકમાં જ રોકડું આપીએ છીએ. પછી તમારે તમારો સંસાર-વહેવાર ચલાવવાનો, છોકરાં પરણાવવાનાં, બધું જ કરવાનું. કશું જૂનું છોડવાનું નથી કે નવું ગ્રહણ કરવાનું નથી. છોડવાનું અમે તમને છોડાવી આપીએ છીએ, અહંકાર અને મમતા છોડાવીએ છીએ ને 'શુદ્ધાત્મા' ગ્રહણ કરાવીએ છીએ. પછી ત્યાગ ગ્રહણ કશાનું કરવાનું બાકી રહેતું નથી. 'હું ચંદુલાલ' તે અહંકાર ઉઠાવી લઈએ છીએ ને 'હું શુદ્ધાત્મા છું' એ ગ્રહણ કરાવીએ છીએ. બસ, આમાં ગ્રહણ-ત્યાગ બધું જ આવી જાય છે !

ભરતરાજાને તો ચોવીસે ય કલાક માટે નોકરો રાખવા પડતા. તે દર પા પા કલાકે ઘંટ વગાડીને કહે, 'ભરત ચેત, ચેત, ચેત.' તો તે સાંભળી ભરત રાજા ગાફેલ થયા હોય તો પાછા જાગ્રત થઈ જાય. જયારે આજે તો તમે જ દોઢસોની નોકરી કરતા હો ત્યાં તમને એ નોકર શી રીતે પોષાય ? તેથી 'અમે' તમારી મહીં જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ ! તે તમને ક્ષણે ક્ષણે ચેતવ ચેતવ કરે ! અમે મહીં એવી પ્રજ્ઞા બેસાડી દઈએ છીએ કે નિરંતર જ્ઞાન અને અજ્ઞાન જુદું જ પાડી આપે !

'હું કોણ છું' એ નથી સમજાતું. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું. પણ જો વસ્તુત્વનું એક અંશ પણ ભાન થાય તો પૂર્ણત્વે પહોંચે. વસ્તુ સહજ છે. માર્ગ સરળ છે. પણ જ્ઞાન માટે 'જ્ઞાની'નું નિમિત્ત જોઈએ અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. 'જ્ઞાની' પોતે છૂટેલા હોય ને છોડાવવાને શક્તિમાન હોય; એ તરણતારણ કહેવાય. અને આ કાળમાં આ 'અક્રમ માર્ગ' એ તો ગજબનો કુદરતી જ બની ગયો છે ! આ તો લિફટ માર્ગ ઊભો થઈ ગયો છે ! તે ભજિયાં-જલેબી ખાતાં, તપત્યાગ કર્યા વગર નિરંતર મોક્ષસુખમાં જ રહેવાય. 'ક્રમિક માર્ગ'માં ક્રમે ક્રમે તપ ત્યાગ કરતાં કરતાં, અહંકારને શુદ્ધ કરતાં કરતાં જવાનું. અહંકારને એટલો બધો શુદ્ધ કરવાનો કે માન આપે તો અડે નહીં. એવો અહંકાર શુદ્ધ થાય તો આત્મા પ્રાપ્ત થાય. અહંકાર શુદ્ધ કરતાં કરતાં એટલો બધો શુદ્ધ થાય કે શુદ્ધ અહંકાર ને શુદ્ધ આત્મા બેઉ ભેગા થઇ જાય! માન અને અહંકાર એ બે જુદી વસ્તુ છે. સ્વક્ષેત્રમાં 'પોતે' જયાં છે ત્યાં પોતે માને તે અહંકાર નથી. જયાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું માનવું તે અહંકાર કહેવાય. જયારે ક્રોધ, માન, માયા, લોભ એકુંય ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય. 'ક્રમિક'માં ત્યાગ કરતાં કરતાં આગલા પદનું

ઉપાદાન કરે અને પાછલા પદનો ત્યાગ કરે. એ બંને ય

ક્રમિકમાં સાથે રહે અને ત્યાગ કરે તો ય પાછો અહંકાર તો રહે જ ! ને પાછો 'મેં ત્યાગ્યું' એનો કેફ ચઢે. આખું જગત જે માર્ગે ચાલ્યું છે એ 'ક્રમિક માર્ગ.' સ્ટેપ બાય સ્ટેપ જવાનું એમાં. અને એમાં કંઇક છોડતા જવાનું ને કંઇક ગ્રહણ કરવાનું, અને કોઇ કુસંગ મળે તો કેન્ટિનમાં લઇ જાય ને કહેશે, 'હેંડો, હું પૈસા ખર્ચીશ'. તે પોતાના પૈસા ખર્ચી કેન્ટિનમાં લઇ જાય ! એવો જોખમવાળો 'ક્રમિક માર્ગ' છે ! તેથી તો આ અનંત અવતાર ભટકી મર્યાં છે !

આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઇએ, પણ તે ડ્રામેટિક હોય, કારણ કે 'ફાઇલો' રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રહ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તો ય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે.

'ક્રમિક માર્ગ'માં આરંભ અને પરિગ્રહ, અહંકાર ને મમતા ઓછી કરતાં કરતાં જવાનું હોય. ત્યાગ કરે એટલે પરિગ્રહ ઓછો થાય અને એટલે મમતા ઓછી થાય. એમ આગળ વધવાનું ને છેક સુધી જો કુસંગ પ્રાપ્ત ન થાય તો ઠેઠ સુધી પહોંચી જાય ! નહીં તો એક જ કુસંગ પાછાં કેટલાય પગથિયાં ઉતારી દે ! 'ક્રમિક માર્ગ'માં તો છેલ્લા અવતાર સુધી આરંભ-પરિગ્રહ રહે પણ જેટલો આરંભ-પરિગ્રહ ઘટતો જાય તેટલા અંશે ક્રોધ, માન, માયા, લોભ ઘટતાં જાય. છતાં, મહીં અકળામણ રહ્યા કરે, ઠેઠ સુધી રહ્યા કરે. અને 'અક્રમ માર્ગ'માં ક્રોધ, માન, માયા, લોભ રહેતાં જ નથી, અને છતાં જે અસર માલૂમ પડે છે એ ક્રોધ નથી, એ તો પ્રકૃતિનો ઉગ્રતાનો ગુણ છે. એમાં આત્મા ભળે, 'તન્મયાકાર' થાય તો એ ક્રોધ કહેવાય. બન્ને ભેગા થાય ત્યાર પછી સળગે છે. અને 'અમે' તમને આત્મા આપ્યો છે તે છૂટો જ રહે. એટલે ઉગ્રતાનું તોફાન વગેરે બધું ય થાય, પણ તાંતો ના રહે. તાંતો ના રહે એને ક્રોધ ના કહેવાય.

લોભ એ પરમાણુનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે, પ્રકૃતિનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે. એમાં આત્મા ભળે તો રાગદ્વેષ છે. ને જો આત્મા ભળે નહીં તો નહીં લેવા કે નહીં દેવા ! આપણા શરીરમાં ઇલેકટ્રિકલ બોડી છે એટલે લોહચુંબકપણું રહે છે અને એટલે લોહચુંબક-પણાને લીધે આ દેહ ખેંચાય છે. તે એને કહે છે, 'હું ખેંચાયો!' તારી ઇચ્છા નથી છતાં તું ખેંચાય છે કેમ ?

ક્રોધ, માન, માયા, લોભ 'અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતાં જ નથી. પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે! કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે કયારે ય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. 'જગ્યા' છોડવાથી જ ડખો થાય. 'પોતાની જગ્યા' ના છોડવી જોઇએ. 'પોતાની જગ્યા' છોડવાથી નુકસાન કેટલું છે કે 'પોતાનું સુખ' અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ 'અમે' આપેલો આત્મા જરા ય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે પ્રતીતિ રુપે !

આ 'જ્ઞાન' આપ્યા પછી તાંતો ગયો, તંત ગયો. તાંતાને જ ક્રોધ, માયા, માન, લોભ કહે છે. જેનો તાંતો ગયો તેનો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ગયું ! કારણ અમે એનો આધાર જ કાઢી લઇએ છીએ. એટલે એ બધાં નિરાધાર થઇ જાય છે. ભગવાન શું કહે છે કે જગત શેની ઉપર ઊભું રહ્યું છે ? અજ્ઞાનના આધાર ઉપર જગત ઊભું રહ્યું છે. ક્રિયાઓ સારી છે કે ખોટી ? તો ભગવાન કહે છે કે ક્રિયાઓ સારી ય નથી કે ખોટી ય નથી. પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે. તું સુટેવો વાળ વાળ કરીશ અને કુટેવો કાઢ કાઢ કરીશ. પણ એ સુટેવો કે કુટેવો એના પોતાથી ઊભી રહી નથી, માટે તેના આધાર કાઢી નાખ તો એ સુટેવો ને કુટેવો એની મળે ખરીને પડી જશે.' આ જગતના લોકો સુટેવોને આધાર આપ આપ કરે છે ને કુટેવોને કાઢ કાઢ કરે છે, એટલે આધાર તો રહ્યો જ. અને આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે. અને આ સંસારમાં તો અનંત ચીજો છે. તે 'પોતે' ના ખસે તો એક એક ચીજને કયારે ખસેડે ? પણ આધાર ગયો તો બધું જ ગયું. ઘરમાં બાર માણસમાં કમાનાર મરી જાય તો લોક કહેશે કે અમારો આધાર ગયો. આ 'નિશ્ચય'માં પણ એવું જ છે. આ સંસારમાં વાળે વાળે લોચ કરે તો ય કશું વળે એવું નથી. અનંતી ચીજો છે. તો એના કરતાં તું જ ખસી જા ને ! પછી માથે રાન હોય કે વેરાન હોય તો ય તેનો શો વાંધો ?

આ 'અક્રમ માર્ગ'માં પહેલું અજ્ઞાન નિરાધાર કરવામાં આવે છે. એટલે હું કયાં તમને કશું છોડવાનું કહું છું ? 'ક્રમિક'માં 'જ્ઞાની પુરુષ' આખી જિંદગીમાં બે શિષ્યોને ત્યાગ કરાવી શકે ! ને જોડે જોડે પોતાને પણ ત્યાગ કરવો પડે. નવું પગથિયું ગ્રહણ કરવાનું અને જૂનાનો ત્યાગ કરવાનો. ને અહીં અક્રમમાં તો આત્મા ગ્રહણ કરવાનો હતો તે થઇ ગયો ને અહંકાર ને મમતાનો ત્યાગ થઇ ગયો. ને કામ થઇ ગયું ! નહીં લોચ કે નહીં તપ-ત્યાગ કે ઉપવાસ ! 'ક્રમિક માર્ગ'માં પોતે તપનો આધાર થાય છે ! તે તેમાં 'હું' ને 'શુદ્ધાત્મા' જુદા હોય. કો'કે એમનાં શાસ્ત્રનાં પાનાં ફાડી નાખ્યા હોય તો તેમને મહીં ખેદ થાય કે, આ મારા ચોપડા ફાડી નાખ્યા ! બહાર તો, જાહેરમાં તો 'જ્ઞાની' હોય તેવું પદ રાખે. પણ મહીં 'હું' પણું સૂક્ષ્મપણે વર્ત્યા કરે. તેમનામાં 'હું' ને 'શુદ્ધાત્મા' જુદા હોય. એમને ઠેઠ સુધી 'હું' ખરો. એ 'ક્રમિક માર્ગ' શો છે ? અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર છે તે શુદ્ધ કરવાનો હોય તેમને.

પોતે મુક્ત જ છે પણ ભાન નથી થતું. આ તો રોંગ બીલિફ અને રોંગ જ્ઞાન છે અને તેથી રોંગ વર્તન થાય છે. રાઇટ જ્ઞાનદર્શન પોતાની જાતે ના થાય, અને એમાં પણ આ રોંગ બીલિફ તો કોઇ પણ પ્રકારે તૂટે નહીં. તેને માટે તો સાયન્ટિસ્ટ જોઇએ, 'જ્ઞાની પુરુષ' જોઇએ અને તે ય 'જ્ઞાની પુરુષ' પાછા સંપૂર્ણ જોઇએ તો જ આપણું કામ થાય.

વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઇતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઇએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઇતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાં ય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં ; અન્ય માર્ગ છે. 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય. ખીચડી કરતાં ય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારે ય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ 'જ્ઞાન' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત 'અક્રમ' છે. દ્રષ્ટિ જ આખી બદલાઇ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઇ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓને 'શુદ્ધાત્મા'નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જયારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઇ પડયું છે તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી કયારે ય પણ ચુકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.

રાતે બે વાગ્યે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે માજી તમને સૌથી પહેલી કઇ વસ્તુ યાદ આવે છે ?'

પ્રશ્નકર્તા : 'હું શુદ્ધાત્મા છું' એ જ યાદ આવે છે.

દાદાશ્રી : નહીં તો લોકોને તો આ જગતની કોઇ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો તે જ પહેલી યાદ આવે પણ તમને તો 'શુદ્ધાત્મા' જ પહેલો યાદ આવે. અલખનું કયારે ય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને અલખ નિરંજન કહ્યો ! પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે!!! આ 'અક્રમ-જ્ઞાની'ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કૃપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઇ જાય છે !!!

ખરો મોક્ષ માર્ગ નીકળ્યો છે. પણ સમજણ પડે તો કામ થાય, અને ના સમજણ પડે તો રખડી મર્યો !

પેલું 'ક્રમિક વિજ્ઞાન' છે અને આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ જ્ઞાન તો 'વીતરાગો'નું જ છે. 'જ્ઞાન'માં ફેર નથી. 'અમે' જ્ઞાન આપીએ પછી તમને આત્મઅનુભવ થઇ જાય. તો શું કામ બાકી રહે ? 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને 'અમારી' આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે !

આપણે ત્યાં અહીં 'આ' 'અક્રમ માર્ગ' બહુ સહેલો, સરળ, ટૂંકો અને ભગવાનના શબ્દે શબ્દો સમાયેલા છે એવો છે ! રોકડો મોક્ષ માર્ગ છે એટલે એની પાછળ તમારાથી પડાય એટલું ઓછું એમ સમજજો. નહીં તો મનની ગાંઠો ઓગાળાય એવો રસ્તો તે હોતો હશે ? મનને તો સ્થિર કરાય એવા રસ્તા બહાર હોય પણ તે ઓગળે નહીં. મનને સ્થિર કરવાની દવા એકાગ્રતા. પણ એનાથી અહંકાર વધે. આપણે અહીં તો મન સ્થિર થાય, ગાંઠો ઓગળે ને અહંકારની વચ્ચે ડખલ જ નહીંને ! જાણે અહંકારને પેન્શન આપી દીધું ના હોય એવું !

'ક્રમિક માર્ગ'માં તો ભાવતું હોય ને વધારે ખવાઇ જાય તો ઉપાધિ અને આપણને તો કંઇ ઉપાધિ જ નહી ને ! આપણને તો ધર્મ, ધર્મ થઇને પરિણામ પામે અને સુખ મહીં ઊભરાય.

આપણે અહીં તો ગુરુ-શિષ્યનો ભેદ રાખ્યો જ નથી. તમને અમારી જોડે જ બેસાડયા છે. તે નિશ્ચયથી બારમાં ગુંઠાણામાં અમારી જોડે જ બેસાડયા છે અને તે ય શુકલ ધ્યાનમાં ! આપણું આ શા આધારે નિશ્ચયથી બારમું ગુંઠાણું કહેવાય છે ? કારણ કે શુકલ ધ્યાન ઊંભું થયું છે ! શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું છે ! શુદ્ધાત્માનું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી તેને શુકલ ધ્યાન કહેવાય છે; 'ક્રમિક માર્ગ'માં પ્રતીતિના જાળાં બેસે અને પ્રતીતિ થોડી બેસે. પ્રતીતિ બેસે અને તે પૂરી થાય ત્યારે ક્ષાયક સમકિત થાય ને ત્યારે 'શુદ્ધાત્મા'નું લક્ષ બેસે અને આ 'અક્રમ માર્ગ'માં તો પહેલું લક્ષ બેસાડી દઇએ છીએ અને પછી પ્રતીતિ તો રહે જ ! આ 'અક્રમ માર્ગ' છે ને એટલે જ લક્ષ પહેલું બેસે. 'ક્રમિક માર્ગ'માં પ્રતીતિ બેઠેલી હોય તેને પણ શુકલ ધ્યાન ના હોય. કારણ કે આ કાળમાં 'ક્રમિક માર્ગ'માં કોઇ સાતમા ગુંઠાણાથી આગળ જઇ શકે નહીં.

'અક્રમ માર્ગ'માં 'જ્ઞાની પુરુષ' 'ક્ષાયક સમક્તિ'નો તાંતો નાખી આપે છે એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી. 'આ' તાંતો હોય તો પેલો (કષાયોનો) ના હોય ને પેલો (કષાયોનો) તાંતો હોય તો 'આ' ના હોય !

'ક્રમિક માર્ગ'માં ગાઢ સમકિત, શુદ્ધ સમકિત થાય ને ત્યાર પછી બે ભાગ પડી જાય. દર્શન મોહનીય બંધ થઇ જાય અને પછી ધંધા બધંુ રહે. એ ચારિત્ર મોહનીય રહે. તે ચારિત્ર મોહનીય ખપાવ ખપાવ કરે. પણ અત્યારે તો આ લોકો શું કરે છે ? દર્શન મોહનીય કાઢયા વગર ચારિત્ર મોહનીયને મારીને કાઢવા માગે છે, એ શી રીતે જાય ?

આપણે અહીં 'અક્રમ માર્ગ'માં ચારિત્ર મોહનીયનો 'નિકાલ' કરીએ છીએ. અમે 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે દર્શન મોહનીય ઉડાવી દઇએ છીએ અને ચારિત્ર મોહનીયને નિરસ કરી નાખીએ અને એનાંથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શન મોહ રહે જ નહીં. રસ ઉત્પન્ન થાય છે તેથી તો દર્શન મોહનીય ઊભી છે; નિરસથી ચાર્જ બંધ થાય.

'ક્રમિક'વાળાને ચારિત્ર મોહનીય નિરસ કરવી પડે. તેથી તો તપ-ત્યાગ ભારે કરવાં પડે. તેનાથી ચારિત્ર મોહનીય નિરસ થાય. 'ક્રમિક' વાળાને એના માટે બાહ્ય તપ કરવાં પડે. જયારે આપણે અહીં 'અક્રમ'માં આંતરિક તપ હોય. તે હ્રદય તપીને ૮૦ ડિગ્રી, ૮૫ ડિગ્રી, ૯૦ ડિગ્રી, ૯૫ ડિગ્રીએ પહોંચે અને તેને આપણે જાણીએ કે ૯૯ ડિગ્રીથી આગળ વધવાનું નથી. કારણ કે ઓછો દેવતા છે તે સળગવાનો? ! તે ધીમે ધીમે પાછું ઠંડું થઇ જાય. આપણને તપે ત્યારથી તે ઠંડું થઇ જાય ત્યાં સુધી બધાંને, બધી અવસ્થાને, જાણીએ. એટલે આપણને અંતરતપ હોય. તેનાથી ચારિત્ર મોહનીયનો નિકાલ થઇ જાય.

આ 'અક્રમ માર્ગ'થી એકાવતારી થાય એટલી સત્તા હોય છે. હવે પછી એક જ અવતાર બાકી રહે. ને પંદરથી વધારે સોળમો ભવ ના હોય આ જ્ઞાન પછી ! હું તો કહું છું કે દસ બાકી રહ્યા હોય તો ય શો વાંધો છે ? અને તે એવા જાહોજલાલીવાળા અવતાર હોય ! આવા કદરુપા ના હોય. 'આ' સત્સંગમાં આવ્યો ને 'જ્ઞાની પુરુષ'ની કૃપાથી મોક્ષનો સિક્કો વાગ્યો તો કેવા જાહોજલાલીવાળા અવતાર થવાના ! અને આ ભવ પણ જાહોજલાલીવાળો જાય. તેવો આ 'અક્રમ માર્ગ' છે.

એક સંસાર માર્ગ અને એક અધ્યાત્મ માર્ગ- બે જ માર્ગ છે. સંસાર માર્ગમાં ડૉક્ટરનું વકીલને ના પુછાય ને વકીલનું ડૉક્ટરને ના પુછાય. અને અહીં તો અધ્યાત્મ માર્ગ છે એટલે અમારી પાસે બધું જ પુછાય. અહીં જે પૂછવું હોય તે પુછાય અને બધા જ ફોડ-ખુલાસા મળે તેમ છે. તમારે કહેવું કે, 'અમે તમારી પાસે આવ્યા છીએ ને તમારી પાસે જે હોય તે અમને ના મળે તો એનો અર્થ શો ?' એક માત્ર સંસારથી નિસ્પૃહ થઇને સાચું શોધવા જે નીકળ્યા હોય તેને અહીં 'અમારી' પાસેથી સર્વ કાંઇ મળે તેમ છે ! માગો, માગો તે આપું તેમ અહીં છે. પણ તમને માગતાં ય નથી આવડતું. એવું માંગજો કે જે કયારે ય પણ તમારી પાસેથી જાય નહીં. પરમેનન્ટ વસ્તુ માંગજો. ટેમ્પરરી માંગશો તો તે કયાં સુધી પહોંચશે ? એવું કંઇક માંગો કે જેથી તમને કાયમની શાંતિ થાય, ચિંતા-ઉપાધિથી કાયમની મુક્તિ મળે. અહીં તો મોક્ષ મળે છે. અહીં બુદ્ધિ નહીં વાપરો તો 'આ' પામશો. આપણો સત્સંગ દસ દસ વરસથી ચાલે છે. તેમાં વાદ હોય પણ વિવાદ ના હોય. આ એક જ સ્થળ છે કે જયાં બુદ્ધિ કામ નહીં કરે.

આ 'અક્રમ માર્ગ' છે એટલે ખુલ્લમ્ ખુલ્લું હોય, બધી વાતોનો તરત ફોડ મળે. જયારે 'ક્રમિક માર્ગ'માં કેવું હોય ? આ જરી-કસબ વણે છે ને એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં એક તોલો સોનું પરોવે છે. એવું ગૌતમ સ્વામીએ, ભગવાન મહાવીર બોલ્યા તે બધું સૂત્રોમાં પરોવ પરોવ કર્યું. પણ આ કાળના લોકો તે મણ સૂત્રમાથી તોલો 'સોનું' શી રીતે કાઢી શકે ? એવું કોઇનું ગજું જ નહીં ને ! આ 'અમે' તો સીધું 'સોનું' જ આપ્યું છે. 'અમે' અજ્ઞાનથી 'કેવળજ્ઞાન' સુધીના બધા જ ફોડ આપી દીધા છે. ચાર્જ કેવી રીતે થાય છે ? ડિસ્ચાર્જ કેવી રીતે થાય છે? આ બધું, જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? તમે કોણ ? આ બધાં કોણ ? એ બધાનો ફોડ અમે અહીં આપીએ છીએ.

'આ' શ્રુતજ્ઞાન કેવું કહેવાય છે ? અપૂર્વ. પૂર્વે જે નહોતું સાંભળ્યું તેવું અપૂર્વ ! શું આ શ્રુતજ્ઞાન વીતરાગોનું ન હોય ? એ જ છે. વીતરાગો જે સ્ટેશને લઇ જતા હતા તે જ સ્ટેશને 'આ' પણ લઇ જાય છે. પણ રસ્તો નિરાળો છે ! પેલો રસ્તો 'ક્રમિક' અને 'અક્રમ'. 'આ' તો કામ કાઢી લેવાની જગ્યા છે. 'આ' કોઇ ધર્મનું સ્થળ નથી. પોતાનું બધી જ રીતનું કામ થાય. મોક્ષ હાથમાં આવી જાય ત્યાં કામ પૂર્ણ થાય. જયાં સર્વ સમાધાની જ્ઞાન છે કે જે કોઇ પણ સંજોગોમાં, કોઇ પણ સ્થિતિમાં સમાધાન આપે. સમાધાન થવું જ જોઇએ. જો આ જ્ઞાન સમાધાન ના કરાવે તો એનો અર્થ એ કે તમને સમાધાન કરતાં આવડતું નથી. નહીં તો સમાધાન અવશ્ય થવું જ જોઇએ. અમારી આજ્ઞામાં રહે તો સમાધાન થાય જ. અહીં આવડત, અન્આવડતનું જોવાનું નથી. આવડતવાળાને આવડતની ખુમારી રહે છે. પંડિતોને પંડિતાઇની ખુમારી હોય, ત્યાગીને ત્યાગની ખુમારી હોય, તપસ્વીને તપની ખુમારી હોય; એ જ તો મોટો રોગ, મહારોગ છે ! એ મહારોગી બીજાનાં રોગ કાઢવા જાય તો શી રીતે બીજાનો રોગ જાય ? આ ડિરેક્ટ વીતરાગોની વાત છે. અહીં ઇન્ડિરેક્ટ એક પણ શબ્દ નથી ! ચોવીસે ય તીર્થંકરોની વાત અહીં નીકળે છે. આ ઉપદેશ સર્વકાળને અનુસરીને નીકળે એટલે ચોવીસે ય તીર્થંકરોનો ભે

ગો ઉપદેશ 'આ' છે ! સાધ

ુ-સંન્યાસીઓને ખુમારી ચઢે એ તો રોગ 'ક્રોનિક રોગ' કહેવાય. આવા કષ્ટસાધ્ય રોગની દવા ના હોય. એ તો અમારે કડક શબ્દોથી ઓપરેશન કરવું પડે. અહીં કોઇને ખોટું લાગે નહીં, કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને દસ-બાર વર્ષથી આ મહાત્માઓ અહીં છે. પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય. કયારે ય પણ મતભેદ જ નહીં. જાત્રાએ જઇએ તો ય એકુંય મતભેદ જ નહીં. વિભક્ત નહીં, અવિભક્ત! 'અમે' ઔરંગાબાદ સત્સંગાર્થે જઇએ તે એક જ મકાનમાં એંસીથી સો માણસો હોઇએ. છતાં, કોઇનો એક અવાજ પણ ના હોય, એક મતભેદ ના હોય. બધા જમે, કરે પણ કોઇને ખબર ના પડે કે ઘરમાં કેટલાં જણ છીએ ! અને ચાલે સરસ રેગ્યુલર, આવું તો જોયું જ ના હોય ને ! વર્લ્ડમાં કોઇ જગ્યાએ આવું જોવાનું સ્થાન જ ના મળે ! આવું સ્થૂળભાવે જોવા મળે તો ય કલ્યાણ થઇ જાય. અને પાછું એકે ય લૉ નહીં. જયાં લૉ છે ત્યાં 'વીતરાગી જ્ઞાન' ના હોય. સંપૂર્ણ 'વીતરાગી જ્ઞાન' જયાં લૉ છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે છતાં કોઇને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાંને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે, એટલે કામ કાઢી લેવાનું છે. અહીં દસ વર્ષથી અમારી

વાણ

ીનું લખાણ થાય છે. છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો. ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઇ જાય અને પાછું બધું ઠેકાણે રહે ! ને ઓફિસવાળાનાં તો કાગળો રઝળતા હોય !

'ક્રમિક માર્ગ'નાં જ્ઞાનીઓનો નિયમ એવો હોય કે ૮૦ ટકા સુધી જ્ઞાની પહોંચેલા હોય તો તે ૭૮ ટકાના જ્ઞાની પાસે પગે લાગવા ના જાય, ૮૨ ટકાવાળા પાસે જ જાય. જયારે 'અક્રમ માર્ગ'ના જ્ઞાનીનું કેવું છે ? 'અમે' સો ટકાવાળા છીએ છતાં પાંચ ટકાવાળા પાસે જઇને અમે પગે લાગીએ. જેનો કેફ ઊતરી ગયો છે એને શો વાંધોં આવે ? અમને તો આત્માની જ દ્રષ્ટિ હોય. અમે ઓછા ટકાવાળાને શા સારુ પગે લાગીએ ? એને ડાહ્યો બનાવવા કે 'મહારાજ, આ તમારું સાચું નથી.' અમારે તો કેફ ચઢે નહીં પણ એને કેફ વધે એટલે અમે કારણ સિવાય જઇએ નહીં, નહીં તો એનો રોગ વધે.

ઋષભદેવ ભગવાનના વખતથી અત્યાર સુધી 'ક્રમિક માર્ગ'નાં જ્ઞાની હોય તેને બે કે ત્રણ શિષ્યો હોય. એ ત્રણ શિષ્યોને સાચવે ને પોતે તપ-ત્યાગ કરે ને તે શિષ્યો પાસે ય કરાવે. આ ત્રણથી વધારે નહીં એવું ઇતિહાસ કહે છે. જયારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે દસ લાખ વર્ષે ય આવો માર્ગ નીકળે છે ને! પ્રત્યક્ષ વગર કાંઇ વળે નહીં. 'વીતરાગ વિજ્ઞાન' પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી ! અને આ તો 'અક્રમ વિજ્ઞાન' તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ!

આવું જ્ઞાન આ સાડાત્રણ અબજની વસતિમાં કોને ના જોઇએ ? બધાંને જોઇએ. પણ આ જ્ઞાન બધાંને માટે ના હોય. એ તો મહા-પુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું એમાં લોકોની કંઇ પુણ્યૈ હશે ને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને તેમને માટે 'આ' માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઇએ. પણ લોકોને આના માટે કંઇ કહેવા જવાનું નથી હોતું. આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત- કલ્યાણ થઇ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં તો જેને ભાવના થઇને 'દાદા'નાં દર્શન કર્યા તો એ દર્શન 'ઠેઠ'ને પહોંચે છે. 'દાદા'એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ 'અક્રમ જ્ઞાન' તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજા બધા માટે 'અક્રમ' મોક્ષ નથી. બીજા બધાને તો એના 'ક્રમિક માર્ગ'નો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું. તેનાથી તે ઠેઠ પહોંચી જશે! અહીં તો 'સહજાસહેજ' જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઇ આવે તેને અમે જ્ઞાન આપી દઇએ, 'દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઇ ગયું!

અહીં આવેલા માણસો બધા અસરવાળા જ હોય છે. કોઇને પાંચ ટકા તો કોઇને ૨૫ ટકા હોય પણ એક જ પ્રકારની ઇફેક્ટ છે. પણ જોડે પુણ્યૈ કેવી સરસ લાવ્યા છે ! 'દાદા'ની લિફ્ટમાં બેસીને મોક્ષે જવાનું !! કોટી જન્મોની પુણ્યૈ ભેગી થાય, ત્યારે તો 'દાદા' ભેગા થાય ! ને એ પછી ગમે તેવું ડીપ્રેશન હશે એ જતું રહેશે. ડીપ્રેશન કાઢવાનું જ આ સ્થાન છે. ડીપ્રેશનવાળાઓ માટે બધી રીતે ફસાયેલા માટે 'આ' સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા.

'આ' આપણો 'અક્રમ માર્ગ' પાંચસો વર્ષ પછી ગવાશે. આ કવિ નવનીતનાં પદોની પછીથી ગજબની કિંમત થશે ! અત્યારે તો લોક ચકડોળે ચઢયું છે ને ! લોકો પછી એને ખોળ ખોળ કરશે ! ચકડોળે ચઢેલાને કેવું દેખાય ? એવાને આપણે 'અક્રમ માર્ગ' દેખાડીએ તો કહેશે, 'આ તો બધું હું જાણું છું' એને પૂછીએ કે, 'ભાઇ તને ચિંતા-બિંતા થાય છે ?' તો એ કહેશે કે, 'ચિંતા તો બધાંને થાય ને!' જો ચિંતા થાય છે તો પછી તેં જાણ્યું શું ? જાણ્યાનું નામ પ્રકાશ. અજવાળામાં તે વળી ઠોકર વાગે? આ તો ડગલે ને પગલે ઠોકર વાગે છે ને કહે છે કે હું જાણું છું, તે તારો કયારે ઉકેલ આવે ? અને તે ય 'જ્ઞાની પુરુષ'ની આગળ 'હું જાણું છું'-નો કેફ લઇ આવે તો હું કહું કે, ભઇ, તારો ઘડો ભરેલો છે. તેમાં મારું અમૃત નાખવાની શી જરુર છે ? નાખીશ તો ય એમાંથી છલકાઇને નીચે પડી જશે. જો તારો ઘડો ખાલી હોય તો જ હું મારું અમૃત એમાં રેડું અને તો એ તને કામ લાગે.

પ્રશ્નકર્તા : દાદા, તમારા પછી આ 'અક્રમ માર્ગ' ચાલુ રહેશે?

દાદાશ્રી : 'અક્રમ માર્ગ' તો અમારા પછી એકાદ-બે પેઢી ટકશે. પછી તો એનું એ જ. પણ અમારા નિમિત્તે 'ક્રમિક માર્ગ' ઊંચા સ્ટેજ ઉપર હશે. નવાં જ શાસ્ત્રો ને નવું જ બધું હશે. અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે.

આ તો 'અક્રમ માર્ગ' છે. એટલે જ્ઞાની ફક્ત એક કલાકમાં જગતનિષ્ઠા ઉઠાવી લઇ બ્રહ્મમાં બેસાડી દે. એથી તો કવિએ લખ્યું છે ને -

'' દસ લાખ વર્ષમાં આવાં જ્ઞાન નથી થયાં

નિશ્ચય તે વિસ્મય આવાં જ્ઞાન અકથ્યાં '' - નવનીત.

આવું કયારે ય બન્યું નથી ! તેથી જ સ્તો અજાયબી છે ને ! અને એમાં જો મોક્ષની ટિકિટ મળી ગઇ તો તો તેનું કામ જ થઇ ગયું ને ! 'આ' તો પુણ્યશાળીઓ માટે છે. હજી તો કંઇક સાસુનાં ચાબખા ખાશે, ધણીનાં ચાબખા ખાશે તો ય ઠેકાણુ નહીં પડે ! મોક્ષ એવો સહેલો નથી! એ તો તમને અહીં 'જ્ઞાની પુરુષ' મળ્યા એટલે ખીચડીથી ય સહેલો થઇ પડયો છે. મોક્ષદાતા 'જ્ઞાની પુરુષ'નાં નિમિત્તને તો શાસ્ત્રકારોએ જ વખાણ્યું છે !

'અમે' જગત-કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ, જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠાં લાભ લઇ જાય ! પુણ્યશાળીઓનું ફળ તે આ 'અક્રમ માર્ગ' છે ! નહીં તો અક્રમ તે હોતું હશે ? આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં ? પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દહાડે તે ૩૫ માળના ફ્લેટ બાંધવાના કામમાં પડયો હતો ! બધા સંજોગ ભેગા થાય પણ આ 'અક્રમ-જ્ઞાન'નો સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં 'સત્ સંજોગ' છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દહાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય !

મહાવીર ભગવાનના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂરાં થાય છે. ત્યારે સાધન પણ કેવાં ગજબનાં પ્રગટ થયાં છે ! નહીં તો 'અક્રમ માર્ગ' તે વળી હોતો હશે ? ભગવાનના ૨૫૦૦ વર્ષ પૂરાં થશે એટલે સાધનો ય આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાનને કહેલું કે, 'ભસ્મક ગ્રહની' અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો ત્યારે ભગવાને કહ્યું, ના, એ તો નિરાંતે લોકો ભોગવશે. ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઇ જશે. અને એ પૂરું થશે ત્યારે એનું ય ફળ મળશે! અત્યારે એ વિષમ કાળ પૂરો થવાનો છે. એનું ફળ 'અક્રમ' આવ્યું છે! નહીં તો 'અક્રમ' તે હોતો હશે ?

કો'ક વખત દસ લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઇ ઉપરી નથી. અને આ ઉપર તારો બાપ કોઇ નથી. પછી રહે કોઇ ભો ભડકાટ ?

જેને 'આકુળતા-વ્યાકુળતા' મટી એને અંતરંગ પચ્ચખાણ જ છે. એ તો 'ક્રમિક માર્ગ'ના 'જ્ઞાની'ને આકુળતા-વ્યાકુળતા રહે. 'ક્રમિક માર્ગ' જ આકુળતા-વ્યાકુળતાનું કારખાનું છે ! આ તો 'અક્રમ માર્ગ' તે અહીં જ જયાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારું છે !

હવે તો નવા અનુભવ થશે ! જે હીલ ઉપર ચઢયા છો, એનો એક ખૂણો ય હજુ તો પૂરો જોયો નથી, પણ હવે હીલ ઉપર ચોગરદમ જુઓ, ફરો. ગજબનું છે ! જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો. એની યોગ્યતા ને એની સમજણે લાભ લે. એનાથી માથે ઊંચકી ના શકાય તો અમે એને માથે ઊંચકાવી આપીએ. 'આ' તો ઓર જ જાતનું બન્યું છે. માટે કામ કાઢી લેવાનું છે.

'સકળ બ્રહ્માંડ ઝંખે તે જ્ઞાન વર્ષા ને અસહય ઉનાળે' - નવનીત.

આખું બ્રહ્માંડ જે 'જ્ઞાન'ના વરસાદની ઇચ્છા કરે છે તે 'જ્ઞાન'નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં 'જ્ઞાનવર્ષા' થઇ. જયાં મનુષ્ય માત્ર સાધુ, આચાર્ય, બાવા, બાવલી બધાં તરફડે છે એવા કાળમાં! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય.

વીતરાગોનાં બે પ્રકારનાં જ્ઞાન એક 'ક્રમિક' અને બીજું 'અક્રમિક' કે જે આજે અહીં 'અમારી' પાસે પ્રગટ થયું છે !!!

 

પ્રકૃતિ

એક આત્મામાં અનંત શક્તિ છે ! અનંત આત્મા છે અને અનંત પ્રકૃતિ છે !

દરેકમાં અંદર બે વસ્તુ છે; વસ્તુ 'પુરુષ' છે અને અવસ્તુ 'પ્રકૃતિ' છે. પ્રકૃતિમાં રહે છે માટે 'તે' અબળા છે અને જો પોતે પુરુષ થાય તો 'પોતે' જ 'પરમાત્મા' છે. પૂર્ણ 'પુરુષ'ને ઓળખતો નથી તેથી ક્રોધ, માન, માયા, લોભ એ બધી નિર્બળતા ફરી વળે છે !

આપણે બધાં આત્માએ કરીને એક સ્વભાવનાં છીએ, પણ પ્રકૃતિએ કરીને જુદાં જુદાં છીએ. ખારી, તીખી, ખાટી, મોળી પ્રકૃતિ, એ બધા પ્રાકૃતિક દોષો છે. આ પ્રકૃતિ ત્યાગ કરાવે ત્યારે ત્યાગ થાય અને આ પ્રકૃતિ ગ્રહણ કરાવે ત્યારે ગ્રહણ થાય. આ તો પ્રકૃતિનો નચાવ્યો નાચે, પણ ત્યારે કહે, 'હું નાચ્યો.' આનું જ નામ ભ્રાંતિને? આ અજાયબી છે ને ! ઉદય કર્મના આધારે થયું તો એમ કહે છે કે, 'મેં કર્યું, આ મેં કર્યું, કહે છે. એનું જ નામ ભ્રાંતિ. 'પોતે' પુરુષ ના થયો ત્યાં સુધી ભમરડો કહેવાય. 'પોતાનું' ભાન થયું નથી ત્યાં સુધી 'મેં કર્યું!' એમ શી રીતે કહેવાય ? કરનારો કોણ ? તું કોણ ? એ તો જાણતો નથી. પછી શી રીતે કહેવાય કે 'મેં કર્યું ?' આ તો પ્રકૃતિ રડાવે ત્યારે કહે, 'હું રડું છું.' પ્રકૃતિ હસાવે ત્યારે કહે, 'હું હસું છું !' પ્રકૃતિ ગુસ્સો કરાવે ત્યારે ગુસ્સો કરે. આ તો પ્રકૃતિ પરાણે કરાવે છે ત્યારે 'હું કરું છું 'એમ કેમ કહેવાય ? છતાં એમ જ લોકો કહે છે. એ ય આશ્ચર્ય છે ને?

પ્રાકૃત અવસ્થા એ ટેમ્પરરી છે. આ પંચેન્દ્રિયોથી દેખાય છે. એ અવસ્થાઓ પ્રાકૃત છે. આ જગતમાં તત્ત્વો છે, એ બધાં તત્વો પોતાના ગુણધર્મ સાથે છે અને અવસ્થા સાથે પણ છે. તત્વો એ પરમેનન્ટ છે. માત્ર પ્રાકૃત અવસ્થા ટેમ્પરરી છે.

પ્રકૃતિ પ્રસવધર્મી સ્વભાવી છે, તેથી અનંતગણું ઊભું થાય છે !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ પ્રસવધર્મી છે એટલે શું ?

દાદાશ્રી : હું સમજ પાડું તમને. આ અહીં આજુબાજુ કાચ જડયા હોય તો દોઢસો માણસ દેખાય. તે શું કોઇ દોઢસો માણસ બનાવવા ગયું હતું ? આ તો એકમાંથી અનંત ઊભા થઇ જાય તેવું છે ! એનાં પછી માર ખાય છે. આ તો બધું સ્પંદન સ્વરૂપ છે. એક સ્પંદન ઉછાળે તો પછી નવાં સ્પંદન ઊભાં થાય. પણ જો તું સ્પંદન બંધ કરે તો તારી પર પછી કેટલાં સ્પંદનો આવે ? એ તો પછી બંધ થઇ જાય !

પ્રકૃતિના ગુણો એ 'પર' ગુણો છે, આત્માના નથી. જગત 'પર'ના ગુણોને 'સ્વ' ગુણો કહે છે. લોક કહે, 'ભાઇ, બહુ સારા છે.' પણ તાવ ચઢે ને સનેપાત થાય ત્યારે બધા ય કહેશે કે, 'નથી સારા ભાઇ.' અલ્યા, પ્રાકૃત ગુણો તો કલાકમાં લુપ્ત થઇ જશે. ભગવાને શું કહેલું કે 'ગમ્મે તેવા સંસારમાં ઊંચા ગુણો પ્રાપ્ત કર્યા હશે, ક્ષમા રાખતો હોય, ગુસ્સો કરતો હોય છતાં એ બધા પ્રકૃતિ ગુણો છે. એ કયારે ફ્રેકચર થઇ જશે એ ખબર નહીં પડે.' પ્રકૃતિ પોતે કફ, પિત્ત, વાયુની બનેલી છે. એ ત્રણે ય બગડે તો સનેપાત થઇ જશે ને શું બોલીશ. એ ય ભાન નહીં રહે. એથી ભગવાને કહ્યું કે, ''તમે તમારા 'પોતાના' ગુણધર્મમાં રહેજો.'' આ તો કઢી જરા વધારે ખાધી હોય તો પિત્ત વધી જાય. તે પરાયા ગુણો કયારે ફ્રેકચર થઇ જાય એ કહેવાય નહીં. જયારે 'પોતાના' ગુણો તો કયારે ય બદલાય નહીં.

આ પ્રકૃતિનું સાયન્સ ગજબનું છે ! એ સમજવા જેવું છે. એક વૈદ્ય એક દર્દીને કહેતો હતો કે, 'કેળાં ના ખાશો, ઠંડા પડે.' તે બીજો કોઇ વચ્ચે સાંભળનારો ઘેર જઇને કહેશે કે, ' કેળાં ના ખાશો, ઠંડા પડશે.' આ ભાન વગરના લોકો, કયાંનું કયાં બેસાડી દે ! પેલા દર્દીને કેળાં ના ખાય એ બહુ લાભદાયી હોય અને બીજાને તે અનુકૂળ હોય. પણ પેલો બીજાને અવળું ભરમાવી દે. આ કયાંથી લઇ આવ્યો જ્ઞાન ? તો કહે કે, 'પેલા વૈદ્ય કહેતા હતા.' અલ્યા એ તો પેલાની પ્રકૃતિને માફક નહોતું આવતું, પણ તું શું કામ પકડી બેઠો ? તારી પ્રકૃતિને તો અનુકૂળ હતું.

દરેકમાં પ્લસ-માઇનસ હોય છે, તે કોઇની પ્રકૃતિને માફક હોય અને બીજાને ના માફક હોય; પણ એ જ્ઞાન બીજાને ના કહેવાનું હોય.

તમે ચા પીઓ છો ?

પ્રશ્નકર્તા : નથી પીતો.

દાદાશ્રી : ચા કેમ નથી પીતા ?

પ્રશ્નકર્તા : મને ભાવતી નથી. મને કોફી ભાવે છે તેથી હું કોફી પીઉં છું.

દાદાશ્રી : ચા કેમ તને ભાવતી નથી એનું કારણ છે. આ ચા તને આપે તો ય તારી પ્રકૃતિને એ માફક આવતી નથી. તેથી પ્રકૃતિ સામી ચા આવે તો ય ચા પસંદ ના કરે અને તારી પ્રકૃતિને કોફી માફક આવે છે એથી કોફી પીવાય છે. આ પ્રકૃતિને માફક આવે ત્યારે કહે, 'મને ભાવે છે' અને ના માફક આવે ત્યારે કહે, 'મને ભાવતી નથી.' આપણે પૂછીએ આ બધું તો તે જાણ્યું પણ એ તો રીલેટિવમાં જાણ્યું. પણ વાસ્તવિક શું છે ? તો કહેશે કે, 'એ તો મેં જાણ્યું નથી' એ વાસ્તવિક શું છે ? 'એ જ આત્મા છે'. રીલેટિવ વ્યુ પોઇન્ટ તો બધા જાણે, પણ રીયલ વ્યુ પોઇન્ટ તો જાણવો પડશે ને ? બે વ્યુ પોઇન્ટસને જાણે એ પ્રજ્ઞાભાગમાં કહેવાય. અને એક વ્યુ પોઇન્ટ જાણે એને બુદ્ધિ કહેવાય.

આ કોઇ બૈરી-છોકરાં છોડીને નાસી જાય છે, એ કંઇ 'પોતે' છોડીને નાસતો નથી, પણ પ્રકૃતિ એને પરાણે છોડાવે છે. પ્રકૃતિ ત્યાગ કરાવે છે, પ્રકૃતિ તપ કરાવે છે, ત્યારે પોતે 'અહંકાર' કરે છે કે,'મેં ત્યાગ કર્યો', 'મેં તપ કર્યું', 'મેં સામાયિક કર્યું', જયાં સુધી 'પોતે' 'પુરુષ' નથી થયો ત્યાં સુધી આ પ્રકૃતિ જ ચલાવે છે. આ શાસ્ત્રો વાંચે, ધ્યાન કરે, સામાયિક કરે એ બધું જ પ્રાકૃતજ્ઞાન છે, 'આત્મજ્ઞાન' ન હોય. જગતમાં બધે જ પ્રાકૃતજ્ઞાન છે. આ મોટા મોટા સાધુ, સંન્યાસી, આચાર્યો-બાચાર્યો બધાં જ પ્રાકૃતજ્ઞાનમાં છે. એમની પાસે આત્મજ્ઞાનની વાત ન હોય, એ જે કંઇ જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી જાણતા. જો તારે આત્મા જોઇતો હોય તો 'જ્ઞાની પુરુષ'ની પાસે જા. જ્ઞાન તો 'જ્ઞાની પુરુષ'ની પાસે હોય, બીજે કયાંય ના હોય.

આ લોકો તો પ્રકૃતિના ગુણોને છોડાવે છે. અલ્યા, આ કયારે પાર આવે ? આપણે તો કહીએ છીએ કે, સુટેવો અને કુટેવોથી શુદ્ધ ચેતન સર્વથા મુક્ત જ છે ! આપણે આ દુકાનમાંથી ઊતરી ગયા અને કહ્યું કે, 'આ દુકાન મારી ન હોય !' આ તો દુકાનમાંથી એક એક ચીજ ખાલી કરીએ તો કયારે પાર આવે ? એના કરતાં તો 'ન હોય મારી દુકાન' કરીને નીકળી ગયા એટલે પત્યું !

સહજ પ્રકૃતિ - સહજ આત્મસ્વરૂપ

આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી. તેથી 'અમે' આત્મા સહજ આપી દઇએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઇએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે. આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે એવું આ કાળમાં છે.

આ ગુલાબના ફૂલને નિકાલ કરવાનો હોય ? ના, એ તો સહજ સ્વભાવમાં જ હોય. આ અક્કરમીઓ પોતે જ અસહજ થાય છે. બધી જ વસ્તુ સહજ સ્વભાવની છે, આત્મા ય સહજ સ્વભાવનો છે. મનુષ્ય એકલાંની જ પ્રકૃતિ વિકૃત છે. તેથી આત્માનો ય એવો વિકૃત ફોટો પડે છે. એટલે પોતે વિકૃત થાય ત્યારે પ્રકૃતિ ય વિકૃત થઇ જાય. માટે પોતે સહજ થવાની જરુર છે. પણ અસહજ થઇ જાય છે ! પ્રકૃતિ સૂઇ જવા કહે ત્યારે ચોટલી બાંધીને જાગે. અલ્યા, સહજ થઇ જા ને ! 'સહજ' એટલે પ્રકૃતિ પ્રેરણા આપે તેમ ચાલે. પ્રકૃતિ વિષયી નથી, વિષયી હોત તો આ જનાવરમાં ય તે દેખાત. વિષયી એ પોતાનો વિકૃત સ્વભાવ છે. પ્રકૃતિ તો સહજ સ્વભાવમાં છે. એને ખાવા, પીવા દાળભાત જોઇએ. એ કંઇ ઢોકળાં નથી માંગતી. ખટ(છ) રસ માગે છે. તે સહજ રીતે મળી જાય તેમ છે, ત્યારે આ બટાટાવડાં માગે ! સહજમાં કોઇ દોષ નથી, વિકૃતમાં દોષ છે. 'જ્ઞાની પુરુષ' પોતે પોતાના સ્વભાવમાં રહે અને પ્રકૃતિને પ્રકૃતિમાં રાખે.

ઘર - પ્રકૃતિઓનો બગીચો

આ જગતમાં જે થાય તે પ્રકૃતિના ગુણોથી થાય છે, આત્માના ગુણોથી નથી થતું. માટે દરેકે પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઇએ. પ્રકૃતિના દોષથી સામેવાળો દોષિત લાગે. આપણે પોતે પ્રકૃતિ ગુણોને જ જોવાના. એથી શું થાય કે 'પેલા' દોષોને જાડા થવાનો અવકાશ જ ના મળે.

અમારે આટલાં બધાં હજાર મહાત્માઓ છે છતાં કેમ બધાં સાથે ફાવે છે ? કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ. એના કાંટાને અમે ના અડીએ; અમે તો એનાં ફૂલોને જ જોઇએ !

ગુલાબની જો ચંપો ભૂલ કાઢે કે, 'તારામાં કાંટા છે, તારામાં ભલીવાર નથી', તો ગુલાબ એને કહેત કે 'તું તો ઠૈડા જેવો દેખાય છે' ને ઝઘડો થઇ જાય. અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢંવઢા થઇ જાય. તેમ આ સંસાર બગીચો જ છે. આ પ્રકૃતિ બોલે છે તેથી બીજાની ભૂલ કાઢીને વઢંવઢા થઇ જાય છે.

મનુષ્યની પ્રકૃતિ જાતજાતની હોય છે. પહેલાં સત્યુગમાં બધાં ઘરનાં ગુલાબ જેવાં હોય. અત્યારે તો એક મોગરો, એક ચંપો, એક ગુલાબ એવું જુદું જુદું આ કળિયુગમાં ભેગું થાય ! બધી જુદી જુદી પ્રકૃતિ ભેળી થાય. આ નાનાં, મોટાં બધાં ભેગાં થઇ જાય તેમ. તેમાં આ બાપને થાય કે મારા જેવાં બધાં ગુલાબ થાય. પણ જો ચંપો થાય તો બાપ કહેશે કે ના ચાલે, બધાં ગુલાબ જ જોઇએ. અલ્યા, આ પ્રકૃતિનો બગીચો તો જો ! બધાં જ ગુલાબ થાય તો તો બગીચો શી રીતે કહેવાય? એ તો ગુલાબનું ખેતર કહેવાય ! તારે બગીચો ખીલવવો છે કે ખેતર?

કળિયુગમાં બાપ ઝીણો હોય, મા ઝીણી હોય ને છોકરો લાફો હોય તો મા-બાપ છોકરાને લાફો કહે. અલ્યા, જરા ધીરજ તો રાખ. આ લાફાપણાની પ્રકૃતિને ફૂલાં આવશે. આ 'દાદા'ની દ્રષ્ટિ મળી જાય તો પ્રકૃતિભેદ ના પડે ને વઢવાડો ના થાય. દરેક પ્રકૃતિને ફૂલ આવશે. માટે રાહ જુઓ. આ તો લોક શું કરે કે ગુલાબને ફૂલ આવ્યાં હોય ને ચંપાને ના આવ્યાં હોય તો ચંપાનો દાંડો કાપી નાખે. પણ ધીરજ રાખે તો ફૂલ સૂંઘવા મળે. દરેકની પ્રકૃતિને ફૂલો આવશે. આ ગુલાબનો છોડ જુએ અને ફૂલ ના જુએ તો કહે કે આ કાંટાળો છોડ છે, માટે ઉખેડી નાખો. ના અલ્યા, આ કાંટા છે માટે એની સામે બીજા કોઇ સારા ગુણ હશે, એવો કુદરતમાં નિયમ છે. તેથી રાહ જુઓ. ધીરજથી જુઓ. તે કાંટાળા છોડમાં ગુલાબ નીકળશે.

એક બાપ એના છોકરાને મારતો હતો. અલ્યા, ના મરાય. જો ઠપકો આપીએ અને જો એ સાંભળે એવો હોય તો ઠપકો અપાય. નહીં તો કળિયુગમાં ઠપકો આપીએ તો છોકરાં અવળે રસ્તે ચઢી જાય. એને તો વાળવાના પ્રયત્ન કરાય.

આપણામાં ભલીવાર હશે તો 'હાથીઆ થોરમાં ય પ્રગટે સુવાસ.' આ પ્રકૃતિ એક બાજુ રાશી હોય તો બીજી બાજુ ઊંચી હોય એવું છે.

આ તો એવું છે ને કે બેન્ડમાં એકલો રામ ઢોલ જ હોય તો એને બેન્ડ કેમ કહેવાય ? એમાં તો એક રામઢોલ, એક પીપૂડીવાળો, એક વાજાવાળો એમ બધા જુદા જુદા વગાડનારા જોઇએ. તો જ તે બેન્ડ ખીલે. કયારે કઇ પ્રકૃતિને કેવાં ફૂલ આવે એ કહેવાય નહીં. માટે ધીરજ ધરવી પડે.

બધામાં શક્તિ જુદી જુદી હોય ને ખોડ પણ જુદી જુદી હોય. આ સત્યુગમાં કેવું હતું કે ઘરમાં એક તીખી પ્રકૃતિનો હોય તો ઘરનાં બધાં જ તીખાં હોય. અત્યારે કળિયુગમાં એક તીખો, બીજો ખાટો, તો ત્રીજો વળી કડવો એમ જુદી જુદી પ્રકૃતિના માણસો હોય તેથી એડજસ્ટમેન્ટ જ ના થાય. આ ધણી વહેલો ઊઠે અને બૈરી મોડી ઊઠે, તે પછી સવારના પહોરમાં કકળાટ ઊભો થાય. ને આવી રીતે સંસાર ખારો કરી મૂકે. પણ જો પ્રકૃતિને એડજસ્ટ થતાં આવડી જાય તો કામ થઇ જાય.

'ભજિયાં સારાં છે', એવું તો બોલાય પણ નાટકી ભાષામાં, તે ય સામાને સારું લાગે એટલા માટે કહીએ. કઢી ખારી થઇ હોય પણ એમ કહીએ કે, 'ખારી થઇ છે', તો સામાના અહમ્ને ડંખ પહોંચે. જો કહેતાં આવડે તો કહેવું, નહીં તો બીજો રસ્તો કાઢવાનો. ધીમે રહીને પાણી નાખીને કઢી પી લઇએ. આ તો 'જ્ઞાન' છે, માટે જગત જે આપે તે બધું ઘોળીને પી લઇએ. એવું છે, મહીં તો ગજબની શક્તિ પડેલી છે ! કઢી ખારી હોય તો પ્રકૃતિ તો ખારી કઢી પણ પી જશે. 'આપણે' તો 'જાણનાર' છીએ. પ્રકૃતિની બહાર કોઇ માણસ ચાલતો નથી. 'અમારે' 'જ્ઞાન' થતાં પહેલાં પણ બધાં જ એડજસ્ટમેન્ટનું જ્ઞાન હાજર રહેતું કે અહીં શું કરવા યોગ્ય છે. એ બધું ઓન ધી મોમેન્ટ હાજર રહે.

જગત છે માટે બધું જ હોય. કાંકરા ના ફાવતા હોય તો શું ઘઉં નહીં લાવવાના ? ના, એ તો ઘઉં લાવવાના અને કાંકરા વિણવાના! જયાં આગળ પ્રકૃતિ અંતરાય ત્યાં ઓબ્સ્ટ્રક્ટ થાય. એટલે પ્રકૃતિ જયાં જયાં અંતરાય ત્યાં ત્યાં ટૉર્ચ લાઇટ મૂકવી પડે, ને જોઇ લેવાનું! 'પોતાની' ભૂલો તો સેન્ટ પરસેન્ટ દેખાવી જોઇએ. મહાવીર ભગવાન પણ માત્ર પોતાની જ પ્રકૃતિને 'જો, જો' કરતા હતા કે પ્રકૃતિ શું શું કરે છે ને શું શું નથી કરતી.

જે વ્યવહાર એક ફેર આપણે ના કરવો હોય છતાં કરવો પડે, તો જાણીએ કે આપણી ઇચ્છા નથી છતાં ય થાય છે. માટે પ્રકૃતિ આપણી પર સવાર થઇને બેઠી છે. આ તો સવાર થવા દેવાની ના હોય, તેથી આપણે પ્રકૃતિને ઘોડો બનાવીએ અને 'આપણે' એની ઉપર સવાર થઇએ. પ્રકૃતિ-ઘોડો ના ચાલેને તો હંટર મારીએ; કહીએ, ચાલ. એટલે પછી એ ચાલે. આ તો અનંત અવતારની કુટેવ પડેલી, અટકણ પડેલી. તેથી પ્રકૃતિ સવાર થઇ બેસે છે. પણ આત્મા તેવો નથી. આ તો પ્રકૃતિ પોતે કહે છે કે ભગવાન, તમે ઉપર બેસો. પણ આ નહીં સમજાવાથી પ્રકૃતિને માથે ચઢાવે છે.

રૂપિયા બે હજારનો વિક્ટોરિયા ગાડીનો ઘોડો હોય પણ કબરનું લીલું કપડું જુએ ને અટકી જાય એ અટકણ છે. એવા લોકો અટકણવાળા થઇ ગયા છે. અટકણ તો કાઢવી પડે ને ?

પ્રકૃતિને સવાર ના થવા દેવી. પ્રકૃતિને સવાર થવા દેવી એ કાંઇ રીત છે ? એના કરતાં તો નિરાંતે તમે એની ઉપર સવાર થાવ ને !

અમને કોઇ કહે કે ચાલો છેલ્લે સ્ટેશને, તો અમે તૈયાર ને કહે કે ચાલો લગનમાં, તો ય અમે તૈયાર. આપણી પ્રકૃતિ તૈયાર રહેવી જોઇએ. આ તો કલાક સુધી નક્કી કરે કે નથી કરવું આ કામ. પણ પછી કરવું પડે તો તેનાં કરતાં સરળ થઇ જા ને. આ 'વ્યવસ્થિત' છોડે તેમ નથી. માટે સરળ થઇ જા.

કવિએ શું કહ્યું છે :

'' અટકણથી લટકણ, લટકણથી ભટકણ,

ભટકણની છટકણ પર છાંટો ચરણ-રજ કણ.'' - નવનીત

'આ' અટકણ છે, એવું આપણે જાણ્યું એટલે એ અટકણ તૂટતી જાય. પ્રકૃતિ તો અજાયબી છે ! પણ ભાન ના રહ્યું કે, કેવી રીતે કામ કાઢવું. પોતે પ્રકૃતિ સ્વરૂપ થઇ ગયો ! તેથી ઘોડો આમ નાસે તો પોતાને તેમ નાસવું પડે. એના કરતાં પ્રકૃતિને લગામ નાખીને નિરાંતે ઘૂમોને !

પ્રકૃતિ નિયમવાળી છે. મનનો સ્વભાવ અનિયમવાળો છે. કોઇનું પાકીટ કાપીને ૩૦ રૂપિયા હાથમાં આવે તો પાંચ રૂપિયા 'પતિયા'ને દાન આપે અને પચીસ રૂપિયા બહેનને આપી દે, આવું છે ! મનનો સ્વભાવ ઘડીમાં દાન આપે અને ઘડીમાં ચોરી કરે. મનનો સ્વભાવ વિરોધા- ભાસવાળો છે. પ્રકૃતિ નિયમવાળી છે. પ્રકૃતિ ઓળખાય તો વશ થાય એવી છે. માટે પ્રકૃતિને પૂરેપૂરી ઓળખી લેવી જોઇએ.

પ્રકૃતિમાં જે લોકનિંદ્ય કાર્ય નથી એનો વાંધો નથી. આ ચા-પાણી, નાસ્તો કરીએ એ લોકનિંદ્ય નથી. જે લોકનિંદ્ય પ્રકૃતિ હોય તેનો વાંધો છે. તેવી પ્રકૃતિને જો જો કરવાથી મોળી થતી જાય. જેમ જેમ જુએ તેમ તેમ એ ઓગળતી જાય. કોઇ માણસ હોય તે તલવાર લઇને વઢવા આવ્યો હોય તેને જો આંખોથી જોવાથી નરમ થતો હોય તો ફરીવાર જોવાથી તે ફરી ના આવે. આ તો એ બળવાન હોય અને આપણું જોર નરમ પડે તો એ ચઢી બેસે. પણ અહીં, આપણી પાસે તો 'દિવ્યચક્ષુ' છે. ચર્મચક્ષુથી સામેનાનું જોર નરમ પડે છે ત્યારે આ તો દિવ્યચક્ષુ છે, તે માત્ર દ્રષ્ટિથી જ પ્રકૃતિ ઓગળવા માંડે છે.

મોક્ષે જવા કોઇ મનાઇ હુકમ નથી, માત્ર 'પોતાને' 'પોતાનું' ભાન થવું જોઇએ. કોઇ ત્યાગી પ્રકૃતિ હોય, કોઇ તપની પ્રકૃતિ હોય, કોઇ વિલાસી પ્રકૃતિ હોય, જે હોય તે, મોક્ષે જવા માટે માત્ર પ્રકૃતિ ખપાવવાની હોય !

ભગવાન તો આત્મા પ્રાપ્ત થયા પછી પ્રકૃતિ જ જોયા કરતા હતા. પ્રકૃતિનું સાયન્સ જો જો કરતા હતા કે આ સાયન્સ કેવું છે ?! બીજું કશું ભગવાન જોતા નહોતા. ભગવાન તો એકલું પોતાનું પુદ્ગલ જ જોતા હતા.

પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે અને પોતે અપૂરણ-ગલન સ્વભાવનો છે.

પ્રકૃતિ પણ ભગવાન સ્વરૂપ !

પ્રકૃતિ જયારે ભગવાન જેવી દેખાશે ત્યારે મોક્ષે જશો. ગજવું કાપનારની પ્રકૃતિ ભગવાન જેવી લાગશે. ત્યારે મોક્ષે જવાશે. આ ગજવું કાપે છે એ તો એની પ્રકૃતિ છે. એ પ્રકૃતિ એ ભગવાન જ છે, પણ રીલેટિવ ભગવાન છે. જયારે આત્મા રીયલ ભગવાન છે. પ્રકૃતિ એ ભગવાન છે પણ એ વ્યુ પોઇન્ટ જાણતો નથી. કારણ કે, બુદ્ધિ છે ને ! તેથી બુદ્ધિ બતાવે કે ગજવું કાપી ગયો, પૈસા લઇ ગયો. પણ બીજા વ્યુ પોઇન્ટને, રીયલને જાણતો નથી. નહીં તો ગજવા કાપનારો તે પોતે જ ભગવાન છે, પોતે જ પરમાત્મા છે. પણ એ સમજણ જ નહીં ને ! ભગવાને ગજવાં કાપનારને, દાનેશ્વરીને, સતીને, વેશ્યાને, ગધેડાંને, બધાંને ભગવાન સ્વરૂપે જોયા, બધાંને સરખા જોયા.

લોકોને હું-તું દેખાય અને 'વીતરાગ'ને બધે શુદ્ધ ચેતન અને પ્રકૃતિ સ્વભાવ દેખાય. આ કેરીના કરંડિયામાં કેરી ચાખે તો એનો 'આ ખાટી છે' એમ પ્રકૃતિ સ્વભાવ દેખાય. 'વીતરાગ'ને પ્રકૃતિ બધાંની ઓળખાય, પણ ભેદભાવ ના હોય તેથી એમને 'ખાટી છે', 'મીઠી છે' એવી ભાંજગડ ના હોય, અને બધા જોડે 'પોતે' 'વીતરાગ' રહે. એમને તો જો દાન આપે છે, તો એ પ્રકૃતિ છે અને ગજવું કાપે છે, તો એ ય પ્રકૃતિ છે. એમને 'આ બરાબર છે અને આ બરાબર નથી' એવું ના હોય. એવું કહ્યું તો રાગદ્વેષ થઇ જાય. ને આમાં એક સ્પંદન થયું એટલે બધું હાલ્યું. બાકી આમાં બીજો કોઇ કર્તા છે જ નહીં.

વીતરાગો કેવા હતા ? છેલ્લું તેમણે શું જોયેલું ? પોતાની જ પ્રકૃતિ જોયેલી. પોતાની જ પ્રકૃતિ જો જો કરતા હતા. પ્રકૃતિ સીધી ચાલે છે કે વાંકી? તે જોયા કરતા. બધે જ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા. બીજાની પ્રકૃતિ જોવાથી જ આ સંસાર ઊભો થઇ ગયો છે. વીતરાગોએ માત્ર પોતાની જ પ્રકૃતિ જો જો કરેલી, અને જે જોયા વગર છૂટકો જ નથી. કેવળ જ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે, પોતાની જ પ્રકૃતિને જો જો કરે.

કોઇનો એક પણ ગુણ ના ભુલશો. સો અવગુણ ભૂલી જવા પણ કોઇનો એક પણ ગુણ ના ભૂલશો. વીતરાગો કોઇનો ય ગુણ નહીં ભૂલેલા. જેનો ગુણ ભૂલ્યા તો એ આપણને ઠેઠ ના જવા દે. પણ આપણું જ્ઞાન અનુપમ છે ! તે બધું થઇ શકે એમ છે.

પરમાણુએ પરમાણુ પ્રકૃતિના જે ઓળખી ગયો તે છૂટયો. ભક્તો તો ધીમે ધીમે મોક્ષ માર્ગે આગળ વધે. પણ કિંચિત્ માત્ર સંસારિક ઇચ્છા ના કરે તો જ્ઞાની ભેગા થઇ જ જાય. 'જ્ઞાન' અને 'પ્રકૃતિ' બે જુદા જ છે. પણ પ્રકૃતિ જયાં અંતરાય ત્યાં ઓબ્સ્ટ્રક્શન થઇ જશે, માટે ટોર્ચ નાખી જોઇ લેવું.

પ્રકૃતિ ધર્મ શું કહે છે ? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડયું. પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતાદ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જયારે બીજું બિહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિ ને છેવટે ભગવાન રૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે, પ્રકૃતિ ભગવાન રૂપે થઇ જાય ને પરમાનંદ વર્તાય !

પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો. પ્રકૃતિના અંતરાય તૂટયા એટલે પુરુષ થયો એટલે ગજબની શક્તિ પેદા થાય ! આ લોક કહે છે એ બધું તો પ્રકૃતિ જ છે. આ પ્રકૃતિ તો મૂળ આપણી ભૂલથી જ ઊભી થયેલી છે, તે હવે કેવી નચાવે છે ! જયાં સંયોગો ટકવાના નહીં ત્યાં કાયમના સંયોગો માની બેઠા !

પ્રકૃતિની વિભાવિકતા

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વિભાવિક થઇ જાય છે તે, જયારે ગાંઠો વધારે ફૂટે તેથી શું એમ બને છે ?

દાદાશ્રી : હા, પણ એને એવિડન્સ ભેગો થાય છે તેથી જ ને ? માણસને ચક્કર આવે ત્યારે એ પડી ના જાય, પણ વધારે પડતા ચક્કરનો એવિડન્સ આવી જાય તો તે પડી ય જાય. 'જ્ઞાન' પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ?

પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે ને ગાળો ય દઇ દઉં આ રેલ્વેવાળાઓને !

દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ 'વ્યવસ્થિત' છે. 'અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઇ બાપો ય રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે.' આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે, તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે. પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રીલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતાદ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે.

આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો અડધો કલાક કરતાં આખી રાત કાઢે ને, તો ય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીયે ગાળો આપે. એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે ? ગાર્ડને પહોંચવાની છે ? ના. એ કાદવ તો પોતાને જ ઉડાડે છે ! જ્ઞાન હોય તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ એનું નામ જ સહજ આત્મા. આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજે ય કંટાળો ના આવે. ફાંસીએ ચઢવાનું હોય તો ય વાંધો ના આવે. ફાંસીએ ચડવાનું છે એ તો વ્યવસ્થિત છે અને રડીને ય ચઢવાનું તો છે જ, તો પછી હસીને શા માટે ના ચઢીએ ?

પ્રકૃતિ ; સ્વભાવે લજામણી !

પ્રકૃતિનો સ્વભાવ લજામણી જેવો છે. હાથ અડાડીએ ને તો પાંદડાં સંકોચાઇ જાય. આપણે ઘરમાં કોઇ છોકરાને કહીએ કે તારાથી તો હું કંટાળી ગયો છું, તો તેની પ્રકૃતિ તરત જ લજવાઇ જાય, લજામણીની પેઠ. પણ એને ફરીથી કહેવું જોઇએ કે, 'ના ભાઇ, હું ખરેખર તારાથી કંટાળ્યો નથી.' એટલે એની પ્રકૃતિ લજવાય નહીં.

આપણે થાકી ગયા હોઇએ તો ય ના બોલીએ કે, 'હું થાકી ગયો છું', નહીં તો આપણી પ્રકૃતિ લજવાઇ જાય. પ્રકૃતિનો સ્વભાવ લજામણો છે. વધારે ખવાઇ ગયું ને અજીર્ણ જેવું લાગે તો બોલીએ નહીં કે અજીર્ણ જેવું થઇ ગયું છે. નહીં તો પ્રકૃતિ લજવાઇ જાય. આપણે તો બોલીએ કે, 'ના બાબા, સરસ પચી ગયું છે !'

ધણી વાઇફથી કંટાળી જાય તો બોલી નાખે કે તારાથી તો મારું મગજ ખસી જાય છે. પણ તરત જ આપણે મહીં બોલવું પડે કે, 'ના બા, મગજ ખસે-બસે એ બીજા, તારાથી તો મને કશું જ થયું નથી.' એટલે આપણી પ્રકૃતિ લજવાય નહીં. નહીં તો પ્રકૃતિ શું કહે છે કે, 'તમે વચ્ચે ડહાપણ કરનાર કોણ ?' એટલે આપણે છતું બોલવાનું.

પ્રકૃતિ સમજણથી વળે !

આ જ્ઞાન મળ્યું છે. માટે હવે એક ક્ષણવાર પણ પ્રમાદનું સેવન કરવા જેવું નથી. એને વઢવાનું નહીં, ઠપકો આપવાનો નહીં. એને કહીએ કે, તારે જે ખાવું હશે તે બધી જ ચીજો તને સપ્લાય કરીશું પણ તું આટલું અમારું માન. દેહને કહીએ કે આટલું અમારું માન. ઇગોઇઝમ બહુ કૂદાકૂદ કરતો હોય તો તેને કહીએ કે, અમારું આટલું માન.

પ્રશ્નકર્તા : જો એની સામાવાડિયા થઇએ તો, દાદા? એની સામા પડીએ તો શું થાય ?

દાદાશ્રી : ના, પ્રકૃતિનાં સામા થઇએ તો એ ય સામે થાય. એ તો એને જોઇતું જ છે. એવું તો એને જોઇએ છે કે સામા પડે કે લાગમાં લઉં. આપણે સામા પડવાનું ના હોય. એને તો સમજાવી પટાવીને કામ લેવાનું. આ છેવટે એની બાળક અવસ્થા છે. આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ એની બાળક અવસ્થા છે. કયારે ઊંધું કરી નાખે, નાના બાળક જેવું કરી નાખે, એ કહેવાય નહીં! એ બાળક સ્વભાવની છે માટે એને સમજાવી પટાવીને, ગોળીઓ ખવડાવીને, લાલચ આપીને, ભજિયાં ખવડાવીને પણ ઉકેલ લાવવો.

પ્રશ્નકર્તા : એટલે એને પંપાળીને ઉકેલ લાવવો ?

દાદાશ્રી : ના, પંપાળીને નહીં, સમજાવીને. પંપાળીને એ અર્થ ખોટો કહેવાય. એને સમજાવવું. એ પોતે યસ કરે, એકસેપ્ટ કરે ત્યાં સુધી સમજાવવું. સમજાવ્યા સિવાય કામ ના થાય, સામું ના થવું. સામું થાય એટલે ઊલટું આપણું ગાડું એ ઊધું નાખી દે. આ બળદને બહુ માર માર કરીએ તો એ ગાડું ઊધું નાખી દે. એ મારીએ ત્યારે દોડે ખરા, એટલે આપણને એમ લાગે છે કે મારવાથી જે દોડે છે, ચાલે છે એમ શ્રદ્ધા બેસે પણ કયારે એ ગાંડુ ઊધું નાખી દે એ કહેવાય નહીં. એના કરતાં એને સમજાવી પટાવીને કામ કરવું. પ્રકૃતિ બાળક સ્વભાવની છે. પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલાં વર્ષો થાય, છતાં સ્વભાવથી એ બાળક છે. આખી જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય પણ બાળક અવસ્થા કયારે થઇ જાય એ કહેવાય નહીં. રડી ઊઠે, દીન થઇ જાય, કાલાવાલા કરે, બધું જ કરે. કરે કે ના કરે ?

પ્રશ્નકર્તા : કરે.

દાદાશ્રી : પ્રકૃતિ બાળક અવસ્થા કહેવાય તો પછી એવા બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે. નથી સહેલું ?

પ્રકૃતિ પાસે સમજાવી પટાવીને કામ લેવા જેવું છે. સમજાવવું તો અવશ્ય જોઇએ. એ 'યસ' ના કહે ત્યાં સુધી બધું નકામું છે, અને 'યસ' કહે એવું એ છે.

આ છ મહિનાથી ના કહેતું હોય, તે પા કલાકમાં સમજાવીએ તો યસ કહે એવું છે ! પાછું બાળક જેવું છે, અને હઠે ચઢે તો લાખ વર્ષ સુધી ઠેકાણું ના આવે. હઠે ચઢે અને સમજાવીએ એ બેમાં બહુ ફેર છે. સમજાવવાને માટે બહુ કીમિયો જોઇએ. ગમે તેટલું હઠે ચઢેલું છોકરું હોય તેને સમજાવતાં આવડતું હોય તો તે સમજી જાય. નહીં તો એ બૂમાબૂમ કરી મૂકે, તોફાન કરી મૂકે. એને સમજાવતાં આવડવું જોઇએ. આપણામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે. બધા કીમિયા આવડે, જો ખોળે તો ! પોતે શોધખોળ કરે અને જરા વાર રાહ જુએ તો મહીંથી દર્શનમાં આવી જાય. પણ શોધખોળ કરે તો. શોધખોળ ના કરે, જાણતા જ ના હોય, મારીને ઠોકાઠોક કરે.

પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે ખાંડનો કંટ્રોલ આવવાનો હોય તે પહેલાં જ એ કૂદાકૂદ કરે કે ખાંડ લઇ આવીએ, ખાંડ લઇ આવીએ. ખાંડનો કંટ્રોલ આવવાનો છે એમ કહે, ને આપણે ઘણું સમજાવીએ કે કંટ્રોલ આવશે ત્યારે થોડી થોડી લઇ આવીશું. છતાં ય એ કહે, ના. એવું છે. પ્રકૃતિ તો બાળક જેવી છે. પ્રકૃતિ વૃદ્ધ જેવી છે અને બાળક જેવી પણ છે. સમજાવવા માટે બાળક જેવી છે. અમે તો એને ગોળીઓ ખવડાવી ખવડાવીને સમજાવીએ છીએ.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એ કઇ દ્રષ્ટિએ ?

દાદાશ્રી : વૃદ્ધ જેવી છે એનું કારણ શું કે ગમ્મે તેટલાં મોટાં લશ્કર આવે ત્યારે એ ના છોડે, પકડી રાખે. અને છોડી દે તો સહજમાં છોડી દે. એ 'અમે' જોયું છે. પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં, વીતરાગી કહેવાય. પણ પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે, મિશ્ર ચેતન છે.

'મિશ્ર ચેતન' એટલે શું કે આ પ્રકૃતિના પરમાણુ બધા છે, એને 'મિશ્રસા' કહેવાય. 'મિશ્રસા' જયારે રસ આપીને જાય ત્યારે એને 'વિશ્રસા' કહેવાય છે. ચોખ્ખા પરમાણુને 'વિશ્રસા' કહેવામાં આવે છે. અને તેમાં ભાવ કર્યો તે વખતે 'પ્રયોગસા' થઇ ગયા. આ પ્રકૃતિના પરમાણુનો ગુણ ચેતન ભાવને પામેલો છે. માટે તેને કહી શકાય, સમજાવી શકાય. આ 'ટેપરેકર્ડ'ને કહીએ, બૂમો પાડીએ, સમજણ પાડીએ તો શું સમજાવાય ?

લોકો આત્મા જાણતા નથી, ને તેના વગર ચાલે જ છે ને તેમને? કારણ કે પ્રકૃતિ એવું મિશ્ર ચેતન છે. આપણાં છોકરાં મોટાં હોય, બધાની પત્તર ફાડી નાખે એવાં હોય પણ છેતરાવાનાં ના હોય તો ય તે સહેજમાં છેતરાઇ જાય છે કે નહીં ? એનું શું કારણ ? એ પ્રકૃતિ છે, એને સમજાવનારા જોઇએ.

પ્રશ્નકર્તા : કોઇ વખત સમજાવતાં કામ નથી થતું.

દાદાશ્રી : એનો અર્થ એ કે સમજાવતાં નથી આવડતું.

પ્રશ્નકર્તા : ઘણી વખતે પ્રકૃતિને સમજાવવાથી કામ નથી થતું ત્યારે એને ઠપકો આપવો જ પડે છે. દ્રષ્ટાંત તરીકે, ડૉક્ટરે બે જ પૂરી ખાવાનું કહ્યું હોય પણ આમ્રરસ હોય ત્યારે તો પ્રકૃતિ કહેશે કે ત્રણ ખા. ત્યારે એને સમજાવીએ તો એ નથી માનતી, ત્યારે એને ઠપકો આપવો જ પડે. એ વખતે પંપાળીને નથી થતું, હઠ કરવી પડે છે.

દાદાશ્રી : એવું છે ને જો સમજાવતાં આવડે તો તો બહુ જ સારૂં છે. તે ના આવડે પછી ઠપકો આપવાનો. પણ એ સેકન્ડરી સ્ટેજ કહેવાય. પણ તે દેહની બાબતમાં ચાલે, મનની બાબતમાં ઠપકો આપવાનું સારું નહીં જ. દેહ તો જરા જડ છે ને ઠપકો આપો તો વાંધો નહીં. મૂળ જડ સ્વભાવનો છે અને મનને તો સમજાવવું પડે.

દેહને પણ જો સમજાવતાં આવડતું હોય તો સમજાવવું સારું. દેહ પણ અમારું તો કહેલું માને.

પ્રશ્નકર્તા : એ પણ દાદા, પ્રકૃતિ જેટલી સહજ થઇ છે. એટલું એ સહેલાઇથી માને, એ ખરું ?

દાદાશ્રી : હા, એ વાત ખરી છે. આ બધા પરમાણુ શું કહે છે? ચેતન ભાવને પામેલા છે એટલે તે કહે છે કે અમે તમારો ઠપકો ખાવા આવ્યા નથી. ઠપકાનું ફળ તમને તરત જ મળશે. આ બધું સાયન્સ છે!

પ્રશ્નકર્તા : હું પહેલાં જયારે જૈન સાધુઓની સાથે હતો ત્યારે આ મારા આહારને, આહાર સંજ્ઞાને લાકડીથી મેં માર માર કરેલી. છ મહિના થયા ત્યારે તો એણે માન્યું. પણ હવે એનું રીએકશન એ આવ્યું છે કે છેલ્લા આઠ વરસથી એક ટંક જો ખાવાનું ના મળે તો મહીં બહાર બૂમાબૂમ થઇ જાય !

દાદાશ્રી : જોને આ લોકો કેવા હેરાન થઇ ગયા છે! સાધુ, સંન્યાસી બધા જે હેરાન થઇ ગયા છે, મનને દબાવવા જવાથી ! મન દબાવા જેવી વસ્તુ નથી તેમ ખુલ્લું મૂકવા જેવું ય નથી. પાછું ખુલ્લું મૂકવું તે ય ગુનો છે ! બંને ય ગુના છે !

પ્રશ્નકર્તા : બંનેનું પ્રમાણ જોઇએ ?

દાદાશ્રી : ના, પ્રમાણ નહીં. જેમ અહીં આગળ તમારા છોકરાની વાઇફ આવી હોય ત્યારે ત્યાં તેમની આગળ તમારામાં મર્યાદા રાખવી એવું હોય છે ને ?

પ્રશ્નકર્તા : હા, હોય છે, દાદા.

દાદાશ્રી : તો પછી એ છોકરાંની વાઇફ આમ તમારી આગળથી જતી હોય ને તમે કહો કે, 'ના, અહીં ઊભાં રહો, ના, તમારું નામ કહો, કયાં સુધી તમે ભણ્યાં છો ? શું કરો છો ?' એમ તમે કરો તો એ નુકસાન છે. આ તો મનને ખુલ્લું મૂકયું ! મનની ઉપર છાવરવું એ આના જેવી વાત છે. મનની ઉપરનો 'આપણો' પ્રભાવ તૂટી ના જવો જોઇએ. તેટલા માટે પટાવવું. પણ આવી રીતે આમ ના કરવું જોઇએ; તેમ સામે ય ના થવું જોઇએ. જેમ ઘરની સ્ત્રીઓને તમે આવું કરો તો શું થાય ? તેમના ઉપરનો તમારો પ્રભાવ તૂટી જાય.

'ભાભો ભારમાં તો વહુ લાજમાં' ગુજરાતીમાં આવી કહેવત છે, એના જેવું છે. એટલે આ મન જોડે બહુ પદ્ધતિસરનું કામ લેવું જોઇએ. આ 'મને' તો બધાંને ઊથલાવી પાડેલા છે. તેથી તો બધા સાધુ, આચાર્યો માથાકૂટમાં પડેલા છે ને ! ગુરુ થયેલા ત્યાંથી ઊથલી પડેલા, તે શિષ્યના શિષ્ય ને તેના શિષ્યના શિષ્યના આ શિષ્ય થઇને બેઠેલા છે ! કારણ કે મન ઊથલાવી પાડે. ગજબની શક્તિઓ છે એમાં ! કોઇ પણ વસ્તુનો કંટ્રોલ થાય ત્યારે મન શું કરે છે ?

પ્રશ્નકર્તા : કંટ્રોલની બહાર આવે છે, પછી નિરંકુશ, બેકાબૂ થઇ જાય છે.

દાદાશ્રી : કારણ કે એના સ્વભાવની એ વિરુદ્ધ છે. મન શું કહે છે કે મને આંતરશો નહીં.

પ્રશ્નકર્તા : એ જ વખતે ગુરુની જરુર છે.

દાદાશ્રી : હા, ગુરુ વગર તો કામ જ શી રીતે થાય ? એ પોતે કરે જ શી રીતે ?

પ્રશ્નકર્તા : મનની વૃત્તિ બહુ જોરથી ચાલે ત્યારે ગુરુની જરુર છે.

દાદાશ્રી : ગુરુ વગર કોઇ મોક્ષે ગયેલો નહીં. એક એકલા તીર્થંકર કે જે સ્વયંબુદ્ધ થયેલા તે ગયેલા. પણ તેમને આગલા કોઇ અવતારમાં ગુરુ મળેલા. તેમનાથી તેમને જ્ઞાનાંજન અંજઇ ગયેલા, તેથી તેમને વાંધો નહીં. પણ બીજો તો ગુરુ વગર માર ખાઇ જાય. માથે કોઇ હોય નહીં તો સ્વચ્છંદ ઊભા થાય. હવે એ મનને મારવું એ ય સ્વચ્છંદ છે અને મનને પંપાળ પંપાળ કરવું તે ય સ્વચ્છંદ છે !

મન ઉપર તો પ્રભાવ પડવો જોઇએ. એ કોના જેવું છે તે તમને સમજાવું. આ ભાઇને કોઇ માણસ અહીં મારવા આવ્યો હોય પણ તે મને દેખીને તેની બોલતી બંધ થઈ જાય, ચૂપ થઇ જાય, એનું શું કારણ ? તો કે' પ્રભાવ. મારે કશું બોલવું ના પડે. એ તો પ્રભાવ કામ કરે. તેવી રીતે 'આપણો' મન ઉપર પ્રભાવ પડવો જોઇએ. જે મનની પાસે આપણે ખોટું કામ કરવું હોય ત્યારે હેલ્પ લઇએ તો પછી એ મન ઉપર આપણો પ્રભાવ શી રીતે પડે ? બને ત્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ કે આ ચોર નથી. પણ આપણે કોઇ ખોટું કામ કરવું હોય ત્યારે મનની હેલ્પ લઇએ તો એ આપણને ચોર જાણે. આપણો જો પ્રભાવ હોય તો ઘરવાળાં સામાં થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : તેમ મનની ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધાં ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ. આપણા બોલતાં પહેલાં મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર, નાગની જેમ મોરલી વાગતાં જ ફેણ માંડી ઊભાં રહે તેમ હોવું જોઇએ. એવો પ્રભાવ પડવો જોઇએ. એ બધા પરમાણુનાં બનેલાં છે. એમને ય બિચારાંને કંઇ શાતા જોઇએ છે. પ્રભાવથી શાતા ઉત્પન્ન થાય. પણ આપણે જ કોઇ ખોટું કામ એમની પાસે કરાવીએ તો આપણો પ્રભાવ તૂટી જાય.

આ બધું તમે ખાવ છો, પીઓ છો એ બધું પ્રકૃતિ છે. આત્મા છે અને અનાત્મા છે. એ બંનેની વચ્ચે પ્રકૃતિ છે. દેખાય ચેતન પણ મૂળ સ્વભાવે જડ છે, મિશ્ર ચેતન છે, 'સાચું ચેતન' નથી. આ સાધુ-સન્યાસીઓ આ ચેતન જેવું દેખાયું એને રીયલ ચેતન માન્યું. પણ એ આત્મા નથી. એ જે માને છે, એની પાર રીયલ ચેતન છે, 'જ્ઞાની પુરુષ' મળે, 'સર્વજ્ઞ' મળે, તે આપે ત્યારે સાચો આત્મા પ્રાપ્ત થાય. બાકી માનેલા આત્માથી ક્રોધ, માન, માયા, લોભ ખસે નહીં.

આ સૂત્ર ઝીણવટથી પૂરેપૂરું સમજવા જેવું છે.

''પ્રકૃતિનો એક પણ ગુણ 'શુદ્ધ ચેતન'માં નથી અને 'શુદ્ધ ચેતન' નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી.''

 

સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ

અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય. 'આપણે' માતાજીની ભક્તિ પોતાની પ્રકૃતિ પાસે કરાવવી. 'આપણે આત્મભાવે' નહીં કરવાની, 'ચંદુલાલ' પાસે દેવીની ભક્તિ કરાવવી અને તો જ પ્રકૃતિ સહજ થાય.

આ તો હિન્દુસ્તાનમાં માતાજીનાં લોકોએ જુદાં જુદાં નામ પાડેલાં. કેટલું બધું વિશાળ આ સાયન્સ હશે ! કેટલી બધી શોધખોળ કરીને અંબામાતા, સરસ્વતીદેવી, લક્ષ્મીદેવીની શોધ થઇ હશે ! આ બધું કર્યું ત્યારે સાયન્સ કેટલું બધું ઊંચું ગયેલું હશે ! આ બધું અત્યારે ખલાસ થયું ત્યારે માતાજીનાં દર્શન પણ કરતાં ના આવડયાં !

માતાજી એ આદ્યશક્તિ છે ! તે પ્રાકૃત શક્તિ આપે. માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય. અંબામા તો સંસારનાં વિઘ્નો દૂર કરી આપે, પણ મુક્તિ તો જ્ઞાન દ્વારા જ સાંપડે. દર્શન કરતાં આવડે તો ચાર માતાઓ હાજરાહજુર છે - અંબામા, બહુચરામા, કાળિકામા અને ભદ્રકાળીમા. માતાજી પાપ ધોઇ ના આપે, પણ પ્રાકૃત શક્તિ આપે.

આ અંબામાતાજી અમારું કેટલું બધું રક્ષણ કરે છે ! અમારી આસપાસ બધે જ દેવો હાજર ને હાજર હોય. અમે દેવોને પૂછયા વગર, તેમની રજા લીધા વગર એક ડગલું ય આગળ ના ચાલીએ. સર્વ દેવોની કૃપા અમારા ઉપર અને અમારા મહાત્માઓ ઉપર વરસ્યે જ જાય છે !

માતાજી

અંબિકાદેવી એટલે સહજ પ્રકૃતિ. દરેક દેવીઓના કાયદા હોય છે. તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે. અમે અંબેના એકના એક લાલ છીએ. માતાજી પાસે તમે અમારી ચિઠ્ઠી લઇને જાવ તો તે સ્વીકારે. આ તમારો દીકરો હોય અને નોકર હોય પણ જો નોકર તમારા કાયદામાં જ રહેતો હોય તો તમને નોકર વહાલો લાગે કે નહીં ? લાગે જ. અમે કયારે ય પણ અંબામાના, લક્ષ્મીજીના કે સરસ્વતીદેવીના કાયદા તોડયા નથી. નિરંતર તેમના કાયદામાં જ રહીએ છીએ. તેથી એ ત્રણે ય દેવીઓ અમારા ઉપર નિરંતર પ્રસન્ન રહે છે ! તમારે પણ જો તેમને પ્રસન્ન રાખવાં હોય તો તેમના કાયદા પાળવા જોઇએ.

પ્રશ્નકર્તા : અંબામાતાના શા કાયદા છે ? અમારે ઘેર અંબામાતાની ભક્તિ કરે છે બધાં. પણ એના કાયદા શા છે તે અમે જાણતા નથી.

દાદાશ્રી : અંબાજી દેવી એટલે શું ? એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા તૂટી તો અંબાજી તારી ઉપર રાજી જ કેમ થાય ? આ અંબાજી દેવી તો કહેવું પડે ! તે તો માતાજી છે, મા છે. બંગાળમાં દુર્ગા કહેવાય છે તે જ આ અંબાજી. બધી દેવીઓનાં જુદાં જુદાં નામ મૂકયાં છે, પણ જબરદસ્ત દેવી છે ! આખી પ્રકૃતિ છે. આખી પ્રકૃતિનો ભાગ જો હોય તો તે માતાજી છે. પ્રકૃતિ સહજ થઇ તો આત્મા સહજ થાય જ. આત્મા અને પ્રકૃતિ એ બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, તો બંને સહજ થઇ જાય !

સરસ્વતી

પ્રશ્નકર્તા : સરસ્વતી દેવીના કાયદા શા છે ?

દાદાશ્રી : સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો દુરુપયોગ કરું, જૂઠું બોલું, પ્રપંચ કરું તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય ? મહીં છે એ ના બોલું તો તારી પર સરસ્વતી કેવી રીતે રાજી થાય ? આજે કોઇનું વચનબળ શાથી નથી રહ્યું ? કારણ કે વાણીના કાયદા નથી પાળ્યા. મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરુર- વચનબળ અને મનોબળ. દેહબળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રીલેટિવ આત્માને બળવાન કરે. અત્યારે વચનબળ તો લુપ્ત થઇ ગયું છે, અને મન તો ફ્રેકચર થઇ ગયું છે. આજે વચનબળ કેવાં હોય ? બાપ દીકરાને કહે કે, ભાઇ, ઊભો થા તો ? ત્યારે દીકરો આડો થઇ ને સૂઇ જાય ! પોતાનો દીકરો ના માને ! આ વચનબળ કેવી રીતે જતું રહ્યું ? વાણીનો ખોટો, અવળો ઉપયોગ કર્યો તેથી. વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય, વાણીનો કોઇ પણ વિભાવિક સ્વરૂપે ન લઇ જાય તો વચનબળ ઉત્પન્ન થાય.

જૂઠું બોલે, પ્રપંચ કરે એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યય માં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે 'હા, આને હું ઓળખું છું' તે અપવ્યય કહેવાય.

વાણીથી કેટલાકને બીવડાવ્યા, કૂતરાંને બીવડાવ્યા, જૂઠું બોલ્યા, પ્રપંચ બોલ્યા એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેથી વચનબળ તૂટી જાય. એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેકચર થઇ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે ! આ 'દાદા'ના જેવું વચનબળ હોવું જોઇએ. ઊઠો કહે તો ઊઠે. 'અમારું' વચનબળ તો અજાયબી કહેવાય ! 'અમારા' શબ્દો કેવા હોય? શાસ્ત્રના શબ્દો ના હોય. શાસ્ત્રોના શબ્દો તો જડ અને વાગે તેવા હોય અને 'અમારા' પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મહીં 'જ્ઞાન' હાજર થઇ જ જાય !!! આત્મા જ પ્રગટ થઇ જાય !!! અને પાછા જરા ય વાગે નહી. 'અમારી' વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. 'આ' તો આખો 'જ્ઞાનાર્ક' છે ! એ પચે અને અજીર્ણ ના થાય ! જ્ઞાની પુરુષનું એક વચન અવરથા ના જાય ! ગજબનું, જબરદસ્ત વચનબળ હોય !! એના એક એક વચન પર જગત ઊછાળા મારશે ! એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઇ જાય. 'અમારા' એક એક શબ્દમાં ચેતન છે. વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે. પણ અમારી વાણી મહીં ગજબના પ્રગટ થઇ ગયેલા પરમાત્માને સ્પર્શીને નીકળે છે, તેથી નિશ્ચેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે ! સામાની ભાવના જોઇએ. અમે બોલીએ કે 'એ ય, કૂદ', તો સામો દસ ફૂટનો ખાડો ય કૂદી જાય ! તો કેટલાક કહે છે કે, 'તમે શક્તિપાત કરો છો.' ના અમારા વચનમાં જ એવું બળ છે ! કોઇ બહુ ડીપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. 'જ્ઞાની પુરુષ' તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. ગજબનું વચનબળ હોય !

કવિ શું ગાય છે :

'' જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન

સ્યાદ્વાદ જ્ઞાન-દાન, સર્વમાન્ય પરમાણ. '' - નવનીત.

જગતનો ઉદય સારો હોય ત્યારે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થઇ જાય અને એમની 'દેશના' જ 'શ્રુતજ્ઞાન' છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય !

શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, અમારાથી સત્ય બોલાતું નથી. માટે હવે કોઇ કળજુગી શાસ્ત્રો આપો તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઇ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. આ સત્ય બોલો, દયા રાખો, શાંતિ રાખો એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઇ ગઇ ! હવે તો નવી દવા જોઇશે. આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઇએ. પછી ભૂલ થાય તો આપણે 'ચંદુલાલ' પાસે પ્રતિક્રમણ કરાવવું પડે. 'અમારા' શબ્દો આવરણ તોડનારા છે. તમને મહીં પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે. અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિસ્મૃત રહે અને તેને જ મોક્ષ કહ્યો છે !

અમારી વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. ફોટાની સરસ્વતી, શાસ્ત્રોની કે પુસ્તકોની સરસ્વતી એ પરોક્ષ સરસ્વતી છે. પ્રત્યક્ષ સરસ્વતીનાં દર્શન કરવાં હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઇ જાય !

આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ 'હું' બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. 'આ' વાણી નીકળે તે થકી 'અમે' જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. 'અમારી' વાણી એ ય રેકોર્ડ છે. એમાં અમારે શી લેવા દેવા ? છતાં 'અમારી' રેકોર્ડ કેવી હોય? સંપૂર્ણ સ્યાદ્વાદ ! કોઇ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી 'આ' સ્યાદ્વાદ વાણી છે.

સરસ્વતીની આરાધના એટલે શું ? વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઇ જાય તે, જૂઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ !

ક્ષત્રિયોનું વચન નીકળ્યું એટલે વચન જ. તેઓ બેવચની ના હોય. અત્યારે મુંબઇ શહેરમાં છે જ નહીં ને કોઇ ! અરે! વચનનું તો કયાં ગયું પણ આ દસ્તાવેજ લખેલો, સહીં કરેલો હોય તો ય કહે કે, 'સહી મારી ન હોય' અને સાચો ક્ષત્રિય તો વચન બોલ્યો એટલે બોલ્યો.

આ ચારણો ફોટામાંની સરસ્વતીની ભજના કરે છે તો ય એમની કેટલી બધી મીઠી વાણી હોય છે !

લક્ષ્મીજી

પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ?

દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે એટલે પછી લક્ષ્મીજી કયાંથી રાજી રહે ? પછી તું લાખ લક્ષ્મીજી ધો ને ! બધાં ય ધૂએ છે. ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે?

પ્રશ્નકર્તા : ના, દાદા, ત્યાં તો કોઇ લક્ષ્મીજીને ધોતું નથી.

દાદાશ્રી : તો ય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ! એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે ? દહીમાં ય ધૂએ છે અહીં હિંદુસ્તાનમાં. લક્ષ્મીજીને બધા ય ધો ધો કરે છે ને કોઇ કાચા નથી. મને ય લોકો કહેવા આવે છે કે, 'તમે લક્ષ્મીજી ધોઇ કે નહીં ?' મેં કહ્યું, 'શાના માટે ?' આ લક્ષ્મીજી જયારે ભેગાં થાય છે ત્યારે અમે કહી દઇએ છીએ કે વડોદરે, મામાની પોળ, ને છઠ્ઠું ઘર, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો; અને જયારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો, એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. અમે એવું ત્યાં આગળ ના કહીએ કે, 'અમારે એની જરુર નથી.'

લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને 'નહીં, નહીં' કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ; નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઇ વસ્તુને તરછોડ મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શને ય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાં ય 'જય સચ્ચિદાનંદ' ને જતાં ય 'જય સચ્ચિદાનંદ' કરીએ છીએ. આ ઘર તમારું છે, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. લક્ષ્મીજી કહે છે, 'આ શેઠિયા અમારી પાછળ પડયા છે તે એમના પગ છોલાઇ ગયા છે. તે પાછળ પડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું આમાં તો ઢીંચણ છોલાય છે પણ ત્યારે તો અમે ફરી ઇશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઇને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને બધે છોલીને લોહી-લુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢયા છે છતાં સમજણ નથી ખૂલતી !' બહુ પાકાં છે લક્ષ્મીજી તો!

કળીકાળની લક્ષ્મી

આજની લક્ષ્મી 'પાપાનુબંધ પુણ્યૈ'ની છે. એટલે તે કલેશ કરાવે એવી છે. એનાં કરતાં ઓછી આવે તે સારું ઘરમાં કલેશ તો ના પેસે! આજે જયાં જયાં લક્ષ્મી પેસે છે ત્યાં કલેશનું વાતાવરણ થઇ જાય છે. એક ભાખરી ને શાક સારું, પણ બત્રીસ જાતની રસોઇ કામની નહીં. કારણ કે એ રસોઇ ખાધા પછી કલેશ થાય તો શા કામનું ! આ કાળની તો લક્ષ્મી આવે ને કલેશ લાવે. પાપાનુબંધી પુણ્યૈની લક્ષ્મી દુઃખ આપીને જાય, નહીં તો એક જ રૂપિયો, ઓ હો હો ! કેટલું સુખ આપીને જાય! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાંને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાંને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે.

લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુઃખ, સાચવતાં, દુઃખ રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાં ય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઇ જાય. કઇ બેન્કમાં આની સેઇફ સાઇડ છે એ ખોળવું પડે ને પાછાં સંગાવહાલાં જાણે કે તરત જ દોડે. મિત્રો બધા દોડે. કહે, 'અરે યાર, મારા પર આટલો ય વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઇએ છે.' તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તો ય દુઃખ ને ભીડ થાય તો ય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાં ય દુઃખ થાય.

આ જરા કોઇએ નવી સાડી લીધી, તો તરત કહે આવી સાડી મેં ય લીધી હોત તો ? એવા વિચારે દુઃખ થઇ જાય. એવું આ લક્ષ્મી તો આવે ને જાય ત્યાં સુધી દુઃખ આપી જાય એવું છે. આ તો કહે કે, આ ચાલીશ હજાર બેન્કમાં છે તે કયારે ય કાઢવાના નથી. તે પાછો જાણે કે આ ક્રેડિટ જ રહેશે. ના, એ તો ડેબીટનું ખાતું હોય છે જ. તે જવા માટે જ આવે છે. આ નદીમાં ય જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાવ, વાપરો. જયારે આમની પાસે આવે તો એ આંતરી રાખે. નદીને જો ચેતના આવતને તો એ ય સાચવી રાખે ! આ તો જેટલું આવે એટલું વાપરવાનું, એમાં આંતરવાનું શું ? ખાઇ, પી ને ખિલાવી દેવાનું. આ તો પૂરણગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું. જો ગલન ના થાતને તો ય ઉપાધિ થઇ જાય. પણ ગલન થાય છે એટલું પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું અને ઉચ્છશ્વાસ કાઢયો એ ગલન છે. બધું પૂરણ-ગલન સ્વભાવનું છે. એટલે અમે શી શોધખોળ કરી કે, 'ભીડ નહી ને ભરાવો ય નહીં! અમારે કાયમ લક્ષ્મીની 'ભીડે ય નહીં ને ભરાવો પણ નહીં !' ભીડવાળા સૂકાઇ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુઃખદાયક થઈ પડે. અમને તો લક્ષ્મીજી કયારેય સાંભરે જ નહીં. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યાં હોય તેને, પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. અમારે લક્ષ્મીજી સામા મળે તો અમે વિનય કરીએ. એ ના ચૂકીએ.

આપણામાં કહેવત છે ને કે 'બાબો હશે તો વહુ આવશે ને!' 'નારાયણ' છે ત્યારે 'લક્ષ્મીજી' આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજીને તો લોકો પહેલાં આણાની વહુની જેમ આંતરે છે. લક્ષ્મીજી વિનય માગે છે. જયાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શી ખોટ ?

લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઇ જાય તેની બધી જ દિશા બંધ થઇ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત, તે તેના ઘરની છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઇ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઇ રહ્યું છે. અમે તો રોકડું જ એના હિતનું જ કહી દઇએ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16