ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15

 

આસક્તિથી મુક્તિનો માર્ગ...

પ્રશ્શનકર્તા : આસક્તિનું સૂક્ષ્મ સ્વરૂપ તમે સમજાવ્યું. હવે એ આસક્તિથી મુક્તિ કેમ મળે ?

દાદાશ્રી : 'હું અનાસક્ત છું' એવું 'એને' ભાન થાય તો મુક્તિ મળી જાય. આસક્તિ કાઢવાની નથી, 'અનાસક્ત છું' એ ભાન કરવાનું છે. બાકી, આસક્તિ જાય નહીં. હવે તમે જલેબી ખાધા પછી ચા પીવો તો શું થાય ?

પ્રશ્શનકર્તા : ચા મોળી લાગે.

દાદાશ્રી : હા, તેમ 'પોતાનું સ્વરૂપ' પ્રાપ્ત થયા પછી આ સંસાર મોળો લાગે, આસક્તિ ઊડી જાય. 'પોતાનું સ્વરૂપ' પ્રાપ્ત થયા પછી જો એને સાચવે, અમે કહીએ છીએ તે પ્રમાણે આજ્ઞાપૂર્વક રહે તો એને આ સંસાર મોળો લાગે.

આસક્તિ કાઢયે જાય નહીં. કારણ કે આ લોહચુંબક અને ટાંકણી બેને આસક્તિ જે છે એ જાય નહીં. એવી રીતે આ મનુષ્યની આસક્તિ જાય નહીં. ઓછી થાય, પ્રમાણ ઓછું થાય પણ જાય નહીં. આસક્તિ જાય ક્યારે ? 'પોતે' અનાસક્ત થાય ત્યારે. 'પોતે' આસક્ત જ થયો છે. નામધારી એટલે આસક્ત ! નામ પર આસક્તિ, બધા ઉપર આસક્તિ ! ધણી થયો એટલે આસક્ત, બાપો થયો એટલે આસક્ત !!

પ્રશ્શનકર્તા : તો સંજોગોની અસર ના થાય એ ખરી અનાસક્તિ ?

દાદાશ્રી : ના, અહંકાર ખલાસ થયા પછી અનાસક્ત થાય એટલે અહંકાર ને મમતા બન્ને જાય ત્યારે અનાસક્તિ ! તે કોઈ એવો હોય નહીં.

પ્રશ્શનકર્તા : એટલે આ બધું કરીએ, પણ એમાં આસક્તિ ના હોવી જોઈએ, કર્મ લેપાયમાન ના થવાં જોઈએ....

દાદાશ્રી : પણ આસક્તિ લોકોને રહે જ, સ્વાભાવિક રીતે. કારણ કે એની પોતાની મૂળ ભૂલ નથી ગઈ. 'રૂટ કોઝ' જવું જોઈએ. 'રૂટ કોઝ' શું છે ? તો આ એને 'હું ચંદુભાઈ છું' એવી બિલિફ બેસી ગઈ છે. એટલે ચંદુભાઈને માટે કોઈ કહે 'ચંદુભાઈને આમ કરવામાં આવે છે, આમ નુકસાન કર્યું છે' આમ તેમ ચંદુભાઈ ઉપર આરોપ આપવામાં આવે તો 'એ' ગુસ્સે થઈ જાય, 'એને' પોતાની વિકનેસ ઊભી થઈ જાય.

તો આ 'રૂટ કોઝ' છે, ભૂલ મોટી આ છે. બીજી બધી ભૂલ છે જ નહીં. ભૂલ મૂળમાં આ જ છે કે 'તમે' જે છો એ જાણતા નથી ને નથી તે આરોપ કરો છો. લોકોએ નામ આપ્યું એ તો ઓળખવાનું સાધન કે 'ભઈ, આ ચંદુભાઈ અને ઈન્કમટેક્ષ ઓફિસર.' એ બધું ઓળખવાનું સાધન. આ બઈના ધણી એય ઓળખવાનું સાધન. પણ 'પોતે ખરેખર કોણ છે' એ જાણતા નથી, તેની જ આ બધી મુશ્કેલી છે ને ?

પ્રશ્શનકર્તા : આખરી મુશ્કેલી તો ત્યાં જ છે ને ?

દાદાશ્રી : એટલે આ 'રૂટ કોઝ' છે. એ 'રૂટ કોઝ' તોડવામાં આવે તો કામ થાય.

આ સારું ખોટું એ બુધ્ધિના આધીન છે. હવે બુધ્ધિનો ધંધો શો છે ? જ્યાં જાય ત્યાં પ્રોફિટ એન્ડ લોસ જુએ. બુધ્ધિ વધારે કામ કરી શકતી નથી, પ્રોફિટ એન્ડ લોસ સિવાય. હવે એનાથી દૂર થાવ. અનાસક્ત યોગ રાખો. આત્માનો સ્વભાવ કેવો છે ? અનાસક્ત સ્વરૂપ છે. પોતાનો સ્વભાવ એવો છે. તું પણ સ્વભાવથી અનાસક્ત થઈ જા. હવે જેવો સ્વભાવ આત્માનો છે. એવો સ્વભાવ આપણે કરીએ એટલે એકાકાર થઈ જાય, પછી કંઈ એ જુદું છે જ નહીં. સ્વભાવ જ બદલવાનો છે.

હવે આપણે આસક્તિ રાખીએ ને ભગવાન જેવા થાય એ શી રીતે બને ? એ અનાસક્ત અને આસક્તિની જોડે મેળ શી રીતે થાય ? આપણામાં ક્રોધ હોય ને પછી ભગવાનનો મેળાપ શી રીતે થાય ?

ભગવાનમાં જે ધાતુ છે, એ ધાતુરૂપ તું થઈ જાય. જે સનાતન છે, એ જ મોક્ષ છે. સનાતન એટલે નિરંતર. નિરંતર રહે છે એ જ મોક્ષ છે.

કરવા ગયો શું ને થઈ ગયું શું !

પ્રશ્શનકર્તા : દાદા, તમે કેવી રીતે અનાસક્ત થયા ?

દાદાશ્રી : બધું એની મેળે, 'બટ નેચરલ' ઊભું થઈ ગયું. આ મને કંઈ ખબર નથી પડતી કે શી રીતે થયું આ !

પ્રશ્શનકર્તા : પણ હવે તો તમને ખબર પડે ને ? એ પગથિયાં અમને કહો.

દાદાશ્રી : હું કશું કરવા ગયેલો નહીં, કશું થયું નથી. હું કરવા ગયો શું અને થઈ ગયું શું ! હું તો આટલીક ખીર બનાવવા ગયો હતો, દૂધમાં ચોખા નાખીને પણ આ તો અમૃત થઈ ગયું !! એ પૂર્વનો સામાન બધો ભેગો થયેલો. મને એમ ખરું કે મહીં આપણી પાસે કંઈક છે, એટલી ખબર ખરી. તેની જરા ઘેમરાજી રહ્યા કરે.

પ્રશ્શનકર્તા : એટલે અનાસક્ત તમે જે રીતે થયા તો મને એમ કે એ રીતનું વર્ણન કરશો, તો એ રીતની મને સમજણ પડશે.

દાદાશ્રી : એવું છે, આ 'જ્ઞાન' લીધું ને અમારી આજ્ઞામાં રહે, એ અનાસક્ત કહેવાય. પછી ભલે ને, એ ખાતો-પીતો હોય કે કાળો કોટ પહેરતો હોય કે ધોળાં કોટ-પેન્ટ પહેરતો હોય કે ગમે તે પહેરતો હોય. પણ એ અમારી આજ્ઞામાં રહ્યો એ અનાસક્ત કહેવાય. આ આજ્ઞા અનાસક્તનું જ 'પ્રોટેક્શન' છે.

આસક્તિ, પરમાણુઓનું સાયન્સ !

એ કોના જેવું છે ? આ લોહચુંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને લોહચુંબક આમ આમ કરીએ તો ટાંકણી ઊંચીનીચી થાય કે ના થાય ? થાય. લોહચુંબક નજીક ધરીએ તો ટાંકણી એને ચોંટી જાય. એ ટાંકણીમાં આસક્તિ ક્યાંથી આવી ? એવી રીતે આ શરીરમાં લોહચુંબક નામનો ગુણ છે. કારણ કે મહીં ઈલેક્ટ્રિકલ બોડી છે. એટલે એ બોડીના આધારે ઈલેક્ટ્રિસિટી બધી થયેલી છે. તેથી શરીરમાં લોહચુંબક નામનો ગુણ ઉત્પન્ન થાય છે, તે પોતાના પરમાણુ મળતાં આવે ત્યાં આકર્ષણ ઊભું થાય અને બીજાની જોડે કશું નહીં. એ આકર્ષણને આપણા લોકો રાગ-દ્વેષ કહે છે. કહેશે, 'મારો દેહ ખેંચાય છે.' અલ્યા, તારી ઇચ્છા નથી તો દેહ કેમ ખેંચાય છે ? માટે 'તું' કોણ છે ત્યાં આગળ ?

આપણે દેહને કહીએ 'તું જઈશ નહીં', તો ય ઊઠીને હેંડવા માંડે. કારણ કે પરમાણુનું બંધાયેલું છેને, તે પરમાણુનું ખેંચાણ છે આ. મળતાં પરમાણુ આવે ત્યાં આ દેહ ખેંચાઈ જાય. નહીં તો આપણી ઈચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય ? આ દેહ ખેંચાઈ જાય, એને આ જગતનાં લોકો કહે, 'મને આની પર બહુ રાગ છે.' આપણે પૂછીએ, 'અલ્યા, તારી ઈચ્છા ખેંચાવાની છે ?' તો એ કહેશે, 'ના, મારી ઈચ્છા નથી, તોય ખેંચાઈ જવાય છે.' તો પછી આ રાગ નથી. આ તો આકર્ષણનો ગુણ છે. પણ જ્ઞાન ના હોય ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ માને છે કે 'મેં જ આ કર્યું.' અને આ 'જ્ઞાન' હોય તો પોતે ફક્ત જાણે કે દેહ આકર્ષણથી ખેંચાયો અને આ મેં કંઈ કર્યું નથી. એટલે આ દેહ ખેંચાય ને, તે દેહ ક્રિયાશીલ બને છે. આ બધું પરમાણુનું જ આકર્ષણ છે.

આ મન-વચન-કાયા આસક્ત સ્વભાવના છે. આત્મા આસક્ત સ્વભાવનો નથી અને આ દેહ આસક્ત થાય છે તે લોહચુંબક ને ટાંકણીનાં જેવું છે. કારણ કે એ ગમે એવું લોહચુંબક હોય તોય એ તાંબાને નહીં ખેંચે. શેને ખેંચે એ ? હા, લોખંડ એકલાને ખેંચે. પિત્તળ હોય તો ના ખેંચે. એટલે સ્વજાતીયને ખેંચે. એવું આમાં જે પરમાણુ છેને આપણા બોડીમાં, તે લોહચુંબકવાળા છે, તે સ્વજાતીયને ખેંચે. સરખા સ્વભાવવાળા પરમાણુ ખેંચાય. ગાંડી વહુ જોડે ફાવે અને ડાહી બેન છે, તે એને બોલાવતી હોય તોય ના ફાવે. કારણ કે પરમાણુ મળતાં નથી આવતાં.

એટલે આ છોકરા પર પણ આસક્તિ જ છે ખાલી. પરમાણુ પરમાણુ મળી આવ્યાં. ત્રણ પરમાણુ આપણાં અને ત્રણ પરમાણુ એનાં, એમ પરમાણુ મળી આવ્યાં એટલે આસક્તિ થાય. મારા ત્રણ અને તમારા ચાર હોય તો કશું લેવાદેવા નહીં. એટલે વિજ્ઞાન છે આ બધું તો.

આ આસક્તિ તે દેહનો ગુણ છે, પરમાણુઓનો ગુણ છે. તે કેવો છે ? લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે તેમ, દેહને ફીટ થાય તેવાં પરમાણુમાં દેહ ખેંચાય, તે આસક્તિ છે.

આસક્તિ તો એબવ નોર્મલ અને બીલો નોર્મલ પણ હોઈ શકે. પ્રેમ નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં. આસક્તિ એ તો જડની આસક્તિ છે, ચેતનની તો નામેય નથી.

વ્યવહારમાં અભેદતા રહે, તેનું પણ કારણ હોય છે. એ તો પરમાણુ અને આસક્તિના ગુણો છે, પણ તેમાં કઈ ક્ષણે શું થશે તે કહેવાય નહીં. જ્યાં સુધી પરમાણુ મળતાં આવે ત્યાં સુધી આકર્ષણ રહે, તેથી અભેદતા રહે. અને પરમાણુ મળતાં ના આવે તો વિકર્ષણ થાય અને વેર થાય. માટે આસક્તિ હોય ત્યાં વેર હોય જ. આસક્તિમાં હિતાહિતનું ભાન ના હોય. પ્રેમમાં સંપૂર્ણ હિતાહિતનું ભાન હોય.

આ તો પરમાણુઓનું સાયન્સ છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી. પણ લોક તો ભ્રાંતિથી પરમાણુના ખેંચાણને માને છે કે, 'હું ખેંચાયો.' આત્મા ખેંચાય જ નહીં.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15