ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15

'અંદર અડવા ના દે,' તેનાં પરિણામ....

અમને આ બધાય કહે છે કે, 'દાદા, તમે અમારા માટે બહુ ચિંતા રાખો છો, નહીં !' એ બરોબર છે. પણ એમને ખબર નથી કે દાદા ચિંતાને અડવા જ નથી દેતા. કારણ કે ચિંતા રાખનારો માણસ કશું જ કરી શકે નહીં, નિર્વીર્ય થઈ જાય. ચિંતા નથી રાખતા, તો બધું કરી શકે. ચિંતા રાખનારો માણસ તો ખલાસ થઈ જાય. એટલે આ બધા કહે છે એ વાત ખરી છે. અમે 'સુપર ફ્લુઅસ' બધુંય કરીએ, પણ અમે અડવા નથી દેતા.

પ્રશ્શનકર્તા : તો આમ ખરેખર કશું ના કરો ? કોઈ મહાત્મા દુઃખમાં આવી ગયો તો કશું કરો નહીં ?

દાદાશ્રી : કરીએ ને ! પણ તે 'સુપર ફ્લુઅસ', અંદર અડવા ના દઈએ. બહારના ભાગનું પૂરું જ કરી લેવાનું. બહારના ભાગમાં બધા જ પ્રયોગો પૂરા થવા દેવાના, પણ ચિંતા એકલી જ નહીં કરવાની. ચિંતાથી તો બધું બગડે છે ઊલટું. તમે શું કહો છો ? ચિંતા કરવાની કહો છો મને ?

અડવા દઈએ તો એ કામ જ ના થાય. આખા જગતને જ અડે છે ને ! અંદર અડે છે તેથી તો જગતનું કામ થતું નથી. અમે અડવા ના દઈએ તેથી તો કામ થાય. અડવા ના દઈએ એટલે અમારી 'સેફસાઈડ' ને એની યે 'સેફસાઈડ'. તમને ગમ્યું એવું અડવા ના દે એ ? તમે તો અડવા દીધેલું, નહીં ?

અમે તો હિસાબ જોઈ લીધો કે અમે અડવા દઈએ તો અહીં નિર્વીર્ય થાય અને પેલાનું કામ થાય નહીં અને ના અડવા દઈએ તો એ આત્મવીર્ય પ્રગટ થાય અને પેલાનું કામ થાય.

આ વિજ્ઞાન પ્રેમસ્વરૂપ છે. પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશું હોય નહીં. એ હોય ત્યાં સુધી પ્રેમ હોય નહીં.

સાત્વિક નહીં, શુધ્ધ પ્રેમ 'આ' !

પ્રશ્શનકર્તા : અત્યારે દુનિયામાં બધા લોકો શુધ્ધ પ્રેમ માટે વલખાં મારે છે.

દાદાશ્રી : શુધ્ધ પ્રેમનો જ આ રસ્તો છે. આપણું આ જે વિજ્ઞાન છેને, કોઈ પણ જાતની, કોઈ પણ પ્રકારની ઇચ્છા વગરનું છે, એટલે શુધ્ધ પ્રેમનો રસ્તો આ જાગ્યો છે. નહીં તો હોય નહીં આ કાળમાં. પણ આ કાળમાં ઉત્પન્ન થયો એ અજાયબી થઈ છે.

પ્રશ્શનકર્તા : શુધ્ધ પ્રેમ અને સાત્વિક પ્રેમનો જરા ભેદ સમજાવો.

દાદાશ્રી : સાત્વિક પ્રેમ એ અહંકાર સહિત હોય અને શુધ્ધ પ્રેમમાં અહંકાર પણ ના હોય. સાત્ત્વિક પ્રેમમાં અહંકાર એકલો જ હોય. એમાં લોભ ના હોય, કપટ ના હોય, એમાં માન એકલું જ હોય. અહમ્ - હું છું, એટલું જ ! અસ્તિત્વનું ભાન હોય પોતાને અને શુધ્ધ પ્રેમમાં તો પોતે અભેદ સ્વરૂપ થઈ ગયા હોય.

પ્રશ્શનકર્તા : પણ એવું છે ખરું કે કોઈ પણ ક્રિયાની અંદર પછી એ સાત્ત્વિક ક્રિયા હોય, રજોગુણી ક્રિયા હોય કે કોઈ પણ જાતની ક્રિયા હોય તો એ ક્રિયામાં અહંકારનું તત્ત્વ ના હોય. એ તાર્કિક રીતે સાચું છે ?

દાદાશ્રી : ના બની શકે. અરે, એવું કરવા જાય તો ભૂલ છે. કારણ કે અહંકાર સિવાય ક્રિયા જ ના થાય. સાત્ત્વિક ક્રિયા પણ થાય નહીં.

પ્રશ્શનકર્તા : શુધ્ધ પ્રેમ રાખવાનો તો ખરોને ? તો એ અહંકાર સિવાય ધારણ કેવી રીતે થાય ? અહંકાર ને શુધ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં ?

દાદાશ્રી : અહંકાર છે ત્યાં સુધી શુધ્ધ પ્રેમ આવે જ નહીં ને ! અહંકાર ને શુધ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં. શુધ્ધ પ્રેમ ક્યારે આવે ? અહંકાર ઓગળવા માંડે ત્યારથી શુધ્ધ પ્રેમ આવવા માંડે અને અહંકાર સંપૂર્ણ ઓગળી જાય એટલે શુધ્ધ પ્રેમની મૂર્તિ થઈ જાય. શુધ્ધ પ્રેમની મૂર્તિ એ જ પરમાત્મા છે. ત્યાં આગળ તમારું બધી જ જાતનું કલ્યાણ થઈ જાય. એ નિષ્પક્ષપાતી હોય, કોઈ પક્ષપાત ના હોય. શાસ્ત્રોથી પર હોય. ચાર વેદ ભણી રહે, ત્યારે વેદ 'ઈટસેલ્ફ' બોલે કે 'ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ.' તો 'જ્ઞાની પુરુષ' કહે છે, ધીસ ઈઝ ધેટ, બસ ! 'જ્ઞાની પુરુષ' તો શુધ્ધ પ્રેમવાળા એટલે તરત જ આત્મા આપી દે.

એ ફક્ત બે ગુણ છે એમનામાં. એ શુધ્ધ પ્રેમ છે અને શુધ્ધ ન્યાય છે. બે છે એમની પાસે. શુધ્ધ ન્યાય જ્યારે આ જગતમાં થાય ત્યારે જાણવું કે આ ભગવાનની કૃપા ઊતરી. શુધ્ધ ન્યાય ! નહીં તો આ બીજા ન્યાય તો સાપેક્ષ ન્યાય છે !

પ્રેમ પ્રગટાવે આત્મ ઐશ્ચર્ય !

કરુણા એ સામાન્ય ભાવ છે ને એ બધે જ વર્ત્યા કરે કે સાંસારિક દુઃખોથી આ જગત ફસાયું છે, તે દુઃખો કેમ કરીને જાય ?

પ્રશ્શનકર્તા : મારે જરા, પ્રેમ અને કરુણાનો શું સંબંધ છે ? એ જાણવું છે.

દાદાશ્રી : એ કરુણા અમુક દ્ષ્ટિ હોય ત્યારે કરુણા કહેવાય. અને અમુક દ્ષ્ટિ હોય ત્યારે પ્રેમ કહેવાય. કરુણા ક્યારે વપરાય ? સામાન્ય ભાવે બધાના દુઃખ પોતે જોઈ શકે છે. ત્યાં કરુણા રાખે. એટલે કરુણા એટલે શું ? એક જાતની કૃપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો એને વિટામીન કહેવામાં આવે છે. પ્રેમ તો વિટામીન કહેવાય. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મ વિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને ? એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે. ઐશ્ચર્યપણું પ્રગટ થાય.

પ્રશ્શનકર્તા : એ સહજ જ થાયને દાદા ?

દાદાશ્રી : સહજ.

પ્રશ્શનકર્તા : એટલે એમાં પેલાને કોઈ પ્રકારનું કશું કરવાનું રહેતું નથી.

દાદાશ્રી : કશું નહીં. આ બધો માર્ગ જ સહજનો છે.

ગાળ ભાંડનારા પરે ય પ્રેમ !

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન પછી અમને જે અનુભવ થાય છે, એમાં કંઈ પ્રેમ, પ્રેમ, પ્રેમ ઊભરાય છે એ શું છે ?

દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. જે રાગથી સંસારના રાગ બધા છૂટી જાય. આવો રાગ ઉત્પન્ન થાય એટલે સંસારમાં જે બીજા રાગ બધે લાગેલા હોય એ બધા પાછા આવી જાય. આને પ્રશસ્ત રાગ કહ્યો ભગવાને. પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એ રાગ બાંધે નહીં. કારણ કે એ રાગમાં સંસાર હેતુ નથી. ઉપકારી પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય, એ પ્રશસ્ત રાગ. એ બધા રાગને છોડાવડાવે.

આ 'દાદા'નું નિદિધ્યાસન કરીએ તો એમનામાં જે ગુણો છે ને, તે ઉત્પન્ન થાય આપણામાં. બીજું એ કે જગતની કોઈ વસ્તુની સ્પૃહા નહીં કરવાની, ભૌતિક ચીજની સ્પૃહા કરવી નહીં. આત્મસુખ જ વાંછવું, બીજું કંઈ વાંછવું જ નહીં અને કોઈ આપણને ગાળ ભાંડી ગયો હોય એની જોડેય પ્રેમ ! એટલું હોય કે કામ થઈ ગયું પછી.

'જ્ઞાની', અજોડ પ્રેમાવતાર !

પ્રશ્શનકર્તા : ઘણી વાર એવું થાય છે કે ઊંઘ્યા હોઈએ ને પાછું અર્ધ જાગ્રત અવસ્થા હોય અને 'દાદા' મહીં પેસી જાય છે, 'દાદા'નું ચાલુ થઈ જાય છે, એ શું છે ?

દાદાશ્રી : હા, ચાલુ થઈ જાય. એવું છે ને, 'દાદા' સૂક્ષ્મભાવે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે. હું સ્થૂળભાવે અહીં હોઉં ને દાદા સૂક્ષ્મભાવે બધે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે, બધે ધ્યાન રાખે છે અને એવું નથી કે બીજા જોડે કશી ભાંજગડ છે.

એટલે ઘણા લોકોને ખ્વાબમાં આવ્યા જ કરે એની મેળે, અને કેટલાક તો દિવસે 'દાદા' જોડે વાતોચીતો કરે છે. પેલો મને કહેય ખરો કે, મારી જોડે દાદા, તમે આવી રીતે વાતચીત કરી ગયા ! દહાડે ઊઘાડી આંખે એને દાદા કહે ને એ સાંભળે, ને એ લખી લે પાછો. આઠ વાગે લખી લે કે આટલું બોલ્યા છે. તે મને વંચાવી હઉ જાય પછી.

એટલે આ બધું થયા જ કરે છે. છતાં યે આમાં ચમત્કાર જેવી વસ્તુ નથી. આ સ્વાભાવિક છે. કોઈ પણ માણસની આવરણરહિત સ્થિતિ થાય અને થોડું કંઈક કેવળજ્ઞાનને અંતરાય કરે એટલું આવરણ રહ્યું હોય અને જગતમાં જોટો ના જડે એવો પ્રેમ ઉત્પન્ન થયો હોય, જેનો જોટો ના જડે એવો પ્રેમાવતાર થયેલો હોય, ત્યાં બધું જ થાય.

હવે નિસ્પૃહ પ્રેમ હોય છે, પણ તે અહંકારી પુરુષને હોય છે. એટલે અહંકારનું, મહીં એનું 'એબ્સોર્બ' તો કરે ને કે ના કરે ? કરે. એટલે એમાં સંપૂર્ણ નિસ્પૃહ હોય નહીં. અહંકાર જાય ત્યાર પછી બધો ખરો પ્રેમ હોય.

એટલે આ પ્રેમાવતાર છે. તે જ્યાં કોઈને કંઈક સહેજ મન ગૂંચાયું કે ત્યાં પોતે આવીને હાજર !

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15