ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15

 

પ્રેમથી ઉછેરવો છોડવાને !

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે, તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએને ! કહેતાં આવડવું જોઈએ ને, શું ?

પ્રશ્શનકર્તા : કઈ રીતે ?

દાદાશ્રી : બાબાને કહીએ, 'તારામાં અક્કલ નથી, ગધેડો છું.' આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે 'તમારામાં અક્કલ નથી, ગધેડો છું.' એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.

પ્રશ્શનકર્તા : કઈ રીતે ટકોર કરવાની ?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો તે ચાલતું હશે ?

પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઉછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો, સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?

કહેવા કહેવાની રીત !

પ્રશ્શનકર્તા : પણ મારે શું કરવાનું ?

દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂરખ છીએ, આપણને બોલતાં નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો અવતાર બગડે. આવું કોણ કરે તે ?

એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ બગડેલો છે, સામાને શું સુધારે તે ? એ જ 'વિકનેસ'નું પૂતળું હોય, તે સામાને શું સુધારે તે ? એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.

પ્રેમનો પાવર !

સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

પ્રશ્શનકર્તા : હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું.

દાદાશ્રી : હા, ખરી વાત છે. એ બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય, શું ? આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તેય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.

પ્રશ્શનકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને ?

દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીંને, જ્યાં સુધી પેલો કચરો નીકળી ના જાય, કચરો બધો કાઢે છે કે નથી કાઢતી ? કેવા સરસ હાર્ટવાળા ! જે હાર્ટિલિ હોયને તેની જોડે ડખો ના કરવો, તારે એની જોડે સારું રહેવું. બુધ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.

છોડ રોપ્યો હોય તો, તમારે એને વઢવઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ છોકરાઓ તો મનુષ્ય છે. અને મા-બાપો ધબેડે હઉ, મારે હઉ !

હંમેશાં પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે, એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત.

પ્રશ્શનકર્તા : ઘણી વખત સામો માણસ આપણે પ્રેમ કરીએ છીએ તોય સમજી નથી શકતો.

દાદાશ્રી : પછી આપણે શું કરવું ત્યાં આગળ ? શીંગડું મારવું ?

પ્રશ્શનકર્તા : ખબર નહીં, શું કરવું પછી ?

દાદાશ્રી : ના, શીંગડું મારે છે પછી. પછી આપણે ય શીંગડું મારીએ એટલે પેલોય શીંગડું મારે પછી ચાલુ લડાઈ. જીવન ક્લેશિત થઈ જાય પછી.

પ્રશ્શનકર્તા : તો એવા સંજોગોમાં આપણે કેવી રીતે સમતા રાખવી ? આવું તો આપણે થઈ જાય તો ત્યાં આગળ કેવી રીતે રહેવું ? સમજણ નથી પડતી ત્યાં શું કરવું ?

દાદાશ્રી : શું થઈ જાય તો ?

પ્રશ્શનકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ ના સમજે, આપણો પ્રેમ સમજે નહીં, તો આપણે શું કરવું પછી ?

દાદાશ્રી : શું કરવાનું ? શાંત રહેવાનું આપણે. શાંત રહેવાનું, બીજું શું કરીએ આપણે એને ? કંઈ મારીએ એને ?

પ્રશ્શનકર્તા : પણ આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ ?

દાદાશ્રી : તો કૂદીએ આપણે તે ઘડીએ ! બીજું શું કરવું ? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો ?

પ્રશ્શનકર્તા : પોલીસવાળાની ઓથોરિટી છે, એની સત્તા છે.

દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય !

બાળકો છે, પ્રેમ ભૂખ્યા !

આજના છોકરાંઓને બહાર જવાનું ગમે નહીં એવું કરી નાખો, કે ઘરમાં આપણો પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ દેખે. પછી આપણા સંસ્કાર ચાલે.

આપણે સુધારવું હોય તો શાક સુધારવું, પણ છોકરાઓને ના સુધારવા ! એ લોકોને શાક સુધારતાં આવડે. શાક સુધારતાં ના આવડે ?

પ્રેમ, આવો વરસાવો !

અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ ? એને વાગ્યું તેથી ! ના, એને વાગ્યાનું દુઃખ નથી. એનું અપમાન કર્યું, તેનું એને દુઃખ છે.

પ્રેમથી જ વશ થઈ જાય !

આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે ? ત્યારે તો ચિડાય. માટે એ આસક્તિ છે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15