ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


મોહમાં દગો-ફટકો !

બહુ માર ખાય ત્યારે જે મોહ હતોને, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો. તેનો જ માર ખા ખા કર્યો.

પ્રશ્શનકર્તા : મોહ અને પ્રેમ આ બન્નેની ભેદરેખા શું છે ?

દાદાશ્રી : આ ફૂદું છે ને, આ ફૂદું દીવાની પાછળ પડી અને યાહોમ થઈ જાય ને ? એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, એ મોહ ના હોય.

મોહ એટલે 'યુઝલેસ' જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાંની પેઠ ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં ને !

એટલે આ બધા મોહ જ છે ને ! મોહ એટલે ઉઘાડા દગા-ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા.

પ્રશ્શનકર્તા : પણ આ મોહ છે ને આ પ્રેમ છે એવું સામાન્ય જનને કેવી રીતે ખબર પડે ? એક વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને કઈ રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચિડાઈ જાય એટલે જાણીએને કે આ યુઝલેસ છે ! પછી દશા શું થાય ? એના કરતાં પહેલેથી ખખડાવીએ. રૂપિયો ખખડાવી જોઈએ, કલદાર છે કે બહેરો છે એ તરત ખબર પડી જાય ને ? કંઈ બહાનું ખોળી કાઢી અને ખખડાવીએ. અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો ! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે. પણ એક દહાડો ખખડાવી જોઈએ તો ખબર પડે કે આ સાચો પ્રેમ છે કે નહીં ?

પ્રશ્શનકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?

દાદાશ્રી : એ ખખડાવે તો ય શાંત રહીને પોતે એને નુકસાન ન થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે, સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય.

એ પ્રેમી કે લફરું ?

પ્રશ્શનકર્તા : બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે, એને કયો પ્રેમ ગણાય ?

દાદાશ્રી : રખડેલ પ્રેમ ! એને પ્રેમ જ કેમ કહેવાય ? ઈમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય ! અને કહેશે, 'આવતા ભવમાં એકલા જ જોડે હોઈશું.' તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ફરે. એ ફરી ભેગા જ ના થાય !!

પ્રશ્શનકર્તા : ભેગા થવાની ઈચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં ?

દાદાશ્રી : ઈચ્છા રાખ્યે કંઈ દહાડો વળે ? આવતો ભવ તો કર્મોનું ફળ છે ને ! આ તો ઈમોશનલપણું છે.

તમે નાના હતા ત્યારે આવું લફરું વળગેલું કોઈ જાતનું ? તે પુરાવા ભેગા થાય, બધા 'એવિડન્સ' ભેગા થાય એટલે લફરું વળગી જાય.

પ્રશ્શનકર્તા : લફરું એ શું છે ?

દાદાશ્રી : હા, તે હું કહું. એક નાગર બ્રાહ્મણ હતો, તે ઓફિસર હતો. તે એના છોકરાને કહે છે, 'આ તું ફરતો હતો, તે મેં તને દીઠો, તે જોડે લફરાં શું કરવા ફેરવે છે ?' છોકરો કોલેજમાં ભણતો હતો, કોઈ ગર્લફ્રેન્ડ જોડે એના બાપે દીઠો હશે. એને લફરું આ લોકો નથી કહેતા, પણ આ જૂના જમાનાનાં માણસો એને લફરું કહે છે. કારણ કે ફાધરને મનમાં એમ થયું કે 'આ મૂરખ માણસ સમજતો નથી પ્રેમ શું છે એ. પ્રેમને સમજતો નથી ને માર ખાઈ જશે. આ લફરું વળગ્યું છે તે માર ખાઈ ખાઈને મરી જશે.' પ્રેમને નીવેડવો એ સહેલો નથી. પ્રેમ કરતાં બધાને આવડે છે પણ એને નીવેડવો સહેલો નથી. તેથી એના ફાધરે કહ્યું કે, 'આ લફરાં શું કામ કરવા માંડ્યો ?'

તે પેલો છોકરો કહે છે, 'બાપુજી, શું કહો છો આ તમે ? એ તો મારી ગર્લફ્રેન્ડ છે. તમે આને લફરું બોલો છો આમ ? મારી નાકકટ્ટી થાય એવું બોલો છો ? એવું ના બોલાય.' ત્યારે બાપ કહે છે, 'નહીં બોલું હવે.' એ ગર્લફ્રેન્ડ જોડે બે વર્ષ દોસ્તી ચાલી. પછી એ બીજા કોઈ જોડે સિનેમા જોવા આવી હતી ને તે આણે જોઈ. એટલે એનાં મનમાં એમ લાગ્યું કે આ તો પપ્પાજી કહેતા હતા કે 'આ લફરું વળગાડ્યું છે', તે એવું આ લફરું જ છે.

એટલે પુરાવા ભેગા થાયને તો લફરાં વળગી જાય, પછી છૂટે નહીં અને બીજાને લઈને ફરે એટલે રાતદહાડો પેલાને ઊંઘ ના આવે. બને કે ના બને એવું ? પેલા છોકરાએ જ્યારે જાણ્યું કે 'આ તો લફરું જ છે. મારા બાપ કહેતા હતા એ ખરી વાત છે.' ત્યારથી એ લફરું છૂટવા માંડ્યું. એટલે જ્યાં સુધી 'ગર્લફ્રેન્ડ' કહે અને એને લફરું જાણે નહીં ત્યાં સુધી શી રીતે છૂટે ?

પ્રશ્શનકર્તા : તો પછી આ મોહ અને પ્રેમ, એની તારવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય ?

દાદાશ્રી : પ્રેમ છે જ નહીં, તો પછી પ્રેમની વાત શું કરવા કરો છો ? પ્રેમ છે જ નહીં. બધો મોહ જ છે આ તો. મોહ ! મૂર્છિત થઈ જાય. બેભાનપણે, બિલકુલ ભાન જ નથી.

સિન્સિયારિટી ત્યાં સાચો પ્રેમ !

સામાથી કલમો ગમે એટલી ભાંગે, બધા સામસામી જે આપેલા વચન-પ્રોમિસ ગમે એટલાં તોડે પણ છતાંય સિન્સિયારિટી જાય નહીં. સિન્સિયારિટી એકલી વર્તનમાં જ નહીં પણ આંખમાંથી પણ ના જવી જોઈએ. ત્યારે જાણવું કે અહીં પ્રેમ છે. માટે એવો પ્રેમ ખોળજો. આ પ્રેમ માનશો નહીં. આ બહાર જે ચાલુ છે, એ બજારું પ્રેમ - આસક્તિ છે. એ વિનાશને લાવશે. છતાંય છૂટકો નથી. તેને માટે હું તમને રસ્તો બતાવીશ. આસક્તિમાં પડ્યા વગરેય છૂટકો જ નથી ને !

ભગવત્ પ્રેમની પ્રાપ્તિ !

પ્રશ્શનકર્તા : તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો છે ?

પ્રશ્શનકર્તા : હા, કરવો છે. છેવટે દરેક માનવનો ધ્યેય આ જ છે ને ? મારો પ્રશ્ન અહીંયા જ છે કે ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવો કેવી રીતે ?

દાદાશ્રી : પ્રેમ તો અહીં બધા લોકોને કરવો હોય, પણ મીઠો લાગે તો કરે ને ? એવું ઈશ્વર કોઈ જગ્યાએ મીઠો લાગ્યો એ મને દેખાડો ને !

પ્રશ્શનકર્તા : કારણ કે આ જીવ છેલ્લી ક્ષણે જ્યારે દેહ છોડે છે, છતાં પણ ઈશ્વરનું નામ નથી લઈ શકતો.

દાદાશ્રી : શી રીતે ઈશ્વરનું નામ લઈ શકે ? એને જ્યાં રુચિ હોય ને તે નામ લઈ શકે. જ્યાં રુચિ ત્યાં એની પોતાની રમણતા હોય. ઈશ્વરમાં રુચિ જ નથી ને તેથી ઈશ્વરમાં રમણતા જ નથી. એ તો જ્યારે ભય લાગે ત્યારે ઈશ્વર સાંભરે છે.

પ્રશ્શનકર્તા : ઈશ્વરમાં રુચિ તો હોય. છતાં અમુક આવરણ એવાં બંધાઈ જાય એટલે ઈશ્વરનું નામ નહીં લઈ શકતા હોય.

દાદાશ્રી : પણ ઈશ્વર પર પ્રેમ આવ્યા વગર શેનો નામ લે તે ? ઈશ્વર પર પ્રેમ આવવો જોઈએ ને ! અને ઈશ્વરને બહુ પ્રેમ કરીએ એમાં શું ફાયદો ? મારું કહેવાનું કે આ કેરી હોય તે મીઠી લાગે તો પ્રેમ થાય ને કડવી લાગે કે ખાટી લાગે તો ? એવું ઈશ્વર ક્યાં આગળ મીઠો લાગ્યો, તે તમને પ્રેમ થાય ?

એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે, કે જે ચેતન જગતના લક્ષમાં જ નથી અને ચેતન જે નથી તેને ચેતન માને છે. આ શરીરમાં જે ભાગ ચેતન નથી તેને ચેતન માને છે અને જે ચેતન છે એ એના લક્ષમાં જ નથી, ભાનમાં જ નથી. હવે એ શુધ્ધ ચેતન એટલે શુધ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે. એનું નામ ક્યારે યાદ આવે ? કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને 'દાદા' યાદ આવે છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એમને પ્રેમ છે તમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો ? કારણ કે 'દાદા'એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને ! એ યાદ કરવાનું હોય જ નહીં.

એટલે ભગવાન યાદ ક્યારે આવે ? કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે. એક માણસ મને કહે છે કે, 'મને બૈરી વગર ગમતું જ નથી.' અલ્યા, શી રીતે ? બૈરી ના હોય તો શું થાય ? ત્યારે એ કહે છે, 'તો તો મરી જઉં.' અલ્યા, પણ શાથી ? ત્યારે એ કહે છે, 'એ બઈ તો સુખ આપે છે.' અને સુખ ના આપતી હોય ને માર મારતી હોય તો ? તો ય એને પછી યાદ આવે. એટલે રાગ ને દ્વેષ બેઉમાં યાદ આવ્યા કરે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15